Opinion Magazine
Number of visits: 9664534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સ્ત્રીને કેટલું વીતે તો એ દુષ્કર્મનો ગુનો બને?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 April 2025

રવીન્દ્ર પારેખ

અહીં સ્ત્રી કે પુરુષ, કોઇની તરફેણની વાત નથી કે નથી વાત કોઈના વિરોધની, પણ સ્ત્રીઓ તરફે થતા ગુનાઓ જોઈએ છે તો તેને ન્યાય નથી મળતો, એટલું જ નહીં, ન્યાય કરનારાઓ તરફથી પણ તેની  કસોટી થાય છે. છેલ્લા થોડા વખતમાં હાઈકોર્ટના જે ચુકાદાઓ આવ્યા છે, તેણે જે તે સગીરા કે સ્ત્રીને તો સંતોષ નથી જ આપ્યો, પણ આમ પ્રજા પણ તેનાથી ખાસી નિરાશ થઈ છે. આમ તો ન્યાય માટે સાધારણ લોકોનો કોર્ટ પર ભરોસો હોય છે, તે સાથે જ ઘણાં પાત્રતા હોવા છતાં ને આર્થિક અગવડને કારણે કોર્ટ સુધી પહોંચી પણ શકતા નથી. એ સંજોગોમાં જે થોડા, કોર્ટ સુધી પહોંચે છે તેમને ન્યાયની  અપેક્ષા હોય જ છે. તેને બદલે કોર્ટ જ સંવેદનાથી ન વિચારે તો આઘાત લાગે. થોડા સમય પર હાઈકોર્ટના જે ચુકાદાઓ આવ્યા છે, તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. કમ સે કમ હાઇકોર્ટ પાસેથી આવા ચુકાદાઓની અપેક્ષા નથી. એ સાચું કે કોર્ટે તટસ્થ રહેવાનું છે, પણ સંવેદનશૂન્ય રહેવાનું નથી. કમ સે કમ સ્ત્રીઓ સંદર્ભના ન્યાયમાં છેલ્લા થોડા ચુકાદાઓ હાઇકોર્ટની સંવેદનાઓનો અનુભવ નથી કરાવતા. 

2021માં બોમ્બે હાઇકોર્ટનો એક ચુકાદો એવો આવેલો કે ‘સ્કિનથી સ્કિન’ વગરનો ગુપ્તાંગોને કોઈ સ્પર્શ કરે તો તે જાતીય હુમલો ગણાય નહીં. આમ તો આ મુદ્દો અગાઉ આ કોલમમાં ચર્ચાઇ ગયો છે, પણ કોર્ટની સંવેદન શૂન્યતા સંદર્ભે અહીં એનો ઉલ્લેખ કરવાનું જરૂરી છે. કોઈ પુરુષ ફક્ત કપડાંને સ્પર્શ કરે અને એ વખતે જે તે અંગનો સીધો સ્પર્શ ન થતો હોય તો તે પોકસો એક્ટ હેઠળની જાતીય સતામણી ગણી શકાય નહીં. દાખલા તરીકે કોઈ આરોપીએ સગીરાનાં કપડાં કાઢ્યાં ન હોય કે કપડાંમાં હાથ નાખ્યો ન હોય તો છાતીને સ્પર્શવાનું કૃત્ય પોકસો હેઠળ જાતીય હુમલો ગણી શકાય નહીં. અહીં છાતીને સ્પર્શ્યા વગર કપડાં પરથી છાતીને સ્પર્શવાનો આરોપીનો હેતુ ધ્યાનમાં ન લેવાય અને સીધો છાતીને સ્પર્શ થયો નથી એટલે જાતીય હુમલો ન ગણાય એવું બોમ્બે હાઇકોર્ટનું અર્થઘટન, અનર્થઘટનની જ ગરજ સારે છે.

આથી વધુ ચર્ચાસ્પદ ચુકાદો અલ્હાબાદ હાઇકોર્ટે 2025ની 21 માર્ચે આપ્યો છે. બન્યું એવું કે ઉત્તર પ્રદેશની એક 11 વર્ષની બાળકીની છાતીને બે પુરુષોએ સ્પર્શ કર્યો, એટલું જ નહીં, તેના પાયજામાનું નાડું પણ ખેંચ્યું, તે ઉપરાંત બાળકીને નાળાની નીચે ખેંચવાની કોશિશ પણ કરી જોઈ. એ તો સારું થયું કે બાળકીની બૂમાબૂમથી, ત્યાંથી પસાર થતાં લોકો એ દરમિયાનગીરી કરી ને હુમલાખોરો ભાગી છૂટ્યા. બાળકીની છાતીને આરોપીઓ સ્પર્શ્યા, તેનું નાડું ખેંચ્યું ને તેને નાળાની નીચે ખેંચવાની કોશિશ કરી જોઈ, પણ અલ્હાબાદ હાઇકોર્ટને આરોપીઓનો હેતુ બળાત્કાર કરવાનો લાગતો નથી. લોકો આવી ચડ્યા ન હોત તો આરોપીઓ શું કરવા માંગતા હતા તે વગર બોલ્યે પણ સમજાય એવું છે, પણ કોર્ટને તે ધ્યાનમાં આવતું નથી. સોંસરું પૂછવાનું એ થાય કે છાતીનો સ્પર્શ કે નાડું ખેંચવાનો ઇરાદો સગીરાની પૂજા કરવાનો કે આરતી ઉતારવાનો હતો એમ માનવાનું છે? એ વાત સુપ્રીમને સમજાઈ ને હાઈકોર્ટના ચુકાદામાં રહેલી ક્ષતિ સંદર્ભે અલ્હાબાદ હાઇકોર્ટની ટીકા કરતાં સ્પષ્ટ કર્યું કે આવો ચુકાદો આપનારમાં સંવેદનશીલતાનો અભાવ છે. સુપ્રીમે સુઓમોટો લઈને ચુકાદા પર સ્ટે મૂક્યો. હાઈકોર્ટના ચુકાદાથી સુપ્રીમનો મત જુદો હોવાની નવાઈ નથી, પણ સ્ત્રીઓ સંદર્ભના ગુના બાબતે સુપ્રીમની ટકોર હાઇકોર્ટોને સંવેદનશીલ બનવાનો સંકેત આપે છે તે જરૂર નવાઈ પમાડનારું છે. જો કે, અલ્હાબાદ હાઇકોર્ટને તેની કૈં અસર થઈ હોય એવું લાગતું નથી, કારણ 10 એપ્રિલ, 2025ને રોજ એ જ અલ્હાબાદ હાઇકોર્ટનો એક ચુકાદો એવો આવ્યો કે દુષ્કર્મના કેસમાં દુષ્કર્મ માટે આરોપી નહીં, પણ મહિલા પોતે જ જવાબદાર છે.

ઘટના 21 સપ્ટેમ્બર, 2024ની છે. નોઇડા સ્થિત એક યુનિવર્સિટીની વિદ્યાર્થિની તેની મિત્રો સાથે દિલ્હીના એક હોજ ખાસ વિસ્તારના બારમાં ગઈ. અહીં તે કેટલાક પુરુષોને મળી. તેમાં આરોપી પણ હતો. મહિલાએ ફરિયાદમાં એ વિગતો આપી છે કે દારૂ પીવાને કારણે પોતે થાકી ગયાનું લાગતાં આરોપી મોડી રાત્રે પોતાને ઘરે લઈ જવાનો આગ્રહ કર્યા કરતો હતો. વારંવારના આગ્રહને કારણે મહિલા તેની સાથે જવા તૈયાર થઈ. ફરિયાદમાં મહિલાએ એવો આરોપ મૂક્યો કે આરોપીને ઘરે જતાં પહેલાં રસ્તામાં આરોપીએ અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો ને ઘરે લઈ જવાને બદલે ગુડગાઉંના એક સંબંધીના ફ્લેટમાં લઈ ગયો ને ત્યાં મહિલા સાથે દુષ્કર્મ કર્યું. આ મામલે 11 ડિસેમ્બર, 2024ને રોજ આરોપીની ધરપકડ થઈ.

આરોપીનું કહેવું એમ હતું કે એ દુષ્કર્મ ન હતું, પણ પરસ્પરની સંમતિથી થયેલું કૃત્ય હતું. એ સંદર્ભે કોર્ટનું કહેવું હતું કે પીડિતાએ પોતે જ મુશ્કેલીને આમંત્રણ આપ્યું હતું અને જે કૈં થયું તેને માટે તે પોતે જ જવાબદાર હતી. પીડિતા જે થઈ રહ્યું છે તે જાણવા-સમજવા જેટલી શિક્ષિત અને સક્ષમ હતી, એમ માનીને કોર્ટે આરોપીને જામીન પણ આપ્યા. તબીબી તપાસમાં એટલું બહાર આવ્યું કે હાઇમન ફાટ્યું હતું, પણ બળાત્કાર થવા અંગે ડોકટરોએ સ્પષ્ટ મત આપ્યો ન હતો. મહિલાએ બીજે જ દિવસે બળાત્કાર થયાની પોલીસ ફરિયાદ આરોપી સામે નોંધાવી, પણ ધરપકડ ત્રણેક મહિને થઈ. તે એટલે કે પોલીસ આરોપીની એ વાત માનતી રહી કે એ બળાત્કાર ન હતો, પણ સંમતિથી થયેલ કૃત્ય હતું. મહિલા પોતાની વાત સમજાવવા વારંવાર પોલીસ સ્ટેશને ધક્કા ખાતી રહી. પોલીસને એમ પણ હતું કે ધક્કા ખાઈને યુવતી એની મેળે જ થાકશે ને આવતી બંધ થશે, પણ યુવતી થાકી નહીં, એટલે પોલીસે આરોપીની ધરપકડ કરી. નીચલી કોર્ટમાં આરોપીએ જામીન માટે અરજી કરી, પણ ન મળતાં જામીન માટે અરજી હાઇકોર્ટમાં થઈ. હાઇકોર્ટે આરોપીની એ વાત સ્વીકારી કે સંબંધ પરસ્પરની સંમતિથી થયો છે ને આરોપીને જામીન આપી દીધા. સંમતિથી સંબંધ થયો હોવાનું માનવા માટે હાઇકોર્ટ પાસે મુદ્દો એ હતો કે હાઇમન તૂટ્યું હતું એ ખરું, પણ રિપોર્ટમાં બળજબરી થયાનું કે જાતીય ઇજાઓ થયાનું નોંધાયું નથી, એટલે કોર્ટે એમ માન્યું કે આ દુષ્કર્મ નથી.

મહિલાને ધાકધમકીથી કે નશામાં નાખીને કે બેહોશ કરીને બળાત્કાર થાય તો બળજબરી કે ઇજાની વાત ન રહે એ સમજાય તેવું છે. કોર્ટને આ ન દેખાય એનું આશ્ચર્ય છે ને વધારે આઘાત તો હાઇકોર્ટની એ ટિપ્પણીથી લાગે છે કે યુવતી જોડે જે થયું તેને માટે તે જ જવાબદાર હતી, એનું કારણ શું, તો કે તે બારમાં હતી ને તેણે દારૂ પીધો હતો. તેનો અર્થ એવો થાય કે મહિલાએ બારમાં કે મોડી રાત્રે પાર્ટીમાં ન જવું. જાવ તો આવું થાય, એમ જ ને ! માની લઈએ કે રાતની પાર્ટીનું જોખમ સ્ત્રીઓએ ન લેવું, પણ નશામાં હોય એટલે કોઈને પણ જે તે યુવતી પર બળાત્કાર કરવાનું લાઇસન્સ મળી જાય? સ્ત્રી ગમે એટલી શિથિલ ચારિત્ર્યની જ કેમ ન હોય, કોઈ પણ પુરુષને તેને સ્પર્શવાનો અધિકાર નથી. પ્રસ્તુત કેસમાં યુવતીએ જાણીબૂઝીને નશો કર્યો હોય તો પણ, તેને સ્પર્શવાનો આરોપીને અધિકાર નથી. નશામાં હોવું એ દુષ્કર્મ માટેની સંમતિ નથી. એ વિચારવાને બદલે કોર્ટે મહિલા વિષે જાહેર ટિપ્પણી કરીને ભદ્રતાનો-શાલીનતાનો નમૂનો પૂરો પાડ્યો.

અલ્હાબાદ હાઇકોર્ટે મહિલાઓ સંબંધી જે છેલ્લા ચુકાદાઓ આપ્યા છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે. જો કે અગાઉના ચુકાદા સંદર્ભે સુપ્રીમે જે ટિપ્પણીઓ કરી તેવી જ ટિપ્પણી આ ચુકાદા સંદર્ભે પણ કરી છે. એક તરફ અગાઉના નાડું ખેંચવાના કેસની સુનાવણી ચાલે જ છે, ત્યાં એ જ અલ્હાબાદ હાઈકોર્ટના દુષ્કર્મ અંગે મહિલા જ જવાબદાર હોવાની ટિપ્પણી આવતાં સુપ્રીમે સ્પષ્ટ કર્યું કે આરોપીના જામીન મંજૂર કરવા હોય તો કરો, પણ રેપ પીડિતા અંગે ટિપ્પણી કરતી વખતે કોર્ટે વધુ સતર્ક રહેવું જોઈએ. અગાઉના કેસમાં કોર્ટની અસંવેદનાની નોંધ તો લીધી જ હતી ને આ વખતે રેપ પીડિત મહિલા સંદર્ભે હાઇકોર્ટને વધુ સતર્ક રહેવાની સુપ્રીમે ટકોર કરી છે.

એમ લાગે છે કે અલ્હાબાદ હાઇકોર્ટ ઉત્તરોત્તર વધારે સંવેદનશૂન્ય બનીને જ પ્રગટ થઈ રહી છે ને ન્યાયને મામલે એ અપેક્ષિત નથી. એ તો નથી જ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 20 ઍપ્રિલ  2025

Loading

World Book Day અવસરે ફક્ત FB પર શરૂ થતી પુસ્તક પરિચયની અનિયતકાલિક લેખ શ્રેણી

દીપક મહેતા|Opinion - Opinion|23 April 2025

ગ્રંથયાત્રા : ૧ 

પુસ્તકોને દેશવટો દેનાર દેશની દાસ્તાન

બંબાવાળાનું કામ શું? તમે કહેશો: ‘એ તે કંઈ પૂછવા જેવો સવાલ છે? બંબાવાળાનું કામ આગ બુઝાવવાનું હોય, બીજું શું?’ પણ ધારો કે વિજ્ઞાન એટલું આગળ વધી ગયું હોય કે એવાં શહેરો અને ગામો બન્યાં હોય કે જ્યાં ક્યારે ય અકસ્માતને કારણે આગ લાગી શકે જ નહિ તો? તો ય બંબાવાળાની જરૂર તો પડે. પણ શા માટે? આગ લગાડવા માટે! ચોવીસમી સદીની વાત કરતી નવલકથા ‘ફેરનહાઈટ ૪૫૧’નો કથાનાયક ગાય મોન્ટાગ બંબાવાળાની નોકરી કરે છે અને કામ કરે છે ગામનાં અમુક અમુક ચોક્કસ ઘરોને આગ લગાડવાનું! જે શહેરમાં રહેતો હતો મોન્ટાગ, એ શહેરના લોકો એકદમ સુખશાંતિમાં રહેતા હતા. કોઈ પણ બાબત અંગે લોકોમાં ક્યારે ય મતભેદ થતો જ નહિ, અને એટલે ઝગડો, હુલ્લડ, હડતાલ વગેરે પણ ક્યારે ય થતાં જ નહિ. પણ એવું બને કઈ રીતે? કારણ મત ધરાવવાનું કે વિચારવાનું કામ લોકોનું હતું જ નહિ. મત હતો માત્ર સરકારનો અને વિચારવાનું કામ કરતા હતા માત્ર રાજ્યકર્તા. જ્યાં ભિન્ન મત જ ન હોય ત્યાં મતભેદ થાય જ કઈ રીતે? મતભેદ, ઝગડા, હુલ્લડ, હડતાલ વગેરેથી લોકોને બચાવવા માટે સરકારે મતબંદી અને વિચારબંદી લાદી હતી અને લોકો ભૂલેચૂકે ય વિચારતા ન થાય, મત ધરાવતા ન થાય એટલા ખાતર શહેરમાં, પુસ્તકો, છાપાં, સામયિકો વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો.

પણ ગમે તેવા સુખચેનમાં રાખો તો ય કેટલાક લોકો હોય છે અદકપાંસળિયા. દુ:ખ અને અશાંતિ વગર એમને ચેન ન પડે. એમની વિચારવાની કુટેવ જાય જ નહિ. કારણ પોતાના ઘરમાં છુપાવીને તેઓ પુસ્તકો, છાપાં, સામયિકો રાખે અને રાતે બધાં બારીબારણાં બંધ કરીને ટમટમતા દીવાના અજવાળામાં એ વાંચે ય ખરા. પણ સરકાર માબાપની ચકોર આંખ ચારે બાજુ ફરતી જ હોય. તેના જાસૂસોને પુસ્તકોવાળા ઘરની વાસ કોઈ ને કોઈ રીતે આવી જ જાય. એવી વાસ આવે કે તરત એ જાસૂસ ફોન જોડે બંબાખાને. બંબાખાનામાં ઘંટડી રણકી ઊઠે. મોન્ટાગ હાથમાં લેઝર મશાલો લઈ ઝડપથી બંબામાં ચડી જાય ને જોતજોતામાં પુસ્તાકોવાળા ઘર પાસે પહોંચી જાય. મોન્ટાગ લેઝર મશાલથી માત્ર પુસ્તકોને જ નહિ, આખા ઘરને ઘડીના છઠ્ઠા ભાગમાં ભસ્મીભૂત કરી નાખે. ન રહે ઘર, ન રહે પુસ્તકો. બંબાની સાઈરન બંધ થઈ જાય. ફરી બધે સુખશાંતિ પથરાઈ જાય. પણ ઘરમાં પુસ્તકો રાખવાની આવી જિદ્દી ભૂલ તો થોડાક લોકો જ કરે. બાકી મોટા ભાગના લોકો તો એ ય ને ટેસડા કરે, ટેસડા. વિચારવાની લપછપ તો કરવાની નહોતી. એટલે કેટલાક દારૂ કે કેફી દવાઓના નશામાં ચકચૂર રહે. કેટલાક દિવસ રાત સરકારી ટેલીવિઝનને જળોની જેમ વળગ્યા રહે. ટૂંકમાં કહીએ તો ‘ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે,’ એ આ લોકોનું જીવન.

મોન્ટાગ પણ સુખી હતો. નોકરી ગમતી. ઘર બાળવામાં મજા ય આવતી. એના બંબાને આવતો જોઈ લોકો કેવા નાસભાગ કરતા! પણ એક કુટેવ હતી મોન્ટાગને. કોઈ પણ ઘરને પલીતો ચાંપે એ પહેલાં ચોરીછૂપીથી એક-બે પુસ્તકને ઘરમાંથી ઉપાડી લેતો, પોતાને ઘરે લઈ જતો. જો કે વાંચતો ક્યારે ય નહિ, પણ સંઘરી રાખતો. મિલી નામની એક સ્ત્રીને પરણ્યો હતો, પણ લગ્નજીવન સુખી નહોતું. કારણ મિલી આખો દિવસ કેફી દવાઓના ઘેનમાં જ પડી રહેતી. મોન્ટાગની પડોશમાં એક ષોડશી કન્યા રહે. નામ હતું ક્લેરિસ. બધા પ્રત્યે દયામાયા રાખતી. બચાડા મોન્ટાગ માટે પણ એના મનમાં દયા હતી. પણ એ દયા ક્યારે મનની માયામાં પલટાઈ ગઈ એની ખબર ન તો એ છોકરીને પડી, કે ન પડી મોન્ટાગને. કન્યા હતી તો સોનાની થાળી જેવી. પણ તેનામાં એક લોઢાની મેખ પણ હતી. આમ ખાસ બીજું કાંઈ તો નહિ, પણ એને બહુ પૂછવાની ટેવ. એ છોકરી વિચારતી એટલે પૂછતી, કે પૂછતી એટલે વિચારતી એ તો રામ જાણે. પણ થોડા દિવસમાં ક્લેરિસ માટેના પ્રેમરોગની સાથોસાથ મોન્ટાગને વિચારવાના રોગનો ચેપ પણ લાગ્યો. ‘મારી પત્નીથી હું સુખી છું? મારી નોકરીથી હું સુખીછું? ક્લેરિસને જોઉં ત્યારે સુખી હોઉં છું?’ – આવા આવા સવાલો માળો પોતાની જાતને પૂછવા લાગ્યો. અને પછી એક ભયંકર સવાલ તેના મનમાં ઊઠ્યો : ‘આ પુસ્તકોમાં એવું તે શું હોય છે કે જેથી જ્યાં દેખાય ત્યાં સરકાર પુસ્તકોને બાળી નખાવે છે?’ આવું આવું વિચારતો હતો ત્યાં જ બંબાખાનાના ફોનની ઘંટડી રણકી ઊઠી. તરત લેઝર મશાલ લઈને દોડ્યો મોન્ટાગ. એક ડોસીના ઘરમાંથી ચોપડીઓ મળી આવી હતી. તેનું ઘર બાળી નાખવાનું હતું. બીજાં ઘરો બાળવા જતો મોન્ટાગ, ત્યારે તો તેમાં રહેનારાં બધાં તરત રફુ ચક્કર થઈ જતાં. પણ આ ડોસી તો ઊંધી ખોપરીની નીકળી. કહે કે હું પણ મારી ચોપડીઓ સાથે જ બળી મરીશ. અને મોન્ટાગ આગ ચાંપે તે પહેલાં તો ડોસીએ પોતે જ પોતાના ઘરને આગ લગાડી અને ચોપડીઓ સાથે બળી મરી!

આજે પહેલી વાર દુ:ખી હૃદયે મોન્ટાગ ઘરે પાછો આવ્યો. લોકોનાં ઘરો બાળતાં પહેલાં તેમાંથી ચોરીને જે પુસ્તકો ઘરમાં છુપાવેલાં તેમાંથી એક પુસ્તક કાઢી વાંચવા બેઠો. તેને લાગ્યું કે પોતે જે સુખ જિંદગીમાં નથી મેળવી શક્યો તે મેળવવાની ચાવી આ પુસ્તકમાં છે. બરાબર એ જ વખતે મોન્ટાગનો બોસ તેને ઘરે આવી ચડ્યો. કહે: ‘મને ખબર છે કે તું ચોપડીઓ સંઘરવાના કુસંગે ચડ્યો છે, પણ આપણા સુખી અને સુવ્યવસ્થિત સમાજમાં પુસ્તકોને સ્થાન નથી. જ્યારે માણસોએ પૂરતી પ્રગતિ નહોતી કરી ત્યારે તેમને પુસ્તકો જેવાં સાધનોની જરૂર પડતી. હવે આપણે એટલી પ્રગતિ કરી છે કે પુસ્તકો નકામાં બની ગયાં છે. તું આ કુટેવ છોડી દે. નહિતર કોક દિ તારું ઘર પણ …’ ગભરાયેલો મોન્ટાગ દોડ્યો એક જૂના મિત્ર પ્રોફેસર ફેબરને મળવા. પણ એમને મળીને તો મોન્ટાગ પુસ્તકો પાછળ ઘેલો બની ગયો. પ્રોફેસરે તેને કાનમાં પહેરી શકાય એટલો નાનકડો ટુ-વે રેડિયો આપ્યો જેથી બંને સતત એકબીજાના સંપર્કમાં રહી શકે. પછી કેટલીક સલાહ પણ આપી. પણ મોન્ટાગે સલાહ માની નહિ અને ઘરે ગયા પછી એક પુસ્તકમાંથી થોડો ભાગ પત્નીને વાંચી સંભળાવ્યો. અને પછી ગયો નોકરીએ. થોડી વારમાં જ બંબાખાનાના ફોનની ઘંટડી રણકી ઊઠી. મોન્ટાગ ફરી એક વાર ઘર બાળવા નીકળ્યો. પણ ફરક એ હતો કે આ વખતે તેણે પોતાનું જ ઘર બાળવાનું હતું! ફરજ એટલે ફરજ. મોન્ટાગ પોતાનું ઘર બાળે છે તો ખરો, પણ પછી પોતાના બોસ સાથે બાથંબાથી પર આવી જાય છે. તેના કાનમાં ખોસેલો ટુ-વે રેડિયો પડી જાય છે, અને જે લેઝર ટોર્ચથી તે ઘરો બાળતો એ જ ટોર્ચથી તે બોસને બાળીને ભડથું કરી નાખે છે. પછી ભાગે છે. તેને પકડવા યાંત્રિક શિકારી કૂતરો તેની પાછળ પડે છે. પોતાની પાસેનાં પુસ્તકો લઈને મોન્ટાગ સંતાય છે પ્રોફેસર ફેબરના ઘરમાં. ફેબર તેને નદીને સામે કાંઠે વસેલા હોબો કેમ્પમાં મોકલે છે. દેશનિકાલ કરાયેલા કવિઓ, લેખકો, પત્રકારો, બુદ્ધિજીવીઓ વગેરેને એ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. તેમાંના એકની મદદથી મોન્ટાગ પોતાના શરીરનું પી.એચ. ફેક્ટર બદલી નાખે છે જેથી યાંત્રિક કૂતરો તેને ઓળખી ન શકે. 

પણ એક-બે દિવસ પછી સરકારી ટી.વી. પર સમાચાર આવે છે કે સરકારના વફાદાર યાંત્રિક શિકારી કૂતરાએ દેશદ્રોહી મોન્ટાગને શોધીને ખતમ કરી નાખ્યો છે. હકીકતમાં, પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સરકારે કોઈ ભળતા જ માણસને મરાવી નાખ્યો છે! પછી હોબો કેમ્પના રહેવાસીઓને પૂછે છે કે અહીં ક્યાં ય પુસ્તકો કેમ દેખાતાં નથી? જવાબ મળે છે કે અમે બધાં પુસ્તકો કંઠસ્થ કરી નાખ્યાં છે જેથી ભવિષ્યમાં ક્યારેક પુસ્તકો પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાય ત્યારે તે બધાં ફરીથી છાપી શકાય. ત્યાં જ યુદ્ધ ફાટી નીકળે છે. બોમ્બમારામાં આખું શહેર નાશ પામે છે. હોબો કેમ્પના રહેવાસીઓ નવા સમાજની સ્થાપના કરે છે : જ્યાં પુસ્તકોનો, વિચારોનો, ભિન્ન મતનો આદર થતો હોય એવો એક નવો સમાજ. 

આ પુસ્તકના લેખક રે બ્રેડબરીનો જન્મ ૧૯૨૦ના ઓગસ્ટની ૨૨મી તારીખે અમેરિકાના ઈલીનોય રાજ્યમાં. તેણે જીવનમાં ૫૦૦ કરતાં વધુ પુસ્તકો લખ્યાં! બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન સરકારમાં અસહિષ્ણુતા વધી ગઈ હતી. સામ્યવાદને ખાળવાના બહાના નીચે ભિન્ન મતને દબાવી દેવાના પ્રયત્નો જનરલ મેકાર્થીની વિચારસરણી પ્રમાણે થઈ રહ્યા હતા. એવે વખતે, ૧૯૫૩માં આ નવલકથા પ્રગટ થતાંવેંત અમેરિકન વાચકોના મનમાં વસી ગઈ. ત્યારથી આજ સુધી આ નવલકથા અમેરિકામાં સતત વેચાતી અને વંચાતી રહી છે. ૨૦૧૨ના જૂનની પાંચમી તારીખે રે બ્રેડબરીનું અવસાન થયું. 

ખાસ નોંધ: આ કથાને આજના ભારત કે અમેરિકા દેશની સ્થિતિ સાથે કશો સંબંધ છે એમ માની લેવું નહિ. 

XXX   XXX   XXX

23 April 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

મહાબોધિ મંદિર નિયંત્રણના જૂના વિવાદનો નવો અધ્યાય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 April 2025

ચંદુ મહેરિયા

બિહારની રાજધાની પટણાથી આશરે સવાસો અને બોધગયાના મહાબોધિ મંદિર કે મહા વિહારથી બેએક કિલોમીટર દૂરનું ગામ દોમુહાં. પંચશીલ ધ્વજથી ઢંકાયેલા કામચલાઉ માંડવા નીચે ચીવર ધારણ કરેલા ઘણાં બૌદ્ધ ભિખ્ખુઓ અને લોકો બેઠેલા છે. ગરમ લૂ ને આવતી અટકાવે તેવી કોઈ આડશ નથી. આ જગ્યાએ છેલ્લા બે મહિનાથી ધરણા ઉપવાસ આંદોલન ચાલે છે. મંડપ નીચે શાંત અને અહિંસક રીતે બેઠેલા ભિખ્ખુઓના હાથમાં પ્લે કાર્ડ છે. બેનર્સ અને પોસ્ટર્સ ઉપરાંત ગૌતમ બુદ્ધ, ડો. આંબેડકર અને ભારતીય બંધારણના ફોટા પણ નજરે ચઢે છે. બુદ્ધને ‘સમ્મા સંબોધિ’ કહેતાં બોધિ જ્ઞાન જ્યાં પ્રાપ્ત થયું હતું તે મહાબોધિ મંદિરના વહીવટમાં બૌદ્ધોની પૂર્ણ સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટે અડચણરૂપ બિહાર સરકારનો ૧૯૪૯નો બોધગયા ટેમ્પલ એકટ રદ્દ કરવાની તેમની માંગ છે. મહાબોધિ મંદિર બૌદ્ધોને સોંપવાના છેક ઓગણીસમી સદીના અંત ભાગથી આરંભાયેલા આંદોલનનો આ નિર્ણાયક અધ્યાય છે. 

બૌદ્ધો માટે ચાર મહત્ત્વના તીર્થસ્થાનો છે : ગૌતમ બુદ્ધનું જન્મ સ્થળ લુમ્બિની (નેપાળ), તેમને જ્યાં પૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તે મહાબોધિ મહાવિહાર (બિહાર), પ્રથમ ઉપદેશ સ્થાન સારનાથ (ઉત્તર પ્રદેશ) અને નિર્વાણ સ્થળ કુશીનગર (ઉત્તર પ્રદેશ). બુદ્ધના જન્મ સ્થળ લુમ્બિની જેટલું જ મહાબોધિ મંદિર બૌદ્ધો માટે મહત્ત્વનું આસ્થાસ્થાન છે. જો લુમ્બિની રાજકુમાર સિદ્ધાર્થનું જન્મસ્થળ છે તો રાજકુમાર સિદ્ધાર્થનો બુદ્ધ રૂપે અવતાર બિહારના બોધગયા સ્થિત મહાબોધિમાં થયો હતો. એટલે તે પણ તેમના જન્મસ્થળ જેટલું જ અગત્યનું છે. 

આશરે અઢી હજાર વરસો પહેલાં બોધગયાના પીપળાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ સિદ્ધાર્થને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તે બુદ્ધ બન્યા હતા. સમ્રાટ અશોકે ઈ.સ પૂર્વેની ત્રીજી સદીમાં ત્યાં એક મહા વિહાર બંધાવ્યું હતું. તેરમી સદી સુધી તેનું નિયંત્રણ અને સંચાલન બૌદ્ધો કરતા હતા. ઈ.સ ૧૫૯૦માં એક હિંદુ મહંતે ત્યાં મઠ સ્થાપતાં તે હિંદુ મઠ બની ગયું. હિંદુ મહાબોધિને હિંદુ ધાર્મિક સ્થળ કહેતા હતા. બુદ્ધને વિષ્ણુનો નવમો અવતાર, મંદિરમાં આવેલી મૂર્તિઓને પાંચ પાંડવ ગણાવતા હતા. ત્યાં હિંદુ વિધિથી હોમ હવન અને પિંડદાન થાય છે અને બૌદ્ધ તીર્થ સ્થળ તરીકે તેનો એકડો ભૂંસી નાંખવાના પ્રયાસો થતા હોવાનો બૌદ્ધોનો આરોપ છે.

બૌદ્ધો જેને મહાવિહાર કહે છે તે મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌદ્ધો હસ્તક હોવું જોઈએ તેવી માંગણી દાયકાઓ પહેલાં શ્રીલંક્ન બૌદ્ધ સાધુ અનાગારિક ધમ્મપાલે સૌ પ્રથમ વખત કરી હતી. ૧૯૨૨માં કાઁગ્રેસના ગયા અધિવેશનમાં પણ આ માંગ ઊઠી હતી. એટલે સ્વતંત્રતા પછી ૧૯૪૯માં બિહાર સરકારે બોધગયા મંદિર અધિનિયમ ઘડ્યો હતો. આ કાયદા હેઠળ સરકારે સૌ પ્રથમ ૧૯૫૩માં બોધગયા મંદિર વહીવટી સમિતિની રચના કરી હતી. કાયદાકીય જોગવાઈ મુજબ ગયાના કલેકટર હોદ્દાની રૂએ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ  અને કમિટીમાં ચાર હિંદુ અને ચાર બૌદ્ધ મેમ્બર છે.  સરકારે મહાબોધિ મંદિરના વહીવટ માટે બૌદ્ધો અને હિંદુઓની સંયુક્ત સમિતિ એટલે બનાવી હતી કે તે આ તીર્થને સાંઝી વિરાસત કે બૌદ્ધો અને હિંદુઓનો મઝિયારો ધાર્મિક વારસો ગણી કોઈને નારાજ કરવા માંગતી નહોતી. વળી ૧૯૪૯ના એકટમાં ગયાના કલેકટર હિંદુ ન હોય તો સમિતિના અધ્યક્ષ સભ્યોમાંથી કોઈ હિંદુ જ હોય તેવી જોગવાઈ કરી હતી! 

બૌદ્ધો માટે આ મહત્ત્વનું બુદ્ધ તીર્થ સ્થળ હિંદુ બની રહ્યું હતું તે અસહ્ય હતું. તેમણે સમયે સમયે લોકશાહી ઢબે રજૂઆતો અને શાંત અહિંસક આંદોલનો પણ કર્યા છે. ૧૯૯૫માં પંચ્યાસી દિવસ ચાલેલા આંદોલનના અંતે તત્કાલીન મુખ્ય મંત્રી લાલુ પ્રસાદ યાદવે કાયદામાં સુધારો કરીને હિંદુ બહુમતીની શરત કાઢી નાંખી પણ બૌદ્ધોને વહીવટ ન સોંપ્યો. આંદોલનકારી પૈકીના એકાદ બૌદ્ધ ભિખ્ખુને મેનેજમેન્ટ કમિટીમાં સમાવી લેવાયા ખરા.

મહાબોધિ મંદિરના પ્રબંધનમાં બૌદ્ધોની કોઈ અસરકારક ભાગીદારી નથી એટલે બૌદ્ધો ૧૯૪૯નો બોધગયા ટેમ્પલ એકટ જ રદ્દ કરવા માંગણી કરી રહ્યા છે. ગૌતમ બુદ્ધે આ સ્થળે જ્ઞાન પ્રાપ્તિ કરી હતી તેને અનુલક્ષીને યુનેસ્કોએ ૨૦૦૨માં મહાબોધિ મંદિરને વલ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ બૌદ્ધ અને હિંદુ બંનેના મિશ્રણથી બૌદ્ધો નારાજ છે. બૌદ્ધો આ સ્થાને ધ્યાન અને તપસ્યા માટે આવે છે, પરંતુ હિંદુઓના ઢોલ-નગારાના ઘોંઘાટ તેમને ત્રાસરૂપ છે. વિશ્વ ધરોહર બન્યા પછી મહાબોધિ મંદિરમાં કેમેરા પણ લઈ જઈ શકાતા નથી, પરંતુ હિંદુઓ પિંડદાનની સામગ્રી લઈ જઈ શકે છે. બૌદ્ધ વિચાર અને આચારનું પાલન આ સાંઝી વિરાસતમાં થતું નથી. મંદિરને મળેલ દાનનો ઉપયોગ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે થઈ શકતો નથી તેવી પણ બૌદ્ધોની ફરિયાદ છે. 

ગઈ તારીખ બારમી ફેબ્રુઆરીએ મહાબોધિ મંદિરમાં આરંભાયેલા અનુષ્ઠાન સામે મંદિર પરિસરમાં જ બૌદ્ધ ભિખ્ખુઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. મહાબોધિ મંદિર પર નિયંત્રન માટે નિર્ણાયક આંદોલન તેમણે છેડ્યું છે. ગયાના કલેકટરે આ નીતિ વિષયક નિર્ણય છે અને તેના ઉકેલ માટે તેઓ કંઈ કરી શકે તેમ નથી તેમ જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા. પંદરેક દિવસ પછી બિહાર સરકારના અધિકારીઓએ આંદોલનકારીઓ સાથે બેઠક યોજી પણ તેનું કોઈ પરિણામ ન આવતાં શાંત અને અહિંસક આંદોલનને અટકાવવા મહાબોધિ મંદિર પરિસરથી ધરણા સ્થળને રાતોરાત બે કિલોમીટર દૂરના દોમુહાં ગામે ખસેડી નાંખ્યું. જો કે આંદોલનને સમગ્ર દેશના દલિતો અને નવબૌદ્ધોનું સમર્થન મળી રહ્યું છે. તેમના ટેકામાં દેશવિદેશમાં ધરણા આંદોલનો પછી બારમી મેના રોજ બોધગયામાં લાખો દલિતોની વિશાળ રેલી યોજાવાની છે. 

ધાર્મિક વિવિધતા ધરાવતા આપણા દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા પણ એટલી જ છે. અનેક ધર્મોના લોકો અહીં વસે છે પણ તેઓ એક બીજાના ધર્મોના આદર સાથે સહજીવન વિતાવી શકે છે ખરા? દેશની મસ્જિદો નીચે મંદિરો અને શિવલિંગો શોધાય છે.બહુમતીના ધર્મની લાગણી લઘુમતી ધર્માવલંબીઓ સમજે તેવું ધાર્મિક જ્ઞાન પિરસાય છે. પરંતુ હળીમળીને સાથે રહેવાનું બનતું નથી. 

યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૫ના વિરોધમાં થતી એક દલીલ સરકાર દ્વારા વકફ બોર્ડમાં બે બિન મુસ્લિમ સભ્યોની નિમણૂકની જોગવાઈથી વકફ બોર્ડમાં મુસ્લિમોની સ્વતંત્રતા અને સ્વાયત્તતા જોખમાવાની છે. મહાબોધિનો વર્તમાન વિવાદ જોતાં લાગે છે કે વકફ કાનૂનના વિરોધની આ દલીલમાં વજૂદ છે. 

બોધગયાના મઠ પાસે લાખો એકર જમીનો હતી અને તેના જમીનદાર મહંત ગ્રામીણ દલિત ખેતમજૂરોના શોષક હતા તે તો નજીકનો ભૂતકાળ છે. જયપ્રકાશ નારાયણ અને છાત્ર યુવા સંઘર્ષ વાહિનીએ બોધગયાના ગરીબ દલિત ખેતકામદારોને મઠની જમીન અપાવવા લાંબી લડતો કરી હતી. એ સમયે બૌદ્ધ ભિખ્ખુઓની ભૂમિકા શું હતી તે સવાલ છે. 

મહાબોધિ મહાવિહાર આંદોલન સામે પણ તે નાગપુર-દાર્જિલિંગના બૌદ્ધ ભિખ્ખુઓનું આંદોલન હોવાનો સ્થાનિક લોકોનો આરોપ છે. સ્થાનિક દલિતો અને મેનેજમેન્ટ કમિટીના બૌદ્ધ મેમ્બર્સનો પણ તેમને સાથ નથી. બોધગયા વિસ્તારના ઘણાં ગામોમાં ૬૦ ટકા કરતાં વધુ વસ્તી દલિતોની છે, પરંતુ દોઢસો ગામોના દલિતોને સંગઠિત કરી આંદોલનના માર્ગે વાળી બોધગયા મઠના મહંતના કબજામાંથી જમીનો અપાવવાનું મુશ્કેલ કામ ગાંધી સર્વોદયવાદીઓએ કર્યું હતું. બૌદ્ધ ભિખ્ખુઓ નવ બૌદ્ધોને માત્ર ધર્મ જ આપશે કે તેમના રોજિંદા જીવનના સવાલોના હલમાં પણ કંઈક કામ લાગશે? 

બાબાસાહેબ આંબેડકરની એક ઓર જન્મ જયંતીની ઉજવણીના શોરગુલમાંથી મુક્ત થયા પછી જાતને પૂછવાનું છે તે તો એ છે કે  બૌદ્ધ વિહારો ઠાલા ધર્મસ્થાનો બની રહેશે કે દલિત ચેતના કેન્દ્રો પણ બનશે? આ સવાલના જવાબમાં જ મહાબોધિ મહાવિહાર આદોલનની સફળતા રહેલી છે.  

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...310311312313...320330340...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved