Opinion Magazine
Number of visits: 9686183
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય

અનુવાદ – નિલય ભાવસાર|Opinion - Opinion|12 June 2018

ધરપકડ કરાયેલ દલિત માનવાધિકાર કાર્યકર્તાઓને વિનાશરતે મુક્ત કરો

જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય (એન.એ.પી.એમ.) મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જન આંદોલનો સાથે જોડાયેલ માનવાધિકાર કાર્યકર્તાઓ પ્રોફેસર શોમા સેન, એડવોકેટ સુરેન્દ્ર ગડલિંગ, સુધીર ધાવલે, રોના વિલ્સન તથા મહેશ રાઉતના ઉત્પીડન અને ધરપકડની આકરી ટીકા કરે છે તથા તેઓને કોઈ પણ શરત વિના જલદી મુક્ત કરવાની માંગ કરે છે.

૯ જૂન ૨૦૧૮: તારીખ ૬ જૂન ૨૦૧૮ની સવારે 6 વાગ્યાની આસપાસ નાગપુર વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી વિભાગની અધ્યક્ષ તથા લાંબા સમયથી મહિલા અને દલિત અધિકારો પર કામ કરનાર કાર્યકર્તા પ્રોફેસર શોમા સેન, લાંબા સમયથી માનવાધિકારના હનનની લડાઈ લડી રહેલ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીપલ્સ લોયર(એ.આઈ.પી.એલ.)ના મહાસચિવ સુરેન્દ્ર ગડલિંગ, મરાઠી પત્રિકા વિદ્રોહીના સંપાદક તથા જાતિ નિવારણ સંબંધિત આંદોલન રિપબ્લિકન પેન્થરના સંસ્થાપક સુધીર ધવલે, માનવાધિકાર કાર્યકર્તા તથા રાજનૈતિક કેદીઓની મુક્તિ સંબંધિત સમિતિ(સી.આર.પી.પી.)ના સચિવ રોના વિલ્સન તથા ગઢચિરોલી ખનન ક્ષેત્રોમાં ગ્રામ સભાની સાથે કામ કરી રહેલ વિસ્થાપન વિરોધી કાર્યકર્તા તથા પ્રાઈમ મિનિસ્ટર્સ રૂરલ ડેવલોપમેન્ટ ફેલો રહી ચૂકેલ મહેશ રાઉતના ઘરો પર મહારાષ્ટ્ર પોલીસ દ્વારા છાપામારી કરવામાં આવી તથા નાગપુર, પૂણે અને દિલ્હીમાં અલગ-અલગ જગ્યાઓથી ધરપકડ કરવામાં આવી. એવું જણાવવામાં આવ્યું કે આ ધરપકડ જાન્યુઆરી ૨૦૧૮માં ભીમા-કોરેગાંવમાં થયેલ પ્રદર્શનના સંદર્ભમાં કરવામાં આવી છે.

મહેશ રાઉત રાજ્ય તથા કોર્પોરેટ દ્વારા જમીન પર કબ્જો કરવો, પ્રાકૃતિક સંસાધનોના દોહનની વિરુદ્ધ સ્થાનીય સમિતિઓની સાથે આદિવાસી હકોની માટે લડી રહ્યા છે. એડવોકેટ ગડલિંગ આ પ્રકારની જ લડાઈઓ કોર્ટમાં લડી રહ્યા છે. તેઓ આવા ઘણા દલિતો તથા આદિવાસીઓનું કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે કે જેઓને જૂઠા આરોપો તથા કઠોર કાયદા અંતર્ગત આરોપી બનાવવામાં આવ્યા અને તેઓની ધરપકડ પણ કરવામાં આવી છે. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર તથા શારીરિકરૂપે ૯૦ ટકા દિવ્યાંગ એવા ડૉ. જી.એન. સાઈબાબાના કેસમાં વકીલ પણ છે. તેમના પર માઓવાદીઓની સાથે સંબંધ રાખવાના આરોપ છે. તેમના કેસની સુનાવણી પણ જલદી જ શરૂ થશે.

આ રીતે પ્રોફેસર શોમા સેન પણ રાજ્ય દ્વારા આચરવામાં આવતા દમન વિરોધી માનવાધિકાર આંદોલનો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. શિક્ષક અને કાર્યકર્તા એમ બંને ભૂમિકાઓમાં તેઓ જીવનનું કડવું સત્ય બહાર લાવી રહ્યા છે.

સુધીર ધવલે જાણીતા દલિત અધિકાર કાર્યકર્તા અને લેખક છે. તેમની વર્ષ ૨૦૧૧માં યુ.એ.પી.એ. અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી, પણ પુરાવાના અભાવે વર્ષ ૨૦૧૪માં તેઓને મુક્ત કરવામાં આવ્યા.

રોના વિલ્સન વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા છે. તેઓ એ.એફ.એસ.પી.એ. (આફ્સપા), પી.ઓ.ટી.ઓ. (પોટા), યુ.એ.પી.એ. જેવા કઠોર કાયદાઓના મુખ્ય વિરોધી રહ્યા છે.

અમારું માનવું છે કે ભીમા કોરેગાંવ એ માત્ર એક બહાનું છે. આ લોકોની એટલા માટે ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેનાથી આ સામાજિક કાર્યકર્તાઓને ન્યાયની લડાઈ, દમન તથા આદિવાસી ક્ષેત્રોમાં પ્રાકૃતિક સંસાધનોની લૂંટ વિરુદ્ધ લડતા રોકી શકાય.

એપ્રિલમાં પણ આ કાર્યકર્તાઓના ઘરે છાપામારી કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર પોલીસે ઇલેક્ટ્રોનિક સાધનો અને કાગળો પણ જપ્ત કર્યા હતા. આ દરમિયાન પોલીસે કબીર કલા મંચના સંસ્કૃિતકર્મીઓ રૂપાલી જાધવ, જ્યોતિ જગતપ, રમેશ ગાયેચોર, સાગર ગોખલે, ધવલા ધેંગાલે તથા રિપબ્લિકન પેન્થર કાર્યકર્તા હર્શાલી પોતદારનાં ઘરે પણ છાપા માર્યા હતાં. પૂનાના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ શરૂઆતની એફ.આઈ.આર.માં સુધીર તથા કબીર કલા મંચના અન્ય સભ્યોનાં નામ પણ નોંધવામાં આવ્યાં હતાં. દલિત કાર્યકર્તા અને ગુજરાતના વિધાયક જીજ્ઞેશ મેવાણી તથા છાત્ર કાર્યકર્તા ઉમર ખાલીદ પર પણ એફ.આઈ.આર. કરવામાં આવી. તેઓને ભીમા કોરેગાંવ ઉત્સવમાં વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાદમાં, અભિયોજન પક્ષે ચાર્જશીટમાં સુરેન્દ્ર ગડલિંગ તથા રોના વિલ્સનનું નામ જોડવા માટેની અપીલ કરી. કોર્ટના કાગળમાં મહેશ રાઉત તથા શોમા સેનના નામનો ક્યાં ય કોઈ ઉલ્લેખ જ નહોતો.

ભીમા કોરેગાંવ ઉત્સવના સંદર્ભમાં હાલમાં આ કાર્યકર્તાઓની ધરપકડ સંશય ઉત્પન્ન કરે છે. જેઓની ધરપકડ કરવામાં આવી છે, તે પૈકી કેટલાંક લોકો આ ઉત્સવ અથવા આ પ્રદર્શનમાં સામેલ નહોતાં. અમારું માનવું છે કે સરકાર સુનિયોજિતરૂપે તે અવાજને દબાવવા માંગે છે કે જે અવાજ તેમને પડકાર ફેંકે છે અને તેમની આલોચના કરી રહી છે. મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કાશ્મીર, પૂર્વોત્તરના રાજ્યો તથા બાકીની અન્ય જગ્યાઓ પર પણ આ કરવામાં આવી રહ્યું છે.

આ શાસન વ્યવસ્થામાં કાર્યકર્તાઓ પર હુમલા થવા એ કોઈ નવી વાત નથી. તર્કપૂર્ણ વિચારકો નરેન્દ્ર દાભોલકર, ગોવિંદ પાનસરે, એમ.એમ. કલબુર્ગી તથા ગૌરી લંકેશની હત્યા દક્ષિણપંથી હિન્દુત્ત્વ સમૂહના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. જુનૈદ, અખલાક તથા પહલૂ ખાન જેવા સામાન્ય લોકોને પણ માર મારીને હત્યા કરવામાં આવી. ઝારખંડમાં મજૂર સંગઠન સમિતિ જેવા ટ્રેડ યુનિયન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. અધિકારો માટે લડત ચલાવનાર સમૂહો તથા વ્યક્તિઓને કામ કરતાં રોકવામાં આવ્યાં તેમ જ તેઓના બેંક ખાતાઓને સીલ કરવામાં આવ્યા અથવા તેઓને જૂઠા આરોપમાં ફસાવવામાં આવ્યાં. ઉત્તરપ્રદેશના ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ તથા ઝારખંડના બચ્ચા સિંહ જેવા નેતાઓ, તીસ્તા સેતલવાડ જેવા પત્રકાર, ડૉ. જી.એન. સાઈબાબા જેવા પ્રોફેસર, છાત્ર કાર્યકર્તા, કાર્ટૂનિસ્ટ, તેમ જ જનતાનો અવાજ ઉઠાવનારની કડક કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી રહી છે. મીડિયા ટ્રાયલ, ખોટાં ન્યુઝની સંસ્કૃિત તથા સોશિયલ મીડિયા દ્વારા અભિયોગ ચલાવીને જનમાનસમાં તે લોકો વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે કે જેઓ સત્તાની સામે સત્ય બોલવાનું સાહસ દાખવી રહ્યા છે. આવું કરીને અન્ય લોકોનાં મનમાં પણ ડર પેદા કરવામાં આવી રહ્યો છે. તમિલનાડુના તુતીકોરિનમાં સ્ટરલાઈટ કોપર ફેક્ટરી વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં નાગરિકોની પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યા હોય અથવા હાલમાં ‘માઓવાદ’ના નામ પર ગઢચિરૌલીમાં નાના-નાના બાળકો સહિત ૪૦ લોકોનું નકલી એન્કાઉન્ટર હોય – રાજ્ય પોતાનાં લોકો પર જ દમન ગુજારી રહ્યાં છે. આ એ પ્રકારની હિંસાના કેટલાંક ઉદાહરણ છે કે જે આપણને યાદ અપાવે છે કે આ કેટલાંક કથિત ભૂમિગત સંગઠન નથી કે જેનાથી ખતરો હોય પરંતુ તે આપણી સરકાર જ છે, કે જેને લોકો ચૂંટે છે, જેમાં તેઓની આસ્થા છે, આજે તે જ સરકારો લોકતંત્ર માટે સૌથી મોટો ખતરો બની ગઈ છે.

અમે નિંદા કરીએ છીએ:

૧. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સદીઓથી શોષિત ઉત્પીડિત દલિત અવાજને દબાવવા માટે.

૨. રાષ્ટવિરોધી તત્ત્વ તથા નક્સલી આતંકને દબાવવાના નામ પર વંચિત સમૂહોના અધિકાર માટે લડનારા વિરુદ્ધ સતત થઇ રહેલ હિંસક દમનની.

૩. મહારાષ્ટ્ર સરકાર તથા ભારત સરકારની જનવિરોધી નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં લોકોનાં અવાજને દબાવવા માટે યુ.એ.પી.એ. આફ્સપા તથા પોટા જેવા કઠોર કાયદાનો ઉપયોગ કરીને સત્તાની શક્તિનો દુરુપયોગ કરવાની.

૪. કેટલાંક સમૂહોને ખુલ્લી છૂટ આપવા માટેની, જે આપણા દેશનાં ધર્મનિરપેક્ષ અને લોકતાંત્રિક મૂલ્યો વિરુદ્ધ હિંદુ રાષ્ટ્રના વિચારોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે.

૫. મીડિયા ટ્રાયલ અને ખોટી વાર્તા રજૂ કરનારની. ન્યાય વ્યવસ્થાની ઢીલ તથા વિસંગતિઓ, કારણકે તે આ ધરપકડ કરાયેલ લોકો અને સંગઠનો વિશે જનમાનસમાં ઝેર પ્રસરાવવાનું કાર્ય કરે છે.

અમે માંગ કરીએ છીએ:

૧. પ્રોફેસર શોમા સેન, એડવોકેટ સુરેન્દ્ર ગડલિંગ, સુધીર ધાવલે, રોના વિલ્સન તથા મહેશ રાઉતના ઉત્પીડન અને ધરપકડની આકરી ટીકા કરે છે તથા તેઓને કોઈપણ શરત વિના જલદી મુક્ત કરવાની માંગ કરીએ છીએ.

૨. ભીમા-કોરેગાંવ મહોત્સવ બાદ દલિત સમુદાય વિરુદ્ધ વ્યાપક હિંસાની ઉચ્ચ સ્તરીય તપાસ.

૩. યુ.એ.પી.એ. તથા આફ્સપા અને પોટા જેવા કઠોર કાયદાઓને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે કે જેનાથી દેશભરમાં લોકોને ભયભીત કરવામાં આવે છે. આ કાયદો પોલીસ તથા સેનાને એવી શક્તિ આપે છે કે જેનાં પર કોઈ સવાલ ઉઠાવી શકાય એમ નથી.

૪. ભીમા કોરેગાંવના ૨૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસર પર આયોજિત સમારોહના આયોજકો અથવા તેમાં ભાગ લેનાર લોકો પર થઇ રહેલાં રાજકીય દમન તથા બદલાની કાર્યવાહીને તરત બંધ કરવામાં આવે.

૫. સંભાજી ભીડે પર એસ.સી./એસ.ટી. અત્યાચાર નિરોધક કાયદાના અંતર્ગત તોફાન ફેલાવવા, હત્યાના પ્રયાસ કરવાનાં આરોપમાં તરત ધરપકડ કરવામાં આવે અને મિલિંદ એકબોટેની બેલ રદબાતલ કરવામાં આવે.

મેધા પાટકર, નર્મદા બચાઓ આંદોલન અને જન આંદોલનોનો રાષ્ટ્રીય સમન્વય (એન.એ.પી.એમ.); અરુણા રોય, નિખિલ ડે અને શંકર સિંહ, મજૂર કિસાન શક્તિ સંગઠન (એમ.કે.એસ.એસ.), નેશનલ કેમ્પેઈન ફોર પીપલ્સ રાઈટ ટૂ ઇન્ફોર્મેશન અને એન.એ.પી.એમ.; પી. ચેન્નીયા, આંધ્રપ્રદેશ વ્યવસાય વૃથીદારુલા યુનિયન (એ.પી.વી.વી.યુ.), નેશનલ સેન્ટર ફોર લેબર અને એન.એ.પી.એમ. (આંધ્રપ્રદેશ), રામકૃષ્ણમ રાજૂ, યુનાઇટેડ ફોરમ ફોર આર.ટી.આઈ. અને એન.એ.પી.એમ. (આંધ્રપ્રદેશ); પ્રફુલ્લા સામંતરા, લોકશક્તિ અભિયાન અને એન.એ.પી.એમ. (ઓરિસ્સા); લિંગરાજ આઝાદ, સમાજવાદી જનપરિષદ, નિયમગિરિ સુરક્ષા સમિતિ, અને એન.એ.પી.એમ. (ઓરિસ્સા); બિનાયક સેન અને કવિતા શ્રીવાસ્તવ, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટીઝ (પી.યુ.સી.એલ.) અને એન.એ.પી.એમ.; સંદીપ પાંડે, સોશલિસ્ટ પાર્ટી અને એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); રિટાયર્ડ મેજર જનરલ એસ.જી. વોમ્બત્કેરે, એન.એ.પી.એમ. (કર્ણાટક); ગેબ્રિયલ દીએત્રિચ, પેન્ન ઉરીમય ઈયક્કમ, મદુરાઇ અને એન.એ.પી.એમ. (તમિલનાડુ); ગીથા રામકૃષ્ણન, અસંગઠિત ક્ષેત્ર કામગાર ફેડરેશન, એન.એ.પી.એમ. (તમિલનાડુ); ડૉ. સુનીલમ અને આરાધના ભાર્ગવ, કિસાન સંઘર્ષ સમિતિ અને એન.એ.પી.એમ., રાજકુમાર સિંહા (મધ્યપ્રદેશ); અરુલ ડોસ, એન.એ.પી.એમ. (તમિલનાડુ), અરુંધતી ધુરુ અને મનેશ ગુપ્તા, એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); ઋચા સિંહ, સંગતિન કિસાન મજૂર સંગઠન, એન.એ.પી.એમ. (ઉત્તરપ્રદેશ); વિલાયોદી વેણુગોપાલ, સી.આર..નીલાકંદન અને પ્રો. કુસુમમ જોસફ, સરથ ચેલૂર એન.એ.પી.એમ. (કેરલ); મીરાં સંઘમિત્રા, રાજેશ શેરુપલ્લી એન.એ.પી.એમ. (તેલંગાના અને આંધ્રપ્રદેશ); ગુરુવંત સિંહ, એન.એ.પી.એમ., પંજાબ; વિમલ ભાઈ, માટૂ જનસંગઠન, એન.એ.પી.એમ. (ઉત્તરાખંડ); જબર સિંહ, એન.એ.પી.એમ. (ઉત્તરાખંડ), સિસ્ટર સીલિયા, ડોમેસ્ટિક વર્કર્સ યુનિયન અને એન.એ.પી.એમ. (કર્ણાટક); આનંદ મઝ્ગઓંકર, કૃષ્ણકાંત, સ્વાતિ દેસાઈ, પર્યાવરણ સુરક્ષા સમિતિ અને એન.એ.પી.એમ. (ગુજરાત); કામાયની સ્વામી અને આશિષ રંજન, જન જાગરણ શક્તિ સંગઠન અને એન.એ.પી.એમ. (બિહાર); મહેન્દ્ર યાદવ, કોસી નવનિર્માણ મંચ અને એન.એ.પી.એમ. (બિહાર); સિસ્ટર ડોરોથી, ઉજ્જવલ ચૌબે એન.એ.પી.એમ. (બિહાર); દયામની બારલા, આદિવાસી મૂળનિવાસી અસ્તિત્ત્વ રક્ષા સમિતિ અને એન.એ.પી.એમ.; બસંત હેતમસરિયા, અશોક વર્મા (ઝારખંડ); ભૂપેન્દ્ર સિંહ રાવત, જન સંઘર્ષ વાહિની અને એન.એ.પી.એમ. (દિલ્હી); રાજેન્દ્ર રવિ, મધુરેશ કુમાર, અમિત કુમાર, હિમશી સિંહ, ઉમા, એન.એ.પી.એમ. (દિલ્હી); નાન્હૂ પ્રસાદ, નેશનલ સાઈકિલિસ્ટ યુનિયન અને એન.એ.પી.એમ .(દિલ્હી); ફૈઝલ ખાન, ખુદાઈ ખિદમતગાર અને એન.એ.પી.એમ. (હરિયાણા); જે.એસ. વાલિયા, એન.એ.પી.એમ. (હરિયાણા); કૈલાશ મીના, એન.એ.પી.એમ. (રાજસ્થાન); સમર બાગચી અને અમિતાવ મિત્રા, એન.એ.પી.એમ. (પશ્ચિમ બંગાળ); સુનિતિ એસ.આર., સુહાસ કોલ્હેકર, અને પ્રસાદ બાગવે, એન.એ.પી.એમ. (મહારાષ્ટ્ર); ગૌતમ બંદોપાધ્યાય, એન.એ.પી.એમ. (છત્તીસગઢ); અંજલી ભારદ્વાજ, નેશનલ કેમ્પેઈન ફોર પીપલ્સ રાઈટ ટૂ ઇન્ફોર્મેશન અને એન.એ.પી.એમ.; કલાદાસ ડહરિયા, રેલા અને એન.એ.પી.એમ. (છતીસગઢ); બિલાલ ખાન, ઘર બચાઓ ઘર બનાઓ આંદોલન અને એન.એ.પી.એમ.

રાષ્ટ્રીય કાર્યાલય : 6/6, જંગપુરા બી, નવી દિલ્હી – ૧૧૦ ૦૧૪

ફોન : 01124374535 | 9971058735

ઈ-મેઈલ : napmindia@gmail.com | વેબ : www.napm-india.org

Loading

ખૂટતી કડી

પન્ના નાયક|Opinion - Short Stories|12 June 2018

કલ્પનાએ નીતિનભાઈ સાથે સાન્તાક્રુઝમાં ફોન પર વાત કરી ત્યારે બીજી વાતોમાં એમણે એમ પણ કહેલું કે એમની નીચે રહેતાં લીલાબહેન સાન્તાક્રુઝમાં પડી ગયાં હતાં અને તબિયત બહુ ખરાબ થઈ જવાથી લીલાબહેનની દીકરી કોકિલા આવીને એમને પાછી અમેરિકા લઈ ગઈ છે.

કલ્પના ફિલાડેફિયા રહે. મુંબઈ જાય ત્યારે એના મિત્ર નીતિનભાઈ અને શારદાબહેનને મળવા સાન્તાક્રુઝ અચૂક જાય. લીલાબહેન અને લાલજીભાઈ એમની નીચે રહે. કલ્પના એમને પણ મળે. લાલજીભાઈ ગુજરી ગયા પછી કોકિલા લીલાબહેનને એને ઘેર ન્યૂ હેવન, કનેટીકટ લઈ આવી. આ વાતને પચ્ચીસ જેટલાં વરસ થઈ ગયાં. દરમિયાન, વરસે બે વરસે લીલાબહેન મુંબઈ જાય અને એમના સાન્તાક્રુઝના ફ્લેટમાં રહે. સગાંવહાલાં અને મિત્રોને મળીને પાછાં આવે.

લીલાબહેન એમના જમાનાનાં લેખિકા હતાં. બે વારતાસંગ્રહો પણ પ્રસિદ્ધ કરેલાં. કલ્પનાને પણ સાહિત્યમાં રસ એટલે બન્ને પુસ્તકો એમણે કલ્પનાને આપેલાં.

પચ્ચીસ વરસ દરમિયાન એકાદ બે વાર લીલાબહેનને મળવાનું થયેલું. પણ એમના સમાચાર અવારનવાર મળતા રહે.

ઓક્ટોબર ૨૦૦૮માં કલ્પનાને યેલ યુનિવર્સિટી તરફથી સાઉથ એશિયન કોન્ફરન્સમાં ભાગ લેવાનું નિમંત્રણ મળ્યું. ઓક્ટોબર મહિનો એટલે અમેરિકાના ઉત્તરપૂર્વ પ્રાંતોમાં પાનખર સોળે કળાએ ખીલી ઊઠી હોય. ગાઢી વનરાજી વૃક્ષોનાં પાંદડાં ખરી જતાં પહેલાં પીળાં, રાતાં, કેસરી, અને ભૂખરા રંગો ધારણ કરે. દૂરથી લાગે કે વનમાં જાણે દવ લાગ્યો છે. પાનખરમાં વૃક્ષોની આવી જાહોજલાલી હોઈ શકે એ તો જેણે માણી હોય એને જ ખ્યાલ આવે. લોકો દેશ પરદેશથી જોવા આવે.

કલ્પનાએ નિમંત્રણ સ્વીકાર્યું. એને થયું કે કોન્ફરન્સમાં ભાગ લેવાશે, પાનખર માણવા મળશે, અને શક્ય હશે તો લીલાબહેનને પણ મળાશે.  કલ્પનાએ કોકિલાને ફોન કરીને એ મળવા આવી શકે કે કેમ એ પૂછયું.

“બા ઘેર જ છે. ગમે ત્યારે આવોને. બાને ખૂબ ગમશે. હું કામ પરથી પાંચ વાગ્યે આવીશ. નર્સ ઘરે હશે.” કોકિલાએ કહ્યું.

કલ્પના કોન્ફરન્સ પતાવી લીલાબહેનને મળવા ગઈ. બપોરના ત્રણેક વાગ્યા હશે. કલ્પનાએ બેલ મારી. નર્સે બારણું ખોલ્યું.

“આઈ એમ કલ્પના. આઈ હેવ કમ ટુ સી લીલાબહેન.”

“કમ ઈન. બા ઇઝ અપસ્ટેર્સ.” કલ્પના એની પાછળ પાછળ ઉપર ગઈ.

કલ્પનાએ અનુમાન કર્યું કે લીલાબહેન ખાટલા પર સૂતાં છે. રજાઈના આકાર પરથી લાગે કે રજાઈ જ આડીઅવળી પડી છે ને એની નીચે કોઈ નથી. નર્સે ઈશારાથી કલ્પનાને સામેના ખાટલા પર બેસવા કહ્યું.

થોડી વાર પછી લીલાબહેન જાગ્યાં.

“નર્સ!” લીલાબહેને બૂમ પાડી.

“નર્સ!” લીલાબહેને ફરીથી બૂમ પાડી.

“યસ, બા.”

“વોટ ટાઈમ ઈઝ ઈટ?”

“અરાઉન્ડ થ્રી.” બપોરની ટીવી સીરિયલમાંથી નજર ખસેડી નર્સ બોલી.

“આઈ વોન્ટ ટુ ગો પીપી.”

“ઓકે.” નર્સે કહ્યું.

નર્સ કમોડવાળી ખુરશી લાવી. કલ્પના ઊઠીને રૂમની બહાર ગઈ. ખાટલા પરથી ઊઠતાં ઊઠતાં લીલાબહેને જોયું કે કલ્પના સામેના ખાટલા પર બેઠી હતી. પાંચેક મિનિટ પછી કલ્પનાએ ડોકિયું કર્યું તો જોયું કે લીલાબહેન વાળ ઓળાવતાં હતાં. નર્સે એમની સાવ પાતળી ગૂંથેલી લટ છોડી. વાળમાંથી ગૂંચ કાઢી. નાની અંબોડી વાળી. લીલાબહેને આંગળી ચીંધી ચાંલ્લો માંગ્યો. જમણા હાથની આંગળી નાક પર મૂકી કપાળ સુધી લઈ ગયાં અને બરાબર કપાળની વચ્ચે ચાંલ્લો ચોંટાડયો.

કલ્પના બારણા પાસે ઊભી હતી.

“કોણ?” લીલાબહેને પૂછ્યું.

“કલ્પના. કલ્પના પારેખ. ફિલાડેફિયાથી આવી છું.”

“કલ્પના, અંદર આવ. ખાટલા પર બેસ. આમ બારણા પાસે શું ઊભી છે?”

કલ્પના એમની સામેના ખાટલા પર બેઠી.

“તું મુંબઈથી આવી?

“ના, હું ફિલાડેફિયા રહું છું. યાદ છે તમે એક વાર કોકિલા સાથે મારે ઘેર આવેલાં?”

“એમ?  મને કેમ યાદ નથી?” લીલાબહેને કહ્યું.

“બા, બહુ વરસ થયાં ને? અમે ય કેટલું ભૂલી જઈએ છીએ.” કલ્પનાને પણ લીલાબહેન માટે બાનું સંબોધન વધુ ગમ્યું.

“નર્સ!” લીલાબહેને બૂમ પાડી.

“નર્સ!” લીલાબહેને ફરીથી બૂમ પાડી.

“યસ, બા.”

“વોટ ટાઈમ ઈઝ ઈટ?”

“થ્રી ટવેન્ટી.” નર્સે કહ્યું.

“ઈટ ઈઝ થ્રી ટવેન્ટી એન્ડ નો લન્ચ?”

“બા, યુ હેડ લન્ચ.”

“કલ્પના, મેં લન્ચ ખાધું હોય તો મને યાદ ન રહે? આ નર્સ આખો દિવસ ટીવી જ જોયા કરે છે ને મ્યુિઝક પર નાચ્યા કરે છે. શી થીન્કસ શી ઈઝ અ ગૂડ ડાન્સર! બટ નર્સ, યુ આર નોટ અ ગૂડ ડાન્સર!”

“ઓકે. બા ..”

“ડોન્ટ વોચ ટીવી. ગેટ મી લન્ચ.”

“ઓકે, બા.”

“કલ્પના, યાદ છે આપણે ત્યાં ઉમાશંકર અને મનસુખલાલ ઝવેરી આવતા’તા?”

“હા, હું એમને તમારે ત્યાં જ મળી છું.”

“એક વાર સુંદરમ્‌ની ટ્રેન મોડી થયેલી તે છેક રાતે બાર વાગ્યે અમારે ત્યાં આવ્યા. મેં એમને ગરમ ગરમ ભાખરી શાક જમાડયા’તા.”

“હં.”

“નર્સ, વ્હેર આર યુ? વોટ અબાઉટ માઈ શાવર? માઈ લન્ચ?”

“બા, યુ હેડ શાવર એન્ડ યુ હેડ લન્ચ.”

આ નર્સ સાવ નકામી છે. એના કરતાં તો મારું અંગ્રેજી સારું છે. સાવ ડોબી છે ડોબી. લીલાબહેન બોલ્યાં.

“બા, એ નાની છે. વળી અમેરિકાની નથી લાગતી.” કલ્પનાએ કહ્યું.

“નર્સ, વ્હેર આર યુ ફ્રોમ?” કલ્પનાએ પૂછયું.

“ડોમિનિકન રિપબ્લિક.”

“બા, એ અહીંની નથી એટલે સારું અંગ્રેજી નથી આવડતું.”

“કલ્પના, મારી ઉંમર કેટલી છે ખબર છે?”

“આશરે …..” કલ્પના બોલે આગળ, એ પહેલાં જ લીલાબહેન બોલ્યાં, “અરે, પૂરાં બાણું થયાં. જે, ટેબલ પર મારો ફોટો છે.”

ટેબલ પર લીલાબહેનનો ભર યુવાનીનો ફોટો હતો. સુંદર નમણો ચહેરો. ભાવ નીતરતી આંખો. સરસ ઓેળેલા વાળ.

ઉમાશંકર આવ્યા ત્યારે લાલજીએ પાડેલો.

“ક્યાં છે ઉમાશંકર હમણાં? હજી અમદાવાદના બંગલામાં જ રહે છે? ‘સેતુ’ એમના બંગલાનું નામ, નહીં?”

“હા, બંગલાનું નામ તો ‘સેતુ’ જ પણ ઉમાશંકર તો ગુજરી ગયા છે. ખાસ્સો વખત થયો.”

“તો મને કેમ ખબર નથી? કોકિલાએ કેમ કહ્યું નહીં? એક વાર સાન્તાક્રુઝના ઘરે આવેલા ત્યારે એમણે એમનો ગંગોત્રી મને ભેટ આપેલો. મને કહે કે …..”

“શું?”

“કલ્પના, મારું નામ શું?”

“લીલાબહેન.”

“હા, લીલા. જોને, મારું જ નામ ભૂલી જાઉં છું. એમણે કહેલું કે લે, લીલા આ ગંગોત્રી તારે માટે. હસ્તાક્ષર કરીને આપેલો. હું તો ખુશ ખુશ. તેં વાંચ્યો છે?”

“હા, પણ બધાં કાવ્યો યાદ નથી.” કલ્પના બોલી.

“એની અર્પણપંક્તિ યાદ છે?”

“ના”.

“કંઈ પ્રવાસી, પ્રવાસી જેવું હતું.”

“તમારી પાસે પુસ્તક હોય તો જોઈ આપું.” કલ્પના બોલી.

“નર્સ!” લીલાબહેને બૂમ પાડી.

“યસ, બા?”

“નો શાવર, નો લન્ચ? કલ્પના, આ ડોબીને સમજાવને કે હું સવારની ભૂખી છું.”

“બા, ચ્હા-નાસ્તો લેશો?” કલ્પનાએ પૂછયું

“અરે, પહેલાં લન્ચનું તો કરો. કોકિલા ક્યાં છે?”

“આવતી જ હશે.”

“તું કાકાસાહેબને મળી છે?”

“ના, દૂરથી જોયા છે.”

“અને મેઘાણીને? અમે તો એમને મુંબઈના કોન્વોકેશન હોલમાં સાંભળવા જઈએ. શું બુલંદ એમનો અવાજ! કવિતા બોલે ત્યારે અમારી આંખમાંથી તો ટપટપ આંસુ પડે!”

“બા, તમને કેટલું બધું યાદ છે અને તે ય અમેરિકામાં!”

“મને બાણું થયાં. નર્સ, આઇ વોન્ટ ટુ ગો પીપી”.

“બા, યુ જસ્ટ ડિડ.” નર્સ બોલી.

“કલ્પના, પ્રવાસી પછીના કયા શબ્દો?”

“મને ચોક્કસ યાદ નથી.” કલ્પના શરમની મારી બોલી.

“વિલેપાર્લામાં સપ્તર્ષિ હતા.”

“સપ્તર્ષિ?”

“જો, હું ગણાવું. અમૃતલાલ યાજ્ઞિક, ગુલાબદાસ બ્રોકર, મનસુખલાલ ઝવેરી, સુંદરજી બેટાઈ, રામપ્રસાદ બક્ષી, હરિવલ્લભ ભાયાણી, અને કરસનદાસ માણેક. વિલેપાર્લામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું ત્યારે હું બધાંને મળેલી. કલ્પના, મારા જમાઈનું નામ શું?”

“બા, સપ્તર્ષિ યાદ છે ને તમારા જમાઈનું નામ જ ભૂલી ગયા?”

“અરે, મારું નામ જ ભૂલી જાઉં છું. જોજે, તું પણ એક દિવસ ….”

“તમારા જમાઈનું નામ ગૌરાંગ.”

“એ ક્યારે આવશે?”

“સાંજે.”

“અત્યારે કેટલા વાગ્યા?”

“ચાર.”

“હું ક્યાં છું?”

“ન્યૂ હેવનમાં, કોકિલાને ત્યાં.”

“તું કોણ?”

“કલ્પના.”

“કલ્પના કોણ?”

“કલ્પના પારેખ. આપણે નીતિનભાઈને ત્યાં સાન્તાક્રુઝમાં મળેલાં. તમે મારે ત્યાં ફિલાડેફિયા પણ આવી ગયાં છો.”

“રામપ્રસાદ બક્ષી શું કરે છે? હજી સંસ્કૃત ભણાવે છે? ને પેલા સદાય હસતા હરિવલ્લભ ભાયાણી? ઉમાશંકરનું “સંસ્કૃિત” હજી જીવે છે? બિચારા ગાંઠનું ગોપીચંદન કરતા’તા! કોકિલા તો સંસ્કૃિત મંગાવતી જ નથી.

“બા, રામપ્રસાદ, ભાયાણીસાહેબ, અને ઉમાશંકર કોઈ હયાત નથી.”

“મને કેમ ખબર નથી?”

“તમે ભૂલી ગયા છો.”

“તું કલ્પના કે કોકિલા?”

“કલ્પના.”

“મને યાદ આવ્યું ….!”

“શું, બા?”

“પેલી અર્પણપંક્તિ. પ્રવાસી, તેં જગવી સિંધુરટણા. પણ વચ્ચેના શબ્દો ……”

“બા, હું તમને જોઈ આપીશ.”

“આપણાથી સીધું ઉમાશંકરને પૂછાય?”

“બા, એ હવે નથી.” કલ્પના બોલી.

“નર્સ …! નર્સ …!”

“યસ, બા?”

“ડોન્ટ વોચ ટીવી. ડોન્ટ ડાન્સ. યુ આર નોટ અ ગૂડ ડાન્સર …!”

“ઓકે, બા.”

“કલ્પના, પેલો ફોટો ….”

“લો ..”

“ઉમાશંકર આવ્યા ત્યારે લાલજીએ પાડેલો. જે, હું બાણુંની છું પણ એવી જ લાગું છુંને? મારા વાળ, વાળમાં ફૂલ, લાલચટ્ટક ચાંલ્લો, જામનગરની બાંધણી ….!’

“બા, તમે હજી એટલાં જ રૂપાળાં છો.”

“કલ્પના, કોકિલાને કહેને કે  બપોર થઈ ગઈ. લન્ચ ક્યારે બનાવશે?”

“તમને નાસ્તો આપું?”

“ના, મારે સૂઈ જવું છે.”

“બા, હું નીકળું. મારે હજી બોસ્ટન જવું છે.”

કલ્પનાએ કોકિલાને ફોન કરીને કહ્યું કે એ જાય છે. બોસ્ટનથી પાછાં ફરતાં કદાચ આવશે. એ નીચે ઊતરી. નર્સે દરવાજો બંધ કર્યો. કલ્પનાએ ગાડી અનલોક કરી.

પર્સ પેસેન્જર સીટ પર મૂકી. ડ્રાઈવર સીટ પર બેસી સીટબેલ્ટ બાંધ્યો. ગાડી સ્ટાર્ટ કરવા જતી હતી ત્યાં જ નર્સ દોડીને આવી.

“બા વોન્ટસ યુ.”

કલ્પનાને થયું બાને કંઈ થઈ ગયું. એ દોડીને ઉપર ગઈ.

બા પથારીમાં સૂતાં સૂતાં બારણા સામે જોતાં હતાં. એમણે કલ્પનાને જોઈ.

“કલ્પના, યાદ આવી ગઈ.”

“શું?”

“અર્પણપંક્તિ. “અજાણ્યું વહી આવ્યું ગભરુ ઝરણું કો તવ પદે
             પ્રવાસી, તેં એને હૃદય જગવી સિંધુરટણા!”

કલ્પના વોઝ સ્પીચલેસ. એ બારણામાં જ સ્થિર થઈ ગઈ. નીચે બારણું અનલોક થવાનો અવાજ આવ્યો. કોકિલા હળવે પગલે દાદર ચડી બાના રૂમમાં આવી.

“આવ, આવ, કલ્પના. કોકિલાએ કહેલું કે તું આવવાની છે. કેમ, આટલી મોડી આવી? મેં તો આખી બપોર કોકિલા સાથે વાતો કરી. ભગવાન જાણે શુંનું શું બોલી ગઈ હોઈશ. તું ક્યાંથી આવી? મુંબઈથી? મેં લન્ચ નથી ખાધો. તું ખાઈશને મારી સાથે? નર્સ.. વ્હેર આર યુ? નર્સ ……!”

સૌજન્ય : https://davdanuangnu.wordpress.com/2018/06/10/પન્ના-નાયકની-વાર્તા-૨-ખૂ/

Loading

ભારતે હવે ચીન સાથે ઔપચારિક શિખર પરિષદ માટે તૈયારી કરવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|11 June 2018

વડા પ્રધાન શાંઘાઈ કોઓપરેશ ઓર્ગેનાઈઝેશનની પરિષદમાં ભાગ લેવા બીજિંગ ગયા હતા જ્યાં તેમને ચીનના પ્રમુખ શી જિંગપીંગને મળવાનું બન્યું હતું. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછીનું તેમનું આ ૧૪મું મિલન હતું અને હજુ એક મુલાકાત આવતા વર્ષે યોજાવાની છે. વડા પ્રધાને શી જિંગપીંગને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે અને તેનો તેમણે સ્વીકાર કર્યો છે. એની વચ્ચે પણ કદાચ એકાદ મિલન યોજાઈ શકે છે. આ પહેલાં ચીન અને ભારતના વડાઓ ચાર વરસમાં ૧૪ વાર મળ્યા હોય એવું બન્યું નથી. આનું કારણ છે જાગતિક અને પ્રાદેશિક પ્રવાહી રાજકીય સ્થિતિ જેમાં ભારત અને ચીન કિટ્ટા કરીને એકબીજાનો હાથ છોડવા  માગતા નથી અને નિશંક થઈને એકબીજાનો હાથ પકડવા પણ માગતા નથી.

જે ૧૪ વાર મળવાનું બન્યું છે એમાંથી ૧૧ વખત અલગ અલગ જગ્યાએ કોઈ પરિષદોમાં કે બેઠકોમાં સાઈડ લાઈનમાં મળવાનું બન્યું છે. સાઈડ લાઈનમાં યોજાતી બેઠકો આવ્યા છે તો બે વાત કરી લઈએ એ પ્રકારની સાવ અમસ્તી નથી હોતી. એમાં પણ એજન્ડા હોય છે અને તેનું પણ મહત્ત્વ હોય છે. છેલ્લાં ચાર વરસોમાં ભારત અને ચીન વચ્ચે ત્રણ અનૌપચારિક શિખર પરિષદ મળી છે અને ચોથી આવતા વરસે ભારતમાં મળવાની છે. અનૌપચારિક શિખર પરિષદ સાધારણપણે રાજધાનીના શહેરમાં યોજાતી નથી અને તેમાં સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવતું નથી સિવાય કે બે દેશોને તેની જરૂર વર્તાય. બન્ને દેશો પોતપોતાના અલગ નિવેદનો બહાર પાડે છે.

આવી અનૌપચારિક શિખર પરિષદમાં ફાયદા અને ગેરફાયદા બન્ને છે. ફાયદા એ છે કે તેમાં આહિસ્તા આહિસ્તા ડગલાં ભરવાની અનુકૂળતા હોય છે, ટુકડે ટુકડે સંબંધોનો સેતુ રચાય છે, પોતપોતાના દેશની પ્રજાને અને રાજનૈતિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિવેદનો બહાર પાડવામાં આવે છે અને પોતાના તેમ જ સામેના દેશના નિવેદનોના અર્થઘટન કરી શકાય છે. ગેરફાયદા એ છે કે તમે જે સમજૂતીના પતંગ ચગાવો એ સામેવાળા દેશને માન્ય હોય એ જરૂરી નથી. અડધે રસ્તે એમ લાગે કે રસ્તો બદલવો છે તો વેગળું અર્થઘટન કરીને કોઈ એક પક્ષ રસ્તો બદલી શકે છે. એમાં ચુસ્ત અર્થઘટનો અને શાશ્વતીનો અભાવ હોય છે.

આ દૃષ્ટિએ ઔપચારિક શિખર પરિષદ વધારે ફળદાયી હોય છે, કારણ કે તે વધારે અસંદિગ્ધ હોય છે. અનેક ગળણે ગાળીને સમજૂતીઓ થતી હોય છે, શરતો નક્કી થતી હોય છે, પાદટીપમાં ખુલાસાઓ અને સ્પષ્ટતાઓ મુકવામાં આવતી હોય છે અને બન્ને દેશો સંયુક્ત નિવેદન બહાર પાડતા હોય છે. આવી ઔપચારિક શિખર પરિષદો ખૂબ તૈયારીના અંતે યોજાતી હોય છે. ૧૯૮૦ના દાયકામાં ભારતના એ સમયના વિદેશ પ્રધાન પી.વી. નરસિંહ રાવે ભારત અને ચીન વચ્ચે ઔપચારિક શિખર પરિષદ માટે અનુકૂળ ભૂમિકા બનાવી હતી. ૧૯૬૨ના યુદ્ધ પછી પહેલીવાર બીજીંગમાં ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધી અને ચીનના નેતા દેંગ ઝિયાઓપીંગ વચ્ચે ઔપચારિક શિખર પરિષદ યોજાઈ હતી જે ઐતિહાસિક નીવડી હતી. સરહદનો પ્રશ્ન પેચીદો છે એટલે તેને ઉકેલાતા સમય લાગશે, પરંતુ એ દરમ્યાન વાણિજ્ય જેવા બીજા મોરચે આગળ વધવામાં આવે એવી સમજૂતી એ શિખર પરિષદનું પરિણામ હતું અને અત્યાર સુધી એ ફળદાયી નીવડ્યું હતું.

ઔપચારિક શિખર પરિષદમાં ગેરફાયદો એ છે કે તે કેટલીકવાર નિષ્ફળ પણ નીવડતી હોય છે, જે રીતે વાજપેયી અને મુશર્રફ વચ્ચેની શિખર પરિષદ નિષ્ફળ નીવડી હતી. વાસ્તવમાં તે નિષ્ફળ નીવડી એનું કારણ ઉતાવળ હતું. જરૂરી હોમ વર્ક કર્યા વિના ઔપચારિક શિખર પરિષદો યોજાતી નથી અને બે દેશના શાસક મળે એ પહેલાં સમજૂતીની ભૂમિકા બની ગઈ હોય તો એ નિષ્ફળ નીવડતી નથી.

ચીન સાથે અનૌપચારિક શિખર પરિષદનો આગ્રહ ભારતનો છે અને ચીનને તેની સામે વાંધો નથી. આગળ કહ્યું એમ કારણ બહુ સ્પષ્ટ છે. જાગતિક અને પ્રાદેશિક રાજકીય સ્થિતિ પ્રવાહી છે જેમાં કોઈ દેશ લાંબા ગાળા માટે બંધાવા માંગતો નથી અને હસ્તધૂનન થઈ શકે એટલી હાથની લંબાઈથી દૂર જવા પણ દેતો નથી. મળતા રહીશું, વાતચીત કરતા રહીશું, એકબીજાને સમજવાની કોશિશ કરતા કરીશું, એકબીજાની જરૂરિયાત સમજાવતા રહીશું, સહયોગની ભૂમિકા શોધતા રહીશું, ડર અને પૂર્વગ્રહ દૂર કરતા રહીશું અને એ સાથે જ જો ફરી જવું હોય તો ફરી જવા માટેનાં છીંડાં પણ રાખતા જઈશું. આ છે અનૌપચારિક શિખર પરિષદનું સ્વરૂપ.

ચીનને ભારતની બે વાતે ગરજ છે. એક છે ભારતનું વિશાળ માર્કેટ જ્યાં ચીન અબજો ડોલરનો વેપાર કરી શકે. ચીન સાથેના આયાત-નિર્યાતમાં ભારત ચીન કરતાં ક્યાં ય પાછળ છે. ચીન માટે ભારત અક્ષરસઃ ડંપીંગ ગ્રાઉન્ડ છે અને ભારત ચીનનો મુકાબલો કરી શકતું નથી તેનો ચીન લાભ લેવા માંગે છે. બીજી ગરજ છે ભારત અમેરિકા-જપાનની ચીન વિરોધી ધરીમાં ન જોડાય એની. ચીનને ભારતનો કોઈ ખતરો નથી, સિવાય કે ભારત પોતાની ભૂમિ ચીનને અને જપાનને ઉપયોગ કરવા આપે. આવી શક્યતા નહીંવત્ છે, પરંતુ ચીન જોખમ લેવા માગતું નથી. ચીન સતત ભારતને સમજાવવાની કોશિશ કરે છે કે ભારત ચીનનો પાડોશી દેશ છે એ જોતા ચીન સાથે મધુર સંબંધ જાળવી રાખવામાં ભારતનું હિત છે. ચીન ભારતને એ વાતનો સધિયારો પણ સતત આપી રહ્યું છે કે વન બેલ્ટ યોજના વિસ્તારવાદી નથી અને ભારતે તેમાં જોડાવું જોઈએ. ચીન ભારતને બન્ને દેશોની પ્રાચીન સંસ્કૃિતની યાદ અપાવતું રહે છે. ભારતમાં થયેલા ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મનો ચીન પર સાંસ્કૃિતક પ્રભાવ છે એ કહેવું અને સાંભળવું ભારતીયોને ગમે છે એટલે ચીન તેની પણ માળા જપે છે.

આ બાજુ ભારત ભયભીત છે એટલે કયો માર્ગ અપનાવવો એ ભારત નક્કી નથી કરી શકતું. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી પહેલાં બે વરસ ચીનની સામે મોરચાબંધી કરીને ચીનને ઘેરવાની કોશિશ કરી હતી. ગયા વર્ષે ચીને ભૂતાનના ડોકલામમાં કબજો જમાવીને બતાવી આપ્યું કે ભારત ચીન સામે જે રસ્તો અપનાવી રહ્યું છે એ જોખમી છે. ડોકલામ પછીથી ભારતે નરમ માર્ગ અપનાવવાનું શરૂ કર્યું છે. આ સિવાય ચીને તેના લશ્કરી બજેટમાં આ વરસે સીધો આઠ ટકાનો વધારો કર્યો છે. આ સ્થિતિમાં ભારતે ચીનને ઘેરવાની નીતિ છોડી દેવી પડી છે. ગયા એપ્રિલ મહિનામાં ચીનના વુહાન નામના શહેરમાં યોજાયેલી ત્રીજી અનૌપચારિક શિખર પરિષદમાં સો જેટલા વિષયો શોધી કાઢવામાં આવ્યા હતા, જ્યાં સહયોગ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. બ્રહ્મપુત્રા નદીની જળ વિષયક માહિતી ભારતને આપવામાં આવશે અને ચીન ભારત પાસેથી ચોખા ખરીદશે એ સમજૂતી વુહાન સમજૂતીનું પરિણામ છે.

ભારતે હવે એક ડઝન સાઈડ લાઈન મુલાકાતો અને આવતા વરસની અનૌપચારિક શિખર પરિષદ સહિતની ચાર અનૌપચારિક શિખર પરિષદ પછી ઔપચારિક શિખર પરિષદ માટે તૈયારી કરવી જોઈએ. સરકાર ગમે તે પક્ષની કે મોરચાની હોય, ૨૦૨૦ કે ૨૦૨૧માં ભારત અને ચીન વચ્ચે ઔપચારિક શિખર પરિષદ યોજવી જોઈએ. છેલ્લી શિખર પરિષદ ૧૯૮૮માં થઈ હતી. ત્રણ દાયકા એ ઘણો લાંબો સમય છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 11 જૂન 2018

Loading

...102030...3,1193,1203,1213,122...3,1303,1403,150...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved