Opinion Magazine
Number of visits: 9686207
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાચાહાડના શિક્ષક : ફાજલભાઈ

મનસુખ સલ્લા|Opinion - Opinion|29 August 2018

ફાજલભાઈનો નિકટ પરિચય હું આંબલા લોકશાળામાં શિક્ષક તરીકે દોઢ વરસ રહ્યો ત્યારે થયો. ત્યારે તેઓ ગ્રામદક્ષિણામૂર્તિ આંબલાની પ્રાથમિક શાળાના આચાર્ય હતા. એમનો પહેરવેશ એકધારો – ખાદીનાં સફેદ લેંઘો–કફની. એમની ચાલ એકધારી – શાંત અને દૃઢ. એમની કામગીરી એકધારી – શાળામાં એટલા ખૂંપી જવું કે ઘર–પરિવાર ભુલાઈ જાય. એમની દૃષ્ટિ એકધારી – વડીલો પાસેથી શીખતા રહેવું અને પોતાની દૃષ્ટિએ એને શાળામાં યોજતાં રહેવું. એમની ભાવના એકધારી – શાળામાં આવતાં બાળકો(સધ્ધર કે સાધારણ, ઉજળિયાત કે અસ્પૃશ્ય)ને સમાન પ્રેમ આપવો, સમાન કાળજી લેવી. એમનો સંતોષ એકધારો – પોતે કાંઈ બહુ જ્ઞાની નહીં; પણ સમજણ પાકી. એ મુજબ કાર્ય કરવું. કામની મોટાઈ રાખવી નહીં. સૌ સાથે મીઠપથી વર્તવું. ટૂંકા પગારમાં પણ તૃપ્તિનો ઓડકાર ખાતાં રહેવું.

હું લોકભારતીમાં અધ્યાપક બન્યો. ફાજલભાઈનો પરિચય વધતો ગયો, તેમતેમ ઉપરનાં ગુણલક્ષણોનો વધુ ને વધુ પરિચય થતો ગયો. મને જિજ્ઞાસા પણ ખરી કે પ્રાથમિક શાળાના એક શિક્ષકમાં આ બધું આવ્યું કેવી રીતે? એટલે એમનાં મૂળિયાંને પોષણ આપતાં તત્ત્વોમાં રસ પડ્યો. જન્મ તા. 29-04-1937. પાંચ વરસની વયે માતૃત્વ છીનવાયું. પણ કુટમ્બ પ્રેમસભર. દાદા સાલેહભાઈ ચોકીદાર – પ્રામાણિક અને પરગજુ. એમનો સ્નેહ ફાજલભાઈને મળ્યો. પિતા વલીભાઈ ચૌહાણ સમઢિયાળા(મૂલાણીના)માં શિક્ષક હતા. જૂના જમાનાના; પણ વિષયમાં તૈયાર, વિદ્યાર્થી વત્સલ. આર્થિક સ્થિતિ સાધારણ. પગાર તો તે કાળે કહેવા પૂરતો. પિતાના મનમાં ભણતરની કીમત ઊંચી. બન્ને દીકરાને ભણાવ્યા. સાચી રીતે ઘડાય માટે લોકભારતીની પી.ટી.સી.માં ભણવા મોકલ્યા.

લોકભારતીના ગુરુજનો અને વાતાવરણે ફાજલભાઈના ડી.એન.એ.માં જ કેટલુંક દાખલ કરી દીધું. વિદ્યાર્થીઓ સાથે સહજ સમ્બન્ધ, નવા નવા પ્રયોગો કરવા, વિષયશિક્ષણ જેટલું જ મહત્ત્વ ઈતર તમામ પ્રવૃત્તિઓને આપવું અને ગામ સાથે ગાઢ સમ્બન્ધ રાખવો. આ બધું જાળવવું હોય તો જ્યાં રહેતા હોઈએ તેને જ વતન ગણીને રહેવું. આ બધું મનમાં એવું બેઠું કે આંબલા ગામ તેમનું વતન બની ગયું. 1955થી 1995 સુધી આંબલા પ્રાથમિક શાળામાં કામ કર્યું.

આંબલા પ્રાથમિક શાળા એ કાળે જિલ્લા પંચાયત દ્વારા ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાને સોંપાયેલી પ્રયોગશીલ શાળા હતી. માર્ગદર્શક હતા અનિલભાઈ ભટ્ટ – આંતરસૂઝવાળા પ્રયોગશીલ કેળવણીકાર. અનિલભાઈને વિચાર આવે તેને ફાજલભાઈ ભોંય પર ઊતારે. છગનભાઈ, પ્રેમજીભાઈ સૌ સાથે હોય. દેશમાં નઈતાલિમ શાળાના પ્રવેશદ્વારનાં બૉર્ડમાં સંકોડાઈ ગઈ હતી ત્યારે એ આંબલામાં સોળે કળાએ ખીલેલી હતી. શિક્ષક–વિદ્યાર્થીના આત્મીય સમ્બન્ધમાંથી જન્મેલું મોકળાશભર્યું સ્વતંત્ર વાતાવરણ આંબલામાં મહોર્યું હતું. દેશમાં નઈતાલિમની ગતિ–સ્થિતિથી વ્યથિત ઉપરાષ્ટ્રપતિ ડૉ. ઝાકિરહુસેને આંબલાનું કામ જોયું, મનુભાઈ પંચોલી અને અનિલભાઈની સાથે વાતો કરતાં પૂછ્યું કે, ‘અહીં આચાર્ય કોણ છે?’ ફાજલભાઈના ફળિયામાં વૃક્ષ નીચે કાથીના ખાટલામાં પાથરેલ ગોદડાં પર બેસીને ઝાકિરહુસેનજી ફાજલભાઈનાં પત્ની જેનુબહેનના હાથના રોટલા, દહીં, પાપડ અને કચુમ્બર ખાતા હતા. ફાજલભાઈ મહેમાનની સરભરામાં હતા. મનુભાઈએ ઓળખાણ કરાવી – ‘આ અમારા ફાજલભાઈ. અહીંનું બધું જુએ છે.’ ઝાકિરહુસેનજી પ્રસન્ન થયા, ‘નઈતાલિમ અહીં જીવે છે’ એવું પ્રમાણપત્ર આપ્યું. ફાજલભાઈ આમે ય, પડદા પાછળના જીવ. એટલું માંડ બોલ્યા કે, ‘બનતા હૈ ઊતના કરતા હું.’

ફાજલભાઈ, ભાઈઓ અને પરિવારને ભણાવવામાં સતત ખેંચમાં રહ્યા; પરન્તુ તમામને તેમના જોગ અનુકૂળતા કરી આપતા. તો ગામના, આર્થિક રીતે પોસાણવાળા નહીં એવા વિદ્યાર્થીનું ભણતર અટકે નહીં તે માટે આગળી ચીંધવાનું પૂણ્ય લેતા રહ્યા. ગામ લોકોને વિશ્વાસ તો એવો હતો કે કોઈના કુટુમ્બમાં વાંકું પડે તો ફાજલભાઈને બોલાવે. ફાજલભાઈ કોઠાસૂઝવાળા. ખાનગી ખૂણે બે વેણ કહી પણ શકે. સૌનું સન્માન જળવાય એવો રસ્તો ચીંધે. સરખું થાય એટલે પોતે ખસી જાય. પોતે ભલા અને પોતાની શાળા ભલી.

આંબલાના કામે તેમને ભરપૂર તૃપ્તિ આપી. ગામ પણ તેમનાં દીકરા–દીકરીનાં લગ્નમાં પોતાનાં ગણી પડખે રહ્યું. પરન્તુ નિવૃત્તિ વખતે કાંઈ ઝાઝી બચત નહીં. સંસ્થાનું મકાન છોડવાનું હતું. જેનુબહેને એમનો સંસાર સહજ–સરળ વહેવા દીધો હતો. નિવૃત્તિ પછી પોતાને માટે પડતર જગ્યામાં ઝૂંપડી જેવું મકાન બનાવી રહ્યા, એ પણ એટલું જ સાહજિક. એમાં માંદગી ખબર લઈ ગઈ. આ બધા વચ્ચે ઉપયોગી થવાય ત્યાં થતા રહ્યા. ફાજલભાઈ કદી ‘ફાજલ’ બેસે નહીં.

2000ની સાલમાં મેહુરભાઈ લવતુકાને વળાવડ(શિહોર નજીક)માં કન્યાવિદ્યાલય ખોલવાનું મન થયું. બહેનોની નિવાસીશાળા ચલાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું. લોકોની નજર સાંકડી. કાંઈક બને તો હજાર ગણું મોટું થઈને વગોવણી થાય. મેહુરભાઈનું ધ્યાન ફાજલભાઈ ઉપર. તેણે શરત કરી કે, ‘તમે પલાંઠી વાળીને બેસો, બાકીની બધી જવાબદારી મારી.’ આજે પંદર વરસમાં વળાવડનું કન્યાવિદ્યાલય અનેક દૃષ્ટિએ કેવળ તાલુકાનું જ નહીં; જિલ્લાના મહત્ત્વનાં કન્યાવિદ્યાલયની પ્રતિષ્ઠા પામ્યું છે. આચાર્ય અમીનભાઈ ચૌહાણ આંબલા–લોકભારતીના અને ફાજલભાઈના કેળવણી સંસ્કાર પામેલા છે.

ફાજલભાઈ પાસે જિન્દગીની અનુભવની મૂડી છે, મેહુરભાઈનો સાથ છે. તેમણે વૃક્ષો ઉછેર્યાં, ગૌશાળામાં વાછરડાં ઉછેર્યાં તેમ એ કન્યાઓની ભાવનાને પોષણ આપીને ઉછેરી છે. હવે તો એ ‘ફાજલદાદા’ તરીકે ઓળખાય છે. વિદ્યાલયની 300 જેટલી દીકરીઓને તેમનામાં ‘દાદા’નો અનુભવ થાય છે. એ દીકરીઓ આત્મવિશ્વાસ, નરવી સમજ અને સ્વાવલમ્બનના સંસ્કાર લઈને જાય છે.

વારસો શિક્ષણનો હોય એવું અનેકમાં હોય છે; પરન્તુ એનો વિકાસ કરવો એ પોતીકો પુરુષાર્થ છે, તપ છે. ફાજલભાઈએ મોટાઈના ભાર વિના મોટાં કામો કર્યાં છે, કરતા રહે છે. આઠ દાયકાની લાંબી જીવનયાત્રામાં માતૃસંસ્થા લોકભારતીએ ‘ઉત્તમ ભૂતપૂર્વ વિદ્યાર્થી’ તરીકે તેમનું ગૌરવ કર્યું છે; તો ‘અખિલ ગુજરાત સિપાહી સંસ્થા’ના પ્રમુખ તરીકે અને ભાવનગર જિલ્લા ‘પેન્શનમંડળ’ના અગ્રણી તરીકે તેમનું સન્માન થયેલું છે. પરન્તુ ફાજલભાઈને તો પોતાનું ‘કામઢાપણું’ જ સન્માન છે. હવે શરીરને થોડી અસરો આવી છે; પણ મન હજી સ્ફૂિર્તભર્યું છે. અનુજોનાં નવાં આયોજનોમાં એમની ‘હા’ આશીર્વાદ જેવી બની જાય છે.

ફાજલભાઈને પૂછવામાં આવેલું કે, ‘કુટુમ્બની જવાબદારી, નહીંવત્ બચત, માંદગી, આ બધામાંથી તમે કેવી રીતે પાર ઊતર્યા? એમનો જવાબ ટુંકો; પણ એમને ઓળખાવે તેવો હતો : ‘ખુદાને ભરોસે નાવ તરતી મૂકી હતી. એમણે તરતી રાખી છે.’ એમની આ શ્રદ્ધા ફલવતી બની છે. એટલે એમને ખાધેલું પચે છે, રાતે નિરાન્તની ઊંઘ આવે છે અને સવારે ઊઠે ત્યારે સ્ફૂિર્તથી ભરેલા હોય છે.

દરેક શાળાને આવા ફાજલભાઈ મળવા જોઈએ. તો ભારતીય કેળવણીનો ચહેરો બદલાઈ જાય.

(જાન્યુઆરી 2017ના ‘અખંડ આનન્દ’ માસિકમાંથી લેખકની પરવાનગીથી સાભાર …)

સર્જક–સમ્પર્ક: સી–403, સુરેલ એપાર્ટમેન્ટ, દેવાશિષ સ્કૂલ સામે, જજીસ બંગલા વિસ્તાર, અમદાવાદ – 380 015

ઈ–મેલ : mansukhsalla@gmail.com

ફાજલભાઈનો સમ્પર્ક : હાજી ફાજલભાઈ ચૌહાણ, કન્યાવિદ્યાલય વળાવડ, તાલુકો : શિહોર, જિલ્લો : ભાવનગર-364 240

eMail : afchauhan13@gmail.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 408 –September 09, 2018

છવિ સૌજન્ય : સાગરભાઈ શેખ

Loading

મોટા મિયાં સાહેબ

દીપક બારડોલીકર|Profile|29 August 2018

કોઈકે કહ્યું છે કે જ્યાં જિજ્ઞાસા ત્યાં જ્ઞાન. બાળકોનાં મનમાં રમતી આ સ્વાભાવિક વૃત્તિ, સમય જતાં, બાળકોને પાઠશાળાનાં પગથિયાં ચડ-ઊતર કરતાં કરી દે છે.

મારા માટે જ્ઞાનપ્રાપ્તિનાં દ્વાર, ઘણું કરીને, 1932-33માં ખુલ્યાં હતાં, જ્યારે મને મદ્રસામાં બેસાડવામાં આવ્યો હતો. મદ્રસો અમારા ઘરથી પાંચ મિનિટના અંતરે હતો. એની ઈમારત ખાસી સંગીન હતી. નીચેના મજલામાં ભાડૂતો હતા, ઉપરને મજલે તાલીમી વર્ગોની વ્યવસ્થા હતી.

આ મદ્રસાના વડા ઉસ્તાદ હતા મુલ્લા અબ્દુર્રહીમ, જે સામાન્ય રીતે મોટા મિયાં સાહેબના ઉપનામે ઓળખાતા હતા. એ જ મારા ઉસ્તાદ. એકવડા બાંધાના, ઊંચા ને વાને ગંદુમી સાંવરા-શા એ ઉસ્તાદ આમ તો ખુશમિજાજ હતા, પણ ઢીલુંઢાલું – નબળું કામ તેમને ગમતું ન હતું. કહેતા ય ખરા, ‘સબક કડકડાટ યાદ હોવો જોઈએ, કડકડાટ પઢે તે શેઠાઈ કરે !’

એક કાબેલ ઉસ્તાદના બધા ગુણો તેમનામાં હતા. નિયમિતતા, પ્રમાણિકતા તથા ફરજપાલનમાં તેમનો જોટો ન હતો. તેઓ બહુ રસપૂર્વક અને ચીવટાઈથી કુરઆન પઢાવતા. એક – એક શબ્દનો ઉચ્ચાર ચોખ્ખો કરાવે અને રવાનીથી પઢવા ન લાગે ત્યાં સુધી વિદ્યાર્થીને ઊઠવા ન દે.

મારા ઉસ્તાદ, મોટા મિયાં સાહેબની કુરઆન પઢવાની ઢબ પણ અનોખી હતી. તેઓ એવા ચિત્તાકર્ષક અંદાઝથી તિલાવત કરતા કે આપણે સાંભળ્યા કરીએ ! બારડોલીની મોટી મસ્જિદની ઈમામત પણ તેમને હસ્તક હતી; અને તેમનાથી મસ્જિદ સુશોભિત હતી. ખાસ કરીને જુમ્આ(શુક્રવાર)નો તેમનો ખુત્બો તો લાજવાબ હતો !

શુક્રવારે ખુત્બાના સમયે, મિયાં સાહેબ કુરતો-પાયજામો ને અચકનમાં સજ્જ થઈ, શિરે ફેંટો સજી જમાતખાનામાં પધારે, મિમ્બર પર બિરાજે અને બાંગી સાહેબ, આભલે મઢેલો એક સોનેરી અસો (ડંડ) તેમના હાથમાં થમાવે, અઝાન પોકારે અને ત્યાર પછી મિયાં સાહેબ એક હાથમાં અસો ને બીજા હાથમાં કિતાબ લઈને ઊભા થાય ત્યારે એવું લાગતું, જાણે આકાશથી પુનિત પ્રભાવ ન ઊતરી રહ્યો હોય !

અને ‘અલ-હમ્દુિલલ્લાહ-અલ-હમ્દુ-લિલ્લાહ!’ના ઉચ્ચારણ સાથે ખુત્બો શરૂ થતો ત્યારે મસ્જિદ ગુંજ્યા કરતી ! ખુત્બાના શબ્દો એવા રણકતા કે મૃત હૃદયમાં પ્રાણ પડી જાય ! તેઓ કારી ન હતા, પણ તેમની પઠનશૈલી નિ:શંક હૃદયસ્પર્શી હતી ! અનેરી હતી !

મારા આ ઉસ્તાદમાં બીજી પણ ઘણી ખૂબીઓ હતી. તેઓ ખુશમિજાજ તો હતા જ, ભેગા સંસ્કારી, સત્યવાદી, વિનમ્ર અને ઉદાર પણ હતા. તેમની આ સારાઈઓ હતી કે મસ્જિદની આસપાસના હિંદુ દુકાનદારો તેમનો આદર કરતા. ઘણી બાબતોમાં તેમની સલાહ પણ લેતા. નાનાં બાળકોને ભૂતપ્રેતની ઝપટથી બચાવવા ખાતર દમ પણ કરાવતા.

અને હાજી આદમ, હાજી ઈસા વગેરે મેમણ શેઠો તથા સુરતથી આવી વસેલા કાગદી – પટણી વહોરા કુટુંબો તો જાણે મિયાં સાહેબના મુરીદ જ જોઈ લો ! ખૂબ માન આપતા, સેવા કરતા અને દુઆઓ લેતા.

મિયાં સાહેબ ખેડૂતોની ગાય – ભેંસો માટે કપાસિયા, ખોળ વગેરે પદાર્થો પણ મંત્રી આપતા. તાવીઝ પણ લખતા.

દુન્યવી ઝંઝટોથી વેગળા રહીને મસ્જિદ, મદ્રસાની જવાબદારી સચ્ચાઈપૂર્વક બજાવનારા અમારા ઉસ્તાદની સેવાને લોકો પોતાનું સદ્દભાગ્ય સમજતા હતા. મેં તથા મારા ભેરુઓએ પણ તેમની ઘણી સેવા કરી હતી. ઉસ્તાદને અળાયાની જરૂરત હોય તો હું મિત્રો ભેગો જઈ સીમ-પાદરથી તે વીણી લાવતો. કાઠી માટે ગાડું જોડીને વગડામાં જતો અને ઉસ્તાદના ઘરના વાડામાં કાઠીની થપ્પી સીંચી આપતો. બકરીઓને ચરાવવા લઈ જતો ને ઘરનાં પાણીયે ભરી આપતો.

અમારા આ ઉસ્તાદના સમયમાં મોટી મસ્જિદમાં ઘણી રોનક હતી. અવારનવાર બહારથી આવતા, આલિમોથી વઅઝના કાર્યક્રમો ગોઠવાતા, તો ક્યારેક કુલ, ક્યારેક ખત્મે કુરઆનની મજલિસો યોજાતી. અને આમ થતું ત્યારે મસ્જિદ ચિરાગોથી ઝળાંઝળાં થઈ રહેતી. આવા કાર્યક્રમો અમારા માટે અનેક રીતે લાભદાયક થતા. અમારા ધાર્મિક જ્ઞાનમાં વધારો થતો, સંબોધનની રીત સમજાતી, મહેફિલમાં બેસવાની તમીઝ આવડતી અને મજલિસના અંતે સારી સરખી શીરીની મળતી, લાડુ, જલેબી, વગેરે. એ સમયે અમે લોકો એ શીરીનીને શેરની કહેતા હતા. ત્યારે અમને કદાચ એ વહેંચનારાઓને પણ ખબર નહીં હોય કે શેરની શબ્દનો અર્થ વાઘણ થાય છે ! શીરીની એટલે મીઠાશ, મીઠાઈ અને શેરની એટલે વાઘણ !

મોટા મિયાં સાહેબ એક સિદ્ધાન્તવાદી આદમી હતા. કોઈની બિનજરૂરી પ્રશંસા કે ખોટો લાભ લેવાનું પસંદ કરતા ન હતા. એ જ પ્રમાણે અગર કોઈ વ્યક્તિ ક્યારેક કોઈક બાબતમાં સહાયભૂત થતી તો તેનો બદલો વાળી આપવાનું ચુકતા ન હતા. અમે તો તેમના વિદ્યાર્થી હતા અને તેમની સેવા કરવી એ અમારી ફરજ હતી. આમ છતાં ઉસ્તાદે અમને ઉમદા તાલીમ આપીને તથા અમારા ઉજ્જવળ ભાવિ માટે દુઆઓ કરીને અમારી સેવાનું જાણે સાટું વાળી આપ્યું હતું. તેઓ સાદા હતા, સાચા હતા, સેવાનિષ્ઠ હતા. દેખાડાને, મોટામખોરીને પસંદ કરતા ન હતા. કેવો સુંદર આદર્શ ! કેવી પ્રેરક જીવનચર્યા !

‘હક મગફેરત કરે, બડા આઝાદ મર્દ થા.’

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

પ્રસ્તાવના

દીપક મહેતા|Opinion - Literature|28 August 2018

 

હાથ વખાણાં હોય, કે વખાણું દિલ વાણિયા,
કલમ વખાણું કોય, કે તારી જીભ વખાણું ઝવેરચંદ!

દુલા ભાયા કાગનો આ દુહો ઝવેરચંદ મેઘાણી(૧૮૯૬-૧૯૪૭)ની એક આગવી લાક્ષણિકતા તરફ આપણું ધ્યાન દોરે છે. મેઘાણી એક એવા સર્જક છે જેનાં હાથ-દિલ-કલમ-જીભ એકબીજાના સંવાદમાં રહીને જ વર્તતાં હતાં. હાથ, કલમ, અને જીભ વડે મેઘાણીએ એ જ આરાધ્ય દેવતાની ઉપાસના કરી છે જે એમના દિલને માન્ય હોય, પૂજ્ય હોય. અને આ આરાધ્ય દેવતા એટલે લોક, એમની સંસ્કૃિત, એમની ભાષા, એમનું સાહિત્ય, એમના હરખ-શોક, એમનાં આશા-અરમાન, ટૂંકમાં કહેવું હોય તો લોકહૃદયના ધબકાર.

ગુજરાતમાં જેમને વ્યાપક લોકપ્રિયતા મળી હોય, અને તે પાછી લાંબા વખત સુધી ટકી રહી હોય એવા જે ગણ્યાગાંઠ્યા સર્જકો છે તેમાંના એક મેઘાણી. પણ લોકપ્રિયતા મેળવવી એને તેમણે ક્યારે ય પોતાનું લક્ષ્ય બનાવ્યું નહોતું. પોતે જે કાંઈ લખે-બોલે તે લોકગમ્ય રહે એ અંગે મેઘાણી સભાન રહ્યા હશે, પણ લોકપ્રિયતા મેળવવા માટે થઈને તેમણે ક્યારે ય સસ્તો કે સહેલો રસ્તો અપનાવ્યો નહોતો. ‘શબદના સોદાગરને’ નામનું કાવ્ય વાંચતાં પહેલી નજરે ભલે લાગે કે મેઘાણી બીજા સર્જકોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે, પણ હકીકતમાં તો મેઘાણી પોતાની જાતને જ કહી રહ્યા હતા:

હૈયા કેરી ધારણે
તારે ઉર ઊઠે જે સૂર જી;
એ જ સૂરોના ઈમાની ભાઈ!
ગાયા કર ચકચૂર
જી-જી શબદના વેપાર.

મેઘાણીની વિશેષતા એ છે કે વ્યક્તિ તરીકે તેમ જ સર્જક તરીકે તેઓ સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસાહિત્યનો જીવ હતા. પણ તેમના પ્રત્યેની મેઘાણીની દૃષ્ટિ મુગ્ધ-રસિકની જ નહોતી, નિરીક્ષક અને પરીક્ષકની પણ હતી. આથી જ તેમણે લોકસાહિત્યના ચલણી સિક્કાને વટાવી ખાધો નહિ, પણ સંપાદક, સંશોધક, વિવેચક તરીકે પોતાની પરિષ્કૃત દૃષ્ટિથી ઘસી ઘસીને એ સિક્કાને તેમણે ઉજમાળો પણ બનાવ્યો. લોકસાહિત્યના સંશોધન અને સંપાદનનું કામ મેઘાણીએ લોકકથાઓથી શરૂ કર્યું. ડોશીમાની વાતો, સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ, સોરઠી બહારવટિયાના ત્રણ ભાગ, કંકાવટીના બે ભાગ, રંગ છે બારોટ, સોરઠી સંતો, અને પુરાતન જ્યોત જેવાં પુસ્તકોમાં તેમણે સૌરાષ્ટ્રની લોકકથાઓનાં વૈવિધ્ય અને વૈભવને રજૂ કર્યો છે.

તો લોકગીતોની શ્રી અને સૌરભને ઝીલતાં તેમણે જે પુસ્તકો આપ્યાં તેમાં રઢિયાળી રાતના ચાર ભાગ, ચૂંદડીના બે ભાગ, હાલરડાં, ઋતુ ગીતો, સોરઠી સંતવાણી, સોરઠિયા દુહા, વગેરેનો સમાવેશ થાય છે. પણ મેઘાણીએ લોકકથા અને લોકગીતોનું માત્ર સંશોધન અને સંપાદન જ નથી કર્યું. તેમણે સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું ઊંડાં સૂઝ, સમજ અને સમભાવપૂર્વક વિવેચન પણ કર્યું છે. તેમના લગભગ દરેક સંપાદનની આગળ વિસ્તૃત પ્રવેશક તો હોય જ. આ પ્રવેશકો અને બીજા સ્વતંત્ર લેખો અને અભ્યાસો લોકસાહિત્ય: ધરતીનું ધાવણના બે ભાગ, લોકસાહિત્ય – પગદંડીનો પથ, ચારણો અને ચારણી સાહિત્ય, અને લોકસાહિત્યનું સમાલોચન જેવાં પુસ્તકોમાં સંઘરાયા છે.

મેઘાણી લોકસાહિત્યના કેવા તો કુશળ પારેખ હતા એ દર્શાવતો એક પ્રસંગ દુલા કાગે નોંધ્યો છે: “રસધાર લખાતી હતી, પોરસાવાળા દુહા થોડાક વધારે મળે તો ઠીક, એમ એમણે મને કહેલું. હું મારા દીર્ઘસૂત્રી સ્વભાવ પ્રમાણે ભૂલી ગયેલો. ઉપરાઉપર ત્રણ પત્તાં આવ્યાં, એટલે સાત દુહા ઘરના જ બનાવી મોકલી દીધા અને લખ્યું કે આટલા મળ્યા છે! વળતાં એમનો કાગળ આવ્યો કે દુલાભાઈ, આ દોહા જો તમારા લખેલા હોય તો થોડાક વધારે લખી નાખો ને! કાગળ વાંચી હું તો ઠરી ગયો કે વાહ મેઘાણી! કયા પુણ્યથી પ્રભુ માણસને આવી અક્કલ આપી દેતો હશે? પછી તો આગળના અને મારા રચેલા દુહા ઘણા કવિમિત્રોને મોકલ્યા કે આમાંથી નવા દુહા શોધી કાઢો, પણ એક મેઘાણી સિવાય કોઇથી એ બની શક્યું નથી.”

લોકસાહિત્યની મહેક મેઘાણીના શ્વાસમાં અને તેની ગહેક તેમના લોહીમાં એવી તો ભળી ગઈ હતી કે તેમણે જે કાંઈ મૌલિક લેખન કર્યું તેમાં લોકજીવનનો ધબકાર અને લોકસાહિત્યનો લય સંભળાયા વગર રહેતો નથી. તે એટલે સુધી કે રવીન્દ્રનાથ ટાગોરની કવિતાના કે યુરોપીય સાહિત્યની કોઈ કૃતિના તેઓ અનુવાદ કરે છે ત્યારે પણ મોટે ભાગે તેને સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકસાહિત્યનાં ભાવ અને ભાષાના વાઘા પહેરાવીને જ આપણી સમક્ષ રજૂ કરે છે. લોકસાહિત્ય ઉપરાંત મેઘાણીને અને તેમના શબ્દને બીજા કોઈનો પાસ લાગ્યો હોય તો તે ગાંધીજી અને તેમની પ્રવૃત્તિઓ અને વિચારણાનો. એટલે ‘યુગવંદના’ એ એમના એક કાવ્યસંગ્રહનું નામ તો છે જ, પણ મેઘાણીના મોટા ભાગના મૌલિક સર્જનને પણ યુગવંદના તરીકે ઓળખાવી શકાય તેમ છે. આથી એક તરફ મેઘાણીનો શબ્દ તેમને ગાંધીજી જેવા પાસેથી ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ અપાવે છે, તો બીજી બાજુ ગાંધીજી અને ગાંધી યુગની વિદાય પછી પણ લાંબો વખત ટકી રહે એવાં થોડાંક ગીતો આપણને અપાવે છે. યુગવંદના ઉપરાંત વેણીનાં ફૂલ, કિલ્લોલ, એકતારો, બાપુનાં પારણાં અને રવીન્દ્રવીણા એ મેઘાણીના બીજા કાવ્ય સંગ્રહો છે.

લોક હૃદય પર મેઘાણી છવાઈ ગયા ભલે કવિ તરીકે, પણ તેમનું પહેલું પુસ્તક હતું રવીન્દ્રનાથના કથા ઓ કાહિનીમાંની વાર્તાઓના અનુસર્જન રૂપ કુરબાનીની કથાઓ. વખત જતાં મેઘાણીએ વાર્તાઓના બીજા સંગ્રહો પણ આપ્યા: મેઘાણીની નવલિકાઓના બે ભાગ, વિલોપન, જેલ ઓફિસની બારી, પ્રતિમાઓ, પલકારા અને દરિયા પારના બહારવટિયા, વગેરે. જો કે આ સંગ્રહોમાંની ઘણી વાર્તાઓ અનુવાદ, રૂપાંતર, કે અનુસર્જન પ્રકારની છે. તેમની મૌલિક વાર્તાઓમાં પણ મોટે ભાગે લોકજીવન અને લોકસાહિત્યનો પાસ લાગેલો દેખાય છે. આ જ વાત તેમની નવલકથાઓને પણ લાગુ પડે છે. સત્યની શોધમાં, અપરાધી, તુલસીક્યારો, નિરંજન, પ્રભુ પધાર્યા, બીડેલાં દ્વાર, વસુંધરાનાં વહાલાં-દવલાં, વેવિશાળ, સત્યની શોધમાં, સોરઠ તારાં વહેતાં પાણી જેવી તેમની નવલકથાઓમાંની કેટલીક અનુવાદ કે અનુસર્જન રૂપ છે તો બાકીની મૌલિક નવલકથાઓ લોકજીવનની ભોંય પર આલેખાયેલી છે. ગુજરાતનો જય, રા’ ગંગા જળિયો, સમરાંગણ, જેવી ઐતિહાસિક નવલકથાઓ પણ મેઘાણી પાસેથી મળી છે. તો કાલચક્ર મેઘાણીના અવસાનને કારણે અધૂરી રહી ગઈ હતી. જેને ન તો નવલિકા કહી શકાય કે ન તો નવલકથા કહી શકાય તેવા મેઘાણીના એક વિલક્ષણ પુસ્તકને પણ અહીં જ યાદ કરી લઈએ. આ પુસ્તક તે માણસાઈના દીવા. રવિશંકર મહારાજે પોતાના સ્વાનુભવો કહ્યા તે અહીં મેઘાણીએ શબ્દબદ્ધ કર્યા છે. પણ એનો અર્થ એવો નથી કે અહીં મેઘાણીએ માત્ર રિપોર્ટરનું કામ કર્યું છે. મેઘાણીમાં રહેલી સર્જકતા આ કથાઓ પર પોતાનો સુભગ પ્રભાવ પાડ્યા વગર રહેતી નથી.

આ ઉપરાંત મેઘાણીએ આત્મકથનાત્મક લેખો લખ્યા છે તો જીવન ચરિત્રો લખ્યાં છે. પ્રવાસ વર્ણનો લખ્યાં છે તો લેખો, પત્રો, પ્રવચનોના સંગ્રહો પણ આપ્યા છે. દ્વિજેન્દ્રલાલ રોય અને રવીન્દ્રનાથ ટાગોરનાં નાટકોના અનુવાદ કર્યા છે તો વંઠેલાં નામના પુસ્તકમાં મેઘાણીનાં ત્રણ મૌલિક એકાંકી સંગ્રહાયાં છે.

મેઘાણીને આયુષ્ય મળ્યું માંડ પચાસ વર્ષનું. તેમાં લેખન કાળ લગભગ પચ્ચીસ વર્ષનો. અને છતાં ૮૫ જેટલાં પુસ્તકો તેમણે આપણને આપ્યાં. એક પત્રમાં ઉમાશંકર જોશીએ મેઘાણીને લખેલું તેમ “આટલીક જિંદગીમાં તમારે હાથે લખાયેલાની નકલ કરતાં પણ બીજાની તો કેટલીય જિંદગી ચાલી જાય.” આટલું વિપુલ લેખન કરનાર મેઘાણીનાં લખાણોમાંથી આ સંપાદન માટે શું લેવું અને શું નહિ તે નક્કી કરવાનું સારું એવું અઘરું પડ્યું છે. કેટલીક લેવા જેવી કૃતિઓ તેની લંબાઈને કારણે ન છૂટકે જતી કરવી પડી છે. છતાં મેઘાણીના વૈવિધ્યસભર સાહિત્યનું ભલે આછું પણ ઓછું નહિ તેવું પ્રતિનિધિત્ત્વ જળવાઈ રહે એવો પ્રયત્ન કર્યો છે.  ઝવેરચંદ મેઘાણીની જન્મ શતાબ્દી પ્રસંગે તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથ-શ્રેણી રૂપે પ્રગટ કરવાની યોજના તેમના પુત્ર જયંત મેઘાણીએ તૈયાર કરી હતી. પણ ત્યારે ‘પ્રસાર’ દ્વારા નવ ગ્રંથો પ્રગટ થયા પછી એ કામ અટકી ગયું. ત્યાર બાદ ૨૦૦૯માં ગાંધીનગરની ગુજરાત સાહિત્ય અકાદમીએ મેઘાણીનાં ૮૫ પુસ્તકો અને કેટલીક અગ્રંથસ્થ સામગ્રીને કુલ ૧૯ ગ્રંથોમાં પ્રગટ કરવાની યોજના હાથમાં લીધી અને તેનું સંપાદન પણ જયંતભાઈને સોંપ્યું. અત્યાર સુધીમાં તેમાંથી ૧૨ ગ્રંથ પ્રગટ થઇ ચૂક્યા છે. અહીં જે કૃતિઓ (કે તેના અંશો) સમાવ્યા છે તેના પાઠ માટે મુખ્ય આધાર આ બે ગ્રંથ શ્રેણીઓ પર રાખ્યો છે. મેઘાણીની જે કૃતિઓ હજી આ બેમાંથી એકે યોજનામાં પ્રગટ થઇ નથી તેનો પાઠ જે-તે મૂળ પુસ્તકમાંથી લીધો છે. જયંતભાઈ, તેમની પ્રકાશન સંસ્થા પ્રસાર, અને ગુજરાત સાહિત્ય અકાદમીનું ઋણ કૃતજ્ઞભાવે સ્વીકારું છું. આ પુસ્તકનું સંપાદન કરવાની જવાબદારી સોંપવા માટે બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજના શ્રી હેમરાજભાઈ શાહનો આભારી છું. અને નવભારત સાહિત્ય મંદિર અને તેના અશોકભાઈ શાહે ટૂંક સમયમાં પુસ્તક તૈયાર કરી આપ્યું તે માટે તેમનો આભાર માનું છું.

આજે આપણી સામે મેઘાણીની ભવ્ય મુખાકૃતિ નથી, આષાઢી મોરલાના કંઠ જેવો તેમનો કંઠ નથી, તેમના પ્રતાપી વ્યક્તિત્વની ભૂરકી નથી. છતાં મેઘાણીની કલમ અને કિતાબનો કસુંબલ રંગ હજી આજે ય ઉપટ્યો નથી અને તેથી જ આજે પણ મેઘાણી મીઠી હલકથી સાદ પાડીને પોતાના ભાવકોને જાણે કહી રહ્યા છે:

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા: રંગીલા હો!
પીજો કસુંબીનો રંગ.

અને ભાવકો પણ મેઘાણીએ ઘોળી ઘોળીને ભરેલા કસુંબલ પ્યાલા આજ સુધી પીતા રહ્યા છે અને મેઘાણીના જ શબ્દોમાં જાણે કહી રહ્યા છે:

લાગ્યો કસુંબીનો રંગ —
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!

૧૭ જુલાઈ, ૨૦૧૫        

અષાઢનો પહેલો દિવસ

મુંબઈ

Email: deepakbmehta@gmail.com

[મેઘાણીભાઈના જન્મ દિવસ નિમિત્તે અહી રજૂ કરેલું લખાણ 'મેઘાણીની શબ્દસૃષ્ટિ' નામના સંપાદન માટે તૈયાર કર્યું હતું. આ સંપાદન આજ સુધી અપ્રગટ રહ્યું છે અને તેથી આ લખાણ પણ અપ્રગટ રહ્યું છે. આજે પહેલી વાર તેને જાહેરમાં મૂક્યું છે.]    

Loading

...102030...3,0553,0563,0573,058...3,0703,0803,090...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved