Opinion Magazine
Number of visits: 9664412
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાબાસાહેબ આંબેડકરનો આરંભિક શિક્ષણ સંઘર્ષ

વિરાગ સૂતરિયા|Opinion - Opinion|14 April 2025

વિરાગ સૂતરિયા

ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં, એક તરફ દેશ ગુલામ હતો તો ભારતીય હિંદુ સમાજ નાતજાતમાં વહેંચાયેલો હતો. વિદ્યા એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર માત્ર અને માત્ર ઉચ્ચ વર્ણો સુધી સીમિત હતો. શૂદ્રો અને અસ્પૃશ્યો પોતાનું પેટિયું રળવાની મજૂરી જે વેઠ જ હતી, એમાંથી ઊંચા આવે તો શિક્ષણ વિશે વિચારે ને??? વળી, વર્ષોથી માથે મરાયેલાં પરંપરાગત કામ જ કરવાની નિયતિ સૌએ મજબૂરીવશ સ્વીકારવી પડેલી હોઇ, મરે નહીં ત્યાં સુધી અપમાનો, અવહેલનાઓ, અત્યાચારો સહન કરીને અસ્પૃશ્ય જનતાએ જીવવું પડતું હતું. આવી પરિસ્થિતિમાંથી બહાર આવી, અનેક કષ્ટો વેઠીને અને સંઘર્ષો કરીને ડો. આંબેડકરે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી એમ.એસ.સી., પીએચ.ડી., ડી.એસ.સી., બેરિસ્ટર બનવા સુધીની શિક્ષણ સફર ખેડી હતી.

25 વર્ષ લાંબી નોકરી પછી નિવૃત્ત થયેલા પિતા રામજી સકપાલનાં ચૌદમા અને હયાત પાંચ સંતાનોમાં ‘ભીમરાવ’ સૌથી નાના હતા. શિક્ષણનું મહત્ત્વ સમજતા અને જાતે પણ અભ્યાસુ એવા રામજીરાવને ભીમરાવ પણ સારું શિક્ષણ મેળવી ઉચ્ચ હોદ્દો મેળવે, એવી અપેક્ષા હતી અને એ તે માટે સતત વિચારતા અને જે કંઇ પણ કરવું પડે એ કરતા. બાળપણમાં હ્રષ્ટપુષ્ટ અને દેખાવડા ભીમરાવ તોફાની પણ એટલા જ. ખેલકૂદ અને તોફાનમસ્તીમાં રત ભીમરાવને કેમ્પ સ્કૂલ સતારામાં સાતમી નવેમ્બર 1900ના દિવસે વિધિવત દાખલ કરવામાં આવ્યા. આજે સાતમી નવેમ્બરનો દિવસ મહારાષ્ટ્રમાં વિદ્યાર્થી દિવસ તરીકે મનાવાય છે.

ભીમરાવ ભણવામાં તેજસ્વી તો હતા જ, વળી મૂળાક્ષરો તો પિતાજીએ ઘેર શીખવાડેલા હતા એટલે ભીમરાવને શરૂઆતમાં વાંધો આવ્યો નહીં. રમતિયાળ હતા એટલે સ્કૂલથી આવી દફ્તર ફેંકી સીધા રમવા ભાગી જતા. બાબાસાહેબે પાછળથી લખ્યું પણ છે કે, શરૂઆતમાં એમને ભણવામાં બિલકુલ રસ નહોતો.

ભીમરાવ શાળાએ જતા પરંતુ, અસ્પૃશ્ય હોવાને લીધે વર્ગખંડમાં બેસવા નહોતું મળતું. દલિતેતર વિદ્યાર્થી વર્ગખંડની અંદર બેસતા, જ્યારે અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ બહાર બેસી ભણતા. પાટલી પર બેસી ભણતા વિદ્યાર્થી અને વર્ગખંડની બહાર બેસી કંતાનના પાથરણા પર બેસી ભણતા આ વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર પર્વતની ટોચ અને ખીણ કરતાં પણ વધુ હતું.

ગણિતના એક પિરિયડમાં કોઇને ના આવડતો દાખલો આવડ્યા પછી પણ શિક્ષક દાખલો તપાસવા બહાર બેઠેલા વિદ્યાર્થીઓ તરફ ફરક્યા પણ નહીં. બૉર્ડ પર કોઇ દાખલો ગણી શકશે એવી શિક્ષકની પૃચ્છાના ઉત્તરમાં ઊંચી થઇ ભીમરાવની આંગળી, પણ ભીમરાવને માંડ માંડ, ખમચાતા ખમચાતા શિક્ષક તરફથી શાબાશી મળી. પણ બૉર્ડમાં લખવા માટે વર્ગખંડમાં જવું પડે અને આ તો ‘શાળા બહારના વિદ્યાર્થી(ઓ)’ એ વર્ગખંડમાં બ્લેકબૉર્ડ તરફ જાય તો બધા વિદ્યાર્થીઓના નાસ્તાના ડબ્બા અભડાઇ જાય. વર્ગખંડના વિદ્યાર્થીઓએ નાસ્તાના ડબ્બા લઇ લીધા ત્યારે બ્લેકબૉર્ડ સુધી પહોંચવા મળ્યું.

સમાજવિદ્યાના પિરિયડમાં મહાભારતનો પાઠ ભણાવતા શિક્ષકના ‘મહાભારતનો મહાન બાણાવળી કોણ?’ના જવાબમાં કોઇએ અર્જુન તો કોઇએ કર્ણ જવાબ આપ્યો. ભીમરાવે નાનપણમાં ઘરમાં રામાયણ-મહાભારત, સંતકથાઓ અને પુરાણ કથાઓ સાંભળેલી. એટલે એમનો જવાબ હતો. “ગુરુની મદદ વગર જ એકલવ્ય પાંડવો અને કૌરવો કરતાં મહાન બાણાવળી બન્યો હતો. ગુરુ દ્રોણની ઇર્ષ્યાને કારણે જ એને એનું સ્થાન મળ્યું નહોતું. એટલે મહાન બાણાવળી તો એકલવ્ય છે.” આ જવાબ આધુનિક ‘દ્રોણ’ કેવી રીતે સ્વીકારી શકે? એટલે ભીમરાવને પ્રત્યુત્તરમાં મળ્યું અપમાન, જાતિગત ધંધો યાદ દેવડાવીને અવહેલના કરાઇ.

શાળામાં પીવાનાં પાણીની વ્યવસ્થા તો હતી. બિનઅસ્પૃશ્ય વિદ્યાર્થીઓ તરસ લાગે ત્યારે જાતે પાણી લઇને પી શકતા. પરંતુ, અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ પટાવાળો પ્યાલાથી ઊંચેથી પાણી રેડે ત્યારે જ પાણી પી શકતા. ઘણીવાર તરસ લાગે અને પટાવાળો ન હોય તો તરસ્યા બેસી રહેવું પડતું અથવા પોતાના ઘેર જઇને પાણી પીને પાછું આવવું પડતું. એકવાર તરસ લાગતાં ભીમરાવે જાતે પાણી લઇને પીધું. પટાવાળો જોઇ ગયો એટલે ભીમરાવને હથેળી પર સોટીઓના મારથી બદલો મળ્યો. અસ્પૃશ્યતાના અમાનવીય આચરણ અને એને યોગ્ય ઠરાવતા એ કાળમાં અસ્પૃશ્યો પર જાણે વેઠ અને શ્વાસ લેવા સિવાય બધા જ પ્રતિબંધ હતા.

આ પ્રતિબંધ ભીમરાવને કઠતા, તેમને ફગાવી દેવા મન ચિત્કારી ઉઠતું હતું. શાળાના વાતાવરણથી તો એ જરાયે ખુશ નહોતા. આવી સ્થિતિમાં પણ ભીમરાવે સમાદરપૂર્વક કેટલાક ઉલ્લેખ કરેલા છે. એમાં એક હતા, પેંડસે ગુરુજી. રિસેસમાં બધા વિદ્યાર્થીઓ જ્યારે જતા રહે ત્યારે તેઓ પોતાના ડબ્બામાંથી ભીમરાવને થોડું ખાવાનું આપતા. શિક્ષક અને વિદ્યાર્થી અલગ બેસીને ખાઇ લેતા. આવી રીતે ખાવાનું ભીમરાવને ગમતું નહીં, પરંતુ શિક્ષકના પ્રેમને લીધે એ ના કહી શકતા નહીં.

એવા જ બીજા શિક્ષક હતા આંબેડકર. તેઓ ભણાવવામાં એટલા સારા નહોતા. ભીમરાવનું મન ભણવામાં ઓછું અને રખડવામાં વધુ હતું. એમનું ઘર શાળાથી ખાસ્સું દૂર હતું. એટલે રિસેસમાં જમવા ગયેલા ભીમરાવ રિસેસ પછી ખાસ્સા સમય બાદ શાળામાં આવતા. જમવાનું તો બહાનું હતું, રખડવા મળતું એ એમનો મૂળ ઉદ્દેશ હતો. ભીમરાવ મોડા આવે એ એમના શિક્ષક આંબેડકરને ગમતું નહીં. જમવા ઘેર જવું પડે છે એટલે ભીમરાવને આવતાં વાર થાય છે. એટલે શિક્ષકે ભીમરાવને ઘેર જમવા જવાની ના કહી અને એમના ડબ્બામાંથી ભીમરાવને જમવાનું આપવા લાગ્યા.

ભીમરાવનું મૂળ વતન ‘આંબાવડે’. એટલે એમનો પરિવાર આંબાવાડેકર તરીકે ઓળખાતો. ભીમરાવના શિક્ષકે કહ્યું કે, તારી અટક બોલવામાં અટપટી લાગે છે. તુ ‘આંબાવાડેકર’ની જગ્યાએ મારી અટક ‘આંબેડકર’ લખવાની રાખ. અને શિક્ષકે રજિસ્ટરમાં ભીમરાવની અટક ‘આંબેડકર’ કરી દીધી.

ભીમરાવે સતારામાં રહીને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું.  લશ્કરમાંથી નિવૃત્તિ પછીની સ્ટોરકીપરની નોકરીમાંથી પિતાને છૂટા કરવામાં આવ્યા. રામજીરાવે બાળકોના અભ્યાસ માટે મુંબઇ રહેવા જવાનો નિર્ણય લીધો. મુંબઇ ડબક ચાલમાં ઓરડી ભાડે રાખી. આનંદરાવ અને ભીમરાવને એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં ભણવા મૂક્યા. ભીમરાવને અભ્યાસ કરતાં અભ્યાસેતર પુસ્તકો વાંચવાનું વધુ ગમતું. અભ્યાસનાં પુસ્તકો તો તેઓ એકાદ બે વાર નજર તળે કાઢી લેતા હતા. આ સમયે જ ભીમરાવનો વાંચન અને પુસ્તક સંગ્રહનો શોખ વધુ પ્રબળ બન્યો જે આજીવન રહ્યો. ટ્રેનમાં શાળાએ જવા માટે એમને ઘરમાંથી પૈસા મળતા હતા. પણ ભીમરાવે ટ્રેનનો પાસ પણ ન કઢાવ્યો કે ટિકિટ પણ ના લેતા. એ બચેલા પૈસામાંથી તેઓ પુસ્તકો અને લખવા વાંચવાની સામગ્રી લેતા હતા.

મુંબઇ જેવા મોટા શહેરમાં પણ ડગલે ને પગલે અસ્પૃશ્યતાનો અનુભવ થતો હતો. આ અનુભવ શાળામાં શિક્ષકો અને સહાધ્યાયીઓ તરફથી પણ થતો હતો. હાઇસ્કૂલમાં બે શિક્ષકો ભીમરાવ તરફ સ્નેહ રાખતા હતા એમાં એક હતા ગણિતના શિક્ષક અને બીજા હતા પર્શિયનના શિક્ષક.

‘ડબક ચાલ’ એ મિલમજૂરો અને છૂટક મજૂરી કરતાં લોકોનું રહેઠાણ હતું. ચાલનાં બાળકોની ધમાચકડી, દારૂડિયાઓનો સવાર – સાંજનો ઘોંઘાટ, સવાર સાંજ ચૂલાની સગડીનો ધુમાડો, નાનકડી ઓરડીમાં અભ્યાસમાં મન પરોવતા ભીમરાવને આ વાતાવરણ સાથ આપતું નહોતું. એટલે તેઓ ઇરાની સાહેબના રૂમ પર અથવા તો ચર્ની રોડ પરના બગીચામાં વાંચવા માટે જતા હતા. બગીચામાં નિયમિત વાંચવા આવનાર અને એક શાળાના આચાર્ય એવા કૃષ્ણાજી કેલુસ્કર સાથે ભીમરાવને મુલાકાત અને પરિચય થાય છે. પ્રથમ મુલાકાતમાં જ્ઞાતિ પૂછતા લોકોથી ટેવાઇ ગયેલા ભીમરાવને બ્રાહ્મણ હોવા છતાં કૃષ્ણાજી તે પૂછ્યા સિવાય જ વાત કરે છે, જેનું ભીમરાવને આશ્ચર્ય થયું હતું. કૃષ્ણાજીએ ભીમરાવના વાચન શોખ અને અભ્યાસ વિષે જાણી પદ્ધતિસર વાચનની સમજ આપી. બગીચામાં થયેલો આ પરિચય પછી આજીવન ગાઢ સંબંધમાં પરિણમ્યો.

કૃષ્ણાજી કેલુસ્કરનું માર્ગદર્શન, ઇરાની સાહેબનો પ્રેમ, પિતાની આશા, હૂંફ અને દેખરેખ અને ભીમરાવની મહેનત રંગ લાવી. 1907માં ભીમરાવ મેટ્રિક પાસ થયા. અસ્પૃશ્ય સમાજમાંથી મેટ્રિક થનાર તેઓ પહેલી વ્યક્તિ. બિનદલિત સમાજમાંથી પણ એ સમયે મેટ્રિક સુધી પહોંચનાર જૂજ લોકો હતા. જાણે કાળચક્ર કંઇક જુદું જ ઇંગિત કરતું હતું.

બાબાસાહેબની મેટ્રિક પછીની સમગ્ર શિક્ષણ સફર માત્ર એક લેખમાં સમાવી શકાય એમ નથી. એક સામાન્ય અસ્પૃશ્ય કુટુંબમાં જન્મેલા ભીમરાવ પોતાના શિક્ષણની તાકાતથી સેંકડો વંચિતોના ‘તારણહાર’ બન્યા. એમનું સમગ્ર જીવન જ નહીં પરંતુ આરંભિક શિક્ષણ સફર પણ સૌને સદીઓ સુધી પ્રેરણા આપશે. એમના માટે જ લખાયું હોય એમ લાગે છે.

 दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम।

e.mail : viragsutariya@gmail.com

Loading

શિક્ષક એ નથી જે માહિતી આપે, શિક્ષક એ છે જે ડહાપણ આપે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 April 2025

રાજ ગોસ્વામી

થોડા સમય પહેલાં, દિલ્હીની હિંદુ કોલેજમાં ગુરુ-શિષ્ય સંવાદ યોજાયો હતો. તેમાં કોલેજના વરિષ્ઠ હિન્દી શિક્ષક રામેશ્વર રાય અને તેમના વિધાર્થી રહી ચુકેલા અને હવે પ્રસિદ્ધ કોચિંગ સંસ્થા ‘દૃષ્ટિ આઈ.એ.એસ.’ના સંચાલક ડૉ. વિકાસ દિવ્યકીર્તિ હાજર રહ્યા હતા. 

બંને દાયકાઓ પછી ભેગા થયા હતા અને તેમની વચ્ચે પોણા બે કલાક વાતચીત થઇ હતી. કોલેજના વિધાર્થીઓ માટે તો આ ‘સોને પે સુહાગા’ જેવો અવસર હતો. બંનેએ તેમની વચ્ચેના ગુરુ-શિષ્ય સંબંધ અંગે અને શિક્ષણમાં આજે કેમ તેની બહુ જરૂર છે, તેના પર ગહન વિચારો રજૂ કર્યા હતા. કોઈને તે સંવાદ સાંભળવો હોય તો તે યુટ્યુબ પર ઉપલબ્ધ છે.

ભારતમાં ગુરુ-શિષ્ય પરંપરાનું કેટલું પતન થયું છે અને વિધાર્થીઓને સાચા શિક્ષકનો અભાવ કેટલો સાલે છે તેની સાબિતી આ કાર્યક્રમને માણનારા યુવાનોની ટિપ્પણીઓ પરથી મળે છે. મેં આ કાર્યક્રમ જોયો / સાંભળ્યો હતો, અને પ્રોફેસર રામેશ્વર રાયે તેમાં વર્તમાન ભારતમાં શિક્ષણ અને શિક્ષકની કથળેલી ગુણવત્તા અંગે અમુક નિરીક્ષણો કર્યાં હતાં. તેના પર હું વિચાર કરતો હતો. 

પછી યુટ્યુબ પર મને અમુક વિચાર્થીઓની પ્રતિક્રિયાઓ વાંચવા મળી, તેના પરથી ખ્યાલ આવ્યો કે સાચા અને જ્ઞાની શિક્ષક હોય તો લોકો કેવા પ્રભાવિત થાય છે. એક વિધાર્થીએ લખ્યું, ‘આજના અતિશય માહિતીવાળા અને ડિજિટલ યુગમાં આ પ્રકારનો સંવાદ  મુશ્કેલ છે. મેં પહેલીવાર ગુરુ અને શિષ્ય બંનેને આટલી વિનમ્રતા, સ્નેહ, આદર અને સન્માન સાથે વાતચીત કરતા સાંભળ્યા.’

બીજા એક વિધાર્થીએ લખ્યું, ‘આજે જ્યારે મેં વિકાસ દિવ્યકીર્તિ સરના ગુરુને સાંભળ્યા ત્યારે ખબર પડી કે જેના ગુરુ આવા હોય તો જ વિકાસ સર જેવા ગુરુ મળી શકે. સરે કહ્યું હતું કે ગુરુજીએ તેમનામાં વાંચવાની જિજ્ઞાસા જગાડી હતી. આજે ડૉ. રામેશ્વર સરને સાંભળીને મારામાં પણ જિજ્ઞાસા જાગી છે. રામેશ્વર સર જેવા શિક્ષકો મળે, તો વિકાસ સર જેવા શિષ્યો જન્મે.’

એક અન્ય શ્રોતાએ લખ્યું, ‘વિકાસ સર અને રામેશ્વર સરની વાત સાંભળીને લાગ્યું કે માત્ર ગુરુ-શિષ્ય પરંપરા જ સમાજને યોગ્ય દિશામાં દોરી શકે છે. આવી મૂલ્યવાન વાતચીત બદલ આપનો ખૂબ ખૂબ આભાર! યુવા પેઢીને માર્ગદર્શનની સૌથી વધુ જરૂર છે.’ 

બીજા એકે લખ્યું, ‘યુવા પેઢીને તમારા માર્ગદર્શનની સૌથી વધુ જરૂર છે. તમારો વીડિયો જોઈને મેં નવું જીવન શરૂ કર્યું. વર્ષમાં આવા ચાર વીડિયો બનવા જોઈએ. યુવા પેઢીમાં બહુ બદલાવ આવશે.’ 

એક વિધાર્થી ઘણા સમયથી તનાવની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હતો. યુટ્યુબ પર તે નકામા વીડિયો જોઈને થાકી ગયો હતો. યુટ્યુબના અલગોરિધમે તેને હિંદુ કોલેજના આ કાર્યક્રમનું સૂચન કર્યું. તેને પહેલીવાર એવું લાગ્યું કે આટલો સારો વીડિયો પણ હોઈ શકે અને જીવન જીવવામાં મદદ મળી શકે છે.

એક અન્ય વિધાર્થી આ સંવાદની ગુણવત્તાથી એટલો પ્રભાવિત થયો કે તેણે લખ્યું, ‘આ એક કલાક 40 મિનિટનો એપિસોડ જેણે પણ સાંભળ્યો છે તે સાચે જ જ્ઞાનનો ભૂખ્યો છે, તેનું માનસિક સ્તર નિશ્ચિતપણે સામાન્ય લોકો કરતાં ઉપર છે. જીવનની દોડધામમાં કોઈ આટલો લાંબો એપિસોડ જુવે / સાંભળે તેનો અર્થ જ એ થયો કે તેને જ્ઞાની લોકોની સંગત ગમે છે.’

આ ટિપ્પણીઓથી એક વાત સમજાય છે કે શિક્ષણ જગતમાં સારા ગુરુઓ રહ્યા નથી અને શિષ્યો એક તરસ્યા પ્રાણીની જેમ પાણી માટે અહીં તહીં ભટક્યા કરે છે. કોલેજનાં છોકરાઓમાં કેવી જિજ્ઞાસા હોય છે તેની સાબિતી આ ટિપ્પણીઓ છે. આ ટિપ્પણી વર્તમાન દૌર અંગે પણ છે જેમાં માહિતીઓ તો આપાર છે પરંતુ જ્ઞાન નથી.

આ સંવાદમાં, રામેશ્વર રાયે પણ આ જ સંકટ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે આજના સમયમાં ભરોસાની જેટલી જગ્યાઓ હતી તે ધ્વસ્ત થઇ છે. ધર્મમાં તે ધ્વસ્ત છે. રાજનીતિમાં તે ધ્વસ્ત છે. સંત-મહાત્મા ધ્વસ્ત છે. અને 19થી 22 વર્ષનાં જે બાળકો આંખોમાં સપનાં લઈને વિશ્વવિદ્યાલયોના દરવાજે આવે છે તે માત્ર જ્ઞાનની શોધમાં નહીં, પણ ભરોસાની ખોજમાં પણ આવે છે, કારણ કે રાજનીતિ, પ્રશાસન, ધર્મ જેવાં જિંદગીનાં જેટલાં પણ ક્ષેત્ર છે, તે તેમનો ભરોસો ગુમાવી ચૂક્યાં છે. 

તેમણે કહ્યું હતું કે શિક્ષકનું કામ માત્ર જ્ઞાન આપવાનું નથી, પરંતુ વિધાર્થીને એ ભરોસો આપવાનું છે કે જીવન સફળતાપૂર્વક અને સાર્થક રીતે જીવી શકાય છે. રાયે એક સરસ વાત કરી હતી કે, ‘શિક્ષક જ્ઞાનના કારણે મહત્ત્વપૂર્ણ નથી, બલકે ભરોસાના ખંડેરમાં તે એક મજબૂત ઈંટની માફક બચેલો રહે છે અને 18થી 22 વર્ષ વચ્ચેના વિધાર્થીને લાગે કે ના, ભરોસો કરવા જેવી હજુ એક જગ્યા બાકી છે.’

માતા-પિતા બાળકોને જન્મ આપે છે. તેમનું સ્થાન કોઈ લઈ શકતું નથી, અને આપણે કોઈ પણ સ્વરૂપમાં તેમનું ઋણ અદા કરી શકતા નથી, પરંતુ શિક્ષકને ભારતીય સંસ્કૃતિમાં માતાપિતા તરીકે સમાન દરજ્જો આપવામાં આવે છે કારણ કે શિક્ષક જ બાળકને સમાજમાં જીવવા યોગ્ય બનાવે  છે. એટલા માટે શિક્ષકને સમાજનો ઘડવૈયા કહેવામાં આવે છે. 

શિક્ષક માત્ર વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ કરાવવા માટે જ ચિંતિત નથી હોતો, પરંતુ તે જીવનના દરેક પડાવ પર તેના વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા અને તેનો હાથ પકડવા માટે હંમેશાં તૈયાર હોય છે, ઉપસ્થિત હોય છે. તે વિદ્યાર્થીના મનમાં ઉદ્ભવતા દરેક પ્રશ્નનો જવાબ આપે છે અને વિદ્યાર્થીને યોગ્ય સલાહ આપે છે અને હંમેશાં તેને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

એટલા માટે શિક્ષકને ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આજીવન સંબંધ છે. હવે એવું રહ્યું નથી. આજે શિક્ષકનું કામ 9થી 5ની બેંકની નોકરી જેવું થઇ ગયું છે. બેંક બંધ થઇ જાય પછી પૈસાની લેવડદેવડ બંધ થઇ જાય, તેવી રીતે સ્કૂલ કે કોલેજ બંધ થઇ જાય પછી જ્ઞાનનું સિંચન પણ બંધ થઇ જાય છે. 

શિક્ષક એ નથી જે માહિતી આપે. શિક્ષક એ છે જે ડહાપણ આપે. 

આઈન્સ્ટાઈને લખ્યું હતું, ‘ખબર તો બેવકૂફને પણ હોય છે. મહત્ત્વની વાત સમજણની છે.’ જેને સમગ્રતા સાથેના જીવનની ગહેરાઈની સમજ નથી એ અભણ છે. શિક્ષક ટોર્ચબેરિયર છે. એ મગજમાં વસ્તુઓ ના ભરે, એ આગ લગાવે. તમને સારું લગાડે, પંપાળે એ શિક્ષક નથી, એ મનોરંજક છે.

શિક્ષણનો મુખ્ય હેતુ જ્ઞાન એકઠું કરવાનો નથી, કલ્પનાશક્તિને ઉત્તેજન આપવાનો છે, પરંતુ શિક્ષણ આપવાની આપણી મેથડ નવું વિચારવાની શક્તિને સીમિત કરે છે, અને પૂર્વનિર્ધારિત જવાબો આપવાની ક્ષમતાને મજબૂત કરે છે. એટલા માટે, આપણી શિક્ષણ વ્યવસ્થામાંથી ભણેલા લોકો બહુ બહાર પડે છે, પરંતુ ક્રિએટિવ થિન્કિંગ કરવાવાળા ઓછા નીકળે છે. 

બાળકોમાં જન્મજાત જિજ્ઞાસાવૃત્તિ, ક્રિએટિવિટી અને કલ્પનાશક્તિ હોય છે, પરંતુ સ્કૂલમાં બુદ્ધિનો ટેસ્ટ કરવાની મેથડના પગલે તે વૃત્તિઓ દબાઈ જાય છે. શિક્ષણ જ્યારે આપણી કલ્પનાશક્તિને રૂંધે, ત્યારે તેને બ્રેનવોશિંગ કહેવાય. શિક્ષણ આપણને “શું” વિચારવું એ શીખવાડે છે. વાસ્તવમાં તેનું કામ આપણે “કેવી રીતે” વિચારવું તે શીખવાડવાનું છે. આપણને આવા શિક્ષકોની જરૂર છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 13 ઍપ્રિલ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ન્યાયી સીમાંકનનો આધાર પારદર્શિતા, પરામર્શ અને નિષ્પક્ષતા છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 April 2025

ચંદુ મહેરિયા

તમિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિનની પહેલથી, દેશના સાડત્રીસ વિપક્ષો સીમાંકનના મુદ્દે એકત્ર થયા છે. દક્ષિણના રાજ્યોએ વસ્તી નિયંત્રણના કાર્યક્રમોનો અસરકારક અમલ કરતાં તેમની વસ્તી ઘટી છે. એટલે વસ્તીના ધોરણે થતાં લોકસભા બેઠકોના સીમાંકનમાં તેમની બેઠકો ઘટવાની આશંકા છે. બેઠકો ઘટતાં કેન્દ્ર સરકારમાં તેમનો અવાજ નબળો પડશે. તેથી તેઓ સીમાંકનનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દક્ષિણના રાજ્યોની લોકસભા બેઠકો ઘટશે નહીં તેવું આશ્વાસન આપ્યું છે, પરંતુ વિરોધ અટક્યો નથી. બંધારણીય જોગવાઈઓને અનુરૂપ બંધારણીય જરૂરિયાત એવા સીમાંકને આજકાલની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. 

ગ્રામ પંચાયતથી લોકસભા સુધીના મત વિસ્તારોની સીમાઓની આંકણી એટલે સીમાંકન, પરિસીમન કે ડીલિમિટેશન. ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના મતાનુસાર કોઈ દેશની સંસદ કે રાજ્યની વિધાનસભાના ચૂંટણી ક્ષેત્રોની સીમા નક્કી કરવાની પ્રક્રિયા એટલે સીમાંકન. ભારતમાં મત વિસ્તારનું સીમાંકન વસ્તીના આધારે થાય છે. સીમાંકનનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનું છે કે રાજ્યો વચ્ચે લોકસભાની બેઠકોની વહેંચણી દેશની વસ્તીમાં તેમની હિસ્સેદારી પ્રમાણે હોય. એક વ્યક્તિ એક મતનો સિદ્ધાંત સચવાય અને મતવિસ્તારો સમાન હોય.

બંધારણના આર્ટિકલ ૮૧માં લોકસભાની રચના પ્રક્રિયાની જોગવાઈ છે. તે પ્રમાણે રાજ્યોની વસ્તીના ધોરણે એક સમાન મતવિસ્તારોમાં સીધી ચૂંટણીથી ચૂંટાયેલા સભ્યોથી લોકસભા રચાશે. આર્ટિકલ ૮૨માં દર દાયકે થતી વસ્તી ગણતરી પછી  વસ્તીના આધારે લોકસભાની કુલ બેઠકોની રાજ્યોમાં વહેંચણી કરવાની અને તે પ્રમાણે મતવિસ્તારોનું સીમાંકન કરવાની જોગવાઈ છે. અનુચ્છેદ ૧૭૦માં રાજ્યોની વિધાનસભાઓની પણ આ જ ધોરણે રચના થશે. જ્યારે અનુચ્છેદ ૩૩૦ અને ૩૩૨માં અનુસૂચિત જાતિ, જનજાતિઓ માટેની અનામત બેઠકોની જોગવાઈ છે. 

જુદા જુદા વરસોના ચાર ડીલિમિટેશન એકટ પ્રમાણે દેશમાં ચાર વખત લોકસભા બેઠકોનું સીમાંકન થયું છે. ૧૯૫૨, ૧૯૬૩, ૧૯૭૩ અને ૨૦૦૨માં સીમાંકન થયું હતું. સીમાંકન માટે અલગ સીમાંકન આયોગ નામક બંધારણીય સંસ્થાની રચના કરવાની હોય છે. તેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ બની શકે છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર કે તે નક્કી કરે તે ઈલેકશન કમિશનર, સંબંધિત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત તેમાં એસોસિએટ મેમ્બર તરીકે નિષ્ણાતો કે લોકસભા-ધારાસભાના પાંચ-પાંચ સભ્યોની નિમણૂક કરવાની હોય છે. 

આ કમિશન વસ્તીગણતરીના અધિકૃત આંકડા સાથે દેશ અને રાજ્યના ચૂંટણી કમિશન સાથે મળીને મત વિસ્તારોની સીમા અને બેઠકોની સંખ્યા નક્કી કરે છે. સીમાંકનની કામગીરી સંપૂર્ણ પારદર્શિતાથી, રાજકીય પક્ષો અને લોકો સાથેના પરામર્શનથી અને પૂર્ણ તટસ્થતાથી કરવાની હોય છે. સીમાંકન આયોગ જે બેઠકોની સંખ્યા નક્કી કરે  અને  મત વિસ્તારોની જે હદ આંકે તે ફાઈનલ ગણાય છે. તેને કોઈ કોર્ટમાં પડકારી શકાતી નથી. સંસદ અને વિધાનગૃહોમાં સીમાંકન આયોગનો અહેવાલ તો રજૂ થાય છે પરંતુ તેના પર કોઈ ચર્ચા કરી શકાતી નથી. આ પ્રકારની જોગવાઈને કારણે સીમાંકન આયોગનું કામ ખૂબ જ કઠિન અને સર્વોપરી છે.

૧૯૫૧, ૧૯૬૧ અને ૧૯૭૧ના દાયકે થયેલી વસ્તી ગણતરી પ્રમાણે સીમાંકન આયોગની રચના થઈ હતી અને બેઠકોની સંખ્યા નક્કી થઈ હતી. ૧૯૫૨માં લોકસભાના સભ્યોની કુલ સંખ્યા ૪૯૪ હતી. તે પછી ૧૯૬૨માં ૫૨૨ હતી. અને ૧૯૭૩માં ૫૪૩ થઈ. ૧૯૬૦માં ગુજરાતના અલગ રાજ્યની રચના થયા બાદની ૧૯૬૨ની ચૂંટણીમાં રાજ્યમાં લોકસભાની બેઠકો ૨૨ હતી. જે વસ્તીના વધારા સાથે ૧૯૬૭માં ૨૪ અને ૧૯૭૭માં ૨૬ થઈ હતી. ગુજરાત વિધાનસભાની સીટો ૧૯૬૨માં ૧૫૪,  તે પછી ૧૬૮ અને ૧૯૭૫થી ૧૮૨ છે.

લોકસભાની કુલ બેઠકો ૫૪૩ અને ગુજરાત વિધાનસભાની બેઠકો ૧૮૨ છેલ્લા પચાસ વરસોથી સ્થિર છે અને વસ્તી વૃદ્ધિ છતાં તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેનું કારણ બંધારણ સુધારા મારફતે ભારત સરકારે તેમાં કોઈ વધારો ન કરવાનો કરેલો નિર્ણય છે. ૧૯૭૬માં આંતરિક કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પચીસ વરસો માટે (૨૦૦૦ સુધી) લોકસભાની બેઠકોમાં ફેરફાર ના કરવા બેતાળીસમો બંધારણ સુધારો કર્યો હતો. એ વખતે એવું કારણ આગળ ધર્યું હતું કે  જે રાજ્યોએ કુટુંબ નિયોજન કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડ્યા છે. તેમની બેઠકો ઘટે નહીં અને વસ્તી વધારાને રોકી શકાય તે માટે આ જરૂરી છે. 

૨૦૦૧માં ૮૪મા બંધારણ સુધારાથી અટલ બિહારી વાજપાઈના નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારે વળી બીજા પચીસ વરસો સુધી એટલે કે ૨૦૨૫ સુધી લોકસભાની ૫૪૩ બેઠકો યથાવત રાખવાનો નિર્ણય કર્યો. હવે ૨૦૨૫માં નવો સીમાંકન એકટ અને આયોગ રચવાનાં છે. આ દાયકાના આરંભે થનારી વસ્તી ગણતરીના કોઈ અણસાર જણાતા નથી, પરંતુ તેના આધારે થનારા સીમાંકન અને બેઠકોમાં વધારા-ઘટાડાની ચર્ચા થઈ રહી છે.

દક્ષિણના રાજ્યોની દલીલ છે છે કે ઉત્તર ભારતની તુલનામાં તેમની વસ્તી ઘટી છે. એટલે વસ્તીના ધોરણે સીમાંકન થાય તો તેમને નુકસાન થવાની અને બેઠકો ઘટવાની વાતમાં દમ છે. વળી તેમની બેઠકો ઘટવા કરતાં ઉત્તરની બેઠકો વધતાં સત્તા સંતુલનમાં તેમની ભૂમિકા સાવ નામશેષ થઈ જવાનો ડર પણ છે. તમિલનાડુ, આંધ્ર, તેલંગાણા, કર્ણાટક અને કેરળ એ પાંચ દક્ષિણ ભારતીય રાજ્યોની કુલ બેઠકો હાલમાં ૧૨૯ કે લોકસભાની કુલ બેઠકોમાં ૨૪ ટકા છે. ઉત્તરના મોટા રાજ્યોની બેઠકો ૧૭૪ કે ૩૨ ટકા છે. હવે જો વસ્તી વૃદ્ધિને ધ્યાનમાં લઈ બેઠકોની વહેંચણી થાય તો એકલા ઉત્તર પ્રદેશ અને બિહારની બેઠકો જ વધીને કુલ બેઠકોના ૩૦ ટકા અને દક્ષિણના પાંચ રાજ્યોની ઘટીને ૧૯ ટકા થશે. એટલે દક્ષિણ ભારતના રાજકીય પક્ષો સીમાંકન ૩૦ વરસો સુધી ટાળવાની માંગ કરી રહ્યા છે.  

દુનિયાના અન્ય લોકશાહી દેશો પૈકી અમેરિકામાં ૭ લાખની વસ્તીએ એક અને યુનાઇટેડ કિંગ્ડમમાં ૧ લાખની વસ્તીએ ૧ એમ.પી. છે. જ્યારે ભારતમાં આશરે પચીસ લાખે એક એમ.પી. છે. વળી તેમાં પણ ભિન્નતા છે. કેરળમાં ૧૭ લાખે, રાજસ્થાનમં ૩૩ લાખે અને લક્ષદીપમાં ૫૦ હજારે એક એમ.પી છે. આ વિસંગતતા ભારતની ભૌગોલિક સ્થિતિને કારણે પણ છે. 

સીમાંકનની બંધારણીય જરૂરિયાતનો રાજકીય પક્ષો પોતાના ફાયદા કે હિત માટે ઉપયોગ કરતા હોય છે. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વમાં બંધારણીય સંસ્થા એવું ડીલિમિટેશન કમિશન સત્તા પક્ષની કઠપૂતળી બની સીમાંકન કરે છે, તેવી ફરિયાદ આજના સત્તા પક્ષો જ્યારે વિપક્ષો હતા ત્યારે અને વિપક્ષો જ્યારેક સત્તા પક્ષો હતા ત્યારે કરતા રહ્યા છે. પોતાની વોટ બેન્કને એક તરફ કરતું અને વિરોધી વોટ બેન્કને વિભાજિત કરતું સીમાંકન થતું રહ્યું છે.એટલે આઝાદીના પંચોતેર વરસો પછી લોકતંત્રની મજબૂતી માટે પરામર્શન, પારદર્શિતા અને નિષ્પક્ષતાના આધારે સીમાંકન થાય તે દેશહિતમાં છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...321322323324...330340350...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved