કાલિદાસનું ‘મેઘદૂત’ પ્રણય અને શૃંગાર, કલા અને સૌંદર્ય, પ્રકૃતિ અને પ્રવાસનું રોમહર્ષક કાવ્ય છે. રજનીકુમાર પંડ્યાએ ચિત્રો અને સંગીત સાથે તૈયાર કરેલી તેની લોકભાગ્ય આવૃત્તિ ઘરેણાં જેવું પુસ્તક છે.

ટ્વિટર પળવારમાં વાતને દુનિયાભરમાં પહોંચાડતું હોય તેવા જમાનામાં પણ ધીમા ઢાળનાં શ્લોકોમાં લખાયેલાં કાલિદાસના પ્રણયકાવ્ય ‘મેઘદૂત’ની સાહિત્યપ્રેમીઓ પરની મોહિની ઓસરતી નથી. તે એક વિખૂટા પડી ગયેલાં પ્રેમીનું કાવ્ય છે. પ્રાચીન કાળમાં, એક વર્ષ માટે પ્રેયસીથી વિખૂટો પડેલો અત્યંત વિરહી યક્ષ, આષાઢ માસના પહેલા દિવસે ચોમાસાના વાદળને દૂત બનાવી, બહુ જ દૂર રહેતી પ્રિયતમાને પ્રેમ-સંદેશો મોકલે છે. વાદળ પ્રેમીનો મેસેન્જર બને એ કલ્પના પોતે જ ઝકઝોળી દેનારી છે. વળી આ કલ્પના અસાધારણ કાવ્યકલા સાથે જોડાય છે. તેમાં ઉમેરાય છે ‘કસક અનજાની’ પેદા કરનાર શૃંગાર અને નારીસૌંદર્યનાં વર્ણન, પ્રદેશો, પ્રકૃતિ અને સંસ્કૃિતનું આહ્લાદક ચિત્રણ.
વૉટ્સઍપના દિવસોમાં ય દેશમાં સેંકડો રસિકો એવા હશે કે જે દોઢ-બે હજાર વર્ષ પહેલાં રચાયેલાં ‘મેઘદૂત’ને આજે, એટલે કે આષાઢસ્ય પ્રથમ દિવસે, કોઈ ને કોઈ રીતે યાદ કરતાં હોય. અનુષ્ટુપ છંદના એકસો અઢાર શ્લોકોના આ રમણીય કાવ્યને દેશ અને દુનિયાના કવિઓ, અનુવાદકો પોતપોતાની ભાષામાં લઈ ગયા છે. ગુજરાતીમાં જ ગઈ એકાદ સદી દરમિયાન તેના ત્રેવીસ પદ્ય અનુવાદો થયા છે, તેમાંનો સહુથી હમણાંનો 2002ના વર્ષનો છે! જયન્ત પંડ્યાનો આ અનુવાદ, કે ન્હાનાલાલ તેમ જ કિલાભાઈ ઘનશ્યામે કરેલા અનુવાદ હોય, એ ત્રણેયના અનુષ્ટુપ વાંચવામાં આનંદ આનંદ પડી જાય છે.
એવો આનંદ સહેજ જુદા માધ્યમે આપણા વરિષ્ઠ નવલકથાકાર અને ફિલ્મ-અભ્યાસી રજનીકુમાર પંડ્યાને પડ્યો હતો. તેમણે 1945માં બનેલી હિન્દી ફિલ્મ ‘મેઘદૂત’માં જગમોહને ગાયેલું ‘ઓ બરસા કે પહેલે બાદલ, મેરા સંદેસા લે જાના …’ સાંભળ્યું, ત્યાર બાદ તેમના સાહિત્યરસિક શ્રેષ્ઠી મિત્ર નવનીતલાલ શાહે ‘કિલાભાઈના મેઘદૂત’ના અનેક શ્લોકો તેમને સંભળાવ્યા. પછી જાણે તેની ભૂરકી હેઠળ રજનીકુમાર પંડ્યાએ ‘મેઘદૂત’ની ચિત્રો અને સંગીતથી સમૃદ્ધ આવૃત્તિ તૈયાર કરી, જે ગુજરાતી પુસ્તકવિશ્વનું એક ઘરેણું છે. વાસુદેવ સ્માર્ત અને કનુ દેસાઈ સહિત અનેક ચિતારાઓનાં ચિત્રો તેમ જ એસ.એમ. ફરીદની તસવીર કળા તેમાં છે, વાચકને ન્યાલ કરી દેનારું બીજું ઘણું ય અહીં છે. પુસ્તકની અંદરની બે કૉમ્પૅક્ટડિસ્ક(સી.ડી.)માં પ્રફુલ્લ દવેએ આશિત દેસાઈના સંગીત નિર્દેશનમાં મેઘદૂતનાં ગુજરાતી પદ્યોનું ગાન કર્યું છે. તેની વચ્ચે આવતાં સરસ વિવરણ(કૉમેન્ટરિ)નું લેખન ખુદ રજનીકુમારે કર્યું છે, અને તેનું ભાવવાહી વાચન (વૉઇસ-ઓવર) વિદ્યુલ્લતા ભટ્ટે કર્યું છે. પુસ્તક નિર્માણની આખી ય ટુકડી મેઘદૂતને ‘પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાના એક પ્રયાસ’માં સફળ છે.
‘મેઘદૂત’ના પાંચ ભાષાઓના અનુવાદોની ગૌતમ પટેલે સંપાદિત કરેલી આવૃત્તિ પણ વાસુદેવ સ્માર્તનાં લાઇન ડ્રૉઇન્ગ્સ અને વિનોદ પટેલનાં મિનિએચર પેઇન્ટિન્ગ્સથી ઓતપ્રોત છે.વાસુદેવભાઈ લખે છે: ‘મેઘદૂતમાં શ્લોકે શ્લોકે મેઘ, એની ગતિ, રીતિ વગેરેનું સૂક્ષ્મ વર્ણન છે. મેઘ જ આ કાવ્યનો આત્મા છે. આ આવૃત્તિ માટે મેં સેંકડો વાદળોનાં રેખાંકનો કર્યાં. એકસો વીસ શ્લોકોમાં લગભગ સિત્તેર-એંશી પ્રકારનાં વાદળો, પાણીનાં જુદાં વમળો, ગતિ દર્શાવ્યાં છે.’ ચિત્રની જેમ નૃત્યની શૈલીઓમાં મેઘદૂતનું અત્યારના સમયમાં પણ અનેક વાર નિર્માણ કરનાર કલાકારોની યાદી ઘણી લાંબી થઈ શકે. તે જ રીતે જર્મન, અંગ્રેજી અને ભારતીય ભાષાઓમાં ‘મેઘદૂત’ પર ખૂબ લખાયું છે. તે બધામાં કાલિદાસનાં મંત્રમુગ્ધ કરનારાં વર્ણનોની ખાસ વાત છે.
મેઘના પ્રવાસનું વર્ણન એક રીતે આ કાવ્યનું હાર્દ છે એ છે. બાદલ યક્ષનો સંદેશ લઈને પ્રવાસ કરે છે. યક્ષ મહારાષ્ટ્રનાં નાગપુર પાસે આવેલાં રામગિરિનાં આશ્રમોમાં દુ:ખી થઈને સમય વીતાવી રહ્યો છે. કૈલાસ પર્વત પર આવેલી અલકાનગરીના મૂળ નિવાસી યક્ષને તેના સ્વામી કુબેરે ફરજચૂક બદલ એક વર્ષ માટે તેની પત્નીથી દૂર રહેવાનો શાપ આપ્યો છે. તેનો દૂત એવો મેઘ રામગિરિથી ઊપડે છે. માર્ગમાં એ વરસતો અને ડુંગરો પર પોરો ખાતો રહે છે, નદીઓને પ્રેમ કરતો અને નગરોના વૈભવ-વિલાસ જોતો જાય છે. તેની સંગિની છે વીજળી. હમસફર છે ક્યારેક ચાતકો તો ક્યારેક માનસરોવરે જતાં રાજહંસો. માર્ગમાં કેટલાં ય સૌંદર્યસ્થાનો છે : યવતમાળ, વિંધ્યાચળ, રેવા નદી, દશાર્ણ (છત્તીસગઢ) વેત્રવતી નદી અને વિદિશા, કાલિદાસની કર્મભૂમિ ઉજ્જયિની પછી માળવાની અવન્તી નગરી, ક્ષિપ્રા-નિર્વિન્ધ્યા-ગંભીરા નદીઓ, દેવગિરિ પર્વત અને ચર્મણ્વતી (ચંબલ) નદી અને તેના કિનારાનું દશપુર, બ્રહ્માવર્ત (બિઠૂર, ઉત્તર પ્રદેશ), કુરુક્ષેત્ર, કનખલ (હરદ્વાર), મંદાકિની, હિમાલય, કૈલાસ અને જાણે તેના ખોળામાં વિલસતી અલકાનગરી. આ દેશની ભૂગોળની સાથે કાલિદાસ તેના પર્યાવરણનો પણ જાણતલ છે. એટલે તે કુદરતનાં બહુદા તમામ રૂપો અદ્દભુત રીતે ચીતરે છે. આપણે જે મોટાં પાયે ગુમાવતાં જઈએ છીએ તે બધાંનો જાદુ કાલિદાસે બતાવ્યો છે: ડુંગરો, નદીઓ, વૃક્ષો, ફૂલો, પક્ષીઓ, કલરવ, કેકારવ, સૂર્યપ્રકાશ અને ચાંદની, પહેલાં વરસાદે માટીની મહેક. પ્રકૃતિની સાથે કાલિદાસ સંસ્કૃિતને પણ જાણે છે. આખા ય રસ્તે આવતાં નગરોનાં જીવનની ઝલક તે આપે છે. તેમાં મંદિરો અને મહાલયો બંનેમાં લોક રમમાણ છે, ભક્તિ સાથે ભોગને છોછ વિનાનું સ્થાન છે. સૌંદર્ય અને શૃંગારનાં માદક વર્ણનો છે.
શૃંગાર ‘મેઘદૂત’નો મુખ્ય રસ છે. અલબત્ત, કાલિદાસ કામચેષ્ટાઓનાં પૂરાં કદનાં શબ્દચિત્રો નહીં, પણ ઘાટા ઉત્તેજક પટ્ટા જ દોરે છે.બુદ્ધદેવ બસુ એ મતલબનું વિવરણ કરે છે કે ‘ભોગવંચિત યક્ષને આખુંય વિશ્વ કામમય લાગે છે…. સંપૂર્ણપણે અ-યૌન હોય તેવા શ્લોકની સંખ્યા અતિઅલ્પ છે.’ અનેક પ્રકારની નારીઓના દૈહિક પ્રેમનાં સૂચનો સાથેનાં ઉલ્લેખો છે. પશુ-પંખીની કામભાવનાના નિર્દેશો છે. નદીનાયિકાની મેઘનાયક તૃપ્તિ કરે છે. બસુ કહે છે : ‘…કામનું આવું વિશ્વરૂપ બીજા કોઈ કાવ્યમાં જોવા મળતું નથી.’
કાલિદાસના જીવનની ઘટનાઓની રીતે ‘મેઘદૂત’નું એક રસપ્રદ અર્થઘટન કરીને મોહન રાકેશે શ્રેષ્ઠ હિન્દી નાટક ‘અષાઢ કા એક દિન’ લખ્યું છે. તેમાં કાલિદાસ હિમાલયની તળેટીમાં આવેલાં તેનાં મૂળ ગામને અને પ્રિયતમા મલ્લિકાને છોડીને ઉજ્જયિનીમાં આવીને સાહિત્યકાર તરીકે નામના મેળવે છે, ત્યાંની લાવણ્યવતી પ્રિયંગુમંજિરી સાથે લગ્ન કરે છે. તરછોડાયેલી મલ્લિકા રૂપજિવીની બનવા મજબૂર થાય છે. કાલિદાસને અપરાધબોધ થાય છે. રાકેશ લખે છે : ‘મેઘદૂત પઢતે હુએ મુઝે લગા કરતા થા કિ યહ કહાની નિર્વાસિત યક્ષ કી ઉતની નહી હૈ, જિતની સ્વયમ અપની આત્મા સે નિર્વાસિત ઉસ કવિ કી હૈ કી જિસને અપની હી કે અપરાધ-અનુભૂતિ કો ઇસ પરિકલ્પના મેં ઢાલ દિયા હૈ.’
અલબત્ત, કાલિદાસની બધી કૃતિઓની જેમ મેઘદૂત પણ આ દેશના ઇતિહાસના એક સાપેક્ષ રીતે સમૃદ્ધ તબક્કાનું સર્જન છે. એક સમયના, ખાસ ઇન્ડિયન મૉનસૂનમાં જ સર્જાય એવા આ કાવ્યનું વિશ્વ રમણિયતાનું જ છે. તેમાં દુરિતને અને દારિદ્ર્યને,અન્યાય અને અસમાનતાને સ્થાન નથી. સાહિત્ય માટેની ઘડાયેલી રુચિ અને સજ્જતા ન હોય તેવા સામાન્ય ભાવક માટે આ કૃતિ વધુ પડતી આલંકારિક અને કૃત્રિમ લાગવાની સંભાવના છે. સહજક્રમે તે નવી પેઢીને ગમે કે કેમ એક તે ધારણાનો વિષય છે. જો કે યુવક-યુવતીઓ વરસાદમાં બગીચા કે રિવરફ્રન્ટ પર પ્રેમ કરતાં હોય, ત્યારે આપણે એમને હડહડ ન કરીએ તો પણ આપણા દેશમાં ‘મેઘદૂત’ લખાયેલું હોવું લેખે લાગશે.
*****
12 જુલાઈ 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 13 જુલાઈ 2018
![]()


The Museનો અર્થ Oxford Dictionary પ્રમાણે Goddess Inspiring Creative Artist; esp. in music, poetry, આગળનો The કાઢી નાખીએ તો Museનો અર્થ થાય છે Ponder, Brood etc. ગુજરાતી ભાષાની રીતે જોઈએ તો પહેલાને માટે આપણને “પ્રેરણા દેવી” એ શબ્દ યોગ્ય લાગે છે, તો બીજા માટે “રહસ્ય’ શબ્દ! કારણ કે આ બન્ને શબ્દો આ પુસ્તકનાં નામકરણ માટે યોગ્ય લાગે છે, જે આ વાર્તા વાંચતાં સમજાશે.
અહીં જૂતાની દુકાનમાં વાર્તાકારે એક પ્રસંગ સૂચક રીતે મુક્યો છે. એક સ્ત્રી ગ્રાહક આવે છે અને Odelleને કોઈપણ એક જૂતાની જોડી નો ઓર્ડર કરે છે, “કોઈપણ સાઇઝ ચાલશે”. જે ધંધામાં ખાસ એક સાઇઝ બરાબર બંધબેસતો અને ચાલવામાં અનુકૂળ એવો વણલેખ્યો મુદ્રાલેખ હોય ત્યાં કોઈપણ જોડી અને કોઈપણ સાઇઝ એ શબ્દો કાને પડે નહીં. Odelle અવઢવમાં મુકાઈ જાય છે, ત્યાં તો પેલી સ્ત્રીએ પહેરેલાં જૂતાં કાઢી નાખે છે, અને અંગૂઠા-આંગળીઓ વગરનો પોતાનો પગ ઉઘાડો કરી બતાવે છે. આ પ્રસંગને આખીયે વાર્તામાં કોઈપણ પ્રસંગે કે કોઈપણ પાત્ર સાથે સંબંધ લાગતો બતાવ્યો નથી, છતાંયે અહીં રજૂ કરાયેલો છે, એનું કારણ એક રીતે વાચક ને સાવધાન કરવાનું છે કે વાચક કોઈપણ પ્રકારની ધારણા કર્યા વગર બિલકુલ જાગૃત મને આ વાર્તા વાંચે કારણ કે આગળ ઉપર અનેક રહસ્યો, પાત્રોનું રહસ્યમય ઉદ્બોધન, રહસ્યમય ઘટનાઓ વગેરે આવવાનાં છે. તે અર્થે વાચક સતર્ક રહે.
અહીં આ વાર્તા અટકાવીએ અને વાર્તાકારની જેમ બીજા જ દેશની અલગ સમયગાળાની વાત કરીએ.