Opinion Magazine
Number of visits: 9686069
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અવિચલ ગણરાયા

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|14 September 2018

હૈયાને દરબાર

બે વર્ષ પહેલાં બાન્દ્રામાં એક સંગીત કાર્યક્રમ હતો. માનવમેદની હકડેઠઠ જામેલી હતી. યુવાનોની સંખ્યા ખૂબ વધારે. અમારી પાસે સ્પેિશયલ ગેસ્ટ પાસ હતો. કાર્યક્રમ શરૂ થવામાં જ હતો અને હું પહોંચી.‌ બેકગ્રાઉન્ડ મ્યુિઝક શરૂ થયું અને વાતાવરણમાં કંઈક ગજબ સ્પંદનો પેદા થવા લાગ્યા. મુખ્ય કલાકારની એન્ટ્રી સાથે શબ્દો ગુંજવા લાગ્યા :

                                   
गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि ।
गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि ।
गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि ।
एकदंताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि ।
गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ॥

આહા! શંકર મહાદેવને પહેલી જ પ્રસ્તુિતમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સ્તુિત એવી છે કે સાંભળતાં જ રુંવાડા ઊભાં થઈ જાય.‌

કંઇક આવી જ અનુભૂતિ વીસેક વર્ષ પહેલાં આપણા સૂરીલા ગાયક સોલી કાપડિયાને એક મહેફિલમાં સાંભળ્યા ત્યારે થઈ હતી. અત્યંત મધુર, ભાવવાહી કંઠ તથા સ્પષ્ટ ઉચ્ચારોને કારણે એમનું ગાયન પ્રભાવક લાગ્યું હતું. 'ધ ગોલ્ડન વોઇસ ઓફ ગુજરાત'નો એવોર્ડ ૧૯૮૬માં મેળવ્યા બાદ બીજાં અનેક પારિતોષિકો એમણે પ્રાપ્ત કર્યા છે.‌ સોલીનું પર્યાયવાચી નામ એટલે પ્રેમ એટલે કે, સોલી એટલે સોજ્જો ઇન્સાન, સોલી એટલે પ્રેમાળ યજમાન અને સોલી એટલે ઉત્તમ સ્વરકાર, અરેન્જર અને ગાયક.

તાજેતરમાં જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી તથા સંવેદનશીલ કવિ ભગવતીકુમાર શર્માની કેટલીક સુંદર રચનાઓ અમારી નજર સમક્ષ તૈયાર થતી અમે એમના સ્ટુડિયોમાં નિહાળી છે. અમે વૃક્ષ ચંદનનું ચીરાઈ ચાલ્યા તથા હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં‌ જેવાં ભગવતીભાઈનાં ગીતોને સોલી કાપડિયાએ અત્યંત લોકપ્રિય બનાવ્યાં છે. ગીતની સર્જન પ્રક્રિયાના સાક્ષી બનવાનો મોકો સંગીતભાવક અને પત્રકાર હોવાને નાતે ઘણીવાર, ઘણા સંગીતકારો સાથે મળ્યો છે એ અમારું સદભાગ્ય.

આજના પાવન અવસરની શુભ સવારે સોલી-નિશાના સંયુક્ત આલ્બમ 'ગણેશ ઉત્સવ'ની કેટલીક મધુર તરજો મન પર સવાર છે. પારસી બાવા સોલી કાપડિયાને પણ ગણેશ ભગવાનની સ્તુિતની લગની લાગી હતી. સોલી કાપડિયા ગુજરાતી સુગમ સંગીતમાં એવું નામ છે જેમની હાજરી સ્ટેજ ઉપર હોય ત્યારે એમના સંમોહક સ્વરની સુરાવલિ આપણને સંમોહિત કર્યા વિના રહે નહીં.‌ ઉર્દૂ- હિન્દી ગઝલો પણ એમણે અદ્દભુત સ્વરબદ્ધ કરી છે.

શુદ્ધ ઉચ્ચાર, ભાવવાહી કંઠ અને સુંદર વ્યક્તિત્વ ધરાવતા સોલી કાપડિયા હંમેશાં કહે છે કે મારે માટે શબ્દ કરતાં ભાવનું મહત્ત્વ ખૂબ છે. એમાં ય જ્યારે ઈશ્વર સ્તુિતની વાત આવે ત્યારે તો એ ચરમસીમાએ પહોંચે છે. સોલી કાપડિયાએ થોડાં વર્ષો પૂર્વે 'ગણેશ ઉત્સવ' નામે આલ્બમ તૈયાર કર્યું હતું. વ્યવસાયે ફિઝિયો થેરાપિસ્ટ ડૉ. ‌સ્મિતા ખંભાતી રચિત સુંદર ગણેશ સ્તુિતઓને સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી અને સોલી-નિશાના કંઠે એ આલ્બમ રજૂ થયું હતું. એક અવિચલ ગણરાયા સ્તુિત વિશે સોલી કાપડિયા કહે છે, "આ ગીતના શબ્દો જ શ્રી ગણેશની બ્રહ્માંડીય વિશાળતા વ્યક્ત કરે છે. ગીતની પંક્તિઓની જે તરાહ (પૅટર્ન) છે એણે મારી સર્જનાત્મકતાને વધુ નિખારી છે. કાનને તરત સ્પર્શે એવી કર્ણપ્રિય તરજ મારે બનાવવી હતી, એટલે ગીતનું શ્રેષ્ઠત્વ બહાર લાવવા આખી રાત હું ઊંઘી શક્યો નહોતો. ગીતનો ભાવ તીવ્રતાથી વ્યક્ત થાય છતાં એની બારીકીઓ જળવાઈ રહે તથા શ્રોતાના હૃદયને યોગ્ય રીતે સ્પર્શે એવું ગીત મારે બનાવવું હતું. મુખડાની અનિયંત્રિત વ્યાપક ગતિને બેલેન્સ કરવા પખાવજ, સંતૂર સેલો અને સિમ્ફની જેવી અરેન્જમેન્ટ કરી હતી. એક પછી એક ઝડપથી તાર છેડીને સૂરની ગતિ સાથે મુખડાની શરૂઆત મંદિરના ઘંટારવથી થાય છે.‌ અંતરાનો ટેમ્પો કોરસની ગરિમાપૂર્ણ લયકારી સાથે સાવ જુદો જ છે. પૂર્વ- પશ્ચિમના સંગીતનું સુભગ સંયોજન આ ગીતમાં છે. મારી સર્જનશીલતાને આ ગીતમાં મોકળું મેદાન મળ્યું છે એ માટે હું ગીતકારનો આભારી છું."‌

ગીતકાર સ્મિતાબહેનનું ભાષા પ્રભુત્વ ખૂબ સરસ‌ છે.‌ તેઓ એમની ગણેશ સ્તુિતઓ સંદર્ભે કહે છે કે, "મારે માટે ગણેશ એ મારા ફેવરિટ અને વિશિષ્ટ ભગવાન છે, જેમની દરેક પ્રસંગે, દરેક આયોજન અને દરેક સ્થાને પૂજા કરી શકાય છે. વાસ્તવમાં દરેક કાર્યમાં એ મહત્ત્વપૂર્ણ છે. તે એકમાત્ર એવા દેવ છે જે તમામ‌ ભૌતિક અને આધ્યાત્મિક પાત્રોને અતિક્રમી, ભક્તોનાં મન અને હૃદયમાં, જે રીતે ભક્ત તેમને જૂએ છે એ સ્વરૂપે બિરાજે છે. તમે કોઈપણ સ્વરૂપમાં એમની કલ્પના કરી શકો છો અને તેમની સાથે સંબંધ કેળવી શકો છો – એ રમતિયાળ કૃષ્ણ, બળવાન શિવ, એક ઉદાર બ્રહ્મા કે કેટલીક વખત માનવીય બ્રાહ્મણ જેવા માનવ સ્વરૂપ પણ હોઈ શકે છે. મારે માટે એ રક્ષણ કરનાર પિતા છે, એવો ભાઈ છે જેની સાથે હું લડી શકું છું, એવો મિત્ર છે જેની સાથે હું મારા જીવનના ઊતાર-ચઢાવ વહેંચી શકું છું અને ક્યારેક એ મારો પુત્ર પણ બની જાય છે જેની સાથે એને ગમતી ભેટસોગાદો આપીને એમને રિઝવી શકું  છું! ટૂંકમાં, ગણેશજી મારે માટે માત્ર એક સ્વરૂપ નથી, તે 'સર્વ-રૂપ' છે." આ સર્વરૂપ ગણેશજીની વંદના કરતી સ્તુિતઓ સ્મિતાબહેને રચી અને સોલી-નિશાના કંઠમાં નિખરી ઊઠી.‌ આવી મંગલમય રચના ગણેશ ચતુર્થીએ સાંભળવાથી મન ખરેખર સંતૃપ્ત થઈ જાય છે.‌

કોઈ પણ ‌મંગલકાર્યનો આરંભ ગણેશજીનાં નામ સાથે જ થાય.‌ ગણપતિને રિદ્ધિસિદ્ધિના દેવ તરીકે લોકો ભાવપૂર્વક ભજે છે. મુંબઈમાં સિદ્ધિ  વિનાયકના મંદિરે ફિલ્મના સુપર સ્ટારથી માંડીને આમ આદમી સુધી ભાવિકજનોની અહીં શ્રી ગણેશના દર્શન કરી એમની કૃપા પ્રાપ્ત કરવા માટે મોટી ભીડ જામે છે. અમિતાભ બચ્ચનજી અનેક વાર સિદ્ધિ વિનાયક મંદિરમાં જુહુના એમના ઘરેથી ચાલીને ગણેશજી નાં દર્શને આવ્યા છે, અને ગયા વર્ષે એમણે પોતાના અવાજમાં સુખકર્તા દુખહર્તા સ્તુિત રેકોર્ડ પણ કરાવી છે. આવા સર્વ પ્રિય ગણેશજીની પૂજા અમારા પરિવારમાં પણ ધામધૂમથી થતી. સુંદર મજાની મૂર્તિની પસંદગીથી માંડીને દુર્વા ચૂંટવાની, મેવા-મીઠાઈના પ્રસાદ ધરાવવાના તેમ જ સૌથી વિશેષ આકર્ષણ લાડુનું. ગણેશ ચતુર્થીએ લાડુ તો બનાવવાનાં જ.  નાનાં બાળકો ગણેશજીને ભરપૂર લાડ લડાવે. બીજા દિવસે વિસર્જન વખતે વિદાય આપવાનું આકરું લાગે પણ એ જ આપણી રીત અને એ જ આપણી પરંપરા. કોઈ પણ હિંદુ મંદિરમાં તમે દાખલ થાઓ ત્યારે તમને એક બાજુ રિદ્ધિસિદ્ધિના દેવ ગણપતિ અને બીજી બાજુ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રતિમાઓ અચૂક જોવા મળે.

લગ્‍નનો પ્રસંગ હોય,નવા ઘરે કુંભ મૂકવાનો હોય, કોઈ સંસ્થાનો શિલારોપણવિધિ, લક્ષ્મીપૂજન, સત્યનારાયણ કથા જેવા કોઈપણ શુભ પ્રસંગે સૌ પ્રથમ શ્રી ગણપતિનું સ્થાપન કરી એમનું ભાવપૂર્વક પૂજન કરવામાં આવે છે.

શ્રી ગણેશજીને અનેક નામે ભજવામાં આવે છે. એમને એમના શરીરની આકૃતિ ઉપરથી વક્રતુંડ, લંબોદર, મહાકાય, લંબકર્ણ અને એમને હાથીનું મસ્તક  હોઈ ગજાનન પણ કહેવાય છે. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીની ઊજવણીનું હિન્દુ શાસ્ત્રોમાં અનેરું મહત્ત્વ છે. ‌હિન્દુ સંસ્કૃિતમાં મોટા તહેવારોમાં ગણાતા ગણેશ ચતુર્થીના પાવન અવસર પર રિદ્ધિ સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની આસ્થાપૂર્વક પૂજા-અર્ચના-વ્રત કરવાથી અપાર ફળ મળે છે અને જીવનમાં કોઈપણ કામ અટકતું નથી. ગણેશજીના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિનું આગમન થાય છે.

કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનું વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે. 

આજના પવિત્ર દિવસે ભગવાન ગણેશજીને એ જ પ્રાર્થના કરીએ કે સૌને સદ્દબુદ્ધિ આપો, સૌનાં સંકટ દૂર કરો અને સૌનું કલ્યાણ કરો.‌ ગૂગલ સર્ચ કરીને એક અવિચલ ગણરાયા ગીત તમે સાંભળી શકશો. છેલ્લે, ગણપતિ બાપ્પાને બસ એટલું જ પ્રાર્થીએ : સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી, નુરવી પૂર્વી પ્રેમ કૃપા જયાચી, સર્વાંગી સુંદર ઉટી શેન્દુરાચી, કંઠી ઝળકે માળ મુક્તાફળાચી, જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ, દર્શન માત્રે મનકામના પૂર્તિ, જય દેવ, જય દેવ!                                                                

એક અવિચલ ગણરાયા.                              
ઉનકે હૈ અષ્ટોત્તર-શતનામ                            
નામ-સ્મરણ કી માલા મેં,                                
સમાયે મેરે ચારો ધામ,                                  
લંબોદર, સિંદૂર વર, મહાકાય, ગૌરીસુતાય,        
સુમુખ, ગજમુખ, ગણપતિ, મંગલમૂર્તિ,              
સિદ્ધેશ્વર, મયૂરેશ્વર, વિઘ્નેશ્વર, અમરેશ્વર, સૌમ્યાય,
જો ભાએ વો નામ જપો, કરતે રહો શત શત પ્રણામ                                      
ઇસીલિયે હી ગણરાયા કે અષ્ટોત્તરશત નામ      
વિનાકાય, ગુણાતીતાય, નિરંજનાય, દક્ષાય, ગણપાય,
ધુમ્રવર્ણમ, સિંદૂર વર્જમ, ચણ્ડાય, વૃદ્ધિદાય,      
બુદ્ધિદાય સિદ્ધિદાય વરમૂષક વાહનામ            
સર્વ ગુણો કે સ્વામી હૈ, ગુણ સે ભી બઢ કે ઉનકે નામ,                                                    
ઈસી લિયે હી ગણરાયા કે અષ્ટોત્તરશત નામ.      

          • કવિ : સ્મિતા ખંભાતી                                • સ્વરકાર-ગાયક : સોલી કાપડિયા

[પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 13 સપ્ટેમ્બર 2018]   

Loading

મગન લુહાર

દીપક બારડોલીકર|Profile|14 September 2018

‘ના, હું એવો પરાણો નહીં બનાવું. બળદો ય પ્રાણી છે, પથ્થર નથી ! −− મારે ય ઈશ્વરને જવાબ આપવાનો છે. …’

આ શબ્દો હતા, મગન લુહારના. એનો વાસ અમારા ઘર નજીક હતો. કોઢ, ધમણ, એરણ વગેરે પણ ત્યાં જ. સવાર પડે અને ધમણની ધમધમાટી શરૂ થાય. મગન પોતે જ ધમણ ધમે. તણખા ઊડે, જ્વાળા ફૂંફવે અને ત્યાર પછી, ધમણચૂલામાં મૂકાયેલું લોઢું રાતું ચોળ થાય એટલે, તેને એરણ પર ગોઠવી, હથોડા વડે ટીપટીપ શરૂ કરવામાં આવે. આ ટીપટીપ અમે દરરોજ સવારસાંજ સાંભળીએ. ઘડાતા ઘાટ જોઈએ. મજા આવે. ક્યારેક આશ્ચર્ય પણ થતું કે બળબળતા લોઢાના ઘાટ ઘડનારો મગન લુહાર જરાયે ઉગ્ર ન હતો. બલકે શાંત, વિનમ્ર ! તેને કોઈની સાથે લડતાં-ઝગડતાં અમે જોયો ન હતો.

પણ આજે તેનો ચીસ જેવો ઊંચો અવાજ સાંભળ્યો તો અમે ચોંક્યા. જોયું તો એક મૂછાળો રજપૂત, સામાન્ય કરતાં મોટી આરવાળા પરાણા માટે આગ્રહ કરી રહ્યો હતો. અને મગનનો જવાબ હતો, ‘ના, એ નહીં બને ! બિલકુલ નહીં બને ! … મૂંગા પ્રાણીઓ પરના જુલમમાં હું સામિલ નહીં થાઉં … … !’

એ દરમિયાન આવી પહોંચેલા મારા કાકા અહમદે, હકીકત જાણી, તો ગુસ્સો આવ્યો. અને રાતાપીળા થઈ રહેલા રજપૂતને ઠપકો આપતાં કહ્યું, ‘શરમ કર, શરમ ! … જંગલી લાગે છે. જે બળદો તારી ખાતર જાત તોડે છે, તારી જમીનો આબાદ કરે છે, તેમના પર જુલમ કરવો છે ? −− જરાયે દયા નથી આવતી ? −− અરે, મૂરખ, આપણી ખાતર જાત તોડે તેને તો સારું સારું ખવડાવવાનું હોય ! −- ઘોંચવાના નહિ, પોષવાના હોય !’

કાકાના ઠપકાથી એ રજપૂત એવો ભોંઠો પડ્યો કે થોડી વાર પહેલાંનો તેનો રાતો ચહેરો ફીક્કો થઈ ગયો. અને કંઈક બબડતો ને પગ પછાડતો ચાલ્યો ગયો.

કાકા, ભગત જેવા આદમી હતા. મગન લુહાર પણ એ જ દિશાનો રાહગીર. એ બન્નેને સારું બનતું. નવરાશના સમયે તેઓ અલકમલકની, ઇન્સાનિયતની, લોકકલ્યાણની વાતો કર્યા કરતા અને લોકોના એલફેલ દેખીસાંભળી અફસોસ કરતા. કાકાએ મગનને કહ્યું હતું, ‘તારે કોઈથી બીવાની જરૂરત નથી. અમે છીએ. − તું તારો ધંધો બેધડક કર્યા કર.’

મગનને, કાકાની એ હૈયાધારણ ઘણી હતી. અને તેની ધમણ ધમાતી રહેતી હતી.

દિવસભર એરણ ઉપર તેની ટીપટીપ ચાલતી રહેતી. કોઢની બહાર તે ગાડાના પૈડે વાટ પણ ચડાવતો અને તેનું આ કામ અમને અદ્દભુત લાગતું ! ધગધગતી આગમાં વાટને લાલચોળ કર્યા પછી, ચીપિયા વડે ઉપાડીને તેને, તે અને તેનો જોડીદાર પૈડા ઉપર ચડાવતા ! અને ત્યારે પૈડામાંથી નીકળતા ધુમાડા વચ્ચે જે ટીપટીપ થતી અને બૂમો પડતી ત્યારે તો મગન લુહાર કોઈ મોટા કાબેલ ઈજનેર જેવો લાગતો ! … અમે શું જે જોતા તે પોકારી ઊઠતા, ‘વાહ, મગનકાકા, વાહ !’

આ કસબી કામ દરમિયાન, પૈડે ચઢાવાઈ રહેલી વાટ, ક્યારેક તેના સાંધામાંથી એકાએક ઉખડી જતી ! છનન કરતીકને છટકતી ત્યારે તો ભારે ભાંજગડ થઈ જતી ! − અગર પૂરતી સાવધાની ન રાખી હોય કે ચપળતા ન વાપરી હોય તો તો એ છટકેલી વાટ કારીગરના જિસમને જલાવી નાખે !

એવી વાટને પુન: સાંધવી પડતી. ટાંકા લગાવવા પડતા. પૈડા સાથે બંધબેસતી છે કે નહીં તે ચકાસવું પડતું. અને ત્યારે પછી વાટ પૈડે ચઢાવાતી. આ ધકમકમાં ત્રણેક દિવસ લાગી જતા.

હું ઘણું કરીને પાંચમા – છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો ને મગનની કોઢમાં મારી આવજા હતી ત્યારે તેણે, બળબળતી વાટની હડફેટે ચઢેલા, એક કણબીનો કિસ્સો કહેલો. કહેલું : એ કણબી બહુ ચાંપલો ને મોંફાટ હતો. વાટ ગરમ થઈ રહી હતી ને પૈડાને ઠીકઠાક કરવામાં આવી રહ્યું હતું ત્યારે ય તેની બકબક ચાલુ હતી. વગર વિચાર્યું બોલ્યે ચાલ્યો જતો હતો.

અને પછી વાટ તપીને લાલચોળ થઈ ગઈ તો મેં અને મારા કારીગરે ચીપિયા વડે વાટ ઉપાડી. અને પૈડા તરફ પગ ઉપાડ્યા તો ન જાણે શું થયું કે એ કણબી ‘અરે − અરે’ કરતો દોડ્યો. લપસ્યો ને મારા પગ સાથે અથડાયો ! એ સાથે વાટ ચીપિયમાંથી છટકી ને ‘છનન’ કરતીકને કણબીના માથા પાસે પડી !

મગન ‘હાય-હાય’ કરી ઊઠ્યો ! બોલ્યો, ‘એ કદાચ એની માની દુઆ હશે, નહિતર એ કણબીના બચવાની કોઈ તક ન હતી. શેકાઈ જ ગયો હોત … … !’ ને માથું ઝટકવા લાગ્યો.

‘પછી શું થયું ?’ મેં પૂછ્યું.

‘થવાનું શું હતું ?’ મગને કહ્યું, ‘લોકોએ એવા ડામ આપ્યા કે એ કણબી તેની બધી ચાંપલાઈ ભૂલી ગયો. − હવે જ્યારે મને જૂએ છે કે કાન પકડે છે !’

મગનની કોઢમાં ધારિયાં બનતાં. કુહાડા, કુહાડી, કોદાળી, દાતરડાં, ખુરપી, ચાંચવા તથા ખેડૂતોના ઉપયોગની, નાનીમોટી બીજી ઘણી વસ્તુઓ બનતી. તે એક કુશળ – અનુભવી કારીગર હતો. ઈચ્છ્યું હોત તો મોટું વર્કશોપ લઈને બેસી ગયો હોત. શ્રીમંત થઈ ગયો હોત ! પણ નહીં, તે પૈસાવાદી નહીં, એક ભક્તજીવ હતો. તે અકસર કહેતો ય હતો કે આ પેસા તો કંઈ પણ નથી. −− અસલ કમાણી છે ઈશ્વરની યાદ. −− ઈશ્વરનો પ્યાર, કરે બેડો પાર !

પરંતુ એનો અર્થ એ નથી કે તેને ધંધામાં રસ ન હતો. તે આશ્રયી – પરિશ્રમી આદમી હતો. સવારે સમયસર તેની કોઢ ખૂલી જતી. હથોડાની, ઠોકઠાક શરૂ થઈ જતી. ધમણ ધમાતી અને ધમણ જોડેનો ચૂલો ભભૂકતો. અને કમાણી તેની પાસે દોડતી આવતી ! વળી તે હતો એટલો ઉદાર ને એવી માન્યતા ધરાવતો હતો કે, આપણી કમાણીમાં લાચારો − ગરીબોનો ય હિસ્સો હોય છે. કદાચ આ કારણ હતું કે તેને ત્યાં લાચારો, ફકીરો, જોગીઓની અવરજવર ચાલુ રહેતી. તે સૌને કંઈ ને કંઈ આપતો. તે કશા ભેદભાવમાં માનતો ન હતો. માણસાઈમાં શ્રદ્ધા હતી. કહેતો ય હતો :

જૂઠ્ઠી છે સૌ જાતજમાત
સૌથી ઉત્તમ માનવવાદ !

મગન લુહાર આજે નથી. અલબત્ત, તેની કોઢ છે. કામકાજની ભરમાર છે. પરંતુ મગનના સમયમાં, આ કોઢમાં, જે મીઠી સુવાસ હતી, તે આજે નથી.
મગનના અવસાનને વર્ષો થયાં, તેનો દેહ ખાક થઈ ગયો છે. પણ કોઈકે કહ્યું છે એમ દેહ માટીમાં ભળી જાય છે, પણ માણસનું સદાચરણ સદ્દચારિત્ર્ય અને માણસાઈ મરતાં નથી.

માણસ નથી હોતો, પણ તેની સારાઈ, સત્કાર્યોની હળવી – હળવી સુવાસ આપણી આસપાસ વ્યાપતી રહે છે !

“પુષ્પ કરમાઈ શકે છે
ખુશબૂ કરમાતી નથી !”

11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]

Loading

અવરોધો સામે લડીને જીતતી આ દેશની ખેલાડીઓને અને જુલમ સામે લડીને જીવતી મહિલાઓને સલામ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|14 September 2018

Lancet નામના બહુ જાણીતા અભ્યાસ સામયિકનાં, બુધવારના અખબારોમાં જાહેર થયેલા, સર્વેક્ષણ મુજબ, દુનિયામાં આપઘાત કરતી દર દસ મહિલાઓમાં ચાર ભારતીય હોય છે, તેમાંથી મોટા ભાગની 15-40 વયજૂથની હોય છે, કન્યાઓના બાળમરણમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમ પર છે.

એશિયન ગેઇમ્સમાં સ્વપ્ના બર્મને ઍથલેટિક્સની હેપ્ટેલૉનમાં સુવર્ણચન્દ્રક મેળવ્યો. આ વાક્યનો અર્થ એ કે પશ્ચિમ બંગાળનાં ઘોશપારા ગામમાં કાચા ઘરમાં રહેતી, એકવીસ વર્ષની આ છોકરી સાત સ્પર્ધાઓમાં જીતી છે – સો, બસો અને આઠસો મીટર દોડ, ઊંચી અને લાંબી કૂદ, ગોળા અને ભાલા ફેંક.

આ સિદ્ધિ માટે તેનું મન મજબૂત હશે પણ તન અપૂરતાં પોષણે મથતું રહ્યું હશે. કારણ કે રાજભોંગશી આદિવાસી કોમમાં જન્મેલી  સ્વપ્નાનાં માતા ચાના બગીચામાં મજૂરી અને ઘરઘાટી તરીકેનાં કામ કરે છે. તેના પિતા એક જમાનામાં પગરિક્સા ખેંચતા હતા, અને પછી સ્ટ્રોક આવવાને પગલે સાત વર્ષથી પથારીવશ છે. ચારસો મીટર રિલેમાં સુવર્ણ ચન્દ્રક મેળવનારી ટુકડીની ગુજરાતની સરિતા ગાયકવાડ અને આસામની હિમા દાસ બંને દૂરનાં ગામોના ખેડૂત પરિવારોની છે. કૉમનવેલ્થ ગેઇમ્સમાં ગોલ્ડ અને એશિયનમાં સિલ્વર જીતનારી  હિમાએ ત્રણ વર્ષ પહેલાં તેના ગામની બહેનોને ભેગી કરીને એક બુટલેગરને ફટકારીને સીધો કર્યો હતો. સરિતા ઍથલેટિક્સમાં છે કારણ કે તેની રોજમદાર ‘માતાની  પ્રેશર  કૂકર ખરીદવાની ઇચ્છા’ તેને પૂરી કરવી હતી. એક જમાનામાં બૂટ ખરીદવાના પૈસાને અભાવે તે ખુલ્લા પગે પ્રૅક્ટિસ કરતી.

ઓગણીસ વર્ષની પિન્કી બલહારા ‘કુરાશ’ નામની ઓછી જાણીતી, કુસ્તી જેવી, રમતમાં સિલ્વર જીતી છે. દિલ્હીની નેબ સરાઈ ગામની  મધ્યમ વર્ગની પિન્કીને છોકરી હોવા છતાં આ રમત રમવા માટે મહેણાં સાંભળવાં પડતાં હતાં. તેમાં વધારો થતો રહ્યો, કારણ કે ત્રણ જ મહિના પહેલા પિતાનાં અચાનક અવસાન પછી પણ તે રમત ચાલુ રાખવા મક્કમ રહી. પિન્કીની ઉઝબેકિસ્તાનમાંની ખાસ તાલીમ માટેનો પોણા બે લાખ રૂપિયાનો ખર્ચ તેનાં ગામનાં લોકોએ ઉપાડ્યો હતો.

તેની જેમ કુરાશમાં સિલ્વર લાવનારી મલાપ્રભા જાધવની પાસે પણ સ્પોર્ટસ કિટ લાવવાના પાંત્રીસેક હજાર રૂપિયા ન હતા. કર્ણાટકના બેળગાવ જિલ્લાના તુરમુરી ગામના નાના ખેડૂતની દીકરી મલાપ્રભાએ પણ ટુકડીના બીજાં તેર ખેલાડીઓની જેમ પ્રવાસખર્ચ જાતે ઊપાડવો પડ્યો હતો, કારણ કે તેમનાં કુરાશ અસોસિએશનને ભારત સરકારની માન્યતા નથી. પવનવેગે દોડનાર વિશ્વવિખ્યાત દ્યુતિ ચંદનાં બે સિલ્વરથી તેના ઢગલાબંધ ચન્દ્રકોની સાથે રમતજગતમાં તેના માટેના આદરમાં પણ ઉમેરો થયો. દ્યુતિ ઓડિશાના ગામડાના બહુ ગરીબ ઘરની યુવતી છે. તેનાં શરીરમાં ચોક્કસ પ્રકારનાં હૉર્મોન્સ વધુ પડતી માત્રામાં નીકળતાં હતાં. તેને કારણે દ્યુતિ સ્ત્રી છે કે પુરુષ એવી શંકા ઊભી થઈ, કીચડ પણ ઉછાળાયો. તેના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકાયો. આ બધાં સામે તે લડતી રહી, પ્રૅક્ટિસ કરતી રહી. તે એ વાતે બહુ  મક્કમ  હતી કે તે સ્ત્રી છે અને વિશ્વકક્ષાની દોડવીર છે. આ બંને ઓળખ તેણે એશિયન ગેઇમ્સમાં ફરી એક વાર સાબિત કરી બતાવી અને બતાવતી રહેશે.

નૌકાનયનમાં વર્ષા ગૌતમ અને શ્વેતા સેર્વેગરે રૌપ્ય મેળવ્યો છે. પણ તે પહેલાં યૉચિંગ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ તેમને કરેલાં અન્યાયની સામે તેમને દિલ્હી હાઇકોર્ટમાં લડત આપવી પડી હતી. કબડ્ડીમાં સિલ્વર મેળવનારી ટીમની ઉષા રાણીનાં મા-બાપ સહિત પરિવારનાં છ જણ પતરાંનાં છાપરાવાળા નાનાં ઘરમાં રહીને ફુલનો ધંધો કરીને દિવસનાં માંડ પચાસ રૂપિયા કમાય છે. અત્યારે કર્ણાટક પોલીસની કર્મચારી ઉષા પહેલી વાર કબડ્ડીનાં અગત્યના સિલેક્શનમાં ગઈ ત્યારે ત્યાં પહોંચવા માટેનું બસ ભાડું તેની માતાએ પાડોશી પસેથી ઉધાર લીધું હતું. સોળ વર્ષની સહુથી નાની ખેલાડી હર્ષિતા તોમરે જે નૌકાનયનમાં કાંસ્ય ચન્દ્રક મેળવ્યો છે તેમાં હરીફાઈમાં સ્ત્રીઓ અને પુરુષો બંને હોય છે. બાળપણની માંદગીની અસર, અન્ય સ્પર્ધકોની સરખામણીમાં નાની ઉંમર, ઓછું વજન અને અભ્યાસ માટેની પહેલી પસંદગીના મા-બાપના આગ્રહ વચ્ચે હર્ષિતાએ આ જીત મેળવી છે. ચન્દ્રક મળે કે ન મળે, જે ખેલાડીઓ રમી છે તે બધી વિજેતા જ ગણાય છે, કારણ કે આપણા સમાજમાં મહિલાનું રમતગમત  જેવાં ક્ષેત્રે બહાર આવવું એ જ એક કસોટીમાં જીત હોય છે.

આપણી ખેલાડીઓ 18 ઑગસ્ટથી લઈને જે પંદર દિવસોમાં જાકાર્તામાં અભિનંદન મેળવી રહી હતી, એ જ દિવસોમાં ગુજરાતમાં સાત દલિત વિદ્યાર્થિનીઓ લુખ્ખાઓની અભદ્રતા વેઠી રહી હતી. કચ્છનાં મોટા લાયજા ગામની આ વિદ્યાર્થિનીઓ જ્યારે એસ.ટી. બસમાં બેસીને તાલુકાનાં ગામ માંડવીની કૉલેજમાં જાય ત્યારે બાજુના પંચોટિયા ગામના બેકાર માથાભારે યુવાનો તેમની અત્યંત અશ્લિલ રીતે છેડતી કરતા. લાંબા સમયથી ચાલતી આ હરકતોને અટકાવવાની કોશિશ કરનાર એક વ્યક્તિને પેલા માથાભારે યુવાનોએ હથિયારોથી ઘાયલ કર્યો હતો. તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થિનીઓ એ ડરથી ફરિયાદ કરવાનું ટાળતી હતી કે વાલીઓ તેમનું ભણવાનું છોડાવી દેશે. એક વિદ્યાર્થિનીની પહેલ પછી, પોલીસે બધી વિદ્યાર્થિનીઓનાં બયાનો તેમની માતાઓની હાજરીમાં નોંધીને છ નાલાયકોની 21 અને 23 ઑગસ્ટે ધરપકડ કરી હતી. આરોપીઓને જામીન મળી ગયા છે એટલે હવે દલિતોમાં ફફડાટ છે. એ નોંધવું ઘટે કે ઉજળિયાત માથાભારે કોમો દ્વારા જુલમ સામે ઝીક લેનારી આ કૉલેજ યુવતીઓ મોટા લાયજા ગામમાં શિક્ષણ મેળવનાર દલિત મહિલાઓની પહેલી જ પેઢી છે.

આ જ અરસામાં, તુતિકોરિનના વિમાની મથકે એક યુવતીને ‘ડાઉન વિથ ફાસિસ્ટ બી.જે.પી.’ એવો સૂત્રોચ્ચાર કરવા માટે જ્યુડિશિયલ કસ્ટડી ફરમાવવામાં આવી. કૅનેડાની મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાં ડૉક્ટરેટ કરી રહેલી 28 વર્ષની લુઇ સોફિયાની ફ્લાઇટમાં તામિલનાડુના ભા.જ.પ.ના પ્રદેશપ્રમુખ તામિલીસાઈ સૌન્દરારાજન હતાં. તે વિમાનમાંથી ઊતરી રહ્યાં હતાં એ વખતે તેમની સામે જોઈને સોફિયાએ નારા લગાવ્યાં. તેનો નારો જાણે સાચો પાડવા, નેતાને લેવા આવેલા કાર્યકર્તાઓએ સોફિયા સાથે ગુંડાગર્દી કરી. વળી, પ્રદેશપ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી જેને પગલે સોફિયાની ધરપકડ કરવામાં આવી. મે મહિનામાં સ્ટરલાઇટ કંપનીની સામે તુતિકોરિનમાં થયેલા આંદોલન વિશે લખનારી, દલિત અને મહિલા આંદોલનોની ટેકેદાર સોફિયા, કર્મશીલોની તાજેતરની ધરપકડોની સામે વિરોધ નોંધાવી ચૂકી છે.

ભાજપનો વિકરાળ ચહેરો ખુલ્લો પાડતો આ બનાવ ત્રીજી સપ્ટેમ્બર એટલે કે જન્માષ્ટમી પર બન્યો. તે જ રાત્રે મુંબઈના ઘાટકોપરમાં દહીહંડીના કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય રામ કદમનું હિંસક પુરુષવાદી પોત પ્રકાશ્યું. ગુનાઈત રેકૉર્ડ ધરાવતાં કદમે જાહેર ભાષણમાં યુવાનોને સંબોધીને કહ્યું કે, ‘લગ્ન માટે તમને અને તમારા મા-બાપને  કોઈ યુવતી પસંદ હોય, પણ તે ખુદ તૈયાર ન હોય તો તમે મને ફોન કરજો હું તેને ઊઠાવી લાવીને તમારી સાથે પરણાવીશ !’ એમ કહીને તે પોતાનો ફોન નંબર પણ બે વાર બોલ્યા. આ નિંભરતાના વિરોધમાં સહુથી તેજાબી પડકાર પુનાની યુવતી મીનાક્ષી ડિંબળે-પાટીલનો હતો. વાયરલ થયેલા તેના એક મિનિટના વીડિયોમાં તેણે કહ્યું : ‘કદમ, તમારું આ વિધાન અત્યંત લાંછનાસ્પદ છે… હું મુંબઈ આવું, મને ઊઠાવાની વાત તો પછી …. તમે મને માત્ર આંગળી તો અડાડો, પછી હું જોઉં છું. મારી તમને આ ઓપન ચૅલેન્જ છે.’

હમણાંના દિવસોમાં તમામ જાહેર જગ્યાઓએ, સ્થાપિત ધર્મોનાં સ્થાનકોએ, કામનાં સ્થળો પર, શેલ્ટર હોમ્સમાં, પરિવારોની અંદર … સર્વત્ર, મહિલાઓ પરના અત્યાચારના શરમજનક બનાવો નોંધાયા છે. આ દેશમાં તે સમયના કોઈ પણ તબક્કે નોંધાય છે. આપણે સ્ત્રીઓને શું સમજીએ છીએ ?

++++++++

12 સપ્ટેમ્બર 2018 

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 14 સપ્ટેમ્બર 2018

Loading

...102030...3,0373,0383,0393,040...3,0503,0603,070...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved