નિવૃત્ત ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર જ્યારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ હતા, ત્યારે એક કાર્યક્રમમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા, એ ઘટના યાદ હશે. તેમના રડવાનું કારણ ન્યાયતંત્રની દુર્દશા હતું. તેમણે કહ્યું હતું એ દેશની ન્યાયવ્યવસ્થા તૂટી પડવાને આરે છે અને તેને માટે અમે એટલે કે જજો જવાબદાર નથી. એમાં સુધારાઓ કરવાની જગ્યાએ, જજોની ભરતી કરવાની જગ્યાએ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની જગ્યાએ શાસકો અદાલતોની આલોચના કરે છે એ ખોટું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના મુખ્ય ન્યાયમૂર્તિને રડતા જોઇને હેબતાઈ ગયા હતા, પરંતુ તેમનો જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે મોઢામાંથી એમ નહોતું કહ્યું કે હવે પછી કોઈ ન્યાયમૂર્તિએ અને અદાલતનો આશરો લેનાર(વાદી-પ્રતિવાદી)એ રડવું નહીં પડે. હું બેઠો છું અને ન્યાયતંત્રમાં સુધારા કરીને રહીશ, એમ તેમણે નહોતું કહ્યું. તેમણે એવું વલણ દાખવ્યું હતું જાણે કે કોઈ શરમાવા જેવી ઘટના જ ન બની હોય. આને કહેવાય મોઢું ફેરવી લેવું.
ન્યાયતંત્ર સામે દેશમાં રાષ્ટ્રીય કાવતરું રચાયેલું છે અને કાવતરાખોર માત્ર બી.જે.પી. કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નથી. દેશનો સમગ્ર શાસકવર્ગ કાવતરાખોર છે અને તેમાં અમલદારોનો પણ સમાવેશ થાય છે. આ કાવતરું આજકાલનું પણ નથી. મોટા ભાગની બીમારીઓમાં જોવા મળે છે એમ આની શરૂઆત પણ ઇન્દિરા ગાંધીના વખતમાં થઈ હતી. રમત બહુ સ્પષ્ટ છે : ભ્રષ્ટ અને શિથિલ શાસકીય-રાજકીય વ્યવસ્થા જાળવી રાખવી હોય તો જેને જવાબ આપવો પડે એને નિષ્પ્રાણ કરી નાખો.
કોને જવાબ આપવો પડે? સંસદને. તો સંસદમાં તો બધા નાગા છે એટલે કોઈ કોઈની સામે એક હદથી વધારે આંગળી નહીં ચીંધે. આંગળી ચીંધશે તો પણ જેલમાં જવું પડે એવા રાજકીય કે વ્યવસ્થાકીય સુધારાઓ કરવાની કોઈ માગણી નહીં કરે. બીજો જવાબ અખબારો અને મીડિયાને આપવો પડે તો તેનાથી ડરવાની જરૂર નથી, કારણ કે તેને ખરીદી શકાય છે અને જો કોઈને ખરીદી ન શકાય તો પણ શો ફરક પડે છે? તેઓ વધુમાં વધુ ઉઘાડા પાડી શકે અથવા બદનામ કરી શકે, આપણને જેલમાં મોકલવાનો અધિકાર મીડિયાને નથી. જેલમાં મોકલવાનો અને સત્તાની બહાર કાઢવાનો અધિકાર એક આત્ર અદાલત ધરાવે છે એટલે તેને લકવાગ્રસ્ત રાખો. તેની એવી રીતે કમર તોડી નાખો કે આપણી રાજકીય કારકિર્દી પૂરી થાય ત્યાં સુધી અદાલત આપણા સુધી ન પહોંચી શકે.
તમે એક વાત નોંધી? ૨૦૧૪માં નરેન્દ્ર મોદી જ્યારે વડા પ્રધાનપદના ઉમેદવાર હતા, અને ચૂંટણી પ્રચાર કરતા હતા, ત્યારે તેમણે આકાશમાંથી તારા લાવી આપવાના વચનો આપ્યાં હતાં, પરંતુ ન્યાયતંત્રમાં સુધારા કરવાના વચનો નહોતા આપ્યા. યાદ કરો એ દિવસો. ચેક કરો યુ ટ્યુબના વીડિયો ક્યાં ય તમને એક કલીપ પણ નહીં મળે. બી.જે.પી.ના મેનિફેસ્ટોમાં ન્યાયતંત્રમાં સુધારા કરવાની વાત જોવા નહીં મળે. માત્ર બી.જે.પી. શા માટે? કોઈ રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં આનો ઉલ્લેખ જોવા નહીં મળે. નરેન્દ્ર મોદી પહેલાં વિશ્વનાથ પ્રતાપસિંહ જેવા તારણહારો પ્રગટ થયા હતા, તેમણે પણ ન્યાયતંત્રમાં સુધારા કરવાના વચનો નહોતા આપ્યા. રામરાજ્ય લઈ આવીશું, પરંતુ ન્યાયતંત્રમાં સુધારા વિષે આંખ આડા કાન કરીશું.
છપ્પન ઈંચની છાતી ધરાવવાનો દાવો કરનારાઓ, પારદર્શકતાના બણગાં ફૂંકનારાઓ, સ્વચ્છતા અભિયાન ચલાવનારાઓ, જેના હાથમાં ખરેખર ઝાડુ છે અને સાફસૂફી કરવાની સત્તા ધરાવે છે, તેની તાકાતમાં વધારો થાય એવા કોઈ પ્રયાસ નથી કરતા; બલકે તેની તાકાત ક્ષીણ કરી રહ્યા છે. તેમને ખબર છે કે જો ન્યાયતંત્રને સક્ષમ કરવામાં આવશે તો સત્તા સુધી પહોંચાડનારી ભ્રષ્ટ વ્યવસ્થા ખતમ થઈ જશે અને જો મોટા ગોરખબંધા કરીશું તો જેલમાં જવું પડશે. ન્યાયતંત્રનું ત્રણ સ્તરનું માળખું એવું છે કે તેમાં દરેક સ્તરે છટકી નીકળવું મુશ્કેલ છે. ત્રણ સત્ર પછી પણ રિવ્યુ અને ક્યુરેટિવ પિટિશનની જોગવાઈ છે. મીડિયાને ખરીદી શકાય, જજને દરેક સ્તરે ન ખરીદી શકાય.
આનો ટૂંકો ઉપાય છે ગળું દબાવેલું રાખો. ત્રણ કરોડ કેસોનો ભરાવો થયો છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. વકીલો કાયદાઓની આંટીઘૂંટી વાપરીને અને તારીખો માંગતા રહીને ન્યાયતંત્રને પરાસ્ત કરી રહ્યા છે. લેખિત રજૂઆત માટેની જોગવાઈ ન હોવાથી મૌખિક દલીલો દિવસોના દિવસો સુધી કરવામાં આવે છે કે જેથી કેસનો નિકાલ ન ન આવે. સૌથી મોટું શસ્ત્ર છે જજોની નિમણૂક નહીં કરવાનો અને અદાલતો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું નહીં પાડવાનું. આ બધું જાણીબૂજીને કરવામાં આવી રહ્યું છે અને દાયકાઓથી કરવામાં આવી રહ્યું છે.
હવે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કહ્યું છે કે ઈનફ ઈઝ ઇનફ. ઘણું થયું. તેમણે સામે ચાલીને અદાલતમાં કેસ હાથ ધર્યો છે અને કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારોને કહ્યું છે કે જજોની ભરતી વિષે અને ઇન્ફ્રાસ્ટ્રકચર વિષે શું કરવાના છે એ કહો. કુલ ૨૨,૦૩૬ જજોની જગ્યા છે એમાંથી ૫,૧૩૩ જગ્યાઓ ખાલી છે. એકલા ઉત્તર પ્રદેશમાં એક હજાર કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. ટકાવારીમાં કહીએ તો ઉત્તર પ્રદેશમાં ૪૨.૧૮ ટકા, બિહારમાં ૩૭.૨૩ ટકા અને મેઘાલયમાં સૌથી વધુ ૫૯.૭૯ ટકા જગ્યા ખાલી છે. જજોની નિમણૂકનો અધિકાર સરકારોનો છે અને ઇન્ફ્રાસ્ટ્રકચરની તો પૂરી જવાબદારી સરકારોની છે. બને ત્યાં સુધી નિમણૂકની બાબતમાં વડી અદાલતોની અને કોલેજિયમની ઉપેક્ષા કરવાની અને ઇન્ફ્રાસ્ટ્રકચર તો ક્યારે ય આપવાનું જ નહીં.
જોઈએ મુખ્ય ન્યાયમૂર્તિના પ્રયત્નોનું કેવું પરિણામ આવે છે ! અત્યારના મુખ્ય ન્યાયમૂર્તિ રડનારા નથી અને એટલે તો તેમને સુપરસીડ કરવામાં આવશે એવો ડર હતો.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 18 નવેમ્બર 2018
![]()





ઉમાશંકર જોશીએ કહેલો એક પ્રસંગ મેં આ પહેલાં નોંધ્યો હતો. એક વાર જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ની ઉપસ્થિતિમાં દેશભરનાં કેટલાંક ચુનંદા સાહિત્યકારો અને વિદ્વાનોની એક બેઠક બોલાવી હતી, જેમાં ઉમાશંકર જોશી પણ હતા. વિષય હતો: અમર કહી શકાય એવાં કાલજયી વિદેશી વિચારોને અને સાહિત્યને ભારતીય ભાષાઓમાં લઈ આવવાનો કે જેથી દરેક પ્રદેશની નવી પેઢીને વિચારવા માટે ભાથું મળે. સોક્રેટિસ, પ્લેટો-એરિસ્ટૉટલથી શરૂ કરીને જ્યૉં પૉલ સાર્ત્ર સુધીના વિચારકો અને હોમરથી લઈને કાફકા સુધીના સાહિત્યકારો વિષે તેમાં ચર્ચા થઈ હતી અને અનુવાદ માટેનાં પુસ્તકોની યાદી બનાવી હતી.
