Opinion Magazine
Number of visits: 9578326
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક નમ્ર અપીલ : ખેડૂતોની વેદનાને રાજકીય પક્ષોના પક્ષકાર બન્યા વિના સમજવાની કોશિશ કરો અને અંતરાત્માનો અવાજ સાંભળો

રમેશ ઓઝા|Opinion - Opinion|2 December 2018

ખેર, પોતાના માટેનો જી.ડી.પી.નો દર તો સુધારી લીધો, એ પછી પણ ડૉ. મનમોહન સિંહ ઉજળા દેખાતા હતા એટલે યુ.પી.એ. સરકારનો જી.ડી.પી.નો દર બગાડી નાખ્યો પણ પ્રત્યક્ષ નજરે પડતું પરિણામ ક્યાં?

એ જો નજરે પડતું હોત તો આજે દિલ્હીમાં ખેડૂતો રસ્તા પર ઊતર્યા ન હોત. એ જો નજરે પડતું હોત તો યુવાનો આંદોલિત ન હોત. એ જો નજરે પડતું હોત તો વડા પ્રધાનની ઠેકડી ઉડાડવામાં ન આવતી હોત. ૨૦૧૪માં આ જ યુવાનોએ તેમને ખભા પર બેસાડીને દિલ્હી પહોંચાડ્યા હતા. પરિણામ જો નજરે પડતું હોત તો અયોધ્યાને પાછું સળગાવવાની જરૂર ન પડી હોત. જો પરિણામ નજરે પડતું હોત તો જે તે ગામનાં નામ બદલવાની જરર પડતી ન હોત. જો પરિણામ નજરે પડતું હોત તો હનુમાનજીને દલિત જાહેર કરવા ન પડ્યા હોત. આ સાલું કમાલ છે! હનુમાનજી દલિત હતા અને રાણા પ્રતાપના ઘોડા ચેતકની મા ગુજરાતણ હતી એ તેમને કેવી રીતે ખબર પડી હશે? જરૂર ઊંડી સાધના અને દિવ્યદૃષ્ટિ હોવાં જોઈએ. હાડ-ચામનાં બનેલાં મર્ત્ય માનવી આવાં ઊંડા રહસ્યો ન પામી શકે.

પરિણામ અનુભવી શકાય એમ નજરે પડે છે, એને માટે પ્રમાણપત્રોની જરૂર હોતી નથી. પરિણામો જો નજરે પડતાં હોત તો એ પહેલાં વરસાદની માટીની સુગંધની માફક આપોઆપ અનુભવી શકાત. પરિણામ છૂપું રહે? બાળકને સ્કૂલમાં સારા માર્ક્સ મળ્યાં હોય તો ગલીના નાકેથી મલકતું મલકતું ઘરે આવે અને માને વગર સર્ટિફિકેટે પરિણામની ખબર પડી જાય. કામધંધામાં પરિણામ મળતું હોય તો પત્નીને પતિના અવાજના ટોન પરથી ખબર પડી જાય, પણ પતિ જ્યારે પત્નીને કહે કે પાંચ વરસ પહેલાં તે મારી માને ગાળો દીધી હતી ત્યારે સમજી લેવું કે ભાઈ કામધંધામાં ઠર્યા નથી.

ભારતમાં ખેડૂતો એક દાયકાથી સંકટનો સામનો કરી રહ્યા છે. હજારો ખેડૂતોએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. ગ્રામીણ યુવાનો બેકાર છે અને શહેરમાં જાય છે તો ત્યાં રોજગારી નથી. આગળની યુ.પી.એ. સરકારે કાંઈ જ કર્યું નહોતું. હા, એક સારું કામ કર્યું; ડૉ. મનમોહન સિંહની સરકારે સત્તામાં આવ્યા પછી એ જ વરસમાં ૨૦૦૪ના નવેમ્બર મહિનામાં ડૉ. એમ.એસ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં એક અભ્યાસપંચની રચના કરી હતી. ડૉ. સ્વામીનાથન વિશ્વવિખ્યાત કૃષિવિદ્ છે. સ્વામીનાથન પંચે પાંચ હપ્તામાં ૨૦૦૬ના ઓક્ટોબર મહિના સુધીમાં સંપૂર્ણ અહેવાલ આપી દીધો હતો. ખેતીવાડીનાં સંકટના કારણો અને તેના ઉકેલની ભલામણો એમાં આપવામાં આવી હતી.

ઓક્ટોબર ૨૦૦૬. એ પછી આઠ વરસ ડૉ. મનમોહન સિંહની યુ.પી.એ. સરકાર કેન્દ્રમાં હતી. શું કર્યું? કાંઈ જ નહીં. પંચની ભલામણો વિષે ચર્ચા થઈ, ખૂબ ચર્ચા થઈ, સાંગોપાંગ ચર્ચા થઈ, સંસદમાં પણ ચર્ચા થઈ પણ પછી શું? શા માટે દેખીતા સંકટને ઉકેલવામાં આવતું નથી? બે જ શક્યતા છે; કાં તો એનો ઉકેલ અશક્ય હોય અથવા બીજે આર્થિક મોરચે નુકસાન પહોંચાડે એવો અઘરો હોય અને કાં જાણીબૂજીને ઉકેલ નહીં લાવવાની કોઈક મોટી રમત હોય.

જગત આખાના કૃષિ અર્થશાસ્ત્રીઓ કહે છે કે આ અર્થતંત્રની ભીડ નથી, પરંતુ ખેડૂતોને ખેતીના વ્યવસાયમાંથી હટાવવાની જાગતિક રમત છે. આખા જગતમાં આવું બની રહ્યું છે, એમાં ભારત અપવાદ નથી. ખેડૂતોના ભાગે ભાગ પડે, જમીનના ટુકડાઓ નાના હોય, પરંપરાગત રીતે ખેતી કરે, મોટી ટેકનોલોજી ઈચ્છે તો પણ નાના ખેતરમાં લાગુ કરવી પરવડે નહીં, વ્યક્તિગત ખેડૂત મોટી રકમ રોકી શકે નહીં, કેટલાક ખેડૂત દેશી બિયારણના વળગણો ધરાવતા હોય, કેટલાક વિલાયતી ખાતરનો વિરોધ કરે, કેટલાક હાઈબ્રીડ કે જેનેટિક સીડ્સનો વિરોધ કરે, કેટલાક ગામ સાથે અને જમીન સાથે રોમેન્ટિક રિલેશનશિપ ધરાવતા હોય એ આજના યુગમાં ચાલે નહીં. ઉપાય થોડો અઘરો અને જલદ જરૂર છે, પરંતુ ખેડૂતોને ખેતરમાંથી અને ગામડાંમાંથી કાઢ્યા વિના કોઈ છૂટકો નથી. બહુ બહુ તો એક કે બે પેઢી બરબાદ થઈ જશે અને તેમના નસીબમાં જે કિંમત ચુકવવાની લખાઈ હશે એ ચૂકવવી પડશે; પરંતુ એ પછી કોર્પોરેટ એગ્રિકલ્ચરનો યુગ શરૂ થશે જે માનવ જાતને થોડી સદીઓ સુધી સાચવી લેશે.

તો યોજના છે ખેડૂતોને ખેતરમાંથી અને ગામડાંમાંથી હટાવવાની. તેને માટે પાળેલા કૃષિ અર્થશાસ્ત્રીઓ પ્રતિ એકર ઉત્પાદનની થીસિસો તૈયાર કરે છે. વ્યક્તિગત ખેતીમાં એક એકરે આટલો ફાયદો થાય અને કોર્પોરેટ ફાર્મિંગમાં આટલો ફાયદો થાય વગેરે વગેરે. શાસકો કોર્પોરેટ કંપનીઓના આશ્રિત છે એટલે તેઓ ખેડૂતોને મરવા અને ડૂબવા દે છે. આ ગંભીર આરોપ છે, પરંતુ આવો ગંભીર આરોપ કૃષિ અર્થશાસ્ત્રીઓ પૂરી ગંભીરતા સાથે મૂકી રહ્યા છે. હવે પછીના કારમા સંકટમાં જે નિર્બળ હશે એ મરશે, પરંતુ જે બચી જશે તેને કમસે કમ બેએક સદી સ્થિર મળવી જોઈએ. શક્તિમાનને થોડી શાશ્વતી માટે નિર્બળને ઉખેડીને હટાવવો જરૂરી છે.

સંવેદનશીલ માણસ હચમચી જાય, ડરી જાય એવી આ થીસિસ છે, પરંતુ ચેતવણી આપનારાઓ પૂરી ગંભીરતા સાથે આવી ચેતવણી આપે છે અને તેઓ ગણનાપાત્ર અર્થશાસ્ત્રી છે. આવા એક અર્થશાસ્ત્રીએ મને કહ્યું હતું કે દર વરસે વેધશાળા વરસાદની ઋતુ કેવી નીવડશે એની આગાહી કરવામાં કેમ થાપ ખાય છે એનો વિચાર કર્યો છે? ચોમાસુ નેવું ટકા કે સો ટકા સફળ નીવડશે એવું કહીને તેઓ ખેડૂતોને છેતરે છે કે જેથી ખેડૂત આશાએ આશાએ બિયારણ, વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓ ખરી દે. આ રીતે કોર્પોરેટ કંપનીઓ કમાય છે. અત્યારનો યુગ નૈતિક પતનનો અને નીચતાનો યુગ છે એટલે આવું બનતું હોય એ શક્ય છે. ગયા અઠવાડિયે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને ‘ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સે’ મળીને ભારતમાં આરોગ્ય સાથે સામાન્ય લોકોના આરોગ્ય સાથે કેવી રમત રમવામાં આવે છે, તેની હાજા ગગડી જાય એવી વિગતો આપી હતી. એ જોતાં ખેડૂતોને નોંધારા કરવાની થીસિસ અમલમાં મુકવામાં આવતી હોય એ શક્ય લાગે છે.

ભારતનાં ખેડૂતો હવે અધીરા થયા છે. ૨૦૧૪માં વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ખેતપેદાશની પડતરનો દેશી હિસાબ કાઢીને ખેડૂતોને વચન આપ્યું હતું કે તેઓ ખેડૂતોને દોઢી કિંમત આપશે. એ પછી તેમણે દોઢો ભાવ આપવાની જોગવાઈ કરી હતી, પરંતુ પડતર કિંમત ઘટાડી નાખી હતી. ૨૦૧૪નો દેશી હિસાબ ભૂલી જવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ ગણતરીમાં છેતરપીંડી કરી હતી. આ છેતરપીંડીના કારણે ખેડૂતો વધારે ભુરાંટા થયા છે. તેઓ માગણી કરી રહ્યા છે પડતર કિંમતની ગણતરી સ્વામીનાથન પંચે બતાવેલી ગણતરી મુજબ કરવામાં આવે અને એ પછી તેમને તેમના પેદાશની પડતર કિંમતનો દોઢો ભાવ આપવામાં આવે. આ ઉપરાંત એક વાર કરજ માફ કરવામાં આવે.

તમને લાગે છે કે ખેડૂતો ગેરવ્યાજબી માગણી કરી રહ્યા છે?

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 02 ડિસેમ્બર 2018

Loading

જુસેપે લાન્ઝા દેલ વાસ્તો – ઉર્ફે શાંતિદાસ

આશા બૂચ|Gandhiana|2 December 2018

ગાંધી – એક વિશ્વમાનવ શ્રેણી મણકો – 3

ગાંધીજીને મહાત્મા અને વિશ્વમાનવ તરીકે પહેચાનતા લોકો પાસે એ માન્યતા માટે વજૂદવાળા કારણો છે. દેખાવમાં અતિ સાધારણ લાગતા, આડંબર વિનાના શબ્દોવાળું વક્તવ્ય ધીમે અવાજે આપતા એવા એ રાજકીય અને સામાજિક નાયકમાં એવું શું અસામાન્ય હતું જે તેમને ઉપલા બે બિરુદો અપાવી ગયું? લાગે છે કે તેમની આર્ષદ્રષ્ટિ, તદ્દન સરળ ભાષામાં પોતાના વિચારો રજૂ કરવાનું કૌશલ્ય, જે બોલે તે કરે તેવું પાખંડરહિત જીવનદર્શન હોવું અને સદંતર નિઃસ્વાર્થ ભાવે માત્ર પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરવાની વૃત્તિ જ તેમને મુઠ્ઠી ઉંચેરા માનવી બનાવી ગઈ.

તેમને સાથ આપનારા અને તેમના વિચારોનું અનુસરણ કરીને અમલ કરનારાઓ અત્યંત બુદ્ધિશાળી, પોતપોતાના ક્ષેત્રોમાં નિષ્ણાત અને સફળ લોકો હતા એ હકીકત સાબિત કરે છે કે ગાંધીજીના વ્યક્તિત્વમાં કઇંક એવું અનોખું પાસું હતું જેને કારણે દેશના ખૂણે ખૂણેથી આવેલ વિવિધ વ્યવસાયોમાં જોડાયેલ લોકો તો ગાંધીજી સાથે જોડાયા જ પરંતુ વિદેશથી આવીને તેમનાં કાર્યોથી પ્રભાવિત થઈને સત્ય-અહિંસાનો સંદેશ વિશ્વમાં ફેલાવ્યો તેવા ય કેટલાક વીરલાઓ થઇ ગયા. આજે એક એવી હસ્તીની વાત કરવી છે.

જુસેપે લાન્ઝા દેલ વાસ્તો – ઉર્ફે શાંતિદાસ. અહિંસક ચળવળો વિષે રસ ધરાવનારાઓએ આ નામ કદાચ સાંભળ્યું હશે. જન્મ સમયનું નામ Giuseppe Giovanni Luigi Maria Enrico Lanza di Trabia-Branciforte. જન્મ થયેલો ઇટાલીના સિસિલી પ્રાંતમાં અને મૃત્યુ સ્પેઇનમાં. 29 સપ્ટેમ્બર 1901થી 6 જાન્યુઆરી 1981ના જીવનકાળ દરમ્યાન કરેલાં કર્મોનો વ્યાપ ઘણો મોટો. ફ્રાંસના ગાંધી તરીકે પંકાયેલા. તેઓ મૂળે એક કેથોલિક ધર્મના તત્ત્વજ્ઞાની, કવિ અને કલાકાર હતા, જેમાં અહિંસક માર્ગના મશાલચીનું પાસું ઉમેરાયું. તત્ત્વજ્ઞાનમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવ્યા બાદ, તેમણે વિવિધ ધર્મો વચ્ચે વાર્તાલાપ કરવા, આધ્યાત્મિક વિચારોને નવો ઓપ આપવો, પ્રાણી તથા માનવસૃષ્ટિ તથા પર્યાવરણને લગતી બાબતોમાં કાર્યશીલ રહેવું અને જગતભરમાં અહિંસક વિચારધારાને પ્રસરાવવાનું કાર્ય કરવામાં જ જીવન વ્યતીત કર્યું.

લાન્ઝા દેલ વાસ્તો શાંતિદાસ કેમ બન્યા તે જાણવું રસપ્રદ છે. ખ્રિસ્તી ધર્મના સંસ્કારોએ લાન્ઝા દેલ વાસ્તોને ભારત ભણી ખેંચ્યા. તેમને સારા ખ્રિસ્તી બનવાની નેમ  હતી. ભારત આવ્યા બા,દ તેમને શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયનો પરિચય થયો અને થોડો સમય રમણ મહર્ષિના આશ્રમમાં રહ્યા, પરંતુ ખ્રિસ્તી ધર્મના પ્રત્યક્ષ આચરણની શોધ અધૂરી હતી. રોમાં રોલાંના પુસ્તક દ્વારા તેમને ગાંધી વિષે જાણ થઇ અને 1936ના ડિસેંબરમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા તેઓ વર્ધા પહોંચી ગયા. ગાંધીજીને મળ્યા પહેલાં જ લાન્ઝા દેલ વાસ્તોને ભારત આવવા પાછળ પોતે ગાંધીજીને સમર્પિત થઇ જવા માંગતા હતા એ હેતુ સ્પષ્ટ હતો. ગાંધીજીએ જ તેમને શાંતિદાસ નામ આપ્યું. વર્ધામાં રહીને ગાંધીના સૂચનને અનુસરી તેઓએ કાંતણ, વણાટ અને સુથારીકામની તાલીમ લીધી. શ્રમ દ્વારા વસ્તુઓ કરતાં માનવનું ઘડતર કેવી રીતે થાય તે જાતે અનુભવ્યું, જે અનુભવો આગળ જતાં પોતે સ્થાપેલા આશ્રમો માટે ગુરુકિલ્લી સમાન બની રહ્યા. ગાંધીજી સાથે તો માત્ર ત્રણ મહિના જ વિતાવ્યા, પરંતુ તેમને એવી અનુભૂતિ થઇ કે ગાંધીજીએ એવા સત્યને ખોળી કાઢ્યું હતું કે જે દુનિયામાં પ્રાણસંચાર કરી શકે અને દુનિયાને બદલી નાખે. અહીં તેમને ખરા ખ્રિસ્તી ધર્મના ઉપદેશોનું સહજપણે પાલન થતું લાગ્યું. વર્ધાનિવાસ દરમ્યાન શાંતિદાસના આંતરબાહ્ય જીવનમાં સમૂળું પરિવર્તન આવ્યું. અહીં તેમને એ પણ પ્રતીત થયું કે અહિંસા એ કંઈ દુશ્મનો કે વિરોધીઓ પર વિજય મેળવવા માટેનું શસ્ત્ર માત્ર નથી, પણ ખુદ દુશ્મનાવટની લાગણીઓનો નાશ કરીને એ જ દુ:શ્મનો સાથે સ્વસ્થ સંબંધોનું નિર્માણ કરવાનું ઉત્તમ સાધન છે.

શાંતિદાસે 1937માં ગંગોત્રીની યાત્રા કરી, જ્યાં તેમને અંતરાત્માનો અવાજ સંભળાયો, “પાછો જા, અને સ્થાપના કર!” ગાંધીજી સાથે રહ્યા અને સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો તે દરમ્યાન લાન્ઝાને અહિંસક સત્યાગ્રહની કૂંચી હાથ લાગી ગઈ. દુનિયાના પડમાં જ્યાં ક્યાં ય પણ અન્યાય કે શોષણના એંધાણ મળ્યાં ત્યાં ન્યાય અને મુક્તિના અધિકાર માટે લડવા પહોંચી જતા. શાંતિદાસ 1938માં સીધા પહોંચ્યા જેરુસલેમ અને બેથલેહામ, જ્યાં બંને બાજુ ટેન્કો સામસામે આવી ઊભેલી અને એક ભયાનક સિવિલ વોર ચાલી રહેલી.

તે પછી તો ચારેક દાયકા સુધી શાંતિદાસની અહિંસાની ચિનગારી જલતી રહી. 1948માં પેરિસમાં તેમણે શાંતિવાદીઓનું એક સંગઠન ઊભું કર્યું અને ‘Ark’ નામનો આશ્રમ સ્થાપ્યો જેની સાત શાખાઓ ફ્રાન્સમાં પથરાયેલી છે. ન્યુ કેલિડોનિયા નામના ટાપુની સ્વતંત્રતા માટે ‘આર્ક’ વર્ષો સુધી આંદોલન ચલાવતું રહ્યું જેના પ્રેરણા સ્ત્રોત શાંતિદાસ રહ્યા. 1962માં દક્ષિણ ફ્રાન્સમાં કમ્યુનિટી ઓફ આર્ક એક વેરાન ગ્રામ્યપ્રદેશમાં સ્થાયી થયું. 70 અને 80ના દસકાઓમાં તેની સંખ્યા સોથી પણ વધુ થઇ ગયેલી. એ આશ્રમ તેના સભ્યો વચ્ચે મતભેદો વધવાથી અને એ જીવનપદ્ધતિમાં રસના અભાવને કારણે 1990ના દાયકામાં બંધ થયો. જો કે 2000ની સાલ પછી ફ્રાન્સ, સ્પેઇન, બેલ્જિયમ, ઇટલી, એક્વાડોર અને કેનેડા જેવા દેશોમાં સંગઠિત કેટલાક જૂથો હજુ ય સક્રિય પણે કામ કરી રહ્યા છે. 1962 બાદના 17 વર્ષોમાં યુરોપ-અમેરિકા અને એશિયામાં ઠેર ઠેર શાંતિદાસની પ્રેરણાથી આશ્રમો સ્થપાયા જ્યાં સ્વાશ્રય, સેવા અને સાદાઈના સિદ્ધાંતો ઉપર અનેક લોકો જીવનયાપન કરી રહ્યા છે. શાંતિદાસ પોતે આશ્રમમાં સ્થાયી કદી ન થયા.

એક વખત જેને અમૃતની કૂંપી હાથ લાગે તે સહુને વહેંચવા તત્પર બને તેમ આ સત્ય અને અહિંસાની જાદુઈ ચાવીની ભાળ મળી એ લઈને શાંતિદાસ કઠોરમાં કઠોર સમસ્યાઓના ઉકેલ શોધવા પહોંચી જતા. તેઓ 1954માં ભૂદાનની ચળવળમાં વિનોબાજી સાથે જોડાવા ભારત પહોંચી ગયા. 1958માં ફ્રાન્સમાં અણુશક્તિ મથક કે જ્યાં અણુશસ્ત્રો માટેપ્લુટોનિયમ પેદા થતું તેના વિરોધમાં શાંતિદાસે 21 દિવસના ઉપવાસો કરેલા. 1971માં ફ્રાન્સ સરકાર અણુબૉમ્બનો પ્રયોગ કરવાની હતી. હજારો નાગરિકોએ સત્યાગ્રહ કર્યો, લાન્ઝાએ પોતે 11 દિવસના ઉપવાસ કર્યા. છેવટે સરકારને અણુ પ્રયોગ બંધ રાખવો પડ્યો. સૈન્યમાં ભરતી ન થવા માગતા યુવાનો માટે અહિંસક પ્રશિક્ષણ લેવા શિબિરોનાં આયોજનો પણ તેમની નિશ્રામાં થતા રહ્યાં. 1957માં ફ્રાન્સ અને અલ્જીરિયાના યુદ્ધ વખતે લોકોને માત્ર શક પરથી પકડ્યા, મોરોક્કોમાં કેદીઓ પર સિતમ થયો, દક્ષિણ ફ્રાન્સમાં ખેડૂતોની જમીન સૈનિક અડ્ડાને સોંપવાની નોબત આવી, તે તમામ અવસરે શાંતિદાસ અહિંસક આંદોલનનું શસ્ત્ર લઈને પહોંચી જતા. 1963માં પૉપ જ્હોન પૉલને યુદ્ધ વિરુદ્ધ પોતાની કાઉન્સિલને સહમત કરાવવાના મુદ્દે રોમમાં 40 દિવસના ઉપવાસ પર ઉતરેલા. 1965માં આર્જેન્ટિનામાં વિશ્વવિદ્યાલયમના છાત્રો પાસે અઠવાડિયાંઓ સુધી અહિંસા વિષે પ્રવચનો આપ્યાં. આ બધું જ જાણે પૂરતું ન હોય તેમ 1972માં લાઝાર્કના મેદાનો લશ્કરનો વિસ્તાર વધારવા લઇ લેવામાં આવનાર હતા, ત્યારે શાંતિદાસે ખેડૂતોને સાથ આપ્યો અને 15 દિવસના ઉપવાસ જાહેર કર્યા. 1974માં લશ્કરે ખરીદેલ ફાર્મ હાઉસમાં જ કમ્યુનિટી ઓફ આર્કનો વસવાટ થયો! આ રહી એ સત્યાગ્રહીઓની તસ્વીર!

શાંતિદાસને વીસમી સદીમાં પ્રસરી રહેલ હિંસા અને અનીતિના દાવાનળને ગાંધી વિચારનો આચાર જ ઓલવી શકશે તેવી અતૂટ શ્રદ્ધા હતી. આથી જ તેઓ એ વિચારો પોતાની ગાંઠે બાંધીને પોતાના અને બીજા અનેક દેશોમાં કાર્ય કરવા ચાલ્યા. એક વાત અહીં નોંધ લેવા જેવી છે જે આજે તમામ ભારતવાસીઓને  વિચાર કરતા કરી મૂકે તેવી છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં ભારતના શિક્ષિત વર્ગ પર પશ્ચિમની ખૂબ વ્યાપક અસર હતી અને શાંતિદાસ તેનાથી ખૂબ ખિન્ન હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીનાં છાત્રોને સંબોધન કરતા તેમણે કહેલું, “તમારી સાંસ્કૃતિક પરંપરાઓનો નાશ કરવાનું તથા ભારતીય મૂલ્યોની અંદરની શ્રદ્ધા ઉચ્છેદવાનું જે કાર્ય તમે કરી રહ્યાં છો, એથી તો અત્યાર સુધી કોઈ પણ વિદેશી આક્રમણકાર ભારતમાં નથી કરી શક્યો તે તમે કરશો.” તેમની એ ઉક્તિને આઠ-નવ દાયકાઓ વીતી ચુક્યા. ભારતની પ્રજા અને શનાસકર્તા પક્ષોનો વિદેશી રાજ્ય પદ્ધતિ, અર્થ નીતિ અને સમાજ વ્યવસ્થા પ્રત્યેનો વ્યામોહ ઘટવાને બદલે એટલો વકર્યો છે કે આજે શાંતિદાસની ઉપરોક્ત ઉક્તિ તદ્દન સાચી ઠરી છે.

1981માં મગજમાં રક્તસ્ત્રાવ થવાને કારણે લાન્ઝા દેલ વાસ્તોનું પાર્થિવ શરીર આ ફાની દુનિયા છોડી ગયું. જ્યારે તેઓ વર્ધા જઈને ગાંધીના વિચારો અને કાર્યોથી નિકટ પરિચયમાં આવ્યા, ત્યારે તેમને પ્રતીત થયું કે ગાંધીના કોઈ અનુગામી તેમનું સ્થાન લઇ શકે તેવો નથી. પણ સાથે સાથે તેમને શ્રદ્ધા પણ હતી કે સત્ય-અહિંસાનાં બીજ રોપાઈ ગયા છે, જે ક્યાંક ને ક્યાંક ઊગી નીકળશે. તેઓ પોતે જ એવા એક બીજને પોતાના દિલ-દિમાગમાં રોપી શક્યા અને ફ્રાન્સ તથા અન્ય યુરોપિયન દેશો, કે જે અય્યાશી અને સત્તાલોલુપ મુલક તરીકે પ્રખ્યાત હતા ત્યાં જઈને એ બીજાંકુરને ફળીભૂત કરી શક્યા. એકવીસમી સદીમાં પણ ભારત દેશના સીમાડા વટાવીને અહિંસાના એટલા બધા દીપ જલતા રહ્યા છે તે શાંતિદાસ જેવા સાચા અહિંસાના પૂજારીઓને કારણે. કોણ કહી શકે કે ગાંધી આજે પ્રસ્તુત નથી?

e.mail : 71abuch@gmail.com

Loading

એ સાંજ, એ મિજાજ

આશિષ મહેતા|Opinion - Opinion|2 December 2018

કૃષ્ણગાન

ટી.એમ.કૃષ્ણા કર્ણાટકી સંગીતમાં મોટું નામ છે. સામાન્ય રીતે શાસ્ત્રીય સંગીત ભદ્રવર્ગ સાથે સંકળાયેલું હોય છે, પણ કૃષ્ણા આ સંગીતને સમગ્ર સમાજ સાથે સાંકળવાના પ્રયત્નો કરે છે. જેમ કે, તેમણે ચેન્નાઈની પાસે માછીમારોનાં ગામોમાં સંગીત જલસાના વાર્ષિક કાર્યક્રમો કર્યા છે. આ સામાજિક નિસબત તેમને સંગીતથી આગળ વધીને સામાજિક મુદ્દાઓ તરફ લઈ ગઈ છે. માટે તાજેતરનાં વર્ષોમાં તેમણે નાતજાત, હિન્દુત્વ વગેરે પ્રશ્નો પર આખાબોલી ટિપ્પણીઓ પણ કરી છે, લખાણો, પુસ્તકો અને ટિ્‌વટર મારફત. બે વર્ષ પહેલાં તેમને મૅગ્સેસે પુરસ્કાર મળ્યો હતો, તેમાં સંગીત અને રાજકારણથી વધીને પર્યાવરણ માટેનાં તેમનાં કામની પણ નોંધ લેવાઈ હતી. નદીનાળાં, જંગલ વગેરેની માવજત વિષેનું એમનું એક નાનું ગીત વાઇરલ થયેલું અને હજુ લોકપ્રિય છે.

‘સ્પિક-મેકે’ નામની સંસ્થા શાસ્ત્રી યસંગીત-નૃત્યના જાહેર કાર્યક્રમો યોજે છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આપણી સાંસ્કૃતિક ધરોહરનો પરિચય આપે છે. એ સંસ્થાએ ૧૭મી નવેમ્બરે દિલ્હીમાં કૃષ્ણા અને બીજા ત્રણ કલાકારોનો કાર્યક્રમ જાહેર કર્યો. કેન્દ્ર સરકારનું જાહેર એકમ, ઍરપોટ્‌ર્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એ.એ.આઈ.), કાર્યક્રમનું સ્પૉન્સરર હતું. ટિ્‌વટર પર ભક્તવર્ગે કૃષ્ણા સામે બળાપો વ્યક્ત કર્યો, પછી એ.એ.આઈ.એ અચાનક કાર્યક્રમને મદદ આપવાનો નિર્ણય રદ્દ કર્યો. સત્તાવાર જાહેરાતમાં કોઈ ખુલાસો નહોતો, માત્ર ‘અણધાર્યાં કારણોસર’નો વાંક હતો. પણ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ટિ્‌વટર અને અન્યત્ર છાપ એવી હતી કે કૃષ્ણા આ સરકાર અને એની વિચારધારાના વિરોધી છે, માટે કાર્યક્રમ રદ્દ થયો છે.

બીજે જ દિવસે ‘એક્સપ્રેસ’માં ઇતિહાસકાર રામચન્દ્ર ગુહાએ લખ્યું કે, અમદાવાદ યુનિવર્સિટીમાં મને ભણાવતા અટકાવે, તે તો ‘ઇન્‌ટોલૅરન્સ’ છે, પણ કૃષ્ણાને ગાતા અટકાવે, તે તો નરી બર્બરતા હશે.

અન્ય ત્રણ કલાકારોમાંનાં એક, સોનલ માનસિંહ, ભા.જ.પ. તરફથી રાજ્યસભાનાં સાંસદ છે, તેમણે ફરજ બજાવીને ખુલાસો કર્યો, ‘એક્સપ્રેસ’માં તેમણે લખ્યું કે, આજકાલ કોઈ પણ લેખક-કલાકાર-પત્રકારને કાંઈ તકલીફ થાય, તો સરકારનો વાંક કાઢવો ના જોઈએ. જો કે, કૃષ્ણાના (તેમ જ આવી તકલીફ ભોગવવા બાકીના કલાકારોના) મત મોદીવિરોધી છે, એવું પણ તેમના લખાણમાં હતું. માટે જ કૃષ્ણાએ બીજા દિવસે તેમનો આભાર મળ્યો કે ચલો, એ.એ.આઈ.એ નહિ, તો કોઈકે તો કહ્યું કે કાર્યક્રમ કેમ રદ્દ થયો. થોડા તીખા તેવર સાથે કૃષ્ણાએ ૧૬મીએ કહ્યું કે આવતી કાલે દિલ્હીમાં મને કોઈ પણ જગ્યા આપો, હું ગાઈશ.

દિલ્હીની સરકાર, કેજરીવાલની આમ આદમી પાર્ટી, મોદી/ભા.જ.પ.ના અગ્રેસરનો એ જ વેવલેન્થ પર જવાબ આપતા આવ્યા છે. તેમણે તક ઝડપી લીધી અને સૈદ-ઉલ-અજાયબ ઉર્ફે ગાર્ડન ઑફ ફાઇવ સેન્સીઝ પર શનિવારે સાંજે જલસો જામ્યો. શરૂમાં કેજરીવાલે માત્ર પાંચેક વાક્યો કહ્યાં, એ મતલબનાં કે ભારત જેવી ભાતીગળ વિવિધતા કોઈ દેશમાં નથી અને એને આપણે સાચવી રાખવી જોઈએ.

કૃષ્ણા આમે ય સામાજિક નિસબતનું સંગીત રજૂ કરે છે અને ઉપરથી વિચારધારાની ગરમાગરમીનો માહોલ હોય, પછી પૂછવું શું ? રજૂઆતોની દરેક પસંદગી ‘રાજકીય’ નીકળી. શરૂઆતમાં સાબરમતી આશ્રમને યાદ કરીને સર્વ ધર્મ પ્રાર્થના પછી તુકારામ (મરાઠી) અને બસવા (કન્નડ). પછી કન્નડ કવિ કનકદાસની રચના રજૂ કરતાં પહેલાં કૃષ્ણાએ યાદ દેવડાવ્યું કે ઉડુપીમાં કૃષ્ણનું જે મંદિર છે, તેમાં કનકદાસની જાતિના લોકોને પ્રવેશ નહોતો. કનકદાસે ભગવાનને વિનંતી કરી અને ભગવાનની મૂર્તિ ઊલટી ફરીને બારી તરફ થઈ, જ્યાંથી કનકદાસ દર્શન કરી શકે. સબરીમાલા વિવાદનો સંદર્ભ સ્પષ્ટ જ હતો. એમ છતાં સ્પષ્ટતાની જરૂર હોય, તો પછી કબીરભજન તો હતું જ.

માટી કહે કુંભાર સે, તૂ ક્યા રોંદે મોહે,
એક દિન ઐસા આએગા, મૈં રોદૂંગી તોહે.
આયે હૈં તો જાયેંગે, રાજારંકફકીર,
એક સિંઘાસન ચડી ચલે, એક બંધે જંજીરઃ
દુર્બલ કો ના મનાઈએ, જાકી મોટી હાય,
બિના જીબ કે શ્વાસ સે લોહ ભસમ હો જાય!
કબીર આપ ઠાગાયિયે, ઔર ના ઠગિયે,
આપ ઠગે સુખ ઊપજે, ઔર ઠગે દુઃખ હોય!

અરબી, સૂફી ભજન, કેરાલી ફિલ્મમાંથી જિસસનું ભજન ઇત્યાદિ અને અંતે ‘રઘુપતિ રાઘવ રાજારામ’. આશરે હજારેક લોકો એકઠા થયા હતાઃ મોટા ભાગના બે કલાકથી વધુ ઊભા રહીને સાંભળતા રહ્યા. એક પોલિટિકલ સ્ટેટમેન્ટ કર્યાનો મિજાજ હતો. હિન્દુત્વની સ્ટ્રીટ -ટૅક્‌ટિક્સનો જવાબ આપવાનો એક રસ્તો સફળ થયો.

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 16

Loading

...102030...2,9222,9232,9242,925...2,9302,9402,950...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved