Opinion Magazine
Number of visits: 9579503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હરિ ના ય પાડતાં શીખો!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 September 2018

હૈયાને દરબાર

માણસની ઈચ્છાઓનો કોઈ અંત નથી એટલે જ કવિએ આ ગીતમાં અદ્દભુત વાત કરી છે કે હે ઈશ્વર, અમને તો આદત પડી ગઈ છે માગવાની, એમાં ય તારા જેવો ઉદાર મળી ગયો છે પછી પૂછવું જ શું ? એટલે હરિ, તું જરા થોભ અને આ માગણિયા માનવને ના પાડતાં શીખ

યુવાન કપલ સાગરમાં સહેલગાહ કરી રહ્યું હતું. અચાનક દરિયાઈ વાવાઝોડું ફૂંકાયું. બધાં ડરી ગયાં. પેલો યુવાન ફૂટડો છોકરો પણ ગભરાઈને બૂમ પાડવા માંડ્યો : "હે ભગવાન, મને બચાવો, હું સિગારેટ છોડી દઈશ, દારૂ છોડી દઈશ, જુગાર છોડી દઈશ …! સાથે આવેલી જુવાન પત્નીએ એને રોકતા કહ્યું કે, "રહેવા દે, હવે બીજું વધારે કંઈ છોડવાની જરૂર નથી. વાવાઝોડું શમી ગયું છે. “હેં ..! હાશ! એવા ઉદ્દગાર યુવાનના મુખેથી સરી પડ્યા. હાશકારો થતાં એણે સિગારેટ પેટાવી. ભગવાન બીજી જ ક્ષણે ભુલાઇ ગયા હતા!

આ વાત એટલા માટે યાદ આવી કે આપણને કંઇ તકલીફ આવે ત્યારે જ ભગવાનને યાદ કરીએ. બાકી, મિત્રો સાથે જલસા પાર્ટી કરતી વખતે, પત્તાં ટીચતી વખતે, મોજ-મજા કે પછી લગ્ન-મેળાવડાઓમાં ભાવતાં ૩૨ પકવાન જમતી વખતે ભગવાન આપણને યાદ આવે છે? ના. પરંતુ, પ્રેમમાં નિષ્ફળતા, ભણવામાં અસફળતા, ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિ, લગ્નજીવન ડામાડોળ, નોકરી જાય, સમસ્યાઓ વધી જાય અથવા અચાનક ટપકી પડે, એ વખતે આપણે ભગવાન પાસે દોડી જઈએ છે, બાધા-આખડીઓ રાખીએ છીએ અને યાત્રાધામો પર ચપ્પલ ઘસીએ છીએ. આપવાવાળો તો ઉપર બેઠો જ છેને? એટલે જેટલા મસ્કા મરાય એટલા એને મારી લેવાના.

છેલ્લા એકાદ મહિનાથી આપણે સૌ ભગવાનની ભક્તિ કરી રહ્યાં છીએ. શ્રાવણ મહિનો આવ્યો, પર્યુષણ પર્વ આવ્યું, ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. એમ ઈશ્વરની આરાધનાના દિવસો વીતી રહ્યા છે. ઈશ્વરની આરાધના આપણે કરીએ છીએ કેમ? કશુંક પામવા, કશુંક મેળવવા, કશુંક ઈચ્છવા, કશુંક પ્રાપ્ત કરવા. સહમત છો કે નહીં? ભગવાને માનવને કોઈ અધૂરપ આપી ન હોત તો કદાચ આપણે એને સાવ ભૂલી ગયાં હોત અથવા તો એના અસ્તિત્વને જ નકાર્યું હોત. ભગવાનનાં દર્શન કરવાં, પગપાળા યાત્રાએ જવું, વ્રત-તહેવારો કરવાં, યજ્ઞ અને હોમ-હવન કરવાં પાછળનું કારણ શું છે? ભગવાનને રીઝવવાનું.

આજના ગીતમાં કવિ તુષાર શુક્લ એટલે જ કહે છે કે હરિ ના ય પાડતા શીખો. એમને ખબર છે કે માણસની વૃત્તિ એવી છે કે એને ભગવાન ગમે તેટલું આપશે તો ય ઓછું જ પડવાનું છે. ઈશ્વરે માગ્યા વિના જ આપણને કેટલું બધું આપી દીધું છે! પ્રકાશ માટે આકાશ, સૂર્ય-ચંદ્ર-તારા, જીવતદાન આપતી મીઠાં જળની નદીઓ, વિશાળતા અને ગહનતાસૂચક ઘૂઘવતો સાગર, રક્ષણ કરવા અડીખમ ઊભેલા પર્વતો, જીવવા માટે અનિવાર્ય હવા, પાણી, પૂરતાં ખાદ્યાન્ન. તો ય મનુષ્યને આ બધું ઓછું પડે છે. અરે, મન પણ આપણું કેવું ચંચળ છે કે આજે ભગવાન પાસે માગ્યું ને એણે ઉદાર થઈને આપ્યું તો બીજા દિવસે આપેલી વસ્તુ અણગમતી થઈ જશે અને વળી પાછું બીજું કંઈક માગવાની વૃત્તિ પ્રબળ બનશે. કવિ કહે છે કે ભોજનમાં પણ જાતજાતની વાનગીઓ જોઈએ! એક કોળિયે તીખું તો બીજા કોળિયે મીઠું ખાવાની ઈચ્છા થાય. પરિવારજનોની સગવડ સચવાય એવી સાદી મારુતિ સુઝુકી હોય તો ય હોન્ડા સિટી લેવાનું મન થાય અને હોન્ડા હોય તો એમાં સ્ટેટ્સ ના લાગે! મર્સિડીઝ તો જોઈએ જ. ખપપૂરતું ભગવાને બધું જ આપ્યું હોવા છતાં બેસ્ટ બ્રાન્ડનાં કપડાં, ઇટાલિયન ફર્નિચર, છાકો પડી જાય એવાં અદ્યતન ઘરમાં રહેવાની લાલસા દરેકને હોય છે.

માણસની ઈચ્છાઓનો કોઈ અંત જ નથી એટલે જ કવિએ આ ગીતમાં બહુ સરસ વાત કરી છે કે હે ઈશ્વર, અમને તો આદત પડી ગઈ છે માગવાની, એમાં ય તારા જેવો ઉદાર અમને મળી ગયો છે. એટલે હરિ, તું જરા થોભ અને આ માગણિયા માનવને ના પાડતા શીખ. છેલ્લા અંતરામાં તો એમણે ખૂબ સરસ પંક્તિઓ આપી છે કે માંગવું હોય તો કેવળ શું માંગવું એનો વિવેક આપ. નીર-ક્ષીરનો ભેદ સમજાવ અને તીવ્ર ગતિએ દોડતાં મારા મનને બ્રેક લગાવ. હે ઈશ્વર, જે માંગીએ તે બધું આપી ન દે કારણ કે આ પામર મનુષ્યને શું માગવું એનુંય ભાન નથી. ઊલટું, ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાને બદલે અહંકારી અને મિથ્યાભિમાની થઈ સમાજમાં રોફ જમાવે છે. કેવી અનન્ય વાત કરી છે કવિએ આ કવિતામાં!

તુષાર શુક્લના વ્યક્તિત્વ જેવી જ સંવેદનશીલતા એમનાં કાવ્યોમાં પ્રગટે છે. કવિતાનો જાણે મધુર ગુંજારવ. આ જ સૌમ્યભાષી, મિતભાષી કવિ જ્યાં બોલવું અનિવાર્ય થઈ પડે ત્યાં બિન્દાસ થઈને કહી દે છે કે, હરિ હવે ના પાડતાં શીખો. ભાષાનું સૌંદર્ય તેમના સંચાલનમાં જેટલું નિખરે છે એનાથી કંઈકેટલું ય એમનાં કાવ્યોમાં સ્ફૂરે છે. તુષાર શુક્લ આકાશવાણી-અમદાવાદ રેડિયો પર ઉચ્ચ પદે કામ કરી ચૂક્યા છે. સુગમ સંગીતના કાર્યક્રમોનું અદ્દભુત સંચાલન કરે છે.

આ ગીતની સર્જનકથા વિશે કવિ તુષાર શુક્લ કહે છે, "આ ગીત પૂ. મોરારિબાપુની માનસકથાનું સંતાન છે. પૂ. બાપુની કથા હું ઘેર બેઠાં ટેલિવિઝન પર સાંભળું. એમાંથી જે વાત ગમી જાય એના પર તરત જ પદ લખીને બાપુને મોકલી દઉં. મારા આશ્ચર્ય વચ્ચે બીજે દિવસે બાપુ કથામાં એ મારું તાજું પદ રજૂ કરે. આ પ્રક્રિયામાં મને એવી મજા આવવા માંડી કે દરેક કથા દરમ્યાન બાપુએ રજૂ કરેલા વિચારોમાંથી કોઈ એક વિષય કે મુદ્દાને લઈને મેં કવિતા રચી છે. હવે ટેકનોલોજીને લીધે મોકલવાનું ય સરળ થઈ ગયું છે. કવિતા લખાય કે તરત આયોજકોમાંથી કોઈ એકને વોટ્સએપ પર મોકલી દઉં એટલે તરત એ બાપુ પાસે પહોંચી જાય. બાપુ બીજા દિવસે કથામાં એ રજૂ કરે અને મૂડ હોય તો ગાય પણ ખરા. આ ગીત પણ એ જ રીતે રચાયું હતું. આશિતભાઈને ગમ્યું હતું એ મને ખ્યાલ છે. પણ કમ્પોઝ થઈને કાર્યક્રમમાં રજૂ થયું એ મારે માટે ય સુખદ આશ્ચર્ય છે. બાપુનું વ્યક્તિત્વ બહુપરિમાણીય છે. એ પોતે હંમેશાં કવિ રાજેન્દ્ર શુક્લની કવિતાની પંક્તિઓ ટાંકીને કહેતા હોય છે કે "નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં, હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. પૂ. બાપુનું જ્ઞાન, એમની શ્રદ્ધા એમની રજૂઆતકળા એ બધાં વિશે આપણે વધારે શું કહી શકીએ? આશ્ચર્ય તો ત્યારે થાય કે દેશ-વિદેશના ભણેલા-ગણેલા, યંગ છોકરાઓ બાપુની કથામાં આવી બાપુ જે દિશામાં બેઠા હોય એ દિશાને દંડવત્ પ્રણામ કરતા હોય! બાપુ સાહિત્ય-સંગીતના ચાહક અને ભાવક છે, એટલે જ કવિ-લેખકો અને સંગીતકારોને સાથે રાખીને ચાલે છે. પૂ. બાપુનું કથાતત્ત્વ એટલું સબળ છે કે હવે તો કથા ઉપરથી થયેલાં ગીતોનો આખો સંગ્રહ થઈ શકે એટલી સામગ્રી મારી પાસે ભેગી થઇ છે. શીર્ષક અને ડિઝાઇન પણ તૈયાર છે. જો કે, આ ગીત તમારી કોલમ ‘હૈયાને દરબાર’માં રજૂ થશે તો ઘણાને નવાઇ લાગશે, કારણ કે અગાઉ એ ક્યાં ય ગવાયું તો છે જ નહીં, હજુ છપાયું પણ નથી કોઈ જગ્યાએ. એટલે મને આનંદ છે કે આ ગીત આજે ‘મુંબઈ સમાચાર’ના અસંખ્ય વાચકો સુધી પહોંચશે. કવિ તરીકે મારી જવાબદારી અહીં પૂરી થઈ જાય છે, પછી સંગીતકારને એ ગીત જે રીતે બનાવવું હોય એ રીતે બનાવી શકે. પણ તમે કહો છો એ મુજબ ગીત સુંદર જ બન્યું હશે. હેમાબહેનના માર્ગદર્શન હેઠળ સ્વર સખીઓએ આ ગાયું છે એટલે હું પણ આ ગીત સાંભળવા ઉત્સુક છું.”

પાંચ-છ મહિના પહેલાં સુગમ સંગીતનાં જાણીતાં કલાકાર હેમાંગિની દેસાઇ પાસે સંગીત શીખતી ‘સ્વર સખી’ઓનાં વૃંદ પાસેથી આ ગીત એક કાર્યક્રમમાં સાંભળ્યું ત્યારથી મનમાં વસી ગયું હતું. હેમાબહેન આ ગીત વિશે કહે છે કે, "છએક મહિના પહેલાં આ ગીત મારા એક વોટ્સએપ ગ્રુપ દ્વારા મળ્યું હતું. એ વખતે જ મને એ ખૂબ ગમી ગયું. કંઇક નવી વાત હતી એટલે તરત મેં આશિતને આ ગીત સ્વરબદ્ધ કરવા સૂચન કર્યું. દેવાવાળો તો એટલો ઉદાર છે કે ચપટી માગીએ તો દરિયો દઈ દે, પણ માગવાનું વિવેકભાન હોવું જોઈએ. આપણે તો ભગવાનને ‘થેન્ક યુ’ કહેવાં ય ઊભાં નથી રહેતાં. આ અનોખું ગીત તથા સુંદર-સરળ સ્વરાંકન અમારી ‘સ્વર સખી’ઓ દ્વારા ગવડાવવાનું નક્કી કર્યું, કારણ કે, ગીતનું હાર્દ કોરસમાં ખૂબ સરસ રીતે વ્યક્ત થાય છે. ઘણી બહેનો હવે ગુજરાતી સુગમ સંગીત શીખવા પ્રેરાય છે એ આનંદપ્રદ બાબત છે."

અગ્રગણ્ય સંગીતકારો પાસે ગુજરાતી ગીતો શીખનારની સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા બહુ વર્ષો પહેલાં કિન્નરી વૃંદની સ્થાપના થઇ હતી. હેમા દેસાઈનું ‘સ્વર સખી’ વૃંદ સુંદર ગુજરાતી ગીતો શીખી રહ્યું છે. સંગીતકાર સુરેશ જોશી સુગમ સંગીતનાં નાદબ્રહ્મ, સ્વર કોકિલા, સ્વર સપ્તક, સ્વર સંગત જેવાં ચાર ગ્રુપ મુંબઈમાં ચલાવે છે. ગુજરાતી સંગીતના પ્રસારનું કામ કશી હોહા વિના પૌરવી દેસાઈ, હંસા દવે પણ કરી રહ્યાં છે. આ કોલમ વાંચીને જુહુની ૧૬ બહેનોએ માત્ર ગુજરાતી ગીતો ગાવાનું જ ગ્રુપ શરૂ કર્યું છે. દક્ષા પટેલ અને વિપુલા ચોક્સીની આગેવાની હેઠળ આ બહેનો બે મહિને એક વાર ભેગાં થઈ ફક્ત માતૃભાષાનાં ગીતો ગાય છે અને સાંભળે છે. ગુજરાતમાં રાસબિહારી દેસાઈએ સૌપ્રથમ શ્રુતિ વૃંદની સ્થાપના કરી વૃંદગાન અથવા તો કોરસના મહાત્મ્યને પ્રસ્થાપિત કર્યું હતું. વૃંદ ગાન સંગીતનું અગત્યનું પાસું છે. પશ્ચિમના દેશોમાં કોરસ અથવા ક્વોયર મ્યુિઝક કે સમૂહગાન એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કોરસમાં ગાવું એ અઘરી કલા છે, કારણ કે એકસાથે અનેક સ્વરોનો સંયમ જળવાય તો જ એ સુરીલું લાગે. અવાજની રેન્જ જાણવા, અવાજ સુધારવા અને પર્ફોર્મન્સ કૌશલ્ય પ્રાપ્ત કરવા સમૂહગાન ગાવું એ સંતર્પક અનુભવ બની રહે છે. કોરસમાં એકસરખી બ્રીધિંગ પેટર્નને લીધે એ સ્વાસ્થ્યપ્રદ છે. સમૂહમાં ગાતી વખતે યોગ્ય રીતે ઊભા રહેવું કે બેસવું અને યોગ્ય શ્વસનક્રિયા દ્વારા ગીતને સમાન સ્તર ઉપર ગાવું એ નિતાંત આનંદદાયક અનુભૂતિ છે. ગુજરાતીઓનું પ્રાધાન્ય ધરાવતાં દરેક પરાંમાં આવાં ગ્રુપ શરૂ થાય તો સંભવ છે ગુજરાતી ગીતોનો સુવર્ણકાળ પાછો આવી શકે.

ફરી આ ગીત તરફ વળીને ફક્ત એટલું જ કહેવું છે કે કુદરતના કણ-કણમાં ઈશ્વરનો વાસ છે. બસ એટલું જ ધ્યાનમાં રાખી, હે મનુષ્ય! મંદિર-મસ્જિદ, ગુરુદ્વારા અને દેવળમાં અથડાવાને બદલે તું તારા દિલમાં દીવો કર અને ઈશ્વર પાસેથી જે મળ્યું છે એ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કર. છેલ્લે, નરસિંહ મહેતાની અદ્દભુત પંક્તિઓથી સમાપન કરીએ :

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી, પ્રગટ થાશે ..!

આજનું ગીત 

હરિ તમે ના ય પાડતાં શીખો !
માંગ્યા વિના ય કેટલું દીધું
સૂરજ ચંદર તારા 
મીઠા જળની સરિતા દીધી
ઘૂઘવે સાગર ખારા 
કદી કહ્યું નહીં અમને તમે તો
થોડું માંગો – ભીખો !
        હવે ના ય પાડતાં શીખો.

અમે માંગીએ મનનું ગમતું
તમે કહો કે તથાસ્તુ
આજ ગમે તે કાલ ગમે નહીં 
ગમતું રહે બદલાતું
એક કોળિયે ગળ્યો સ્વાદ ને
બીજે જોઇએ તીખો !
             હવે ના ય પાડતાં શીખો.
 
અાદત પડી ગઇ અમને એવી 
સાંભળ ઓ હરિ, મારા 
માગણ થઇને આંગણ જાવું 
મંદિર કે ગુરુદ્વારા 
ટેવ પડી ગઇ, દેવાવાળો 
મળ્યો છે તારા સરીખો.
          હવે ના ય પાડતાં શીખો.
 
તમે હવે ના કૃપા કરીને 
કષ્ટ અમારાં કાપો 
આપવું હો તો માંગવું શું નો 
વિવેક કેવળ આપો 
દોડવા માંગતા મનને કહો કે 
થોડું પહેલાં રીખો !
હરિ ના ય પાડતાં શીખો.     

**********                                          

• કવિ : તુષાર શુક્લ   • સંગીતકાર : આશિત દેસાઇ  • ગાયક કલાકારો: સ્વર સખી વૃંદ                                         

***********

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=439109

Loading

વિજય માલ્યાને નાસી જવામાં કોણે મદદ કરી હતી? વધુ એક પુરાવો; ટકોરાબંધ નકારી ન શકાય એવો

રમેશ ઓઝા|Opinion - Opinion|19 September 2018

આમ તો રાષ્ટ્રવાદીઓની સરકાર છે એટલે રાષ્ટ્રને નુકસાન પહોંચે એવું તો તેઓ કરે નહીં, પરંતુ પ્રમાણો અને પુરાવાઓ તેની વિરુદ્ધ આવે છે. આપણને વિચારતા કરી મૂકે કે જો દેશપ્રેમીઓ આવા હોય તો દેશદ્રોહી કેવા હશે! પ્રશાંત મહાસાગરમાં આવેલા પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતા ટાપુના શાસકોએ નીરવ મોદી નાસી ગયો એના ત્રણ મહિના પહેલાં શોધી કાઢ્યું હતું કે આ માણસ ઠગ છે અને તેને નાગરિકત્વ ન અપાય. ભારતમાં આવીને એ લોકો સત્ય જાણી ગયા અને ભારતના શાસકોને તેની જાણ નહોતી. ઊલટું નીરવ મોદી નાસી ગયો એના થોડા દિવસો પહેલાં સ્વિત્ઝરલૅન્ડમાં દાવોસ ખાતે નીરવ મોદી વડા પ્રધાન સાથે ગ્રુપ ફોટોમાં જોવા મળે છે.

જ્યારે આ સમાચાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત થયા એ જ દિવસે કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યાએ લંડનમાં ધડાકો કર્યો હતો કે હું ક્યાં નાસી ગયો છું. ભારત છોડતા પહેલાં હું (વિજય માલ્યા) નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો અને તેમને બેન્કોના દેવાંનું સેટલમેન્ટ કરવાની તૈયારી બતાવી હતી અને જણાવ્યું હતું કે હું આવતીકાલે લંડન જઈ રહ્યો છું. નાણા પ્રધાન કહે છે કે એ તો સંસદભવનની લૉબીમાં વાત થઈ હતી, કોઈ સત્તાવાર મુલાકાત નહોતી યોજાઈ. સંસદની લૉબીમાં કોઈ ચાલતા-ચાલતા માહિતી આપે કે ફલાણી જગ્યાએ ત્રાસવાદીઓ હુમલો કરવાના છે તો આપણા નાણા પ્રધાન તેને ગંભીરતાથી ન લે કારણ કે એ લૉબીમાં કહેવાયેલી વાત છે.

હવે ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ વધુ એક હકીકત ખોળી કાઢી છે. આમ તો ૯૮ ટકા મીડિયાને લીલોછમ ચારો આપીને વાડામાં પૂરી દીધાં છે, પરંતુ પાંચ-દસ બચ્યા છે જે ત્રાસ આપે છે. એ લીલું ઘાસ ખાતાં નથી અને લીલું-લીલું જોતાં નથી. કાંઈને કાંઈ શોધી કાઢે છે અને દેશભક્તિનો મૂડ બગાડી નાખે છે. જુઓ વિજય માલ્યાના નાસી જવા વિષે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ શું કહે છે. પુરાવાઓ સાથેની સ્ટોરી છે, ગળે ઊતરે તો ઠીક છે; નહીં તો ભક્તિ કરતાં ક્યાં કોઈ રોકે છે. પહેલાં ટૂંકમાં કેસ હિસ્ટરી.

વિજય માલ્યાએ ૨૦૦૩માં કિંગફિશર એરલાઇન્સની સ્થાપના કરી હતી. આવક કરતાં ખર્ચા વધુ હોવાના કારણે એરલાઇન્સ નુકસાન કરવા લાગી હતી અને ૨૦૧૨માં બંધ પડી ગઈ હતી. ભારતમાં હંમેશાં બને છે એમ જ્યારે કોઈનો કોઈ ધંધો પડી ભાંગે ત્યારે સાદી સમજ મુજબ તો એ ધંધાદારી ઊઠી જવો જોઈએ, પરંતુ આપણે ત્યાં સરકારી માલિકીની બેન્કો ઊઠી જાય છે. વિજયભાઈની એરલાઇન્સ ફડચામાં ગઈ એમાં વિજયભાઈની જગ્યાએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બીજી બેન્કો સાત હજાર કરોડ રૂપિયાના નુકસાનમાં આવી ગઈ.

આ બધું જ યુ.પી.એ. સરકારના સમયમાં બન્યું હતું. નરેન્દ્ર મોદી કહે છે એમ એક ફોન કોલ ઉપર લોન આપવામાં આવી હોય એ પણ શક્ય છે. યુ.પી.એ. સરકારના કાળાં કામોથી થાકી ગયેલી પ્રજાએ ૨૦૧૪માં તેને લાત મારીને પ્રામાણિકતા અને પારદર્શકતાનો દાવો કરનારા નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવ્યા હતા. શું અપેક્ષા હતી અને છે નરેન્દ્ર મોદી પાસેથી? એકેએક કૌભાંડીઓને જેલભેલા કરે. તેને મદદ કરનારા શાસકો અને સરકારી અધિકારીઓને પણ છોડવામાં ન આવે. તેમની સામે ઝડપથી મુકદમા ચાલે અને સજા કરવામાં આવે. સૌથી મોટી વાત; વ્યવસ્થામાં જેટલાં છીંડા છે એને વીણી-વીણીને બુરવામાં આવે.

નરેન્દ્રભાઈની મુદત પૂરી થવામાં છે, પણ આમાનું કાંઈ થયું? નથી કોઈ કૌભાંડીને પકડવામાં આવ્યો કે નથી કોઈ ભ્રષ્ટ ભૂતપૂર્વ શાસકને પકડવામાં આવ્યો. નથી કોઈ પર આરોપનામું ઘડવામાં આવ્યું કે નથી મુકદમો ચલાવવામાં આવ્યો. એક પણ છીંડુ બતાવો જે છેલ્લાં સાડા ચાર વરસમાં બુરવામાં આવ્યું હોય. ઊલટું ઊઠેલી બેન્કો વધારે મુશ્કેલીમાં આવી ગઈ છે અને ઉઠાડનારાઓમાંથી અડધો ડઝન નરેન્દ્ર મોદીના શાસનકાળમાં નાસી ગયા છે. આમાનું કાંઈ પણ કર્યા વિના દેશમાં રામરાજ્ય આવી જવાનું છે? માત્ર વાતો કરવાથી અને કૉન્ગ્રેસને ગાળો દેવાથી દેશમાં પરિવર્તન થવાનું છે?

તો ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના મંગળવારના અંકમાં પ્રકાશિત થયેલી સ્ટોરી એમ કહે છે કે સી.બી.આઈ.એ ૧૬મી ઓકટોબર ૨૦૧૫ના રોજ લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો જેમાં દેશભરના વિમાનમથકોને કહેવામાં આવ્યું હતું કે “પ્રિવેન્ટ સબજેકટ (ધેટ ઈઝ વિજય માલ્યા) ફ્રોમ લીવિંગ ઇન્ડિયા”. એ પછી ૨૪મી નવેમ્બર ૨૦૧૫ના રોજ વિજય માલ્યા દિલ્હી જાય છે અને એ જ દિવસે સી.બી.આઈ. લુક આઉટ સર્ક્યુલરમાં સુધારો કરે છે. શું કહેવામાં આવ્યું હતું નવા સુધારેલા લુક આઉટ સર્ક્યુલરમાં? “ઇન્ફોર્મ અસ ડાયરેક્ટલી. ડિટેન્શન ઓફ સબજેક્ટ (ધેટ ઈઝ વિજય માલ્યા) ઈઝ નોટ રિકવાયર્ડ.” વિજય માલ્યા દેશમાં પ્રવેશતા હોય અથવા દેશની બહાર જતા હોય તો અમને (સી.બી.આઈ.ને) જાણકારી આપવામાં આવે તેને આવતો-જતો રોકવામાં ન આવે.

૨૦૧૫ના નવેમ્બર મહિના સુધીમાં બેન્કોનું દેવું વ્યાજ સાથે નવ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું અને કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને મહિનાઓથી પગાર ચુકવવામાં નહોતો આવ્યો. એ દિવસોમાં એવો એક પણ દિવસ નહોતો જતો કે અખબારોમાં વિજય માલ્યા અને તેમની એરલાઇન્સ સમાચારોમાં ન હોય. કર્મચારીઓને પગાર નહીં ચૂકવનારા વિજય માલ્યા વૈભવી જીવન જીવે છે એ વિષે દેશમાં ચર્ચા થતી હતી ત્યારે માલ્યાએ વૈભવી જીવનશૈલીનો બચાવ કરનારું બેશરમ નિવેદન કર્યું હતું. આવી સ્થિતિમાં સી.બી.આઈ.એ તેનો લુક આઉટ સર્ક્યુલર હજુ વધારે સખ્ત કરવો જોઈતો હતો કે હળવો? કોના કહેવાથી એ સર્ક્યુલર માલ્યાને ફાયદો થાય એ રીતનો હળવો કરવામાં આવ્યો હતો અને એ પણ એ જ દિવસની રાતે જ્યારે માલ્યા દિલ્હીમાં હતો.

આ બાજુ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ દેણદાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને કાનૂની સલાહ આપવામાં આવે છે કે માલ્યાને વિદેશ નાસી જતો રોકવા માટે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવવામાં આવે. ત્રણ મહિના પહેલાં સી.બી.આઈ. લુક આઉટ સર્ક્યુલર હળવો કરે છે અને વિમાન મથકોને સ્પષ્ટ જણાવવામાં આવે છે કે માલ્યાને વિદેશ જતો રોકવામાં ન આવે. સવાલ એ છે કે શા માટે બેન્કે લુક આઉટ નોટિસ હળવી કરાઈ એની સામે વહેલાસર વાંધો ન લીધો? ૨૪ નવેમ્બરથી ૨૮મી ફેબ્રુઆરી વચ્ચે ૯૬ દિવસ બેન્કના અધિકારીઓ પાસે હતા. શું નવ હજાર કરોડ રૂપિયાની કોઈ કિંમત નહોતી?

પણ કલાઇમેકસ હવે આવે છે. ૨૮મી ફેબ્રુઆરીની કાનૂની સલાહ પર બેન્કના અધિકારીઓ અમલ નથી કરતા. બીજી માર્ચ ૨૦૧૬ના રોજ વિજય માલ્યા દિલ્હી જાય છે. સંસદભવન જાય છે, રાજ્યસભાના સભ્ય તરીકે મસ્ટરમાં સહી કરે છે અને સેન્ટ્રલ હોલમાં બીજા સંસદસભ્યો સાથે ચા પીવે છે. એ પછી માલ્યા નાણા પ્રધાન અરુણ જેટલીને મળે છે. (જેટલીના કહેવા મુજબ લૉબીમાં) અને પોતે લંડન જઈ રહ્યો છે એમ કહીને એ જ રાતે વિમાન પકડે છે. માલ્યા લંડન પહોંચી ગયો એ પછી સ્ટેટ બેન્ક તેને મળેલી કાનૂની સલાહ પર અમલ કરે છે. પૂરા ત્રણ દિવસ પછી. સર્વોચ્ચ અદાલત સરકારી વકીલને માલ્યાને વિદેશ જતો રોકવા માટે સરકાર શું કરી શકે એમ છે એવો સવાલ પૂછે છે ત્યારે સરકારી વકીલ અદાલતને કહે છે કે અમને એવા ખબર મળ્યા છે કે માલ્યા દેશ છોડીને નાસી ગયો છે.

એ ખબર અદાલતને નહોતી અપાઈ દેશને અપાઈ હતી. કોના કહેવાથી લુક આઉટ સર્ક્યુલર હળવો કરવામાં આવ્યો હતો? એ પણ એક દિવસ બહાર આવશે. દેશદ્રોહી મીડિયા શોધી કાઢશે. ત્યાં સુધી ચાલો આપણે દેશપ્રેમી મીડિયા સાથે ભારત માતા કી જયનો નાદ કરીએ.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 19 સપ્ટેમ્બર 2018

Loading

ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ

દીપક મહેતા|Opinion - Literature|18 September 2018

પ્રસ્તાવના

ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણીની શબ્દસૃષ્ટિનો પરિચય કરાવતા લેખોના આ સંપાદન વિષે લખતાં સૌથી પહેલાં બે અંગત વાતો યાદ આવે છે. ડૉ. શ્રીધરાણીને દૂરથી પણ કયારે ય જોયા હોય એવું યાદ નથી. પણ લેખક શ્રીધરાણીનો પહેલો પરિચય મુંબઇની ન્યૂ ઇરા સ્કૂલમાં ભણતો હતો ત્યારે થયો, અને એ પરિચય હતો નાટયકાર શ્રીધરાણીનો. અમે વિદ્યાર્થીઓએ ‘વડલો’ નાટક ભજવેલું. તેમાં આ લખનારને ભાગે ‘વડલો’નું પાત્ર ભજવવાનું આવ્યું હતું. લેખકે ‘વડલો’ને શોકપર્યવસાયી નાટક તરીકે ઓળખાવ્યું છે. પણ અમે ભજવ્યું ત્યારે તો એ કોમેડી બનતાં માંડ બચ્યું હતું. “વાયુરાજ આ માથું પ્રભુ સિવાય કોઇને નમ્યું નથી, અને નમશે નહીં” એ વડલાની ઉક્તિ પછી પવનના સૂસવાટામાં વૃક્ષોની ડાળીઓને એકબીજા સાથે અફળાવવા માટે બે બાજુની વિંગમાંથી બે મોટા પેડસ્ટલ ફેન ચલાવવાની યોજના હતી. પણ કોણ જાણે કેમ ખરે વખતે એ પંખા ચાલ્યા જ નહીં. સારે નસીબે જાતે હાથ હલાવીને ડાળીઓ અફળાવવાનું સૂઝી ગયું અને નાટક કોમેડી બનતાં બચી ગયું.

ડૉ. શ્રીધરાણી સાથેનો પહેલો ઋણાનુબંધ ‘વડલો’ નાટકમાંની ભજવણીમાં ભાગ લીધો તે, તો બીજો ઋણાનુંબંધ તેમના કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ વિષે એક લેખ લખ્યો અને મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળના ‘રશ્મિ’ નામના વાર્ષિકમાં એ છપાયો તે. ‘રશ્મિ’માં  કૉલેજના વિદ્યાર્થીઓનાં લખાણો ઉપરાંત આપણી ભાષાના અગ્રણી લેખકોનાં લખાણો પણ છપાતાં એટલે ‘રશ્મિ’ની શાખ સારી હતી. એટલે તેમાં ‘કોડિયાંનો કાવ્યપ્રકાશ’ લેખ છપાયેલો જોઇને જે અધધધ આનંદ થયેલો તે પછી કયારે ય થયો નથી. સમીક્ષા, અનુવાદ, સંપાદન, સંશોધનનાં ક્ષેત્રે જે થોડુંઘણું કે ઘણું થોડું કામ થઇ શક્યું છે તેનો આરંભ ‘કોડિયાંનો કાવ્યપ્રકાશ’ લેખથી થયેલો એ ભૂલી શકાય એમ નથી.

ડૉ. શ્રીધરાણીની શાખ આપણે ત્યાં મુખ્યત્વે કવિ તરીકેની છે, પણ તેમનું નાટયસર્જન પણ પહેલેથી છેલ્લે સુધી કવિતા લેખનની સમાંતર રહીને ચાલતું રહ્યું છે. તેમનું પહેલું નાટક ‘વડલો’ ૧૯૩૧માં પ્રગટ થયું. ‘સંસ્કૃિત’ના ઑકટૉબર ૧૯૫૬ના અંકમાં ‘મારે થવું છે (એકાંકી ઠઠ્ઠા પ્રહસન)’ છપાયું છે. ઘણા ‘મારે થવું છે’ને બાળનાટક ગણે છે. પણ ‘સંસ્કૃિત’માં બાળસાહિત્યની કૃતિઓ છપાતી? અપવાદ રૂપે છાપી હોય તો ઉમાશંકરે તે અંગે નોંધ ન મૂકી હોત? વચમાંનાં વર્ષોમાં ડૉ. શ્રીધરાણીએ ‘પીળાં પલાશ’, ‘બાળા રાજા’, ‘સોનાપરી’, જેવાં બાળકો માટેનાં નાટક આપ્યાં. બાળકો માટે ડૉ. શ્રીધરાણીએ વધુ લખ્યું હોત તો આજે આપણું બાળસાહિત્ય થોડું ઓછું રાંક લાગતું હોત. આ ઉપરાંત ‘મોરનાં ઇંડા’ જેવું સામાજિક ત્રિઅંકી નાટક અને ‘પદ્મિની’ જેવું ઐતિહાસિક ત્રિઅંકી નાટક પણ તેમણે આપ્યું. તો ‘પિયોગોરી’ પુસ્તકમાં તેમનાં દસ એકાંકી સંગ્રહાયાં છે. બંગાળના કે મહારાષ્ટ્રના લોકોના લોહીમાં નાટક અને રંગભૂમિ જેટલાં ભળી ગયાં છે એટલાં આપણા લોહીમાં ભળ્યાં નથી, એટલે ભજવાતાં કે છપાતાં નાટકોની આપણા વિવેચને ઝાઝી દરકાર કરી નથી. પણ ચન્દ્રવદન મહેતાએ શ્રીધરાણીનાં નાટકો વિષે કહ્યું છે તે સાવ સાચું છે. “આ કૃતિઓમાં અર્ક કાવ્યનો છે, મહેક નાટકની છે.”

દક્ષિણામૂર્તિની ભૂમિ એ ડૉ. શ્રીધરાણીની કવિતાની જન્મભૂમિ. સ્થૂળ અર્થમાં તો ખરી જ, પણ તેથી વધુ તો સૂક્ષ્મ અર્થમાં. જૂનાગઢની નવાબી નિશાળમાં નપાસ થઇને ભણવા આવેલો પંદર-સોળ વર્ષનો કિશોર એક સાંજે પ્રાર્થનામંદિરની અગાસી પર બેસીને શુક્રના તારા સામે તાકી રહ્યો છે. એકાએક કાવ્યપંક્તિઓ ટપકવા લાગે છે. છોકરો એ રચના ગુજરાતીના શિક્ષક ગિરીશભાઇને બતાવે છે અને શિક્ષક કહ્યા કારવ્યા વિના એ કૃતિ ‘કુમાર’ માસિકને મોકલી દે છે. છપાઇને આવે છે ત્યારે છોકરાની છાતી ગજગજ ફૂલે છે. પણ આપણે માટે થોડો ગૂંચવાડો ઊભો થાય તેમ છે: શ્રીધરાણીનું આ પહેલું કાવ્ય તે કયું ? ૧૯૩૪માં પ્રગટ થયેલી ‘કોડિયાં’ની પહેલી આવૃત્તિમાં અંતે ‘કાલક્રમિકા’ આપી છે તેમાં પહેલું કાવ્ય નોંધાયું છે તે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૨૭ના દિવસે લખાયેલું ‘હું જો પંખી હોત’. તેનો આરંભ “પ્રભુ પાથર્યા લીલમડા શા / ખેતર વાઢ મહીં વિચરું” એ પંક્તિઓથી થાય છે. પણ ‘કુમાર’ના જૂન ૧૯૨૭ના અંકમાં ૨૫૭મા પાના પર બાળવિભાગમાં શ્રીધરાણીના નામ વગર છપાયું છે તે કાવ્ય આ નથી, એ તો છે “તારા, તારા તારા જેવી / મીઠી મીઠી આંખ દે” એ પંક્તિઓથી શરૂ થતું કાવ્ય. આ કાવ્ય કોડિયાંની પહેલી આવૃત્તિમાં ૧૭૭મા પાને છપાયું છે. પણ ‘કાલક્રમિકા’માં તો તેની રચ્યા તારીખ ૨૪ એપ્રિલ ૧૯૨૮ આપી છે ! સંભવત: અહીં બે કાવ્યોની રચ્યા તારીખની અદલાબદલી થઇ ગઇ છે. જેનું શીર્ષક ‘કોડિયાં’માં ‘અભિલાષ’ છે તે “તારા, તારા તારા જેવી / મીઠી મીઠી આંખ દે”થી શરૂ થતું કાવ્ય ૧૯૨૭ના જૂન અંકમાં તો ‘કુમાર’માં છપાયું છે. એટલે તે ૧૯૨૮માં ન જ રચાયું હોય. ડૉ. શ્રીધરાણીના અવસાન પછી ઑગસ્ટ ૧૯૬૦ના કુમારના અંકમાં તેમને અપાયેલી અંજલિમાં લખ્યું છે: “તેમણે લખેલું કાવ્ય ‘તારા, તારા’ ‘કુમાર’ના છેક ૪૨મા અંકમાં પ્રગટ થયું, એ તેમનું પહેલું પ્રસિદ્ધ કાવ્ય. ત્યારથી આખર સુધી ‘કુમાર’ સાથેનો તેમનો સંપર્ક અખંડ રહ્યો હતો.” (પા. ૩૪૨). એટલું જ નહીં, ૧૯૫૨ના જાન્યુઆરીના ‘સંસ્કૃિત’ના અંકમાં પ્રગટ થયેલ લેખ ‘હું અને કવિતા’માં શ્રીધરાણીએ પોતે ‘તારા, તારા’ થી શરૂ થતા કાવ્યને પોતાના પહેલા કાવ્ય તરીકે અને ‘કુમાર’માં છપાયેલા પોતાના પહેલા કાવ્ય તરીકે ઓળખાવ્યું છે. પછી કહે છે “કવિજીવનની શરૂઆત આમ અભિલાષથી જ થઇ, અને એક કુમારની પહેલી કૂંપળ પ્રગટી. સન ૧૯૨૭ની વાત છે.” એટલે ‘હું જો પંખી હોત’ એ કાવ્ય શ્રીધરાણીનું પહેલું કાવ્ય નહીં, ‘તારા, તારા, તારા જેવી …’ થી શરૂ થતું કાવ્ય તે જ તેમનું પહેલું કાવ્ય.

યોગાનુયોગ એવો થયો છે કે ગુજરાતી કવિતામાં નવા યુગની નાન્દી જેવાં બે કાવ્ય ૧૯૫૬માં થોડા સમયને અંતરે લખાયાં છે. ૧૯૫૬ના ફેબ્રુઆરીની ૬ થી ૧૯ તારીખ દરમિયાન ઉમાશંકર જોશી ‘છિન્નભિન્ન છું’ લખે છે તો એ જ વર્ષના મેની ૧૯મીએ શ્રીધરાણી ‘આઠમું દિલ્હી’ કાવ્ય લખે છે. ૧૯૫૬ પછી ઉમાશંકરને જેટલો સમય મળ્યો તેટલો સમય શ્રીધરાણીને મળ્યો હોત તો તેમની કવિતાએ કેવાં કેવાં રૂપ બતાવ્યાં હોત અને આધુનિક કવિતાના ઘડતરમાં શ્રીધરાણીએ કેવો ભાગ ભજવ્યો હોત તેનો વિચાર કે વસવસો કરવાનો હવે અર્થ નથી.

શ્રીધરાણીના જીવન અંગેની એક ભૂલ ઘણા વખતથી જુદાં જુદાં પ્રકાશનોમાં જોવા મળે છે. તેમનાં પત્ની સુંદરીબહેનને દયારામ ગિડુમલનાં પુત્રી તરીકે ઓળખાવવામાં આવે છે. પણ દયારામ ગિડુમલ તો હતા ગોવર્ધનરામ ત્રિપાઠી અને નરસિંહરાવ દિવેટિયાના સમકાલીન. દયારામ ગિડુમલનો જન્મ ૧૮૫૭માં, અવસાન ૭૦ વર્ષની વયે, ૧૯૨૭માં. કૃષ્ણલાલ  શ્રીધરાણી  અને સુંદરીબહેનનાં લગ્ન થયાં ૧૯૫૦માં. આ શકય છે ? એવો વિચાર કોઇને કેમ નહીં આવતો હોય ? હકીકતમાં સુંદરીજી દયારામ ગિડુમલનાં પુત્રી નહીં, પણ દૌહિત્રી હતાં. અગાઉ અનેક વાર જે લખાયું હતું તે વિષે શંકા જતાં દિલ્હી રહેતાં જાણીતાં લેખિકા અને મિત્ર ડો. વર્ષા દાસને સાચી વાત જાણવા વિનંતી કરી. તેમણે સુંદરીબહેન પાસેથી સાચી વિગત મેળવી આપી.

ડૉ. શ્રીધરાણીનાં ગુજરાતી પુસ્તકો વિષે આપણે ગમે તેટલા ઉત્સાહથી વાત કરીએ તો પણ એ વાત અધૂરી જ છે. અંગ્રેજીમાં તેમણે સર્જનાત્મક કશું નથી લખ્યું. ૧૪ વર્ષ પછી લખાયેલું કાવ્ય ‘ઘરજાત્રા’ ‘કુમાર’ના ડિસેમ્બર ૧૯૪૮ના અંકમાં પ્રગટ થયું ત્યારે તેની સાથેની નાનકડી નોંધમાં કવિએ લખેલું : “અંગ્રેજીમાં અખબારી લખાણો લખ્યાં, ચોપડીઓ લખી, ને એનાં વખાણ પણ થયાં. પણ અંગ્રેજીમાં કવિતા – ખરી કવિતા ન લખી શકયો. પરભાષામાં એક પછી એક એમ તમે અનેક વિજયો મેળવી શકો, પણ કવિતાનો દુર્ગ તો અજેય જ રહેવાનો.” શ્રીધરાણીનું અંગ્રેજી લેખન ભલે સર્જનાત્મક ન હોય, સંગીન ઘણું જ છે. અંગ્રેજી પુસ્તકોની બાબતમાં શ્રીધરાણી કનૈયાલાલ મુનશીના અનુગામી છે. પણ બંનેનાં અંગ્રેજી પુસ્તકો વિષે આપણે ઝાઝી વાત કરતા નથી. ડૉ. શ્રીધરાણીના અવસાન પછી તેમને અંજલિ આપતા લેખમાં ગગનવિહારી મહેતાએ કહ્યું હતું તેમ “અમેરિકાનો લોકમત કેળવવામાં શ્રીધરાણીનો ફાળો કીમતી હતો. આપણા રાજયના નહીં, પણ સ્વતંત્ર થવા મથતા રાષ્ટ્રના એ એલચી હતા.”

વડલો તો સો વર્ષની આવરદા ભોગવ્યા પછી ધરાશાયી થયેલો. ‘વડલો’ના લેખકને તો તેનાથી માંડ અડધું જ આયુષ્ય મળ્યું. તેમની કૃતિઓ પણ ઢળી પડેલા વડના ટેટાની જેમ વિખરાયેલી, વિસરાયેલી, ક્યારેક વગોવાયેલી પણ, પડી હતી. જન્મશતાબ્દી નિમિત્તે ફરીથી એમની કૃતિઓ તરફ અભ્યાસીઓનું ધ્યાન ગયું. ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત સાહિત્ય અકાદમીએ ૨૦૧૧ના માર્ચમાં અમદાવાદમાં રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદનું આયોજન કર્યું. એ પરિસંવાદમાં જ ડૉ. કુમારપાળ દેસાઈએ આ પુસ્તક પ્રગટ કરવાની અને તેનું સંપાદન આ લખનારને સોંપવાની જાહેરાત કરી દીધી. તે વખતે ઇરાદો તો એવો હતો કે એ પરિસંવાદમાં રજૂ થયેલાં વક્તવ્યો પુસ્તાકાકારે મૂકી દેવાં. પણ પછી ભાવનગર અને ગુજરાતનાં બીજાં સ્થળોએ તથા મુંબઈમાં પણ શતાબ્દી નિમિત્તે કાર્યક્રમો થયા. તેમાંનાં કેટલાંક વક્તવ્યો પણ પુસ્તકમાં સમાવવાનો લોભ જાગ્યો. એટલે પુસ્તકનું પ્રકાશન ઠેલાતું ગયું. 

પુસ્તકનું સંપાદન કરતી વખતે જે ખાંખાખોળાં કર્યાં તે દરમ્યાન સામયિકોમાં પ્રગટ થયેલાં શ્રીધરાણીનાં અને શ્રીધરાણી વિશેનાં કેટલાંક લખાણો ધ્યાનમાં આવ્યાં. અગાઉ પુસ્તકરૂપે ન સંગ્રહાયેલાં આવાં લખાણો પણ આ ગ્રંથમાં સમાવી લેવાનું યોગ્ય લાગ્યું. પરિણામે ધાર્યા કરતાં પુસ્તકનું કદ થોડું વધી ગયું અને પ્રકાશનનો વિલંબ થોડો લંબાયો. પણ આ પ્રસંગે એ લખાણો ગ્રંથસ્થ નહીં થાય તો ભવિષ્યમાં ક્યારે થશે, એવી વિમાસણને કારણે એ લખાણો અહીં સમાવ્યાં છે. અલબત્ત, બધાં અગ્રંથસ્થ રહેલાં લખાણો અહીં મૂકી દીધાં હોવાનો દાવો નથી. વધુ ખાંખાખોળાં કરતાં આવાં બીજાં લખાણો પણ મળી આવે.

અહીં સમાવેલાં લખાણોને ત્રણ વિભાગમાં ગોઠવ્યાં છે. પહેલા વિભાગમાંનાં બધાં લખાણો શ્રીધરાણીની જન્મશતાબ્દી નિમિત્તે લખાયેલાં છે. શ્રીધરાણીના જીવન, વ્યક્તિત્વ, લેખન, પત્રકારિતા, વગેરેની ચર્ચા તેમાં જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ ડૉ. ધીરુભાઈ ઠાકર અને પ્રા. તખ્તસિંહ પરમારથી માંડીને પરેશ નાયક જેવા યુવાન અભ્યાસીઓએ મુક્ત મને અને ખુલ્લા દિલે કરી છે. દિલ્હીવાસી મિત્ર અને લેખિકા ડૉ. વર્ષા દાસને સુન્દરીબહેન શ્રીધરાણીની મુલાકાત લેવાની વિનંતી કરી અને તેમણે લીધેલી મુલાકાતને આધારે લખાયેલો લેખ આ પુસ્તક માટે મળ્યો તેનો સવિશેષ સંતોષ છે, બે કારણોથી. પહેલું તો એ કે ડૉ. શ્રીધરાણીના જીવન અને વ્યક્તિત્વ અંગેની કેટલીક નવી કે ઓછી જાણીતી વિગતો તેમાં બહાર આવી છે. બીજું, મુલાકાત વખતે સુન્દરીબહેને કેટલાક મૂલ્યવાન ફોટાની નકલો પણ આપી હતી. તેમાંથી કેટલાક ફોટા અહીં સમાવ્યા છે. આ પુસ્તક માટે વર્ષાબહેને મુલાકાત લીધી તે પછી થોડા વખતમાં ૯૩ વર્ષની વયે સુન્દરીબહેનનું અવસાન થયું. જો આ મુલાકાત ન લેવાઈ હોત તો આ બધું આપણે કાયમ માટે ગુમાવ્યું હોત. બીજા વિભાગમાં શતાબ્દી પહેલાં સામયિકોમાં પ્રગટ થયેલાં શ્રીધરાણી વિશેનાં કેટલાંક લખાણો સમાવ્યાં છે, તો ત્રીજા વિભાગમાં શ્રીધરાણીનાં પોતાનાં અગ્રંથસ્થ ગદ્ય લખાણો મૂક્યાં છે.

આ પુસ્તક માટે લેખો લખી આપનાર સૌ લેખકોનો આભારી છું. શ્રીધરાણીનાં અગ્રંથસ્થ લખાણો અહીં સમાવવાની અનુમતિ આપવા માટે તથા બીજી ઘણી રીતે મદદરૂપ થવા માટે અમરભાઈ કૃષ્ણલાલ શ્રીધરાણીનો અને તેમનાં બીજાં કુટુંબીજનોનો પણ ખાસ આભાર માનવો જોઈએ. આ પુસ્તકના સંપાદનની જવાબદારી મને સોંપવા માટે ગુજરાત સાહિત્ય સભાનો અને તેના પ્રમુખ કુમારપાળભાઈનો ખાસ આભારી છું. ગુજરાત સાહિત્ય સભાએ ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક ડૉ. શ્રીધરાણીને આપવાની જાહેરાત કરી તે પછી થોડા વખતમાં જ તેમનું અણધાર્યું અવસાન થયું. એ જ ગુજરાત સાહિત્ય સભા જન્મશતાબ્દી નિમિત્તે આ પુસ્તક પ્રગટ કરે છે તે એક સુખદ યોગાનુયુગ જ ગણાય. સાહિત્યપ્રેમીઓને આ પુસ્તક થોડેઘણેઅંશે પણ સંતોષ આપી શકશે એવી આશા છે.

[૨૦૧૨માં પ્રગટ થયેલ પુસ્તક 'શ્રીધરાણીની શબ્દસૃષ્ટિ'ની પ્રસ્તાવના]

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...2,9952,9962,9972,998...3,0103,0203,030...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved