Opinion Magazine
Number of visits: 9685945
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમલૈંગિકતાઃ અરેબિયન નાઈટ્સ અને કરાચીનાં પુરુષ બજારો

વિશાલ શાહ|Opinion - Opinion|25 September 2018

આ વાત છે, ૧૯મી સદીની. વર્ષ ૧૮૪૨. આશરે ૧૭૬ વર્ષ પહેલાંનું ભારત. ઉત્તર પૂર્વમાં છેક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું. એ દિવસોમાં ભારત સહિત દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશોમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ફેં ફાટતી હતી. યુરોપથી લઈને આફ્રિકા અને એશિયાના અનેક દેશોમાં સફળતાપૂર્વક ઘૂસ માર્યા પછી બ્રિટિશરોનો આત્મવિશ્વાસ સાતમા આસમાને હતો. આ દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આખા ભારત પર કબજો જમાવવાના ગુપ્ત હેતુથી ચાર્લ્સ જેમ્સ નેપિયર નામના બ્રિટિશ લશ્કરી અધિકારીને તેડું મોકલ્યું. નેપિયર યુવાનીમાં નેપોલિયનના લશ્કર સાથે પણ યુદ્ધ ખેલી ચૂક્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નિમણૂક કરાઈ ત્યારે તેમની ઉંમર હતી ૬૦ વર્ષ. જો કે, કંપનીએ અનુભવી નેપિયરને યુદ્ધ કરવાનું નહીં પણ કરાચી બંદરને 'સુરક્ષિત' કરવાનું કામ સોંપ્યું હતું, કારણ કે, બ્રિટિશ લશ્કર અફઘાનિસ્તાનમાં યુદ્ધ ખેલી રહ્યું હતું અને એ યુદ્ધ માટે જરૂરી પુરવઠો કરાચી બંદરેથી મોકલાતો હતો.

બોમ્બે પ્રેસિડેન્સીના લશ્કરનું મુખ્ય થાણું બોમ્બેમાં હોવાથી નેપિયરના કામકાજનું કેન્દ્ર પણ બોમ્બે હતું. બોમ્બેમાં હોવાથી તેમના માટે એ જાણવું અઘરું હતું કે, કરાચીમાં તૈનાત બ્રિટિશ અધિકારીઓ-સૈનિકો ફરજો પ્રત્યે કેટલા સજાગ છે. નેપિયરને એવી પણ શંકા હતી કે, બ્રિટિશ સૈનિકો કરાચીના વેશ્યાલયોની મુલાકાતો લેતા થઈ ગયા છે, જે ભવિષ્યમાં લશ્કરની શિસ્ત પર ગંભીર અસર કરી શકે એમ હતું. આ બધું જાણવા શાતિર નેપિયરે ઉચ્ચ લશ્કરી અધિકારીઓ પાસે સત્તાવાર તપાસ અહેવાલ ના માંગ્યો, પણ એક અત્યંત બુદ્ધિશાળી યુવાન સૈનિકને જાસૂસ તરીકે કરાચી મોકલ્યો. એ વર્ષ હતું ૧૮૪૫ અને જાસૂસ હતો રિચર્ડ ફ્રાન્સિસ બર્ટન. ઉંમર એની માંડ ૨૪ વર્ષ. બ્રિટિશ-આઈરિશ માતાપિતાનું સંતાન. જન્મ અને ઉછેરના વર્ષો ફ્રાન્સ અને ઈટાલીમાં. નેપિયરને અંદાજ પણ ન હતો કે, એક દિવસ આ છોકરો ઇતિહાસમાં ચતુર જાસૂસ, સૈનિક, નૃવંશશાસ્ત્રી, ઓરિયેન્ટેિલસ્ટ (પૂર્વીય દેશોની સંસ્કૃિતનો નિષ્ણાત) નકશાશાસ્ત્રી, તલવારબાજ, કવિ, ભાષાશાત્રી, અનુવાદક અને લેખક તરીકે ઓળખાવાનો છે. હા, લેખક અને એ પણ 'અરેબિયન નાઇટ્સ'નો લેખક.

ચાર્લ્સ જેમ્સ નેપિયર

નેપિયરના હુકમ પ્રમાણે બર્ટને કામ ચાલુ કર્યું અને એક દિવસ અહેવાલ રજૂ કર્યો કે, કરાચીમાં તૈનાત અનેક બ્રિટિશ સૈનિકો નિયમિત રીતે વેશ્યાલયોમાં જાય છે, પરંતુ ત્યાં મહિલાઓ નહીં, યુવકો અને વ્યંડળો પોતાનું શરીર વેચે છે. કરાચીમાં આવા ત્રણ પુરુષ બજાર છે. આ વાત જાણીને નેપિયરના પગ નીચેથી ધરતી સરકી ગઈ. નેપિયર સ્વીકારી સુધ્ધા નહોતા શકતા કે, સમલૈંગિકતા અને પુરુષ વેશ્યા જેવું પણ કંઈક હોય છે. બ્રિટિશરો માટે સમલૈંગિકતા મહા પાપ હતું. (એક આડ વાતઃ બ્રિટને લશ્કરમાંથી સમલૈંગિકો પરનો પ્રતિબંધ વર્ષ ૨૦૦૦માં દૂર કર્યો હતો, જ્યારે સમલૈંગિકોને લગ્નનો અધિકાર ૨૦૧૪માં આપ્યો હતો). કરાચીના એ પુરુષ વેશ્યાલયોનો બિનસત્તાવાર અહેવાલ નેપિયરે દબાવી દીધો કારણ કે, એ સનસનીખેજ અહેવાલ જોઈને નેપિયરની હકાલપટ્ટી થઈ શકતી હતી. નેપિયર પર પોતાના જ સૈનિકોની જાસૂસી કરાવવાનો 'ગુનો' સાબિત થઈ શકતો હતો.

જો કે, તેમને આઘાત લાગવાનું બીજું પણ એક કારણ હતું, બર્ટનની ઠંડકભરી રજૂઆત. બ્રિટિશરો સમલૈંગિક શારીરિક સંબંધને પાપ ગણતા, પરંતુ બર્ટને કોઈની શેહશરમ રાખ્યા વિના એક તબીબ અને મનોવિજ્ઞાનીની જેમ વૈજ્ઞાનિક આધારો આપીને આ વાત રજૂ કરી. આખાયે અહેવાલમાં બર્ટન સમલૈંગિકો પ્રત્યે બિલકુલ જજમેન્ટલ નહોતો થયો, અને, નૈતિકતાનો તો સરેઆમ છેદ ઉડાવી દીધો હતો. નેપિયરને આ વાત ખટકી. એ અહેવાલમાં બર્ટને યુવાન છોકરાઓની કિંમત વ્યંડળ કરતાં વધુ કેમ હોય છે એ મુદ્દો ગંભીરતાથી છેડ્યો હતો, જે આજે ય વાંચવા-સાંભળવામાં આઘાતજનક છે. આ અહેવાલ તૈયાર કરવા બર્ટને અનેકવાર પુરુષ વેશ્યાલયોની મુલાકાત લીધી હતી. એટલે જ કેટલાક ઇતિહાસકારો શંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે, બર્ટન બાયસેક્સ્યુઅલ હોઈ શકે છે!

રિચર્ડ બર્ટનના જુદા જુદા રૂપ

રિચર્ડ ફ્રાન્સિસ બર્ટનની સાહસવૃત્તિથી ભરપૂર જિંદગી પર નજર કરીએ તો આ પ્રકારની શંકા થવાનાં મજબૂત કારણો પણ મળે છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં સૈનિક તરીકે જોડાયો ત્યારે તેનું પોસ્ટિંગ ૧૮મી બોમ્બે નેટિવ ઈન્ફન્ટ્રીમાં કરાયું હતું, જેનું વડુંમથક ગુજરાતમાં હતું. બર્ટન જુદા જુદા પ્રદેશોના લોકોના વર્તન, મનોવિજ્ઞાન, રીતરિવાજો, સંસ્કૃિત, પરંપરા, ભાષા અને સેક્સ્યુઅલ બિહેવિયરમાં ઊંડો રસ લેતો. એક ખૂબ જ રસપ્રદ વાત. બર્ટને ગુજરાતમાં સમય વીતાવ્યો ત્યારે ગુજરાતી ભાષા શીખી હતી. આ સિવાય ભારતમાં તે હિંદુસ્તાની, મરાઠી, પંજાબી, સિંધી, ફારસી અને ઉર્દૂ પણ શીખ્યો. એક નાગર બ્રાહ્મણ પાસે હિંદુ ધર્મનું જ્ઞાન મેળવતો. બર્ટને દાવો કર્યો હતો કે, મારા બ્રાહ્મણ શિક્ષકે મને દીક્ષા આપીને જનોઈ પહેરવાની મંજૂરી આપી છે. જો કે, આ દાવાને લઈને ઇતિહાસકારો શંકા વ્યક્ત કરી ચૂક્યા છે. ભારતમાં તેણે પહેલીવાર મદારીઓ જોયા. મદારીઓ પાસેથી તેણે સાપ પકડવાની અને માંકડા પાળવાની વિદ્યા શીખી. તેને આશા હતી કે, એક દિવસ તે પાલતુ બંદરોની ભાષા પણ શીખી લેશે. ભારતની આદિજાતિઓ સાથે રખડપટ્ટી કરીને તે બાજ પાળીને શિકાર કરવાની કળા પણ શીખ્યો અને એક પુસ્તક લખ્યું, 'ફાલ્કનરી ઈન ધ વેલી ઓફ ઈન્દૂસ'.

કંઈક નવી વાત જાણવાના હેતુથી બર્ટન સાધુ-બાવા સાથે અનેકવાર અફીણ અને ભાંગનો નશો કરવા પહોંચી જતો. બર્ટનનું વર્તન જોઈને બ્રિટિશરોને પણ શરૂઆતમાં તે અસંસ્કૃત (અનસિવિલાઈઝ્ડ) લાગતો, પરંતુ એવું હતું નહીં. આત્યંતિક કહી શકાય એવી કુતૂહલવૃત્તિના કારણે બર્ટન એવું વર્તન કરતો. એકવાર બર્ટન કોલેરામાં પટકાયો અને યુરોપ પાછો જતો રહ્યો, પરંતુ ૧૮૫૧માં વધુ આક્રમક થઈને બહાર આવ્યો. એ વર્ષે રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ આફ્રિકામાં કેટલાક મહત્ત્વાકાંક્ષી એક્સપ્લોરેશન કરવાનું નક્કી કર્યું. બર્ટનને ફેલોશિપ લઈને કામ કરવાની તક મળી ગઈ. ભારતમાં તે મુસ્લિમ ધર્મ, સંસ્કૃિત અને પરંપરાઓ વિશે ઘણું બધું શીખ્યો હતો, જે તેને આફ્રિકાના ઈસ્લામિક દેશોમાં કામ લાગવાનું હતું. બર્ટન થોડા જ સમયમાં આફ્રિકા પહોંચી ગયો અને ૧૮૫૩માં એક સાહસભર્યો નિર્ણય લીધો, હજ કરવાનો. એ જમાનામાં કોઈ બિન-મુસ્લિમ મક્કા-મદીના જતા પકડાય તો ક્રોસ પર લટકાવીને મારી નંખાતા અથવા ગુલામ તરીકે વેચી દેવાતા. જો કે, બર્ટન કોઈ પણ સાંસ્કૃિતક માહોલની રીતભાત શીખીને તેમાં સહેલાઈથી પોતાની જાતને ઢાળી શકતો. હજ કરવા તે હાજી અબ્દુલ્લા યઝદી નામ અપનાવીને સિંધ પ્રાંતના મુસ્લિમ યાત્રાળુઓના જૂથમાં જોડાઈ ગયો. બર્ટન સિંધી ભાષા પણ જાણતો. જોખમો ખેડવાની સાથે તે સાવચેત પણ રહેતો. હજ કરતા પહેલાં તેણે સુન્નત સુધ્ધા કરાવી લીધી હતી.

હજ વખતે બર્ટને તૈયાર કરેલો પોતાનો સ્કેચ

એ પ્રવાસમાં લૂંટારુઓએ બર્ટનના કાફલા પર જીવલેણ હુમલો કરીને તેના ૧૨ સાથીદાર અને સાત ઊંટને મારી નાંખ્યા. આવી મુશ્કેલીઓ વેઠીને તે મક્કા પહોંચ્યો અને ત્યાં જઈને તમામ ધાર્મિક વિધિ-પ્રાર્થનામાં ભાગ લીધો અને બધું બરાબર સમજીને પાછો ફર્યો. બર્ટન પહેલાં એક-બે યુરોપિયને હજ કરી હતી, પરંતુ બર્ટને આખીયે હજ યાત્રાની રજેરજની વિગતો સમજાવતું પુસ્તક લખ્યું, 'પિલગ્રિમેજ ટુ અલ મદીના એન્ડ મક્કા'. એટલું જ નહીં, તેણે હજ વખતે પહેરેલા સફેદ ડગલા પર મસ્જિદનું ચિત્ર પણ દોરી લીધું. આ તો નાનકડી શરૂઆત હતી. આફ્રિકાના અંતરિયાળ પ્રદેશોમાં ડોકિયું કરવા માંગતી રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૫૪માં બર્ટનને યમન મોકલ્યો. ત્યાંથી બર્ટનને હરાર(આજનું ઈથોપિયા)માં પ્રવેશીને સ્થાનિક સ્થિતિનો વિગતવાર અહેવાલ આપવાનો હતો. એ પ્રદેશોમાં જઈને બર્ટન આફ્રિકાના મહાકાય સરોવરો જોવા માંગતો હતો. એ જાદુઈ સરોવરોની વાતો તેણે આરબ વેપારીઓ અને પ્રવાસીઓ પાસેથી સાંભળી હતી. બર્ટને ઈથોપિયાના અંતરિયાળ વિસ્તારોમાં જઈને એ સપનું પણ પૂરું કર્યું. તેના પહેલાં એકેય યુરોપિયન ઈથોપિયામાં પ્રવેશ્યો પણ ન હતો. એ પ્રવાસમાં પણ તેણે સોમાલિયન લૂંટારુઓનો સામનો કર્યો, ઈજાગ્રસ્ત થયો અને જેલમાં પણ ગયો. રોયલ જિયોગ્રાફિક સોસાયટીની દૃષ્ટિએ એ પ્રવાસ નિષ્ફળ હતો, પરંતુ બર્ટન પાસે અનુભવનો ખજાનો હતો. તેણે એક પુસ્તક લખ્યું, 'ફર્સ્ટ ફૂટસ્ટેપ ઈન ઈસ્ટ આફ્રિકા'. આફ્રિકામાં ગાળેલા સમય દરમિયાન બર્ટન હિબ્રુ, એગબા, સ્વાહિલી અને અસાન્તે જેવી ભાષાઓ શીખ્યો.

૧૮૫૬માં રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ફરી એકવાર બર્ટનને ટાન્ઝાનિયા-ઝાંઝીબાર મોકલવાનું નક્કી કર્યું. ત્યાં જઈને બર્ટને સ્થાનિક સંસ્કૃિત અને વેપારની શક્યતાઓ વિશે અહેવાલ તૈયાર કરવાનો હતો. આ પ્રવાસની સાથે તેણે એક બહુ જ મોટી સિદ્ધિ હાંસલ કરી, નાઈલ નદીનું મૂળ શોધવાની. આ ઉપરાંત તેણે અનેક સરોવરોના વિગતવાર નકશા પણ તૈયાર કર્યા. બર્ટને કરેલું કામ બ્રિટિશ રાજ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું હતું. રઝળપાટ કરતી વખતે બર્ટને સાહિત્ય ક્ષેત્રે પણ એક જબરદસ્ત કામ કર્યું, આફ્રિકાના વિખ્યાત પુસ્તક 'વન થાઉઝન્ડ એન્ડ વન નાઈટ્સ'નો પહેલો અંગ્રેજી અનુવાદ કરવાનું. આ પુસ્તકની અંગ્રેજી આવૃત્તિને બર્ટને નામ આપ્યું, ‘ધ બુક ઓફ ધ થાઉઝન્ડ નાઈટ્સ એન્ડ નાઈટ’ જેવું સ્ટાઈલિશ નામ આપ્યું. આજે આ પુસ્તકને દુનિયા 'અરેબિયન નાઈટ્સ' તરીકે ઓળખે છે. આ પુસ્તક કોઈ એક જ લેખકનું સર્જન નથી. આઠમીથી ૧૩મી સદી ઈસ્લામનો સુવર્ણયુગ ગણાય છે. એ ગાળામાં આફ્રિકા અને દક્ષિણ એશિયામાં સુંદર લોક સાહિત્ય સર્જાયું. અનેક લેખકોએ, અનેક સદીઓ સુધી આ સાહિત્યને એકઠું કર્યું, જે સમયાંતરે એક પુસ્તકના સ્વરૂપમાં એકઠું કરાતું ગયું. આપણે 'અરેબિયન નાઇટ્સ'ને 'અલીબાબા અને ચાલીસ ચોર', 'અલાદ્દીનનો ચિરાગ', 'સિંદબાદ અને નાવિક'ની વાર્તાઓના કારણે જાણીએ છીએ, પરંતુ તેના દસ દળદાર ભાગમાં બીજું પણ ઘણું બધું છે.

અરેબિયન નાઈટ્સના દસમા ભાગમાં બર્ટને સમલૈંગિકો વિશે લખેલા નિબંધ ‘ટર્મિનલ’ની ઝલક

રોયલ જિયોગ્રાફિક સોસાયટીના મેગેઝિનમાં બર્ટનને અપાયેલી શ્રદ્ધાંજલિ. બર્ટનના નામની પાછળ બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત  કે.સી.એમ.જી. પુરસ્કારનું લટકણિયું છે, જેનો અર્થ નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સેંટ માઈકલ એન્ડ સેંટ જ્યોર્જ એવો થાય છે


આ પુસ્તકના દસમા ભાગમાં 'ટર્મિનલ' નામના નિબંધમાં બર્ટને સમલૈંગિકતા અને આફ્રિકાના (ખાસ કરીને ઇસ્લામિક દેશોમાં) લોકોના સેક્સ્યુઅલ બિહેવિયર વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરી છે. સેક્સને લગતી વાતો પર ખૂબ ભાર મૂક્યો હોવાથી બર્ટને કરેલા અનુવાદની એ વખતે ટીકા પણ થઈ હતી. બિભત્સ લખાણને લગતા કાયદાના કારણે તેનું પુસ્તક પ્રકાશિત કરવા કોઈ તૈયાર પણ ન હતું. જો કે ભારતમાં કાર્યરત કામ સૂત્ર સોસાયટીએ અગાઉથી લવાજમ ભરનારા ગ્રાહકો માટે તે ખાનગી ધોરણે છાપ્યું હતું. બ્રિટિશ લેખક અને અનુવાદક ફોર્સ્ટર ફિટ્સજેરાલ્ડ આર્બથનોટે આ સોસાયટી સ્થાપી હતી. કેટલાક લોકો બર્ટનને 'કામ સૂત્ર'ના લેખક તરીકે પણ ઓળખે છે પણ એ ગેરમાન્યતા છે. બર્ટનની સંસ્કૃત પર હથોટી નહોતી. 'કામ સૂત્ર'નો અનુવાદ ખુદ આર્બથનોટે કર્યો હતો. બર્ટને આફ્રિકાના 'કામ સૂત્ર' ગણાતા 'ધ પર્ફમ્યૂડ ગાર્ડન'નો અનુવાદ કર્યો હતો.

બર્ટને કુલ ૪૮ દળદાર પુસ્તક લખ્યા. આજે ય દુનિયાભરમાં બર્ટન અને તેના પુસ્તકો વિશે લખાતું રહે છે. દુનિયાના અનેક દિગ્ગજ લેખકોએ બર્ટનનું જીવનચરિત્ર લખ્યું છે અને હોલિવૂડમાં પણ અનેક ફિલ્મો બની છે. બર્ટનનું (૧૮૨૧-૧૮૯૦) મૃત્યુના ઘણાં સમય પછી 'ટાઈમ' મેગેઝિને તેને 'મોસ્ટ રિમાર્કેબલ મેન ઓફ હિઝ ટાઈમ' કહીને સન્માન આપ્યું હતું.

બર્ટન કહેતો કે, હું વિવિધ ધર્મોનો જેમ જેમ અભ્યાસ કરતો ગયો તેમ તેમ હું દૃઢપણે માનતો થઈ ગયો કે, માણસે પોતાની જાત સિવાય કોઈની પૂજા કરવાની જરૂર નથી …

xxx

સૌજન્ય : “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.com/2018/09/blog-post_55.html  

Loading

વિષ્ણુ ખરે, એક સાંસ્કૃિતક યોદ્ધા

રવીન્દ્ર ત્રિપાઠી|Opinion - Opinion|24 September 2018

વિષ્ણુ ખરે (9 ફેબ્રુઆરી, 1940 – 19 સપ્ટેમ્બર, 2018) એક મોટા કવિ, ઉત્કૃષ્ટ અનુવાદક, હિન્દી અને વિશ્વ સિનેમાના ગંભીર અભ્યાસી, આકરો સ્વભાવ ધરાવતા સાહિત્ય વિવેચક, સંગીત રસિક અને નીડર પત્રકાર હતા. હિન્દી સાહિત્યની દુનિયા તેમને આ તમામ સ્વરૂપોમાં યાદ રાખશે.

માનવીય સંબંધો પ્રત્યે ભારે લાગણી ધરાવતા વિષ્ણુ ખરે જ્યારે જરૂરિયાત પડે, ત્યારે કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના સત્ય બોલી નાખવામાં અને સત્ય લખી નાખવામાં વિશ્વાસ ધરાવતા હતા. સમકાલીન હિન્દી જગતમાં તેમના જેવો કોઇ મૂર્તિભંજક નહોતો. પણ, સાહિત્યની દુનિયામાં તેઓ એક મોટા મૂર્તિકાર એ સંદર્ભમાં પણ હતા કે હિન્દી કવિતામાં યુવા પ્રતિભાઓને સામે લાવનાર અને તેમને સ્થાપિત કરવા માટે રુચિ દાખવનાર તેમના જેવું બીજુ કોઇ નહોતું, તેઓ ઘણી બાબતોમાં અનન્ય હતા.

એક કવિ તરીકે વિષ્ણુ ખરેએ એક નવી પ્રકારની ભાષા અને સંવેદના થકી સમકાલીન હિન્દી કવિતાને એક નવો મિજાજ આપ્યો અને સાથે કવિતાને બદલી પણ ખરી. એક મોટા કવિની ઓળખ એ વાતથી પણ કરી શકાય કે તેઓ અગાઉથી ચાલી આવી રહેલી કવિતાને કેટલી બદલે છે. અને એ અંદાજે વિષ્ણુ ખરે પોતાની પેઢી અને સમયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખુદ અપની આંખ સે, સબકી આવાજ પર્દેમેં, કાલ ઔર અવધિ કે દરમિયાન, પિછલા બાકી, આલૈન ઔર અન્ય કવિતાએં જેવા કાવ્ય સંગ્રહોમાં તેમનું જે કાવ્ય વ્યક્તિત્ત્વ ઉભરી આવે છે, તેની યોગ્ય અને સાચી ઓળખ તો આવનારા સમયમાં જ થશે. અત્યારે તો માત્ર એટલું જ કહી શકાય કે તેમનો કાવ્ય સંસાર ઘણા પ્રકારના અવાજોથી ભરેલો છે.

લાલટેન જલાના નામની વિષ્ણુ ખરેની એક અવિસ્મરણીય કવિતા છે અને એક ખાસ અર્થમાં એ તેમની પ્રતિનિધિ કવિતા પણ છે. આ કવિતામાં કવિ ફાનસને પ્રગટાવવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા આ સંદર્ભમાં ઝીણામાં ઝીણી વિગતોનું અર્થઘટન કરે છે. કારણ કે રોજિંદા જીવનમાં ફાનસ પ્રગટાવવો એ એક સામાન્ય બાબત માની લેવામાં આવે છે. પરંતુ, વિષ્ણુ ખરે જે પ્રકારે આ સામાન્ય કહેવાતા ફાનસના પાસાઓને રજૂ કરે છે તેનાથી એ વાત ખૂલે છે કે સામાન્ય જનજીવનના દરેક પાસા મુશ્કેલીઓ અને સૌંદર્યથી ભરેલા છે. આ કવિતા માત્ર ફાનસ સળગાવવાની વાત પૂરતી નથી પણ જીવન જીવવાની સમસ્યાઓ અને સુંદરતાની પણ આ કવિતા છે. [લેખને અંતે આ કવિતા આપીએ છીએ : વિ.ક.]

વિષ્ણુ ખરેનો જન્મ મધ્યપ્રદેશના છિંદવાડામાં થયો હતો. ત્યાં તેમનું પૈતૃક ઘર નહોતું પણ આ નાનકડું શહેર છેક સુધી તેમની કાવ્ય ચેતનાનું અવિભાજ્ય અંગ રહ્યું. મુંબઇ અને દિલ્હીને છોડીને તેઓ ઘણી વખત અહીં આવતા હતા. પોતાના જીવનના ઉત્તરાર્ધમાં તેમણે અહીં ભાડે મકાન પણ લીધું હતું પરંતુ, એક વર્ષ પહેલાં જ સ્વાસ્થ્ય વ્યવસ્થિત નહીં હોવાને કારણે તેઓ આ મકાન છોડીને જતા રહ્યા હતા. છિંદવાડાના જનજીવનને લઇને તેમની કેટલીક યાદગાર કવિતાઓ પણ છે. તેમની કવિતાઓમાં ગ્રામીણ જીવનનાં ઘણાં ચિત્રો જોવાં મળે છે, અને તેના સંબંધોનું કારણ કદાચ છિંદવાડા હોય તેવું જોવા મળી રહ્યું છે.

તેનો મતલબ એ કે તેમની કવિતાઓમાં ઊંડી સ્થાનીયતા પણ છે. પરંતુ, ખરે માત્ર સ્થાનીયતાના કવિ નહોતા. ખરે એ એક વૈશ્વિક કવિ હતા, તેનું એક પ્રમાણ છે તેમની કવિતા આલૈન કે જે તેમના અંતિમ કાવ્યસંગ્રહમાં સામેલ છે. આ કવિતા સિરિયાઇ-કૂર્દ મૂળના તે બાળક પર આધારિત છે કે જે પોતાના માતાપિતાની સાથે સિરિયાથી નીકળતી વેળાએ નૌકા દુર્ઘટનાના કારણે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો. આ આલૈન નામની કવિતા વેશ્વિકસ્તરે નિર્વાસિત-પ્રવાસી-શરણાર્થી સમસ્યાનું એક સંવેદનાત્મક આખ્યાન છે. વિષ્ણુ ખરે સમકાલીન રાજનૈતિક અને સામાજિક મુદ્દા પર કવિતા લખવાની સાથે ઇતિહાસ અને પુરાણોની દુનિયામાં પણ ગયા અને તે આધારિત કવિતાઓ પણ લખી. તેમની એક પ્રસિદ્ધ કવિતા લાપતા નામની છે, જે મહાભારતના તે પ્રસંગ પર આધારિત છે કે જેમાં કુરુક્ષેત્રથી ગાયબ થયેલા સૈનિકો પર પ્રશ્નો કરવામાં આવ્યા છે. મહાભારતમાંથી પ્રસંગ ટાંકીને તેઓ જણાવે છે કે આ યુદ્ધમાં 24,165 યોદ્ધા બચી ગયા હતા. તેમની કવિતા એ પ્રશ્ન ઉઠાવે છે કે તે ભાગી ગયેલા અને લાપતા સૈનિકો ક્યાં ગયા અને સાથે કવિતામાં આ સિવાય અન્ય વિમર્શ પણ ઉત્પન્ન થાય છે.

વિષ્ણુ ખરેએ હિન્દી અને વિશ્વ સિનેમા પર પણ ઘણું લખ્યું છે. સિનેમા વિષય પર તેમણે હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખ્યું છે. તેઓ હિન્દી ફિલ્મ સંગીતના વિશ્વકોશ સમાન હતા. કઇ ફિલ્મના, કયા ગીતની, કઇ ધૂન એ કયા સંગીતકારે બનાવી છે, તે તેમને સઘળુ યાદ રહેતું હતું. અનુવાદ એ એક મોટું ક્ષેત્ર છે અને તેમાં પણ ખરેનું યોગદાન ઐતિહાસિક છે. તેમણે વિદેશી સાહિત્યનું મોટા પાયે હિન્દીમાં અનુવાદનું કાર્ય કર્યું અને આધુનિક હિન્દી કવિતાઓનો અંગ્રેજી સહિત જર્મન ભાષામાં પણ અનુવાદ કર્યો. આ જોતાં તેઓ ભારત અને પશ્ચિમ વચ્ચે એક સેતુ સમાન હતા. વિદેશી ભાષાઓમાંથી હિન્દીમાં અનુવાદ કરનાર તો ઘણાં લોકો છે પરંતુ હિન્દીમાંથી જર્મન અને અંગ્રેજીમાં અનુવાદ કરનાર તો થોડાં લોકો જ છે. આ દ્રષ્ટિકોણથી જોતા ખરેએ ભારત અને યુરોપની વચ્ચે એક નવી બારી ખોલી નાખી છે.

આજકાલ તેઓ રજા ફાઉન્ડેશન માટે મુક્તિબોધની કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કરી રહ્યા હતા કે જે જલદી જ ઉપલબ્ધ થશે. વિષ્ણુ ખરે હિન્દી સાહિત્યની દુનિયામાં એટલા માટે પણ વિવાદોમાં ઘેરાયેલા રહેતા હતા કારણ કે તેમણે સાહિત્ય અને સંસ્કૃિતની મોટી-મોટી વાતો કરનાર લોકોની સાથે અસહમતિ દર્શાવીને ખૂલીને વાત કરી હતી. તેઓ એક સાંસ્કૃિતક યોદ્ધા હતા કે જેઓ અંત સુધી વૈચારિક યુદ્ધ પણ લડતા રહ્યા.

[‘ધ વાયર’ હિન્દી]

અનુવાદ – નિલય ભાવસાર

लालटेन जलाने की प्रक्रिया में लालटेन बुझाना
या कम करना भी शामिल है
जब तक विवशता ही न हो तब तक रोशनी बुझाना ठीक नहीं
लेकिन सोने से पहले बाती कम करनी पड़ती है
कुछ लोग उसे इतनी कम कर देते हैं
कि वह बुझ ही जाती है
या उसे एकदम हल्की नीली लौ तक ले जाते हैं
जिसका एक तरह का सौंदर्य निर्विवाद है
लेकिन लालटेन के हिलने से या हवा के हल्के से झोंके से भी
उसे बुझने का जोखिम है
लिहाजा अच्छे जलाने वाले
लालटेन को अपनी पहुंच के पास लेकिन वहां रखते हैं
जहां वह किसी से गिर या बुझ न जाए
और बाती को वहीं तक नीची करते हैं
जब तक उसकी लौ सुबह उगते सूरज की तरह
लाल और सुखद न दिखने लगे

http://thewirehindi.com/58096/remembering-hindi-poet-and-veteran-journalist-vishnu-khare/ 

Loading

દૂર દેશના સહપ્રવાસીઓ : ભગવતીકુમાર શર્મા અને રજની વ્યાસ

ભરત શાં. શાહ|Opinion - Opinion|24 September 2018

ગુજરાતી સાહિત્ય અને ગુજરાતની અસ્મિતાના બે ચાહકોએ લગભગ એક સાથે આપણી વિદાય લીધી. તેમનાં અનેકાનેક પ્રદાનો વિશે આ નાનકડા લેખમાં વિગતવાર લખવાનો પ્રયાસ નહીં કરું, પરંતુ તેમની સાથેનાં થોડાં સહિયારાં સંભારણાં તમારી સાથે વાગોળીશ. અમેરિકાની ગુજરાતી લિટરરી ઍકેડેમીના એ બંને મહાનુભાવો એક સાથે જ ૧૯૯૬માં મહેમાન હતા. પ્રમુખ હોવાના નાતે તેમના યજમાન તરીકે ચારેક મહિના તેમની સાથે રહેવાનો, ફરવાનો, અને સત્સંગનો લાભ મળેલો.

ભગવતીભાઈને તો ઍકેટમીએ વર્ષો પહેલાં આમંત્રેલા અને તેમણે તે સ્વીકારેલું પણ ખરું, પણ પછીથી બધું સ્થગિત થઈ ગયેલું. તેમને હું જરા પણ ઓળખતો ન હતો. વિદેશમાં એક સાહિત્ય સંસ્થાના પ્રમુખ થવા માટે બધા સર્જકોને ઓળખતા હોવાનું આવશ્યક હોય કે નહીં, પણ તેમને ઓળખતા થવાનો સારામાં સારો રસ્તો એ જ છે કે તેમના યજમાન થવુ ંપડે. આજે તો હું તેમના ઉપર એક મહાનિબંધ પણ લખી શકું.

સુરતની હવા તે વખતે તો પ્રદૂષણને લીધે અસહ્ય હતી. ભગવતીભાઈ ત્યારે પોળમાં રહેતા હતા. પોળનો રસ્તો પણ પ્રમાણમાં પહોળો હતો. હું અમદાવાદની પોળોથી પરિચિત હતો, છતાં ય મને ગૂંગળામણ થઈ. બકુલ ત્રિપાઠી દ્વારા ભલામણ કરાવેલી, તેથી ભગવતીભાઈ તાત્કાલીક માની ગયા, અને પોતાના વિશેની માહિતી, ઇત્યાદિ મને આપ્યાં. પછીના મહિનાઓમાં બે-ત્રણ વાર તેમનું મન ડગી જતાં મારે અમેરિકાથી ફોન ઉપર, સામ અને ભેદ નીતિથી સમજાવવા પડ્યા, અને છેવટે એકાએક જ જસુબહેનની સાથે આવી ગયા, એક મહિનો વહેલા. ઘરમાં એક બિમાર અને વૃદ્ધ વ્યક્તિ હોવાની કુશંકાઓથી પ્રેરાઈને જ હશે. તેમ મને લાગેલું.

રજનીભાઈને હું કંઈક વધારે ઓળખું. નાનપણથી જ કોણ જાણે કેટલાં ય પુસ્તકોનાં મુખપૃષ્ઠો ઉપર નાના લંબચોરસમાં ‘રજની’ લખેલું જોયું હતું. ગુજરાતી શીખવા કે શીખવવા માટેનું મારું પુસ્તક જોઈને કૌમુદી મુનશીએ મુંબઈમાં રજનીભાઈના ભાઈને મળવાનું સૂચવેલું, પણ તે ન બની શકતાં મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન રજનીભાઈને મળવાનું સૂચન કરેલું. રજનીભાઈને ત્યાં સરોજબહેન તથા તેમની બે પુત્રીઓ અને પુત્ર પરિતોષને મળ્યો. નાની શર્વરીને મેં સલાહ પણ આપી, ‘બેટા, તારા નામનો અર્થ કહી આપે એવા વરને પરણજે, અને તારે પરણવાની કેટલી ઉતાવળ છે તે પ્રમાણે સ્વયંવર અમદાવાદ, મુંબઈ, કે પૂનામાં રાખજો!’ હું ઘણા ઘરોમાં ગયો છું, પણ તે દિવસે મને જ સાહિત્યપ્રેમ, ગુજરાતની અસ્મિતાનું ગૌરવ, સંસ્કારિતા, સૌજન્ય, ગૃહસંસારનું માધુર્ય દેખાયાં તેથી અભિભૂત થઈને પછીથી બે-ત્રણ જણને તેમને ત્યાં જોવા લઈ ગયો હતો.

બસ, પછીથી તો તેમનું ઘર મારે માટે એક જાત્રાનું ધામ બની ગયું. આમ તો અમારાં બેનાં વિશાળ કુટુંબોને લીધે અમદાવાદમાં અમારાં સોએક ઘર હશે, પણ દર બે વર્ષે અમદાવાદ જવાનું થાય ત્યારે સૌથી પહેલાં જ, પહોંચતાં વેંત તેમને ત્યાં જ જવાનું ત્યાર બાદ બીજી ચાર-પાંચ મુલાકાતોની, અલકમલકની વાતોની, સમાચારોની, અને પોતાનાં અને બીજાનાં લખેલાં પુસ્તકોની આપ-લે થાય. ભગવતીભાઈએ લખેલું ‘આવજે, અમેરિકા!’ પુસ્તક પણ મને રજનીભાઈએ જ આપેલું.

એક વખત અમદાવાદમાં પગ મૂકતાં જ રજનીભાઈએ કોઈ ‘શાપગર્ભ વરદાન’ની વાત કરતા હોય તેમ કહ્યું, ‘ભરતભાઈ, આજના જ સ્થાનિક અખબારમાં ફોટા સાથે તમારા ઉપર લેખ છે. ‘સમાચાર નથી, એમ જાણીને નિરાંત થઈ. તેમની અસમંજસનું કારણ સમજવા મેં તેમની સામે જોયા કર્યું એટલે મને તેમણે છાપું બતાવ્યું. તેમાં ‘ડૉલરભૂખ્યા ગુજરાતીઓ’ શીર્ષક સાથે મારો ફોટોગ્રાફ પણ હતો! દારૂની બાટલી સાથેના મોરારજીભાઈની જેમ હું દિવ્ય તેજથી ઝળહળી રહ્યો હતો. મધુ રાય મારા વિષેના એક પ્રશંસાત્મક લેખ સાથે છાપવા મોકલેલ ફોટો તેને બદલે આ લેખ સાથે વધારે શોભશે તેમ માની તંત્રીએ મારી નાતના ગામમાં મારું માથું કાપી નાંખ્યું હતું. તે લેખની નકલો વહેંચીને, બદનક્ષીનો દાવો કરીને, કે સુધારો છપાવરાવીને એના ઉપર પાઘડી ચડાવરાવવાનું મેં માંડી વાળ્યું. જે આપણા વિષે બૂરું માની જ ન શકે. તે જ ખરો મિત્ર.

રજનીભાઈના અમેરિકામાં આવતાં પહેલાં અમને ભગવતીભાઈ સાથે મહિનો રહેવા મળ્યું. તેઓ દેખાય અતિ ગંભીર અને સાદા પાયજામામાં અને ઝભ્ભામાં પણ તેમના વિશાળ કપાળથી આંજી નાંખે, અને બાકી હોય તે તેમના મોઢેથી સરસ્વતી વહેવા માંડે ત્યારે પૂરું થાય. એક બે પ્રસંગે તેમનો પુણ્યપ્રકોપ પણ જોવા મળેલો. કોઈના ઘેર એક ભાઈએ ડાઈનિંગ ટેબલ ઉપર પિષ્ટપેષણ જરા લાંબુ ચલાવ્યું એટલે ભગવતીભાઈ પગ પછાડતા, સડાક કરતા ઊભા થઈ ગયા, અને ત્યાંથી ચાલવા માંડ્યા.

દુશ્મનો હોવાનું સદ્‌ભાગ્ય વ્યક્તિની જેમ સંસ્થાઓને પણ હોય છે. એવા કેટલાકે એક મુશાયરો યોજી મહાન શાયરો ભેગા કરેલા, પણ ઍકેડેમી પરત્વેના વેરભાવને લીધે ભગવતીભાઈને આમંત્રણ ન હતું. ઍકેડેમીના એક સભ્યે આયોજકોને ટપાર્યા, ‘આપણા શહેરમાં ભગવતીકુમાર હાજર હોય ત્યારે તમે બીજા કોઈને પણ ‘શ્રેષ્ઠ ગઝલકાર’ કેવી રીતે કહી શકો?’ અમારા પહેલાં જ જાહેર કાર્યક્રમોમાં ભગવતીભાઈનો પરિચય આપતાં મેં એ વિધાનનો ઉલ્લેખ કર્યો ત્યાં જ તો એ સફાળા ‘ના-ના’ બોલતા ઊભા થઈ ગયા. મેં તેમને સંકેતથી શાંત કર્યા. મારે તો એ વિધાનની જ વાત કરવી હતી, પ્રસંગની નહીં.

બંને મહાનુભાવો સજોડે આવેલા તેથી ચારેયના અમેરિકામાં પ્રવાસો ગોઠવવા મેં સતત કલાકો સુધી ઍરલાઈન સાથે ફોન ઉપર વાત કરી ત્યારે બધાં જ અહીંની ફોન સર્વિસ, કર્મચારીઓની સભ્યતા, સુવિધાઓ (અને મારી ધીરજ) ઉપર વારી ગયાં. પ્રવાસના આરંભની આગલી રાતે અમારા ઘરની નજીક જ એક મોટું વિમાન ભેદી રીતે તૂટી પડ્યું. આતંકવાદ તો ત્યારે જાણીતો ન હતો. રોજ મુજબ સવારનું છાપું જોઈને તેમને મેં ન આપ્યું. પણ પછીથી ઍરપોર્ટ જતાં વાત કરી. પ્રવાસના બે મહિના દરમિયાન રોજ ફોન ઉપર વાત થતી રહી. તે સમયના અનુભવો તેમણે જ વર્ણવ્યા છે.

છેલ્લા અઢી વર્ષથી રજનીભાઈએ ‘નવચેતન’નું તંત્રીપદ સ્વીકાર્યું હતું, અને તેમાં ‘બારીમાંથી આકાશ’ નીચે સ્મરણો લખતા હતા. તેના ૨૮ હપ્તા છપાઈ ગયા હતા, અને બીજા પાંચ મરણોત્તર છપાશે. પરિતોષને આશ્વાસન માટે ફોન કર્યો ત્યારે તેણે જણાવ્યું, ‘તમને બહુ જ યાદ કરતા હતા. છેલ્લો હપ્તો તેમના અમેરિકાના અનુભવો ઉપર જ છે. તમારી તસવીર સાથે હૃદયપૂર્વકની પ્રશંસા અને ખુશી વ્યક્ત કરી છે.’ એ જ વખતે અહીં હું તેમને સ્મરણાંજલી આપતો આ લેખ લખી રહ્યો હતો! ભગવતીભાઈ તો ‘આવજે, અમેરિકા’ કહીને જતા રહ્યા. પણ હવે અમેરિકા ક્યાં આવે?                       

E-mail : bhrtshah@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 13 

Loading

...102030...3,0283,0293,0303,031...3,0403,0503,060...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved