Opinion Magazine
Number of visits: 9686443
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અને મહાત્મા ગાંધીએ નક્કી કર્યુ કે, નાસી છુટવું એ નામર્દાઇ છે

આશિષ વશી|Gandhiana|8 June 2018

મેરિત્સબર્ગના રેલવે સ્ટેશન પરની ઘટનાને 125 વર્ષ પૂર્ણ, મોહનદાસને પડેલો એક ધક્કાએ મોટા સામ્રાજ્યોનો ડોલાવ્યા

સાત જૂન 1883ના દિવસે મોહનદાસ કરમચંદ ગાંધીએ મહાત્મા તરફનો રાહ પકડ્યો. દક્ષિણ આફ્રિકામાં તેમણે માનવીય હકો માટે લડવાનું નક્કી કર્યું. તેમનું આ પગલું સત્યાગ્રહ તરીકે દુનિયાભરમાં જાણીતું બન્યું. આજે આ વાતને 125 વર્ષ પૂર્ણ થશે. નેલ્સન મંડેલા હંમેશાં કહેતા કે તમે અમારે ત્યાં મોહનદાસ મોકલ્યા હતા અમે તમારે ત્યાં મહાત્મા મોકલ્યા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ લડેલી લડત ખાસ્સી સંઘર્ષમય હતી. આજે આપણે મોહનમાંથી મહાત્મા બનવાની વાત તેમના શબ્દોમાં જોઇએ. ગાંધીજીએ આ અંગે ‘સત્યના પ્રયોગો' અને ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ'માં વિસ્તારે વાત કરી છે.

વાત એવી હતી કે નાતાલની રાજધાની મેરિત્સબર્ગના રેલવે સ્ટેશન પર મોહનદાસ પ્રથમ વર્ગની ટિકિટ લઇને ટ્રેનમાં બેઠા. ત્યારે જ સાથી ઉતારુઓ સિપાઇની મદદથી તેમને છેલ્લા ડબ્બામાં જવા કહ્યું. ગાંધીજીએ કહ્યું કે, ‘હું જાતે નહીં જઉં. મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે. છેવટે સિપાઇઓએ તેમને ધક્કા મારી પ્રથમ વર્ગના ડબ્બામાંથી ઉતારી મુક્યા. તેમનો સામાન પણ ફેંકી દેવામાં આવ્યો. ત્યારબાદ ટ્રેન સ્ટેશન છોડી ગઇ. કડકડતી ઠંડીમાં ગાંધીજી વેઇટિંગ રૂમમાં બેઠા. તેઓ લખે છે કે, મારો ઓવરકોટ સામાનમાં હતો. સામાન માગવાની હિંમત ના થઇ. ફરી અપમાન થાય તો? ટાઢે થથર્યો.' 

પછી તેઓ ઉમેરે છે કે, ‘મેં મારો ધર્મ વિચાર્યો, કાં તો મારે મારા હકોને સારું લડવું અથવા પાછા જવું. નહીં તો જે અપમાનો થાય તે સહન કરવા અને પ્રિટોરિયા પહોંચવું અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર જે દુ:ખ પડ્યું તે તો ઉપર ચોંટ્યું દરદ હતું. ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ રંગદ્વેષ હતો. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર જે દુ:ખ પડે તે બધાં સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો. આમ નિશ્ચય કરી ટ્રેનમાં ગમે તે રીતે પણ આગળ જવું જ એમ નિશ્ચય કર્યો.'

ત્યારબાદ ગાંધીજી રંગદ્વેષ ખિલાફ લડવા માટે આજીવન કાર્યરત રહ્યા. આફ્રિકામાં તેના માટે તેમણે અનેક જુલમો સહ્યા. ગાંધીજી રેલવેના આ પ્રથમ અનુભવને વર્ણવી દક્ષિણ આફ્રિકામાં ઇતિહાસમાં લખે છે કે, ‘આ બધા અનુભવો મારા હાડમાં પેસી ગયા. હું તો માત્ર એક જ કેસને અર્થે ગયેલો, સ્વાર્થ અને કુતૂહલની દૃષ્ટિએ. એટલે એ વર્ષ દરમિયાન હું તો કેવળ આવાં દુ:ખોનો સાક્ષી અને અનુભવનાર રહ્યો. મારા ધર્મનો અમલ ત્યાંથી જ શરૂ થયો. મેં જોયું કે સ્વાર્થદૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા મારે સારુ નકામો મુલક હતો. જ્યાં અપમાન થાય ત્યાં પૈસા કમાવાનો કે મુસાફરી કરવાનો મને જરા ય લોભ નહતો.'

ગાંધીજી વેઇટિંગ રૂમમાં બેઠા બેઠા તેમની પરિસ્થિતિ વિચારી રહ્યા હતા. તેમને ભાગી છૂટવાનો પણ વિચાર આવ્યો હતો. ટાઢથી તેમને ઊંઘ નહોતી આવતી. તેમનું મન ચકડોળે ચઢ્યું. તેઓ લખે છે કે, ‘નાસી છુટવું એ નામર્દાઇ છે, લીધેલું કામ પાર પાડવું જોઇએ. જાતીય અપમાન સહન કરી, માર ખાવો પડે તો ખાઇને પ્રિટોરિયા પહોંચવું જ.' ગાંધીએ આવો અડગ નિશ્ચય કર્યો. ત્યારબાદ તેમનું મન શાંત થયું. તેમનામાં થોડું જોર આવ્યું. જો કે તેમને ઊંઘ તો ન જ આવી.

ગાંધીજી પોતાનાં નિશ્ચયના આધારે આગળની સફર કરી. તેઓ લખે છે કે, ‘મારો નિશ્ચય બરોબર છે કે નહીં તેની પરીક્ષા અંતર્યામીએ સંપૂર્ણ કરી. પ્રિટોરિયા પહોંચતાં પહેલાં વધારે અપમાન સહવા પડ્યાં, પણ તે બધાની મારા ઉપર મારા નિશ્ચયમાં મને દૃઢ રાખવાની જ અસર થઇ.'

એક નિષ્ફળ વકીલ જે વેપારી પેઢીનો કેવળ કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયેલા તે દેશમાં પાછા ફર્યા ત્યારે મહાત્મા બનીને આવ્યા. એક સામાન્ય માનવમાંથી થોડા પ્રસંગોએ જોયેલા અને જાણેલા અનુભવો અને અડગ નિશ્ચયથી તેઓએ દુનિયાના સૌથી મોટા સામ્રાજ્ય સામે શિંગડાં ભરાવ્યાં. તેમના જુલમો અને રંગભેદની નીતિ સામે લડવા માટે સત્યાગ્રહનું શસ્ત્ર અપનાવ્યું. તેમની આ લડત માનવજાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. અને માનવજાતની સમાનતા માટે લડવાનો ધક્કો તેમને રેલવે સ્ટેશન પર પડેલો. એ ઠંડી રાતે ગાંધીજીએ લીધેલા નિર્ણયે મહાન સામ્રાજ્યના પાયા હલાવી નાખ્યા હતા.

સૌજન્ય : ‘ ઢેન્ટેણેન’ નામક લેખકની કતાર, “નવગુજરાત સમય” 8 જૂન 2018

Loading

બુલેટ ટ્રેનના 1.10 લાખ કરોડના પ્રોજેક્ટમાં હજારો અસરગ્રસ્તોના અસ્તિત્વનો સવાલ

સંજય શ્રીપાદ ભાવે
, સંજય શ્રીપાદ ભાવે
, સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|8 June 2018

માત્ર બે કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડનારી ટ્રેન અસરગ્રસ્તોને તેમની જિંદગીનાં રગશિયાં ગાડાંના ફુરચા ઊડાવી દેનારી લાગે છે: મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીઓ અને ખેડૂતો બુલેટ ટ્રેન યોજનાનો વિરોધ કરતા રહ્યા છે

દેશભરના ખેડૂતોનું આંદોલન, તેના ફેલાવા તેમ જ શાકભાજીના બગાડના બનાવોને કારણે લોકોના ધ્યાનમાં આવ્યું છે, પણ મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો, આદિવાસી ખેડૂતો તેમ જ આદિવાસીઓ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજના વિરુદ્ધ ગયા નવેક મહિનાથી જે ચળવળ ચલાવી રહ્યા છે, તેની તરફ ખાસ ધ્યાન ખેંચાયું નથી. બુલેટ ટ્રેન હેઠળ તેમની જમીન દબાઈ જવાની છે. એટલે કોઈ પણ ભોગે જમીન નહીં આપવાનો નિર્ધાર હમણાં રવિવારે બંને રાજ્યોનાં અનેક સંગઠનોનાં બનેલા ‘બુલેટ ટ્રેનવિરોધી જનમંચ'ના નેજા હેઠળ પાલઘરમાં મળેલી સભામાં ફરી એક વાર જાહેર કરવામાં આવ્યો હતો. 

ગુજરાતમાં આ ચળવળ મુખ્યત્વે ‘ખેડૂત સમાજ' અને ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ' સંગઠનોના નેજા હેઠળ છે. ૨૮મી મેએ થયેલી પેટા ચૂંટણીના માહોલમાં પણ દહાણુ, તલાસરી, મોખડા અને વસઈ-વિરાર તાલુકામાં બુલેટ ટ્રેન માટે લોકોમાં રોષ દેખાતો હતો. તે પૂર્વે ત્રીજી મેએ દહાણુ ખાતે થાણા અને પાલઘર જિલ્લાનાં સાઠથી વધુ ગામોના પચાસેક હજાર કિસાન અને આદિવાસીઓએ ઑલ ઇન્ડિયા કિસાન સભાના નેજા હેઠળ દોઢ કિલોમીટર લાંબી વિરોધ-કૂચ કાઢી હતી.

આમ તો ખેડૂતો-આદિવાસીઓએ પહેલવહેલો વિરોધ તો સપ્ટેમ્બરમાં ભારત અને જાપાનના વડા પ્રધાનોએ મળીને અમદાવાદમાં બુલેટ ટ્રેન યોજનાનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે પાલઘરમાં દેખાવો યોજીને કર્યો હતો. માત્ર બે જ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડનારી રેલગાડી અસરગ્રસ્તોને તેમની જિંદગીનાં રગશિયાં ગાડાંના ફુરચા ઊડાવી દેનારી લાગે છે. જાપાનની ગણતરીપૂર્વકની ભરપૂર સહાયથી શરૂ થનારી આ હાઇસ્પીડ રેલવે લાઈન ૫૦૮.૧૭ કિલોમીટર લાંબી છે. તેના ૧૫૫.૬ કિલોમીટર મહારાષ્ટ્રમાં, ૩૫૦ કિલોમીટર ગુજરાતમાં અને બે કિલોમીટર દાદરા નગરહવેલીમાં આવે છે. 

મોટા ભાગનું અંતર જમીનથી ઉપરના એલેવેટેડ કૉરિડોર તરીકે હશે, જ્યારે બાવીસેક કિલોમીટર થાણાની ખાડીના દરિયાના પેટાળમાં થઈને બનાવેલા બોગદા તરીકે હશે. પ્રોજેક્ટ માટે જે જમીન સંપાદન કરવાની આવશે, તેમાં ગુજરાતની જમીન ૬૧૨.૧૭ હેક્ટર, મહારાષ્ટ્રમાંથી ૨૪૬.૪૨ અને દાદરા-નગરા હવેલીમાંથી ૭.૫૨ હેક્ટર હશે. યોજનાના ફાયદા અંગેના સરકારના દાવા અને નુકસાન અંગે અભ્યાસીઓનાં મંતવ્યો ચર્ચાતાં રહ્યાં છે.

મોટા ભાગની કહેવાતી મોટી યોજનાઓની જેમ જમીન સંપાદન અહીં પણ મડાગાંઠ સાબિત થઈ રહ્યું છે. કુલ ૫૦૮ કિલોમીટરમાંથી ૧૦૮ કિલોમીટર પાલઘર જિલ્લાના છે. તેને માટે ૧૨૩ ગામોની ૧૭૦ હેક્ટર જેટલી જમીન લેવી પડે એમ છે. મોટા ભાગના ખેડૂતો પાસે જમીનના ટુકડા છે જે તેમની આજીવિકાનું એક માત્ર સાધન છે. તેની સામે સરકાર વળતર કેટલું અને કેવી રીતે આપશે એ અંગે તેમને પૂરેપૂરો શક છે. થોડાંક વર્ષો પહેલાં ધોરી માર્ગ પહોળો કરવા માટે જેમની જમીનો સંપાદિત કરવામાં આવી તેમને વળતરના કડવા અનુભવો છે. એટલે મોટા ભાગની ગ્રામસભાઓએ જમીન નહીં આપવાનો ઠરાવ કરેલો છે. 

તદુપરાંત આ પ્રોજક્ટ માટે જે જંગી બાંધકામ થશે તેના માટે રેતી મેળવવા નદીના પટ અને ટેકરિયાળ વિસ્તારોને ભારે હાનિ પહોંચશે. જંગલપેદાશો પર જીવતા આદિવાસીઓ અને નદીનાં પાણી પર જીવતા માછીમારોને પણ મોટી અસર થશે. પાલઘરના લોકોનું એમ પણ કહેવું છે કે પીવાનું પાણી, રસ્તા, તબીબી સેવા, શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે સરકાર પૈસા ફાળવતી નથી અને જાપાન પાસેથી લોન લઈને આ મસમોટી યોજના બનાવે છે. ગુજરાતના ખેડૂતોએ એમ માગણી છે કે સરકારે જમીન માટેનું વળતર ૨૦૧૧ના એન્યુઅલ સ્ટેટમેન્ટ ઑફ રેટ પ્રમાણે નહીં, પણ જમીનના અત્યારના બજાર ભાવ પ્રમાણે આપવું જોઈએ.

બુલેટ ટ્રેનના વિરોધનો એક મહત્ત્વનો મુદ્દો પારદર્શકતાના અભાવ અને બિનલોકશાહી અભિગમનો છે. તેની સાબિતી યોજના અંગેની જાહેર સુનાવણીના ઉપક્રમમાંથી મળે છે. જાહેર સુનાવણીનો હેતુ લોકોને લગતી યોજના અંગેની લોકોની વચ્ચે સત્તાવાળાઓ દ્વારા છણાવટ થાય, લોકોનાં મંતવ્યો-માગણીઓ મુજબ યોજનામાં ફેરવિચારણા અને ફેરફાર કરવામાં આવે એવો હોય છે. લોકોનો ખૂબ વિરોધ હોય તો યોજના પડતી મૂકવામાં આવે છે. ભાવનગર પાસે મીઠી વીરડીમાં અણુવિદ્યુત મથકની યોજના પડતી મૂકવામાં જાહેર સુનાવણી પ્રક્રિયાનો નોંધપાત્ર ફાળો હતો.

જો કે બુલેટ ટ્રેન પરની જાહેર સુનાવણી બાબતે કર્મશીલ આનંદ જણાવે છે કે એ પ્રક્રિયા ‘માત્ર આઘાતજનક અને સંવેદનહીન જ નહીં, તૈયારી વગરની અને બેજવાબદારીભરી હતી'. માર્ચ-એપ્રિલ દરમિયાન નડિયાદ, વડોદરા અને ભરૂચની સુનાવણીઓને આધારે તેમની વાત સમજાવે છે. આ સુનાવણીઓની જાહેરાતો, તેમનાં તારીખ અને સ્થળ એમ અનેક બાબતો એ રીતે ગોઠવવામાં આવી હતી કે તેમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ ન શકે. તદુપરાંત લોકોને આપવામાં આવતી છાપેલી માહિતી કે તેમની સામે કરવામાં આવેલાં પાવરપૉઇન્ટ પ્રેઝેન્ટેશન્સ મોટે ભાગે અંગ્રેજીમાં હતાં, જે મોટો અવરોધ ગણાય. કલેક્ટર તેમ જ પ્રોજેક્ટ સંબંધિત અધિકારીઓનાં વર્તન પણ અધીરા, ઉતાવળા, સરકારતરફી અને સરવાળે લોકવિમુખ હતા. 

આનંદ કહે છે : ‘અત્યંત ચોંકાવનારી વાત એ છે કે ૧ લાખ ૧૦ હજાર કરોડ રૂપિયા જેટલા જંગી ખર્ચથી થનાર આ પ્રોજેક્ટ જેમાં હજારો લોકોના રોજી-રોટીના સવાલો ઊભા થાય તેમ છે, તે અંગે જાહેર સુનાવણીની કે બીજી કોઈ જ ધોરણસરની પદ્ધતિ વિના પ્રોજેક્ટ દેશ પર થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.' વડોદરામાં યોજાયેલ જાહેર સુનાવણી કેવી રીતે માત્ર એક ‘આઇવૉશ' એટલે કે દેખાવ હતો તેની વાત સૂરતના કર્મશીલ કૃષ્ણકાન્ત સમજાવે છે. ચૌદમી મે સૂરતની જાહેર સૂનાવણીમાં ખેડૂત સમાજના ચારસોએક ખેડૂતો ઓલપાડ, કામરેજ, પલસણા અને ચોરિયાસી તાલુકાના ગામોમાંથી એકઠા થયા હતા. પણ કાર્યવાહી શરૂ થાય તે પહેલાં પોલીસે પંદરેક આગેવાનોની અટકાયત કરતાં ખેડૂતોએ સુનાવણીનો બહિષ્કાર કર્યો હતો. મહિનાના આખરે નવસારી અને સૂરતમાં યોજાયેલી સુનાવણીમાં ‘આયોજકોની હંમેશ મુજબની અસંતોષકારક ભૂમિકાને કારણે હોબાળો થયો' એમ જાણવા મળે છે.

‘ખેડૂત સમાજ'ના અગ્રણી કર્મશીલ સાગર રબારીએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લોકવિરોધી અને વિનાશક બાજુ ખુલ્લી પાડતી પુસ્તિકા લખી છે. તેની શરૂઆતમાં યોજનાની ‘આછેરી ઝલક'માં તેના ઉદ્દભવ અને તેમાં જાપાનનાં જોડાણની વિગતો છે. તેને છેડે તે નોંધે છે : ‘વિકાસ અને જી.ડી.પી. વધારવાને નામે જાપાન આપણને નાણાં ધીરશે, વ્યાજ કમાશે, ટેક્નોલૉજિ-ટ્રેઇનિન્ગ-કૉન્ટ્રાક્ટ થકી એની કંપનીઓ પૈસા પાછા જાપાન લઈ જશે … ભારતના નાગરિકો માથે એક લાખ કરોડનું દેવું વધશે! જાપાની જળ-જંગલ-જમીન આપણાં વેડફાશે … ને આપણે રાજી થઈશું કે આપણે વિકાસ કર્યો.' 

ત્યાર પછી સાગરભાઈ આદિવાસીઓ, ખેડૂતો અને માછીમારોના લાભ માટેના કાયદાનો આ પ્રોજેક્ટમાં શી રીતે ભંગ થયો છે તેની માહિતી આપે છે. પછી તે બતાવે છે કે યોજનાને પૈસો પૂરો પાડનાર ‘જાપાન ઇન્ટરનૅશનલ કૉર્પોરેશન એજન્સી'ની પર્યાવરણ અને સામાજિક અસરો લગતી માર્ગદર્શિકાનો ભંગ થયો છે. સાગરભાઈને યોજનાના આર્થિક પાસા અંગે સવાલ થાય છે:  ‘જરૂરિયાત, વિકાસ કે લૂંટ ?' તેની ચર્ચા કરીને તેઓ વિકલ્પ તરફ આંગળી ચીંધે છે. અંતે લખે છે : બુલેટ ટ્રેનના પિલર નીચે ધરબાશે પર્યાવરણ, મહેનતકશોના રોજગાર અને લોકશાહી અધિકારો … ‘વિકાસ'ની તમારી ભૂખ ભાંગવા કેટકેટલાને ઉજાડશો ?’

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ ક્ષિતિજ’ નામક લેખકની કતાર, “નવગુજરાત સમય” 8 જૂન 2018

Loading

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશનીતિમાં અલિપ્તતાની વકીલાત કરી રહ્યા છે. અસ્સલ જવાહરલાલ નેહરુ

રમેશ ઓઝા|Opinion - Opinion|8 June 2018

નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેની સોગંદવિધિ પ્રસંગે ભારતના પાડોશી દેશોના શાસકોને બોલાવ્યા હતા.

તેમણે એ પછી પાડોશી દેશોનો પ્રવાસ શરૂ કર્યો હતો અને દ્વિપક્ષીય તેમ જ સાર્ક દેશોમાં સંબંધો સુધારવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તેમણે દરેક દેશનો પ્રવાસ કર્યો હતો. સાઉથ એશિયાના દેશો ચીનની સોડમાં ન જાય અને ચીન ભારતના પાડોશી દેશોમાં ઘૂસી ન શકે એ એની પાછળનો ઇરાદો હતો. બીજી બાજુ તેમણે ચીનના પાડોશી દેશોના પણ પ્રવાસ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેમણે જપાન અને ફિલિપીન્સ જેવા ચીની સમુદ્રના કિનારે આવેલા દેશોનો પ્રવાસ કર્યો હતો. ચીન પાકિસ્તાનમાં ગ્વાદર બંદર વિકસાવી રહ્યું છે, એના જવાબમાં ઈરાનમાં બંદર વિકસાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ બધા પ્રયાસો જોઈને શરૂઆતમાં એમ લાગતું હતું કે તેમના પ્રયાસો સાચી દિશાના છે. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે એક વરસ પૂરું કર્યું, ત્યારે તેમની બીજી અનેક બાબતે આલોચના કરવામાં આવી હોવા છતાં તેમને વિદેશનીતિ માટે ફુલ માર્ક્સ આપવામાં આવ્યા હતા.

એ પછી કેન્દ્ર સરકારની વિદેશનીતિ અટવાવા લાગી. વડા પ્રધાને ચીનને ઘેરવાની અપનાવેલી આક્રમક નીતિ એનું મુખ્ય કારણ હતું. પાડોશી દેશોના મામલામાં વધારે પડતી દખલ એ બીજું કારણ હતું અને પાકિસ્તાન સાથે કઈ નીતિ અપનાવવી એની સ્પષ્ટતાનો અભાવ એ ત્રીજું કારણ હતું. ક્યારેક પ્યાર અને ક્યારેક ધિક્કારની નીતિ અપનાવવામાં આવતી હતી અને હજી અત્યારે પણ અપનાવવામાં આવી રહી છે. જે મહત્ત્વનું પરિવર્તન આવ્યું એ બાકીના દેશોની બાબતે. પાકિસ્તાન સિવાયના પાડોશી દેશોને અને એમાં ય ખાસ કરીને ભારતની નીતિથી નારાજ થયેલા નેપાળને નજીક લાવવાનું ભારત પ્રયાસ કરી રહ્યું છે. ગયા મહિને નેપાળની મુલાકાતે ગયેલા વડા પ્રધાને કાઠમંડુમાં સેતુ બાંધવાના તમામ શક્ય પ્રયાસો કર્યા હતા અને એ માટે તેમની દેશમાં ખૂબ સરાહના કરવામાં આવી હતી.

હવે ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરના પ્રવાસ પછી પ્રતીતિ થઈ રહી છે કે વડા પ્રધાન નવી સ્થિતિમાં વિદેશનીતિને હજી વધુ નિર્ણાયક વળાંક આપી રહ્યા છે. વડા પ્રધાન શાંગ્રી-લા ડાયલૉગમાં ભાગ લેવા ગયા હતા, જ્યાં તેમના પ્રવચનની ખૂબ સરાહના થઈ હતી. ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રૅટેજિક સ્ટડીઝ નામની સંસ્થા ૨૦૦૨ની સાલથી એશિયા પૅસિફિક દેશો વચ્ચે સલામતી નીતિ વિશે સંવાદ યોજે છે. દર વર્ષે સંવાદ સિંગાપોરમાં શાંગ્રી-લા હોટેલમાં યોજાય છે એટલે એ શાંગ્રી-લા ડાયલૉગ તરીકે ઓળખાય છે. એ બેઠકમાં ૨૮ દેશો ભાગ લે છે, જેમાં ભારત એક છે. આ વખતે પહેલી વાર ભારતના વડા પ્રધાને ભાગ લીધો છે અને એમાં તેમણે આપેલું કી-નોટ પ્રવચન અસાધારણ હતું.

વડા પ્રધાને અલિપ્તતાની વાત કરી હતી અને એ યોગ્ય હતી. ફરી એક વાર અલિપ્ત રહેવાની કે મહાસત્તાઓથી એક સમાન અંતર રાખવાની નીતિ પ્રાસંગિક બનવા લાગી છે. આનું કારણ એ છે કે જાગતિક સ્થિતિ અનિશ્ચિત છે. અમેરિકા, રશિયા અને ચીન શું કરશે એની કોઈ ખાતરી નથી. અમેરિકાની નજીક જવામાં જોખમ છે. અમેરિકાના ભરોસે ચીન સાથે પંગો લેવામાં જોખમ છે. રશિયા લશ્કરી રીતે મહાસત્તા છે કે નઠારો દેશ છે એ વિશે કંઈ કહેવું અઘરું છે. બાકીના દેશો પોતપોતાની જરૂરિયાત મુજબ કોના તરફ ખેંચાશે અને કોની સાથે હાથ મેળવશે, એ પણ કહી શકાય એમ નથી. આ સ્થિતિમાં ભારત અમેરિકા, ચીન અને રશિયાથી સલામત અંતર રાખે એમાં ભારતનું હિત છે. ઓછામાં ઓછું જાગતિક રાજકીય સિનારિયો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ભારતે ઉતાવળ કરવામાં જોખમ છે. ચાર વરસે આટલી વાત વડા પ્રધાનને સમજાઈ ગઈ છે, એ વાતનો આનંદ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ લાગે છે કે ભારતની વિદેશનીતિ ડોભાલ ડૉક્ટ્રિનથી મુક્ત થઈ રહી હોય એમ લાગે છે. પાકિસ્તાનની બાબતમાં પણ ડોભાલ ડૉક્ટ્રિનથી મુક્ત થવાની જરૂર છે.

વડા પ્રધાને સિંગાપોરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘કોઈ દેશ મહાસત્તાઓને અનુસરવાની જગ્યાએ સિદ્ધાંતોને અનુસરે છે ત્યારે એ આપોઆપ આદરપાત્ર બને છે અને એના અવાજને જગતે સાંભળવો પડે છે. જે દેશ ઘરઆંગણે વિવિધતાઓનો આદર કરે છે, દરેક સમાજને બાથમાં લે છે એ દેશ વિશ્વમંચ પર સર્વસમાવેશકતાનો આગ્રહ કરવાનો નૈતિક અધિકાર મેળવે છે.’

અહીં આપવામાં આવેલું અવતરણ વડા પ્રધાનના પ્રવચનનો અક્ષરશ: અનુવાદ છે. જવાહરલાલ નેહરુની યાદ અપાવે છે, નહીં? વડા પ્રધાને ખેલદિલીપૂર્વક નેહરુને યાદ કરવા જોઈતા હતા. બીજું, સિંગાપોરનું ઉદાહરણ આપવાની જગ્યાએ તેઓ નેહરુનું અને નેહરુકાલીન ભારતનું ઉદાહરણ આપી શક્યા હોત. વડા પ્રધાન એટલી ઉદારતા બતાવી શક્યા નથી, એ જુદી વાત છે, પરંતુ તેમણે જે કહ્યું છે એ સો ટકાની વાત છે. અસ્સલ નેહરુશૈલી.

નરેન્દ્ર મોદીની સરકારે જે વાતે સિંગાપોરની સરાહના કરી છે એ નીતિ ઘરઆંગણે અપનાવવાની જરૂર છે. જે દેશ ઘરઆંગણે વિવિધતાઓનો આદર કરે છે, દરેક સમાજને બાથમાં લે છે એ દેશ વિશ્વમંચ પર સર્વસમાવેશકતાનો આગ્રહ કરવાનો નૈતિક અધિકાર મેળવે છે. જો કે આવું બનવાનું નથી એની ખાતરી છે. આનંદ એ વાતનો છે કે મહાસત્તાઓના પડખે ઊભા રહેવા કરતાં કે એકના સહારે બીજાનો મુકાબલો કરવા કરતાં સિદ્ધાંતોના પક્ષે ઊભા રહેવામાં અને અલિપ્ત રહેવામાં વધારે ફાયદો છે. કમસે કમ વિદેશનીતિમાં આ નવું તત્ત્વ દાખલ થાય તો ઘણું.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 જૂન 2018

Loading

...102030...3,1223,1233,1243,125...3,1303,1403,150...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved