Opinion Magazine
Number of visits: 9685621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી

રંજના હરીશ|Gandhiana|12 December 2018

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં પ્રતિબિંબિત ગાંધીજીની છબિ અંગે આપણે ગયે અઠવાડિયેથી વાત કરી રહ્યા છીએ. રેણુકા રે બ્રિટિશ રાજ દરમિયાન પશ્ચિમ બંગાળના એક આઈ.સી.એસ. અધિકારી તેમ જ જાણીતા બ્રહ્મોસમાજી શ્રી સતીશ મુખર્જીનાં પુત્રી તથા કલકત્તા પ્રેસિડેન્સી કોલેજના પ્રથમ ભારતીય પ્રિન્સિપાલ ડો. પી.કે. રેના દોહિત્રી હતાં. તેઓ માતા પિતા બંને પક્ષેથી ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારનો વારસો લઈને જન્મ્યાં હતાં. તેમના નાનાજી ડો. પી.કે. રે રાજેન્દ્રબાબુ તથા ડો. રાધાકૃષ્ણન્‌ના કોલેજકાળના શિક્ષક રહી ચૂક્યા હતા. નાનીજી સરલાદેવી રે કલકત્તાની પ્રેસિડેન્સિ કોલેજમાં પ્રવેશ મેળવનાર સૌપ્રથમ યુવતી. તો રેણુકા રેનાં માતા ચારુલતા તેમના જમાનાના નામાંકિત નારીવાદી હતાં.

બ્રિટિશકાળમાં 1904માં જન્મેલ અને પાછલી ઉંમરે 'માય રેમિનન્સીઝ' (1982) નામક આત્મકથા લખનાર રેણુકા રે કદાચ એક માત્ર ભારતીય આત્મકથા લેખિકા હશે કે જેના જન્મને ઉત્સવની જેમ ઉજવાયો હતો. રેણુકા રેના નાનાજીનું કલકત્તા ખાતેનું ઘર ગાંધીજી, દાદાસાહેબ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે તથા અન્ય સ્વાતંત્રસેનાનીઓ માટે એક મિલન સ્થળ સમાન હતું. આમ નાનકડી રેણુકાનું બાળપણ ગાંધીજીના પ્રભાવમાં વીતેલું. અલબત્ત પિતા આઈ.સી.એસ. અધિકારી હોઈ તેમની નિયુક્તિ લંડનમાં થતાં રેણુકાનું ઉચ્ચ શિક્ષણ લંડનમાં થયેલું. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકમાં હેરોલ્ડ લાસ્કી તથા મેજર એટલી જેવા સમર્થક પ્રોફેસરોના હાથ નીચે તૈયાર થયેલ રેણુકા એક બાહોશ યુવતી હતાં. વિદેશી ભણતર છતાં નાનપણમાં મળેલ દેશપ્રેમના સંસ્કાર તેનામાં જળવાયા હતા. લંડનમાં તેમની મુલાકાત એક ભારતીય યુવક, સત્યેન રે, સાથે થઈ. લંડનમાં વસતો તે યુવક ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ઉત્તીર્ણ થયો હતો. બંનેને પ્રેમ થઈ ગયો, અને 1921માં તેમણે સગપણ કરી દીધાં. ત્યારબાદ 1925માં બંને ભારત પાછા ફંર્યા. ઘરે પહોંચતાની સાથે રેણુકાને સંદેશ મળ્યો કે બાપુ તેના મંગેતરને મળવા માગે છે. 70 વર્ષની જૈફ વયે પોતાની આત્મકથા લખી રહેલ પશ્ચિમ બંગાળના પૂર્વ મિનિસ્ટર રેણુકા રે ગાંધીજી સાથે તેમના ભાવિ પતિની તે વિશેષ મુલાકાતનો સંવાદ શબ્દશઃ લખે છેઃ

બાપુઃ હું માનું છું કે રેણુકા સાથે લગ્ન કરતી વખતે તમે એ તો જાણતા હશો કે એમ કરીને તમે શું માથે લઈ રહ્યા છો. રેણુકાની પ્રાથમિકતા દેશસેવાની છે.

સત્યેનઃ હા મને ખ્યાલ છે. રેણુકાની લગ્નની આનાકાની જોતાં મેં તેને ખાતરી આપી છે કે, મારી કારકિર્દી તેના દેશપ્રેમ અને સ્વતંત્રતાની ચળવળમાં આડી નહીં આવે.

બાપુઃ તમારા બંનેમાંથી એકેય માટે આ લગ્ન મુશ્કેલ ના બને તે માટે હું પૂરતો પ્રયત્ન કરીશ. અને રેણુકાને એ જાતનું કામ જ સોંપીશ કે જેમાં શક્ય હોય ત્યાં સુધી તમે બંને ભેગા રહી શકો.

ઉપરોક્ત સંવાદમાં અપાયેલ વચન પ્રમાણે બાપુ તથા સત્યેન રેએ રેણુકાને મનવાંછિત કામ કરવાની બધી જ સંભાવનાઓ પૂરી પાડી. અને રેણુકાએ દેશપ્રેમ તથા પરિવાર બંનેને સુપેરે નભાવ્યાં. એટલું જ નહીં સ્ત્રીના હક્ક માટે રેણુકા રેએ આજીવન લડત આપી. રેણુકા રેએ સ્વતંત્ર ભારતમાં 1952 થી 1957 દરમિયાન પશ્ચિમ બંગાળનાં મંત્રી તરીકે સેવાઓ આપી. 1957થી 1967 દરમિયાન તેઓ સંસદસભ્ય રહ્યાં. તથા 1958થી 1960 દરમિયાન પ્લાનિંગ કમિશનમાં ઉચ્ચ પદે સેવાઓ આપી. પરંતુ 1967માં તેમને કોંગ્રેસ દ્વારા ચૂંટણી ટિકિટ ન અપાતા તેમણે પોતાની રાજકીય કારકિર્દી પૂરી કરી.

તેમની આત્મકથા ગાંધીજી તેમ જ ગાંધી જીવનમૂલ્યો પ્રત્યેનું તેમનાં આજીવન સમર્પણને વાચા આપે છે. 70 વર્ષની ઉંમરે લખાઈ રહેલ રેણુકા રેનું જીવનવૃત્તાંત તત્કાલીન ગાંધીમૂલ્યોના હ્રાસની ચર્ચા પણ કરે છે. પોતાની હતાશા તથા વ્યથાને અભિવ્યક્ત કરતાં લેખિકા લેશમાત્ર પણ ખચકાતાં નથી. તેઓ લખે છે કે તેમના પતિ સત્યેને તેમને ચેતવ્યા હતા. 'તારા માટે આ બધા પ્રેમાળ દેવદૂતની જેમ પાંખો પ્રસારીને ઊભા છે. અને તું પણ તેમને તારા ગુલાબી ચશ્માંથી જુએ છે… પરંતુ તારા સતત સંપર્કમાં રહેનાર આ બધાઓ મોટેભાગે ગાંધીજીથી પ્રભાવિત થઈને તેમની પાસે આવે છે. તેમનું તારા પ્રત્યેનું હૂંફાળું વર્તન બાપુના તારા પ્રત્યેના સ્નેહને કારણે છે. જ્યારે બાપુ નહીં હોય ત્યારનો વિચાર તારે કરવો જોઈએ. બાપુની ગેરહાજરીમાં શું આ લોકો અત્યારે વર્તે છે તેમ વર્તશે ખરા ?' બાપુના મૃત્યુ બાદ સત્યેન રેના આ શબ્દો સાચા પડ્યા. રેણુકાના અનુભવે તેને સમજાવ્યું કે બધાઓનો તેના માટેનો પ્રેમ ગાંધીજીથી પ્રેરિત હતો.

•••••••

85 વર્ષની જૈફ ઉંમરે પોતાની આત્મકથા 'ઇનર રિસેસીશ અ આઉટર સ્પેસીસ' (1986) લખનાર કમલાદેવી ચટ્ટોપાધ્યાય પોતાની આત્મકથામાં સ્વતંત્રતા આંદોલનના જમાનાના ગાંધીજુવાળનું દસ્તાવેજીકરણ કરે છે. તદુપરાંત તેમની આત્મકથા ગાંધીજીને એક પિતૃતુલ્ય સૌજન્ય મૂર્તિ તરીકે આલેખે છે. આજીવન ગાંધીજી સાથે સતત કાર્યરત રહ્યા છતાં કમલાદેવીએ પોતાની પારિવારીક વાતો તેમને ક્યારે ય કરી નહોતી. કમલાદેવીની આત્મકથાની એક વિશેષતા એ પણ છે કે તેમાં સ્વતંત્રતા સંગ્રામ કે કલાજગતના નાનાશા માનવની વાત કરવા માટે તેઓ છ-સાત પૃષ્ઠો લખે છે, પરંતુ સરોજિની નાયડુના ભાઈ હરીન્દ્રનાથ ચટ્ટેપાધ્યાય સાથેના પોતાના લગ્નની વાત તેઓ એક જ ફકરામાં પૂરી કરે છે. આવી આત્મકથામાં જો એક પ્રસંગ સ્મરણીય હોય તો તે ગાંધીજીએ તેમનાં પારિવારિક જીવનમાં રસ લીધાનો પ્રસંગ. એકવાર ગાંધીજીને કોઈ સુદૂર પ્રદેશમાં જઈને અમુક ચોક્કસ કામ સફળતાપૂર્વક પાર પાડી શકે તેવા સુયોગ્ય કાર્યકરની જરૂર હતી. કમલાદેવીએ આ કામ ઉપાડી લેવાની તત્પરતા બતાવી અને તરત બાપુ બોલી ઊઠ્યા, 'કમલા તારાથી નહીં બને. જે પોતાના એકમાત્ર દીકરાની સંભાળ લેતી નથી, તે આ કામ ક્યાંથી કરવાની હતી ?' કમલાને આશ્ચર્ય થયું. તેમને દીકરો છે, અને તે દીકરો બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે, તેવી વાત તેમણે તો બાપુને ક્યારે ય કરી નહોતી ! કમલાનું આશ્ચર્ય જોઈને બાપુ બોલ્યા, 'હું બધાયનું ધ્યાન રાખું છું. ગયા વખતના મારા એ વિસ્તારના પ્રવાસ દરમિયાન મેં બોર્ડિંગમાં રહેતા તારા દીકરાને બોલાવેલો અને તેની સાથે વાતો કરેલી.' પોતાનાં વ્યક્તિગત જીવન વિશે જવલ્લે જ ઉલ્લેખ કરનાર કમલાદેવી ચટ્ટોપાધ્યાય ગાંધીજીની આ વાત પ્રેમપૂર્વક આલેખે છે.

•••••••••

જે ભારતીય સ્ત્રીઓના લેખનની ચર્ચા આપણે કરી રહ્યાં છીએ તેમાંની મહદંશની સ્ત્રીઓ 1900 થી 1910ના દશકમાં બ્રિટિશ ભારતમાં જન્મેલ હતી. અને નાનપણથી જ ગાંધીજીની વિચારધારાથી પ્રત્યક્ષપણે પ્રભાવિત હતી. એમાંની ઘણી બધીએ 1920ના ઐતિહાસિક પ્રથમ કૉન્ગ્રેસ અધિવેશનમાં સ્વયંસેવિકાઓ તરીકે સેવાઓ આપી હતી. આ બધી એવી સ્ત્રીઓ હતી કે જેઓ સુશિક્ષિત, સુસંસ્કારી પરિવારોની દીકરીઓ હતી. એવાં પરિવારો કે જ્યાં ગાંધીમૂલ્યો હૃદયપૂર્વક આવકાર પામ્યાં હતાં. દુર્ગાબાઈ દેશમુખ, મિસ સ્લેડ ઉર્ફે મીરાબહેન, વિજ્યાલક્ષ્મી પંડિત, કૃષ્ણા હઠીસિંહ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, રેણુકા રે જેવી સ્ત્રીઓ બાળપણમાં વારસામાં મળેલ ગાંધીવાદી મૂલ્યો સાથે જીવેલી. અને આઝાદી બાદ તેમાંની રેણુકા રે, વિજયાલક્ષ્મી પંડિત, દુર્ગાબાઈ દેશમુખ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય જેવી ઘણી બધી આત્મકથા લેખિકાઓને ભારતની પ્રથમ સરકારમાં સ્થાન પણ મળેલું. આમ ગાંધીચીંધ્યા માર્ગે સ્વતંત્રતા આંદોલનમાં સ્ત્રીની ભાગીદારી તેમ જ સફળ નેતૃત્વ પૂરું પાડનાર અહીં ચર્ચિત ભારતીય સ્ત્રીઓએ સત્તાની બાગડોર પણ સંભાળેલી. ઘરનો ઉંબર ઓળંગીને સ્વતંત્રતા આંદોલન તેમ જ જાહેર જીવનમાં પગ માંડનાર ભારતીય સ્ત્રીઓની આ પ્રથમ પેઢીએ ઘરના ઉંબરથી દિલ્હીના સરકારી પદ સુધીની લાંબી મજલ કાપેલી. અને આ સઘળી સફળતાનો મુખ્ય યશ હતો ગાંધીને. જેમણે સ્ત્રીની સુષુપ્ત શક્તિને પીછાણી અને તેને પ્રથમ વાર તક આપી.

તા.ક. આજકાલ નામદાર સુપ્રીમ કોર્ટ ભારતીય સ્ત્રીઓના હક્ક તેમને મળે તે માટે બનતા બધા જ પગલાં લેવા માટે પ્રતિબદ્ધ જણાય છે. આ એ જ કામ છે જે ગાંધીજીએ ભારતની આઝાદી પૂર્વે એકલા હાથે ઉપાડ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેમણે તેને પૂરતો ન્યાય પણ આપ્યો હતો. ભારતીય સ્ત્રીનાં સશક્તિકરણનો પાયાનો પથ્થર એટલે ગાંધીવિચાર. બાપુને વંદન.

E-mail : ranjanaharish@gmail.com

[પ્રગટ : ‘અંતર્મનની આરસી’ નામક સાપ્તાહિક કટાર,  “નવગુજરાત સમય”, 21 નવેમ્બર 2018]

Loading

મનહરપદ, નર્મદ, અને ગગાભાઈ દીવાન

દીપક મહેતા|Opinion - Literature|11 December 2018

કાળચક્રની ફેરીએ
 

જેહને કૃષ્ણવચન વિશ્વાસ, તેહેને ન રહે યમનો ત્રાસ
વિશ્વેશ્વરનાં વચન વિચારે, વર્તે બારે માસ
વાક્ય વિરુદ્ધ ન બોલે મુખથી, કરે સંતમાં વાસ … જેહને

*

અર્જુન સાથે બોલ્યાં હરિ એમ રે, મિત્ર શુણો વાણી રે;
હું છઉં વ્યાપક અનંત ને અપાર, મૂઢ સકે નહીં જાણી રે
આદિ મધ્ય અંત સૃષ્ટીથી નિર્લેપ રે, શુદ્ધ હું બિરાજું રે;
બ્રહ્માદિક સર્વ દેવ થકી પૂર્વ રે, એક રૂપે છાજું રે

*

ગરબો ગાઈયે તે નિરગુણ નામનો રે લોલ;
જે કોઈ શામ છે અકામ ને સકામનો રે લોલ
આપેં ચૈતન ઘન વ્યાપક અપાર છે રે લોલ;
ચૌદ લોકનો આધાર નિરાધાર છે રે લોલ

*

મધ્યકાલીન જ્ઞાન-ભક્તિ કવિતાની પરંપરાનાં આ અને આવાં બીજાં પદો લખાયાં છે ૧૯મી સદીની પહેલી-બીજી પચ્ચીસીમાં અને પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થયાં છે ૧૮૬૦માં. પુસ્તકનું નામ મનહરપદ. પણ પદો કરતાં ઘણો વધુ રોચક છે આ પુસ્તકના પ્રકાશનનો ઇતિહાસ, અને રસપ્રદ છે તેના લખનારનું જીવનચિત્ર. આ પદોના રચયિતા છે ભાવનગર પંથકના મનોહરસ્વામી, અને ૧૮૬૦માં આ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ તેના સંપાદક હતા સુરતવાસી કવિ નર્મદાશંકર લાલશંકર. પણ આ બેનો મેળ કેવી રીતે પડ્યો?

મનોહરસ્વામીનો જન્મ ઈ.સ. ૧૭૮૮માં, અવસાન ૧૮૪૫માં. મૂળે વસાવડના દેસાઈ નાગર, નામે મનોહરદાસ નાનકડા. હતા બુદ્ધિમાન અને વિચક્ષણ. ઘોઘાના સેવકરામ દેસાઈની નજરમાં વસી ગયા અને તેઓ મનોહરદાસને ઘોઘા લાવ્યા. ગૌરીશંકર (ગગા) ઉદયશંકર ઓઝા (૧૮૦૫-૧૮૯૨) પણ એ વખતે ઘોઘા રહેતા. સેવકરામ તે ગગાભાઈના બનેવી. એટલે ગગાભાઈ મનોહરદાસના પરિચયમાં આવ્યા. તેમના જ્ઞાનથી પ્રભાવિત થયા, તેમની પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. મનોહરદાસનાં રચેલાં પદો ગગાભાઈ જીવનના અંત સુધી ગાતા. વખત જતાં મનોહરદાસના મનમાં વૈરાગ્ય જાગ્યો અને તેમણે ૧૮૯૪માં સન્યસ્ત લઇ સચ્ચિદાનંદ બ્રહ્મતીર્થ નામ ધારણ કર્યું. મનોહરપદ ઉપરાંત પુરાતનકથા નામની ગુજરાતી વાર્તા અને વલ્લભમતખંડન નામનો સંસ્કૃત વાદગ્રંથ પણ તેમણે લખ્યાં.  પંદરેક વર્ષની ઉંમરે ગગાભાઈ સેવકરામ સાથે ભાવનગર જઈ રાજ્યની નોકરીમાં જોડાયા અને ધીમે ધીમે આગળ વધતાં ભાવનગર રાજ્યના દીવાન બન્યા. ‘શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, સી. એસ. આઈ. (સ્વામી શ્રીસચ્ચિદાનંદ સરસ્વતી) એમનું સપત્રચિત્ર જીવનચરિત્ર’ નામે ૭૧૦ પાનાંનું પુસ્તક ૧૯૦૩માં પ્રગટ થયું હતું. તેનાં પહેલાં પાંચ પ્રકરણ મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ લખેલાં. તે પ્રકરણોમાંથી મનોહરદાસ વિષે આટલી માહિતી મળે છે. મણિલાલની નાદુરસ્ત તબિયતને કારણે પછીનાં બધાં પ્રકરણો કૌશિકરામ વિઘ્નહરરામે લખ્યાં અને પુસ્તક તેમને નામે છપાયું.

ગુજરાતી સાહિત્ય પરિષદનું સાતમું અધિવેશન ૧૯૨૪માં ભાવનગર ખાતે મળ્યું હતું. પ્રમુખસ્થાને હતા કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી. તેમણે પોતાના ભાષણમાં મનોહરસ્વામી વિષે ઠીક ઠીક લંબાણથી વાત કરી છે. પણ તેમાં સારા પ્રમાણમાં હકીકતદોષ જોવા મળે છે. તેઓ લખે છે કે મનોહરસ્વામી ગૌરીશંકરભાઈના આશ્રય નીચે આવીને રહ્યા હતા. પણ આગળ જોયું તેમ ગગાભાઈ પંદરેક વર્ષની વયે ઘોઘાથી ભાવનગર ગયા તે પહેલાં જ મનોહરદાસ ઘોઘા જઈ વસ્યા હતા. ઉત્તરાવસ્થામાં ગગાભાઈએ સન્યસ્ત ધારણ કર્યું હતું. કમળાશંકર લખે છે કે મનોહરદાસે ગગાભાઈને દીક્ષા આપી હતી. પણ આ શક્ય જ નથી કારણ મનોહરદાસનું અવસાન ૧૮૪૫માં થયું હતું, જ્યારે ગગાભાઈએ સન્યસ્ત લીધું ૧૮૮૬ના જુલાઈની ૧૨મી તારીખે. તેમને દીક્ષા આપી હતી ગુરુ ગોવિન્દાનંદ સરસ્વતીએ.

જ્યારે નર્મદે આલેખેલું મનોહરસ્વામીનું ચિત્ર સાવ જૂદું છે. ૧૮૬૫માં પ્રગટ થયેલ પુસ્તક કવિચરિતમાં તેણે મનોહરસ્વામી વિષે લખ્યું છે. ૧૮૫૯માં પોતે ભાવનગર ગયો હતો ત્યારે ત્યાં ‘માહારી ન્યાતના લોકને મોહોડેથી સાંભળ્યા ઉપરથી આ ચરિત્ર ઉપજાવ્યું છે’ એમ નર્મદ લખે છે. (આરંભના પદ્યમાં તથા અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે.) ‘એ એટલો તો મેલો રહેતો કે એની પાસે તો શું પણ એનાથી ચાર ડગલાં દૂર ઊભા હોઈએ તો પણ તેના શરીરમાંથી દુર્ગંધી આવ્યાવના રેહેતી નહિ. જેવો તે મેલો હતો તેવો તે લુચ્ચાઈ દોન્ગાઈમાં, અને સન્યાસ લીધા પછી શિષ્યાનીઓનો વધારે સહવાસ રાખવામાં બહુ હોશિયાર હતો.’ તે બનાવટી દસ્તાવેજો, સહીસિક્કા કરવામાં પાવરધો હતો તેમ પણ નર્મદ લખે છે. એક વખત ૨૦૦૦ રૂપિયા માટે તેણે આવો દસ્તાવેજ બનાવ્યો હતો, પણ પછી એ રકમ ન મળતાં સુરતના સેશન્સ જજ જોન્સ પાસે જઈ તેણે પોતાનો ગૂનો કબૂલ કર્યો હતો અને સજાની માગણી કરી હતી. એટલું જ નહિ એ જજની નજર સામે એક બનાવટી દસ્તાવેજ તૈયાર કરી બતાવ્યો હતો. પણ સજાની માગણી જજે સ્વીકારી નહોતી કારણ અગાઉના ગૂનામાં પોતે સંડોવાયેલો હતો તેમ મનોહરસ્વામી પુરવાર કરી શક્યો નથી એમ જજનું માનવું હતું. આ ઉપરાંત મનોહરસ્વામીએ રચેલાં પુસ્તકોની યાદી પણ નર્મદે આપી છે જેમાં ગીતાની પદબોધીની ટીકા, રામગીતા ઉપરની ટીકા, વલ્લભમતખંડન, સનતસુજાતાખ્યાન, પુરાતન કથા, નિત્યકર્મ અને ગુજરાતી વ્યાકરણ જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

૧૮૫૯માં પોતે ભાવનગર ગયો હતો તેમ નર્મદે જણાવ્યું છે. એ મુલાકાત અંગે ‘મારી હકીકત’માં તેણે વિગતે લખ્યું છે. આ મુલાકાત દરમ્યાન તે મનોહરપદના પ્રકાશન સાથે સંકળાયો હતો. એક ન્યાતીલા અને જાણીતા લેખક તરીકે દીવાન ગગાભાઈએ નર્મદને ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. તેની જવાની ઈચ્છા નહોતી પણ પછી એક મિત્રની સલાહ માની નર્મદ ગગાભાઈને ત્યાં જમવા ગયો. આ અંગે નર્મદ લખે છે: “હું ધારતો તેટલી ઉલટથી તેઓએ મારો સ્વીકાર કર્યો નહોતો, પણ પોતે મોટે દરજ્જે હોય અને હું ઉતરતે દરજ્જે હોઉં એ પ્રમાણે.” આ મુલાકાત વખતે નર્મદની ઉંમર ૨૬ વર્ષની, ગગાભાઈની ૫૪ વર્ષની. વળી ભાવનગર રાજ્યના સર્વસત્તાધીશ દીવાન. એટલે તેઓ મુરબ્બીવટથી, કૈંક ટાઢાશથી વર્ત્યા હોય તો તે સમજી શકાય. તો બીજી બાજુ કવિરાજ તરીકે સન્માન-પ્રશંસાથી નર્મદ ટેવાયેલો. તેને મુરબ્બીવટ અને ટાઢાશ ખટક્યાં હોય તો તે પણ સમજી શકાય. ખેર, આ મુલાકાત વખતે ગગાભાઈએ પોતાની પાસેની મનહરપદની હસ્તપ્રત નર્મદને આપી અને તે છપાવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું. એ અંગે જે ખર્ચ થાય તે હું આપીશ એમ પણ ગગાભાઈએ કહ્યું. એટલે તે હસ્તપ્રત લીધા વિના નર્મદનો છૂટકો નહોતો.

ભાવનગરથી પાછા ફર્યા બાદ નર્મદે શું કર્યું? તેણે પોતે લખ્યું છે તેમ પોતાના કારકૂન પાસે છાપવા જેવાં પદ જુદાં પડાવીને છપાવ્યાં. હસ્તપ્રતમાં ગુજરાતી તેમ જ હિન્દી પદો દેવનાગરી લિપિમાં અને પંક્તિઓ છૂટી પાડ્યા વિના લખેલાં હતાં. નર્મદે ન તો લિપિ બદલાવી, ન તો પંક્તિઓ છૂટી પાડી. જેમ હતાં તેમ જ છપાવ્યાં. માત્ર બાર લીટીની પ્રસ્તાવના પોતાના તરફથી ઉમેરી. ત્યાર બાદ છાપેલાં શીટ (પ્રૂફ શીટ નહિ) તેણે ગગાભાઈને મોકલ્યાં અને સાથે ખર્ચના ૩૦૦ રૂપિયા મોકલવા જણાવ્યું. ઉમેર્યું: “હૂંડી મોકલજો કે છાપનારને આપું ને થોડી કિમતે વેચી તેનો નફો મારી મેહેનતમાં લઉં.” જવાબમાં ગગાભાઈએ લખ્યું કે ચોપડીમાં ‘અશુધ્ધિઓ’ રહી ગઈ છે. જવાબમાં નર્મદ શું લખે છે? “પ્હેલી આવૃત્તિમાં એમજ હોય – બીજીમાં શુદ્ધ થશે.’ (પોતાનાં પુસ્તકો માટે નર્મદ આ ધોરણ સ્વીકારે ખરો?) નર્મદે માની લીધું કે ગગાભાઈ નારાજ થયા છે એટલે ૩૦૦ રૂપિયા નહિ મોકલે. એટલે તેણે ગાંઠના પૈસા આપીને પુસ્તકની ૫૦૦ નકલ છપાવી અને ઉપર પ્રકાશક તરીકે પોતાનું નામ છપાવ્યું. કિંમત રાખી બે રૂપિયા. પણ થોડા દિવસ પછી ગગાભાઈએ પૂરેપૂરી રકમ મોકલી આપી. તે રાખવા નર્મદ રાજી નહોતો પણ પિતાના આગ્રહને કારણે પૈસા રાખી લીધા. પણ પછી ‘રીસમાં સઘળી જ ચોપડીઓ ભાવનગર મોકલી દેવાને મ્હેરવાનજી ભાવનગરીને ત્યાં મોકલી દીધી.’

નર્મદના સંપાદનથી ગગાભાઈને સંતોષ થયો નહોતો એટલે તેમણે ‘મનહરપદ’નું કામ ફરી ભવાનીશંકર નરોત્તમ દ્વિવેદીને સોંપ્યું. ભાવનગરના મહારાજાના આદેશથી તેનું પ્રકાશન રાજ્યને ખર્ચે થયું હતું. ૧૮૮૬માં નર્મદનું અવસાન થયું તે પછી, ૧૮૮૭માં તેનું પ્રકાશન થયું. એ વખતે ગગાભાઈ દીવાનપદેથી નિવૃત્ત થઇ ગયા હતા. પણ નર્મદની જેમ જ ન તો ભવાનીશંકરે લિપિ બદલી, કે ન તો પંક્તિઓ છૂટી પાડી. આ ઉપરાંત ‘બૃહત્ કાવ્યદોહન’ના ત્રીજા ભાગમાં પણ મનહરપદ સંકલિત થયાં છે અને સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે પણ ‘અખાની વાણી અને મનહરપદ’માં તેનું સંકલન કર્યું હતું.

પણ મનહરપદની સૌથી વધુ પ્રમાણભૂત, સંશોધિત, સંપાદિત આવૃત્તિ મળી તે તો છેક ૨૦૦૭માં. આપણા ધુરંધર સંશોધક, સંપાદક, વિવેચક રમેશ મ. શુક્લે તૈયાર કરેલી આ આવૃત્તિ નર્મદનું સમગ્ર સાહિત્ય (અનુવાદો અને સંપાદનો સહિત) સંશોધિત રૂપે પ્રગટ કરવાના તેમના અત્યંત આદરપાત્ર પ્રકલ્પના ભાગ રૂપે સૂરતના ચૂનીલાલ ગાંધી વિદ્યાભવને પ્રગટ કરી. તેમાં ગુજરાતી પદો ગુજરાતી લિપિમાં અને પંક્તિઓ છૂટી પાડીને છાપ્યાં છે. પાઠમાંની અશુધ્ધિઓ દૂર કરી છે, ઉપયોગી પ્રસ્તાવના ઉમેરી છે અને મનોહરસ્વામી વિશેનાં નર્મદ તથા કમળાશંકરના લખાણો પણ સમાવ્યાં છે. માત્ર ગગાભાઈના જીવનચરિત્રમાંની વિગતો સમાવવાનું બન્યું નથી. પૂંઠા ઉપર અને ટાઈટલ પેજ ઉપર પણ તેમણે સંપાદક તરીકે નર્મદનું, અને શુદ્ધિકરણ કરનાર તરીકે ભવાનીશંકરનું નામ છાપ્યું છે. સંશોધન કરનાર તરીકે પોતાનું નામ છેલ્લે છાપ્યું છે. એટલે મનોહરસ્વામીને અને ગગાભાઈને સાચા અર્થમાં સંશોધક-સંપાદક મળ્યો તે છેક ૨૦૦૭માં. આ લેખ લખાઈ ગયા પછી સાવ અણધારી રીતે મનહરપદની હસ્તપ્રત મુંબઈના એક પુસ્તકાલયમાં જોવા મળી. લેખને મથાળે તેનું પહેલું પાનું મૂક્યું છે. 

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

ગાંધીજીના ગુરુ કોણ ?

ચિત્તરંજન વોરા|Gandhiana|11 December 2018

મહાત્મા ગાંધીના ગુરુ તરીકે રસ્કિન [08 ફેબ્રુઆરી1819 – 20 જાન્યુઆરી 1900], ટૉલ્સ્ટૉય [09 સપ્ટેમ્બર 1828 – 20 નવેમ્બર 1910], થૉરો [12 જુલાઈ 1817 – 06 મે 1862] અને શ્રીમદ્દ[11 નવેમ્બર 1867 – 09 ઍપ્રિલ 1901]ને ગણાવનારા જાણે તો છે કે મહાત્મા ગાંધીએ પોતે જ કહ્યું હતું કે, પોતાને કોઈ ગુરુસ્થાને મૂકવાલાયક વ્યક્તિ મળેલ નથી અને તેની શોધ પૂરી થઈ નથી. તો પછી આવી ચેષ્ટા પાછળનું કંઈક કારણ હોવું જોઈએ. અમને તે સાંસ્કૃતિક ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિ લાગે છે. જેમને સ્વયં માટે ભારતીય હોવાનું આત્મસન્માન છે જ નહીં અને જે વિદેશી સંસ્કૃતિની માનસિક ગુલામીને નખશિખ પચાવી શકવામાં ધન્યતા માને છે, તે જ કેવળ મહાત્મા ગાંધીની લીટીની ઉપર પોતાના મિથ્યાભિમાન વડે અન્ય મહાત્માની લીટીને ખેંચીને તેને મોટી ચીતરે છે. જ્યારે કોઈ ભારતીય લેખકો આવી ચેષ્ટા કરે ત્યારે તેમાં તેમની લઘુતાગ્રંથિની માનસિકતા છે. અને તે સૌ એવું કરવાની પ્રેરણા તો પશ્ચિમી લેખકોનાં, એમની પોતાની જન્મદત્ત ગુરુતાગ્રંથિ વડે લખાયેલ વિધાનમાંથી જ મેળવેલી હોય છે, પોતાની સ્વતંત્ર બુદ્ધિની તો એવી ગુંજાઈશ જ નથી હોતી. જેનામાં સ્વતંત્ર બુદ્ધિની કંઈક ગુંજાઈશ હોય તે કોણ કોનો ગુરુ અને કોણ કોનો શિષ્ય, એ ઠરાવની કસરતમાં પડે જ નહીં. કમ સે કમ ભારતીયતાના આત્મગૌરવમાં ઉન્નત મસ્તકે વિચારનાર તો એક ભારતીયને કોઈના, વિદેશના કે અન્ય ધર્મના શિષ્યપણાં નીચે ન જ ધકેલે. મહાત્મા ગાંધી માટે આવું કરનારા ખરે જ પોતે કોનું શિષ્યપણું સાબિત કરે છે, તે જ શોધે તો તે પૂરતું છે. ખાસ કરીને મહાત્મા ગાંધી કેવળ ભારતીય હોવાને લીધે જ તેમના સાધ્યસાધન સંબંધના મૌલિક સિદ્ધાંતની બેઠી ઉઠાંતરી એક પાશ્ચાત્ય વિદ્વાન એ જ ગ્રંથ નામે કરે છે અને તેના પ્રકાશનના કાલાનુક્રમને જોતાં, મહાત્મા ગાંધીના કામના અને પ્રકાશનનો ઉલ્લેખ કે સંદર્ભ પણ બતાવવાની તેઓશ્રી દરકાર કરતા નથી; એવું અમારા ધ્યાન પર આવ્યું, ત્યારે અમને પશ્ચિમી માનસમાં રહેલ જન્મદત્ત ગુરુતાગ્રંથિનો વાસ્તવિક પરિચય થયો. તાત્પર્ય એ કે આ કંઈ અમારો કાલ્પનિક ખ્યાલ નથી.

કાર્લ માર્ક્સ શોષણમુક્તિની ક્રાંતિના યુગપ્રવર્તક મહાન વિચારક અને સંગઠક ક્રાંતિકારી હતા. તેમની મહાનતાની લીટીને નાની દેખાડવા માટે કેમ કોઈ ગુરુની મોટી લીટી એમના નામની ઉપર ખેંચવામાં આવી નથી? એ ભારતીય હોત તો? એ જો ભારતીય હોત તો એમના નામની ઉપર પાશ્ચાત્ય ફિલૉસૉફીના મહાન ચિંતક જર્મન વિદ્વાન શ્રી હેગલની લાંબી લીટી શું ન ખેંચાઈ હોત? માર્ક્સનો દ્વંદ્વાત્મક ભૌતિકવાદ તે મૂળમાં તત્ત્વજ્ઞાનમાં શ્રી હેગલનો એ જ સિદ્ધાંત છે, તેનો માર્ક્સે સામાજિક નિરીક્ષણમાં પ્રયોગ કર્યો. આ આટલું ગુરુપદ સ્થાપવા યોગ્ય કારણ છતાં કદી કોઈને શ્રી હેગલને માર્ક્સના ગુરુસ્થાને સ્થાપનારાં પુસ્તકો શું કદી લખ્યાં, જેમ મહાત્મા ગાંધી માટે કેટલાક બુદ્ધિમાનોએ લખ્યાં છે, તેમ? કોઈ કહેશે શ્રી હેગલ ફિલૉસૉફીમાં ઈશ્વર, આત્મા જેવા અભૌતિક, તત્ત્વજ્ઞાનને લગતાં ક્ષેત્રના ચિંતક હતા; જ્યારે માર્ક્સ તો પીડિત માનવતાનાં આંસુ લૂછનાર, શોષણમુક્તિ માટે રાજ્યક્રાંતિ, અર્થક્રાંતિ, સામાજિ ક અને સાંસ્કૃતિક ક્રાંતિના જ્યોતિર્ધર હતા. બંને એક જ સમાન કાર્યક્ષેત્રની ભૂમિકાના પ્રવર્તક ન હતા, ભિન્ન ભિન્ન ભૂમિકા ધરાવનારા હતા. ત્યારે જે ભૂમિકામાં પોતાનું પ્રદાન હોય તેમાં અન્ય એ સિવાયની ભૂમિકાના કોઈ ગુરુ સંભવી શકે નહીં. તત્ત્વજ્ઞાનના ચિંતક કંઈ શોષણમુક્તિની સામાજિક ક્રાંતિના સિદ્ધાંત શીખવી શકે નહીં. તેથી માર્ક્સની વિચારધારના ગુરુ તરીકે શ્રી હેગલ પર ગ્રંથો લખવામાં આવે નહીં, તે દેખીતું છે; ત્યારે શું આ જ વાત મહાત્મા ગાંધીની પ્રતિભાની ભિન્ન ભૂમિકાને માટે પણ સાચી નથી? શુદ્ધ સાધ્ય માટે સાધનશુદ્ધિની એમની મૌલિક સૈદ્ધાંતિક વિચારણા, અહિંસા વડે સાધનશુદ્ધિની એમની ભૂમિકા, સ્વરાજ્યના સર્વોચ્ચ, અનંત, શુદ્ધ સાધ્યની એમની સંકલ્પના, સાધન એ બીજ છે તે કાર્ય કારણ સંબંધની મૌલિક પ્રસ્થાપના અને સાધ્યસાધન વચ્ચે કાર્યકારણ સંબંધની એવી અનિવાર્યતા બતાવનાર મહાત્મા ગાંધીએ સર્વોદય વડે સ્વરાજનો સિદ્ધાંત આપીને જગતને બતાવ્યું કે, અન ટુ ધિસ લાસ્ટમાં નર્યો અંત્યોદય છે તે પર્યાપ્ત નથી. તે તો ગરીબી સામે રાહતના ઉપાય વડે, મૂડીવાદને ટકાવનાર શોષણની વ્યવસ્થાને  મજબૂત કરે છે. તેમાં ‘હેતુ’ની ખામી મહાત્મા ગાંધીએ બતાવી. જે ખામી ફ્રેંચ – ક્રાંતિનાં મૂલ્યોમાં રહેવાને પરિણામે જગતમાં પછી મૂડીવાદી શોષણ પેદા થાય છે. તેનું નિવારણ નિરસન ‘સ્વરાજ્ય’ના સાધ્યનો ‘હેતુ’ મૂકવાથી થાય, તેમ મહાત્મા ગાંધીએ સર્વોદય ગ્રંથમાં 1904માં બતાવ્યું અને તેની ‘સ્વરાજ્ય’ના સાધ્ય તરીકે સૈદ્ધાંતિક પ્રસ્થાપના 1908 માં હિંદ સ્વરાજમાં કરી. પછીનો દક્ષિણ આફ્રિકામાં એક કોમ પૂરતો અને ભારતમાં કરોડો લોકોના ઉપખંડની રાષ્ટ્રીય આઝાદીના નવજાગરણને માટે નેતૃત્વનો ઇતિહાસ અહિંસામાં નવા યુગની પ્રસ્થાપનાનો ઇતિહાસ છે, તે સૌ જાણે છે. તેમની આ ભૂમિકા પ્રયોગશાળાના એકાંતમાં ગ્રંથલેખન વડે તારવેલા સત્ય સમાન સંશોધક પ્રતિભાની જ ભૂમિકા છે કે તે ઉપરાંત કરોડોનાં જીવનને આવરી લેનાર સંપૂર્ણ મૂલ્યક્રાંતિની ભૂમિકા પણ છે? શું આ મૂલ્યક્રાંતિની ભૂમિકાના સિદ્ધાંત કોઈ ગુરુએ તેમને શિષ્ય બનાવીને શીખવાડેલા છે? શું એ ટૉલ્સ્ટૉયે ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ ગ્રંથમાં બતાવેલા છે? સત્યાગ્રહ વડે અહિંસામય સંઘર્ષની કાર્ય પદ્ધતિ પણ અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી ગ્રામોદ્યોગમૂલક અહિંસક સમાજ-પરિવર્ત ન વડે લોકશક્તિ નિર્માણ કરે છે તે કોણે તેમને શીખવ્યું, ‘રસ્કિને, ટૉલ્સ્ટૉયે, શ્રીમદ્દ કે થૉરોએ?’

સત્યાગ્રહ માટે ધનિકોની ટ્રસ્ટીશિપ વડે ત્યાગ અને આત્મભોગને અનિવાર્ય બતાવીને, એ જ ટ્રસ્ટીશિપ વડે દૂબળાં, બાપડાં, ગરીબ, કંગાળ કે ભૂખ્યાંને એક ટંક રોટલો ને મીઠાની કાંકરી પણ મળે તે માટે રચનાત્કમ કાર્યક્રમોને દેશવ્યાપી બનાવવાનું કોણે શીખવ્યું? મહાત્માની પોતાની પ્રતિભાનો જ એ પરિપાક છે, કોઈ ગુરુના શિષ્યપણાની પ્રસાદી નહીં. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ તો, મહાત્મા ટૉલ્સ્ટૉય સાથે તેમનો પત્રવ્યવહારથી પ્રથમ પરિચય થયો તે અગાઉથી જ શરૂ થઈ ચૂક્યો હતો. એટલે સત્યાગ્રહની શોધના પાયા તો નખાઈ ચૂક્યા હતા અને એ પાયા પર જે નિર્માણયજ્ઞ થઈ રહ્યો હતો તે કાળે મહાત્મા ટૉલ્સ્ટૉય તરફથી તેમને સમર્થન અને પ્રોત્સાહન વડે શક્તિ સાંપડે છે, એવી કોઈ શક્તિ મળવાની ધારણા કે અપેક્ષા સિવાય જ દક્ષિણ આફ્રિકામાં હિંદી કોમના સંઘર્ષનો, નેતૃત્વનો આરંભ અને ખેડાણ થઈ ચૂક્યાં હતાં, તેથી ગુરુ-શિષ્ય સંબંધની કોઈ ભૂમિકાનો એ સંદર્ભમાં કોઈ સવાલ આવતો નથી. તેવું જ રસ્કિન—વિચાર અનટુ ધિસ લાસ્ટ અંગે પણ છે. યોગ્ય સંદર્ભમાં બંનેના સંબંધનું નિરુપણ ઘટિત છે. ટૂકંમાં જોઈએ તો અનટુ ધિસ લાસ્ટ અંત્યોદય વિચાર છે. હિંદ સ્વરાજ અને આઝાદી સંગ્રામના સત્યાગ્રહના સંદર્ભ તેનું સ્વરૂપ મહાત્મા ગાંધીની મૌલિક પ્રતિભાનો પરિચય આપે છે. મૂળ ખ્યાલ તરીકે અંત્યોદય એટલે અનટુ ધિસ લાસ્ટ એ જ ગાંધીવિચાર છે એવો ભ્રમ ફેલાવનારા જ રસ્કિનને ગાંધીના ગુરુ કહે છે. વિચાર કરતાં જણાશે કે તે બેહૂદું છે, કેમ કે, અનટુ ધિસ લાસ્ટ ગરીબ શ્રમિકને રાહત આપવા માટે મૂડીવાદી સમાજના સંદર્ભમાં કરેલો વિચાર છે, તે મૂડીવાદી શોષણની વ્યવસ્થાને મિટાવીને વિકલ્પે નવીન રચનાનો વિચાર નથી. તે મૂડીવાદને ટકાવીને શ્રમિકને શોષણથી બચાવવાની રાહત આપવાનો અથવા શ્રમિક મજૂર તે પેઢી દર પેઢી મજૂર જ રહે તેવી વ્યવસ્થાના સંદર્ભમાં રાહતલક્ષી વિચાર છે. ગાંધી મૂડીવાદને ખતમ કરીને સર્વોદયના માર્ગે સ્વરાજની ક્રાંતિ વડે નવીન અહિંસક સમાજરચનાના યુગનું ઉદ્ઘાટન કરનાર પ્રતિભા છે. મજૂર તે મજૂર મટીને સૌ સમાન સ્વાવલંબી સમાજના સભ્ય બને તે ગાંધીના રચનાત્મક કાર્યક્રમનો આશય છે. હવે ભારતના સ્વતંત્રતા સંઘર્ષના સત્યાગ્રહમાં, ત્યાગ-બલિદાન, આત્મભોગ માટે મહાત્મા ગાંધીએ ભારતીય સમાજના વંચિત-ગરીબને જ નહીં પણ ધનિક વ્યાપારી, વકીલ વ્યાવસાયિક અને રાજાઓ તથા રાજવી નબીરાઓને નેતાગીરી લેવાની ફરજ પાડી હતી. ગરીબ-દૂબળાં-બાપડાંને જીવન જીવવામાં ટેકો આપવા માટે અસ્પૃશ્યતાનિવારણ, ખાદી ગ્રાદ્યોગમૂલક અહિંસક ક્રાંતિના દેશવ્યાપી રચનાત્મક કામનું સંગઠન મહાત્મા ગાંધીએ કરાવ્યું, તે માટેની રાષ્ટ્રીય સંસ્થાઓ પણ બનાવી. એ ‘સ્વરાજ’ની દિશામાં રચનાત્મક પ્રયાસનું પહેલું પગલું હતું. શ્રમિકને કાયમ મજૂરની પરવશતામાંથી મુક્ત કરીને તેને એક ઉદ્યોગ સાહસિકના દરજ્જે ખાદી ગ્રામોદ્યોગના સ્વાવલંબી એકમનો સંચાલક બનાવનારી એ ક્રાંતિની શરૂઆત રાષ્ટ્ર આખામાં વ્યાપક ફલક પર હાથ ધરવામાં આવી. આઝાદીના સંગ્રામની સળગતી આગ વચ્ચે રાષ્ટ્રને આર્થિક સ્વરાજની દિશામાં લઈ જવાનો એ મહાપ્રયાસ હતો. તે નેતૃત્વનું શ્રેય એટલે ગુરુપદ રસ્કિનને આપનાર રસ્કિનને ગાંધીજીના ગુરુ કહેનાર પછી અનટુ ધિસ લાસ્ટ એટલે ગાંધીવિચાર એમ કહે, એમાં સત્યનો અંશ પણ નથી. તે સાથે એ પણ ખરું કે આ ક્રાંતિલક્ષી અને સ્વરાજલક્ષી રચનાત્મક કાર્યક્રમ મહાત્મા ગાંધીના સ્વર્ગવાસ પછી પ્રાયોગિક દશાથી આગળ ચાલ્યા પણ નહીં. અનટુ ધિસ લાસ્ટના જ વિચારની આવી નિષ્ફળતાના આઘાત છતાં અનટુ ધિસ લાસ્ટ એટલે જ ગાંધીવિચાર એવા ભ્રમનો ભોગ બનેલા લેખકો રસ્કિનને હજુ પણ તેમના ગુરુસ્થાને બતાવીને શો આત્મસંતોષ પામે છે તે સમજી શકાય તેમ નથી. આ મુજબ થૉરોનાં ‘સિવિલ ડિસોબીડિઅન્સ’ વિશે પણ ચર્ચાનો વિસ્તાર કરી શકાય; પણ સ્થળ- સંકોચની મર્યાદા લક્ષમાં લઈ એટલું સુજ્ઞ વાચકની વિવેકક્ષમ સમજશક્તિને સહજ ગમ્ય હોવાથી તે વિશે આટલો નિર્દેશ જ ઠીક ગણાશે.

શ્રીમદ્દ રાજચંદ્ર

શ્રીમદ્દ અને ગાંધીજીના સંબંધ વિશે, તેમની વચ્ચેના પ્રશ્નોત્તર વિશે સાહિત્ય સર્વસુલભ છે. તેમાં કોઈ સ્થળે શ્રીમદ્દ તરફથી ગુરુપણાનો કોઈ ભાવ કે વ્યવહારનો અંશ પણ જણાય તેમ નથી. તો ગાંધીજીએ તેમને જ્ઞાની તરીકે પૂજ્યભાવે નાનામાં નાના ગણાય તેવા સામાન્યથી ગહન પ્રશ્ન પૂછવામાં સંકોચ રાખ્યો ન હતો. શ્રીમદ્દ સાથેનો સંબંધ મૂલત: જ્ઞાનનિષ્ઠાના ઘડતરની પગદંડી બને છે. એ જીવનપુષ્ટિને પરિપક્વ કરનાર આચાર અને ધર્મની સૂક્ષ્મતામાં લઈ જનારી સમજ કેળવે છે. એ વિવેક મહાત્મા ગાંધીના સ્વરાજનિર્માણના સામાજિક અને મોક્ષની આકાંક્ષાનાં આંતરિક જીવનના મૂલ્યોની ઉપાસનાને જ્ઞાનમય બનાવે છે. શ્રીમદ્દની જ્ઞાનનિષ્ઠા ધ્યાનમાર્ગે સમાધિ દશાને સમર્પિત છે, મહાત્માની સ્વરાજનિષ્ઠા નિષ્કામ કર્મ માર્ગે સમર્પિત છે. તેથી એ પોતે શ્રીમદ્દના ધ્યાનમાર્ગે સાધક બન્યા પણ નથી. અને શ્રીમદ્દ જેવા સમાધિ – દશાના જ્ઞાની સાક્ષાત્કારી ભગવંત કંઈ ગાંધીવિચારની રચનાત્મક અહિંસક સામાજિક ક્રાંતિના સર્વોદય વિચારક તરીકે સ્વપ્ને પણ ગાંધીજીના ગુરુ ન હોઈ શકે, તેમાં શક નથી.

તો પછી ગાંધીજીના ગુરુ કોણ? શો છે જવાબ? એ જ, સ્વયં પરમાત્મા ! અને જેમનો અવાજ એ સાંભળતા અને અનુસરતા. ઉપવાસ વખતે એ જ એમને આદેશ આપતા, પ્રેરણા આપતા! અને એવું એમણે જાતે જ કહ્યું છે!

સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, વર્ષ – 6; અંક – 10-11; ઑક્ટોબર – નવેમ્બર 2018; પૃષ્ઠ – 358 – 361 

Loading

...102030...2,9522,9532,9542,955...2,9602,9702,980...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved