Opinion Magazine
Number of visits: 9664759
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનો ઘરડો દોસ્ત

રામુ પંડિત|Gandhiana|28 April 2025

લૉસ એંજલીસની વૃદ્ધાઓની એક કલબમાં હિંદ વિષે વાતો કરવા ગયો હતો. વાર્તાલાપ પૂરો થયો એટલે બધાં વિખરાવા માંડ્યાં. એક ઘરડી ડોસી મારી સાથે હિંદ વિષે વાતે ચડી. થોડીવાર પછી મને કહે છે કે મારો 84 વર્ષનો ડોસો બહાર મોટરમાં ઝોકાં ખાતો હશે. તું એને મળવાનું પસંદ કરશે?

‘શા માટે નહીં?’ મેં કહ્યું.

80 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિથી ચાલતી એ ડોસી મને થોડે દૂર ઊભેલી એક મોટર પાસે દોરી ગઈ. લાલચોળ ને તગડા શરીરવાળો એક વૃદ્ધ સ્ટીઅરિંગ વ્હીલ પર માથું ટેકવીને ઊંઘતો હતો.

‘અરે ઓ! ઊઠે છે કે? હિંદના એક જવાનિયાને તને મળવા લઈ આવી છું.’ ડોસીએ ડોસાના માથા પર ટપલી મારી.

આંખ ઉઘાડીને ડોસાએ તરત મને સ્મિતપૂર્વક આવકાર્યો : ‘છોકરા! ગાંધીના દેશમાથી આવે છે કે ?’

‘હા જી.’

‘તમારો હિંદુ સમાજ તો નાલાયક કે બીજું કાંઈ ?’

આવા અણચિંતવ્યા આક્રમણથી મૂંઝાઈ જઈને મેં કહ્યું : ‘શા માટે?’

‘જે માણસ હિંદુ ધર્મનો સાચો અને સૌથી સારો અનુયાયી હતો એને મારી નાખતા તમને લોકોને શરમ ન આવી? મેં જ્યારે ગાંધી હિંદુને હાથે મરાયાની વાત સાંભળી ત્યારે મને ખૂબ દુઃખ થયેલું. તને નહિ ખબર હોય, છોકરા, પણ ગાંધી ને હું બોઅર યુદ્ધ વખતે સાથે હતા. 1898-99 દરમિયાન. એ વખતે તો કદાચ તારા બાપનો પણ જન્મ નહિ થયો હોય. શું ગાંધીની સેવાવૃત્તિ! બધા ગોરા અમલદારો એનું કામ જોઈને સડક થઈ ગયેલા. હું ઘવાયેલો તે ગાંધીની કાળજીને લીધે જ બચ્યો. તે દિવસોમાં પથારીમાં વેદના સહન કરતાં કરતાં મને એના જ વિચારો સતાવ્યા કરતા. એમ થતું કે  ફ્લોરેન્સ નાઈટિન્ગેલ એક સ્ત્રી પરિચારિકા તરીકે વિશ્વમાં અમર બની ગઈ; એમ ગાંધી પુરુષ પરિચારક તરીકે અમર બનશે. પરંતુ ગાંધી તો ઘણો મહાન બની ગયો. આ મારી ડેાશીને હું ઘણી વાર કહું છું કે ગાંધી ન હોત તો તું વિધવા બની હોત.’

અને એ વાક્ય બોલતાં બોલતાં એ ડોસાની આંખમાંથી આંસુનું એક ટીપું પડીને સ્ટીઅરીંગ વ્હીલ પર થંભી રહ્યું.

28 ઍપ્રિલ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 298

Loading

એકમ કસોટી ગઈ, તો હવે ‘ચક્રમ’ કસોટી આવશે …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 April 2025

રવીન્દ્ર પારેખ

ગુજરાત સરકારે એક સારું કામ એ કર્યું કે છ વર્ષથી લોહી પી રહેલી એકમ કસોટી બંધ કરી. GCERTના પૂર્વ પ્રમુખ નલિન પંડિતે પોતે થોડા વખત પર એકમ કસોટી નાબૂદ કરવા અંગે જાહેર વિરોધ કરેલો. શિક્ષકો ને વિદ્યાર્થીઓ પણ એનાથી છૂટકારો ઇચ્છતા હતા ને આ સ્થાનેથી પણ તેનો એકથી વધુ વખત વિરોધ થયેલો. છેવટે સરકારે એકમ કસોટી નાબૂદ કરીને ડહાપણ દાખવ્યું તેનો આનંદ છે. 

એકમ કસોટી કોના ભેજાની પેદાશ હતી, તે તો નથી ખબર, પણ તેણે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને કારણ વગરની તાણમાં મૂક્યાં હતાં. રાજ્યની 40,000થી વધુ પ્રાથમિક અને માધ્યમિક, સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓ પર એકમ કસોટીનો બોજ લાદવામાં આવ્યો હતો. આ શાળાઓમાં સાપ્તાહિક, પખવાડિક અને માસિક એકમ કસોટીઓ લેવાતી હતી. આ કસોટીઓને લીધે વિદ્યાર્થીઓની કસોટી તો થતી જ હતી, પણ શિક્ષકોની ભારે કસોટી થતી હતી. અઠવાડિયાના ત્રણ દિવસ તો કસોટીમાં જ જતા હતા ને તે પછી એ કસોટીનું મૂલ્યાંકન કરવામાં, તેનું રિઝલ્ટ તૈયાર કરવામાં અને તેને એપ પર અપલોડ કરવામાં એટલો સમય જતો હતો કે રવિવારની રજાનો પણ ક્યારેક ભોગ લેવાતો હતો. 

કોઈ ખાનગી કંપનીઓએ બનાવેલી એપ પર અપલોડ કરાયેલાં પરિણામો વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગરને મોકલવામાં આવતાં હતાં. આખા ખેલની ગમ્મત એ હતી કે આટઆટલી કસોટીઓ પછી પણ, તેને વાર્ષિક પરીક્ષા સાથે કોઈ લેવાદેવા ન હતી. વારુ, વિદ્યા સમીક્ષા કેન્દ્રને જે પરિણામો મોકલાતાં હતાં તેનું શું થતું હતું તેની જાણ બીજાને તો ઠીક, શિક્ષણ વિભાગને ય ન હતી. અધિકારીઓ પણ એ સ્વીકારે છે કે આ વેપલો ખાનગી કંપનીઓની હોજરી ભરવા જ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ પરિણામો કંપનીની એપ પર અપલોડ કરવામાં વિદ્યાર્થીઓને કોઈ લાભ ન હતો, આ ડેટાનો બીજો કોઈ ઉપયોગ ન હતો અને થાય એમ પણ ન હતું, કારણ શિક્ષણ વિભાગને જ એની કશી જાણકારી ન હતી. એનો અર્થ એ કે છ વર્ષ સુધી નાણાંનો, શિક્ષકોનો, વિદ્યાર્થીઓનો હૉલસેલમાં ભોગ જ લેવાયો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગરનો લાભ પણ ‘અવિદ્યા’ સમીક્ષા જેટલો જ કોઈને થયો હોય તો નવાઈ નહીં, બાકી, તેણે શાળા કક્ષાએ કોઈ પ્રભાવ પાડ્યો નથી તે હકીકત છે. હા, 2021માં તેને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાન મંત્રી એવોર્ડ મળ્યો ને પ્રધાન મંત્રીએ તેની પ્રશંસા કરી તે સિદ્ધિ ખરી. હવે કૈં કરવાથી જ સિદ્ધિ મળે એવું જરૂરી નથી …     

ધોરણ 1થી 12માં આ કસોટી બે સ્તરે લેવાતી હતી. ધોરણ 1થી 8ની કસોટી ગુજરાત શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) લેતી હતી, જ્યારે ધોરણ 9થી 12ની એકમ કસોટી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેતું હતું. હવે એકમ કસોટી બંધ પડતાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પણ નવરું પડી શકે, પણ નહીં પડે, કારણ એકમ કસોટીને બદલે નવી એસેસમેન્ટ મેથોડોલોજી દાખલ કરવાની વાત શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કરી છે. મતલબ કે જૂન, 2025થી એકમ કસોટી દૂર થશે ને શિક્ષણનીતિ-2020 મુજબ નવી મૂલ્યાંકન પદ્ધતિ દાખલ થશે. એનો અર્થ એ કે (અ)ખતરાનો અંત નથી. એમાં કૈં સારું હશે તો એ ચમત્કાર જ હશે, પણ ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ જેવું ન થાય તો સારું. 

એકમ કસોટી ગઈ એ ચોક્કસ આવકાર્ય, પણ નવી પદ્ધતિ દાખલ કરવાની વાત કરીને શિક્ષણ મંત્રીએ નવી દહેશત ઊભી કરી છે. એક બાબત બહુ સ્પષ્ટ છે કે અઢળક પરીક્ષાઓએ શિક્ષણનો દાટ વાળ્યો છે. એવો સર્વે કરવા જેવો છે કે શૈક્ષણિક વર્ષ દરમિયાન કેટલા દિવસ પરીક્ષા ને પરિણામમાં જ વ્યતીત થયા છે? પરીક્ષાની વાતો બધાં કરે છે, પણ ભણાવવાની વાત તો ક્યાં ય આવતી જ નથી ને સવાલ તો એ છે કે આટલી પરીક્ષાઓ પછી વિદ્યાર્થી હોંશિયાર થયો છે? પરીક્ષા ભણતર પછી હોય તો લેખે લાગે. ભણાવવાનું ખાસ થતું ન હોય ને પરીક્ષાઓ જ ચાલ્યા કરતી હોય તો વિદ્યાર્થી હોંશિયાર કઈ રીતે થાય? આટલી પરીક્ષાઓ પછી પણ 8-9ના વિદ્યાર્થીને સરવાળા-બાદબાકીના સાદા દાખલા નથી આવડતા કે ચોથા-પાંચમાંના પાઠ સરળતાથી વાંચતાં નથી આવડતું. સતત પરીક્ષાઓથી જ શીખી શકાતું હોત તો વિદ્યાર્થીઓને વાંચવા-લખવા-ગણવાની મુશ્કેલીઓ ન પડી હોત, પણ પડી છે ને પડે છે. 

આમ થવાનું એક કારણ કોરોના કાળમાં બબ્બે વર્ષ સુધી માસ પ્રમોશન અપાયું એ પણ છે. એ વખતે એ જરૂરી હતું ને કરવું પડે એમ જ હતું, પણ પછી લર્નિંગ લોસ માટે જે કરવાનું હતું તે ન થયું. દરેક વેકેશનમાં એ અભ્યાસ કરાવાયો હોત તો સ્થિતિ આટલી દયાજનક ન હોત, પણ તે ન કરતાં, 2019થી એકમ કસોટી દાખલ થઈ. કોણ જાણે કેમ પણ ‘ભાર વગરનું ભણતર’ આવ્યું છે ત્યારથી ભણતર રહ્યું નથી ને (પરીક્ષાનો) ભાર વધી ગયો છે. 

એક શિક્ષક સાથેની વાતચીતમાં એ ખબર પડી કે હાલની વાર્ષિક પરીક્ષામાં, પ્રાથમિકમાં, દરેક પેપરમાં ગ્રાન્ડ ટોટલ 15થી આગળ ન જતો હોય એવા ઢગલો વિદ્યાર્થીઓ છે. આ સ્થિતિ હોય તો સવાલ એ થાય કે વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં પાસ કેવી રીતે થઈ જાય છે? એનો જવાબ એ હતો કે મોટે ભાગે તો નાપાસ કરવાના હોતા જ નથી. મૌખિક પરીક્ષાઓ કે હાજરી કે અન્ય પ્રવૃત્તિને નામે પાસ કરી જ દેવાના હોય છે. એક તરફ પાસ કરી દેવાનું આવું ધોરણ હોય ને બીજી તરફ ઢગલો એકમ કસોટીઓ લેવાતી રહે, તેનો અર્થ ખરો-ખાસ તો એનું પરિણામ વાર્ષિક પરીક્ષાનાં પરિણામ સાથે કોઈ લેવાદેવા ધરાવતું ન  હોય? એ જોતાં પણ એકમ કસોટી નિરર્થક હતી. એ નિરર્થક છે એવું સમજતાં સરકારને છ વર્ષ લાગ્યાં. કમ સે કમ હવે મૂલ્યાંકનને નામે પરીક્ષાઓને બદલે ભણાવવા પર ધ્યાન અપાય તે અપેક્ષિત છે. 

એમ લાગે છે કે પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી વ્યાપી વળેલી પરીક્ષાઓ મજાક બનીને રહી ગઈ છે. કોઈ જ એને વિષે ગંભીર નથી. ડમી વિદ્યાર્થી દ્વારા પરીક્ષા આપવાના, એકને બદલે બીજું પેપર આપી દેવાના, કોર્સ બહારના પ્રશ્નો પુછાવાના, એટલા બનાવો બને છે કે પરીક્ષા આપનાર કે લેનારમાંથી કોઈ જ ગંભીર નથી. એ સાથે જ પરીક્ષામાં ચોરી કરીને પાસ થઈ જવાની પણ નવાઈ નથી. કાલના જ સમાચાર છે કે વાપીની સરસ્વતી નર્સિંગ કોલેજની પરીક્ષામાં 30 સિનિયર સ્ટુડન્ટ્સ જુનિયર્સને જવાબો લખાવતા પકડાયા. માસ કોપી થયાની કોલેજ ના પાડે છે, પણ સ્કવોડે વાપી પહોંચી માસ કોપીનો કેસ નોંધ્યો છે. એ જ વીર નર્મદ યુનિવર્સિટીની ગેરરીતિ કરતાં પકડાયેલા 180 વિદ્યાર્થીઓની સુનાવણી તો તાજી જ છે. 21 એપ્રિલે અમરેલીની સીતાપરા કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-4ની પરીક્ષા 10.30 વાગે શરૂ થઈ ત્યાં તો 10.45 કલાકે જવાબો વોટ્સએપ ગ્રૂપમાં વાઇરલ કરી દેવાયા. તેની રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને કરવામાં આવી, એટલે પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવાની વાત ચાલી, પણ પછી શું થયું તે ખબર નથી. સવાલ એ છે કે પરીક્ષામાં બૂટ, ચંપલ, પુસ્તકો, મોબાઈલ વગેરે બહાર મુકાવવામાં આવે છે, તો પરીક્ષા ખંડમાં વૉટ્સએપ ગ્રૂપમાં જવાબો પરીક્ષાર્થીઓ સુધી પહોંચ્યા કઈ રીતે? મુદ્દો એ પણ છે કે પરીક્ષા શરૂ થતાં જ જવાબો વાઇરલ થઈ જતાં હોય તો એનો અર્થ એ કે પેપર લીક થયું છે.

પરીક્ષા આટલી સસ્તી થઈ ગઈ હોય ત્યારે ગુજરાત સરકાર શિક્ષણને ભોગે પરીક્ષણના જ અખતરાઓ કર્યા કરે એનો અર્થ નથી. સાચું તો એ છે કે નવી શિક્ષણ નીતિ-2020 લાગુ થઈ તે સાથે જ શિક્ષણ અને પરીક્ષણ એમ બંનેમાં લાલિયાવાડી જ ચાલી છે ને એને માટે સરકાર જવાબદાર છે. સરકારી શેખચલ્લીઓ સ્કૂલો, વર્ગો, શિક્ષકો વગર નવી શિક્ષણ નીતિ લાગુ કરવાનો તુક્કો લડાવી રહ્યા છે. ગુજરાતમાં અસરકારક શિક્ષણ લાગુ કરવું હોય તો કમ સે કમ થોડાં વર્ષ કોઈ અખતરાઓ શિક્ષણ વિભાગ નહીં કરે એવા સોગંદ લેવડાવવા જોઈએ. શિક્ષણ મંત્રીઓ કોન્ટ્રાક્ટ પર ન લેવાતા હોય, તો શિક્ષકો કોન્ટ્રાક્ટ પર લેવાય જ કઈ રીતે? શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયનાં તમામ કામો લઈને વર્ગશિક્ષણ ગંભીરતાથી કરે એ સ્થિતિ ઊભી કરવી જોઈએ. એ સાથે જ પ્રવેશોત્સવ ને ગુણોત્સવ અને અન્ય ઉત્સવોને નામે સ્કૂલોમાં રાજકારણીઓને પેધાં પાડવાનો ખેલ તાત્કાલિક અસરથી બંધ કરવો જોઈએ. એમાં પ્રાપ્તિ કશી નથી, પણ શિક્ષકો, વિદ્યાર્થીઓ કારણ વગર તેમની સરભરામાંથી જ ઊંચા નથી આવતા. 

રાઇટ ટુ એજ્યુકેશનની વાતો તો ઘણી થાય છે, પણ તે થાય છે ‘રાઇટ’ અને ‘એજ્યુકેશન’ના અભાવમાં …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 ઍપ્રિલ 2025

Loading

ધનવાનો યુદ્ધ શરૂ કરે છે, ગરીબો યુદ્ધમાં મરે છે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 April 2025

હેમન્તકુમાર શાહ

વિખ્યાત ફ્રેન્ચ દાર્શનિક અને ૧૯૬૪ના સાહિત્ય માટેના નોબેલ ઈનામ વિજેતા જ્યાં પોલ સાર્ત્ર (૧૯૦૫-૮૦) દ્વારા કહેવાયેલું વાક્ય આ લેખનું શીર્ષક છે.

કેટલીક હકીકતો આ સંદર્ભમાં સમજવાની જરૂર છે :

(૧) ભારતમાં જે સૈનિકો, આતંકવાદમાં કે યુદ્ધમાં, લડે છે અને મરે છે કે ઘવાય છે તેમાંના મોટા ભાગના ગામડાંમાંથી આવે છે, ભાગ્યે જ શહેરોમાંથી તેઓ હોય છે. એક ઉદાહરણ : ઉત્તર પ્રદેશનું  સરહદી ગામ છે ગાહમાર. ૨૦૨૩ના નવેમ્બરમાં પ્રસિદ્ધ થયેલા એક આંકડા મુજબ એ ગામમાંથી ૧૨,૦૦૦ જેટલા સૈનિકો અને કર્નલ ભારતના લશ્કરમાં છે. તેમાં ૧૫,૦૦૦ તો નિવૃત્ત સૈનિકો રહે છે! કેમ શહેરોમાંથી લોકો સેનામાં ભરતી થતા નથી? ગામડાંના લોકોની મજબૂરી છે ને, નોકરી મેળવવાની? એટલે? 

(૨) મોદી સરકારે સૈનિકોની ભરતી માટે અગ્નિવીર યોજના જાહેર કરી ત્યારે બિહારમાં જે વિરોધ થયો એ કરનારા ગામડાંના ગરીબ યુવાનો જ હતા. 

(૩) અગ્નિવીર યોજના હેઠળ નોકરી મેળવનાર સૈનિકને દર મહિને પહેલા વર્ષે ₹ ૨૧૦૦૦, બીજા વર્ષે ₹ ૨૩,૧૦૦, ત્રીજા વર્ષે ₹ ૨૫,૫૦૦ અને ચોથા વર્ષે ₹ ૨૮,૦૦૦નો પગાર મળે અને ચોથા વર્ષને અંતે ₹ ૧૦.૦૪ લાખ રોકડા મળે. આટલી રકમમાં કોણ મરવાની તૈયારી સાથે જાય? જેની મજબૂરી હોય તે જ ને? કે પછી એ બધા દેશભક્તિથી પ્રેરાઈને જાય છે સૈનિક થવા? જો દેશભક્તિ જ કરવાની હોય તો એ કેમ માત્ર ગામડાંના લોકોએ જ કરવાની? શહેરોના લોકોએ કેમ નહીં?

(૪) જેઓ સૈનિક તરીકે લડવાની નોકરીમાં જોડાય છે સેનામાં, તેમાંના મોટા ભાગના, અથવા કહો કે બધા જ, ગરીબ પરિવારોમાંથી હોય છે. કારણ એ છે કે એટલી રકમમાં મરવા કોણ તૈયાર થાય? જો કે, અગ્નિવીર મરી જાય તો ₹ ૪૮ લાખ વીમાની રકમ મળે તેના પરિવારને! જીવતો સૈનિક ઓછો મહત્ત્વનો છે એ નક્કી.

(૫) ભારતની સેનામાં ત્રણેય પાંખમાં કોણ કેવા આર્થિક કે સામાજિક દરજ્જામાંથી આવે છે તેની કોઈ માહિતી મળતી નથી. સંરક્ષણ મંત્રાલય કે સેના એની વિગતો બહાર પાડતાં નથી. પણ એ કઈ જાતિઓના હશે એની કલ્પના પણ કરી શકાય છે. શું બ્રાહ્મણો કે વાણિયાઓ યુદ્ધોમાં કે આતંકવાદમાં મરવા માટે પોતાનાં સંતાનોને મોકલે છે ખરા? 

(૬) યુ.કે.ના લશ્કરમાં જે ભરતી થાય છે એને વિશે ત્યાંની સંસદમાં એમ કહેવાયું છે કે ૬૯ ટકા બહુ ઓછું ભણેલા, ૪૦ ટકા તો છેલ્લા આશરા તરીકે અને ૫૦ ટકા ભારે ગરીબ પરિવારના છે. 

(૭) અમેરિકાનો એક ભય એમ કહે છે કે સરેરાશ અમેરિકન કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે નીચો દરજ્જો હોય તેવા લોકો માટે ભાગે લશ્કરમાં જોડાય છે. 

(૮) જે સ્થિતિ યુ.કે. અને અમેરિકામાં છે તે જ ભારતમાં હોય ને? જેઓ યુદ્ધમાં કે આતંકવાદમાં મરે છે તેમનાં શબ કોઈ મુંબઈ, અમદાવાદ, કાનપુર, લખનઉ, ચેન્નાઈ, બેંગલોર, દિલ્હી, હૈદરાબાદ, પુણે જેવાં મોટાં શહેરોમાં ભાગ્યે જ અંતિમ ક્રિયા માટે જતાં જોયાં છે. અને તે પણ મોટે ભાગે તો સાવ સામાન્ય સ્થિતિના ઘરમાં જ જાય છે. એવું કેમ? 

(૯) કેટલા IAS જેવા અધિકારીઓ, રાજકીય નેતાઓ, પ્રોફેસરો, CA, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ વગેરે જેવા ધનવાનોનાં સંતાનો સેનામાં મરવા માટે ભરતી થાય છે? એમણે તો દેશભક્તિ વોટ્સએપ અને fb વગેરે પર કરવી છે, અને મરવા માટે ગરીબોને મોકલવા છે!! 

‘યુદ્ધસ્ય વાર્તા રમ્યા:’ એટલે કે યુદ્ધની વાર્તાઓ રમણીય હોય છે એમ સંસ્કૃતમાં પણ કહેવાયું છે. યુદ્ધ રમણીય નથી હોતું. 

યુદ્ધનાં બણગાં ફૂંકવાનું બંધ કરીને શાંતિની વાત કરવાની જરૂર છે. કોઈ પુતિન કે ઝેલેન્સ્કી કે નેતાન્યાહૂ યુદ્ધમાં મરતા નથી. એવું જ ભારતમાં પણ અને દુનિયામાં બધે જ.  

તા.૨૭-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...304305306307...310320330...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved