Opinion Magazine
Number of visits: 9581813
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમારા ગિજુભાઈ

ધીરુબહેન પટેલ|Opinion - Opinion|28 April 2018

૧૯૨૦થી ૧૯૩૦ના અરસામાં જેમનું બાળપણ વીત્યું હશે તેવા કોઈ પણ ગુજરાતીને માટે ગિજુભાઈનું નામ અજાણ્યું હોય જ નહીં. લગભગ એ સમયે જ ગિજુભાઈની બાળવાર્તાઓની નાની નાની પુસ્તિકાઓ શ્રેણીસ્વરૂપે પ્રસિદ્ધ થતી હતી અને લખતાંવાંચતાં શીખેલાં બાળકો પર એની મોહિની એવી છવાઈ ગઈ હતી કે ગિજુભાઈએ રજૂ કરેલાં પાત્રો એમને જીવતાંજાગતાં મિત્રો જ લાગતાં. એમાં આવતાં જોડકણાં મોંએ થઈ જતાં અને વાર્તાઓ તો એક એવા નિરાળા દેશમાં લઈ જતી કે જ્યાં માબાપનો ઉપદેશ અને શિક્ષકોની શિસ્તનો વાયરોયે ન વાય.

આમ જોવા જઈએ તો વળા(ચિત્તળ, જિ. અમરેલી)માં ૧૫ નવેમ્બર, ૧૮૮૫માં જન્મેલા ગિરજાશંકર ભગવાનજી બધેકા શાલેય શિક્ષણ પતાવીને ભાવનગરની શામળદાસ કોલેજમાં ગયા પણ ડિગ્રી મળે એની રાહ જોયા વગર કમાણી કરવા આફ્રિકા ગયા, પરંતુ વતનનો સાદ એવો પ્રબળ કે પાછા મુંબઈમાં આવીને વકીલ થયા. વઢવાણમાં વકીલાત પણ કરવા માંડી પરંતુ વિધિના લેખ જુદા હતા. વસોના સુપ્રસિદ્ધ કેળવણીકાર મોતીભાઈ અમીનના સંપર્કમાં તેઓ આવ્યા અને એમની પાસેથી મેડમ મારિયા મોન્ટેસોરીનાં પુસ્તકો મળ્યાં તે વાંચીને એમની જીવનનૌકાને સાચી દિશા સાંપડી.

બાળકોને ઓળખવાં, તેમને માટે યોગ્ય કેળવણી શોધવી અને તે માટેની સંસ્થાઓ ઊભી કરવી એ એમના રસનો વિષય બન્યો. પછી તો કુદરતી રીતે જ સાહિત્ય તરફ વળ્યા અને પુસ્તકો દ્વારા માત્ર પ્રત્યક્ષ સંપર્કમાં આવનાર બાળકો જ નહીં પણ જ્યાં જ્યાં ગુજરાતી વંચાતું કે બોલાતું હોય તેવાં તમામ સ્થળોમાં બાળકોના માનીતા અને વહાલસોયા મિત્ર બની ગયા.

તેઓ જ્યારે કોઈક પ્રસંગે સાન્તાક્રૂઝ આવ્યા ત્યારે મેં એમને પહેલી વાર જોયા હતા. લાંબી, હોઠની બે બાજુ જરા ઢળતી મૂછો, ગોરો વાન અને ચશ્માંના કાચ પાછળથી દેખાતી એમની સ્નેહભીની આંખો. જોતાંવેંત એક નૈસર્ગિક આત્મીયતા બંધાઈ જાય. ઓહો ! આ તો આપણા ગિજુભાઈ ! એમની બાળવાર્તાઓ એટલે આપણો આગવો ખજાનો !

વળી નસીબજોગે મેં એક વાચનખોર બાળક તરીકે ઠીક ઠીક નામ મેળવેલું એટલે કોઈએ મને એમની સમક્ષ ધરી. બે સમોવડિયા વચ્ચે જામે એવી સરસ ગોષ્ઠી મંડાઈ. એ જેટલા પ્રશ્નો પૂછે તેના હું ફટાફટ જવાબ આપું અને એ માથું હલાવે – ક્યારેક વિરોધ કરે, ક્યારેક સંમતિ દર્શાવે. આ અત્યંત આનંદજનક પ્રસંગે મેં એકાએક એમને કહ્યું, ‘પણ ગિજુભાઈ ! તમે તો સાવ કેવા છો !’

‘કેમ ? તને નથી ગમતો ?’

‘ગમો તો છો, પણ આવું કેવું કરો છો ?’

‘શું કરું છું ?’

‘બધી ચોપડીઓ કાળા ને કાળા અક્ષરમાં કેમ છાપો છો ?’

‘કાગળ તો સફેદ હોય છે ને બહેન, શાહી તો કાળી જ હોય !’

‘બીજા લોકો છો ને કાળી શાહીથી છાપે, તમે તો અમારા ગિજુભાઈ છો.’

‘એટલે મારે શું કરવું જોઈએ ?’

‘ઓહોહો, કેટલા બધા રંગો હોય છે આપણી પાસે ! તમે એવી ચોપડી છાપો ને, જેનું એક પાનું લાલ રંગમાં હોય, બીજું લીલામાં, ત્રીજું પીળામાં એમ જુદા જુદા રંગમાં કેમ નથી કરતા ?’

ગિજુભાઈ થોડી ક્ષણો મારી સામે જોઈ રહ્યા. પછી પૂછ્યું, ‘તને એવી ચોપડી વાંચવાની ગમે ?’

‘હા – બહુ જ ગમે.’

અમારો સંવાદ સાંભળનાર વડીલ શ્રોતાઓમાંથી કોઈએ મને ટપારી, ‘એ બેબી, ગિજુભાઈને આમ હેરાન ના કરાય. ખસ હવે. એમને બહુ કામ હોય.’

ઘરમાંથી સભ્ય વર્તન શેને કહેવાય એ તો જાણવા મળ્યું હતું એટલે હું તરત ખસી ગઈ અને જરાક શરમાઈ પણ ગઈ – તોયે ગિજુભાઈ મનમાંથી ખસ્યા નહોતા

અને જુઓ, કમાલની વાત ! બેએક મહિના પછી ટપાલમાં મારે માટે એક નાનકડું પુસ્તક આવ્યું. શીર્ષક હતું ‘વાઘોનું વન’ અને એનાં પૃષ્ઠ જુદા જુદા રંગની શાહીમાં છપાયેલાં હતાં !

એ હતી મારા ગિજુભાઈની ભેટ. આવડા મોટા બાળકેળવણીકાર, લેખક, અનેક સંસ્થાઓ અને યોજનાઓના ઘડવૈયા, રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા – એ.એસ. નીલની ‘રખડુટોળી’ પણ ગુજરાતી બાળકોને સુલભ કરી આપનાર અત્યંત વ્યસ્ત મહાનુભાવ એવા ગિજુભાઈએ એક નાનકડી છોકરીની ઘેલી ઈચ્છા યાદ રાખીને પૂરી કરી એ પ્રસંગ કંઈ જેવોતેવો ગણાય ?

મારા સદ્દભાગ્યનું એ સંભારણું – એનો રોમાંચ આજે પણ મને આનંદના મહાસાગરમાં લીન કરે છે.

સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018; પૃ. 18-19

Loading

મિ. ઇન્ડિયા

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|28 April 2018

‘બેટા, શું નામ છે તારું?’ સંતોષે લાગણીભર્યા, કોમળ અવાજે બગીચાની બેન્ચ પર એની સાથે બેઠેલા બાળકને પૂછ્યું.

‘તમારે મારું નામ જાણીને શું કામ છે? ને પહેલાં તમે તમારું નામ કહો તો હું તમને મારું નામ કહીશ.’ બાળકને જરાયે અજાણ્યું નહોતું લાગતું. સંતોષ હસી પડ્યો. પણ એણે જોયું કે એ સુન્દર, નાનકડા બાળકની આંખોમાં જાણે દુનિયાભરની ઉદાસી ઠલવાયેલી હતી. સાત–આઠ વર્ષના એ માસુમ બાળકના શરીર પર સફેદ શર્ટ અને વાદળી રંગની ચડ્ડીનો યુનિફોર્મ તો હતો; પણ એની પાસે સ્કૂલ–બેગ, પાણીની બોટલ કે લંચબૉક્સ કશું દેખાતું નહોતું. બાળક તરફ મિત્રતાનો હાથ લમ્બાવતાં એણે કહ્યું :

‘મારું નામ છે સન્તોષ અને હવે તારું નામ મને જાણવા મળશે?’

‘ગોપી.’

‘અત્યારે સાંજે ચાર–સાડાચાર વાગ્યે તું સ્કૂલને બદલે અહીં બગીચામાં કેમ છે?’

‘કેમ કે સ્કૂલમાં લઈ જવાની મારી બધી ચીજ–વસ્તુઓ ઘરમાં પડી છે અને ઘરને તાળું છે. કહો, હું સ્કૂલે કેવી રીતે જાઉં?’

એનો જવાબ સાંભળી સન્તોષને નવાઈ લાગી; પણ એની સાથે મૈત્રી કેળવવાના ઈરાદાથી એણે હસીને કહ્યું :

‘હું એક સાઈકિયાટ્રીસ્ટ છું. એટલે શું તે ખબર છે? જેમ ડૉક્ટર આપણા શરીરની માંદગીનો ઉપાય કરે, એમ અમે સાઈકિયાટ્રીસ્ટ મગજની બીમારીનો ઈલાજ કરીએ.’ ધીમે ધીમે એને વિશ્વાસમાં લેતાં સન્તોષે પૂછ્યું :

‘તારાં મમ્મી–પપ્પાનું નામ શું?’

ગોપીનો ચહેરો આ પ્રશ્ન સાંભળતાં જ ઝાંખો ધબ્બ થઈ ગયો. જાણે ખુલ્લા આકાશમાં અચાનક કાળું વાદળ ધસી આવ્યું ન હોય! કડવો ઘૂંટડો ગળે ઊતારતો હોય એવું મોં કરીને એણે કહ્યું : ‘જો એમ કહું તો નવાઈ ન પામશો કે મારા પપ્પા ‘અલ્શેિશયન’ છે અને મારી મમ્મી ‘પોમેરિયન’ છે.’

સન્તોષને આંચકો લાગ્યો. આ તે કેવી વાત? ગોપીને પોતાની નજીક વધુ ખેંચીને પ્રેમથી એના વાળમાં હાથ ફેરવતાં એણે કહ્યું,

‘ગોપી, સારાં છોકરાંઓ પોતાનાં મા–બાપને કૂતરાં કહે? આવું ન બોલાય, બેટા!’

ગોપીએ સન્તોષનો હાથ ઝટકાથી દૂર કર્યો અને રોષથી કહેવા લાગ્યો,

‘કેમ ન કહેવાય? એ બન્ને રોજેરોજ કૂતરાંની જેમ જ ઝઘડે છે. કૂતરાં એકબીજાં સામે ભસે, તેમ ભસે છે ને કૂતરાંની જેમ જ એકમેકને નખોરિયાં ભરે છે.’

આટલું બોલતાં તેની આંખમાં આંસુ ઉભરાયાં. વાત બદલવાના ઈરાદાથી સન્તોષે પૂછ્યું,

‘તેં સવારથી કશું ખાધું છે કે ભૂખ્યો જ છે?’

સવારે એક ગ્લાસ બોર્નવીટા પીધા પછી, અત્યારે પાંચ વાગ્યા સુધી એણે કંઈ ખાધું જ નથી એ જાણીને, સન્તોષે એને સામેની રેસ્ટોરાંમાં લઈ જઈને સેન્ડવીચ ખવડાવી અને કૉફી પીવડાવી. હવે ગોપીને એની પર ભરોસો બેઠો હોય એમ પોતાની મેળે જ કહેવા લાગ્યો,

‘આજે સવારે શું થયું, ખબર છે? હજી તો હું પથારીમાંથી ઊભો પણ નહોતો થયો, ત્યાં મને રસોડામાં કાચનાં વાસણો ફૂટવાનો અને મા–પાપા બન્નેનો જોરજોરથી ઝઘડવાનો અવાજ સંભળાવા લાગ્યો.

‘અલ્શેિશયન – સોરી, પાપા કહેતા હતા કે તારાથી થાય એ કરી લે. હું તો જેમ રહેતો આવ્યો છું, એમ જ રહીશ અને જેવું વર્તન કરું છું, એવું જ કરીશ.

‘પાપા આવું બોલ્યા, એટલે મા સખત ગુસ્સે થઈને હાથમાં સાણસી લઈને બહાર આવી અને ડાઇનિંગ ટેબલ પર સાણસી પછાડીને કહેવા લાગી, બસ, હવે મારાથી એક દિવસ પણ તારા જેવા બેકાર અને મુફલીસ માણસ સાથે રહેવાશે નહીં. આજે ને આજે મારું આ ઘર ખાલી કરીને જા.’

‘તમે રહો છો એ ઘર તારી મમ્મીનું છે?’

‘હા, આ ઘર મમ્મીને એના પિતાજી તરફથી લગ્નની ભેટ તરીકે મળ્યું છે.’ આટલું કહેતાં ગોપી ડૂસકાં ભરીને રડવા લાગ્યો.

એને આશ્વાસન આપતાં સન્તોષે કહ્યું, ‘ચિન્તા ન કર. બધું ઠીક થઈ જશે. પતિ–પત્ની વચ્ચે નાના–મોટા ઝઘડા તો દરેક ઘરમાં ચાલતા હોય છે.’

‘ના, મને ખબર છે. હવે કશું ઠીક નહીં થાય. આજે મા ઘરમાંથી નીકળતી વખતે બોલી હતી કે હું આજે જ વકીલ પાસે જવાની છું. મારે છૂટા .. કે એવું કંઈક જોઈએ છે. આ છૂટા .. એટલે શું, અંકલ?’

સન્તોષનું મન ભરાઈ આવ્યું. મા–બાપના ઝઘડામાં બાળકના કૂમળા મનની શી હાલત થાય છે તે જોવાની એમને પડી જ ન હોય? આંખો લૂંછીને ગોપી બોલ્યો,

‘ગુસ્સામાં ને ગુસ્સામાં પાપા એની કારમાં બેસી જતા રહ્યા અને બારણે તાળું મારીને મમ્મી એના સ્કુટર પર ચાલી ગઈ. મારું દફતર, પાણીની બૉટલ બધું જ ઘરમાં રહી ગયું; પણ કોને કહું? જતી વખતે બેમાંથી કોઈએ મારી સામે જોયું પણ નહીં. પછી હું ચાલતો ચાલતો અહીં આવીને બેઠો.’

એક મનોચિકિત્સક હોવા છતાં આ બાળકને અત્યારે શું કહેવું એ સન્તોષને સમજાયું નહીં. મુંઝાયેલા ગોપીએ ચિન્તાતુર અવાજે એને પૂછ્યું,

‘રાત સુધી પણ જો એ બન્ને ઘરે નહીં આવે તો હું ક્યાં જઈશ, અંકલ? જેમ જેમ અંધારું વધતું જાય છે એમ મને બહુ ડર લાગે છે.’

‘ડરવાની જરાયે જરુર નથી. તને હું મારે ઘરે લઈ જઈશ. ખબર છે? મારા ઘરે તારા જેવા આઠ દોસ્તો છે. હું પણ એક વખત તારી જેમ જ એકલો–અટુલો હતો. અનાથાશ્રમમાં મોટો થયેલો અને ભણેલો. ભણીગણીને કમાતા થયા પછી, આપણા જેવા ભાઈબન્ધો માટે એક નાનકડું ઘર લીધું છે. એમાં અમે બધા સાથે રહીએ છીએ અને મઝા કરીએ છીએ.’

આ સાંભળીને ગોપીને પોતે જોયેલી ફિલ્મ યાદ આવી ગઈ. એના ઉદાસ મુખ પર હાસ્ય પ્રગટ્યું અને એ બોલ્યો,

‘અચ્છા, તો તમે ‘મિસ્ટર ઇન્ડિયા’ છો?’ એને ગળે વળગાડતાં સન્તોષે કહ્યું,

‘હા, તેં મને બરાબર  ઓળખ્યો, દોસ્ત. હું સન્તોષ નહીં; પણ ‘મિ. ઇન્ડિયા’ છું.’

(‘ગિરિરાજ શરણ અગ્રવાલ’ની ‘હિન્દી’ વાર્તાને આધારે)

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર , વલસાડ– 396 001

ઈ–મેઈલ : avs_50@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ તેરમું – અંકઃ 399 –April 29, 2018

Loading

આસારામ સામે જોધપુરની એ વીરાંગનાની જીત એટલે હવસખોરી સામે મહિલાશક્તિનો સપાટો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|28 April 2018

પાખંડ સામે પર્દાફાશ, નફ્ફટાઈ સામે નિર્ધાર, સાંઠગાંઠ સામે સચ્ચાઈની લડતની પ્રેરક કથા…

એ વીરાંગનાએ એક મહિના સુધી, કુલ એકસો ચોસઠ સેશન્સમાં, અત્યાચારી આસારામની વિરુદ્ધ બયાન આપ્યું. શેતાનની હવસખોરીની વિગતો પુરુષો સહિતના તપાસ અધિકારીઓ સામે બોલવામાં એ યુવતી પર શું વીતી હશે, એની કલ્પના પુરુષકેન્દ્રી સમાજમાં ભાગ્યે જ થઈ શકે. સામે  આસારામનો આતંક તો હતો જ. બાવાના ગુંડાઓએ તેની સામેના ગવાહો પર હુમલા અને હત્યાની હારમાળા ચલાવી હતી. યુવતીના ઘરનાંને ધમકીઓ મળતી હતી. પિતા આર્થિક ભીંસમાં આવી ગયા હતા. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનાં સપનાં રોળાઈ રહ્યાં હતાં, ભાઈનું ભણતર છૂટી ગયું હતું. બહાર નીકળતાં ગાળો અને ગંદકી વેઠવાનાં આવતાં. પાંચ-પાંચ વર્ષ માટે પોતાનાં જ ઘરમાં નજરકેદ,તે પણ વિકાસશીલ ભારતના એક વર્ગે પોષેલા એક ભોરિંગના પાપે.

બળાત્કાર સામે ઝૂઝનારી આ (અને એવી બધી જ) યુવતીને પીડિતા કરતાં પ્રતિરોધિતા કહેવી ઘટે. તેના અને તેની સાથે રહેનાર પોલીસ અધિકારીઓ તેમ જ વકીલોનો પ્રતિરોધનો રાહ કપરો હતો. એટલા માટે કે આ થોડાક લડવૈયાઓએ એ દૈત્યના સામ્રાજ્યના પાયા પર ઘા કરવાની શરૂઆત કરી હતી કે જેના ચરણસ્પર્શ કરવામાં અને પછી તેને પોંખતું ભાષણ કરવામાં નરેન્દ્ર મોદીએ એમના મુખ્યમંત્રીકાળમાં ધન્યતા અનુભવી હતી. એનાં અત્યારે વાયરલ થયેલાં દૃશ્યો ગયાં બે વર્ષનાં અમદાવાદના પુસ્તકમેળામાં આસારામના સ્ટૉલની બહાર બતાવવામાં આવી રહ્યાં હતાં.

‘આસારામ ગુનેગાર સાબિત થયાં તે પહેલાં તેમની સાથે મંચ શેર કરવો એ કોઈ ગુનો નથી’ એવી ફરહાન અખતર અને ભક્તોની દલીલમાં દમ એટલા માટે નથી કે મુખ્યમંત્રી મોદી કે એ કક્ષાનો સત્તાધારી, કોઇ વ્યક્તિ સાથે તે અંગેની પૂરી તપાસ વગર મંચ પર બેસે એ શક્ય નથી. મોદીને કેવી રીતે મળી શકાય તેની આંટીઘૂંટી પર તો બાહોશ પત્રકારોએ લેખો કર્યા છે. વળી, મોદીએ ક્યારે ય તેમના આસારામ સાથેના સંબંધોનો ઇન્કાર કર્યો નથી. તેમણે બાવાને ક્યારે ય વખોડ્યો નથી. એટલું ખરું કે આસારામના મોટેરાના આશ્રમમાં દીપેશ-અભિષેકના અપમૃત્યુની તપાસ મુખ્યમંત્રી મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન શરૂ થઈ હતી અને જુલાઈ ૨૦૦૮માં જસ્ટીસ ડી.કે. ત્રિવેદી તપાસ પંચ નીમાયું હતું . જો કે ભાજપની સરકારે તેનો  અહેવાલ હજુ સુધી લોકો સમક્ષ મૂક્યો નથી. જિજ્ઞેશ મેવાણીએ આ અંગે વિધાનસભામાં તેરમી માર્ચે સવાલ પણ ઊઠાવ્યો હતો. એટલું જ નહીં, તે પછી પાંચમી એપ્રિલે આસારામ પરના મોટેરા આશ્રમમાંના બળાત્કારના આરોપની ધીમી તપાસ માટે સર્વોચ્ચ અદાલતે ગુજરાત પોલીસની આઠ મહિનામાં બીજી વાર ઝાટકણી કાઢી હતી.

હિન્દુ રાષ્ટ્રવાદનો લોહિયાળ ખેલ પાડવામાં મોદીના સાથીદારો લાલ કૃષ્ણ અડવાણી અને પ્રવીણ તોગડિયાએ પણ હિન્દુ ધર્મના કૃષ્ણ ભગવાનને નામે યુવતીઓની જિંદગીનો નાશ કરનાર ધૂતારા સાથેના સંગના ફોટા તો મળે જ, બીજું કોણ જાણે શું ય મળે ? હિન્દુ હૃદયસમ્રાટ નરેન્દ્ર મોદીને ઇસ્લામિક આતંકવાદી હુમલાથી બચાવવા માટે ‘પવિત્ર’ એનકાઉન્ટરના આરોપ હેઠળ જેલ ભોગવી ચૂકેલા પૂર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા એક ‘હિન્દુ’ યુવતી પર જુલમ માટે સજા પામનાર તેમના ગુરુ આસારામનો બચાવ કરી રહ્યા છે.

ભાજપનાં શાસનમાં આસારામને ગુજરાતમાં પચીસ હજાર ચોરસ મીટર જમીન મળી હોવાનું નોંધાયું છે. કૉન્ગ્રેસના રાજમાં સાડા ચૌદ હજાર ચોરસા મીટરની લ્હાણીની નોંધ છે. દિગ્વિજય સિંગ, કમલ નાથ, અશોક ગેહલોત, મોતીલાલ વહોરાની આસારામ સાથેની સાંઠગાંઠના સમાચાર પણ વહેતા થયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ નારાયણન અને અબ્દુલ કલામે પણ આસારામને પ્રશસ્તિપત્રકો આપ્યાં છે એ વાત સજા હળવી કરવાની વિનંતીમાં અદાલતને તેમના વકીલે જણાવી હોવાનું પણ લખાયું છે. 

આસારામના બચાવમાં આવીને તેમના માટે જામીન મેળવવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર  વકીલોમાં  ભાજપના બંને ટીકાસ્પદ ધારાશાસ્ત્રીઓ  રામ જેઠમલાણી અને સુબ્રમણ્યમ સ્વામી જેવા હોય એ સમજી શકાય. પણ એ ઉપરાંત આ બધાં પણ હોય ? –  રાજુ રામચન્દ્રન, જેમની એક સંદર્ભે સર્વોચ્ચ અદાલતે ‘હાઇ પ્રોફેશનલ એથિક્સ’ માટે પ્રશંસા કરી હતી અને જે ગુજરાતના રમખાણોનાં કેટલાંક કેસેસમાં ન્યાય મિત્ર, એમિકસ ક્યુરી તરીકે નીમાયા હતા. કે.ટી. તુલસી કે જે રાજ્ય સભાના કૉન્ગ્રેસે નિયુક્ત કરેલા સભ્ય છે અને  જેમણે સોહરાબુદ્દિન એનકાઉન્ટર કેસમાં ગુજરાત સરકાર તરફથી લડવાનો ઇન્કાર કર્યો હતો. બે દિવસ પહેલાં ‘ધેર ઇઝ બ્લડ ઑન અવર હૅન્ડસ’ એવું કોમી રમખાણોમાં કૉન્ગ્રેસની ભૂમિકા અંગે કહેનારા વરિષ્ટ વિદ્વાન કૉન્ગ્રેસી આગેવાન અને પૂર્વ મંત્રી સલમાન ખુરશીદ. આસારામના  જામીન  માટેનો કેસ ઉદય યુ. લલિતનો વકીલ તરીકેનો આખરી કેસ હતો કે જે પછી તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બન્યા અને ટ્રિપલ તલાકને રદ કરનાર ન્યાયમૂર્તિઓમાં તેઓ હતા. ઉપર્યુક્ત વકીલોમાંથી મોટા ભાગનાની ફી દસ લાખથી પચીસ લાખની વચ્ચે હોવાનું કહેવામાં આવે છે.

આ માંધાતાઓની સામે છે યુવતી માટે લડનારા એક વકીલ રાજેન્દ્રસિંહ ચારણ. સ્ત્રીઓ, દલિતો અને માનવ અધિકાર ભંગ અંગેના મુકદમા વિના મૂલ્યે કે નજીવી ફીથી લડનારા ચારણ તેર વર્ષ જૂની મારુતી મોટરમાં ફરે છે. એટલી જ જૂની આલ્ટોમાં ફરનારા પૂનમચંદ સોલંકી યુવતીનો કેસ વિનામૂલ્યે લડી રહ્યા છે. રામ જેઠમલાણીની સામે આત્મવિશ્વાસપૂર્વક દલીલો કરીને આસારામને જામીન ન મળવા દીધા એને પૂનમચંદ પોતાની સિદ્ધિ માને છે. ન ભૂલીએ તપાસ કરનાર પોલીસ અધિકારી અજયપાલ લાંબાને કે જેમને ધમકીના સોળસો જેટલા પત્રો મળ્યા હતા. એટલું જ નહીં પણ કેટલોક સમય માટે તેમણે તેમની દીકરીને શાળાએ મોકલવાનું બંધ કરવું પડ્યું હતું.

આસારામની ઇન્દોરથી ધરપકડ કરનાર ચંચલબહેન મિશ્રાએ એવી મજબૂત ચાર્જશીટ  બનાવી હતી કે જેને કારણે તેને છેક સુધી જામીન ન મળી શક્યા એમ કાનૂની નિષ્ણાતોએ નોંધ્યું છે. તદુપરાંત આસારામના ભક્તો દ્વારા ઊભા થનારા સંભવિત જોખમ અને સમયની ખેંચ વચ્ચે ચંચલે આસારામની ધરપકડ કરી તેને જોધપુર પોલીસ સમક્ષ હાજર કરવાનું કામ પૂરું પાડ્યું હતું. ન ભૂલવા જોઈએ એ વડોદરાના વૈદ અમૃત પ્રજાપતિને. આસારામના એક સમયના અંતેવાસી અમૃત દીપેશ-અભિષેક અપમૃત્યુ પછી આસારામની સામે પડ્યા હતા, માધ્યમો થકી એમના અનેક દુષ્કર્મોને ખુલ્લાં પાડવાની શરૂઆત કરી હતી, જેને પગલે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આસરામ સામે યુવતીના બળાત્કાર કેસમાં સાક્ષી આપનાર તેના એક ડ્રાઈવર કૃપાલ સિંહ તેમ જ સૂરતમાં મહિલા પર બળાત્કારના કેસમાં આસારામના પુત્ર નારાયસાઇ વિરુદ્ધ જુબાની આપનાર આસારામના આસિસ્ટન્ટ અખિલ ગુપ્તાને પણ ગોળીએ દેવાયા હતા.

અરધો ડઝન સાક્ષીઓ પર હિચકારા હુમલા થયા છે. આ બધાને આસારામ સામે અવાજ ઊઠાવાનાં પરિણામોની ગંભીરતાનો અંદાજ હોય કે ન હોય, તો પણ તેમણે જે કર્યું તેનાથી સમાજને  બહુ  મદદ મળી છે. હજુ આસારામ અને તેના ફરજંદો સામેના કેસો ઊભા છે. તેમના મૂરખ ભક્તો પ્રાર્થના કરે છે. કેટલાક રાજકારણીઓ પણ કરતાં હશે. પણ હજુ બે મહિલાઓ સહિત અનેક લડવૈયા મક્કમ છે. માધ્યમો, લોકો અને મહિલાઓની શક્તિથી ભક્તોની પ્રાર્થનાઓ ફળવાની નથી.

+++++

૨૬ એપ્રિલ ૨૦૧૮

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 27 અૅપ્રિલ 2018 

Loading

...102030...3,1173,1183,1193,120...3,1303,1403,150...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved