Opinion Magazine
Number of visits: 9664429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

GPSC-ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સામે ઊહાપોહ કેમ છે?

રમેશ સવાણી|Opinion - Opinion|23 May 2025

મે 2025માં GPSC સામે તીવ્ર ઊહાપોહ થઈ રહ્યો છે. ખાસ કરીને ઓરલ-મૌખિક ઈન્ટરવ્યૂને લઈને વિરોધ થઈ રહ્યો છે. કેટલાક લોકો તેમાં જાતિવાદનું તત્ત્વ પણ જોઈ રહ્યા છે. આ આખી બાબતને સવાલ જવાબ રૂપે સમજીએ :

[1] શું GPSCમાં જાતિવાદ થાય છે? 

GPSCમાં જાતિવાદ થાય છે તેનો સીધો પુરાવો નથી. પરંત મૌખિક ઈન્ટરવ્યૂમાં કોઈ ઉમેદવારને અન્યાય થાય તો જાતિવાદનો આક્ષેપ થાય તે સ્વાભાવિક છે. કોઈ ઉમેદવાર UPSCમાં પાસ થઈ જાય અને GPSCમાં મૌખિક ઈન્ટરવ્યૂમાં બહુ ઓછા ગુણ હોય તો શંકા કરવાનું કારણ રહે છે. વળી આવા એકથી વધુ કિસ્સાઓમાં થયું હોય તો GPSCમાં અન્યાય થાય છે તે સ્વીકારવું પડે.

[2] શું મૌખિક ઈન્ટરવ્યૂમાં આઘુંપાછું થાય છે?

ચોક્કસ થાય છે. મેં પોતે GPSC વર્ગ-1ની પરીક્ષા 1985થી 1990 દરમિયાન આપેલ. તે વખતે એન્ટ્રન્સ એક્ઝામ / મેઈન એક્ઝામ / ઓરલ ઈન્ટરવ્યૂની પ્રથા હતી. એન્ટ્રન્સ એક્ઝામના 100 ગુણ હતા. મેઈન એક્ઝામના 600 ગુણ હતા, અને ઓરલ ઈન્ટરવ્યૂના 200 ગુણ હતા. મેઈન એક્ઝામ તથા મૌખિક ઈન્ટરવ્યૂના આધારે મેરિટ લિસ્ટ બને. 200 ગુણમાંથી અમુકને 20-25 ગુણ મળે અને ‘ખાસ’ ઉમેદવારને 120-125 ગુણ મળે ! આમ 100 ગુણના તફાવતના કારણે ‘ખાસ ઉમેદવારો’ પસંદ થતા હતા. આથી 200 ગુણના મૌખિક ઈન્ટરવ્યૂ સામે ઉમેદવારો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે કહ્યું કે 80 ગુણનું જ મૌખિક ઈન્ટરવ્યૂ હોવું જોઈએ. જેનો અમલ થતાં હું પસંદગી પામ્યો હતો. આ જ મુદ્દો આજે છે. લેખિત પરીક્ષાના ગુણની સરખામણીમાં મૌખિક ઈન્ટરવ્યૂના 10% ગુણ જ હોવા જોઈએ. એટલે કે લેખિત પરીક્ષા 300 ગુણની હોય તો મૌખિક ઈન્ટરવ્યૂના 30 ગુણ હોવા જોઈએ. હાલ એક ચિંતા થઈ રહી છે કે GPSC વર્ગ-1ની પરીક્ષામાં, મૌખિક ઈન્ટરવ્યૂના 100 ગુણને બદલે 150 ગુણ કરવા ! જો આવું થશે તો GPSC બિલકુલ વિશ્વાસ ગુમાવશે. 

[3] શું GPSCમાં અનામત નીતિનો અમલ થાય છે?

જો GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓમાં અનામત નીતિનો અમલ ન થાય તો જાતિવાદનો આરોપ લાગશે જ. અનામત નીતિનો અમલ એટલે? SC / ST / OBC / EWS આ ચાર વર્ગની હાલ અનામત છે. તે સિવાયના ઓપન કેટેગરી કહેવાય. હવે માની લો કે GPSCની પરીક્ષામાં આ ચાર – SC / ST / OBC / EWS કેટેગરીનો કોઈ ઉમેદવાર ટોપર બન્યો તો તેને ક્યાં મૂકશો? તેને ઓપન કેટેગરીમાં મૂકવો પડશે, કેમ કે તે મેરિટમાં આવેલ છે. ઉદાહરણ તરીકે sv ઉમેદવારોની 5 જગ્યા છે, પરંતુ ટોપર ઉમેદવાર SC છે, તો અનામત બેઠક-5 થી 1 મેરિટવાળો SC ઉમેદવાર, એટલે કે કુલ SC ઉમેદવારો-6 પસંદ થશે. જો આ પ્રથા અમલી ન હોય તો GPSC સામે પ્રશ્નો ઊઠશે. આ અંગે પારદર્શિતા હોવી જોઈએ. 

[4] શું મૌખિક ઈન્ટરવ્યૂ બોર્ડ વાસ્તવમાં તટસ્થ હોય છે?

મૌખિક ઈન્ટરવ્યૂની પેનલ હોય છે, જેમાં ચેરમેન તથા 2 વિષય નિષ્ણાત હોય છે. ઉમેદવારના નામ-અટક નહીં પણ કોડ હોય છે. ચિઠ્ઠી / ડ્રો સિસ્ટમ હોય છે. તેમ છતાં ગડબડ થઈ શકે છે. કઈ રીતે? ઈન્ટરવ્યૂમાં બેસતા સભ્યો ઉમેદવારના પરફોર્મન્સ અંગે ચર્ચા કરે છે અને ચેરમેન ગુણ મૂકે છે. સભ્યો ગુણ આપતા નથી તે માત્ર અભિપ્રાય આપે છે. આ પ્રથા ઉચિત કહી શકાય નહીં. 1990 પહેલાં તો પેન્સિલથી ગુણ મૂકતા, જેથી ‘ખાસ ઉમેદવારો’ના ગુણ સુધારી શકાય ! ભૂતકાળમાં વિષય નિષ્ણાત અને ઉમેદવારો અગાઉથી પરિચિત હોય / ઘેર જવાનો સંબંધ હોય / ઊજવણી સાથે કરતા હોય તેના પુરાવા સાથે રજૂઆત થયેલી છે. કોઈ વિષય નિષ્ણાત સંસ્થા કે કોચિંગ ક્લાસમાં જતા હોય અને GPSCના ઈન્ટરવ્યૂ બોર્ડમાં પણ હોય તેવું બન્યું છે. એટલે GPSC તરફ આંગળી ચિંધાય છે.

[5] શું GPSC પારદર્શક છે?

ના. GPSCના ચેરમેન દિનેશ દાસા હતા ત્યારે તેમણે ઉમેદવારો સામે હાઈકોર્ટમાં કેસ લડવા 1 કરોડ 51 લાખનો ખર્ચ કર્યો હતો. જે નાગરિકોના ટેક્સના પૈસા હતા. સામે ઉમેદવારો બેરોજગાર હોય છે. જો GPSCનો પારદર્શક વહીવટ હોત તો કોઈને હાઈકોર્ટમાં ન્યાય મેળવવા જવું પડે? 

[6] મૌખિક ઈન્ટરવ્યૂ શા માટે હોય છે?

આ મૂળ મુદ્દો છે. ઉમેદવારોનું General Knowledge – સામાન્ય જ્ઞાન ચકાસવા માટે ઈન્ટરવ્યૂ નથી હોતું. મોટે ભાગે તેમને તેમના વિષય અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે. આ માટે તો લેખિત પરીક્ષા છે જ. વાસ્તવમાં ઉમેદવાર જે તે જગ્યા પર ફરજ બજાવવા સક્ષમ છે કે નહીં? તેની અભિરુચિ છે કે નહીં? વાતચીત કૌશલ્ય, નિર્ણયશક્તિ અને પ્રામાણિકતા જેવા ગુણોનું મૂલ્યાંકન ઈન્ટરવ્યૂમાં કરવાનું હોય છે. પરંતુ આ નથી જોવાતું એટલે જ નાગરિકોને / વિપક્ષના ધારાસભ્યોને હડધૂત કરતા IPS / IAS અધિકારીઓ જોવા મળે છે. 

[7] અશોકકુમાર યાદવ વિરુદ્ધ હરિયાણા રાજ્યનો ચૂકાદો શું છે?

આ કેસમાં સુપ્રીમ કોર્ટે 10 મે 1985ના રોજ ચૂકાદો આપેલ. હરિયાણા સિવિલ સર્વિસ (એક્ઝિક્યુટિવ) અને અન્ય સંલગ્ન સેવાઓમાં ભરતી માટે હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન (HPSC) દ્વારા નિયુક્ત પસંદગી પ્રક્રિયામાં વિવાદ ત્યારે ઉદ્ભવ્યો જ્યારે લેખિત પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવ્યા હોવા છતાં, કેટલાક ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂમાં તેમના પ્રદર્શનના આધારે અંતિમ પસંદગી યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે પક્ષપાત, મનસ્વીતા અને વહીવટી ગેરરીતિના કારણે આ પસંદગીઓને રદ્દ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદા સામેની અપીલોને મંજૂરી આપી, જેનાથી હરિયાણા પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કરવામાં આવેલી પસંદગીઓને સમર્થન આપવામાં આવ્યું. જો કે, સુપ્રીમ કોર્ટે પસંદગી પ્રક્રિયામાં પ્રક્રિયાગત ખામીઓ ઓળખી કાઢી, ખાસ કરીને મૌખિક ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલા ઉમેદવારોની વધુ પડતી સંખ્યા અને તેને આપેલ વધારે ગુણ અંગે. પરિણામે, સુપ્રીમ કોર્ટે HPSCને ભવિષ્યની પસંદગીઓ માટે ગુણની ફાળવણીને સમાયોજિત કરવાનો નિર્દેશ આપ્યો અને અગાઉ બાકાત રાખવામાં આવેલા ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફરીથી હાજર રહેવાની તક પૂરી પાડી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં મૌખિક ઈન્ટરવ્યૂના ગુણ 12.2% છે તેનાથી વધુ ગુણ રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનના મૌખિક ઈન્ટરવ્યૂમાં ન હોઈ શકે.

[8] મૌખિક ઈન્ટરવ્યૂમાં 12.2%થી વધુ ગુણ ન હોવા જોઈએ તે નક્કી કોણ કરે?

આ કામ GPSCનું છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ અમલ કરવો જોઈએ. આમાં સરકારને પૂછવાની જરૂર નથી. જો કે ગુજરાત સરકાર આ બાબતે નિર્ણય લઈ GPSCને કહી શકે. 

[9] GPSC/ સરકારે પોતાની ઈમેજ બગડતી અટકાવવા શું કરવું જોઈએ? : 

આ પગલાં લઈ શકાય :

(1) પસંદગી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શકતા લાવવી, મૌખિક ઈન્ટરવ્યૂને રેકર્ડ સાચવવું. (2) GPSC તેમ જ રાજ્યની તમામ ભરતીઓમાં SC/ST/OBC/EWSની અનામતનીતિનો જે ભંગ તાત્કાલિક બંધ કરવો. (3) GPSC મૌખિક ઇન્ટરવ્યૂમાં જ્યાં 50% ઇન્ટરવ્યૂ ગુણભાર છે તેવી તમામ પરીક્ષાઓમાં સુધારો કરી તે 10% કરવો. (4) GPSC ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂ લેનાર તજજ્ઞો / એક્સપર્ટ દ્વારા જે સર્વસંમતીથી ગુણ આપવાનું ‘મેચ ફિક્સિંગ’ જેવી પદ્ધતિ છે તે બંધ કરવી. મૌખિક ઈન્ટરવ્યૂના માપદંડ નક્કી કરવા. (5) GPSC મૌખિક ઇન્ટરવ્યૂમાં ગુણનું ગેપિંગ રોકવું. કોઈ ઉમેદવારને 5 તો કોઈ ઉમેદવારને 35 ગુણ એવો પક્ષપાત રોકવો. (6) GPSCના તમામ ઇન્ટરવ્યૂ-પૅનલોમાં SC/ST/OBCના તજજ્ઞો/ એક્સપર્ટનું પ્રતિનિધિત્વ રાખવું. (6) GPSC ચેરમેન અને એમની કમિટીમાં પણ SC/ST/OBCનું રોટેશન રાખવું. (7) GPSC ઇન્ટરવ્યૂ એક્સપર્ટ તેમના સગાં / સંબંધી / પરિચિતો / વિદ્યાર્થીઓ બાબતે બાંહેધરી લેવી. જે રીતે 10/12 ના સુપરવિઝન માટે બાહેંધરી લેવાનો નિયમ છે. ઇન્ટરવ્યૂ લેનાર એક્સપર્ટ રિટાયર્ડ ન હોવા જોઇએ, ચાલુ નોકરીમાં હોય તેમને જ બોલાવવા. જેથી જવાબદારી નક્કી કરી શકાય. ઇન્ટરવ્યૂ-  એક્સપર્ટ માટે ધોરણો નક્કી કરવા.

[10] શું GPSCના ચેરમેન તરીકે રાજકીય પક્ષ / RSS સાથે સંકળાયેલ ચેરમેન હોવાથી ફાયદો થાય?

ના. બિલકુલ ન થાય. પસંદગી ખામીયુક્ત રહે. કઈ રીતે? મૌખિક ઈન્ટરવ્યૂમાં તમને પૂછે કે “આઝાદીના લડવૈયાઓમાંથી ત્રણ નેતાઓ નામ જણાવો જેમની વિચારધારા તમને સ્પર્શી ગઈ હોય?” તમારો જવાબ હોય કે ‘ગાંધીજી / નેહ રુ/ સુભાષચંદ્ર બોઝ !’ તો તમે ગયાં. તમે સાવરકરનું નામ લો તો જ પસંદગી પામો ! આ રીતે મૌખિક ઈન્ટરવ્યૂમાં ‘ખાસ ઉમેદવાર’ને ઓળખી કાઢવામાં આવે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કોઈ પણ સંજોગોમાં રાજનીતિ દેશહિતની વિરુદ્ધ ન હોવી ઘટે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 May 2025

રવીન્દ્ર પારેખ

17 મે, 2025ને રોજ બે ઘટના સામે આવે છે. એકમાં, ભારત સરકારે પાકિસ્તાનની પોલ ખોલવા 40 સાંસદોની સાત ટીમ જુદા જુદા દેશોમાં મોકલવાનું નક્કી કર્યું છે. આ ડેલિગેશન ઓપરેશન સિંદૂર અંગે સાચી વાતો જુદા જુદા દેશોને જણાવશે અને આતંકવાદ અંગે સરકારની ઝીરો ટોલરન્સ નીતિની જાણકારી આપશે. સાત ટીમના નેતાઓ તરીકે રવિશંકર પ્રસાદ, શ્રીકાંત એકનાથ શિંદે, શશિ થરૂર જેવા સાત નેતાઓ પસંદ થયા છે. શશિ થરૂર કાઁગ્રેસના નેતા છે એ ખરું, પણ તેઓ કાઁગ્રેસની પસંદગી નથી. કાઁગ્રેસ પાસેથી નેતૃત્ત્વ માટે ચાર નામો મંગાયેલાં, પણ કાઁગ્રેસે આપેલાં નામોમાં થરૂરનું નામ ન હતું. કાઁગ્રેસે આપેલાં નામોમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, રાજા બરાર અને ડૉ. સૈયદ નસીર હુસેનનાં નામો હતાં, પણ કેન્દ્ર સરકારે એને બાજુ પર રાખીને શશિ થરૂરનું નામ પસંદ કર્યું, એટલે કાઁગ્રેસનાં ભંવાં ચડે તે સમજી શકાય એવું છે. કાઁગ્રેસે આપેલાં નામોમાંથી કોઈ પસંદ થયું હોત, તો પક્ષનું માન જળવાયું હોત, પણ સરકારે થરૂરનું નામ પસંદ કરીને નબળી પસંદગી કરી છે એવું તો કાઁગ્રેસ પણ કહી શકે એમ નથી. એ વાત જુદી છે કે થરૂરે સોનિયા ગાંધીનાં નેતૃત્વ સામે સવાલો ઉઠાવેલા એટલે કાઁગ્રેસની ગુડ બુકમાં તેઓ ન જ હોય. અધૂરામાં પૂરું કાંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે સર્વાનુમતે ચૂંટવાની કાઁગ્રેસની મનસા પર થરૂરે ચૂંટણીમાં ઝંપલાવીને પાણી ફેરવી દીધેલું. એ સ્થિતિમાં કાઁગ્રેસ પોતાના તરફથી ટીમના નેતા તરીકે થરૂરનું નામ સૂચવે એ શક્ય જ નથી. વળી કાઁગ્રેસી થઈને થરૂર ઓપરેશન સિંદૂર સંદર્ભે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરે તે કાઁગ્રેસી આકાઓને ન જ ગમે. તેથી થરૂરની પાત્રતા ઘટી જતી નથી. કાઁગ્રેસના જ નહીં, થરૂર ત્રણેક ટર્મથી દેશના ઘડાયેલા સાંસદ છે. વધારામાં, યુનાઈટેડ નેશન્સમાં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂક્યા છે.

એ ખરું કે કાઁગ્રેસે સૂચવેલાં નામોમાં થરૂરનો સમાવેશ ન થયો, એમ જ કેન્દ્ર સરકારે સાત ટીમોના જે નેતાઓ પસંદ કર્યા છે, એમાં પણ વધુ સારી પસંદગીને અવકાશ હતો. બૈજયંત પાંડા, સુપ્રિયા સૂલે, શ્રીકાંત શિંદેને બદલે વધુ સારી પસંદગી થઈ શકી હોત. કૈં નહીં તો ઓવૈસીનું નામ બંધારણના જાણકાર વકીલ તરીકે તો ખરું જ, મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે પણ વિચારી શકાયું હોત. એટલીસ્ટ, ભારતમાં મુસ્લિમો પ્રત્યે ભેદભાવ રખાય છે, એવા દુષ્પ્રચારનો વિદેશમાં ઓવૈસી સબળ જવાબ હોત ! ખાસ કરીને પાકિસ્તાનને તેનું સ્થાન બતાવવામાં ઓવૈસીએ આક્રોશપૂર્ણ રીતે વ્યક્ત થવામાં કોઈ કસર રાખી નથી, એટલે ટીમના લીડર તરીકે એ વધુ પ્રભાવક રહ્યા હોત ! જો કે, ઓવૈસી ડેલિગેશનમાં છે એ ખરું. એ પણ ખરું કે આ ડેલિગેશનથી પાકિસ્તાન સુધરી જશે એમ માનવાની જરૂર નથી. એ તો વળી એકવાર લશ્કરી શાસનનો નમૂનો પૂરો પાડવાની ફિરાકમાં છે. તે એટલે કે બંકરમાં છુપાવા છતાં, પાક સરકારે અસીમ મુનીરને આર્મીનું ફિલ્ડ માર્શલનું સર્વોચ્ચ બિરુદ આપી દીધું છે. બને કે શાહબાઝ સરકારે સત્તા ટકાવવા આર્મી ચીફ મુનીરને રાજી કર્યા હોય, પણ અગાઉના આર્મી ચીફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયેલા ને તેવું મુનીર ન જ કરે એમ માનવાને કોઈ કારણ નથી. એ તો ઠીક, પણ વિદેશમાં ભારતીય ડેલિગેશને બચાવની કે સહાનૂભૂતિ ઉઘરાવવાની ભૂમિકામાં રહેવાનું નથી. તેણે તો સોય ઝાટકીને દુનિયા સમક્ષ પાકિસ્તાનની કુટિલ અને નિર્લજ્જ રાજનીતિને ઉઘાડી પાડીને અન્ય દેશો પાકિસ્તાનનાં સમર્થનમાં ઊભા જ ન રહે એવી સ્થિતિ ઊભી કરવાની છે.

બીજી તરફ ભારતમાં પણ, કટોકટીની પળોમાં દેશ એક છે, એ વાત વિસારે પડતી આવે છે. ખાસ કરીને કાઁગ્રેસની ભૂમિકા સંદિગ્ધ છે. થરૂરની ઘટના પહેલી બની કે ભારતના વિદેશ મંત્રી જયશંકરની વાત પહેલી સામે આવી તે સ્પષ્ટ નથી, પણ બંને વાતો એક જ દિવસે સામે આવી છે, એટલે કાઁગ્રેસની પ્રતિક્રિયા ઇરાદાપૂર્વકની છે કે યોગાનુયોગ છે, તે નક્કી કરવાનું મુશ્કેલ છે. 17 મે, 2025ને રોજ જ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધી, વિદેશ મંત્રી જયશંકરને એક સવાલ પૂછે છે કે ઓપરેશન સિંદૂરની વાત પાકિસ્તાનને અગાઉથી જણાવી દેવાઈ હતી કે કેમ? આવી જાણકારી કોને પૂછીને આપવામાં આવી? ઓપરેશન સિંદૂર શરૂ કરતાં પહેલાં પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો છે. જો કે, વિદેશ મંત્રાલયે રાહુલના દાવાને રદિયો આપતાં કહ્યું છે કે વિદેશ મંત્રી જયશંકરની વાતને રાહુલ ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. જયશંકરે ઓપરેશન સિંદૂરનો મેસેજ શરૂ થતાં પહેલાં નહીં, પણ શરૂ થતાંની સાથે કર્યો છે. જો કે, વિપક્ષી નેતા રાહુલ ગાંધીને વિદેશ મંત્રાલયના ખુલાસાથી સંતોષ નથી. તેમણે એ કહેવાનું ચાલુ જ રાખ્યું છે કે વિદેશ મંત્રીએ સાર્વજનિક સ્તરે એ સ્વીકાર્યું છે કે ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરનો મેસેજ મોકલ્યો જ છે.

રાહુલ ગાંધીનો બીજો સવાલ એ હતો કે આ રીતે જાણકારી પાકિસ્તાનને આપવાથી ભારતે વાયુસેનાનાં કેટલાં વિમાન ખોયાં? રાહુલ ગાંધીએ એ વીડિયો ટાંકતાં કહ્યું કે એમાં જયશંકર એવું કહેતાં દેખાય છે કે અમે સેના પર નહીં, પણ આતંકી ઢાંચા પર હુમલો કરી રહ્યા છીએ. એક વાત સ્પષ્ટ છે કે પહેલગામમાં હુમલાખોરો વરદી આપીને આવ્યા ન હતા, તો પાકિસ્તાનને હુમલા પહેલાં કે પછી જાણ કરવાની જરૂર ન હતી. ભારત સેના પર નહીં, આતંકી થાણાં પર હુમલો કરે તો પાકિસ્તાન ભારતીય સેના કે રહેણાંકો પર હુમલો ન જ કરે એવી નીતિમત્તા પહેલેથી ધરાવતું નથી. છેલ્લી એર સ્ટ્રાઈક વખતે જમ્મુ-કાશ્મીરમાં 8 હજાર ઘરોને તેણે નિશાન બનાવ્યાં જ છે. પૂંછમાં જ 6 હજાર ઘરોને અને 7 શાળાઓને નિશાન બનાવાઈ છે. એ ખરું કે ભારતે પાકિસ્તાનને જવાબ આપ્યો, પણ પાકિસ્તાન જાત પર ગયું જ નથી એવું નથી. આમ પણ ભારતના હુમલા વગર સરહદી હુમલાઓની નવાઈ નથી, એટલે પાકિસ્તાન સામે ભલમનસાઈ બતાવવાનો વિદેશ મંત્રી જયશંકરનો પ્રયત્ન પથ્થર પર પાણીથી વધારે કૈં નથી.

રાહુલ ગાંધીની એ દલીલ કે અગાઉથી જાણ કરવાથી પાકિસ્તાનને તૈયારીનો સમય મળી ગયો, એમાં વજૂદ નથી. આમ પણ પહેલગામ હુમલા પછી ભારતે તરત હુમલો કર્યો નથી ને પાકિસ્તાનને એ અંદેશો હતો જ કે આતંકી હુમલા પછી ભારત શાંત નહીં રહે, એટલે એ ભારત હુમલો કરે પછી જ તૈયારીમાં લાગે એવું નથી. એ કાયમ તૈયારીમાં જ હોય છે. તૈયારી ન હોય તો અણુ હુમલાની ધમકી આપીને કે આતંકી હુમલાઓ કરાવીને તે ભારતને ઉશ્કેરવાનું ન જ કરે.

એ દુ:ખદ છે કે પાકિસ્તાનને તૈયારીનો સમય ભારતે આપ્યો એ વાતે રાહુલ ટસના મસ થતા નથી, એટલું જ નહીં, પાર્ટી પ્રવક્તા પવન ખેરાએ તો વિદેશ મંત્રી જયશંકર પર અગાઉથી પાકિસ્તાનને  માહિતી આપી દેવાની વાતે ‘મુખબિરી’નો આરોપ મૂક્યો છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે વિદેશ મંત્રીએ પાકિસ્તાની આતંકીઓને બચાવવાનું કામ કર્યું છે. આવી હરકતોનું પરિણામ એ આવ્યું કે પાકિસ્તાની મીડિયાએ તેને પોતાની ફેવરમાં ગણીને વટાવી ખાધું. આટલું થવા છતાં કાઁગ્રેસને આમાં કશું ખોટું થયાનું લાગતું નથી. બને કે સર્વદલીય ડેલિગેશન માટે કાઁગ્રેસે આપેલાં નામો અવગણીને થરૂરની વરણી થઈ, તેની આ પ્રતિક્રિયા હોય ! એવું હોય તો શરમજનક છે.

આની સામે ભા.જ.પ.ના ઈન્ફર્મેશન ટેકનોલોજીના ચીફ અમિત માલવીયે રાહુલ ગાંધીને તે વખતના અંગ્રેજોના મદદગાર મીરજાફરનું પોસ્ટર બહાર પાડી પાકિસ્તાનના મદદગાર ગણાવી ઠેકડી ઉડાવી, તો કાઁગ્રેસી પ્રવક્તા પવન ખેરાએ એક પોસ્ટર બહાર પાડી વિદેશ મંત્રી જયશંકરને જયચંદની ઓળખ આપી, જેણે પણ અંગ્રેજોને મદદ કરી હતી. આવું પોસ્ટર યુદ્ધ બંને પક્ષે શરમજનક અને દેશને ઉઘાડો પાડવા જેવું છે. કાઁગ્રેસ ઉપરાંત તૃણમૂલ કાઁગ્રેસનાં મંત્રી એવી વાહિયાત દલીલ કરે છે કે વિદેશ જનારાં ડેલિગેશનનાં નામો સરકાર પસંદ ન કરી શકે. મમતાનાં દબાણમાં સાંસદ યુસૂફ પઠાણે તો ડેલિગેશનથી જ કિનારો કરી લીધો. દેશનો દુંશ્મન બાજુ પર રહી જાય અને ભા.જ.પ. અને વિપક્ષ સામસામે આવી જાય એ કોઈ રીતે ઇચ્છનીય નથી. આતંકી થાણાં પરના હુમલા વખતે તમામ વિપક્ષો સરકારની સાથે રહ્યા હોય ને હજી સાથે જ હોય, કારણ, ઓપરેશન સિંદૂર અટક્યું નથી, તો આવા આક્ષેપો દેશહિતની વિરુદ્ધ જાય છે ને એથી દુ:શ્મન તો નબળો પડતો નથી, પણ આબરૂ દેશની દાવ પર લાગે છે, એ કહેવું પડે એ દુ:ખદ છે. એ પણ કહેવું પડશે કે કોઈ પણ સંજોગોમાં રાજનીતિ એવી ન હોવી જોઈએ, જે દેશહિતની વિરુદ્ધ હોય? દરેક પક્ષોએ પોતાને પ્રમાણિકતાથી, સોગંદપૂર્વક પૂછવું જોઈએ કે વર્તમાન સંજોગોમાં જે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનું વાતાવરણ ઊભું થયું છે, તેનાથી દેશનું કોઈ હિત સધાય છે ખરું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 મે 2025

Loading

હાલ, પ્રો. મહમૂદાબાદને જામીન મળ્યાઃ અલબત્ત, માત્ર એથી વાત પતતી નથી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 May 2025

પરિપ્રેક્ષ્ય –  

‘ઓપરેશન સિંદૂર‘ના બ્રીફિંગ સાથે જે એક ભાવભૂમિ સરજાઈ છે એની જાળવણી ખાસ માજત માગી લે છે … રખે મોરચાબંધી એને ભરખી જાય!

પ્રકાશ ન. શાહ

અશોકા યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક અલી ખાન મહમૂદાબાદને સર્વોચ્ચ અદાલતે વચગાળાંના જામીન આપ્યાં એથી બુધવાર બપોર પછી આપણે કંઈક આશ્વસ્ત અવશ્ય થઈ શકીએ – પણ આશ્વાસનની આ લાગણી પરત્વે ‘કંઈક’ એ વિશેષણ મહત્ત્વનું છે, કેમ કે જામીન પછી અને છતાં ખાસો મોટો કોઠો ભેદવો રહે છે. 

પ્રોફેસર મહમૂદાબાદ પર હરિયાણવી પોલીસ ધોંસ એમની સોશ્યલ મીડિયા પોસ્ટ સંદર્ભે હતી અને છે. આ ધોંસની પૂંઠે હરિયાણાનું મહિલા આયોગ છે, અને ભા.જ.પી. યુવા મોરચો પણ છે. મહમૂદાબાદ અંગ્રેજી ભાષાસાહિત્યના અચ્છા અધ્યાપક છે, સ્વાધ્યાય અને સહૃદયતાએ એમને સોશ્યલ મીડિયાઈ સક્રિયતા પણ બક્ષેલી છે. 

એમણે ઓપરેશન સિંદૂર સંદર્ભે દેશમાં વૈવિધ્યના સમાદર પૂર્વક જે ઐકયનું દર્શન થયું એની સાનંદ નોંધ લીધી હતી અને આશા દાખવવા સાથે ટકોર કરવાની તક પણ ઝડપી હતી કે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘનાં બ્રીફિંગ થકી જે તસવીર ઊભરી છે તે માત્ર પ્રતીકાત્મક બનીને ન રહી જાય એ જરૂરી છે. આવું નામ કે વાસ્તે ‘ટોકનિઝમ’ એ સહજ સ્થાયી ઐક્યનો અવેજ નથી. પ્રોફેસર મહમૂદાબાદે આ વિચારો વ્યક્ત કરવા માટે કટાક્ષ કે વક્રોક્તિનો રાહ લીધો હોય તો પણ તે વિરમે તો છે. રાષ્ટ્રીય એકતાની ભાવભૂમિ પર જ. વળી અહીં લક્ષમાં રાખવાની વાસ્તવિકતા એ પણ છે કે વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘને આ દિવસોમાં ટ્રોલિંગનો જે વરવો અનુભવ થયો એણે સૂચિત ‘ટોકનિઝમ’ની મર્યાદાઓ પણ બહાર આણી છે. 

અલી ખાન મેહમૂદાબાદ

આ ટિપ્પણી લખાઈ રહી છે તે જ સમયે મધ્ય પ્રદેશની વડી અદાલતમાં મચેલ જંગનો માહોલ, આપણી ચર્ચા પરત્વે પૂરક સામગ્રી શો છે. મધ્ય પ્રદેશ મંત્રીમંડળના સભ્ય વિજય શાહે સોફિયા કુરેશીનું ઓઠું લઈને (અલબત્ત નામ પાડ્યા વગર) ‘આતંકવાદીઓની બહેન’ પ્રકારના ઉલ્લેખો કર્યા હતા અને રાજ્ય સરકારે તેમ ભા.જ.પ. નેતૃત્વે એમને વારવાની કોઈ અસરકારક કોશિશ ન કરી તે સંજોગોમાં હાઇકોર્ટે સ્વમેળે સંજ્ઞાન લઈને કારવાઈ શરૂ કરવાની નોબત આવી છે. ઊલટ પક્ષે, હરિયાણામાં ભા.જ.પ. સરકારે નીમેલ મહિલા આયોગે પ્રો. મહામૂદાબાદની સોશિયલ મીડિયા પોસ્ટમાં મહિલાઓની અવમાનના જોઈ છે અને ભા.જ.પી. યુવા મોરચાએ એમાં રાજદ્રોહ વાંચવાની ચેષ્ટા કરી છે. મધ્ય પ્રદેશ અને હરિયાણાનો ઘટનાક્રમ કમનસીબે અલી ખાન મહમૂદાબાદની આશંકા અને ચિંતાને અનુમોદન આપે છે એમ કહેવું એ વાસ્તવકથન માત્ર છે. 

જો કે, સર્વોચ્ચ અદલાતની કારવાઈ પણ કંઈક અમૂઝણ જગવનારી છે. એણે મહમૂદાબાદને જામીન તો આપ્યાં પણ પાસપોર્ટ પોલીસમાં જમા કરવાનું કહ્યું છે તેમ જ એમણે જે કોઈ પોસ્ટ લખી છે એમાં ડબલ મીનિંગ તો નથી ને તે તપાસવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ(એસ.આઈ.ટી.)ની રચના કરી છે. સાહિત્યના અધ્યાપકે વ્યંગ કે વક્રોક્તિનો આશરો લીધો હોય તો કંઈ કાયદાની કલમોએ કોચવાની વાત નથી. એ વસ્તુતઃ સહૃદય સમજનો એક એવો ઇલાકો છે જેને વિશે યોર લૉર્ડશિપે જુદી જ રીતે વિવેકનો રાહ લેવો રહે છે. કદાચ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે તે માટેની દિશા ખોલી પણ છે. પંચે સ્વમેળે સંજ્ઞા લઈ એવી પ્રતિક્રિયા આપી છે કે મહમૂદાબાદની પોસ્ટ અંગે કારવાઈની વાત પ્રથમદર્શી ધોરણે એમના માનવ અધિકાર ભંગની અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગની છાપ આપે છે. 

જ્યાં સુધી સત્તાપક્ષનો સવાલ છે, વિજય શાહ ઘટનામાંથી ધડો લીધા વિના એ એક પ્રકારની રાજકીય મોરચાબંધીનું રાજકારણ રમી રહ્યો છે. પ્રો. મહમૂદાબાદ સામે કારવાઈની માગણી માટે શિક્ષણ જગતના લોકોનું ખાસ નિવેદન (જેમાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તા પણ જોડાયાં છે) જોતા આ વાત સમજાઈ રહે છે.

સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ, સત્તાપક્ષ-વિપક્ષ અને નાગરિક સંગઠનો સહિત સૌ સામે એપ્રિલ 2025નો મિજાજ ઘટતા સંસ્કરણ સાથે ટકાવી રાખવાનો પડકાર છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 મે 2025

Loading

...102030...277278279280...290300310...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved