Opinion Magazine
Number of visits: 9577511
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જબ પ્રાણ તન સે નિકલે…

દીપક સોલિયા|Opinion - Opinion|31 March 2019

તું તો ડાહ્યો છે, મોટો છે… ભઈલુ નાનો છે, નાદાન છે… માટે તારે રમકડું ભઈલુને આપી દેવું જોઈએ.

ત્રણ-ચાર વર્ષનું છોકરું જ્યારે તેના એકાદ વર્ષના ભાઈ-બહેન પાસે રમકડું છીનવવા મથે ત્યારે વડીલો દ્વારા અપાતી ઉપરોક્ત સલાહ આપણે સૌએ સાંભળી પણ હશે અને આપી પણ હશે.

આવા કિસ્સામાં પેલું મોટું છોકરું સહેજ મોટું હોવાને લીધે જીદ કરવાનો બાળસહજ હક ગુમાવે છે. બે-ચાર વર્ષ મોટા હોવું એ તેના માટે વાંક બની જાય છે, ગુનો બની જાય છે.

ઓફ્સિોમાં પણ આવું જોવા મળે. “તું તો સમજદાર છે… પેલો તો છે જ આળસુ … એને કહીશું તો એ કામ ઝટ પતાવશે નહીં અને નખરાં બહુ કરશે …. એના કરતાં તું જ કરી નાખ આ કામ.” બોસના આવા અભિગમને કારણે આળસુને આળસ કરવાની છૂટ મળી જાય અને કામઢો માણસ કામથી દબાતો જ જાય, દબાતો જ જાય … પછી એક દિવસ કામઢાને બ્રહ્મજ્ઞાન લાધેઃ હું કામઢો છું એ શું મારો કોઈ વાંક છે, ગુનો છે?

આવું જ કંઈ બહુમતી-લઘુમતીના મુદ્દે પણ જોવા મળે. સામાન્ય રીતે બહુમતી ધરાવતા લોકો વધુ સહિષ્ણુ અને ફ્લેક્સિબલ હોય છે જ્યારે માઈનોરિટી વધુ ચુસ્ત અને ઓછી ફ્લેક્સિબલ હોય છે. આવામાં બહુમતીને એવું કહેવામાં આવે કે તમે લોકો તો સમજદાર છો, ઉદાર છો … પેલા લોકો તો છે જ ચુસ્ત … માટે તમે ઢીલું મૂકો … પછી ઢીલું મૂકી મૂકીને થાકનાર બહુમતી એક દિવસ વિફરે : શું અમે જ ઠેકો લીધો છે ઉદાર બનવાનો? અમે સહિષ્ણુ, ફ્લેક્સિબલ છીએ એ શું અમારો વાંક છે, ગુનો છે?

સારા હોવું, મોટા હોવું, સમજદાર હોવું, સક્ષમ હોવું … આ બધું વાંક-ગુનો નહીં, લાયકાત ગણાય, પણ આ વિચિત્ર સંસારમાં લાયકાત ક્યારેક સજા બની જતી હોય છે.

‘લાયકાતની સજા’ના ત્રણ છૂટક દાખલા ઉપર જોયા. હવે જોઈએ ચોથી સજા. એ છે અમીરીની સજા.

મરવાની ઘડી નજીક આવે ત્યારે અમીર માણસને વધુ સઘન સારવારનો લાભ મળી શકે છે. પણ મોત અમીર-ગરીબ વચ્ચે ભેદભાવ નથી કરતું. માણસ ગમે તેટલો અમીર હોય, તેની ગમે તેટલી સારવાર કરવામાં આવે તો પણ યમરાજ નક્કી કરેલા માણસને છેવટે ઉઠાવી જ લે છે. આવામાં, અંતિમ પળો, કલાકો, દિવસો, અઠવાડિયા દરમિયાન દરદીને સાજો કરવા માટે ખૂબ ઉધામા થાય ત્યારે જો પેશન્ટ ભાનમાં હોય તો કદાચ એ પણ બોલે, અરે છોડો યાર, મને જવા દો … મારી પાસે સારવાના પૈસા છે એ શું મારો કોઈ વાંક છે? તબીબી વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે એમાં મારો શો ગુનો?

જગવિખ્યાત પત્રિકા ‘ધ ઇકોનોમિસ્ટ’માં પ્રગટ થયેલા એક લેખનું પેટા-મથાળું આવું છેઃ “મરણોન્મુખ માણસની આક્રમક સારવાર નિરર્થક છે.”

વાત વિચારવા જેવી છે. જપાનમાં થયેલા એક સર્વેમાં ૯૦ ટકા ડોક્ટરોએ કહ્યું કે એક વાર દર્દીની શ્વાસનળીમાં ટયૂબ ખોસવામાં આવે પછી તે બચતો નથી. છતાં, જપાનમાં હોસ્પિટલમાં મૃત્યુ પામનારા પાંચમા ભાગના (વીસ ટકા) દરદી મૃત્યુ પામે છે ત્યારે ઇન્ટયૂબેટેડ (શ્વાસનળીમાં ટયૂબ ભરાવેલી અવસ્થામાં) હોય છે. અમેરિકાના સત્તાવાર આંકડા જણાવે છે કેન્સરથી મૃત્યુ પામનારો દર આઠમો અમેરિકન તેના જીવનના છેલ્લા પખવાડિયામાં કેમોથેરપીની સારવાર મેળવે છે, જેનો કશો મતલબ નથી હોતો. ત્રીજા ભાગના અમેરિકનો પર જીવનના છેલ્લા વર્ષમાં ઓપરેશન થાય છે અને એમાંના આઠ ટકા ઓપરેશન તો દરદીના જીવનના છેલ્લા અઠવાડિયા દરમિયાન થતાં હોય છે.

અમેરિકાના કૈસર ફેમિલી ફઉન્ડેશન સાથે મળીને ધ ઇકોનોમિસ્ટે અમેરિકા, બ્રાઝિલ, ઇટાલી અને જપાન એ ચાર દેશોમાં કરેલા વ્યાપક સર્વેક્ષણનું તારણ એવું નીકળ્યું કે જીવનના અંત વિશે લોકોની જે અપેક્ષા હોય છે અને અસલમાં જીવનનો અંત જે રીતે આવે છે તે બે વચ્ચે બહુ મોટો ગેપ જોવા મળે છે. ચારેય દેશના બહુમતી લોકોએ એવું કહ્યું કે તેઓ પોતાના ઘરની પથારીમાં સૂતાંસૂતાં મૃત્યુ પામે એવું ઇચ્છે તો છે, પરંતુ તેમને ખાતરી છે કે અસલમાં આવું થશે નહીં અને તેઓ મોટે ભાગે હોસ્પિટલમાં જ મૃત્યુ પામશે અને તેમનું મૃત્યુ એકદમ સક્રિય અને દોડધામભરી ઘટના બની રહેશે.

આ ખોટું. અહીં આવે છે અમીરીવાળો મામલો. સાચી અમીરી, સાચી સુવિધા, સાચો વિકાસ તો એ જ ગણાય કે દરદી પોતાની મનગમતી રીતે મૃત્યુને ભેટે. પૈસા અને ટેક્નોલોજી વસૂલ ત્યારે થાય જ્યારે માણસને તેની અંતિમ બીમારી વખતે ઘરમાં રહીને મિનિમમ પીડા વેઠવાની સગવડ મળે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિશ્વના ૪૫ અમીર દેશોમાં કરેલા સર્વેક્ષણમાં એવું જોવા મળ્યું કે આ દેશોમાં ફ્ક્ત ત્રીસેક ટકા લોકો જ ઘરમાં મૃત્યુ પામે છે, બાકીના સીત્તેરેક ટકા લોકો હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લે છે.

મુદ્દો આ છેઃ સારવાર મહત્ત્વની છે જ, પરંતુ ડોક્ટરને પોતાને એક વાર ખાતરી થઈ જાય કે પેશન્ટ બચે તેમ નથી ત્યાર પછી સારવાર કરતાં ગરિમાપૂર્ણ મોત પર વધુ ફોકસ કરવાની નીતિ અપનાવવા જેવી છે. અહીં કોઈ કહેશે કે આવી નીતિ તો ડોક્ટરો અપનાવતાં જ હશે, આ તો એક સ્વાભાવિક બાબત છે, મેડિકલ સાયન્સ આટલી સીધી વાત તો સમજતું જ હશે ને? મરતાં પેશન્ટને મુખ્યત્વે ઘેન અને પેઈનકિલર્સ આપીને પીડા ઘટાડવાની નીતિ તો અત્યારે પણ અપનાવાઈ જ રહી હશે ને?

આનો જવાબ છે, હા અને ના. હા એટલા માટે કે પેઈન ઘટાડવાની કોશિશો તો થતી હોય છે, પરંતુ છેલ્લા કલાકો જ નહીં, છેલ્લા દિવસો અને અઠવાડિયા દરમિયાન લેવાતી સંભાળ (પેલિયેટિવ કેર)ના ક્ષેત્રમાં જેટલું સંશોધન થવું જોઈએ એટલું થઈ નથી રહ્યું તેવું ખુદ મેડિકલ સાયન્સના માંધાતાઓ સ્વીકારે છે. બીજી વાત એ છે કે દરદી રાહત અનુભવે એવી કોશિશ કરવા ઉપરાંત, છેવટે તો ડોક્ટરનું લક્ષ્ય તેને બચાવવાની, ઉગારી લેવાની કોશિશ પર જ કેન્દ્રિત થયેલું રહે છે. પેશન્ટનાં સગાં પણ એ જ ઇચ્છતા હોય છે કે ટ્રાય તો કરીએ, બની શકે કે કદાચ પેશન્ટ ઉગરી જાય તો અણી ચૂક્યો પછી સો વરસ જીવે.

ટૂંકમાં, મોત સામેના જંગમાં હથિયાર તો ક્યારે ય હેઠાં મૂકાય જ નહીં એવી જે વિશ્વવ્યાપી નીતિ છે તેને લીધે આખી દુનિયામાં અકસ્માતો તથા હૃદયરોગના જાનલેવા હુમલાના અપવાદો બાદ કરતાં મોત ભાગ્યે જ ઝડપી અને પીડારહિત હોય છે…

આવામાં આખું જગત બદલાય ત્યારની વાત ત્યારે, આપણે સૌ અત્યારે કરી શકીએ એવું એક કામ આ છે…

સ્વજનોને આજે જ કહી રાખીએ કે મારું મૃત્યુ કેવું હોવું જોઈએ. આ એક મામલે અમેરિકનોને ગુરુ બનાવવા જેવા છે. ૬૫ની ઉંમર વટાવી ચૂકેલા ૫૧ ટકા અમેરિકનોએ પોતાના મૃત્યુ વખતે શું કરવું અને શું ન કરવું એની સૂચના લિવિંગ વિલમાં લખી રાખી છે. એ સૂચનાઓ કેટલી વિગતસભર અને રસપ્રદ હોય છે તેનો આ એક નમૂનો જુઓઃ બોસ્ટનની લૌરી કે નામની ૭૦ વર્ષની વૃદ્ધાએ લખ્યું છેઃ હું મરું ત્યારે મારા નખ રંગાયેલા હોવા જોઈએ.

આપણે પણ આવું જ ઇચ્છતા હોઈએ છીએ કે શાનથી મરીએ, શાંતિથી મરીએ, ગરિમાપૂર્વક રીતે મરીએ. આપણી અમીરી, મેડિકલ સાયન્સની પ્રગતિ, સ્વજનોની આપણા પ્રત્યેની પ્રીતિ … આ બધું આશીર્વાદને બદલે શ્રાપ ન બની રહે તે માટે આપણે જ આપણા તરફ્થી પહેલેથી સ્પષ્ટ સૂચના આપી રાખવી સારી. જેમ કે, આજે જ એક ચિઠ્ઠીમાં આટલું લખીને ચિઠ્ઠી સ્વજનોને આપી રાખવીઃ “સીત્તેરની ઉંમર પછી હું ગંભીર માંદગીમાં પટકાઉં અને હું બેહોશ થઈ જાઉં ત્યારે ચાહે કુછ ભી હો જાય … સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં સગવડ મળતી હોય તો પણ … મને વેન્ટિલેટર પર ન રાખશો, મને લાઈફ સપોર્ટ સિસ્ટમના ટેકે ન જીવાડશો. આને મારી અંતિમ ઇચ્છા ગણીને તેનું ચૂસ્તીપૂર્વક પાલન કરવું.”

આવું કરવું જોઈએ કે નહીં? ચોઈસ ઇઝ યોર્સ.

facebook .com / dipaksoliyal

સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”,  31 માર્ચ 2019 

http://sandesh.com/jab-prana-tan-se-nickelay/

Loading

માત્ર વાત જ નહીં, કહેવાની રીત પણ સાચી હોવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2019

પહેલી વાતઃ જગતની કોઈ સંસ્કૃતિ શૂન્યાવકાશમાં નથી વિકસતી. તેને માટે અનુકૂળ માટી-હવા-પાણીની જરૂર પડતી હોય છે. બીજી વાતઃ જગતની કોઈ સંસ્કૃતિ સંપૂર્ણ નથી હોતી. સંસ્કૃતિઓ આખરે માનવર્નિિમત હોય છે એટલે તેમાં ખામીઓ રહેવાની જ. ત્રીજી વાતઃ આખી દુનિયામાં સંસ્કૃતિઓના પરસ્પર સંક્રમણનો યુગ અત્યારે ચાલી રહ્યો છે. એની શરૂઆત આજથી પાંચસો વરસ પહેલાં, માણસ પોતાના વતનથી ઘણે દૂર જતો અને વસતો થયો, ત્યારે થઈ હતી અને અત્યારે તેનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. માણસ પોતાને અને પોતાપણાને લઈને બીજા સ્થળે વસવાટ કરવા જતો હોય છે અને ત્યાં તેણે બીજાની અને બીજાપણાની સાથે જીવવાનું હોય છે.

અહીંથી ઓળખયજ્ઞા અને સમન્વયયોગની શરૂઆત થાય છે અને તેનાથી કોઈ મુક્ત નથી.

આ વાક્ય ફરી વાર નોંધી લો; તેનાથી કોઈ મુક્ત નથી. જગતમાં અત્યારે જોવા મળી રહેલો સંસ્કૃતિ-સંઘર્ષ એ ઓળખયજ્ઞા અને સમન્વયયોગને નકારવાનું પરિણામ છે. આ આજના યુગની નવી સ્થિતિ છે.

આપણને એમ લાગે છે કે આપણા પોતાના પોતાપણામાં કોઈ ખામી નથી અને જે ખામી છે એ બીજાના બીજાપણામાં રહેલી છે. એ જો તેનું ખામીયુક્ત બીજાપણું છોડી દે અને આપણી  ખામીરહિત સંસ્કૃતિ સ્વીકારી લે તો અમે તેમને બાથમાં લેવા આતુર છીએ. અમારી અંદર પ્રેમની કોઈ ખોટ નથી, ઉમંગનો દરિયો છે; તેણે માત્ર બીજાપણું જતું કરવું જોઈએ અને જે આપણું છે તેને તેણે પોતાનું કરવું જોઈએ. અચ્છા, બીજાઓ તેમનું બીજાપણું જતું ન કરવા માગે તો પણ ચાલશે (એટલી ઉદારતા અમારામાં છે), પણ બહુમતીના પોતાપણાને તેણે અધિક માપ તો આપવું જ જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આવી ભૂમિકા છે. તેઓ અત્યંત પ્રામાણિકતાપૂર્વક એમ માને છે કે તેઓ કોઈ આકરી શરત નથી મૂકતા. લઘુમતીએ બહુમતી સાથે સમરસ થવું જોઈએ, બસ. શું આ માગણી  વધારે પડતી છે?

આ દલીલ જેટલી દેખાય છે એટલી નિર્દોષ નથી. એમાં સાંસ્કૃતિક સર્વોપરિતા સ્થાપિત કરવાનો હેતુ છે. અમે અમારું જતું નહીં કરીએ કારણ કે અમે બહુમતીમાં છીએ અને તમારે તમારાપણું જતું કરવું પડશે કારણ કે તમે લઘુમતીમાં છો. બીજું અમારી સંસ્કૃતિ ખામીરહિત શ્રેષ્ઠ છે એટલે તેને અપનાવવામાં વાંધો ન હોવો જોઈએ. આને સાંસ્કૃતિક સંક્રમણ અને સમન્વય ન કહેવાય. આને સાંસ્કૃતિક સર્વોપરિતા માટેનો આગ્રહ અને સંઘર્ષ કહેવાય.

આજકાલ આખા જગતમાં આવા સાંસ્કૃતિક સંઘર્ષ ચાલી રહ્યા છે, કારણ કે જાગતિક (વૈશ્વિક) સમાજ પચરંગી બની રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પોતાપણું લઈને બીજાના બીજાપણા સાથે જીવી રહ્યા છે. અંગ્રેજીમાં કહીએ તો કોસ્મોપોલિટનિઝમ અને મલ્ટી-કલ્ચરિઝમ આજના જગતની આકાર લઈ રહેલી વાસ્તવિકતા છે અને તે આવતીકાલની નક્કર વાસ્તવિકતા હશે. ભારતમાં હિંદુઓ સાંસ્કૃતિક સર્વોપરિતાનો આગ્રહ રાખે છે તો પરાયા દેશમાં એ જ હિંદુઓ પરાયાઓની સાંસ્કૃતિક સર્વોપરિતાથી બચવા માગે છે.

અહીં ત્રણ બાબત તટસ્થતાપૂર્વક તપાસવી જોઈએ. પહેલી બાબત એ છે કે શું આપણી સંસ્કૃતિ ખરેખર ખામીરહિત છે? બીજી બાબત એ કે આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે દીવાલો રચવાથી સરવાળે ફયદો થવાનો છે કે નુકસાન? આઘા રહેવાથી કે આઘા રાખવાથી સરવાળે આપણને કોઈ ફાયદો થશે ખરો? અને ત્રીજી બાબત એ છે કે આજના જગતમાં આઘા રહેવું કે કોઈને આઘા રાખવા એ શક્ય છે?

આ ત્રણ સવાલ વિશે, કોઈની વાતમાં આવ્યા વગર, શાંતિથી વિચારો.

શું હિંદુ સંસ્કૃતિ ખરેખર ખામીરહિત છે? આ શ્રેણીમાં હિંદુ સંસ્કૃતિનો ઘાટ કઈ માટીમાંથી ઘડાયો એની વાત કરવામાં આવી રહી છે. એ માટીની મુલાયમતા, લવચીકતા, તેની સુગંધ વગેરેની વાત કરવામાં આવી રહી છે જેણે હિંદુમાનસને ઘાટ આપ્યો છે; તે શું ખરેખર નિર્દોષ ખામીરહિત છે? દલિતો, પછાત વર્ગના લોકો અને દરેક વર્ગ કે જ્ઞાતિની બહેનો મારો કાન આમળે એ પહેલાં મારે કહી દેવું જોઈએ કે આપણી માટીની અદ્દભુત મુલાયમતા તેમ જ લવચીકતા છતાં અને આબોહવામાં મન પ્રસન્ન કરી દે એવી સુગંધ હોવા છતાં આપણી સંસ્કૃતિ પૂર્ણપણે ખામીરહિત નથી. થોડું શરમાવાપણું આપણી સંસ્કૃતિમાં પણ છે અને જ્યાં શરમાવાપણું હોય ત્યાં સ્વાભાવિકપણે છોડવાપણું પણ હોય.

એ હકીકત છે કે જગતની તમામ સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિ સૌથી વધુ ઉદાર છે. આ વાતે આપણે ચોક્કસ ગૌરવ લઈ શકીએ, પરંતુ સાથોસાથ જ્યાં શરમાવાપણું છે તેનો સ્વીકાર પણ કરવો રહ્યો.

સમસ્યા અહીં છે. ભારતમાં જે સંસ્કૃતિ-વિમર્શ થાય છે ગૌરવ-શરમનો વિવેક જળવાતો નથી. દલિત અને સ્ત્રીને કરવામાં આવેલા ન્યાયની એરણે હિંદુ સંસ્કૃતિને મૂલવનારા પ્રગતિશીલો હિંદુ સંસ્કૃતિની કિંમત કોડીની કરે છે એ પણ ખોટું છે અને સંસ્કૃતિ-સંરક્ષકો હિંદુ સંસ્કૃતિમાં કોઈ ખામી જ જોવા તૈયાર નથી એ પણ ખોટું છે.

આવા બે અંતિમેથી સંસ્કૃતિ-વિમર્શ કરવામાં આવશે તો સરવાળે એમાં આપણને જ નુકસાન થવાનું છે.

ભોળા હિંદુઓને એમ લાગે છે કે પોતાને બુદ્ધિમાન પ્રગતિશીલ ગણાવનારાઓને હિંદુઓમાં કોઈ સારપ નજરે પડતી જ નથી. તેઓ હિંદુ ધર્મનો, હિંદુ સંસ્કૃતિનો અને હિંદુઓનો દ્વેષ કરે છે. તેમની વિચારસરણી પાશ્ચાત્ય છે, તેઓ ભારતીય નથી. પ્રગતિશીલ લોકો દ્વારા કરવામાં આવતી હિંદુ સંસ્કૃતિની આક્રમક ચિકિત્સાને કારણે સરેરાશ હિંદુએ તેમની વાત સાંભળવાની જગ્યાએ કાન બંધ કરી દીધા છે.

આ એ હિંદુ છે જેણે રાજા રામમોહન રોયથી લઈને ગાંધીજી સુધીના સુધારકોની વાત સાંભળી હતી અને તેમને સાથ આપ્યો હતો, પરંતુ અત્યારના પ્રગતિશીલોને તેઓ સાથ આપતા નથી.

કેમ?

આ મુદ્દે બુદ્ધિમાન, પ્રગતિશીલ અને પોતાને ઉદારમતવાદી ગણાવતા સંસ્કૃતિ-ચિકિત્સકોએ વિવેક કરવાની જરૂર છે. તેમણે રાજા રામમોહન રોયથી લઈને ગાંધીજી સુધીના પૂર્વસૂરિઓએ કરેલા વિમર્શ પર એક નજર કરવાની જરૂર છે. એમણે એ જોવા-સમજવાની જરૂર છે કે મા પોતાના બાળકને ઓસડ કઈ રીતે પીવડાવે છે. સાચું બોલતા અને કાન આમળતા કોઈ રોકતું નથી. રાજા રામમોહન રોય, વિવેકાનંદ કે ગાંધીજી પણ કાન આમળવાનું ચૂક્યા નથી. પણ કાન આમળવાની એક રીત હોય … એમાં પ્રેમ હોય તો વાત બને …

તો આજનો આ લેખ મારા પ્રગતિશીલ મિત્રોને સમર્પિત.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 31 માર્ચ 2019 

http://sandesh.com/just-talking-not-tell-it-to-be/

Loading

નેપોલિયનની રણનીતિ જે હોય એ, આપણો સેનાપિત ભરયુદ્ધે રોજ ઘોડો બદલે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2019

કંઈક તો થવાનું જ હતું. દરેક ભારતીયની આવી ગણતરી હતી. કોઈ કહે, ગોધરા અને ગુજરાતકાંડ જેવી કોઈ ઘટના બનશે. કોઈ કહે, પાકિસ્તાન પર હજુ એક હુમલો કરવામાં આવશે. ખુદ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આવી શંકા વ્યક્ત કરી હતી. કોઈ કહે, પોતાના પર હુમલો કરાવશે. એ પછી બુધવારે જ્યારે વડા પ્રધાને જાહેરાત કરી કે તેઓ બપોરે રાષ્ટ્રને સંબોધવાના છે ત્યારે આખો દેશ ચિંતામાં પડી ગયો હતો. શું કરશે? બંધારણની કોઈ કલમ શોધી કાઢીને ચૂંટણી તો રદ્દ નહીં કરે? નરેન્દ્ર દામોદરદાસ મોદી લોકસભાની ચૂંટણી જીતવા  કાંઈ પણ કરી શકે એમ છે અને કોઈ પણ હદે જઈ શકે છે. છેવટે બુધવારે જ્યારે સેટેલાઈટ કિલર ટેસ્ટની જાહેરાત કરી ત્યારે આખા દેશે રાહત અનુભવી હતી. ચાલો સસ્તામાં ઘાત ગઈ! ભારત એલિટ ક્લબનું મેમ્બર બની ગયું. હવે બી.જે.પી.ને ખોબલે ખોબલે વોટ મળી જશે અને નરેન્દ્રભાઈ બીજી વખત વડા પ્રધાન બની જશે. હવે અહીંથી અટકે તો સારું.

આવી જગતના સૌથી મોટા લોકશાહી દેશના વડા પ્રધાનની ઈમેજ છે. આવી જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયીના અનુગામીની ઈમેજ છે. આનાં કરતાં ગજા મુજબનાં કામ કર્યાં હોત અને ન કરવાં જેવાં સાહસો ન કર્યાં હોત તો આવો વખત ન આવત એવું નથી લાગતું? જેઓ કોઈ કરિશ્મા નથી ધરાવતા અને પોતાને અવતારપુરુષ નથી માનતા એવા સાવ મર્ત્ય માનવી, નામે ડૉ. મનમોહન સિંહે ૨૦૦૯માં કૉન્ગ્રેસને બીજી મુદ્દત અપાવી હતી. ૨૦૦૪ની તુલનામાં કૉન્ગ્રેસને ૨૦૦૯માં વધારે બેઠકો મળી તેનો શ્રેય ડૉ. મનમોહન સિંહને જતો હતો. ડૉ. મનમોહન સિંહ બીજી મુદ્દતમાં નિષ્ફળ ગયા એ જુદી વાત છે.

ડૉ. મનમોહન સિંહની નિષ્ફળતાનાં બે મુખ્ય કારણ હતાં. એક આર્થિક ગતિરોધ. નવમૂડીવાદી અર્થતંત્રમાં વિકાસનો રથ તેની શક્ય એટલી સર્વોચ્ચ ઊંચાઈએ જઈને અટકી ગયો હતો. અંગ્રેજીમાં આને સેચ્યુરેશન પોઈન્ટ કહેવામાં આવે છે અને પછી રેખા નીચેની તરફ વળવા લાગે છે. બીજું કારણ એ હતું કે ભારતે ૧૯૯૧ પછી આર્થિક સુધારાઓ કરીને અર્થતંત્રના દરવાજાઓ તો ખોલી નાખ્યા, પરંતુ લૂંટારાઓ માલ લૂંટી ન જાય તેની સાબદી વ્યવસ્થા કરી નહોતી. આર્થિક સુધારાઓની સાથે સાથે વ્યવસ્થાકીય સુધારાઓ કરવામાં નહોતા આવ્યા. નરસિંહ રાવ, દેવગોવડા, ગુજરાલ, વાજપેયી, ડૉ. મનમોહન સિંહની સરકારો આવી ને ગઈ પણ કોઈએ વ્યવસ્થાકીય સુધારાઓ નહોતા કર્યા. કયા કયા સુધારાઓ અત્યંત આવશ્યક છે અને જો તે કરવામાં નહીં આવે તો મૂડીપતિઓ શાસકોના આંગળિયાત બનીને દેશને લૂંટી લેશે એવી ચેતવણી ૧૯૯૧થી જ આપવામાં આવતી હતી.

ન્યાયતંત્ર પાંગળું, વહીવટીતંત્ર અસંવેદનશીલ અને ભ્રષ્ટ બન્ને, તપાસસંસ્થાઓ અકાર્યક્ષમ અને ભ્રષ્ટ, સંસદને ચાલવા દેવામાં આવે નહીં તો શું થાય? એ જ, જેની કિંમત દેશમાં આર્થિકક સુધારાઓ કરનારા નાણા પ્રધાન ડૉ. મનમોહન સિંહને ખુદને પચીસ વરસ પછી વડા પ્રધાન તરીકે ચૂકવવી પડી. આને પરિણામે સ્થિતિ એવી બની કે પહેલાં જે ધનપતિઓ શાસકોના ક્રોની એટલે કે બગલબચ્ચા હતા તે હવે શાસકો ધનપતિઓના બગલબચ્ચા બની ગયા. જગત આખામાં આવું બની રહ્યું છે અને જગત આખું આ જાણે છે.

૨૦૧૪માં નરેન્દ્ર દામોદરદાસ મોદી સ્પષ્ટ બહુમતી સાથે, લોકોની ચાહના, અપેક્ષા અને શ્રદ્ધા સાથે, રસ્તામાં બહુ મુશ્કેલી પેદા ન કરી શકે એવા નિર્બળ વિરોધ પક્ષો સાથે, આતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ તળિયે ગયા હોય એવી અનુકૂળતા સાથે વડા પ્રધાન બન્યા હતા. કોઈને પણ ઈર્ષ્યા થાય એવી અનુકૂળતા હતી.

અહીંથી આગળ વધતા પહેલાં ઘડીભર વિચારો કે તમે નરેન્દ્ર મોદીની જગ્યાએ હો તો શું કરો? વિચારી જુઓ. એને માટે વડા પ્રધાન જેટલી લાયકાતની જરૂર નથી અને આત્યારના જગતમાં શાસકને અને લાયકાતને સંબંધ પણ નથી. વિચારી જુઓ; તમે નરેન્દ્ર મોદીની જગ્યાએ હો તો શું કરો? તમને એક સાદો સવાલ મનમાં પેદા ન થાય કે ડૉ. મનમોહન સિંહ જેવો જાગતિક ખ્યાતિ ધરાવતો અર્થશાસ્ત્રી આર્થિક ગતિરોધ સામે ઘૂંટણાં ટેકીને બેસી ગયો તો જરાક સમજીએ તો ખરા કે એ આર્થિક ગતિરોધનું વમળ કેવું છે, કેટલું ઊંડું છે અને તેનાં મૂળ ક્યાં છે? જો બાહોશ ડોક્ટરના ઈલાજ  કારગર નીવડતા નથી, તો કોણ છે જે ઈલાજોને નિષ્ફળ બનાવે છે? આવો પ્રશ્ન થાય કે ન થાય? ડૉ. મનમોહન સિંહ દેવગોવડા નહોતા કે હસી કાઢો.

અહીં તમને ઘરગથ્થુ ઉદાહરણ આપું. કોઈ માણસ સખત બીમાર છે અને કોઈ ઈલાજ લાગુ નથી પડતો. છેવટે બાહોશમાં બાહોશ ડોક્ટરને બોલાવવામાં આવે છે. એ આવીને શું કરશે? એ દરદીને તપાસશે, આગલા ડોક્ટરોએ શું ઈલાજ સૂચવ્યા છે અને દવાઓ આપી છે એનાં પ્રિસ્ક્રીપ્શન જોઈ જશે અને શેને કારણે દવાઓ કામ નથી કરતી એનાં કારણો શોધશે. આ સ્વાભાવિક ક્રમ છે. જો ફી લઈને દરદીને સાજો કરવાની ઈમાનદારી હોય તો કોઈ પણ માણસ આ જ કરશે. આને માટે કોઈ વધારાની તાલીમની જરૂર નથી, આ જ કરવાનું હોય; પછી એ ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે ખેડૂત હોય. સમસ્યાનું સ્વરૂપ અને સંજોગો દરેક ડાહ્યો માણસ તપાસે છે.

બીજું ઉદાહરણ વડા પ્રધાનનું જ આપું. વિનય સીતાપથીએ ‘હાલ્ફ લાયન: હાઉ પી.વી. નરસિંહ રાવ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ડિયા’ નામનું પી.વી. નરસિંહ રાવનું જીવનચરિત્ર લખ્યું છે જે દરેકે વાંચવા જેવું છે. કૉન્ગ્રેસ સંસદીય પક્ષની બેઠકમાં પી.વી. નરસિંહ રાવની વડા પ્રધાનપદ માટે પસંદગી થઈ એ પછી ઘરે જઇને પહેલું કામ નાણા સચિવને બોલાવવાનું કર્યું હતું અને પૂછ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ કેવી છે? તેમણે એટલું વિચારી લીધું હતું કે આગલી ચન્દ્રશેખરની સરકારને ભારતનું અનામત સોનું લંડનમાં ગીરવે મૂકીને પૈસા ઊઠાવવા પડ્યા હતા તો આર્થિક સંકટ મોટું હોવું જોઈએ. કારણ વિના અને સામે ચાલીને કોઈ થોડું નાક કપાવે! નાણા સચિવે નરસિંહ રાવને કહ્યું હતું કે આર્થિક સંકટ બહુ મોટું છે. તેમણે આંકડા પણ આપ્યા હતા. નાણાસચિવને સાંભળીને નરસિંહ રાવને સમજાઈ ગયું હતું કે કોઈ રાજકારણી નાણા પ્રધાન આર્થિક વમળમાંથી દેશને બહાર કાઢી શકે એમ નથી. એને માટે નિષ્ણાત અર્થશાસ્ત્રીની જરૂર છે અને એ પણ નાણા પ્રધાન તરીકે. કોઈ બાહોશ અર્થશાસ્ત્રીને શોધીને તેને પગલાં લેવાની સ્વતંત્રતા પણ આપવી પડશે એટલું જ નહીં પીઠબળ પણ આપવું પડશે. પછી જેમ કહેવામાં આવે છે એમ, રેસ્ટ ઈઝ હિસ્ટરી. પી.વી. નરસિંહ રાવની લઘુમતી સરકારે લઘુમતી સરકાર હોવા છતાં ઇતિહાસ સર્જ્યો.

જે કોઈ ડોક્ટર કરે કે પી.વી. નરસિંહ રાવે કર્યું એ નરેન્દ્ર મોદીને નહીં સૂઝ્યું હોય? તેમને એટલો વિચાર નહીં આવ્યો હોય કે ડૉ. મનમોહન સિંહ જેવો જાગતિક ખ્યાતિ ધરાવનારો માણસ જ્યાં હાર્યો છે તો ચાલો સંકટનું સ્વરૂપ સમજી લઈએ? બીજાને જવા દો આગળ પૂછ્યું એમ તમે હો તો શું કરો?

તેમના તો ઠીક, દેશના દુર્ભાગ્ય કે તેમણે આવો કોઈ પ્રયાસ જ નહોતો કર્યો. જરૂર જ શું છે જ્યારે દેશની પ્રજાને મેસ્મેરાઈઝ્ડ કરતાં આવડતું હોય. હિન્દુત્વવાદીઓ અને મુસ્લિમ વિરોધીઓ તો કોઈ પણ સંજોગોમાં સાથ આપવાના જ છે. એમાં નેહરુની સાત પેઢીને યાદ કરીને કૉન્ગ્રેસની બદનામી કરો એટલે કૉન્ગ્રેસ વિરોધીઓનું ઉમેરણ થશે. તેમને હિન્દુત્વવાદી એજન્ડા માફક ન આવતો હોય તો કાંઈ વાંધો નહીં, તેમનો કૉન્ગ્રેસ વિરોધ એટલો તીવ્ર કરો કે  આપોઆપ તેઓ હિંદુ કોમવાદ સામે આંખ આડા કાન કરશે. આ ઉપરાંત રાષ્ટ્રવાદ, દેશપ્રેમ, મુસલમાનોના અત્યાચારોનો ઇતિહાસ, ગોરક્ષાના નામે ધોલધપાટ કરતાં રહીશું તો આપોઆપ દેશમાં ધ્રુવીકરણ થશે અને તેને કારણે થોડા ભારતીયો ભારતીય મટીને હિંદુ બની જશે. આમ નવહિંદુ પણ બી.જે.પી.ના સમર્થકોમાં ઉમેરણ કરશે. અને નામબદલી અને ઇવેન્ટો તો ખરી જ. રાતના બાર વાગે ખાસ સંસદ બોલાવીને જી.એસ.ટી. લાગુ કરો, અર્ધકુંભને પૂર્ણ કુંભ બનાવી દો, વગેરે. આમ લોકોને લાગવું જોઈએ કે દેશમાં કાંઈક અનોખું થઈ રહ્યું છે. આને કારણે મારા એક મિત્રની ભાષામાં ‘બાળુંડાંઓ’નું સમર્થકોમાં ઉમેરણ થશે. ભાડૂતી જાનૈયાઓ અને બેન્ડ વાજાઓ (ગોદી મીડિયા) તો છે જ.

કમાયા વિના પાંચ પેઢી ખાય એવી ગોઠવણ કર્યા હોવા છતાં અત્યારે આવલાં કેમ મારવાં પડે છે? કઈ વાતનો ભય છે? શું નજરબંધીનાં પદાર્થો પરિણામ નથી આપતાં? એવી તે કઈ મજબૂરી હતી કે આચારસંહિતાનો ભંગ કરીને સેટેલાઈટ કિલર ટેસ્ટ કરવો પડ્યો? એ પહેલાં પણ થઈ શકતો હતો અને પછી પણ થઈ શકત. નેપોલિયને કહ્યું હતું કે એક વાર યુદ્ધ શરૂ થઈ જાય પછી સેનાપતિને અને સેનાપતિના ઘોડાને બદલવામાં આવતા નથી. એને ખરાબ રણનીતિ કહેવાય. આપણે ત્યાં સેનાપતિ ભરયુદ્ધે રોજ ઘોડો બદલે છે. બાલાકોટ અને દલિતોના પગ ધોવાથી લઈને સેટેલાઈટ કિલર ટેસ્ટ કરવા સુધી તેમણે એક મહિનામાં દસ ઘોડા બદલી નાખ્યા છે. આનો શું અર્થ કરશો?

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2019

Loading

...102030...2,8322,8332,8342,835...2,8402,8502,860...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved