Opinion Magazine
Number of visits: 9767164
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશ અને દુનિયાના, અત્યારના સમયના મહત્ત્વનાં પુસ્તકોની ઝલક આપતા લેખોનો ઉત્તમ સંગ્રહ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|29 December 2017

સાંપ્રત, નોખાં, વિવિધ વિષયનાં, વૈશ્વિક બનાવોનો સંદર્ભ ધરાવનારાં પુસ્તકો વિશેનું પુસ્તક

‘અવલોકન-વિશ્વ’ એ વાચનમાં રસ ધરાવનારને સમૃદ્ધ કરનારું તાજગીસભર પુસ્તક છે. ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક અને ગ્રંથવિદ્દ રમણ સોનીએ દૃષ્ટિપૂર્વક સંપાદિત કરેલા આ સંચયમાં અત્યારના સમયના ૮૬ પુસ્તકોનાં ૭૮ લેખકોએ કરેલાં અભ્યાસપૂર્ણ ગુજરાતી અવલોકનો છે.

અનેક ભાષાઓના પુસ્તકો અહીં આવરી લેવાયાં છે. તેમાંથી ભારતીય ભાષાઓ છે : અસમિયા, ઉડિયા,ઉર્દૂ, કન્નડ, કાશ્મીરી, ગુજરાતી, તમિલ,પંજાબી, બંગાળી, ભારતીય અંગ્રેજી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, સિંધી અને હિન્દી. અંગ્રેજીમાં અનુવાદિત અન્ય જે ભાષાઓનાં પુસ્તકો છે તેમાં આઇરીશ, આફ્રિકન, ઇટાલિયન, કૅનેડિયન, તિબેટન, જાપાની, પેલેસ્ટિનિયન, પોલિશ, ફ્રેન્ચ, સ્પૅનિશ. પુસ્તકોનાં સ્વરૂપો અને વિષયો પણ વિવિધ છે. મોટાં કદનાં આ પુસ્તકનાં ૩૬૮ પાનાંમાં કવિતા, નાટક,નવલિકા, નવલકથા જેવી સાહિત્યકૃતિઓની આસ્વાદાત્મક સમીક્ષા છે. સંશોધન અને વિવેચન ગ્રંથો, જીવનચરિત્ર અને કેફિયત-મુલાકાત-સંભારણાં-ડાયરી-આત્મકથા  જેવાં સ્વકથનોનાં પુસ્તકોની સમાલોચના છે. ચિત્ર, નૃત્ય અને સિનેમા જેવી કળાઓનાં પુસ્તકોનાં પરીક્ષણો છે. અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, શિક્ષણ, ઇતિહાસ, ભાષાવિજ્ઞાન, વ્યાકરણ, લોકસાહિત્ય, ડાયાસ્પોરા, મીડિયા અને સોશ્યલ મીડિયાને લગતાં પુસ્તકોનો પરિચય છે. ગહન તત્ત્વચર્ચા, નારીચેતના, દેશ અને દુનિયાના વંચિતોનાં વીતક વર્ણવતાં પુસ્તકોને પણ સ્થાન છે. કલા અને માનવવિદ્યાઓની અનેક શાખાઓનું પ્રતિનિધિત્વ અહીં છે, પણ પ્રાધાન્ય કે પ્રભાવ કોઈનો નથી. દરેક પુસ્તક અને અવલોકનકાર વિશેની વિગતોની પાનાં પરની માંડણીમાં સાદગીભરી સૂઝ છે. અનુક્રમણિકા જુદી ઢબની છે. છેલ્લા હિસ્સામાં અવલોકનકારો, પુસ્તકો, લેખકો અને પુસ્તકોનાં વિષયો/સ્વરૂપોની સૂચિઓ છે.

સંપાદકીયના આરંભે રમણભાઈ નોંધે છે: ‘આ ‘અવલોકન-વિશ્વ’ દુનિયાભરમાં આજે પ્રકટ થતાં અસંખ્ય પુસ્તકોમાંથી થોડાંક પ્રતિનિધિરૂપ અને સક્ષમ પુસ્તકો વિશેની રસપ્રદ વાતો, અલબત્ત સમીક્ષિત રૂપે સૌની સામે મૂકવા ચાહે છે. દેશવિદેશની વિવિધ ભાષાઓ-પ્રદેશોનાં, વિવિધ સાહિત્ય સ્વરૂપો અને અન્ય શાસ્ત્રીય વિષયોનાં સામ્પ્રત સમયનાં પુસ્તકો આવરી લઈ શકાયાં હોવાથી ગ્રંથવિશ્વનું એક વિશિષ્ટ ભાતીગળ ચિત્ર ઉપસી શક્યું છે.’

પુસ્તકની સાંપ્રતતા એ તેની મોટી ઉપલબ્ધિ હોય છે. આપણે ત્યાં ગયાં વર્ષે છપાયેલાં પુસ્તકો દુકાનો  કે ગ્રંથાલયોમાં મળતાં હોતાં નથી. સાહિત્યિક સામયિકોમાં નવાં ન કહી શકાય તેવાં અને સાવ સાધારણ દરજ્જાનાં પુસ્તકોનાં અવલોકનો છપાયાં કરતાં હોય છે. આવા કિતાબી માહોલમાં રમણ સોનીએ દુનિયાભરનાં તાજેતરનાં પુસ્તકો વિશે લેખો સિદ્ધ કરાવ્યા છે. અહીં અવલોકિત ૮૬ પુસ્તકોમાંથી ૪૫ જેટલાં પુસ્તકો ગયાં ત્રણ વર્ષનાં અને તેમાં ય સત્તર પુસ્તકો ૨૦૧૬નાં છે. એટલે અહીં કન્હૈયા કુમારની આપવીતી ‘બિહાર ટુ તિહાર’, ચેતન ભગતની નવી નવલકથા ‘વન ઇન્ડિયન ગર્લ’, ગુલામ મોહમ્મદ શેખનાં લખાણોનો સંચય ‘નીરખે તે નજર’, લંડનમાં ગયા જુલાઈમાં ભજવાયેલું નાઇટ ‘ધ ક્યુરિયસ ઇન્સિડન્ટ ઑફ ધ ડૉગ …’, રુચિર શર્માનું અર્થશાસ્ત્ર ચિંતન ‘ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ નેશન્સ’, અશોક વાજપેયીનો કાવ્યસંચય ‘નક્ષત્રહીન સમય મેં’ , ‘બેસ્ટ ઑફ બ્રિટિશ પોએટ્રી 2015’ જેવાં બિલકુલ હમણાંનાં પુસ્તકો વિશે વાંચવા મળે છે. લેખોમાં પણ સાંપ્રતનો પાસ છે. જેમ કે, આ વર્ષે જુલાઈમાં બહાર પડેલાં ‘અવલોકન-વિશ્વ’માં પૉલ કલાનિથિના ૨૦૧૬માં બહાર આવેલા આત્મકથન ‘વ્હેન બ્રેથ બિકમ્સ એર’ પરના લેખમાં સમીક્ષક છેક ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭ ના – એટલે કે રમણભાઈનુ આ સંપાદન છપાવવા જતાં ચાર જ મહિના પહેલાંના – ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’નો હવાલો આપે છે. તે જ રીતે ટેરિ ઇગલટનના ‘આઇડિઓલૉજિ’ પુસ્તક પરના લેખમાં ‘પોસ્ટ ટ્રુથ'; અને ‘ડિસ્ટન્ટ રીડિંગ’ એટલે કે દૂરવર્તી વાચન પરનાં પુસ્તકમાં ડિજિટલ હ્યુમાનિટીઝ એટલે કે અંકીય માનવિકી જેવી બહુ જ અદ્યતન સંકલ્પનાઓના પ્રસ્તુત સંદર્ભો છે.Texting અને Twitterature પરનાં પુસ્તકોનો પરિચય પણ છે.  અદ્યતનતાના આવા બીજા દાખલા પણ આપી શકાય.

અદ્યતન પુસ્તકોમાં ય અસલ પુસ્તકપ્રેમીને ખાસ રસ પડે તેવા અરુઢ વિષયો પરનાં જે નોખાં પુસ્તકો અહીં મળી આવે છે. ન્યૂઝીલૅન્ડની ડચ મહિલા માર્ગરાઇટ વાન ગેલ્ડરમૅસલન જૉર્ડનમાં ગુફાઓ કોતરીને બનાવેલાં પેટ્રા નગરમાં પ્રવાસે આવે છે. પેટ્રાની મૂળનિવાસી અને અત્યારે વિસ્થાપિત બેદૂઈન કોમના એક વેપારી સાથે માર્ગરાઇટ લગ્ન કરે છે અને આપવીતી લખે છે – ‘મૅરિડ ટુ અ બેદૂઇન’. વાર્તાકાર ઝુમ્પા લાહિરી લિખિત ‘ભાષાકેન્દ્રી આત્મકથન’ – લિન્ગ્વિસ્ટિક ઑટોબાયોગ્રાફી છે ‘ઇન અદર વર્ડસ’. ‘લાઇન્સ ઑફ વિઝન : આઇરિશ રાઇટર્સ ઑન આર્ટ’ આયર્લૅન્ડની નૅશનલ ગૅલરીની કલાકૃતિઓ જોઈને સાહિત્યકારોએ રચેલી કૃતિઓનો સંગ્રહ છે. રાજનીતિશાસ્ત્રને લગતાં ૩૫૦ અંગ્રેજી પુસ્તકોનો સાર ટૉમ બટલર બાઉડનના ‘ફિફ્ટી પૉલિટિક્સ ક્લાસિક્સ’માં મળે છે. ‘રામલીલા ઍટ રામનગર’ અનુરાધા કપૂરનો સચિત્ર અભ્યાસગ્રંથ છે. તેના વિશેની અવલોકન નોંધ એક ફિલર – અવકાશપૂરક તરીકે  મળે છે. આવાં ચોવીસ લાંબા-ટૂંકા અવકાશપૂરકો આ ગ્રંથની આગવી મિરાત છે. એ પણ નોંધવું જોઈએ કે આ પુસ્તક ‘પ્રત્યક્ષ’ સામયિકના આજીવન ગ્રાહકોને અગાઉ જાહેર કરેલા એક વિશેષાંક તરીકે આપવું કે ઓછી પણ અલગ કિંમત લઈને પુસ્તક તરીકે આપવું તે અંગે સવાલ થયો હતો.

દેશ અને દુનિયામાં સાહિત્યકારો રાજકારણ-સમાજકારણની સભાનતા અને પીડિતો માટેની નિસબત સાથે લેખન કરે છે. આપણે ત્યાં તેનો ઘણે અંશે છોછ કે અભાવ છે. સામાજિક નિસબત ધરાવતાં સાહિત્ય તરફનો, આપણા મોટાભાગના સાહિત્યકારોએ બહુ ધ્યાનમાં લેવા જેવો નિર્દેશ, આ પુસ્તકમાંથી મળે છે. નક્ષલવાદનું નિરુપણ કરતાં પુસ્તકોમાં ગૌરહરિ દાસના વાર્તા સંગ્રહ અને પ્રતિભા રાયની નવલકથા ‘શેષ ઇશ્વર’ એ ઉડિયા કૃતિઓ, મરાઠી નવલકથા ‘થૅન્ક યૂ મિસ્ટર ગ્લાડ’ અને અદૂર ગોપાલકૃષ્ણનની ફિલ્મ પરના પુસ્તકનો સમાવેશ કરી શકાય. સલમન રશ્દીની નવલકથા ‘ટુ ય ર્સ…’ તેમ જ આત્મકથા ‘જોસેફ અ‍ૅન્ટન’ અને  મલાલાનું આત્મકથન આતંકવાદ સાથે કામ પાડે છે. તેનઝિન સન્ડુની તિબેટિયન કવિતા, રણેન્દ્રની હિંદી અને મૌશુમી કન્દાલીની અસમિયા વાર્તાઓ, અને રત્તન તલાશીની કાશ્મીરી નવલકથા લોકસમૂહો કેવી રીતે હાંસિયા બહાર મૂકાય છે તે નિરૂપે છે. તમિલ લેખક પેરુમલ મુરુગને રૂઢિચુસ્ત ગામડાંમાં જીવનનાશ અને મરાઠી લેખક આનંદ વિંગકરે ખેડૂત આત્મહત્યાઓ પર નવલકથા લખી છે. કન્હૈયા કુમારની આપવીતીમાં રાષ્ટ્રવાદ આવે છે. તે વિસ્થાપન તેમ જ વૈશ્વિક માનવતાવાદના સંદર્ભે પૅલેસ્ટાઇનિયન લેખક સુઝન અબુલ્હાવાની ‘મૉર્નિંગ્સ ઇન જેનિન’ નવલકથાનો વિષય બને છે. દલિત વેદના-વિદ્રોહ (પંજાબી નવલકથા ‘શાન્તિ પરવ’), રંગભેદ(અમેરિકન નવલકથા ‘ધ સેલ આઉટ’), રશિયન સંગીત કલાકાર દિમીત્રી શોષ્ટકોવિચનો સત્તા સાથેનો સંકુલ સંબંધ (અંગ્રેજી નવલકથા ‘નૉઇસ ઑફ ટાઇમ’), નિરંકુશ સત્તાવાદ (બંગાળી કવિ શંખ ઘોષની રચનાઓ) જેવા વિષયોની યાદી લાંબી થઈ શકે. નરેન્દ્ર મોદીની લગભગ સીધી ટીકાવાળા સંદર્ભ જેમાં હોય તેવાં બે પુસ્તકો અહીં છે : સતીષ કાળસેકરની મરાઠી વાચનકથા અને વિનોદ મહેતાની અંગ્રેજી આત્મકથા. ઇસ્લામની કડક અને અભ્યાસપૂર્ણ આલોચના કરતાં, આયાન હીર્સી અલીના ‘હેરેટિક’ પુસ્તક પરનો લેખ છાપવામાં પણ સંપાદકે હિમ્મત દાખવી છે.

‘અવલોકન-વિશ્વ’ પુસ્તક ‘પ્રત્યક્ષ પ્રકાશન’એ બહાર પાડ્યું છે. રમણ સોનીનું ‘પ્રત્યક્ષ’  ત્રૈમાસિક પુસ્તકોને વરેલું એકમાત્ર સામયિક હતું. તે ચોવીસેક વર્ષ ચાલીને સોમા અંક સાથે ગયા મહિને બંધ થયું. એનું દુ:ખ હોય જ. પણ સાથે આપણી ક્ષીણ થતી જતી સાહિત્યસંસ્કૃિતમાં આ વિધિલિખિત ગણાય. ‘પ્રત્યક્ષ’નું જે ઉત્તમ હતું તેનો અર્ક ‘અવલોકન-વિશ્વ’ છે.

+++++

૦૯ નવેમ્બર ૨૦૧૭

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 29 ડિસેમ્બર 2017

Loading

ક્રિસમસ અને અમેરિકન ગુજરાતીઓ

હરનિશ જાની|Opinion - Opinion|28 December 2017

ક્રિસમસ આવી અને ગઈ. અમેરિકનોએ ભરપૂર માણી.

ક્રિશ્ચિયનો માને છે કે તે દિવસે ભગવાન જિસસનો જન્મ થયો હતો. બહુ જ ધાર્મિક તહેવાર ગણાય છે. અને ચારેબાજુ આનંદનો માહોલ હોય તો ભારતીયો–ગુજરાતીઓ ચુપચાપ કેવી રીતે બેસી રહે? જ્યારે ચારેબાજુ ઉત્સાહ અને ઉંમગનાં મોજાં ઊછળતાં હોય તો અમે ભીંજાયા વિના કેમ કરી રહીએ. અમે પણ ક્રિસમસ ઉજવીએ છીએ, અને મને હિન્દુ હોવાનું ગૌરવ છે. મારા ધર્મમાં ક્યાં ય લખ્યું નથી કે જે હિન્દુ નથી એને ધિક્કારો.

ક્રિશ્ચિયનો પોતાના ઘર પર રોશની કરે છે અને ઘરમાં ક્રિસમસ ટ્રી શણગારે છે. દરેક ગુજરાતી હિન્દુના ઘરમાં તમને ક્રિસમસ ટ્રી મળે. ખાસ કરીને બાળકો તેને શણગારે અને ખુશ થાય. આ ક્રિસમસ ટ્રી પાઈન, સ્પૃશ કે ફર વૃક્ષનાં હોય છે. બરફમાં આ જ વૃક્ષો લીલાછમ રહેતાં હોય છે. જર્મનીમાં સોળમી સદીમાં આ પ્રથા સમાજ સુધારક માર્ટિન લ્યુથરે ચાલુ કરી હતી. જેને પહેલીવાર બકિંગહામ પેલેશમાં ક્વિન વિક્ટોરિયાએ મુકાવ્યું હતું. અને ત્યાંથી એ પ્રથા અમેરિકામાં આવી. શરુઆતમાં મીણબત્તીઓ મુકવામાં આવતી, ઓગણીસ સદીના અંતમાં ઈલેક્ટ્રીક લાઈટો મુકવાનું ચાલું થયું. હવે તો ટ્રી તો ટ્રી લોકો પોતાના ઘરને પણ લાઈટોથી શણગારે છે. આમ જોઈએ તો જિસસનો જન્મ રાતે બાર વાગે પશુઓની કોઢમાં થયો હતો. આપણા કૃષ્ણ ભગવાન પણ રાતે બાર વાગે જેલની કોટડીમાં જન્મ્યા હતા. ભગવાનોને હોસ્પિટલોમાં જન્મવાનું ફાવતું નથી. હવે ઉજવણી માટે રાતે બાર વાગે દરેક ચર્ચમાં જિસસના જન્મની ઉજવણી થાય છે. પોપ પણ વેટિકન સિટીમાં સેન્ટ પિટર્સ કેથેડ્રલમાં સ્પેશ્યલ પ્રાર્થના ગોઠવે છે.

આ ધાર્મિક તહેવારનો લાભ જનરલ જ્યોર્જ વોશિંગ્ટને પણ અંગ્રેજોને અમેરિકામાંથી હાંકી મુકવામાં કર્યો હતો. અમેરિકન ઇતિહાસમાં ૧૭૭૬ની ક્રિસમસની રાત ખૂબ અગત્યની છે. તે રાતે જનરલ જ્યોર્જ વોશિંગ્ટને બ્રિટિશ લશ્કર પર ઓચિંતો છાપો મારી અને બહુ અગત્યનું ટ્રેન્ટનનું બેટલ જીત્યું હતું. ડેલાવેર રીવરની એક બાજુ ન્યૂ જર્સીનું ટૅન્ટન ટાઉન હતું. જ્યાં બ્રિટિશ લશ્કર હતું. ટ્રેન્ટનને સામે કિનારે પેન્સિલવેનિયાનું ન્યૂ હોપ ટાઉન હતું. ત્યાંથી વોશિગ્ટને ૨૪૦૦ સોલ્જર્સ, લગભગ ૭૫ ઘોડા અને તોપો સાથે ક્રિસમસની રાતે આ છાપો માર્યો હતો. આખા દિવસની ક્રિસમસની ઉજવણી કરીને બ્રિટિશ લશ્કર રમ (દારુ) પીને ગફલતમાં હતું. ત્યારે વોશિંગ્ટને પહેલેથી પ્લાનિંગ કરીને આ હુમલો કર્યો હતો. બ્રિટિશ લશ્કરને હરાવીને ૧૦૦૦ બ્રિટિશ સોલ્જર્સને કેદ કર્યા. પણ તેથી વિશેષ તો તેમનો દારૂગોળો અને દારુ કબજે કર્યા.

હવે ક્રિસમસ ગિફ્ટની વાત કરીએ છીએ તો પુસ્તક પ્રેમીઓને ગમે તેવી મઝાની વાત કરું. નોર્થ પોલ પાસે આઈસલેંડ નામનો દેશ છે. જ્યાં ક્રિસમસની આગલી રાતે એકમેકને પુસ્તકો ભેટ આપવાનો રિવાજ છે. લોકો રાતે બુક સ્ટોરમાં ઉપડે છે. અમેરિકામાં બ્લેક ફ્રાઈડેને દિવસે લોકો મૉલમાં એકમેકને કચડી નાખે છે. તેમ નહીં, પણ પ્રેમ અને વિવેકથી બુક સ્ટોરમાં પ્રવેશે છે. આઈસલેંડની રાજધાની (કેપિટલ સિટી) રેક્યાવિકમાં તે દિવસે દરેક લેખક પોતાના પુસ્તકનું વિમોચન યોજે છે, અને તે દિવસે સૌથી વધુ પુસ્તકો વેચાય છે. તેને તેઓ "જોલાબોકાફલોડ" કહે છે. જેનો અર્થ "ક્રિસમસ બુક ફ્લડ" થાય છે. દુનિયાનો અદ્દભુત દેશ છે આ. ત્રણ લાખની વસ્તીમાં ૩ હજાર લેખકો છે. મતલબ કે ઘેરે ઘેર લેખકો હોય છે. ક્રિસમસની આગલી રાતે લોકો ચોકલેટ લઈને કોફી પીતાં પીતાં પુસ્તકો વાંચે છે. મને પોતાને આવી ક્રિસમસ ગમે.

હવે અમે આ તહેવારોની સિઝનમાં ન્યૂ યર ૨૦૧૮ની રાહ જોઈએ છીએ.

છેલ્લી વાત : –

મારા બાલુકાકા, રાજપીપળાથી વડોદરા ફરવા ગયા, ત્યાં ફૂટપાથ ઉપર એક ફેરિયો બેઠો હતો. તેણે સાઈન મુક્યું હતું કે “મારું બુદ્ધિવર્ધક ચમત્કારીક ફળ ખાઓ અને બુદ્ધિ વધારો. કિમંત ફક્ત ૨૦૦ રૂપિયા.” કાકાએ ફેરિયાને ૨૦૦ રૂપિયા આપી, ફળ માંગ્યું. પેલાએ કોથળીમાંથી ફળ કાઢ્યું. કાકા બોલી ઊઠ્યા, “અલા, આ તો સફરજન છે.” પેલો ફેરિયો બોલ્યો.” જરા વિચાર કરો. ફળ જોતામાં આટલી બુદ્ધિ આવી, તો ખાશો તો બુદ્ધિ કેટલી વધશે?”

E mail –harnishjani5@gmail.com

છવિ : ક્રિસમસ ટાંકણે નિવાસસ્થાને જાની પરિવારનું મિલન, ડિસેમ્બર 2017

[‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’,  ૨૭મી ડિસેમ્બર ૨૦૧૭]

Loading

રાષ્ટ્રવાદ : સંકુચિત અને નિષ્ફળ

આચાર્ય વિનોબા|Opinion - Opinion|28 December 2017

આપણા દેશમાં ‘રાષ્ટ્રવાદ’ નામનો એક નવો જ પદાર્થ આવ્યો છે અને તે પણ ખૂબ જ ધૂમધામથી આવ્યો છે. એક નારો હતો કે ‘આપણા દેશમાં દેશાભિમાન નહોતું’ જેની અહીં ખૂબ જ જરૂરિયાત છે.

ભારત એક આંતરરાષ્ટ્રીય દેશ છે. જે આ દેશની સંસ્કૃિતનું પરિણામ છે. એવું નથી કે અહીં પહેલાં ભેદભાવ નહોતાં. અહીં અનેક ભેદભાવ હતાં, રીતિરિવાજોમાં પણ વિવિધતા હતી. છતાં પણ બધાં જ લોકોએ આ દેશને એક માન્યો અને એક આંતરરાષ્ટ્રીય દેશ બનાવ્યો.

રાષ્ટ્રવાદ એ અણુયુગનો વિરોધી છે. વર્તમાન યુગનો પ્રવાહ એકતાનો છે, વિશ્વ-રાજ્યનો છે. જે રીતે એક રાષ્ટ્રનાં દરેક પ્રાંત પોતપોતાની થોડી આઝાદી કેન્દ્રને સમર્પિત કરે છે, તે રીતે દરેક દેશને પોતાની થોડી-થોડી આઝાદી વિશ્વને સમર્પિત કરવી પડશે.

રાષ્ટ્રવાદ શું કરે છે? દુનિયાનાં ટુકડાં કરે છે. એક તરફ આપણું રાષ્ટ્ર અને બીજી બાજું તમામ રાષ્ટ્ર! આ સ્વકીય છે અને બાકી તમામ પરકીય!! દુનિયાનાં અન્ય તમામ રાષ્ટ્રને પરકીય માનવા એ ક્યાં સુધી યોગ્ય છે? જાતિવાદ, કુટુંબવાદ, રાષ્ટ્રવાદ વગેરે તમામ ટુકડાં કરે છે. એકમાં આપણે અને બાકી રહેલામાં તમામ!

ભારતની સંસ્કૃિત ‘વૈશ્વાનર’ સંસ્કૃિત છે. એટલે કે, દુનિયામાં જેટલી વિવિધતા છે, તેટલી ભારતમાં છે. ભારત એક નાનાં પરિમાણનું વિશ્વ જ છે. એટલે અહીંનો જે રાષ્ટ્રવાદ છે, તેને આંતરરાષ્ટ્રીયવાદનું સ્વરૂપ આપવામાં આવશે તો જ આપણે ટકીશું, તેવી ઈશ્વરની યોજના છે. વિચારમાં રાષ્ટ્રવાદી રહેશો, તો તમે પાછળ રહી જશો.

જે રીતે જાતિવાદથી આગ લાગે છે, તે રીતે વિજ્ઞાનયુગમાં રાષ્ટ્રવાદથી પણ આગ લાગે છે. હવે આ ટકી નહિ શકે. માટે જ મેં ‘જય જગત’નો નારો આપ્યો છે. સમગ્ર વિશ્વનું ભલું ભારતનાં ભલાંમાં જ છુપાયેલું છે. રાષ્ટ્રવાદનો સિદ્ધાંત જૂનો થઇ ગયો છે. આપણે વિશ્વવાદનો સિદ્ધાંત કાયમ કરવો પડશે.

લોકો પોતપોતાનાં દેશનું અભિમાન કરે છે. ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ – આપણો દેશ સારો કેમ છે? આ દેશ આપણો છે એટલાં માટે? જો આપણે અફઘાનિસ્તાનમાં હોત તો શું કહ્યું હોત? આ ઓબ્જેક્ટિવ કથન નથી, સંકુચિત છે. વિશ્વમાનવ આ રીતે નહિ બોલે. તે પોતાની જાતને કોઈ દેશનો નિવાસી નહિ સમજે. આપણા મનમાં એવી ભાષા હોવી જોઈએ કે આપણે વિશ્વમાનવ છીએ.

વિશ્વથી નાની કોઈ વસ્તુ નથી. આપણી બુનિયાદ ગ્રામ-પરિવાર હશે અને તેનું શિખર હશે વિશ્વ-પરિવાર! ‘વ્યાપક ચિંતન અને વિશિષ્ટ સેવા’ એટલે ચિંતનમાં વિશ્વ, કાર્યમાં ગ્રામસ્વરાજ્ય. ગ્રામનીતિ અને વિશ્વનીતિ બંને ચાલશે. આપણો મંત્ર હશે જય જગત અને તંત્ર હશે ગ્રામસ્વરાજ્ય. સેવા માટે નાનું ક્ષેત્ર જોઈએ, ચિંતન માટે વિશાળતા જોઈએ. જો આપણે સેવાને વ્યાપક બનાવવાના પ્રયત્ન કરીશું, તો આપણા હાથ વડે સેવા નહિ થાય. ચિંતન નાનું થઇ ગયું, તો આપણે સંકુચિત થઇ જઈશું અને જો સેવા વ્યાપક બની જશે, તો નિષ્ફળ થઇ જઈશું.

[અનુવાદ – નિલય ભાવસાર]

nbhavsarsafri@gmail.com

Loading

...102030...3,2763,2773,2783,279...3,2903,3003,310...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved