Opinion Magazine
Number of visits: 9664569
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાતિ આધારિત જનગણનાના લાભ છે, તો ગેરલાભ વધારે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 May 2025

રવીન્દ્ર પારેખ

કોરોનાને કારણે વસ્તી ગણતરી 2011માં થઈ ન શકી, પણ સ્થિતિ સામાન્ય થવા છતાં તે ન જ થઈ અને પહેલગામમાં થયેલ આતંકી હુમલાનો કેન્દ્ર સરકાર કેવોક પ્રતિભાવ આપે છે તેની દેશ રાહ જોઈ રહ્યો છે, ત્યારે સરકારે વસ્તી ગણતરીનો નવો ફણગો ફોડ્યો છે. આ ધ્યાન હટાવવા હોય કે વસ્તીનું ધ્યાન ધરવા હોય, તે સરકાર જાણે, પણ ઓકટોબર-નવેમ્બરમાં આવી રહેલી બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર સંભવત: વસ્તી ગણતરી આગામી સપ્ટેમ્બરમાં શરૂ કરે એમ બને, સિવાય કે બીજી કોઈ એવી ઘટના બને ને પ્રજાનું ધ્યાન બીજી દિશાએ વાળવું પડે તો વાત જુદી છે. 

ગઈ 30 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવાયો. જો વસ્તી ગણતરી થાય છે, તો આ વખતે મહત્ત્વ એ વાતે વધે એમ છે કે તે સ્ત્રી-પુરુષની સંખ્યાના આંકડા કે SC, ST જાતિ આધારિત ગણતરી પૂરતી સીમિત નહીં હોય, પણ આખા દેશની દરેક જાતિ, દરેક જ્ઞાતિની ગણતરી પણ તેમાં હશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ આ વખતે મૂળ વસ્તી ગણતરીમાં જાતિની ગણતરી પણ હશે. આ ગણતરી બે’ક વર્ષમાં પૂરી કરવાનો સરકારનો ઇરાદો છે. એના આંકડા 2027ની શરૂઆત સુધીમાં આવે એવી ધારણા છે. 

આવો પ્રયત્ન અંગ્રેજી શાસકોએ 1931માં કર્યો હતો, તે પછી સ્વતંત્ર ભારતમાં આ પહેલો પ્રયત્ન છે. 2011માં મનમોહન સિંહની સરકારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રયત્ન થયો હતો. 25 કરોડ શહેરી અને ગ્રામીણ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, પણ કોઈક કારણસર તેના આંકડાઓ જાહેર ન થયા. એટલું છે કે કર્ણાટક, બિહાર જેવાં રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર થયા હતા. એ પણ ખરું કે જાતિનું ખાનું હવે અનિવાર્યપણે ભરવાનું થશે. કાઁગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણા વખતથી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહ્યા હતા ને હવે કેન્દ્ર સરકારે તેના પર મંજૂરીની મહોર મારી છે, એટલે કાઁગ્રેસ અને અન્ય વિપક્ષો તેનું શ્રેય લેવા હોડ બકે એમ બને. એ જુદી વાત છે કે સ્વતંત્રતા પછી નહેરુથી લઈને નરસિંહરાવની સરકારો આવી, પણ કોઈને જાતિ આધારિત જનગણનાનો વિચાર આવ્યો ન હતો.

એક વાત બહુ સ્પષ્ટ છે કે જાતિ આધારિત ગણતરીનો લાભ કોઈ પણ પક્ષ જતો કરે એમ નથી, એટલે અન્ય જાતિઓની જેમ મુસ્લિમોની પણ જાતિ આધારિત ગણતરી થશે, તે એટલે કે મુસ્લિમોમાં ઘણી પછાત જાતિઓ છે. તેની પણ ગણતરી થશે. આની મુશ્કેલી એવી થઈ શકે કે યોજનાઓનાં અમલીકરણ સંદર્ભે અનામતનો મુદ્દો સપાટી પર આવે. તે સાથે જ મુસ્લિમ મહિલાઓ અંગે પણ વિચારવાનું આવે. અત્યાર સુધીમાં SC, STના જાહેર થતા આંકડાઓ સંદર્ભે લોકસભા અને રાજ્યસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે. હવે બધી જ જાતિઓની ગણતરીના આંકડાઓ બહાર પડે તો અનામતની માંગ વધે ને બધાંને માટે એ વ્યવસ્થા થાય જ એની ખાતરી નથી. જાતિગત વસ્તી ગણતરીનો રાજકીય લાભ લેનારાઓ કેટલીક નવી મુશ્કેલીઓ નોતરે એમ બને. જાતિગત વસ્તી ગણતરીનો આગ્રહ રાખનાર કાઁગ્રેસને એવું છે કે તે સત્તામાં આવે તો અનામતની 50 ટકાની મર્યાદા વધારવા બંધારણીય કોશિશ કરે, પણ એ તો સત્તામાં આવે ત્યારે, પણ સત્તામાં ભા.જ.પ. જ હોય તો તે જાતિગત ગણતરીના આંકડા જાહેર થયા પછી, એ જાતિ-જ્ઞાતિની માંગને સંતોષવા શું કરશે તે પ્રશ્ન જ છે. એ પણ વિચારવાનું રહે કે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ને સરકારી યોજનાઓમાં અત્યારે પણ 50-75%ને લાભ મળતો જ હોય, તો એ આંકડો હજી કેટલો વધારવો છે એનો ખુલાસો થવો જોઈએ. કોર્ટે આરક્ષણની મર્યાદા 50 ટકા સુધી સીમિત રાખી છે, તો એની ઉપરવટ જવા જેવું ખરું? 

કદાચ એટલે જ ભા.જ.પ. સરકાર એક તબક્કે જાતિગત વસ્તી ગણતરી માટે તૈયાર ન હતી. જો કે, બિહારમાં ભા.જ.પે. જાતિગત વસ્તી ગણતરીને ટેકો આપ્યો હતો. હવે તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને, વિપક્ષનું પોતે પણ સાંભળે છે એમ બતાવીને હાથ ઉપર રાખી શકે. બાકી, આ જ એન.ડી.એ.એ કાઁગ્રસ અને અન્ય વિપક્ષો પર જાતિગત વસ્તી ગણતરી દ્વારા દેશને વિભાજિત કરવાનો આરોપ મૂક્યો હતો. બને કે બિહારની ચૂંટણી આવી રહી છે તો મુખ્ય મંત્રી નીતીશકુમારે જાતિગત વસ્તી ગણતરીનો આગ્રહ રાખ્યો હોય ને પોતાના ટેકેદારનું મોદી સરકારે માન રાખ્યું હોય ! એ ઉપરાંત આર,એસ,એસ, પણ જાતિગત વસ્તી ગણતરીના વિરોધમાં નથી એ ખબર હોવાથી ભા.જ.પ.નું મન બદલાયું હોય એમ બને. જો કે, સંઘે રાજકીય લાભ ન લેવાની વાત કરી છે, પણ તેને પણ ખબર છે કે રાજકીય લાભ વગર કોઈ લોટે એમ નથી.   

જાતિગત ગણતરીનો ભા.જ.પ.ને વાંધો હોય તો પણ, ચૂંટણીમાં ટિકિટ ફાળવવાથી માંડીને ખાતાંની વહેંચણીઓમાં જાતિ ન જોવાઈ હોય એવું અપવાદરૂપે ભા.જ.પ.માં તો શું, કોઈ પક્ષમાં બન્યું નથી. આ લાલાઓ લાભ વગર લોટે એમ જ નથી. બધાએ જ અંદાજે 55 ટકા OBC પર રમવું છે. OBC ગોળનું એવું ઢેફું છે કે કોઈ પણ પક્ષ એનાં પર બણબણ્યા વગર ન રહે. જાતિગત વસ્તી ગણતરીની સાથે જ વસ્તીનાં આંકડા બહાર આવે તો લોકસભા, રાજ્યસભા અને વિધાનસભામાં કેટલી સીટો રાખવી કે એમાં કયા વિસ્તારો સમાવવા એ સ્પષ્ટ થઈ શકે. વાજપેયી સરકારે 25 વર્ષ માટે સીમાંકન પર રોક લગાવી હતી. એ સીમા 2026માં પૂરી થાય છે. ત્યાં સુધીમાં જાતિગત વસ્તી ગણતરી પૂરી થઈ જાય છે, તો નવા આંકડાઓ આવતા, તે મુજબ સીમાંકનનો નિર્ણય થઈ શકે. 

એક તરફ આપણે જાતિવાદથી ઊભરવાની વાત કરીએ છીએ, આંતરજ્ઞાતીય લગ્નો દ્વારા જાતિના આગ્રહો જતાં કરીએ છીએ, ત્યાં જાતિગત વસ્તી ગણતરી જાતિભેદ સ્પષ્ટ કરે કે જાતિ-જ્ઞાતિની ધાર વધુ કાઢે ને એ આગળ જતાં નવી આભડછેટને જન્મ આપે એવું નથી લાગતું? 2011ની જનગણના મુજબ દેશમાં 46 લાખ જાતિ, ઉપજાતિઓ છે. જાતિગત જનગણના વગર જો આટલી જાતિઓ અસ્તિત્વ ધરાવતી હોય, તો જાતિગત જનગણના થતાં એ ખાઈ વધુ પહોળી થાય એવું ખરું કે કેમ? આપણે એ કેવી રીતે ભૂલી શકીએ કે અનેક જાતિ-વર્ગમાં વહેચાયેલા હોવાથી આપણામાં સંપ ન હતો. એને લીધે જ તો વિદેશી પ્રજાઓ આ દેશ પર રાજ્ય કરવામાં સફળ રહી. હવે એ જ જાતિ ગણનાને સ્પષ્ટ કરવા જતાં ફરી ભૂતકાળ તરફ ગતિ કરી રહ્યા છીએ એવું, નહીં? જાતિની જાણકારી હોય એ સારી વાત છે, પણ એ જાણ્યા પછી, સામે આવેલી બધી જાતિઓને સંતોષ થાય એવું આયોજન આ દેશમાં શક્ય છે? આટલી જાણકારી પછી પણ જાતિઓ વચ્ચેનો સંઘર્ષ ને અસંતોષ સપાટી પર આવી જતો હોય, તો જાતિગત ગણતરીઓ પછી એ અસંતોષ ને સંઘર્ષ વધુ જોર પકડે એવું, નહીં? આ પ્રજાને સરકારે વધુ આળસુ ને ટુકડાઓ પર જીવતી કરી છે. જાતિની સાચી વિગતો બહાર આવતાં આ પ્રજા વધુ માંગતી ને વધુ આળસુ થાય તો તેનાં સંભવિત પરિણામો અંગે પણ વિચારવાનું રહે. 

મુસ્લિમો, ઈસાઈઓ ને અન્યોની ગણતરીની પણ વાત છે. એની પેટા જ્ઞાતિઓ વચ્ચે પણ માંગ અને અસંતોષ ચાલ્યો જ આવે છે. આજકાલ પસમાંદા મુસ્લિમો (અજલાફ અને અરજાલ) પોતાના હકની લડાઈ લડી જ રહ્યા છે. ખ્રિસ્તીઓમાં પણ દલિત ખ્રિસ્તીઓ પોતાને અનુસૂચિત જાતિમાં ગણવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. જાતિઓ વધુ સ્પષ્ટ થશે તો માંગ અને અસંતોષ જ વધશે કે બીજું કૈં? એ કેવું વિચિત્ર છે કે ભા.જ.પ. એક સમાવેશી, સશક્ત અને સમૃદ્ધ સમાજ ઈચ્છે છે ને એ જ જાતિગત ગણના દ્વારા જાતિ-જ્ઞાતિ વચ્ચેની ખાઈ વધુ પહોળી કરવાની દિશામાં સક્રિય છે. એક તબક્કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જે કોઈ જાતિની વાત કરશે તેને લાત મારવાનું કહ્યું હોય, તે પણ જાતિ આધારિત જનગણનાના કેબિનેટના નિર્ણયની આરતી ઉતારે, એ પણ કમાલ જ છે ને ! ભા.જ.પ. પ્રમુખ જે.પી. નડ્ડા પણ જાતિ આધારિત જનગણનાની ટીકા કરતા હતા, તે પણ જાતિ ગણતરી સંદર્ભે, ‘આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા અને લાંબા સમયથી તેમના અધિકારોથી વંચિત લોકોના ગૌરવને પુન:સ્થાપિત કરવાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્ત્વપૂર્ણ છે’, જેવી સ્તુતિ કરે તે પણ કમાલ જ છે. ખુદ વડા પ્રધાન કહેતા હતા કે મારે માટે તો ચાર જ વર્ગ છે – ગરીબ, યુવાન, ખેડૂત અને મહિલા. સરકારની દરેક યોજના આ રીતે જ પ્રજાને વિભાજિત કરીને ઘડવામાં આવશે. હવે એમને અનેક જાતિઓની ગણનાનો વાંધો નથી.   

એ ખરું કે જાતિ, ભારતીય રાજનીતિમાં ઘર કરી ગઈ છે, એ સ્થિતિમાં કઈ જાતિના કેટલા લોકો છે એની વિગતો બહાર આવે તો તેમને માટે કલ્યાણકારી યોજનાઓનું સુચારુરૂપથી આયોજન થઈ શકે. જાતિ અનિવાર્ય અનિષ્ટ છે, એ સ્વીકારીને પણ યોજનાઓ ઘડવા સિવાય ચાલે એમ નથી. એનાં પરિણામો કે દુષ્પરિણામોની તૈયારી રાખીને પણ, જાતિનો મહિમા કર્યા વગર કોઈ રાજકીય પક્ષને ચાલ્યું નથી. જોવાનું એ રહે કે જાતિ આધારિત જનગણના જાતિવાદની રાજનીતિનો શિકાર ન બને. જાતિગત ગણના ભારતીય સમાજનાં વિભાજનમાં પરિણમે એવી દહેશત રહે છે. આવી શંકા એટલે છે કે રાજકીય પક્ષો જાતિની રાજનીતિ કરવાનું કદી ચૂકતા નથી. જાતિગત જનગણના વંચિતો, પીડિતોનાં ઉત્થાન માટે હોય તો, તો સોનામાં સુગંધ ભળે, પણ સવાલ એ છે કે એવું છે ખરું? 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 મે 2025

Loading

એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે

પ્રદીપ સૈની [હિન્દી પરથી અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|4 May 2025

૧.
એ આપણી સામે હતાં અને પાછળ પણ

એ આપણી જમણે હતાં અને ડાબે પણ
એ આપણી ચારે તરફ હતાં.

સાવ મામૂલી કામોમાં વ્યસ્ત સાવ મામૂલી લોકો
જે એમના સાવ મામૂલી હાથથી દુનિયાને
કોઈ દડાની માફક રોજ ઘડતાં રહે છે

જેથી આપણી મરજી મુજબ એનાથી રમી શકીએ
પરંતુ આપણે એમને ધ્યાનથી ક્યારે ય જોયા નથી.

આપણી આંખો અને દુનિયા વચ્ચેની જગ્યાને
કેમેરાએ પોતાની આંખોથી
પચાવી પાડી છે

કેમેરાની આંખો જુએ છે એ જ
આપણે જોઈએ છીએ

હવે દૃશ્યમાં અચાનક એમને પ્રગટ થયેલા
અચંબાથી જોઈ રહ્યાં છે આપણે

જાણે કોઈ બીજી દુનિયામાંથી એ આવેલા હોય
અને કોઈ ત્રીજી દુનિયામાં જવાના હોય.

૨.
આપણી સભ્યતાના સ્થાપત્ય એમના પરસેવાથી જન્મ્યા છે

આપણા પ્રકાશમાં ચમકતો લાલ
એમના લોહીનો રંગ છે

કોઈ ચાર રસ્તાથી એ દિશાભ્રમિત થતાં નથી
એ જાણે છે શહેરની બહાર નીકળવાનો રસ્તો કયો છે

એ નહીં પૂછે આપણને
કયો રસ્તો જાય છે એમના ગામ

પાછા ફરવાના બધાં રસ્તા એમને યાદ છે
એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે.

૩.
આ લાંબા પહોળા રસ્તા પર

કોઈ સ્વપ્નનો પીછો કરતા
એ આવ્યા નહોતા હકીકતે

એક ભ્રમ ખેંચી લાવેલો એમને
જે તૂટી ગયો છે હવે મધરસ્તે
કોઈ ચંપલની માફક

એ જાણી ગયા છે
આ રસ્તા પરથી નહીં પહોંચી શકાય ક્યાંય

આ તમામ પાછા ફરવા માટેના રસ્તા છે.

૪.

અમારી વખારો અનાજથી ભરેલી હતી
અને હૃદયો નફટાઈથી
તમારી ભૂખ જોઈને અમારી ભૂખ અમે યાદ કરી

કેટલીય વાનગીઓ બનાવવાની રીતો મંત્રોની માફક
ખાઈ-પીને સુઈ ગયેલી અમારી ભૂખના કાનમાં અમે ફૂંકી

ભૂખથી થયેલા તમારા મૃત્યુ જ્યારે સમય નોંધતો હતો
શ્રદ્ધાંજલિરૂપે અમે નોંધતા હતા અમારી પાક-કળાના નમૂના

અમે ભૂલી ગયેલા કે કોઈ ભૂખ્યાં સમયમાં
આપણી થાળીનું પ્રદર્શન કરવા જેટલું અશ્લીલ કાંઈ નથી.

૫.
જેમને જતી વેળાએ નથી આપતા

ક્યાંયથી કોઈ વિદાય
એવા અભાગ્યાના પહોંચવાનો

શું કરતા નથી ક્યાંય પ્રતિક્ષા કોઈ?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

વૉટ્સ યોર જાતિ?  – જાતિ આધારિત વસ્તી ગણતરીના રાજકારણના લાભાર્થીઓ ખરેખર કોણ?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 May 2025

જાતિ આધારિત વસ્તી ગણતરીથી અનામત, કોટા, પ્રતિનિધિત્વ, પુનઃવર્ગીકરણની માંગનો પ્રવાહ ધસમસતો વધી જ શકે છે. મંડલ કમિશન વખતે સળગેલી આગના શમેલા અંગારા ફરી લબકે અને અરાજકતા ફેલાય એવું પણ શક્ય છે.

ચિરંતના ભટ્ટ

એક સફળ પુસ્તક પરથી એક સફળ સિરિયલ બની અને પછી એ જ પુસ્તક પરથી એક ઓછી સફળ ફિલ્મ બની. વૉટ્સ યોર રાશી? આ ફિલ્મને અને તેના નામને આમ તો આજના લેખ સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી, પણ છતાં પણ મને લાગ્યું કે આ ઉલ્લેખ જરૂરી છે. આપણે ત્યાં, આપણા દેશમાં કોઈની પણ સાથે પરિચય કેળવાય એની પહેલી સાત મિનિટમાં આ સવાલ થતો જ હોય છે – વૉટ્સ યોર જાતિ? તમારી અટક શું? તમે કેવા? તમે ક્યાંના? વગેરે. દક્ષિણ ભારતમાં તો ક્યાંક ક્યાંક એવી ય પ્રથા છે કે માણસનું નામ જાહેરમાં બોલાય એની સાથે એનું ગોત્ર પણ બોલવામાં આવે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તંગ છે એમાં સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશેની જાહેરાત કરી છે. લાંબા સમયથી આ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરીની ચર્ચાઓ તો ચાલી રહી હતી પણ અંતે અમલીકરણની જાહેરાત કરાઇ. હવે જ્યારે વસ્તી ગણતરી કરનારા તમારે ઘરે આવશે ત્યારે તમને પૂછશે, “વોટ્સ યોર જાતિ”? આપણને સ્વતંત્રતા મળી પછી પહેલીવાર આ રીતે વસ્તી ગણતરી થશે. 

આપણા દેશમાં કેટલી જાતિઓ છે અને કઈ જાતિના કેટલા લોકો છેનો ડેટા સૌથી છેલ્લે 1931ની વસ્તી ગણતરીમાં બહાર પડ્યો હતો. ત્યારે આપણે ત્યાં લગભગ 4,147 જાતિઓ હોવાનું નોંધાયું હતું. મૂળ તો વસ્તી ગણતરીની શરૂઆત કરનારા હતા અંગ્રેજો – 1871-72 દરમિયાન ભારતીય સમાજ અને સમાજ વ્યવસ્થાને સમજવાના આશયથી વસ્તી ગણતરી દરમિયાન જાતિ આધારિત ગણતરી કરવાનું અંગ્રેજોએ શરૂ કર્યું હતું. જવાહરલાલ નહેરુની સરકારે 1951ની વસ્તી ગણતરી દરમિયાન જાતિ આધારિત ગણતરી બાકાત કરી કારણ કે લોકોને એ સંદેશો આપવો સ્પષ્ટ હતો કે ભારત એક અખંડિત રાષ્ટ્ર છે અને અહીં જાતિ આધારિત વિભાજન નથી. 2011 સુધી તો આ પ્રમાણે જ ગણતરી થતી. માત્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની ગણતરી થતી, જાતિઓની નહીં. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુ.પી.એ.-2 સરકારે સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી શરૂ કરી, જેમાં જાતિ શું છે તેનો ખુલાસો સ્વૈચ્છિક રખાયો હતો. જો કે જે ડેટા ભેગો થયો તેમાં ક્ષતિઓ હોવાથી તે જાહેર જ ન કરાયો. 

ભારત ક્યારે ય જાતિહીન દેશ હતો ખરો? લેખક અમિષ ત્રિપાઠી સાથે ઘણાં વર્ષો પહેલાં વાત થઈ હતી ત્યારે તેણે તો એમ કહેલું કે લોકો જે કામ કરતા તેનાથી જ ઓળખાતા. પ્રાચીન ભારતમાં સામાજમાં વ્યક્તિની ઓળખ તેના વ્યવસાય અને ગુણોને આધારે થતી. તેમણે કહેલું કે જાતિનું તંત્ર સંકુચિત નહોતું. રામાયણ રચનારા મહર્ષિ વાલ્મીકિ કે મહાભારત અને વેદના રચયિતા મહર્ષિ વ્યાસ જન્મે બ્રાહ્મણ ન હોવા છતાં તેમના કર્મોને કારણે તેઓ સંત કે મહર્ષિની ઉપમા પામ્યા હતા. ભગવદ ગીતામાં પણ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે વૈદિક યુગની ચાર વર્ણ આધારિત વ્યવસ્થા લોકોના ગુણને અને કર્મને આધારે નક્કી થઈ હતી, જન્મને આધારે નહીં. વૈદિક યુગએ 1500-500 ઈ.સ. પૂર્વેનો સમય હતો તો એ પહેલાં અસ્તિત્વમાં આવેલી હડપ્પન સંસ્કૃતિમાં (3300 – 1300 ઈ.સ. પૂર્વે)  જાતિ નહોતી પણ વર્ગ હતા. ઉત્ખનનને આધારે એ જાણવા મળ્યું જ છે કે એ સમયે ધનિકોના અને મજૂર વર્ગના રહેઠાણો જુદાં હતાં. મનુસ્મૃતિ (200 ઈ.સ. પૂર્વે)માં જાતિ અને વંશવેલાનો ઉલ્લેખ છે જે વર્ણ અને વ્યવસાયને આધારે સમાજનું વર્ગીકરણ કરે છે. જેમ કે તેલ કાઢનારા, તેલીઓને વૈશ્ય જાતિના ગણાતા. મનુસ્મૃતિમાં અસ્પૃશ્યોનો ઉલ્લેખ પણ છે. આ સમય પછી જાતિઓનું તંત્ર વિકસતું રહ્યું, કડક નિયમો અને સજાઓની આસપાસ જાતિ વ્યવસ્થા વિકસતી રહી. 

આજે આપણે ઘણાં આગળ વધી ગયા છીએ (સારા-નરસા બધી જ રીતે) છતાં ય સમાનતાને મામલે આપણે ઘણાં પાછળ છીએ. આપણે ત્યાં હિંદુ મુસલમાનની લડાઈ કરતાં આ જાતિવાદનું ઝેર વધારે જોખમી છે. બંધારણમાં ખાતરી અપાતી હોવા છતાં આજે પણ વ્યક્તિ કઈ જાતિની છે તે શિક્ષણથી માંડીને રાજકારણ અને રોજગાર સુધીના દરેક પાસાં પણ અસર કરનારી બાબત બને છે. વળી અંગત સંબંધોમાં તો જાતિની શતરંજ બહુ મોટો ખેલ છે. ઓનર કિલિંગથી આપણે અજાણ્યા નથી. વળી કોઈ પ્રગતિશીલ પરિવાર જાતિના બાધ રાખ્યા વિના બીજા પરિવાર સાથે જોડાય તો નાકનું ટિચકું ચઢાવીને વાતો કરનારા આપણે ત્યાં ઢગલો મળી રહે છે. સોશ્યલ મીડિયાના જમાનામાં દલિતે પોતાના લગ્નમાં ઘોડી પર સવાર કરી એટલે એને માર મરાયો જેવા અનેક કિસ્સા ‘વાઇરલ વીડિયો’ને નામે આપણા સુધી પહોંચતા જ હોય છે.

જાતિ આધારિત વસ્તી ગણતરી માત્ર અમલદારશાહીની કવાયત નથી. ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં જાતિ તંત્ર આટલી હદે જટિલ અને વિસ્તરેલું છે. યુ.એસ. અને બ્રાઝિલમાં લોકો ગણાય છે ખરા, અને ક્યારેક તેમની જાતિ અને વંશીયતાને આધારે તેમનું વર્ગીકરણ કરાય છે પણ ફ્રાંસ અને જર્મની જેવા વિકસીત દેશોમાં નાગરિકોનો આંકડો જ અગત્યનો હોય છે. આપણા દેશના વર્તમાન રાજકારણ તરફ પાછા ફરીએ તો ભા.જ.પા.એ લાંબો સમય સુધી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો અને પછી અચાનક જ તેમનો અભિગમ બદલાયો. આ ફેરફાર ભારતીય રાજકારણનો એક નાટ્યાત્મક વળાંક છે જ્યાં જાતિનું ગણિત દરેક રાજકીય પક્ષના એજન્ડા માટે જરૂરી છે. થોડાં વર્ષો પહેલાં તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષો પર આક્ષેપ મૂક્યો હતો કે તેઓ જાતિ આધારિત ગણતરી કરી દેશમાં વિભાજન કરવા માગે છે. છતાં ય બિહાર, કર્ણાટક અને તેલાંગણાએ જાતિના સરવેનો રાજ્ય આધારિત ડેટા જાહેર કર્યો હતો. આ સરવેમાં જાણવા મળ્યું હતું કે OBC વસ્તીનો મોટો ભાગ છે અને પછી અનામત વધારવા પગલાં લેવાની માંગણીઓ શરૂ થઈ. વોટ બૅંક માટે આ માહિતી બહુ કામની થઈ પડે તે સ્વાભાવિક છે.

આ તરફ કાઁગ્રેસે 2024ની ચૂંટણીમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને તેમની મુખ્ય માંગ બનાવી હતી. ભા.જ.પા.એ વલણ બદલ્યું કારણ કે આ તેમના રાજકારણ માટે જરૂરી છે. ભા.જ.પા.એ 2024માં ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં વેઠવું પડ્યું. ઉત્તર પ્રદેશમાં જાતિવાદ મજબૂત છે. 2025માં બિહારની ચૂંટણી માથે ઊભી છે તો 2027માં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી છે ત્યારે ભા.જ.પા.ને સમજાય છે કે OBCનો મુદ્દો તેમને માટે અગત્યનો છે. જાતિ ગણતરીનો મુદ્દો હાથમાં લઈને ભા.જ.પા. વિરોધ પક્ષના સામાજિક ન્યાયના એજન્ડાને ઠાલો બનાવવાના પ્રયત્નમાં છે અને પોતે મંડલ કમિશનની બીજી સિઝનના કર્તા હર્તા હોવાની ધજા પણ હાથમાં પકડવા માગે છે. ઉચ્ચ વર્ગીય હિંદુત્વની ચોપાટમાં માહેર પક્ષ માટે આ ખાસું વિરોધાભાસી પગલું છે પણ અંગ્રેજીમાં જાણીતું વાક્ય છે, “Everything is fair in love and war” – રાજકારણ કોઈ યુદ્ધથી કમ નથી એ હકીકત છે.

આગામી વસ્તી ગણતરીનો હેતુ છે કે જે આંકડા 1931 પછી નથી નોંધાયા તે નોંધવા અને સામાજિક-આર્થિક સ્થિતનું સ્પષ્ટ ચિત્ર મેળવવું. આ રીતની વસ્તી ગણતરીને ટેકો આપનારાને મતે અસરકારક નીતિઓ ઘડવા અને તમામને સમાન સવલતો-સંસાધન વગેરે મળે તે માટે આ આંકડા જરૂરી છે. ટૂંકમાં જાતિનાં સમીકરણો ભારતના રાજકીય પરિદ્રશ્યમાં કેન્દ્ર સ્થાને છે તો સ્પષ્ટ જ છે. વિરોધીઓનું કહેવું છે કે ફરી એકવાર દેશમાં જાતિની ઓળખ આધારિત વિભાજનની રેખાઓ ઉપસી આવશે. પચાસ ટકા અનામતની ચર્ચા પણ ફરી કેન્દ્ર સ્થાને આવી શકે છે તો OBCના પેટા-વર્ગીકરણની વાત જે જસ્ટિસ રોહિણી કમિશનની ભલામણ હતી તેની પર પણ ફરી વિચારણા થઇ શકે છે. 

જો કે ભા.જ.પા.નું આ પગલું જોખમ વિનાનું છે એમ કહેવું યોગ્ય નથી. જાતિ આધારિત વસ્તી ગણતરીથી અનામત, કોટા, પ્રતિનિધિત્વ, પુનઃવર્ગીકરણની માંગનો પ્રવાહ ધસમસતો વધી જ શકે છે. મંડલ કમિશન વખતે સળગેલી આગના શમેલા અંગારા ફરી લબકે અને અરાજકતા ફેલાય એવું પણ શક્ય છે. દરેક જૂથને હવે આંકડા (ડેટા) આધારિત રાજકીય વાટાઘાટ કરવાની તાકાત હાથવગી કરવા હવાતિયાં મારશે. એક સમયે જે જવાહરલાલ નહેરુ માટે જાતિ હીન દેશનું સપનું હતું અને ભા.જ.પા. માટે જે હિંદુ રાષ્ટ્રનું સપનું હતું તે બન્નેમાંથી હવે કંઇ નવું જ પેદા થઇ રહ્યું છે. જાતિ આધારિત સમાજ અને રાજકારણને વધારે મોકાની જગ્યા મળી રહી છે.  ભા.જ.પા. પોતે આ જાતિ આધારિત ગણતરીની જાહેરાત કરીને ક્યાં સુધી ખુશ રહી શકે છે તે જોવાનું કારણ કે ગણતરી પછીનું રાજકારણ સંવેદનશીલ હશે. આ રાજકારણનો એક એવો જુગાર છે જેમાં શાસક પક્ષની પકડ મજબૂત બને છે કે પછી દાવ ઊંધો પડે છે તે તો વખત આવ્યે તેઓ સંજોગોને સંભાળવા કેવા પગલાં લે છે તે પછી જ ખબર પડશે.

બાય ધી વેઃ 

ભા.જ.પા.એ જેનો લાંબો વખત સુધી વિરોધ કર્યો તે જ હવે અનુસરવાની તૈયાર બતાડી છે. 

તેમાં રાજ્યોનું દબાણ ઓછું પણ રાષ્ટ્રીય રાજકીય વ્યૂહરચના વધુ મોટું કારણ છે. વિરોધ પક્ષોનું OBC-દલિત અને મુસ્લિમ ગઠબંધન કોઈ રીતે રોકવું હોય તો ભા.જ.પા. પાસે આ એક મોટું હથિયાર છે. સૂત્રોના મતે આ નિર્ણય પહેલાં સંઘ પરિવારનો અભિપ્રાય પણ ગણતરીમાં લેવામાં આવ્યો છે. હિંદુ મતદારોની એકતા જળવાય એ ભા.જ.પા.ની જીત માટે અનિવાર્ય છે. આ પગલું ભરી ભા.જ.પા. પોતાની ઓળખ સામાજિક ન્યાય માટે કટિબદ્ધ પક્ષ તરીકે કરી શકશે અને કાઁગ્રેસને માથે તેમણે કંઇ ન કર્યું હોવાનો ઓળિયો ઘોળિયો નાખી શકાશે. ભા.જ.પા.એ જે રીતે વલણ બદલ્યું છે તે સાબિત કરે છે કે ચૂંટણીના ગણિતની માંગ હોય ત્યારે આદર્શોને ફેરવાઈ જતા વાર નથી લાગતી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 મે 2025

Loading

...102030...296297298299...310320330...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved