Opinion Magazine
Number of visits: 9685789
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફ્યુનરલ

નવીન બેન્કર|Opinion - Opinion|25 October 2018

‘આપણા  સિનિયર્સ એસોસિયેશનના મેમ્બર – પેલાં જીવીકાકી – ગુજરી ગયાં. તેમનું ફ્યુનરલ ગુરુવારે બપોરે ૧૧ થી ૧ વચ્ચે, ગાર્ડન ઓક ફ્યુનરલ હોમમાં રાખ્યું છે.’

સામાન્ય રીતે કોમ્યુિનટીમાં કોઇ ગુજરી જાય, ત્યારે ઇ-મેઇલ મારફતે મેસેજ મળતા હોય છે.  જીવીકાકી નામ તો જાણીતું હતું, પણ ચહેરો યાદ આવતો ન હતો. કદાચ વર્ષોથી કાકી બિમાર હોવાનાં કારણે મિટિંગમાં કે પિકનિકમાં દેખાતાં ન હતાં. આવો શોકસંદેશ મળતાં જ, હું મારા કોમ્પ્યુટર પર ગુજરાતી ફોન્ટ્સમાં શોકસંદેશ કે શ્રધ્ધાંજલિ લખી નાંખું અને બધાંને મોકલાવું. ફ્યુનરલમાં પણ જઉં અને સિનિયર્સના વડીલ તરીકે કોઇ મને માઈક પર બોલાવે તો બે શબ્દો કહું પણ ખરો. મને આ બધાંની સારી ફાવટ છે. છાપામાં ફોટા સહિત ‘ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ’, જેવી શ્રદ્ધાંજલિઓ પણ લખી આપું.

એ દિવસે મારે, બે વખત નહાવું પડે. મારી પત્ની ચુસ્ત પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ છે. એટલે ફ્યુનરલમાંથી આવ્યા બાદ, મારે તરત જ, ક્યાં ય અડ્યા વગર, બાથરૂમમાં જઈને બધા જ કપડાં કાઢી નાંખીને, પલાળી દઈને સ્નાન કરવું પડે. ઘરમાં પગ મૂકતાં જ ચીસાચીસ કરવા લાગે કે -‘ જોજે ક્યાં ય અડતો નહીં. ખિસ્સામાંથી રૂમાલ કાઢવાનું ભૂલતો નહીં. બધો બોળાવાળો કરી મૂકીશ. મારા ઠાકોરજીને – ’  વગેરે વગેરે .. અને હું એના ઠાકોરજીને મણમણની ચોપડાવતો, નિર્વસ્ત્ર થઈને નહાવા બેસી જઉં. ગાળાગાળી કરું પણ પત્નીના ડરથી એનું કહ્યું તો માનું જ.

હાં ! તો આ કયાં જીવીકાકી ગયાં, એ જાણવા હું ફ્યુનરલમાં ગયો. ૧૬” બાય ૨૦”ની તસ્વીર જોઇને હું જીવીકાકીને ઓળખી ગયો. પહેલી હરોળમાં સફેદ વસ્ત્રો પહેરેલાં એમના આપ્તજનોને જોઇને મને થયું કે અરે! આ બધાંને તો હું ઓળખું છું. ચાર દીકરીઓ, બે દીકરા, પ્રપૌત્રો, ભાઈઓ બધાંને હું ઓળખું. પણ કોઇને, જીવીકાકીને કારમાં લઈને મિટિંગ સ્થળે મૂકવાં આવતાં જોયેલાં નહીં. જીવીકાકી હંમેશાં પાડોશણની રાઈડ લઈને જ આવતાં હતાં. અથવા મારા જેવા પરગજુ વોલન્ટિયરને વિનંતિ કરીને બોલાવી લેતાં. જીવીકાકીનાં નવ પરિવારજનોએ ગળગળાં થઈને, ગળે ડૂમો ભરાઇ જવાના અભિનય સાથે, શ્રદ્ધાંજલિઓ આપી. બેક ગ્રાઉન્ડમાં, કોફિનની પાછળથી, જીવીકાકીનાં બાળપણથી જુવાની અને ઘડપણ સુધીના ખૂબસૂરત ફોટાઓની સ્લાઈડો સ્ક્રીન પર દર્શાવાતી હતી. હું, પણ, કારમાં રાઈડ આપતી વખતે, જીવીકાકીએ કહેલી તેમનાં જીવનની ખાટીમીઠી વાતોને યાદ કરી રહ્યો હતો.

એક બીજા ફ્યુનરલમાં, એક ડોક્ટરના પિતાશ્રી ગુજરી ગયેલા. એમના ભાઇઓ પણ બધા જ ડોક્ટર્સ. સદ્દગત પિતાશ્રી પણ ડોક્ટર હતા, ડાઘુઓની સામે કોફિનમાં મૃતદેહ પડ્યો હતો અને એક પછી એક દીકરાઓ, સદ્દગત પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપતા હતા. એમના એક દીકરા ડોક્ટર આદિત્ય ઐયરે પિતાજીની અંત્યેિષ્ઠ ક્રિયામાં મદદરૂપ થવાં આવેલાં એક રૂપાળાં, પ્રૌઢ સન્નારીને જોઇને, કાંઇક આવી મતલબની શ્રદ્ધાંજલિ આપવા માંડી.

‘આજથી ત્રીસ વર્ષ પહેલાં, હું આ શહેરમાં આવેલો ત્યારે અમે એક નાટક કરેલું. એમાં આ બહેન (પેલા પ્રૌઢ ખૂબસૂરત સન્નારી) પણ એમાં કામ કરતાં હતાં.  એ મારા હિરોઇન હતાં. નાટક કરતાં, એના રિહર્સલ /પ્રેક્ટિસ  કરવામાં વધારે મજા આવતી. ખરું ને પ્રિયંકાબહેન ? (નામ બદલ્યું છે) …. અને પછી આદિત્ય ઐયર સાહેબ ભૂતકાળની સ્મૃિતઓમાં ખોવાઈ ગયેલા. અને ડાઘુઓ સ્તબ્ધ થઈને જોઇ રહ્યા હતા.

ફ્યુનરલ માં આવા યે નંગ ભટકાઇ જાય છે.

અમારા શહેરના એક ભાઈને જો શ્રદ્ધાંજલિ આપવા માટે માઈક હાથમાં આપીએ એટલે, પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે, સંસ્કૃતમાં ફાડવા માંડે અને પછી ‘ઇતિ, મતિ, બુદ્ધિ’…થી શરૂ કરીને આખી ભીષ્મ-સ્તુિત શરૂ કરી દે. ત્યાંથી નહીં અટકતાં, મતિ અને બુદ્ધિનો તફાવત સમજાવવા માંડે અને મહાભારતના યુદ્ધમાં ભીષ્મપિતામહ, બાણશય્યા પર પડેલા અને શ્રીકૃષ્ણ ભગવાનને બોલાવી પોતાની બે માનસપુત્રીઓનું દાન કરેલું, એની કથા કહેવા માંડે. અમે તો આ બધું અગાઉ પણ એટલી બધી વાર સાંભળેલું કે જેવો એ વક્તા ઊભા થાય કે અમે તો બીડી પીવાં ફ્યુનરલ હોમની બહાર જતા રહીએ, અને પુષ્પાંજલિ સમયે હાજરી આપવા જ આવીએ.

એક બીજા વક્તા શ્રદ્ધાંજલિ આપવા ઊભા થાય કે તરત મૃતદેહના કોફિન સામે બે હાથ જોડીને, ગળગળા થઈ જવાના અભિનય સહિત શરૂ કરે – ‘દાદા…’ શ્રોતાઓમાંથી કોઇ સુધારે – ‘દાદા નથી, દાદી છે.’ એ સાંભળીને સુધારી લે કે – ‘દાદી … છેલ્લા દિવસોમાં તમે મને ફોન કરી કરીને કહેતા કે’ સુધાકર, પેલું ભજન સંભળાવ ને ! અને મને તમારી પાસે આવવાનો સમય જ ન મળ્યો.’ આવો, આપણે બધાં ‘બા’નું પ્રિય ભજન ગાઈને તેમને અંજલિ આપીએ’.

અને પછી એક લાં..બ્બુ ભજન, એમના ખોખરા સ્વરે, આપણા માથે ઠપકારે. પાછું આ જ નાટક બીજી કોઇ ડોશીનાં ફ્યુનરલમાં યે સાંભળવાની આપણે તૈયારી રાખવાની!

હવે તો, ફ્યુનરલ ૧૧ વાગ્યે હોય તો હું ૧૨ કે સવા બાર વાગ્યે જ જઉં, અને વિઝિટર્સ બુકમાં નામ લખીને, કોરિડોરમાં સોફા પર જ બેસું છું અને પુષ્પાંજલિ સમયે, લાઈનમાં ઊભો રહીને, મૃતદેહ સમક્ષ નતમસ્તકે ઊભો રહી, મૃતકનાં  અન્ય પરિવારજનો, મારી હાજરીની નોંધ લે એ રીતે, પુષ્પાંજલિ કરીને, દરવાજા પાસે લાઇનસર ઊભેલાં પરિવારજનોને ભેટીને કે જય શ્રીકૃષ્ણ કરીને વિદાય લઉં છું.

ફ્યુનરલની આગલી સાંજે મૃતકના નિવાસસ્થાને ભજન રાખ્યાં હોય, ત્યાં જવાનું હું ટાળી દઉં છું. એનાં બે કારણો –  એક તો, સૂતકીને ઘેર જવાથી યે સૂતક લાગે અને કપડાં બોળીને મારી પુષ્ટિમાર્ગિય ભક્તાણી પત્ની મને નવડાવે. અને બીજું, એમના નિવાસસ્થાન પાસે પાર્કીંગ ન મળે અને દૂરદૂર ગાડી પાર્ક કરીને ચાલવું પડે. સોફામાં બેસવાની જગ્યા ન મળે અને નીચે શેતરંજી પર બેસવું પડે તો ટાંટિયા વળતા નથી. વળી ભજન આઠ વાગ્યા પછી જ હોય એટલે રાત્રે ડ્રાઇવ કરવું પડે.

અમુક સમજુ સજ્જનો ફ્યુનરલમાં ચોક્સાઇપૂર્વક અમુક સમયમર્યાદામાં પ્રસંગને સમેટી લેતા હોય છે. બીનજરૂરી વક્તાઓને કે ચીટકુ વિદ્વાનોને માઈક આપવાનું ટાળે છે.

મેં તો મારા રજિસ્ટર્ડ વીલમાં લખી દીધું છે કે મારા અવસાન પછી, ‘દેહદાન’ જ કરી દેવું.

નો ફ્યુનરલ … નો શ્રદ્ધાંજલિઓ…. નો ભીષ્મસ્તુિતઓ … પણ મારી ભક્તાણી પત્ની એ નહીં માને. એ તો કહેશે કે પેલા વિરાટભાઇ કહે છે કે મરનારનો આત્મા તેર દિવસ સુધી ઘરમાં ભટકતો રહે છે. માટે એને પિંડદાન કરવું જોઇએ. અને તેર દિવસ ભજન કીર્તન કરવાં જોઇએ.

બાકી, મારી શ્રદ્ધાંજલિમાં મિત્રોએ આટલું જ કહેવું કે – "નવીન એક પંખીની જેમ આવ્યો, જીવ્યો અને ઊડી ગયો. સૌને રામ રામ, આવજો."

6606 DeMoss Dr. # 1003, Houston, Tx 77074 

e.mail : navinbanker@yahoo.com 

Loading

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|25 October 2018

હૈયાને દરબાર

પૂનમની રાત એ દિવ્ય રાત્રિ. કુદરતની કવિતાનું નિતાંત સૌંદર્ય. શરદ પૂનમ હજુ બે દિવસ પહેલાં જ ઉજવાઈ, એટલે ચંદ્ર-તારા મંડિત રાતનું વર્ણન કરતાં ગીતોની જ વાત કરાય ને!

ચંદ્રનું મને જબરજસ્ત આકર્ષણ છે. પૂનમની રાતે ચાંદને ટગર ટગર જોયા કરવાનું ખૂબ ગમે. એમાં ય કોઈ અદ્ભુત કુદરતી સ્થળે પૂનમનો ચાંદ સત્સંગ કરવા આવી જાય, એ તો સોને પે સુહાગા! એવું કેટલી ય વાર બન્યું છે કે ભારતનું લેહ-લદાખ હોય કે સ્વિટ્ઝર્લેન્ડનો આલ્પ્સ પર્વત, યોગાનુયોગે જે બેસ્ટ જગ્યાએ હું હોઉં ત્યાં ચાંદો ગુફ્તગૂ કરવા આવી જ ગયો હોય. યાદ આવે છે ભેડાઘાટની. મધ્ય પ્રદેશનું એ અપ્રતિમ સ્થળ છે. આરસની ચટ્ટાનો વચ્ચેથી વહેતી નર્મદા અને માથે પૂર્ણ ચંદ્રનું અજવાળું હોય એનાથી સર્વોત્તમ રાત્રિ કોઈ હોઈ શકે?

એવી જ એક સુંદર મજાની ચાંદની રાતે અમે નર્મદામાં નૌકા વિહાર કરી રહ્યાં હતાં અને એક સુંદર ગીત યાદ આવી ગયું. એ ગીત હતું રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનું ઢુંકડૂં ન હોજો પરભાત. સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત રે …! પછી તો ચાંદ પરનાં ગીતોની મહેફિલ જામી. આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ન જાયે તેરી મેરી બાત આધી, તૂ ચંદા મૈં ચાંદની, દેખો વો ચાંદ છૂપ કે કરતા હૈ ક્યા ઈશારે જેવાં કેટલાં ય ચંદ્ર ગીતો ચાંદની રાતને ઓર રંગીન બનાવી ગયાં. ચાંદની રાત ખાસ કરીને સ્ત્રી હૃદયમાં અનોખા ભાવ સ્પંદનો જગાવે છે. પ્રિયજનનો સાથ હોય, તો પૂનમની રાત જાણે મધુરજની જ બની જાય!

પૂર્ણ ચંદ્રનું અજવાળું નર્મદાનાં નીરમાં પ્રકાશ પાથરી રહ્યું હતું અને એ રોમાંચક ઘડીઓમાં આ અત્યંત રોમેન્ટિક ગીતો મન પર સવાર હતાં, પરંતુ આપણે અહીં મુખ્ય વાત કરવાની છે એવાં જ પ્રણયભીનાં ગુજરાતી ગીતોની. ગુજરાતી સુગમ સંગીતનાં સર્વોત્તમ રોમેન્ટિક ગીતોમાં અગ્રક્રમે આવી શકે એવા રાગ મિશ્ર પહાડી પર આધારિત આ ગીત, રૂપલે મઢી છે સારી રાત…માં નારી સંવેદનાની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.

લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં, લતા મંગેશકરે ગાયેલાં ફિલ્મી ગીતોની એલ.પી.માં, દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું એ ગીત તે રૂપલે મઢી છે સારી રાત. કવિ હરીન્દ્ર દવેના શબ્દો, દિલીપભાઈનું સંગીત અને લતાજીના અવાજે આ ગીતમાં કેવી કમાલ કરી હશે કે હિન્દી ગીતોની એલ.પી.માં આ ગુજરાતી ગીત લેવાયું! રૂપેરી રાતનું સૌંદર્ય કે સોળે કળાએ ખીલેલી ચાંદની રેલાવતી ધવલ નિશાની મોહિનીથી ઋજુ હૃદય કવિ મુક્ત રહી શકતા નથી. શરદઋતુની ચાંદની ખીલી હોય ત્યારે મન પર કાબૂ રાખવો કેટલો મુશ્કેલ હોય એ તો કોઈક કવિને અથવા પ્રેમીને જઈને જ પૂછવું પડે. નવરાત્રી પછીની શરદ પૂનમનું હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે. ચાંદને સૌંદર્ય સાથે સરખાવાય છે. ચાંદની રાતે ચાંદ-ચકોરીનું મિલન એ પ્રેમની પરાકાષ્ઠા ગણાય છે. નિરભ્ર રાત્રિની શુભ્ર ચાંદની પ્રેમીઓના મિલનને તેજોમય બનાવે છે.

કાકાસાહેબ કાલેલકરે એક સ્થાને લખ્યું છે કે, "ચાંદની રાતે ગરીબ-તવંગરનો ભેદ કર્યા વિના કુદરત વૃક્ષોની નીચે એના ગાલીચા પાથરી દે છે. ઝાડનાં પાંદડાં હાલવા માંડે ત્યારે જમીન પર પથરાયેલા ગાલીચા જીવતાં થઈને વધારે જ શોભી ઊઠે છે. એક રસિક સંસ્કૃત કવિએ તો ચાંદરણાનું વર્ણન કરતા કમાલ કરી હતી. બિલાડીના ગાલ-મૂછ પર ચાંદની રાતનો પ્રકાશ પડતાં એ દૂધ જ છે એમ માની બિલાડીએ તેને ફરી ફરી ચાટવાનો સપાટો ચલાવ્યો હતો. પૂનમને દિવસે આકાશ ધોવાઈ-લૂછાઈને સાફ થયેલું હોય છે. ચંદ્ર વિશેષ પ્રસન્ન હોય છે અને પાગલ મનને વધુ ઘેલું બનાવે છે. ચાંદની રાત એટલે કાવ્યમય ગાંડપણનો ઉત્સવ. ડાહ્યા માણસોએ પસંદ કરેલું ગાંડપણ અને પાગલોર્મિનો મુશળધાર વરસાદ!”

ચાંદની વાત આવે ત્યારે ગુલઝાર સાહેબ યાદ આવ્યા વિના રહે નહીં. વાત ભલે અહીં ગુજરાતી ગીતોની જ કરીએ છીએ, પરંતુ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં ગુલઝારનાં ચાંદ ગીતો અપવાદરૂપે આજે યાદ કરવાં જ પડે. ગુલઝારની કવિતામાં ચાંદ વગર કામ ના ચાલે. ચાંદ અને ચાંદની વિના એમની કવિતા અધૂરી. ગુલઝારે ચાંદને અનેક વાર યાદ કર્યો છે. જાણે એમની ઇચ્છાઓ અને આકાંક્ષાઓનું એ પ્રતિબિંબ છે. ગુલઝારનો ચાંદ બહુરૂપી છે. ચાંદ દ્વારા એમણે અગણિત સંભાવનાઓ અને બહુઆયામી વ્યક્તિત્વ ઉજાગર કર્યા છે. બેસબબ મુસ્કુરા રહા હે ચાંદ કોઈ સાઝિશ છૂપા રહા હૈ ચાંદ, જાને કિસ કી ગલી સે નિકલા હૈ, ઝેપા ઝેપા સા રહા હૈ ચાંદ ….! ઉપરાંત, કોસા કોસા લગતા હૈ, તેરા ભરોસા લગતા હૈ, રાતને અપની થાલી મેં, ચાંદ પરોસા લગતા હૈ … તો સર્વોત્તમ છે. ગુલઝારનાં ગીતો યાદ કરો, મુખડા-અંતરામાં ક્યાંક તો ચાંદ છુપાયો જ હોય છે. જેમ કે, એમનું સૌપ્રથમ ફિલ્મી ગીત મોરા ગોરા અંગ લઈ લે..ની પંક્તિ છે, બદરી હટા કે ચંદા, ચૂપકે સે ઝાંકે ચંદા …, તેરે બિના જિંદગી સે શિકવા તો નહીં ગીતમાં એક પંક્તિ આવે છે : તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં, રાત કો રોક દો …! બીતી ના બિતાઈ રૈના..ની એક પંક્તિ છે ચાંદ કી બિંદી વાલી, બિંદી વાલી રતિયા … તથા મેરા કુછ સામાન … ગીતની અકલ્પનીય તુલના તો જુઓ! એકસો સોલહ ચાંદ કી રાતેં ઓર તુમ્હારે કાંધે તિલ..! વાહ, કયા બાત હૈ! ગુલઝારે તેમના બે કાવ્યસંગ્રહનાં શીર્ષકોને પણ એક સુંદર પંક્તિમાં ખૂબસૂરત રીતે સમાવ્યા છે : એક સબબ મરને કા એક તલબ જીને કી, ચાંદ પુખરાજ કા, રાત પશ્મીને કી..!

ચાંદનાં ચાંદરણામાં વહી જવાય એવાં સુંદર કાવ્યો અને ગીતો આપણા સાહિત્યનું અભિન્ન અંગ છે. ચાંદની રાતે સ્ત્રી-પુરુષનું મન એકબીજાંને મળવા આતુર થઈ જાય છે. સ્ત્રી માટે પ્રેમસંબંધ ડાયરીના અંગત પાનાં જેવો છે. એને એ સાચવી, સંગોપી રાખે છે અને મન થાય ત્યારે પ્રેમનું પાનું ઉઘાડીને ચૂમી લઈ, વહાલ વરસાવી અને ક્યારેક આંસુનો છંટકાવ કરીને પાછું મનના કબાટમાં મૂકી દે છે. વિરહિણી માટે પૂનમનો ચાંદ હૃદયમાં વિરહ વેદના જગાવે છે. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી નથી. પ્રેમી જે જુએ એટલું જ જોઈ શકાય.

રૂપલે મઢી છે ગીતમાં નાયિકા એટલે જ કહે છે કે રૂપાળી, ટપકિયાળી ભાત સમી રાત છે એટલે સવાર, તું જરા આઘી જ રહેજે. પ્રિયતમ સાથેના પ્રલંબ પ્રેમાલાપને મારે અધવચ્ચે નથી અટકાવી દેવો. શરદપૂનમની જ વાત નીકળી છે તો અન્ય એક સુંદર ગીતનો ઉલ્લેખ જરૂરી છે. લોકગીત અને ગરબાની કક્ષાએ પહોંચી ગયેલું અવિનાશ વ્યાસનું ગીત, આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો, કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો .. લાજવાબ ગીત છે. લતા મંગેશકરના મીઠા અવાજમાં આ ગીતનું માધુર્ય વધુ નિખરી ઊઠે છે. તારા રે નામનો છેડ્યો એકતારો, હું તારી મીરાં તું ગિરધર મારો .. પંક્તિઓ દ્વારા નારી હૃદયની સમર્પિતતા પૂર્ણપણે અહીં પ્રગટ થઈ છે. અન્ય સુંદર ગીત છે રૂપા મઢેલ રાતડી ને ટમ ટમ ટમ તારા ..! રાત અને ચાંદની જુગલબંદી રાતભર ચાલી શકે એમ છે.

સાહિર લુધિયાનવીનું એક એવું જ રોમેન્ટિક ગીત અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં ..ને પણ આ પ્રકારનાં ગીતોની સમકક્ષ મૂકી શકાય. સિતારે ઝિલમિલા ઊઠે, ચરાગ જગમગા ઊઠે, બસ અબ ના મુઝ કો ટોકના, ન બઢ કે રાહ રોકના, અગર મૈં રૂક ગઈ અભી, તો જા ન પાઉંગી કભી, જો ખત્મ હો કિસી જગહ યે ઐસા સિલસિલા નહીં …! અહીં પણ અધૂરી આસ અને અધૂરી પ્યાસ છોડીને ન જવાની પ્રિયજનની વિનંતી જ છે.

આવાં સુંદર ગીતોનો ફાયદો એ છે કે જે લાગણી પ્રિયજન સમક્ષ વ્યક્ત ન કરી શકાતી હોય એ આ ગીતોની અદ્ભુત પંક્તિઓ દ્વારા વ્યક્ત થઈ જાય છે. અને છેલ્લે, સુપ્રસિદ્ધ ગીતકાર-સંગીતકાર નિનુ મઝુમદારની શરદ ઋતુની રાતની અદ્ભુત કાવ્યમય અભિવ્યક્તિના ઉલ્લેખ વિના લેખ અધૂરો જ ગણાય. ગુજરાતી કાવ્ય સૃષ્ટિમાં શાશ્વત સ્થાન પામેલી આ રચના એમનાં દીકરી મીનળ પટેલના અવાજમાં સાંભળવી એ અદ્ભુત લ્હાવો. એ કાવ્યના અંશ સાથે લેખ પૂરો કરી શારદીય ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ:

ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ :

એક સુસ્ત શરદની રાતે

આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.

એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં, જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચુ હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઈ ગઈ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
ને ચંપો ખડખડ હસી પડ્યો.
ભ્રૂભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઈ ફૂલ બકુલનાં કૂદી પડ્યાં મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઈ ને ચકિત થઈ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઈ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો.

એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહેરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધૂપ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઈચ્છા જાગી ગઈ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ ઝર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી કલાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો.

https://www.youtube.com/watch?v=JCFLgPuipKU

—————————

રૂપલે મઢી છે સારી રાત રે સજન

એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો
હજી આદરી અધૂરી વાત
રૂપલે મઢી છે સારી રાત રે સજન

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર .. દૂર દૂર ..

એની મોરલીના સૂરે કરું વાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં
કેવા રે મોહાબ્બતનાં તાણ જરા જોઈ લઉં
મારા કિનારા રહો દૂર નિત દૂર દૂર .. દૂર દૂર ..

રહો મજધારે મારી મુલાકાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત

• ગીત : હરીન્દ્ર દવે • સંગીત : દિલીપ ધોળકિયા  • સ્વર : લતા મંગેશકર

https://www.youtube.com/watch?v=MPAO8mgfFr4

—————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 અૉક્ટોબર 2018

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=441555

Loading

શેરલોક હોમ્સ : થોડી હકીકત, થોડી કલ્પના

વિશાલ શાહ|Opinion - Opinion|25 October 2018

શેરલોક હોમ્સ. આશરે ૧૩૧ વર્ષ પહેલાં, અંગ્રેજી સાહિત્યકાર આર્થર કોનાન ડોયલે સર્જેલા આ પાત્ર પરથી ડિસેમ્બરમાં વધુ એક ફિલ્મ આવી રહી છે, 'હોમ્સ એન્ડ વૉટ્સન'. રજેરજની વિગતોની નોંધ રાખતા પશ્ચિમી દેશો પાસે પણ ચોક્કસ જવાબ નથી કે, અત્યાર સુધી શેરલોક હોમ્સની ડિટેક્ટિવ કથાઓનું કેટલીવાર એડપ્શન થયું? આવી ગણતરી શક્ય પણ નથી કારણ કે, અત્યાર સુધી શેરલોક હોમ્સની ૨૫૦થી પણ વધારે ફિલ્મ આવી ગઈ, અને ૧૦૦થી પણ વધુ અભિનેતા આ મહાન પાત્રને રૂપેરી પડદે જીવંત કરી ચૂક્યા છે. ફિલ્મોની જેમ વિશ્વના અનેક દેશોમાંટેલિવિઝન સિરીઝ, ઓપેરા, નાટકો, રેડિયો, પેરોડી, મ્યુિઝકલ્સ, કાર્ટૂન,  કોમિક્સ,  ક્વિઝ, ગેમ્સથી માંડીને પુસ્તકોમાં આજે ય શેરલોક હોમ્સ છવાયેલા છે. આ રીતે જુદા જુદા સ્વરૂપે થયેલા એડપ્શનનો આંકડો ૨૫ હજારથી પણ વધુ થવા જાય છે.

શેરલોક હોમ્સ આર્થર કોનાન ડોયલના ક્રિએટિવ દિમાગમાં જન્મેલું કોઈ કાલ્પનિક પાત્ર હતું કે પછી હકીકતમાં એવો કોઈ માણસ હતો? ડોયલે કેવા સંજોગોમાં આ મહાન પાત્રનું સર્જન કર્યું હતું? સવા સદીથી પણ વધુ સમય પહેલાં ડોયલને આ પાત્ર રચવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે?

આજે આવા અનેક સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. લેટ્સ સ્ટાર્ટ.

***

વર્ષ ૧૮૭૭. સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીની મેડિકલ કોલેજ. અનેક વિદ્યાર્થીઓ મેડિકલના બોરિંગ લેક્ચરથી કંટાળે, પરંતુ એક પ્રોફેસર તેમાં અપવાદ. નામ એમનું જોસેફ બેલ. મેડિસિનનું જ્ઞાન આપતી વખતે પણ તેઓ જાતભાતના વિષયો પર ઊર્જાસભર, મનોરંજક અને રસપ્રદ લેક્ચર આપીને વિદ્યાર્થીઓને ઉત્સાહથી છલકાવી દેતા. કોઈ દરદી મળવા આવે ત્યારે પ્રો. બેલ ફક્ત અવલોકન કરીને તેના ચરિત્રથી માંડીને વ્યવસાય સુધીની બાબતોનું સચોટ અનુમાન કરી લેતા. જેમ કે, એકવાર એક દરદી તેમને મળવા આવ્યો. પ્રો. બેલે તેના પર ડૉક્ટર નહીં પણ જાસૂસની અદાથી નજર નાંખી અને કહ્યું: ''વેલ, માય મેન. આર્મીમાં સર્વિસ કરતા હતા? આર્મીમાંથી છૂટા થયાને તમને બહુ લાંબો સમય નહીં થયો હોય, બરાબરને? હાઈલેન્ડ રેજિમેન્ટમાં હતા? નોન-કમિશન્ડ ઓફિસર? તમારી ડયૂટી બાર્બાડોસમાં હતી ને?'

આર્થર કોનાન ડોયલ અને ડૉ. જોસેફ બેલ

આશ્ચર્યની વાત એ હતી કે, પેલા દરદીએ પ્રો. બેલના આ બધા જ સવાલોનો 'હા'માં જવાબ આપ્યો. ફક્ત ૧૮ વર્ષની ઉંમરે જોયેલા આ દૃશ્યની આર્થર કોનાન ડોયલ પર ઘેરી અસર થઈ હતી. એ વખતે તેઓ પણ એડિનબર્ગ યુનિવર્સિટીમાં મેડિકલના વિદ્યાર્થી હતા. તેમણે પ્રો. બેલને જબરદસ્ત કુતૂહલથી પૂછ્યું પણ ખરું. તમે આ દરદીની બધી જ બાબતોનું આવું સચોટ અનુમાન કેવી રીતે કર્યું? આ વાતનો પ્રો. બેલે યુવાન ડોયલને આપેલો જવાબ ખરેખર રસપ્રદ હતો.

તેમણે કહ્યું કે, ''યૂ સી, જેન્ટલમેન, એ દરદી એક આદરણીય અને અદબવાળો માણસ હતો, પરંતુ મને મળવા આવ્યો ત્યારે તેણે પોતાની હેટ નહોતી કાઢી. તેને આર્મીમાંથી છૂટા થયાને લાંબો સમય થયો હોત તો તેને સિવિલિયન સામે પેશ થતાં આવડી ગયું હોત અને તેણે મને મળતી વખતે હેટ ઉતારી હોત! એટલે મેં અનુમાન કર્યું કે, તેને આર્મીમાંથી છૂટા થયાને હજુ બહુ સમય નથી થયો. તે થોડો અકડુ હતો એટલે મેં ધાર્યું કે, તે સ્કોટિશ હશે. તે મારી જોડે હાથીપગાની ફરિયાદ લઈને આવ્યો હતો. અત્યારે વેસ્ટ ઈન્ડિઝમાં એ રોગનો વાયરસ ફેલાયો છે. વેસ્ટ ઈન્ડિઝ બહુ મોટો પ્રદેશ છે, પરંતુ અત્યારે સ્કોટલેન્ડની હાઈલેન્ડ રેજિમેન્ટ બાર્બાડોસમાં છે. એટલે મેં ધાર્યું કે, તે છેલ્લે બાર્બાડોસમાં ફરજ બજાવતો હશે! અને આ રોગના કારણે મેં પહેલી નજરે ધારી લીધું હતું કે, તે અત્યારે આર્મીમાં નથી.

આર્થર કોનાન ડોયલે આત્મકથા 'મેમરીઝ એન્ડ એડવેન્ચર્સ'માં પણ આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. પ્રો. બેલ સ્કોટલેન્ડની જાણીતી હસ્તી હતા. લંડનના કુખ્યાત અને આજ દિન સુધી નહીં ઓળખાયેલા સિરિયલ કિલર 'જેક ધ રિપર'(મીડિયાએ આપેલું નામ)ને પકડવા સ્કોટલેન્ડ યાર્ડ ડૉ. બેલની મદદ લીધી હતી. આવા ડૉ. બેલ સાથે ડોયલની દોસ્તી જામી ગઈ. મેડિકલ કોલેજમાં એડમિશન લીધાના બીજાં જ વર્ષે, ૧૮૭૮માં, નવું નવું શીખવાનો ઉત્સાહ ધરાવતા ડોયલ પ્રો. બેલના આસિસ્ટન્ટ બની ગયા. ડોયલનું કામ પણ રસપ્રદ હતું, જે બાદમાં શેરલોક હોમ્સની વાર્તાઓ લખવામાં પણ મદદરૂપ થવાનું હતું. કોઈ પણ દરદીને પ્રો. બેલ પાસે મોકલતા પહેલાં ડોયલે તેમની પૂછપરછ કરીને એક બેઝિક નોટ લખવાની રહેતી, જેથી પ્રો. બેલનો સમય ના બગડે. આ કામ કરતાં કરતાં ડોયલ પ્રો. બેલના 'ડૉ. જ્હોન વૉટ્સન' બની ગયા. શેરલોકની વાર્તાઓમાં ડૉ. વૉટ્સન એક મહત્ત્વનું પાત્ર છે, જે શેરલોકને ગુનાનાં મૂળ સુધી પહોંચવામાં ફોરેન્સિક મદદ કરે છે.

વર્ષ ૧૮૯૩માં ‘શેરલોક હોમ્સ’ નાટકમાં શેરલોકનું પાત્ર ભજવનારા (ડાબે) ચાર્લ્સ બ્રુકફિલ્ડ અને વિવિધ નાટકોમાં શેરલોકને એક હજારથી પણ વધુ વાર તેમ જ શેરલોક આધારિત મૂંગી ફિલ્મમાં શેરલોકનું પાત્ર ભજવીને મહાન થઈ ગયેલા વિલિયમ જિલેટ

ડોયલે ડૉ. બેલના ક્લાર્ક તરીકે દસેક વર્ષ સુધી કામ કર્યું અને ૧૮૮૭માં પહેલી નવલકથા લખી, 'એ સ્ટડી ઈન સ્કારલેટ'. એ નવલકથામાં તેમણે ડૉ. બેલના વ્યક્તિત્વમાં કલ્પનાના રંગ ઊમેરીને એક મહાન પાત્રનું સર્જન કર્યું, ડિટેક્ટિવ શેરલોક હોમ્સ. આ નામ પણ ડોયલે રસપ્રદ રીતે શોધ્યું હતું. ડોયલે પ્રિય સંગીતકાર આલફ્રેડ શેરલોક અને એ વખતના જાણીતા ડોક્ટર ઓલિવર વેન્ડલ હોમ્સનું નામ ભેગું કરીને પોતાના ડિટેક્ટિવને 'શેરલોક હોમ્સ' નામ આપ્યું હતું. એક ભેજાબાજ લેખક તરીકે ડોયલ સારી રીતે જાણતા હતા કે, ગુનેગાર સુધી પહોંચવા શેરલોક સાથે બીજું એક રસપ્રદ પાત્ર હશે તો જ વાચકોનો રસ જળવાઈ રહેશે. આ વિચારમાંથી જન્મ થયો, ડૉ. જ્હોન વૉટ્સનનો. ડૉ. વૉટ્સન સજ્જન છે. તરંગી છે. શેરલોકના ખાસ મિત્ર છે. ક્યારેક તેમને શેરલોકના આસિસ્ટન્ટ  તરીકે પણ દર્શાવાય છે, પરંતુ એક ખાસ વાત. કોઈ પણ ગુનાનું એનાલિસિસ કરીને તેના મૂળ સુધી પહોંચવાની ડૉ. વૉટ્સનની આવડત શેરલોક હોમ્સથી ઓછી છે કારણ કે, ડોયલનો હીરો શેરલોક હોમ્સ છે.

ડોયલે પોતાની પહેલી નવલકથાને થ્રીલર બનાવવા જાતભાતના અખતરા કર્યા હતા. જેમ કે, ગુનાની તપાસ કરવા માટે શેરલોક એક મહત્ત્વનું સાધન વાપરતો, મેગ્નિફાઇંગ ગ્લાસ. એ પહેલાં વાચકોએ મેગ્નિફાઇંગ ગ્લાસનો આવો ઉપયોગ જોયો ન હતો. જો કે, 'એ સ્ટડી ઈન સ્કારલેટ' નિષ્ફળ રહી. પહેલી જ નવલકથા 'ડિટેક્ટિવ થ્રીલર' લખીને નિષ્ફળ જનારા ડોયલે ૧૮૮૯માં હિસ્ટોરિકલ ફિક્શન જોનર પર હાથ અજમાવ્યો અને 'મિકાહ ક્લાર્ક' નામની નવલકથા લખી. એ જ વર્ષે તેમણે હોરર એડવેન્ચર જોનરમાં પણ ઘૂસ મારી અને 'ધ મિસ્ટરી ઓફ ક્લુમ્બર' લખી. આ ત્રણેય જોનરમાં સફળતા ના મળતા ડોયલે શેરલોક હોમ્સ અને ડૉ. જ્હોન વૉટ્સનને ચમકાવતી પહેલી નવલકથાની સિક્વલ લખી, 'ધ સાઈન ઓફ ફોર'. એ પણ નિષ્ફળ.

ત્યાર પછી ડોયલે ઘણાં બધા મેગેઝિનોમાં ટૂંકી વાર્તાઓ લખી, જે થોડે ઘણે અંશે સફળ રહી. આ દરમિયાન માર્ચ ૧૮૯૧માં ડોયલે એ વખતના જાણીતા 'સ્ટ્રેન્ડ' મેગેઝિનમાં શેરલોક હોમ્સને ચમકાવતી 'ધ વોઈઝ ઓફ સાયન્સ' નામની ટૂંકી વાર્તા લખી, જેમાં લોકોને રસ પડ્યો. એટલે 'સ્ટ્રેન્ડ'ના તંત્રીએ ડોયલને બીજી એક વાર્તા લખવાની ઓફર કરી અને જુલાઈ ૧૮૯૧માં તેમણે 'એ સ્કેન્ડલ ઈન બોહેમિયા' નામની ટૂંકી વાર્તા લખી. આ વાર્તા સુપરહીટ રહી. એ પછી ડોયલે જીવનમાં ક્યારે ય પાછું વળી જોયું નહીં અને શેરલોક હોમ્સે તો આજ દિન સુધી. ડોયલે અનેકવાર જાહેરમાં કબૂલાત કરી હતી કે, 'એડિનબર્ગ યુનિવર્સિટીમાં ડૉ. જોસેફ બેલ સાથેની યાદોમાં સાહિત્યિક કલ્પનાનું મિશ્રણ કરીને મેં શેરલોક હોમ્સનું પાત્ર ગૂંથ્યું હતું …' એવી જ રીતે, એક ડૉ. બેલને લખેલા એક પત્રમાં ડોયલ વિના સંકોચે લખે છે કે, 'શેરલોક હોમ્સ ખુદ તમે છો અને એ માટે હું તમારો ઋણી છું … '

પ્રો. હેનરી લિટલજ્હોન

ડોયલના 'શેરલોક હોમ્સ'માં ડૉ. જોસેફ બેલનું વ્યક્તિત્વ સૌથી વધારે ઝીલાયું એ વાત ખરી, પરંતુ આ પાત્રમાં બીજી પણ એક વ્યક્તિની છાંટ હતી. નામ એમનું, પ્રો. હેનરી લિટલજ્હોન. એ પણ ડૉ. બેલની જેમ સ્કોટિશ હતા અને એડિનબર્ગ યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સના પ્રોફેસર હતા. એ દિવસોમાં ભયાવહ અકસ્માતો, હત્યાઓ અને શંકાસ્પદ મૃત્યુના કેસોમાં પોલીસ પ્રો. લિટલજ્હોનની મદદ લેતી. તેમણે ફિંગરપ્રિન્ટ અને તસવીરી પુરાવાના આધારે જટિલ કેસ ક્રેક કરવાની પદ્ધતિઓ વિકસાવી હતી. પ્રો. લિટલજ્હોને સ્કોટલેન્ડના બહુચર્ચિત આર્ડલમોન્ટ મર્ડર કેસમાં પોલીસને ખૂબ મદદ કરી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, આલ્ફ્રેડ જ્હોન મોન્સોન નામના એક પ્રોફેસર અને તેમનો વીસ વર્ષીય વિદ્યાર્થી સેસિલ હેમબરો દસમી ઓગસ્ટ, ૧૮૯૩ના રોજ એક હન્ટિંગ ટ્રીપ પર ગયા. આ દરમિયાન સ્કોટલેન્ડના આર્ડલમોન્ટ હાઉસ નજીક સેસિલને માથામાં ગોળી વાગી અને તેનું મૃત્યુ થઈ ગયું. મામલો અદાલતમાં ગયો. આરોપી હતા, પ્રોફેસર મોન્સોન. તેમના વકીલોએ કહ્યું કે, ગોળી તો અકસ્માતે વાગી હતી. જો કે, મૃતકના પરિવારજનોએ તેને હત્યા ગણાવી. પોલીસ પર સત્ય બહાર લાવવાનું દબાણ હતું. છેવટે પોલીસે પ્રો. લિટલજ્હોનની મદદ લીધી. તેમણે સેસિલની માથામાં ગોળી ઘૂસવાની દિશા, ઘસરકા, ખોપડીને થયેલું નુકસાન, બળેલી ચામડી અને તેમાંથી આવતી ગંધ વગેરે ચકાસીને કહ્યું કે, આ હત્યા છે. અદાલતે સંતોષ ખાતર બીજા પણ એક નિષ્ણાતને બોલાવ્યા. એ હતા, ખુદ ડૉ. જોસેફ બેલ. તેમણે પણ પ્રો. લિટલજ્હોન સાથે સંમતિ દર્શાવી. જો કે, પોલીસ પુરાવા ભેગા ના કરી શકી અને પ્રો. મોન્સોન નિર્દોશ છૂટી ગયા, પરંતુ આ ઘટનાનો આધાર લઈને ડોયલે ડિસેમ્બર ૧૮૯૩માં 'ધ ફાઈનલ પ્રોબ્લેમ' વાર્તા લખી, જે ખૂબ લોકપ્રિય થઈ.

એ વાર્તામાં આર્થર કોનાન ડોયલે પ્રો. લિટલજ્હોનમાંથી પ્રેરણા લઈને શેરલોક હોમ્સને ચમકાવ્યો હતો. ડોયલે પોતાના સમયના અનેક સનસનીખેજ ગુનાઇત કૃત્યો, અદાલતી કાર્યવાહી, ફોરેન્સિક નિષ્ણાતો અને કાબેલ પોલીસ અધિકારીઓમાં કલ્પનાના રંગ ઉમેરીને શેરલોક હોમ્સ કેન્દ્રિત ૫૬ ટૂંકી વાર્તા અને ચાર નવલકથા લખી. ડોયલે ૧૯૨૭ સુધી ડિટેક્ટિવ-થ્રીલર સાહિત્યનું સર્જન કર્યું અને ૧૯૩૦માં હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું, પરંતુ શેરલોક હોમ્સ જીવશે ત્યાં સુધી ડોયલ પણ જીવતા રહેશે એ વાતમાં કોઈ શંકા નથી.

———-

સૌજન્યઃ “ગુજરાત સમાચાર”, ‘શતદલ’ પૂર્તિ, ‘ફ્રેન્કલી સ્પીકિંગ’

http://vishnubharatiya.blogspot.com/2018/10/blog-post_23.html

Loading

...102030...2,9982,9993,0003,001...3,0103,0203,030...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved