Opinion Magazine
Number of visits: 9686448
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત ગુજરાતી પુસ્તકો

દીપક મહેતા|Opinion - Opinion|29 July 2018

આપણા દેશમાં ૧૯૪૭ પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા જે ગુજરાતી પુસ્તકો પર એક યા બીજે વખતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે વિષે વાત કરતાં પહેલાં એક-બે વાતની સ્પષ્ટતા કરવાનું જરૂરી છે. વ્યવહારની સરળતા ખાતર આપણે ભલે ‘પ્રતિબંધિત’ શબ્દ વાપરીએ, પણ કાયદાની દૃષ્ટિએ એ જમાનામાં પણ સરકારે એક પણ પુસ્તક પર ‘પ્રતિબંધ’ મૂક્યો નહોતો, પ્રકાશન અટકાવ્યું નહોતું, કે પ્રિસેન્સરશિપ લાદી નહોતી. પણ સરકારને જે પુસ્તક (કે સામયિક અથવા અખબારનો અંક) વાંધાજનક લાગે તે પુસ્તક રાખવું, વાંચવું, વેચવું કે વહેંચવું, વગેરે ગુનાહિત કૃત્ય ગણાય એમ કાયદા દ્વારા ઠરાવ્યું હતું. પુસ્તક ‘વાંધાજનક,’ ઉશ્કેરણીજનક’ કે ‘જાહેર શાંતિ અને સલામતીને જોખમાવે’ એમ છે એવું સરકારને લાગે તો તેની મળે તેટલી નકલો સરકાર જપ્ત કરતી અને કેટલાક કિસ્સાઓમાં તેનો નાશ કરતી. પણ આ રીતે જપ્ત કરેલ કે નાશ કરેલ દરેક પુસ્તક કે સામયિકની કેટલીક નકલ સરકારી દફતરમાં સાચવી રાખવામાં આવતી – દેશમાં તેમ જ બ્રિટનમાં. ૧૮૯૮ના ક્રિમિનલ પ્રોસિજર કોડ(૧૮૯૮નો પાંચમો કાયદો)ની ૯૮બી કલમ હેઠળ આમ કરવાની સત્તા સરકારને પહેલી વાર મળી હતી.

The Government may, by notification in the official Gazette, stating the grounds of its opinion, declare every copy of the issue of the newspaper containing such matter, words or visible representations, and every copy of such book or other document to be forfeited to Government, and thereupon any police-officer may seize the same wherever found in India and any Magistrate may by warrant authorise any police-officer not below the rank of sub-inspector to enter upon and search for the same in any premises where any copy of such issue or any such book or other document may be or may be reasonably suspected to be.

એટલે કે, આ અંગે પહેલાં સરકારી ગેઝેટમાં જાહેરાત કરવી પડતી. ત્યાર બાદ આવી નકલો શોધવા માટે સ્થાનિક મેજિસ્ટ્રેટ પાસેથી વોરંટ મેળવ્યા પછી સ્થાનિક પોલીસને ‘સર્ચ એન્ડ સીઝર’ની કાર્યવાહી કરવાની સત્તા મળતી હતી. વળી એ પણ નોંધવું જોઈએ કે થોડા ઘણા ફેરફારો સાથે બ્રિટિશ સરકારે ઘડેલો આ કાયદો આજે પણ ભારત, પાકિસ્તાન, અને બાંગ્લાદેશની સરકારોએ અપનાવ્યો છે.

આ રીતે કોઈ પુસ્તક પર ‘પ્રતિબંધ’ લાદવામાં આવે તે પછી તેની નકલો જાહેરમાં રાખવાનું તો શક્ય નહોતું. એટલે આજે પણ જાહેર પુસ્તકાલયોમાં આવાં પુસ્તકોની નકલ ભાગ્યે જ જોવા મળે છે. પણ સારે નસીબે, આવાં પુસ્તકોની નકલો ચાર સ્થળે વ્યવસ્થિત રીતે સાચવવામાં આવી છે. તેમાંની બે જગ્યા બ્રિટનમાં છે અને બે ભારતમાં. આવાં પુસ્તકોનો અલાયદો સંગ્રહ બ્રિટિશ લાઈબ્રેરી અંતર્ગત ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરીમાં અને બ્રિટિશ મ્યુિઝયમમાં રાખવામાં આવ્યો છે. ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરીમાંથી મળતી માહિતી પ્રમાણે બ્રિટિશ સરકારે કુલ ૧૦૭ ગુજરાતી આઇટમ આ રીતે જપ્ત કરી હતી. તેમાં ૫૮ પુસ્તકોનો સમાવેશ થતો હતો. બાકીની ૪૯ આઈટમમાં સામાયિક કે અખબારના અંકો, હેન્ડ બિલ, જાહેરાતો, વગેરેનો સમાવેશ થતો હતો. આપણા દેશમાં નેશનલ આર્કાઇવ્ઝમાં રાખવામાં આવેલ ‘હોમ (પોલિટિકલ) પ્રોસિડીન્ગ્ઝ ખાતે તથા નેશનલ આર્કાઇવ્ઝની લાયબ્રેરીમાં આ પ્રકારની સામગ્રી સચવાઈ છે. નેશનલ આર્કાઈવ્ઝમાંથી મળતી માહિતી પ્રમાણે કુલ ૬૧ ગુજરાતી આઈટમ બ્રિટિશ સરકારે જપ્ત કરી હતી. અહીં એ વાત ખાસ નોંધાવા જેવી છે કે આપણા દેશમાં રહેલા સંગ્રહ કરતાં બ્રિટનમાં સચવાયેલો સંગ્રહ સારો એવો મોટો છે.

બીજી એક રસપ્રદ વાત પણ ધ્યાનમાં આવે તેમ છે. દેશની બધી ભાષાઓ અને તેમના સાહિત્યમાંથી ગાંધીજીનો પ્રભાવ જો કોઈના પર સૌથી વધુ પડ્યો હોય તો તે ગુજરાતી પર. એટલે આપણે એમ માનીએ કે બીજી ભાષાઓની સરખામણીમાં ગુજરાતી પ્રતિબંધિત પુસ્તકોની સંખ્યા વધુ હશે. પણ નેશનલ આર્કાઈવ્ઝમાંથી મળતા આંકડા કૈંક જૂદું જ ચિત્ર રજૂ કરે છે. સૌથી વધુ પ્રતિબંધિત આઈટમ (૪૦૨) હિન્દી ભાષાની હતી. ત્યાર બાદ આવે છે ઉર્દૂ ૧૨૬, પંજાબી ૧૧૪, અંગ્રેજી ૮૯, મરાઠી ૮૮. બીજી નવાઈની વાત એ છે કે બંગાળીમાં પ્રતિબંધિત આઈટમની સંખ્યા સૌથી ઓછી છે, ૪૮.

આપણા દેશમાંના સંગ્રહની યાદી જોતાં ૧૯૦૭ સુધી કોઈ ગુજરાતી પુસ્તક આ કાયદા હેઠળ જપ્ત થયું હોય તેવું જાણવા મળતું નથી. ૧૯૦૭માં સ્વદેશ કીર્તન નામના પુસ્તકનો પહેલો ભાગ જપ્ત થયો હતો. ૩૨ પાનાંનું આ પુસ્તક અમદાવાદના સસ્તું સાહિત્ય પ્રચારક મંડલ દ્વારા પ્રગટ થયું હતું. બ્રિટિશ શાસન દરમ્યાન જપ્ત થયેલું છેલ્લું પુસ્તક હતું લાભુબહેન મહેતાએ ‘વીર જવાહરલાલ’ નામે લખેલું પંડિત જવાહરલાલ નેહરુનું જીવન ચરિત્ર.૧૯૪૧માં અમદાવાદના ભારતી સાહિત્ય સંઘ દ્વારા તે પ્રગટ થયું હતું. જેનું પુસ્તક બ્રિટિશ સરકારે જપ્ત કર્યું હોય તેવાં એક માત્ર ગુજરાતી લેખિકા લાભુબહેન છે. એ વખતે એમની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી.

સ્વદેશ કીર્તનની ૧૯૦૭ની આવૃત્તિની પ્રસ્તાવના પરથી જણાય છે કે મૂળ આ પુસ્તક ‘દેશભક્તિનાં કાવ્યો’ નામે ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રગટ થયું હતું અને તેનું સંપાદન હિમ્મતલાલ ગણેશજી અંજારિયાએ કર્યું હતું. તેની ૫૦૦ નકલ વેચાઈ ગઈ હતી. ‘સ્વદેશ કીર્તન’ નામે તેની પહેલી આવૃત્તિ ૧૯૦૬ પહેલાં ક્યારેક પ્રગટ થઇ હતી અને તેની ૨૦૦૦ નકલ વેચાઈ ગઈ હતી. પણ તે વખતે તે સરકારની નજરે ચડ્યું નહિ હોય. પણ સ્વદેશ કીર્તનની બીજી આવૃત્તિ ૧૯૦૭માં પ્રગટ થઇ તે સરકારની નજરે ચડી ગઈ અને તેના પર પ્રતિબંધ મૂકાયો. આ પુસ્તકના ટાઈટલ પેજ પર તેના સંપાદક તરીકે કોઈનું નામ છાપ્યું નથી. પણ પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે તેનું સંપાદન આપણા જાણીતા વિદ્વાન રમણભાઈ નીલકંઠે કર્યું હતું! બિન્દુભાઈ જસવંતરાય અને ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટીઆએ તેમને મદદ કરી હતી. પહેલી આવૃત્તિ કરતાં બીજી આવૃત્તિમાં વધારે ગીતો મૂક્યાં છે (કૂલ ૮૩ ગીતો છે) જેમાંનાં કેટલાંક ઉત્કટ દેશદાઝનાં છે એટલે કદાચ સરકારને તે પુસ્તક વાંધાજનક લાગ્યું હશે. પુસ્તકને આરંભે ‘સ્વદેશ ધર્મ’ નામનો બે પાનાંનો લેખ મૂક્યો છે. લાલા શિવનારાયણના મૂળ અંગ્રેજી લેખનો અનુવાદ કર્યો છે આનંદશંકર બાપુભાઈ ધ્રુવે!   

કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નાટકનાં તથા ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશેનાં એક સો કરતાં વધુ પુસ્તકો લખનાર નારાયણ વસનજી ઠક્કુર (૧૮૮૪-૧૯૩૮) એમના જમાનાના એક અત્યંત લોકપ્રિય લેખક હતા. ૧૯૧૧માં તેમની એક સામાજિક નવલકથા પ્રગટ થઇ: આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા? ૩૫૨ પાનાંની આ નવલકથામાં ક્યાં ય એક શબ્દ પણ સરકારની વિરુદ્ધનો હોય તેવો જોવા મળતો નથી. તો પછી સરકારે આ પુસ્તક જપ્ત કેમ કર્યું હશે? સંભવિત કારણ એ છે કે તેમાં સામાજિક સુધારાનો આત્યંતિક વિરોધ કરવામાં આવ્યો છે. અને કહેવાતી ભારતીય પરંપરાને ઉજળી બતાવવા ખાતર લેખકે બ્રિટિશ પદ્ધતિનાં શિક્ષણ, ન્યાયવ્યવસ્થા, વહીવટી તંત્ર વગેરેને ઉતારી પાડ્યાં છે અને આ પરદેશીઓ માંસ, દારુ વગેરે છૂટથી ખાય-પીએ છે તેની આકરી ટીકા કરી છે. કથાનો આરંભ થાય છે મુંબઈની ‘તાતાની તાજ મહેલ’ હોટેલમાં.  ગુજરાતમાં એક બાજુથી સમાજ સુધારાની ચળવળ જોરશોરથી ચાલી રહી હતી અને તેની તરફેણમાં લખનારાઓ ઘણા હતા, તો બીજી બાજુ તેનો ઉગ્રપણે વિરોધ કરનારી એક નાની પણ બોલકી ટોળકી પણ હતી. નારાયણ વસનજી ઠક્કુર આ ટોળકીના સભ્ય હતા. એટલે, ભલે આ પુસ્તકમાં સરકારની ટીકા ન હોય, પણ બ્રિટિશ જીવન-પદ્ધતિની ટીકા હતી, તેનો ઉપહાસ પણ હતો તેથી સરકારને આ પુસ્તક વાંધાજનક લાગ્યું હશે.

પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાં ગાંધીકૂચ (આલ્બમ) એવું નામ જોયું ત્યારે થોડી નવાઈ લાગેલી. ગાંધીજીના ફોટાના આલ્બમ પર પ્રતિબંધ મૂકવા પાછળ શું કારણ હશે? સારે નસીબે એ પુસ્તક જોવા મળ્યું અને જોતાંવેંત મનમાંની શંકા દૂર થઇ. બધા ફોટા ૧૯૩૦ની દાંડીકૂચના, સાથેના લખાણમાં બ્રિટિશ સરકારની ભારોભાર ટીકા, અને ગાંધીજીનાં ભાષણો અને લેખોમાંથી આપેલા સંખ્યાબંધ ઉતારા. ફોટા સાથેનું લખાણ લખેલું આપણા જાણીતા સાહિત્યકાર રસિકલાલ પરીખે (૧૮૯૭-૧૯૮૨). આ પુસ્તક પ્રસ્થાન કાર્યાલયે પ્રગટ કર્યું હતું, જેની સાથે રામનારાયણ વિ. પાઠક સંકળાયેલા હતા.

૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે: “અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.” પણ આજે ૮૬ વર્ષ પછી પ્રયત્નો કરવા છતાં અંધકવિ હંસરાજભાઈ વિશેની માહિતી મળી શકી નથી. પણ આપણી આઝાદી માટેની લડત દરમ્યાન તેમનાં ગીતો ખૂબ લોકપ્રિય થયેલાં અને પ્રભાતફેરી, સભા-સરઘસ વગેરેમાં નિયમિત રીતે ગવાતાં. આ પુસ્તિકા સરકારે જપ્ત કરી હતી. કારણ તેના એકે એક પાના પર જે ગીત હતાં તેમાં સરકાર વિરુદ્ધનો દારુગોળો ઠાંસી ઠાંસીને ભર્યો હતો. એક ગીતના આરંભની પંક્તિઓ:

ક્યાં સુધી સામ્રાજ્ય સત્તા? ચંદ રોજ,
ક્યાં સુધી એની મહત્તા? ચંદ રોજ.

પણ એમનું સૌથી વધુ જાણીતું થયેલું ગીત તે તો છેલ્લે છપાયેલું ‘પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં’. આ લખનારને બાળપણમાં આ ગીત ગવાતું સાંભળ્યું હોવાનું યાદ છે. આ લાંબા ગીતની થોડીક પંક્તિઓ જોઈએ:

ટૂટ્યા ચોરા ને ટૂટ્યા ગોચરો
ટૂટ્યા ટૂટ્યા પાણિયારીના ઘાટ રે.
થાપ્યાં થાણાં ને થાપી કોઠીઓ,
આદર્યા કાળા કોપના વેપાર રે.

આપણાં ભાષા-સાહિત્ય ઉપર ગાંધીજીનો પ્રભાવ એટલો તો વ્યાપક હતો કે ૧૯૨૦ પછીનાં ત્રીસેક વર્ષના ગાળાને આપણે ‘ગાંધીયુગ’ તરીકે ઓળખીએ છીએ. પણ આ યુગના અગ્રણી સાહિત્યકારોમાંથી બહુ ઓછાનાં પુસ્તકો જપ્ત થયાં હોય તેમ જણાય છે. તેમાં બે અપવાદ છે: એક, ઝવેરચંદ મેઘાણી અને બીજા મનુભાઈ પંચોળી ‘દર્શક.’ માત્ર ૩૦ પાનાંનો મેઘાણીનો કાવ્યસંગ્રહ સિંધુડો ૧૯૩૦ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયો. સવિનય કાનૂનભંગની ચળવળ તે જ દિવસે શરૂ થઇ. પુસ્તકની દસ હજાર નકલ છપાયેલી. બ્રિટિશ સરકાર જાગે અને જપ્તી જાહેર કરે તે પહેલાં તો તેમાંની ઘણીખરી નકલો વેચાઈ ગઈ હતી. છતાં લોકોની માગ તો ચાલુ જ હતી. એટલે રતુભાઈ અદાણીએ પોતાના સુંદર હસ્તાક્ષરમાં સિંધુડાની નકલ કરી હતી અને ભાવનગરના એક મકાનના ભોંયરામાં તેની પાંચ હજાર નકલ સાઈકલોસ્ટાઈલ કરીને ઠેર ઠેર મફત વહેંચવામાં આવી હતી. પહેલી આવૃત્તિ પછી બરાબર બે વર્ષે, ૧૯૩૨ના એપ્રિલની છઠ્ઠી તારીખે આ પુસ્તકની ‘કાનૂનભંગ આવૃત્તિ’ પ્રગટ થઇ હતી. તેની પ્રસ્તાવના વજુભાઈ શાહે લખી હતી. ૧૯૩૦ની લડતને પચાસ વર્ષ થયાં ત્યારે આ પુસ્તકની ‘સુવર્ણ જયંતી આવૃત્તિ’ પ્રગટ થઇ હતી. પહેલી આવૃત્તિના નિવેદનમાં મેઘાણીએ લખેલું: “આશરે છેલ્લા એક વર્ષથી ‘સૌરાષ્ટ્ર’ના મુખપૃષ્ઠ પર જે ગીતો દેખાતાં હતાં તેનો – થોડાંક બીજાં સહિત – આ નાનો સંગ્રહ ‘સિંધુડો’ નામે પ્રગટ થાય છે … ગીતો કાવ્યત્વની કસોટીએ તો કાચાં છે જ; પણ પ્રસિદ્ધિ કરવાનો અધિકાર એક જ છે; જેઓએ વાંચ્યાં-સાંભળ્યાં છે તેઓની ચાહના. કેટલેક સ્થળે મોટી મેદનીઓ વચ્ચે પણ ઝિલાયાં છે. આમાંનાં કેટલાં એક યુરોપિ કવિતાનો આધાર લઇ રચાયાં છે: બાકીનાં સ્વયંસ્ફુિરત છે. સ્વયમસ્ફૂરણાનો જેમ ગર્વ નથી, તેમ આધાર લઇ રચેલાની શરમ પણ નથી. શું અનુવાદમાં કે શું સ્વયમકૃતિમાં, જેટલું સ્વાભાવિક હોય તેટલું જ સાચું છે.” પછીથી સિન્ધુડોનાં કાવ્યો મેઘાણીની સમગ્ર કવિતાના સંગ્રહ ‘સોના-નાવડી’માં સમાવી લેવાયાં છે. (સિન્ધુડો વિશેની આ માહિતી પણ ‘સોના-નાવડી’ની ૧૯૯૭માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાંથી લીધી છે.)

આઝાદીની લડત દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલનાં ભાષણો ‘વીરની હાકલ’ નામે બે ભાગમાં પ્રગટ થયાં. આ પુસ્તકના પહેલા ભાગની પહેલી આવૃત્તિની દસ હજાર નકલ છપાયેલી, જે જોતજોતામાં વેચાઈ ગયેલી. થોડા મહિના પછી પુસ્તકનો બીજો ભાગ પ્રગટ થયો. ત્યારે સરકારે બંને ભાગ જપ્ત કર્યા. મહાદેવભાઈ દેસાઈ એક પોલિસ સ્ટેશનમાં ક્યારે ધરપકડ કરવામાં આવે તેની રાહ જોતા બેઠા હતા ત્યારે તેમણે પુસ્તકના પહેલા ભાગની પ્રસ્તાવના લખી હતી. તેમાં તેમણે લખ્યું: “એવો કયો ગુજરાતી હશે કે જે સરદારની વાણી સાંભળીને તેમાંના કોક નહિ તો કોક ઉદ્ગારને યાદ કરતો ન હોય, સંઘરી રહ્યો ન હોય. એ હાકલના શબ્દેશબ્દમાં જે જોમ ભર્યું છે, જે આગ ઝરે છે તેનાથી કયું હૃદય સ્પર્શ થયા વિના રહ્યું હોય?” પહેલા ભાગમાં જે ભાષણો મૂક્યાં છે તે સરદારની દેખરેખ નીચે પ્રગટ થયેલી બારડોલી સત્યાગ્રહ પત્રિકાઓમાંથી લેવાયાં છે અને એટલે તે વધારે પ્રમાણભૂત છે. જ્યારે બીજા ભાગમાંનાં ભાષણો અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલોને આધારે તૈયાર કર્યાં છે. જો કે બને તેટલા પ્રમાણભૂત થવાના આશયથી દરેક ભાષણ માટે કોઈ એક અખબાર પર આધાર ન રાખતાં ત્રણ-ચાર અખબારોના અહેવાલોનો આધાર લઈને સંકલન કર્યું છે. બન્ને ભાગનું સંપાદન રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી (જોડણી પુસ્તક પર છાપ્યા પ્રમાણે) એ કર્યું છે અને પ્રકાશન પ્રસ્થાન કાર્યાલયે.

   

કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા સંપાદિત સ્વરાજ્યનાં ગીતો પુસ્તકની પહેલી આવૃત્તિમાં કુલ ૧૫૫ ગીતો હતાં અને તે ૧૯૩૧માં ગાંધીજીના જન્મ દિવસે પ્રગટ થઇ હતી. અમદાવાદના ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે તે પ્રગટ કરી હતી. તેમાં ગીતોને સાત ખંડોમાં વહેંચીને મૂક્યાં છે: પ્રભાત ફેરીનાં ગીતો, તિરંગાગાન, સભાનાં ગીતો, સરઘસનાં ગીતો, રાષ્ટ્રીય રાસ, વાનરસેનાનાં ગીતો અને મિજલસ ગીતો. આઝાદીની લડત શરૂ થઇ એ પહેલાં ગાંધીજીની રેંટિયાપુરસ્કાર અને મદ્યનિષેધની પ્રવૃત્તિથી ગુજરાતના આદિવાસીઓના જીવનમાં કેવું ચૈતન્ય આવ્યું હતું તેની પ્રતીતિ કરાવતાં ચોધરી, ગામિત, ઢોડિયા, વગેરે જાતિના કવિઓએ લખેલાં કેટલાંક ગીતો તેમની બોલીમાં જ અહીં મૂક્યાં છે તે આ સંગ્રહની એક આગવી વિશિષ્ટતા છે. ગામિત બોલીમાંના એક ગીતની આરંભની પંક્તિઓ છે:

દુઉઉ દુઉઉ જાજે દારૂ,
માયા ઘરામાં ય રખે રા!
પેલસે પેલસે જાજે દારૂ,
માયા ઘરામાં ય રખે રા!
આબદા વેઠી તું એથી ભારી,
મઅયેં વગર મોતે રા!
તું નાંઈ ઓય તો આમ્હે જો દેશમાંય,
આમ્હાં સુખમાંય રો’તે રા!

આ પુસ્તક પ્રગટ થયા પછી થોડા દિવસમાં જ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ૧૫૭ ગીતો સાથે પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૩૮માં પ્રગટ થઇ હતી. પણ તે વખતે મુંબઈ રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને કનૈયાલાલ મુનશી તેના ગૃહપ્રધાન હતા. તેમણે આ પુસ્તક પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો હતો.

ક્રાંતિને માર્ગે પુસ્તક લખાયું ૧૯૩૦માં, પણ પ્રગટ થયું ૧૯૩૨માં. તેના લેખક પ્રભાકર બિહારીલાલે તેની પ્રસ્તાવના લખવાની વિનંતી કાકાસાહેબ કાલેલકરને કરી અને પુસ્તકની હસ્તપ્રત તેમને વાંચવા મોકલી. મુસાફરી દરમ્યાન વાંચવાના આશયથી કાકાસાહેબે એ હસ્તપ્રત પોતાની બેગમાં મૂકી. પણ મુસાફરી દરમ્યાન તે બેગ ચોરાઈ ગઈ. કાલેલકરે ગુજરાતી તથા મરાઠી છાપામાં જાહેરખબર છપાવીને  ચોરને વિનંતી કરી કે બીજું કાંઈ નહિ તો પણ તે હસ્તપ્રત તેમને પાછી મોકલી દે. પણ હસ્તપ્રત મળી નહિ. સારે નસીબે લેખક પાસે બીજી નકલ હતી. તેને આધારે કાલેલકરે પ્રસ્તાવના લખી. પણ આ બધામાં સારો એવો સમય ગયો એટલે પુસ્તક ૧૯૩૨માં પ્રગટ થઇ શક્યું. પણ પ્રગટ થતાં વેંત સરકારે તેની નકલો જપ્ત કરી. લેખકના કેટલાક વિચારો તો આજે પણ વધુ પડતા જલદ લાગે તેવા છે. જેમ કે: “આપણા દેશમાં, સત્યાગ્રહની ચળવળ દરમ્યાન જે ધનિકો આગેવાન તરીકે ગણાયા છે તે સાચા આગેવાન નથી, પણ સહાયક છે. જો તેમને સાચા આગેવાન થવું હોય તો તેમણે ધનિક મટી જ જવું જોઈએ. ગરીબનો આગેવાન ગરીબ જ હોય. જ્યાં સુધી નેતા અને અનુયાયીમાં, માનસિક શક્તિ સિવાય બીજી બધી રીતે સામ્ય ન હોય ત્યાં સુધી નેતા અને અનુયાયીનો સાચો સંબંધ હોઈ જ ન શકે.”

મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં બે નાટકો ઉપરાઉપરી પ્રગટ થયાં: ૧૯૩૪માં જલિયાંવાલા અને ૧૯૩૫માં ‘૧૮૫૭.’ બંને નાટકો પર સરકારે તરત જ પ્રતિબંધ મૂકેલો. તે માટેનું કારણ દેખીતું છે. આ નાટકો પ્રગટ કરતાં પહેલાં લેખકને પાકો વહેમ તો હતો જ કે સરકાર તેના પર પ્રતિબંધ મૂકશે. એટલે ‘૧૮૫૭’ની પ્રસ્તાવનામાં તેમણે ચોખવટ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે: “સરકાર સામે ધિક્કાર ફેલાવવાનો આશય હોવાની કલ્પના સાવ નિર્મૂળ છે. ‘જલિયાંવાલા’ કે ‘૧૮૫૭’ને ધ્યાનપૂર્વક વાંચનારાને પણ એ સ્વીકાર્યા વિના નહિ ચાલે.” પછીનાં વર્ષોમાં દર્શક આપણા એક મૂર્ધન્ય સારસ્વત, શિક્ષણશાસ્ત્રી, અને જાહેર જીવનના અગ્રણી તરીકે આગળ આવ્યા. પણ આ બે નાટક પ્રગટ થયાં ત્યારે હજી સાહિત્યના ક્ષેત્રે તેમનો પ્રવેશ તાજો જ થયેલો હતો. નાટક તરીકે આ બંને કૃતિઓ સારી એવી નબળી છે. રઘુવીર ચૌધરીએ તેમને દર્શકે લખવા ધારેલાં નાટકોના કાચા ખરડા તરીકે ઓળખાવ્યાં છે. દર્શક આ અંગે પણ સભાન હતા. લખે છે: “સાહિત્યમાં જલિયાંવાલા કે ૧૮૫૭ એ કયા ખાનામાં જાય તેની મને ખબર નથી. તેને નાટક કહેવાય કે કેમ એ હું કહી શકું એટલું મારું નાટ્યશાસ્ત્રનુ જ્ઞાન નથી. મને આ રીતે મૂકવું ફાવ્યું છે એટલું જ કહેવું બસ થશે.”  ૧૮૫૭ની ઘટનાઓને કેન્દ્રમાં રાખીને પછીથી દર્શકે બંધન અને મુક્તિ નામની નવલકથા લખી તે નાટક કરતાં વધુ સંતોષપ્રદ બની છે. પણ ૧૮૫૭ નાટકની પ્રસ્તાવના આજે વધુ ધ્યાન ખેંચે એવી છે. આપણા અગ્રણી પત્રકાર અમૃતલાલ શેઠે એ પ્રસ્તાવના લખી છે. અંગ્રેજો ૧૮૫૭ની ઘટનાને ‘સિપાઈઓનો બળવો’ તરીકે ઓળખાવતા હતા તે સાથે અમૃતલાલ શેઠ સહમત ન થાય તે તો દેખીતું છે. પણ સાવરકર અને તેમના સાથીઓ ૧૮૫૭ની ઘટનાને ‘પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ’ તરીકે ઓળખાવતા હતા એ વાત સાથે પણ શેઠ સહમત થતા નથી. શેઠ કહે છે કે એ વખતે કેટલાક રાજાઓને પોતાનું રાજપાટ પાછું મેળવવામાં જ રસ હતો અને તેથી તેમણે ચળવળને ટેકો આપ્યો હતો. અંગ્રેજોને બદલે લોકોનું રાજ્ય સ્થપાય એવો ઉદ્દેશ તેમાંના કોઈ રાજાના મનમાં પણ હતો નહિ. શેઠ એમ પણ કહે છે કે ૧૯૫૭ની ઘટનાને પરિણામે રાજાઓ વધુ મજબૂત બન્યા, કારણ ડેલહાઉસીની ‘ખાલસા નીતિ’ની લટકતી તલવાર તેમને માથેથી દૂર થઇ હતી. શેઠ ઉમેરે છે કે જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો દેશના ઘણાખરા ભાગ પર બ્રિટિશ સરકારની હકૂમત સ્થપાઈ ગઈ હોત અને તો દેશ વધુ સુગ્રથિત બન્યો હોત. પ્રસ્તાવનામાં શેઠે જે વિચારો વ્યક્ત કર્યા છે તે સાથે આપણે સહમત થઈએ કે નહિ તે જુદી વાત છે, પણ પોતાને જે લાગ્યું તે બેધડકપણે લખવા માટેની તેમની હિંમતને તો આપણે દાદ દેવી જોઈએ. દર્શકનાં આ બંને પુસ્તકો રાણપુરના સૌરાષ્ટ્ર કાર્યાલયે પ્રગટ કર્યાં હતાં.

નેશનલ આર્કાઈવ્ઝની પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાંથી જે થોડાંક પુસ્તકો મુંબઈમાં બેઠાં જોવાનું શક્ય બન્યું તે પુસ્તકો વિષે જ અહીં થોડી વાત કરી છે. તે ઉપરાંત કવિતા/ગીતનાં નીચેનાં પુસ્તકો પણ સરકારે જપ્ત કર્યાં હતાં: હમારા દેશ (કેશવલાલ ગોકુલદાસ શાહ), કિસાન રણગીતો (?), રણનાદ (?), રાષ્ટ્રીય કુસુમાવલિ (?), સૈનિક સૂર (સી.પી. ચુડગર), સત્યાગ્રહ ગીતા (વલ્લભદાસ ભગવાનજી ગણાત્રા). આ ઉપરાંત ગદ્યમાં લખાયેલાં નીચેનાં પુસ્તકો પણ સરકારે જપ્ત કર્યાં હતાં: ભઠ્ઠી (ચંદ્રભાઈ ભટ્ટ), દરિયે દવ લાગ્યો (ચંદ્રભાઈ ભટ્ટ), દિલ્હીનો છેલ્લો બાદશાહ બહાદુરશાહ જફર (નારાયણ વસનજી ઠક્કુર), ઈશુ અને ગાંધી (કપિલપ્રસાદ મહાસુખભાઈ દવે), ધર્મયુદ્ધનાં રહસ્ય (સં. રણછોડજી કેસરભાઈ મિસ્ત્રી), ક્રાંતિની ચિનગારીઓ (નિરંજન), ભારતનું ઘડતર (રમણલાલ ચુનીલાલ), મારી જનમટીપ(વિનાયક દામોદર સાવરકર)નો ગુજરાતી અનુવાદ, આશા-નિરાશા (ઇન્દુલાલ યાજ્ઞિક). આ ઉપરાંત કુમાર (૧૦૦મો અંક), નવ સૌરાષ્ટ્ર, સલાહકાર, સત્સંગ, સત્યજીવન, ઊર્મિ, વીસમી સદી, જેવાં સામયિકોના કેટલાક અંકો પણ જપ્ત થયા હતા.

આપણે ત્યાં પીએચ.ડી.ની ડિગ્રી માટે એકના એક, ચવાઈને ચૂથો થઇ ગયેલા વિષયો પર વિદ્યાર્થીઓ ‘મહાનિબંધ’ ઢસડી નાખે છે. એના કરતાં બ્રિટિશ અમલ દરમ્યાન પ્રતિબંધિત પુસ્તકો પર કોઈએ શોધ નિબંધ તૈયાર કરવો જોઈએ. તે માટે જરૂર છે થોડો વખત દિલ્હી અને લંડન રહેવાની. પણ આવી મહેનત કરવાની ટેવ નથી તો આપણા વિદ્યાર્થીઓને કે નથી તેમના ‘માર્ગદર્શકો’ને. આવા કામ આપણી સાહિત્યિક સંસ્થાઓ પણ કરી-કરાવી શકે, પણ એ તો આવી પળોજણમાં પડે જ શાની?

XXXX

e.mail : deepakbmehta@gmail.com

(પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, અૉગસ્ટ 2017; પૃ. 22-26 અને 09) 

Loading

આજે ગુજરાતી ભાષાસાહિત્યના ભવિષ્યને કોને હવાલે કરાય એમ છે? નીવડેલા સાહિત્યકારો આત્મનિતુષ્ટ છે, સંસ્થાઓ આત્માનુરાગી સંકલ્પોમાં જકડાઇ ગઇ છે

સુમન શાહ|Opinion - Literature|28 July 2018

 'ક્રિટિક્સ ગિલ્ડ'

સાહિત્યક્ષેત્રે આપણે ત્યાં લીલો દુકાળ પડ્યો છે. ખૂબ જ લખાય છે, લાઇનનું ઑનલાઇનનું બધું જ છપાય છે

નીવડેલા તેમ જ નવા આપણા ઘણા સાહિત્યકારોને લાગે છે કે સાહિત્યક્ષેત્રે આજકાલ આપણે ત્યાં લીલો દુકાળ પડ્યો છે. ખૂબ જ લખાય છે, લાઇનનું ઑનલાઇનનું બધું જ છપાય છે. લીલો કે સૂકો દુકાળ પડ્યો હોય ત્યારે હંમેશાં મને વિવેચકો યાદ આવે છે. થાય કે એ લોકો ક્યાં સંતાઈ ગયા છે. વિવેચક તો સાહિત્યજગતનો રખેવાળ ગણાય. જરૂરી છે કે દુકાળનું નિરીક્ષણ કરે, દુકાળ કેમ પડ્યો તેનાં કારણો જણાવે ને દુકાળથી છુટાય એવા ઉપાય સૂચવે. ઈશ્વર નથી એમ માનતા હોઇએ તો માનવું રહે છે કે એ નથી એટલે સંસારમાં નરસું કંઇપણ બની શકે છે. વિવેચક નામનો વિવેકબૃહષ્પતિ નથી હોતો ત્યારે સાહિત્યજગતમાં પણ એમ જ બને છે. સૂકા દુકાળ વખતે ખોરાક અને દૂધપાણીના સાંસા પડતા હોય છે. લીલા દુકાળમાં ચોપાસ દુર્ગન્ધ અને પ્રાણઘાતક કચરો વધતો ચાલે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે સંતાઇ ગયેલા વિવેચકો થોડીકેય દાઝથી બ્હાર નીકળે તો સૌ પહેલાં એમણે કચરો સાફ કરવો પડશે. પણ બ્હાર આવશે ખરા? કચરામાં હાથ નાખવા તૈયાર થશે ખરા? એ સળગતા સવાલના ઉકળાટ વચ્ચે થોડી ઉપયોગી વાતો કરું.

વરસો પહેલાંની વાત છે. મેં ખ્યાતનામ હિન્દી સાહિત્યકાર નામવર સિંહને (1927 -) કહેલું : નામવરજી, હમ સારે દેશ કે ગણમાન્ય સમીક્ષકો કા એક ગિલ્ડ બનાયે તો કૈસા? ક્રિટિક્સ ગિલ્ડ? : એ બહુ રાજી થયેલા : હોના ચાહિયે, અચ્છી બાત હૈ, આપ પ્રસ્તાવ બનાઇયે, મૈં જાનેમાને સભી સમીક્ષકો કો બતા દૂંગા કિ યહ કરના હૈ; ઔર, હો જાયેગા : પણ પછી હું શેમાં ય ખોવાઇ ગયો હોઇશ, ન થયું.

અહીં અમેરિકામાં 'સીક્રેટ્સ ઑફ ધ બુક ક્રિટિક્સ' નામનું એક સંગઠન છે. એમાં અમેરિકાના ઘણા બુક-જર્નાલિસ્ટ્સ જોડાયેલા છે. તેઓ સાહિત્યિક પત્રકારો છે પણ સાહિત્યના જાણકાર-સમજદાર રસિક સમીક્ષકો પણ છે. શિષ્ટ સાહિત્યથી માંડીને પ્રવર્તમાન સાહિત્યની વાતો કરે, ચર્ચાઓ ઉપાડે, મૂલ્યાંકનો કરે, પુનર્મૂલ્યાંકનો કરે. વિવેચનપ્રવૃત્તિની પણ સમીક્ષા કરે. પ્રવર્તમાન સોશ્યલ મીડિયાએ સાહિત્યસર્જન વાચન અને સમીક્ષા બાબતે કેવા પ્રશ્નો ખડા કર્યા છે તેની નુક્તેચિની કરે. સમજો, પ્રવર્તમાન સાહિત્યિક પરિદૃશ્ય પર ચાંપતી નજર રાખનારી સદા-જાગ્રત વ્યક્તિઓ. અને આ સંગઠન એટલે, વિકાસલક્ષી વાતોની એક આવકાર્ય અને દેશવ્યાપી જીવન્ત ચહલપહલ.

ભારતના પ્રાદેશિક સાહિત્યના લેખકો મતમતાન્તરો માટે સંગઠિત છે એટલા મતૈક્ય માટે નથી. મતૈક્ય માટે સંગઠિત ન હોય એ બાબત એક અર્થમાં તો સારી વસ્તુ છે કેમ કે એથી વિવાદો થાય ને તત્ત્વબોધ મળે. આપણે ત્યાં છઠ્ઠા-સાતમા દાયકામાં 'પરમ્પરાગત' અને 'આધુનિક' એવાં બે વિવેચનસ્વરૂપો સ્થિર થયેલાં. દરેકના પક્ષકાર એવા જૂના અને નવા વિવેચકો હતા. બન્ને વચ્ચે ઘણી સૈધ્ધાન્તિક અથડામણો થયેલી. પરિણામે, સાહિત્યકલાબોધ સ્વચ્છ અને સ્પષ્ટ થયેલો. આજે નથી એવા વિવેચકો કે નથી એવી અથડામણો. એટલે 'ક્રિટિક્સ ગિલ્ડ' હોત તો પણ એમાં જોડાવાનો તો પ્રશ્ન જ કેવો ! વળી, 'સીક્રેટ્સ ઑફ ધ બુક ક્રિટિક્સ' જેવું સંગઠન ભારત માટે વ્યવહારુ ધોરણે શક્ય નથી. કેમ કે ભારત વિવિધ ભાષાઓના સાહિત્યોનો દેશ છે. વિવિધ ભાષાના સમીક્ષકોને અખિલ ભારત માટે જોડવા માટેના સર્વસામાન્ય મુદ્દા મળી આવે તો પણ વાત જે-તે પ્રાદેશિક ભાષામાં જ થયા કરવાની. સંગઠનનું માધ્યમ હિન્દી રખાય તો પણ અંગ્રેજી ભણી વળી જવું સમુચિત લાગવાનું …

હા પણ, પ્રશ્નો તો છે ! દરેક પ્રાદેશિક સાહિત્યમાં છે ! આપણી જ વાત કરીએ : પ્રશિષ્ટ અને શિષ્ટ સાહિત્ય તો જાણે ભુલાઇ ગયું છે. બાકી, દરેક વરસે કાલિદાસ શેક્સપિયર અને રવીન્દ્રનાથ વગેરેને તેમ જ ગોવર્ધનરામ મુનશી સુન્દરમ્ કે રાજેન્દ્ર શાહને જુદા જુદા હેતુ રચીને અવનવી રીતે પામી શકાય. સાર્ત્ર કાફ્કા કામૂથી ઓળખાતી આપણા જ સમયની વિશ્વકક્ષાની સાહિત્યકોટિથી પણ ક્યાં લગી વેગળા ને વેગળા રહેવું છે? પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યનાં રૂપાળાં લોકાર્પણો થાય છે, મભમ ગાણાં ગવાય છે, પણ એની મનભર સમીક્ષાઓ ક્યાં છે? પુનર્મૂલ્યાંકનોની વાત છોડો. કેમ કે મૂલ્યાંકનો થયાં હોય પછી પુનર્મૂલ્યાંકનો થાય. સુરેશ જોષી પછીના એક પણ સાહિત્યકારનું પાકા પાયે મૂલ્યાંકન થયું છે ખરું? આ સમયગાળાને આપણે 'અનુ-આધુનિક' કહીએ છીએ. 'આધુનિક' પછીનું એટલે 'અનુ-આધુનિક' એમ કહીએ, તો એ તો 'એકડે એક' કહેવા જેવું નર્યું પ્રાથમિક થયું. વિવેચકે બતાવવું જોઇએ કે કેટકેટલા ગુણોને કારણે એ 'અનુ' છે. 'ફેસબુક' વગેરેથી ફાલેલું સોશ્યલ મીડિયા અદ્ભુત અતળ મહાસાગર છે અને સાહિત્યકલાના અભ્યાસીઓ તેમ જ રસિયાઓ માટે અતિ અતિ ઉપકારક આવિષ્કાર છે. એમાં તરી શકાય ડૂબી શકાય ને કશુંક કીમતી લઇને બહાર આવી જવાય. પણ એમ કરતાં આવડે છે કેટલું?

સમાન હેતુને વરેલા અને એકમેકને સમજીવિચારીને મદદ કરનારા લોકોના સંગઠનને 'ગિલ્ડ' કહેવાય -સંઘ કે મહાજન. 'વેપારી મહાજન' છે એમ 'વિવેચન મહાજન' હોય. પણ એ માટે તમારી પાસે એકથી વધુ વિવેચકો હોવા જોઇએ. જન હોય તો મહાજન થાય ! પણ જુઓ, એકદમ શક્ય છે : એકોએક આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિષય છે અને એના વિભાગમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ત્રણ અધ્યાપકો છે એવી મારી ધારણા છે. યુનિવર્સિટી ડિપાર્ટમૅન્ટ્સમાં તો યુનિવર્સિટીના માભાને લીધે પણ મોટી સંખ્યા રખાતી હોય છે. એ બે-ત્રણમાંથી કોઇ એક અને મોટી સંખ્યાવાળામાંથી કોઇ બે એમ કુલ ત્રણ જણા નક્કી કરે કે સરજાતા સાહિત્યનું વિવેચન કરવું છે, તો બિલકુલ કરી શકે. બે દિવસમાં લીલા દુકાળની જડતી લઇ નાખે. લીલો દુકાળ એક રીતે સારો. સારા-નરસાનો ઝટ હૂઝકો પડે. સ્પષ્ટ દર્શાવી દે, કોણ સિદ્ધ થવા પાત્ર છે, કોણ ઘાસફુસ છે. કેમ કે સવાર પડ્યે આ અધ્યાપક લોકો કેટલા ય પુરોગામી સાહિત્યકારોને પોતાની વાતમાં જોડતા હોય છે. વિવેચનાત્મક અનેક વિભાવનાઓને પ્રયોજતા હોય છે. કેટલીયે કૃતિઓને તળે ઉપર કરતા હોય છે. કહેવાનો મતલબ, વિવેચન એમનો રોજિંદો વ્યવસાય છે.

કોઇ માંયકાંગલાને કે ભૂખ્યાતરસ્યાને ધનવાનની સમીક્ષા કરવાનું કહીએ તો મૂરખમાં ગણાઇએ. હું અધ્યાપકોને એટલે કહું છું કે તેઓ તરોતાજા ને શક્તિમાન છે. એમને સારા સમુચિત ઊંચા પગાર અને પ્રોફેસર હેડ આસિસ્ટન્ટ ઍસોસિએટ વગેરે માનપાનભર્યાં પદ-પદક અપાયાં છે. હંમેશાં ફૅશનેબલ વસ્ત્રોમાં હૅન્ડસમ અને બ્યૂિટફુલ દેખાતાં હોય છે. હા, મેં જોયાં છે એમને. લગભગ કોઇ પણ યુનિ-અધ્યાપક કાર-વાન છે. મતલબ, એવી કોઇ પણ વાતે પણ તેઓ સુ-સમ્પન્ન છે. મજાકમશ્કરી બાજુએ મેલીને જણાવું કે કશો પણ સુધાર કે વિકાસ થશે તો એમનાથી થવાનો છે. પેલા ત્રણ ને એમના દસ દસ સમાનધર્મા ભાઇબંધોનું એક ગિલ્ડ શું કામ ન હોય? ચાલો ને, હાલ ને હાલ એવું ગિલ્ડ બનાવીએ. બાકી આજે ગુજરાતી ભાષાસાહિત્યના ભવિષ્યને કોને હવાલે કરાય એમ છે? નીવડેલા સાહિત્યકારો આત્મનિતુષ્ટ છે. સંસ્થાઓ આત્માનુરાગી સંકલ્પોમાં જકડાઇ ગઇ છે. પ્રજાને કે કોઇને ખબર નથી કે ગુજરાતી સાહિત્યનું ખરેખર શું થવા બેઠું છે. પણ, રે ભલા, આપણને સાહિત્યહિતના દાઝીલાઓને તો એની ખબર છે જ છે – ખરું કે નહીં?

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 28 જુલાઈ 2018

Loading

‘પોતે હરિને ન જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ; એહેવા ગુરુને ઘણા સંસાર, તે અખા શું મૂકે પાર ?’

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|27 July 2018

ગુરુમહિમાના અતિરેકમાં ‘ગુરુ’ વિભાવના તરફનાં ક્રિટિકલ કે સમ્યક દૃષ્ટિબિંદુઓ પર ધ્યાન જતું નથી. અખાના છપ્પા અને દ્રોણાચાર્યના પુરાકલ્પનની ટીકા જેવા ભિન્નમત પણ વિચારણીય છે

ગુરુમહિમાના અતિરેકે આપણા સમાજમાં કાળો કેર વર્તાવ્યો છે. તેને પરિણામે પોતાનાં નામ પહેલા સદગુરુ, બાબા, સ્વામી, માતા, સંત, ધ.ધૂ.પ.પૂ. જેવાં લટકણિયાં લગાવનારાંનો રાફડો ફાટી નીકળ્યો છે. તેમાંથી ઘણાંએ આડંબર અને ઐયાષી, સંપત્તિ અને સત્તાનાં તો કોટકિલ્લા ચણી દીધા છે. તેને ભેદવા માટે સુરક્ષા દળો ઊતારવાની અદાલતોએ આ દેશની સરકારોને ફરજ પાડી છે. વૈજ્ઞાનિક અભિગમને બંધારણીય પ્રતિજ્ઞાથી વરેલા ભારતના શાસકો પણ ગૉડમેનોને ગણતરીપૂર્વક શરણે ગયા છે. આઝાદ ભારતનાં રાજકારણીઓના ગુરુઘંટાલો સાથેનાં ગઠબંધનોની લાંબી યાદી છે. તેનાથી બિલકુલ વિપરિત, આપણા બે મનીષીઓના ગુરુઓ કે માર્ગદર્શકો યાદ કરવા જેવા છે. ગાંધીજીના ગુરુઓ રાજચન્દ્ર, ટૉલ્સ્ટૉય, રસ્કિન અને થોરો હતા; આંબેડકરે બુદ્ધ, કબીર અને જોતિરાવ ફુલેને ગુરુ ગણ્યા હતા.

ગોબરી ગુરુબાજીના માહોલમાં ગુરુ સંકલ્પના વિશે ક્રિટિકલ કે સમ્યક દૃષ્ટિથી થયેલી અભિવ્યક્તિઓ નજરઅંદાજ કરવા જેવી નથી. તેમાં સત્તરમી સદીનો કવિ અખો મોખરે છે. આ તત્ત્વદર્શીએ છપ્પામાં તેના સમયના દંભી અને અહંકારી ગુરુઓ પર જે ચાબખા માર્યા છે તે ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. છપ્પાના વિષય મુજબ કરેલા વિભાગો ‘અંગ’ તરીકે ઓળખાય છે. એકાવન અંગમાં તેમાં ત્રીજા જ  ક્રમે ‘ગુરુ અંગ’ છે. તેનાં પાંચેય છપ્પામાં આ ‘હસતા કવિ’એ ગુરુ વિભાવના પર વ્યંગ કર્યો છે. અખાજી ગુરુને પૂછે છે : ‘ ગુરુ થઈ બેઠો હૂંસે કરી, કંઠે પહાણ શકે ક્યમ તરી?’. સલાહ આપીને સવાલ કરે છે : ‘તું તારું મન નાહનું પીસ, શાને મોહોટમ લે છે શીશ ?’અને ‘તું તારું સલૂઝીને બેસ, કાં ચોળે ડીલ પિયારી મેશ?’ વળી એ સીધું જ  કહી દે છે: ‘પહેલે પેર પરમારથ પ્રીછ, પછે ગુરુ થાવાને ઇચ્છ’. આવા વિચાર સાથેના છૂટાછવાયા છપ્પા અન્ય વિભાગોમાં પણ છે. જેમ કે, ‘ફુટકળ અંગ’માં તે લખે છે : ‘દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતા વાધ્યો શેર

ચર્ચા વાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો’.

અખાનો બહુ જાણીતો છપ્પો છે :

‘ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ
ધન  હરે  ધોકો નવ હરે, એવો ગુરુ કલ્યાણ શું કરે?’

જો કે કેટલાક છપ્પા અને ‘અખેગીતા’ના કડવાંમાં અખાએ સદગુરુનું ભારે ગૌરવ કર્યું છે. એમ કબીરે દોહામાં પણ કર્યું છે. છતાં તેમને પણ એમ કહી  રાખવાની જરૂર જણાઈ છે કે :

‘ગુરુ લોભ શિષ લાલચી, દોનોં ખેલે દાવ
દોનો બુઢે બાપુરે,ચઢી પાથર કી નાંવ.’

ગુરુ વિશેની એક સાફ વાત આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા ગણિતશાસ્ત્રી પ્ર.ચૂ. વૈદ્યે કરી છે. વૈવિધ્યપૂર્ણ વાચનીય નિબંધિકાઓનાં, ‘પસ્તીનાં પાનાં’ નામનાં સંગ્રહમાં તે નોંધે છે: ‘મને આ ગુરુ-શિષ્ય પરંપરામાં શ્રદ્ધા નથી. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થાય જ નહીં, અને જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે ઝટ પહોંચી જવા એક ગુરુ રાખવો એ કાંઈ મને યોગ્ય લાગતું નથી. મારો ગુરુ તો હું પોતે, મારે વળી બીજા ગુરુની શી જરૂર ? અને જો હું પોતે સ્વપ્રયત્ને જ્ઞાન પ્રાપ્ત કરી શકીશ એટલી શ્રદ્ધા ધરાવતો ન હોઉં તો પછી મારે ગુરુની જરૂરત શી રહી ?’ નિબંધિકાને અંતે વૈદ્યસાહેબ કાકા કાલેલકરના ‘વાત્સલ્યની પ્રસાદી’માંથી ટાંકે છે :‘માણસને બધી રીતે ઓળખી શકે તેવો તો તે પોતે જ હોઈ શકે … ગુરુ પોતાની પાસેનું બધું આપવા તૈયાર હોય છતાં અંતિમ આધાર શિષ્યની લેવાની શક્તિ પર જ હોઈ શકે. એથી ગુરુનિષ્ઠા કરતાં શ્રેષ્ઠ છે આત્મનિષ્ઠા.’

જો કે આ ફકરો સૂચવે છે તેટલું, ગુરુ-શિષ્ય-સંબંધ પરનું આ પુસ્તક જલદ નથી. મહારાષ્ટ્રના જાણીતા સમાજસુધારક, સાહિત્યકાર અને મૌલિક ચિંતક સાને ગુરુજી ‘ભારતીય સંસ્કૃિત’ પુસ્તકના ‘ગુરુ-ભક્તિ’ પ્રકરણમાં ગુરુ એટલે જ્ઞાન, ધ્યેય અને આપણો ભૂતકાળ એવો ખ્યાલ રજૂ કરે છે. જ્ઞાનમાર્ગી ગુરુઓ કે તેમને મળતી આવતી વ્યક્તિરેખાઓ મનુભાઈ પંચોળી ‘દર્શક’ની નવલકથાઓમાં મળે છે. વળી માત્ર સાહિત્યની દુનિયામાં નહીં રાચનારા દર્શક આચાર્યને સત્તા અને સંપત્તિ સામે શિક્ષણની સ્વાયત્તતાના પુરસ્કર્તા પણ બનાવે છે. જ્ઞાનપીઠ સન્માનિત મરાઠી કવિ વિંદા કરંદીકરે અભંગ સ્વરૂપે રચેલી એક કવિતામાં ‘સત્યજ્ઞાન વધારનારા’ સદગુરુઓને વંદન કર્યા છે. તેમાં છે : પાયથાગોરસ, ન્યૂટન અને આઇન્સ્ટાઈન જેવા ‘બ્રહ્મવેત્તા’; આત્મજ્ઞાન આપનારા ફ્રૉઇડ અને ડાર્વિન; ‘મૃત્યુંજય ધન્વન્તરી’ પાશ્ચર અને મેરી ક્યુરી; ‘દલિતોના તારણહાર અને ઇતિહાસના મરમી’ કાર્લ માર્ક્સ, ‘ભાવદ્રષ્ટા’ શેક્સપિયર-કાલિદાસ-વ્યાસ-હોમર.આખરે કવિ સદગુરુ પાસે માગે છે કે દાસનું દાસત્વ નાશ પામો.

ખુદ દાસ હોય એવા ગુરુ ખૂબ તેજસ્વી શિષ્યના હીરને હણી નાખે એવું દૃષ્ટાન્ત ગુરુ દ્રોણાચાર્યની કથામાં છે. દ્રોણ યાચક વૃત્તિના અભ્યાસી શસ્ત્રાસ્ત્રવિદ્યાનિપુણ શિક્ષક ઉચ્ચ વર્ણના ભીષ્મનાં આમંત્રણથી કૌરવ પાંડવોના ગુરુ બન્યા. તેમની પાસે આદિવાસી રાજા હિરણ્યધનુનો પુત્ર પણ શીખવા માટે આવ્યો. મહાભારતકાલીન સમાજની વર્ણવ્યવસ્થાના ભેદભાવ દ્રોણનાં પણ લોહીમાં હતા. એટલે એમણે એકલવ્યને વિદ્યા આપવાનો ઇન્કાર કર્યો. ગુરુ વિશે પરંપરાગત આદરના ખ્યાલથી બંધાયેલા વનવાસી વ્યાધપુત્રે ગુરુદ્રોણની મૂર્તિ બનાવીને ધર્નુર્વિદ્યાની સાધના કરી. તેની નિપુણતા જ્યારે દ્રોણે ખુદ જોઈ ત્યારે તેમણે એકલવ્યનો અંગૂઠો ગુરુદક્ષિણા તરીકે માગ્યો (અત્યારના ગુરુઓ તેમની ભૂરકીમાં આવેલી સ્ત્રીઓ પાસેથી તેનો દેહ માગે છે!).

એમને હતું કે નીચી ગણાતી કોમના વિદ્યાર્થી થકી રાજપુત્ર વિદ્યાર્થી અર્જુનનો ઇજારો તૂટવો ન જોઈએ. રાજપુત્રોને યુદ્ધવિદ્યા શીખવતી વખતે દ્રોણનો એક આશય તેને અપમાનિત કરનાર જૂના દુશ્મન દ્રુપદ રાજા પર પોતાના શિષ્યો થકી વેર વાળવાનો પણ હતો. જો કે મહાભયંકર યુદ્ધ દરમિયાન આવેલો દ્રોણનો જે કરુણ અંત આવ્યો એમાં તેમના જ શિષ્યોએ ખેલેલાં કાવતરાંનો પણ ફાળો હતો. તેની પણ એક વક્રતાભરી કથા છે. હિન્દી નાટ્યકાર શંકર શેષે ‘એક ઔર દ્રોણાચાર્ય’ નાટકમાં દ્રોણને ‘રાજકીય અન્નની દાસ્યતા’ સ્વીકારનારા તેમ જ વિદ્યાર્થીઓને ‘યુદ્ધનો ઉન્માદ આપનારા’  શિક્ષક તરીકે નિરૂપ્યાં છે. નાટકના અંત ભાગમાં દ્રોણાચાર્યને યુદ્ધના ભણકારા થાય છે, નજર સામે પોતાના જ વિદ્યાર્થીઓની લાશો આવે છે. આવો ઉદ્વેગ દ્રોણને ધૂમકેતુના ‘એકલવ્ય’ નાટકમાં લોહી નીગળતો અંગૂઠો મળે  છે તે ઘડીથી જ થવા લાગે છે.

આવી સાહિત્યકૃતિઓમાં ભલે દ્રોણને અપરાધબોધી બતાવ્યો હોય, આપણા સમાજના એક હિસ્સાને આવું કશું નથી. ભારત સરકાર હજુ પણ રમતગમતમાં ઉત્તમ કોચને 1985 થી ‘દ્રોણાચાર્ય સન્માન’ આપે છે. હરયાણાના ‘ગુડગાવ’, એટલે કે ‘ગોળનું ગામ’, એવાં બિલકુલ સ્થાનિક બોલીમાંથી આવેલાં સરસ મજાનાં નામને બદલીને, ગુરુગ્રામ બનાવે છે. તેના માટે વળી પુરાણોનો હવાલો આપે છે. દલિત વિષયના અભ્યાસી ગેઇલ ઑમવેટ, નબળા જૂથોને પદ્ધતિસર વંચિત રાખવાની યંત્રણા પાછળની માનસિકતા માટે મીરા કુમારે પ્રયોજેલો ‘દ્રોણાચાર્ય માઇન્ડ-સેટ’ શબ્દપ્રયોગ ટાંકે છે. જો કે જૂનાગઢમાં 1939થી વીસેક વર્ષ કન્યાકેળવણીનું પાયાનું કામ કરનાર સરસ્વતી સમાં શિક્ષિકા સરલાતાઈ જોશી એક નોંધપાત્ર વાત કરતાં: ‘આધુનિક સમયમાં શિક્ષકનું કામ એકલવ્યોને અંગૂઠા પાછા આપવાનું છે.’

એકલવ્યની વાત ફરીથી ક્યારેક. 

**********

26 જુલાઈ 2018

સૌજન્ય ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 27 જુલાઈ 2018

Loading

...102030...3,0863,0873,0883,089...3,1003,1103,120...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved