Opinion Magazine
Number of visits: 9664534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અફલાતૂન લેખકની અફલાતૂન આપકથા 

દીપક મહેતા|Opinion - Literature|7 April 2025

06 એપ્રિલ – આજે ચંદ્રવદન ચીમનલાલ મહેતાનો જન્મ દિવસ 

એ નિમિત્તે થોડીક વાત એમની આપકથા શ્રેણી ‘બાંધ ગઠરિયાં’ વિષે 

ચંદ્રવદન ચી. મહેતા

નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા એટલે ઉમાશંકર જોશીએ કહેલું તેમ ‘ચંદ્રવદન એક ચીજ, ગુજરાતે ના જડવી સહેલ.’ અને તેમની બીજી એક અનોખી ચીજ તે તેમની અફલાતૂન આત્મકથા. નિર્જન ટાપુ પર થોડો વખત સાવ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર એક જ ગુજરાતી પુસ્તક લઇ જવાની છૂટ હોય તો કયું પુસ્તક સાથે લઈ જવું તે નક્કી કરતાં આ લખનારને જરા ય વાર ન લાગે. હા, થોડી અંચઈ કરવી પડે, કારણ કે સાથે લઈ જવાનું એ પુસ્તક તે ૧૪ પુસ્તક રૂપે પ્રગટ થયેલી આપકથાની ગઠરિયાં શ્રેણી. 

પણ આ જ પુસ્તક કેમ? આ શ્રેણી સાથે હોય તો સુરત, મુંબઈ, ગુજરાત, દિલ્હી, ભારત તો સાથે હોય જ, પણ પોણી દુનિયા પણ સાથે હોય. સી.સી.ની આપકથા તો સાથે હોય જ, પણ ધ્રુવ પ્રદેશ સુધીની ભ્રમણ કથા સાથે હોય, દેશ વિદેશનાં નાટક, રંગભૂમિ, રંગકર્મીઓ, ફિલ્મો, સભા-સમારંભોની ઢગલાબંધ વાતો સાથે હોય, બાળપણમાં જે રેડિયો પરથી ચન્દ્રવદનનો અવાજ પહેલી વાર સાંભળેલો તે ઓલ ઇન્ડિયા રેડિયોની અવનવી વાતો સાથે હોય, અનેક જાણી-અજાણી વ્યક્તિઓની અંતરંગ વાતો સાથે હોય, ગણિતનો કોઈ ખેરખાં પણ ન કરી શકે એવો શૂન્યનો સરવાળો સાથે હોય. 

ગુજરાતી સાહિત્યમાં ચન્દ્રવદને પ્રવેશ કર્યો કવિતાથી. અને તેમને સૌથી વહાલું તે તો નાટક. પણ ચન્દ્રવદનનું હૃદય અને કલમ  સોળે કળાએ ખીલે અને ખૂલે છે તે તો ૧૯૫૪થી પુસ્તકરૂપે પ્રગટ થયેલી તેમની આ ૧૪ ગઠરિયાંઓમાં. હા, જાગ્રત અને કર્તવ્યનિષ્ઠ લાયબ્રેરિયન માટે આ શ્રેણી મોટી વિમાસણ ઊભી કરે તેવી છે. આ પુસ્તકોને આત્મકથાના ખાનામાં ગોઠવવાં? કે પ્રવાસવર્ણનોની છાજલી પર? નાટક અને રંગભૂમિ વિશેનાં પુસ્તકોની બાજુમાં રાખવાં? સાહિત્યના રૂઢ પ્રકારોમાંથી કોઈ એક પ્રકારમાં ફીટ થાય તેવું તેનું રૂપ નથી. ચંદ્રવદન પોતે જ ક્યારે ય કોઈ ચોકઠામાં ફીટ થાય એવા ક્યાં હતા? અનેક રૂઢ સાહિત્યપ્રકારોના અજબગજબના કોકટેલમાંથી અહીં ચન્દ્રવદને પોતાના વ્યક્તિત્વને અને વક્તવ્યને હાથ-મોજાંની જેમ બરાબર ફીટ થઈ જાય એવો આગવો ઘાટ નીપજાવ્યો છે. પરિણામે ચન્દ્રવદનના ઘટમાં જે કાંઈ હતું તે બધું જ આ ઘાટમાં ઠલવાયું છે. અહીં આપકથા (લેખક ‘આત્મકથા’ને બદલે ‘આપકથા’તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે) રેખાચિત્ર, પ્રવાસકથા, સ્મરણગાથા, નિબંધ, સમીક્ષા, વિવેચન, ટૂચકા, કિસ્સા, કવિતા, કથા, ઇતિહાસ, ભૂગોળ, જેવા અનેક જુદા જુદા પ્રકારોના ઘટકોનું અત્યંત મદીલું, મારકણું કોકટેલ તૈયાર થયું છે. 

‘બાંધ ગઠરિયાં’ના બે ભાગ ૧૯૫૪માં પુસ્તક રૂપે પ્રગટ થયા તે પહેલાં એમાંનું લખાણ ‘કુમાર’ માસિકમાં હપ્તાવાર પ્રગટ થતું હતું. જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ૧૯૫૪માં ચન્દ્રવદનની ઉંમર બાવન વર્ષની. નેવું વર્ષની ઉંમરે ૧૯૯૧માં અવસાન થયું. તેને આગલે વર્ષે, ૧૯૯૦માં, છેલ્લી કડી ‘શૂન્યનો સરવાળો’ લખીને પૂરી કરી. અવસાન થયું ત્યારે તે ‘જન્મભૂમિ-પ્રવાસી’માં હપ્તાવાર પ્રગટ થઈ રહી હતી. ૧૯૯૧ના જૂનની ૧૬મી તારીખે તેનો છેલ્લો હપ્તો પ્રગટ થયો. પુસ્તકરૂપે તો છેક ૧૯૯૫માં આ છેલ્લો મણકો પ્રગટ થયો. એટલે કે ચન્દ્રવદનની લગભગ અડધી જિંદગી સુધી આ શ્રેણીનું લેખન-પ્રકાશન ચાલ્યું. ગુજરાતી આત્મકથાના લેખન-પ્રકાશનમાં આ એક રેકર્ડ ગણાય.

આટલા લાંબા ગાળામાં દુનિયા તો બદલાઈ જ, પણ ચંદ્રવદન જેવા ચંદ્રવદન પણ બદલાયા. એમની બદલાતી જતી તાસીર આ ચૌદ પુસ્તકોમાં બરાબરની ઝીલાઈ છે. પહેલાં, ચીડ, અફસોસ, દોષદર્શન વધુ જોવા મળે. પછીના ભાગોમાં શમ, ઉપશમ, અને છેવટે નિર્વેદ અને ‘શાન્તોપિ નવમો રસઃ’ સુધી પહોંચે છે તેમની લેખન જાતરા. ‘બાંધ ગઠરિયાં’ની પ્રસ્તાવનાનું છેલ્લું વાક્ય છે : “હે ભગવાન! જેવી રહી તેવી સહી, આ કાયાની ગઠરિયા હાથ-વાંસે બંધાવી ચિતામાં ખડકાવી દેજે.” સારે નસીબે તેમની આ અરજી ભગવાન સુધી પહોંચતાં ખાસ્સી વાર લાગી. કારણ ગુજરાતની જેમ સ્વર્ગમાં પણ કોઈ પુસ્તકો ખરીદતું કે વાંચતું નહિ હોય. અને ‘લખવાનું તદ્દન બંધ કરવું’ એવી પ્રસ્તાવનામાંની જોહુકમી ચન્દ્રવદનના હૈયા અને હાથે જ માની નહિ. 

આપણા દેશની આખેઆખી રેલવે-સૃષ્ટિને તો તેઓ ગળથૂથી સાથે જ મેળવીને પી ગયેલા. ચૌદ પુસ્તકોની આ આગગાડી પણ સતત બે પાટે ચાલતી રહે છે. એક પાટો છે પોતે જિંદગીમાં જે ભરપૂર જોયું, જાણ્યું અને માણ્યું તેનો, તેમના જીવનની આગગાડીના ડબ્બામાં જુદે જુદે વખતે જે છડિયાં ચડ્યાં-ઉતર્યાં તેમને વિશેનો. તો બીજો પાટો છે જીવનમાં સતત અને સખત રીતે જે નરી અને નકરી એકલતા અનુભવી તેનો. ‘શૂન્યનો સરવાળો’ના છેલ્લા પ્રકરણમાં લખે છે : ‘પચાસ વર્ષથી એ એકલતા સદી ગઈ છે.’ અલબત્ત, આ એકલતા જેટલી શબ્દોમાં પ્રગટ થઈ છે તેના કરતાં વધારે તો શબ્દો વચ્ચેના ખાલીપામાં પ્રગટ થઈ છે. 

પણ ગઠરિયાં શ્રેણીનું સૌથી વધુ આગવું અને મોહક તત્ત્વ તો છે તેની બહુરંગી ભાતીગળ ગદ્યશૈલી. જેવું શીલ તેવી શૈલી એ કથન આ ગદ્યશૈલીને પૂરેપૂરું લાગુ પડે. લેખકના વ્યક્તિત્વની એકેકેક રંગઝાંયનું આબેહૂબ અને પૂરેપૂરું પ્રતિબિંબ ઝીલતું આવું ગદ્ય આપણી ભાષામાં ક્યારેક જ જોવા મળે છે – નર્મદના લેખોમાં, ગાંધીજીની આત્મકથામાં, સરદાર પટેલનાં ભાષણોમાં, સ્વામી આનંદના નિબંધોમાં, — અને આ ગઠરિયાં-શ્રેણીમાં. એ વાંચતા હો ત્યારે જાણે ધસમસતી નદીના પ્રવાહમાં ખેંચાતી નાનકડી હોડીમાં તમે બેઠા હો તેવું લાગે. નદીના પ્રવાહ સાથે આગળ ને આગળ ખેંચાતા જાવ. ક્યારેક ડાબે-જમણે નજર જાય, ક્યારેક ઉપર, ક્યારેક તમારી અંદર પણ જાય. ક્ષણે ક્ષણે દૃશ્યો બદલાતાં જાય, હવાની રૂખ પણ બદલાતી રહે. ક્યારેક ગુલાબી ટાઢ, ક્યારેક કુમળો તડકો, ક્યારેક તાપ-સંતાપ પણ ખરો. તો ક્યારેક વરસાદ ભીંજવે. આવો અનુભવ થાય ગઠરિયાં વાંચતાં. પણ ગઠરિયાંના લેખકનો, અને તેથી તેમના ગદ્યનો મૂળ સ્વભાવ જાતે ભીંજાવાનો, અને બીજાને ભીંજવવાનો. ચન્દ્રવદનના પ્રિય કવિ આખાબોલા અખાની પંક્તિ જરા જુદા અર્થમાં વાપરીને આ ગઠરિયાં માટે કહી શકાય : ‘અક્ષયરસની ચાલે છે નદી.’ ગઠરિયાંનાં ૧૪ પુસ્તકો તો સી.સી., અને માત્ર સી.સી. જ, લખી શકે. અને જે પુણ્યશાળી હોય તે જ તેમની આ આપકથાની ગંગામાં નહાય. 

ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. એક વાર બંને બહેનોએ લાકડાના ખોખા પર બેસાડી સી.સી.નો રાજ્યાભિષેક કરેલો. ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાંવાળી ટોપી પહેરાવેલી અને મેનાબાઈએ રાજતિલક કરેલું. તલવાર મળી નહિ એટલે જાંબુડાની ડાળખીથી કામ ચલાવેલું. જ્યાં તલવાર ન મળી ત્યાં તાજ તો ક્યાંથી લાવવો? પણ ના. આજે હવે ચંદ્રવદનભાઈને માથે મૂકવા તાજ ક્યાંથી લાવવો એવી વિમાસણ થાય તેમ નથી. કારણ ચૌદ રત્નોવાળો ગઠરિયાં શ્રેણીનો તાજ હવે ચંદ્રવદનભાઈને માથે શોભે છે.   

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

Loading

વધારે જંગલી લોકો તો જંગલની બહાર વસે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 April 2025

રવીન્દ્ર પારેખ

પ્રકૃતિ તેની સાથે થતી છેડછાડના અનેક આઘાતો મનુષ્યજાતને આપે છે, પણ માણસ જાત એટલી સ્વાર્થી ને મતલબી છે કે તે મરવા તૈયાર થશે, પણ સુધરવા તૈયાર નહીં થાય. જંગલમાં વસતા જીવો પર, જંગલો પર થોડી કમાણીની લાલચે મનુષ્ય એટલા અત્યાચારો કરે છે કે વન્ય સંપત્તિ ને જીવોનો સર્વનાશ થઈને રહે. વૃક્ષોના ઉછેરની, પર્યાવરણની વાતો તો ઘણી થાય છે, પણ એકાદ વૃક્ષ વાવવાનું કોઈથી ભાગ્યે જ બને છે. પ્રદૂષણ રોકવાની વાત તો દૂર રહી, હવા, પાણીને પ્રદૂષિત કરવાની એક પણ તક ભાગ્યે જ કોઈ જતી કરે છે. પ્રકૃતિના વિનાશ વગર વિકાસ શક્ય જ ન હોય તેમ, પર્યાવરણ સાથેની મનુષ્યની શત્રુતાના ઢગલો ઉદાહરણો મળી રહે તેમ છે. 

જંગલોના વિનાશ અંગે વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના આંકડા આંચકા આપે તેવા છે. પાછલાં વર્ષમાં પૃથ્વી પરથી 1.5 લાખ ચોરસ કિલોમીટર ટ્રોપિકલ જંગલોનો નાશ થયાની વાત છે. એમ કહેવાય છે કે આડેધડ વૃક્ષો કપાવાથી 7.5 બિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ હવામાં ભળ્યો ને તેને કારણે ઋતુઓમાં થતા ફેરફારો, ગરમીમાં થતો વધારો, બરફ ઓગળવા જેવી અનેક વિટંબણાઓ ગ્લોબલ વોર્મિંગને નામે મનુષ્યને ઘેરતી રહી છે.

અન્ય દેશોની વાત જવા દઈએ તો પણ, ભારતમાં આમ પણ ટ્રોપિકલ જંગલો ઓછાં છે, તેમાં છેલ્લાં 15-16 વર્ષમાં 15,000 ચોરસ કિલોમીટર જંગલોનો વિસ્તાર જોખમાયો છે. બીજી તરફ ભારતીય પ્રજા પર્યાવરણને મામલે સૌથી વધુ બેદરકાર છે. તે પરિણામો વેઠે છે, પણ આ વેઠવાનું પર્યાવરણની ઉપેક્ષાને લીધે છે એવી સભાનતા તેનામાં લગભગ નથી. ઊર્જાનો ઉપયોગ વધ્યો છે, પણ તેની  કાર્યક્ષમતા વધારવાની ચિંતા ઓછી જ છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધે છે, પણ તેની ખપત ઘટતી નથી. એ ઘટી હોત તો વાહનો પણ ઘટયાં હોત, પણ તેની ખરીદી વધતી જ જાય છે. દેખીતું છે કે આ બધાંનું પરિણામ ગરમી વધવામાં જ આવે. એનાથી મરી જવાય તો વાંધો નથી, પણ પર્યાવરણનાં વિનાશમાંથી ઉપયોગી કૈં મળતું હોય તો તે માણસ જાતને ખપે છે, એટલે જ તો દંતશૂળ મેળવવા તે હાથીને મારે છે કે પીંછા માટે મોરને મારે છે કે પર્સ માટે સસલાંને મારે છે. ઘરમાં રાચરચીલું વધતું હોય તો વૃક્ષોની સુશોભિત લાશ ઘરમાં વસાવવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે.

વાતો તો વધુ વૃક્ષો વાવોની થાય છે, પણ કપાય છે તે વૃક્ષો જ છે, તે નોંધવાનું રહે. સીધી વાત એટલી છે કે આપણા ચાવવાના ને બતાવવાના જુદા છે. આટલી ભૂમિકા એટલે બાંધી કે હૈદરાબાદ યુનિવર્સિટીને અડીને આવેલાં 400 એકર જંગલોનો ખાતમો બોલાવવાનો આદેશ તેલંગાણા સરકારે આપ્યો છે. કોણ જાણે કેમ પણ જ્યારથી તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારથી તે સમસ્યાઓ જ સર્જતું રહ્યું છે. સરકારો વૃક્ષના ઉછેરની વાતો તો ઘણી કરે છે, પણ એ વાતો છે, દંભ છે, તે સરકાર પણ જાણે છે, કારણ જંગલો કાપવાનો આદેશ પણ સરકાર જ આપે છે, જેવો તેલંગાણા સરકારે આપ્યો છે. આદેશ આપવાનું કારણ શું, તો કે કોર્પોરેટ આઇ.ટી. પાર્ક બનાવવાનું. આઇ.ટી. પાર્ક દ્વારા કરવું છે શું? તો કે, એ દ્વારા 50 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મેળવવું છે ને 5 લાખ નોકરીઓ ઊભી કરવી છે. ઇન્વેસ્ટમેન્ટ અને નોકરીઓ માટે તેલંગાણા સરકારના એ દિવસો આવ્યા છે કે 400 એકર જંગલો કાપવા બુલડોઝરો ફેરવવાં પડે. આવી કારમી ગરીબી ભાગ્યે જ કોઈ બીજી સરકારની હશે. એને માટે તેલંગાણા સરકારે હરણાં, મોર ને અનેક વન્ય જીવોને કાળજું કંપાવનારાં રુદનને ભરોસે છોડી મૂક્યાં છે. વનને ભોગે જીવન શોધતી તેલંગાણા સરકારનો વિરોધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કરી રહ્યા છે, તો તેમને માથે પોલીસ ઠોકી બેસાડાઈ છે જે લાઠી ચાર્જ કરવા સુધી ગઈ છે. પર્યાવરણ અંગે વિદ્યાર્થીઓને સૂઝે છે, એટલું પણ સરકારને સૂઝતું નથી એ કેવી વિડંબના છે !   

1974માં કેન્દ્ર સરકારે લગભગ 2,300 એકર જમીન હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી માટે આપી હતી. 2003 અને 2004માં રાજ્ય સરકાર અને યુનિવર્સિટી વચ્ચે જમીન અંગે કરાર થયો હતો. સરકારનું કહેવું છે કે કરાર થતાં આ જમીન હવે સરકારની થઈ ગણાય. એના બદલામાં યુનિવર્સિટીને 397 એકર જમીન અલગથી ફાળવવામાં આવી. 2004માં આંધ્ર સરકારે IMG એકેડેમીને જમીન ફાળવી તો ખરી, પણ તેને  પાછળથી રદ્દ પણ કરવામાં આવી. એ પછી તેલંગાણા રાજ્યની રચના થતાં એ જમીન તેલંગાણા સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રા સ્ટ્રક્ચર કોર્પોરેશનને મળી. કોર્પોરેશને માર્ચમાં એરિયાના ડેવલપમેન્ટનો પ્લાન શેર કર્યો ને 30 માર્ચે બુલડોઝર વૃક્ષો કાપવાં મોકલી આપ્યાં. મોરનાં રૂદનનો એ કરુણ વીડિયો ફેલાઈ જતાં વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ શરૂ કર્યો. બીજે દિવસે પર્યાવરણવાદીઓ ને સામાન્ય લોકો પણ જોડાયા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે બાયો ડાઈવર્સિટી નહીં રહે તો ભવિષ્યમાં હૈદરાબાદમાં રહેવાનું મુશ્કેલ થઈ જશે. વિદ્યાર્થીઓનું માનવું છે કે તેલંગાણાના મુખ્ય મંત્રી રેવન્ત રેડ્ડીનો ‘જંગલ કાપ’ નિર્ણય વાહિયાત છે. સુપ્રીમ કોર્ટે હાલ તુરત તો યુનિવર્સિટી નજીક કાંચા ગાચી બોવલી જંગલોનાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે ને વૃક્ષોની સુરક્ષા તેલંગાણા સરકાર સુનિશ્ચિત કરશે તેવો આદેશ આપ્યો છે ને બીજો આદેશ થાય તે પહેલાં ત્યાં કોઈ ગતિવિધિ નહીં થાય તેવો આગ્રહ રાખ્યો છે. 

સુપ્રીમે સૂઓમોટો નોંધ લેતાં ટકોર પણ કરી કે આડેધડ વૃક્ષો કાપવાની એવી તે શી ઉતાવળ હતી? રાજ્યના મુખ્ય સચિવ પાસે સુપ્રીમે આ મામલે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું છે કે વૃક્ષો કાપવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવાઈ હતી કે કેમ? સુપ્રીમે ત્યાં સુધી કહ્યું છે કે આમાં રાજ્યની કોઈ ભૂલ હશે તો મુખ્ય સચિવ એ જ સ્થળે બનેલી કામચલાઉ જેલમાં જશે. કોર્ટનો કેન્દ્ર સરકારની સમિતિને પણ આ મામલે મુલાકાત લેવાનો ને રિપોર્ટ કરવાનો નિર્દેશ છે. 16 એપ્રિલે સુનાવણી થાય ત્યાં સુધી જંગલો કાપવાનું અટકશે એમ લાગે છે. જો કે, વાત તો એવી પણ છે કે હાઇકોર્ટે પણ વૃક્ષો ન કાપવાનો આદેશ આપ્યો હતો, પણ એ આદેશને પણ ઘોળીને પી જવાયો છે. એવી પણ ખબર છે કે વિકાસને માટે જંગલોનાં ઘણાં વૃક્ષો ઢાળી દેવાયાં છે. 

કેન્દ્ર સરકારે તેલંગાણા સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની નોંધ લેતાં ઉમેર્યું છે કે રાજ્ય સરકારની વૃક્ષો સાથેની એ કેવી શત્રુતા હતી કે આ અભિયાન રાતના અંધકારમાં ચલાવાયું ને મોર જેવા વન્ય જીવોએ બેઘર થવું પડ્યું? એમાં કોઈ શંકા નથી કે રાજ્ય સરકારનું આ સંવેદનહીન, નિષ્ઠુર અને નિર્દયી અભિયાન છે. જમીન કોણે, કોને, ક્યારે આપી ને કોનો, કેટલો હક હતો એ મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે જંગલો કાપવાનું આ કાવતરું છે. એ જ કારણે, દિવસે વિરોધ થશે એ ડરે બુલડોઝરો રાત્રે ચલાવાયાં. આ જંગલમાં 455 પ્રકારની વનસ્પતિઓ અને વન્ય જીવ સૃષ્ટિ વિકસી રહી હતી, તેનો સફાયો થતાં શું બચ્યું હશે તેની અટકળ જ કરવાની રહે છે. 

એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કુદરતની કે પ્રકૃતિની વિરુદ્ધ માણસ વર્તે છે ત્યારે, થોડો વખત તો પ્રકૃતિ એ  ચલાવી લે છે, પણ પછી એ વિફરે છે તો સિલકમાં ગણી ન શકાય એટલાં આંસુઓ જ બચે છે. માણસજાત એનાથી બેખબર કે અજાણ નથી, પણ અંગત સ્વાર્થ અને મતલબ તેને જોખમો તરફ દુર્લક્ષ સેવવા પ્રેરે છે. એ લાંબું ટકતું નથી. પરિણામ સામે આવે છે, ત્યારે ચામડી તો ઠીક, રૂંવાડું ય બચતું નથી કે ફરકે. હવે તો કોર્ટો પણ ચર્ચામાં છે, છતાં ઈચ્છીએ કે સુપ્રીમ તેલંગાણા સરકારની ચામડી નિર્મમતાથી ને તટસ્થતાથી તપાસે ને ઘટતું કરે. કોર્ટ તો કરશે, પણ આ આખા મામલામાં રાજ્ય સરકાર આર્થિક લાભ ચાટવાના મોહમાં કેવળ અમાનુષી રીતે વર્તી છે તે અક્ષમ્ય છે. તેના ઈરાદાઓ મેલા છે, એટલે તે પાપ અંધારામાં કરે છે. આ ભૂલ નથી, રોકડું પાપ છે. આવી સરકારોને પ્રજા ચાલવા દે છે તે ઉદારતાનું નહીં, પણ કાયરતાનું પરિણામ છે. જે વનને ન સાચવે, તે જીવનને સાચવે એમ લાગે છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,07 ઍપ્રિલ 2025

Loading

વક્ફ સુધારા બિલઃ સચોટ અમલીકરણ થાય તો ‘ઉમ્મીદ’ બર આવશે, નહીંતર નવા પ્રશ્નોના ભડકા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 April 2025

અગત્યનું એ છે કે વક્ફમાં રાજકારણ અને ધર્મની ચોપાટ ન ખેલાય પણ માત્ર સાફ ચોખ્ખો વહીવટ થાય.

ચિરંતના ભટ્ટ

વક્ફ સુધારા બિલને લોકસભામાં મંજૂરી મળી અને ગુરુવારે રાજ્યસભામાં પણ નરેન્દ્ર મોદીના આ મહત્ત્વાકાંક્ષી બિલને પસાર કરવામાં આવ્યું. લોકસભામાં 288 સાંસદોએ બિલને ટેકો આપ્યો જ્યારે 232એ તેના વિરોધમાં મત આપ્યો અને રાજ્ય સભામાં વક્ફ બિલની તરફેણમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. વક્ફના વિવાદનો ઇતિહાસ મોટો છે. ભા.જ.પા. સરકારે 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી ઘણીબધી બાબતોમાં રાતોરાત નિર્ણય લઇને ધરમૂળથી ફેરફાર કર્યા છે. આમ તો આ યાદી લાંબી છે પણ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જો દૂર કરાયા પછી કંઇક ચોંકાવનારું (આમ તો આ થવાનું હતું તેવી વકી હતી જ છતાં ય) અને ખાસ્સી એવી હલચલ પેદા કરનારું પગલું છે, વક્ફ સુધારા બિલને લોકસભામાં પસાર કરવું. આ મોટી હોળી છે જેમાં એક પછી એક વિચાર, વિવાદ, અભિપ્રાય, વિરોધી પ્રતિરોધી વિધાનોનાં નારિયેળો હોમાતા રહેશે. 

વક્ફ બિલમાં આવેલા મોટા ફેરફારમાં મુખ્ય ત્રણ બાબતો છે – એક તો એ કે સંરક્ષિત સ્મારકોને વક્ફની સંપત્તિ ગણવામાં નહીં આવે. આ સંશોધન અનુસાર જે સંરક્ષિત સ્મારકો વક્ફની સંપત્તિ ગણાતા તે હવે વક્ફની નહીં પણ સરકારની સંપત્તિ કહેવાશે. કોઈપણ સંરક્ષિત સ્મારકને ભવિષ્યમાં પણ વક્ફમાં સામેલ નહીં કરાય. ઘણા રાજ્યોમાં થઇને લગભગ 200 જેટલા સ્મારક છે જે રાજ્ય સરકારની એજન્સી અથવા તો આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા હેઠળ સંરક્ષિત છે, પણ તેને વક્ફની સંપત્તિ પણ ગણાય છે. હવે તે બધાં વક્ફની સંપત્તિ નહીં ગણાય અને આ સંરક્ષિત સ્મારકો પૂરી રીતે સરકાર હેઠળ ગણાવશે. વક્ફનો દાવો જેની પર છે એવા સંરક્ષિત સ્મારકોમાં દિલ્હીનો પૂરાના કિલા, કુતુબ મિનાર, સફદરજંગનો મકબરો અને હુમાયૂનો મકબરો પણ સામેલ છે – હવે આ દાવા ઠાલા થઇ જશે. બીજું એ કે આદિવાસી વિસ્તારની જમીનને વક્ફની સંપત્તિ જાહેર નહીં કરી શકાય. જે પણ વિસ્તાર આદિવાસી ક્ષેત્રમાં આવતો હશે ત્યાંની કોઈપણ સંપત્તિ વક્ફમાં સામેલ નહીં કરાય. સરકારનું કહેવું છે કે આ એટલા માટે કરાઈ રહ્યું છે જેથી આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે. ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે વક્ફ બોર્ડના જે પણ નિર્ણયો હશે તેની છણાવટ સરકારી સ્તરે થશે. વક્ફ બોર્ડનો જે પણ નિર્ણય હશે તેને લાગુ કરવો કે નહીં તેની વિચારણા થશે અને 45 દિવસની મુદ્દતમાં, સમીક્ષા અને ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાશે. 

courtesy : Satish Acharya

આ મુખ્ય બાબતો છે એમ કહી શકાય બાકી ઘણા બીજા ફેરફાર છે. ભા.જ.પા.ના માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરેણ રિજીજૂએ એવી જાહેરાત કરી કે વક્ફ બિલનું નામ બદલીને “યૂનિફાઇડ વક્ફ મેનેજમેનેટ એમ્પાવરમેંટ, એફિશયન્સી એન્ડ ડેવલપમેન્ટ (UMEED) બિલ” કરી દેવાશે. (આમ પણ નામ બદલવામાં ભા.જ.પા. સરકાર પહેલા નંબરે છે) રિજીજૂએ એ પણ કહ્યું કે કાઁગ્રેસના નેતૃત્વવાળી યૂ.પી.એ. સરકારે પાંચમી માર્ચ 2014ના રોજ 123 મહત્ત્વની સંપત્તિઓને વક્ફ બોર્ડને ટ્રાન્સફર કરી દીધી હતી અને આ મૂળ તો લઘુમતિના મત મેળવવા કરાયું હતું, પણ છતાં ય કાઁગ્રેસ ચૂંટણી હારી ગઈ. રિજીજૂનું કહેવું હતું કે જો આ સુધારા બિલ રજૂ ન થયું હોય તો કાલે ઊઠીને આ સંસંદ ભવન પણ વક્ફની સંપત્તિ છે એવો દાવો કરાયો હોત. આ તરફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે વકફ મિલકત ખાનગી છે. જ્યારે આ કાયદા પછી, સરકાર તેને સરકારી મિલકત માની શકે છે. તેમનો દાવો છે કે દસ્તાવેજ વિના વકફ મિલકતોની નોંધણી થઈ શકતી નથી. અને જો નોંધણી નહીં હોય તો સરકાર તે મિલકતો છીનવી લેશે. આવું તો ઘણું બધું જુદા જુદા રાજકારણીઓએ કહ્યું અને આ દોર હજી થોડો વખત તો ચાલવાનો જ છે.

ભૂતકાળમાં વક્ફને કારણે મુસલમાનોને આર્થિક સામાજિક સેવાઓ અને મદદ મળ્યાં છે. પરંતુ હવે એ સરળતા નથી રહેવાની. એક અભિપ્રાય એ પણ છે કે આ બિલને કારણે યુનિફોર્મ સિવિલ કોડનું ઉલ્લંઘન થાય છે અને ધાર્મિક વિભાજનને પ્રોત્સાહન મળે છે. અમુક ફેરફારો ખરેખર પ્રશંસનીય છે જેમ કે ઇસ્લામના કાયદાના નિષ્ણાતને વક્ફ ટ્રિબ્યુનલમાં પુનઃસ્થાપિત કરાયા છે, મુસ્લિમ મહિલાઓને પણ બોર્ડમાં રાખવાની વાત કરાઈ છે, વગેરે. 

courtesy : Manjul

આખી વાત અંતે તો જમીન માલિકીની છે. વક્ફની પાસે અધધધ મિલકતો છે. આખા વિવાદની મધ્યે છે એવી 8.7 લાખ સંપત્તિઓ જે 9.4 એકરમાં ફેલાયેલી છે જેની પર વક્ફનો અધિકાર છે. વક્ફ – એ ઇસ્લામ ધર્મમાં ધાર્મિક કાર્ય માટે, દાન ધર્માદા એટલે કે સખાવતના કામ માટે ઇશ્વરને દાન કરવામાં આવતી ચળ કે અચળ સંપત્તિને કહેવાય છે. એકવાર તમે તમારી એ સંપત્તિ ઇશ્વરને નામ કરી દીધી પછી તમે કે તમારી આવનારી પેઢીઓ સુધ્ધાં એની પર કોઇ દાવો ન કરી શકે. દેશમાં જમીન માલિકીને મામલે ત્રીજા નંબરે આવતા વક્ફ બોર્ડ પાસે આટલી બધી મિલકત છે પણ પૈસાને મામલે તો બોર્ડ ઠન ઠન ગોપાલ છે. વક્ફ બિલમાં આમ તો થોડાં વર્ષો પહેલાં જ સુધારા આવ્યા હતા. હવે જોવું એ રહ્યું કે કોર્ટ આખી બાબતને બંધારણીય રીતે કેવી રીતે નાણે છે અને શું સરકારને જાહેર નીતિની ઉદ્દેશની વાત કરે છે તેની સાથે તેનો તાલ બેસશે કે કેમ?

બીજી કોમોની ધાર્મિક સંપત્તિઓ કરતાં વક્ફની સંપત્તિ પર પર સરકારી નિયંત્રણ વધારે છે. સરકાર ધારે તો વક્ફ બોર્ડને આદેશ તો કરી જ શકે છે પણ તેની ઉપરવટ જઈને પણ કામ કરી શકે છે. વક્ફ બોર્ડને લગતા કાયદામાં આઝાદી પહેલાના સમયથી ફેરફાર આવતા રહ્યા છે કારણ કે તેની કામગીરીમાં વિશ્વસનિયતા અને પારદર્શિતા લાવી શકાય. આ બિલ બિન મુસલમાનોને વક્ફમાં દાન કરવાથી પ્રતિબંધિત કરે છે. નવા બિલની જોગવાઈ અનુસાર એવી જ વ્યક્તિ વક્ફને દાન આપી શકે જેણે સળંગ પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કર્યું હોય. વક્ફ બોર્ડને મળતા યોગદાનનું પ્રમાણ સાત ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયું છે. આ તમામ ફેરફારોને કારણે મિલકતના અધિકારોનું ઉલ્લંઘન થશે, ધાર્મિક સ્વતંત્રતાના પ્રશ્નો ખડા થશે અને તેની કામગીરી નબળી પડશે એવી શક્યતાઓ આ બિલના વિરોધીઓએ દર્શાવી છે. 

આ તરફ અમિત શાહે લોકસભામાં કહ્યું કે જો 2013નો સુધારો પસાર ન થયો હોત તો આજે આ સુધારો લાવવાની જરૂર ન પડી હોત. કાઁગ્રેસ સરકારે દિલ્હી લુટિયન્સની 125 મિલકત વક્ફને આપી દીધી. અમિત શાહે કહ્યું, “2013માં, તુષ્ટિકરણ માટે રાતોરાત વક્ફને અતિક્રમી દેવાયું. હિમાચલ પ્રદેશમાં, વકફ મિલકત તરીકે જાહેર કરાયેલી જમીન પર ગેરકાયદેસર મસ્જિદો બનાવવામાં આવી હતી. તામિલનાડુમાં, 1,500 વર્ષ જૂના મંદિરની જમીન વકફને આપવામાં આવી હતી. તેમણે કર્ણાટકની એક સમિતિનો રિપોર્ટ ટાંકીને કહ્યું કે વક્ફની 29,000 એકર જમીન વ્યવસાયી ઉપયોગ માટે આપી દેવાઈ હતી તો 2001થી 2012 વચ્ચે વક્ફની અંદાજે 2 લાખ કરોડની સંપત્તિ ખાનગી સંસ્થાનોને 100 વર્ષની લીઝ પર ભાડે આપી દેવાઈ છે. તામીલનાડુના 1,500 વર્ષ જૂના તિરુચેન્ડુર મંદિરે 400 એકર જમીન વક્ફને આપી દેવાઈ હતી તો પ્રયાગરાજમાં ચંદ્રશેખર આઝાદ પાર્ક પર પણ વક્ફે દાવો કર્યો હતો. હરિયાણામાં ગુરુદ્વારાની જમીન પણ વક્ફે પોતાની સંપત્તિ તરીકે જાહેર કરી તો તેલંગાણામાં રૂપિયા 66,000 કરોડની 1,700 એકર જમીન વક્ફે ખોટી રીતે પચાવી પાડી હોવાનું પણ તેમણે કહ્યું. અમિત શાહના મતે ખ્રિસ્તિઓની સંપત્તિઓ પર પણ 2013ના વક્ફ બિલની અસર થઈ છે. 2025નું વક્ફ સુધારા બિલ જાહેર મિલકતનો બચાવ કરશે, ખોટો ઉપયોગ અટકાવશે અને ગરીબ મુસલમાનોને તેનાથી મદદ મળશે. વક્ફની જમીન ધર્મની છે પણ તેમાં જોડાયેલા લોકો ધાર્મિક હોય તે જરૂરી નથી અને માટે જ ભા.જ.પા. સરકારને મતે આ સંપત્તિઓના દુરુપયોગને અટકાવવા માટેના આ ફેરફાર છે. 

courtesy : Sandeep Adhwaryu

ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં એ વાત લખી હતી કે 2006ની સચ્ચર કમિટીના અહેવાલ અનુસાર વક્ફ બોર્ડની સંપત્તિનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તેઓ 12,000 કરોડની આવક મેળવી શકે પણ એ દિશામાં કામ કરવાની કોઈને પડી નથી. કરોડોની સંપત્તિ એવા લોકો પાસે છે જેમણે પોતે પાંચ લાખની મિલકતની લે-વેચ પણ નથી કરી. વક્ફ બોર્ડના વહીવટકર્તાઓ ભ્રષ્ટાચારમાં ગરકાવ છે અને જમીન ઓછા ભાવે ભાડે આપવાથી માંડીને પોતાનો ધંધો ચાલુ કરી દેનારા લોકો ત્યાં બેઠા છે. આ જ સચ્ચર કમિટીના અહેવાલ મુજબ વક્ફની મિલકતમાં સરકારથી માંડીને ખાનગી ઠેકેદારોએ જમીન ગુપચાવી લીધી હોય એવા કિસ્સા પણ બન્યા છે અને આ પણ એક કારણ છે જેનાથી વક્ફની સંપત્તિથી આવક કમાવી મુશ્કેલ થઇ જાય. ગામડાંની સંપત્તિ આંતરિયાળ વિસ્તારોમાં હોય તો ત્યાં બીજી સમસ્યા હોય અને શહેરોમાં તો કોઇ પણ જમીન પર એકથી વધારે ગુંચવાડા હોવાના જ. જ્યાં વક્ફ બોર્ડમાં જવાબદાર અને પ્રામાણિક લોકો છે ત્યાં મામલાઓ કોર્ટમાં અટકેલા છે. ખાટલે મોટી ખોડ એ છે કે વક્ફની સંપત્તિનો યોગ્ય ઉપયોગ થયો જ નથી. જો એમ થયું હોત તો માત્ર એક ધર્મના નહીં અન્ય ધર્મના લોકોને પણ ગરીબીમાંથી છૂટકારો મળી શકત. 

બાય ધી વેઃ 

આ મૂળ તો ધાર્મિક સ્વાયત્તતા અને સરકારના નિયંત્રણ વચ્ચેની લડાઈ છે. ટીકા કરનારાઓનું એમ પણ કહેવું છે કે માત્ર વક્ફ બોર્ડ પર જ આટલી ચાંપતી નજર છે, અન્ય ધર્મના બોર્ડ પર આવું કંઇ નથી કરાયું તો શું તે દેશની ધર્મ નિરપેક્ષતા પર જોખમ નહીં બને? એક રિપોર્ટ અનુસાર કયદા નિષ્ણાતોને ફિકર છે કે સરકારનું નિયંત્રણ હશે તો વક્ફનો ઉપયોગ મુસલમાનો માટે તો કોઈ કાળે નહીં થાય અને સરકાર પોતાના પ્રતિનિધિની નિમણૂંક કરી જમીનો પર કબજો મેળવી પોતાની મરજી મુજબ લોકોને જમીનો આપશે. વક્ફનો સી.ઇ.ઓ. પણ જો સરકાર નક્કી કરશે તો તેની કામગીરીમાં લોકશાહીનું તત્ત્વ નહીં રહે. જરૂરી તો એ છે કે વક્ફમાં રાજકારણ અને ધર્મની ચોપાટ ન ખેલાય પણ માત્ર સાફ ચોખ્ખો વહીવટ થાય. આમે ય ધર્મ અને રાજકારણ ભેગા થાય ત્યાં ભડકા જ થાય અને એમાં સંપત્તિ ભળે એટલે હોળી સળગવાની શક્યતાઓ વધી જાય. ભા.જ.પા. સરકારે સૂચવેલા ફેરફાર સાંભળવામાં તાર્કિક લાગે છે પણ જે કહેવાયું છે તે જ રીતે તે અમલમાં મુકાય તો આટલા મોટા નિર્ણયની હકારાત્મક અસરો જોવા મળશે.   

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઍપ્રિલ 2025

Loading

...102030...328329330331...340350360...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved