Opinion Magazine
Number of visits: 9581119
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇમાનદાર અને મહેનતુ એવી વિચરતી અને વિમુક્ત જાતિઓને સારી જિંદગી ક્યારે મળશે ?

સંજય શ્રીપાદ ભાવે|Samantar Gujarat - Samantar|6 July 2018

વાડજમાં ટોળાએ ‘વાદી’ નામની વિચરતી અને વિમુક્ત જાતિનાં મહિલા શાન્તાદેવીની કરેલી હત્યાના વિરોધમાં ગઈ કાલે થયેલા ધરણાંનો સંદર્ભ આ ખાનાબદોશ લોકોના યાતનાલોકને સ્પર્શે છે.

અમદાવાદમાં આઠ દિવસ પૂર્વે ટોળાંએ એક ભિક્ષુક મહિલાને તે બાળકચોર હોવાના વહેમથી મારી નાખી અને તેની સાથેની ત્રણને ઘાયલ કરી. તેના ચાર જ દિવસ પછી ટોળાંએ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના રાઇનપાડામાં ગામમાં એ જ વહેમથી પાંચ પુરુષોને અને તેના દસેક દિવસ પહેલાં ઔરંગાબાદમાં બે અલગ બનાવોમાં બે પુરુષોને મારી નાખ્યા.

આ બધા બનાવોમાં મળતાંપણું એ હતું કે જેમની પર ચોર હોવાના આરોપ હતા, તે બધાં ચોક્કસ કોમોના હતા. વાડજમાં ભોગ બનનાર મહિલાઓ વાદી, ધુળે જિલ્લાના મૃતકો ડવરી ગોસાવી અને ઔરંગાબાદના બહુરૂપી સમુદાયનાં હતાં. આ ત્રણેય કોમોનો સમાવેશ વિચરતી અને વિમુક્ત જાતિઓમાં થાય છે. ભારતના દરેક રાજ્યમાં આ સમુદાયની કેટલીક જાતિઓ વસે છે. તેમની દશા બહુ જ ખરાબ છે. ભૂખમરો, ગરીબી, બેકારી, અજ્ઞાન, ખનાબદોશી, અલગાવ, અપમાન જેવાં આ દેશના વંચિતોને લલાટે લખાયેલા તમામ શાપ વિચરતી વિમુક્ત સમુદાયોના લોકો પર છે. આટલું ઓછું હોય તેમ આ સમુદાયો પર જન્મજાત ગુનેગાર જાતિઓ એવો સિક્કો વિદેશી અંગ્રેજ શાસકોએ માર્યો હતો, જે આપણા દેશનો સમાજ હજુ સુધી મિટાવી શક્યો નથી, એટલું જ નહીં આ સમુદાયોના લોકો પર દેશના કોઈ ને કોઈ ભાગમાં થતાં રહેતાં અત્યાચારો બતાવે છે કે એ સિક્કાની છાપને આપણે વધુ ઘેરી બનાવતા જઈએ છીએ.

સાદી ભાષામાં કહીએ તો એવું બને છે કે ગુજરાતમાં કોઈ જ્ગ્યાએ ચોરી કે લૂંટનો ગુનો થાય અને તપાસમાં ઝડપી કામયાબી ન મળતી હોય તો પોલીસ ડફેર કે છારા કોમના, કે મહારાષ્ટ્રમાં રામોશી કે ફાસેપારધી જેવી કોમના લોકોને પકડીને ખૂબ મારે. તેઓ મોટે ભાગે શહેરની બહાર, વગડામાં કે રસ્તાની બાજુ પરની તેમની વસાહત કે દંગા પર રહેતા હોય. આવો વારો બીજી ઘણી ફરતી કોમનો પણ પડી શકે. પોલીસ જેવું જ સમાજ માને. ‘બેટા બાવો ઉપાડી જશે’ એવા બોલ આપણા બાળઉછેરનો હિસ્સો બની ગયા છે. એક જમાનામાં સાપ-ઘો-નોળિયા-વીંછીના ખેલ બતાવનાર માટે હવે ‘આ વાદીઓ છોકરાં ચોરી જાય’ એવો ડર ફેલાવવામાં આવે છે. ભભૂત લગાવીને ભીક્ષા માંગતા ગોસાવી માટે મહારાષ્ટ્રમાં ‘ગોસાવડા બચ્ચાને લઈ જશે’ એમ મનાવા લાગ્યું. ફલાણી કોમનો છે તો સાચવજે કંઈ ઊઠાવી ન જાય, એવી ચેતવણીઓ મળે છે. સમાજમાનસનાં આ જાળાં પાછળ દોઢસોએક વર્ષનાં ઇતિહાસ અને સમાજવ્યવસ્થા છે.

વક્રતા તો એવી છે કે આ એ જ લોકો છે કે જે પોતે રઝળીને આપણાં વસેલાં ઘરસંસારની જરૂરિયાતોને પૂરી પાડતા રહ્યા છે. એ બધા આપણી આજુબાજુ જ હોય છે, પણ તેમનાં હોવાની દખલ ભાગ્યે જ લેવામાં આવે છે. બંધારણ, સમાજશાસ્ત્ર અને સરકારી પરિભાષામાં તેમને  વિચરતી અને વિમુક્ત જાતિઓ અથવા ડિનોટિફાઇડ અને નૉમૅડિક ટ્રાઇબ્સ (ડી.એન.ટી.) તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહોના મહેનતકશ હુન્નર અને કામધંધાનું સ્વરૂપ એવું છે કે જે તેમને ફરતી જિંદગી જીવવા માટે મજબૂર કરે છે. આ સમૂહોના લોકો જંગલમાં કે પહાડોમાં નહીં, પણ આપણા શહેરો અને કસબાની રોજબરોજની જિંદગીમાં પણ જોવા મળતા હોય છે. છતાં તેમના રઝળપાટનો આપણને ખ્યાલ હોતો નથી. આપણી સોસાયટીઓમાં છરી-ચપ્પાની ધાર કાઢવા માટે આવનાર સરાણિયા નામના વિચરતા સમુદાયના હોય છે. ચાદરો વેચનાર સલાટ અને ગધેડાં પર માટીફેરા કરનાર તે ઓડ. થોડાં વર્ષો પહેલાં સુધી સાપ લઈને આવનાર વાદી-મદારી, અને અને કાંસકામાં ઊતરી આવેલા વાળ વેચાતા લેનાર વઢિયારી બજાણિયા. વેશ કાઢનાર તે બહુરૂપી અને ભજવનાર તે ભવાયા. શહેરમાં રસ્તાની બાજુએ નેતર કે વાંસમાંથી પડદા બનાવનાર તે વાંસફોડા, દોરડાં પર ખેલ કરનાર તે બજાણિયા અને અને અંગકસરતના દાવ બતાવનાર નટ. રાવણહથ્થા વગાડતાં ફરનારા ભરથરી, લોબાન લઈને જનાર ફકીર, મૂર્તિઓ બનાવનાર કે નદીના ભાઠામાં શાકભાજી ઊગાડીને વેચનાર દેવીપૂજક. પોલીસના અમાનુષ જુલમોનો હંમેશાં વગર કારણે ભોગ બનાનારા ડફેર. આ કંઈક અંશે જાણીતી જાતિઓ ઉપરાંતની કેટલીક વિચરતી જાતિઓ આ મુજબ છે : કાઠોડી, કોટવાળિયા, ગરો, ગાડલિયા, ગારુડી, ઘાંટિયા, ચામઠા, જોગી, તુરી, નાથ, પારઘી, બાવા-વૈરાગી, ભવૈયા, ભોપા, ભાંડ, રાવળિયા, વણઝારા, વાદી, વિટોળિયા, શિકલીગ, છારા, મે, મિયાણા, વાઘરી, વાઘેર.

આમાંથી અનેક કોમોનો કર્મશીલ મિત્તલ પટેલે કરેલો સમાજશાસ્ત્રીય અભ્યાસ ‘ગુજરાતના વિચરતા-વિમુક્ત સમુદાયો’ પુસ્તક તરીકે પ્રસિદ્ધ થયો છે. તેનું પુરોગામી સંશોધન-પુસ્તક ‘સરનામાં વિનાનાં માનવી’ વિરલ સામાજિક કાર્યકર અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય અરવિંદ આચાર્યે લખ્યું છે. તેમાં તેમણે ઝવેરચંદ મેઘાણીએ નાથ-બાવા, ડફેર, મિયાણા જેવા સમુદાયોનું લોકસાહિત્યના અભ્યાસના ભાગ તરીક જે ગૌરવ કર્યું છે તેના સંદર્ભો પણ આપ્યા છે. ખોટી રીતે ગુનેગાર ગણાયેલી પાટણવાડિયા કોમની પોલીસ દ્વારા લેવાતી ખૂબ અપમાનકારક હાજરીનો નિયમ દૂર કરાવવા માટે મહારાજે સરકારી કચેરીઓમાં જે કેટલા ય માઇલોના ધક્કા લોઢા જેવા પગે ચાલીને ખાધા છે તેનું વૃત્તાન્ત ‘માણસાઈના દીવા’માં મળે છે. મહાશ્વેતાદેવીની કેટલીક કૃતિઓ, લક્ષ્મણ ગાયકવાડની ‘ઉઠાઉગીર’ કે કર્મશીલ દક્ષિણ છારાની ‘બુધન બોલતા હોય’ કે સાત છારા રંગકર્મીઓની ‘કહાની મેરી તુમ્હારી’ જેવી આપવીતી, છારા યુવાનો જે ભજવતા રહે છે તે ‘બુધન’ નાટક, મિત્તલ અને સાથીઓની સંસ્થા ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’નો બ્લૉગ એ આ સમૂહોના યાતનાલોકમાં લઈ જાય છે. વળી, સરકાર અને સમાજને તેમાંથી બહાર નીકળવાની દિશા મથામણ પણ મિત્તલની સંસ્થા કે દક્ષિણ અને એના સાથીઓના ડી.એન.ટી. અધિકાર મંચ જેવાં જૂથોનાં કામમાંથી જ મળે છે.

વિચરતા અને વિમુક્ત જાતિ સમૂદાયોને એંગ્રેજોએ ‘ગુનેગાર કોમો’ તરીકે કેમ ખતવી અને આઝાદ ભારતની પોલીસે તે કલંક શી રીતે ટકવા દીધું છે તેની સમજૂતી જાણીતા વિદ્વાન  સમાજસેવક ગણેશ દેવીએ આપી છે. દેવી કહે છે કે અંગ્રેજો તેમના સામ્રાજ્યનો વિરોધ કરનાર સહુને ગુનેગાર ગણતા, અને તેમાં ય જેમની પાસે હથિયાર હોય તેમને વિશેષ. એમાં શાહિરો-ચારણો, ફકીરો, ગામે ગામ ફરીને ધંધો કરનાર નાના વેપારીઓ, ગામડાંમાં માલ વહન કરનાર, વિખરાયેલા કે છોટા થયેલા સૈનિકો વગેરે બધા આવી જતા. ઓગણીમી સદીના પૂર્વાર્ધમાં ઇશાન ભારતની આદિવાસી જાતિઓનો વારો આવ્યો, ત્યાર બાદ બીજા રાજ્યોનો. 1871માં અને ક્રિમિનલ ટ્રાઇબ્સ (સી.ટી.) ઍક્ટ હેઠળ આવતી જાતિઓની લાંબી યાદી બની. દેશ આઝાદ થયો ત્યારે પણ સંખ્યાબંધ જાતિઓ ‘જન્મજાત ગુનેગાર’ની યાદીમાંથી મુક્ત ન થઈ. 1952માં સંસદે તેમને આ યાદીમાંથી મુક્ત કર્યા, એટલે વિમુક્ત જાતિ શબ્દ આવ્યો.

જો કે અંગ્રેજોએ પછી ય આ સમુદાયોની હાલતમાં ઝાઝો ફેર ન પડ્યો. સી.ટી. ઍક્ટની જગ્યાએ હૅબિચ્યુઅલ ઑફેન્ડર્સ ઍક્ટ એટલે કે કાયમી ગુનેગાર કાયદો બન્યો ! પોલીસ અને સત્તાનો એક હિસ્સો અંગ્રેજોના જમાનાના જ રહ્યા. પોલીસ વાડજના કિસ્સામાં મહિલાઓને બચાવવાની કોશિશ કરે છે. પણ સારી જિંદગી માટે વલખાં મારનાર ડફેરોના કડી તાલુકાના વામજ ગામ બહારના દંગા પર ચૌદમી મેએ તૂટી પડે છે! મ્યુિનસિપલ કૉર્પોરેશન સાબરમતી વિસ્તારમાં વર્ષોથી વસતા દેવીપૂજક, બજાણિયા અને વાંસફોડા લોકોનાં છાપરાં પર સત્તરમી જૂને બુલડોઝર ફેરવે છે ! તેના બાર દિવસ પછી વાડજમાં ટોળું વાદી મહિલાને મારી નાખે છે ! 

*******

05 જુલાઈ 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 06 જુલાઈ 2018 

Loading

તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|5 July 2018

હૈયાને દરબાર

          એ…એ…એ…
          ઓરી આવે તો   તને વાત કહું ખાનગી

          એ… એ… જૂનાગઢનાં સીતાફળ
          એ… મારા ધોળકાનાં દાડમ
          આવ… આવ…
          એઈ…
          ઓરી આવે તો  તને વાત કહું ખાનગી
          તું ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી
          … ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

          ઓરી આવે તો  તને વાત કહું ખાનગી
          તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
          … ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

          વાળ તારા ખંભાતી સૂતરફેણી
          ગાલ તારા સુરતની ઘારી
          રાજકોટના પેંડા જેવી તું છે કામણગારી
          માવા જેવી માદક જાણે
          માવા જેવી માદક જાણે
          મોહબ્બતની મિજબાનગી
          તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
          … ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

          એઈ…
          ઓરી આવે તો  તને વાત કહું ખાનગી
          તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
          … ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

          હોઠ  તારા  અમદાવાદી
          શરબતની દુકાન
          એ શરબતનો તરસ્યો છું
          હું રંગીલો જુવાન

          પીઉં પીઉં પણ પ્યાસ ન બૂઝે
          પીઉં પીઉં પણ પ્યાસ ન બૂઝે
          હોઠોને હેરાનગી
          તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
          … ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

          અરે જા રે નફ્ફટ …

          તું વલસાડી હાફૂસ મીઠી
          ચોરવાડની  કેસર  કેરી
          ભાવનગરના ગાંઠિયા જેવી
          આંગળિયો અનેરી
          મોળો માનવી આરોગે તો….અરે
          મોળો માનવી આરોગે તો
          આવી જાય મર્દાનગી
          તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
          … ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

          એઈ…
          ઓરી આવે તો  તને વાત કહું ખાનગી
          તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
          … ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

          કતાર ગામની પાપડી જેવી
          આંખ્યું આ અણિયાળી
          જામનગરનાં ગુલાબજાંબુ જેવી
          તું રસવાળી
          તુજને ખાવા માટે ના… ના… ના…
          તુજને ખાવા માટે ના લેવી
          પડતી પરવાનગી
          તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
          … ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

          હટ… જાણે તારા બાપનો માલ છે
          અરે નહિતર શું?

          જીભ તારી મરચું ગોંડલનું
          બોલે બોલે તીખું તમતમ
          ભેજું છે નડિયાદી ભૂસું સાવ ખાલીખમ
          તું વડોદરાનો લીલો
          ચેવડો…ચેવડો…ચેવડો
          તું વડોદરાનો લીલો ચેવડો
          ખાતાં આવે તાજગી
          તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
          … ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

          એઈ….
          ઓરી આવે તો  તને વાત કહું ખાનગી
          તું ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી
          … ગરમ મસાલેદાર ખાઠી-મીઠી વાનગી

          અરે…અરે…
          મારી પોરબંદરની ખાજલી
          અરે જા…જા…
          ઓ મારા ભુજના પકવાન
          હેં…હેં..હેં… હાય…હાય…હાય

ફિલ્મ – મોટા ઘરની વહુ • ગીત-સંગીત – અવિનાશ વ્યાસ • સ્વર – કિશોરકુમાર

https://www.youtube.com/watch?v=q5dRdVT-dhw

——————————-

ગરમાગરમ ભજિયાં, આથેલાં મરચાં, કાંદાની સ્લાઈસ ને ખાડાના (અમદાવાદના પ્રખ્યાત) દાળવડાં આરોગવાની આ મોસમમાં છેલ્લા કેટલાક દિવસથી આ ગીત વોટ્સ એપ પર ફર્યા કરે છે અને કિશોરકુમારનાં સર્વશ્રેષ્ઠ ગીત તરીકે લોકો ગૌરવપૂર્વક ફોરવર્ડ કરે છે.

મોંમાં પાણી આવી જાય એવા આ મસ્ત-મજેદાર ગીતના ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસ અને ગાયનમાં કિશોરકુમારની વર્સેટિલિટી હોય, પછી ગીત સુપરહિટ ન થાય તો જ નવાઈ!

કેટલાં ય વર્ષો સુધી ગીતની કેચી ધૂન અને કિશોરદાના અવાજને જ લક્ષ્યમાં લઈને ગીત સાંભળ્યું હતું અને બહુ મજા પડતી હતી. પરંતુ પછીથી ફિલ્મ ‘મોટા ઘરની વહુ’નાં આ ગીતના શબ્દો ધ્યાનપૂર્વક વાંચ્યા-સાંભળ્યા ત્યારે ખબર પડી કે આ ગીત તો ગલગલિયાં કરાવે એવા સોફ્ટ પોર્ન ટાઈપનું જ છે. સંગીત અને કિશોરકુમારની ગાયનશૈલીના પ્રતાપે આટલું લોકપ્રિય બન્યું. ફિલ્મની સિચ્યુએશન મુજબ જ આ ગીત બન્યું હશે પણ ગીતમાં પુરુષને સ્ત્રી પાછળ લાળ ટપકાવતો જ બતાવ્યો છે. અને સ્ત્રી તો જાણે ફરસાણ-મીઠાઈની હરતી ફરતી દુકાન. એમાં ય વળી ગુજરાતનાં જુદાં જુદાં શહેરની સ્પેિશયાલિટી સાથે સ્ત્રીને સરખાવી છે. ભાવનગરી ગાંઠિયા, જામનગરનાં ગુલાબજાંબુ ને અમદાવાદી શરબતની તો આખેઆખી દુકાન જેવી જ ગળચટ્ટી સ્ત્રી ..!

રસોડું અને રસોઈની બહાર પણ સ્ત્રીની એક દુનિયા છે જેમાં એ એક મજબૂત, કાર્યક્ષમ, બાહોશ અને ખૂબસુરત આદરપાત્ર મહિલા છે એ કોણ જુએ? એમાં અહીં તો ગુજરાતી ફિલ્મની અબૂધ નારીની વાત છે એટલે કહેવું શું? આ ગીત સાંભળીને ૭૦ના દાયકામાં બનતી ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ યાદ આવી ગયો. એ વખતની મોટાભાગની ફિલ્મોનાં સંગીતમાં એક લોકગીત, એક ડ્યુએટ, એક સોલો, એક ગરબો, એક સેડ સોલો અને એક કોમેડી ગીત હોય જ. કોમેડિયન તરીકે મોટેભાગે રમેશ મહેતા મનોરંજન કરતા હોય. ‘મોટા ઘરની વહુ’ ફિલ્મમાં જો કે અસરાની હતા અને ગરમ મસાલેદાર જેવું ખટમીઠું ગીત અસરાની અને રજનીબાલા પર ફિલ્માવાયું છે.

આ સંદર્ભમાં કવિ-ગીતકાર અને ફિલ્મચાહક દિલીપ રાવલે થોડી વિગતે માહિતી આપી, "૭૦ના દાયકાની આ જ ફોર્મ્યુલા હતી. રમેશ મહેતાને કોમેડિયન તરીકે લેવા જ પડે. લોકોની પણ અપેક્ષા હોય કે રમેશ મહેતા ગમે એવી વલ્ગર કોમેડી કરે પણ એ હોય તો લોકો ફિલ્મ જોવા જાય જ. ‘ઘર ઘર કી કહાની’ ફિલ્મ પરથી એક સરસ અર્બન ગુજરાતી ફિલ્મ ‘ઘેર ઘેર માટીના ચૂલા’ આવી હતી. એમાં જલાલ આગા પર ફિલ્માવાયેલું એક ગીત હતું, ઓલું કબૂતરું મને ગમતું, એની પાછળ મન મારું ભમતું …! એ જ પ્રવાહ ‘સંતુ રંગીલી’ સુધી આગળ વધ્યો હતો. આ ફિલ્મના બોલો પ ફ બ ભ મ હોઠ ભીડી … ગીતમાં દ્વિઅર્થી રમૂજ હતી. આ પ્રવાહનાં મૂળ જૂની રંગભૂમિમાં છે. કર્ટનરેઇઝર ગીત તરીકે એકાદ કોમેડી ગીત જૂની રંગભૂમિમાં પણ રહેતું હતું.

અલબત્ત, હિન્દી ફિલ્મો પણ આ ટ્રેન્ડથી ક્યાં બાકાત હતી! મહેમૂદ અને જોની વોકર પર કેટલાં ય સુંદર ગીતો ફિલ્માવાયાં છે ને ફિલ્મમાં એ જ સૌથી વધુ લોકપ્રિય થયાં છે. કિશોરદાનું ચંદા ઓ ચંદા તથા રફી-સુમન કલ્યાણપુરનું બેહદ ખૂબસુરત ગીત અજહૂ ન આયે બાલમા … મહેમૂદ પર તો ફિલ્માવાયાં છે! કિશોરકુમારે ગુજરાતી ફિલ્મોમાં છએક ગીત ગાયાં છે જેમાંથી ચાર કોમેડી ગીતો છે. ગરમ મસાલેદાર ઉપરાંત હું અમદાવાદનો રિક્ષાવાળો અને ફિલ્મ ‘સંતુ રંગીલી’નું મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. આ ગીતો આપણે ગમે એટલી વાર સાંભળીએ તો ય જલસો જ પડે એવાં સદાબહાર. ફિલ્મ ‘લાખો ફૂલાણી’માં કિશોરકુમારનું ગાયેલું નારી નરકની ખાણ છે … ગીતના શબ્દો હતા :

ગાઓ સૌ સાથે તમને બજરંગ બલિની આણ છે
શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે
જય જય બ્રહ્મચારી, બે-ચાર દંડ લ્યો મારી
જય જય બ્રહ્મચારી, બે-ચાર દંડ લ્યો મારી …!

આ ગીતમાં તો સરેઆમ નારીનું અપમાન છે. એટલે એ વખતે આ શબ્દોને લીધે ખૂબ હોબાળો મચ્યો હતો અને ગીતને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. કિશોરકુમારના અવાજમાં રેકોર્ડ થયેલાં આ ગીતની ધૂન આઓ બચ્ચોં તુમ્હેં દિખાએં ઝાંકી હિન્દુસ્તાન કી …. વંદે માતરમ્ … હિન્દી ગીતને મળતી આવે છે. ગાઈ જોજો. આ સિવાય ફિલ્મ ‘કુળવધૂ’નું બહુ સરસ ગીત કિશોરકુમારે ગાયું છે એ છે : ચાલતો રહેજે, તું ચાલતો રહેજે, જીવનની વાટે, મંઝિલને માટે, વિસામો ન લેજે, ચાલતો રહેજે … ! કલ્યાણજી આણંદજીનું સંગીત અને બરકત વિરાણી ‘બેફામ’ના શબ્દ હોય એટલે ગીતની ઊંચાઈ કલ્પી શકાય. ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી ગીત કિશોરદા પાસે ગવડાવવાનો અદ્ભુત પ્રયોગ અવિનાશ વ્યાસે કર્યો હતો.

કિશોરદાએ તો તરત જ ‘મને ગુજરાતી ન આવડે’ કહીને સાફ ના જ પાડી હતી ગાવાની. પણ અવિનાશભાઈએ કહ્યું કે આ ગીત કિશોરબાબુ સિવાય કોઈ ગાઈ જ ના શકે. પછી એમણે ખૂબ મહેનત કરીને ગીત તૈયાર કર્યું અને, રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી. કિશોરકુમાર એ … એ … એ … કરીને જે ગુજરાતી લહેકાથી ગીતનો આરંભ કરે છે ત્યાં જ એ મેદાન મારી જાય છે. આટલી બધી વાનગીઓનાં નામ ધરાવતું આ એક જ ગીત હશે કદાચ ગુજરાતી ભાષામાં. બાળપણમાં ‘નદી કિનારે ટામેટું, ઘી-ગોળ ખાતું’તું જેવાં જોડકણાં સાંભળ્યાં છે, પરંતુ આખું ગીત વાનગીઓથી સભર હોય એવું તો આ એક જ હોવું જોઈએ. અલબત્ત, ચીલાચાલુ શબ્દોને બદલે સુંદર શબ્દ સામર્થ્ય ધરાવતાં ગીતોની મજા જ અનેરી હોય છે. પહેલી જ પંક્તિમાં કારેલાં જેવી કડવી વાનગીનું નામ આવરી લઈને એક ઉત્તમ કૃતિ રચાઈ છે, ત્યારબાદ આખા ગીતમાં નારી સંવેદનાની અદ્ભુત અભિવ્યક્તિ છે એ વાત આવતા અંકે.

વાનગીના ઉલ્લેખ સાથે ય નારી સંવેદનાની વાત કયા સ્તરે થઇ શકે એની સરખામણી તમે જ કરી લેજો ..

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 જુલાઈ 2018

 http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=413627

Loading

સર્વોચ્ચ અદાલતે દિલ્હીના લેફ્ટનન્ટ જનરલનું નાક નથી કાપ્યું, કેન્દ્ર સરકારનું કાપ્યું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 July 2018

સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપી દીધો છે કે દિલ્હીમાં લોકો દ્વારા ચૂંટેલી સરકાર સતાધીશ છે અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે (એલ.જી.) દિલ્હી સરકારના નિર્ણયોને મંજૂર રાખવાના છે. દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી એનો અર્થ એવો નથી કે એલ.જી. દિલ્હી સરકારના દરેક નિર્ણયને નામંજૂર કરે અને કેટલીકવાર તો તેની વિરુદ્ધ નિર્ણય લે. ખરી સત્તા દિલ્હીની ચૂંટાયેલી સરકાર ધરાવે છે. સર્વોચ્ચ અદાલતે જો કે જમીન, પોલીસ અને કાયદો અને વ્યવસ્થાની બાબતે કેટલીક સત્તાનો સ્વીકાર કર્યો છે.

દિલ્હીમાં એલ.જી. આવો અધિકાર ધરાવે એટલે પરંપરા એવી હતી કે દિલ્હીમાં જમીન, પોલીસ અને કાયદો તેમ જ વ્યવસ્થાને લગતા કોઈ નિર્ણય લેવાના હોય. ત્યારે એલ.જી. અને ચૂંટાયેલી સરકાર સલાહ-મસલત કરતા હતા અને નિર્ણય લેતા હતા. આ પરંપરા દિલ્હી શહેર સો ટકા યુનિયન ટેરિટરી હતું ત્યારે પણ હતી અને ૧૯૯૧માં દિલ્હીને મર્યાદિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો એ પછી પણ હતી. આ પરંપરા હમણાં સુધી જળવાઈ રહી હતી તે ત્યાં સુધી કે દિલ્હી અને કેન્દ્રમાં અલગ અલગ પક્ષોની સરકાર હોય તો પણ જળવાતી હતી. દિલ્હીમાં શીલા દીક્ષિતની કોંગ્રેસની સરકાર હતી અને કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, પરંતુ ત્યારે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે અથડામણ થઈ હોય જાણમાં નથી.

૨૦૧૫માં નરેન્દ્ર મોદીની સરકારે દિલ્હીના એલ.જી.ને સલાહ આપી હતી કે તેમણે કોઈ મુદ્દે દિલ્હીની ચૂંટાયેલી સરકાર સાથે સલાહ મસલત કરવાની જરૂર નથી, એટલું જ નહીં દિલ્હી સરકારના કોઈ નિર્ણયો એલ.જી.ની મંજૂરી વિના લાગુ ન થવા જોઈએ. આ સલાહ કે આદેશનો તાત્પર્ય સ્પષ્ટ છે. એલ.જી. તેનો બંધારણીય અધિકાર વાપરે અને અરવિંદ કેજરીવાલની સરકારને કામ કરવા ન દે. એલ.જી. જો આવા અધિકાર ધરાવે છે તો એ ૨૦૧૫ પહેલાં પણ હતા, પરંતુ ત્યારે કેન્દ્રમાં ખારીલા શાસકો શાસન નહોતા, જે ગમે તે માર્ગે પ્રતિસ્પર્ધીને ખતમ કરી નાખવાની માનસિકતા ધરાવતા હોય. પ્રજાએ જેને તક આપી છે એની રાજકીય/શાસકીય ભૂમિનો આદર કરવા જેટલી સભ્યતા તેઓ ધરાવતા હતા. આને કારણે એનું એ બંધારણ અને દિલ્હીનો એનો એ દરજ્જો હોવા છતાં અથડામણો નહોતી થતી. ત્યારે એલ.જી. કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ નહોતા કરતા.

નરેન્દ્ર મોદી અને તેમની સરકાર વિલક્ષણ સંસ્કાર ધરાવે છે. ૨૦૧૫માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૭૦માંથી ૬૭ બેઠકો મળી અને બી.જે.પી.ને માંડ ત્રણ બેઠકો મળી ત્યારે નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર તેનો ખેલદિલીપૂર્વક સ્વીકાર નહોતા કરી શક્યા. બે વાતનો ડર હતો. એક તો એ કે આ તેજસ્વી છોકરાઓ શાસન કેમ કરાય એટલું જ નહીં, સડી ગયેલી વ્યવસ્થામાં વ્યવસ્થાકીય સુધારાઓ કેમ કરાય એ બતાવી આપશે તો? જુમલાઓ ફેંકીને અને ખેલ પાડીને પ્રજાને ભ્રમમાં રાખવાની જ્યારે આખી રમત હોય, અને એ સિવાય બીજી કોઈ આવડત ન હોય, ત્યારે આ છોકરાઓ ભૂમિ ભાંગશે તો? તો તો મોઢું બતાવવું ભારે પડે.

બીજી ચિંતા તેમને એ વાતની હતી કે જો તેઓ શાસનમાં સફળ થાય અને ભૂમિ ભાંગી બતાવે તો આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ઊભરે અને એમાં તો વધારે નુકસાન થાય. કોંગ્રેસ આમ પણ નિર્બળ બની ગઈ છે, એટલે કેન્દ્રની ડાબે એક રાજકીય પક્ષની દેશને જરૂર છે જે જગ્યા આપ લઈ શકે એમ છે. અરવિંદ કેજરીવાલે તાનાશાહીનું પ્રદર્શન કરીને યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણને પક્ષમાંથી કાઢી નહોતા મુક્યા ત્યાં સુધી આવી સંભાવના નજરે પડતી હતી. ચૂંટણી પછી તરત જ કેજરીવાલે તાનાશાહીનું પ્રદર્શન કર્યું અને રાષ્ટ્રીય વિકલ્પ બનવાની સંભાવના પર તેમણે પોતે જ પાણી ફેરવી દીધું. આમ નરેન્દ્ર મોદી માટે બીજી ચિંતાનો તો અંત આવ્યો, પરંતુ પહેલી ચિંતા સતાવતી હતી. આ તેજસ્વી છોકરાઓ શાસન કેમ કરાય અને વ્યવસ્થામાં સુધારા કેમ કરાય એ બતાવી આપશે તો?

આવી ચિંતાથી પ્રેરાઈને દિલ્હીના એલ.જી.ને કહેવામાં આવ્યું હતું કે તમારે દિલ્હીની સરકાર સાથે સલાહ મસલત કરવાની નથી. સરકાર તરફથી જો કોઈ પ્રસ્તાવ આવે તો એ અંગે તમારે તમારી શાસનિક સતા (એક્ઝિક્યુટિવ પાવર) વાપરીને નિર્ણય લેવાનો છે. એલ.જી.ને સમજાઈ ગયું હતું કે આદેશમાં શું કરવાનું કહેવામાં આવ્યું છે. સનદી અધિકારીઓ બે લાઈન વચ્ચેનું લખાણ વાંચવામાં આમ પણ પણ ચાલાક હોય છે, અને અહીં તો આદેશ ઘણો સ્પષ્ટ હતો. પહેલા એલ.જી. નજીબ જંગ અને એ પછી તેમની જગ્યાએ આવેલા અનીલ બૈજલ દિલ્હીની સરકારને કામ કરવા નહોતા દેતા. અનીલ બૈજલ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્થાપિત વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનું ફરજંદ છે.

દિલ્હી સરકાર અને એલ.જી. વચ્ચેના સંઘર્ષનો સાડા ત્રણ વરસનો લાંબો ઇતિહાસ છે. એમાં ૨૦૧૬માં દિલ્હીની વડી અદાલતે એલ.જી.ની શાસનિક સતાને મંજૂર રાખનારો ચુકાદો આપ્યો, એટલું જ નહીં દિલ્હીની ચૂંટાયેલી સરકાર કરતાં એલ.જી.ની સત્તા વધુ છે, એમ કહ્યું એ પછીથી કેન્દ્ર સરકારને દિલ્હીની સરકારનું ગળું ટીપી નાખવાનો મોકો મળી ગયો હતો. નવાબ જંગને નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ બૈજલને સંઘની સંસ્થામાંથી ખાસ લાવવામાં આવ્યા હતા. ઉદ્દેશ એક જ હતો; આ તેજસ્વી છોકરાંવ કામ કરવામાં સફળ ન નીવડવા જોઈએ.

આમ છતાં બન્ને પગે એલ.જી.એ ડામણ બાંધ્યાં હોવા છતાં દિલ્હીમાં તેજસ્વી છોકરાઓએ શિક્ષણ અને આરોગ્યના મોરચે એવી કમાલ કરી છે, જેની કોઈની સરખામણી ન થઈ શકે. આમ આદમી શિક્ષણ અને આરોગ્યની બાબતે પરેશાન છે, અને કેજરીવાલે તેને લક્ષ બનાવ્યા હતા. આ જમીન, પોલીસ અને કાયદો તેમ જ વ્યવસ્થા સાથે સંબંધીત નથી એટલે એમાં એલ.જી.ની મંજૂરીની કોઈ જરૂર નહોતી. આમ છતાં દિલ્હીની વડી અદાલતના ચુકાદા પછી અનીલ બૈજલે તેમાં પણ અડચણો પેદા કરવાનું શરુ કર્યું હતું. લોકો ડામણ બાંધેલી ગાય દ્વારા આપવામાં આવતાં દૂધના પ્રમાણ સાથે છુટ્ટી ફરતી અને લીલું લીલું ઘાસ ખાતી તાજીમાજી ગાય દ્વારા આપવામાં આવતાં દૂધનાં પ્રમાણની તુલના કરવા લાગ્યા હતા.

અનેક વિઘ્નો છતાં દિલ્હીની સરકાર કેન્દ્ર સરકાર સહિત ભારતની બીજી કોઈ પણ સરકાર કરતાં વધુ સફળ સરકાર છે, એમાં કોઈ શંકા નથી. હવે સર્વોચ્ચ અદાલતે પણ એલ.જી.ને કહી દીધું છે કે બંધારણની મર્યાદામાં રહો અને દિલ્હી સરકારને તેનું કામ કરવા દો. સર્વોચ્ચ અદાલતનો આવો ચુકાદો બે વરસ વહેલો આવ્યો હોત, તો દિલ્હી સરકાર હજુ વધુ કામ કરી શકી હોત. ભારતમાં ન્યાયતંત્ર પોતે પણ એક સમસ્યા છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 જુલાઈ 2018

Loading

...102030...3,0643,0653,0663,067...3,0703,0803,090...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved