ખેડૂતો માટે વીસ દિવસનું ખાસ સંસદીય સત્ર, પ્રધાન મંત્રી બીમા ફસલ યોજનાનો પર્દાફાશ અને ‘ઇન્ડિયા ફૉર ફાર્મર્સ’ મંચ જેવી બાબતો સાઇનાથ પાસેથી મળી છે
ગયા અઠવાડિયે દિલ્હીમાં નીકળેલી કિસાન મુક્તિ કૂચ પાછળ વરિષ્ટ પત્રકાર પી. સાઈનાથ એક બહુ મહત્ત્વનું વૈચારિક પરિબળ હતા. કૂચનાં ધ્યેય, ખેતીની કટોકટીની ચર્ચા માટે એકવીસ દિવસના સંસદીય સત્રની માગણી અને શહેરી મધ્યમવર્ગની કિસાનોના પ્રશ્નોમાં સામેલગીરીના મુદ્દામાં સાઇનાથનો સહયોગ મહત્ત્વનો હતો. પ્રધાન મંત્રી બિમા ફસલ યોજનાને તેમણે ‘રાફેલ ડીલ કરતાં ય મોટું કૌભાંડ’ તરીકે રજૂ કરી. સાઇનાથે આ બધી બાબતો વ્યાખ્યાનો, મુલાકાતો, વિડિયોઝ અને ટ્વિટર થકી લોકો સમક્ષ મૂકી. અમદાવાદમાં પણ તેમણે એક વ્યાખ્યાનમાં વિચારો વહેતાં મૂક્યા હતા. એ વ્યાખ્યાન ‘આશા’ સંગઠન અને ગૂજરાત વિદ્યાપીઠે બીજી નવેમ્બરે યોજેલાં ત્રણ દિવસના કિસાન સ્વરાજ સંમેલન દરમિયાન આપ્યું હતું. કિસાન-કૂચમાં અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિનું આયોજન અને દેશભરના ખેડૂતોની એકજૂટ પણ મહત્ત્વનાં હતાં. કૂચમાં સુરતથી એક કિસાન જૂથ જોડાયું હતું, અને અમદાવાદમાં એક સમર્થન રેલી નીકળી હતી.
પી. સાઇનાથ ખેડૂત આત્મહત્યાઓ તેમ જ ગ્રામીણ ભારતની દુર્દશા પર અભ્યાસ અને પ્રભાવથી લખનારા પત્રકાર છે. ‘ભારતમાં ૧૯૯૭થી ૨૦૦૫નાં વર્ષો દરમિયાન દર બત્રીસ મિનિટે એક ખેડૂતે આપઘાત કર્યો છે’ – એમ સાબિત કરતો લેખ સાઈનાથ, પંદરમી નવેમ્બર ૨૦૦૭ના ‘ધ હિન્દુ’ દૈનિકમાં લખી ચૂક્યા છે. આ અખબારનાં માધ્યમથી તેમણે, અનેક રાજ્યોનાં આત્મહત્યાગ્રસ્ત ગામડાંમાં રખડીને, ‘ઍગ્રેરિઅયન ડિસ્ટ્રેસ’ અર્થાત્ ખેતીમાં કટોકટી વિશે કરેલાં સંશોધનને સરકારો પડકારી શકી નથી. મનમોહન સિંહની સરકારે પહેલવહેલી વખત ખેડૂતોની દેવામુક્તિ કરી, તેની પાછળ સાઇનાથની પત્રકારિતાની પણ ભૂમિકા હતી. ચેન્નાઈમાં જન્મેલા તેલુગુભાષી પલગુમી સાઇનાથના મૅગસેસે અવૉર્ડનાં સન્માનપત્રમાં નોંધવામાં આવ્યું છે : ‘પત્રકારત્વ દ્વારા ભારતને ગામડાંના ગરીબોનું ભાન કરાવવા માટે આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.’ અખબારી સંશોધન લેખોનું તેમનું દળદાર પુસ્તક છે ‘એવરિબડિ લવ્ઝ અ ગુડ ડ્રાઉટ’ (દુષ્કાળ સહુને ગમે, 1996). વક્રોક્તિભર્યાં નામવાળાં આ પુસ્તકનું પેટા મથાળું છે ‘સ્ટોરીઝ ફ્રૉમ ઇન્ડિયાઝ પૂઅરેસ્ટ ડિસ્ટ્રિક્ટસ’ (ભારતના સૌથી ગરીબ જિલ્લાઓના સમાચાર લેખો). ગયાં ત્રણ વર્ષ દરમિયાન સાઇનાથે હાથ પર લીધેલો એક રસપ્રદ પ્રોજેક્ટ એટલે ‘પારી’ – ‘પિપલ્સ આર્કાઇવ્ઝ ફૉર રુરલ ઇન્ડિયા’. ઇન્ટરનેટ પર સરળતાથી જોઈ શકાતા ‘પારી’માં ગામડાંનાં લોકોની રોજિંદી જિંદગીમાંથી સંગ્રહ કરવા જેવી બાબતોનું દૃશ્ય-શ્રાવ્ય દસ્તાવેજીકરણ છે. [https://ruralindiaonline.org] તેમાં તસ્વીરો, વીડિયો ક્લીપ્સ અને ઑડિયો સાઉન્ડ ટ્રૅક્સ સાથે સેંકડો હૃદયસ્પર્શી માહિતીલેખો મળે છે.
તાજેતરની ખેડૂત કૂચ અને તે પહેલાં નાસિક-મુંબઈની રેલીને પગલે દેશભરમાં નીકળેલી વીસેક કૂચોને સાઇનાથ અગત્યની ઘટના ગણે છે કે કારણ કે એ બતાવે છે કે ‘ખેડૂતો ગયાં વીસ વર્ષમાં આત્મહત્યા તરફ દોરી જતી હતાશ માનસિકતામાંથી પોતાની માગણીઓ સરકાર સામે મૂકવા તરફ વળ્યા છે’. સાઇનાથે સૂચવેલી એક માગણી તે ખેતીની ચર્ચા માટે સંસદનાં એકવીસ દિવસના ખાસ સત્રની છે. તેમણે ત્રણ-ત્રણ દિવસ માટે જે એજન્ડા મૂક્યા તેમાં ખેતીના મોટા ભાગના પ્રશ્નોનો સમાવેશ થાય છે. ત્રણ દિવસ સ્વામીનાથન્ કમિશનનાં અહેવાલની પૂરેપૂરી ચર્ચા માટે હોય. તેમાં, એકવીસ પક્ષોએ જેને ટેકો આપ્યો છે તે ‘દેવામાંથી મુક્તિ’અને ‘ટેકાના લઘુતમ ભાવના અધિકાર’ના વિધેયકોની ચર્ચા અને મંજૂરી પણ આવી જાય. ધીરાણ કટોકટી વિશે ત્રણ દિવસ ફાળવવાના થાય અને પછીના ત્રણમાં એને અટકાવવાના ઉપાય ચર્ચી શકાય. ત્રણ દિવસ જળસંકટ માટે આપવા જોઈએ. આ સંકટ પાણીની પાંચ પ્રકારની ટ્રાન્સફર્સમાંથી આવ્યું છે : ગરીબો તરફથી પૈસાદારો તરફની પાણીની ટ્રાન્સફર, ખેતીથી ઉદ્યોગો તરફ, ખોરાકી પાકથી રોકડ પાક તરફ, ગામડાંથી શહેર તરફ અને જીવનજરૂરિયાતથી જીવનશૈલી તરફ. આ પાંચેયમાં જળવંચિતોનો કોઈ અવાજ નથી.
ખાનગીકરણ થકી પાણીની લૂંટ ચાલી રહી છે. પ્લાસ્ટિકની બૉટલમાં વીસ રૂપિયે વેચાતાં પાણીની મૂળ કિંમત ચાર પૈસા હોય છે. મરાઠવાડામાં મહિલાઓને પાણી 45 પૈસે લીટર મળતું હતું, અને દારૂ ગાળનારને ચાર પૈસે. પાણીના અધિકાર માટેનો કાયદો ઘડવો પડશે. ત્રણ દિવસ મહિલા કિસાનોનાં જમીન અધિકાર અને જમીન માલિકી માટે હોવા અનિવાર્ય છે ,કેમ કે ખેતીમાં તેમનો ફાળો 60% છે. એ જ રીતે, જેમને જમીન ફાળવવામાં આવી છે પણ માલિકી મળી નથી તેવા દલિત ખેડૂતો છે, જેમની જમીન સરકાર વીસ વર્ષે એ ઉદ્યોગગૃહ માટે આંચકી લેશે. આદિવાસીઓના ભૂમિ અધિકારોનો અમલ કરાવવો પડશે; ઘણાં આદિવાસી ખેડૂતોને તો પટ્ટાપદ્ધતિની ખબર જ નથી. ત્રણ દિવસ જમીન-સુધારાના પડતર પ્રશ્નો માટે હોઈ શકે. આવતાં વીસ વર્ષોમાં આપણે કયા પ્રકારની ખેતી જોઈએ છે એની ચર્ચા માટે ત્રણ દિવસની જરૂર પડશે. સાઇનાથ પૂછે છે : ‘આપણે કૉર્પોરેટ કંપનીઓની રસાયણોમાં ભીંજાયેલી ખેતી જોઈએ છે કે પછી લોકો દ્વારા ઍગ્રો-ઇકોલૉજિકલ ખેતી?’ સંસદમાં ત્રણ દિવસ ખેતી-સંકટના પીડિતોને એવાં વિદર્ભની વિધવાઓ અને અને અનંતપૂરનાં અનાથોને સંસદનાં સેન્ટ્રલ ફ્લોર પરથી દેશને સંબોધવા દેવાં જોઈએ. સાઇનાથને મતે સંસદનું આવું સત્ર હોઈ જ શકે. તે પૂછે છે : હજારો નાનાં અને મધ્યમ વ્યવસાયોને સતત તોડતા રહેલા જી.એસ.ટી. ખાતર રાષ્ટ્રપતિની હાજરી સહિત મધરાતે સંસદનું ખાસ સત્ર હોય તો ખેડૂતો માટે શા માટે ન હોય ? જી.એસ.ટી. એક અઠવાડિયામાં ચર્ચી શકાયો છે,પણ સ્વામીનાથન્ અહેવાલ ચૌદ વર્ષથી ચર્ચામાં આવ્યો નથી. અતિ શ્રીમંતોની બનેલી સંસદ જો ડિજિટાઇઝેશન અને ડિમોનેટાઇઝેશનની ચર્ચા કરી શકતી હોય, તો પહેલાં તેણે દેશના ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરવી જ પડે. ખેડૂતોની કોઈ પણ સમસ્યાને સંસદે ધ્યાનથી તપાસી જ નથી.
સાઇનાથે ‘નેશન ફૉર ફાર્મર્સ’ નામનો એક મંચ ઊભો કર્યો છે. તેની પાછળ નાસિક-મુંબઈની ખેડૂત રેલીમાં સામાન્ય મધ્યમવર્ગીય મુંબઈગરાંઓએ પણ જે અનેક રીતે કૂચ કરનાર ખેડૂતોને પાણી, ખોરાક, દવા, પ્રસાધન વગેરેની ઉમળકાભેર સહાય કરી તેની પ્રેરણા છે. દિલ્હીની રેલીમાં પણ ડૉક્ટર, કર્મચારી, વિદ્યાર્થી, વકીલ, કલાકાર, મહિલા, શિક્ષક, સૈનિક, બૅન્કર જેવા અનેક વર્ગના લોકો ખેડૂતોની સાથે રહ્યા. ખેતી સાથે કોઈ પણ સીધી રીતે જોડાયેલ ન હોય, પણ ધાન ખાતા હોય તેવા દરેક દેશવાસીએ પણ ખેડૂતો સાથે રહેવું જોઈએ.
સાઇનાથને મતે પ્રધાન મંત્રી બીમા ફસલ યોજના બૅન્કો અને ખાનગી વીમા કંપનીઓને હજારો કરોડ રૂપિયાનો ફાયદો કરાવવા માટેની ગોઠવણ છે. એ વાત તેમણે ‘પારી’ના ઇન્ટર્વ્યૂમાં અંગ્રેજીમાં અને ‘ધ વાયર’ માટેના ઇન્ટર્વ્યૂમાં હિન્દીમાં સરળ રીતે સમજાવી છે. વળી હિન્દીમાં તેમણે એ પણ સમજાવ્યું છે કે ટેકાના ભાવની બાબતે ભારતીય જનતા પક્ષની સરકારે ગયાં સાડા ચાર વર્ષમાં કેટલી વાર ફેરવી તોળ્યું છે. ‘ખેડૂતોને લોન માફી એટલે લહાણી’ એવી ટીકાના જવાબમાં તેમણે કહ્યું છે : ‘મહારાષ્ટ્ર સરકારે 82 લાખ ખેડૂતો માટે 32 હજાર કરોડ રૂપિયાની લોન માફી આપી, અને કેન્દ્ર સરકારે વિજય માલ્યા-મેહુલ ચોકસી- નીરવ મોદીને 32 લાખ 30 હજાર કરોડ માફ કર્યા. વળી 2006થી 20015 દરમિયાન 42.3 ટ્રિલિયન (ખર્વ) રૂપિયા ડાયરેક્ટ કૉર્પોરેટ ઇન્કમટૅક્સ, એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી માફ કરી છે એનું શું ?’ સાઇનાથ કહે છે : ‘ગયાં વીસ વર્ષમાં દરરોજ વીસ હજાર ખેડૂતોએ ખેતી છોડી છે, 3.10 લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને સરકારે ખેડૂતોની અત્મહત્યાના ગયાં બે વર્ષના આંકડા બહાર પડવા દીધા નથી.’
*******
6 ડિસેમ્બર 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 07 ડિસેમ્બર 2018
![]()


છેલ્લાં થોડાં વર્ષોથી માનસિક રોગ વિષે જાણકારી વધુ ઉપલબ્ધ થતી જાય છે, અને લોકો તે વિષે જાગૃત પણ થતાં જાય છે. તેમાંની એક બીમારી છે ડિમેન્શિયા. એ શબ્દ સાંભળતાં તમને કયો વિચાર આવે, તેમ પૂછો તો સહુ અલગ અલગ જવાબ આપશે; કોઈ કહેશે વિસ્મૃતિ, તો કોઈને વૃદ્ધાવસ્થા યાદ આવે, કોઈ તેને આલ્ઝાઈમર સાથે પણ સરખાવે. આ પ્રતિભાવો સ્વાભાવિક છે.
તેની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે કેમ કે એ કોઈ એક જ પરિસ્થિતિ નથી, એ એક કરતાં વધુ લક્ષણો અને ચિન્હોનો સમૂહ છે. જેમ કે યાદશક્તિ ખોઈ બેસવી, સમસ્યા ઉકેલતી વખતે કે ભાષાનો ઉપયોગ કરતાં મુશ્કેલી અનુભવવી, અને મૂડ, આસપાસનાં વાતાવરણને સમજવાની દ્રષ્ટિ અને વર્તનમાં ફેરફાર થવો. શરૂઆતમાં આ ફેરફાર સામાન્ય લાગે તેવા હોઈ શકે, પણ રોજિંદા જીવનને બહુ ખરાબ અસર કરી શકે. મગજના સામાન્ય કોષોમાં અસાધારણ એવા એમિલોઈડ અને ટાઉ નામના પ્રોટિન જમા થાય, જેથી મગજના કોષો એકબીજા સાથે સંદેશની આપ લે ન કરી શકે અને તેમાં વિકૃતિ આવે.
“ડિમેન્શિયા એ એક એવી બીમારી છે જે એક કરતાં વધુ રોગોને કારણે થતી હોય છે. તેમાં પ્રથમ માનસિક અને છેવટ શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે અને છેવટે વ્યક્તિ એ શક્તિઓ તદ્દન ગુમાવી બેસે છે જે મગજના કોષોના સતત અને રોકી ન શકાય તેવા નાશને પરિણામે બનતું હોય છે.”
ઉપર જે પરિબળો જોયાં તેમાંના 35% વિષે આપણે કઇંક કરી શકીએ તેમ છીએ. શરીર અને મગજને વૃદ્ધવસ્થાની અસર ઓછી થાય કે મોડી થાય તે માટે સક્રિય બનવું જરૂરી છે, કેમ કે હવે સામાન્ય આયુષ્ય મર્યાદા વધી છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે આ બાબતમાં પ્રયત્નો કરી શકાય. દાખલા તરીકે ધુમ્રપાન અને આલ્કોહોલ જેવાં માદક દ્રવ્યોનાં વ્યસનથી મુક્ત થવું, શારીરિક પ્રવૃત્તિઓ અને કસરત તથા યોગાસન કરતાં રહેવું, જેથી મગજ તેનાં કાર્યો સારી રીતે કરી શકે; તથા સમતોલ આહાર લેવો જેથી ડાયાબિટીસ, મેદસ્વીપણું અને બ્લડ પ્રેશરને દૂર રાખી શકાય. બેઠાડું જીવનને બદલે પ્રવૃત્તિમય રહેવાથી રોજિંદાં કાર્યો કરવાની શક્તિ જળવાઈ રહે, હતાશાનો ભોગ ન બની જવાય અને બીજાં સાથે સંપર્કમાં રહેવાથી પ્રસન્નતા જળવાઈ રહે જે આવા શારીરિક અને માનસિક રોગને નિવારવા ઘણું ઉપયોગી થાય. આપણાં જેવાં લોકો પોતાના જીવનના અનુભવો સહેલાઈથી વ્યક્ત કરે છે, કુટુંબ અને સમાજમાં હળતાં મળતાં રહે છે અને ઊંઘ કે ભૂખના દરદોથી ઓછાં પીડાય છે તે ચાલુ રાખવું જોઈએ. પરંતુ શરીરને સક્રિય રાખવું, કોઈ જાતનાં દબાણ અને ચિંતાથી દૂર રહેવું, નવું નવું શીખવાની અને બનાવવાની ટેવ પાડવી અને મગજને સતેજ રાખે તેવી રમતો રમવી. આ બધું જ કરવાથી મગજના તંતુઓનાં જોડાણ સારાં રહે અને તેનાથી cognitive કાર્યો સારી રીતે થતાં રહે છે. આમ તો એક સૂત્ર યાદ રાખવા જેવું છે “જે તમારાં હૃદય માટે સારું છે તે તમારા મગજ માટે પણ સારું છે.”