Opinion Magazine
Number of visits: 9686303
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝેર તો પીધાં જાણી જાણી…

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|31 May 2018

હૈયાને દરબાર

નથી રે પીધાં અણજાણી,
ઝેર તો પીધાં જાણી જાણી

ચાર રે દિવસનું આ રે ચાંદરણું
પરપોટા જેવું આ પળનું પાથરણું
તો ય ઉપર સૂતાં સોડ તાણી …. ઝેર તો પીધાં

નીચે તડકો ને ઉપર ફૂલો છે પાથર્યાં
તો ય માથે મેલી પગની પાની … ઝેર તો પીધાં

ભાંગેલા પુલના ભારાને સથવારે
ચરણો લઈ જાય ત્યાં ચાલ્યા જવું રે,
ચાલ્યા જવું રે દૂર મારે,
આંખ્યું ના જાણે મનની ક્હાણી … ઝેર તો પીધાં

મેરામણ વલોવી અમે અમરત કાઢ્યાં
અમરત દઈ કોઈને અમે ઝેર મોઢે માંડ્યાં
કોને શું મળ્યું તે વાત છાની … ઝેર તો પીધાં

કોઈના રે હિતને હૈયે વસાવી
નોંધારા મનને લીધું રે મનાવી
દૂર રે ફગાવી જિંદગાની … ઝેર તો પીધાં

ગીત-સંગીત : અવિનાશ વ્યાસ    • ગાયક : મન્ના ડે

——————————–

હું અને તું એવી વ્યક્તિઓ છીએ જેમણે જીવન અને મૃત્યુ બન્નેની વંદના કરી છે. આપણે ફટકિયાં નહીં, સાચાં, નવલખાં મોતી છીએ પરંતુ, પ્રારબ્ધ સામે વલખાં માર્યા સિવાય છૂટકો નથી

૧૯૭૨ની આ ફિલ્મ. સારસ્વત મનુભાઈ પંચોળી ‘દર્શક’ની ’ઝેર તો પીધાં જાણી જાણી’ નામની અત્યંત લોકપ્રિય નવલકથા પરથી આ ફિલ્મનું સર્જન થયું હતું એટલે લોકોમાં ઘણી ઉત્સુકતા હતી. એ વખતે સારી ગુજરાતી ફિલ્મો અમને અમારી સ્કૂલમાંથી જોવા લઈ જતાં. ખાસ તો નવલકથા પર આધારિત ફિલ્મો જોવાનું મહત્ત્વ ખૂબ વધારે, જેથી વિદ્યાર્થીઓ ભણતી વખતે ફિલ્મ સાથે અનુસંધાન સાધી શકે. ૧૯૭૨ની સાલમાં તો આ ફિલ્મ નહોતી જોઈ, અમારી ઉંમર પણ નહોતી એ સમજવા માટેની. પણ ’૭૬માં ફરીથી પ્રદર્શિત થઈ ત્યારે હાઈસ્કૂલમાંથી અમને જોવા લઈ ગયા હતા. એ ય આમ તો કાચી વય જ કહેવાય, છતાં, ફિલ્મનાં અમુક દ્રશ્યો અને ગીતો યાદ રહી ગયાં હતાં. સૌથી પહેલાં તો સત્યકામ અને રોહિણી, ફિલ્મના મુખ્ય બે પાત્રો યાદગાર અને બીજું, ફિલ્મનાં બે સરસ ગીતો. લીલી ઓઢણી ઓઢી ધરતી ઝૂમે રૂમઝૂમ, ફૂલડાં ખિલ્યાં ફૂલડાં ઉપર ભમરા બોલે ગુનગુન, તોયે મારો સાયબો ન્યારો બેઠો સાવ સૂન મૂન. આ ગીત આજે પણ એકદમ તાજું છે મન પર. આશા ભોસલેના કંઠમાં અવિનાશ વ્યાસનું આ બહુ જ સરસ, રમતિયાળ સ્વરાંકન. ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા અને અરવિંદ ત્રિવેદી લીડ રોલમાં. આ ફિલ્મમાં રોહિણીનું ગરવી ગોરીનું પાત્ર અને પ્રભાવશાળી દેખાતો સત્યકામ બહુ ગમી ગયેલા એ વખતે. પછી જો કે, ઉપેન્દ્ર ત્રિવેદીએ ચીલાચાલુ ફિલ્મો કરીને ગુજરાતી ફિલ્મોનો બહુ દાટ વાળ્યો હતો. બાકી, ટૂંક સમયમાં જ ગુજરાતી ફિલ્મોના એ સુપર સ્ટાર બની ગયા હતા. એમનું પોત ઊંચા માહ્યલાનું હતું. પર્સનાલિટી પણ સરસ અને અભિનય સમ્રાટ તો ખરા જ. વિદ્વાન તથા ભાષા-સાહિત્યનું જ્ઞાન પણ ખૂબ સારું. અમિતાભ બચ્ચન કે આમિર ખાનની જેમ પોતાની જ ટર્મ અને કન્ડિશન પર કામ કર્યું હોત તો ગુજરાતી ચલચિત્રોનું ચિત્ર કદાચ જુદું હોત. વેલ, આ મુદ્દો આખો જુદો છે. આપણે તો વાત કરવાની છે અહીં ફિલ્મ અને એના સંગીતની.

મનુદાદાની ફિલ્મ એટલે તો જોવી જ પડે, એમાં વળી સ્કૂલમાંથી શો યોજ્યો હતો એટલે ઉમળકાભેર આ ફિલ્મ જોઈ હતી. મનુભાઈ પંચોળી અમારા આપ્તજન. એમની ક્લાસિક નવલકથા ‘ઝેર તો પીધાં જાણી જાણી’ ઉપરથી આ ફિલ્મ બની હતી એનો ઉમંગ અમને ય હતો. મનુભાઈ સાથે મારા પિતા જયન્ત પંડ્યાનો ભાવસેતુ બંધાયો તેમાં દેશની રાજનીતિ વિશે બન્નેની નિસબત તો ખરી જ, તે ઉપરાંત સાહિત્ય, શિક્ષણ માટેનો સમાન અનુરાગ પણ હતો. પપ્પાએ તેમના પુસ્તક ‘સ્મરણો ભીનાં ભીનાં’માં મનુદાદાના વ્યક્તિચિત્રમાં બહુ સરસ વાત લખી હતી કે, "ભારતના મૂલ્યવાન ગ્રંથો વેદ-ઉપનિષદ, મહાભારત, રામાયણ તેમના અક્ષરદેહનાં વિટામિનો છે. કવિતા, ઇતિહાસ અને તત્ત્વદર્શનને અંતરથી ચાહે છે. આવા અગોચર વરદાને તેમના હૃદયને જે રીતે ખેડ્યું છે તેની ટાઢક આપનારી અનુભૂતિ તેમનાં લખાણોમાંથી થાય છે. તેથી જ તેમનું દર્શકત્વ પથદર્શક બની રહે છે. ટાગોરના સૌંદર્યબોધ અને ગાંધીજીના આચારબોધનો એમના પર સઘન પ્રભાવ. પ્રકૃતિએ ચિંતક હોવાની સાથે ગ્રામવિકાસલક્ષી જાગૃત કેળવણીકાર. નિર્ભીક પત્રકાર અને પીઢ સમાજસેવક. મનુભાઈને ૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તથા ૧૯૮૭માં ઝેર તો પીધાં જાણી જાણી’ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

એવા આ બહુમુખી પ્રતિભા ધરાવતા પથદર્શક દર્શકે તેમની નવલકથાનું નામ પણ મીરાંબાઈના પ્રખ્યાત ભજન ઝેર તો પીધાં જાણી જાણી …ની પ્રથમ પંક્તિ પરથી જ લીધું છે. મીરાંબાઈએ ઝેર શબ્દનો સરસ વિનિયોગ કર્યો છે એમાં. એ ઝેર સંસારનું, ઈર્ષાનું, અપમાન, અપરાધ કે તિરસ્કારનું પણ હોઈ શકે છે. એ સાચુકલું વિષ પણ હોઈ શકે અને પ્રેમલક્ષણા ભક્તિનું પણ હોઈ શકે જેને મીરાં અમૃત માનીને પી ગયાં હતાં. હેમંત ચૌહાણથી લઈને બીજા ઘણા લોક કલાકારોએ મીરાં રચિત ઝેર તો પીધાં … ભજન ગાયું છે પણ,રેખા ત્રિવેદીના મધુર કંઠે એ અમૃત જેવું લાગે છે. [https://www.youtube.com/watch?v=LBg0UkEzHRI]

આ જ ભજનની મૂળ પંક્તિને લઈને અવિનાશ વ્યાસે ફિલ્મની કથા પ્રમાણે શબ્દોમાં ફેરફાર કરીને ઝેર તો પીધાં .. ગીત બનાવી મન્નાડે પાસે અદ્દભુત ગવડાવ્યું છે. સમયચક્ર ભલે ફરતું રહે પણ અમુક ગીતો ઊંડી અસર છોડી જતાં હોય છે. આ ભજન એમાંનું જ એક છે. એના શબ્દે શબ્દે જીવનનો સાર પ્રગટે છે. તો આજે વાત કરવી છે ફિલ્મના આ ટાઈટલ સોન્ગની, ફિલ્મની કથાની અને આ જ ટાઈટલ પરથી બનેલા નાટકની. સંસારમાં આપણે સૌએ ઝેર પીવા સમાન લાગણીનો સામનો ક્યારેક તો કર્યો જ છે. ઝેર પીવું કોને ગમે? છતાં, માણસ શા માટે સ્વેચ્છાએ ઝેર પીવાનું પસંદ કરે છે? અણગમતી સ્થિતિ શા માટે સ્વીકારવાનું પસંદ કરે છે, શું સંજોગોનો ભોગ બનીને વિષસમાન સ્થિતિને અપનાવે છે? આ એ એક મોટો કોયડો છે. શક્ય છે એમાં અંગત સ્વાર્થ હોય, ત્યાગ, બલિદાન, પ્રેમ કે પરોપકાર હોય, પરંતુ મનુષ્ય ઘણીવાર ઝેર અથવા ઝેર જેવી સ્થિતિને જાણવા છતાં સામે ચાલીને ભેટે છે. કાળની થપાટો ખાય છે અને પાછો ફિનિક્સ પંખીની જેમ ઊભો થાય છે. જીવનની આ જ તો ગતિ અને આ જ રીતિ છે એવું નથી લાગતું? ‘ઝેર તો પીધાં જાણી જાણી’ જીવનના પ્રલંબ આરોહ-અવરોહની નવલકથા છે જેમાં ખૂબ બધી ઘટનાઓ આકારાય છે.

કથાસાર સંક્ષિપ્તમાં કંઈક આવો છે. ગામના સંનિષ્ઠ-પ્રામાણિક ગોપાળબાપાને પોતાનો દીકરો સત્યકામ સોંપીને બાપ મૃત્યુ પામે છે. ગોપાળબાપા એ મિત્રને વચન આપે છે કે સત્યકામને દીકરાની જેમ સાચવશે અને પોતાની દીકરી રોહિણી સાથે પરણાવશે. પરંતુ ઘરના પ્રકાંડ જ્યોતિષાચાર્ય દામુકાકા ગોપાળબાપાને આ લગ્ન કરાવવાની ના પાડે છે કેમ કે ગ્રહોમાં એમને રોહિણીનું વૈધવ્ય દેખાય છે. રોહિણીને અત્યંત ચાહતો હોવા છતાં સત્યકામને રોહિણીના અકાળ વૈધવ્યની આગોતરી જાણ થઈ જવાથી એ ખૂબ દૂર ચાલ્યો જાય છે અને રોહિણીને પત્ર લખે છે: "હું અને તું એવી વ્યક્તિઓ છીએ જેમણે જીવન અને મૃત્યુ બન્નેની વંદના કરી છે. આપણે ફટકિયાં નહીં, સાચાં, નવલખાં મોતી છીએ પરંતુ, પ્રારબ્ધ સામે વલખાં માર્યા સિવાય છૂટકો નથી. તારું નિર્મળ હાસ્ય કદી વિલાય નહીં એનું હું ધ્યાન રાખીશ. આપણો મનમેળ છે પણ ગ્રહમેળ નથી. તને બાંધી રાખી હતી એ ઓછાયો પણ મુક્તિમાંગલ્યમાં આડે આવશે તો હું સ્વર્ગમાંય સુખી નહીં થાઉં. આવો પત્ર વાંચીને રોહિણી ખૂબ વિલાપ કરે છે. બીજી બાજુ, દૂર બીજા શહેરમાં ચાલી ગયેલો સત્યકામ એક કેસમાં ફસાવાથી એને જેલ થાય છે. એમાંથી છૂટીને એ બહાર આવે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં આ ગીત ફિલ્મમાં આવે છે, નથી રે પીધાં અણજાણી, ઝેર તો પીધાં જાણી જાણી … રોહિણી વિના અકારું જીવન સ્વાભાવિક રીતે જ સત્યકામ માટે વિષ સમાન બની ગયું છે જેની વેદના ગીતની દરેક પંક્તિએ પ્રગટે છે અને આપણા હૈયામાં વલોપાત જગાવે છે.

કારુણ્યના અનેક પ્રસંગો કથામાં અવારનવાર આવતા રહે છે. રોહિણી અને સત્યકામનું એ પછી વાર્તામાં આગળ શું થાય છે એ તથા ફિલ્મ અને આ જ નાટક સાથે સંકળાયેલી અનેક રસપ્રદ કથાઓ આવતા અંકે. યુટ્યુબ પર આ ભાવવાહી ભજન જરૂર સાંભળજો. બ્લેક એન્ડ વાઈટ ફિલ્મ છે એટલે ગીત પણ શ્વેત-શ્યામ જ હોય પણ, આ ગીતમાં માનવ જિંદગીના અનેક રંગો, આશ્ચર્યકારી ઘટનાઓ તમને તાદ્રશ થતી દેખાશે.

https://www.youtube.com/watch?v=TC-MXDAHE4g

————————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 31 મે 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=411077

Loading

હવે ઈ.વી.એમ.ને તિલાંજલિ આપવા માટેનાં કારણો બળવત્તર બની રહ્યાં છે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 May 2018

ચૂંટણી પંચના આદેશ પછી ઉત્તર પ્રદેશમાં કૈરાના અને મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંદિયા લોકસભા મતદારક્ષેત્રના ૧૨૨ ચૂંટણી કેન્દ્રોમાં ફરી મતદાન કરવું પડ્યું છે. ૨૮મી મેના રોજ બે લોકસભાની અને ૧૦ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન શરુ થતાની સાથે જ ઈ.વી.એમ. વિષે ફરિયાદો આવવા લાગી હતી. મુખ્ય ફરિયાદ ઈ.વી.એમ. સાથે જોડવામાં આવતા વી.વી.પી.એ.ટી. (વોટર વેરીફાઈડ પેપર ઓડીટ ટ્રેઈલ) વિશેની હતી. આના દ્વારા મતદાતાને ખાતરી થાય છે કે તેણે આપેલો મત તે જે ઉમેદવારને મત આપવા માગતો હતો તેને ગયો છે કે નહીં. આવી વ્યવસ્થા પહેલા નહોતી, પરંતુ ઉત્તર પ્રદેશના ગળે ઊતરે નહીં એવા પરિણામો પછી તેમ જ મધ્ય પ્રદેશમાંની પેટા ચૂંટણીમાં ઈ.વી.એમ.ના થયેલા ફિયાસ્કો પછી વી.વી.પી.એ.ટી. મશીન જોડવું પડ્યું હતું.

સોમવારે કૈરાના, ગોન્દિયા, ભંડારા અને અન્ય સ્થળોએ ફરિયાદો આવવા લાગી, ત્યારે પહેલાં તો ચૂંટણી પંચે એના તરફ ધ્યાન આપ્યું નહોતું, પરંતુ ફરિયાદો એટલી બધી હતી કે પંચ આંખ આડા કાન કરી શકે એમ નહોતું. જેમ કે ભંડારા-ગોન્દિયામાં જેટલા ઈ.વી.એમ.-વી.વી.પી.એ.ટી. મશીન મતદાન માટે લાવવામાં આવ્યાં હતાં એમાંથી થોડાંઘણાં નહીં, ૪૪૩ એટલે કે કુલ મશીનના ૨૧ ટકા મશીનોમાં ખામી નજરે પડી હતી અને તેને બદલવા પડ્યાં હતાં. કૈરાનામાં ખામીવાળાં મશીનોનું પ્રમાણ ૧૯ ટકા હતું અને ખામીવાળાં મશીનોની સંખ્યા ૩૩૫ હતી. આનો અર્થ એ થયો કે આ બન્ને મતદાર ક્ષેત્રમાં દર પાંચમું મશીન ખામીવાળું હતું. હવે ચૂંટણી પંચ આંખ આડા કાન કરી શકે એમ નહોતું. જો કરે તો એમાં પંચને અને બી.જે.પી.ને એમ બન્નેને આબરૂનું મોટું નુકસાન થાય.

૧૨૨ ચૂંટણી કેન્દ્રોમાં ફેર મતદાન કરવું પડે એ કેટલી શરમની વાત છે. આમ છતાં ચૂંટણી પંચે વિધાન સભા મતદાર ક્ષેત્રોમાં મશીનો સામે આવેલી ફરિયાદો સામે તો આંખ આડા કાન કર્યા જ છે. જો એને ધ્યાનમાં લેવામાં આવી હોત તો લગભગ ૨૫૦ કરતાં વધુ મતદાર કેન્દ્રોમાં ફેર મતદાન કરવું પડત. ચૂંટણી પંચે ખુલાસો કર્યો હતો કે ખૂબ ગરમીના કારણે મશીનોમાં ખામી સર્જાઈ હતી. આ વાત કેટલી સાચી છે, એ આપણે જાણતા નથી. ઈ.વી.એમ. મશીન ન બગડે અને તેની સાથે જોડવામાં આવેલું વી.વી.પી.ટી. મશીન જ બગડી જાય એવું બને? એકને ગરમી લાગે અને બીજાને ગરમીની કોઈ અસર ન થાય એવું કેમ બને?

 વળી, જે મશીન સર્વત્ર બગડ્યાં હતાં એ વી.વી.પી.ટી. મતદાતાની ચૂંટણી પ્રક્રિયામાં શ્રદ્ધેયતા જળવાઈ રહે એ માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોમવારે રાજકીય પક્ષો કરતાં મતદાતાઓ જ બળાપો કાઢતા હતા, એ પણ ચૂંટણી પંચની સાન ઠેકાણે લાવવા માટેનું કારણ હશે. વિરોધ પક્ષોની તો ઉપેક્ષા પણ કરી શકાય, મતદાતાની ઉપેક્ષા ન થઈ શકે. ચૂંટણી એક માત્ર તો અવસર છે જ્યારે મતદાતા રાજા હોય છે. આ સિવાય હજુ એક હકીકત તમે નોંધી? ઈ.વી.એમ.-વી.વી.પી.ટી.એ.માંની ખામી સામે ઊહાપોહ કરવામાં બી.જે.પી.ના નેતાઓ ક્યાં ય નજરે નહોતા પડતા. આ પણ એક રહસ્ય હતું અને એ લોકોના ધ્યાનમાં આવ્યું હતું.

આ સ્થિતિમાં ઈ.વી.એમ. વિષે ગંભીર સવાલો ઊભા થાય છે. શું ભારતનું લોકતંત્ર ઈ.વી.એમ.ના ભરોસે સુરક્ષિત છે? આ કોલમમાં મેં આ પહેલાં પણ લખ્યું છે કે ઈ.વી.એમ.નો અંત લાવવામાં આવે અને જૂની બેલેટ પેપરવાળી વ્યવસ્થા ફરી દાખલ કરવામાં આવે. જગતના મોટાભાગના વિકસિત લોકતાંત્રિક દેશો ઈ.વી.એમ.નો ઉપયોગ કરતા નથી. એ દેશો ટેકનોલોજીમાં આપણા કરતાં ક્યાં ય આગળ હોવા છતાં તે પોતાના લોકતંત્રને ટેકનોલોજીના ભરોસે છોડવા માગતા નથી. જ્યારે ચૂંટણી પ્રક્રિયા સિવાયની બાહ્ય ટેકનોલોજી લોકતંત્રને અભડાવતી હોય ત્યારે તો વધારે સાવધાન રહેવું જોઈએ. યુરોપીય સંઘમાં રહેવું કે નીકળી જવું એ વિષે બ્રિટનમાં લેવાયેલા લોકમત વખતે અને અમેરિકામાં થયેલી ચૂંટણી વખતે સોશ્યલ મીડિયા દ્વારા લોકમતને પ્રભાવિત કરવામાં આવ્યો હતો. એને માટે ડેટા વેચનાર કેમ્બ્રિજ એનેલિટીકાના ભૂતપૂર્વ સંચાલક તો કહે છે કે ૨૦૧૪ની ભારતની લોકસભાની ચૂંટણીને પણ પ્રભાવિત કરવામાં આવી હતી.

મતદાતાને ગેરમાર્ગે દોરતા બાહ્ય પરિબળો ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ હોય ત્યારે કમસેકમ ચૂંટણી પ્રક્રિયા તો શંકાતીત હોવી જ જોઈએ. ઈ.વી.એમ.નો અંત લાવવા માટેના ત્રણ મુખ્ય કારણ છે. એક તો એ કે દુનિયાનાં કોઈ પણ મશીનમાં ખામી સર્જાઈ શકે છે. બીજું એ કે દુનિયાનાં કોઈ પણ મશીન સાથે ચેડાં કરી શકાય છે. ખામીરહિત અને ચેડાંમુક્ત મશીન હજુ સુધી બન્યાં નથી. ત્રીજું એ કે કોઈ પણ માણસને ડરાવી શકાય છે અથવા લાલચ આપીને ખરીદી શકાય છે. આજે નજરે તો પડતો પ્રામાણિક માણસ કાલે ડર કે લાલચને કારણે અપ્રામાણિક વર્તન નહીં જ કરે એની કોઈ જ ખાતરી નથી.

માણસ કઈ રીતે ભરોસાપાત્ર હોતો નથી એનું ઉદાહરણ તાજું છે. રાજકીય પક્ષોને માહિતીના અધિકાર હેઠળ મુકવા જોઈએ કે નહીં એવી એક જાહેરહિતની અરજી પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી રહી છે. રાજકીય પક્ષો ઈચ્છતા નથી કે તેઓ આર.ટી.આઈ. હેઠળ આવે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા આર.ટી.આઈ. હેઠળ આવી શકે જે એક સંસ્થા છે, પરંતુ રાજકીય પક્ષો ન આવવા જોઈએ પછી ભલે એ લોકસંગઠનો હોય. ૨૦૧૩માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન(સી.આઈ.સી.)એ આદેશ બહાર પાડ્યો છે કે રાજકીય પક્ષો પર આર.ટી.આઈ.નો કાયદો લાગુ થવો જોઈએ. રાજકીય પક્ષો સી.આઈ.સી.ના આદેશનો વિરોધ કરે છે, પરંતુ પોતે સર્વોચ્ચ અદાલતમાં પક્ષકાર તરીકે જતા નથી. આની વચ્ચે અચાનક ચૂંટણી પંચે સર્વોચ્ચ અદાલતને કહ્યું કે રાજકીય પક્ષોને આર.ટી.આઈ. લાગુ ન પડી શકે. મંગળવારે પંચે સુર બદલ્યો હતો એ જુદી વાત છે, પણ મૂળ સવાલ બીજો છે. માણસ હંમેશાં શ્રદ્ધેય ન હોઈ શકે, વ્યવસ્થા ક્ષતિરહિત હોવી જોઈએ અને માટે ઈ.વી.એમ.ને તિલાંજલિ આપવી જોઈએ.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કતાર, “ગુજરાતી મિડ-ડે”,  31 મે 2018

Loading

ડિપ્લોમસીનો વાજપેયી ફન્ડા: ત્રાસવાદી ઘટના બનતી હોવા છતાં વાજપેયીએ સંબંધો સુધારવા એક નહીં, બે નહીં, ત્રણ પહેલ કરી હતી

રમેશ ઓઝા|Opinion - Opinion|30 May 2018

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું છે કે પાકિસ્તાન જ્યાં સુધી ત્રાસવાદની પ્રવૃત્તિ બંધ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત શક્ય નથી. ટોક અને ટેરરીઝમ સાથે ન જઈ શકે. આવું જ કથન ભૂતકાળમાં વડા પ્રધાન કરી ચુક્યા છે. એ પછી સુષ્મા સ્વરાજે એ જ સ્થળે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે નીચલા સ્તરે સંપર્ક જીવંત છે અને વાતચીત થઈ રહી છે અને તેનું સ્વરૂપ અનેક પ્રકારનું છે. તેઓ કહેવા એમ માંગે છે કે પાકિસ્તાન સાથે માત્ર વિદેશ મંત્રાલય સંપર્ક નથી જાળવતું; સંરક્ષણ, વાણિજ્ય, કૃષિ, પરિવહન, મેરી ટાઈમ બોર્ડ એમ ઘણા લોકો, ઘણા સ્તરે, પાકિસ્તાન સાથે વાતચીત કરી રહ્યા છે.

સુષ્મા સ્વરાજ વિદેશ પ્રધાન છે અને વડા પ્રધાનની કેબીનેટના શ્રેષ્ઠતમ ત્રણ પ્રધાનોમાંનાં એક છે. આમ છતાં તેઓ ભાગ્યે જ બોલે છે અને વડા પ્રધાન તેમના વિદેશ પ્રવાસોમાં ખાસ નજરે ચડે એમ વિદેશ પ્રધાનને સાથે લઈ જતા નથી. તેમની શા માટે ઉપેક્ષા કરવામાં આવી રહી છે, એ જગજાહેર વાત છે. એટલે તેની વિગતોમાં જવાની જરૂર નથી. નોંધવા જેવી વાત એટલી છે સુષ્મા સ્વરાજ બાહોશ વ્યક્તિ છે અને પોતાની બુદ્ધિથી વિચારી શકવાની અને નિર્ણયો લઈ શકવાની ક્ષમતા ધરાવે છે. આમ છતાં ય વિદેશ નીતિ વિષે તેમણે એવાં નિવેદનો કરવાં પડે છે જે સુષ્મા સ્વરાજ સ્વતંત્ર બુદ્ધિથી ન કરે.

પહેલી વાત તો એ કે શિખર પરિષદો શૂન્યાવકાશમાં થતી નથી. અમરિકાએ સાવ શૂન્યાવકાશમાં ઉત્તર કોરિયા સાથે શિખર પરિષદનો નિર્ણય લીધો એને કારણે જ એ યોજાઈ શકી નહોતી. વિદેશ નીતિમાં શૂન્યાવકાશ માટે કોઈ જગ્યા જ નથી. વિદેશ પ્રધાને પોતે જ કબૂલ્યું છે કે બે દેશો વચ્ચે બીજા અનેક સ્તરે વાતચીત થઈ રહી છે એટલે વર્તમાન સરકારે પાકિસ્તાન સાથેની વિદેશનીતિમાં શૂન્યાવકાશ પેદા નથી કર્યો. આવો ખુલાસો કરવો પડે એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદીની સરકારની ઈમેજ કેવી છે. બીજી વાત એ કે જો બે દેશ વચ્ચે ગંભીર સમસ્યા હોય અથવા તેને કારણે ક્ષેત્રીય સમસ્યા વકરતી જતી હોય તો બે દેશો વચ્ચેના સંપર્કમાં વધારો કરવામાં આવતો હોય છે, ઘટાડો કરવામાં નથી આવતો. ઓપન ચેનલ, બેક ચેનલ, થર્ડ પાર્ટી, અનેક સ્તરે વાતચીત અને સહયોગ ચાલતા રહે છે અને તેમાં વધારો કરવામાં આવે છે. કોઈ સમજદાર શાસક શૂન્યાવકાશ પેદા થવા દેતો નથી અને એ વાત સમજવા માટે તેણે ચાણક્ય કે મેકિયાવલીને વાંચવાની જરૂર હોતી નથી.

સુષ્મા સ્વરાજે જુનિયર લેવલે અનેક ક્ષેત્રે વાતચીત થઈ રહી છે એની કબૂલાત કરી છે, પરંતુ તેમણે એક કબૂલાત કરી નથી, જે તેમણે કરવી જોઈતી હતી. ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વિદેશ ખાતાના સચિવો સમયાન્તરે ત્રીજા દેશમાં ગુપ્ત મંત્રણાઓ કરે છે. સારી વાત છે તેઓ શૂન્યાવકાશ પેદા થવા દેતા નથી, પરંતુ એ માટે ત્રીજા દેશમાં ગુપ્તપણે મળવાની શી જરૂર છે? દેશની જનતા ભાળે એમ ભારત કે પાકિસ્તાનમાં કરવામાં આવે તો વડા પ્રધાનની મર્દાનગીમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. ઊલટું સમજદારી માટે માન વધશે. આજકાલ જગતને સમજદાર નેતાઓની જરૂર છે, બહાદુરની નહીં, કારણ કે બહાદુરી હવે કોઈ દેશને પરવડે એમ નથી. અમેરિકા અને ચીનને પણ નહીં. અમેરિકન પ્રમુખ ટ્રમ્પની બહાદુરીની રોજ જગત ઠેકડી ઉડાડે છે.

સુષ્મા સ્વરાજે અટલ બિહારી વાજપેયીની સરકારના દિવસો યાદ કરવા જોઈએ, જેમાં તેઓ એક સીનિયર પ્રધાન હતાં. સરહદે ત્રાસવાદી ઘટના બનતી હોવા છતાં વાજપેયીએ સંબંધો સુધારવા એક નહીં, બે નહીં, ત્રણ પહેલ કરી હતી. અને ઘટનાઓ પણ કેવી? કારગીલનું યુદ્ધ, ભારતના વિમાનનું અપહરણ, સંસદભવન પર હુમલો જેવી ગંભીર ઘટનાઓ બની હતી, અને તે ઉપરાંત ગર્દીવાળી જગ્યાઓએ બોમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓ તો અવારનવાર બનતી રહેતી હતી. આમ છતાં વાજપેયીએ તેમના માત્ર છ વરસના શાસનકાળમાં ત્રણ પ્રયત્નો કર્યા હતા. હિન્દુત્વવાદી હોવા છતાં લાંબી દ્રષ્ટિ અને ઊંડી સમજ વાજપેયી ધરાવતા હતા એ સુખદ આશ્ચર્ય હતું.

પહેલીવાર તેઓ બસ લઈને લાહોર ગયા હતા અને પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેનો જવાબ પાકિસ્તાન લશ્કરે કારગીલમાં આપ્યો હતો. ૧૯૯૯ના ડિસેમ્બર મહિનામાં ભારતના વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ૨૦૦૧ના ડિસેમ્બર મહિનામાં ભારતના સંસદભવન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ છતાં વાજપેયીએ પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફને શિખર મંત્રણા માટે ૨૦૦૧ના જુલાઈ મહિનામાં ભારત બોલાવ્યા હતા. આગ્રા શિખર પરિષદ નિષ્ફળ નીવડી હતી, એ જુદી વાત છે. એ પછી પણ અટલ બિહારી વાજપેયીએ પ્રયત્નો નહોતા છોડ્યા અને ૨૦૦૪માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ડિપ્લોમસીનો ઉપયોગ કર્યો હતો. વાજપેયી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચનો પ્રસ્તાવ રાખ્યો હતો અને મેચ યોજાઈ હતી.

છ વરસમાં ત્રણ મોટા હુમલા અને ત્રણ મોટા પ્રયાસ. શું વાજપેયીને એની જાણ નહોતી કે ટોક અને ટેરરીઝમ સાથે ન જાય? અથવા શું વાજપેયી એમ માનતા હતા કે ટેરરીઝમનો અંત લાવવા ટોક સિવાય બીજો કોઈ ઉપાય નથી? અથવા વાજપેયી એમ માનતા હતા કે પાકિસ્તાન પણ હાથના કર્યા હૈયે વાગે એમ ત્રાસવાદનું શિકાર છે અને તેને ભારતે ઉગારવામાં મદદ કરવી પડે એમ છે? એક જવાબદાર અને સ્થિર દેશ તરીકે પાકિસ્તાન ટકી રહે એમાં આ દુનિયામાં પાકિસ્તાન પછી જો કોઈનો સૌથી વધુ સ્વાર્થ હોય તો એ ભારતનો છે? સુષ્મા સ્વરાજ જ્યારે વાજપેયીના પ્રધાનમંડળમાં પ્રધાન હતાં, ત્યારે તેમણે પૂછ્યું તો હશે જ મુત્સદીગીરીનો આ શું ફન્ડા છે અથવા વાજપેયીને એમ કહેતા સાંભળ્યા હશે. સુષ્મા સ્વરાજે તેમના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એ ફન્ડા સમજાવવાની જરૂર છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કતાર, “ગુજરાતી મિડ-ડે”, 30 મે 2018

Loading

...102030...3,1283,1293,1303,131...3,1403,1503,160...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved