Opinion Magazine
Number of visits: 9664427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્મિત સાચવી રાખ્યું છે

રોનક જોષી ‘રાહગીર'|Opinion - Opinion|16 April 2025

મેં ખાલીખમ ખીસામાં સ્મિત સાચવી રાખ્યું છે,
મુલાકાતમાં લાગ્યું એવું જાણે રામે બોર ચાખ્યું છે.

ખટખટ ખખડાવ્યા કરું છું હું રોજ દરવાજો,
અંદરથી પૂછે મને અહીં તાળું કોણે વાખ્યું છે?

સમજણ પળોજણ લે બધું તારા ચરણોમાં,
હિસાબ ચૂકતેનું બિડાણ સહી સાથે નાંખ્યું છે.

એકવાર બેવાર નહીં રોજેરોજનું થયું હવે,
તે જ તો આ સપનાઓ જોડે મિલન બાંધ્યું છે.

ભૂખની તો વાત જ ક્યાં રહી છે હવે જીવનમાં,
સુખ શાંતિને સંતોષ નામનું ભાથું તે તો રાધ્યું છે.

e.mail : ronakjoshi226@gmail.com

Loading

તમે સદાબહાર છો અનિલ જોશી, તમે ક્યાં ય ગયા નથી …

સોનલ પરીખ|Opinion - Opinion|16 April 2025

મારી ઇચ્છાઓને પેલે પાર આકાશમાં પહેલવહેલું વાદળું બંધાતું જોઉં છું ને મને થાય છે કે સાંબેલાધારે પાણી વરસતું હોય, હું ભીંજાતો ભીંજાતો હરિયાળા ખેતરોમાં હડિયાપટી કરતો હોઉં ને મારા પર આકાશમાંથી એક ભયંકર કડાકા સાથે વીજળી પડે ને મારું શરીર ભડથું થઈને ડાંગરની ક્યારીમાં છમકારો બોલાવીને ફેંકાઇ જાય તો એવું ફિલ કરું કે હાશ, મેં શરીર છોડ્યું … 

—     અનિલ જોશી 

‘મારી ઇચ્છાઓને પેલે પાર આકાશમાં પહેલવહેલું વાદળું બંધાતું જોઉં છું ને મને થાય છે કે સાંબેલાધારે પાણી વરસતું હોય, ટહુકાના શિખર પરથી મોરલાઓ કેદીની માફક ગબડી પડતાં હોય, મારી છાતીમાં ખીલાની માફક ઠોકાઈ જતું દર્દ વ્હાલુંછમ લાગતું હોય, મારાં વિચારોની અસ્તવ્યસ્ત કેડી ઉપર રખડુ ભરવાડની જેમ પસાર થતા અવાજ જેવું મારું હોવું સાવ વજનરહિત લાગતું હોય, હું ભીંજાતો ભીંજાતો હરિયાળા ખેતરોમાં હડિયાપટી કરતો હોઉં ને મારા પર આકાશમાંથી એક ભયંકર કડાકા સાથે વીજળી પડે ને મારું શરીર ભડથું થઈને ડાંગરની ક્યારીમાં છમકારો બોલાવીને ફેંકાઇ જાય તો એવું ફિલ કરું કે હાશ, મેં શરીર છોડ્યું …’ 

16 ડિસેમ્બર 1924ના દિવસે કવિ અનિલ જોશીએ તેમની ફેસબુક પોસ્ટમાં આ શબ્દો લખ્યા હતા. 6 જાન્યુઆરી 2025માં એક ગીતની એક જ પંક્તિ સાથે હાથ હલાવતા અનિલભાઈની નાનકડી વીડિયો ક્લિપ છે. એ પંક્તિ છે, ‘જાઈએ આપ કહાં જાયેંગે’ મૃત્યુ ઉંબરે આવીને ઊભું હતું ત્યારે હોસ્પિટલના આઈ.સી.યુ.માંથી તેમણે રુમિને ટાંકતો સંદેશો આપ્યો હતો કે ‘આપણે બધા ગેસ્ટ-હાઉસ જેવા છીએ. રોજ કઈં નવું અરાઇવલ હોય છે. જિંદગીમાં પણ – ક્યારેક બીમારી, ક્યારેક સંતાપ, યાતના, શરીરપીડા, ઓપરેશન બધું આવે છે પણ યાદ રાખજો કે અરાઇવલ છે તેનું ડિપાર્ચર પણ હોવાનું જ છે.’ એમની આંખોમાં આ દરેક વખતે એ જ ચિરપરિચિત, જિંદગીને સમજી લઈને એનાથી પાર અને પર થઈ ગયેલી બેપરવાઈની ચમક હતી. એક ગીતમાં અનિલ જોશીએ કહ્યું છે, ‘કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નહીં, મરવા દિયે કોઈ તો મરીએ’ પણ મૃત્યુનો અણસાર અને જીવનની ખુમારી બંને આ પંક્તિઓમાં આબાદ ઝીલાઈ છે, ‘અમે બરફનાં પંખી રે ટહુકે ટહુકે પીગળ્યાં, લૂમાં તરતો ઘોર ઉનાળો અમે ઊઘાડે ડિલે, ઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલે, ખરતા પીંછાંએ પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યાં’ અને ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો’

સર્જનપ્રક્રિયાની સહજતા અને ગૂઢતા બંનેને અનિલ જોશી વારંવાર વ્યક્ત કરે છે, ‘તું કવિ છે, તારે તો દીવો ઠરી ન જાય એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવાની છે.’ ‘ચકલીબાઈથી “ચીં” થઈ જાય તો આભ કહે “ઈર્શાદ”, ધરતીની આ સોડમને શું કાગળિયામાં મઢવી છે?’ એક પોસ્ટમાં તેમણે બશીર બદ્રને ટાંક્યા છે : ‘હજારો શેર મેરે સો ગયે કાગઝકી કબ્રો મેં, અજબ માં હૂં કોઈ બચ્ચા મેરા ઝિંદા નહીં રહતા’ વળી કહે છે, ‘હજી ય કાળી કોતર વચ્ચે આંખ ફફડતી રાતી જી, સાંઢણીઓના વેગે ધબકે પવન ભરેલી છાતી જી, ચણોઠીઓને ઢગલે દાઝ્યા કૈંક કવિના કિત્તા જી, શબ્દોમાં હું એમ પ્રવેશ્યો, જેમ આગમાં સીતાજી’ ઉમેરે છે, ‘ફળિયામાં નાનકડી ચકલી મરી જાય, એનો હૈયે અવસાદ હોવો જોઈએ; શબ્દો તો ખાલી પડિયા કહેવાય, એમાં થોડો પ્રસાદ હોવો જોઈએ’

જિંદગીની તીવ્રતાઓની વાત લઇ આવેલા બે કાવ્યો જુઓ : ‘ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં, કાયા લોટ થઇને ઊડી, માયા તો ય હજી ના છૂટી, ડંખે સૂની મેડી ને સૂના જાળિયા …’ આગળની પંક્તિઓ પણ માણવા જેવી છે : સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ કે અવસરિયા કેમ નથી આવતા, પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી બાંધતા … છાપરે ચડીને મારું જીવતર બોલે તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો, કાયાની પૂણીમાંથી નીકળે જે તાર, ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો …

નારીજીવનની વિટંબણા વ્યક્ત કરતું ‘ત્યાગ’ કાવ્ય અદ્દભુત છે : પે’લે પગથ્યે મારી ઓળખ મેલી, ને પછ બીજા પગથ્યે મેલ્યું ગામ. ત્રીજા પગથ્યે મેલ્યાં ગમતીલાં ખેતરાં ને ચોથા પગથ્યે મેલ્યાં કામ. પાંચમાં પગથ્યે આખો દર્યો મેલ્યો ને પછ છઠ્ઠા પગથ્યે મેલી હોડી, સાતમા પગથ્યે મીં તો હલ્લેસાં મેલ્યાં ને આઠમા પગથ્યે મેલી કોડી. નવમા પગથ્યે મેલી વીતકની પોટલી ઈને દસમે પગથ્યે જોઈ, ઈગ્યાર્મે પગથ્યે મેલ્યું વાચાનું ડોળિયું ને બારમે પગથ્યે હું રોઈ …’ 

આવી વિટંબણા ‘સત્તર દા’ડાની મુને લાંઘણ હતી’માં પણ બહુ અસરકારક રીતે વ્યક્ત થઈ છે. ગ્રામીણ વહુવારુ સત્તર દા’ડાની લાંઘણ પછી પારણું કરવા બેસે છે, હજી કોળિયો ભરે ત્યાં સાસુનો હુકમ છૂટે છે, ‘પહેલા ઠાકોરજી જમાડો.’ સસરા કહે છે, ‘ડેલી ખખડી, ભેંસને અંદર લઇ લો’. મેડીથી છાણાં પડે છે ને છાશની ઢોચકી ફૂટે છે એટલે નણંદ છાતી કૂટે છે. આ બધું સગર્ભા વહુ ખમી જાય છે, પણ જ્યારે પતિ પણ ટોકે છે ત્યારે? – ‘હજી કોળિયો ભરું તિયાં પરણ્યાજી બોલિયા : ‘કાંસાની થાળી નથી જડતી?” બે જીવસોતી બે ય આંખ્યુંની માટલીમાં નાની અમથીક તૈડ પડતી’  

અનિલભાઈએ રોમેન્ટિક કાવ્યો ઓછાં લખ્યાં છે, પણ એમનો જિંદગી સાથેનો, માણસો સાથેનો રોમાન્સ અખૂટ છે. ‘હું તો ઊડતી ટિટોડીનો બીકણ અવાજ, મારાં પીંછાં ખોવાઈ ગયા ભીડમાં, જંગલની ટેવ સમો મારો અવતાર છતાં, ઓળખે ન કોઈ અડાબીડમાં’ ‘પિયુજી છાપરાને બદલે જો આભ હોત, બંધાતી હોત હું ય વાદળી રે, માણસ કરતાં હું હોત મીઠાની ગાંગડી તો છાંટો વાગ્યો કે જાત ઓગળી’, ‘પેલ્લા વરસાદનો છાંટો મુને વાગ્યો હું પાટો બંધાવાને હાલી રે, વેંત વેંત લોહી કાઈં ઊંચું થયું ને જીવને તો ચડી ગઈ ખાલી રે’ 

કન્યાવિદાયના સંવેદનને કોણ ભૂલે શકે? – ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મહાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.’ અને ‘દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો જાણત અંધારું શું ચીજ છે ફળતા આંબામાં જે પાંદડાં ઝૂલે એની ભીતર કઈ મમતાનું બીજ છે’ અનિલ જોશીની કવિતામાં ભાષાની બળકટતા, મજબૂત લય અને સંવેદનોની ગહેરાઈનો ત્રિવેણીસંગમ છે. સુરેશ દલાલે કહ્યું હતું તેમ અનિલની કવિતા શબ્દલય અને ભાવલયના બે કાંઠાની વચ્ચે નદીની જેમ એના વહેણ વળાંક અને નૈસર્ગિક ગતિ સાથે વહે છે. ‘કેડીને ધોરીએ જંગલ ડૂબ્યાં ને અમે કાંઠે ઊભા રહીને ગાતા, રાતા ગુલમ્હોરની યાદમાં ને યાદમાં આંસું ચણોઠી થઈ જાતા’ ગુલમ્હોરનો બીજો સંદર્ભ પણ જુઓ – ‘ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મંન ભરી ગાતો, કઈં એવું તો વંન ભરી ગાતો, જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર ક્યાંક કાગડો જ થઈ જાય રાતો’ રંગની વાત નિકળી છે તો રંગભેદ ગીત યાદ આવે, ‘કાળો વરસાદ મારા દેશમાં નથી, નથી પીળો વરસાદ તારા દેશમાં, આપણે તો નોંધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં’ 

અનિલ જોશી અને રમેશ પારેખની દોસ્તીની વાત ન કરીએ ત્યાં સુધી લેખ અધૂરો. સુરેશ દલાલ આ બંનેને ‘સારસ્વત સહોદરો’ કહેતા. એક આડવાત, સારસ્વતો માટે એમણે ‘ગુણવંતી ગુજરાતે ઊતર્યાં સારસ્વતોના ટોળાં રે, એકબીજાને વાહો કરતાં માથે આવ્યા ધોળા રે’ એવી મજેદાર પંક્તિ લખી છે. રમેશ પારેખ સાથે એમણે ‘ડેલીથી પાછા મ વળજો હો શ્યામ’ જેવું સુંદર ગીત રચ્યું હતું એ તો આપણે જાણીએ છીએ, પણ એ બંનેએ મળીને મણિલાલ દેસાઇ માટે એક ગીત લખેલું અને સાથે સ્ટેજ પર ગાયું પણ હતું તેની કદાચ ઓછા લોકોને ખબર હશે. આ ગીતમાં એક પંક્તિ છે, ‘દખ્ખણની કોર હવે ઊડતું રે મન જેમ ખેતર મેલીને ઊડે પોલ.’ મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભને કવિએ કેવી માર્મિક રીતે વ્યક્ત કર્યો છે! 

કવિ ચાલ્યા ગયા છે એવું કહેવાની કોની હિંમત છે, પણ એમની પાછળ રહેલો સન્નાટો આપણને વાગ્યા તો કરશે … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 માર્ચ  2025

Loading

મૂર્તિભંજકની જ ‘મૂર્તિ’નું આ તે કેવું રાજકારણ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 April 2025

સંપૂર્ણ આંબેડકર સાહિત્ય સરકારી રાહે સુલભ બને અને એનો જ એક અંશ કાનૂની ખટલાનું નિમિત્ત બની કર્મશીલને કનડે ત્યારે શું કહેવું, શાસનકર્તાઓને? અને ખુદને પણ?

પ્રકાશ ન. શાહ

એપ્રિલનું પહેલું પખવાડિયું રામનવમી (છઠ્ઠી એપ્રિલ) અને આંબેડકર જયંતી (14મી એપ્રિલ) બેઉના જોગાનુજોગવશ ચિત્તમાં અવનવાં સ્પંદનો જગવી ગયું: એક તો આંબેડકર કૃત ‘રિડલ્સ ઑફ રામ’(‘કોયડો એક રામ નામે’)ની યાદ કંઈક દૂઝતા કંઈક રૂઝતા જખમ પેઠે સામે આવી અને વળી ઈકબાલે જેમને ક્યારેક ઈમામે હિંદ કહી માનભેર પુકાર્યા હતા તે રામ ઈશ્વર તરીકે નહીં એટલા એક રાજકીય પ્રતીક અને પ્રતિમાન રૂપે પ્રક્ષેપિત થયા, એનોયે આ સમયગાળો છે. 

વાત પણ વળી વિલક્ષણ જ વિલક્ષણ છે : એક પા ભા.જ.પી. સિદ્ધાંતકોવિદો અને વ્યૂહકારો આંબેડકરને ઓળવવામાં પડ્યા છે તો બીજી પા એ જ આંબેડકરનો એકંદર અભિગમ અને એમાં ય રામ ને કૃષ્ણ પ્રકારના જનસામાન્યપ્રિય. એટલા જ વિશિષ્ટ અર્થમાં રાજ્યપ્રિય પાત્રોની એમની નિર્મમ નિર્ભીક સમીક્ષા …!

‘રિડલ્સ ઑફ રામ’ આ દિવસોમાં સાંભરી આવ્યું એના તત્કાળ નિમિત્તની વાત કરું જરી? ગયે મહિને પંક્તિ દેસાઈના પહેલકારી પ્રયાસથી પ્રદર્શન રૂપે ગુજરાતની દલિત ચળવળનો કંઈક ખયાલ લોકમાં રમતો થયો ત્યારે હાલ હયાત દલિત કર્મશીલોમાં કદાચ સૌથી વધુ ઉંમરલાયક, નવાબ્દીએ પહોંચું પહોંચું વાલજીભાઈ પટેલની હાજરી સહજ ધ્યાનાર્હ બની રહી હતી. આ વાલજીભાઈએ આજથી પાંત્રીસ-સાડત્રીસ વરસ પર ‘રિડલ્સ ઑફ રામ’ની પુસ્તિકા અનુવાદ રૂપે રમતી મૂકી હતી. એની એકથી વધુ આ‌વૃત્તિઓ એ વર્ષોમાં થઈ હતી. એમાં, લગભગ છેલ્લી આવૃત્તિ અંગે 1994માં અનુવાદક, મુદ્રક, પ્રકાશક ત્રણે પર કેસ થયો હતો. મુદ્રક ને પ્રકાશક તો આટલે વરસે જીવનમુક્ત થઈ ગયા હતા, પણ વાલજીભાઈ તો આપણી વચ્ચે હતા અને હવે ‘નિર્દોષ’ છૂટ્યા છે. સંપૂર્ણ આંબેડકર સાહિત્ય સરકારી રાહે સુલભ બને અને એનો જ એક અંશ કાનૂની ખટલાનું નિમિત્ત બની કર્મશીલને કનડે … શું કહેવું, શાસનકર્તાઓને – અને હા, નાગરિક સમાજને નાતે આપણને ખુદને પણ?

જોગાનુજોગ તો અલબત્ત એ પણ છે કે આ જ પુસ્તિકા હવે હેમન્તકુમાર શાહ મારફતે અનુવાદિત થઈને આપણી પાસે પહોંચી રહી છે. ‘રિડલ્સ ઑફ રામ’ના પ્રકાશને મહારાષ્ટ્રમાં 1987નું વરસ ઊતરતે અને 1988નું વરસ બેસતે ખાસો ઊહાપોહ જ નહીં તનાવ પણ જગવ્યો હતો. વાલ્મીકિનો હવાલો આપીને આંબેડકરે રામના લગ્નબાહ્ય જન્મથી માંડીને અગ્નિપરીક્ષા જેવા નિર્ણયથી સીતા સાથેના અપવ્યવહાર વગેરેની ખુલીને ચર્ચા કરી હતી. 

શિવસેનાએ એની સામે એક અર્થમાં મહારાષ્ટ્ર સળગાવ્યા જેવો ઘાટ હતો. રામની આંબેડકરની ચર્ચા વસ્તુત: ‘હિંદુ નામે કૂટ પ્રશ્ન’ એવા સમગ્ર ગ્રંથ આયોજનના પરિશિષ્ટ રૂપ હતી. વેદપ્રામાણ્ય આદિને પડકારની ભૂમિકાએથી થયેલા આ લેખન-સંશોધનમાં નાતજાતથી હિંદુ ઓળખાય કે કેમ એવોયે સવાલ આંબેડકરે ઉઠાવ્યો હતો અને આબાદ જવાબ આપ્યો હતો કે નાતજાતગત ઊંચનીચ તો આપણે ત્યાંના મુસ્લિમો ને ખ્રિસ્તીઓમાંયે ક્યાં નથી! તો, પછી ‘હિંદુ’ ઓળખવો કેવી રીતે? દેખીતી રીતે જ આજની હિંદુત્વ રાજનીતિના મિથક પર કુઠરાઘાત સરખી આ બધી ચર્ચા હતી અને છે.

આ બધું વાંચીએ, વાગોળીએ ત્યારે આનંદ તેલતુંબડેએ આંબેડકરની વૈચારિક જીવનીને આપેલું શીર્ષક ઈકોનોક્લાસ્ટ (મૂર્તિભંજક) સાચે જ સાર્થ અનુભવાય છે. એને શું કહીશું આપણે, ઇતિહાસની લીલા કે બીજું કૈં, કે આજે મૂર્તિભંજકની જ ‘મૂર્તિ’નું રાજકારણ ચાલી રહ્યું છે!

‘સનાતન’ના વિવાદને આંબેડકર કેવી રીતે જોશે? એ એને ‘શાશ્વત’ કહી શણગારવાને બદલે ‘સ્ટેટિક’ કહેતાં સ્થિર બલકે સ્થગિતવત્ કહે તો નવાઈ નહીં! હિંદુત્વ રાજનીતિ, આંબેડકરથી વિપરીતપણે વેદપ્રામાણ્યને વરેલા દયાનંદને કેવી રીતે જોશેમૂલવશે? આની તો, ‘સત્યાર્થ પ્રકાશ’માં એમણે સંખ્યાબંધ ધર્મસંપ્રદાયોને પોતાની સમજ પ્રમાણે ખરેખરી સુણાવી છે એ સોરવી શકે એવો સ્વસ્થ સમાજ શોધનો વિષય છે.

એક વાત સાચી કે પ્રકારાન્તરે આ બધો વ્યાયામ આપણી સ્વરાજખોજ અને સ્વરાજ સાધનાની જ સહવિચારસામગ્રી રૂપ છે. ગાંધીજીએ સમતા ને સ્વતંત્રતાનાં સહીપણાં પોતાની રીતે આંદોલનગત કર્યાઁ, પણ નેતૃત્વનો એક વર્ગ પરચક્ર (અંગ્રેજ શાસન) સામે લડતો હતો તો બીજો વર્ગ વળી સાંસ્થાનિક રાજ સામે લડવાનું છે કે કથિત મુસ્લિમ આક્રમણ સામે તે બાબતે હાલંડોલ હતો. 

ભર ‘ક્વિટ ઈન્ડિયા’ એ આંબેડકરનું વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર હોવું (જેમ ગોળવલકરની ‘વી ઓર અવર નેશનહુડ ડિફાઈન્ડ’ના પ્રસ્તાવનાકાર એમ.એસ. અણેનું પણ હોવું) આપણને પ્રશ્નો જગવે છે. જેલબેઠા ગાંધીજી અસ્પૃશ્યતાનો મુદ્દો ઊંચકે છે ત્યારે જવાહરને થાય છે કે ભરલડતે બાપુને આ ડાયવર્ઝન ક્યાં સૂઝ્યું! ગુલામી પરની જેમની અદ્દભુત પુસ્તિકા હમણાં ગુજરાતીમાં આવી રહી છે તે ફૂલેને ‘શિવાજી, અમારા શુદ્રોના રાજા’ એવો જે મહિમા હતો અને અંગ્રેજી રાજની કંઈક લિબરેટિંગ હાજરીનો જે મહિમા હતો, એને કેવી રીતે ઘટાવશું?

ગમે તેમ પણ, બંધારણની મર્યાદામાં (અને આંબેડકરના આ ‘પવિત્ર’ બંધારણમાં પણ ધોરણસરની સુધારજોગવાઈ તો છે સ્તો!) રહીને અપાર મતવૈવિધ્ય અને મતમતાંતરક્ષમા વચ્ચે સહજીવનનો નાગરિક પડકાર આપણે ઝીલવાનો છે. આંબેડકર જ જુઓ તમે, પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે ત્યારે કહે છે કે મેં ગાંધીજીને વચન આપ્યું હતું કે સ્થાપિત હિંદુ ધર્મને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો ધર્મ હું અંગીકારીશ. બુદ્ધ કે માર્ક્સ એવો પ્રશ્ન ઉપસ્થિત કરતે કરતે આંબેડકરે માર્ક્સ વિચારમાંથી પણ કંઈક આત્મસાત કર્યું જણાય છે.

આ બધા દેખીતા પરસ્પર વિરોધી હોઈ શકતા વિચારોથી કમ સે કમ એટલું તો સમજાવું જોઈએ કે પ્રજાસત્તાક સ્વરાજની શુદ્ધિ ને પુષ્ટિ કોઈ એકદંડી પ્રક્રિયા નથી. ભાતીગળ મેળની કળા ને વિજ્ઞાન એ તો છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 16 ઍપ્રિલ 2025

Loading

...102030...318319320321...330340350...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved