Opinion Magazine
Number of visits: 9685457
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મરાઠા અનામત : મામાનું ઘર કેટલે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 January 2019

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર અસરકર્તા મુદ્દાઓમાં એક મુદ્દો અનામતનો પણ હતો. છત્તીસગઢમાં અનુસૂચિત જાતિને તેની વસ્તીના પ્રમણમાં અનામતવધારો મળતો નથી તેનો રોષ હતો તો તેલંગણામાં સત્તાધારી તેલંગણા રાષ્ટ્રીય સમિતિએ મુસ્લિમોને અનામત આપી ખુશ રાખ્યા હતા. ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પછી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે. આ રાજ્યનો બળુકો મરાઠા સમુદાય લાંબા સમયથી અનામતની માંગણી કરી રહ્યો છે. એટલે મહારાષ્ટ્રમાં મરાઠાઓને શિક્ષણ અને નોકરીઓમાં ૧૬ % અનામત આપતો કાયદો સર્વાનુમતે પસાર થયો છે. મહારાષ્ટ્રમાં હાલ ૫૨ % અનામત અમલમાં છે. નવી ૧૬ % સાથે અનામતનું પ્રમાણ ૬૮% થયું છે. ૪૯ % કરતાં વધુ અનામત આપી શકાય નહીં તે અને અન્ય બાબતોને લઈને આ અનામતને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. અદાલતે જો કે કોઈ મનાઈહુકમ નથી આપ્યો પણ જ્યારે આ મેટર સબજ્યુડિસ છે ત્યારે નવી મરાઠા અનામત પ્રમાણે સરકારી ભરતીની જાહેરાત અંગે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપર્ડી ગામે અઢીએક વરસ પહેલાં, ૧૬મી જુલાઈ ૨૦૧૬ના રોજ, મરાઠા કિશોરી પર કેટલાક દલિતોએ સામૂહિક બળાત્કાર કરી તેને મારી નાંખી હતી. આ બનાવથી આક્રોશિત મરાઠાઓએ દોષિતોને ફાંસીની સજા અને દલિત આદિવાસી અત્યાચાર પ્રતિબંધક કાયદાની નાબૂદીનું આંદોલન ઉપાડ્યું હતું. સ્વયંભૂ, સામૂહિક નેતૃત્વ ધરાવતું, બિનરાજકીય, ખાસ્સું અહિંસક અને ભારે લોકસમર્થન ધરાવતું “મરાઠા ક્રાંતિ મોરચા”નું આંદોલન કોપર્ડીકાંડથી હઠીને મરાઠા અનામત આંદોલન બની ગયું. ૫૦ કરતાં વધુ મૂકમોરચા અને લાખોની મેદનીએ તમામ રાજકીય પક્ષોને મરાઠા અનામતની તરફેણમાં મૂકી દીધા.

૧૩ કરોડની મહારાષ્ટ્રની વસ્તીમાં મરાઠાઓ ૩૦% હોવાનું મનાય છે. વિધાનસભાની સો કરતાં વધુ બેઠકો પર મરાઠા વોટ નિર્ણાયક છે. રાજ્યના મોટાભાગના મુખ્યમંત્રીઓ મરાઠા હતા. સુગર ફેકટરીઓ સહિતના સહકારી ક્ષેત્ર, ખાનગી, સ્વનિર્ભર શિક્ષણ સંસ્થાઓ મરાઠાઓના હાથમાં છે. જો કે તેને કારણે રાજ્યનો સઘળો મરાઠા સમુદાય સાધન સંપન્ન નથી. એક નાનકડો વર્ગ જરૂર સુખી અને સંપન્ન છે પણ મોટો ગ્રામીણ સમાજ પછાત અને ગરીબ છે.

૨૦૧૪માં રચાયેલી નારાયણ રાણે સમિતિ અને તે પૂર્વેના બાપટ આયોગ અને સર્રાફ આયોગે તેના અહેવાલોમાં મરાઠાઓની વિકટ સ્થિતિ દર્શાવી હતી. વર્તમાન અનામત આંદોલન પછી રાજ્ય પછાત વર્ગ પંચે ૨ લાખ રજૂઆતો, ૨૦ લોકસુનાવણીઓ અને ૩૬ જિલ્લાઓનો સર્વે કરીને મરાઠાઓ પછાત હોવાનું તારણ કાઢી,  ૧૬% અનામતની ભલામણ કરી છે. સ્ટેટ બેકવર્ડ ક્લાસ કમિશનના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના ગામડાંઓમાં મોટા ખેડૂત મરાઠાઓ અલ્પ છે જ્યારે નાના સીમાંત ખેડૂતો અને ખેતમજૂરોનો વિશાળ વર્ગ છે. શહેરોમાં તે કૂલી અને માથોડી કામદાર તરીકે પણ જીવે છે. ૭૦% મરાઠા કાચા ઘરોમાં રહે છે, ૭૮.૮૬% ખેતી અને ખેતમજૂરી પર નભે છે. ૫૨% દેવાદાર છે. ૩૭.૨૮% ગરીબીની રેખા હેઠળ જીવે છે. ૧ લાખ રૂપિયા કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવતા મરાઠા ૯૩ % છે. માત્ર ૪.૩૦% જ ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને સરકારી નોકરીઓમાં તેમની ટકાવારી ૬.૯૨ % જ છે.

ગુજરાતના પાટીદાર, રાજસ્થાનના ગુર્જર, હરિયાણાના જાટ, આંધ્રના કાપૂ અને મહારાષ્ટ્રના મરાઠા લાંબા સમયથી અનામતની માંગ કરી રહ્યા છે. આ પ્રદેશોની સરકારો પૂરતા બંધરણીય અને કાયદાકીય અભ્યાસ વિના, જાણે કે થોડા સમય માટે મુદ્દાને થાળે પાડવા જ, અનામત આપી દે છે. અદાલતો તેને ગેરબંધારણીય ઠેરવે છે. તેથી દોષનો ટોપલો કોર્ટો પર ઢોળી પોતે તો પછાતોના હામી છે પણ અદાલતો અંતરાય છે તેવી છાપ ઊભી કરે છે. ૨૦૧૪માં મહારાષ્ટ્રની કોંગ્રેસ-એન.સી.પી. સરકારે અને ૨૦૧૫માં વર્તમાન બી.જે.પી.-શિવસેના સરકારે મરાઠાઓને અનામત આપી હતી. પણ તે અદાલતમાં  ટકી નહોતી. હાલની ૧૬% અનામત પણ અદાલતમાં ટકશે કે કેમ તે સવાલ છે જ. મહારાષ્ટ્ર સરકારે બચાવ તો કરી જ દીધો છે કે “તેણે મરાઠાઓની માંગણી માટે ઈમાનદાર અને ઉત્તમ પ્રયાસ કર્યો છે.”

ભારતના બંધારણના આર્ટિકલ ૧૬માં રાજ્યની નોકરીઓમાં નાગરિકને ભેદભાવ વિના સમાન તકની જોગવાઈ છે. તેમાં “જે વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ના હોય તેવા વર્ગો માટે જગ્યાઓ અનામત રાખવાની” અને તેથી “સમાન તકનો ભંગ થશે નહીં” તેમ જણાવી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાતો માટે અનામતની જોગવાઈ કરી છે. અનુસૂચિત જાતિ, જન જાતિને બંધારણના અમલ સાથે જ અનામત આપવામાં આવી છે જ્યારે અન્ય પછાત વર્ગો માટેની અનામતો ઘણી મોડી અમલી બની હતી. રાષ્ટ્રીય કક્ષાએ વી.પી. સિંઘના પ્રધાનમંત્રીત્વ કાળમાં મંડલ કમિશનના સ્વીકાર પછી ૨૭ % ઓ.બી.સી. અનામત આવી છે.

અનામતનો માપદંડ સામાજિક શૈક્ષણિક પછાતપણું અને વહીવટ તથા રાજકારણમાં અપૂરતા પ્રતિનિધિત્વનો છે. ભારતના બંધારણમાં હાલમાં ગરીબો માટે એટલે આર્થિક પછાતપણાના આધારે અનામતની જોગવાઈ નથી. નરસિંહરાવની કૉન્ગ્રેસી સરકારે ગરીબો માટે ૧૦% અનામતની જોગવાઈ કરી હતી. તેને સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય જાહેર કરી હતી. અદાલતે અનામતની મહત્તમ મર્યાદા ૪૯ % ઠરાવી હતી. તે પછી જુલાઈ ૨૦૧૦માં ચોક્કસ કારણો અને હકીકતોના આધારે તે મર્યાદામાં થોડી છૂટ આપી હતી. દેશના કેટલાક રાજ્યોમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, અનામતનું પ્રમાણ ૪૯% કરતાં વધારે છે.

મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિની ૧૩%, જનજાતિ ૭%, ઓ.બી.સી. ૧૯%, વિચરતી અને વિમુક્ત જાતિ સહિતની ખાસ જાતિઓની ૧૩ % મળી કુલ ૫૨% અનામતો અમલી છે. હવે નવી ૧૬% મરાઠા અનામત ઉમેરતાં કુલ પ્રમાણ ૬૮% થયું છે. રાજ્ય સરકાર મરાઠા અનામતને વાજબી ઠેરવવા ઓ.બી.સી. કમિશનનો આધાર લે છે. પરંતુ દેશમાં અને રાજ્યોમાં ઓ.બી.સી. અનામત એક જથ્થે અને વધુમાં વધુ ૨૭% જ રાખી શકાતી હોય ત્યારે મરાઠા અનામત રાજ્યની હાલની ૧૩% ઓ.બી.સી. અનામત ઉપરાંત માત્ર મરાઠાઓ માટે જ રાખવી કાયદાકીય રીતે ન સમજાય તેવી બાબત છે. વળી ૪૯% કરતાં વધુ પ્રમાણ માટે રાજ્ય ઓ.બી.સી. પંચનો રિપોર્ટ જ પર્યાપ્ત નથી. તમિલનાડુ સરકારની જેમ મરાઠા અનામતને અદાલતી સમીક્ષાથી પર રાખવા, તેને બંધારણની નવમી અનુસૂચિમાં મુકવાનો બંધારણ સુધારાનો માર્ગ પણ સરકારે લીધો નથી. એટલે સરકાર જેને ઈમાનદાર પ્રયાસ ગણાવે છે તે લોલીપોપ પણ બની જાય તેમ છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

યુનિવર્સલ બેઝિક ઈન્કમ, નેગેટિવ ટેક્સ અને જીવનયોગ્ય દરમાયો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 January 2019

૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટે સત્તાપક્ષ અને વિપક્ષ બરાબર તૈયાર થઈ ગયાં છે.  કિસાન ઋણ માફીને વિપક્ષ ૨૦૧૯નો ચૂંટણી એજન્ડા બનાવવા માંગતો હોય ત્યારે એને ખાળવા કેન્દ્ર સરકાર યુનિવર્સલ બેઝિક ઈન્કમ(UBI)નો આશરો લઈ શકે છે. દેશના સાવ જ ગરીબ કે રોજીરોટીવિહોણાં લોકોને માસિક કોઈ ચોક્કસ રકમ સરકાર તરફથી આપવાની યોજના એટલે યુનિવર્સલ બેઝિક ઈન્કમ. આ કોઈ નવો ખ્યાલ નથી. નોટબંધી પછીના ૨૦૧૭ના કેન્દ્રીય બજેટ પૂર્વેની આર્થિક સમીક્ષામાં યુનિવર્સલ બેઝિક ઈન્કમની જિકર હાલની સરકાર દ્વારા કરવામાં આવી હતી. ૨૦૧૩ની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના ઢંઢેરામાં બી.જે.પી.એ મતદારોને ન્યૂનતમ આવકનું વચન આપ્યું હતું. આ હકીકતોથી એ વાતને બળ મળે છે કે લોકસભા ચૂંટણી પહેલાંના અઢીત્રણ મહિનામાં સરકાર યુનિવર્સલ બેઝિક ઈન્કમ અંગે  વિચારી શકે છે.

ગરીબો કે બેરોજગારોના બેન્ક ખાતામાં સરકાર કોઈ રકમ જમા કરાવશે તેવું બે ત્રણ વરસથી સંભળાઈ રહ્યું છે. જો કે આ પ્રકારની યોજનાના માપદંડો અને અમલીકરણ આડેની આડશો સૌથી મોટી સમસ્યા છે. આપણાં દેશમાં ગરીબોનું પ્રમાણ ગરીબીની વ્યાખ્યા સાથે બદલાતું રહે છે. ખરા ગરીબોને બદલે ભળતા જ લોકો બી.પી.એલ. કાર્ડધારકો છે એવું ગ્રામીણ ભારતમાં ઠેરઠેર બન્યું છે. એટલે ખરા લાભાર્થીને ખોળવા અને વગર ઘાલમેલે એના સુધી લાભ પહોંચાડવો તે સૌથી અગત્યની બાબત છે. એક ખ્યાલ એવો છે કે સરકાર હાલમાં જે સાવ બેરોજગાર છે તેને આ યોજના હેઠળ મદદ કરશે. આ સહાયની રકમ માસિક રૂ.૨૫૦૦/- થી ૧૫૦૦૦/- સુધીની હોઈ શકે છે. અસંગઠિત કામદારોનો મોટો વર્ગ સામાજિક-આર્થિક અસલામતી ભોગવી રહ્યો છે તેને સહાયની જરૂર છે. દેશમાં એક જાડી ગણતરીએ પણ જેઓ આવકના હિસાબે સાવ તળિયે છે તેવા લોકો ૨૦ થી ૨૭ કરોડની આસપાસ છે. સરકાર આવા બેરોજગારો, ગરીબો કે ભૂખમરાની સ્થિતિમાં જીવતા નાગરિકોને દર મહિને નિશ્ચિત રકમ આપી શકે છે.

આટલા મોટા પ્રમાણમાં આર્થિક મદદ માટે બહુ મોટા બજેટ અને નાણાંની જરૂર રહેવાની. કેન્દ્ર સરકારની લગભગ ૯૫૦ જેટલી લોકકલ્યાણની યોજનાઓ અમલમાં છે. વળી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજ, ખાતર, રાંધણગેસ વગેરેને સરકાર મોટી સબસિડી આપે છે. આ તમામ યોજનાઓ અને સબસિડી ચાલુ રાખીને સરકાર યુનિવર્સલ બેઝિક ઈન્કમની યોજના લાગુ પાડી શકે કે બંધ કરીને તે પણ વિચારવાનું છે. ન્યૂનતમ આવકની આ આકર્ષક યોજનામાં જેમને આવરી લેવામાં આવશે તે ગરીબોને કોઈ જાતિનો માપદંડ લાગુ પડવાનો નથી તેથી ‘જાતિ”ની હાયવોય કરનારાને રાહત રહેશે. પરંતુ ગરીબોમાં મોટું પ્રમાણ દલિત–આદિવાસી-પછાતનું છે તે પણ સ્વીકારવું પડશે.

યુનિવર્સલ બેઝિક ઈન્કમ અનેક સરકારી યોજનાઓ જેવી કોઈ યોજના હશે કે તેને કોઈ કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે ? દેશમાં જેમ શિક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર અને અન્ન સુરક્ષા કાનૂનથી મળેલો અન્નનો અધિકાર છે તેમ સરકારી કાયદાની બાધ્યતા ઉમેરીને પ્રત્યેક ભારતવાસીને ન્યૂનતમ આવકનો અધિકાર અપાશે ? જો તેને કાનૂની આવો હક હશે તો જ આવો લાભ મળશે ? સરકાર જેમ ગરીબીની રેખા નક્કી કરે છે તે ધોરણે કે અન્ય ધોરણે મિનિમમ આવક નક્કી કરે અને જો તેના કરતાં ઓછી આવક હોય તો તે નાગરિકને કમસેકમ નક્કી કરેલી આવક જેટલી રકમ સરકાર આપશે એવું થઈ શકશે ? ન્યૂનતમ આવકના આ વિચારનો અમલ થતાં જો તેનાથી ગરીબી અને બેરોજગારી નાબૂદ ન થાય તો પણ તાત્કાલિક રાહત થઈ શકે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધી રુરલ એમ્પલોયમેન્ટ ગેરંટી સ્કીમનું ભાવિ શું હશે? જો મનરેગા દ્વારા રોજીવિહોણાને નિશ્ચિત દિવસોની રોજી પૂરી પડાતી હોય તો પછી કોઈ નાગરિક સંપૂર્ણ આવક કે રોજીવિહોણો કઈ રીતે હોઈ શકે ? મનરેગામાં તો માત્ર ૧૨૦ દિવસની જ રોજીનો સવાલ છે જ્યારે યુનિવર્સલ બેઝિક ઈન્કમ હેઠળ તો વરસોવરસ કાયમી મદદ કરવાની છે. વળી આ યોજનામાંથી કોણ ક્યારે બાકાત થઈ શકશે તે પણ જોવાનું રહે.

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્યપદેથી તાજેતરમાં છૂટા થયેલા અર્થશાસ્ત્રી સુરજિત ભલ્લાએ  અગાઉના વરસોમાં “નેગેટિવ ઈન્કમ ટેક્સ”નો વિચાર રજૂ કર્યો હતો. તે મુજબ હાલમાં જે ઈન્કમ ટેકસના સ્લેબ છે તેની સરેરાશ ૧૨ ટકા છે. એટલે તેમનું સૂચન હતું કે હાલમાં જે આવકવેરાની મુક્તિમર્યાદા છે તેને યથાવત રાખી તે ઉપરની આવક પર ૧૨ ટકાના દરે  આવકવેરો લેવામાં આવે. આ આવકવેરાની રકમમાંથી જેઓ આવકવેરામુક્ત આવક ધરાવે છે તેવા તમામને તેમની ન્યૂનતમ આવક કરતાં ઓછી હોય તેટલી રકમ સરકાર ચૂકવશે. આ ‘નકારાત્મક વેરો’ એક રીતે ગરીબી વેરો કે આર્થિક અસમાનતા આબૂદી વેરો પણ બની શકે. નેગેટિવ ટેક્સનો ખ્યાલ રજૂ કરનાર તેને આવકવેરામાં ક્રાંતિ અને આર્થિક અસમાનતા નાબૂદીની દિશામાં મહત્ત્વનું કદમ ગણાવે છે. યુનિવર્સલ બેઝિક ઈન્કમની જેમ નેગેટિવ ઈન્કમ ટેક્સનો અમલ પણ અઘરો છે.

હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ રમૂજમાં કહેતા હોય છે કે સિત્તેર વરસમાં ગ્રામ પંચાયતથી સંસદ સુધી ચૂંટાયેલા જે રીતે સમૃધ્ધ થયા છે તે રીતે જો દેશના તમામ નાગરિકને વારાફરતી સરપંચથી સાંસદ થવાની તક આપીએ તો દેશમાં કોઈ ગરીબ ન રહે ! 

આ વાતમાં રહેલી રમૂજને બાદ કરીએ તો સંશાધનોથી ઉભરાતો આપણો દેશ ગરીબ છે તે સ્વીકારવું પડે. નવી આર્થિક નીતિમાંથી પાછા વળવાનું હવે મુશ્કેલ છે અને દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો આર્થિક નીતિમાં એકસરખા જ છે ત્યારે ચૂંટણીઓમાં ગાંધીજીના છેવાડાના માણસની અને અંત્યોદયની દુહાઈ દેવાશે. ‘તારી રોટી તારો પસીનો રેડીને કમાજે” એ બાઈબલ વાણી કે જાતમહેનત અંગ્રેજી શબ્દ “બ્રેડબટર”નો અનુવાદ હોય તે સંદર્ભમાં ગાંધીજીની “જીવનયોગ્ય દરમાયો”ની વાત વિસરાવી ન જોઈએ. જ્યારે ગાંધી જીવનયોગ્ય દરમાયાની વાત કરે છે ત્યારે તેમના મનમાં વ્યક્તિને તેના શ્રમનું વળતર, તેના કુંટુંબનું પોષણ, શિક્ષણ અને આરોગ્યની સવલતો મળે રહે તેટલું તો હોવું જ જોઈએ તે છે. અમાપ આર્થિક વિષમતાનો ઉપાય કર્યા વિનાના અને જીવન યોગ્ય દરમાયાનો વિચાર કર્યા વિનાના સઘળા પગલાં માત્ર થીગડાં જ હશે.

e.mail : maheriyachandu@gmail.com  

Loading

નવી અનામત : જુમલે સે આગે જહાઁ ઑર ભી હૈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 January 2019

શું કહીશું, આને : ઘડિયાં લગન, કે એક ઓર જુમલો – બલકે, સામી ચૂંટણીએ તો કદાચ ધ જુમલો. વર્ણસગાઈની વહેવારુ સગવડને ધોરણે તમે એને મોદીનો માસ્ટર સ્ટ્રોક પણ ચાહો તો કહી શકો. અહીં ઇશારો અલબત્ત નવા આરક્ષણને અંગે છે. એક રીતે, જે સંચિત મિજાજ પાટીદાર અનામતની હાર્દિક જેહાદ વાટે પ્રગટ થયો છે, એને વિશે મુજરાનો નહીં તોપણ દાણા નાખવાનો મનોવૈજ્ઞાનિક ઉપચાર આ ખસૂસ છે.

સદીઓનાં સંચિત અન્યાય અને શોષણની નાબૂદી તો શું પણ યથાસંભવ દોષદુરસ્તી માટે ય અનુસૂચિત જાતિ-જનજાતિ સારુ અનામતની જોગવાઈનું એક લૉજિક હતું અને છે. ગાંધીનાં અનશન અને પુણે કરાર સહિતના સ્વરાજસંગ્રામના ઘટનાક્રમમાં આગળના પડાવ રૂપે આ દિશામાં કદમ ભરવાનું થયું એ વીતેલી સદીના છેલ્લા દાયકાઓની તવારીખ છે. વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલશાસ્ત્રનો પણ હવે એક ગાળો પસાર થયો છે. મુદ્દો એ છે કે આ બધાને છેડે આર્થિક-સામાજિક વિકાસ અને સમતાની કસોટીએ આપણે ક્યાં ઊભા છીએ. વિકાસનો ઢોળ ચડાવેલું હિંદુત્વ ૨૦૧૪માં દિલ્હી દરબારમાં બેઠું ન બેઠું અને પરવાનો તાજો કરવાનું ટાણું આવતે આવતે અપેક્ષિત દુબારા-દુબારાના ફુગ્ગામાં, કેમ કે ‘વિકાસ ગાંડો થયો છે’, એકદમ જ કાણું પડતું લાગ્યું એના વારણની લાયમાં આ નવા આરક્ષણની આર્થિક રીતે નબળા હોવાને ધોરણે આરક્ષણની વાત આવી પડી છે.

પોતપોતાને છેડેથી ઊભરેલાં યુવા વ્યક્તિત્વ, હાર્દિક અને જિજ્ઞેશ, હમણેના ગાળામાં ચાલુ સત્તા-પ્રતિષ્ઠાન સામે પડકારનાં પ્રતીક તરીકે ઊભર્યાં એનો આ ફૉલ આઉટ છે. તમે દેખીતી રીતે જ એની એક સંમિશ્ર પ્રતિક્રિયા કે પ્રતિભાવ રૂપે ભા.જ.પ.ના શીર્ષ નેતૃત્વની આ નવ્ય અનામત ચેષ્ટાને ઘટાવી શકો. સંમિશ્ર એટલા માટે કે અનામત જોગવાઈના મૂળ લૉજિકને પડકારનારા અને સ્વીકારનારા એમ બેઉ છેડા અહીં જોડાઈ જતા માલૂમ પડે છે.

ભા.જ.પ.ના આ છેવટ ઘડીના ગુગલી જુમલા અને હુમલા સામે વિપક્ષ કને પણ પ્રોસીજરલ આડીતેડી જેવા નકો નકો વિરોધવ્યૂહ સાથે સરવાળે સંમત થઈ જવા સિવાયનો વિકલ્પ નથી એ સમજી શકાય એવું છે. આપણાં પ્રતિનિધિગૃહો માટે અનામત બેઠકોની જોગવાઈ દર નિયત મુદતે વધારવામાં એ સૌ સાથે જ હોય છે ને. જેમ કિસાનોની દેવાનાબૂદી, લોનમાફી વગેરેમાં પણ તમે જોશો કે ઘટતા વિરોધ અવાજો પછી અને છતાં દરેક સત્તાપક્ષ એ પંથના પથિક છેવટે તો બની રહે છે.

તો, વાત તો જાણે કે સાફ છે કે આપણા સામાજિક હાડમાં પચી ગયેલ ગેરબરાબરી અને નાતજાતગત અન્યાય બાબતે નિવારણ વિના સ્વરાજ બેમતલબ છે. આ દૃષ્ટિએ અનામતથી માંડી દેવામાફી સહિતની જોગવાઈઓની એક ભૂમિકા ખસૂસ છે.

પણ, કાશ, આટલેથી જ વાર્તા પૂરી થઈ શકતી હોત! જ્યાં સુધી ખેડૂતોને ઋણરાહત પ્રકારના પ્રશ્નો છે, મૂળમાં જઈ નીતિ વિષયક પરિવર્તન વિનાની થાગડથીગડ કારાવાઈઓથી તત્કાળ રાહત મળતી હશે, નિયતિ તો એ જરીપુરાણી અને જરીપુરાણી જ રહે છે. પણ હમણાં આપણે એ ચર્ચામાં નહીં જતા અનામત જોગવાઈ પર લક્ષ કેન્દ્રિત કરીએ તો આ જોગવાઈ છતાં જાહેર નોકરીઓ ને કામગીરીઓમાં ફાળવાયેલા ટકાવારી વણભરાયેલી રહે છે એ એક દુર્દૈવ વાસ્તવ છે. ખાનગી ક્ષેત્રે સવાલ ઊભો રહે એ તો જાણે કે સમજ્યા, પણ જાહેર ક્ષેત્રમાં જો આ સ્થિતિ હોય તો એમાં જે પણ કારણો હોય એક અર્થ નક્કી છે કે તંત્રોમાં  જે માનસિકતા કામ કરે છે તેમાં એમની બાદબાકીનું ધોરણ સ્થપાયેલું છે. જાહેર ક્ષેત્રમાં આ સ્થિતિ હોય તો ખાનગી ક્ષેત્રમાં શું હશે અને કેમ હશે એ ચર્ચા જ અસ્થાને છે. આખી બાબત નકરી ચર્ચાના દાયરામાંથી નીકળી જઈ એક પ્રજા તરીકે આપણને ચિંતા અને સક્રિય નિસબતના ઇલાકામાં લઈ જાય છે.

હવે સૂચિત નવી અનામતની વાત. સવાલ આ છે : બીજાઓને આપી દીધું, અને અમે રહી ગયા એવી ખરીખોટી ફરિયાદના જવાબ તરીકે એક મનોવૈજ્ઞાનિક પાસાથી વધુ એનો કોઈ માયનો છે ખરો? આપણે જેને નવી આર્થિક નીતિ તરીકે ઓળખીએ છીએ એનું વલણ જાહેર ને સરકારી ક્ષેત્રના ઉત્તરોત્તર સંકોચનનું છે. તેથી જે ઘટતી નોકરીઓ છે એની સામે વધુ ઉમેદવારોને સમાવવાનો તકાજો છે. બીજું, ખાનગી ક્ષેત્ર તો હાલની અનામતની જોગવાઈઓ બાબતે અમથું પણ બંધ છે.

જે યુવા નેતૃત્વે (અને વાસ્તવિક લોક અંજપાએ) સત્તાપક્ષને આ નવા જુમલા વાસ્તે પ્રેર્યો તેણે હવે હરખની હેડકીએ કે ઊલટ પક્ષે આ ચેષ્ટાની લોલીપોપ તાસીર બોલી બતાવવાએ અટકવાપણું નથી. છૂટાછવાયા ઉદ્‌ગારો કે તત્કાળ ટિપ્પણીઓ અને બાઈટની બડઘટાડી કે તેજતર્રાર ટિ્‌વટમારીથી હટીને અને ઊંચે ઊઠીને આમૂલ નીતિપરિવર્તનનો આગલો મોરચો ખોલવો ઘટે છે. અનામત વિચારની ચોક્કસ ભૂમિકા સ્વીકાર્યા પછી અને છતાં સમજવું રહે છે કે (૧) સમાજસુધારાની સઘન ચળવળ અને માનસિકતા પરિવર્તન વિના મજલ કપાવાની નથી; (૨) આખો સમાજ કંઈ નોકરિયાતોનો સમાજ હોઈ શકવાનો નથી. નાનીમોટી સ્વયં રોજગાર સંભાવનાઓનું વિતરણ જરૂરી હોવાનું છે. ચંદ્રભાણ પ્રસાદ દલિત કૅપિટલિઝમમાં જે ઉગાર શોધે છે તે આજની વ્યવસ્થા એટલે કે અનવસ્થામાં સમજી શકાય એવો છે. માત્ર, કોર્પોરેટવાદમાં નહીં સરી પડતાં આ દિશામાં વિચારવું રહે છે.

આજના કોર્પોરેટવાદમાં અંતર્નિહિત નવ્ય સવર્ણવાદ સામે વ્યાપક લડાઈની તાકીદ સામી ભીંતે બેનર હેડલાઈન પેઠે લખાયેલી છે; એ ન વાંચવી હોય તો જ ન વંચાય એટલી દૈત્યકાળ છે. ૧૯૯૧ની નરસિંહરાવ મનમોહનસિંહની નવી આર્થિક નીતના વડા લાભાર્થીઓ અને અણ્ણા આંદોલનના વડા લાભાર્થીઓના બરની વાત આ નથી. જરી વધુ સમજપૂર્વક આર્થિક-સામાજિક નીતિનિર્ધારણ અને કાર્યાન્વયનો પ્રશ્ન આ છે. સંસદની મેરેથોન ટોકેથોનમાં એનાં ઈંગિતો છેક જ નથી ને નહોતાં એવું કહેવાનો આશય નથી. પરંતુ ઘડિયાં લગન અને જુમલાશાઇ અફરાતફરીમાં આવાં ઇંગતો હોય તો પણ નથી પકડાતાં તે નથી પકડાતાં.

દરમ્યાન, પાપપુણ્યની બારીમાંથી પસાર થવા જેવા આ પ્રજાસૂય પડકારની પળે સમજી લઈએ કે હિંદુત્વ વત્તા વિકાસના ચૂંટણીવ્યૂહ અને  કૉંગ્રેસ વત્તા ગાયની શાસનશૈલી, હવે રોકડો જવાબ અને સીધો પડકાર માગે છે. ધારો કે ભા.જ.પ.નો પરાજય થયો તો પણ સામે પક્ષે એના જેવી જુમલે સે જુમલે શૈલીએ અગર તો જવાબી જુમલા માત્રથી જનસાધારણનો જયવારો થવાનો નથી. કબૂલ કે મે ૨૦૧૯ આડે થોડા મહિના (અને ચૂંટણી જાહેરાત આડે થોડાં અઠવાડિયાં) માંડ રહ્યા હોય ત્યારે વ્યૂહાત્મક અભિગમ અગ્રતા માગે છે, તેમ છતાં –

જાન્યુઆરી ૧૦, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2019; પૃ. 03

Loading

...102030...2,9172,9182,9192,920...2,9302,9402,950...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved