
વિરાગ સૂતરિયા
ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં, એક તરફ દેશ ગુલામ હતો તો ભારતીય હિંદુ સમાજ નાતજાતમાં વહેંચાયેલો હતો. વિદ્યા એટલે કે શિક્ષણ મેળવવાનો અધિકાર માત્ર અને માત્ર ઉચ્ચ વર્ણો સુધી સીમિત હતો. શૂદ્રો અને અસ્પૃશ્યો પોતાનું પેટિયું રળવાની મજૂરી જે વેઠ જ હતી, એમાંથી ઊંચા આવે તો શિક્ષણ વિશે વિચારે ને??? વળી, વર્ષોથી માથે મરાયેલાં પરંપરાગત કામ જ કરવાની નિયતિ સૌએ મજબૂરીવશ સ્વીકારવી પડેલી હોઇ, મરે નહીં ત્યાં સુધી અપમાનો, અવહેલનાઓ, અત્યાચારો સહન કરીને અસ્પૃશ્ય જનતાએ જીવવું પડતું હતું. આવી પરિસ્થિતિમાંથી બહાર આવી, અનેક કષ્ટો વેઠીને અને સંઘર્ષો કરીને ડો. આંબેડકરે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી એમ.એસ.સી., પીએચ.ડી., ડી.એસ.સી., બેરિસ્ટર બનવા સુધીની શિક્ષણ સફર ખેડી હતી.
25 વર્ષ લાંબી નોકરી પછી નિવૃત્ત થયેલા પિતા રામજી સકપાલનાં ચૌદમા અને હયાત પાંચ સંતાનોમાં ‘ભીમરાવ’ સૌથી નાના હતા. શિક્ષણનું મહત્ત્વ સમજતા અને જાતે પણ અભ્યાસુ એવા રામજીરાવને ભીમરાવ પણ સારું શિક્ષણ મેળવી ઉચ્ચ હોદ્દો મેળવે, એવી અપેક્ષા હતી અને એ તે માટે સતત વિચારતા અને જે કંઇ પણ કરવું પડે એ કરતા. બાળપણમાં હ્રષ્ટપુષ્ટ અને દેખાવડા ભીમરાવ તોફાની પણ એટલા જ. ખેલકૂદ અને તોફાનમસ્તીમાં રત ભીમરાવને કેમ્પ સ્કૂલ સતારામાં સાતમી નવેમ્બર 1900ના દિવસે વિધિવત દાખલ કરવામાં આવ્યા. આજે સાતમી નવેમ્બરનો દિવસ મહારાષ્ટ્રમાં વિદ્યાર્થી દિવસ તરીકે મનાવાય છે.
ભીમરાવ ભણવામાં તેજસ્વી તો હતા જ, વળી મૂળાક્ષરો તો પિતાજીએ ઘેર શીખવાડેલા હતા એટલે ભીમરાવને શરૂઆતમાં વાંધો આવ્યો નહીં. રમતિયાળ હતા એટલે સ્કૂલથી આવી દફ્તર ફેંકી સીધા રમવા ભાગી જતા. બાબાસાહેબે પાછળથી લખ્યું પણ છે કે, શરૂઆતમાં એમને ભણવામાં બિલકુલ રસ નહોતો.
ભીમરાવ શાળાએ જતા પરંતુ, અસ્પૃશ્ય હોવાને લીધે વર્ગખંડમાં બેસવા નહોતું મળતું. દલિતેતર વિદ્યાર્થી વર્ગખંડની અંદર બેસતા, જ્યારે અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ બહાર બેસી ભણતા. પાટલી પર બેસી ભણતા વિદ્યાર્થી અને વર્ગખંડની બહાર બેસી કંતાનના પાથરણા પર બેસી ભણતા આ વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર પર્વતની ટોચ અને ખીણ કરતાં પણ વધુ હતું.
ગણિતના એક પિરિયડમાં કોઇને ના આવડતો દાખલો આવડ્યા પછી પણ શિક્ષક દાખલો તપાસવા બહાર બેઠેલા વિદ્યાર્થીઓ તરફ ફરક્યા પણ નહીં. બૉર્ડ પર કોઇ દાખલો ગણી શકશે એવી શિક્ષકની પૃચ્છાના ઉત્તરમાં ઊંચી થઇ ભીમરાવની આંગળી, પણ ભીમરાવને માંડ માંડ, ખમચાતા ખમચાતા શિક્ષક તરફથી શાબાશી મળી. પણ બૉર્ડમાં લખવા માટે વર્ગખંડમાં જવું પડે અને આ તો ‘શાળા બહારના વિદ્યાર્થી(ઓ)’ એ વર્ગખંડમાં બ્લેકબૉર્ડ તરફ જાય તો બધા વિદ્યાર્થીઓના નાસ્તાના ડબ્બા અભડાઇ જાય. વર્ગખંડના વિદ્યાર્થીઓએ નાસ્તાના ડબ્બા લઇ લીધા ત્યારે બ્લેકબૉર્ડ સુધી પહોંચવા મળ્યું.
સમાજવિદ્યાના પિરિયડમાં મહાભારતનો પાઠ ભણાવતા શિક્ષકના ‘મહાભારતનો મહાન બાણાવળી કોણ?’ના જવાબમાં કોઇએ અર્જુન તો કોઇએ કર્ણ જવાબ આપ્યો. ભીમરાવે નાનપણમાં ઘરમાં રામાયણ-મહાભારત, સંતકથાઓ અને પુરાણ કથાઓ સાંભળેલી. એટલે એમનો જવાબ હતો. “ગુરુની મદદ વગર જ એકલવ્ય પાંડવો અને કૌરવો કરતાં મહાન બાણાવળી બન્યો હતો. ગુરુ દ્રોણની ઇર્ષ્યાને કારણે જ એને એનું સ્થાન મળ્યું નહોતું. એટલે મહાન બાણાવળી તો એકલવ્ય છે.” આ જવાબ આધુનિક ‘દ્રોણ’ કેવી રીતે સ્વીકારી શકે? એટલે ભીમરાવને પ્રત્યુત્તરમાં મળ્યું અપમાન, જાતિગત ધંધો યાદ દેવડાવીને અવહેલના કરાઇ.
શાળામાં પીવાનાં પાણીની વ્યવસ્થા તો હતી. બિનઅસ્પૃશ્ય વિદ્યાર્થીઓ તરસ લાગે ત્યારે જાતે પાણી લઇને પી શકતા. પરંતુ, અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ પટાવાળો પ્યાલાથી ઊંચેથી પાણી રેડે ત્યારે જ પાણી પી શકતા. ઘણીવાર તરસ લાગે અને પટાવાળો ન હોય તો તરસ્યા બેસી રહેવું પડતું અથવા પોતાના ઘેર જઇને પાણી પીને પાછું આવવું પડતું. એકવાર તરસ લાગતાં ભીમરાવે જાતે પાણી લઇને પીધું. પટાવાળો જોઇ ગયો એટલે ભીમરાવને હથેળી પર સોટીઓના મારથી બદલો મળ્યો. અસ્પૃશ્યતાના અમાનવીય આચરણ અને એને યોગ્ય ઠરાવતા એ કાળમાં અસ્પૃશ્યો પર જાણે વેઠ અને શ્વાસ લેવા સિવાય બધા જ પ્રતિબંધ હતા.
આ પ્રતિબંધ ભીમરાવને કઠતા, તેમને ફગાવી દેવા મન ચિત્કારી ઉઠતું હતું. શાળાના વાતાવરણથી તો એ જરાયે ખુશ નહોતા. આવી સ્થિતિમાં પણ ભીમરાવે સમાદરપૂર્વક કેટલાક ઉલ્લેખ કરેલા છે. એમાં એક હતા, પેંડસે ગુરુજી. રિસેસમાં બધા વિદ્યાર્થીઓ જ્યારે જતા રહે ત્યારે તેઓ પોતાના ડબ્બામાંથી ભીમરાવને થોડું ખાવાનું આપતા. શિક્ષક અને વિદ્યાર્થી અલગ બેસીને ખાઇ લેતા. આવી રીતે ખાવાનું ભીમરાવને ગમતું નહીં, પરંતુ શિક્ષકના પ્રેમને લીધે એ ના કહી શકતા નહીં.
એવા જ બીજા શિક્ષક હતા આંબેડકર. તેઓ ભણાવવામાં એટલા સારા નહોતા. ભીમરાવનું મન ભણવામાં ઓછું અને રખડવામાં વધુ હતું. એમનું ઘર શાળાથી ખાસ્સું દૂર હતું. એટલે રિસેસમાં જમવા ગયેલા ભીમરાવ રિસેસ પછી ખાસ્સા સમય બાદ શાળામાં આવતા. જમવાનું તો બહાનું હતું, રખડવા મળતું એ એમનો મૂળ ઉદ્દેશ હતો. ભીમરાવ મોડા આવે એ એમના શિક્ષક આંબેડકરને ગમતું નહીં. જમવા ઘેર જવું પડે છે એટલે ભીમરાવને આવતાં વાર થાય છે. એટલે શિક્ષકે ભીમરાવને ઘેર જમવા જવાની ના કહી અને એમના ડબ્બામાંથી ભીમરાવને જમવાનું આપવા લાગ્યા.
ભીમરાવનું મૂળ વતન ‘આંબાવડે’. એટલે એમનો પરિવાર આંબાવાડેકર તરીકે ઓળખાતો. ભીમરાવના શિક્ષકે કહ્યું કે, તારી અટક બોલવામાં અટપટી લાગે છે. તુ ‘આંબાવાડેકર’ની જગ્યાએ મારી અટક ‘આંબેડકર’ લખવાની રાખ. અને શિક્ષકે રજિસ્ટરમાં ભીમરાવની અટક ‘આંબેડકર’ કરી દીધી.
ભીમરાવે સતારામાં રહીને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. લશ્કરમાંથી નિવૃત્તિ પછીની સ્ટોરકીપરની નોકરીમાંથી પિતાને છૂટા કરવામાં આવ્યા. રામજીરાવે બાળકોના અભ્યાસ માટે મુંબઇ રહેવા જવાનો નિર્ણય લીધો. મુંબઇ ડબક ચાલમાં ઓરડી ભાડે રાખી. આનંદરાવ અને ભીમરાવને એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં ભણવા મૂક્યા. ભીમરાવને અભ્યાસ કરતાં અભ્યાસેતર પુસ્તકો વાંચવાનું વધુ ગમતું. અભ્યાસનાં પુસ્તકો તો તેઓ એકાદ બે વાર નજર તળે કાઢી લેતા હતા. આ સમયે જ ભીમરાવનો વાંચન અને પુસ્તક સંગ્રહનો શોખ વધુ પ્રબળ બન્યો જે આજીવન રહ્યો. ટ્રેનમાં શાળાએ જવા માટે એમને ઘરમાંથી પૈસા મળતા હતા. પણ ભીમરાવે ટ્રેનનો પાસ પણ ન કઢાવ્યો કે ટિકિટ પણ ના લેતા. એ બચેલા પૈસામાંથી તેઓ પુસ્તકો અને લખવા વાંચવાની સામગ્રી લેતા હતા.
મુંબઇ જેવા મોટા શહેરમાં પણ ડગલે ને પગલે અસ્પૃશ્યતાનો અનુભવ થતો હતો. આ અનુભવ શાળામાં શિક્ષકો અને સહાધ્યાયીઓ તરફથી પણ થતો હતો. હાઇસ્કૂલમાં બે શિક્ષકો ભીમરાવ તરફ સ્નેહ રાખતા હતા એમાં એક હતા ગણિતના શિક્ષક અને બીજા હતા પર્શિયનના શિક્ષક.
‘ડબક ચાલ’ એ મિલમજૂરો અને છૂટક મજૂરી કરતાં લોકોનું રહેઠાણ હતું. ચાલનાં બાળકોની ધમાચકડી, દારૂડિયાઓનો સવાર – સાંજનો ઘોંઘાટ, સવાર સાંજ ચૂલાની સગડીનો ધુમાડો, નાનકડી ઓરડીમાં અભ્યાસમાં મન પરોવતા ભીમરાવને આ વાતાવરણ સાથ આપતું નહોતું. એટલે તેઓ ઇરાની સાહેબના રૂમ પર અથવા તો ચર્ની રોડ પરના બગીચામાં વાંચવા માટે જતા હતા. બગીચામાં નિયમિત વાંચવા આવનાર અને એક શાળાના આચાર્ય એવા કૃષ્ણાજી કેલુસ્કર સાથે ભીમરાવને મુલાકાત અને પરિચય થાય છે. પ્રથમ મુલાકાતમાં જ્ઞાતિ પૂછતા લોકોથી ટેવાઇ ગયેલા ભીમરાવને બ્રાહ્મણ હોવા છતાં કૃષ્ણાજી તે પૂછ્યા સિવાય જ વાત કરે છે, જેનું ભીમરાવને આશ્ચર્ય થયું હતું. કૃષ્ણાજીએ ભીમરાવના વાચન શોખ અને અભ્યાસ વિષે જાણી પદ્ધતિસર વાચનની સમજ આપી. બગીચામાં થયેલો આ પરિચય પછી આજીવન ગાઢ સંબંધમાં પરિણમ્યો.
કૃષ્ણાજી કેલુસ્કરનું માર્ગદર્શન, ઇરાની સાહેબનો પ્રેમ, પિતાની આશા, હૂંફ અને દેખરેખ અને ભીમરાવની મહેનત રંગ લાવી. 1907માં ભીમરાવ મેટ્રિક પાસ થયા. અસ્પૃશ્ય સમાજમાંથી મેટ્રિક થનાર તેઓ પહેલી વ્યક્તિ. બિનદલિત સમાજમાંથી પણ એ સમયે મેટ્રિક સુધી પહોંચનાર જૂજ લોકો હતા. જાણે કાળચક્ર કંઇક જુદું જ ઇંગિત કરતું હતું.
બાબાસાહેબની મેટ્રિક પછીની સમગ્ર શિક્ષણ સફર માત્ર એક લેખમાં સમાવી શકાય એમ નથી. એક સામાન્ય અસ્પૃશ્ય કુટુંબમાં જન્મેલા ભીમરાવ પોતાના શિક્ષણની તાકાતથી સેંકડો વંચિતોના ‘તારણહાર’ બન્યા. એમનું સમગ્ર જીવન જ નહીં પરંતુ આરંભિક શિક્ષણ સફર પણ સૌને સદીઓ સુધી પ્રેરણા આપશે. એમના માટે જ લખાયું હોય એમ લાગે છે.
दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम।
e.mail : viragsutariya@gmail.com