Opinion Magazine
Number of visits: 9764613
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ પાર …પેલે પાર

અનિલ વ્યાસ|Opinion - Short Stories|5 July 2019

આછી પાતળી દીવાલો અને જૂનાં ફર્નિચર વચ્ચે એ ગોઠવાઈ ગયો હતો. અકળામણ થતી હતી. ઘેરથી એવું નક્કી કરી રાખેલું કે ના જ પાડી દઈશ, પણ દેવુકાકાએ રસ્તામાં બરાબર આંતરેલો. ‘જો છોકરી બવ સંસ્કારી છે ને આપણે સગામાં સગું છે એટલે કશી ટૈડપૈડ ના જોઈએ, ‘શું કીધું ?’

આ ‘શું કીધું?’ની નજર બંદૂકની નાળી જેવી સામો-સામ હોય પછી બીજું કશું બોલી જ ન શકાય.  બસ, જરા તરા ધ્રૂજતા પગ પર કાબૂ મેળવી લેવાનો ને વીલે મોઢે વાત વધાવી લેવાની.

આ મુલાકાતથી સુનીતા ખુશ હતી કે નહીં ?  એ યાદ કરવા મથ્યો પણ તો ય કશું યાદ ન આવ્યું જો કે બધાં બહાર ગયાં ને બન્ને એકલાં પડ્યા ત્યારે એ સોફાની ગાદીનું ફાટેલું કવર સંતાડવા મથતી હતી. એની ઇચ્છા ના હોય કે એ ઉદાસ હોય એવું લાગેલું નહિ. પણ આ વિચારથી મન હળવું થવાને બદલે ભારે થઈ ગયું હતું.

હા, બંગલો દેખાડવાને બહાને બન્ને પાછળ વંડીમાં ગયાં ત્યારે પારિજાત નીચે ઊભાં ઊભાં એણે પૂછેલું : તમારે ત્યાં ય પારિજાત છે નહીં ? હવે તો ખાસ્સું મોટું થઈ ગયું હશે. પછી સહેજ અટકીને કહે : સામી દીવાલે સરસ લીમડો હતો. આખા ઘર પર એનો છાંયો ઢળતો. પણ પપ્પાએ બહુ કચરો થાય છે ને મૂળિયાં પાયો ફાડી ખાય એમ કહી કપાવી નાંખેલો. બાય ધ વે, તમને આંગણામાં મોટું ઝાડ હોય એ ગમે?

એ ગૂંચવાઈ ગયો હતો. આને બધી વાતની ખબર તો હશે  ને ? ખાસ તો છાયા વિશે. છાયા વિશે જ ને ?  હવે એના સિવાય જિંદગીમાં બીજું કશું છે જ ક્યાં ? આવું બની ગયા પછી જીવ અમળાયા કરે છે. આમ પરાણે પાટલે બેસાડી ગાંઠે જોડાવા મન માનતું નથી. સુનીતાને જોતાં જ છેક ઊંડે ઊંડે એવો ઘ્રાસકો વિસ્તરે છે કે ઉદ્વેગ અને ઉકળાટથી શરીર પાણી પાણી થઈ જાય છે. કોઇ કશું  સમજવા માગતું જ નથી. બસ, એમની સલાહ માનો. ન માની તો એની બળતરા જ્યાં ત્યાં એનો  એ જ કકળાટ.

દેવુકાકા ક્યાંકથી ખણખોતર સાંભળી આવ્યા હશે તે આવ્યા એવા ભખ ભખ ! બાપુજી ‘આવો’ બોલે ત્યાં તો ભડકો ! ‘જો મોટા, તારે તો લૂલી હલાવવાની જ નહીં ‘શું કીધું ?’

પછી શ્વાસ લેવા ય અટક્યા વગર કહે, ’ ખબર પડે છે? બધાં અહીંઓ મહીં ટૈડપૈડ કરે છે પણ ઘેલહાહરીના ને દેખાડી દેવા.’

’પણ તમે બેસો તો ખરા.’

‘હવે બેઠાં એ તો. એકે એકને બતાઈ દઈશ, છોડી તો આમ લઈ આવું આમ.’ બોલતાં સામટી ત્રણ ચપટી વગાડતા હીંચકો ઠેબે ચડાવતાં ફર્યા. નિખિલ પડતા પડતા રહી ગયો. એ ધ્યાને જતાં એના ખભે હાથ મૂકતા બોલ્યા, ‘તારે મૂંઝાવાનું નહીં. બેટા, અપસરા જેવી છોડી ના ગોતી કાઢું તયણ દા’ડામાં તો ફટ છે દેવચંદ નાનજીને. ‘શું કીધું ?’’

હવે આ ‘શું કીધું ?’ની અપસરા તો મોટા ઝાડનો છાંયડો ગોતે છે.

આ વિચાર પર હસવું કે જવાબ વાળવોની ગડભાંજમાં બોલ્યો, ‘હા, ગમે એ તો. ઝાડ-પાન તો ગમે જ ને!’ એને આમ થોથવાતો જોઈ સુનીતા હસી પડેલી. એના દાંત સહેજ સહેજ મોટા હતા. છાયા જેવા નહીં. છાયાના દાંત સરસ, એક સરખા પાસાદાર. એ હસતી હોય ત્યારે થાય કે એને કહી દે – બસ. આમ જ ખડખડાટ હસતી રહે. જસ્ટ ફ્રિઝ!

છાયા એવું કરે એ વાત ઘરમાં કોઇ માનવા તૈયાર નહોતું. એ સવારે પ્રવીણભાઈનો ફોન આવ્યો ત્યારે વાત સાંભળતા બાપુજી હાકાબાકા થઈ ગયા હતા. ’ હેં ? ના હોય, ના  ના  પણ એવું કેવું રીતે ? તમે બરોબર તપાસ તો કરી છે ને?’ ….  ‘જો જો હોં ભાઈ અમારો નિખિલ તો પાછો’ …  ને પછી સાવ ઢીલા અવાજે હા-હમ્‌  હં .. બોલતા અવાચક થઈ ગયેલા.

ત્યારથી એક જ સવાલ સતત પજવ્યા કરે છે. આવું શું કામ કર્યું તેં ? શું કામ, છાયા શું કામ ? આવું જ કરવું હતું તો મારી સાથે આમ સંબંધ વધારવાની ક્યાં જરૂર હતી ? મેં ક્યાં કશી ફરજ પાડેલી?

પહેલી વાર સાથે ફરવા ગયા હતાં ત્યારે નિખિલે સામેથી પૂછી લીધેલું, ‘આપણો સંબંધ બંધાય એમાં તમારી હા છે ને?  પ્રશ્ન સાંભળી, ‘તમને શું લાગે છે?’ કહી છાયા હસી પડેલી.

‘આ તો પૂછવું સારું, પાછળથી ક્યાંક.' 

‘એમ?’ કહી એ ફરીથી હસેલી.

વાતમાં કશું ન હોય છતાં વાત કરતાં વચ્ચે હસી પડવાની એને ટેવ હતી. બે-ચાર મુલાકાતમાં જ આની ખબર પડી ગયેલી.

મદ્રાસી હોટલમાં ખૂણાના ટેબલે બેસી છાયાને એ એક ધારું એને જોયા કરતો.

‘શું જોયા કરો છો ક્યારના ? એવું પૂછવા જ જાણે હોઠ મરક્યા હોય એવું લાગતું. પણ એ ખુલ્લું હસી દેતી.

આજે થાય છે એ ચોક્કસ મારા ભોળપણ પર હસતી હશે. ડફોળ ! સાવ ભોપાલાલ!

અચાનક એને થયું આખું શરીર અંદરથી કંપે છે. ન સમજાય એવી બેચેની અને ફડક વિસ્તરી જ જાય છે. જાણે હમણાં છાયા આવીને એની આંગળીઓ ભીડી દેશે. મુઠ્ઠીમાં દબાવતી, કેમ મોડું થયું એના કારણો ગણાવશે ને પછી હસીને ઉમેરશે : ‘એવું છે ત્યારે, શું નિખિલજી, સમજણ પડી ?’ ને ફરીથી ચિરપરિચિત હાસ્ય રેલાવશે.

એ હસવું એ નજર રુંવે રુંવું તાર તાર કરતી ફરી વળે છે. હું શું કરું, છાયા? ક્યાં જાઉં? … ખીસામાંથી  રૂમાલ કાઢી પરસેવો લૂછવા ગયો ત્યાં છાયાનો અવાજ પડઘાયો.

‘કેવા ઝોડ જેવા છો? રૂમાલ આવી રીતે ડૂચો વાળીને રખાય ?’ પછી હસતાં હસતાં હાથમાંથી રૂમાલ ઝૂંટવી લઈ બરોબર ઘસીને ગડી વાળી એક ભાગથી મોં લૂછી બોલી હતી: ‘જુઓ, આમ વપરાય.’ ને ડાઘા ઉપસેલો ભાગ અંદરની ગડમાં દબાવી એના હાથમાં મૂકતાં મલકઈ હતી.

જે છાયા ‘રૂમાલ આવી કાળજીથી વપરાય. સમજ્યા?’ કહેતી હતી એ જ છાયા રૂમાલની ગડી વાળતી હોય એમ જિંદગીને વાળી ચૂપચાપ અદ્રશ્ય થઇ ગઇ હતી. 

શું સમજવું ?’ પહેલાં તો એવો વિચાર આવેલો કે ક્યાંક ભૂલી પડી ગઈ હશે, આપઘાત, કશેક તળાવ કે કેનાલમાં …….. પછી, કોઈ ગુંડા એને ઉપાડી ગયા હશે એવા વિચારો …  પણ પોલીસને ખાતરી હતી. એ ભાગી ગઈ છે. 

ચાર દિવસમાં જ પાકા સમાચાર આવ્યા. અજિતે કહ્યું કે રમેશભાઈ કાપડવાળાની ભત્રીજી કપિલાએ છાયાને જોયેલી, ગોંડલની બજારમાં. પેલો ય હતો એની જોડે. થોડી ફીક્કી પડી ગઈ છે પણ હસતી’તી હોં.

છાયાની મમ્મીએ કહેવરાવેલું : ‘કે’જો નિખિલકુમારને, જીવતી છે કભારજા. એ લેર કરે એના હણીજા જોડે. તમ જેવા જીવને આમ કોચવીને એ કપાતર તો …’ પછી જીભ કચરીને અટકી ગયેલાં. નિખિલ ભાભી પર ગુસ્સે થઇ ગયો હતો, ’પણ મને ફોન કરવો જોઈએ ને. હું આવી જાત તરત. છાયા આવું કરે એમાં એની મમ્મી આટલું બધું રડે તો આપણે ….. પછી આગળ શું બોલવું એ સમજાયું નહિ પણ વિચારો અટકતા નહોતા.  અરે છાયાનો ય શું વાંક ? પ્રેમમાં તો એવું જ કરવું પડેને? ભાગી જઇને સુખી છે ને? પણ કશું ય બોલાયું નહોતું. ભાભી કોઈના મૃત્યુ પ્રસંગે આશ્વાસન આપતા હોય એમ એને જોઈ રહ્યાં હતાં.

બાપુજી કહેતા હતા : ‘મૂળે આજનું વાતાવરણ ને એ છોકરીને ગમે એ ભોગે સમય સાચવી લેવાનો સ્વાર્થ. જો, આપણે છેતરાયા એમાં સાચી ખામી તારા ને મારા તકદીરની. તું ભૂલી જા, ભઈ. બધું ભૂલી જા.’ પછી હવામાં હથેળીઓ ઘુમાવતાં ધીમા પગલે બહાર નીકળી ગયેલા.

નિખિલને થયેલું : છાયાનાં મમ્મી કેવાં ગરવાં છે ને એના પપ્પા તો કેટલા સેવાભાવી ને ધાર્મિક છે. એકની એક દીકરીના ઉછેરમાં શું કમી રાખી હોય?

સગાઈના અઠવાડિયા પહેલાં એ અને છાયા અષ્ટલક્ષ્મી માતાનાં મંદિરે ગયેલાં. ત્યાં દર્શન કરતાં છાયાએ કપાળે હળદર-કંકુનો ચાંદલો કરી માથે દુપટ્ટો ઓઢેલો ત્યારે ઠાવકી ગૃહિણી જેવી લાગતી હતી. એ વખતે એવું વહાલ આવી ગયું કે મંદિરનાં પગથિયાં ઊતરતા નિખિલે એને કમરથી પકડી સાવ નજીક ખેંચી લીધેલી. એ જબરી ચમકી ગયેલી. ‘એ ય, મંદિરમાં? છોડ.’ નીચે આવી પાળી પર બેસતાં કહેલું, ‘એક વાત કહું, છાયા ?’

‘કો’ને.’ બોલતાં એ સહેજ નજીક ખસેલી. નિખિલે ક્યાં ય સુધી એની બંગડીઓ સાથે રમત કર્યા કરી. છાયાએ ત્રીજી વાર પૂછ્યું : ‘કો’ને, શું કહેવું છે ?’ પણ એ ચૂપચાપ એને તાકી રહેલો.

એ દિવસે પહેલી વાર એ હસી નહીં. બે વખત નિખિલના ખભે હોઠ-નાક-કપાળ ઘસતાં બોલેલી : ‘મને ખબર છે, તમારે શું કહેવું છે.’

‘સાચું કહે છે ?’

હોઠ ભીડી ઊંડો શ્વાસ લઈ છોડતાં બોલેલી : ‘હા. સાચું કહું છું, નિખિલ. મને ખબર છે.’ ને એકાએક ઊભી થઈ ગયેલી. ચલો, ઉડીપીમાં જઈએ. ત્યાં બેસીશું, બાકી આ મંદિર ને માતાજીઓ મને મારી નાંખશે.’

‘તો શું કામ આવી હતી ?’

‘માતાજીના દર્શનથી મને …..આગળના શબ્દો ગળી જવા હોય એમ હોઠ ભીડી થૂંક ઉતારતાં  જોરથી નિખિલનો હાથ ખેંચતા બોલી, ’આવી એટલે આવી, ચલો, ઊઠો કહું છું.’

મારું કહેલું આટલું બધું માનતી હતી, સમજતી હતી તો પછી આવું કરવાની શી જરૂર હતી તારે ? બોલ, બોલ ને ! કોણ બોલે? રાતના અંધારામાં શિરીષની શિંગો ખખડ્યા કરે છે. એના ખરખર અવાજમાં એની હાજરી વરતાતી હોય એમ  અનુભવાય …. છાયા હંમણાં કહેશે : ‘પગ લાંબા કરો ને નિખિલ, મારે સૂવું છે.’ એના પગ આપોઆપ લંબાય. હથેળી માથું સાહી લેવા ઊંચકાય પણ આંખ ખોલી જુએ તો એ જ મટમેલી દીવાલોને વચોવચ સ્થિર થઈ ગયેલું માતાજીનું કેલેન્ડર !

*            *            *

વહેલી સવારે નિશાભાભીએ ઢંઢોળ્યો : ‘ઊઠો, તમારાં મનગમતાંનો ફોન.’ આંખોમાં નર્યો મલકાટ. નિખિલે રિસિવર કાને ધરતાં કહ્યું, ‘હેલો.’

‘જિંદગીનું પહેલું વર્ષ મુબારક, જાનુજી.’

એ જ વાક્ય ! સાંભળીને એ થોથવાઈ ગયો. નિશાભાભીની હસતી નજર ખચ્ચ દઈને ફોડી નાંખવાની ઈચ્છા થઈ પણ સામે છેડે સુનીતા ‘હલો  નિખિલ …. હલો.’ બોલતી હતી. એણે ઝડપથી કહ્યું, ‘થેન્કયૂ.’ ને ઉમેર્યું : ‘થોડીવાર પછી ફોન કરું છું, પ્લીઝ.’ ને તરત ઑફનું બટન દબાવી દીધું.

‘શું છે આ ? ભાભી, મારે તમારી સાથે વાત કરવી છે.’

‘આજે ? અરે પહેલાં તો જન્મદિવસનાં વધામણાં, દિયરજી.’ કહી નિશાભાભીએ એના માથે હાથ મૂક્યો. એમની વાળમાં ફરતી આંગળીઓ, નીતરતા સ્નેહથી હૈયું ભરાઈ આવ્યું. ‘બસ, ભાભી’ કહી એ આશીર્વાદ લેવા નમ્યો.

નિશાએ એને સાહી લેતાં સહેજ ભેટવા જેવું કર્યું ને એના બન્ને ખભે હાથ મૂકી હળવી ભીંસ દેતાં કહ્યું : ‘સો વરસના થાઓ.’ ને સહેજ ખસતાં પૂછ્યું, ‘બોલો, શું વાત કરવી છે ?’

ઇચ્છવા છતાં એ ન પૂછી શક્યો કે : તમે સુનીતાને બધું શીખવાડો છો કે શું ? અમારી નાની-નાની વાતોની તમને ખબર છે એટલે એનો લાભ લઈને તમે મને ઈમોશનલી પણ એમની સામે જોતાં એટલું જ બોલાયું : ‘કંઈ નહીં ભાભી. એમ જ.’ ને એ પલંગમાં બેસી પડ્યો.

‘એમ બેસી પડ્યે નહીં ચાલે. સુનીતા પાર્ટી લીધા વગર છોડવાની નથી.’

‘ભલે ચેલી તો તમારી ને. તમે આવતાં હો તો બોલો, કરીએ પાર્ટી.’

‘મારી વાત છોડો, હું ને તમારા ભાઈ જઈશું સાથે. તમારે સુનીતાને લઈ જવાની છે. ફોન કરો, સાહેબ, નહીં તો ઊડીને સીધી અહીં જ લેન્ડ થશે.’

ને એમની આગોતરી ગોઠવણ હોય એમ થોડી વારમાં જ ડોરબેલ રણકી. બૂકે લંબાવી મીઠું મલકતી સુનીતા છાયા આ રીતે જ મરૂન ર્જ્યોજેટની સોનેરી કિનારવાળી સાડી અને પીઠે સોનેરી પટ્ટાવાળો બ્લાઉઝ પહેરીને આવેલી. ’જાનુનો સાકરપડો અને બૂકે!’

નિખિલની નજર ભાભીને શોધતી હતી. પકડીને એમને ઝઝકોરી નાંખે. બંધ કરો આ બધું. શું માંડ્યું છે તમે ? શા વાસ્તે આ છોકરીને ભોળવી કોઈ ફિલ્મમાં ય ન આવે એવાં દૃશ્યો ઊભાં કરી મને મજાકથી નીચે સ્તરે મૂકો છો? નથી સારું લાગતું ભાભી. બહુ પીડા થાય છે મને. અરે, સુનીતાનો તો વિચાર કરો. કયા પ્રેમ અને ત્યાગને નામે તમે એની પાસે આ બધું કરાવો છો ? એની ઇચ્છા, એની લાગણી કે એની બુદ્ધિની કશી ગણતરી જ નહિ? … કેટકેટલું બોલવું હતું, પણ ભાભી સામે આવીને ઊભાં રહે કે જીભ ઝલાઈ જાય. શરીર કોઈને વશ વર્તીને ચાલતું હોય છે એમ સાવ નિરાધાર થતું કળાય.

સુનીતા બૂકે લંબાવી મલકતી હતી. તે દિવસે છાયાને આમ ઊભેલી જોઈ બાપુજી બહુ ખુશ થઈ ગયેલાં. છાયાને માટે હાથ ફેરવતાં કહે : ‘અમે તો કોઈનો જન્મદિવસ ઊજવતા નથી, બેટા. ખૂબ સારું કર્યું તું  આવી તે. નિખિલની બા આ દિવસે ગળી રોટલી બનાવતી.’ પછી ધીમું હસતાં અંદર ચાલ્યા ગયેલા.

‘થઈ જાય ભાભી, ગળી રોટલી આજે.’ કહી છાયાએ પેકેટ લંબાવેલું.

‘જાનુજી, કવિતાનું પુસ્તક લાવી છું લ્યો. વાંચો ત્યારે સમંદર-મોજાં પહાડો કે ઝાડ-પાંદડાં આવે ત્યાં ત્યાં અટકજો. છાયા લાવી છે એટલે સડસડાટ વાંચી ના જતા પાછા.’ શું હતું એ વાક્યમાં ? એણે ‘ઝાડ-પાંદડાં ?’ એમ પૂછ્યું ત્યારે છાયા તો તોફાની દરિયાની જેમ ઉછળતી હતી ને એ ……

‘લ્યો, મારા તરફથી નાનકડી ભેટ.’ કહી સુનીતા નજીક આવી. પણ નિખિલને થતું હતું કે બધું ચસોચસ ગોઠવાયું છે. એકની ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું ને એમ થર ઉપર થર. અંદર ઊતરતા જઈએ તો થાય જિંદગીના આટઆટલા થર સાવ આટલા સમયમાં? છાયા એ ય છાયા …..  અચાનક બીક લાગવા માંડી. હમણાં રાડ પડી જશે …‘છાયા ….’ પણ સુનીતા હજી ય હાથ લંબાવી એને જોઈ રહી હતી.

*       *       *

યુનિવર્સિટીના પાછળના રોડે પૂરપાટ સ્કૂટર પાછળ બેઠેલી સુનીતાનો હાથ નિખિલની પીઠને સ્પર્શ્યો.

‘તમે ગંજી પહેરતા નથી ?’ આવા તડકામાં એકલું શર્ટ પહેરીએ એટલે પરસેવાથી ચોંટી જાય, બાપ રે ! કેવી અકળામણ થાય ? મને તો આવું જરા ય ના ગમે.

‘શું બોલી તું ?’ નિખિલથી એકાએક બ્રેક મરાઈ ગઈ. સુનીતાએ એના ખભા પકડી લીધા. ‘હમણાં પડી જાત. ધ્યાન ક્યાં છે તમારું ?’

‘સૉરી,’ કહી નિખિલે ગિયર બદલ્યો ત્યારે પાછળથી કોઈ શર્ટ ઊંચું કરી પંપાળતું હોય એમ થયું.

‘જા, અંદર ગંજી પહેરી છે ને ? મને ગંજી પહેરતા છોકરાઓ બિલકુલ પસંદ નથી.’ પછી કાન આગળ હોઠ લાવતાં બોલી, ‘સાવ માવડિયા જેવા લાગે એ તો.’

‘કેમ ઘડી ઘડી બ્રેકો મારો છો ?’ સુનીતાએ સહેજ અકળાતાં પૂછ્યું.

‘કંઈ નહીં. હવે ધ્યાન રાખીશ.’ કહી નિખિલે ફરીથી ગિયર બદલ્યો.

*            *            *

સુનીતા હવે અધિકારપૂર્વક વર્તે છે. પહેલાં તો ફોન કરીને આવતી પણ હમણાંથી ઇચ્છા થાય ત્યારે આવી ચડે. આવીને સીધી નિખિલના રૂમમાં. બધાં કબાટ, લાયબ્રેરી સુધ્ધાં ઉથલાવી નાંખે છે. ધૂળ ખંખેરવાને બહાને પુસ્તકો અવળ-સવળ કરી નાંખે છે. નિખિલ કંઈ પૂછે તો જવાબ  મળે : ‘પુસ્તકો તો સાફ થવાં જ જોઈએ. ઊધઈ આવી જશે તો ?’

‘ઊધઈ?’ નિખિલ એની સામું તાકી રહે છે. છાયાએ એની પસંદગીથી ગોઠવેલાં પુસ્તકોનો ક્રમ બદલાઈ ગયો છે. ‘આમ આડાંઅવળાં ચોપડાં ન ગોઠવાય. સાઈઝ પ્રમાણે ગોઠવવાં જોઈએ.’

‘એમ ?’ કહી નિખિલ વિખાંતી હાર અને બદલાતો ક્રમ જોયા કરે છે. પણ એટલું જ નહીં એનાં શર્ટ, પેન્ટ…’

‘આમ રઘા જેવા શું રહો છો ? જરા વ્યવસ્થિત કપડાં પહેરો.’ કહી બીજે જ દિવસે છાયા એની પસંદગીનાં શર્ટ લઈ આવેલી.

‘મને આવા ચેક્સ ને ભડક રંગો નથી ગમતા.’

‘તે ભલે. મને ગમે છે ને.’

‘પણ છાયા, મારી પસંદગી, મારી પર્સનાલિટી. ’

‘પર્સનાલિટી બર્સનાલિટી કંઇ નહિ,  તમારે હું કહું એ જ કરવાનું.’

‘તું તો.’

‘હા, હું તો. મારું નહિ માનો તો મારી નાંખીશ.’ કહી છાયાએ બન્ને હથેળીઓથી ગળું દબાવેલું : ‘આમ’.  બોલતાં એની પકડ ઢીલી પડી ગયેલી. એની આંખોમાં ભીનાશ હતી? ઊંઘ આવતી નહોતી બધું યાદ કરતાં બેઠો થઈ ગયો. આંખો બળે છે એ ઉજાગરાને લીધે એમ સમજતો હતો પણ કશાય ફેરફાર વગરના પરિવર્તનો હળવે હળવે બાળે છે એ સમજાતું નહોતું.

*       *       *

સુનીતા બિઝનેસમાં સુધારા કરવાની ને એના ભાઈની મદદ લઈ સોફ્ટવેર ડેવલપમેન્ટની વાત મૂકતી. સાંભળી અકળાઈ જવાતું. શા માટે મારી વાતમાં માથું મારતી હશે ? પણ સુનીતા તો જાણે નક્કી કરીને બેઠી છે. નિખિલને પોતાના ટેસ્ટ મુજબ ઘડવો. એ નથી શક્ય, સુનીતા. છાયાએ ધીરે ધીરે સંકોરેલો બદલાવ આજે ય અકબંધ છે. છેક અંદરથી કશુંક ગોરંભાતું ગોરંભાતું આવે અને હું ફરીથી એ જ માહોલમાં મુકાઈ જાઉં. તું કેમ એ સમજી શકતી નથી ?

તે દિવસે કેટલી વખત પૂછ્યું : સુનીતા તમને ખબર છે ને મારા ને છાયાના સંબધની?

‘હા.’

‘તો પછી મારામાં આટલો બધો રસ શું કામ લો છો ? તમને ભાભી દબાણ કરે છે આ સંબંધ માટે ?’ સુનીતા ચૂપચાપ નીચું જોઈ હાથની એક બંગડીમાં બીજી બંગડી પરોવવા મથતી હતી.           

‘શું છે સુનીતા,  તમારે શા માટે આવું કરવું પડે ? બોલો તો ખરાં ?’

નજર ઊંચકી સીધું સીધું તાકતાં, એક જ જવાબ : ‘મેં એવું વિચાર્યું નથી.’ ક્યાં ય સુધી કોઈ કશું બોલ્યું નહોતું. અચાનક ચહેરો સમ્મુખ આણતાં સુનીતા બોલી હતી, ’મને ભાભીએ તમારી અને છાયાની વાત કરી છે.’

‘સાચુ કહેજો, તમે ભાભીનાં કઝીન થાવ એટલે કદાચ એમણે તમને …’

‘ના. મને કોઈનું દબાણ નથી.’

‘તો?’

‘મને ખબર નથી, નિખિલ. પણ તમારા ને છાયાના પ્રેમનો વિચાર કરું છું ત્યારે પ્રેમના આ સ્વરૂપનું  વિસ્મય મને સતાવે છે. ઘરમાં વાત થઇ ત્યારે આખી એ વાત કોઈ હિરો હિરોઈનની ફિલ્મી ગોસીપ જેવું લાગેલી પણ ભાભીને મળ્યા પછી ખ્યાલ આવ્યો આ કહેવાય છે એટલી સાધારણ વાત નથી.’

‘શું?’

‘કેમ શું?, તમને ગમાડું ને તમારા વિષે સમજું નહિ એવી મૂરખી ધારો છો?’ કહી જમીન પર પડેલો ઓઢણીનો છેડો લઈ ખભે ઠેરવતાં ઊભી થઈ ગયેલી. ‘ચાલો, બધાં રાહ જોતાં હશે આપણી.’

એને આમ ઉતાવળે જતી જોઈ નિખિલ પાછળ બૂમ મારવા જતો હતો. પથ્થર પર પાણી છે, સુનીતા,  પાણી.

એ વેળા, લગભગ ચારેક વર્ષ પછી નદીમાં એટલું પાણી આવેલું. છાયાએ જાણ્યું કે પૂર આવ્યું છે એવી તરત હાજર. ‘ચલો નિખિલ પૂર જોવા જઈએ.’

‘પૂરમાં શું જોવાનું ?’

‘લો, પાણી જોવાની કેવી મજા પડે એની ખબર છે ? ચલો, ઊઠો.’ પરાણે ખેંચી ગયેલી. નર્યા મટમેલા રંગનું પાણી જોશભેર પુલના લોખંડી ગર્ડરે અથડાતું હતું. એનો ઘમકાર ગાજતો હતો. પાણી ફિણોટાતું, સેલ્લારા મારતું ઘૂમરીઓ ખાઈને ઊછળતું હતું. પુલ નીચે ચકરાતો પ્રવાહ જોવા છાયા વાંકી વળી કે તરત હાથ લંબાવી નિખિલને પકડી લીધો.

‘મને બહુ બીક લાગે છે. તું પકડ મને.’

‘પણ આમ વળગે છે શું ? જરાક આજુબાજુ તો જો.’ પણ એ કશું સાંભળતી નહોતી. અમળાતાં પાણીમાં ફસાઈ હોય એમ અક્કડ થઈ ગઈ હતી.

‘એ ય, હમણાં જ અહીંથી કૂદી પડું તો ? મરી જઈશ ને ? નિખિલ, કે’ને.’

એણે છાયાને જોરથી ભીંસી દીધેલી. ‘ફરીથી આવું બોલીશ તો ધોલ મારી દઈશ.’

એક પળ એની આંખમાં સીધું તાકતાં બોલેલી, ‘તું તો સાલા સાચે જ બહુ પ્રેમ કરે છે. પ્રોબલેમ ના કર પ્લીઝ.’

‘એટલે ?’

એ ખડખડાટ હસતી હતી. ‘કેટલો પ્રેમ કરે છે, આટલો ?’ કહી હવામાં બન્ને હાથ પહોળા કર્યા ને બોલી, ‘આટલો બધ્ધો?’

‘બસ હવે, પડી જઈશ.’

પણ એ એક ટક એની સામે જોઈ રહી હતી. એના હાથ ખુલ્લા, હવામાં ફેલાયેલા અને આંખો છલ છલ!

તો પછી શું કામ નાસી ગઈ પેલા જોડે ? તારા સિવાય કોઈ આ રીતે શ્વાસ રૂંધી મૂકે એમ એકાકાર નથી થયું. કેટલું ચાહું છું તને ખબર  છે ? 

નિખિલને લાગ્યું એની જાણ બહાર એના ધબકારા બેવડાઈ ગયા છે.

એ છેલ્લી વાર આવેલી પૂર ઓસર્યાના બીજા દિવસે. ત્યારે એની આવી રીતે ગળીઓ મચડતા બોલી હતી  આપણી તો સગાઇ થઈ છે, નિખિલ પછી આટલું બધું શું કામ ચાહો છો મને? શું કામ?’

એ કશું બોલવા ગયો તો છાયાએ એના મોં પર હાથ મૂકી દીધેલો.

‘કશું ય ના બોલીશ, ના કશું જ નહીં.’

પછી ક્યાં ય સુધી નિખિલના પગ પર માથું ઢાળી બેસી રહેલી. જતાં જતાં યાદ આવ્યું: ‘અરે, મેં આજે મેંદી કરી છે વાળમાં. તારે સૂંઘવી નથી ?’

‘આજે તું બહુ સીરિયસ થઈ ગઈ છે.’ એ ચૂપચાપ એની નજીક આવી હતી. નિખિલે એનું માથું સાહી લેવાય એટલો ઊંડો શ્વાસ લઈ વાળ સૂંઘ્યા. એક વાર મન ન ભરાતાં બીજી વાર. ત્રીજી વાર …

છાયાએ એની છાતીમાં કપાળ ઘસતાં કહ્યું : ‘બસ  બસ. હવે છોડ, જવા દે મને.’

છેલ્લું વાક્ય ઈરાદાપૂર્વક બોલી હોય એમ જતી જ રહી. હજી ય સમજાતું નથી, શું કામ? મેં તારું શું બગાડ્યું હતું, છાયા, કે તેં આવી રીતે મને ….

હા, એ રાત્રે એનો ફોન આવેલો —

‘એક વાત રહી ગઇ, નિખિલ. હું તારાં ચશ્માં આપી આવી છું. સ્લીપ ભાભીને આપી છે. લઈ આવજે. અને સાંભળ, નિખિલ મારે તને એક ખાસ વાત ….  બોલતાં તો એનો અવાજ ઠરડાઈ  ગયો ને ફોન કપાઈ ગયો. નિખિલે ઘણી વાર ટ્રાય કર્યો પણ પહેલાં સતત એંગેજ ટોન અને પછી મોબાઈલ સ્વીચ ઑફ!

શું કરવું એ સૂજતું નહોતું. એણે હવામાં હાથ ફેરવી કશુંક પકડવા ઝાંવાં માર્યાં. પણ અંધારું એમ હાથમાં આવે એવુ નહોતું.

પોતે જ ઊભી કરેલી વાડ નજીક ધસતી આવે છે કે શું? ના. તો આમ રહેંસાઈને મરવું એના કરતાં સુનીતાને ના પાડી દેવી. બરાબર. ના જ પાડી દઈશ. નહીં ફાવે. કોઈ જ કારણ નથી, સુનીતા. તું સારી જ છે. ખૂબ સારી. પણ ના. પ્લીઝ, ના.

જે પરિસ્થિતિ છે એનો સામનો કરવાની હિમ્મત જાણે ભાંગી ગઈ હતી. સુનીતાને ના પાડવાની સ્વતંત્રતા હતી ત્યારે પોતે ચૂપચાપ બધું ચાલવા દીધું ને હવે નહીં વેઠાય એવું લાગે છે એટલે શાહમૄગની જેમ મોં છુપાવી ….

ના એવું કંઈ નહિ.  બસ એક વખત ગોંડલ જઈ આવું. છાયાને જોઈ આવું. એને પૂછી લઉં, બસ એટલું કહે, શું કામ આવું કર્યું તેં ? મને આવી રીતે છેતરવાની શી જરૂર હતી ? બોલ.

પણ એ તો એની ટેવ પ્રમાણે હસી પડશે ખિલ ખિલ. ને પછી એની આંગળીઓ પકડીને મુઠ્ઠીમાં દબાવ્યા કરશે. ઊંધી હથેળી દબાવતાં પૂછશે : ‘સાવ આવું,  નિખિલ, સાવ ? પછી તમારે તમારું શું કામ છે? એ ય, આપો ને જવાબ.’

ને જીવન સાવ પીઠ ફેરવીને ઊભું રહેશે. સુકાયેલા થડિયા જેવો એ ખોડાઈ જશે ત્યાં ને ત્યાં ને છાયા તો …

જો કે, છાયા વગરે ય જીવી શકાય. જેટલી ક્ષણો સચવાયેલી છે એટલી એક જન્મ પૂરતી તો ઘણી. આટલી અમથી જિંદગી નહીં જીવાય ?

અચાનક આંખ સામે બાપુજીનો ચહેરો આવી ગયો.

સાવ ઢીલા અવાજે બોલતો : આપણે આવું કરવાનું, બેટા? સંબંધો પર ઘસરકો કરીને કોઈ ચાલી જાય એટલે આપણે ય એવું શીખવાનું? તાણો-વાણો ગૂંથવાને બદલે તમે વળ વછોડીને શું કરશો? તમે ઊઠીને આવું કરશો તો? પછી  એ એમની સામે જુએ તો આખાએ ચહેરામાં ધ્યાન ખેંચે એવું કશું જ ના હોય.

*         *        *

નવાં ચશ્માં લઈ આવવાનો સમય મળ્યો જ નહીં. છાયાએ આવું કર્યું એટલે ભાભીને ય પેલી સ્લિપ નહીં યાદ આવી હોય. આજે છેક આટલા વખતે થયું લાવ, એની છેલ્લી ઇચ્છા ય પૂરી કરી દઉં. અંદર આવી પૂછ્યું : ‘ભાભી, તમને કોઈ સ્લિપ આપી હતી છાયાએ ?’

‘હજી એ છાયા જતી નથી મગજમાંથી ?’

‘ચશ્માંની સ્લિપ હતી.’

‘મૂઆં ચશ્માં ને મૂઈ સ્લિપ. એવી ફરંદીઓને વળી શું કામ યાદ કરવાની ? આટલી પીડા પહેરાવી ગઈ એ ઓછી પડે છે તે હવે ચશ્માં.’

એ ચૂપચાપ ભાભી સામે જોઈ રહ્યો. એની નજરનો તાપ ન જીરવાતો હોય એમ નિખિલ નજીક આવી ઊભાં રહ્યાં.

‘કંઈ નહીં. આ તો એ ગઈ એની આગલી રાત્રે એનો ફોન હતો કે મારે માટે નવાં ચશ્માં …’ બોલતાં નિખિલનો અવાજ ગળગળો થઈ ગયો. ભાભીએ એનો હાથ હાથમાં લઈ પસવાર્યો. એમની આંખમાં ભીનાશ છવાઈ. હોઠ ભીડતાં આંસુ ખાળતાં હોય એમ ચહેરો તંગ થયો. નિખિલની બાજુમાં બેસી પડતાં બોલ્યાં : ‘શું, ભઈલા તમે ય?’

નિખિલને થયું એ હજી થોડી વાર ઊભો રહેશે તો ભાભી રડી પડશે. માત્ર ભાભી નહીં એ પોતે પણ.  કેટલી ય વારે એ પૂછી બેઠો: ‘સાચું કે’જો, ભાભી, એ એવી હતી ? ફરંદી ?’ ફરંદી બોલતા એનો અવાજ ધીમી ચીસ ફાટી જાય એમ તરડાઈ ગયો. ભાભીએ એના ખભે હાથ મૂકી બીજો હાથ માથે ફેરવતા કહ્યું, ‘ના.’

‘કશુંક તો હશે ને, ભાભી, એવું કંઈક કે માણસ … તમે સમજો છો ને ?’

‘આમ ઢીલા શું થઈ જાવ છો ? જે હશે એ. હવે છાયા ગોઠવાઈ ગઈ. એણે તમને છેતર્યા પણ આપણે સહુનું ભલું તાકવું.’ પછી સહેજ અટકીને, ‘તમે સુનીતાનો તો વિચાર કરો. એણે શા વાસ્તે  આવો છંડાયેલો સંબંધ સ્વીકારવો પડે ? એ મારી સગી છે એટલે?’ એવું ઉમેરી કડવાશથી જોઇ રહ્યાં.

એ જોઈ નિખિલને કમકમાં આવ્યાં. ભાભીના સવાલનો જવાબ આપવાને બદલે એ ઊભો થઈ બહાર નીકળી ગયો.

બહાર સાવ સૂનકાર હતો. સડક કિનારે લીમડો, શિરીષ અને ગુલમ્હોરની ડાળીઓ પવનમાં વીંઝોળાતી, અમળાતી હતી. ડાબી તરફ મંદિરની ધજામાં હવા ભરાતાં સુસવાટા બોલતા હતા. સડક પર રેતના આછા આછા પટ્ટા  આમ તેમ  સરકતા દોડતા સરકતા હતા. પાનનો ગલ્લે બે જણ હથેળીઓ ઓઠે બીડી સળગાવવા મથતા હતા એ જોયું ન જોયું કરી એ એક આડા પડી ગયેલા થડને પગ ટેકવી ઊભો રહ્યો. થોડીવારમાં પવન સાવ પડી ગયો એટલે કશુંક ઝૂંટવાઈ ગયું હોય એમ નિમાણાપણું અનુભવાયું. પવનના લીધે ચારે તરફ સૂકાં પાંદડા, પ્લાસ્ટિકની કોથળીઓ અને કાગળિયાં પથરાયાં હતાં. પોતાના જ શ્વાસના પડઘા સાંભળતો હોય એમ એ બેસી રહ્યો હતો. એને વિચાર આવ્યો. હમણાં ભાભી એને શોધતા આવીને કહેશે, કેમ આમ એક પગે કોનું તપ કરો છો? ચાલો છાનામાના ઘેર ચાલો હવે.

એટલામાં પવનનો સેલારો આવ્યો, ધૂળથી વાતાવરણ સાધારણ ધૂંધળું થયું. એ ધૂંધળાશની પેલે પારથી સ્કૂટર પર સુનીતા આવતી કળાઈ.

નિખિલને થયું સુનીતા એને જોયા વગર સડસડાટ પસાર થઈ જાય તો સારું પણ એણે નિખિલને જોયો. દૂરથી નજર મળતાં હાથ ઊંચો કરી હલાવ્યો. એમ કરવા જતાં એનું સમતોલન ડગ્યું એમ લાગતાં આપોઆપ નિખિલનો હાથ ઊંચકાયો. પછી સુનીતાને ધ્યાન રાખવા સૂચવતો હોય એમ કરવા જતાં એને પોતાની તરફ આવવા સૂચવાઈ ગયું. 

સુનીતા નિખિલની નજીક આવતાં ધીમી પડી, વળી ત્યારે ભાભી બહાર આવી વંડીના દરવાજો પકડીને ઊભાં હતાં. પવનમાં હિંચોળાતી ડાળીઓ ને કારણે એમનો ચહેરા પર તડકો છાંયો  આવતો-જતો હતો. 

*     *

e.mail : anilvyas34@gmail.com

પ્રગટ : “પરબ”, જૂન 2019; પૂ. 22-32

Loading

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|4 July 2019

'હૈયાને દરબાર'

પ્રેમ અભિવ્યક્ત કરવા માટે શાયરી અને સંગીતથી ઉત્તમ શું હોઈ શકે? આપણામાંથી કેટલાયે લોકોએ જાન-એ-જિગર સુધી હ્રદયની વાત પહોંચાડવા માટે સરસ મજાની પંક્તિઓનો સહારો લીધો જ છે, સાચી વાત ને? પ્રિયતમાને રિઝવવી હોય ત્યારે તમારામાંથી કેટલા ય પુરુષોએ તારી આંખનો અફીણી ગીત ગાયું જ હશે અને વ્હાલમ સુધી વ્હાલ પહોંચાડવા સન્નારીઓએ 'સાંવરિયો' યાદ કર્યો હશે.

આવી જ એક લાજવાબ અને લોકપ્રિય ગઝલ એટલે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયાં છે …! બરકત વિરાણી 'બેફામ'ની આ ગઝલ માત્ર પુરુષોનો જ ઈજારો નથી, સ્ત્રીઓ પણ એટલાં જ પ્રેમથી એ લલકારે છે. 'બેફામ'નાં હ્રદયમાં વસતો ઊર્મિશીલ યુવાન શાયર એની રચનાઓમાં દિલને સ્પર્શી જાય તેવી ગઝલો આપતો રહ્યો છે. શાયર ગમે તેટલો વૃદ્ધ થાય પણ એના હ્રદયમાં વસેલો તરોતાજા યુવાન દિલની ધડકનો સાથે તાલ મિલાવતો હોય છે. આબાલવૃદ્ધ ગુજરાતીઓના કાનમાં આ રચના આજે પણ ગુંજે છે. સૌથી વધુ મોબાઇલ રિંગટોન આ ગઝલની હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ ગીતને લોકપ્રિય બનાવનાર સુપ્રસિદ્ધ કલાકાર મનહર ઉધાસ એક પ્રસંગ ટાંકતા કહે છે કે, "વર્ષો પહેલાંની વાત છે. હું એક પ્રોગ્રામ માટે અમદાવાદ ગયો હતો. એક મોટા ઉદ્યોગપતિએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ પહેલાં એમના ઘરે અમે સૌ બેઠાં હતાં. હીંચકા ઉપર એક યુવાન બેઠેલો હતો. મને જોઈને સીધો મારી પાસે દોડી આવ્યો અને પ્રણામ કર્યા ત્યારે પેલા ઉદ્યોગપતિએ એને કહ્યું કે, તારી પેલી ગઝલવાળી વાત કર ને! પેલો જરા શરમાયો પરંતુ હિંમત એકઠી કરી અને કહેવા માંડ્યો કે હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મારું એક છોકરી સાથે અફેર હતું પરંતુ, કોઈ કારણસર કંઈક સમસ્યા ઊભી થતાં એ છોકરીને મેં ના પાડી દીધી. પછી બીજા દિવસે એ છોકરી કોલેજમાં આવી ત્યારે એક સી.ડી. લઈને આવી હતી. મને આપતાં તેણે કહ્યું કે આમાં એક ટિકમાર્ક કરેલી ગઝલ છે. એ તું ખાસ સાંભળજે. મારી માત્ર તને આટલી જ વિનંતી છે. એ તો ચાલી ગઈ. હું તો ગુસ્સામાં ધૂંધવાયેલો હતો કે આ બધાં એનાં શું નાટક છે! ઘરે આવીને મેં એ સી.ડી. કબાટમાં મૂકી દીધી. પછી થોડા દિવસ પછી એક વખત રાતના ઊંઘ નહોતી આવતી ત્યારે અચાનક એ સી.ડી હાથ લાગી. સાઉન્ડ સિસ્ટમમાં મૂકી મેં શરૂ કરી. જેમ જેમ સાંભળતો ગયો તેમ તેમ ગઝલોમાં ડૂબતો ગયો. એણે ટિક માર્ક કરેલી ગઝલ હતી, નયનને બંધ રાખીને ..! રડાવનારી ન હોવા છતાં એ ગઝલ સાંભળીને એ દિવસે મને એટલું બધું રડવું આવ્યું કે મેં આ છોકરી સાથે શા માટે આવું કર્યું? બીજા જ દિવસે એને ફોન લગાડ્યો અને મળવાનું નક્કી કર્યું. એન્ડ રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી. અમે પરણી ગયાં. આજે એકબીજાંની સંગાથમાં ખૂબ ખુશ છીએ ત્યારે હજુ પણ એ દિવસો યાદ કરીને નયનને બંધ રાખીને અમે સાથે લલકારીએ છીએ!"

શબ્દોની તાકાતમાં ગાયકની સંવેદના ઉમેરાય ત્યારે એ ભાવકના હ્રદય સુધી પહોંચી શકે છે. મનહરભાઇનો મુલાયમ કંઠ લાખ્ખો ગુજરાતીઓના દિલ પર કામણ કરે છે. ગુજરાતી ગઝલ ઘર ઘરમાં ગૂંજતી થઈ એનો યશ સંપૂર્ણપણે મનહર ઉધાસને જાય છે. 1960માં ગુજરાતથી મુંબઈ કામની તલાશમાં મનહરભાઇ આવ્યા હતા. બનેવી મનુભાઈ ગઢવી દ્વારા કલ્યાણજી-આણંદજીના પરિચયમાં આવ્યા. એમની સાથે રહીને રેકોર્ડિંગના કામમાં તેઓ થોડી ઘણી મદદ કરતા હતા. એવામાં એકવાર ફિલ્મ 'વિશ્વાસ'ના ગીત, આપ સે હમકો બિછડે હુએ એક ઝમાના બીત ગયા …નું રેકોર્ડિંગ મૂકેશના કંઠે થવાનું હતું. નાદુરસ્ત તબિયતને કારણે મૂકેશે આવી શક્યા નહીં તેથી કલ્યાણજીભાઇએ મનહર ઉધાસને આ ગીત પ્રોક્સીમાં ગાવા કહ્યું. મૂકેશ આવે પછી એમના અવાજમાં ફાઇનલ ગીત રેકોર્ડ કરવું એમ નક્કી થયું હતું. બીજે દિવસે મૂકેશ સ્ટુડિયો પર આવ્યા અને મનહરભાઈનું આ ગીત સાંભળીને બોલી ઊઠ્યા કે આ ગીત એટલું પરફેક્ટલી ગવાયું છે કે હવે મારા અવાજમાં રેકોર્ડ કરવાની કોઈ જરૂર નથી. એ ગીત સુપરહિટ સાબિત થયું અને મનહર ઉધાસના નામનો ડંકો વાગવા લાગ્યો.

મનહર ઉધાસ એ દિવસોની યાદ તાજી કરતાં કહે છે, "ફિલ્મ 'વિશ્વાસ'નું ગીત સુપરહિટ થતાં મને ઘણી ઓફરો આવવા માંડી હતી પરંતુ મારું દિલ ગુજરાતી ગઝલ માટે કંઈક કરવા હંમેશાં ઉત્સુક રહેતું હતું. એવામાં ‘ટી-સિરીઝ’માંથી મને ગુલશનકુમારનો ફોન આવ્યો. એમને મારી સાથે કોઈ પ્રોજેક્ટ કરવો હતો. મેં તરત એ તક ઝડપી લીધી અને કહ્યું કે મારી પાસે બહુ જ સરસ ગુજરાતી ગઝલો છે એનું આલ્બમ કરવું છે. એમણે મને છૂટો દોર આપી દીધો હતો એટલે મારું પહેલું આલ્બમ 'આગમન' તૈયાર થયું એટલે મેં એમને એ સી.ડી આપી દીધી. એક જ મહિનામાં એમનો મારી પર ફોન આવ્યો કે તમે આલ્બમમાં શું કમાલ કરી છે કે એનું જબરજસ્ત વેચાણ થયું છે! આ આલ્બમ માટે ગોલ્ડન ડિસ્ક પણ મળી એ મારા માટે આ ખૂબ ગૌરવપૂર્ણ વાત હતી. પછી તો ‘ટી સિરીઝ’ સાથે મેં બીજા છથી સાત આલ્બમ કર્યા. હું ચોક્કસપણે માનું છું કે મારાં સારાં કર્મના પરિણામે ઈશ્વર મારી પાસે આ ભગીરથ કાર્ય કરાવી રહ્યા છે. 'અ' અક્ષરથી શરૂ થતાં ગઝલ આલબમની સંખ્યા 31 થઈ છે અને 32માં આલબમ પર કામ કરી રહ્યો છું."

આપણે સૌ જાણીએ છીએ કે મનહર ઉધાસના દરેક ગઝલ આલ્બમ 'અ'થી શરૂ થાય છે. 'આગમન'માં જ તેમણે નયનને બંધ રાખીને ગઝલ કમ્પોઝ કરી હતી અને એટલી હિટ નીવડી કે આજે પણ અનેક કલાકારો આ ગઝલ ઉમંગભેર ગાય છે. મનહરભાઇની ગઝલ ગાવામાં સરળ હોવાથી કોઈ પણ વ્યક્તિને ગાવામાં સરળતા રહે છે. એટલે જ કદાચ એ ઘરઘરમાં જાણીતી બની છે. ગઝલ સરળ કેમ છે એ રહસ્યોદ્ઘાટન એમણે એમની વાતચીતમાં કર્યું જ છે.

આ ગઝલની સર્જન પ્રક્રિયા વિશે મનહર ઉધાસ કહે છે કે, ‘80ના દાયકામાં બરકત વિરાણી 'બેફામ' અને ‘શૂન્ય’ પાલનપુરીના સન્માનનો ભવ્ય કાર્યક્રમ બિરલા માતુશ્રી હૉલમાં રાખવામાં આવ્યો હતો. જબરજસ્ત મોટા મુશાયરાનું આયોજન ડૉ. પ્રકાશ કોઠારીએ કર્યું હતું. એ વખતે શાયરોને ખૂબ જ ઓછા પૈસા મળતા હતા તેથી આવા મુશાયરાઓ દ્વારા એમનું માન સન્માન કરવામાં આવતું અને એમાંથી જે રકમ ઊભી થાય તે શાયરોને માનધન તરીકે આપવામાં આવતી હતી. આ મુશાયરા માટે ડો. કોઠારીએ મને ‘શૂન્ય’ પાલનપુરી અને ‘બેફામ’ની ગઝલો સ્વરબદ્ધ કરવા નિમંત્રણ આપ્યું. આ કાર્યક્રમના ભાગરૂપે મેં આ બંને શાયરોની ઉત્કૃષ્ટ ગઝલો કમ્પોઝ કરી જેમાં નયનને બંધ રાખીને પણ હતી. હું હંમેશાં શાયરને આગળ રાખું. એટલે કે એનો શબ્દ મારા સંગીત કરતાં વધારે મહત્ત્વનો છે એ ધ્યાનમાં રાખીને જ સ્વરબદ્ધ કરું. હવે ‘શૂન્ય’ અને ‘બેફામ’ બંને તરન્નુમમાં એમની ગઝલો રજૂ કરતા હતા, જેને ભરપૂર દાદ મળતી એટલે મેં એમાં ખાસ કશા ફેરફાર કર્યાં વિના ગઝલો માત્ર સંગીતના સરસ ટુકડાઓ ઉમેરી સ્વરબદ્ધ કરી અને પેશ કરી. લોકોને આ સરળતા એવી પસંદ આવી કે દરેક શેર પર લોકો ખૂબ દાદ આપવા લાગ્યા. એ જ કાર્યક્રમમાં સૌથી વધુ વન્સ મોર નયનને બંધ રાખીને ગઝલને મળ્યા હતા. ઉપરાઉપરી ત્રણ વખત મારે એ ગાવી પડી હતી. બરકતભાઈ પણ ઓવારી ગયા હતા."

મૂળ ભાવનગરના કવિ બરકત વિરાણી છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો એટલે ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી. ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા, છેવટે ‘બેફામ’થી ખૂબ પ્રસિદ્ધ થયા, મક્તામાં ‘મરણ’ એ તેમની આગવી વિશેષતા રહી હતી. એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડિયા રેડિયોના કેન્દ્ર સંચાલક ઝેડ.એ. બુખારીના સંપર્કમાં આવ્યા અને તેમણે મુંબઈ રેડિયો સ્ટેશન પર નોકરી અપાવી. ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી.

ડૉ. પ્રકાશ કોઠારી પોતે શેર-ઓ-શાયરીના ખૂબ શોખીન એટલે બધા શાયરો સાથે એમનો ઘરોબો સારો. અજાણતાં ય એમણે કેટલા ય શાયરોની તબિયતનો ખ્યાલ રાખ્યો હતો અને સાચવી લીધા હતા. બરકત વિરાણી વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, "એમનું તખલ્લુસ ભલે 'બેફામ' હતું પણ તેઓ બહુ જ નરમ, સૌમ્ય અને સરળ હતા. થાય સરખામણી તો ઊતરતા છીએ … એમનો આ શેર એમના વ્યક્તિત્વને જ અનુરૂપ હતો. મુંબઈના ડોંગરી વિસ્તારમાં સાવ સામાન્ય ઘરમાં રહેતા આ શાયરના લગ્ન વિખ્યાત શાયર  શયદા નાં દીકરી રૂકૈયા સાથે થયાં હતાં. ઑલ ઈન્ડિયા રેડિયો પર ઘણો સમય કામ કર્યું. ત્યાં થોડા કડવા અનુભવો પણ થયા. પરંતુ, સ્વભાવે અજાતશત્રુ.  બેફામ’ અને ‘શૂન્ય'નું સન્માન કરવાનું નક્કી કર્યું ત્યારે આ બંને શાયરો માટે અમે એક સરખી સિલ્કની શેરવાની-પાયજામો સિવડાવ્યાં હતાં, એકસરખી મોજડી લીધી હતી. ઓડિટોરિયમમાં બન્ને આવ્યા ત્યારે એકબીજાને જોઇને એટલા ખુશ થયા હતા કે ‘શૂન્ય' તરત બોલી ઉઠ્યા કે મિયાં, ઈન લોગોં ને તો હમેં દુલ્હા બના દિયા હૈ!

એ કાર્યક્રમમાં બંનેએ જે જમાવટ કરી હતી, આહાહા! ‘બેફામ’નો અવાજ શું સુંદર! તરન્નુમમાં ગઝલ શરૂ કરે ને લોકો મંત્રમુગ્ધ થઈને એમને સાંભળતા. એ ગાતાં હોય ત્યારે તમને લાગે કે વાજિંત્રો સાથે વાગી રહ્યાં છે. ‘શૂન્ય'નું રાગદારીનું જ્ઞાન પણ અદ્દભુત! હંમેશાં ગાતાં પહેલાં બોલે પણ ખરા કે આ ગઝલ હું આ રાગમાં ગાવાનો છું. એ વખતના પરંપરાના શાયરોની તૈયારી શું જબરજસ્ત રહેતી! આ કાર્યક્રમમાં મનહર ઉધાસ, પંકજ ઉધાસ અને ચંદ્રા કોઠારી ગઝલ ગાઈને પ્રસ્તુત કરવાના હતા, જેમાં મનહરભાઈએ નયનને બંધ રાખીને પેશ કરી અને ખૂબ લોકચાહના પામી હતી. બરકત વિરાણીએ મનહરની તારીફમાં એટલું જ કહ્યું, જેટલો સુંદર ચહેરો, એટલો જ છે સુંદર અવાજ, એ છે મનહર ઉધાસ! આ બધા શાયરો એવા કમાલના શેર આપી ગયા છે કે જે કામ બે કલાકની સાયકોથેરપી ન કરી શકે એ બે પંક્તિના શેર કરી જાય છે."

મનહરભાઇએ આ વાતને પુષ્ટિ આપતી બીજી એક વાત કરી. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં મનહરભાઈની ગઝલોનો કાર્યક્રમ હતો. કાર્યક્રમ પૂરો થયો એટલે આયોજક મનહરભાઈ પાસે આવ્યા અને એમણે કહ્યું કે એક વ્યક્તિ તમને તીવ્રતાથી મળવા ચાહે છે, તમે મળશો? મનહરભાઈ હા પાડી. બૅકસ્ટેજમાં ગયા તો દૂરથી એક સ્ત્રી ધીમે પગલે મનહરભાઈ તરફ આવી રહી હતી. એમને જોતાં જ એ સ્ત્રી ચોધાર આંસુએ રડવા માંડી. કારણ પૂછ્યું કે તમે રડો છો શા માટે? તો એ બહેને કહ્યું કે તમને જોઈને આનંદના આંસુ આવી રહ્યા છે કારણ કે અમારું લગ્નજીવન તમારી આ ગઝલને લીધે જ સંભવિત બન્યું છે. મનહરભાઈએ પેલા આયોજક ભાઇ તરફ જોયું ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું કે મારી પત્નીને તમને મળવાની તીવ્ર ઈચ્છા હતી કારણ કે, ૨૧ વખત તમારી આ ગઝલ નયનને બંધ રાખીને … ગાઈને મેં મારી પત્નીને પ્રપોઝ કર્યું હતું. આવી તો કેટલીયે ઘટનાઓ આ ગઝલ સાથે સંકળાયેલી છે. દર્શન રાવલે આ ગીત ફ્યુઝન તરીકે ગાઈને લાખો યુવા દિલોને પણ આ ગઝલ પાછળ પાગલ કર્યાં છે. અરે, ઈન્ડોનેશિયાનું એક મ્યુઝિક ગ્રુપ આ ગઝલ જાહેર કાર્યક્રમોમાં રજૂ કરે છે. આવી રોમેન્ટિક ગીતનુમા ગઝલ વરસાદી, મસ્તીભર્યા માહોલમાં સાંભળી જ લેજો!

*****

નયનને બંધ રાખીને, મેં જ્યારે તમને જોયાં છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયાં છે

ઋતુ એક જ હતી પણ રંગ નો‘તો આપણો એક જ
મને સહેરાએ જોયો છે બહારે તમને જોયાં છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા, સવારે તમને જોયાં છે

હકીકતમાં જુઓ તો એ ય એક સપનું હતું મારું,
ખૂલી આંખે મે મારા ઘરનાં દ્વારે તમને જોયાં છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે, કિનારે તમને જોયાં છે

ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું,
હું થાક્યો છું તો, એક એક ઉતારે તમને જોયાં છે.

નિવારણ છો કે કારણ, ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુંઝારે તમને જોયાં છે.

નથી મસ્તી મહોબ્બત, એવું કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયાં છે.

• શાયર : બરકત વિરાણી ‘બેફામ’   • સંગીતકાર-ગાયક : મનહર ઉધાસ

https://www.youtube.com/watch?v=PSB2DDTUPDU

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 04 જુલાઈ 2019

Loading

પહેલવહેલું ગાંધીકાવ્ય: મનમોહન ગાંધીજીને

દીપક મહેતા|Opinion - Literature|4 July 2019

મનમોહન ગાંધીજીને

ગાંધી તું હો સુકાની રે:
સાચો હિન્દવાન!
હિન્દની જિંદગી અમારી –
અફળાતી અસ્થિર ન્યારી –
તેને જોગવતો તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
રાજ્ય પ્રજાના હિતનું –
મન્થન દેશે છલકાતું –
નવનીત ઉતારે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
જનતાના જગ મહારાજ્યે –
હિન્દીજન તણા સ્વરાજ્યે –
ગજવે હિન્દી હાક તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

હિન્દી જાત જ જન્માવી;
જગમાં વિખ્યાત બનાવી –
ધપાવે સત્યાગ્રહે તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
મનમોહન, ઉદાર ભાવે,
વીરતાના પ્રસંગ લાવે,
હિન્દહિત કસ્તૂરી મૃગ! તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
સુદામાપુરના દીપક!
શ્રી કૃષ્ણનાં જગાવે સ્મારક:
ભારત નાવિક વીર તું હો સુકાની રે : સાચો હિન્દવાન!
ગાંધી! તુજ સુજોડ પગલે,
હિન્દ-સંતતિ સંચરિયે!
શાંતિ જાય પ્રભુ અર્પે! તું હો સુકાની રે : સાચો હિન્દવાન!

                                                                             — ‘લલિતજી’ 

જે સંપાદનમાં આ ગીત જોવા મળ્યું તેમાં મથાળા પછી નોંધ છાપી છે : “મહાહિન્દભરમાં  સૌથી પહેલું ગાંધીગીત તા. ૧૮-૧૨-૧૯૧૩ ગૂજરાત પાટણ.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે) એ સંપાદન વિશેની વાત પણ રસપ્રદ છે, પણ પહેલાં આ ગીત વિષે થોડી વાત.

નોંધ પ્રમાણે, માત્ર ગુજરાતી ભાષામાં જ નહિ પણ દેશની બધી ભાષાઓમાં ગાંધીજી વિશેનું આ પહેલું કાવ્ય છે. આપણી ભાષામાં જો કોઈ એક વ્યક્તિ વિષે સૌથી વધુ કાવ્યો લખાયાં હોય તો તે ગાંધીજી વિષે. અને તેમને વિષે ગુજરાતીમાં લખાય તે પહેલાં બીજી કોઈ ભાષામાં ગીત લખાય એવો સંભવ નહિવત્. અને ભારતની કોઈ ભાષામાં લખાય તે પહેલાં દુનિયાની બીજી કોઈ ભાષામાં ગાંધીજી વિષે કાવ્ય લખાય એ તો લગભગ અશક્ય. એટલે, ગાંધીજી વિશેનું આ સૌથી પહેલું કાવ્ય છે.

તેના રચયિતા છે ‘લલિતજી.’ આજે લગભગ ભૂલાઈ ગયા છે. ‘લલિત’ તેમનું ઉપનામ. આખું નામ જન્મશંકર મહાશંકર બૂચ. ૧૮૭૭ના જૂનની ૩૦મી તારીખે જૂનાગઢમાં જન્મ. ૧૯૪૭ના માર્ચની ૨૫મી તારીખે અવસાન. માતાપિતા પાસેથી અનુક્રમે સંગીત અને સાહિત્યનો વારસો મળ્યો. ૧૮૮૭મા પહેલાં લગ્ન લલિતા સાથે થયાં હતાં. ૧૮૯૪માં તેમના અવસાન પછી બીજાં લગ્ન ૧૮૯૬માં તારાબહેન સાથે. પ્રથમ પત્નીની યાદમાં ‘લલિત’ ઉપનામ ધારણ કર્યું હતું. તેઓ સાત વખત મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા પણ ગણિતની મુશ્કેલીને કારણે સાતે વખત નાપાસ થયા હતા! છેવટે એસ.ટી.સી.ની પરીક્ષામાં પાસ થયા. દસેક વર્ષ લાઠીમાં રાજવી કુટુંબના શિક્ષક. કવિ કલાપીના નિકટના પરિચયમાં આવ્યા હતા અને કલાપીએ તેમને ઉદ્દેશીને ૧૮૯૬માં ‘બાલક કવિ’ નામનું કાવ્ય લખ્યું હતું. ગોંડળ સ્ટેટમાં સંગ્રામજી હાઈસ્કૂલમાં ૧૯૦૩માં પહેલી નોકરી. તે દરમ્યાન તેમનું લખેલું ‘સીતા-વનવાસ’ નાટક ભજવાયું હતું તે જોવા કલાપી અને કવિ નાનાલાલ ગોંડળ ગયા હતા. એ નાટક પુસ્તક રૂપે પણ પ્રગટ થયું હતું. ૧૯૦૮થી ૧૯૧૦ રાજકોટના અંગ્રેજી દૈનિક ‘કાઠિયાવાડ ટાઈમ્સ’ના તંત્રી. સાથોસાથ અદાલતમાં ભાષાંતર કરી આપવાનું કામ પણ કરતા. ૧૮૯૫મા ‘ચંદ્ર’ માસિકમાં પહેલી કવિતા છપાઈ. તે પછી ધીમે ધીમે લગભગ બધાં સામયિક-અખબારમાં પ્રગટ થતી. ૧૯૧૩થી ૧૯૨૦ સુધી વડોદરા રાજ્યના લાઈબ્રેરી ખાતામાં ‘લોકોપદેશક’ તરીકે કામ કર્યું. ૧૯૨૧થી ૧૯૨૫ સુધી મુંબઈના રાષ્ટ્રીય મહાવિદ્યાલયમાં સાહિત્યના શિક્ષક હતા. ૧૯૩૮મા સેવા-નિવૃત્ત. નિવૃત્તિ પછી લાઠી જઈને રહ્યા. ત્યાં જ તેમનું અવસાન થયું. ‘લલિતનાં કાવ્યો’ (૧૯૧૨), ‘વડોદરાને વડલે’ (૧૯૧૪) અને ‘લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૪) એમના કાવ્યસંગ્રહો છે. તેમના અવસાન પછી ૧૯૫૧માં પ્રગટ થયેલ ‘લલિતનો લલકાર’માં તેમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઇ છે. કવિ નાનાલાલે તેમને વિષે કહ્યું હતું: “લલિતજી એટલે લલિત જ. લગીર પણ સુંદર. મોટાં કાવ્યો નહિ, નાનાં ગીતો. મેઘ જેવાં મોટાં પગલાં નહિ, પણ કુમકુમની નાની પગલીઓ. રસઓઘ નહિ, રસનાં છાંટણાં. લલિતજી એટલે સારંગીયે નહીં ને વીણાયે નહિ, લલિતજી એટલે મંજીરાંનો રણકો ને કોયલનો ટહુકો.” 

ગાંધીજી વિશેનું લલિતજીનું આ કાવ્ય લખાયું છે ૧૯૧૩ના ડિસેમ્બરની ૧૮મી તારીખે. તો સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે તે દિવસે એવું શું બન્યું હતું કે જેને લીધે લલિતજી આ કાવ્ય લખવા પ્રેરાયા હોય. અંગ્રેજીમાં કહેવું હોય તો What triggered this poem? એક કરતાં વધુ જાણકારોને હાથે ગાંધીજીના જીવનની વિગતવાર, તારીખો સહિતની, સાલવારી અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ થઇ છે. તે જોતાં જણાય છે કે ‘ગ્રેટ માર્ચ’ને કારણે દક્ષિણ આફ્રિકામાં ૬ નવેમ્બર ૨૧૦૩ના રોજ ગાંધીજીની ધરપકડ થઇ હતી પણ તે જ દિવસે તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. પણ ૮ નવેમ્બરે ફરી ધરપકડ થઇ અને ફરી જામીન પર છૂટકારો. ૯ તારીખે ફરી ધરપકડ અને ૯ મહિના વત્તા ૩ મહિનાના કારાવાસની સજા. પણ  ડિસેમ્બરની ૧૮મી તારીખે અણધારી રીતે જેલમાંથી બિનશરતી મુક્તિ મળી હતી. આ સજા થઇ તે પહેલાં જ પોતે હિન્દુસ્તાન પાછા ફરવાના છે એવી જાહેરાત ગાંધીજીએ કરી હતી. એટલે તેમનો જેલમાંથી થયેલો છુટકારો એ દેશવાસીઓ માટે આનંદના સમાચાર ગણાય.

પણ વેઇટ અ મિનિટ! ૧૯૧૩માં આપણા દેશમાં હજી રેડિયો બ્રોડકાસ્ટિંગની શરૂઆત તો થઇ નહોતી. (તેની શરૂઆત ખાનગી ધોરણે થઇ ૧૯૨૩માં, અને સરકારી ધોરણે થઇ ૧૯૩૦માં.) એટલે એ વખતે દેશના તેમ જ પરદેશના સમાચારો મેળવવાનું એકમાત્ર સાધન અખબારો હતું. અને દક્ષિણ આફ્રિકામાં ૧૮મી તારીખે જે કાંઈ બન્યું હોય તેના સમાચાર તો ૧૯મીના અખબારમાં જ આવે ને? એટલે ૧૮મી ડિસેમ્બરે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જેલમાંથી છોડવામાં આવ્યા અને તે જ દિવસે આ કાવ્ય લખાયું એ કેવળ એક સુખદ અકસ્માત જ હોઈ શકે. એ બંને વચ્ચે કારણ-કાર્યનો સંબંધ પણ હોઈ શકે.

હવે જે પુસ્તકમાં નોંધ સાથે આ કાવ્ય છપાયું છે તે પુસ્તક વિષે. પુસ્તકનું નામ: ‘ગાંધીકાવ્યસંગ્રહ.’ પ્રથમ આવૃત્તિ: ‘રેટીઆ બારસ ૧૯૯૩’ (એટલે કે ઈ.સ. ૧૯૩૭). ૧૨૭ પાનાં, મૂલ્ય ૧૨ આના (આજના ૭૫ પૈસા). પ્રકાશક: “વીલેપારલેની શ્રી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયત વતી શ્રી ઉમાશંકર જોષીએ પ્રસિદ્ધ કર્યું.” (પુસ્તકમાં બધે ‘જોષી’ જ છાપ્યું છે, ‘જોશી’ નહિ.) અને છેલ્લે, આ પુસ્તકના સંપાદકો હતા ઝીણાભાઈ દેસાઈ અને ઉમાશંકર જોષી. એ વખતે ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ આ શાળાના આચાર્ય હતા અને ઉમાશંકર ગુજરાતીના શિક્ષક હતા. પુસ્તકમાં કુલ ૭૦ કાવ્યો સમાવ્યાં છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ચાર, ‘સ્નેહરશ્મિ’નાં પાંચ, લલિતજીનાં ચાર, રાયચુરા (નામ છાપ્યું નથી, માત્ર અટક છાપી છે)નાં બે, હરિહર ભટ્ટનાં બે, સુંદરજી બેટાઈનાં બે, અને ઉમાશંકર જોષીનાં પાંચ કાવ્યો જોવા મળે છે. બીજા કવિઓનું એક-એક કાવ્ય લીધું છે. છેવટે ‘બાદરાયણ’(ભાનુશંકર વ્યાસ)નાં બે સંસ્કૃત કાવ્યો મૂક્યાં છે. અલબત્ત, નિખાલસતાથી કહેવું જોઈએ કે બે પ્રતિષ્ઠિત કવિઓએ આ સંપાદન કર્યું હોવા છતાં કાવ્ય તરીકે આજે ય ટકી શકે એવી કૃતિઓ અહીં પ્રમાણમાં ઘણી ઓછી જોવા મળે છે.

આ સંપાદન જે રીતે તૈયાર થયું તે પણ ધ્યાન ખેંચે તેમ છે. ગાંધી જયંતીની ઉજવણી અંગે ગોકળીબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થી-પંચાયતે એક ઠરાવ કર્યો હતો. તેમાં છઠ્ઠી કલમ આ પ્રમાણે હતી: “પૂ. ગાંધીજીને લગતાં ગૂજરાતી કાવ્યોનો સંગ્રહ કરી શક્ય હોય તો તેને છપાવી બહાર પાડવાની યોજના.” આવું પુસ્તક તૈયાર થઇ શકે એવી શક્યતા ઓછી જ હતી. પહેલી મુશ્કેલી હતી ખર્ચ માટેના પૈસાની. પણ તે અણધારી રીતે દૂર થઇ. શનિવાર તા. ૧૮-૯-૧૯૩૭ને દિવસે ‘એક બહેન’ શાળાની પ્રાર્થના સભામાં આવ્યા અને પુસ્તકની બધી આર્થિક જવાબદારી પોતે ઉપાડી લેવા તૈયાર થયાં. બીજી મુશ્કેલી હતી સમયની. પણ તે જ દિવસે અખબારોમાં જાહેરાત છપાવી કવિઓને પોતાનાં કાવ્યો મોકલવાની વિનંતી કરી. જવાબમાં ૨૫૦-૩૦૦ કવિઓની રચના મળી. તેમાંથી ૭૦ રચનાઓ પસંદ કરી અને ૨૧-૯-૩૭ના દિવસે મુંબઈના આનંદ પ્રિન્ટિંગ પ્રેસને મેટર છાપવા આપ્યું. ૨૮-૯-૧૯૩૭ના દિવસે ચોપડી છપાઈને તૈયાર થઇ ગઈ. એક અઠવાડિયામાં ચોપડી છપાઈને તૈયાર થઇ જાય એ વાતની આજે કમ્પ્યુટર યુગમાં આપણને બહુ નવાઈ લાગે. પણ એ યાદ રાખવું ઘટે કે એ મુવેબલ ટાઈપનો જમાનો હતો. એક-એક અક્ષર હાથ વડે કમ્પોઝ કરવો પડતો. પછી પ્રૂફ જોઈ સુધારા કરવા પડતા. વળી તે વખતનાં મશીન પર એક સાથે ૧૬ પાનાં જ છાપી શકાતાં. આજે વપરાય છે તેવી તાબડતોબ સુકાઈ જાય તેવી શાહી તે વખતે નહોતી. એટલે આઠ પાનાં છાપ્યા પછી તેને સુકાવા દેવાં પડે અને પછી બીજી બાજુ બીજાં આઠ પાનાં છાપી શકાય. પણ આ બધું કરીને એક જ અઠવાડિયામાં પુસ્તક તૈયાર થઇ ગયું.

સંપાદકીયમાં ‘સ્નેહરશ્મિ’ અને ઉમાશંકરે કહ્યું છે: “પ્રશસ્તિકાવ્યની ઉત્તમ કવિતા પ્રકારમાં ગણના થતી નથી. પણ આ સંગ્રહમાં ગાંધીજીની પ્રશસ્તિ ઉપરાંત એમના જીવનને લગતાં છતાં એમના જ નહિ પણ સારી પ્રજાના જીવનના ગણાઈ ચૂકેલા ઐતિહાસિક પ્રસંગોમાંથી પ્રેરાયેલી કૃતિઓ પણ સદ્ભાગ્યે સારા પ્રમાણમાં છે.” સંપાદકીયનું છેલ્લું વાક્ય આ પ્રમાણે છે: “ગાંધીજીનું ગૂજરાત આ ગાંધીકાવ્યસંગ્રહને અપનાવી લેશે એવી આશા છે.” પણ હકીકતમાં આ સંગ્રહ આજે તો લગભગ ભુલાઈ ગયો છે. જેમ લલિતજીનું ‘મનમોહન ગાંધીજીને’ ગીત પણ ભુલાઈ ગયું છે તેમ. પણ ગાંધીજીની સાર્ધ જન્મશતાબ્દીના આ વર્ષમાં એ ગીત અને એ સંગ્રહને યાદ કરી લઈએ.    

xxx xxx xxx

Flat No. 2, Fulrani, Sahitya Sahawas, Madhusudn Kalelkar Marg, Kalanagar, Bandra (east), Mumbai 400 051.

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “નવનીત સમર્પણ”, જુલાઈ 2019; પૃ. 97-101

Loading

...102030...2,8232,8242,8252,826...2,8302,8402,850...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved