Opinion Magazine
Number of visits: 9685623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક બાજુ રાહત અને બીજી બાજુ લાત!

રમેશ ઓઝા|Opinion - Opinion|6 November 2018

દિવાળી માથે છે ત્યારે અત્યારે તો આપણે એક મોટા સંકટથી બચી ગયા છીએ. ચોથી નવેમ્બરથી અમેરિકાની ઈરાન સામેની નાકાબંધી શરૂ થઈ ગઈ છે, પરંતુ તેમાં ભારતને મુક્તિ આપવામાં આવી છે. ભારત ઈરાન પાસેથી ખનીજ તેલ ખરીદી શકશે. આ અપવાદ ભારત, જપાન, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, તુર્કી જેવા આઠ દેશો માટે કરવામાં આવ્યો છે. આ અપવાદ પાછળનું રાજકારણ છે, જેની ચર્ચામાં જવાની અત્યારે જરૂર નથી. ભારત કુલ જેટલું ખનીજ તેલ ખાડીના દેશો પાસેથી ખરીદે છે, તેમાંથી ઈરાન પાસેથી ખરીદીનો હિસ્સો ૩૦ ટકા છે. આવડું મોટું પ્રમાણ હોવાનું કારણ એ છે કે ઈરાન ભારતને ચાર મહિનાની ઉધારી આપે છે, જ્યારે બીજા દેશોને રોકડા ચૂકવવા પડે છે. હવે જો અમેરિકાએ ભારતને છૂટ ન આપી હોત તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ થાત.

રાહત તો મોટી છે, પરંતુ અંતિમ નથી. આ રાહત છ મહિના માટેની છે અને છ મહિના પછી અમેરિકા નાકાબંધીની સમીક્ષા કરશે. છ મહિના પછી ઈરાન સામેની નાકાબંધી હળવી પણ થઈ શકે છે અને વધુ સખ્ત પણ થઈ શકે છે. જો અમેરિકા સખ્ત વલણ અપનાવશે તો ભારત અને બીજા દેશોને આપેલી મુક્તિ રદ્દ પણ કરી શકે છે. બીજું, સંકટ હળવું થયું છે, દૂર થયું નથી. ઈરાને હોરમઝની સામુદ્રધુની બંધ કરવાની ધમકી આપી છે. પશ્ચિમ એશિયાનું તેલ આ સામુદ્રધુની દ્વારા પશ્ચિમના દેશોમાં જાય છે. જો ઈરાન સામુદ્રધુનીમાં અડચણ પેદા કરી શકશે  તો તેલના ભાવમાં ભડકો થશે. ક્રુડ તેલના ભાવમાં બેરલે એક ડોલરનો વધારો એટલે ભારતને ૮૨૦ કરોડ રૂપિયાનો ડામ. આ આજે ડોલર સામે રૂપિયાની કિંમત છે તેના આધારે માંડવામાં આવેલી ગણતરી છે. આગળ રૂપિયો કેટલો નીચે જશે એ કહેવું મુશ્કેલ છે. બીજું, ઈરાન હોરમઝની સામુદ્રધુની બંધ કરે તો અમેરિકા લશ્કરી પગલાં લે એ પણ શક્ય છે. આ સ્થિતિમાં ૧૯૯૧ પછી બીજી ગલ્ફ વૉર થઈ શકે છે. ટ્રમ્પ સાહેબ કાંઈ પણ કરી શકે, કારણ કે તેઓ ટ્રમ્પ છે. જો આવું કંઈ બન્યું તો ભારતની આર્થિક સ્થિતિ વસમી નીવડી શકે છે.

courtesy : Ajit Ninan and Jug Suraiya, "The Times of India", 06 November 2018    

મૂળમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નાકાબંધી કરવાનો કોઈ અધિકાર નથી. ૨૦૧૫માં બરાક ઓબામા જ્યારે અમેરિકાના પ્રમુખ હતા, ત્યારે અમેરિકા-ઈરાન અણુસમજૂતી થઈ હતી. એ સમજૂતી મુજબ ઈરાને તેની અણુભઠ્ઠીઓ આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ માટે ખોલી આપી હતી. અણુબોમ્બ નહીં બનાવવાની શરત પણ ઈરાને માન્ય રાખી હતી. અમેરિકા-ઈરાન સમજૂતીને અણુક્લબના બીજા દેશોએ પણ માન્યતા આપી હતી અને એ રીતે એ સમજૂતી બહુરાષ્ટ્રીય છે એટલે અમેરિકા એક પક્ષીય રીતે તેમાંથી બહાર ન નીકળી શકે. આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે એ સંધિ અમેરિકાને અન્યાય કરનારી છે અને અન્યાયી સંધિ માન્ય રાખવા અમેરિકા બંધાયેલું નથી. તેઓ જ્યારે પ્રમુખપદના ઉમેદવાર હતા ત્યારે તેમણે ઈરાન સાથેની સંધિને તોડવાની વાત કહી હતી, પરંતુ ત્યારે તેને એક જુમલા તરીકે લેવામાં આવી હતી. પ્રમુખ બન્યા પછી ખરેખર સંધિમાંથી અમેરિકા બહાર નીકળી ગયું ત્યારે જગતે આઘાતનો અનુભવ કર્યો હતો. જો કે આ કોઈ નવી વાત નથી. આ પહેલાં ગયા વરસે અમેરિકા પર્યાવરણને લગતી પેરિસ સંધિમાંથી પણ નીકળી ગયું હતું જે પણ બહુરાષ્ટ્રીય છે.

અહીં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અમેરિકાનો પ્રમુખ કોઈ સંધિ કે સમજૂતી પર હસ્તાક્ષર કરે તો તેવાં વચનની કોઈ પવિત્રતા ખરી કે નહીં? કોણ અમેરિકાનો ભરોસો કરશે? બીજું, અમેરિકાને જોઇને બીજા દેશો પણ દ્વિપક્ષીય કે બહુપક્ષીય સંધિઓ ફોક કરવા લાગશે તો જગતમાં કેટલી સમસ્યા સર્જાશે એનો વિચાર કરવાનો કે નહીં? નવા શાસકો નવી નીતિ અપનાવે કે નીતિમાં પરિવર્તન કરે છે એ સામાન્ય ધોરણ છે; પરંતુ આપેલા અને એ પણ લેખિત વચનમાંથી ફરી જવું એ નીતિપરિવર્તન નથી, વિશ્વાઘાત છે.

બીજો સવાલ જગત સમક્ષ ઉપસ્થિત થાય છે. જો આ રીતે જગતના દેશો વરતતા થશે તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું શું થશે? અમેરિકાના મનસ્વી નિર્ણયનો પશ્ચિમના દેશો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેનાથી આગળ તે કાંઈ કરી શકતા નથી. અમેરિકાને પગલે ઈરાન સાથેની અણુસમજૂતી પર હસ્તાક્ષર કરનારાં અણુદેશો પણ અમેરિકાને રોકી શકતા નથી. એક જણની નાગાઈને આખું જગત લાચારીપૂર્વક જોતું રહે એ તો હદ કહેવાય! પાગલ શાસકોની મનસ્વીતા પર અંકુશ નહીં મુકવામાં આવે તો જગતમાં મોટું સંકટ સર્જાઈ શકે છે. આટલું ઓછું હોય એમ ચૂંટણી પછી બ્રાઝિલને ય હવે એક ગાંડો મળ્યો છે. આ યુગ મધ્યકાલીન કવિ અખાની ભાષામાં ઓછા પાત્રનો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક રાહત આપી છે તો લાંબા ગાળાની લાત પણ મારી છે. ભારત દ્વારા અમેરિકામાં કરવામાં નિકાસની ૫૦ ચીજો પર અમેરિકા કસ્ટમ ડ્યુટીમાં જે રાહત આપતું હતું એ હવે નહીં આપે. આ ચીજો મુખ્યત્વે ખેતપેદાશની છે અને હસ્તોદ્યોગની છે અને તેની અમેરિકામાં કુલ વાર્ષિક નિકાસ ૫૬૦ કરોડ ડોલરની છે. ‘રાહત શેની આપવાની. ખેરાત કરવા બેઠા છીએ?’ ભારત જો સવાલ ઉપસ્થિત કરશે તો તેને આવો જવાબ મળશે. એક વાર ટ્રમ્પે ભારતને ભિખારી તરીકે ઓળખાવીને કહ્યું પણ હતું કે ભારતને માગ માગ કરતાં શરમ નથી આવતી તે શું આપણે દેતા રહેવાનું?

યુગ બદલાઈ રહ્યો છે. વસમા દિવસો માટે તૈયાર રહો.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 06 નવેમ્બર 2018

Loading

એક ઈઝરાયલી

હરનિશ જાની|Opinion - Opinion|5 November 2018

એરન ઈઝેકલ, ઈઝરાયલી હતો. ઘડાયેલું, બેઠી દડીનું શરીર હતું. ઉપરથી મોટા કપાળવાળો ચહેરો તેને બીજા વર્કરથી જુદો પાડતા. ઉપર ઉપરથી ઈઝરાયલી ઢીલા લાગે; પણ અંદરથી ખૂબ કઠણ–મક્કમ હોય છે. જ્યારે એરન તો નખશીખ લડવૈયો લાગતો. ન્યુ યોર્કની, બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ કંપનીમાં મારી સાથે એ કામ કરતો હતો. હું તેનો સુપરવાઈઝર હતો. તે દરેક કામ દોડી દોડીને કરતો. તેથી સૌને ગમતો; પણ મને ન ગમતો.

વિક્રમ વૈતાળની વાર્તાઓમાં, આવતા બાબરા ભૂતની જેમ તે મારી પાસે આવી કહેતો, ‘જાની, વર્ક ડન. ગીવ મી મોર વર્ક’ મતલબ કે, ‘મને બીજું કામ આપ.’ તેણે કલર–શૉપમાંથી કલર લાવી અને જુદાં જુદાં મશિનો પર ઓર્ડર પ્રમાણે ગોઠવી દેવાના. એ તેની જવાબદારી હતી. એ કામ તે બહુ ચોક્કસાઈથી અને ચપળતાથી કરતો. કદીએ ભૂલ થઈ નહોતી. કામ પૂરું થયા પછી, બીજા વર્કરની જેમ ટોળટપ્પાં ન કરતાં; મારી પાસે વધુ કામ માંગતો. તો જેનું કામ પૂરું ન થયું હોય તેને મદદ કરવા માટે તેને પૂછતો.

અમેરિકાની મઝા એ છે કે અહીં દુનિયા આખીની પ્રજા વસી છે. તેમાં પણ અમારી ટેક્સટાઈલ પ્રિન્ટીંગ કંપની તો જાણે યુનાઈટેડ નેશન્સ! મારા ગ્રુપમાં એક સાઉદી અરેબિયાનો બાલુચી નામનો આરબ પણ કામ કરતો હતો. કહેવાની જરૂર નથી કે એરનને બાલુચી દીઠો નહોતો ગમતો. અને બાલુચીને એરન નહોતો ગમતો. મારું કામ કુસ્તીના રેફરી જેવું ન બને એટલે મેં સરકસના રીંગ–માસ્ટર જેવું બનાવી દીધું હતું. વાઘ, સિંહને ભેગા થવા જ દેતો નહોતો! તેમ છતાં બન્નેમાં એક સામ્ય હતું. બન્ને વરસાદથી બીતા હતા. એકાદ ઈંચ વરસાદ પડતો હોય તો બન્નેના ફોન આવી જાય કે, ‘જાની, ઈટ ઈઝ રેઈનીંગ. હાઉ કેન આઈ કમ?’ હવે એટલા વરસાદમાં તો કોઈ ઈન્ડિયન છત્રી પણ ન ખોલે! ઉઘાડે માથે જાય!

એરન ઈન્ટેિલજન્ટ હતો; પણ તેને ઈંગ્લિશના લોચા હતા. તે એક દિવસે મારી પાસે આવ્યો, ‘જાની, આ ‘રાઈટાવે’ એટલે શું? બીજો સુપરવાઈઝર ચાર્લ્સ મને કાંઈ કામ આપે છે અને પછી કહે છે, ‘રાઈટાવે’. મેં એને સમજાવ્યું, ‘રાઈટાવે, એટલે ‘રાઈટ અવે’ – ‘હમણાંને હમણાં.’ તે દિવસે મને સમજાયું કે આ ઈઝરાયલી પોતાના લંચ–બ્રેકમાં હીબ્રુ ભાષાનું ન્યુઝ પેપર જ કેમ વાંચ્યા કરે છે.

અમારા પ્લાંટનાં મશીનોના અવાજથી બચવા કારીગરો મારી એર કન્ડિશન્ડ ઓફિસમાં પોતાનું ફૂડ ખાવા આવતા. ત્યારે એરન અને બીજાઓ સાથે અલકમલકની વાતો થતી. તે અમેરિકા વિશે મારા કરતાં વધુ જાણતો. તે જાણે જ ને! ઈઝરાયલનું અસ્તિત્વ જ અમેરિકાને આભારી હતું.

સુપરપાવર દેશ પાસે શસ્ત્રો હોય, પૈસા હોય; પરંતુ તેનાથી વધારે તેમના લોકોનું કેરેક્ટર–ચારિત્ર્ય હોય છે. અને આ ‘કેરેક્ટર’ એટલે ‘સ્વભાવ.’ દાખલા તરીકે જો સ્વચ્છતાનો સ્વભાવ કેળવીએ, સમજીએ અને જીવનભર, દરરોજ જ તેમ કરતા રહીએ તો તે ટેવ, ‘કેરેક્ટર–ચારિત્ર્ય’માં ફેરવાઈ જાય. અને એ સ્વચ્છતાનો ગુણ વ્યક્તિમાં આવી જાય અને આવી જ રીતે ‘પ્રામાણિકતા’ પણ વ્યક્તિમાં આવી જાય. આવા જુદાજુદા ગુણ, દેશની દરેક વ્યક્તિમાં આવે તો પછી દેશનું ‘કેરેક્ટર’ ઘડાય.

તે દિવસે હું સેકન્ડ શિફ્ટમાં હતો. એરન એ બપોરે આવ્યો હતો, કામ કરવા. રાતે ૧૧ વાગે એ છૂટવાનો હતો. તે એના બ્રેક ટાઈમમાં રોજની જેમ જ મારી એરકન્ડિશન્ડ ઓફિસમાં સેન્ડવીચ ખાવા આવ્યો હતો. મેં પણ સાથે મારી વેજિટેરિયન સેન્ડવીચ કાઢી. અમે બન્ને વાતોએ વળગ્યા. બાજુમાં રેડિયો વાગતો હતો. રેડિયો પર ન્યુઝ બુલેટિન આવ્યું. તેમાં ન્યુઝ આવ્યા કે, ઈજીપ્તે, ઈઝરાયલ સામે વોર ડિક્લેર કરી છે, (સમય હતો. ઓકટોબર ૧૯૭૩નો) અને ઈજિપ્શિયન ફોર્સીસ ઈઝરાયલ તરફ આગળ વધી રહી છે. એરને અને મેં આ સમાચાર સાથે જ સાંભળ્યા.

એરને સેન્ડવીચ બાજુએ મૂકી દીધી અને દોડ્યો લોકર રૂમ તરફ. તેણે કપડાં બદલી નાખ્યાં અને મારી ઓફિસમાં આવ્યો. મને કહે, ‘જાની, હું ચાલ્યો. મને રજા આપી દે.’ મને કાંઈ સમજ પડે તે પહેલાં કહે કે, ‘હું જાઉં છું ઈઝરાયલ.’ મેં પૂછ્યું, ‘કેમ?’ તો એરન કહે, ‘તેં ના સાંભળ્યું કે ઈઝરાયલ, ઈજિપ્ત સાથે વૉરમાં સપડાયું છે? અને હું ઈઝરાયલી છું. અમારું આર્મી ખૂબ નાનું છે. તેને મારી જરૂર છે. તને ખબર છે કે અમારા બધા જ નાગરિકોનું રિઝર્વ આર્મી છે? અમારા દેશના બધા નાગરિકો અમારા આર્મીના સોલ્જર્સ છે. લેડીઝ પણ તેમાંથી બાકાત નથી. અમારે ત્યાં 17થી 49 વરસના દરેકને માટે મિલિટરી ટ્રેનિંગ ફરજિયાત છે. પોલિટિશિયનોને માટે પણ.’ મેં તેને સલાહ આપી કે, ‘સવારે જજે.’ એરનનું કેરેક્ટર મારા ગુજરાતી મગજમાં પેસે એમ નહોતું. તે તરત જ બોલ્યો, ‘હમણાં જ હું એપાર્ટમેંટ ઉપર જઈશ અને ત્યાંથી હું રાતની ફ્લાઈટમાં નીકળું તો સવારે તો હું તેલઅવીવ પહોંચી જઈશ.’

આ અગાઉ મેં આવો દેશપ્રેમ કદી જોયો નહોતો. ભારતના વીસ લાખના લશ્કરમાં મારા ગરવી ગુજરાતના બેપાંચેક હજાર પણ સૈનિકો હશે કે? મેં ગુજરાતીઓને તો પોલીસમાં જ ભરતી થતા જોયા છે. અમારા ગામનો મનુ ગંજેરી પોલીસ થયો હતો. તે પણ જ્યારે તેને ખબર પડી કે સરકાર યુનિફોર્મની સાથે પોલીસને સિગારેટ પણ આપે છે ત્યારે જ તે જોડાયો હતો. આ વાત ૧૯૫૫ની છે. આનાથી વધુ દેશભક્તિ મેં કદી જોઈ નહોતી. અને અહીં, આ એરનનો બનાવ! હવે આ વાતને વરસો વીતી ગયાં. પણ હું ભૂલી શક્તો નથી. આને કહેવાય ‘કેરેક્ટર–ચારિત્ર્ય’. હવે આ દેશને –ઈઝરાયલને લાખો આરબો પણ કદી હરાવી શકે કે?

‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.’

આવું વરસોથી સાંભળ્યું હતું; પણ મેં જોયું આજે.

લખ્યા તા. February 14, 2018

હરનિશ જાનીની 393મી તા. 2018-02-04ની ‘સ.મ.’માં અમે લખેલું :

‘હરનિશભાઈ હાલ તેમના આગામી ગ્રંથ માટે ‘હાસ્ય–ચરિત્રો’ લખવામાં વ્યસ્ત છે .. આગામી દિવસોમાં એમનું એ પુસ્તક ‘હાસ્ય–ચરિત્ર’ પ્રકાશિત થઈ રહ્યું છે .. તેમાંનો આ એક નવો લેખ તે ‘મીસ્ટર રે લા–શપેલ’. શરૂઆતથી જ ‘સ.મ.’ના જબરા ચાહક અને સાચા સમર્થક રહેલા ભાઈ હરનિશ જાનીએ, ‘સન્ડે ઈ.મહેફીલ’ માટે જ આ લેખ, સ્નેહથી લખી મોકલ્યો તે બદલ તેમનો ખૂબ આભાર ..’

●●●

આવું, એમની 393મી તા. 2018-02-04ની ‘સ.મ.’માં અમે લખેલું. તેઓ કહેતા કે હું જીવનમાં એવાં એવાં પાત્રોને મળ્યો છું કે વર્ષો પછી પણ તેઓ મારો પીછો જ નથી છોડતાં. મારા મગજમાં તેમનું ચિત્ર, વર્તન, સ્વભાવ હજી વર્ષોથી અટવાય, અથડાય, મારી અડફેટે ચડે. મારે એમને મારા લેખોમાં ઉતારવાં છે. અમારા વારંવારના અતિશય ઘોંચપરોણાથી તેમણે થોડાંક પાત્રો વિશે લખ્યું. ‘મારા દાજીબાપુ’ પછી ‘વ્યાસસાહેબ’, ‘અંધેરી નગરી અને ગંડુ રાજા’, ‘હાર્વી વિલિયમ્સ’, ‘એક ઈઝરાયલી’ વગેરે તેમના લેખો આ શ્રેણીના છે. લખીને તેઓ પહેલાં મને મોકલતા.

ત્યાં તો ત્રણ મહિના ચાલેલી ગંભીર માંદગીમાં તેઓ સપડાયા. આમ, વારંવાર હૉસ્પિટલમાં દાખલ થવાની તો તેમને નવાઈ ન હતી. તેઓ ઘણીવાર કહેતા : ‘મારું શરીર રોગોની ધર્મશાળા છે.’ પણ આ વેળા આ એમની માંદગી છેલ્લી નીવડી અને તે એમને સાથે લઈને જ ગઈ તા. 20-08-2018ના દિવસે. આવા સુહૃદ અંતરંગ મિત્રને ગુમાવતાં દિલનો એક ખૂણો જાણે ખાલી થઈ ગયો !

આ સિરીઝનો, મને મળેલો આ છેલ્લો લેખ! શી ખબર, એવા કેટલાયે લેખ એમના લેપટૉપમાં આદરેલા અધૂરા હજીયે પડ્યા હશે! એ તો મળે ત્યારે ખરા; પણ અમે એમના જૂના ખજાનામાંથી એમની કલમપ્રસાદી અવારનવાર પીરસતા રહીશું અને એમને યાદ કરતા રહીશું .. આપણ સૌની સલામ, હાસ્યના આ બેતાજ બાદશાહને ..! 

2011માં ઉજવાયેલી હરનિશભાઈની 70મી જન્મજયન્તી નિમિત્તે, અમે તેમના મહેમાન હતાં. તે વહાલાદરની વર્ષા રેલાવતા સુહૃદોથી ઉભરાતા ભવ્ય સમારમ્ભમાં હાજર રહેવાનું સૌભાગ્ય અમને સાંપડેલું. તે પળની એક ભાવપૂર્ણ તસ્વીર નીચે ..

— ઉત્તમ.મધુ ગજ્જર અને સમ્પાદકો

♦●♦

સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 413 – November 11, 2018

Loading

ઊંચે ઊંચે જવામાં

પંચમ શુક્લ|Poetry|5 November 2018

મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે.

ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
સ્પર્શ સંવેદના ય કયાંય ઊંચે જશે!

પુષ્પની મ્હેક કિવાં સર્પના દંશથી,
રકતનો ચાપ એક માન ઊંચે જશે.

માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
આપણાં યુગ્મનો ય ન્યાસ ઊંચે જશે.

ખેર! એ પળ તણી ય રાહ પણ ઈષ્ટ છે,
રાહ સંદિગ્ધ છે તો ચાહ ઊંચે જશે!

e.mail : spancham@yahoo.com

Loading

...102030...2,9812,9822,9832,984...2,9903,0003,010...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved