
courtesy : "The Daily Telegraph", 13 June 2018
![]()

courtesy : "The Daily Telegraph", 13 June 2018
![]()
સમજૂતી માત્ર બે મુદ્દાની છે અને એ બે મુદ્દામાં બધું જ આવી જાય છે, માત્ર માળખું નથી આવતું.
કમાલ છે, ગયા અઠવાડિયાના અંતે ગ્રુપ ઑફ સેવન(જી-૭ જેમાં અમેરિકા, કૅનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી અને જપાન સભ્યો છે)ની શિખર પરિષદમાં સભ્યદેશોના ડાહ્યા નેતાઓને ગાળો આપીને ગાંડપણ બતાવનારા અમેરિકન પ્રમુખ આ ધરતી પરના સૌથી ગાંડા માણસને મળવા સીધા સિંગાપોર ગયા હતા. મંગળવારે સિંગાપોરમાં અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે શિખર પરિષદ યોજાઈ હતી. એ પરિષદ ઘડિયાં લગ્ન જેવી હતી. ૫૦ મિનિટ ટ્રમ્પ અને કિમ વચ્ચે વાતચીત થઈ હતી અને બે કલાક બે દેશોના વિદેશ પ્રધાનો અને અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી અને ચપટી વગાડતાં સમજૂતી થઈ ગઈ હતી.
સમજૂતી માત્ર બે મુદ્દાની છે અને એ બે મુદ્દામાં બધું જ આવી જાય છે, માત્ર માળખું નથી આવતું. પહેલો મુદ્દો છે કે નૉર્થ કોરિયા એના અણુ કાર્યક્રમ સમેટી લેશે અને બીજો મુદ્દો છે અમેરિકા નૉર્થ કોરિયાનું જરૂર પડ્યે રક્ષણ કરશે. સમજૂતી પછી પત્રકારો સાથે વાતચીત કરતી વખતે અમેરિકન પ્રમુખ જ વધારે બોલતા હતા, જ્યારે કિમે ખાસ નહીં બોલવાનું પસંદ કર્યું હતું. સ્વાભાવિકપણે અમેરિકાએ નૉર્થ કોરિયા સામે લાદેલા પ્રતિબંધોનો અંત આવી જશે. સમજૂતીમાં જે ખૂટે છે એ વિગતો. નૉર્થ કોરિયા કઈ રીતે અને કેટલા સમયમાં અણુકાર્યક્રમ સમેટી લેશે એની કોઈ વિગત આપવામાં આવી નથી અને અમેરિકા નૉર્થ કોરિયાને કઈ રીતનું રક્ષણ આપશે એની પણ કોઈ વિગત આપવામાં આવી નથી. મોટા ભાગના રાજકીય નિરીક્ષકોનું અનુમાન છે કે આ સમજૂતી ટકવાની નથી.
કોરિયા ચીન, રશિયા, જપાન અને અમેરિકાના વિસ્તારવાદી રાજકારણનું શિકાર છે. જ્યારે રશિયા અને ચીન નિર્બળ હતા, ત્યારે જપાને કોરિયા પર કબજો જમાવ્યો હતો અને કોરિયાને જપાન દ્વારા રક્ષિત દેશ તરીકેનો દરજ્જો આપ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં જપાનનો પરાજય થયો હતો અને રશિયા અને અમેરિકાનો વિજય થયો હતો. કોરિયાનાં બે ફાડિયાં કરવામાં આવ્યાં હતાં; નૉર્થ કોરિયા રશિયાના પ્રભાવ હેઠળ હતું અને સાઉથ કોરિયા અમેરિકાના. પાછળનાં વર્ષોમાં નૉર્થ કોરિયા પર રશિયા કરતાં ચીનનો અને સાઉથ કોરિયા પર જપાનનો પ્રભાવ વધતો ગયો હતો એનું મુખ્ય કારણ હતું ભૌગોલિક નજદીકી.
૧૯૫૦થી ૧૯૫૩નાં વર્ષોમાં નૉર્થ અને સાઉથ કોરિયા વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં સાઉથ કોરિયા વતી અમેરિકા મુખ્ય પક્ષકાર હતું. નૉર્થ અને સાઉથ કોરિયા વચ્ચે સરહદ નિર્ધાર્ર્યા વિનાની સંદિગ્ધ છે અને એનો લાભ લઈને નૉર્થ કોરિયાએ સાઉથ કોરિયા પર કબજો જમાવ્યો હતો. ૧૯૫૩માં કોરિયન યુદ્ધનો અંત આવે એ માટે ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ પ્રયત્નો કર્યા હતા. સાઉથ કોરિયા અમેરિકા અને જપાનની પાંખમાં હોવાના કારણે અને મૂડીવાદી ઢાંચો અપનાવ્યો હોવાના કારણે નૉર્થ કોરિયા કરતાં આર્થિક રીતે અનેકગણું સમૃદ્ધ છે. આ સ્થિતિમાં નૉર્થ કોરિયા પાસે ટકી રહેવા માટે નઠારાપણું બતાવવા સિવાય કોઈ છૂટકો નહોતો અને એમાં કિમ વંશની તોલે કોઈ ન આવી શકે.
નૉર્થ કોરિયાના વર્તમાન શાસક કિમ જોંગ ઉન ત્રીજી પેઢીના રાક્ષસ છે અને એ પહેલાં તેના પિતા અને દાદા કોરિયન પ્રજાને અને જગતને રાક્ષસી શાસનનો પરિચય કરાવી ચૂક્યા છે. નઠારાપણું અને સંહારક શક્તિ ટકી રહેવા માટેની મુખ્ય શક્તિ છે એ નૉર્થ કોરિયાના શાસકોને કોરિયન યુદ્ધ વખતે જ સમજાઈ ગયું હતું. નૉર્થ કોરિયાએ ૧૯૫૦ના દાયકાથી જ રશિયાની સહાય સાથે અણુ કાર્યક્રમ હાથ ધર્યો હતો. દરમ્યાન ચીન આર્થિક અને લશ્કરી રીતે શક્તિશાળી બનવા લાગ્યું. રશિયા, ચીન અને નૉર્થ કોરિયાની ધરી રચાવાને કારણે હવે અસ્તિત્વનું સંકટ સાઉથ કોરિયા સામે અને કેટલેક અંશે જપાન સામે પેદા થયું હતું. અમેરિકા પણ નૉર્થ કોરિયાથી ભયભીત હતું.
સાઉથ કોરિયામાં આર્થિક વિકાસ અને સુખાકારી અને નૉર્થ કોરિયામાં લોખંડી શાસન, પ્રચંડ લશ્કરી તાકાત; પણ અંદરથી ખોખલું. ૧૯૮૫માં રશિયામાં મિખાઇલ ગોર્બાચોફ સત્તામાં આવ્યા એ પછીથી તેમણે શીતયુદ્ધનો અંત લાવ્યો. રશિયાએ જગતકાજી બનવાની જગ્યાએ ઘરઆંગણાને વિકટ પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચીનમાં માઓના અવસાન પછી ડૅન્ગ ઝિયાઓ પિંગે મૂડીવાદી આર્થિક ઢાંચો અપનાવીને ચીનના લશ્કરી કરતાં આર્થિક વિકાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સ્થિતિમાં નૉર્થ કોરિયાના શાસકો સામે પ્રશ્ન ઉપસ્થિત થયો કે તેમણે નઠારાપણામાં વધારો કરવો જોઈએ કે પછી કૂણા પડવું જોઈએ.
બસ, ૧૯૮૫થી આજ સુધી નૉર્થ કોરિયા બન્ને પરસ્પર વિરોધી માર્ગ અપનાવી રહ્યું છે. ૧૯૮૫માં નૉર્થ કોરિયાએ અણુ બિનપ્રસારણ સંધિ પર સહી કરી હતી અને એ પછી અંચઈ કરીને નીકળી ગયું હતું. ૧૯૯૪માં અમેરિકન પ્રમુખ બિલ ક્લિન્ટનના સમયમાં સમજૂતીનું એક માળખું (ઍગ્રીડ ફ્રેમવર્ક) વિકસાવવામાં આવ્યું હતું, જે પણ નૉર્થ કોરિયાએ તોડી નાખ્યું હતું. ક્લિન્ટનના અનુગામી જ્યૉર્જ બુશે કિમને આ જગતના ત્રણ રાક્ષસોમાંના એક તરીકે ઓળખાવ્યો હતો અને નૉર્થ કોરિયાને નામશેષ કરવાની ધમકી આપી હતી ત્યારે એના જવાબરૂપે નૉર્થ કોરિયાએ ૨૦૦૬માં અણુધડાકા કર્યા હતા. બરાક ઓબામા પ્રમુખ બન્યા પછી તેમણે પણ દોસ્તીનો હાથ આગળ કર્યો હતો. ડોનલ્ડ ટ્રમ્પ મારી નાખું કાપી નાખુંવાળો મિજાજ ધરાવે છે એટલે ૨૦૧૭માં ટ્રમ્પ પ્રમુખ બન્યા એ પછીથી નૉર્થ કોરિયાએ અણુ પરીક્ષણોનો મારો ચલાવ્યો હતો.
ગભરાયેલા બન્ને છે. નૉર્થ કોરિયા પણ ગભરાયેલું છે અને અમેરિકા પણ ગભરાયેલું છે. અમેરિકા કરતાં વધુ સાઉથ કોરિયા અને જપાન ગભરાયેલા છે અને એ બન્ને દેશો નૉર્થ કોરિયા સાથે સમજૂતી કરવા માટે અમેરિકા પર દબાણ લાવે છે. નૉર્થ કોરિયાને એ વાતનો ડર છે કે શસ્ત્રોના ભંડાર છે, પણ કોઠલા ખાલી છે ત્યારે પ્રજાને દબાવી રાખીને ક્યાં સુધી નભાવી શકાશે? બીજી બાજુ કિમ જોંગ ઉનને જો જરાક ઢીલ છોડે તો તેના હાલ અમેરિકા લિબિયાના કદ્દાફી જેવા કરશે એ વાતનો ડર છે. ઓછામાં પૂરું અમેરિકાના વિદેશ પ્રધાને લિબિયા ફૉર્મ્યુલાની મહિના પહેલાં વાત કરી હતી, જેને કારણે કિમે ટ્રમ્પને મળવાની ના પાડી દીધી હતી. ટૂંકમાં કિમને હાથમાંની તલવાર ફેંકી દેતાં ડર લાગે છે, કારણ કે તલવાર તેની તાકાત છે. બીજી બાજુ તલવારના ભરોસે કેટલા દિવસ ટકી શકાશે એ વાતનો પણ તેને ડર લાગે છે. આ બાજુ ડોનલ્ડ ટ્રમ્પમાં ઓબામાના મુત્સદ્દીગીરીના ગુણોનો અભાવ છે, એ જોતાં સમજૂતી ટકે એમ લાગતું નથી.
આમ છતાં પહેલ થઈ એ સારી વાત છે. અઘરા કેસોમાં અનેક નિષ્ફળતા પછી સફળતા મળતી હોય છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 13 જૂન 2018
![]()
ચીનના સૈનિકો ઘૂસણખોરી કરે ત્યારે અરુણાચલ પ્રદેશ અચૂક સમાચારોમાં ચમકે છે, પરંતુ આ કારણથી વારંવાર સમાચારમાં ચમકતો નથી એવો પણ અરુણાચલમાં એક 'પ્રદેશ' છે. આ પ્રદેશ જાણે દેશથી અલગ પડી ગયો હોય એવા ઉત્તર પૂર્વ (નોર્થ-ઇસ્ટ) ભારતમાં આવેલો હોવાથી સરેરાશ ભારતીય તેના વિશે બહુ ઓછું જાણે છે. હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં ૬૬ પ્રજાતિનાં પક્ષી પહેલીવાર નોંધાયાં. આ ૬૬ પૈકી છ ઝડપથી લુપ્ત થઇ રહેલી પ્રજાતિમાં આવે છે. આશ્ચર્યની વાત છે કે, અત્યાર સુધી સરકારના લાગતા-વળગતા વિભાગોને ખબર ન હતી કે, આ ૬૬ પ્રકારનાં પક્ષીઓ અરુણાચલમાં પણ વસવાટ કરે છે. આજે ય ભારત સરકાર પાસે અરુણાચલ સહિતના હિમાલયના અંતરિયાળ વિસ્તારોનાં જંગલો, નદીઓ અને ઉપનદીઓની ચોક્કસ માહિતી નથી. આ પહેલાં બ્રહ્મપુત્ર નદીની સિરીઝ પોસ્ટ કરાઈ ત્યારે એ વિશે વિગતે વાત કરાઈ હતી.
કેવી રીતે મળ્યાં અરુણાચલમાં નવાં પક્ષીઓ?
અશોકા ટ્રસ્ટ ફોર રિસર્ચ ઇન ઇકોલોજી એન્ડ એન્વાયર્મેન્ટના સંશોધક અનિર્બાન દત્તા રોયે પીએચ.ડી. ફિલ્ડ વર્કના ભાગરૂપે એક રિપોર્ટ તૈયાર કરવાનો હતો. એ માટે તેમણે અરુણાચલના અપર સિઆંગ જિલ્લાનાં જંગલોમાં ૨૦૧૦થી ૨૦૧૬ સુધી ફિલ્ડ વર્ક કરીને શોધી કાઢ્યું કે, અરુણાચલના સિઆંગ ખીણમાં કુલ ૨૫૨ પ્રકારનાં પક્ષીઓની પ્રજાતિ રહે છે, જેમાંથી ૬૬ પ્રકારનાં પક્ષીઓ પહેલીવાર નોંધાયાં છે. જેમ કે, એશિયન એમરાલ્ડ, કોમન હૉક અને ડ્રોંગો જેવી કોયલની નવ પ્રજાતિ. ગ્રે લેગ ગૂઝ, કોમન ટીલ, નોર્થન પિનટેઇલ, લિટલ ગ્રેબ અને મલાર્ડ જેવી માઇગ્રેટિંગ વોટરફાઉલ (જળકૂકડી)ની સાત પ્રજાતિ. આ સર્વેક્ષણ પહેલાં પક્ષીવિદ્દને અંદાજ પણ ન હતો કે, સિઆંગનાં જંગલોમાં આ પ્રજાતિના પક્ષીઓ પણ આવે છે! અરુણાચલમાં પહેલીવાર દેખાયેલાં પક્ષીઓ સામાન્ય રીતે શિયાળામાં આવે છે. આ પહેલાં અરુણાચલનાં જંગલોમાં શિયાળામાં પક્ષી સર્વેક્ષણનું કામ થયું ન હતું.

કોયલની ત્રણ પ્રજાતિ (ક્લોકવાઇઝ) એશિયન એમરાલ્ડ, ડ્રોંગો અને કોમન હૉક

અનિર્બાન દત્તા રોય
આ થકવી દેતાં કામમાં અનિર્બાન દત્તા રોય સાથે સેન્ટર ઓફ બાયોલોજિકલ સાયન્સ સાથે સંકળાયેલા સંશોધકો વિવેક રામચંદ્રન અને કાર્તિક તિગાલાપલ્લી પણ જોડાયા હતા. આ ત્રણેય સંશોધકોએ કરેલું સર્વેક્ષણ 'જર્નલ ઓફ થ્રેટન્ડ ટેક્સા' નામની પ્રતિષ્ઠિત જર્નલમાં પણ પ્રસિદ્ધ થયું છે.
અન્ય સજીવો સાથે હળીમળીને રહેવાની સંસ્કૃિત
આ ત્રણેય પક્ષીવિદ્દોએ રજૂ કરેલા રિસર્ચ પેપરમાં એક વાતની ખાસ નોંધ લીધી છે, અરુણાચલની અન્ય સજીવો સાથે હળીમળીને રહેવાની અનોખી સંસ્કૃિત. જેમ કે, અરુણાચલના સિઆંગ ખીણ વિસ્તારમાં 'આદિ' નામની પ્રજાતિના લોકો વસે છે. આ આદિવાસીઓ વર્ષોથી 'ફરતી ખેતી' કરે છે. ફરતી ખેતી એટલે એક જમીનના ટુકડા પર પાક ઉતાર્યા પછી, બીજી વાર એ જમીનનું 'શોષણ' નહીં કરવાનું. કુદરતી રીતે જ ત્યાં જે કંઈ થાય એ થવા દેવાનું. એ જમીન પર પાક નહીં લેવાનો ગાળો દરેક સ્થળે જુદો-જુદો હોઈ શકે છે. આજે મોટા ભાગના લોકો એક ખેતરમાં દર વર્ષે એકનો એક પાક લેતા હોવાથી અથવા પાકની ફેરબદલ વૈજ્ઞાનિક પદ્ધતિથી નહીં કરતા હોવાના કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે, જ્યારે ફરતી ખેતી સમગ્ર કુદરત માટે લાભદાયી છે. આ વાત વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ચૂકી છે.

માઇગ્રેટિંગ વૉટરફાઉલ(જળકૂકડી)ની (ક્લોકવાઇઝ) કોમન ટીલ, નોર્થન પિનટેઇલ, મલાર્ડ અને લિટલ ગ્રેબ નામની પ્રજાતિ

આદિ’ આદિવાસીઓના કૃષિ આધારિત સોલંગ ઉત્સવનું દૃશ્ય
ફરતી ખેતી થતી હોય ત્યાં પશુ-પક્ષીઓ, જીવડાં અને અન્ય વનસ્પતિઓની પ્રજાતિમાં પણ વૈવિધ્ય જોવાં મળે છે. આ રિસર્ચ પેપરમાં ખાતરીપૂર્વક કહેવાયું છે કે, જો સિઆંગ ખીણમાં ફરતી ખેતી ના થતી હોત તો અહીંની પક્ષી સૃષ્ટિમાં આટલું વૈવિધ્ય ના હોત! આ સંશોધન દરમિયાન પ્રોટેક્ટેડ ઝોનની બહાર પણ સંખ્યાબંધ પક્ષીઓની પ્રજાતિ મળી આવી છે. એ રીતે આ રિસર્ચ પેપર ફરતી ખેતીની તરફેણનો પણ મજબૂત કેસ સ્ટડી છે.
અરુણાચલની વૈવિધ્યસભર જીવસૃષ્ટિ
વર્ષ ૨૦૦૦માં કરાયેલા સર્વેક્ષણ પ્રમાણે, અરુણાચલનો ૭૭ ટકા વિસ્તાર જંગલોથી હર્યોભર્યો હતો. હિમાલયની પર્વતમાળામાં જોવા મળતું ઘણું બધું જૈવવૈવિધ્ય અરુણાચલમાં પણ જોવા મળે છે. હિમાલયની વિશિષ્ટ ભૂગોળને કારણે અરુણાચલને આ લાભ મળ્યો છે. ૨૦૧૩માં એક સર્વેક્ષણમાં નોંધાયું હતું કે, અરુણાચલનું ૩૧,૨૭૩ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું જંગલ 'ઇન્ટેક્ટ ફોરેસ્ટ લેન્ડસ્કેપ'નો હિસ્સો છે. આ લેન્ડસ્કેપ કુલ ૬૫,૭૩૦ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે, જે મ્યાંમાર, ચીન અને ભુતાનના કેટલાક વિસ્તાર સુધી પથરાયેલા છે. ઇન્ટેક્ટ ફોરેસ્ટ લેન્ડસ્કેપની ભૂગોળ એટલી જટિલ હોય છે કે, ત્યાં કોઈ માનવીય પ્રવૃત્તિ થઈ જ નથી શકતી એટલે ત્યાં કુદરત ખીલી ઊઠે છે. આ કારણસર અરુણાચલમાં ૮૫ પ્રકારનાં સસ્તન પ્રાણીઓ, ૫૦૦થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ અને દુનિયામાં ક્યાં ય નથી એવાં પતંગિયાં, ફૂદ્દાં, જીવડાં અને સરિસૃપ સજીવો જોવાં મળે છે.

અપર સિઆંગ જિલ્લામાંથી વહેતી સિઆંગ નદીની આસપાસનાં જંગલ

ભારતમાં અરુણાચલ અને અરુણાચલનો નકશો
અરુણાચલની બીજી પણ એક ખાસ વાત છે. અહીંનો દરિયાઈ સપાટીથી સૌથી નીચેનો વિસ્તાર આસામ સાથે સરહદ ધરાવે છે, જ્યાં બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારનાં જંગલો આવેલા છે. એવી જ રીતે, અરુણાચલનો સૌથી ઊંચો વિસ્તાર તિબેટ સાથે સરહદ વહેંચે છે, જ્યાં પૂર્વ હિમાલયના નીચાણવાળા વિસ્તારનાં લીલાં જંગલો આવેલાં છે. આ પ્રકારની ભૂગોળના કારણે અરુણાચલના લૉઅર સુબાનસિરી જિલ્લામાં ઔષધીય ગુણો ધરાવતી ૧૫૦ જાતની વનસ્પતિ પણ મળે છે.
અરુણાચલનો અનોખો 'બાયોસ્ફિયર રિઝર્વ'
વર્ષ ૧૯૯૮માં અરુણાચલમાં દિબાંગ ખીણ તેમ જ અપર સિઆંગ અને વેસ્ટ સિઆંગ જિલ્લાના કુલ ૫,૧૧૨ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારને 'દિહાંગ-દિબાંગ બાયોસ્ફિયર રિઝર્વ' જાહેર કરાયું હતું. આ બાયોસ્ફિયર રિઝર્વના ૪૮૩ સ્ક્વેર કિલોમીટર વિસ્તારને મોલિંગ નેશનલ પાર્ક જાહેર કરાયો છે, જેનો કેટલોક વિસ્તાર ઇસ્ટ સિઆંગ જિલ્લામાં પણ પડે છે. મોલિંગ 'આદિ' ભાષાનો શબ્દ છે. તેનો અર્થ 'લાલ ઝેર' અથવા 'લાલ લોહી' એવો થાય છે. એવું કહેવાય છે કે, અહીંની કેટલીક વનસ્પતિઓમાંથી લાલ રંગનો ઝેરી રસ નીકળે છે. આ કારણસર આ વિસ્તારને સ્થાનિકો 'મોલિંગ' તરીકે ઓળખતા હતા. આ ઉપરાંત અહીં ઝેરી સાપોની પણ અનેક પ્રજાતિઓ છે, પરંતુ તેનું સત્તાવાર દસ્તાવેજીકરણ કરવાનું હજુ બાકી છે.

(ક્લોકવાઈઝ) બાર્કિંગ ડિયર, રેડ પાન્ડા, ટેકિન અને સેરો (હિમાલયન)
મોલિંગ નેશનલ પાર્કમાં દરિયાઈ સપાટીથી ૪૦૦ મીટરથી ઊંચાઈએથી માંડીને ત્રણ હજાર મીટરની ઊંચાઈ સુધીનાં જંગલો છે. આ વિસ્તાર હિમાલયમાં ઊંચાઇએ આવેલા ઉષ્ણકટિબંધીય (ટ્રોપિકલ) અને નીચે આવેલાં સામાન્ય જંગલોની વચ્ચે પડે છે, જ્યાં બંગાળ વાઘ, દીપડા, લાલ પાન્ડા, બાર્કિંગ ડિયર, સેરો (કાળા રંગની જંગલી બકરી) અને ટેકિન (જંગલી ભેંસ જેવી ભારેખમ બકરી) પણ જોવાં મળે છે. આ જ બાયોસ્ફિયર રિઝર્વમાં ૪,૧૪૯ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું દિબાંગ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પણ આવેલું છે. અહીં કસ્તૂરી મૃગ સહિત હિમાલયમાં જોવાં મળતાં અનેક સસ્તન પ્રાણીઓ જોવાં મળે છે.
પક્ષીઓનું સ્વર્ગ એટલે, ઇગલનેસ્ટ સેન્ચુરી
અરુણાચલના વેસ્ટ કામેંગ જિલ્લામાં હિમાલયની તળેટીમાં ૨૧૮ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારને ઇગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચુરી જાહેર કરાયો છે. ઇગલનેસ્ટની ઉત્તર-પૂર્વમાં સેસા ઓર્કિડ સેન્ચુરી અને પૂર્વમાં કામેંગ નદીની સમાંતરે પાખુઇ ટાઇગર રિઝર્વ આવેલું છે. ઇગલનેસ્ટ પક્ષીઓનું સ્વર્ગ ગણાય છે. આ નાનકડું જંગલ કામેંગ એલિફન્ટ રિઝર્વનો હિસ્સો છે, પરંતુ આપણે અહીં ઇગલનેસ્ટ સેન્ચુરીની જ વાત કરીએ. આ વિસ્તારમાં દરિયાઇ સપાટીથી ૫૦૦ મીટરની લઈને ૩,૨૫૦ મીટરની ઊંચાઈ સુધી જંગલો છે. વર્ષ ૧૯૫૦માં અહીં ભારતીય સેનાની રેડ ઇગલ ડિવિઝનની પોસ્ટ ઊભી કરાઈ હતી, જેથી આ વિસ્તાર 'ઇગલનેસ્ટ' તરીકે જાણીતો થયો. આ નામને બાજ કે સમડી સાથે કોઈ લેવાદેવા નથી.

બુગુન લિઓસિચલા

રમણ અથરેયા
દક્ષિણ અમેરિકામાં આવેલી એન્ડિસ પર્વતમાળાઓ પછી દુનિયામાં સૌથી વધુ જૈવ વૈવિધ્ય ઇગલનેસ્ટ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં જોવાં મળે છે. અરુણચાલમાં જોવાં મળતાં ૫૦૦માંથી ૪૫૪ પ્રજાતિનાં પક્ષીઓ ઇગલનેસ્ટ સેન્ચુરીમાં વસે છે. અરુણાચલમાં ૧૯૯૫માં બુગુન લિઓસિચલા (Bugun liocichala) નામનું પક્ષી જોવા મળ્યું હતું. એ પછી ૨૦૦૬માં જાણીતા પક્ષીવિદ રમણ અથરેયાએ ફરી એકવાર ઇગલનેસ્ટમાં તેની નોંધ લીધી. એવું કહેવાય છે કે, હવે તેની વસતી માંડ ૧૪ રહી છે અને ઇગલનેસ્ટ સિવાય દુનિયામાં ક્યાં ય તે જોવા મળતું નથી.
આ ઉપરાંત ઇગલનેસ્ટમાં સસ્તન પ્રાણીઓની સાથે ઊભયજીવીની ૩૪, સાપની ૨૪, ગરોળીની સાત અને પતંગિયાની ૧૬૫ પ્રજાતિ પણ જોવાં મળે છે.
***
અરુણાચલના જંગલો અને જૈવ વૈવિધ્યની સુરક્ષા કરવામાં સ્થાનિક આદિવાસીઓની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. જેમ કે, ઇગલનેસ્ટ સેન્ચુરીનું રક્ષણ કરવામાં જંગલ ખાતાના અધિકારીઓને 'બુગુન' નામના આદિવાસીઓની પણ ભરપૂર મદદ મળે છે. આદિવાસીઓ કુદરત પાસેથી જોઇએ એટલું જ લેતા હોવાથી કુદરત જળવાઈ રહે છે. એટલે જ ભારત સરકારે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ અંતર્ગત ઠરાવ્યું હતું કે, રાજ્ય સરકારો નેશનલ પાર્ક કે સેન્ચુરીનો હિસ્સો ના હોય એવા વિસ્તારને 'કોમ્યુિનટી રિઝર્વ' જાહેર કરીને પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ અને પરંપરાગત જ્ઞાનના રક્ષણને પ્રોત્સાહન આપી શકે છે.
આ તો મીડિયામાં ચમકતા અરુણાચલ સિવાયના 'પ્રદેશ'ની એક નાનકડી ઝલક છે. અરુણાચલમાં નામડાફા નેશનલ પાર્ક પણ આવેલો છે, જે દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટો સંરક્ષિત વિસ્તાર છે. અરુણાચલમાં કામલાંગ, મેહાઓ, ઇટાનગર, કેન અને ડાઇંગ એરિંગ જેવા નાના-મોટા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી તેમ જ પક્કે ટાઇગર રિઝર્વ પણ આવેલું છે. એક સમયે અરુણાચલમાં પણ લાકડું અને ઔષધીય વનસ્પતિઓ મેળવવા આડેધડ જંગલો કપાતાં હતાં અને બેફામ શિકાર પણ થતા હતા, પરંતુ ૧૯૯૬માં સુપ્રીમ કોર્ટે અરુણાચલના જંગલોમાં લાકડું કાપવા પર પ્રતિબંધ મૂક્યો. ત્યાર પછી ૨૦૦૬માં ફરી એકવાર બુગુન લિઓસિચલા મળી આવતા અરુણાચલની આંતરરાષ્ટ્રીય મીડિયાએ નોંધ લીધી હતી. આ પક્ષીને જોવા પ્રવાસીઓનો ધસારો અચાનક વધી જતા સ્થાનિકો પણ જંગલોનું મહત્ત્વ સમજતા થયા.
હવે સિઆંગ વેલીમાં દસ હજાર મેગા વૉટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો ડેમ પણ બની રહ્યો છે, પરંતુ સ્થાનિકો જ કુદરતના ભોગે વિકાસ નહીં એવું કહીને તેનો વિરોધ કરી રહ્યા છે.
સૌજન્ય : https://vishnubharatiya.blogspot.com/2018/06/blog-post_13.html?m=1
![]()

