Opinion Magazine
Number of visits: 9580796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેંકડો સફાઈ કર્મચારીઓનાં ગટરમાં મોત: સ્વચ્છ ભારત અભિયાનની અસ્વચ્છ વાસ્તવિકતા

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|15 June 2018

સફાઈકર્મીઓનાં મોતનો સવાલ આપણી વર્ણવ્યવસ્થા સાથે પણ ગાઢ રીતે સંકળાયેલો છે

મંગળવારે પરોઢે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સફાઈકર્મી દલસુખભાઈ ચાવરિયાનું ગટરમાં ઊતરીને કામ કરતી વખતે ગૂંગળાઈ જવાથી મોત થયું. પાંત્રીસ વર્ષના દાનાભાઈ આ કામ અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશન માટે  કરતા હતા, પણ તેમની એ નોકરી  એક પ્રાઇવેટ કૉન્ટ્રાક્ટરની દર્પણ વાલ્મીકિ એજન્સીમાં હતી. આવાં મોત એ સ્વચ્છતા અભિયાન ચલાવનારા આ દેશની એક અસ્વચ્છ વાસ્તવિકતા છે. આ દેશ ચલાવનારાઓને ખેડૂતો, સૈનિકો, ગરીબ સ્ત્રીઓ તેમ જ બાળકો અને હજારો શ્રમજીવીઓની જિંદગીની જેમ જ દલિત વાલ્મીકિ સફાઈ સૈનિકોની જિંદગીની પણ કિંમત નથી.

ગયાં વર્ષે  ત્રણસો મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ એટલે કે ગટર મળ સફાઈ કામદારોનાં મોત થયા હોવાની માહિતી લોકસભામાંમળી ચૂકી છે. આ વર્ષનાં પહેલાં સાત દિવસમાં મુંબઈ અને બેંગલોરમાં એવા સાત જણ મોતને ભેટ્યા. હમણાં એપ્રિલમાં દિલ્હીમાં વળી બે. હાથ વડે બીજાનાં મળની સફાઈ પર પ્રતિબંધને લગતો ‘પ્રોહિબિશન ઑફ એમ્પ્લૉયમેન્ટ ઍઝ મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ ઍન્ડ ધેઅર રિહૅબિલિટેશન ઍક્ટ’ 2013થી હોવા છતાં આ મોત થતાં રહે છે.  મેન્યુઅલ સ્કેવેિન્જન્ગ એટલે કર્મચારીએ માથે મેલું ઉપાડવું, બીજાઓનો મળ પોતાનાં હાથથી, ઓજાર  વિના કે અપૂરતાં ઓજારથી સાફ કરવો, મોટે ભાગે તો આખું શરીર ગટરમાં ઊતારીને તેને સાફ કરવી અને  આવાં તમામ કામનો સમાવેશ મેન્યુઅલ સ્કૅવેન્જિન્ગમાં થાય છે.

મૅન્યુઅલ સ્કૅવેન્જિન્ગનું નિયમન કરતો કાનૂન 1993માં આવ્યો. પણ તે પૂરતો અસરકારક ન હોવાથી તેનો વિરોધ થતાં 2013નો સુધારો આવ્યો. તે મુજબ મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ તરીકેની નોકરી આપવા ઉપર અને સ્વચ્છતા માટેની વ્યવસ્થા વિનાનાં શૌચાલયો બાંધવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તદુપરાંત સલામતીનાં સાધનો વિના ગમે તેવી કટોકટીમાં પણ ખાળ કે ગટરની સફાઈ કરાવવા પર મનાઈ ફરમાવવામાં આવી. પણ આ કાયદો ગરીબોનાં સસ્તાં માનવબળના ઉપયોગને યોગ્ય ઠેરવે છે, એમ અભ્યાસીઓ યથાર્થ રીતે માને છે. વળી તેમાં  સફાઈ કામ પૂરેપૂરું યંત્રોથી થાય તેની જરૂરિયાતનો કોઈ નિર્દેશ પણ નથી. ઊલટું કાયદો એ મતલબની સ્પષ્ટતા કરે છે સલામતી-સાધનો સાથે જેને મળ સફાઈનાં કામમાં રાખવામાં આવ્યા છે તે મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ ગણાશે નહીં. એટલે કે ગટર કામદારને નોકરીએ રાખનાર પાલિકા, સરકારી વિભાગો કે રેલવેની જવાબદારી માત્ર સાધનો પૂરાં પાડવાની રહે છે. વળી આ નોકરીદાતાઓએ જો સફાઈ કામનો કૉન્ટ્રાક્ટ આપ્યો હોય તો તેઓ એટલી જવાબદારીમાંથી પણ છૂટી જાય છે ! સાધનોની યાદી કાનૂન બાદ અલગ બહાર પાડવામાં આવી છે. તેમાં હૅલ્મેટ, ગૅસ માસ્ક અને મૉનિટર, એરલાઇન બ્રીદીંગ ઍપેરેટસ, સર્ચ લાઇટ, સલામતી પટ્ટા અને ગૉગલ્સ, ગમ-બૂટ, ફુલ બૉડી વેડર સૂટ સહિત કુલ ચાળીસેક વસ્તુઓનો સમાવેશ થાય છે. દિલ્હી જળ નિગમના સફાઈ કર્મચારી સંગઠનના આગેવાન વેદપ્રકાશ કહે છે કે ખૂબ સલામતી આપનાર સૂટ ચાળીસેક હજાર રૂપિયાથી ઉપરનો હોય. ‘પણ અહીં સો-બસો રૂપિયા માટે ય કપડાં કાઢીને ગટરમાં ઊતરવું પડે તેવા લોકો હોય તો પેલા સૂટનું શું કરવાનું ?’ વળી સરકાર પાસે મૂલ્યહીન નેતાઓનાં સુરક્ષા કવચ માટે કરોડોની જોગવાઈ છે,  પણ  ગટરવાળાનાં સલામતીસૂટ માટે નથી. એને લગતા આંકડા જોવા જેવા છે : સફાઈ કામદારોની કામની પરિસ્થિતિમાં સુધારો થાય કે  તેમનું પુનર્વસન થાય તે માટે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 2013-14માં 557 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેમાંથી માત્ર 35 કરોડ વપરાયા.પછીના વર્ષમાં ફાળવણી ઘટી અને વપરાશના નામે મીંડું બતાવવામાં આવ્યું. 2016-17ની ફાળવણી માત્ર 25 કરોડની છે.

ચાર વર્ષ પહેલાં ગાંધી જયંતીએ જંગી ખર્ચ અને દેખાડા સાથે હાથ ધરવામાં આવેલા ‘સ્વચ્છ ભારત અભિયાન’ના ચાર ધ્યેયોમાંનું એક ધ્યેય હાથથી ગટર સફાઈની નાબૂદી છે. બીજાં ત્રણ છે : ખુલ્લામાં મળવિસર્જન નાબૂદી, વૈજ્ઞાનિક ઢબે ઘનકચરાનું વ્યવસ્થાપન અને જાહેર સ્વચ્છતા માટે લોકમાનસનું ઘડતર. આમાંથી સહુથી વધુ ધ્યાન યેનકેન પ્રકારેણ લાખો જાજરુ બાંધવા-બંધાવવા તરફ અપાયું છે. પણ જરૂરી પાણી અને ગટર વ્યવસ્થા થકી તેની સ્વચ્છતાની જાળવણીનું ભાગ્યે જ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે સ્વચ્છતા અભિયાન મળસફાઈના કામદારો માટે આપત્તિરૂપ બન્યું. સફાઈ કામદારો માટેની લડત માટે મેગસેસે પુરસ્કારથી સન્માનિત કર્મશીલ બઝવાડા વિલ્સન કહે છે કે આ અભિયાન ‘ટૉઇલેટ યુઝર્સ’ માટેનું છે, ‘ટૉઇલેટ ક્લીનર્સ’ માટેનું નથી.

દેશમાં મૅન્યુઅલ સ્કૅવેન્જર્સની સંખ્યા પણ હંમેશાં ચર્ચાનો મુદ્દો બને છે. સામાજિક ન્યાય અને અધિકારિતા ખાતાના મંત્રીએ ગયા વર્ષે માર્ચમાં રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ દેશના તેર રાજ્યોમાં કુલ 12,737 મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ છે અને 26 લાખ સૂકાં સંડાસ છે. આ જ ખાતાના બીજા એક આંકડા મુજબ આ સંખ્યા 13,368 છે. બીજી બાજુ ‘સોશ્યો-ઇકૉનૉમિક કાસ્ટ સેન્સસ’ બતાવે છે કે દેશના ગામડાંમાં 1.82 લાખ પરિવારો એવાં છે કે જેમાં ઓછામાં ઓછાં એક સ્ત્રી કે પુરુષ સભ્ય ગટર સફાઈ કામદાર હોય. વળી 2011નું સેન્સસ બતાવે છે કે 21 લાખ ઘરોમાં ખુલ્લી ગટરો કે સૂકાં સંડાસ છે જે મૅન્યુઅલ સ્કૅવેન્જર જ સાફ કરે છે. દિલ્હીની ગટરોમાં 2017ના જુલાઈ,ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં 12 ગટર કામદારોનાં મોત થયાં. પણ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની વિગતો પ્રમાણે દેશનાં પાટનગરમાં મૅન્યુઅર સ્કૅવેન્જર્સની સંખ્યા શૂન્ય છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ 2010-17 દરમિયાન 70 સફાઈ કામદારોનાં મોત થયા. પણ ‘સફાઈ કર્મચારી આંદોલન’ મુજબ એકલા 2017માં જ 107 મોત થયાં છે.

આવાં મોતને વિલ્સન ‘કૉન્શ્યસ કિલિંન્ગ્સ’ એટલે કે સભાનપણે કરેલી હત્યાઓને સમકક્ષ ગણાવે છે. બાવન વર્ષના વિલ્સન અને તેના સાથીઓ સફાઈ ‘કામદાર આંદોલન’ થકી ગટર સફાઈ કામદારોના પ્રશ્નોને દેશભરમાં વાચા આપી રહ્યા છે. તેના ભાગ રૂપે તેમણે 2015-16માં 125 દિવસની 35 હજાર કિલોમીટરની દેશવ્યાપી ‘ભીમ યાત્રા’ કાઢી હતી. કેરાલાની સરકારે ગટર સફાઈ માટે રોબોનો ઉપયોગ શરૂ કરવાનું જાહેર કર્યું છે. પાંચેક વર્ષ પહેલાં પૂનામાં સફાઈ કામદારોએ મહાત્મા ફુલેના જીવનકાર્ય પરનું પ્રભાવશાળી નાટક ‘સત્યશોધક’ ભજવ્યું.

ભાષા સિંહ જેવા વિરલ પત્રકાર ‘અદૃશ્ય ભારત’ નામનું હિન્દી પુસ્તક લખે છે જેમાં તે ખાસ તો ગટર કામદાર મહિલાઓનાં વીતકો લખે છે. સેનિટેશનના વિષય પર ગહન છતાં બહુ વાચનીય હિન્દી પુસ્તક ‘જલ થલ મલ’ સોપાન જોશી પાસેથી મળે છે. અમદાવાદની એચ.કે. આર્ટસ કૉલેજના યુવાઓ, રંગકર્મી મૌલિક શ્રીમાળીના લેખન-દિગ્દર્શન હેઠળ ગટર-મોત વિષય પર ‘ઉર્ફે આલો’ નામનું આખું ભજવે છે. તેમાં ગટરમાં પડીને થતાં સફાઈ કામદારનાં મોતનું દૃશ્ય યાદગાર રીતે મંચ પર ભજવાય છે. ફિલ્મો અને ડૉક્યુમેન્ટરિઝ બને છે, સંગઠનો રચાય છે. પણ ‘ફિટનેસ ચૅલેન્જ’ની બાલિશતાઓમાં રાચતા આગેવાનોને દેશના સફાઈ કામદારોની ફિટનેસનો કોઈ અંદાજ ખરો ? બે દેશોના વડા પ્રધાનો મળીને જેને સેવી રહ્યા છે તે બુલેટ રેલવે લાઈન, એ સ્માર્ટ સિટી અમદાવાદથી શરૂ થાય છે કે જેની ગટરલાઈનમાં એક સફાઈ-સૈનિકની જિંદગી પૂરી થઈ ગઈ હોય. 

+++++++++++++

14 જૂન 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 15 જૂન 2018 

Loading

હું ભલે નાપાસ થયો હોઉં, પણ તને તો પાસ નહીં જ થવા દઉં એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અને કેન્દ્ર સરકારનું અરવિંદ કેજરીવાલની બાબતમાં વલણ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|15 June 2018

દિલ્હીમાં ૨૦૧૫માં અરવિંદ કેજરીવાલની સરકાર રચાઈ ત્યારથી ચૂંટાયેલી સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત લેફ્ટનન્ટ ગવર્નર (એલ.જી.) વચ્ચે અથડામણ થઈ રહી છે. કારણ એ છે કે કેન્દ્ર સરકાર દિલ્હીની સરકાર કામ કરી શકે એવું ઈચ્છતી નથી, એટલે એલ.જી.નો ઉપયોગ કરીને રાજ્ય સરકારના માર્ગમાં વિઘ્નો પેદા કરે છે. દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી, એટલે એલ.જી. અનેક પ્રકારની વહીવટી સત્તા ધરાવે છે અને તેનો ઉપયોગ કરીને રાજ્ય સરકારને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરે છે. ૨૦૧૫માં દિલ્હીમાં સરકાર રચાઈ ત્યારથી અથડામણોનો લાંબો ઇતિહાસ છે, જેમાં છેલ્લી ઘટના અત્યારે બની રહી છે. ત્રણ દિવસથી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમનું આખું પ્રધાનમંડળ એલ.જી.ની કચેરીમાં ધામા નાખીને ધરણા કરી રહ્યા છે.

વાત એમ છે કે ગયા ફેબ્રુઆરી મહિનામાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓએ ગુસ્સામાં ગેરવર્તાવ કર્યો હતો એમ કહેવાય છે. એ પછી સનદી અધિકારીઓએ વિરોધ પ્રદર્શિત કરવા દિલ્હીના પ્રધાનોની રાબેતા મુજબની બેઠકમાં ઉપસ્થિત રહેવાનું બંધ કર્યું હતું. સનદી અધિકારીઓ કહે છે કે તેમનો વિરોધ મર્યાદિત સ્વરૂપનો હતો, અને તેમણે ફરજ બજાવવાનું બંધ નહોતું કર્યું. અરવિંદ કેજરીવાલ કહે છે કે અધિકારીઓના અસહયોગ પાછળ દિલ્હીના એલ.જી.નો હાથ છે અને એ કેન્દ્ર સરકારના આદેશ મુજબ વર્તે છે.

અહીં મેં આમ આદમી પાર્ટીના નેતાએ દિલ્હીના મુખ્ય સચિવ સાથે ગેરવર્તાવ કર્યો હતો એમ ‘કહેવાય છે’ એવો શબ્દ પ્રયોગ કર્યો છે અને દેશભરના મીડિયા એ રીતે જ ઉલ્લેખ કરે છે એનાં કેટલાંક કારણો છે. પહેલું એ કે દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશે કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ કરી નથી. બીજું, તેમણે સતાવારપણે એલ.જી.ને, સનદી અધિકારીઓના સંગઠનને કે પછી ભારત સરકારના ઉચ્ચપદસ્ત અધિકારીઓના મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, જેનો હવાલો વડા પ્રધાન ખુદ સંભાળે છે)ને લેખિત ફરિયાદ નથી કરી. સત્તાવાર ફરિયાદ વિના રાજ્ય સરકાર સાથે અસહયોગ કરવામાં આવે છે. શા માટે ફરિયાદ કરવામાં નથી આવતી? શા માટે કહેવાતા આરોપીઓનાં નામ આપવામાં નથી આવતાં?

કારણો શોધવા જવાની જરૂર નથી. યેનકેન પ્રકારેણ દિલ્હીની સરકારને શાસનમાં સફળતા ન મળે એ માટે કેન્દ્ર સરકાર દિલ્હીમાં સરકાર રચાઈ ત્યારથી પ્રયત્ન કરે છે. એમાં વળી અનેક અવરોધોની વચ્ચે દિલ્હીની સરકાર શિક્ષણ અને આરોગ્યના મોરચે દેશની કોઈ પણ સરકારને શરમ આવે એવું નેત્રદીપક કામ કરી રહી છે, એ જોઇને કેન્દ્ર સરકાર અને બી.જે.પી. વધારે પરેશાન છે. રોજ જુદા જુદા ફુગ્ગા ચગાવીને, ઇવેન્ટો યોજીને, વિદેશ પ્રવાસો કરીને અને પ્રોટોકોલના ભાગરૂપે વિદેશમાં વાહવાહ કરાવીને, ફીઝીકલ ફિટનેસના ટ્વીટ કરીને, કોઈકનો યશ આંચકી લઈને, મનફાવે એવી ફેંકાફેંકી કરીને દિવસો પસાર કરાતા હોય તેમ જ પ્રજાને ભરમાવવાનો પ્રયાસ ચાલતો હોય, ત્યાં આ અરવિંદ કેજરીવાલ નામનું મગતરું ચોખ્ખું નજરે પડે એવું કામ કરે છે. તેમને ખબર છે આમ આદમી પાર્ટીની સંગઠનાત્મક અનેક સમસ્યાઓ હોવા છતાં અને અરવિંદ કેજરીવાલ તાનાશાહી વલણ ધરાવતા હોવા છતાં આખરે આમ આદમી પાર્ટી તેજસ્વી યુવાનોની પાર્ટી છે. તેમનામાં ધગશ છે, આવડત છે અને પ્રશ્નોને સમજવા જેટલી બુદ્ધિ છે.

હું ભલે નાપાસ થયો હોઉં, પણ તને તો પાસ નહીં જ થવા દઉં, એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અને કેન્દ્ર સરકારનું અરવિંદ કેજરીવાલની બાબતમાં વલણ છે. આમ તો ૨૦૧૫ની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવ્યા પછી અરવિંદ કેજરીવાલે માત્ર એક મહિનામાં યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને હટાવીને પોતાના માટે પોતે જ કબર ખોદી હતી અને નરેન્દ્ર મોદી તેમાં તેમને સુવડાવે એ પહેલાં પોતે પોતાની જાતે જ તેમાં પોઢી ગયા હતા. હવે અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટી રાજકારણમાં રાષ્ટ્રીય વિકલ્પ બની શકે એવી કોઈ શક્યતા બચી નથી.

રાજકીય વિકલ્પ તરીકે તો અરવિંદ કેજરીવાલ આત્મહત્યા કરીને જન્નતનશીન થઈ ચુક્યા છે, પરંતુ સમસ્યા છે શાસકીય વિકલ્પની. નાનકડું રાજ્ય છે, એક શહેર માત્ર છે, પૂરા કદના રાજ્યનો દરજ્જો નથી, સત્તા મર્યાદિત છે, એલ.જી. ૨૦૧૫ની સાલથી માર્ગમાં વિઘ્નો નાખતા રહે છે, કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અને એવા બીજા ઇશ્યુઝ શોધીને સરકારને તેમ જ એ.એ.પી.ને અટવાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે અને છતાં ય કેજરીવાલ સરકાર બીજા કોઈ પણ રાજ્યની સરખામણીમાં સારું શાસન આપી શક્યા છે. શિક્ષણ અને આરોગ્યને લાગેવળગે છે ત્યાં સુધી દિલ્હી મોડેલ સ્ટેટ છે. સમસ્યા આ છે. મેરે કમીઝ સે તેરા કમીઝ જ્યાદા સફેદ કૈસે.

વડા પ્રધાનના દરેક કથન શાબ્દિક ફુગ્ગો માત્ર હોય છે અને હરીફાઈયુક્ત સમવાય રાજ્ય (કોમ્પીટિટીવ ફેડરાલિઝમ) આનું બોલકું ઉદાહરણ છે. જો એમ ન હોત તો તેમણે પોતાના પ્રધાનોને અને બી.જે.પી. શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને કહ્યું હોત કે જરા જુઓ દિલ્હી પાસેથી શું શીખવા જેવું છે અને શું અપનાવવા જેવું છે. જે દિલ્હીમાં થઈ શકે એ અન્યત્ર કેમ ન થઈ શકે. આને કહેવાય કોમ્પીટિટીવ ફેડરાલિઝમ. હરીફાઈ હરાવવા માટેની ન હોય, શીખવા માટેની હોય છે. પણ વડા પ્રધાન જે બોલે છે એમાં તેમની પોતાની જ કોઈ શ્રદ્ધા હોતી નથી.

એક નામ લઇશ તો વડા પ્રધાનને ગમશે નહીં એની મને જાણ છે. એ નામ છે જવાહરલાલ નેહરુ. વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દર પખવાડિયે રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખતા. પત્રોમાં કેટલીકવાર તાત્ત્વિક ચર્ચા કરતા, પરંતુ મોટાભાગે કયા રાજ્યોમાં શું ચાલી રહ્યું છે અને કોણે કઈ રીતની પહેલ કરી છે, એનાં કેવાં પરિણામો મળી રહ્યાં છે, શું પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે તેની ચર્ચા કરતા. આને કહેવાય પરિવારનો મોભી જેના માટે પરિવારના દરેક સભ્ય એક સરખું મહત્ત્વ ધરાવે છે. બૃહદ્દ પરિવારના સભ્યો પરિવારના મોભી દ્વારા અનુભવોની અને સમસ્યાઓની આપ-લે કરતા.

બાય ધ વે કોણ છે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ? તેઓ નિવૃત્ત સનદી અધિકારી છે અને નિવૃત્તિ પછીથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપિત વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનમાં કાર્યસમિતિના સભ્ય છે. ટાળો મળી ગયો હશે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 15 જૂન 2018

Loading

મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|14 June 2018

હૈયાને દરબાર

આહા! મસ્તીમાં મહાલવાની રોમેન્ટિક મોસમ આવી ગઈ છે. ઘરની બારીમાંથી દેખાતું એક ટુકડો આકાશ, બે આંખમાં સમાય એટલી ઝરમરતી વર્ષા, એમાં પ્રગટતો પ્રિયજનનો ચહેરો, એ ચહેરા સાથે તાલ મિલાવતો સ્મૃિતઓનો ધોધ, મિલન, વિરહ, જુદાઈ, ફરિયાદ, આશા, અપેક્ષા, આલિંગન, આહ અને વાહ … ઓહો, આ વરસાદીઓ મૂઓ કેટકેટલી સંવેદનાઓ જગવી જાય છે આપણા નાનકડા, નાજુક હૃદયમાં!

કવિ કાલિદાસના પ્રલંબ પ્રણયકાવ્ય ‘મેઘદૂત’માં અષાઢના પહેલા મેઘનુું દર્શન કામવિહ્વળ યક્ષને જેમ ઉત્કંઠા વિરચિત કરે છે એવી જ મનોસ્થિતિથી કોઈ સંવેદનશીલ મનુષ્ય પર નથી. એટલે જ મેઘરાજાના આગમન સાથે એની લાગણી જુદી જુદી રીતે પ્રગટે છે. સામાન્ય માણસની આ સ્થિતિ હોય તો કવિ હૃદયનું તો પૂછવું જ શું? વરસાદને સંબોધીને અઢળક ગીતો રચાયાં છે. સુંદર અને કર્ણપ્રિય ગીતોનું લિસ્ટ પણ મોટું છે એટલે આજે તો સ્મૃિતપટ પર જે ગીતો પહેલાં આવ્યાં એનો જ ઉલ્લેખ કર્યો છે. તન-મનને તરબતર કરતાં આ બધાં ગીતો ખૂબ સરસ છે એટલે તમારી સાથે આજે તો બસ, વરસાદી છોળો ઉછાળીને તમને ભીંજવી દેવાનો જ નિશ્ચય કર્યો છે.

લેખ વાંચતી વખતે છત્રી લઈને બેસવાની મનાઈ છે. વરસાદ હોય કે ના હોય, મન મૂકીને ભીંજાજો આજે.

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે
વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે
વરસાદ ભીંજવે

લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે
વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે …!

http://www.tubeofmusic.com/?v=FLcFhUr9RyM

વાહ, રમેશ પારેખ. આ કવિતાનો જોટો ન જડે. મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે …! આ એક જ પંક્તિમાં આખી પ્રણયકથાનો સાર આવી જાય છે. લગભગ દરેક કલાકારે આ રચના ગાઈ છે, પરંતુ રમેશ પારેખના પોતાના અવાજમાં સાંભળવાનો આનંદ પણ લેવા જેવો છે.

કવિ સુંદરમ્‌નું ગીત પિયુના આવવાના એંધાણનો મધુર ગુંજારવ છે. ક્ષેમુ દિવેટિયાના સંગીતમાં વિભા દેસાઈની સુરીલી સરગમ ભળીને બાદલને વરસવા રીઝવી દે છે અને મનમાં થૈ થૈ કાર થઇ ઊઠે છે.

પંક્તિઓ વાંચો:

રિમઝિમ રિમઝિમ રિમઝિમ રિમઝિમ
બાદલ બરસે , રિમઝિમ બાદલ બરસે,
રિમઝિમ બરસે, બાદલ બરસે
હો. મારું મન ગુંજે ઝનકાર, મારું મન ગુંજે ઝનકાર …!

https://www.youtube.com/watch?v=AB5yOcRk6HM

વરસાદમાં નાચી ઊઠેલું મન અચાનક સુગંધિત પુષ્પ કે લીલાંછમ પાનને જોઈને શાંત પડી જાય છે.

હરીન્દ્ર દવેનું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને હંસા દવેના કંઠે લોકપ્રિયતાની તમામ સીમા પાર કરી ગયેલું ગીત ;

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ,

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા … કેમ ભૂલાય? દિપાલી સોમૈયા, હિમાલી વ્યાસ, શ્રદ્ધા શ્રીધરાણીથી લઈને ઐશ્વર્યા મજમુદાર સુધીની યુવાપેઢી પણ આ ગીત ફરમાયેશ પર અનેકવાર ગાઈ ચૂકી છે એવું આ સદાબહાર ગીત છે. ભગવતીકુમાર શર્માની એક બહુ સરસ રિધમિક રચના છે :

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

પછી કવિ અન્ય પંક્તિઓમાં કહે છે :

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળું ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!

https://www.youtube-nocookie.com/embed/BveN9-fmkok?autohide=2&border=0&wmode=opaque&enablejsapi=1&modestbranding=1&controls=2&showinfo=1

આ અડધા અક્ષરનો તાળો મેળવવામાં જ જિંદગી આખી વીતી જાય છે એવો ભાવાર્થ દર્શાવતું આ ગીત આશિત-હેમાનાં સર્વશ્રેષ્ઠ ગીતોમાંનું એક છે. મુકેશ માલવણકરનું એકલ દોકલ વરસાદે કેવી ભીંજાણી હું .. પરેશ ભટ્ટ નામના ઉત્તમ સ્વરકારનું અનોખું ગીત છે. સ્વ. પરેશભાઈના કંઠે જેમણે સાંભળ્યું હોય એ સદભાગી. હું વરસું છું, તું વરસે છે… એ રાજેન્દ્ર શુક્લના કસુંબલ મિજાજથી જુદી જ પણ, સુંદર રચના છે જેને સુરેશ જોશીના સુરીલા સ્વરાંકનમાં રેખા ત્રિવેદીનો મધુર કંઠ સાંપડ્યો છે. વરસાદ શરૂ થાય ને અનિલ જોશીનું આ ગીત યાદ ન આવે તો જ નવાઈ. ઉદય મઝુમદારનું સંગીત અને રેખા ત્રિવેદીના કંઠે ગવાયેલું ગીત પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી…માં સ્ત્રીની નજાકત સુંદર વર્ણવી છે. ગીતનો બીજો અંતરો તો અદ્ભુત છે:

પિયુજી છાપરાને બદલે જો આભ હોત,
બંધાતી હોત હું યે વાદળી,
માણસ કરતાં જો હોત મીઠાની ગાંગડી,

છાંટો વાગે ને જાત ઓગળી…! જાતને ઓગાળવાનો કેટલો આસાન રસ્તો કવિએ બતાવી દીધો. એને તો પ્રિયતમના પ્રેમની એક બૂંદના સ્પર્શે જ ઓગળી જવું છે. અનિલ જોશીની કવિતાઓમાં કલ્પનો ખૂબ સરસ વણાઈ જાય છે. સંગીતકાર રાસબિહારી દેસાઈ સ્થાપિત અમદાવાદના શ્રુતિવૃંદનું એવું જ આશ્ચર્યકારી અવિનાશ વ્યાસ રચિત ગીત આવે મેહુલિયો સંગીત અને વાતાવરણના આરોહઅવરોહનું મજેદાર ગીત છે જેની પ્રથમ પંક્તિ છે કાનમાં પવન કહીને ચાલ્યો, હે હે આવે મેહુલિયો રે …! આ ગીતમાં વરસાદનું ખૂબ મનોહારી વર્ણન કરેલું છે. ધરતી વરસાદના મિલન માટે ઉત્સુક છે એવું એનો જ દોસ્ત પવન આવીને કાનમાં કહી જાય છે. ખૂબ સુંદર શબ્દો અને સ્વરનિયોજનનું શ્રુતિવૃંદે ગાયેલું આ ગીત અંતમાં અચાનક ધીમું પડી જાય છે ત્યારે પ્રશ્ન થાય કે આનંદ અને ઉત્સવનાં આ ધરતી-વરસાદનાં મિલનનાં વાતાવરણમાં આ ગંભીરતા કેમ છે? અહીં જ સ્વરકાર ક્ષેમુભાઈએ કમાલ કરી છે. મિલનના સંતોષ અને કાંઈક મળ્યું છે એના વિચારોમાં મગ્ન ધરતી પાસું ફેરવીને જુએ છે તો એનો મેહુલિયો છે ગાયબ! ત્યાં જ જાણે પેલો પવન ફરીથી એના કાનમાં આવીને કહી જાય છે કે, હે હે આવે મેહુલિયો રે! મિલન પછીની જુદાઈ ધરતીથી જીરવાતી ના હોય એના સંકેત રૂપે ગીત પણ ધીમું થઈ જાય છે! છતાં, પાલવ લહેરાવીને પ્રતીક્ષા કરતી ધરતીને ખબર છે કે એનો મેહુલિયો એને ભીંજવવા આવવાનો જ છે. તેથી જ પછી ઝડપી લયમાં અંતરાનો ઉપાડ થાય છે :

દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યા,
મસ્ત મેહુલિયો આયો રે!
બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;
થયો ધરતીનો પાવન મનખો, આજ ઘર આવે એનો બંકો.
દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે!

ધરતી અને આભના મિલન સાથે ગીત પૂરું થાય છે.

https://www.youtube.com/watch?v=dGRauKXDwyc

ગની દહીવાલાનું એક કર્ણપ્રિય ગીત છે, આ કોની મનોરમ દ્રષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું, ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું. ગીતમાં એ પછીનું વર્ણન મનમોહક છે. કાળાં વાદળો એ વાદળો નથી, પણ શ્યામલ રંગી જલપરી છે. અને વીજળી એ એની આંખમાં થતા ચમકારા છે. આજે એ વાદળરૂપી શ્યામા એકલી નથી, એણે એની અંદર એના પ્રિયતમ મેઘને સમાવી લીધો છે, એથી જ તો એનો રંગ એને ચડ્યો છે- શ્યામ રંગ! આ તન્વી શ્યામા પર એટલે જ તો શ્યામ રંગ અતિશય સુંદર લાગે છે. આગળની પંક્તિઓ છે:

આ રસભીની એકલતામાં સાન્નિધ્યનો આજે સંભવ છે,
ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પદરવ છે?
આનંદના ઊઘડ્યા દરવાજા, ધરતીનું કલેવર ભીંજાણું,
ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું!

વરસાદનાં ફોરાં પડે છે એનો અવાજ પ્રિયતમાના પાયલનો કર્ણ મંજુલ અવાજ છે. પ્રિયતમાના પગરવના ખ્યાલ માત્રથી આનંદના દરવાજા ઊઘડી જાય છે. કોઈક અલૌકિક ભાવસમાધિમાં કવિ સરી જાય છે. પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે તો તમે આ ગીત સાંભળ્યું જ હશે પરંતુ, હરેશ બક્ષીના સ્વરાંકનમાં બંસરી ભટ્ટે ગાયેલું આ ગીત ચૂકવા જેવું નથી. હિતેન આનંદપરાનું આલાપ દેસાઈના સ્વરાંકનમાં એમને જ કંઠે ગવાયેલું વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં મજેદાર ગીત છે તો સોલી – નિશાએ ગાયેલું આ ગીત દરેક પ્રેમીઓની મનોકામના છે.

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.
વરસાદને અને વિરહને પાક્કી દોસ્તી છે.

https://www.youtube.com/watch?v=O7RsuS4ALWQ

અધૂરી પ્રેમકહાની, સંબંધ વિચ્છેદ, લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ, એકતરફી પ્રેમ વરસાદમાં તીવ્ર પીડા જન્માવે છે ત્યારે ફરીથી ભગવતીકુમાર શર્માની પંક્તિઓ અને સોલી કાપડિયાનો ઘેરો કંઠ મનોવેદનાની ચરમસીમાએ લઈ જાય છે;

હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં!
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ, અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં…!

https://www.youtube.com/watch?v=GT4Taxqsmbg

શું અસરદાર ગીત છે આ! પ્રણયકથામાં આંસુ તો ‘આઇસિંગ ઑન ધ કેક’ છે! આંસુનાં બૂંદ સાથે લેખરૂપી કેક પર અમે હવે ફાઈનલ ડેકોરેશન કરી દીધું છે. હીરાની જેમ તગતગી રહ્યાં છે એ. ગળે ડૂમો બાઝે એ પહેલાં અહીં જ અટકીએ. લોકસંગીતમાં પણ વરસાદ અદ્ભુત ગવાયો છે. એ વાત આ ચોમાસે આપણે કરવાની જ છે. …

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 14 જૂન 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=412210

Loading

...102030...3,0773,0783,0793,080...3,0903,1003,110...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved