Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ શું કહેશે …? 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 January 2025

રવીન્દ્ર પારેખ

સામાન્ય રીતે સંતાન છોકરો થશે કે છોકરી તે નક્કી કરવામાં પુરુષ જવાબદાર છે, છતાં આજે પણ દીકરી જન્માવવા માટે સ્ત્રીને જવાબદાર ઠેરવાય છે ને કારણ વગર જ માતા દંડાતી રહે છે, તે ત્યાં સુધી કે સાસુ પણ દીકરીને જન્મ આપવા બદલ વહુને સંભળાવતી રહે છે. એ ખરું કે હવે દીકરી જન્મની છોછ બહુ રહી નથી. ઘણાં કુટુંબોમાં એ સમજાઈ ચૂક્યું છે કે દીકરી કે દીકરો સરખાં જ મહત્ત્વનાં છે. સમાજે એ પણ જોયું છે કે દીકરો વધુ કમાવા વિદેશ દોડતો હોય ત્યારે મા-બાપની કાળજી દીકરી જ રાખે છે. તે પરણેલી હોય તે સંજોગોમાં તે સાસુ-સસરાને તો સાચવે જ છે, પણ પિયરમાં પડેલાં માબાપને પણ રઝળાવતી નથી. હજી ક્યાંક દીકરા-દીકરીના ઉછેરમાં ભેદ થતો હશે, પણ ઘણાં કુટુંબોમાંથી એવો ભેદ દૂર થયો છે તે આવકાર્ય છે.

દીકરા-દીકરીના ઉછેરમાં ભેદ નહીં રખાતો હોય, પણ બંનેનો ઉછેર માબાપ પોતાને માટે કરે છે કે બીજાને માટે તે પ્રશ્ન જ છે. આપણું સંતાન આપણે માટે ઉછેરાવું જોઈએ, તેને બદલે તે જાણે બીજા માટે ઉછેરાતું હોય એવું વધારે જોવા મળે છે. જેમ કે, કોઈ ડ્રેસ મમ્મીને કે પપ્પાને ગમે ને તે જ બાળક માટે ખરીદાય તે ઉત્તમ સ્થિતિ છે, પણ ક્યારેક તે આજુબાજુવાળાઓને કેવો લાગશે તે ધ્યાનમાં રાખીને પણ ખરીદાય છે. વળી આજ મમ્મીઓ એમ પણ કહેતી હોય છે કે એમ કોઈ કૈં જોવા નવરું નથી, પણ ઊંડે ઊંડે કોઈ શું કહેશે એ વાત અનેક ગમતા નિર્ણયોને બદલાવતી હોય તે હકીકત છે. વળી આ સમજ બાળકો માટે જ નહીં, પણ માબાપે પોતાને માટે પણ કેળવેલી હોય છે. મોટા ભાગની પસંદગીઓ બીજાને કેવું લાગશે કે બીજા શું કહેશે એ રીતે જ થતી હોય છે. એ ખરું કે જાહેરમાં એવી રીતે ન વર્તાય જે સમાજ માન્ય ન હોય, પણ સંતાનોના ઉછેરનો પ્રશ્ન છે, ત્યાં માબાપ પોતાની રીતે ઉછેરે એ ઉત્તમ સ્થિતિ છે. જો કે, માબાપો જ સમાજની ચિંતા કરીને બાળકોને ઉછેરતાં હોય એવું ઘણીવાર બને છે, એટલું જ નહીં, એ માટે બાળકો પર દબાણ પણ ઊભું કરતાં હોય છે. ખાસ કરીને પરીક્ષાનાં પરિણામો એમાં મોટો ભાગ ભજવતાં હોય છે. પડોશીના દીકરા કે દીકરીના વધારે ટકા આવે તે પોતાનાં દીકરા કે દીકરી કરતાં માબાપને વધુ શરમમાં નાખે છે. એમાં જો પડોશીની દીકરીના ટકા વધુ આવ્યા તો દીકરા પર તવાઈ આવ્યા વગર ભાગ્યે જ રહે છે.

કોણ જાણે કેમ પણ પોતાનું સંતાન બધાંમાં જ પહેલું હોય એવું દરેક માબાપ ઈચ્છતાં હોય છે, ભલે પછી માબાપ પોતાની કેરિયરમાં છેલ્લે રહ્યાં હોય ! એ હિસાબે તો આજનું કોઈ બાળક બીજે નંબરે હોઈ જ ન શકે, પણ હોય છે. કોઈ તો બીજે નંબરે આવેને ! બન્યું છે એવું કે પહેલા નંબરની લહાયમાં બાળકોનું બાળપણ છીનવાઈ ગયું છે. એ મજૂરની જેમ ભણતર ઉપાડવામાં અકાળે જ બેવડ વળી જાય છે. બાળક પાસે રમવાનો, મસ્તી કરવાનો ઉલ્લાસ જ બચતો નથી. એ સતત ટકટકની નીચે જ જીવતું હોય છે. જે આવે છે તે એને ટોકે છે કે સોનેરી સલાહો આપે છે. આમ કરવું, આમ તો ન જ કરવું, આમ જ થાય, આમ તો થાય જ નહીં – જેવું સાંભળી સાંભળીને એનાં કાન પાકી જાય છે ને એ ઉપદેશોમાં ઘરનાં જ નહીં, બહારનાં પણ ભાગ ભજવતાં હોય છે.

કોઈ માબાપ પોતાના બાળકને ડફોળ બનાવવા ન જ ઈચ્છે, પણ તેમણે એવું દબાણ પણ ઊભું ન કરવું જોઈએ કે બાળકે બધાંમાં અવ્વલ જ આવવું. બાળક પાસેથી અપેક્ષા રાખનાર માબાપે, પોતાનો ભૂતકાળ વિચારી લેવો જોઈએ કે પોતે ક્યાં હતાં ને બાળક પાસેથી તેઓ કેટલું વધારે ઇચ્છી રહ્યા છે? બાળકની શક્તિ કેટલી છે ને તેનાં પ્રમાણમાં પોતે કેટલું વધારે માંગી રહ્યાં છે, આટલું વિચારાશે તો બાળક ઘણાં ટેન્શનોથી દૂર રહેશે. એ પણ છે કે માબાપે બાળક પર નજર રાખવાની છે. તેની ચોકી કરવાની નથી. એમ થશે તો માબાપ પણ દાંતિયા કરવાથી બચશે. બાળકને ટેન્શન ઓછું હશે તો એક્ટિવ વધુ થશે ને તેનું પરિણામ દરેક પ્રવૃત્તિમાં જણાશે. માબાપ એ ફેરફાર નોંધશે ખરા, પણ તેમણે બાળકને સ્વસ્થ ને હોંશિયાર જોવું છે તે કરતાં, બીજાને પ્રગતિ બતાવવાનો લોભ તેમને વધુ હોય છે. બતાવવા કરતાં પણ બતાવી દેવાની ઈચ્છા કદાચ વધુ હોય છે. બાળક નબળું હોય તો કોઈ શું કહેશે એ ચિંતા વધુ હોય છે ને હોંશિયાર હોય તો બતાવી દેવું હોય છે કે કેવું રતન પોતાની પાસે છે. એ દેખાડવું હોય છે કે બાળક કેવું કાબૂમાં છે ! ઊઠ કહેતાં ઊઠ ને બેસ કહેતાં બેસી જતું શિસ્તબદ્ધ બાળક બતાવવું હોય છે – આજુબાજુના લોકોને કે સંબંધીઓને.

બાળક સમજીને કોઈ વાત સ્વીકારે તે અપેક્ષિત હોવું જોઈએ, પણ તે હુકમ ઉઠાવનાર ગુલામ બની રહે તો તેનો આનંદ લઈ ન શકાય. બાળક ઢીંગલા જેવું હોય તો પણ, તે રમકડું નથી. તે જીવંત છે. તેને ગમો, અણગમો છે. તે હુકમ ઉઠાવતો રોબોટ નથી. તે શો-પીસ નથી. તેને હરખ છે. આંસુ છે. માબાપ તેને આ દુનિયામાં લાવે છે તે પોતાની ઈચ્છા પૂરી કરવા નહીં, પણ તે તેનું જગત વિકસાવી શકે તેમાં સહાય કરવા. તે માબાપની ઈચ્છા પૂરી કરે પણ ખરું, પણ તેના હોવાનો અર્થ એટલો જ નથી. માબાપ જો એટલું સમજશે, તો બાળક પણ સમજશે.

માબાપે બાળકને જીવતાં શીખવવાનું છે. તે જગતમાં આવે છે ત્યારે તે જગતથી અજાણ છે. તે જગતથી પરિચિત થાય તેટલું માબાપે કરવાનું છે. માબાપને જોઈને બાળક જગતને શીખે છે. માબાપ ડરતાં હશે, તો તે પણ ડરશે. માબાપ સામનો કરશે તો તે પણ કરશે. શરૂઆતનો આ તબક્કો બાળક વટાવે, પછી તે પોતાની રીતે આગળ વધે છે. હવે તે માબાપનું એક્સટેન્શન નથી. માબાપે પણ એ સમજી લેવાનું રહે કે હવે તેમણે બાળકને મોકળાશ આપવાની છે. તેમની જોહુકમીથી બાળકને રૂંધવાનું નથી. બાળક નકલખોરીમાંથી અકલખોરીમાં પ્રવેશે ત્યારે તેની શક્તિને પ્રમાણીને માબાપે માર્ગ ચીંધવાનો છે ને તેના પર ભરોસો મૂકવાનો છે, પણ થાય છે એવું કે બાળકને બીજાને બતાવવા કે બતાવી આપવા તૈયાર કરાતું હોય છે. જેમ માબાપ હંમેશ સાચાં નથી હોતાં, એમ જ બાળક પણ દરેક વખતે સાચું ન હોય એમ બને. એ વખતે એની ભૂલ સુધારવાની કોશિશ કરવાની રહે. બાળકમાં રસ લઈને એની ભૂલ સુધારી શકાય, પણ બને છે એવું કે બાળકનાં ગુણદોષ બીજાનાં બાળકની તુલનામાં સુધારવાનું થાય તો તેની સવળી અસર ન થાય. અમુકનો દીકરો કેવો હોંશિયાર છે, જ્યારે આપણો તો સુધરતો જ નથી – આવી તુલના માબાપે ટાળવાની રહે. અમુક રીતે બાળક વર્તે તો માબાપને ચિંતા એ થાય છે કે કોઈને આની ખબર પડે તો કેવું લાગે? કોઈને કેવું લાગે કે કોઈ શું કહેશે એ બિન્દુએથી બાળકને મૂલવવાનું બંધ થવું જોઈએ. એ કોઈનું બાળક નથી, તો કોઇની નજરે જોવાની જરૂર જ શી છે?

કોઈનું બાળક વધારે એક્ટિવ હોય કે વધુ હોંશિયાર હોય તે પરથી માબાપ પોતાનાં બાળકને ઓછું આંકે એ બાળકને અન્યાય કરવા જેવું છે. કોઈ બાળક હોંશિયાર હોય તે સદા હોંશિયાર જ રહે એવું નક્કી નથી. એ જ રીતે કોઈ બાળક શરૂઆતમાં નબળું હોય તે આગળ જતાં હોંશિયાર બને એવું પણ શક્ય છે. એવું બન્યું છે. એટલા પરથી માબાપે પોતાનાં બાળકને બીજા બાળક સાથે સરખાવવાથી દૂર રહેવું જોઈએ ને બાળક તેની શક્તિ મુજબ યોગ્ય રીતે વર્તતું હોય તો તેનો સંતોષ માનવો જોઈએ. બાળકને એ મામલે ટોકવાનો કે તેને વધુ દબાણમાં રાખવાનો કોઈ અર્થ નથી. એક વસ્તુ માબાપે સમજી લેવાની રહે કે કોઈ ને કોઈ તો કોઇની આગળ કે પાછળ રહેતું જ હોય છે. બધાં જ મોખરે રહે કે બધાં જ પાછળ રહે એવું બનતું નથી. આ સ્થિતિ હોય ત્યાં બાળકને કુદરતી રીતે વિકસવા દેવું જોઈએ. તેનો સર્વાંગી વિકાસ થાય એટલું માબાપ જોશે તો બાળકને કદાચ થોડી વાર લાગશે, પણ તે પાછળ નહીં જ રહે તે નક્કી છે. માબાપે બાળકને સમજાવવાની સાથે જ પોતે પણ સમજવાનું છે, એટલું થશે તો માબાપે કે બાળકે નિરાશ થવાનું કોઈ કારણ નહીં રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 12 જાન્યુઆરી  2025

Loading

એક પતંગ

રવીન્દ્ર પારેખ|Poetry|15 January 2025

હૈયું રાખે તંગ ને કે’છે તું છે અંગ,

દોર છે મારા હાથમાં તો થા એક પતંગ ….

પતંગિયાં કે પતંગનો ઊડવું એ જ સ્વભાવ,

રંગે એ આકાશ પણ જીવન ટૂંકું સાવ,

તું જો હૈયું છે જ તો હૈયે રહે સળંગ …

એમ તો હૈયે હોય છે ધરતી-આભ અનંત,

પંખી તારા હોય નૈ તો છે એનો અંત,

અંતર વચ્ચે હોય જો અંતર તો ના સંગ …

હું તારે હૈયે રહી તલ તલ ગૂંથું આશ,

તારે ઊડવું હોય તો હું થઉં છું આકાશ,

કાગળ જેવી જિંદગી પણ દેખાડે કૈં રંગ …

e.mail : ravindra21111946@gmail.com

Loading

દયા અરજી અને ક્ષમાદાન : ભારતમાં અને અમેરિકામાં

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 January 2025

ચંદુ મહેરિયા

ત્રીસેક વરસ પહેલાં, ૩૧મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ, પંજાબના તત્કાલીન મુખ્ય મંત્રી બિયંતસિંઘની  સચિવાલય પરિસરમાં બોમ્બ વિસ્ફોટ કરીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના દોષિતોને જુલાઈ ૨૦૦૭માં સજા થઈ હતી. મુખ્ય આરોપી બલવંત સિંઘ રાજોઆનાને મૃત્યુદંડની સજા થઈ હતી. પરંતુ તે સજા ૨૦૧૨માં અટકાવવામાં આવી હતી. લગભગ  ત્રીસ વરસથી જેલમાં બંધ રાજોઆનાએ તેની ફાંસીની સજા રદ્દ કરવા કે તેને આજીવન કારાવાસમાં ફેરવવા રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી છે. તેમની દયા અરજી સોળ મહિનાથી રાષ્ટ્રપતિ સમક્ષ પેન્ડિંગ છે. એટલે તેમણે દયા અરજીના નિર્ણયમાં થઈ રહેલા વિલંબને અનુલક્ષીને સર્વોચ્ચ અદાલત સમક્ષ મુક્તિની કે સજા ઘટાડવાની માંગ કરી છે. હમણાં જસ્ટિસ બી.આર. ગવઈની પીઠે રાષ્ટ્રપતિના સચિવને રાજોઆનાની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાના આદેશ  સાથે રાષ્ટ્રપતિને બે અઠવાડિયામાં આ દયા અરજી અંગે નિર્ણય લેવા આગ્રહ કર્યો છે. જો સમય મર્યાદામાં દયા અરજીનો નિવેડો નહીં આવે તો અદાલત અરજદારની પિટિશન પર વિચાર કરશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. ભૂતકાળમાં દિલ્હી બોમ્બ બ્લાસ્ટના આરોપી દેવેંદર પાલ સિંઘ ભુલ્લરની મર્સી પિટિશન પર નિર્ણય લેવામાં આઠ વરસ અને બળાત્કારના આરોપી મહેન્દ્ર નાથ દાસની દયા અરજીના નિકાલમાં બાર વરસનો વિલંબ થયો હોઈ સુપ્રીમ કોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં તબદિલ કરી હતી.

ભારતમાં દયા અરજીની જોગવાઈ અને હાલની સ્થિતિ સંદર્ભે અમેરિકાની આ જ પ્રકારની ક્ષમાદાનની જોગવાઈ અને સ્થિતિ અંગેનો તાજેતરનો ઘટના ક્રમ સરખાવવા જેવો છે. અમેરિકાના વિદાય લેતા પ્રમુખ જો બાઈડેને તેમના કાર્યકાળના છેલ્લા મહિનામાં તેમના પુત્ર સહિત પંદરસો લોકોની સજા માફ કરી છે. પ્રેસિડન્ટ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીનો અને બંદૂક ખરીદી વખતે તેઓ નશીલાં પીણાંનાં આદિ હોવાનું છુપાવીને જૂઠ બોલવાનો આરોપ હતો. આ બંને ગુના સબબ રાષ્ટ્રપતિના સુપુત્ર દોષિત ઠર્યા હતા. પરંતુ બાઈડેને તેમને રાષ્ટ્રપતિને મળેલી વિશેષ સત્તા હેઠળ  ક્ષમાદાન આપ્યું છે. પુત્રને માફ કરવાના મુદ્દે થયેલા વિવાદ અંગે બાઈડેનનું કહેવું હતું કે તેમના પુત્ર પરના આરોપો રાજનીતિથી  પ્રેરિત હતા. વળી પુત્ર સામેના આરોપ અંગે તેમનું માનવું છે કે જ્યાં સુધી સ્થિતિ ગંભીર ના હોય ત્યાં સુધી લોકોને કેવળ એટલા આધારે જ ગુંડાગર્દીના આરોપીના બનાવી દેવાય કે તેમણે બંદૂક ખરીદીનું ફોર્મ કેવી રીતે ભર્યું છે. કરચોરી સંદર્ભે પણ તેમણે કહ્યું કે જો કોઈ કરદાતા ગંભીર વ્યસનોને લીધે વેરાની વિલંબે ચુકવણી કરે અને પછી વ્યાજ અને દંડ સાથે તે ભરી દે તો તેને ગુનેગાર માનવાને બદલે સમાધાન તરફ આગળ વધવું જોઈએ.

અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડેનના પુત્રને માફ કરવાનાં પગલાંનો વિરોધ કર્યો છે. પરંતુ ટ્રમ્પ સહિતના અમેરિકાના લગભગ સઘળા રાષ્ટ્રપતિઓ ક્ષમાદાનનો અંગત સગાં કે વફાદારો માટે ઉપયોગ કરી ચૂક્યા છે. એટલે અમેરિકા માટે આવું કૃત્ય જરા ય અસામાન્ય નથી. છેક ૧૭૯૫માં જ્યોર્જ વોશિંગ્ટને વ્હિસ્કી વિદ્રોહ તરીકે જાણીતા સંઘના વેરા વિરુદ્ધના હિંસક વિદ્રોહ કરનારાઓને માફ કર્યા હતા. અબ્રાહમ લિંકને વિભાજિત અમેરિકાને એક કરવાના પ્રયાસો તરીકે ગૃહયુદ્ધના દોષિતોને માફ કર્યા હતા. જિરાલ્ડ ફોર્ડે વોટરગેટ કૌભાંડના દોષી રિચર્ડ નિકસનને માફ કર્યા તે નિર્ણય ભારે વિવાદાસ્પદ બન્યો હતો. પરંતુ તે પછી આવા નિર્ણયો અટકવાને બદલે વધ્યા છે. ૧૯૯૨માં જ્યોર્જ ડબલ્યુ બુશે પૂર્વ સંરક્ષણ સચિવ અને બીજા પાંચને ક્ષમાદાન આપી બચાવ્યા હતા. ૨૦૦૧માં બિલ ક્લિન્ટને સાવકા ભાઈને અને આર્થિક અપરાધના ભાગેડૂને માફ કર્યા હતા. સુપુત્રને ગુનાની સજામાંથી મુક્ત કરનાર બાઈડેનની ટીકા કરનારા ટ્રમ્પ પણ કંઈ દૂધે ધોયેલા નથી. પહેલા કાર્યકાળમાં તેમણે પોતાના વેવાઈ (પુત્રીના સસરા), રાજકીય સહયોગીઓ અને દાનકર્તાઓને માફી બક્ષી હતી.એટલે અમેરિકામાં રાષ્ટ્રપતિઓનાં આ પગલાંને સાવ સામાન્ય ગણવામાં આવે છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ ૭૨ હેઠળ રાષ્ટ્રપતિને અને ૧૬૧ હેઠળ રાજ્યપાલને દયા અરજીને ધ્યાનમાં રાખીને સજા ઘટાડવાની, માફ કરવાની કે રાહત આપવાની સત્તા છે. મહાભિયોગ સિવાયના સંઘ અને રાજ્ય સરકારના કાયદા હેઠળના દોષિતો કે સૈન્ય અદાલતના દોષિતોને રાષ્ટ્રપતિ માફ કરી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ ૨ કલમ ૨(૧) હેઠળ માત્ર સંઘ સરકારના ગુનેગારોને ક્ષમા આપી શકે છે. મહાભિયોગ કે રાજ્યના દોષિતોને તે માફ કરી શકતા નથી. અમેરિકાની અદાલતો રાષ્ટ્રપતિના ક્ષમાદાનના નિર્ણયની ન્યાયિક સમીક્ષા કરી શકતી નથી. જ્યારે ભારતમાં સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિના દયા અરજી પરના નિર્ણયની નહીં પણ અતાર્કિક, પૂર્વગ્રહ પ્રેરિત કે ભેદભાવ ભરેલી જણાતી નિર્ણય પ્રક્રિયાની ન્યાયિક સમીક્ષા કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહ પ્રમાણે દયા અરજી પર નિર્ણય કરે છે. જ્યારે અમેરિકી પ્રમુખ પોતાના વિવેકાધીન નિર્ણય કરે છે. ભારતના રાષ્ટ્રપતિને મળેલી સત્તા એક રીતે સીમિત છે. જ્યારે અમેરિકી પ્રમુખની સત્તા અસીમિત અને અમાપ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે ભારતમાં ૨૦૦૧થી ૨૦૨૨માં ૨,૮૮૧ દોષિતોને ફાંસીની સજા થઈ છે. પરંતુ ૧૯૫૦થી અત્યાર સુધી રાષ્ટ્રપતિ સમક્ષ ૪૪૦ જ દયા અરજીઓ આવી છે.  વળી તેનો રાજકીય દુરુપયોગ ભાગ્યે જ થયો છે.

અમેરિકી બંધારણ નિર્માતાઓએ એક જ વ્યક્તિ એટલે પ્રેસિડન્ટને આ પ્રકારનો વિશેષાધિકાર એટલે આપ્યો છે કે આવશ્યકતા ઊભી થયેથી તંત્રની લાલફીતાશાહીમાં આ બાબત ઉલઝાઈ ન જાય અને ત્વરિત તથા નિર્ણાયક કાર્યવાહી થઈ શકે. ભારતમાં રાષ્ટ્રપતિ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહને અનુસરીને જ નિર્ણય લેતા હોઈ ઘણો વિલંબ થાય છે. જો કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩માં અરજદારને સાઠ દિવસની મર્યાદામાં અને એક જ કેસના દોષિતોને એક સાથે દયા અરજી કરવાની અને કેન્દ્ર સરકારને રાજ્ય સરકારના અહેવાલ પછી સાઠ દિવસમાં જ દયા અરજી રાષ્ટ્રપતિ કાર્યાલયને મોકલવાની જોગવાઈથી કદાચ વિલંબ ઘટશે. હા, રાષ્ટ્રપતિને નિર્ણય લેવા માટે કોઈ સમયમર્યાદા ઠરાવી શકાતી નથી.

સામ્યવાદી ચીન સહિતના વિશ્વના લગભગ બધા જ દેશોમાં વધતા ઓછા અંશે માફી, ક્ષમા અને દયાનો રાજસી કે શાહી અધિકાર છે. એક રીતે લોકતંત્રને મળેલા આ અધિકારમાં  નિરંકુશ રાજાશાહી બૂ આવે છે. ન્યાયના ક્ષેત્રે તે દખલ પણ કહી શકાય. તો તે કાનૂનની કે ન્યાયની કઠોરતાને ઓછી કરવાનું ઉપકરણ પણ થઈ શકે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો તે ન્યાયિક ત્રુટિઓ સુધારવા માટેનો પારદર્શી અને વિવેકપૂર્ણ અધિકાર બની શકે છે.        

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...288289290291...300310320...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved