Opinion Magazine
Number of visits: 9685789
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ઈઝરાયલી

હરનિશ જાની|Opinion - Opinion|5 November 2018

એરન ઈઝેકલ, ઈઝરાયલી હતો. ઘડાયેલું, બેઠી દડીનું શરીર હતું. ઉપરથી મોટા કપાળવાળો ચહેરો તેને બીજા વર્કરથી જુદો પાડતા. ઉપર ઉપરથી ઈઝરાયલી ઢીલા લાગે; પણ અંદરથી ખૂબ કઠણ–મક્કમ હોય છે. જ્યારે એરન તો નખશીખ લડવૈયો લાગતો. ન્યુ યોર્કની, બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ કંપનીમાં મારી સાથે એ કામ કરતો હતો. હું તેનો સુપરવાઈઝર હતો. તે દરેક કામ દોડી દોડીને કરતો. તેથી સૌને ગમતો; પણ મને ન ગમતો.

વિક્રમ વૈતાળની વાર્તાઓમાં, આવતા બાબરા ભૂતની જેમ તે મારી પાસે આવી કહેતો, ‘જાની, વર્ક ડન. ગીવ મી મોર વર્ક’ મતલબ કે, ‘મને બીજું કામ આપ.’ તેણે કલર–શૉપમાંથી કલર લાવી અને જુદાં જુદાં મશિનો પર ઓર્ડર પ્રમાણે ગોઠવી દેવાના. એ તેની જવાબદારી હતી. એ કામ તે બહુ ચોક્કસાઈથી અને ચપળતાથી કરતો. કદીએ ભૂલ થઈ નહોતી. કામ પૂરું થયા પછી, બીજા વર્કરની જેમ ટોળટપ્પાં ન કરતાં; મારી પાસે વધુ કામ માંગતો. તો જેનું કામ પૂરું ન થયું હોય તેને મદદ કરવા માટે તેને પૂછતો.

અમેરિકાની મઝા એ છે કે અહીં દુનિયા આખીની પ્રજા વસી છે. તેમાં પણ અમારી ટેક્સટાઈલ પ્રિન્ટીંગ કંપની તો જાણે યુનાઈટેડ નેશન્સ! મારા ગ્રુપમાં એક સાઉદી અરેબિયાનો બાલુચી નામનો આરબ પણ કામ કરતો હતો. કહેવાની જરૂર નથી કે એરનને બાલુચી દીઠો નહોતો ગમતો. અને બાલુચીને એરન નહોતો ગમતો. મારું કામ કુસ્તીના રેફરી જેવું ન બને એટલે મેં સરકસના રીંગ–માસ્ટર જેવું બનાવી દીધું હતું. વાઘ, સિંહને ભેગા થવા જ દેતો નહોતો! તેમ છતાં બન્નેમાં એક સામ્ય હતું. બન્ને વરસાદથી બીતા હતા. એકાદ ઈંચ વરસાદ પડતો હોય તો બન્નેના ફોન આવી જાય કે, ‘જાની, ઈટ ઈઝ રેઈનીંગ. હાઉ કેન આઈ કમ?’ હવે એટલા વરસાદમાં તો કોઈ ઈન્ડિયન છત્રી પણ ન ખોલે! ઉઘાડે માથે જાય!

એરન ઈન્ટેિલજન્ટ હતો; પણ તેને ઈંગ્લિશના લોચા હતા. તે એક દિવસે મારી પાસે આવ્યો, ‘જાની, આ ‘રાઈટાવે’ એટલે શું? બીજો સુપરવાઈઝર ચાર્લ્સ મને કાંઈ કામ આપે છે અને પછી કહે છે, ‘રાઈટાવે’. મેં એને સમજાવ્યું, ‘રાઈટાવે, એટલે ‘રાઈટ અવે’ – ‘હમણાંને હમણાં.’ તે દિવસે મને સમજાયું કે આ ઈઝરાયલી પોતાના લંચ–બ્રેકમાં હીબ્રુ ભાષાનું ન્યુઝ પેપર જ કેમ વાંચ્યા કરે છે.

અમારા પ્લાંટનાં મશીનોના અવાજથી બચવા કારીગરો મારી એર કન્ડિશન્ડ ઓફિસમાં પોતાનું ફૂડ ખાવા આવતા. ત્યારે એરન અને બીજાઓ સાથે અલકમલકની વાતો થતી. તે અમેરિકા વિશે મારા કરતાં વધુ જાણતો. તે જાણે જ ને! ઈઝરાયલનું અસ્તિત્વ જ અમેરિકાને આભારી હતું.

સુપરપાવર દેશ પાસે શસ્ત્રો હોય, પૈસા હોય; પરંતુ તેનાથી વધારે તેમના લોકોનું કેરેક્ટર–ચારિત્ર્ય હોય છે. અને આ ‘કેરેક્ટર’ એટલે ‘સ્વભાવ.’ દાખલા તરીકે જો સ્વચ્છતાનો સ્વભાવ કેળવીએ, સમજીએ અને જીવનભર, દરરોજ જ તેમ કરતા રહીએ તો તે ટેવ, ‘કેરેક્ટર–ચારિત્ર્ય’માં ફેરવાઈ જાય. અને એ સ્વચ્છતાનો ગુણ વ્યક્તિમાં આવી જાય અને આવી જ રીતે ‘પ્રામાણિકતા’ પણ વ્યક્તિમાં આવી જાય. આવા જુદાજુદા ગુણ, દેશની દરેક વ્યક્તિમાં આવે તો પછી દેશનું ‘કેરેક્ટર’ ઘડાય.

તે દિવસે હું સેકન્ડ શિફ્ટમાં હતો. એરન એ બપોરે આવ્યો હતો, કામ કરવા. રાતે ૧૧ વાગે એ છૂટવાનો હતો. તે એના બ્રેક ટાઈમમાં રોજની જેમ જ મારી એરકન્ડિશન્ડ ઓફિસમાં સેન્ડવીચ ખાવા આવ્યો હતો. મેં પણ સાથે મારી વેજિટેરિયન સેન્ડવીચ કાઢી. અમે બન્ને વાતોએ વળગ્યા. બાજુમાં રેડિયો વાગતો હતો. રેડિયો પર ન્યુઝ બુલેટિન આવ્યું. તેમાં ન્યુઝ આવ્યા કે, ઈજીપ્તે, ઈઝરાયલ સામે વોર ડિક્લેર કરી છે, (સમય હતો. ઓકટોબર ૧૯૭૩નો) અને ઈજિપ્શિયન ફોર્સીસ ઈઝરાયલ તરફ આગળ વધી રહી છે. એરને અને મેં આ સમાચાર સાથે જ સાંભળ્યા.

એરને સેન્ડવીચ બાજુએ મૂકી દીધી અને દોડ્યો લોકર રૂમ તરફ. તેણે કપડાં બદલી નાખ્યાં અને મારી ઓફિસમાં આવ્યો. મને કહે, ‘જાની, હું ચાલ્યો. મને રજા આપી દે.’ મને કાંઈ સમજ પડે તે પહેલાં કહે કે, ‘હું જાઉં છું ઈઝરાયલ.’ મેં પૂછ્યું, ‘કેમ?’ તો એરન કહે, ‘તેં ના સાંભળ્યું કે ઈઝરાયલ, ઈજિપ્ત સાથે વૉરમાં સપડાયું છે? અને હું ઈઝરાયલી છું. અમારું આર્મી ખૂબ નાનું છે. તેને મારી જરૂર છે. તને ખબર છે કે અમારા બધા જ નાગરિકોનું રિઝર્વ આર્મી છે? અમારા દેશના બધા નાગરિકો અમારા આર્મીના સોલ્જર્સ છે. લેડીઝ પણ તેમાંથી બાકાત નથી. અમારે ત્યાં 17થી 49 વરસના દરેકને માટે મિલિટરી ટ્રેનિંગ ફરજિયાત છે. પોલિટિશિયનોને માટે પણ.’ મેં તેને સલાહ આપી કે, ‘સવારે જજે.’ એરનનું કેરેક્ટર મારા ગુજરાતી મગજમાં પેસે એમ નહોતું. તે તરત જ બોલ્યો, ‘હમણાં જ હું એપાર્ટમેંટ ઉપર જઈશ અને ત્યાંથી હું રાતની ફ્લાઈટમાં નીકળું તો સવારે તો હું તેલઅવીવ પહોંચી જઈશ.’

આ અગાઉ મેં આવો દેશપ્રેમ કદી જોયો નહોતો. ભારતના વીસ લાખના લશ્કરમાં મારા ગરવી ગુજરાતના બેપાંચેક હજાર પણ સૈનિકો હશે કે? મેં ગુજરાતીઓને તો પોલીસમાં જ ભરતી થતા જોયા છે. અમારા ગામનો મનુ ગંજેરી પોલીસ થયો હતો. તે પણ જ્યારે તેને ખબર પડી કે સરકાર યુનિફોર્મની સાથે પોલીસને સિગારેટ પણ આપે છે ત્યારે જ તે જોડાયો હતો. આ વાત ૧૯૫૫ની છે. આનાથી વધુ દેશભક્તિ મેં કદી જોઈ નહોતી. અને અહીં, આ એરનનો બનાવ! હવે આ વાતને વરસો વીતી ગયાં. પણ હું ભૂલી શક્તો નથી. આને કહેવાય ‘કેરેક્ટર–ચારિત્ર્ય’. હવે આ દેશને –ઈઝરાયલને લાખો આરબો પણ કદી હરાવી શકે કે?

‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.’

આવું વરસોથી સાંભળ્યું હતું; પણ મેં જોયું આજે.

લખ્યા તા. February 14, 2018

હરનિશ જાનીની 393મી તા. 2018-02-04ની ‘સ.મ.’માં અમે લખેલું :

‘હરનિશભાઈ હાલ તેમના આગામી ગ્રંથ માટે ‘હાસ્ય–ચરિત્રો’ લખવામાં વ્યસ્ત છે .. આગામી દિવસોમાં એમનું એ પુસ્તક ‘હાસ્ય–ચરિત્ર’ પ્રકાશિત થઈ રહ્યું છે .. તેમાંનો આ એક નવો લેખ તે ‘મીસ્ટર રે લા–શપેલ’. શરૂઆતથી જ ‘સ.મ.’ના જબરા ચાહક અને સાચા સમર્થક રહેલા ભાઈ હરનિશ જાનીએ, ‘સન્ડે ઈ.મહેફીલ’ માટે જ આ લેખ, સ્નેહથી લખી મોકલ્યો તે બદલ તેમનો ખૂબ આભાર ..’

●●●

આવું, એમની 393મી તા. 2018-02-04ની ‘સ.મ.’માં અમે લખેલું. તેઓ કહેતા કે હું જીવનમાં એવાં એવાં પાત્રોને મળ્યો છું કે વર્ષો પછી પણ તેઓ મારો પીછો જ નથી છોડતાં. મારા મગજમાં તેમનું ચિત્ર, વર્તન, સ્વભાવ હજી વર્ષોથી અટવાય, અથડાય, મારી અડફેટે ચડે. મારે એમને મારા લેખોમાં ઉતારવાં છે. અમારા વારંવારના અતિશય ઘોંચપરોણાથી તેમણે થોડાંક પાત્રો વિશે લખ્યું. ‘મારા દાજીબાપુ’ પછી ‘વ્યાસસાહેબ’, ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’, ‘હાર્વી વિલિયમ્સ’, ‘એક ઈઝરાયલી’ વગેરે તેમના લેખો આ શ્રેણીના છે. લખીને તેઓ પહેલાં મને મોકલતા.

ત્યાં તો ત્રણ મહિના ચાલેલી ગંભીર માંદગીમાં તેઓ સપડાયા. આમ, વારંવાર હૉસ્પિટલમાં દાખલ થવાની તો તેમને નવાઈ ન હતી. તેઓ ઘણીવાર કહેતા : ‘મારું શરીર રોગોની ધર્મશાળા છે.’ પણ આ વેળા આ એમની માંદગી છેલ્લી નીવડી અને તે એમને સાથે લઈને જ ગઈ તા. 20-08-2018ના દિવસે. આવા સુહૃદ અંતરંગ મિત્રને ગુમાવતાં દિલનો એક ખૂણો જાણે ખાલી થઈ ગયો !

આ સિરીઝનો, મને મળેલો આ છેલ્લો લેખ! શી ખબર, એવા કેટલાયે લેખ એમના લેપટૉપમાં આદરેલા અધૂરા હજીયે પડ્યા હશે! એ તો મળે ત્યારે ખરા; પણ અમે એમના જૂના ખજાનામાંથી એમની કલમપ્રસાદી અવારનવાર પીરસતા રહીશું અને એમને યાદ કરતા રહીશું .. આપણ સૌની સલામ, હાસ્યના આ બેતાજ બાદશાહને ..! 

2011માં ઉજવાયેલી હરનિશભાઈની 70મી જન્મજયન્તી નિમિત્તે, અમે તેમના મહેમાન હતાં. તે વહાલાદરની વર્ષા રેલાવતા સુહૃદોથી ઉભરાતા ભવ્ય સમારમ્ભમાં હાજર રહેવાનું સૌભાગ્ય અમને સાંપડેલું. તે પળની એક ભાવપૂર્ણ તસ્વીર નીચે ..

— ઉત્તમ.મધુ ગજ્જર અને સમ્પાદકો

♦●♦

સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 413 – November 11, 2018

Loading

ઊંચે ઊંચે જવામાં

પંચમ શુક્લ|Poetry|5 November 2018

મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે.

ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
સ્પર્શ સંવેદના ય કયાંય ઊંચે જશે!

પુષ્પની મ્હેક કિવાં સર્પના દંશથી,
રકતનો ચાપ એક માન ઊંચે જશે.

માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
આપણાં યુગ્મનો ય ન્યાસ ઊંચે જશે.

ખેર! એ પળ તણી ય રાહ પણ ઈષ્ટ છે,
રાહ સંદિગ્ધ છે તો ચાહ ઊંચે જશે!

e.mail : spancham@yahoo.com

Loading

ચાઈનીઝ ફૂડ, ઇન્ડિયન સ્ટાઈલ: સ્વિટ કોર્ન સૂપ, ચાઈનીઝ સમોસાં અને સ્પ્રિંગ રોલ

વિશાલ શાહ|Opinion - Opinion|5 November 2018

ભારત અને ચીનની સંસ્કૃિત એકબીજાથી ખાસ્સી જુદી. એમાં ય બંને દેશની ખાણીપીણીની રીતરસમ તો બિલકુલ અલગ. ચીનનાં ભોજનની વાત આવે એટલે આપણી નજર સામે એવું એવું દેખાય કે જે ગુજરાતીઓ સપનામાં પણ ખાવાનું વિચારી ના શકે. આમ છતાં, આજે ય ગુજરાત સહિત આખા દેશમાં સૌથી વધુ વેચાતું વિદેશી ફૂડ હોય તો તે છે, ચાઈનીઝ. દિલ્હીથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી ફાઈવ સ્ટાર હોટેલો, નાની-મોટી રેસ્ટોરન્ટ્સ અને લારીઓનાં મેન્યૂમાં વેજ કે નોન-વેજ ચાઈનીઝ ફૂડ સરળતાથી મળી જાય છે. ગુજરાતીઓનાં તો લગ્નોમાં પણ સ્વિટ કોર્ન, હોટ એન્ડ સોર કે ચો મીન સૂપ, નુડલ્સ, ચાઈનીઝ કે અમેરિકન ચોપ્સી, મન્ચુિરયન અને ચુન જુઆન (સ્પ્રિંગ રોલ) સામાન્ય થઈ ગયાં છે. હા, ચાઈનીઝ સમોસાં અને કટલેટ પણ ખરાં. આ બંને તો કોઈ ગુજરાતી રસોઇયાનું સર્જન હોવું જોઈએ! જો કે, આ બધું જ ઓથેન્ટિક ચાઈનીઝ ફૂડ નહીં હોવાથી ફૂડ એક્સપર્ટ તેને ઇન્ડિયન ચાઈનીઝ કે ઇન્ડો-ચાઈના કેટેગરીમાં મૂકે છે.

સવાલ એ છે કે, ચીનમાં ક્યાં ય જોવા નહીં મળતી અને આખાયે ભારતમાં જોવા મળતી ચાઈનીઝ વાનગીઓનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો હશે! દુનિયાના કોઈ પણ પ્રદેશના ભોજનની રીતભાતો સાંસ્કૃિતક આદાનપ્રદાનથી જ વિકસતી હોય છે, જેને આપણે ફૂડ કલ્ચર કહીએ છીએ. આ ફૂડ કલ્ચર નાનોસૂનો શબ્દ નથી. ખાણીપીણીની સંસ્કૃિત ખુદ એક ઇતિહાસ છે. ભારતમાં પણ ચાઈનીઝ ફૂડ સાથે સમૃદ્ધ રાજકીય અને સામાજિક ઇતિહાસ જોડાયેલો છે. આપણે ત્યાં ચાઈનીઝ ફૂડ ખાવાની શરૂઆત ૧૮મી સદીના કોલકાતા(એ વખતનું કલકત્તા)માં થઈ હતી. અંગ્રેજોએ કોલકાતામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયન કંપનીનું થાણું શરૂ કરીને ભારત જ નહીં, ચીન સાથે પણ વેપાર શરૂ કર્યો, એ પછી તેનાં બીજ રોપાયાં. અંગ્રેજ વેપારીઓ ચા અને સિલ્ક જેવી ચીજવસ્તુઓ વાયા કોલકાતા બ્રિટન મોકલતા.

ફ્રોમ ચાઈના, વિથ લવ

આ દરમિયાન ઈ.સ. ૧૭૭૮માં ચીનનો યાંગ એચ્યુ નામનો વેપારી કોલકાતા આવ્યો. તેણે એક વેપારી કરાર હેઠળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાના ગવર્નર વૉરન હેસ્ટિંગ્સને ચાનો બહુ મોટો જથ્થો આપીને હુગલી નદીના કાંઠે ૬૫૦ વીઘા જમીન મેળવી. એ જમાનામાં આટલી જમીનનું ભાડું હતું, વાર્ષિક રૂ. ૪૫. યાંગ એચ્યુએ ત્યાં સુગર મિલની સ્થાપના કરી. ત્યાર પછી સ્થાનિકોમાં તે 'આચિ સાહેબ' તરીકે જાણીતો થયો અને આ વિસ્તારનું નામ પડ્યું, આચિપુર. હાલના પશ્ચિમ બંગાળમાં દક્ષિણ ૨૪ પરગણાં જિલ્લાના બજ બજ નામના નગર નજીક આચિપુર નામનું ગામ આવેલું છે, જ્યાં આજે ય એક ચાઈનીઝ શૈલીનું મંદિર અને યાંગ એચ્યુની કબર છે. બ્રિટિશરો સાથે વેપાર કરવા યાંગ એચ્યુ ચીનથી થોડા ઘણા મજૂરો પણ લાવ્યો, અને પછી તો ચીનના ઘણા કામદારો બજ બજમાં આવીને વસ્યા. આ નગર સાથે બીજી પણ એક મહત્ત્વની ઐતિહાસિક તવારીખ જોડાયેલી છે. ઈ.સ. ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ શિકાગોનું પ્રખ્યાત ભાષણ કરીને જળ માર્ગે પરત ફર્યા ત્યારે બજ બજના ફેરી ઘાટ પર ઊતર્યા હતા.

ભારત સરકારના વસતી વિષયક આંકડા પ્રમાણે, કોલકાતામાં ૧૯૦૧માં ૧,૬૪૦ ચાઈનીઝ વસતા હતા. બીજા વિશ્વ યુદ્ધના અંત પછી આ આંકડો આશરે ૨૭ હજારે પહોંચ્યો. આજે ય કોલકાતામાં આશરે બે હજાર ચાઈનીઝ વસે છે. ચીનના લોકો મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળતા, પરંતુ સદીઓ પહેલાં કેટલાકે ખ્રિસ્તી ધર્મ પણ અપનાવ્યો હતો. આ પ્રકારના સાંસ્કૃિતક આદાનપ્રદાનનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે, કોલકાતાનું 'નામ સૂન' નામનું ચાઈનીઝ ચર્ચ. ભારત અને ચીનનાં ભોજનમાં થયેલું સાંસ્કૃિતક આદાનપ્રદાન સમજવા એ જાણવું જરૂરી છે કે, ચીનના કયા પ્રદેશોના લોકો કોલકાતા આવીને વસ્યા હતા? જવાબ છે, ચીનના ગુઆંગઝાઉ ઉર્ફ કેન્ટોન પ્રાંતના સુથારો, હક્કા હાન (હક્કા લોકો બનાવતા હતા એ હક્કા નુડલ્સ આજે ય દુનિયાભરમાં લોકપ્રિય છે) વંશના જૂતાના કારીગરો અને ચામડાના વેપારીઓ, હુબેઈ પ્રાંતના દાંતના તબીબો અને શેડોંગ પ્રાંતના સિલ્કના કારીગરો. આ તમામ પ્રાંતના લોકો તેમની સાથે પોતપોતાની વાનગીઓ અને ખાણીપીણીની રીતભાતો લઈને આવ્યા. ચીન પણ ભારતની જેમ સમૃદ્ધ સંસ્કૃિત ધરાવે છે અને ત્યાં પણ ભારતની જેમ દરેક પ્રાંતનું આગવું ફૂડ કલ્ચર છે.

યાંગ એચ્યુએ કોલકાતામાં આચિપુરમાં બનાવેલું મંદિર, જ્યાં તેણે વતનથી સાથે લાવેલી બે મૂર્તિની સ્થાપના કરી હતી. તેનું મૂળ નામ યાંગ દાઝાઓ હતું, પરંતુ અપભ્રંશ થયા પછી તે યાંગ કે તોંગ એચ્યુ અને પછી ‘આચિ સાહેબ’ તરીકે જાણીતો થયો હતો

આચિપુર નજીક યાંગ એચ્યૂની કબર

ચીનના લોકો સદીઓ પહેલાં પોતાની સાથે ચાઈનીઝ વાનગીઓ લઈને આવ્યા, પરંતુ ભારતની પહેલી ચાઈનીઝ રેસ્ટોરન્ટ કોલકાતામાં છેક ૧૯૨૪માં ખૂલી. નામ એનું નાનજિંગ ચાઈનીઝ રેસ્ટોરન્ટ. એ પછી આ રેસ્ટોરન્ટ બંધ પણ થઈ ગઈ, પરંતુ વિક્ટોરિયન શૈલીનું સ્થાપત્ય ધરાવતી બે માળની આ ઐતિહાસિક  રેસ્ટોરન્ટની આસપાસ ડિસેમ્બર ૨૦૧૩માં કચરાના ઢગ ખડકાયા ત્યારે મીડિયાએ તેની ભરપૂર નોંધ લીધી. રાજ કપૂર, દીલિપ કુમાર અને સુનિલ દત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓ પણ ચાઈનીઝ ફૂડની લિજ્જત માણવા નાનજિંગની મુલાકાત લેતા. ચાઈનીઝ ફૂડના શોખીન બંગાળીઓ સહિત ભારતના અન્ય પ્રદેશોના ઉચ્ચ વર્ગીય પરિવારો યુરોપિયનોની પણ તે પ્રિય રેસ્ટોરન્ટ હતી. એ પછી પશ્ચિમ બંગાળથી લઈને દેશની આર્થિક રાજધાની મુંબઈ સુધી સંખ્યાબંધ ચાઈનીઝ રેસ્ટોરન્ટ ખૂલી. જો કે, ચાઈનીઝ ફૂડને ઇન્ડિયન ટેસ્ટ અપાયો, કોલકાતામાં.

ચીનના હક્કા હાન વંશના લોકો પૂર્વ કોલકાતામાં આવેલા તાન્ગરામાં આવીને વસ્યા હતા. તેમના કારણે જ આજે ય આ પ્રદેશમાં પરંપરાગત ચર્મ ઉદ્યોગનાં કારખાનાં અને કારીગરો જોવા મળે છે. સૌથી પહેલાં અહીં વસતા ચાઈનીઝ લોકોએ નાનકડી દુકાનો અને ખુમચા શરૂ કરીને ચાઈનીઝ ફૂડ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. જો કે તેમના ગ્રાહકોમાં ચાઈનીઝ લોકોની સાથે ભારતીય મજૂરો પણ સામેલ હતા. આ ભારતીય ગ્રાહકોના ચટાકાને સંતોષવા તેમણે ચાઈનીઝ ફૂડમાં લીલાં મરચાંનો ભરપૂર ઉપયોગ શરૂ કર્યો. મૂળ ચાઈનીઝ વાનગીઓ મરચાંથી ખૂબ મોળી હોય છે. ત્યાર પછી તાન્ગરાની ચાઈનીઝ ઉર્ફ ઇન્ડો-ચાઈનીઝ વાનગીઓની સુગંધ પહેલાં કોલકાતામાં અને પછી મુંબઈ સુધી વિસ્તરી.

કોલકાતાની સૌથી પહેલી ચાઈનીઝ રેસ્ટોરન્ટ નાનજિંગના હાલ-બેહાલ

ટિપિકલ ઇન્ડો-ચાઈનીઝ ફૂડ સર્વ કરતી યુ ચ્યૂનું પ્રવેશદ્વાર. કોલકાતાની સૌથી જૂની રેસ્ટોરન્ટ્સ પૈકીની એક

એ પછી ઈ.સ. ૧૯૨૪માં મુંબઈની વિખ્યાત તાજ મહેલ હોટેલમાં ભારતની પહેલી ચાઈનીઝ રેસ્ટોરન્ટ ખૂલી, જ્યાં ચીનના સિચુઆન પ્રાંતથી પ્રભાવિત ઇન્ડો-ચાઈનીઝ વાનગીઓ પીરસાતી. એ પહેલાં કોઈએ તીખું તમતમતું ચાઈનીઝ ફૂડ ચાખ્યું ન હતું. આ હાઈ એન્ડ રેસ્ટોરન્ટની અનેક ફૂડ બિઝનેસમેને નકલ કરી અને મુંબઈમાં સ્પાઈસી ચાઈનીઝ ફૂડના શોખીનો અસ્તિત્વમાં આવ્યા. આ સ્વાદ રસિયાઓના ચટાકાએ બીજાને પણ પ્રભાવિત કર્યા અને દેશમાં અનેક સ્થળે ઇન્ડો-ચાઈનીઝ ફૂડ પીરસતી રેસ્ટોરન્ટ ખૂલી. ભારતમાં ઇન્ડો-ચાઈનીઝ ફૂડની લોકપ્રિયતાનું સૌથી મહત્ત્વનું કારણ છે ભારતીય સ્વાદ પ્રમાણેની ગ્રેવી, ચિલી-ગાર્લિક-જિંજર સોસ અને ભારતીય મસાલા. ચાઈનીઝ ફૂડમાં ભારતીય સ્વાદ પ્રમાણેની ગ્રેવીને ઘટ્ટ કરવા મકાઈના લોટનો ઉપયોગ કરાય છે. એ પછી ચાઈનીઝ ફૂડ દેશના ખૂણે ખૂણે પહોંચતું ગયું અને જે તે પ્રદેશોના સ્વાદ-સુગંધ પ્રમાણે ચાઈનીઝ વાનગીઓમાં 'ભારતની માટી'ની સુગંધ પણ ભળતી ગઈ. આ બધાં કારણસર આપણને મેક્સિકન, ઈટાલિયન કે ફ્રેન્ચ ડિશીઝ કરતાં ચાઈનીઝ ફૂડ વધારે ફેમિલિયર લાગે છે. હાલમાં જ ચીનની મુલાકાત લીધી ત્યારે ખબર પડી કે, હાઈબ્રિડ ચાઈનીઝ ફૂડની લોકપ્રિયતાના કારણે દેશમાં સૌથી વધુ ફૂડ સેન્સિટિવ ગણાતા ગુજરાતીઓને પણ અમુક ચાઈનીઝ ડિશ પોતીકી કેમ લાગવા માંડી છે? જેમ કે, નુડલ્સ, મન્ચુિરયન, ફ્રાય રાઈઝ કે રાઈઝ બેડ તૈયાર કરાતાં કોઈ પણ પ્રકારનાં વેજિટેરિયન સિઝલર્સ.

આવી જ ઇન્ડો-ચાઈનીઝ હાઈબ્રિડ વાનગીઓ એટલે વેજ કે નોન વેજ મન્ચુિરયન ડિશીઝ. સૌથી પહેલાં નેલ્સન વાંગ નામના સોફિસ્ટિકેટેડ કૂકે ચાઈનીઝ સ્ટાઈલ મન્ચુિરયનને ભારતીય સ્વાદ આપ્યો હતો. તેઓ કોલકાતામાં આવીને વસેલા એક ચાઈનીઝ વેપારીના પુત્ર હતા. તાજ હોટેલની એક ચાઈનીઝ રેસ્ટોરન્ટમાં કૂક તરીકે જોડાઈને કારકિર્દી શરૂ કરનારા વાંગે ૧૯૭૦માં મન્ચુિરયન બનાવવા એક અનોખો પ્રયોગ કર્યો. ભારતીયોને ગ્રેવી સાથેની વાનગીઓ ખાસ પસંદ હતી એટલે તેમણે લીલાં મરચાં, આદુ અને લસણના સૂપમાં (ચિલી-ગાર્લિક-જિંજર સોસ) સોયા સોસ અને મકાઈનો લોટ નાંખીને ભારતીય મરીમસાલા ભભરાવીને ઘટ્ટ ગ્રેવી બનાવી. આ ગ્રેવીમાં તેમણે મન્ચુરિયન બનાવ્યા અને એ પ્રયોગ ક્રાંતિકારી સાબિત થયો. આજે પણ આખા દેશમાં કહેવાતા વેજ કે નોન-વેજ ચાઈનીઝ ફૂડમાં આ બધી જ ચીજવસ્તુનો ઉપયોગ કરાય છે.

હોલિવૂડ સ્ટાર ગોલ્હી હૉનને આવકારતા ‘ચાઈના ગાર્ડન’ના માલિક અને ભારતમાં સૌથી લોકપ્રિય ઇન્ડો-ચાઈનીઝ ડિશ ચિકન મન્ચુિરયનના શોધક નેલ્સન વાંગ.

‘ચાઈના ગાર્ડન’માં શમ્મી કપૂર અને રણધીર કપૂર

એ જ રેસ્ટોરન્ટમાં પરમેશ્વર ગોદરેજ, ઈમરાન ખાન અને (પાછળ) શશી કપૂર

આ પ્રયોગ પછી નેલ્સન વાંગે મુંબઈમાં ઘણાં ફૂડ જોઈન્ટ્સ શરૂ કર્યા, જેમાંથી તેઓ ખૂબ નામ અને દામ કમાયા. મુંબઈની હાઈ સોસાયટીના લોકો કહેવાતા 'ઓથેન્ટિક ચાઈનીઝ ફૂડ' માટે વાંગની સૌથી જાણીતી મુંબઈના કેમ્પ્સ કોર્નર વિસ્તારમાં આવેલી 'ચાઈના ગાર્ડન' રેસ્ટોરન્ટની મુલાકાત લેતા. હોલિવૂડની અભિનેત્રી ગોલ્ડી હૉન, પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાન આજે ય લોકપ્રિય ગણાતી આ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ ચૂક્યા છે. શમ્મી કપૂર અને રણધીર કપૂર પણ ત્યાં ચાઈનીઝ ફૂડ ખાતાં ખાતાં કલાકો વીતાવતા. છેક નેવુંના દાયકા સુધી ચાઈનીઝ 'સેલિબ્રિટી ફૂડ' ગણાતું, પરંતુ આજે તેનો વ્યાપ એટલો છે કે ભારતમાં સામાન્ય માણસો પણ સરળતાથી સારી ગુણવત્તાનું ઇન્ડો-ચાઈનીઝ ફૂડ ખાઈ શકે છે, જ્યારે હાઈ સોસાયટી માટે હાઈ એન્ડ રેસ્ટોરન્ટ્સમાં ઓથેન્ટિક ચાઈનીઝ ફૂડ પણ ઉપલબ્ધ છે.

જો કે, ચાઈનીઝ ફૂડના શોખીનોએ એ બાબતનું પણ ધ્યાન રાખવું કે, ઠેર ઠેર ખૂલી ગયેલી ચાઈનીઝ ફૂડ ઈટરીમાં સ્વાદ મોનોસોડિયમ ગ્લુટામેટ (ગુજરાતીમાં તે આજીનોમોટો નામે ઓળખાય છે, પરંતુ તે એક જાપાનીઝ નામ છે. તેનો અર્થ થાય છે, એસેન્સ ઓફ ટેસ્ટ) નામના ફૂડ એન્હાન્સરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારનું ફૂડ ટાળવું અને સારું ફૂડ પીરસતી રેસ્ટોરન્ટમાં જ ચાઈનીઝ ફૂડનો સ્વાદ માણવો. હાલ દેશની મોટા ભાગની ચાઈનીઝ રેસ્ટોરન્ટના માલિક અને કૂક ભારતીયો છે કારણ કે, ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી હજારો ચાઈનીઝને શંકાની નજરે જોવાતા. આ દરમિયાન અનેકને ચીન મોકલી દેવાયા અથવા રાજસ્થાનના ડિટેન્શન કેમ્પોમાં ધકેલી દેવાયા. ત્યાર પછી અનેક ચાઈનીઝ અમેરિકા, કેનેડા અને યુરોપના બીજા દેશોમાં જતા રહ્યા, પરંતુ તેઓ જતા જતા ભારતની ખાણીપીણી સંસ્કૃિત સમૃદ્ધ કરતા ગયા.

આપણાં અને ચીનનાં ચાઈનીઝ ભોજનમાં આસમાન જમીનનો તફાવત છે એ વાત ખરી, પરંતુ તમે ફૂડને લઈને વધારે પડતા ચૂઝી (ચીકણા) ના હોવ અને બધા પ્રકારના ટેસ્ટ કરવાની આભડછેટ ના રાખતા હોવ તો ચીનમાં પણ તમને તકલીફ નહીં પડે, એ વાતની ગેરંટી.

સૌજન્ય : ‘ફ્રેન્કલી સ્પિકિંગ’, “ગુજરાત સમાચાર”

http://vishnubharatiya.blogspot.com/2018/11/blog-post.html

Loading

...102030...2,9822,9832,9842,985...2,9903,0003,010...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved