Opinion Magazine
Number of visits: 9579642
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન મોર બની થનગાટ કરે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|26 July 2018

૧૯૪૪માં મેઘાણીએ આ ગીતનું  અદ્દભુત ગુજરાતીકરણ કર્યું કે કોઇ માની જ ન શકે કે મોર બની થનગાટ … એ મૂળ ગુજરાતી નહીં, બંગાળી ગીત છે

બહુ ઓછાં ગીત એવાં હોય છે જે સાંભળતાં જ આબાલવૃદ્ધ સૌનાં દિલ ઝૂમી ઊઠે. મોર બની થનગાટ એ એવું જ ગીત છે જે હકપૂર્વક આ કક્ષામાં બેસી શકે. કાર્યક્રમમાં આ ગીત રજૂ થાય ને દર્શકો ઊભા થઈને નાચવા માંડે. વરસાદી માહોલમાં તો આ ગીતનો ઉલ્લાસ ચરમસીમાએ પહોંચે. 

ભીતરથી ભીંજવી દે, છલોછલ છલકાવી એ ઋતુ છે ચોમાસું. ધરતી ને આકાશની જેમ ભીનાશ ભીતર અને બહાર બેઉ પક્ષે સંયોજાય એ સહૃદયતાની મોસમ  એટલે મોન્સૂન. એમાં ય અષાઢ-શ્રાવણ હેલી તો માદક-મનમોહક વાતાવરણ સરજે છે. અષાઢી મેઘલી રાત માનવ મનમાં નાજુક ભાવસંવેદન જગવે છે. અનાદિકાળથી મનુષ્ય પ્રકૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. પ્રકૃતિ, સમાજજીવન સાથે સંકળાયેલાં લોકગીતો ગ્રામ્ય સંસ્કૃિતનો આવિર્ભાવ કરાવે છે. વરસાદી લોકગીતોમાં અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે, વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં, વા વાયા ને વાદળ ઊમટ્યાં, મેહુલો ગાજે ને માધવ નાચે , આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, આવ્યો ધરતીનો ધણી મેહૂલો જેવાં લોકપ્રિય ગીતો કંઈક સંદેશ લઈને આવે છે તો સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'માં કુબેરના શાપથી વ્યથિત યક્ષ મેઘને દૂત બનાવી આષાઢસ્ય પ્રથમ દિવસે ગાઈને વિરહી પ્રણયીઓનું પ્રતિનિધિત્વ કરે છે. વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ જેવાં ગીત દ્વારા ગંગા સતી અધ્યાત્મનો માર્ગ ચીંધે છે.

આ પદમાં ગંગાસતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ જીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચે. આવી તો કેટલી ય સુંદર અભિવ્યક્તિઓ લોકગીતોમાં થઈ છે. વરસાદી ટીપાંઓનું એક અદ્રશ્ય તાલબદ્ધ સંગીત હોય છે જે દિલને બાગ બાગ કરે છે. અનરાધાર વરસતો વરસાદ દિલની ધડકન સાથે તાલ પુરાવતો લાગે. સુગમ સંગીતનાં કેટલાંક અદ્દભુત વરસાદી ગીતોની વાતો આપણે વર્ષારાણીના આગમન ટાણે કરી હતી. વરસાદે હવે તો મુંબઈને મન ભરીને ભીંજવી દીધું છે ત્યારે અાપણું મન કંઈ ઝાલ્યું રહે? એ તો મોર બનીને ક્યારનું ય ચહેકી-ગહેકી રહ્યું છે. એટલે જ આજે વાત કરવી છે આપણા સમૃદ્ધ લોકસંગીતની. લોકગીતોમાં સામાજિક જીવન ધબકે છે. ગ્રામ્ય ગીતો પ્રકૃતિનો ઉદ્દગાર છે. તેમાં શિષ્ટ સંગીતની ઝાંખી નથી, કેવળ રસ નિષ્પત્તિ છે. છંદ નહીં, ફક્ત લય છે. લાલિત્યસભર લઢણ એ એની આગવી વિશેષતા.

અષાઢની અજવાળી રાતે કાઠિયાવાડના કોઈ ગામમાં તમે જઈ ચડો અને લોકગીત સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરો તો ગામના એ ય ચાર-પાંચ ગાયકો ભેગા થઈ જાય ને દૂહાની રમઝટથી લોકગીતનો આરંભ કરે : અષાઢ ઉવાચમ, મેઘ મલ્હારમ, બની બહારમ, જલધારમ, દાદૂર ડકારમ, મયૂર પુકારમ, તડિતા તારમ વિસ્તારમ … !

લોકગીતો એટલે મોટેભાગે તો પુરુષને મુકાબલે સ્ત્રીઓનો જ આગવો ઈજારો. પણ આજે જે ગીતની વાત કરવી છે એમાં પુરુષનો જ બુલંદ કંઠ ચાલે. વરસાદી લોક ગીતોની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જ યાદ આવે. મેઘાણીએ લોકગીતોનો પુનરુધ્ધાર કર્યો અને એ કક્ષાની રચનાઓ દ્વારા બુલંદ લોકગાયકીને પ્રતિષ્ઠા આપી. કસુંબલ ડાયરાને દરબારગઢમાંથી પ્રજા વચ્ચે લાવવાનું કામ હેમુ ગઢવીએ કર્યું. મેઘાણીનાં લોકગીતોને પોતાની અદ્દભુત ગાયકી દ્વારા લોકહૈયાં સુધી પહોંચાડવાનું કામ હેમુ ગઢવીએ કર્યું હતું. તેમનું મહત્ત્વનું પ્રદાન નવસંસ્કરણનું કહી શકાય. લોકગીતોમાં કેટલાં ય ગીતોના માત્ર મુખડાં જ લખાયાં હતાં. હેમુ ગઢવીએ મુખડાનું નવસંસ્કરણ કરીને અંતરાનું સ્વરૂપ આપ્યું હતું. આવા જબરજસ્ત લોકગાયક હેમુ ગઢવીના કંઠે ગવાયેલું ગીત એટલે મન મોર બની થનગાટ કરે.  

મેઘાણીએ અનુવાદ કાર્ય બાદ સૌપ્રથમ આ ગીત હેમુ ગઢવીએ ગાયું અને લોકહૃદયમાં મજબૂત સ્થાન પામી ગયું. 1944માં ગુજરાતી સાહિત્યની કલગી સમાન આ સદાબહાર રચનાનું સર્જન થયું હતું.

વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી ઘેરાઈ જાય ત્યારે સૃષ્ટિ સોળે શણગાર સજી મેઘના સ્વાગત માટે થનગને. મોરલા માટે તો વરસાદ એટલે પ્રણયનું આહવાન. એના હૃદયમાં વાસંતી ભરતી જાગે, એનું રોમેરોમ નર્તન કરી ઊઠે. વ્યક્તિ અને પ્રકૃતિ એકબીજામાં સમાઇ જાય ત્યારે આવાં ગીતોનું સર્જન થાય છે.

1933માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તેમનો ગીતસંગ્રહ 'સંચયિતા' આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને મોકલ્યો. એવી ઈચ્છા પણ વ્યક્ત કરી કે એમાંથી તમને ગમતું ગીત ગુજરાતીમાં અનુવાદિત થશે તો એમને ઘણો આનંદ થશે. મેઘાણીએ આ ગીત ૧૯૨૦માં ટાગોરના મુખે કલકત્તામાં સાંભળ્યું હતું. ત્યાર બાદ ટાગોરના મૃત્યુ (૧૯૪૧) પછી ૧૯૪૪માં મેઘાણીએ આ ગીતનું અદ્દભુત અનુસર્જન, ગુજરાતીકરણ કર્યું કે કોઇ માની જ ન શકે કે મોર બની થનગાટ એ મૂળ ગુજરાતી નહીં, બંગાળી ગીત છે. ટાગોરના 'નવી વર્ષા' ગીતને ધીંગી ધરાનો ધબકાર ઝીલતું, વાદળ-વસુંધરાનું લાજવાબ તળપદું લોકગીત બનાવી દીધું જેમાં કાઠિયાવાડી લહેકો પૂરો બરકરાર હતો. હેમુ ગઢવીએ સંગીતબદ્ધ કરીને એમના અષાઢી કંઠમાં પહેલીવાર રજૂ કર્યું ત્યારે તો જાણે બારે મેઘ વરસ્યાં હોય એવું લોકોએ અનુભવ્યું હતું. આ ગીતમાં ટાગોર-મેઘાણીનું જાદૂઈ સંયોજન, કાળજાને ડોલાવે એવો તળપદો લહેકો, ઘુમરી લેતો વરસાદ, નદીઓની મદમસ્ત છટા, મદ્દહોશ વાતાવરણ, ચંચળ પવન શૃંગારિક સપનાનું ઘેન લઈને આવે છે.

ગીતના આ  શબ્દો તો જુઓ :                                          

ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે, 
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે

વરસાદી હેલીમાં ઘેલી થતી નવયૌવનાનાં ચાકમચુર ઉર(સ્તન)ને પચરંગી બાદલ પોતાના પાલવથી ઢાંકવાની કોશિષ કરે એવા ખેલ આકાશમાં રચાય છે. આવી નશીલી સ્થિતિમાં મોરનો કેકારવ નર-નારીને વધુ ઉત્તેજિત કરે છે. આખું ગીત નાદ અને લયના હિલ્લોળે આપણને તરબતર ભીંજવી જાય છે. તેથી જ દરેક ગુજરાતી કાર્યક્રમોનું એ અણમોલ રતન છે.

આ ગીત સાંભળીને કોઈ એવું નહિ હોય જેમના પગ ના થિરકે. મેઘાણીનું આ ગીત હિન્દી ફિલ્મ 'રામલીલા'માં ઓસમાણ મીરના ઘેઘૂર-ઘનઘોર અવાજે ગવાયું એ પછી તો વધારે મશહૂર થઇ ગયું.

 

આ ગીત સાંભળીને તમને અહેસાસ થશે કે મેઘાણીનાં લોકગીતોમાં એમણે એમનું હૃદય નીચોવી દઈને ધરતીની મહેકનો કેવો સુંદર અહેસાસ કરાવ્યો છે. રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું, એની યોગ્યતા મેઘાણીએ એમની આવી ઘણી અમર રચનાઓ મારફતે પુરવાર કરી બતાવી હતી. હેમુ ગઢવી, ચેતન ગઢવી, આશિત દેસાઈ અને ઓસમાણ મીરના અવાજમાં આ લોકપ્રિય સદાબહાર ગીત તમને યુટ્યુબ પર સાંભળવા મળશે જ. ફરી ફરીને સાંભળવું ગમે એવું આ ગીત વરસાદ વરસતો હોય ત્યારે મસાલેદાર ચા અને ગરમાગરમ ભજિયાંની સાથે ક્લિક કરીને સાંભળજો. રંગત ઓર જામશે.

આજનું ગીત

                                                            
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે,
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે, 
ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે, 
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે,   
મન મોર બની થનગાટ કરે

……………                                            

કવિ : ઝવેરચંદ મેઘાણી  • સ્વરકાર-ગાયક  : હેમુ ગઢવી 

……………

https://www.youtube.com/watch?v=Cp18iXr4n3g

('લાડલી' પૂર્તિ, "મુંબઈ સમાચાર", 26 જુલાઈ 2018)

Loading

જ્યારે એક જ પોકેટમાં એક સરખી ગુનાની ઘટનાઓ વારંવાર બનતી હોય, અને પોલીસ તેમ જ શાસકો તેનાં મૂળ સુધી ન પહોંચતા હોય ત્યારે નાગરિકે સાબદા થઈ જવું જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 July 2018

બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે રાજસ્થાન વિધાનસભાની આગામી ચૂંટણી મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના નેતૃત્વમાં લડવામાં આવશે. આ નિવેદન મભમ છે. આના બન્ને અર્થ નીકળી શકે. આનો અર્થ એવો નથી કે વિધાનસભાની ચૂંટણીમાં જો બી.જે.પી.નો ફરીવાર વિજય થશે તો વસુંધરા રાજેને પાછા મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે જ. આ રીતે રાજસ્થાનમાંના રાજે વિરોધી અને હવે પછી મુખ્ય પ્રધાન બનવા માંગતા બી.જે.પી.ના મહત્ત્વાકાંક્ષી નેતાઓને સુવાણ થશે. અપેક્ષા એવી છે કે તેઓ  રાજે તરફી પક્ષના ઉમેદવારોને પરાજિત કરવાની પ્રવૃત્તિ નહીં કરે. આ નિવેદનનો અર્થ એવો પણ થાય છે કે જ્યારે વસુંધરા રાજેના નેતૃત્વમાં ચૂંટણી લડાવાની છે, ત્યારે બી.જે.પી.નો વિજય થશે તો મુખ્ય પ્રધાન પણ તેઓ જ બનશે. વસુંધરા રાજે અને તેમના સમર્થકોને પણ ભ્રમમાં રાખવાની જરૂર છે.

હકીકતમાં રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં ઘણું મોડું થઈ ગયું છે. મુખ્ય પ્રધાન વસુંધરા રાજે અતડાં અને તોછડાં છે. તેમને રાજસ્થનમાં કોઈ નેતા સાથે નથી ભડતું. બધાને સાથે લઈને ચાલવાના ગુણ ધરાવનારા ભૈરો સિંહ શેખાવત સાથે પણ વસુંધરા રાજેને નહોતું ભળતું. ઓછામાં પૂરું તેમનામાં શાસન કરવાની આવડત નથી, એ એકથી વધુ વખત સાબિત થઈ ગયું છે. આમ જો વહેલાસર રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હોત, તો બી.જે.પી.ની ડૂબતી નૌકાને ઉગારી શકાઈ હોત, પણ નરેન્દ્ર મોદી-અમિત શાહ એ કરી શક્યા નહોતા. ના. વસુંધરા રાજે નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે એવું નથી. વસુંધરા રાજેએ મોદીની પ્રશસ્તિ કરતું નિવેદન ભાગ્યે જ કર્યું હશે. તેઓ દરબારમાં હાજરી આપવા દિલ્હી જતાં નથી કે વાહ વાહ કરતાં નથી. વસુંધરા રાજે એટલાં અતડાં છે કે તેમને આ બધું ફાવતું જ નથી.

આમ છતાં દિલ્હીના નેતાઓ રાજેને હોદ્દા પરથી હટાવી નહોતા શક્યા, કારણ કે રાજસ્થનમાં છેલ્લાં ઘણાં વર્ષોથી એક પક્ષ બે મુદત ભોગવતો નથી, એટલે ૨૦૧૯માં બી.જે.પી.એ લોકસભાની ચૂંટણી જીતવી હોય, તો રાજસ્થાનમાં વસુંધરા રાજેને નારાજ કર્યે પાલવે એમ નહોતું. રહી વાત વસુંધરા રાજેનાં નબળા શાસનની, તો એ તો નરેન્દ્ર મોદીની વિરાટ છબી હેઠળ ઢંકાઈ જશે. નરેન્દ્ર મોદી મત લાવી શકે એમ છે એટલે રળવાની ચિંતા નથી, વસુંધરા રાજે મત બગાડી શકે છે એટલે તેમને નારાજ કરીને મત ગુમાવવા ન જોઈએ.

આવી ગણતરીએ રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું નહીં અને હવે તો ઘણું મોડું થઈ ગયું છે. હવે નરેન્દ્ર મોદી ધાર્યા મત રળી શકે એમ નથી અને વસુંધરા રાજે ધારવા કરતાં વધુ મત ગુમાવી શકે એમ છે. નરાજ થઈને નહીં, ફૂહડ શાસન દ્વારા. રાજસ્થાનમાં યોજાયેલી પેટા-ચૂંટણીઓનાં પરિણામોએ અને રાજ્યભરમાં રસ્તા પર થઈ રહેલાં આંદોલનોએ આ બતાવી આપ્યું છે. બેસાડી રાખો તો પણ નુકસાન અને ખસેડો તો પણ નુકસાન. એટલે અમિત શાહે કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી વસુંધરા રાજેના નેતૃત્વમાં લડાશે, તેમણે એમ નથી કહ્યું કે રાજે જ ફરીવાર મુખ્ય પ્રધાન બનશે.

રાજસ્થાનમાં અનેક સમસ્યાઓ છે એમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા વિકટ છે. રાજસ્થાન હિન્દુત્વવાદી ગૌરક્ષકોની અભયભૂમિ છે. અલવર તેમનો અડ્ડો છે. અલવરથી હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ નજીક છે એટલે મનફાવે ત્યારે તેઓ કાયદો હાથમાં લઈને, શંકાના આધારે કોઈને રહેંસી નાખીને ફરી પાછા સુરક્ષિત સ્થળે આવી જાય છે. આવું આજથી નથી બનતું કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી બની રહ્યું છે. એક જમાનામાં કાઠિયાવાડમાં બાપુઓની રિયાસતો હતી ત્યારે એક રાજ્યનું કોઈ ગામ ભાંગીને માત્ર ટેકરી ઓળંગીને બીજા રાજ્યમાં લપાઈ જતા એમ.

ગુનાશાસ્ત્ર એમ કહે છે કે કોઈ એક પોકેટમાં પહેલીવાર જ્યારે કોઈ ગુનાની ઘટના બને, ત્યારે તેને શુદ્ધ ગુનાની ઘટના તરીકે લેખાવી શકાય. એ જ પોકેટમાં એ જ રીતની ઘટના બીજીવાર બને, ત્યારે હજુ તેને શંકાનો લાભ આપીને અકસ્માત તરીકે ખપાવી શકાય, પરંતુ એ જ પોકેટમાં એ જ રીતની ઘટના જો ત્રીજીવાર બને તો જરૂર એની પાછળ કોઈનો હાથ છે અને કોઈનો સ્વાર્થ છે એ દેખીતું છે. આઇ.પી.એસ.ની પરીક્ષા આપનારા અને પોલીસમાં ભરતી થનારા દરેક અધિકારીને આ પાઠ પહેલા દિવસે જ ભણાવવામાં આવે છે.

રાજસ્થાનના કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું છે કે રાજસ્થાનમાં ગૌરક્ષાનાં નામે મુસલમાનોની જે હત્યાઓ થઈ રહી છે એનું કારણ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થતો જાય છે એમ ગોરક્ષાના નામે ટોળે મળીને હત્યાઓ (લિંચિંગ) કરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમણે ૨૦૧૫ના એવોર્ડવાપસી સાથે લિંચિંગની ઘટનાઓની તુલના કરી હતી. ત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક હતી એટલે સાહિત્યકારો -કલાકારો  એવોર્ડ પાછા કરવા માંડ્યા હતા, તો  અત્યારે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણી નજીક છે, ત્યારે ગૌરક્ષાનાં નામે હત્યાઓ થઈ રહી છે. ઈરાદો બી.જે.પી.ને નુકસાન પહોંચાડવાનો છે. તેઓ ટૂંકમાં એમ કહેવા માંગે છે કે ગૌરક્ષાનાં નામે થઈ રહેલા ગુનાઓમાં બી.જે.પી. વિરોધીઓનો હાથ છે.

અર્જુન રામ મેઘવાલ જે કહે છે એમાં  તથ્ય હોઈ શકે છે. ન હોય તો પણ શાસકનો ધર્મ છે કે તે એક જ પોકેટમાં એક પછી એક બનતી એક સરખી ઘટનાઓ પાછળ કોઈનું કાવતરું તો નથી એવી શંકા કરે. ગુનાશસ્ત્રમાં આ જ તો ભણાવવામાં આવે છે. ગુનાની કોઈ ઘટનાને હળવે હાથે ન લેવી જોઈએ. આમ અર્જુન મેઘવાલ રાજસ્થાનમાં બની રહેલી લિંચિંગની ઘટનાઓને વડા પ્રધાનની વધતી જતી લોકપ્રિયતા સાથે જોડતા હોય, અને તેમાં કોઈ કાવતરું જોતા હોય તો તે તેમનો શાસક તરીકેનો ધર્મ છે.

આ શાસક તરીકેના પહેલા ધર્મની વાત થઈ. શાસક તરીકેનો બીજો ધર્મ પણ છે અને એ છે કાવતરાં હોય તો તેને ઉઘાડાં પાડવાનો, ગુનેગારોને પકડવાનો, તેમને સજા કરવાનો, નિર્દોષ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનો અને લોકોની કાયદો અને વ્યવસ્થામાં શ્રદ્ધા જળવાઈ રહે એ રીતનું વાતાવરણ નિર્માણ કરવાનો. ગુનાશાસ્ત્રમાં પોલીસોને જેમ એક સરખી ઘટના જોઈને જેમ શંકા કરતા શીખવાડવામાં આવે છે, એમ શાસકોને રાજ્યશાસ્ત્રમાં પહેલો પાઠ શાસનમાં પ્રજાની શ્રદ્ધા જળવાઈ રહે એ રીતે શાસન કરવું જોઈએ એવો શીખવાડવામાં આવે છે. પશ્ચિમમાં વિકસિત આધુનિક રાજ્યશાસ્ત્ર સામે તેમને અણગમો હોય તો શુદ્ધ હિન્દુ અને એ પણ પાછું પ્રાચીન કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પર એક નજર કરવામાં આવે. એમાં પણ શાસકનો પહેલો ધર્મ આ જ બતાવ્યો છે.

તો અર્જુન મેઘવાળ કહે છે એમ કાવતરાં દુષ્મનો કરે છે તો તેને ઉઘાડાં પાડવાનું, ગુનેગારોને પકડવાનું, તેમને સજા કરાવવાનું, નિર્દોષ નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનું કામ કોનું છે? એ પણ કાવતરાખોરો (કોંગ્રેસ વાંચો) કરી આપે એમ તેઓ કહેવા માંગે છે? તેઓ શુ એમ કહેવા માંગે છે કે કોંગ્રેસે રહેમ દાખવીને નિર્દોષ લોકોને રંજાડવા નહીં જોઈએ અને શાસકોને મુંઝવણમાં નહીં મૂકવા જોઈએ? અથવા તેઓ એમ કહેવા માંગે છે કે કોંગ્રેસે કાવતરા કરીને બી.જે.પી.ના શાસકોની અણઆવડત ઉઘાડી ન પાડવી જોઈએ? કેન્દ્રમાં બી.જે.પી.ની સરકાર છે, રાજસ્થાનમાં તેમની સરકાર છે, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તેમની સરકારો છે, દેશદ્રોહીઓ પર નજર રાખનારી સંઘની મોટી કેડર છે જે સમાંતરે પોલીસનું કામ કરે છે અને છતાં ય દુશ્મનોએ સમાજમાં છૂટા મૂકેલા ગુનેગાર કાવતરાખોરો પકડાતા કેમ નથી?

કાં તો આવડતનો અભાવ છે અને કાં ઇરાદાનો અભાવ છે. ગુનાશાસ્ત્રમાં બતાવેલા પોલીસના ધર્મની અને રાજ્યશાસ્ત્રમાં બતાવવામાં આવેલા શાસકના ધર્મની વાત કર્યા પછી અહીં સ્વરાજ્યશાસ્ત્રમાં બતાવેલા નાગરિક ધર્મની વાત આવે છે. જ્યારે એક જ પોકેટમાં એક સરખી ગુનાની ઘટનાઓ વારંવાર બનતી હોય અને પોલીસ તેમ જ શાસકો તેના મૂળ સુધી ન પહોંચતા હોય ત્યારે નાગરિકે સમજી લેવું જોઈએ કે શાસકો ગુનેગારોનો અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે એ પોલીસોનો પોતાના રાજકીય હિત માટે ઉપયોગ કરે છે. અર્થાત્‌ નેતાઓ, ગુનેગારો અને પોલીસની ધરી રચાયેલી છે. આ ધ્યાનમાં આવતાંની સાથે જ નાગરિકે સાબદા થઈ જવું જોઈએ એમ નાગરિક ધર્મ કહે છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2018

Loading

નિત્યક્રમ

પન્ના નાયક|Opinion - Short Stories|23 July 2018

એક દિવસ બપોરે ઑફિસથી પોસ્ટઑફિસ જતાં રસ્તામાં વીસેક ફૂટ દૂરથી ‘મેનહેટન બેગલ કાફે’ના કાચ પાસે ઊભેલી પ્રેરણાને તમે જુઓ છો. તમને લાગે છે કે કાફેમાં જવું કે નહીં એની અવઢવ પ્રેરણાને છે. ઘડીક પછી કાચમાં પ્રેરણા પોતાનું પ્રતિબિંબ જોઈ એનો સરી ગયેલો દુપટ્ટો છાતી ઉપર ગોઠવે છે એ તમે જુઓ છો. એનો દુપટ્ટો ગોઠવવાની પ્રક્રિયા તમને ગમે છે. તમે દસેક ફૂટને અંતરે છો ત્યારે પ્રેરણા અંદર જાય છે. તમે તમારું કામ પતાવવા પોસ્ટઑફિસ જાઓ છો.

કામ પતાવી પાછા આવો ત્યારે ‘મેનહેટન બેગલ કાફે’ પાસે તમારા પગ અટકે છે. તમને થાય છે પ્રેરણા એની કોઈ બહેનપણી સાથે આવી હશે. તમે અંદર જવાનું મન રોકી શકતા નથી. જાઓ છો. ‘બેગલ વિથ ક્રીમ ચીઝ ઍન્ડ કૉફી ટુ ગો’નો ઑર્ડર આપો છો. હાથમાં બ્રાઉન બૅગ લઈ આજુબાજુ નજર કરો છો. પ્રેરણા રસ્તા પર પડતા ટેબલ પર બેઠી છે. તમારી આંખો મળે છે. એ સ્મિત આપે છે. તમે એની પાસે જાઓ છો. ઊભા રહો છો. સામેની ખુરશી ખાલી છે.

‘હું …’ તમે તમારું નામ બોલતાં થોથવાઓ છો.

‘હું પ્રેરણા. આપણે સુધીર અને વિશાખાને ત્યાં મળ્યાં હતાં. ઉતાવળ ન હોય તો બેસો ને!’

પ્રેરણાએ પહેરેલી ચાંદીની ઘૂઘરીવાળી લાંબી બુટ્ટી લોલક જેમ આમતેમ હલે છે. એ કોઈ જાડી ચોપડી વાંચતી હોય છે તે બંધ કરે છે. તમને ચોપડીનું શીર્ષક દેખાતું નથી. તમે બેસો છો. તમને લાગે છે જાણે તમારા જીવનમાં નવો વળાંક આવી રહ્યો છે. પ્રેરણાના ટૂંકી બાંયના કુરતાવાળા હાથ પર રુવાંટી નથી. એના હાથની આંગળીઓ લાંબી અને પાતળી છે. એક આંગળી પર એક હીરાની વીંટી છે. એણે ‘બેસો ને’ કહ્યું ત્યારે તમે એના હોઠનો વળાંક જોઈ લીધો હતો. સુધીર અને વિશાખાને ત્યાં આમ નજીકથી જોઈ નહોતી.

તમે તમારી પત્ની જયશ્રી અને ચાર વરસના નિશીથ વિશે વાત કરો છો. તમે જામનગર પાસેના નાના ગામમાં ઊછર્યા છો. તમને હંમેશ મોટા શહેરનું આકર્ષણ હતું. બાપાએ મુંબઈ ભણવા મોકલ્યા. ત્યાં તમે પહેલી વાર અમેરિકન મૂવી જોઈ હતી. અમેરિકાથી ખૂબ અંજાઈ ગયેલા. તમારા એક મિત્રે તમને અમેરિકા બોલાવ્યા. તમે ઇન્સ્યોરન્સ સેલ્સમૅન છો. સાંજે કમ્પ્યુટર કોર્સ ભણાવો છો. તમને થાય છે તમે ઘણું બોલો છો. કદાચ એને તમે મૂરખ લાગતા હશો. અને છતાં ય બોલવાનું ચાલુ રાખો છો. તમે કહો છો કે અમેરિકા આવ્યા ત્યારે તમારી પાસે પૈસા નહોતા. લોન લઈને ભણ્યા અને જાતમહેનતે આગળ આવ્યા છો. બૉસ તમારા પર ખુશ છે. પત્ની સરળ સ્વભાવની છે.

પ્રેરણા અરુણ વિશે વાત કરે છે. અરુણ ડાયમંડ મરચન્ટ છે. એને અવારનવાર એન્ટવર્પ જવું પડે છે. દીકરી અનુજા કૉલેજમાં છે. અરુણ લાંબો સમય એન્ટવર્પ રહેવાનો હોય ત્યારે એ મુંબઈ જઈ આવે છે. બાકીના સમયમાં ચિત્રો દોરે છે.

‘શહેરમાં અવારનવાર આવો છો?’ તમે પૂછો છો.

‘હા, દર બુધવારે મેટિને-શૉમાં મૂવી જોવા.’

‘એકલાં જ?’

‘હા, કેમ નવાઈ લાગે છે?’

તમને સાચે જ નવાઈ લાગે છે પણ કબૂલી શકતા નથી. પ્રેરણા દેખાવડી છે. એના દેખાવ વિશે એ પોતે સભાન છે એવું તમને તેની આંખોમાં, તેના હાવભાવમાં, કપડાંમાં, વર્તનમાં દેખાય છે. તમારે જવું પડશે કહીને તમે છૂટા પડો છો. ઑફિસમાં પાછા જાઓ છો. તમારું ચિત્ત ચોંટતું નથી. તમને ઑફિસ છોડી પ્રેરણા સાથે મૂવી જોવા જવાનું મન થાય છે. તમારામાં હિંમત નથી. તમારા બૉસ પાસે તમે માંદા છો એવું ખોટું બોલી શકતા નથી. તમારી પત્ની જયશ્રી પાસે પણ ઢાંકપિછોડાવાળી વાત કરી શકતા નથી. બૉસ કે જયશ્રીને બનાવવાની આવડત તમારામાં નથી. કોઈ બહાના વિના ચાલુ દિવસે મૂવી જોવા ન જઈ શકાય એની તમને પ્રતીતિ થાય છે.

તમે બુધવારની રાહ જોવાનું શરૂ કરો છો. બેએક બુધવાર પ્રેરણા દેખાતી નથી. તમે બેગલ અને કૉફી લઈ બહાર નીકળી જાઓ છો. પછીના બુધવારે તમે બહાર નીકળો છો ત્યારે પ્રેરણા બારણામાં મળે છે. તમે પાછા અંદર જાઓ છો. પ્રેરણા માટે કૉફીનો ઑર્ડર આપો છો. વાતો કરો છો. પ્રેરણા કહે છે કે એમની વેડિંગ એનિવર્સરી પર અરુણે એને કમ્પ્યુટર ભેટ આપ્યું છે જે એના કરતાં વધારે અનુજા વાપરે છે. પ્રેરણાએ શીખવા માટે ઇવનિંગ સ્કૂલ જોઇન કરેલી. પ્રેરણા તમને પૂછે છે કે તમે રિફ્રેશર કોર્સ આપી શકો કે કેમ. તમારે એમ કહેવું છે કે ભવિષ્યમાં જ્યારે તમે અને જયશ્રી એમને ત્યાં જશો ત્યારે થોડી જ વારમાં શીખવી શકશો, પણ એને બદલે તમારાથી હા પડાઈ જાય છે. પ્રેરણાના નિમંત્રણને તમે નકારી શકતા નથી. ઊંડે ઊંડે તમને પ્રેરણાને એકલા મળવાનું મન છે.

પ્રેરણા પછીના બુધવારે બપોરે મળવાનું ગોઠવે છે. તમે માથું દુખવાનું બહાનું કાઢીને ઑફિસથી નીકળી જાઓ છો. પ્રેરણાએ આપેલા એડ્રેસ પર પહોંચો છો. શહેરના સરસ પાડોશમાં વિક્ટોરિયન ઘર છે. ઘરની આગળ ફૂલક્યારીઓ છે. ટ્રિમ કરેલી લીલીછમ લૉન છે. ઘંટડી દબાવો છો. પ્રેરણા બારણું ખોલે છે. ઘરમાં દાખલ થતાં એક તરફ દીવાનખાનું છે. બાજુમાં રસોડું અને નાનો બાથરૂમ. પ્રેરણા ઉપલે માળે લાઇબ્રેરીમાં લઈ જાય છે. એક તરફ સ્ટીરિયો. ટેઈપ્સ, સીડી, વગેરે છે. બીજી તરફ સફેદ શેલ્વ્સ પર પુસ્તકો. સામે કમ્પ્યુટર ડેસ્ક પર નવુંનક્કોર કમ્પ્યુટર છે. કમ્પ્યુટરની બાજુમાં તમારી નજર ખાળી ન શકે તેવો સોફા છે.

તમે કમ્પ્યુટર ડેસ્ક પાસેની ખુરશી પર બેસો છો. કમ્પ્યુટર કંઈ મોટું રહસ્ય નથી એમ કહી જાણવા જેટલું બેઝિક બતાવો છો. સમજાવો છો. એને કાગળ ટાઇપ કરવા કહો છો. તમે પાસે ઊભા રહો છો. પિયાનો પર આંગળી ફરે એમ એ ટાઇપ કરે છે. ટાઇપ કરેલો કાગળ પ્રેમપત્ર છે. ‘ટુ હૂમ ઇટ મે કન્સર્ન’ કરીને અન્ડરલાઇન કર્યો છે. તમે થોડા વિવશ થઈ જાઓ છો.
એ તમને એના બેડરૂમમાં ખેંચી જાય છે. ક્ષોભ સાથે તમે પ્રેમ કરો છો. પ્રેમ કર્યા પછી, દૂધ પીને સંતોષી બિલ્લી સૂતી હોય એમ, પ્રેરણા તમારી બાજુમાં સૂતી છે.

તમારી આખી જિંદગીમાં આવા જાગ્રત ન થયા હોય એમ જાગતા તમે પડ્યા છો. તમે કોઈ દિવસ પરસ્ત્રીને પ્રેમ કર્યો નથી. અચાનક ફોનની ઘંટડી વાગે છે. પ્રેરણા તંદ્રામાંથી જાગીને ફોન લે છે. ફોન અરુણનો છે. તમને પેશાબ થઈ જશે એટલો ભય તમારા શરીરમાં વ્યાપી વળે છે. તમે થરથર કાંપો છો. તમારું હૃદય બમણી ઝડપે ધડકે છે. તમને ભયંકર અપરાધભાવ જાગે છે. ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. પ્રેરણા તમારો હાથ પંપાળતી પંપાળતી ઠંડે કલેજે વાત કરે છે. ‘ડાર્લિંગ, કેમ છે તું? શું કર્યું આજે? લંચ ખાધો? ટપાલમાં કશું નથી. સાંજે કેટલા વાગ્યે આવીશ? જમવામાં શું બનાવું? દાળઢોકળી? ચો…ક્ક…સ. અત્યારે શું કરું છું? તું એટલું વહાલ કરે છે કે મને સુખના સોજા આવ્યા છે. બ્લાઉઝના આંતરસેવા ખોલું છું.’ પ્રેરણાનો હાથ છોડીને તમે ત્વરાથી ઊઠો છો. કપડાં પહેરી લો છો. તમે કહો છો કો તમારે જવું પડશે. પ્રેરણા દરવાજે આવીને હળવું ચુંબન કરીને આવજો કહે છે. તમે ગાડી સ્ટાર્ટ કરો છો. તમને પસીનો છૂટે છે. રૂમાલ કાઢીને લૂછો છો. રૂમાલ લથબથ થઈ જાય છે. તમે ઍરકન્ડિશનર ચલાવો છો. અન્યમનસ્ક થોડે સુધી જાઓ છો. આખું દૃશ્ય તમારી આંખ સામે ખડું થાય છે. તમે આવી કોઈ સ્ત્રીને મળ્યા નહોતા. એનો સંગ તમને માણવો ગમ્યો હતો. સિગ્નલ આવે છે. તમે લાલ લાઇટ પાસે ઊભા રહો છો. ત્રીસ સેકન્ડ પછી લાઇટ લીલી થાય છે. ઝબકારા સાથે થતી લીલી લાઇટ સાથે તમને ય ઝબકારો થાય છે. તમારું થરથર કાંપવું અને પ્રેરણાનું મીઠાશભર્યા અવાજમાં અરુણ સાથે સહજતાથી વાત કરવું— આંખ પલકારવા જેવું સહજ. ધૂળ ઊડે ને આંખ જે રીતે બંધ થઈ જાય એવું સહજ. સવારે ઊઠીને બ્રશ કરવા જેટલું સહજ. તમને થાય છે: આવી સહજતા કેવી રીતે આવતી હશે? પોતાના ઘરમાં અંધારામાં ય દાદર મળી જાય એ માટે પગને ટેવાવું પડે છે. સવાલ ટેવનો છે.

તમે ઘેર પહોંચો છો. કેમ અચાનક વહેલા આવ્યા એમ પત્ની તમને પૂછે છે. તમે માથું દુખવાનું બહાનું કાઢો છો. પહેલી વાર તમારા બૉસ અને તમારી પત્ની પાસે ખોટું બોલ્યા છો.

તમને લાગે છે કે પહેલી વાર ખોટું બોલવું કે ખોટું કરવું અઘરું છે. પહેલી વાર એવું કરતા હોઈએ ત્યારે હૃદય એક ધબકારો ચૂકી જતું હોય છે. આપણે સહેજ મરી જતાં હોઈએ છીએ. પછી ટેવાઈ જવાય. કોઠે પડી જાય. અને એ બધું સહજ બની જાય. આંખ પલકારવા જેટલું સહજ.

તમે આવતા બુધવારનો વિચાર કરો છો.

Posted on જુલાઇ 22, 2018 by P. K. Davda

સૌજન્ય : https://davdanuangnu.wordpress.com/2018/07/22/પન્ના-નાયકની-વાર્તા-૮-નિ/

Loading

...102030...3,0483,0493,0503,051...3,0603,0703,080...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved