Opinion Magazine
Number of visits: 9584110
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મને હું મળી ગઈ

દેવિકા ધ્રુવ|Poetry|6 September 2017

અહો ક્યાં અચાનક મને હું મળી ગઈ.
હતી જે ખરી તે જગે હું જડી ગઈ.

આ ઊગ્યો રવિ દૂરથી રાત વીંધી
ને સૂરજની ધારા તિમિરો ગળી ગઈ. 

સમયના બે કાંટા સતત ફર્યા પણ,
ફરીને સમયના અક્ષરો કળી ગઈ. 

ભૂલી તો પડી’તી ઘડી બે ઘડી છો,
વળી તો, પરમ દર્શને હું મળી ગઈ. 

આ શબ્દોની ઝાડી મહીં વીંટળેલી
ઘનેરા ફૂલોનાં વને હું ઢળી ગઇ. 

નીરવ શાંત સ્થાને, સમી એક સાંજે,
અનાયાસે ખુદમાં, હવે હું ભળી ગઈ.


કલમની કમાલે ધરી હામ સાચી,
કહું? આ છે પૂજા, શિવે હું મળી ગઇ.

e.mail : ddhruva1948@yahoo.com

Loading

પ્રાઇવસી: સ્નોડેનથી ટોઈલેટ સુધી …

વિશાલ શાહ|Opinion - Opinion|6 September 2017

કોઈપણ વ્યક્તિનાં વર્તનનું મહત્ત્વ બીજાને અસરકર્તા હોય તો જ તેનું સમાજ માટે મહત્ત્વ હોવું જોઈએ. એ વર્તનના કોઈ પણ હિસ્સામાં સંપૂર્ણ સ્વતંત્રતાનો ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિના સંદર્ભમાં તેનું શરીર અને મગજ વ્યક્તિગત સાર્વભૌમત્વ ધરાવતો પ્રદેશ જ છે …

સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક જેટલો જ મહત્ત્વનો ‘રાઈટ ટુ પ્રાઇવસી’નો ચુકાદો આપતી વખતે અમેરિકન-બ્રિટિશ તત્ત્વજ્ઞાની જ્હોન સ્ટુઅર્ટ મિલ(૧૮૦૬-૧૮૭૩)નું આ ક્વૉટેબલ ક્વૉટ ટાંક્યું હતું. જ્હોન સ્ટુઅર્ટ મિલ ૧૯મી સદીના 'મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ફિલોસોફર' ગણાય છે. વ્યક્તિગત સ્વતંત્રતા અને તેનું મહત્ત્વ શું હોઈ શકે એ વિશે તેમણે આપેલા વિચારોનો વૈશ્વિક સ્તરે પ્રભાવ પડ્યો હતો. પ્રાઇવસી અને ફ્રિડમ અૉવ્ એક્સપ્રેસન પશ્ચિમી વિદ્વાનોએ આપેલો વિચાર છે અને તેઓ તેને કેટલું મહત્ત્વ આપે છે, એ જ્હોન સ્ટુઅર્ટ મિલનું ક્વૉટ ધ્યાનથી વાંચીને સમજી શકાય એમ છે.

તમને એડવર્ડ સ્નોડેન યાદ હશે! સ્નોડેને ૨૦૧૩માં ભાંડો ફોડ્યો કે, અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી 'પ્રિઝમ' પ્રોગ્રામ હેઠળ લાખો અમેરિકનોના કૉલ ડિટેઇલ્સ, ઇ-મેઇલ અને ક્રેડિટ કાર્ડ ડેટા પર ચાંપતી નજર રાખી રહી છે. બસ, ખેલ ખતમ. અમેરિકનોમાં હાહાકાર મચી ગયો. અમેરિકન મીડિયાએ વ્હાઈટ હાઉસના 'ટ્રાયલ' લેવાના શરૂ કરી દીધા. પ્રિઝમ પ્રોગ્રામનો હેતુ અમેરિકનોને સુરક્ષા આપવાનો હતો. આ રીતે જાસૂસી કરીને જ અમેરિકાએ ૯/૧૧ પછી ૪૫ મોટા આતંકવાદી હુમલા નિષ્ફળ બનાવ્યા હતા. સ્નોડેન અમેરિકાની જ જાસૂસી સંસ્થા સી.આઈ.એ.નો પૂર્વ અધિકારી હતો. નૈતિક રીતે સ્નોડેને અમેરિકા સાથે 'ગદ્દારી' કરી હતી, પરંતુ અમેરિકનો માટે એ બધાનું કશું જ મહત્ત્વ ન હતું કારણ કે, સરકારે લોકોની પ્રાઇવસી પર તરાપ મારી હતી.

એડવર્ડ સ્નોડેન અને ‘સ્નોડેન’ ફિલ્મનું પોસ્ટર

એ વખતે 'ટાઈમ' જેવા મેગેઝિને એક સર્વેક્ષણ કર્યું, જેમાં ૫૩ ટકા અમેરિકનોએ સ્નોડેનને સજા કરવાની તરફેણ કરી હતી. એ જ રીતે, ૨૭ ટકા લોકો સ્નોડેનને નિર્દોષ માનતા હતા. એ પછી તો ઓલિવર સ્ટોન જેવા ઓસ્કર વિનર ફિલ્મ ડિરેક્ટરે થોડી-ઘણી અડચણો સહન કરીને એડવર્ડ સ્નોડેનની 'સ્નોડેન' નામે જ બાયોપિક બનાવી અને સપ્ટેમ્બર ૨૦૧૬માં અમેરિકામાં વટ કે સાથ રિલીઝ પણ કરી. ઓલિવર સ્ટોનની ફિલ્મમાં એક ગદ્દારને 'હીરો' દર્શાવાયો હતો અને છતાં અમેરિકામાં તેમની ફિલ્મોનો પેલા ૫૭ ટકાએ બહિષ્કાર ના કર્યો. એ લોકો ગેસોલિનના કેરબા લઈને થિયેટરો સળગાવવા પણ ના ઊતરી પડ્યા.

જે તે વખતે અમેરિકામાં પણ અનેક લોકોએ સ્નોડેનનો (યોગ્ય રીતે જ) વિરોધ કર્યો હતો, પરંતુ એક અભિપ્રાય સામે બીજો અભિપ્રાય હોઈ શકે છે એ વાત સરેરાશ અમેરિકન ખેલદિલીથી સ્વીકારી શકે છે. સ્નોડેનનો વિરોધ કરતા મોટા ભાગના લોકોએ તેણે ચીન દ્વારા સંચાલિત હોંગકોંગ કે રશિયામાં આશરો લીધો એ સામે વાંધો હતો. વાત પણ સાચી હતી કારણ કે, ચીન કે રશિયા સુરક્ષાના બદલામાં સ્નોડેન પાસેથી અમેરિકન જાસૂસી તંત્રની ગુપ્ત માહિતી ઓકાવી શકે એમ હતા. અમેરિકાના એક મોટા (સ્નોડેનને નિર્દોષ માનતા પેલા ૨૭ ટકા), મજબૂત અને બોલકા વર્ગ માટે સ્નોડેન વ્હિસલ બ્લોઅર, હેક્ટિવિસ્ટિ (હેકર એક્ટિવિસ્ટ) કે હીરો છે. આ વર્ગ માટે અમેરિકાનાં બંધારણ, સ્વતંત્રતા, અભિવ્યક્તિ, આઝાદી અને ગુપ્તતાના અધિકારથી વિશેષ કશું મહત્ત્વનું નથી. આ ૨૭ ટકાને અમેરિકાના મજબૂત મીડિયાનો પણ આડકતરો લાભ મળે છે કારણ કે, અમેરિકન મીડિયા ઈન્ડસ્ટ્રીમાં (અનેક ખામીઓ છતાં) લોકશાહી, સ્વતંત્રતા, ગુપ્તતા અને વિશ્વ માનવવાદ જેવા સિદ્ધાંતોથી વરેલા મીડિયા હાઉસીસનો દબદબો છે.

હવે આ જ વાત ભારતના સંદર્ભમાં વિચારી જુઓ. સ્નોડેન જેવો કોઈ ભારતીય જાસૂસ સરકારની ગુપ્ત વાતોના વટાણા વેરીને પાકિસ્તાન જતો રહે તો? સ્નોડેન અત્યારે પણ અમેરિકાના 'દુશ્મન' રશિયામાં છે. આ સરખામણી કરીએ ત્યારે ભારત અને અમેરિકન મીડિયાનો પાયાનો ફર્ક સમજીએ. અમેરિકામાં ફક્ત એક જ ભાષા છે, જ્યારે ભારતમાં ૨૨ સત્તાવાર ભાષા છે. ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક ભાષાના મીડિયાની બોલબાલા છે. આ મીડિયા જ જુદા જુદા પ્રદેશોની પ્રજાનું માનસ ઘડે છે, જે મોટા ભાગે રાષ્ટ્રવાદ, દેશદાઝ, દેશપ્રેમથી પ્રેરિત હોય છે. આ લાગણીઓ મોટા ભાગે સાચા-ખોટાનું ભાન ભૂલાવી દે છે.

બીજી તરફ, ભારતના અંગ્રેજી મીડિયા પર સ્વાભાવિક રીતે જ પશ્ચિમી વિચારોનો પ્રભાવ છે. એ માટે અંગ્રેજી મીડિયા સાથે સંકળાયેલા લોકોનું પશ્ચિમી (કે અંગ્રેજી) શિક્ષણ જવાબદાર છે. તેમના માટે લોકશાહી, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, સર્વધર્મ સમભાવ અને ગુપ્તતા જેવા મુદ્દા અત્યંત મહત્ત્વના છે. દેશના વિકાસમાં આ બધી વાતોને તેઓ ખાસ મહત્ત્વ આપે છે. આ ફક્ત માહિતી છે, ટીકા નહીં. એટલે જ પ્રાઇવસી જેવો અત્યંત મહત્ત્વનો મુદ્દો અંગ્રેજી કે એલિટ મીડિયામાં જેટલો ચર્ચાઈ રહ્યો છે એટલો પ્રાદેશિક ભાષાના મીડિયામાં નથી ચર્ચાયો. હા, પ્રાદેશિક ભાષાના રાષ્ટ્રવાદી મીડિયામાં ટ્રિપલ તલાકની ચર્ચા જરૂર થઈ. ચર્ચા જ નહીં, ઊંડી છણાવટ પણ થઈ. પ્રાદેશિક ભાષાનું મીડિયા અનેક મુદ્દે અંગ્રેજી મીડિયાની આકરી ટીકા કેમ કરે છે એ સમજી શકાય એમ છે.

અમેરિકાની જ થિંક ટેંક પ્યૂ રિસર્ચે ૨૦૦૪માં એક સર્વેક્ષણ માટે દુનિયાના ૪૪ દેશના નાગરિકોને સવાલ પૂછ્યો કે, અમેરિકા તમારા કોમ્યુિનકેશન પર નજર રાખે, એ વાત તમને સ્વીકાર્ય છે? પરિણામો ચોંકાવનારા હતા. ગ્રીસમાં ૯૭ ટકા, ચીનમાં ૮૫ ટકા, ઈઝરાયેલમાં ૮૨ ટકા, બાંગ્લાદેશમાં ૭૦ ટકા અને અમેરિકામાં ૪૭ ટકા લોકોને આવી જાસૂસી સ્વીકાર્ય ન હતી, જ્યારે ભારતમાં ફક્ત ૩૩ ટકા લોકોને આ જાસૂસી સામે વાંધો હતો. આ સર્વેક્ષણમાં ભારતથી ઉદાર હોય એવો ફક્ત એક દેશ હતો, નાઈજિરિયા. નાઈજિરિયામાં માંડ ૩૧ ટકા લોકોને અમેરિકન જાસૂસી સામે વાંધો હતો. આ સર્વેક્ષણ ભારત અને નાઈજિરિયા જેવા દેશ-સમાજના સંદર્ભમાં અમેરિકનો માટે અભ્યાસનો વિષય છે. લોકોને પ્રાઇવસી જેવી બાબતની પણ કંઈ પડી નથી હોતી એ વાત સરેરાશ અમેરિકન સહેલાઈથી સમજી નથી શકતો.

જો કે, બસ, ટ્રેન કે શટલમાં મુસાફરી કરતો ભારતીય આ વાતથી સારી રીતે સમજી જશે. ટ્રેનની મુસાફરીમાં એક કે એકથી વધુ સાથે ફરવા જતા સંયુક્ત પરિવારોનું અવલોકન કરજો. ટ્રેનના એક નાનકડા ડબામાં જ 'ઘર' જેવો માહોલ હશે. આખી ટ્રેન સાંભળે એ રીતે મોટેથી વાતો થતી હશે, નાસ્તા-પાણી, ભોજન થતું હશે અને ગોસિપ પણ થતી હશે! (મોબાઈલ પર પણ જાહેરમાં આ જ રીતે વાતો થતી સાંભળી જ શકાય છે ને?) આ પરિવાર વચ્ચે 'ફસાયેલા' નવપરિણીત યુગલો પ્રાઇવસી માટે ફાંફાં મારતાં હશે! યુગલને પ્રાઇવસી જોઈએ એ વાતનો પરિવારના વડીલોને અહેસાસ સુદ્ધાં નહીં હોય. ગામડાં તો ઠીક, શહેરોમાં ય અનેક પરિવારોનાં યુગલોના આ હાલ હોય છે.

અને હા, એ ટ્રેનના ડબામાં પેલા સંયુક્ત પરિવાર વચ્ચે તમે પણ મુસાફરી કરતા હશો, તો તેઓ તમને કોઈ જ હિચકિચાહટ વગર તમારી જાતિ, ધર્મ, નોકરી-ધંધો, પગાર, સરનામું તેમ જ પરણેલા છો કે નહીં વગેરે સહજતાથી પૂછી લેશે. પ્રાઇવસી કી ઐસીતૈસી. આ રીતે વાતચીત કરવી કે ઘૂસ મારવી એ આપણા સમાજમાં 'આવડત' કે 'કળા' મનાય છે. ઓછાબોલી વ્યક્તિ માટે તો ગુજરાતીમાં 'મેંઢો' (કે મેંઢી) જેવો અપમાનજનક શબ્દ વાપરવામાં આવે છે.

ભારતમાં પાડોશી જાણતો જ હોય છે કે, પેલાને તેની પત્ની સાથે કે પેલીને તેના પતિ સાથે ઝઘડો કેમ થાય છે! પેલી સાસુને વહુ સાથે કેમ બનતું નથી કે પછી પેલા કે પેલીની સગાઈ કેમ તૂટી ગઈ હતી, વગેરે. નાના શહેર કે ગામમાંથી મોટા શહેરમાં રહેવા જનારાને પણ પાડોશી સાથે 'ફેમિલી રિલેશન' ના હોય તો સારું નથી લાગતું. એટલે જ ભારતીયો અમેરિકનોની ટીકા કરતા કહે છે કે, 'ત્યાં તો બાજુના બંગલૉમાં કોણ રહે છે એ પણ ખબર ના પડે …' મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરોમાં પણ 'પહેલો ભગવાન પાડોશી'નો ખ્યાલ હજુયે પ્રચલિત છે કારણ કે, ઈમર્જન્સીમાં સૌથી પહેલી મદદ પાડોશીની જ મળે છે. ભારતમાં પાડોશીનો ખ્યાલ સામાજિક મદદ કે ટેકાના ખ્યાલ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. જે ભારતીયોને પાડોશી સાથે વાટકી વ્યવહાર ના હોય તેઓ એકલખૂરા કે ઘરકૂકડા ગણાય છે.

જે દેશના રસ્તા પર ખુલ્લેઆમ પેશાબ કે કુદરતી હાજતે જતા હોય એવા દૃશ્યો દેખાતાં હોય ત્યાં ઉચ્ચ અને નિમ્ન વર્ગની પ્રાઇવસીની વ્યાખ્યામાં જમીન-આસમાન જેટલું અંતર છે. આજે ય ગ્રામીણ ભારતમાં લોટો લઈને સમૂહમાં કુદરતી હાજતે જવું એ બહુ સામાન્ય બાબત છે. યાદ કરો 'ટોઈલેટ: એક પ્રેમકથા'. આપણે ત્યાં સ્વની શોધ માટે થતી જાત્રા અને હનીમૂન માટે પણ ટોળેટોળાં સાથે જાય છે. ટૂંકમાં પ્રાઇવસી આજે ય ભારતમાં એલિટ ક્લાસનો મુદ્દો છે, નહીં કે એક સરેરાશ ભારતીયનો. પ્રાઇવસી એ ભારતમાં ક્યારે ય 'પોપ્યુલર ડિમાન્ડ' નહોતી.

જો કે, બહુમતી લોકો હંમેશાં સાચા નથી હોતા. આ દેશ કંઈ ખાપ પંચાયતોથી નથી ચાલતો. પ્રજાને દિશા આપવા બંધારણ છે. પ્રજા માટે પ્રાઇવસીનું મહત્ત્વ હોય કે ના હોય, પણ બંધારણ અને સુપ્રીમ કોર્ટ પણ કંઈ ચીજ છે.

***

ખેર, પ્રાઇવસીનો અધિકાર તો મળી ગયો, પરંતુ હજુયે ઘણી સ્પષ્ટતાઓ બાકી છે. અભિવ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારની જેમ પ્રાઇવસીના અધિકારની પણ કેટલીક મર્યાદા છે. વાણી સ્વાતંત્ર્યની જેમ પ્રાઇવસીના અધિકાર સાથે પણ સામાજિક બંધનો જોડાયેલા છે. સામાન્ય વ્યક્તિ તો ઠીક, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ પણ વાણી સ્વાતંત્ર્ય હોવા છતાં સ્પષ્ટ મત રજૂ કરી શકતા નથી. કોઈની લાગણી દુભાઈ જાય એવું સત્ય પણ બોલી શકાતું નથી. એવી જ રીતે, પ્રાઇવસીના અધિકાર સાથે આધાર ડેટા સિવાય પણ ઘણી બધી મહત્ત્વની બાબતો જોડાયેલી છે. જેમ કે, વ્યક્તિનું જાતીય વલણ (સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન), ગર્ભપાત, યુથેનેશિયા (મર્સી કિલિંગ) અને પ્રેસની પ્રાઇવસી – સ્વતંત્રતા, વગેરે. જો કે, સુપ્રીમના ચુકાદા પછી આવા અનેક મુદ્દે જનહિત અરજીઓ દાખલ કરીને કાયદાકીય સુધારા (કે વધુ સ્પષ્ટતા) કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.

દેર આયે દુરસ્ત આયે એ ન્યાયે આઝાદીના 70 વર્ષ પછીયે પ્રાઇવસીનો અધિકાર આપવા બદલ થેંક્સ ટુ સુપ્રીમ કોર્ટ.

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ પૂર્તિ’, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.co.uk/

Loading

સવાલો, સવાલો, સવાલો?

સ્વાતિ મેઢ|Opinion - Short Stories|5 September 2017

(વર્ષ ૨૦૦૪માં ‘નિરીક્ષક’ના ૨૬ ઑક્ટોબરના અંકમાં આ લખનારે જ લખેલી ‘વરુ અને ઘેટાના બચ્ચાની નવી વાર્તા ’. હવે નવી પેઢીની નવી વાર્તા)

નવી-નવી વાર્તાઓ માંડવાની હોંશમાં દાદાએ એમના એક વડવાની પરાક્રમની વાર્તા માંડી. આમ તો એ વાર્તા જૂની-પુરાણી વરુ અને ઘેટાના બચ્ચાની વાર્તા જ હતી, પણ એ વખતે એ નવી હતી. વરુ અને ઘેટાના બચ્ચાની નવી વાર્તા. એ વખતના એક ઘેટાના બચ્ચાએ બહાદુરી દેખાડીને એના દોસ્તો સાથે મળીને વરુને ભગાડેલું. બચ્ચું હીરો બની ગયેલું. વખત જતાં ઘેટાલોકોમાં રિવાજ પડ્યો, દરેક પેઢીને એ વાર્તા સંભળાવવાનો. ને આજે એ ઘેટાના બચ્ચાનાં પોતરાંનાં પોતરાંનાં પોતરાંનાં પોતરાંનાં પોતરાંના પરપોતરાંને દાદાએ વાર્તા કહેવા માંડી.

*    *    *

એક વગડો હતો. વગડામાં જાતજાતનાં પશુઓ રહે. શિયાળ, સસલાં, હરણ, શિકારી કૂતરાં, જંગલી બિલાડીઓ, વરુ ને બીજાં જંગલી પશુઓ રહે. નજીકના ગામમાં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, બિલાડી, કૂતરાં, વાંદરાં જેવાં પશુઓ રહે. એ બધાં હળીમળીને રહે. ગામનાં પશુઓ દિવસે વગડામાં ચરવા આવે. વગડામાં એક નદી હતી. બે ય કાંઠે ભરપૂર વહેતી નદી. એને કાંઠે લીલું-લીલું ઘાસ ઊગે. ગામનાં પશુઓ એ ઘાસ ચરે, વગડામાં ફરે, નદીનું પાણી પીએ અને ગામમાં પાછાં જાય. કાયમ એવું ચાલે. વગડાનાં પશુઓ પણ નદીએ પાણી પીવા આવે. કોઈ વાર એ લોકો અને ગામનાં પશુઓને લડાઈ થઈ જાય, પણ બહુ નહીં. વગડાનાં પશુઓને ગામનાં પશુઓ સાથે વેર જેવું નહીં.

એક વાર એવું થયું કે સાંજનો સમય હતો. બધાં પશુઓ ગામમાં જતાં રહેલાં. પણ એક  ઘેટાનું બચ્ચું શી ખબર કેમ એકલું રહી ગયું. એ ગામમાં પાછું જતું જ હતું. પણ એ પહેલાં એને પાણી પીવાનું મન થયું. એ નદીને કાંઠે પાણી પીવા ગયું. એ પાણી પીતું હતું ને નદીને સામે કાંઠે એક વરુ પણ પાણી પીતું હતું. ઘેટું ઉપરવાસમાં ઊભેલું. નદીનું પાણી વહેતું-વહેતું વરુ તરફ જતું હતું. વરુને એ વાતનું વાંકું પડ્યું. ‘હું વરુ થઈને ઘેટાએ પીધેલું પાણી પીઉં?’ વરુ તો વળી જાતનું જબરું. કંઈ કંઈ ઘુઘવાટા કરીને સૌને બિવડાવે. વરુએ ઘુઘવાટો કર્યો. ઘેટું તો પાણી પીતું’તું તે પીતું જ રહ્યું. વરુના ઘુઘવાટા તરફ એણે ધ્યાન જ ન આપ્યું એટલે વરુને ખીજ ચડી. એ બોલ્યું, ‘એ ય ઘેટુડા,પાણી પીવાનું બંધ કર. તું પાણી પીએ એમાં નદીનું પાણી ખલાસ થઈ જાય.’

વરુનો ઘાંટો સાંભળ્યો એટલે ઘેટાએ વરુની સામે જોયું. ‘એમ નદીનું પાણી થોડું ખલાસ થઈ જાય?’ ઘેટાએ સામો સવાલ કર્યો, એટલે વરુ ઓર ખિજાયું. વરુ કહે, ‘પણ તારું પીધેલું પાણી મારે પીવાનું? પાણી પીવાનું બંધ કર નહીં, તો હું તને ખાઈ જઈશ.’

તો ય ઘેટાએ તો પાણી પીવાનું ચાલુ જ રાખ્યું. હવે વરુ ખરેખર ખિજાયું. એ કૂદકો મારીને નદીને આ કાંઠે આવ્યું. ‘મેં કહ્યુંને તને તું મારું પાણી એંઠું કરે છે. તારે મારા પહેલાં પાણી નહીં પીવાનું.’ એમ કહીને વરુ ઘેટાની સામે આવીને ઊભું રહ્યું. ‘એક તો પાણી એંઠું કરે છે ને પાછું સામું બોલે છે?’ કહીને વરુ ઘેટા પર તરાપ મારવા ગયું. ‘હવે તો તને પૂરું કરીને જ રહીશ.’ અને એણે ઘેટાના બચ્ચા પર તરાપ મારી. હવે ઘેટું ખરેખર ગભરાઈ ગયું. એણે કહ્યું. ‘માફ કરો બાપલિયા મારી ભૂલ થઈ. હવેથી આવું નહીં કરું.’

‘ઠીક છે, આ વખતે જવા દઉં છું, પણ ફરી વાર જો આવું થશે તો તારી ખેર નથી. જા ભાગ અહીંથી.’ વરુ દાદાગીરી કરી ને પાછું વળીને વગડામાં જતું રહ્યું. ઘેટું ગભરાતું-ગભરાતું ગામમાં ગયું. એને વરુની ધમકી ગમી નહીં. પણ એ શું કરે?

ગામમાં જઈને એણે બીજાં પશુઓને વાત કરી. ‘જોજો બધાં સાચવજો. વગડામાં પેલું વરુ છે તે બહુ બિવડાવે છે.પાણીય પીવા દેતું નથી.’ ધીમે-ધીમે બધાંએ આ વાત જાણી. કેટલાંક પશુઓએ કહ્યું, ‘અમે તો ત્યાં પાણી પીવા જતાં જ નથી.’

‘તો તમે કઈ રીતે પાણી પીઓ છો?’ ઘેટાએ પૂછ્યું.

‘નહીં પીવાનું પાણી, ચલાવી લેવાનું.’ ઘણાં બોલ્યાં.

‘પણ તરસ લાગે તો?’ ઘેટાના બચ્ચાએ પૂછ્યું.

‘ગામમાં મળે તે પાણીથી ચલાવી લેવાનું. વગડાની નદીનું પાણી પીવા જવાનું જ નહીં. બીજું શું?’ ગાયે કહ્યું.

આ વાતો સાંભળીને ઘેટાનું બચ્ચું વિચારમાં પડ્યું. આ કઈ રીતે ચાલે? બે કાંઠે વહેતી ભરપૂર નદી. વગડામાં શિયાળ, વરુ, શિકારી કૂતરાં રહે તે બરાબર, પણ વગડાનું પાણી બસ એમનું જ? એકલાનું? નદી તો સૌને માટે હોય. એનું પાણી વગડામાં જાય તે બધાં પીએ. કોઈ ઉપરવાસમાંથી પીએ, કોઈ હેઠવાસમાંથી પીએ, એમાં વળી એવું શું થઈ ગયું કે વરુ અમને નાનામોટાં સૌને દબડાવે? ને બધાં સાંભળી ય રહે?

ઘેટું હજી નાનું હતું પણ એ બીજા ઘેટાં જેવું નરમ નહોતું. એણે બકરીને પૂછ્યું, ‘વરુ તને ધમકાવે તે તને ગમે છે?’

‘ના ગમે તો ય શું થાય? વરુ ધમકાવે, શિયાળ દબડાવે, શિકારી કૂતરાં બાઝવા આવે, પણ આપણે શું કરી શકીએ?’ બકરીએ જવાબ આપ્યો.

‘પણ આપણે સામા થઈએ તો?’ ઘેટાના બચ્ચાએ સવાલ કર્યો.

‘ના થવાય.આપણાથી સામા ના થવાય. તારા બાપદાદામાંથી ય કોઈ સામું ન’તું થયું. જબરા જણની સામે થવાય જ નહીં.’

‘તો ય થઈએ તો?’ બચ્ચાએ સવાલ કર્યો.

બકરી બોલી. ‘તો વરુ ખાઈ જાય, બીજું શું? કોણ જાણે આવડા અમથાને આવું કેમ સૂઝે છે?’ ને બબડતી-બબડતી જતી રહી.

ઘેટાનું બચ્ચું વિચારમાં પડી ગયું. બાપદાદાએ સામા થવાનો વિચાર ન કર્યો તો આપણે ય નહીં કરવાનો? વરુ મારીને ખાઈ જાય એવી બીકથી તરસે મરવાનું? આમે ય મરવાનું ને તેમે ય મરવાનું? આ તે કેવી રીત?’ એ વિચારતું રહ્યું, વિચારતું રહ્યું. બીજાં બેત્રણ જણને વાત કરી, તો કોઈએ કહ્યું, ‘આનું મગજ ચસકી ગયું છે. તે દહાડે વરુએ ધમકાવ્યું એમાં બીક લાગી ગઈ છે. મંતર લગડાવો નહીં, તો એનું ભૂત બધાંને હેરાન કરશે.’ બધાંએ એની સાથે બોલવાનું બંધ કરી દીધું. બચ્ચું તો એકલું-એકલું ફર્યા કરે ને વિચાર કર્યા કરે. થોડા દિવસ થયા ને એને એકદમ વિચાર આવ્યો. મગજમાં જાણે ઝબકારો થયો.

‘વરુ મારીને ખાઈ જાય તો કેટલાંને ખાય? બધાં ભેગાં થઈને જઈએ તો કોને ખાય? વરુ મારવા આવે અને સામા થઈએ તો શું થાય?’ એને એક સામટા વિચારો આવવા માંડ્યાં. એક વાર સાંજ પડ્યે બધાં પશુઓ વાગોળતાં બેઠાં’તાં. ઘેટાનું બચ્ચું એમની પાસે ગયું. કોઈ સાંભળે કે ન સાંભળે એણે તો બધાંને પોતાનો વિચાર કહ્યો. પહેલાં તો બધાં હસવા માંડ્યાં પણ પછી બધાં સમજ્યાં કે ‘આપણે ભેગાં થઈને વરુને સીધું કરીએ.’

‘હા, એ વાત બરાબર.’ બધાં પશુઓએ કહ્યું.

આ વાત ગામનાં બધાં પશુઓએ જાણી. કોઈ-કોઈ ડરતાં-ડરતાં ને કોઈ હિંમતથી જોડાયાં ને એક સાંજે બધાં વગડાની નદીએ પહોંચ્યાં. કૂતરાં, બિલાડાં, ગાયો, ભેંસો, બકરીઓ, ઘેટાં બધાં ય સાથે હતાં. એમને જોઈને હરણો અને સસલાં ય આવી ગયાં. વાંદરાં તો હોય જ. સૌથી પહેલાં ઘેટાના બચ્ચાએ નદીમાંથી પાણી પીવા માંડ્યું. એ જ વખતે શિયાળ અને વરુ પણ પાણી પીવા આવ્યાં. શિયાળ તો એકલું – એકલું પાણી પીને જતું રહ્યું, પણ વરુથી ના રહેવાયું. દાદાગીરી કરવાની ટેવ પડી ગયેલીને? એણે ઘુઘવાટો કર્યો, ‘એ ય ઘેટા, મેં ના પાડી’તી તો ય નદીએ પાણી પીવા આવે છે?

ઘેટાનું બચ્ચું તો જાણે સાંભળતું જ નથી. એટલામાં બકરીઓએ આવીને પાણી પીવાનું શરૂ કર્યું. પછી ગાયો આવી, ભેંસો આવી, કૂતરાં ય આવ્યાં. હવે શું થશે, એ જોવા હરણો અને સસલાં ય પાસે આવ્યાં. વરુ નદીને સામે કાંઠેથી આ કાંઠે આવ્યું. એણે ઘેટા પર તરાપ મારી, ઘેટું એના પંજા નીચે આવી ગયું. એટલામાં બકરીએ પાછળથી આવીને વરુને પૂંઠ પર શીંગડાં માર્યાં. વરુ સહેજ હાલી ગયું. ઘેટું છટકી ગયું. વરુએ ઘેટાને ફરીથી પકડી લીધું. ત્યાં ગાયો અને ભેંસો આવી ને વરુ સામે શીંગડાં ઉગામીને ઊભી રહી. એમને જોઈને હરણો અને સસલાંને મજા પડી. એ બધાં પણ નજીક આવી ગયાં. સસલાં તો વરુના પગ નીચે આટાપાટા રમવા માંડ્યાં. બિલાડી દૂરથી ઘુરકિયાં કરવા માંડી. હરણે પણ હિંમત કરીને વરુને બે વાર શીંગડાં મારી જ દીધાં. કૂતરાં ભસાભસ કરવા માંડ્યાં.

બધાં પશુઓના એકસામટા હુમલાથી વરુ હેબતાઈ ગયું. જો કે એમ તો એ જબરું એટલે એણે ય સામે બહુ ઘુઘવાટા કર્યા, પગ નીચે ઘેટાને પકડી રાખ્યું. પણ બધાં એકસાથે હતાં, એટલે કોઈ ડર્યું નહીં. ધમાલ- ધમાલ મચી ગઈ વગડામાં. વરુએ આમતેમ જોયું. દૂર શિયાળ ઊભેલું. શિકારી કૂતરાં ય હતાં. પણ કોઈ વચ્ચે ન પડ્યાં. બકરાં, ગાયો, ભેંસો, હરણ, સસલાં બધાંની ભેગી પજવણીથી વરુ અકળાવા માંડ્યું. જોરજોરથી ઘુઘવાટા કરે, પણ કોઈ ડરે જ નહીં! આવું તો પહેલાં કદી નહોતું થતું. હવે તો વગડાનાં વાંદરાં ય ચિચિયારીઓ કરતાં ધમાલમાં જોડાયાં. છેવટે વરુએ ઘેટાને છોડી દીધું ને હુમલાથી છટકવા આમતેમ દોડવા માંડ્યું. તો બધાં પશુઓ એની આગળપાછળ દોડવા માંડ્યાં. વરુને ખીજ ચડી. એણે એક સસલાને પકડી લીધું. પણ એક હરણે એને શીંગડાં માર્યાં ને સસલું છટકી ગયું. હવે વરુ સિવાયનાં બધાંને મજા પડતી’તી.

વરુની વહારે નથી શિયાળ આવતું, નથી આવતાં શિકારી કૂતરાં. વરુના તો હાલ બેહાલ. આ બધાં વચ્ચેથી માંડ નીકળીને વરુ વગડાની અંદર ભાગી ગયું. ગામનાં પશુઓ આ રીતે વગડાનાં પશુઓની સામે થાય? વગડાનાં પશુઓ ચેતી ગયાં.

થોડા દિવસ પછી એમણે અને ગામનાં પશુઓએ સાથે મળીને નક્કી કર્યું કે વગડાના કોઈ પશુએ ગામનાં પશુઓને વગડામાં ચરતાં, વાગોળતાં ને પાણી પીતાં રોકવા નહીં. કોઈનો શિકાર કરવો નહીં. એ વાત જો કે વગડાનાં પશુઓને ના ગમી. તો ય માનવી પડી. કાયદો આવ્યો, એટલે હવે વરુ ગામનાં કે વગડાનાં કોઈ પશુને વગર કારણે ડરાવતું નથી. પશુઓ જો કે એકલાં નદીએ પાણી પીવા જતાં ય નથી. કોઈ વાર એકલદોકલ પશુ વગડામાં જાય, તો વરુ એને મારી ય નાખે છે. પણ ઘુઘવાટા કરીને નાનાં પશુઓને દબડાવવાનું તો વરુએ બંધ કરવું પડ્યું. હવે નાનાં પશુઓને વગર વાંકે કોઈ હેરાન નથી કરતું. પશુઓ વગડામાં કૂણું-કૂણું ઘાસ ચરે છે, ત્યાં જ બેઠાં વાગોળે છે, નદીનું પાણી પીને ગામમાં પાછાં વળે છે. પણ વાતે-વાતે એમનો વાંક જોવાની વગડાનાં પશુઓની ટેવ તો હજી નથી જ ગઈ. વાંક જુએ તો ટીપી નાખે. પણ પછી કાયદો એને શિક્ષા કરે, દંડ કરે. જો પકડાઈ જાય તો.

*    *    *

દાદા વાર્તા પૂરી કરે એટલામાં તો પરપોતરાં દાદાને સવાલો પૂછવા માંડ્યાં.

‘દાદા, કાયદો એટલે?’ એક બચ્ચાએ પૂછ્યું, ‘એ ક્યાં હોય?’ ‘આપણને એ જોવા મળે?’ બીજાએ પૂછ્યું. ‘દાદા, બધાં સાથે કેમ જવાનું? એકલા કેમ ન જવાય? કાયદાને જોવા અમારાથી જવાય?’ એક બબૂડીએ બીજા સવાલો કર્યાઃ ‘દાદા એ વગડો ક્યાં હતો? અમે તો વગડો જોયો જ નથી, અમને વગડો દેખાડોને, દાદા!’ પેલી વાર્તાના ઘેટાના બચ્ચાની સાતમી પેઢી કે શી ખબર કઈ પેઢીનાં કોઈ-કોઈ બચ્ચાં સવાલો પૂછે છે. દાદા માથું પકડીને બેઠા છે.

અરેરેરેરે, ડાહ્યા થઈને વાર્તા સાંભળીને તાળીઓ પડવાને બદલે, એ ઘેટાદાદાનું સ્મારક બનાવવું, એમનું પૂતળું મૂકવું, એમનો ‘ડે’ ઊજવવો જેવા રચનાત્મક વિચારો કરવાને બદલે આમ સવાલો, સવાલો, સવાલો? શું વખત આવ્યો છે ! દાદાને બહુ ચિંતા થાય છે ઘેટાંલોકોની, આ નવી પેઢીની, એમની આ ટેવની.

ચિંતા તો મનેય થાય છે. કોની? સમજો તો, શાણા કહું!

Email: swatejam@yahoo.co.in

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2017; પૃ. 17-18

Loading

...102030...3,2933,2943,2953,296...3,3003,3103,320...

Search by

Opinion

  • પૈસા આપવાનું વચન આપીને RSS દ્વારા બોલાવાયેલા સત્યાગ્રહીઓ!
  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved