Opinion Magazine
Number of visits: 9577335
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી પ્રચારઃ લાઉડ સ્પીકરનો ઘોંઘાટ નહીં લાઇક્સ અને શેરનાં વરવાં ગિમિક્સ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 March 2019

નવાં માધ્યમોને પગલે ચૂંટણી પ્રચાર વધુ સભ્ય થવાને બદલે યોજનાબદ્ધ હોવા છતાં બેફામ બની ચૂક્યો છે.

તમે ચોકીદાર થયાં કે હજી બાકી છે? કે પછી તમે ચોકીદાર નથી થવાનાં? મોટા ભાગનાં લોકો જે લોકો ભક્તિને વર્યાં છે તે બધાં જ ચોકીદાર બની ચૂક્યાં છે. સોશ્યલ મીડિયાનાં ડિસપ્લે પિક્ચર્સ હોય કે પછી ચેટ એપ્પ્સનાં, બધાંનાં મજાનાં ફોટોગ્રાફની આસપાસ ‘મેં ભી ચોકીદાર’વાળું છોગું ચોંટી ગયું છે. સ્વભાવિક છે કે ભા.જ.પા.નાં સોશ્યલ મીડિયા સેલમાંથી જ આ આખા ખેલનો પહેલો દાવ રમાયો, અને પછી મોટાભાગનાંઓએ (કેટલાંકને તો આ ચોકીદારવાળી ચર્ચાનું મૂળ સુદ્ધાં સંપૂર્ણ રીતે ખબર નહીં હોય) ‘હું પણ’ વાળા વાદનું પૂંછડું પકડીને જાતને ચોકીદાર જાહેર કરી દીધી. દેશની સિક્યોરિટી એજન્સીમાં રાતોરાત ભરતી થઇ ગઇ અને ચોકીદારના જોક્સથી માંડીને મીમ્સ ફરવા માંડ્યા. વિરોધીઓ અને ટેકેદારો બંન્ને તરફથી ‘ચોકીદાર’ ડ્રામાને લઇને અનિવાર્ય અને ક્યારેક બિનજરૂરી દંડા પછાડ થવા માંડી છે.  આપણે ‘ચોકીદાર’ગીરીની ચર્ચા તો નથી કરવી, પણ આખી પરિસ્થિતિથી જરા અંતર કરીને જોઇએ તો બાળકને પણ સમજાઇ જાય એવી આ બાબત બીજું કંઇ નહીં પણ નર્યો ચૂંટણી પ્રચાર છે.

ચૂંટણી પ્રચારનું પ્રમાણ અને સ્વરૂપ બન્ને ધરમૂળથી બદલાઇ ગયાં છે. એક સમય હતો જ્યારે સાયકલ પર કે રિક્સામાં માઇક સાથે ભૂંગળા જેવું લાઉડ સ્પીકર લઇને બેસૂરા અવાજમાં બૂમો પડાતી, ‘ખેડૂત ખેડૂત ખેડૂત – તમારો મત ખેડૂતને આપો’ (મારા નાનપણમાં થતા ચૂંટણી પ્રચારમાંથી કોણ જાણે આ કયા પક્ષની પ્રચારપદ્ધતિ મને યાદ રહી ગઇ છે) અને આવું જ બીજા બધા પક્ષોનું પણ હતું. દિવાલો પર પક્ષનાં ચિહ્નો ચિતરાઇ જાય, ક્યાંક નારાબાજી અને નાનાં-મોટાં સરઘસ થાય, સભાઓ થાય, પોસ્ટર્સ અને હોર્ડિંગ લાગી જાય અને ફરફરિયાં લોકોનાં ઘરે ઘરે પહોંચવા માંડે અને એવું કેટલું ય ચૂંટણી પ્રચાર તરીકે થતું. મતદાન પહેલાંનો હોબાળો રંગીન, ઘોંઘાટિયો અને અસ્તવ્યસ્ત રહેતો. એક સમયે ચૂંટણી પંચે પેમ્પ્ફ્લેટિયા પ્રચાર પર બંધી કરી અને પછી જે પક્ષો પાસે આર્થિક ટેકો હતો તેમણે નવાં માધ્યમોની આંગળી ઝાલી. પી.વી. નરસિંહા રાવના શાસનકાળનો અંત નજીક હતો ત્યારે કૉન્ગ્રેસ પક્ષમાં નેતૃત્વના પ્રશ્નો હતા, ભ્રષ્ટાચારના વિવાદ હતા અને ત્યારે ડિરેક્ટોરેટ ઑફ એડવર્ટાઇઝિંગ એન્ડ વિઝ્યુઅલ પબ્લિસિટી (ડી.એ.વી.પી.) દ્વારા સરકારની સિદ્ધિઓ દર્શાવતા વીડિયો રિલીઝ કરાયા, એમાંનાં કેટલાક વીડિયોમાં તો નરસિંહ રાવ પોતે પણ દેખાયા. વિરોધ પક્ષોને આ કંઇ પસંદ ન પડ્યું. દૂરદર્શન અને ખાનગી ચેનલો પર આ વીડિયો બતાડવા પર પ્રતિબંધ મુકાયો પણ ત્યારે કેબલ નેટવર્ક્સનું જાળું પથરાઇ ચુક્યું હતું એટલે ત્યાં જાહેરાતો આવી. જો કે કંઇ ફેર પડ્યો નહીં અને વાજપાઈ તેર દિવસ માટે વડાપ્રધાન બન્યા અને પછી બે વર્ષ સુધી ગઠબંધનની સરકાર ચાલી. આ સરકારને પોતાના પ્રચાર માટે આકાશવાણી કે દૂરદર્શનનો ઉપયોગ કરવાની આવડત નહોતી. સત્તા ભૂખ અને આર્થિક સક્ષમતાને પગલે પક્ષોએ પ્રચાર માટે ‘પ્રોફેશનલ’ એજન્સીઝને કામ લગાડવાની શરૂઆત કરી. આમ તો ૨૦૧૪ની ચૂંટણીમાં બધી જ મોટી એજન્સીઓના સૌથી મોટા ‘ક્લાયન્ટ’ તરીકે ભા.જ.પા.નું નામ મોખરે હતું, પણ ખરેખર તો ૧૯૮૪ની સાલમાં રાજીવ ગાંધીએ સૌથી પહેલાં એડ એજન્સી રિડીફ્યુઝનને પોતાનું ઇલેક્શન કેમ્પેઇન સંભાળવાની જવાબદારી આપી હતી. ત્યારે કૉન્ગ્રેસ અને ઇંદિરા ગાંધીનાં પ્રશસ્તી ગીતો સાંભળાવતી કેસેટ્સ ઠેર ઠેર વાગતી હતી. ભા.જ.પા.ને આ કઠ્યું ખરું, પણ ૧૯૯૬નાં પ્રચારમાં તેમણે ‘સૂટકેસ કે પીછે ક્યા હૈ’ જેવા કૉન્ગ્રેસની ઠેકડી ઉડાડતાં ફિલ્મી ઢાળનાં ગીતોનો ઉપયોગ કર્યો , પરિણામે તેઓ ૧૬૧ બેઠકો જીત્યા.

સેલ-ફોન્સ અને કમ્પ્યુટરને પગલે આ બધી પદ્ધતિઓ અપરિપક્વ લાગવા માંડી. ૨૦૦૪ની ચૂંટણી દરમિયાન પ્રચાર દરમિયાન લોકોને વાજપાઈના અવાજમાં રેકોર્ડેડ મેસેજ પહોંચવા માંડ્યા અને સ્વાભાવિક છે કે સામાન્ય માણસ માટે આ ‘પર્સનલાઇઝ્ડ ટચ’ જાદુઇ સાબિત થયો. આ વિચાર મૂળ તો પ્રમોદ મહાજનનો હતો. ૨૦૧૪ પછી જે રીતે ચૂંટણી પ્રચારનું ક્લેવર બદલાયું છે, એમાં તો જાણે પક્ષોએ માઝા મૂકી છે. ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપ્પ હવે ચૂંટણી પ્રચારના કુરુક્ષેત્ર બન્યા છે. પક્ષોની વાતોમાં નવા નારાને બદલે આર અને પાયથન જેવાં સોફ્ટવેરની ચર્ચા થવા માંડી છે. સોશ્યલ મીડિયા દ્વારા મળતા ડેટાને આધારે રાજકીય પક્ષો નિસ્યંદન કરીને વ્યક્તિગત વિચારધારા, જૂથોના અભિપ્રાય જાણી શકે છે. આજકાલ મતદાર સાથે તાલમેલ મેળવવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો બહુ જ મોટાપાયે ઉપયોગ થાય છે.  મોટીમસ રેલીઓ, ભાષણબાજી, બેઠકો સાથે વર્ચુઅલી થયેલી ‘ચાય પે ચર્ચા’,  રોડ શોમાં વપરાયેલી થ્રી ડી હૉલોગ્રામ ઇમેજીઝથી માંડીને ફેસબુક પર પ્રોફાઇલ પિક્ચર માટેની સ્પેશ્યલાઇઝ્ડ ફ્રેમ, ટ્વિટર હેન્ડલ પર બદલાતાં નામો અને વૉટ્સએપ્પ પર આવતાં મેસેજીઝનાં મારા આ બધું જ ચૂંટણી પ્રચારને વધારેને વધારે અસરકારક બનાવવામાં કામ લાગે છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ માટે ડેટા એનાલિસીસનું વેચાણ એક બિઝનેસ મોડલ છે, અને રાજકીય પક્ષો તેનો બેફામ અને બિંધાસ્ત ઉપયોગ કરે છે. પોસ્ટર્સ અને દિવાલો પર લખાપટ્ટી કે પેમ્પ્ફલેટ્સ પર પ્રતિબંધ મુકાયો છે પણ ઇલેક્ટ્રોનિક મીડિયા પર કોઇ પ્રતિબંધ નથી. ઉમેદવારો પર પ્રતિબંધો હોઇ શકે પણ રાજકીય પક્ષો પૈસા ખર્ચવામાં પાછળ વળીને જોતા નથી, અને એ પરિસ્થિતિ લોકશાહી પર તોળાતી તલવાર જેવી છે. ટેક્નોલોજીને આધારે ચાલતાં ચૂંટણી પ્રચારમાં પૈસા સૌથી અગત્યનું પાસું છે. ભા.જ.પા.એ તેની વૃત્તિ મુજબ ફાયદો કરાવે એનો કસ કાઢવો જ એમ કરીને ટેક્નોલોજી અને સોશ્યલ મિડીયાનો ઉપયોગ પક્ષમાં સભ્યો વધારવા માટે પણ કર્યો છે. આચાર સંહિતા લાગુ પડશે તો પણ ‘મૈં ભી ચોકીદાર’વાળાં ડિસપ્લે પિક્ચર્સ, મિમ્સ અને જોક્સ ફર્યા કરશે જેને રોકવાનું કોઇના ય હાથમાં નથી. ટેક્નોલોજી હોય તો પ્રચાર પ્રસાર ‘સોફેસ્ટિકેટેડ’ થવો જોઇએ તેને બદલે બધું જ હદની બહાર, આડેધડ ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે. એસોસિયેશન ઑફ ડેમોક્રેટિક રિપોર્ટ અનુસાર ૨૦૧૭-૧૮માં ભા.જ.પા.ને ૨,૯૭૭ ડોનેશન્સ મળ્યાં છે જેનો આંકડો ૪૩૭.૦૪ કરોડે પહોંચ્યો છે જ્યારે કૉન્ગ્રેસને ૭૭૭ ડોનેશન્સમાંથી ૨૬.૬૫૮ કરોડ મળ્યા છે.

પારંપરિક પ્રચારની પદ્ધતિઓમાંથી ડિજીટલ પ્લેટફોર્મનાં ઉપયોગની શરૂઆત રાજકીય પક્ષો માટે પણ અજાણ્યાં પાણી જેવી હતી. વળી આ નવી પદ્ધતિઓને કારણે ગ્રામીણ મતદાતાઓ સુધી પહોંચવામાં આવનારી મુશ્કેલીઓનો પણ તેમને ખ્યાલ હતો, પણ ૨૦૦૮માં અમેરિકાની ચૂંટણીમાં ઓબામાએ જે રીતે ડેટા એનાલિસીસનો ઉપયોગ કર્યો એ પછી ૨૦૧૪ની ભારતીય ચૂંટણીનું ક્લેવર બદલાઇ ગયું. ભા.જ.પા. પાસે ૫૪૩ બેઠકોનો ડેટા હતો, તેમને મોબાઇલ ધારકો અને ઇન્ટરનેટ યુઝર્સનાં આંકડા ખબર હતા, જેને આધારે વ્યૂહરચનાઓ ઘડવામાં આવી. દરેક પોલિંગ બુથમાં કોણ ટેકેદાર હતું, કોણ વિરોધી હતું અને કોણ અનિશ્ચિત હતું તેનો ડેટા પણ પક્ષ પાસે હતો. સેલ-ફોન્સમાં જાહેરાતો, સોશ્યલ મીડિયા પર પ્રતિભાવોથી માંડીને વોઇસ બ્રોડકાસ્ટિંગ વગેરેનો પણ ખૂબ ઉપયોગ થયો.

ચોકીદાર એ ૨૦૧૯ની ચૂંટણીનો ‘બઝ વર્ડ’ બની ચૂક્યો છે. ભા.જ.પા. અને કૉન્ગ્રેસ બન્ને પોત-પોતાની રીતે ચોકીદાર શબ્દનો ખેલ ખેલી રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણી પછીનાં વર્ષોમાં ભારત સ્માર્ટ ફોનનું સૌથી ઝડપથી વિકસેલું માર્કેટ બની ચૂક્યું છે અને ચીન પછી સૌથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ ભારતમાં છે. ૪૫૦ મિલિયન ભારતીય પાસે સ્માર્ટ ફોન છે, ૩૦૦ મિલિયન ભારતીયો ફેસબુક પર છે અને, ૨૦૦ મિલિયન વૉટ્સએપ પર સંદેશાની આપ-લે કરનારાં છે. આવનારી ચૂંટણીમાં સોશ્યલ મીડિયાનું પ્રમાણ કેટલું વિસ્તર્યું અને વકર્યું છે એ ચોકીદારોની વધેલી સંખ્યાથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આ જંગનાં શસ્ત્રો ફેસબુક, વોટ્સએપ, યુટ્યૂબ અને ટ્વિટર છે અને માટે ચૂંટણી પંચે પણ દરેક માધ્યમનાં વડાઓ સાથે બેઠક કરીને ચૂંટણી સંબંધિત ખોટા સમાચારો અને માહિતીઓના પ્રવાહને રોકવાની તજવીજ કરી છે.

બાય ધી વેઃ

દેશમાં જે રીતે વગર પગારના ચોકીદારોની સંખ્યા વધી છે, એ જોતાં સમજાય છે કે સોશ્યલ મીડિયા પર પોતાની હાજરીની નોંધ લેવાય એ માટે લોકો કંઇપણ કરવા તૈયાર થઇ જાય છે. લાઇક્સ અને શેર્સને પગલે જેમને પા-શેર લોહી ચઢે છે, એવા લોકોને કારણે એક રીતે તો રાજકીય પક્ષોને જ લાભ થાય છે. જે રાજકીય પક્ષો આ ચર્ચાનો ભાગ નથી હોતા એ પ્રેક્ષક તરીકે મૂંઝવણ અનુભવવા માંડે છે કે હવે આપણે શું કરી શકીએ? પણ પછી ‘કૉલ મી રાહુલ’ પ્રકારના વાઇરલ વીડિયો તેમને પણ થોડોઘણો લાભ કરાવી જાય છે. નવી પેઢીને રાજકારણમાં રસ લેતી કરવા માટે સોશ્યલ મીડિયા અનિવાર્ય તો છે, પરંતુ રાજકીય પક્ષોએ સમજવું રહ્યું કે નવી પેઢી ચોકીદારવાળો પ્રોફાઇલ પિક્ચર નહીં જ મૂકે. ભક્તિવાદ તો જૂના અને જાણીતા જોગીઓને જ ધુણાવે છે. મૂળ તો ફરફરિયાં, પોસ્ટર્સ અથવા નારા બદલે ફ્લેટ સ્ક્રિન પર ચાલતા ચૂંટણી પ્રચારમાં છેતરામણી વાતો, આક્ષેપબાજી, દલીલબાજી, શો-ઑફ હદની બહાર થાય છે અને તે પણ અનિયંત્રિત. આપણે જાગૃત નાગરિક તરીકે ક્યાં અટકવું એ સમજી લેવું પડશે નહીંતર પેલા બહુ ચાલેલા વૉટ્સ એપ્પ જોકની જેમ પહેલા મૂરખા બન્યા અને હવે ગુરખા બનીશું! બીજું બાય ધી વે એમ કે  ચોકીદાર શબ્દની આટલી બધી ચર્ચા તો ક્યારે ય થઇ જ નથી, એટલે જે બિચારા ટાઢ-તડકો-વરસાદ અને ઉજાગરા વેઠીને ચોકીદારી કરનારા અચાનક જ મળેલું આટલું બધું અટેન્શન મળવાથી બઘવાઇ ગયા છે. એમને તો બસ ચોકીદારી કરવી છે, એમને પ્રધાનપદું સંભાળવામાં કોઇ રસ નથી. પણ યાર, સાહેબ ખરા છે, એક નોકરી પકડી રાખતા હોય તો, પહેલાં ચાવાળા, પછી પ્રધાન મંત્રી અને હવે પાછા ચોકીદાર!

સૌજન્ય : લેખિકાની ‘બહુશ્રૃત’ નામક કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2019

Loading

વીજાણુ ‘વિશ્વમાનવ’

કેતન રૂપેરા|Opinion - Opinion|22 March 2019

આલ્બેર કામૂ, પેરામ્બેલો, યુલિસિસ, સેઇન્ટ જોહ્‌ન પર્સ, (ફેડ્રિકો ગાર્સિયા) લોર્કા, (રેઇનર માર્કા) રિલ્કે, ઓક્ટેવિયો પાઝ, (ફ્રાન્ઝ) કાફકા, (બોરિસ) પાસ્તરનાક, દોસ્તોવયેસ્કી, ચેખોવ, રેમ્બ્રાન્ટ, જુલિયન ગ્રીન, બોદલેર … (હજુ ઓછા પડતાં હોય તો ઉમેરી શકાય). – વિશ્વ સાહિત્યનાં ખેરખાં કહી શકાય એવા એકસામટા આટલાં બધાં નામ, કોઈ એક જ નિમિત્તે અને એક જ પાનાં પર, ગુજરાતી ભાષાના કોઈ સામયિકમાં અંકિત થાય એવી કદાચ આ પહેલી ઘટના હોઈ શકે. કારણ? ગુજરાતી ભાષામાં એ ૩૬ વર્ષ ચાલેલી ઘટના જ એનો જવાબ છે –  એ છે ‘વિશ્વમાનવ’.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં સ્વનામધન્ય જ કહી શકાય એવા આ સામયિકનો એકવીસમી સદીમાં ડિજિટલ સ્વરૂપે પુર્નજન્મ થયો એમ કહીએ તો ચાલે. પોતાના નામને સાર્થક કરતાં, સાહિત્ય, કળા, સમાજકારણ, રાજકારણ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને એવાં કંઈકેટલાં ય ક્ષેત્રોને આવરી લઈ માનવને વિશ્વમાનવ બનવા પ્રેરતા આ સામયિકની ડી.વી.ડી. લોન્ચ કરાઈ. નિરીક્ષક ફાઉન્ડેશન, ગુજરાતી લેક્સિકન અને ઓપિનિયન મૅગેઝિન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિચારપત્ર ‘નિરીક્ષક’ની પચાસ વર્ષની ઊજવણીનું નિમિત્ત પણ ભળ્યું ને આ ઉજવણીના પહેલા મણકારૂપે, ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં, ૨૩ ફેબ્રુઆરીના રોજ એક સરસ કાર્યક્રમ યોજાયો.

આ સામયિકનું ડિજિટલ વર્ઝન બહાર પાડવાનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ જો કોઈ હોય તો એ ‘વિશ્વમાનવ’ કોઈ રીતે કાયમી રૂપે સચવાઈ જાય એવી ત્યારની પેઢીની ઇચ્છા-અભિલાષા અને એ ઉપરાંત, અમે જે કંઈ આ સામયિક વાટે મેળવ્યું છે, જેણે વૈચારિક રીતે, અમારા વ્યાવસાયિક અને અંગત જીવનના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે તે ફાલ હાલની, નવી પેઢીને પણ મળે એવી ધખના. એ પણ હશે જ ને. ઘરની કોઈ વડીલ વ્યક્તિ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં ભાવિ પેઢી માટે શું વિચારે? પોતાના કુટુંબનો ભવ્ય વારસો આવનારી પેઢીને -પૌત્રપૌત્રાદીને – આપીને જવો. બસ, લગભગ એવી જ આ કલ્યાણભાવના.

… અને આ વારસાને સાચવવાની, એનું ગૌરવ અનુભવવાની જે લાગણી વ્યક્ત થઈ એ કાર્યક્રમના અંતે, ગુજરાતી લેક્સિકન સાથે સંકળાયેલા મૈત્રી શાહની અભિવ્યક્તિમાં. તેમણે કહ્યું કે અમારી પેઢીને આવા કોઈ સામયિકની ખબર જ નહતી, અને જે વર્ષમાં એ બંધ થયું એ જોતાં એ સ્વાભાવિક પણ છે, પરંતુ એના પર કામ કરતાં કરતાં લેખો પર જે નજર ફરી કે એનાં લેખકોનાં નામ વાંચવાનું થયું, ત્યારે થયું કે આટલું સરસ સામયિક, જે વિશ્વકક્ષાનું કહી શકાય એવું આપણી ગુજરાતી ભાષામાં એક વખતે પ્રકાશિત થતું હતું!

૧૯૫૮થી ૧૯૯૩નાં વર્ષોને ત્રણ ડી.વી.ડી.માં વહેંચી તેનું નિદર્શન પણ રજૂ કરનાર બહેન મૈત્રીની ને એમની આસપાસની આ એ પેઢી છે, જે અત્યારે ત્રીસથી ચાલીસ વચ્ચે રમી રહી છે. ‘નિરીક્ષક’ના આગલા અંકમાં (૧-૩-૧૯) જ ચેતન પગીએ કહ્યું તેમ “એંસી-પંચાસી પહેલાં જન્મેલા લોકો ખરા અર્થમાં નસીબદાર છે …. આ એ પેઢી છે, જેમને પોસ્ટકાર્ડ લખવાનો અનુભવ પણ મળ્યો અને હવે ફેસબુક લાઇવ પણ કર્યું છે …. જે એક વસ્તુ સતત અનુભવાતી તે એ હતી કે ઉદારીકરણ પહેલાંના પરિવર્તનની ઝડપ ભલે ધીમી હતી, પણ ત્યારની ‘નિરાંત’ એનું જમાપાસું હતી, ૯૧-૯૨ પછી અચાનક જાણે બધું ફાસ્ટ ફૉરવર્ડ થઈ રહ્યું હોય, એવું લાગવા માંડ્યું.” તો અહીં મુખ્ય તફાવત છે ‘નિરાંત’ અને બધુ ‘ફાસ્ટ’ હોવા વચ્ચેનો. એ ખરેખર જ નિરાંતનાં વર્ષો હતાં, જ્યારે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આપણો વખત આપણી જાણ બહાર ચોરી જતા ન હતા. અને એ તથા એ પહેલાંનાં અરસામાં જ અનેક લેખકોએ ઘણા અભ્યાસ અને એકાગ્રતા સાથે સંશોધિત અને મૌલિક લેખોથી માંડીને વિશ્વભરની કવિતા અને લેખોના અનુવાદ આપ્યા, અને વાચકોએ દિલ ભરીને વાંચ્યા પણ ખરા. આજે આ બધા વિશ્વસાહિત્યકારોનાં અનેક સર્જનો ગુગલિંગ કરીને જોઈ-મેળવી-વાંચી શકાય છે, પણ એને ગુજરાતીમાં ઊતારવાની નિરાંત કેટલા પાસે છે, અને અપવાદરૂપ કેટલાક લેખકો પાસે એ નિરાંત છે તો પોતે આ કામ હાથમાં લે એવી આબોહવા ક્યાં છે?! અને એટલે જ જે જૂનું છે, એ સોનું છે એને કાયમીરૂપે સાચવી લેવાનો આ સુયોગ્ય સમય હતો, એ ‘એક સરસ કામ થયું.’

મૂળરૂપે, પહેલાં ગાંધીવિચાર અને પછી માર્ક્સથી લઈને પુનરપિ ગાંધી તરફ પાછા વળેલા ને ત્યાં જ ઠરેલા ભોગીભાઈ ગાંધીએ “જ્યાંય ક્યાંયથી ‘ઓઝોન’ મળે ત્યાંથી ખોબેખોબા ફેફસાંમાં” ભરી લેવાના તલસાટ સાથે ૧૯૫૮માં શરૂ કરેલા આ સામયિકમાં ઘણા નવયુવાનોને જોડેલાં. એમાંનાં કેટલાક ‘વિશ્વમાનવ’ અને ભોગીભાઈ સાથેનાં સંભારણા વાગોળવા મંચસ્થ હતા. ગુલામમોહમ્મદ શેખ, સુમન શાહ અને યોગેશ જોષીએ ભોગીભાઈ-સુભદ્રાબહેન અને ‘વિશ્વમાનવ’ સાથેનો પોતાનો પ્રારંભિક પરિચય, પછી નજદિકી, પછી સોબત અને પછી આજીવન હિસ્સો બની રહેનારા ને સ્મૃતિપટમાંથી ક્યારે ય ન ભૂંસાનારા પ્રસંગો, ઘટનાઓ, અનુભવો અને લાગણીસભર ક્ષણોનું તાદ્દશ વર્ણન કર્યું. જાણે ભોગીભાઈ, પ્રબોધ ચોકસી, સુરેશ જોષી વગેરેને ગોવર્ધન સ્મૃતિ મંદિરમાં થોડી ક્ષણ માટે જીવંત કરી દીધા!

'વિશ્વમાનવ'ની ડી.વી.ડી.નું જાહેર લોકાર્પણ : શનિવાર, 23 ફેબ્રુઆરી 2019. ચિત્રમાં, ડાબેથી, વિપુલ કલ્યાણી, અમીતભાઈ ગાંધી (ભોગીલાલ ગાંધીના પુત્ર), નંદિનીબહેન ગાંધી (પુત્રવધૂ), પ્રકાશભાઈ ન. શાહ, ગુલામમોહમ્મદભાઈ શેખ, સુમનભાઈ શાહ તેમ જ યોગેશભાઈ જોશી.

સહજ અભિવ્યક્તિની આ પરાકાષ્ઠા કદાચ આ સૌમાં કદાચ એટલે આવી હશે કે આ ‘વિશ્વમાનવ’ વાંચીને કોઈકે પોતાનો એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો હતો, તો કોઈ એના થકી વિશ્વસાહિત્યમાં ઝબકતા તારલાઓના સંપર્કમાં આવ્યું હતું, કોઈ એમાં લખતાં લખતાં જ ને લખવાના કારણે જે અભ્યાસ થયો એના કારણે ભણતા ભણતા ભણાવવા લાગ્યું હતું તો કોઈકે એમાંથી સંસ્કાર પામવાને પોતાનું ને કોઈ પણ સાહિત્યકાર કે કળાકારના જીવનનું મોટું સદ્‌ભાગ્ય ગણાવ્યું હતું.

જો કે, વ્યાવસાયિક જીવનમાં સાહિત્ય અને કળાની દૃષ્ટિ ખિલવવાની અને વ્યક્તિગતજીવનમાં સંસ્કારઘડતરની ભૂમિકા ભજવવાના ‘વિશ્વમાનવ’ના ધર્મ વચ્ચે કેટલાક શ્રોતાઓને એક ખોટ પણ વર્તાઈ હોઈ શકે – એ ‘વિશ્વમાનવ’ની નાગરિકઘડતરની ભૂમિકા. સત્તા કે સ્થાપિતોના દુરાચરણ સામે ‘અક્ષરઆંદોલન’થી સતત સક્રિય રહેવાની ભૂમિકા. રઘુવીર(ચૌધરી)ભાઈ અને દિનેશ(શુક્લ)ભાઈ ઉંમર સહજ માંદગીને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. એમની હાજરીએ આ ખોટ પૂરી હોત? … અલબત્ત, પ્રકાશભાઈના હાથમાં સંચાલનનો દોર હતો, એટલે એ મર્યાદામાં રહીને એમણે જ્યાં જ્યાં આ વિષયે હાજરી પુરાવાય ત્યાં ત્યાં પુરાવી, પણ એની અનિવાર્યતા શેખસાહેબના જ વક્તવ્યના આ અંશોમાં છતી થયા વગર રહેતી નથી. ત્યારના રાજકીય-સામાજિક માહોલમાં પ્રગટતી ભોગીભાઈની ‘હમ બૈચેન હૈ’ જેવી કોઈ કોલમ આજના માહોલમાં કોઈકે શરૂ કરવા જેવી ખરી, એમ શેખસાહેબે દિલના ખૂબ ઊંડાણથી કહ્યું હોય એવું લાગ્યું. સાથે એમણે નિખાલસ એકરાર કરતાં ઉમેર્યું પણ ખરું કે “ભોગીભાઈ, પ્રબોધભાઈ અને સુરેશભાઈ વચ્ચે ઝરતી સાહિત્યની ચર્ચાઓમાં જ્યારે રાજકારણનો પ્રવેશ થતો, ત્યારે એ સંવાદ-વિસંવાદમાં માત્ર શ્રોતા તરીકે સામેલ ‘અમે એમાંથી બાકાત રહેતા કારણ કે અમારી એ કાળની સાહિત્ય દૃષ્ટિને એ ખપનું નહોતું’. એમણે એમ પણ કહ્યું કે “હજુ હમણાં સુધી અમને એ ખપનું નહોતું ને હજુ ઘણા વખત સુધી સાહિત્યકારોને એ ખપનું રહ્યું નથી … પણ સાંભળ્યું તે કોઈક પછીતે પડ્યું રહ્યું ને દાયકાઓ બાદ સાહિત્યકારણ અને રાજકારણની એરણ પર મૂલવવાનું નિમિત્ત થયું સંવાદ-વિવાદની એ ઉન્મત્ત પળોને ખોવાનો ખેદ થયો.” 

દેશ-દુનિયાના આજના માહોલમાં વિશેષપણે જીવનમાં ઉતારવાલાયક તે એ કે ત્યારે “મોભીઓ વચ્ચે વિવાદને કારણે મનદુ:ખ થયાનું જાણ નથી. અમે માનતા કે વિચારભેદ છતાં એમનો પરસ્પર આદર અકબંધ રહ્યો. આવું પણ અત્યારે જોવા મળતું નથી.”

આ ‘વિશ્વમાનવ’ હતું, અને આવા એના મોભીઓ હતા.

હવે તો ચિરંજીવ કહી શકાય એવો એનો આ ડિજિટલ જન્મ જ્યાં પણ ખાલી જગ્યા પડશે ત્યાં ભરશે અથવા ક્યાંક ક્યાંક પોતાની જગ્યા ઊભી પણ કરશે. કૉપીરાઇટના મામલાને ડિજિટલ પ્રકાશનકર્તા પાસેથી જાણી લેવો રહે, પણ નાગરિક ઘડતરના નિસબતની તેની પૃષ્ઠભૂ જોતાં ગુજરાતી ભાષાના અન્ય સામયિકો પણ ‘વિશ્વમાનવ’માંથી પ્રસંગોપાત અને સાંપ્રતમાં આકાર લેતી ઘટનાઓ-દુર્ઘટનાઓને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સમજવા-સમજાવવા લેખોનું ચયન કરીને સૌજન્ય-નોંધ સાથે જો મૂકતા રહે એમાં નકાર તો ન ભણે. આપણા સૌ સામયિકો – જેનો જે ઉદ્દેશ છે – એની પૂર્તિ કરવામાં ‘વિશ્વમાનવ’ ઊણું નહીં ઊતરે, એટલી ખાતરી ચોક્કસ છે.

સાથે સાથે …

આ સંપૂર્ણ કાર્યક્રમ આ લિંક પરે ક્લિક કરીને માણી શકાશે :

https://www.facebook.com/pg/gujaratilexicon/videos/?ref=page_internal

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – વિપુલ કલ્યાણી

https://www.youtube.com/watch?v=MG_TZuEsa4M

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – પ્રકાશ ન. શાહ

https://www.youtube.com/watch?v=ocmFdIcqbjk&list=PLIjHkh9O5_8enNzjSzBKNvP7_8DbUggvp&index=4

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – ગુલામમોહમ્મદ શેખ

https://www.youtube.com/watch?v=5mqpkziYdYY

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : વક્તા – સુમન શાહ

https://www.youtube.com/watch?v=YL3SKOEWI-Y

"વિશ્વમાનવ" સામાયિક(1958-1993)ના ડિજિટલ સંસ્કરણનું લોકાર્પણ : યોગેશ જોષી

https://www.youtube.com/watch?v=HhVEQEYerlo

E-mail : ketan.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 10-11

Loading

મુસ્લિમ કે હિન્દુ નહીં, માણસ મર્યો છે એવું વિચારવાનું કેમ આપણને ફાવતું નથી?

રમેશ ઓઝા|Opinion - Opinion|21 March 2019

એક વાર વિનોબા ભાવે પોતાના ચા-પાંચ સાથીઓ સાથે ૨૦મી સદીના મહાન ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિને મળવા ગયા. તેમની વચ્ચે આપણા ખપની અને સમજવા જેવી ઘણી વાતો થઈ, પણ છેલ્લો સમજવા જેવો અને આપણા ખપનો સંવાદ થયો એ અહીં ટાંકુ છું. વિનોબાની સાથે જે ચાર-પાંચ જણા આવ્યા હતા તેમના તરફ દૃષ્ટિ કરીને જે. કૃષ્ણમૂર્તિએ પૂછ્યું કે “આ બધા કોણ છે? તમારા અનુયાયી?”

વિનોબાએ કહ્યું કે, “ના, મારા સાથી. અમે બધા સાથે મળીને કામ કરી રહ્યા છીએ.”

કૃષ્ણમૂર્તિએ માત્ર આટલું જ કહ્યું : “આભાર! સાંભળીને મને રાહત થઈ!”

એ ચાર-પાંચ સાથીઓને વિનોબાએ અનુયાયી તરીકે ઓળખાવ્યા હોત તો કૃષ્ણમૂર્તિએ ઊંડી વેદના અનુભવી હોત અને એટલી સંવેદનશીલતા તેઓ ધરાવતા પણ હતા, પણ જ્યારે વિનોબાએ તેમને સાથી તરીકે ઓળખાવ્યા ત્યારે કૃષ્ણમૂર્તિએ રાહત અનુભવી હતી અને રાહત અનુભવી શકે એટલા તેઓ જાગ્રત પણ હતા.

જે. કૃષ્ણમૂર્તિ જીવનભર એક જ વાત સમજાવતા રહ્યા હતા : તમે તમારું સર્જન બનો, આજુબાજુના વાતાવરણ અને સંસ્કારોનું નહીં. સરેરાશ માણસ પોતાનાં યુગનું કે સમયનું સર્જન હોય છે. આજુબાજુના વાતાવરણનો પ્રભાવ ઝીલતો હોય છે અને એ મુજબ વર્તતો હોય છે. કૃષ્ણમૂર્તિને ચિંતા એ વાતની હતી કે એક તો માંડ એક મનુષ્ય જીવન મળ્યું હોય એમાં યુગપ્રભાવ ઝીલવામાં અને એ મુજબ જીવવામાં આયખું એળે જાય. તેઓ એનાથી પણ વધારે દુ:ખી એ વાતે હતા કે યુગપ્રભાવની બાબતમાં સારાસાર વિવેક કરવાની ક્ષમતા હોવા છતાં મનુષ્ય એ કરતો નથી અને ટોળાંમાં જોડાઈ જાય છે. વિવેક કરવાથી ગ્રંથિમુક્ત થવાય અને ભયમુક્ત પણ થવાય; પરંતુ એ કિંમતી જણસ તેને સમજાતી નથી. એ બુદ્ધ હોય, ગાંધી હોય કે કૃષ્ણમૂર્તિ હોય; ત્રણેયની ચિંતા એક જ વાતે હતી કે માનવી આજુબાજુના વાતાવરણના પ્રભાવમાં આવીને આયખું વેડફી નાખે છે.

ન્યુઝીલેન્ડમાં એક માથા ફરેલા માણસે બે મસ્જિદોમાં હુમલા કરીને દોઢસો જેટલાં મુસલમાનોને મારી નાખ્યાં. એ ઘટના પછી આપણા દેશમાં મેં બહુ થોડા લોકોને ગ્લાનિ પ્રગટ કરતાં જોયાં છે. શા માટે? કારણ કે તેઓ મુસલમાન છે અને મુસલમાન તેને લાયક છે. ફ્રાંસમાં છાપાની ઑફિસ પર હુમલો થાય તો આપણું દિલ પીગળી જાય અને ન્યુઝીલેન્ડમાં મુસલમાન મરે તો દિલને કોઈ અસર ન થાય, બલકે રાજી થાય એવું કેમ? શું કરુણા વ્યક્તિ કે સમૂહસાપેક્ષ હોય છે કે પછી કરુણા શુદ્ધ કરુણા હોય છે?

થોડાં વરસ પહેલાં સીરિયન શરણાર્થીઓનાં એક મૃત બાળકના સમુદ્ર કિનારે પડેલા દેહની તસ્વીર તમે જોઈ હશે. ત્રણેક વરસનું એ ભૂલકું તાજું જ મરણ પામ્યું હશે એટલે જોઇને લાગે કે તે સૂતું છે. ચડ્ડી, ઇન શર્ટ, પગમાં મોજાં સહિત બુટ, વ્યવસ્થિત વાળ ઓળાવેલા અને રૂપરૂપનો અંબાર! એ બાળક સમુદ્રની લહેરો સાથે જાણે લાકડું આગળ – પાછળ ધકેલાય એમ બે પડખે ધકેલાતું હશે. એ તસ્વીર જોઇને અનેક લોકોનાં દિલ દ્રવી ઊઠ્યાં હશે, પણ મારા એક હિન્દુત્વવાદી મિત્રે શું કહ્યું હતું ખબર છે? મને પૂછે કે ‘તમે એ બાળકના મૃતદેહને ધ્યાનથી જોયો? ખૂબ શ્રીમંત પરિવારનું એ બાળક હોવું જોઈએ. એ કોઈ અભાવના કારણે કે ધક્કામુક્કીમાં મરી ગયું હોય એવું લાગતું નથી. તેને જાણીબૂજીને મારી નાખીને, તેના મૃતદેહને સમુદ્રકિનારે મૂકવામાં આવ્યો હોવો જોઈએ.’

તે મિત્ર શું કહેવા માગે છે એ મને સમજાઈ ગયું હતું, પરંતુ એ છતાં મેં પૂછ્યું કે એવું શા માટે કોઈ કરે? તેણે તરત જવાબ આપ્યો: ‘કારણ કે આપણને, એટલે જગતની ગેર-મુસ્લિમ પ્રજાઓને બદનામ કરવા. તમે મુસલમાનોને ઓળખતા નથી. તેઓ કોઈ પણ હદે જઈ શકે એમ છે.

આવું વિચારવા માટે પણ ૫૬ ઈંચની છાતી જોઈએ અને આજના યુગમાં આપણે આવી છાતી ધરાવતા થઈ ગયા છે. ફ્રાંસના મૃત પત્રકારોને હજુ તો ફ્રેંચો અંજલિ આપે અને દુ:ખ વ્યક્ત કરે એ પહેલાં હડી કાઢીને દુ:ખ વ્યક્ત કરનારા આપણા વડા પ્રધાન ન્યુઝીલેન્ડની ઘટના બાબતે ચૂપ છે. તેઓ તો અસ્સલ ૫૬ ઈંચની છાતી ધરાવનારા વીર છે. દિલ ત્યારે જ રડે જ્યારે ‘આપણાં’ કે આપણને માફક આવે એવા લોકો સાથે અઘટિત ઘટના બની હોય અને મનમાં રાજીપો પણ થાય, જો આપણને ન ગમતાં ‘બીજાં’ સાથે કોઈ અઘટિત ઘટના બની હોય. એ બાળકના મૃતદેહને જોઇને આંખ ભીની થવાની જગ્યાએ તેનાં પહેરવેશ નીરખવાની અને એમાં કાવતરાં જોવાં માટેની વિકૃતિ ક્યાંથી આવી હશે?

આજુબાજુના વાતાવરણમાંથી. જો આવું દૃશ્ય ગાંધીજીના યુગમાં જોવા મળ્યું હોત તો કોઈ ડૉ. દ્વારકાદાસ કોટનીસ અભાગીઓની સેવા કરવા ત્યાં પહોંચી ગયા હોત, જેમ તેઓ ચીનમાં પ્લેગના દર્દીઓની સેવા કરવા પહોંચી ગયા હતા. ડૉ. કોટનીસ ચીન ગયા એ યુગપ્રભાવ હતો અને આજે બાળકના મૃતદેહમાં કાવતરાં જોનારાઓ કે ન્યુઝીલેન્ડની ઘટનાથી જરા પણ વિચલિત નહીં થનારાઓ – બલકે રાજી થનારાઓ – પણ યુગપ્રભાવને ઝીલે છે. એ ગાંધીનો યુગ હતો, જ્યારે આજે નરેન્દ્ર મોદી-ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ છે. ત્યારે દિલ દ્રવે એમાં જીવનની સાર્થકતા હતી, જ્યારે આજે ‘બીજાઓ’ને દુ:ખી જોઇને ‘આપણે’ રાજી થઈએ એમાં જીવનની સાર્થકતા છે. ‘બરોબર છે, તેઓ એ જ લાગના છે’ એમ કહેતા શરમ નથી આવતી.

આપણે માણસ મટીને કોઈના વાજિંત્ર બની જઈએ છીએ અને એ પણ ઉત્સાહથી. આજકાલ દેશપ્રેમનું વાજું વાગી રહ્યું છે. પુલવામાં જેવી ઘટનાઓ આ પહેલાં પણ બની છે. ત્યારે રડવું નહીં આવ્યું અને આજે જ કેમ આવે છે? બીજું જવાનોનું જીવન અમૂલ્ય છે એમાં કોઈ શંકા નથી, પણ ગોરખપુરમાં ઓક્સીજનના અભાવમાં પુલવામાં કરતાં પણ બેવડી સંખ્યામાં બાળકો મર્યા ત્યારે એ બાળકનું જીવન સસ્તું હતું? કેટલાંની આંતરડી કકળી હતી? કાશ્મીરમાં બકરવાલની દીકરી સાથે જે ઘટના બની ત્યારે કેટલાં દેશપ્રેમીઓએ શરમ અનુભવી હતી? જો તમે પક્ષપાત વિના મૂલ્યોના પક્ષે અને માણસાઈના પક્ષે નથી ઊભા રહેતા તો તમારા માણસ હોવાપણામાં જ કોઈક ખામી છે.

આગળ કહ્યું એમ જે. કૃષ્ણમૂર્તિની વેદના બે વાતની હતી. એક તો આ અમૂલ્ય આયખું આપણને એક જ વાર માટે મળ્યું છે અને ઉપરથી વિવેક કરવાની ભગવાને શક્તિ પણ આપી છે. એકની એક તક યુગના કુપ્રભાવથી બચીને માણસ તરીકે જીવવાની ક્ષમતા હોવા છતાં આપણે હોંશેહોંશે વેડફી નાખીએ છીએ. એટલે વિનોબાએ જ્યારે કહ્યું કે ‘મારી સાથે આવેલા લોકો મારા અનુયાયીઓ નથી, મારા સાથી છે’ ત્યારે કૃષ્ણમૂર્તિએ રાહત અનુભવી હતી. ચાલો આટલા લોકો તો કમસેકમ સાંકળે બંધાયેલા નથી અને બાંધવામાં આવ્યા નથી. સારાં કામ પણ પોતાના વિવેકથી કરવાં જોઈએ તો નઠારાંનો તો સવાલ જ નથી.

સોક્રેટીસ, બુદ્ધ, ગાંધી, કૃષ્ણમૂર્તિ વગેરેની એક લાંબી સાંકળ છે. એ છે તો સાંકળ પણ મુક્તિ અપાવનારી સાંકળ છે. માણસને માણસ તરીકેની ઓળખ અપાવનારી સાંકળ છે. બીજી સાંકળ માનવીને આંગળિયાત બનાવનારી છે. તમારું આયખું એક જ છે અને સારાસાર વિવેક કરવાની તમારી પાસે શક્તિ પણ છે તો આજે જ પસંદગી કરી લો.

19 માર્ચ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 માર્ચ 2019

Loading

...102030...2,8382,8392,8402,841...2,8502,8602,870...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved