Opinion Magazine
Number of visits: 9576501
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 

રમેશ સવાણી|Opinion - Opinion|21 December 2025

જાગૃત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 20 ડિસેમ્બર 2025ના રોજ બપોરના 12.05 વાગ્યે X પર વીડિયો મૂક્યો છે અને લખ્યું છે : 

“અમદાવાદ પોલીસને મહિલાઓ સાથે આવું વર્તન કરતી જોઈને લોહી ઉકળી ઊઠે છે ! એક ગુજરાતી બહેન એક પોલીસ અધિકારી પાસે તેનું આઈ.ડી. કાર્ડ માંગે છે. આઈ.ડી. કાર્ડ તેના હાથમાંથી સરકી જાય છે અને રસ્તા પર પડી જાય છે. આ તેનો ‘ગુનો’ બની જાય છે ! પછી આ ખાખી વસ્ત્ર પહેરેલો ગુંડો તેને થપ્પડ મારે છે અને લોહી કાઢે છે ! આ શું છે? પોલીસનું કામ નાગરિકોનું રક્ષણ કરવાનું છે કે તેમને માર મારવાનું? ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાના મોટા મોટા દાવા કરતી સરકાર ક્યાં છે? આ પોલીસકર્મીએ કાયદો પોતાના હાથમાં લીધો છે ! હું માંગ કરું છું : આ પોલીસકર્મી સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે, વિલંબ કર્યા વિના તેની ધરપકડ કરવામાં આવે અને કડક સજા આપવામાં આવે ! જેથી કોઈ પણ – પછી તે પોલીસકર્મી હોય કે રાજકારણી – ફરી ક્યારે ય કાયદો પોતાના હાથમાં લેવાની હિંમત ન કરે ! આ ફક્ત એક મહિલા પર હુમલો નથી – આ ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો છે ! અમે ગણવેશમાં આ ગુંડાગીરી સહન નહીં કરીએ ! ન્યાય થવો જોઈએ, અને હાલ થવો જોઈએ !”

હેડકોન્સ્ટેબલ એક મહિલાને તમાચો મારે, જેથી મહિલાની આંખ પર અને કાન પર ઈજા થાય છે. ઈજાગ્રસ્ત મહિલા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે પણ મહિલાની ફરિયાદ નોંધવામાં આવતી નથી. મહિલા પોલીસ સ્ટેશનની બહાર ન્યાય માટે રાહ જૂએ છે. 

થોડા મુદ્દાઓ : 

[1] આ ઘટનામાં હેડકોન્સ્ટેબલ વાંક છે જ. તેણે કાયદાનો ભંગ કર્યો છે. હેડકોન્સ્ટેબલ પાસે બોડી-કેમેરો પણ છે જ. છતાં ઈજાગ્રસ્ત મહિલાની FIR નોંધાતી નથી તે પોલીસની જોહુકમી કહી શકાય. ફરિયાદ નહીં નોંધનાર પોલીસ અધિકારીને કડક સજા થવી જોઈએ. પોલીસનું કામ નાગરિકોનું રક્ષણ કરવાનું છે કે તેમને માર મારવાનું? માની લઈએ કે મહિલાએ પોલીસને ગાળ આપી હતી એટલે પોલીસે હુમલો કર્યો, પરંતુ મહિલાની ફરજમાં અવરોધ સબબ FIR દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવાની પોલીસ પાસે સત્તા છે જ. વળી પોલીસની FIR પણ તરત જ નોંધાઈ જાય ! કાયદાનો વિવેક જૂઓ : કાયદો-વ્યવસ્થા સ્થાપવા પોલીસ લાઠીચાર્જ કરી ફેક્ચર કરી શકે; તોફાનીને ગોળી મારી શકે; પરંતુ કોઈને લાફો મારી શકે નહીં !

[2] આ ઘટના એ સૂચવે છે કે સુપરવાઈઝરી અધિકારીઓ પોતાના તાબાના પોલીસ કર્મચારીઓને લોકો સાથે / બાળકો સાથે / મહિલાઓ સાથે કઈ રીતે વર્તન કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં નિષ્ફળ ગયા છે. ઈજા કરનાર હેડકોન્સ્ટેબલને સજા થવી જ જોઈએ પણ સુપરવાઇઝરી અધિકારીઓને પણ સજા કરવાની જરૂર છે. સુપરવિઝન માટે પગાર લેતા અધિકારીઓની જ્યાં સુધી જવાબદારી છપાવવામાં નહીં આવે ત્યાં સુધી આવી શરમજનક ઘટનાઓ અટકશે નહીં. 

[3] આ ઘટના સામાન્ય નથી. એક પોલીસ કર્મચારી મહિલા પર હિંસક હુમલો કઈ રીતે કરી શકે? શું આ વીડિયો જોઈને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર / રાજ્યના પોલીસ વડા / ગૃહસચિવ / ગૃહ મંત્રીનું લોહી ઉકળી ઊઠ્યું નહીં હોય?

[4] આવી ઘટના અમેરિકામાં બની હોય તો લોકો રસ્તા પર ઊતરી જાય ! આપણે ત્યાં નાગરિક સભાનતાની ઉણપ છે; એટલે જ આવી શરમજનક ઘટનાઓ બને છે. 

[5] જો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આક્રોશ વ્યક્ત કરી શકે તો બાકીના ધારાસભ્યો મૂંગા કેમ રહે છે? શું આ નાગરિકના ગૌરવના ભંગની બાબત નથી? જેની ખાતરી બંધારણના આમુખમાં આપવામાં આવી છે. શું બંધારણીય મૂલ્યોની જાળવણી કરવાની ધારાસભ્યોની જવાબદારી નથી? પોલીસ કમિશનર / રાજ્યના પોલીસ વડા / ગૃહસચિવ / ગૃહ મંત્રીની જવાબદારી નથી? ઓછામાં ઓછું, અમદાવાદ શહેરના ધારાસભ્યોની સંવેદના પણ મરી ગઈ હશે? આ ફક્ત એક મહિલા પર હુમલો નથી; આ ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો છે !

21 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 December 2025

રાજ ગોસ્વામી

આજે ‘દસ મિનિટના ડિજિટલ વાંચન’ની દુનિયામાં, એક પ્રિન્ટેડ પત્રિકા તેનાં અસ્તિત્વનાં 100 વર્ષ પૂરાં કરે તે સાચે જ એક સેલિબ્રેશનનો અવસર કહેવાય; ભલે તે પત્રિકા વિદેશની હોય અને ભલે તે પત્રિકા ‘ચટપટુ’ વાંચન પીરસતી ન હોય. 

ન્યૂયોર્ક શહેરમાંથી પ્રગટ થતું ‘ધ ન્યૂ યોર્કર’ નામનું સાપ્તાહિક માત્ર અમેરિકાનોનું જ લાડકું નથી; તે દુનિયાભરમાં ગંભીર વાચકોનું પસંદીદા છે. આ એક એવી ક્રાંતિકારી પત્રિકા છે જેણે આલોચનાત્મક પત્રકારત્વ, સાહિત્યિક ગહનતા, રાજનૈતિક વિશ્લેષણ અને સાંસ્કૃતિક વિવેચનાને એક ધાગામાં પરોવીને વિશ્વભરના વાંચકના મન પર અમિટ છાપ છોડી છે. 

આ ‘ધ ન્યૂ યોર્કર’ આ વર્ષે 100 પૂરાં કરી રહ્યું છે. અને તે નિમિત્તે નેટફ્લિક્સ પર The New Yorker at 100 નામની એક સુંદર ડોક્યૂમેન્ટરી રિલીઝ થઇ છે. જોવા જેવી છે. ડોક્યૂમેન્ટરી માત્ર મેગેઝિનની કહાની જ નથી, પરંતુ ટેકનોલોજીના જમાનામાં આધુનિક મીડિયાની પરિસ્થિતિ, ફેક ન્યુઝના સંકટ અને સચ્ચાઈની તપાસ કરવાની આવશ્યકતાનું પ્રતિબિંબ પણ છે. 

‘ધ ન્યૂ યોર્કર’ની શરૂઆત 21 ફેબ્રુઆરી, 1925ના રોજ થઇ હતી અને ત્યારથી આ મેગેઝિન ન્યૂયોર્ક શહેર અને બહારના વિચારો, સંસ્કૃતિ, રાજકારણ અને સમાજના મહત્ત્વપૂર્ણ વિષયોને લગતી ઊંડાણપૂર્વક સંશોધિત સ્ટોરીઓ પ્રકાશિત કરતી આવી છે. તેનું સ્વરૂપ સમય સાથે વિકસ્યું છે, પરંતુ તેની મૂળ પ્રતિબદ્ધતા આજે પણ યથાવત છે – ગહન સંશોધન, વિગતપૂર્વક થયેલું રિપોર્ટિંગ અને સાહિત્યિક ઉત્કૃષ્ટતા. કેટલાં મેગેઝિન આજે આવો દાવો કરી શકે છે?

આ ડોક્યૂમેન્ટરી ‘ન્યૂ યોર્કર’ની 100મી વર્ષગાંઠના અંક પર આધારિત છે; ખાસ કરીને તે તમને એ માહોલમાં લઇ જાય છે જ્યાં વિશેષ અંક માટે તૈયારીઓ ચાલી રહી હતી – ન્યુઝરૂમના તનાવ વચ્ચે લેખકો, સંપાદકો, ફેક્ટ-ચેકર્સ અને કવર ડિઝાઈનર્સ વચ્ચે ચાલતી મિટિંગ્સનું જીવંત રેકોર્ડીંગ કોઇપણ પત્રકાર માટે લલચાવનારું છે. 

આ ફિલ્મ ધ ‘ન્યૂ યોર્કર’ના ઇતિહાસની સંક્ષિપ્ત પરંતુ ગંભીર ઝલક રજૂ કરે છે, જેમાં મેગેઝિનના અતિશય મહત્ત્વપૂર્ણ યોગદાનને સમજાવવામાં આવ્યું છે – જેમ કે જૉન હર્શી નામના પત્રકારે હિરોશિમા પર લખેલા વિગતવાર રિપોર્ટસ, જેણે યુદ્ધની ભયાનકતા વિશ્વ સમક્ષ મૂકી હતી, અથવા જેમ્સ બેલ્ડવિન નામના જાણીતા લેખકના નિબંધો, જેણે જાતિવાદ અને સામાજિક વિભાજન પર મહત્ત્વપૂર્ણ ચર્ચા શરૂ કરી. આ બધું આ ફિલ્મમાં એવી રીતે સમાવવામાં આવ્યું છે જાણે કે મેગેઝિને તેના પ્રથમ દાયકાની હળવી-મનોરંજક સામગ્રીમાંથી નીકળીને વૈશ્વિક ઘટનાઓને ગંભીરતાપૂર્વક જોતા પત્રકારત્વના માર્ગ પર ડગલાં માંડ્યા હતાં.

આ ડોક્યુમેન્ટરી એવા સમયે આવી છે જ્યારે પરંપરાગત પ્રિન્ટ મીડિયા સંકટમાં છે – ડિજિટલ ટેકનોલોજી, સોશિયલ મીડિયા, ફેક ન્યુઝ અને ‘ફટાફટ વાંચન’ની માંગના યુગમાં વાચકોની અપેક્ષાઓ બદલાઈ રહી છે. આ ડોક્યુમેન્ટરી બદલાતા પરિપ્રેક્ષ્યો વચ્ચે પણ પ્રશ્ન ઉઠાવે છે કે ગંભીર, વિચારશીલ પત્રકારિતાની જરૂરિયાત આજે પણ કેમ છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ‘ધ ન્યૂ યોર્કર’ના પત્રકારો, સંપાદકો અને ફેક્ટ-ચેકર્સે કેવી રીતે તેમની પ્રતિબદ્ધ નિભાવી છે, કઠિન વિષયોને પ્રકાશમાં લાવ્યા અને પોતાના વાચકોનો વિશ્વાસ જાળવી રાખ્યો. 

પત્રિકાના વર્તમાન સંપાદક ડેવિડ રેમનિક પણ આ વાતને ભારપૂર્વક દોહરાવે છે. ‘ધ ન્યૂ યોર્કર’નું પત્રકારત્વ આજે પણ કેમ મહત્ત્વપૂર્ણ છે તે સમજાવતાં તેઓ કહે છે, ‘ધ ન્યૂ યોર્કર પાસેથી મારી બે મોટી અપેક્ષા છે – હું ઇચ્છું છું તે શ્રેષ્ઠ જ હોવું જોઈએ અને હું ઇચ્છું છું કે તે માનવતાવાદી હોવું જોઈએ.” આ વાક્ય સીધે-સીધે તેમની સંપાદકીય પ્રાથમિકતાઓ દર્શાવે છે કે ગુણવત્તા અને માનવતાનો સ્પર્શ આ મેગેઝિનની મૂળ વિશેષતાઓ રહી છે અને રહેશે.

રેમનિકે એ પણ જણાવ્યું છે કે ‘ધ ન્યૂ યોર્કર’ની એક ઐતિહાસિક પ્રતિષ્ઠા હોવા છતાં, આજની ઝડપથી બદલાતી ડિજિટલ મીડિયા દુનિયામાં પણ તેની ભૂમિકા કાયમ રહે છે. મેગેઝિનનાં વિશિષ્ટ ઈલસ્ટ્રેટેડ કવર હજુ પણ સામાજિક પ્રતિકોને સશક્ત રીતે પ્રતિબિંબિત કરે છે, અને તેનો પ્રભાવ ઊંડો અને ટકાઉ હોય છે.

દર્શકોને આ ડોક્યુમેન્ટરી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ લાગશે કારણ કે તે મીડિયાની બદલાતી દુનિયામાં પરંપરાગત પત્રકારત્વની અગત્યતા પર વિચાર કરવાનો અવસર આપે છે. આજે જ્યારે ‘ફેક ન્યુઝ’, ‘તથ્ય-સંદર્ભની કમી’ અને ‘ફટાફટ પ્રતિસાદ’ જેવા શબ્દો સમાચાર ઉદ્યોગમાં સામાન્ય બની રહ્યા છે, ‘ધ ન્યૂ યોર્કર’ જણાવે છે કે ઊંડાણપૂર્વક, સંશોધન આધારિત, સુસંગત પત્રકારત્વની જરૂરિયાત આજ પણ એટલી જ છે જેટલી વીસમી સદીમાં હતી. ડોક્યુમેન્ટરી દ્વારા શ્રેષ્ઠ સ્તરના રિપોર્ટિંગ, સંપાદન અને પ્રકાશનની પરંપરાનું સન્માન કરવામાં આવ્યું છે અને દર્શાવવામાં આવ્યું છે કે ‘ધ ન્યૂ યોર્કર’ તેની અનોખી અવાજ માટે કેમ સન્માનીય અને યાદગાર છે. 

એટલા માટે, આ ડોક્યુમેન્ટરી માત્ર ‘ધ ન્યૂ યોર્કર’ અથવા માત્ર પત્રકારત્વની જ કહાની નથી, તે વર્તમાન સમયના વિચારો, મતભેદો, સચ્ચાઈ અને માહિતીની ભૂમિકાની ઊંડી પરખ છે. તે મીડિયાના ભવિષ્ય વિશે પ્રશ્નો ઊભા કરે છે અને એક પ્રતિષ્ઠિત સંસ્થાના ઇતિહાસ, તેની પેઢી અને તેની અસામાન્ય શૈલીની અસરકારક ઝલક પ્રદાન કરે છે. આ સો વર્ષ જૂની પરંપરાને સમજવા માટે The New Yorker at 100 ડોકયુમેન્ટરી જોવી તે આજના દરેક ગંભીર વાચક, પત્રકારત્વના વિદ્યાર્થી અને સમાજના વિચારક માટે જરૂરી છે.

‘ધ ન્યૂ યોર્કર’ની 100 વર્ષની અણનમ યાત્રા શીખવે છે કે દરેક ઘટનામાં તાબડતોબ પ્રતિક્રિયા આપવી જરૂરી નથી. ભારતમાં જ્યાં ટેલિવિઝન ચર્ચાઓ અને સોશિયલ મીડિયા ઘણીવાર ઘોંઘાટ, હઠ અને ધ્રુવીકરણથી ભરેલાં હોય છે, ત્યાં આ મેગેઝિન યાદ અપાવે છે કે સમય લઈને લખાયેલું, પરિસ્થિતિ સાથે જોડાયેલું અને સંશોધન આધારિત લેખન વાચકને વધુ શક્તિશાળી બનાવે છે.

‘ધ ન્યૂ યોર્કર’માં ફેક્ટ-ચેકિંગ औપચારિકતા નથી, પરંતુ પત્રકારિતાની આત્મા છે. ભારતીય વાચકો, જે રોજ અફવાઓ, અધૂરી માહિતીઓ અને ભાવનાત્મક દાવાઓથી ઘેરાયેલા હોય છે, આ પત્રિકા પાસેથી શીખી શકે છે કે સત્ય સુધી પહોંચવું મહેનત માંગે છે અને બિનપ્રમાણિત વાત માત્ર મંતવ્ય હોઈ શકે છે, પત્રકારિતા નહીં. 

આ મેગેઝિન સત્તા, યુદ્ધ, રાજકારણ અને સામાજિક અન્યાય વિશે લખતી વખતે પણ સાધારણ માણસને કેન્દ્રમાં રાખે છે. ભારતીય સંદર્ભમાં – જ્યાં જાતિની વાત હોય, ધર્મના મુદ્દા હોય કે શહેરી-ગ્રામીણ અસમાનતા હોય – આ પત્રિકાનો આ દૃષ્ટિકોણ બતાવે છે કે આંકડા અને નારાઓથી આગળ જઈને માનવ અનુભવને સમજવું કેમ જરૂરી છે.

અંતત: ‘ધ ન્યૂ યોર્કર’ ભારતીય વાચકને સમજ આપે છે કે પત્રકારત્વનું કામ માત્ર માહિતી આપવાનું નથી, તે સમયનો દસ્તાવેજ પણ બનાવે છે. આજે જે લખાય છે, તે જ કાલે ઇતિહાસ બનશે. આ દૃષ્ટિકોણથી આ પત્રિકા એક આયનો છે – એ દેખાડવા માટે કે જો મીડિયા ઈમાનદાર, ધૈર્યવાન અને સમાજસેવી હોય, તો તે સમાજને કેટલો મજબૂત બનાવી શકે છે. 

આ ડોકયુમેન્ટરી જોયા પછી એક વાત સમજાઈ; ઘોંઘાટથી ભરેલા સમયમાં પણ વિચાર માટેની જગ્યાને બચાવી શકાય છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 21 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|21 December 2025

જે થશે એ પણ થવા કાળે થવાનું,
એક પંખી ઓછું ગરમાળે થવાનું.

હાથમાં નિશ્ચલ મરેલી માછલી છે,
ના કશું અહીં ગ્રહના ગાળે થવાનું.

આમ તો ઊભા હતા ઊંચાઈ દેખી,
ને ગબડવું એમને ઢાળે થવાનું.

કોણ જાણે કેમ પણ સંતાપમાં છું,
આ ખુશીને દર્દ સરવાળે થવાનું.

હું બરફ જેવો ભલે શીતળ રહ્યો પણ,
આગ જેવું કંઈક વચગાળે થવાનું.

તા. 20.12.25.
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

...2345...102030...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved