Opinion Magazine
Number of visits: 9685150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રશ્ન – મોદી નહીં તો કોણ? ઉત્તર – બિનસાંપ્રદાયિક લોકશાહી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 May 2019

ગઠબંધન, એન.ડી.એ., યુ.પી.એ., જાણ્યાં અજાણ્યા ચહેરાઓની શક્યતાઓ વચ્ચે દેશની જરૂર છે લોકશાહીને સાચા અર્થમાં સાચવે એવા નેતાની.

ઉનાળો અને ચૂંટણીનો માહોલ, આ બંન્ને ગમે કે ન ગમે આપણે માથે તપી રહ્યાં છે. ચૂંટણી અફરાતફરી, આક્ષેપબાજી, નારાબાજી, ભાષણબાજીના માહોલમાં જ્યારે પણ ખાસ કરીને ‘ભક્તો’ સાથે ‘ચર્ચા’ થાય ત્યારે એમની પાસે એક સવાલ હંમેશાં હાજર હોય છે. આ એવો સવાલ છે જે જવાબ તરીકે અને દલીલ તરીકે વાંરવાર ધરી દેવામાં આવે છે. પરંતુ, આ સવાલનો જવાબ મેળવવો ખરેખર અઘરો છે? પહેલાં તો આ સવાલ શું છે એ જાણીએ. મોદી, નહીં તો કોણ?  આ એક સવાલ મોટે ભાગે આખરી દલીલ તરીકે ધરી દેવામાં આવે છે. એવું નથી કે આનો જવાબ નથી, કારણ કે આ દુનિયામાં કોઇ પણ ‘ઇનડિસ્પેન્સેબલ’ – જેના વિના ચાલે નહીં – એવું  કોઇ છે જ નહીં. પરંતુ જ્યારે મોટા ભાગનાં લોકોને તાર્કિક તારણ અને કારણ સાંભળવાની ધીરજ નથી હોતી, અથવા તો દલીલ કરનારા બન્નેમાંથી કોઇની પાસે દલીલ કરવા માટેની કાચી સામગ્રી નથી હોતી. આજે આપણે કેટલાંક એવાં વિકલ્પો પર નજર નાખીએ જે આ જવાબ તરીકે ધરી દેવાતા સવાલના જવાબ તરીકે ચાલી શકે છે. 

સ્વાભાવિક રીતે જ સૌથી પહેલું નામ રાહુલ ગાંધીનું હોય, કારણ કે તે વિરોધ પક્ષ, કૉન્ગ્રેસનો સૌથી આગળ ધરાતો ચહેરો છે. કૌટુંબિક રાજનીતિની દ્વષ્ટિએ રાહુલ ગાંધી દેશનાં ત્રણ ભૂતપૂર્વ વડાપ્રધાન સાથે સંબંધ ધરાવે છે. નરેન્દ્ર મોદી કરતાં રાજકારણમાં વીસ વર્ષ જુનિયર કહી શકાય તેવા રાહુલ આમ તો ભારતના ‘યુવા’ મતદારો સાથે વધારે સારી રીતે તાલ મિલાવી શકે એમ છે પરંતુ ૨૦૧૪માં તેઓ મતદાર સાથે એક કડી ન જોડી શક્યા. રાહુલ ગાંધી રાજકીય માહોલમાં ઉછર્યા હોવા છતાં તે એક ‘રિલક્ટટન્ટ પૉલિટિશ્યન’ એટલે કે અનિચ્છાએ રાજકારણી બન્યા હોય તેવી સ્થિતિ છે. તેમની આ અનિચ્છા દેખીતી નથી છતાં પણ તેમનાં ભાષણોમાં થતી ગફલતો, ઘણીવાર વિચાર્યા વગર બોલાઇ દેવાતાં વિધાનો અને ક્યારેક તેમની બૉડી લેન્ગવેજ પણ આની ચાડી ખાય છે.  તેમના વિરોધીઓએ તેમને ‘પપ્પુ’નું બિરુદ આપ્યું છે પણ તેમને એટલા કાચા ખેલાડી માની લેવાની ભૂલ ન કરવી જોઇએ. જો કે કૉન્ગ્રેસ પક્ષે આ વખતે ચૂંટણીમાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધીને પણ મેદાનમાં ઉતાર્યાં છે. રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે કે નહીં એ કહેવું તો મુશ્કેલ છે પણ જો એમ થાય તો તે પોતાને મળેલી સત્તાને હળવાશથી તો નહીં જ લે. જો કે રાહુલ ગાંધીએ અને કૉન્ગ્રેસ પક્ષે સહેજ વિચાર કરીને પોતાના પક્ષમાં રહેલા અન્ય યુવા રાજકારણીઓને વધારે આગળ કર્યા હોત તો ‘સગાંવાદ’ના આક્ષેપનો તેઓ કોઇ રીતે જવાબ વાળી શકત. આંધળી ભક્તિ, કટ્ટરવાદ અને પાછલાં બારણે થતાં ભ્રષ્ટાચારની સામે ટીકા વેઠી શકે એવી સરકાર બને તેમાં કંઇ ખોટું નથી. રાહુલ ગાંધી જો વડાપ્રધાન બને તો તેમણે રાજકીય સલાહ માટે તેમની આસપાસના લોકોમાં પીઢ અને ધીટ થઇ ગયેલા રાજકારણીઓને બદલે જ્યોતિરાદિત્ય સિંધિયા કે સચીન પાયલટ જેવા એકંદરે યુવાન રાજકારણીઓ સાથે કામ પાર પાડવું જોઇએ. જો કે ભા.જ.પા.ને જો ૨૦૦ કે તેનાથી ઓછી બેઠક મળે તો જ રાહુલ ગાંધી વડાપ્રધાન બને એવા સંજોગો ખડા થાય. વળી કોએલિશનની સરકાર બને અને ટેકેદારો રાહુલ ગાંધીને બદલે કોઇ બીજાને વડાપ્રધાન પદ માટે પસંદ કરવાનું દબાણ કરે તો સિંધિયા કે પાયલટને આ મોકો મળી શકે છે.

જો એન.ડી.એ.ને કોએલિશનની સરકાર બનાવવી પડે તો એવી પૂરી શક્યતાઓ છે કે નિતીન ગડકરી વડાપ્રધાન પદ માટે રાજનાથ સિંઘને ટક્કર આપે. શરદ પવાર અને ઠાકરે કેમ્પ સાથે તેમના રાજકીય સંપર્કો તો તગડા છે જ પણ તેમણે કેબિનેટ મિનિસ્ટર તરીકે સારું એવું કાઠું કાઢ્યું છે. રોડ્ઝ, ફ્લાય ઓવર્સ, ટ્રાન્સપોર્ટેશનનાં નવા વિકલ્પોને મામલે તેમણે ઘણું કામ કર્યું છે. રાજકારણ અને વહિવટ બન્નેમાં નિતીન ગડકરી બાજી મારી જાય તેવી શક્યતા છે. નિતીન ગડકરીનું નામ પણ વિકલ્પ તરીકે ચર્ચાઇ ચુક્યું છે પણ આ સંજોગો તો ત્યારે જ ખડા થાય જ્યારે ભા.જ.પા.ને સો કે તેથી વધુ બેઠકોની ખોટ જાય. હવે એન.ડી.એ. કોએલિશનની સરકાર બનાવવાનો વારો આવે તો રાજનાથ સિંઘના વિકલ્પને પણ ટાળી શકાય તેમ નથી. તે બહુ જ સારા સ્ટેટ્સમેન અને રાજકીય મેનેજર સાબિત થયા છે. જો ભા.જ.પા.ને બહુમત ન મળે તો કોએલિશનની સરકાર માટે તે પહેલી પસંદગી હોય. તેઓ પાકા રાજકારણી છે અને રાજરમતમાં તેમને હાંસિયામાં ધકેલી દેવા જરા ય સહેલા નથી. તે અમિત શાહની પણ સાડાબારી ન રાખે એવા રાજકીય નેતા છે.

જે સંજોગો છે એ જોતાં કૉન્ગ્રેસ કે ભા.જ.પા., બેમાંથી કોઇપણ પક્ષને પૂરેપૂરી બહુમતી મળે એ શક્યતાઓ થોડી મુશ્કેલ છે. શાસન કરવા માટે તેમને પ્રાદેશિક ટેકેદારોની જરૂર પડશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ – આ એવા રાજ્યો છે જે અડધોઅડધ બેઠકો ધરાવે છે. જો ભાજપાને ૨૦૦-૨૩૦ બેઠકો મળે તો એન.ડી.એ.ની બહારની પ્રાદેશિક પાર્ટીઓને ગણતરીમાં લેવા પડે. વળી પ્રાદેશિક પક્ષો કોને પડખે જઇને ઊભા રહેશે એ પણ કહેવું મુશ્કેલ છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જી ભલે દર્શાવે નહીં પણ તેમને વડાપ્રધાન બનવામાં ચોક્કસ રસ છે. પશ્ચિમ બંગાળમાંથી લોકસભામાં ૪૨ સાંસદો છે જે ‘પાવરબ્રોકર’ તરીકે કામ કરી શકે છે. આ પાવર બ્રોકર્સ મહાગઠબંધનની રચના કરી શકે છે.

બહુજન સમાજવાદી પાર્ટીનાં માયાવતીએ બહુ મોટી સંખ્યામાં દલિત ટેકેદોરા ગુમાવી દીધા છે અને વડાપ્રધાનની ખુરશીનો દાવો કરતાં પહેલાં તેમણે ખાસ્સી જહેમત કરવી પડે એમ છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સાથેની નવી નક્કોર દોસ્તીને પગલે તેમને ઉત્તર પ્રદેશમાં બેઠકો મળી શકે છે પણ એ એટલી નહીં હોય કે તે દોડમાં આગળ પહોંચી જાય. વળી આ જ સંજોગોમાં જેમાં કોઇપણ પક્ષને પૂરતી બહુમતી ન મળે તો માયાવતીને સમાજવાદી પક્ષ સિવાયની પાર્ટીઓનો ટેકો જરૂરી બની જાય. વહીવટી આવડતને મામલે  આંધ્ર પ્રદેશનાં મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ, નરેદ્ર મોદી માટે બહુ મોટો પડકાર સાબિત થઇ શકે છે પણ કમનસીબે તેમના પોતાના રાજ્યની બહાર તેમનો પ્રભાવ બહુ ઓછો છે.

બેઠકોને ધ્યાનમાં લઇને ફરી એકવાર જોઇએ તો જો ભા.જ.પા.ને ૨૩૦થી વધુ બેઠકો મળે તો આપણને એ જ મળશે જે અત્યારે આપણી પાસે છે. આપણે બીજા પાંચ વર્ષ ‘સાહેબ’ના પરફોર્મન્સના સાક્ષી બનવું પડશે. જો કે આ વર્ષે ચૂંટણી ‘વેવ’ આધારિત નથી થઇ એટલે એમ થવાની શક્યતાઓ પાંખી છે. ભા.જ.પા.ને ૨૦૦-૨૩૦ બેઠકો મળશે તો નવા નેતૃત્વ માટે અંદર અંદર જ મતભેદ થવાના અને તેમાં રાજનાથ સિંઘ અને ગડકરી જેવા વિકલ્પો આપણને મળી શકે છે. પ્રાદેશિક પક્ષો પોતે જે મંત્રાલયો સંભાળે છે તેની પર પકડ મજબૂત કરશે. ભા.જ.પા.ને ૨૦૦ બેઠકોથી ય ઓછી બેઠક મળશે તો કૉન્ગ્રેસ કોએલિશન સરકારનું સુકાન સંભાળશે. આ સ્થિતિમાં રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે. જો કૉન્ગ્રેસને ૧૩૦ જેટલી બેઠકો મળશે તો ૨૦૦૪ જેવી સ્થિતિ થશે જ્યારે યુ.પી.એ.ની રચના થઇ હતી. આમાં કયા પ્રાદેશિક પક્ષો કોને ટેકો આપે છે તે જ અગત્યની બાબત રહેશે, અને તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ આ સ્થિતિમાં સૌથી મહત્ત્વના પક્ષ સાબિત થશે, વળી ચૂંટણી પછી ડી.એમ.કે. અને ટી.એમ.સી.નાં નિર્ણયો પણ પ્રભાવી રહેશે. વળી ચોથી શક્યતા એ છે કે ભા.જ.પા.ને ૨૦૦થી ઓછી બેઠક મળે અને કૉન્ગ્રેસ કોએલિશન સરકાર ન બનાવી શકે. આવું ૧૯૯૬ની સાલમાં થયું હતું જ્યારે પ્રાદેશિક પાર્ટીઓએ સૌથી મોટો પક્ષ સિદ્ધ થવા છતાં ભા.જ.પા.ને ટેકો નહોતો આપ્યો. જો પ્રાદેશિક પાર્ટીઓ કૉન્ગ્રેસ કે ભા.જ.પા. કોઇને ય ટેકો ન આપે તો આ પક્ષોએ નક્કી કરવું પડશે કે તેમનામાંથી કયા ૧૫-૨૦ પક્ષ એક સાથે આવીને ભા.જ.પા. કે કૉન્ગ્રેસનો બાહ્ય ટેકો મેળવીને ગઠબંધન કરી શકશે.

આપણે મતદાનની પેટર્ન પણ સમજવી રહી. જે રીતે મતદાન થયું છે એ બતાડે છે કે ઘણાં લોકો મત કરવા નથી જતાં. મત ન કરવા જનારાઓ કોઇ પણ પક્ષના ટેકેદાર નથી પણ દ્વિધામાં છે અને તેઓ મત આપશે તો પણ અપક્ષ ઉમેદવાર કે નાના પક્ષોને આપવાનું પસંદ કરશે જેનાથી તોતિંગ માથાઓને કોઇ લાભ નથી થવાનો. આ બધી શક્યતાઓ વચ્ચે એક સાવ જ જુદું ચિત્ર ત્યારે ખડું થાય જ્યારે ભારતનો યુવા મતદાર નવી જ સ્થિતિ માટે ક્રાંતિકારી પગલું ભરવાનો વિચાર કરે. જો કે એમ થવાની શક્યતાઓ ઓછી છે કારણ કે આપણું રાજકારણ યુવાનોને એટલી હદે આકર્ષિત નથી કરતું.

બાય ધી વેઃ

નરેન્દ્ર મોદી નેતૃત્વનો મુગટ પહેરે છે પણ ખરેખર તો તેમના નેજા હેઠળ એવા બદલાવ થયા છે જેના ફાયદા ઓછા અને નુકસાન વધારે છે. છેલ્લાં ચાર વર્ષમાં કોલ, પાવર સેક્ટર, રોજગારી વગેરેમાં જે ફેરફાર થયા છે તેમાં ખોટ વધારે નજરે ચડે છે. આ ઉપરાંત ધ્રુવિકરણ એક સામાન્ય બાબત બની ચૂકી છે. સરકારે પ્રજા સાથે ડિમોનેટાઇઝેશન અને બાલાકોટ જેવા ખેલ ખેલ્યા છે જે ક્યાંક લેખે લાગ્યા છે તો ક્યાંક સાવ એળે ગયા છે.

દેશને અત્યારે મોદી કે અન્ય કોઇ ચહેરાની નહીં પણ બિનસાંપ્રદાયિક લોકશાહીની તાતી જરૂર છે. એકચક્રી શાસન નહીં પણ સર્વાંગી અને વૈચારિક શાસન આપણા દેશની અનિવાર્યતા છે. ‘મોદી નહીં તો કોણ?’ એ સવાલને બદલીને આપણે ‘મોદી નહીં, તો શું?’માં ફેરવવાની જરૂર છે. જવાહરલાલ નહેરુ ગૂજરી ગયા ત્યારે પણ ‘નહેરુ નહીં તો કોણ?’ એવા પ્રશ્નો ખડા થયા હતા પણ એનો જવાબ પણ ત્યારે જડી ગયો. દેશ ટકી ગયો અને પ્રગતિનાં પંથે આગળ પણ વધ્યો કારણ કે નહેરુએ અંતે તો લોકશાહીના વિચારનાં મૂળિયાં ઊંડા ઉતાર્યા હતા. આપણને અત્યારે એક એવા નેતૃત્વની જરૂર છે જે લોકશાહીના હચમચી ગયેલા પાયાને સ્થિર કરી, બધાંને ગણતરીમાં લઇને, દરેકનું સારું વિચારીને, તંગ માહોલને મોકળો બનાવી શકે. બીજું એક, બાય ધી વે – જો આ ચૂંટણીને ‘વૉઇડ’ કરવાનો તખ્તો ગોઠવાતો હોય તો?

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 12 મે 2019

Loading

ન્યાયતંત્ર અને ‘મી ટુ’ : બહુત નાઇન્સાફી હૈ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|12 May 2019

ખાનગી કે સરકારી કોઈપણ તંત્ર ગમે તેટલું અગત્યનું કે પવિત્ર કેમ ન હોય, છેવટે તે સમાજમાંથી આવતા માણસો દ્વારા ચાલે છે અને સમાજનાં વ્યાપક મૂલ્યોનું જ પ્રતિબિંબ પાડે છે. ઉચ્ચ હોદ્દેદારો વીણીચૂંટીને, ટકોરા મારીને પસંદ કરવામાં આવે છે. તેથી તેમની પાસે સમાજની સરેરાશ વ્યક્તિ કરતાં ઊંચી અપેક્ષા હોય છે. તેમનામાંથી કેટલાંક મૂલ્યો સમાજમાં ઉતરે એવું અપેક્ષિત હોય છે અને એ શક્ય છે. સાથોસાથ, સમાજનાં ઘણાંબધાં મૂલ્યો (કે તેનો અભાવ) ઉચ્ચ હોદ્દેદારોમાં દેખાય છે ને એવું વધારે જોવા મળતું હોય છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સામેની ફરિયાદની જે દશા થઈ, એ તેનો તાજો અને સૌથી શરમજનક દાખલો છે.

અમેરિકા હોય કે ભારત, ન્યાયાધીશો સામે જાતીય સતામણીની ફરિયાદ કરવાનું અઘરું હોય છે. ન્યાયાધીશોની વિશેષ સત્તા અને તેમની કામગીરીને મળેલું ગુપ્તતાનું સંરક્ષણ પારદર્શકતાનું વિરોધી હોય છે. નિષ્પક્ષ ન્યાય માટે એ ઘણી હદે જરૂરી છે. છતાં, કોઈક વખત ખુદ ન્યાયાધીશ સામે ન્યાય મેળવવાની વાત આવે, ત્યારે એ નડતરરૂપ બને છે. અમેરિકામાં ન્યાયાધીશો અને અદાલતના બીજા અફ્સરો સામે ‘લો ક્લાર્ક’ કહેવાતાં સહાયકોની કઠણાઈ કાનૂની વર્તુળોમાં જાણીતી છે. જેમ બધા ન્યાયાધીશો – અફ્સરો ખરાબ નથી હોતા, તેમ બધા એકસરખા પણ ન જ હોય. ૨૦૧૭માં અમેરિકાના એક ન્યાયાધીશ એલેક્સ કોઝિન્સ્કી સામે ફરિયાદ થઈ. આરોપ એ હતો કે તે સહાયકો માટે અભદ્ર કહેવાય એવી ભાષામાં ટિપ્પણીઓ કરે છે અને તેમને અશિષ્ટ તસવીરો બતાવે છે.

આરોપોના પગલે જાગેલાં વમળો પછી આ વર્ષના માર્ચમાં, ન્યાયતંત્રના ૨૬ સભ્યોની બનેલી અમેરિકાની જ્યુડિશ્યલ કોનફરન્સે સુધારાત્મક પગલાંની જાહેરાત કરી. ન્યાયતંત્રની સીડીના સૌથી નીચલાં પગથિયે આવતાં, કાયદાના વિદ્યાર્થી તરીકે માંડ વર્ષ-બે વર્ષ માટે ‘લો ક્લાર્ક’ બનતા લોકો માટે ફરિયાદની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. લો ક્લાર્ક ઇચ્છે તો સત્તાવાર ફરિયાદ કર્યા વિના પણ આરોપો અંગે સત્તાધીશોનું ધ્યાન દોરી શકે, એવી જોગવાઈ કરવામાં આવી. ન્યાયાધીશો માટે કયું વર્તન અયોગ્ય કહેવાય તે ફોડ પાડીને નક્કી કરવામાં આવ્યું અને કોઈપણ પ્રકારના ફરિયાદી કે અદાલતના તંત્રના કોઈપણ સભ્ય સાથે કેવું વર્તન ન કરી શકાય, તેની સ્પષ્ટતા કરવામાં આવી. આ નિયમો ન્યાયાધીશો ઉપરાંત અદાલતના બીજા અધિકારીઓને પણ લાગુ પડશે.

અમેરિકામાં અત્યાર સુધી એવો કાયદો હતો કે ન્યાયાધીશની ચેમ્બરમાં શું થયું તે જાહેર કરી શકાય નહીં. ચેમ્બરમાં જાતીય સતામણીની કે દુર્વ્યવહારની ફરિયાદ હોય તો પણ, ફરિયાદ કરવા જતાં કાયદાના ભંગ બદલ ગુનેગાર બનવાની સ્થિતિમાં મુકાવું પડે. તેમાં પણ ચોક્કસ શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી. આવા કિસ્સા વેળાસર ઓળખીને તેની સામે કેવી રીતે અવાજ ઉઠાવવો તેની તાલીમ લો ક્લાર્ક સહિતના સ્ટાફ્ને આપવાનું પણ નક્કી થયું છે. ઘણા લોકોને આટલાં પગલાં અપૂરતાં લાગ્યાં છે. બધો આળીયોગાળીયો ફરિયાદીને તૈયાર કરવા ને તાલીમ આપવા પર નખાયો હોય એવું પણ કેટલાકને લાગે છે. છતાં, રાષ્ટ્રીય સ્તરે ન્યાયતંત્રમાં જાતીય દુર્વ્યવહારની સંભાવનાનો સ્વીકાર અને તેના ઉકેલની દિશામાં કંઈક પ્રગતિ થઈ છે.

ન્યાયતંત્રના કોઈ સભ્ય, ખાસ કરીને ન્યાયાધીશ સામે ફરિયાદની મુશ્કેલી એ છે કે તેમાં વ્યક્તિ અને તંત્રને સગવડપૂર્વક એકરૂપ કરી નાખવામાં આવે છે. એટલે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સામે થયેલી ગંભીર ફરિયાદની વાત કરવામાં ‘ન્યાયતંત્ર ખતરે મેં’ અથવા ‘મુખ્ય ન્યાયાધીશની કચેરી સામે કાવતરાં’ જેવી ભાષા વપરાવા લાગે છે. ખુદ મુખ્ય ન્યાયાધીશે પણ ફરિયાદની કશી તપાસ વિના, પોતે જ પોતાની સામેની ફરિયાદમાં કાજી બનીને જાહેર કરી દીધું કે આ તેમની સામેનું કાવતરું છે અને ન્યાયતંત્રની નિષ્પક્ષતા પરનો પ્રહાર છે.

જાતીય દુર્વ્યવહારના આરોપ દરેક કિસ્સામાં સાચા નથી હોતા. પરંતુ એટલા માત્રથી અને જેમની સામે આરોપ કરવામાં આવ્યા છે તે દેશના ન્યાયતંત્રનો સર્વોચ્ચ હોદ્દેદાર હોવાથી, ફરિયાદને તપાસ્યા વિના કચરાટોપલી ભેગી કરી દેવાનું સદંતર અયોગ્ય છે. કુદરતી ન્યાયના પ્રાથમિક નિયમનો તેમાં ભંગ થાય છે. કોઈ પણ ચીલાચાલુ નેતાની જેમ મુખ્ય ન્યાયાધીશ આરોપના જવાબમાં ‘આ તો મારા વિરુદ્ધનું કાવતરું છે’ એવું પોતાના હોદ્દે ચાલુ રહીને કહે, ત્યારે તે વધારે આઘાતજનક લાગે છે.

મુખ્ય ન્યાયાધીશ સામેની ફરિયાદમાં મહિલાએ એકાંતમાં થયેલા અને સંદેહાસ્પદ લાગતા દુર્વ્યવહારના અદ્ધરતાલ આરોપ ઉછાળી મૂક્યા હોય એવું નથી. ૨૮ પાનાંના સોગંદનામામાં આખો ઘટનાક્રમ વિગતે આલેખવામાં આવ્યો છે. ફરિયાદી મહિલાના સોગંદનામાની વિગતો વાંચીને મગજ બહેર મારી જાય એમ છે. ‘દોષી પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દોષ’ એવા સિદ્ધાંત પ્રમાણે મુખ્ય ન્યાયાધીશને નિર્દોષ માનવાનો વાંધો નથી. પરંતુ તે મુખ્ય ન્યાયાધીશ છે એટલા ખાતર તેમને નિર્દોષ માની લેવામાં ન્યાયના મૂળભૂત સિદ્ધાંતનો ભંગ થાય છે. કેમ કે, સિદ્ધાંત પ્રમાણે ન્યાયની સામે સૌ સરખા છે. સોગંદનામા પર કરાયેલી ફરિયાદ પછી એફ.આઇ.આર.થી માંડીને તપાસ અને કેસ સુધીના તબક્કા હોય છે, જે આ કિસ્સામાં જોવા મળતા નથી. સોગંદનામામાં એવી ઘણી વિગતો છે, જેમાં બીજા લોકો સંકળાયેલા હોય અને જેની ખરાઈ સહેલાઈથી ચકાસી શકાય એમ હોય. પરંતુ આ લખાય છે ત્યારે મુખ્ય ન્યાયાધીશ મહોદયને તપાસસમિતિ દ્વારા ક્લીન ચીટ આપી દેવામાં આવી છે – અને તે પણ ફરિયાદની ગેરહાજરીમાં એકપક્ષીય કાર્યવાહી ચલાવીને. તપાસસમિતિમાં સર્વોચ્ચ અદાલતના ત્રણ-ત્રણ ન્યાયાધીશો સામે રજૂઆત કરવાની હોય અને તેના માટે ફરિયાદીને એક વકીલ કે સાથીની મદદ પણ આપવામાં ન આવે, ઉપરથી એવું કહેવામાં આવે કે સમિતિ સમક્ષ જે વાત કરી હોય તે બહાર કોઈને, તમારા વકીલને પણ, નહીં કહેવાની અને અમારી આખી કાર્યવાહીમાં તમે શું જુબાની આપી, તેનો કોઈ અહેવાલ તમને નહીં મળે … દેશના સર્વોચ્ચ ન્યાયસ્થાને રચેલી સમિતિ માટે આવી વર્તણૂક શરમજનક અને સર્વોચ્ચ અદાલતની ગરિમા હણનારી છે. અગાઉ સ્વતંત્રકુમાર અને અશોક ગાંગુલી જેવા નિવૃત્ત ન્યાયાધીશોના કિસ્સામાં આવા આરોપો પછી ભીનું સંકેલાઈ ગયું હતું, આ વખતે હમણાં સુધીનો ઘટનાક્રમ એ જ દિશા સૂચવે છે. પરંતુ આ કિસ્સો તેના ર્તાિકક, ન્યાયી અંત સુધી નહીં પહોંચે તો તે દેશના ન્યાયતંત્ર માટે કાયમી કલંકરૂપ બની રહેશે અને તેની જવાબદારી પ્રસાર માધ્યમોની કે ફરિયાદી મહિલાની નહીં, ન્યાયના મંદિરમાં બેસીને ન્યાયના રસ્તે નહીં ચાલનાર સત્તાધીશોની હશે.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય :  ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 મે 2019

Loading

તમે બીજા માણસની સ્વતંત્રતાની કેટલી કદર કરો છો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 May 2019

હું એવું દ્રઢપણે એમ માનું છું કે દરેક સમાજને સમાજની અંદર આંતરિક સુધારાઓ કરવા દેવાની તક આપવી જોઈએ. ૧૮૫૭માં વિદ્રોહ થયો એનું એક કારણ અંગ્રેજોએ હિંદુ સમાજમાં સુધારાવાદી હિંદુઓની પહેલથી સુધારાઓ કરવા દેવાની જોઈતી તક આપ્યા વિના પોતાની મેળે જ સુધારાઓ કરવા માંડ્યા અને ઉપરથી લાદવા માંડ્યા એ હતું. કાયદાકીય સુધારાઓ કાયદાપોથીમાં જ રહેતા હોય છે અને પ્રબોધન અને સમજાવટ પછી કરવામાં આવતા સુધારાઓ લોકો અપનાવતા હોય છે. એ પછી એવો સમય આવી શકે છે જ્યારે કાયદો કરવાની પણ કોઈ જરૂર રહેતી નથી. જેમ કે માણસે માણસનું ભક્ષણ ન કરવું જોઈએ એવો કોઈ કાયદો જગતમાં કોઈ જગ્યાએ છે?

ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે એક સરખા નાગરિક કાયદા અને એવી કેટલીક બાબતો આપણા વડીલોએ ભાવિ પેઢી પર છોડી હતી. તેમને કહેવામાં પણ આવ્યું હતું કે તેમણે પોતાના સમાજની અંદર અને વ્યાપક અર્થમાં દેશની અંદર લોકપ્રબોધન દ્વારા સર્વસંમતિ બનાવવાની છે. સમાજ તૈયાર થઈ જશે એ પછી જે ચીજ છૂટી ગઈ છે તેને બંધારણનું અને કાયદાનું અંગ બનાવવામાં આવે. સમાજ એક શક્તિશાળી વગદાર અંગ છે એ હકીકતનું ભાન માર ખાધા પછી અંગ્રેજોને થયું હતું અને આપણું બંધારણ ઘડનારાઓએ એની જાણ હતી. 

સમાજ એક શક્તિશાળી વગદાર એકમ છે અને તેની પોતાની પરિવર્તનની ગતિ હોય છે એ વાત સાચી, પરંતુ જો કોઈ સમાજમાં જોઈએ એવો કોઈ પ્રયત્ન જ ન થતો હોય અને દરેક વખતે સુધારાની વાત આવે એટલે બંધારણે આપેલા ધર્મસ્વાતંત્ર્યના અધિકારનો અને ભારતના લોકતાંત્રિક સેક્યુલર ઢાંચાની યાદ અપાવીને તેનો આશ્રય લેવામાં આવે એ ક્યાં સુધી વ્યાજબી છે? રાષ્ટ્રમાં જેમ સમાજ એક શક્તિશાળી, વગદાર, ધબકતું, ગતિમાન અને જીવંત એકમ છે તો વ્યક્તિ પણ એક ધબકતી, ગતિમાન અને જીવંત એકમ છે. વ્યક્તિ એકલ વ્યક્તિ હોવાને કારણે તેમાં શક્તિ અને વગનો અભાવ હોય છે. જો કે એમાં પણ ગાંધીજીએ કહ્યું છે એમ આત્મબળ અને આપભોગની શક્તિ હોય તો સો હાથીની તાકાત પણ તેને હલાવી શકતી નથી.

સવાલ એ છે કે સમાજની વાત સાંભળવી જોઈએ તો વ્યક્તિની શા માટે નહીં? રાષ્ટ્રનો, રાજ્યનો અને બૃહદ સમાજનો એ ધર્મ છે. માનવીએ સમાજ રચ્યો છે, સમાજે માનવીનું સર્જન નથી કર્યું. ધર્મ, જ્ઞાતિ કે બીજી કોઈ ઓળખના નામે સમાજો રચાતા હોય છે. રચાયેલા સમાજના રીતિરીવાજો દરેક યુગમાં અને દરેક પ્રદેશમાં કાયમ માટે પ્રાસંગિક હોય એ જરૂરી નથી. જ્યારે જે તે સમાજના લોકોને એમ લાગે કે ચોક્કસ રીતિરિવાજ તેમને અન્યાય કરનારા છે અથવા બદલાતા સમય સાથે વિસંગત છે અને તેઓ તેમાં પરિવર્તન કરવાની માગણી કરે ત્યારે સમાજના ડાહ્યા લોકોએ તેમના વિચારો કાને ધરવા જોઈએ. જગત આખામાં દરેક સમાજમાં સુધારાઓ એકલ દોકલ વ્યક્તિ દ્વારા અને તેમના રચાતા સમૂહો દ્વારા નીચેથી થયા છે ઉપરથી નથી થયા. જે ઉપર હોય તેને પરિવર્તનનો ખપ હોતો નથી, ઊલટું પરિવર્તન ન થાય અને યથાવત સ્થિતિ જળવાઈ રહે તેમાં તેમના સ્થાપિત હિત હોય છે.

બને છે એવું કે દબાયેલા અને ગુંગળામણ અનુભવનારા લોકો જ્યારે કેટલાક રિવાજો સામે પ્રશ્ન કરે છે ત્યારે તેમને આપણો સમાજ કેટલો પ્રાચીન છે અને કેટલો મહાન છે એની યાદ અપાવવામાં આવે છે. અરે ભાઈ જે પરિવર્તન ઈચ્છે છે એનું શું? એ પરિવર્તન એટલા માટે ઈચ્છે છે કે તેમને પ્રસ્થાપિત વ્યવસ્થાની કિમત ચૂકવવી પડે છે. કેટલાક વળી મોટા સમાજ સુધારાને વરેલા નથી, પણ તેમને કોઈક ચીજ પસંદ નથી. તેમને પરિવર્તનનો અથવા આઝાદીપૂર્વક પોતાની રીતે જીવવાનો અધિકાર ખરો કે નહીં?

ધારો કે કોઈ પુરુષ સમલિંગી હોય અને સમલિંગી સાથે સંબંધ રાખવા માગે છે, અથવા કોઈ મુસ્લિમ યુવતીને બુરખો નથી પહેરવો કે પછી કોઈ હિંદુ સ્ત્રી ઘૂંઘટ દ્વારા મોઢું ઢાંકવા નથી ઈચ્છતી અથવા બ્રાહ્મણ યુવતી કોઈ દલિતને પરણવા માગે છે, અથવા કોઈ બહોરા યુવતી ખટના કરાવવા નથી માગતી અથવા કોઈ હિંદુ ઈચ્છે કે તેને દફનાવવામાં આવે કે કોઈ મુસલમાન ઈચ્છા વ્યક્ત કરે કે તેને અગ્નિદાહ આપવામાં આવે. રોજ મંદિરે દર્શન કરવા જતી સ્ત્રી માસિકપાળીમાં પણ મંદિરમાં જવા માગે છે કારણ કે માસિક ધર્મ એ અપીવિત્ર નથી. તો આ લોકોને તેમની રીતે જીવવાનો અને મરવાનો અધિકાર ખરો કે નહીં? આ તો ભારતના સંદર્ભમાં આપેલા થોડા દાખલાઓ છે, બાકી જગતમાં વ્યક્તિ કે નાનકડા સમૂહના ઘણા આવા પ્રશ્નો છે જેના વિષે સમાજના શક્તિશાળી લોકો અસંવેદનશીલ વલણ ધરાવે છે. કારણ કે સમાજ શક્તિશાળી અને વગદાર છે એટલે રાજ્ય વચ્ચે પડીને બહુ છંછેડવાની હિંમત નથી કરતું. જે વગદાર અને શક્તિશાળી છે એ સમાજ નામના પીરામીડ પર ઉપર બેઠેલા લોકો છે, સમાજ નથી. આમ રાજ્ય સમાજના કબજામાં છે અને સમાજ વગદાર લોકોના કબજામાં છે. ગૂંગળાય એ છે જે ઉપર કહ્યા એવા લોકો છે. તેઓ પોતાની રીતે પોતાનું જીવન જીવવા માગે છે અને મરવા માગે છે.

રાજ્યના અને સમાજના વગદાર લોકોની વાત જવા દો, આપણું વલણ કેવું છે? આપણે નામના સમૂહને પણ જવા દો, વ્યક્તિગત રીતે તમારું પોતાનું વલણ કેવું છે? ઉપર કહ્યા એવા એક એક પ્રશ્ન તપાસતા જાવ અને તમારા વલણને ચકાસતા જાવ. તમે જો સમલિંગી નહીં હો અને રોમેરોમમાં નખશીખ ઉદારમતવાદી પણ નહીં હો તો તમને સમલિંગીઓની માગણી અનુચિત લાગશે, પણ તમે જો સમલિંગી હશો તો તમને આવી માગણી વાજબી લાગશે. બીજી બાજુ એવું પણ બને કે બ્રાહ્મણ યુવતી દલિત યુવક સાથે લગ્ન કરવા માગે તો તેનો વિરોધ પણ કરો.  તમે જો નખશીખ ઉદારમતવાદના સંસ્કાર નહીં પામેલા હિંદુ હશો તો તમને બુરખો નહીં પહેરવાની મુસ્લિમ યુવતીની માગણી બહુ ઉચિત લાગશે; પરંતુ હિંદુ સ્ત્રીએ કેટલીક મર્યાદા જાળવવી જોઈએ અને સ્ત્રી પરિવારની પોષક હોવાથી પરિવારોને તૂટતા બચાવવા જોઈએ એમ કહેશો. તમે જો દલિત હશો તો બ્રાહ્મણ યુવતીની દલિતને પરણવાની ઈચ્છા તેનો અધિકાર લાગશે, પણ જો બ્રાહ્મણ હશો તો તેમાં સંસ્કારોના પ્રશ્નો કરશો. આવી રીતે એક એક કરીને ઉપરના પ્રશ્નો તપાસો અને તમે કેટલા ઉદાર છો એ તપાસી જુઓ.

પ્રામાણિકતાથી એક એક પ્રશ્ન લઈને તમે તમારા વલણને ચકાસો. આના દ્વારા તમને ખ્યાલ આવશે કે તમે કેટલા માણસ છો. બીજા માણસની સ્વતંત્રતાની જે કદર કરે એ માણસ.

10 મે 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 મે 2019

Loading

...102030...2,8342,8352,8362,837...2,8402,8502,860...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved