Opinion Magazine
Number of visits: 9685315
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પિરામિડની સાખે હૈયાનો દરબાર

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|17 January 2019

હૈયાને દરબાર

ઇજિપ્તની કડકડતી ઠંડી હાડ ધ્રુજાવી દે એવી છે. પરંતુ, ત્યાંની અતિ પ્રાચીન સંસ્કૃતિ, ઈશુના જન્મ પહેલાંનાં ચાર હજાર વર્ષ જૂનાં અદ્ભુત શિલ્પ-સ્થાપત્યો, એ વખતના મહાન રાજવીઓનો ઇતિહાસ અને એમના મહાન શાસક રામસેસ તથા મહારાણી નેફર્તીની રસઝરતી કથાઓની વિગતો ઠંડીને ભુલાવી દે છે.

ગ્રીક અને હિબ્રૂ ભાષામાં રાજાઓ માટે ફેરાઓ (pharaoh) શબ્દ વપરાય છે. ઇજિપ્તમાં પ્રાચીન રાજાઓ ફેરાઓઝ તરીકે ઓળખાતા જેમાં તૂતેનખામેન, રામસેસ ઇત્યાદિ ખૂબ શક્તિશાળી અને પ્રભાવક હતા. રાણીઓમાં ક્લીઓપેટ્રા અને નેફર્તી સુંદર સમ્રાજ્ઞીઓ હતી. ઇજિપ્તના ફેરાઓઝને એ વખતની ઇજિપ્શિયન પ્રજા દેવ સમાન માનતી હતી. રાજા રામસેસ બીજાના મૃતદેહને અઢળક સુવર્ણમુદ્રાઓ તથા જર-ઝવેરાતના ખજાના સાથે વિશ્વની અજાયબી એવા સૌથી મોટા પિરામિડ નીચે દાટવામાં આવ્યો હતો. લગભગ ૨૩ લાખ ચોરસ પથ્થરોથી બનેલા વિશાળ કદના પિરામિડને ઓળંગીને આવતો કાતિલ પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે આ બધી કથાઓ અને ત્યાંનું અરેબિક સંગીત આશ્ચર્યચકિત કરી રહ્યાં હતાં પરંતુ, અમારે તો હૈયાનો દરબાર ભરવાનો હતો ભારતનાં મિત્રો, સ્નેહીઓ અને ‘મુંબઈ સમાચાર’ના વહાલા વાચકો સાથે. એટલે ગતાંકમાં જે ગીતની કથા માંડી હતી એ આગળ વધારીએ તથા હૈયાને દરબાર ગીતની મોહિનીને ફરીથી માણીએ.

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમિકા પૂર્ણત: પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે – જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. પ્રેમની સિતાર જેમનાં હૃદયમાં રણઝણતી હોય ત્યારે મન:સ્થિતિ પરમાનંદ સ્વરૂપ બની જાય છે.

હૈયામાં દરબાર ભરાય ત્યારે એમાં અવનવી દુન્યવી વાતો તો થવાની જ – પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ અનોખી હોય છે! "કોઈ મને ખૂબ પ્રેમ કરે છે, અપાર ચાહે છે, મારી દરકાર કરે છે આ વિચાર માત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને વ્યક્તિને સતત જીવંતતાનો અહેસાસ કરાવે છે. એ લાગણીની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંતરનો એકતારો સતત સાંવરિયાનું સંગીત રેલાવતો હોય છે, હર પળ પ્રીતિનો અહેસાસ કરાવે છે.

પ્રિયતમ સાથેનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની સ્ત્રીની જિજીવિષા જીવંત રાખે છે. આપણા હૈયામાં પણ જ્યારે કોઈકની હૂંફ રંગત જમાવે, કોઈના ઝાંઝર હૈયાને હુલાવે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાવા લાગે અને કોઈની યાદે અકળિત આશાઓ મહોરી ઊઠે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણી લાગણીઓ, પ્રેમનું પ્રતિબિંબ બની જાય છે.

હૈયાને દરબાર … ગીતના કવિ, લેખક, રમતવીર ભાસ્કર વોરાનો જન્મ ૧૨ ઑગસ્ટ ૧૯૦૭માં થયો હતો. ગીત કવિતામાં તેઓ માહેર. કવિતાઓ તો સરસ લખે જ ઉપરાંત ખૂબ સારા સ્પોર્ટ્સ મેન. જન્મે વડનગરા નાગર. રાજકોટ કર્મભૂમિ. બેસ્ટ કેપ્ટન તથા ‘બેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર’નો ખિતાબ મેળવી ચૂકેલા ભાસ્કર વોરા કરાચી સામે મેચ રમી ‘વાઈસરોય નોર્થ કોર્ટ શિલ્ડ’ જીતી લાવ્યા હતા. મા સરસ્વતીના ઉપાસક-સાધક ભાસ્કર વોરાનો નાતો જીવન પર્યંત ક્રિકેટ અને કલમ સાથે રહ્યો હતો. ગુજરાતી સુગમ સંગીતને માતબર કરનાર પરિબળોમાં ભાસ્કર વોરાનાં ગીતોનું મહત્ત્વનું યોગદાન છે. લયનાં ઝાંઝર પહેરીને શબ્દ દેહ ધારણ કરતી એમની ગીત રચનાઓ કોઈ પણ સ્વરકારને આકર્ષતી હતી. ભારત-પાકિસ્તાન, ચીન લડાઈ સમયે દેશભક્તિનાં ગીતો એમની કલમે લખાયાં જેમણે રાષ્ટ્રીય ચેતના જગાવવામાં સિંહફાળો આપ્યો હતો. મોહમ્મદ રફી, હેમંત કુમાર, મહેન્દ્ર કપૂર, ગીતા દત્ત, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા દેસાઈ, શ્યામલ-સૌમિલ-આરતી મુનશી અને તેમની પૌત્રીઓ અનુપા અને ગાર્ગી વોરા સહિત અનેક કલાકારોએ એમનાં ગીતો ગાયાં છે. ગાર્ગી વોરા યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરતું ગુજરાતી સુગમ સંગીતનું ઊજળું નામ છે. ભાસ્કર વોરાની પૌત્રી ગાર્ગી વોરાને કંઠે પણ એના દાદાજીની આ રચના સાંભળવી એ લહાવો છે.

આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી, છાયા બની એ ચંદ્રની એને પગલે પગલાં પાડતી … ગીત ફિલ્મ સત્યવાન-સાવિત્રીનું છે જેના કવિ ભાસ્કર વોરા અને સંગીતકાર દિલીપ ધોળકિયા હતા. લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ ગાયેલાં જૂજ ગુજરાતી યુગલ ગીતોમાં ભાસ્કરભાઈની આ રચનાનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત, એમનાં અન્ય ગીતોમાં કૌમુદી મુનશીના સુરીલા કંઠે ગવાયેલું આ રંગ ભીના ભમરાને … ગીત પણ ખૂબ લોકપ્રિય ગીત છે.

સુપ્રસિદ્ધ સંગીતકાર અજિત મર્ચન્ટે હૈયાને દરબાર ગીતના સંદર્ભમાં એક યાદગાર પ્રસંગ ટાંક્યો હતો. તેમણે લખ્યું છે : "આકાશવાણી મુંબઈમાં મ્યુઝિક યુનિટ ગુજરાતી વિભાગમાં હું પ્રોડ્યુસર હતો. ૧૯૫૯ના મે મહિનામાં આકાશવાણીના માન્યતા પ્રાપ્ત સંગીત નિયોજક પુરુષોત્તમ ઉપાધ્યાયે ભાસ્કર વોરા લિખિત ગીત હૈયાને દરબારની સ્વરરચના ગાઇ સંભળાવી. એ તરજ સાંભળીને હું રસતરબોળ થઈ ગયો હતો. પરંતુ પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરને કંઠે આ ગીત ધ્વનિમુદ્રિત કરવાનું સૂચન કર્યું ત્યારે એમની વાત મને આકાશ કુસુમવત્ લાગી હતી. કારણ કે આ પહેલાં કદાપિ આકાશવાણી નિર્મિત હિન્દી, મરાઠી કે ગુજરાતી ગીત ગાવા લતા મંગેશકર આવ્યાં નહોતાં છતાં પુરુષોત્તમ ઉપાધ્યાયના સૂચન પ્રમાણે આકાશવાણીનો કોન્ટ્રાક્ટ એમને રવાના કર્યો અને લતાજીએ એ સ્વીકાર્યો પણ ખરો.

રેકોર્ડિંગના દિવસે લતાજી આકાશવાણી મુંબઈના સ્ટુડિયો પર આવ્યાં ત્યારે ખબર હોવા છતાં ન તો આકાશવાણીના સરકારી ઓફિસરોએ એમને સત્કાર્યા કે ન તેઓ રેકોર્ડિંગ વખતે હાજર રહ્યા. બલ્કે રેકોર્ડિંગ જ ન થાય એ માટે અનેક ઓફિશિયલ અવરોધો ઊભા કરવામાં આવ્યા, જેનો મારે સામનો કરવો પડ્યો હતો. માન અપમાનની લેશ પરવા કર્યા વગર લતાજી મારા ટેબલ પર આવી પહોંચ્યાં અને હું બેબાકળો બની ગયો. પુરુષોત્તમ ઉપાધ્યાયની અદ્ભુત રચના અને મારા પ્રત્યેની સદ્ભાવનાને લીધે જ તેઓ આવ્યાં હતાં એ હકીકત છે. હૈયાને દરબાર ગીતની વાદ્યસંગીત રચના એટલે કે એરેન્જમેન્ટ સુપ્રસિદ્ધ સંગીત બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલના પ્યારેલાલ શર્માએ કરી હતી. રિહર્સલ બાદ પ્યારેલાલજીને પિયાનોવાદનની ખોટ જણાઈ એમણે મને પિયાનોવાદન કરવાનું સૂચન કર્યું પણ રેકોર્ડિંગની જવાબદારી મારી હોવાથી હું લાચાર હતો. છેવટે પિયાનો સંગત હાર્મોનિયમ વાદનની રીતે પુરુષોત્તમ ઉપાધ્યાયે કરી હતી અને એક જ ટેકમાં ગીત ઓકે થઈ ગયું હતું. હાર્મનીના સિદ્ધાંતોથી અજાણ પુરુષોત્તમ ઉપાધ્યાયે કોઠાસૂઝથી ‘અર્પેજીયોસ’ અને ‘કોર્ડ્સ’ વગાડી ગીતને વાદ્ય સંગીતથી સભર કરી દીધું હતું. લતાજી પણ ખૂબ ખુશ થયાં હતાં.

આવી સુંદર અને કર્ણપ્રિય રચનાઓ આપણાં ગુજરાતી સુગમ સંગીતની મોંઘી મિરાત છે. ગયા ગુરુવારે હૈયાને દરબાર ગીતના શબ્દો કવિતા તરીકે પ્રગટ કર્યા હતા એ વાચકોને માણવા માટે ફરી પ્રગટ કર્યા છે. જો કે નારી સંવેદનાનું આ અદ્ભુત ગીત યુટ્યુબ પર સાંભળવાનું ભૂલતાં નહીં. તમને ચોક્કસ ગમશે એની ગેરંટી.

————————

હૈયાને દરબાર

વણથંભી વાગે કોઇ સિતાર

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયાં આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર
વણથંભી વાગે કોઇ સિતાર …

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયાં આજ નચાવે?
પળ પળ પ્રીતિના પલકાર
વણથંભી વાગે કોઇ સિતાર

https://www.youtube.com/watch?v=Rkg64DHSn1w&fbclid=IwAR0PhCVKhPkSMUo3i_zkShzpr6ecDlNEJHICnWG6bY8NOnEW8wv64KhkaC8

• કવિ : ભાસ્કર વોરા  • સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય  • ગાયિકા : લતા મંગેશકર

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 17 જાન્યુઆરી 2019

http://www.bombaysamachar.com/frmSecShowA.aspx?SecNo=29&secName=%27લાડકી%27&Purti=1

Loading

શુધા મઝુમદારની આત્મકથાઃ ‘ભારતીય સ્ત્રીજીવન પર ગાંધીયન મૂલ્યોના પ્રભાવનો કેસ સ્ટડી’

રંજના હરીશ|Opinion - Opinion|16 January 2019

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-5

અમેરિકન ઇતિહાસકાર જેરાલ્ડિન એચ. ફોર્બ્સ દ્વારા સંપાદિત તથા 1977માં પ્રકાશિત મૂળ અંગ્રેજીમાં લખાયેલ આત્મકથા 'અ પેટર્ન ઓફ લાઈફ' તેની લેખિકાના જીવન ઉપરાંત વર્ષ 1900 થી 1930ના ત્રણ દાયકાના ગાંધીપ્રેરિત સ્વતંત્રતા આંદોલનનો તાદ્રશ ચિતાર આપે છે. સંપાદક જેરાલ્ડિન ફોર્બ્સના શબ્દોમાં 'આ આત્મકથા ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીએ આપેલ પ્રદાનનો એક સચોટ ‘કેસ સ્ટડી' ગણાવી શકાય તેમ છે.' લેખિકા શુધા મઝુમદારે (જ. 1899) આ પુસ્તકમાં માંડેલ પોતાના જીવન પર ગાંધીજીની અસરની વાત માંડતા પહેલાં આજે આ અસામાન્ય આત્મકથાનું 'પ્રાક્કથન' લખનાર બ્રિટિશકાળના અવિભાજિત બંગાળના તત્કાલિન ઓસ્ટ્રેલિયન ગવર્નર આર.સી. કેસીનાં પત્ની લેડી કેસીએ આ પુસ્તક માટે લખેલ 'પ્રાક્કથન' તથા સંપાદક જેરાલ્ડિન એચ. ફોર્બ્સની પ્રસ્તાવનાના અનુવાદિત અંશો જોઈશું. આ બંને વિદેશી મહિલાઓ શુધા મઝુમદારની આ આત્મકથામાં ભારતીય સ્ત્રીના જીવનમાં સ્વતંત્રતા આંદોલન તથા ગાંધી વિચારધારાએ ખોલી આપેલ નવી દિશાને મહત્ત્વ આપે છે.

•••••••

શુધા સાથેના પરિચયના લગભગ 50 વર્ષ બાદ, એટલે કે 1973માં, લેડી કેસીએ શુધા મઝુમદારની આત્મકથા માટે લખેલા 'પ્રાક્કથન'માંથીઃ

વર્ષ 1944માં અખંડ બંગાળના ગવર્નર તરીકે મારા પતિ આર.સી. કેસીની બે વર્ષ માટે કલકત્તા ખાતે નિમણૂક થયેલી. તે દરમિયાન મારી ઓળખાણ એક ગર્ભશ્રીમંત વિદૂષી, અનુવાદક શ્રીમતી શુધા મઝુમદાર સાથે થયેલી … એક ઓસ્ટ્રેલિયન તરીકે મારો તત્કાલિન ભારત પ્રત્યેનો અભિગમ શુધા સાથેની ચર્ચાઓથી પ્રભાવિત હતો … શુધાની પ્રસ્તુત આત્મકથા તેના જન્મ એટલે કે વર્ષ 1899થી લઈને વર્ષ 1930 સુધીની વાત કરે છે. ભારતની સ્વતંત્રતા સંદર્ભે 20મી સદીના પ્રારંભકાળના આ ત્રણ દસકોનું ઘણું મહત્ત્વ છે. આ જ એ વર્ષો હતાં કે જ્યારે રાષ્ટ્રવાદ તથા સ્વતંત્રતા આંદોલનના શ્રીગણેશ થયેલા. મોહનદાસ કરમચંદ ગાંધી, મોતીલાલ નેહરુ અને જવાહરલાલ નેહરુ જેવા રાષ્ટ્રીય નેતાઓનો ઉદય આ સમયે જોઈ લો … આ પ્રકારનું પુસ્તક ભવિષ્યમાં લખી શકાશે તેવું હું નથી માનતી. કેમ કે તે વખતની નોખી પેઢી અને સ્વતંત્રતા આંદોલનનો એ સમય દુર્લભ હતા.

••••••••

આત્મકથાના સંપાદક અમેરિકન ઇતિહાસકાર કેરોલિન એચ. ફોર્બ્સની પ્રસ્તાવનામાંથીઃ

હું શુધા મઝુમદારને 1970માં પ્રથમવાર મળેલી. કારણ હતું બે પેઢી પહેલાંના તેમના મામા જોગેન્દ્રો ઘોષ અંગે મારા સંશોધન માટે માહિતી મેળવવાનું. પરંતુ બે-ત્રણ મુલાકાતો બાદ જોગેન્દ્રો ઘોષ અમારી વાતચીતમાંથી પડતા મુકાયા અને શુધા પોતાના જીવનની વાતો કરવા માંડી. વાતવાતમાં તેણે મને 'કંઈક' બતાવવાની ઇચ્છા કરી. મેં હા પાડી અને તરત તે પોતાના ખંડમાં જઈને 'કંઈક', એટલે કે વર્ષો પહેલાં તેણે લખેલ આત્મકથાની 500 પૃષ્ઠની હસ્તપ્રત, લઈ આવી. મને તેની આત્મકથામાં અનહદ રસ પડ્યો … એક ઇતિહાસકારને એક દેશ અને કોઈ વ્યક્તિમાં જેટલો રસ પડે તેટલો રસ પડ્યો … હું તે હસ્તપ્રતને મારી સાથે ઇલિનોઈ યુનિવર્સિટી લેતી ગઈ. પાંચ-સાત અમેરિકન પ્રોફેસર મિત્રોએ આ પ્રત વાંચી. અને તેને વ્યક્તિગત જીવનના ચિતાર કરતાં ગાંધીયુગીન સ્વતંત્રતા આંદોલનના જીવંત દસ્તાવેજ તરીકે નવાજી. તેમને મન શુધાની આ હસ્તપ્રત એક અણમોલ દસ્તાવેજ હતી. એક એવો દસ્તાવેજ કે જે બ્રિટિશ રાજની નોકરી કરતા ભારતીય સિવિલ ઓફિસરની પત્નીએ ઘણા બધા રાજકીય નિયંત્રણો વચ્ચે લખી હતી … 1972માં હું શુધાને મળવા અને તેની હસ્તપ્રતને પ્રકાશિત કરવા માટે સમજાવવા ખાસ ભારત આવી. શુધાના નિવાસસ્થાને તેની હાજરીમાં મેં કદાચ ક્યારે ય ન છપાવવા માટે લખાયેલ, આ હસ્તપ્રતની પ્રેસ કોપી તૈયાર કરી. પુસ્તકના પ્રકાશનમાં પાંચ વર્ષ લાગ્યાં. એ પાંચ વર્ષ દરમિયાન હું ભારતીય સ્ત્રીના સશક્તિકરણ તથા તેમના વિકાસમાં સ્વતંત્રતા આંદોલન તથા ગાંધીજીએ આપેલ ફાળાને બરાબર સમજતી થઈ. અને માટે મારે મન શુધાની આ આત્મકથા એક અમૂલ્ય ખજાનાસમી બની રહી … એ વર્ષોમાં અદનામાં અદનો ભારતીય ગાંધી જીવનમૂલ્યો પ્રમાણે જીવવા પ્રયત્નશીલ હતો. આ પુસ્તક ભારતીયોના એ પ્રયત્નનું જીવંત સાક્ષી છે … 1900થી 1930 દરમિયાન જીવાયેલ એક ભારતીય સ્ત્રીના જીવનનો આ દસ્તાવેજ રાષ્ટ્રપ્રેમ તથા મહાત્મા દ્વારા પ્રેરિત અગણિત ભારતીય સ્ત્રી-પુરુષોનો વિરાટ બ્રિટિશ સલ્તનત સામેનો અહિંસક સંઘર્ષની નાટ્યાત્મક, માન્યામાં ન આવે તેવી, કહાણી છે.

આ પુસ્તકનું દસ્તાવેજીકરણ ઘણા કારણોસર મહત્ત્વપૂર્ણ છે. પ્રથમ આ એક વ્યક્તિગત લેખન હોઈ તેમાં અપાયેલ તત્કાલિન સમયના ચિતારને વધુ આધારભૂત બનાવે છે. દ્વિતીય આ એક સ્ત્રીના જીવન અને તેમાં આવેલ અને જીવાયેલ પરિવર્તનની વાત કરે છે. જેના પરથી સમગ્ર ભારતીય સ્ત્રીવર્ગના જીવનમાં આવેલ પરિવર્તન સમજી શકાય તેમ છે. અને તૃતિય, આ જીવનકથાને એક ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીએ આપેલ પ્રદાનનો ‘કેસ સ્ટડી' તરીકે સ્થાપીને એ વર્ષો દરમિયાન રાષ્ટ્રીય આંદોલનમાં ભારતીય સ્ત્રીના પ્રદાનને મૂલવી શકાય તેમ છે.

1900 થી 1930નો સમય એટલે ગાંધીયુગીન ભારતીય સ્ત્રીઓની જાગૃતિનો પ્રારંભકાળ. ગાંધીએ સ્ત્રીઓને ઘરનો ઉંમર ઓળંગીને રાજકારણ, સ્વતંત્રતા આંદોલન, સ્વદેશી, અસહકાર અને પિકેટીંગ જેવી ચળવળમાં પ્રવૃત્ત કરી. ગાંધીના પ્રોત્સાહન અને પ્રેરણાથી પરંપરાવાદી રોલને ત્યજીને સ્ત્રીઓએ પોતાના પરિવાર તથા સમાજની સંમતિ સાથે ઘર બહાર પગ માંડ્યા. તેમનો નવો રોલ કુનેહ માગી લેતો હતો. ઘર અને બહાર, પરિવાર અને સમાજ બંને પ્રત્યેની જવાબદારીઓ શુધાની પેઢીની સ્ત્રીઓએ બરાબર નભાવી. ગાંધીજીના પ્રભાવ તળે સ્ત્રી જીવનમાં આવેલ આવા પરિવર્તનને કારણે પારિવારિક તથા સામાજિક જીવનમૂલ્યો પર પણ અસર થઈ. નવા સ્વસ્થ જીવનમૂલ્યો વિકસવાનો પ્રારંભ થયો. શુધા પોતે એક પરંપરાવાદી જમીનદાર પરિવારની દીકરી હતી. તારાપદ ઘોષ તથા ગિરિબાલાના ઘરે જન્મેલ આ દીકરીના દાદા મોહનચંદ ઘોષ પોતે બ્રિટિશ રાજમાં સિવિલ સર્વન્ટ હતા. પરિવારમાં સમૃદ્ધિનો પાર ન હતો. જોગેન્દ્રોચંદ્ર ઘોષ પણ આ જ પરિવારના સભ્ય હતા. પશ્ચિમી દેશોમાં જોગેન્દ્રોની પૂછ હતી. પરંતુ આવા વૈચારિક રીતે પ્રગતિશીલ પરિવારમાં સ્ત્રીઓ તો જનાનખાનામાં જ રહેતી. સ્ત્રીવર્ગનું ક્ષેત્ર ફક્ત રસોડું અને ધર્મ સુધી સીમિત હતા. 13 વર્ષની થતાં થતાં શુધાના લગ્ન મુર્શીદાબાદના એક વૈભવી પરિવારના નબીરા સાથે થઈ ગયા. નાનકડી શુધા લગ્ન બાદ પ્રેમ કરતાં શીખેલી … એકવાર તેણે મને કહેલું, 'અમારે ત્યાં રિવાજ એવો કે લગ્ન પહેલાં થાય અને પ્રેમ ત્યારબાદ.' શુધાનો પતિ ભણીગણીને બંગાળ સિવિલ સર્વિસમાં મોટા પદે નિયુક્ત થયેલો. એ સુધારાવાદી પુરુષ પોતાની પત્નીને પ્રોત્સાહન આપતો. લગ્ન બાદના પતિની ટ્રાન્સફર્સના સમય દરમિયાન શુધા શિક્ષણ, સંગીત તથા સાહિત્યમાં પ્રવૃત્ત થઈ. એક સમાજસેવી સિનિયર મહિલાની છત્રછાયામાં તેણે મહિલા વિકાસના ક્ષેત્રમાં ઝંપલાવ્યું.

બ્રિટિશ ભારતમાં બંગાળની સિવિલ સર્વિસના મોટા ઓફિસરની પત્ની તરીકે શુધા પોતાનો રાષ્ટ્રપ્રેમ કે ગાંધી મૂલ્યો પ્રત્યેનું તેનું સમર્પણ વ્યક્ત કરી શકે તેમ નહોતી. તે વાત નક્કી. એમ કરે તો પતિની નોકરી જોખમાય તેમ હતું. પણ તો ય અંદરખાને સ્વતંત્રતા આંદોલન અને ગાંધી મૂલ્યોમાં તેનો વિશ્વાસ અતૂટ હતો. 1920માં કલકત્તામાં ભરાયેલ અધિવેશનમાં તેણે હાજરી પણ આપેલી. અને તે અધિવેશનમાં ગાંધીજીએ આપેલ વક્તવ્યથી તે પ્રભાવિત થઈ હતી … આ એ જ સભા હતી જેમાં અંગ્રેજ સરકાર સાથે ભારતીઓએ અસહકાર કરવો તેવો નિર્ણય લેવાયો હતો. શુધાનો પત્નીધર્મ તેના રાષ્ટ્રપ્રેમમાં હંમેશાં નડ્યા કર્યો. પરંતુ ગાંધીજીનું સ્વદેશી તથા અહિંસક અસહકારનું સાધન ફક્ત બ્રિટિશરોને ભારત છોડાવવા માટે ન હતું. મહિલાઓના ઉદ્ધાર માટે કામ કરી રહેલ શુધા જેવી વિચક્ષણ સ્ત્રીની નજરે જોતાં ગાંધીના એ મૂલ્યો ભારતીય સ્ત્રીના સશક્તિકરણનું માધ્યમ પણ હતાં … ભલે એક બ્રિટિશ રાજના તાબેદાર સેવકની પત્ની તરીકે શુધા સ્વતંત્રતા આંદોલનમાં પ્રત્યક્ષપણે ભાગ લેવા સમર્થ ન હતી, પરંતુ તે આંદોલનનો સ્ત્રી જીવન પર પડી રહેલ હકારાત્મક અસર તથા પરિવર્તન તે અનુભવી રહી હતી. પોતે જેને કાર્યક્ષેત્ર તરીકે અપનાવ્યું હતું તેવા સ્ત્રી સશક્તિકરણના ક્ષેત્રે આસપાસ બની રહેલ રાજકીય ઘટનાઓનું કેવું વિશેષ મહત્ત્વ હતું તે શુધા સમજી રહી હતી. અને તેથી પોતાના શયનખંડના એકાંતમાં બેસીને લખાઈ રહેલ આત્મકથામાં આ બધા જ અનુભવોનું સતત દસ્તાવેજીકરણ કરી રહી હતી. ભલે તે પોતે સરોજિની નાયડુની જેમ જાહેરમાં પ્રદાન ન કરી શકે, પરંતુ આ બધી ઐતિહાસિક ઘટનાઓના એક સમર્થ સબળ અને સાક્ષર સાક્ષી તરીકે તે આ સમગ્રને પોતાની કલમ દ્વારા બિરદાવી શકે તેમ તો હતી જ.

… શુધાની આત્મકથા વર્ષ 1930 સુધી આવતાં આવતાં પૂર્ણ થાય છે. તેનું કારણ કદાચ એ હોઈ શકે કે 1930 સુધી પહોંચતા સુધીમાં શુધાના વ્યક્તિત્વને ઘાટ આપનાર વર્ષો સમાપ્ત થાય છે … મારે મન શુધા મઝુમદારની આ આત્મકથા તત્કાલિન સ્ત્રી જીવન પર પડેલ ગાંધીયન મૂલ્યોના પ્રભાવનો એક સરસ કેસ સ્ટડી છે.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની કોલમ, “નવગુજરાત સમય”, 02 જાન્યુઆરી 2019

Loading

શુધા મઝુમદારની આત્મકથાઃ ‘અ પેટર્ન ઓફ લાઈફ’

રંજના હરીશ|Opinion - Opinion|16 January 2019

ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-6

'ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધી' લેખમાળાના ગયા વખતના પાંચમા મણકામાં શુધા મઝુમદારની વર્ષ 1930 આસપાસ લખાયેલ તથા 1977માં પ્રકાશિત આત્મકથા 'અ પેટર્ન ઓફ લાઈફ'ના સંપાદક અમેરિકન ઇતિહાસકાર જેરાલ્ડીન એચ. ફોર્બના પ્રાક્કથનની ચર્ચા કરી. જેરાલ્ડીન આ આત્મકથાને ગાંધીએ ભારતીય સ્ત્રીજીવનના ઉત્કર્ષમાં કરેલ પ્રદાનની એક 'કેસ સ્ટડી' તરીકે બિરદાવી છે. પ્રકાશનના કોઈ જ હેતુ વગર લખાયેલ શુધા મઝુમદારની આ આત્મકથાનું સો ટચના સોના સમું મૂલ્ય પારખીને જેરાલ્ડિન ફોર્બે ચાળીસ વર્ષથી લેખિકા પાસે પડી રહેલ આ આત્મકથાની હસ્તપ્રતને જહેમતપૂર્વક સંપાદિત કરીને પ્રકાશિત કરી તે વાત આ પુસ્તકનું મૂલ્ય સાબિત કરવા માટે પૂરતી છે.

આજે મૂળ પુસ્તકનાં લેખિકાની કલમે કંડારાયેલ સ્વતંત્રતા આંદોલન તેમ જ ગાંધીજીના સંદર્ભની સ્મૃતિઓની વાત આપણે કરીશું. વર્ષ 1899માં જન્મેલ શુધા મઝુમદારની આ આત્મકથા એક અનુઠી આત્મકથા છે. કેમ કે તે 20મી સદીના પ્રારંભકાળના દસકામાં ભારતમાં જીવાયેલ સ્ત્રી જીવનનું સાચું ચિત્ર લઈને આવે છે. આ લેખનો હાલનો સંદર્ભ અન્ય હોવા છતાં એટલું તો લખવું જ જોઈએ કે પરંપરાવાદી સ્ત્રીજીવનમાં તે વખતના રીતરિવાજ, પડદાપ્રથા, વ્રત, ઉપવાસ, સ્ત્રી માટે અગણિત નિષેધ જેવી કેટકેટલી સામાજિક બાબતોનું દસ્તાવેજીકરણ લેખિકા પોતાની આત્મકથામાં કરે છે.

પ્રસ્તુત પુસ્તકની એક વિશેષતા તેના રમૂજપ્રેરક કિસ્સાઓ પણ છે. જેમાંનો એક કિસ્સો અહીં પ્રસ્તૂત છે. પાશ્ચાત્ય રંગે રંગાયેલ, જમીનદાર પિતા તારાપદ ઘોષ અને પરદાનશીન પરંપરાવાદી માતા ગિરિબાલાની સંતાન શુધાનું બાળપણ સૂડી વચ્ચે સોપારીસમું હતું. પિતા જમવાના ટેબલ પર પોતાના મુસ્લિમ બાવરચીએ રાંધેલ માંસાહારી ભોજન જમતા. જમતા જમતા દીકરીના મોંમાં પિતા માંસાહારી ભોજનનો ટુકડો મૂકી દેતા. પેલી નાનકડી દીકરી તરત ના પાડી ઊઠતી. 'કેમ ?' પિતા પૂછતા. બાળકી ગોખીલો જવાબ આપતી, 'પૂજારીજીએ સમજાવ્યું છે કે છોકરી માંસાહાર કરે તો તેનો થનાર પતિ મરી જાય.' પોતાના પતિને ખુશ રાખવા માતા દીકરીને સમજાવતી, 'બેટા પૂજારીજીની વાત સાચી છે કે છોકરીઓએ માંસ ન ખવાય. એમ કરે તો દેવ રિસાય, અને પતિ મરી જાય. પણ પિતાને દુ:ખી કરવા જેટલું મોટું પાપ બીજું કોઈ નથી. હું તને એક મંત્ર શીખવું છું. એ બોલ્યા બાદ માંસ ખાય તો પાપ નહીં લાગે.' એ રામબાણ મંત્ર નીચે પ્રમાણે હતો.

પિતા બ્રહ્મા, પિતા વિષ્ણુ, પિતા જ પરમેશ્વર
પિતાને પ્રસન્ન કરવાથી સર્વ પાપ થાય મુક્ત. (પૃ.75)]

વિધિની વિચિત્રતા જુઓ કે આજ્ઞાકારી દીકરી શુધાએ આ મંત્ર ભણતા ભણતા અંગ્રેજી સ્કૂલમાં બે-પાંચ વર્ષ અભ્યાસ કર્યો ! ચર્ચમાં ગઈ ! લગ્ન પછી સાસરે આવ્યા બાદ મંત્રમાં 'પિતા'ની જગ્યાએ તેણે 'પતિ' શબ્દ મૂકી દીધો અને તે જમાનામાં સ્ત્રીજાત માટે જે કાંઈ નિશિદ્ધ હતું તેણે તે બધું કર્યું. એટલું જ નહીં બ્રિટિશ સરકારમાં સિવિલ સર્વન્ટ એવા પતિના નોકરીના નિયમ વિરુદ્ધ સ્વતંત્રતા આંદોલન તથા ગાંધી વિચારને પણ તેણે મનોમન અપનાવી લીધા. અલબત્ત પોતે કરેલ આવા અતિક્રમણનું પાપ પિતા કે પતિને ન લાગે માટે શુધા પોતાની માતાએ શીખવેલ મંત્ર ભણતી રહી. અને એમ કરતાં કરતાં એ મંત્રની જગ્યાએ ગાંધીજીના ચરખાના ગુણગાન કરતું તત્કાલીન લોકપ્રિય ગીત ગાવાનું પણ ના ચૂકી.

'ચરખો મારો પતિ ને પુત્ર 
ને ચરખો મારો પૌત્ર,
મારો ચરખો ZULAVE આંગણે સમૃદ્ધિ ના KUNJAR' (પૃ.183-184).

એક સિવિલ સર્વન્ટ પતિની પત્ની તરીકે શુધા સ્વતંત્રતા આંદોલન, કે ગાંધીવિચારનું સમર્થન આપે તે TENE TENE MATE બરાબર નહોતું, પરંતુ આ હિંમતબાજ નવોઢા પતિની નોકરીની શરતો મંજૂર રાખીને દેશદ્રોહ કરે તેવી બિકણ નહોતી. પોતાની આત્મકથામાં તે સ્મરે છે કે 1922ના અંતિમ મહિનાઓ દરમિયાન ગાંધીજીએ વિદેશી વસ્ત્રોના બહિષ્કારની જાહેરાત કરેલી. પરદેશી કાપડની હોળી નજર પડે ત્યાં જોવા મળતી. માન્ચેસ્ટરમાં વણાયેલ કાપડનો બહિષ્કાર જાણે ચોરેચૌટે થતી ચર્ચાનો વિષય બની ગયો હતો. સામા પક્ષવાળા એવો તર્ક પણ કરતા કે ભારત જેવા દેશને કાપડની આવી હોળી ક્યાંથી પાલવે ?

ગાંધીજીએ ચરખાને પ્રોત્સાહન આપ્યું તે દરમિયાન સુધારાવાદીઓએ તેમનો વિરોધ કરીને એમ પણ કહેલું કે ગાંધી પ્રગતિના ચક્રને ઊંધી દિશામાં ફેરવી રહ્યા હતા. તેમ છતાં ચરખો અને તકલી જાણે ફેશન બની ગયા હતા. આખું ગામ અરસપરસ પૂછતું, 'તમારે ત્યાં ચરખો ખરો ?' 'હા છે ને.' ગૌરવભર્યો જવાબ મળતો. અને જેની પાસે ચરખો ન હોય તેની પાસે કશું ય નથી તેવો ભાવ તેને થતો. દરેકને પોતાનો હાથ ચરખા પર અજમાવવો હતો. રસ્તે કોઈ પણ મળે તો કાંતણની જ વાત થાય. 'કાંતવાનું કેમ ચાલે છે ? કાંતું તો છું પણ તાંતણો તૂટી જાય છે. મારે ય એવું થાય છે. તાર લાંબો થતો નથી. મારી તકલી પર તાર લપેટવામાં તકલીફ પડે છે.' આ પ્રકારના વાર્તાલાપો સંભળાતા. (પૃ. 100) યુવા પેઢીમાં ચરખા પ્રત્યે અગમ્ય ઉત્સાહ હતો. હાથે વણેલ સૂતરમાંથી બરછટ ખાદી વણીને પહેરવી તે જાણે રાષ્ટ્રીય ભાવનાનું પ્રતિક બની ગયેલું. આ બધો ગાંધીજીનો પ્રભાવ હતો. લેખિકા લખે છે, 'ગાંધીજીના સમર્થન સાથે ખાદી જાણે સઘળા દેશનો 'ડ્રેસકોડ' બની ગયેલી. ભલભલાઓ પોતાના ફેશનેબલ કપડાં છોડીને બરછટ ખાદી પહેરતા થઈ ગયેલા. ખાદીની ધોતી અને ગાંધીટોપી હવે મોસ્ટ ફેશનેબલ ગણાતા. પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં ખાદી અને ચરખાની ચર્ચાઓએ મોટું જોર પકડેલું. મને એક મેગેઝિનની જેકેટ આજે ય પણ યાદ છે. આ જેકેટ પર એક સુંદર ફેશનેબલ યુવતી લાલચટક બનારસી સાડી પહેરીને ચરખો ચલાવતી બતાવેલી ! તેના અંગ પરના સોનાના આભૂષણોની ચમક મને આજે પણ યાદ છે … ખાદીના પ્રચારમાં આ તે કેવો વિરોધાભાસ ! આજે ય મને તે સમજાતું નથી. અને લાલચટક બનારસી સાડીવાળી એ સ્ત્રીના ફોટાની નીચે 'ચરખો મારો પતિ ને પ્રેમી' ગીત લખેલ હતું.' (પૃ.184) જે શુધા જેવી અનેક સ્ત્રીઓ ઉમળકાથી ગાતી, જેની વાત આગળ થઈ ગઈ છે

'અ પેટર્ન ઓફ લાઈફ'  પુસ્તકમાંથી ગાંધીજી સાથે સંકળાયેલ નીચેના સંસ્મરણ વાંચવા લાયક છે.

'અમારા ઘરથી થોડે દૂર રોડ પરથી આવતા વંદેમાતરમ્‌ના સામૂહિક ઘોષ સાંભળવાની અમને ટેવ પડી ગયેલી. હવે અમારા માટે એ રોજબરોજની ઘટનાસમાન હતું. એક વખતની વાત છે. મારો નાનકડો પુત્ર રોમુ ઉત્સાહપૂર્વક દોડતો આવીને મારી સોડમાં લપાયો અને રડમસ સ્વરે મને કહે 'મા વંદેમાતરમ્‌ એટલે શું ? બધા આ ગાયન કેમ ગાય છે ? અને તું મને કહે આ ગાંધી કોણ છે ? શું એ કોઈ સંત છે ? મને કોઈએ કહ્યું કે બ્રિટિશ સરકારે ગાંધીને જેલમાં મોકલ્યા છે ! ધોળી પોલીસ તેને ભાલા ભોંકીને મારી નાખવાની છે ! જો ગાંધી સંત હોય તો ધોળિયાઓ તેને પજવે છે કેમ ? મા, મને બહુ ચિંતા થાય છે. હવે શું થશે ? અને મા મને ભૂખ પણ સખત લાગી છે.' એક જ શ્વાસમાં મારો નાનકડો રોમુ આ બધી વાત બોલી ગયો. (પૃ. 185) સ્વતંત્રતા આંદોલનના એ જમાનામાં ગાંધીજીના નામની બોલબાલા હતી. મારા પતિ બ્રિટિશ સરકાર માટે કામ કરતા હતા. તેમના હોદ્દાની રૂએ સ્વતંત્રતાસેનાનીઓની ગતિવિધિનો રિપોર્ટ તેમણે ટાઈપ કરીને સરકારને મોકલવાનો રહેતો. પરંતુ એ જમાનાના ગાંધીમય માહોલમાં તેમનો એ સરકારી રિપોર્ટ ગુપ્ત રાખી શકે તેવો ટાઈપિસ્ટ ક્યાંથી મળે ? છેવટે હું ટાઈપ કરતાં શીખી. મારા દેશબાંધવોની ગતિવિધિને લગતો બ્રિટિશ સરકાર માટેનો રિપોર્ટ મારે બે આંગળીથી ટાઈપ કરવાનો આવ્યો. મારા આંગળા રિપોર્ટ ટાઈપ કરતા અને મારું મન આંદોલનકારીઓ માટે કકળતું. (પૃ.195)

તે જમાનામાં સ્વતંત્રતા માટે હિંસાનો છોછ ન રાખનાર સુભાષચંદ્ર બોઝ તથા તેમના અનુયાયીઓને લોકો 'સ્વદેશી ડાકુઓ' નામે બોલાવતા. (પૃ. 199) … વળી પ્રત્યેક સ્વતંત્રતાસેનાની માટે એક જ નામ હતું 'ગાંધી'. એકવાર અમારા ઘરની સામે થોડા જુવાનિયાઓએ ભેગા થઈને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. જાણ થતાંની સાથે જ બ્રિટિશ પોલીસ ઓફિસરે આવીને એ ધ્વજને નાનકડા ડંડા પરથી ફૂલને ચૂંટી લે તેમ ચૂંટી લઈને ગડી કરીને પોતાના ગજવામાં મૂકી દીધો ! ધ્વજ લહેરાવનાર જુવાનિયાઓને પોલીસ પકડી ગઈ. આ ઘટનાના બીજે જ દિવસે કંઈક બન્યું અને પોલીસ ફરીવાર જુવાનિયાઓને પકડી ગઈ. મેં કામવાળીને પૂછ્યું, 'શું થયું ?' પેલી બોલી, 'પેલા ગાંધીઓને ધોળિયા પકડી ગયા.' (પૃ. 226)

કેવો એ જમાનો હશે ? કે જ્યારે પ્રત્યેક સ્વતંત્રતાસેનાની 'ગાંધી' કહેવાતો હશે ? અને દરેકને ચરખો કાંતવાની હોંશ હશે ? દેશ માટે ફના થવાની તૈયારી હશે ? લેખિકા પોતાના પુસ્તકના અંતિમ ભાગમાં જણાવે છે કે વર્ષ 1926ના જૂન મહિનાના 'ઇલસ્ટ્રેટેડ વિકલી' મેગેઝિનમાં તેમની ટૂંકી વાર્તા પ્રકાશિત થયેલી અને તે જ અંકમાં ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદનું અગિયારમું પ્રકરણ પણ પ્રકાશિત થયેલું. સિવિલ સર્વન્ટ એવા પતિની દેશપ્રેમી પત્ની લખે છે, 'કેવા ગૌરવની વાત ! મારું કેવું ધનભાગ્ય કે એક જ અંકમાં મારું અને ગાંધીજીનું લેખન પ્રકાશિત થયેલું !' (પૃ.200) આવા નાનામોટા અત્યંત સૂચક પ્રસંગો દ્વારા ગાંધીજી તથા તેમના સમયને સુપેરે વ્યક્ત કરતી શુધા મઝુમદારની આત્મકથા વ્યક્તિગત જીવનનાં સંભારણાં ઉપરાંત સ્વતંત્રતા આંદોલન તેમ જ ગાંધીના નેતૃત્વનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કરે છે. બાપુના પ્રભાવ તળે ભારતીય સ્ત્રીજીવનની ઉઘડતી જતી ક્ષિતિજોનો દસ્તાવેજ પણ આ પુસ્તક રચે છે. પરંતુ આ સઘળું લેખિકા એક 'આઉટસાઈડર-ઈનસાઈડર'ની ભૂમિકામાં લખે છે. પોતે બ્રિટિશ સરકારના એક વફાદાર ઓફિસરની પત્ની છે તે વાત તેઓ ક્યારે વિસરતા નથી.

તા.ક. ગાંધી સ્મૃતિના આ રમૂજભર્યા અમૂલ્ય દસ્તાવેજને વાંચ્યા વગર સુયોગ્યપણે બિરદાવી શકાય તેમ નથી.

E-mail : ranjanaharish@gmail.com

સૌજન્ય : ‘અંતર્મનની આરસી’ નામક લેખિકાની કોલમ, “નવગુજરાત સમય”, 16 જાન્યુઆરી 2019

Loading

...102030...2,9082,9092,9102,911...2,9202,9302,940...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved