Opinion Magazine
Number of visits: 9664422
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાન તો ઠીક છે, અમેરિકા અને ચીનનું વલણ ચિતા ઉપજાવે એવું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 May 2025

રમેશ ઓઝા

ઘડીભર મોદીદ્વેષ અને મોદીભક્તિને બાજુએ રાખીને ઓપરેશન સિંદૂરના સૂચિતાર્થો સમજવા જોઈએ.

ભારતમાં કે ભારત પર ત્રાસવાદી હૂમલા થયા હોય એ કોઈ નવી વાત નથી. છેલ્લાં ૩૫ વરસમાં સોથી વધુ નાનામોટા હૂમલા થયા છે, જેમાં ૧૯૯૯માં નેપાળથી દિલ્હી જતા ભારતનાં વિમાનના અપહરણની ઘટના, ૨૦૦૧માં સંસદભવન પર કરવામાં આવેલો હૂમલો અને ૨૦૦૮માં મુંબઈમાં તાજમહાલ હોટેલ અને અન્યત્ર કરવામાં આવેલા હૂમલા મુખ્ય છે. પહેલી બે ઘટના વખતે હિંદુ રાષ્ટ્રવાદી કૂળના અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા, તેમનાથી પણ વધારે આકરા હિંદુ રાષ્ટ્રવાદી લાલકૃષ્ણ આડવાણી ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન હતા અને ૨૦૦૮ની ઘટના વખતે ભારતીય રાષ્ટ્રવાદી અને મિતભાષી ડૉ. મનમોહનસિંહ વડા પ્રધાન હતા. પાકિસ્તાન સામે લશ્કરી કારવાઈ કરવા માટે ત્યારે ઉધમપુરની ઘટના કરતાં પણ વધારે મોટું કારણ હતું, પણ તેમણે એ માર્ગ અપનાવ્યો નહોતો. આ ત્રણેય નમાલા હતા કે નિર્ણયશક્તિ ધરાવતા નહોતા એમ ન કહી શકાય. એમ કહેવું એ માત્ર તેમનું અપમાન નહીં ગણાય, ભારતીય લશ્કરનું અપમાન ગણાશે. કારણ કે ભારતીય લશ્કર પાકિસ્તાન સામે હારે એ અસંભવ છે. ભારતીય લશ્કરી તાકાત પ્રચંડ સરસાઈ ધરાવે છે, એ પાકિસ્તાન પણ જાણે છે. 

તો પછી શા માટે તેમણે અત્યાર કરતાં પણ વધારે મોટું કારણ હોવા છતાં પાકિસ્તાન સામે લશ્કરી કારવાઈ કરી નહોતી? હમણાં કહ્યું એમ ભારત પરાજીત થાય એવી તો કોઈ શક્યતા જ  નહોતી. પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ એવું પ્રજાનું દબાણ હતું, અપેક્ષા હતી અને વિશ્વદેશોનો ભારતને ટેકો હતો. કમ સે કમ સહાનુભૂતિ તો હતી અને ભારતના સ્વબચાવના અધિકારને સ્વીકારવામાં આવ્યો હતો. પણ ભારતના એ સમયના બન્ને ફૂળના શાસકોએ લશ્કરી કારવાઈનો માર્ગ અપનાવ્યો નહોતો. 

શા માટે?

કારણ બે હતાં અને એ બન્ને કારણો આજે પણ પ્રાસંગિક છે.

પહેલું અને સૌથી મોટું કારણ એ કે પાકિસ્તાન સામે ભારતનો પરાજય અસંભવ છે તો ૧૯૭૧ જેવો નિર્ણાયક વિજય પણ અસંભવ છે. એ દિવસો ગયા જ્યારે લડાઈ પરંપરાગત રીતે લડાતી હતી અને તેમાં લડનારાઓનો જય-પરાજય થતો હતો. વિરાટ રશિયા અને નાનકડા યુક્રેન વચ્ચેની લડાઈ આનું ઉદાહરણ છે. ત્રણ વરસ થવાં આવ્યાં અને કોઈ પરાજીત નથી થયું. અમેરિકા જેવા અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવા પડ્યા. દેશભક્તિથી અને ગુસ્સાથી કાંપતા રાષ્ટ્રવાદીઓએ શૌર્ય માટે લડવા સિવાયના બીજા માર્ગો શોધવા જોઈએ. છે, આવા માર્ગ છે. મૂછો મરડવા સિવાયના અને બાવડાના ગોટલા બતાવવા સિવાયના બીજા માર્ગો પણ છે જે ચીન અપનાવી રહ્યું છે. એક જ ઉદાહરણ આપું. જે દિવસે યુદ્ધવિરામની જાહેરાત થઈ એ દિવસે હું સિક્કીમમાં નાથુ લા હતો જ્યાં ભારતથી ચીન જવાનો માર્ગ છે. બોર્ડર હજુ તો દૂર હતી ત્યાં ડ્રાઈવરે અમને ચેતવણી આપી કે હવે કોઈ નેટવર્ક મળશે નહીં અને જો ફોન કરશો કે લેશો તો આઇ.એસ.ડી.ના ચાર્જ લાગશે. હું હજુ તો બોર્ડર તરફ જતો હતો ત્યાં મને મેસેજ આવ્યો: વેલકમ ટુ ચાઈના અને પછી વાતચીત માટે ફોન એક્ટીવેટ કરવા માટે લીંક આપવામાં આવી હતી. ચીને પાવરફુલ જામર લગાડીને ભારતીય નેટવર્કને ભારતની ભૂમિમાં બ્લોક કરી દીધું હતું. આને કહેવાય નૂતન યુગની અભિનવ શક્તિ. મૂછો અને બાવડાના ગોટલા ચારણી સાહિત્યમાં શોભે, આજે હાસ્યાસ્પદ લાગે. 

સારુ, યુદ્ધ નિર્ણાયક સ્વરૂપમાં જીતી શકાય એમ ન હોય તો કાંઈ વાંધો નહીં, ભારતે મેદાનમાં તો ઉતરવું જ જોઈએ. શું આપણે સહન કરી લેવાનું અને બેસી રહેવાનું? આ સવાલ ત્યારે પણ પૂછવામાં આવતો હતો. ભારતે તેની પ્રજાનો આક્રોશ લશ્કરી કારવાઈ દ્વારા પ્રગટ કરવો જ જોઈએ.

વાત તો સાચી, પણ એ છતાં ય ભારતના ઉપર કહ્યા એ બન્ને કૂળના શાસકો ધીરજ ધરતા હતા અને એની પાછળ એક બીજું કારણ હતું. – આ જે યુગ્મવાચક ચિહ્ન છે તેને અંગ્રેજીમાં હાઈફન કહેવામાં આવે છે અને બે નામ કોઈ પણ પ્રકારના ભેદ વિના સાથે લેવામાં ત્યારે તેને હાઈફનેશન કહેવામાં આવે છે. ૧૯૪૭થી વિશ્વદેશો ભારત અને પાકિસ્તાનનો ઉલ્લેખ ભારત-પાકિસ્તાન તરીકે કરતા હતા. બન્ને નામ એક સાથે મૂકવામાં આવતા હતા કારણ કે બન્ને એક જ ભૂમિના સંતાન છે. હમણાં સુધી સાથે હતા, એક જ પ્રજા છે, એક જ ભાષા છે, પહેરવેશ છે અને એક સરખી આર્થિક સ્થિતિ છે. પણ પછી પાકિસ્તાનમાં સરમુખત્યારશાહી આવી. લશ્કરી રાજ આવ્યું. ઇસ્લામિક મૂળભૂતવાદ આક્રમક થવા લાગ્યો અને ત્રાસવાદની ઉછેરભૂમિ બની ગયું. દુનિયાભરના ત્રાસવાદીઓ પાકિસ્તાનમાં જમા થવા લાગ્યા. પાકિસ્તાન એક નિષ્ફળ અને ગામના ઉતાર જેવો દેશ બની ગયો. હવે ભારતને એમ લાગવા માંડ્યું કે ભારતનું નામ પાકિસ્તાનની સાથે લેવામાં આવે એ બરાબર નહીં. લોકશાહી, વિવિધ પ્રજાઓનું સહઅસ્તિત્વ, કાયદાનું રાજ, સેકયુલરિઝમ, ફેડરલિઝમ, આઇ.આઇ.ટી. જેવી સંસ્થાઓએ પેદા કરેલા ભારતીય યુવકોએ દુનિયામાં મેળવેલું સ્થાન અને ભારતને આપેલી પ્રતિષ્ઠા, જગતનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર, વિકાસ વગેરે ક્યાં અને પાકિસ્તાન ક્યાં? ભારતે સંકલ્પ કર્યો કે ભારતનું નામ પાકિસ્તાન સાથે ન લેવાવું જોઈએ. 

આને માટે ભારતે પોતે અપનાવેલા માર્ગ આગળ વધવું જોઈએ અને પાકિસ્તાને અપનાવેલો માર્ગ ન અપનાવવો જોઈએ, એ બે ચીજ તો ખરી જ પણ બને ત્યાં સુધી પાકિસ્તાન સાથે ફૂલ ફ્લેજ્ડ યુદ્ધમાં પણ ન ઉતરવું એ પણ જરૂરી હતું. યુદ્ધ હંમેશાં બે દેશ વચ્ચે લડાતું હોય છે અને તેને રોકવા દુનિયા રસ લેતી થાય છે અને દુનિયા બન્ને દેશોને એક આળીએ મૂકતી હોય છે. આ સિવાય કાશ્મીરનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય બને અને દુનિયા તેનો ઉકેલ કરવા ચંચૂપાત કરે. પાછું આ યુગમાં કોઈ યુદ્ધ નિર્ણાયક સ્વરૂપમાં જીતી શકાતું નથી કે કોઈને હરાવી શકાતું નથી. 

તો પછી શું દરેક વખતે હાથ જોડીને બેસી રહેવાનું? 

ના, ગામના ઉતાર તરીકેની ઓળખ કેવી એક પીડા છે એની એને ખબર હોય જે અનુભવતા હોય. પાકિસ્તાનીઓના ચિત્કાર કરતાં પાકિસ્તાનીઓની આપઓળખની જે પીડા છે એ વધારે લોહીનિંગળતી છે, પણ મૂંગી છે. પાકિસ્તાન તરફડે છે, ભારત સાથે એક પંક્તિમાં બેસવા. ભારતની મુલાકાતે આવનારા વિદેશી મહેમાનો સમક્ષ ભારત સરકાર શરત મૂકતી હતી કે ભારત અને પાકિસ્તાનની મુલાકાત એક સાથે લેવામાં આવે એ અપને પસંદ નથી. આવો તો માત્ર ભારતની મુલાકાતે આવો. ડૉ મનમોહનસિંહ સરકારની શરત અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે માન્ય રાખી હતી અને બુશ પાકિસ્તાન પણ આવે એ સારુ પાકિસ્તાને ધમપછાડા કર્યા હતા. ઇતિહાસ છે તપાસી જુઓ. લોકશાહી, વિકાસ, સભ્યતા વગેરેની બસ તો પાકિસ્તાન ચૂકી ગયું છે એટલે હવે આસાન માર્ગ છે; યુદ્ધનો. ઉશ્કેરો અને યુદ્ધ માટે તૈયાર કરો. દુનિયા બન્નેને સાંભળશે, મનાવશે અને એક સરખું વજન આપશે. અને એવું જ બન્યું. 

જેટલા બુદ્ધિશાળી અને જવાબદાર લોકોને મેં સાંભળ્યા અને સમીક્ષાઓ વાંચી છે અને વિદેશી અખબારો વાંચ્યા છે એના પરથી મારી એવી સમજ બની છે કે ભારત સરકારનો ઈરાદો નવ જગ્યાએ ત્રાસવાદી છાવણીઓ પર હુમલા કરીને રોકાઈ જવાનો હતો. પણ એમ બન્યું નહીં. ગોદી મીડિયા કૂદી પડ્યા, સાયબર સેલે લલકારવાનું શરૂ કર્યું, “આ યુ.પી.એ.ની નબળી સરકાર નથી. અમે સમજાવવામાં નથી માનતા ઠોકવામાં માનીએ છીએ” વગેરે. આમ પણ દરેક કાર્યને ઇવેન્ટમાં પરિવર્તિત કરવાની અને પોતાની ઊંચાઈમાં કેટલો વધારો થયો તે માપતા રહેવાની આપણા વડા પ્રધાનને આદત છે. માટે મોકડ્રીલ, અંધારપટ, સાયરન, પક્ષના કાર્યકર્તાઓનો ઉન્માદ, લશ્કરી ગણવેશમાં હાથમાં હેલ્મેટ પહેરેલી વડા પ્રધાનની તસ્વીર વગેરેએ યુદ્ધનું વાતાવરણ પેદા કરી દીધું. (૧૯૭૧માં આવું કશું જ નહોતું કરવામાં આવ્યું અને ભારતે પાકિસ્તાનનાં બે ફાડિયા કરી નાખ્યા. ઇવેન્ટ યોજ્યા વિના ભારતીય ઉપખંડની ઐતિહાસિક મહાન ઇવેન્ટ બની ગઈ) ગોદી મીડિયાએ તો પાકિસ્તાનને પરાજીત કરી દીધું. તમારામાંથી ઘણાએ એ રસના ઘૂંટડા પીધા છે અને તૃપ્તિનો અનુભવ કર્યો છે એટલે વધારે લખવાની જરૂર નથી. પાકિસ્તાનને આ જ જોઈતું હતું જે તેને મળી ગયું. પાકિસ્તાને હુમલા જારી રાખ્યા કે જેથી ભારતે હૂમલા કરવા પડે. 

પહેલા બે દિવસ તો અમેરિકાએ અને બીજા દેશોએ ખાસ કોઈ રસ લીધો નહીં પણ પછી ધ્યાનમાં આવ્યું કે ચીન પ્રોક્સીવૉર લડી રહ્યું છે અને એ પણ સક્રિયપણે. આ અભૂતપૂર્વ અને ગંભીર વળાંક હતો. યુદ્ધવિરામ ભારતની જરૂરિયાત બની ગઈ. આ સિવાય પાકિસ્તાને પરમાણુ હૂમલો કરવા માટેની પાકિસ્તાનની પરમાણુ સમિતિની બેઠક બોલાવી. આપણે જાણતા નથી કે એ ધમકી હતી કે બ્લેક મેઈલીંગ હતું કે પછી ‘મરતા ક્યા નહીં કરતા’ જેવી સ્થિતિ હતી, પણ સ્થિતિ ચાન્સ લેવા જેવી નહોતી રહી. ભારતે યુદ્ધવિરામ સ્વીકારી લીધું. 

અમેરિકાએ યુદ્ધવિરામની જાહેરાત કરીને ભારતના વડા પ્રધાનના મિત્રએ ભારતનું અપમાન કર્યું છે. કોણે આવો અધિકાર આપ્યો? ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે મેં ભારતના અને પાકિસ્તાનના વડા પ્રધાનોને ધમકાવ્યા કે યુદ્ધ બંધ નહીં કરો તો બન્ને દેશ સામે વેપારપ્રતિબંધ મૂકવામાં આવશે. જો યુદ્ધ બંધ કરશો તો તમારી સાથે અમેરિકા વેપારમાં વધારો કરશે. વળી પાછું કહ્યું કે બન્ને દેશ મહાન છે, બન્ને દેશના વડા પ્રધાન મહાન છે, લોકપ્રિય છે, શક્તિશાળી છે, દૂરંદેશી ધરાવે છે વગેરે. વળી પાછું કહ્યું કે અમેરિકા બન્ને દેશ વચ્ચે કોઈ ત્રીજા સ્થળે મંત્રણા ગોઠવશે. અને વળી પાછું એક દિવસ કહ્યું કે હું પોતે (ટ્રમ્પ) કાશ્મીરની હજાર વરસ જૂની (જી, હજાર વરસ જૂની. આ તો ટ્રમ્પ છે) સમસ્યા ઉકેલી આપીશ. પાકિસ્તાનને તો લોટરી લાગી ગઈ. ભારત-પાકિસ્તાનના યુગ્મવિચ્છેદ (ડીહાયફનેશન)ની ચાર દાયકાની જહેમત પાણીમાં ગઈ. ચાર દિવસથી ટ્રમ્પ ભારત પરના પોતાના ઋણની યાદ અપાવે છે અને ભારત સરકાર ચૂપ છે. યુદ્ધવિરામ પછી ત્રીજા દિવસે વડા પ્રધાને રાષ્ટ્રને સંબોધીને ભાષણ કર્યું જેમાં ટ્રમ્પના દાવાઓ વિષે કોઈ ખુલાસો નથી. વડા પ્રધાનના ચહેરા પર માયુસી નજરે પડતી હતી અને વડા પ્રધાન તેને છૂપાવી શકતા નહોતા. તેમનો ચહેરો ભાષણના શૌર્યપરક શબ્દોને અભિવ્યક્ત નહોતો કરતો. તમે નોંધ્યું હશે. 

આગળના શાસકો નમાલા તો નહોતા જ પણ મૂર્ખ પણ નહોતા. અમે અસભ્ય અસંસ્કારી અરાજકતાગ્રસ્ત દેશની મર્યાદાઓમાં માનતા સભ્ય પાડોશી છીએ એ ઈમેજ ભારતને વધારે લાભ આપતી હતી અને પાકિસ્તાનને વધારે પ્રતાડિત કરતી હતી. દુનિયામાં બે દેશના છાબડા ઉપરનીચે થઈ ગયા હતા. 

પાકિસ્તાન તો ઠીક છે, અમેરિકા અને ચીનનું વલણ ચિંતા ઉપજાવે એવું છે. ચીનની સક્રિયતા પહેલીવાર જોવા મળી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 મે 2025

Loading

હાલો…

નારણ મકવાણા|Poetry|17 May 2025

હાક પડી છે, હાલો.
વાત ખરી છે, હાલો.

આજ તમારા માટે,
શૌર્ય ઘડી છે, હાલો.

આતંકી ફાવ્યા છો,
લાશ રડી છે, હાલો

હત્યા સ્વજનોની થઇ,
દુઃખ ઘડી છે, હાલો.

દુશ્મન તું ચેતી જા,
રક્ત દડી છે, હાલો.

દુશ્મની જૂની છે,
દાઝ ભરી છે, હાલો.

ખૂન તમે ચાખી ગ્યાં,
લાશ ઢળી છે, હાલો.

સેના સંગે જન સૌ,
યુદ્ધ લડી છે, હાલો.

નાના, મોટા, વૃદ્ધો,
બાંયધરી છે, હાલો.

સમરાંગણ પોકારે,
કાળ કડી છે, હાલો.

ભાંગી ભૂક્કો કરશું,
ખીજ ચડી છે, હાલો.

હથિયાર ઉપાડો બસ,
ઝાળ અડી છે, હાલો.

જળ, ધરતી, આભ બધે,
આગ ફરી છે, હાલો.

૯/૦૫/૨૦૨૫

Loading

ચલ મન મુંબઈ નગરી—289

દીપક મહેતા|Opinion - Opinion|17 May 2025

મુમતાઝ બેગમ : પુરુષો તો ઘણા જોયા, પણ સાચો મરદ તો આ એક જ   

બોમ્બે હાઈ કોર્ટમાં બાવલા ખૂન કેસની સુનાવણીનો વધુ એક દિવસ

એડવોકેટ જનરલ કાંગા : યોર ઓનર! આપની ઇજાજત હોય તો ગઈ કાલે અધૂરી રહેલી મુમતાઝ બેગમની જુબાની આગળ ચલાવીએ.

જસ્ટિસ એલ.સી. ક્રમ્પ : You may proceed, Mr. Kanga.

એડવોકેટ જનરલ કાંગા : Thank you, your honor! 

મુમતાઝ બેગમની જુબાની લેતા એડવોકેટ જનરલ કાંગા ChatGPT દ્વારા તૈયાર થયેલું ચિત્ર

પછી સાક્ષીના પિંજરામાં ઊભેલી મુમતાઝ બેગમ તરફ ફરીને : વિલાયતમાં તમો ક્યાં ક્યાં ફરિયાં, સું સું જોયું, એ જાણવામાં અમુને રસ નથી. પન એ કહો કે ત્યાંથી તમે પાછાં ક્યારે અને કઈ રીતે આવિયાં.

મુમતાઝ બેગમ : અમો પાછા આવવાના હતા ત્યારે પણ મારાં અમ્મા મુંબઈમાં જ હતાં. હું બંદર પર ઉતરું ત્યારે એવન કોઈ ધમાલ ન કરે એ માટે મને વિલાયતથી સિલોન જતી એસ.એસ. કોલંબો નામની સ્ટીમરમાં બેસાડી. કોલંબોથી તુતીકોરીન, ત્યાંથી કલકત્તા, અને ત્યાંથી ઇન્દોર, મને ટ્રેન વાટે લઈ ગયા. 

એસ.એસ. કોલંબો (ચિત્ર)

એડવોકેટ જનરલ કાંગા : તમે પાછાં ક્યારે આવિયાં? 

મુમતાઝ બેગમ : સાહેબ! તારીખ તો યાદ નથી, પણ ૧૯૨૧ના ડિસેમ્બરમાં. એ પછી થોડા વખતમાં મને હમેલ રહ્યા. મેં મહારાજને આજીજી કરી કે આવે વખતે તો મારી માને બોલાવો. પહેલાં તો મારી વાત કાને ધરી નહિ, પણ પછી અમ્માને ઇન્દોર બોલાવીને મારી સાથે રાખ્યાં. જો કે અમારી આસપાસ ચોવીસ કલાક પહેરો રહેતો, અને અમારી રજેરજ વાત મહારાજને પહોંચતી. 

એડવોકેટ જનરલ કાંગા : પછી?

મુમતાઝ બેગમ : મને રાજમહેલના એક અલાયદા ભાગમાં ખસેડી. સાથે ડોક્ટર, બે નર્સ, અને ચોકિયાતો તો ખરા જ. હું છૂટી પડી ત્યારે સૌથી પહેલાં એ ખબર મહારાજને આપવામાં આવ્યા. પછી બે નર્સોએ મને વધામણી આપી અને કહ્યું કે તમારે પેટે દીકરી જન્મી છે. તેનો રડવાનો અવાજ મેં સાંભળ્યો, પણ તેનું મોઢું હજી જોયું નહોતું. ત્યાં જ ડોકટરે આવીને કહ્યું કે અમો દિલગીર છૈયે કે તમારી દીકરી ગુજરી ગઈ છે. મને ખાતરી છે કે મારી બેટી મરી નહોતી ગઈ, પણ મહારાજાના હુકમથી તેને મારી નાખવામાં આવી હતી. અને એ જ ઘડીએ મેં નક્કી કરી લીધું કે હવે વહેલામાં વહેલી તકે ઈન્દોરને અને મહારાજાને ઝાઝેરા જુહાર કરી દેવા છે. 

એડવોકેટ જનરલ કાંગા : પછી તુમે ઇન્દોર કઈ રીતે છોડ્યું?

મુમતાઝ બેગમ : મહારાજે મને અને અમ્માને મસૂરી જવા ફરમાન કર્યું. ચોકિયાતો સાથે અમે ઇન્દોરથી મસૂરી જતી ટ્રેનમાં બેઠા. પણ દિલ્હી સ્ટેશને ઊતરી ગયાં અને ચોકિયાતોને સાફ કહી દીધું કે અમે મસૂરી જવા રાજી નથી. તેમણે ઘણી ધાક ધમકી આપી, પણ અમે બ્રિટિશ હિન્દુસ્તાનમાં હતા એટલે તેઓ કોઈ જાતની બળજબરી કરી શકયા નહિ. હું અને અમ્માજાન દિલ્હીથી નાગપુર થઈને જૂનની ૧૮મી તારીખે મુંબઈ આવીને વરસોવામાં એક બંગલો ભાડે રાખીને ત્યાં રહ્યાં.

એડવોકેટ જનરલ કાંગા : ત્યાં તમો કેટલો ટાઈમ રહ્યાં?

મુમતાઝ બેગમ : અમે મુંબઈ પહોચ્યાં તે પછી અમ્મા પોલીસ સુપરિનટેન્ડન્ટ ફુલરને મળવા ગઈ અને પોલીસ રક્ષણ માગ્યું. સાહેબે કહ્યું કે તમે જ્યાં રહ્યાં છો એ જગ્યા સલામત નથી. ત્યાં ચાર બંગલા સિવાય બીજી વસતી નથી. ઇન્દોરના રાજાના માણસો ત્યાં તમુને સહેલાઈથી ઓળખી જશે અને મુમતાઝ બેગમને ઉઠાવી જશે. વરસોવા મુંબઈ પોલીસની હદની બહાર છે એટલે અમે તમારી મદદે બી આવી નહિ શકીએ. (એ વખતે મુંબઈ શહેરની હદ વાંદરા સુધી જ હતી.)

એડવોકેટ જનરલ કાંગા : પછી? ફુલરસાહેબની વાત તમે માની?

મુમતાઝ બેગમ : હા, જી. અમે મદનપુરાના હકીમ બિલ્ડિંગમાં રહેવા ગયાં. પણ ત્યાં ય મહારાજાના માણસો અમારી પાછળ પડી ગયા. તેમણે મને ઉપાડી જવાનું કાવતરું ઘડ્યું હતું. અમ્માજાને પોલીસ કમિશનર સાહેબને મળીને વિનંતી કરી કે અમારી મદદ કરવાનું કામ ફુલરસાહેબને સોંપો. પણ સાહેબે કહ્યું કે તમે જ્યાં રહો છો તે મદનપુરા ફુલરસાહેબના એરિયામાં આવતું નથી. તમે પોઈબાવડી પોલીસ સ્ટેશનની હદમાં આવતી કોઈ જગ્યાએ રહો તો તમને ફુલરસાહેબનું રક્ષણ મળી શકે. એટલે અમે પરળમાં આવેલી રંગારી ચાલમાં રહેવા ગયાં. 

એડવોકેટ જનરલ કાંગા : મને એ કહો કે ઇન્દોર છોડીને મુંબઈ આવ્યા પછી તમે ઘરખર્ચ ક્યાંથી કાઢતા હતા?

મુમતાઝ બેગમ : સાહેબ! અમારી પાસે થોડી ઘણી બચત હતી તેના પર શરૂઆતમાં તો અમે નભી ગયા. પણ પછી રંગારી ચાલમાં રહેવા આવ્યા તે પછી પૈસાનો તોટો પડવા લાગ્યો. એટલે મેં ત્યાં મારું ગાવા-નાચવાનું કામ ફરી શરૂ કર્યું. અને એક દિવસ પચીસેક વરસનો એક જુવાન જોધ, ફૂટડો, અમીર, ઘરાક આવ્યો. તેનું નામ અબ્દુલ કાદર બાવલા.

રંગારી ચાલ

એડવોકેટ જનરલ કાંગા : એટલે કે જેનું ખૂન કરવામાં આવ્યું તે જ ઇસમ.

બચાવ પક્ષના વકીલ મોહમ્મદ અલી ઝીણા : I object my Lordship! So far it has not been proved beyond doubt that Mr. Bawla was murdered. My learned 

colleague is trying to influence the honorable members of the jury.

જસ્ટીસ એલ. સી. ક્રંપ : Objection sustained.

એડવોકેટ જનરલ કાંગા : જેવો નામદારનો હુકમ. મુમતાઝ બેગમ, આ મિસ્ટર બાવલા એ જ ઇસમ, કે જેનું ૧૩મી જાન્યુઆરીની વહેલી સવારે મોત થયું હતું? 

મુમતાઝ બેગમ : (જાણે સપનું જોતી હોય તેમ હળવેથી બોલવા લાગે છે) ઓહોહો! કહેવાય બાવલા, પણ જાણે સંગેમર્મરનું બૂત જોઈ લો. દિવસના અજવાળામાં પણ ઝગારા મારતી આંખો. કાળા ભમ્મર વાળ. હોઠ હસે ત્યારે લાગે કે આખી દુનિયા હસી રહી છે. એની આંગળીઓ અડે અને મારું રોમરોમ થનગનવા લાગે. કાનમાં હળવેકથી કહે તેનો પડઘો આખા જિસ્મમાં પડે. અને આખું બદન ખીલી ઊઠે જ્યારે એની આંગળીઓ અડે. પુરુષો તો ઘણા જોયા, પણ સાચો મરદ માણસ તો આ એક જ જોયો. 

એડવોકેટ જનરલ કાંગા : મુમતાઝ બેગમ! મારા સવાલનો જવાબ આપો.

મુમતાઝ બેગમ : હા, જી. એ જ મિસ્ટર અબ્દુલ કાદર બાવલા. જે હવે આ ફાની દુનિયામાં રહ્યા નથી. એક રાતે મારો નાચ જોવા નવેક વાગે આવેલા. સાડા દસ સુધી બેઠા. પહેલી જ વાર આવ્યા ત્યારે મારા પર એક હજાર રૂપિયા ઓવારી ગયેલા. ત્યારથી અમ્માના મનમાં વસી ગયું હતું કે મારું અને બાવલા શેઠનું ગોઠવાઈ જાય તો સારું. થોડા વખત પછી સ્લેટર રોડ પર આવેલા બાવલા શેઠના મકાનમાં અમે રહેવા ગયાં. ત્યાં બે-એક મહિના રહ્યા પછી બાવલા શેઠ અને હું તારદેવ ક્લબમાં રહેવા ગયાં. એ વખતે અમે બે પૂના અને લોનાવળા ફરવા ગયાં. લોનાવળામાં બાવલાશેઠનો બંગલો બંધાતો હતો તે જોયો. અમે પાછાં આવ્યાં તે પછી બાવળા શેઠને ઇન્દોરથી ધમકીઓ મળવી શરૂ થઈ. મારું અપહરણ કરવામાં આવશે અને તું જો વચમાં આવીશ તો તને તારા ખુદા પાસે મોકલી દેવામાં આવશે. આવી ધમકીઓ મળ્યા પછી બાવલાશેઠ તેમના ચોપાટીના બંગલામાં રહેવા મને લઈ ગયા. બાવલાશેઠ ત્રીજે માળે રહેતા. એ જ મકાનના ભોંય તળિયે ઇસ્લામ ક્લબ આવેલી હતી. આ ઘરમાં મને બીજી બધી છૂટ હતી. ફક્ત એકલા ક્યાં ય બહાર જવાની મનાઈ હતી. 

ચોપાટી પર બાવલા રહેતા તે મકાન. નીચે ઇસ્લામ ક્લબ

એડવોકેટ જનરલ કાંગા : શા વાસ્તે મનાઈ હતી?

મુમતાઝ બેગમ : કારણ મારું અપહરણ કરવાની ધમકીઓ સતત મળતી રહેતી હતી.

એડવોકેટ જનરલ કાંગા : કોના તરફથી?

મુમતાઝ બેગમ : ઇન્દોર દરબાર તરફથી.

એડવોકેટ જનરલ કાંગા : Point to be noted, my Lordship!

જસ્ટીસ એલ. સી. ક્રંપ : Noted. You may proceed further, Mr. Kanga.

એડવોકેટ જનરલ કાંગા : Thank you my Lordship. હા, તો મુમતાઝ બેગમ! બીજી કોઈ રીતે તમારી કનડગત થઈ હતી?

મુમતાઝ બેગમ : હા, જી. ઇન્દોર મહારાજાના મહેલમાંથી મેં અઢી લાખ રૂપિયાનાં ઘરેણાંની ચોરી કરી છે તેવો આરોપ મૂકવામાં આવ્યો અને આ અંગે મારા પર કામ ચલાવવા માટે મને ઇન્દોર પોલીસને સોંપવા વાઈસરોયને અરજી કરવામાં આવી.

એડવોકેટ જનરલ કાંગા : પછી?

મુમતાઝ બેગમ : પછી મુંબઈમાં રહેવું સલામત નથી એમ લાગતાં બાવલાશેઠ મને લઈને લોનાવળા ગયા. ત્યાં બંગલો તૈયાર થઈ ગયો હતો એટલે ત્યાં અમે ૨૬ દિવસ રહ્યાં. એ દરમ્યાન એડવોકેટ કે.એફ. નરીમાન પાસે તૈયાર કરાવેલા કેટલાક દસ્તાવેજો પર બાવલાશેઠની હાજરીમાં મેં સહીઓ કરી હતી, અને શેઠે એ કાગળિયાં મુંબઈ મોકલ્યાં હતાં. 

એડવોકેટ જનરલ કાંગા : My lordship! I pray your permission to file these documents as supportive evidence.

જસ્ટીસ એલ. સી. ક્રંપ : Permission granted.

એડવોકેટ જનરલ કાંગા : Thank you, My Lordship! હા, તો મુમતાઝ બેગમ. લોનાવળાથી તમે પાછાં ક્યારે આવ્યાં?

મુમતાઝ બેગમ : શનિવાર, તારીખ ૧૦મી જાન્યુઆરીએ.

એડવોકેટ જનરલ કાંગા : એટલે કે મિસ્ટર બાવલાનું ખૂન થયું – સોરી, એવન જન્નતનશીન થયા તેના ફક્ત બે દિવસ પહેલાં. 

મુમતાઝ બેગમ : હા, જી, સાહેબ. 

અને બરાબર એ જ વખતે અદાલતનો ઊઠવાનો સમય થયો. 

પછીની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 17 મે 2025 

Loading

...102030...283284285286...290300310...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved