Opinion Magazine
Number of visits: 9577262
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણવિચારઃ સવા સદી પછી…

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|2 June 2019

પરિણામોની અને પ્રવેશની મોસમ પુરબહારમાં છે. સાથોસાથ, શિક્ષણપદ્ધતિ વિશે વાર્ષિક ચિંતા કરવાની ઋતુ પણ. ભારતમાં અંગ્રેજી રાજમાં અંગ્રેજી પદ્ધતિ પ્રમાણે શિક્ષણ અપાવાનું શરૂ થયું, ત્યારથી તેના વિશે ચર્ચા અને ચિંતા થતાં રહ્યાં છે. એ વખતના શિક્ષણ માટે એવું કહેવાતું હતું કે તે કારકુનો પેદા કરે છે. સાથોસાથ, ભણતરનું મહત્ત્વ સ્થાપિત કરવા માટે ‘ભણેગણે તે નામું લખે, ન ભણે તે દીવો ધરે’ એવી કહેવતો પ્રચલિત થઈ. શરૂઆતના તબક્કે શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા એટલી ઓછી હતી કે આઝાદી પછી મોટા પાયે સાક્ષરતા ઝુંબેશો કરવી પડી.

શિક્ષણ અત્યંત ઉપયોગી છે એમાં તો શો મતભેદ હોય? પણ કેવું શિક્ષણ કામનું ગણાય અને કેવું શિક્ષણ નકામું નહીં તો પણ કેવળ નામનું – એ પેઢીઓથી શિક્ષણશાસ્ત્રીઓ અને જાગ્રત આગેવાનો માટે નિસબતનો વિષય રહ્યો છે. અત્યારે નિરર્થક શિક્ષણનો ફુગાવો અને તેમાંથી પેદા થતી બેરોજગારી અકળાવે છે, પરંતુ લગભગ સવા સો વર્ષ પહેલાં શિક્ષણની સમસ્યાઓ કેવી હતી તેનો અંદાજ ઇ.સ.૧૮૯૮માં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી’એ પ્રગટ કરેલી પુસ્તિકા ‘શિક્ષણસૂત્ર’ પરથી મળે છે. આશ્ચર્ય અને ખરેખર તો આઘાત લાગે એવી હકીકત એ છે કે લગભગ સવા સો વર્ષ પહેલાં પાટલા પર ધુળ પાથરીને, તેની પર લાકડાનાં વતરણાંથી લખવાના જમાનામાં તૈયાર થયેલા આ પુસ્તકમાંની ઘણી બાબતો આર્ટિફ્શ્યિલ ઇન્ટેલિજન્સના જમાનામાં પણ લાગુ પડે એવી છે.

બે આનાની કિંમત અને મુખપૃષ્ઠ સહિત ૪૮ પાનાં ધરાવતી આ પુસ્તિકામાં લક્ષ્મણ નારાયણ ફ્ડકેનાં મરાઠી સૂત્રોનો સટીક ગુજરાતીમાં અનુવાદ છે- સટીક એટલે ટીકા સહિતનો. વધારાની ટીકાટીપ્પણીઓ અનુવાદકર્તાઓ નારાયણ હરિ મોકાશી તથા રવિશંકર જગન્નાથ વ્યાસ તરફ્થી મુકવામાં આવી છે.

ઇ.સ. ૧૮૯૮માં પણ લેખકને લાગતું હતું કે ‘હાલ બાળકોને નિરૂપયોગી બાબતો પુષ્કળ શીખવવામાં આવે છે અને તેથી જ ઉપયુક્ત (એપ્રોપ્રીએટ) બાબતો શીખવવાને વખત જ મળતો નથી. ઇતિહાસમાંનું કેવળ તવારીખ વગેરે જ્ઞાન આવા જ પ્રકારનું છે. માટે શિક્ષણપદ્ધતિમાં સુધારો કરવો જોઇએ. એટલું જ નહીં, અભ્યાસક્રમમાં પણ પુષ્કળ સુધારો કરવો જોઇએ. શાસ્ત્રીય જ્ઞાન જેથી કરીને વધારે આપી શકાય અને વળી ઉત્તમ પદ્ધતિથી આપી શકાય … હવે જ્ઞાન પદ્ધતિયુક્ત છે એમ ક્યારે સમજાય? તો જ્યારે તેનો વ્યવહારમાં વધારે વધારે ઉપયોગ થતો નજરે પડે ત્યારે જ. હાલ તો નિશાળ છોડી કે તરત જ ઘણીખરી બાબતો બાળકો ભૂલી જાય છે અને વ્યવહારમાં તેમને ઉપયોગ કરવાનો વખત પણ કવચિત જ આવે છે.’ આ વાંચીને યાદ આવે કે ઘણા સમયથી મોટી કંપનીઓ એવી ફરિયાદ કરી રહી છે કે લોકો ભણે છે ખરા, પણ તે એમ્પ્લોયેબલ (નોકરીએ રાખી શકાય એટલી લાયકાત ધરાવતા) નથી હોતા. કારણ કે, કોલેજના ભણતર અને વ્યવહારમાં જરૂરી આવડત વચ્ચે ૧૮૯૮માં જોવા મળતી ખાઈ ૨૦૧૯માં પણ પુરાઈ નથી – અને હવે તેના માટે અંગ્રેજોને દોષ દઈ શકાય તેમ નથી.

‘શિક્ષણસુત્ર’માં લખ્યું છે કે ‘આપણામાં ઉત્તમ મગજવાળા મનુષ્યો નિપજતા નથી આવી તકરારો વખતોવખત આપણા સાંભળવામાં આવે છે. તેનું કારણ ઘણે અંશે ભૂલભરેલી શિક્ષણપદ્ધતિ જ છે. પ્રથમ આપણું ઘણુંખરું સઘળું શિક્ષણ પુસ્તકો દ્વારા જ ચાલે છે. સૃષ્ટિનું અવલોકન ઘણું જ થોડું છે, ઘણે ભાગે નથી જ કહીએ તો પણ ચાલે. બીજી બાબત એ છે કે બાળકોને સર્વ બાબતો શિક્ષકો પોતાની મેળે શીખવે છે કે ચોપડીમાંથી મોઢે કરાવે છે. દાખલાઓની એક ચોપડી હોય તો તેના ખુલાસાવાળી બીજી ચોપડી તૈયાર જ હોય! ઇંગ્રેજી કે ગુજરાતી વાચનમાળા કહી કે તેના શબ્દાર્થનું બીજું પુસ્તક તૈયાર જ હોય! કલાકમાં વધારે દાખલા કરાવે તે શિક્ષક હોંશિયાર. પછી છોકરાં તેમાંનો એકે દાખલો સમજે કે ન સમજે! આવી સ્થિતિ હવણાં થઇ રહી છે. શિક્ષણ સંસ્કાર બાળકોને થવાને બદલે તેમના (માથા) પર શિક્ષણના થર કરવામાં આવે છે અને આ થર તેમણે નિશાળ છોડી કે તરત જેમના (માથા) પરથી ખરી પડી છે, અને તેઓ હતાં તેવાં ને તેવાં થઇ રહે છે. કોઇને તો તે શીખ્યો જ નથી એવી ભ્રાંતિ પણ થાય છે. આવું ઉપરચોટિયું શિક્ષણ ફ્ળદ્રુપ ક્યાંથી થાય અને ઉત્તમ મગજવાળા પુરુષો ક્યાંથી નિપજે? માટે શિક્ષણપદ્ધતિમાં અને તેની સાથે જ પરીક્ષણપદ્ધતિમાં પણ મૂળમાંથી સુધારો થવો જોઇએ. ગોખણપટ્ટીનું શિક્ષણ કમી કરીને બુદ્ધિનો વધારો કરે, એવું શિક્ષણ ધીમે ધીમે વધારવું જોઇએ. બાળકોની અવલોકનશક્તિ, નિરીક્ષણસામર્થ્ય, અનુમાન યાથાર્થ્ય વગેરે માનસિક શક્તિની વૃદ્ધિ થાય એવી રીતે તેમને શિક્ષણ આપવું જોઇએ. ફ્ક્ત તેમના ગળામાં પરાણે ઘાલવું (ઉતારવું) એ શિક્ષણ કાંઇ ઉપયોગનું નથી.’ (જોડણી અસલ પ્રમાણે) આ વાંચતાં ‘શિક્ષણસુત્ર’ના લેખક જાણે સો વર્ષ પછીની સ્થિતિનું આબેહુબ ચિત્રણ કરનારા આર્ષદૃષ્ટા લાગવા માંડે છે. અલબત્ત, તેમને આર્ષદૃષ્ટા બનાવવામાં સરકારો અને શિક્ષણશાસ્ત્રીઓનો ફળો સૌથી મોટો છે.

વિદ્યાર્થીઓ શૈક્ષણિક જ્ઞાન ઉપરાંત તેમના ઘડતરમાં માતાપિતાની ભૂમિકા વિશે પુસ્તકમાં નોંધ્યું છે,

‘છોકરાં સારાં નિવડતાં નથી તેનું કારણ માબાપ અને શિક્ષક બન્ને, એ આપણે ઘણી વખત અર્થાત્ નિરંતર ભૂલી જઇએ છીએ. છોકરો નઠારો નીકળ્યો કિંવા અભણ રહ્યો, તો તેમાં આખો વાંક છોકરાનો કાઢવામાં આવે છે, અને માબાપને માટે દિલગીરી બતાવવામાં આવે છે…પણ આ બાબતમાં માબાપનો કિંચિત પણ દોષ હશે એવું કોઇના સ્વપ્નમાં પણ આવતું નથી વા કોઈ કહેતું પણ નથી, પરંતુ ચીઢીઆ સ્વભાવનાં માબાપનાં છોકરાં પ્રસન્ન સ્વભાવનાં ક્યાંથી હોય? પગલે પગલે જૂઠું બોલનાર માબાપનાં છોકરાં સત્યવાદી ક્યાંથી નીવડે? … નિશાળમાં ભણતાં છોકરાં સદ્દગુણી થવાને શિક્ષકોનું શાળામાંનું અને ખાનગી વર્તન શુદ્ધ ન જોઇએ? સારાંશ, છોકરાં નઠારાં નીકળે છે તેનું અર્ધું કારણ – બલકે તેથી પણ વધારે કારણ – માબાપ અને શિક્ષક જ છે … પોતે તો ગમે તેમ વર્તે અને છોકરાં નઠારાં નીકળે ત્યારે નકામી બૂમો પાડે એવી હાલની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ જ્યાં સુધી કાયમ રહેશે અને જ્યાં સુધી તેની જવાબદારી (માબાપ શિક્ષકો વગેરે) પોતાને માથે રાખશે નહિં, ત્યાં સુધી ધારવા પ્રમાણે સુધારો થવાની આશા રાખવી વ્યર્થ છે.’ કોઈ મહાન સિદ્ધાંત પર નહીં, ફ્ક્ત સામાન્ય સમજ પર આધારિત આ ભવિષ્યવાણીને આપણે સાચી પાડી બતાવી છે. છેલ્લા ઘણા વખતથી સરકારી નીતિ અને સમાજની દિશા જોતાં, ‘શિક્ષણસુત્ર’નાં લખાણ આવનારા સમયમાં પણ તાજાં લાગે એવી પૂરી આશંકા રહે છે.

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 જૂન 2019

Loading

‘કોટા ફેક્ટરી’ : શિક્ષણની ફેક્ટરીનું દર્શન સાથે શિક્ષણ પણ!

કિરણ કાપૂરે|Opinion - Opinion|2 June 2019

છેલ્લા કેટલાં ય સમયથી વેબ સિરીઝનું ફોર્મેટ ભારતમાં ડંકો વગાડી રહ્યું છે. ફિલ્મ અને સિરિયલનું વચ્ચેનું આ માધ્યમ દર્શકોને દસથી વીસ કલાકમાં જે મનોરંજન પીરસે છે તે ફિલ્મો કરતાં વધુ ઊંડાણભર્યું હોય છે અને સિરિયલ કરતાં ઓછું કંટાળાજનક. હવે તો તેનું ચલણ એ હદે વધી રહ્યું છે કે દર બીજા મહિને એક સારી કહી શકાય તેવી વેબ સીરિઝ વિવિધ સ્ટ્રીમિંગ વીડિયો સાઈટ પર ઉપલબ્ધ થાય છે. થોડા વખત અગાઉ જ 'કોટા ફેક્ટરી' નામની એક વેબ સિરીઝ રિલીઝ થઈ છે. આ સિરીઝમાં રાજસ્થાનમાં આવેલું એજ્યુકેશનલ હબ કોટામાં કેવી રીતે શિક્ષણનો બિઝનેસ ચાલે છે તેનું તાદૃષ્ય ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. કોટા તો એક માત્ર દાખલો છે, આવા નાનાં-મોટાં એજ્યુકેશનલ હબ હવે દેશના અનેક શહેરોમાં ઊભા થયા છે, જે જ્ઞાનના કેન્દ્રો રહ્યાં નથી, બલકે તેમની ઓળખ હવે જ્ઞાનના નામે બિઝનેસ કરવાની જ છે!  શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ કરતી આ સિરીઝ અચૂક જોવા જેવી છે. …

શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ કરતી અનેક ફિલ્મોનું નિર્માણ થયું છે, પરંતુ શિક્ષણ વિષય અંગે વાસ્તવિક ફિલ્મ તો લોકો પર ઊતરે છે, જ્યાં તેને દરેક પડાવે પીસાવાનું આવે છે. 'કોટા ફેક્ટરી'માં આરંભના જ દૃશ્યમાં તે સ્પષ્ટ થતું જાય છે કે કેવી રીતે આ ચક્રમાં વિદ્યાર્થીઓ અને તેનો પરિવાર ધીરે ધીરે ફસાય છે. આ બિઝનેસની પૂરી કથાનો આરંભ સિરીઝના શરૂઆતના જ દૃશ્યોમાં થાય છે, જ્યાં એક પિતા તેના પુત્ર(વૈભવ પાંડે)ના ‘આઈ.આઈ.ટી.’ના કોચિંગ માટે અહીં એડમિશન અર્થે આવે છે. જાણીતી એક ઇન્સ્ટિટ્યુટમાં પુત્રને એડમિશન તો મળતું નથી, પરંતુ કોટાની પૂરી કહાની બયાન કરનારો રિક્સાવાળો મળી જાય છે. જે કોટા શહેરના માહોલથી પરિચિત છે. કોટા કેવી રીતે ફૂલ્યું ફાલ્યું અને આજે ક્યાં જઈને પહોંચ્યું છે તેનો એક સંવાદ કંઈ આ રીતે તે રિક્સાવાળો પિતા-પુત્ર સામે બયાન કરે છે : “હમ તો યહાં તબ સે હૈ, જબ કોટા ફેક્ટરી નહીં પર શહર હુઆ કરતા થા. તબ કોચિંગ ક્લાસ કી યુનિફોર્મ નહીં હુઆ કરતી થી. ઓર યે સારા માહોલ એક છોટે સે મહોલ્લે વિજ્ઞાન નગર તક હી સીમિત થા.”

આ રિક્સાવાળો કોટા શહેરના માહિતી સુધી જ સીમિત નથી રહેતો. તે અહીંયાના ક્લાસિસ કેવી રીતે ચાલે છે તેનું પણ જ્ઞાન આપતાં પિતા-પુત્રને કહે છે : “યે શહર નહીં હૈ, બલકે એક બહુત બડાં હોસ્ટેલ હૈ. યહા લડાઈ ઇસ બાત કી નહીં હૈ કી કોચિંગ આઈ.આઈ.ટી. કા સોલ્યુશન દે પાઈ યા નહીં. બલકે ઇસ બાત કી હૈ કિ કિસ કોચિંગ ને સબસે પહલે દી. યહા સબ પાગલ હૈ સર, હર તરફ બસ યહી બાત હોતી હૈ કિ કૌન સે ઇન્સ્ટિટ્યુટને ટોપર્સ સે ફીસ લી. કિસ ઇન્સ્ટિટ્યુટને સહી મેં ઉસ કો શિક્ષા દી ઔર કિસને સીધા રેન્ક હી ખરીદ લીયા. કૌન સા ટીચર કિસને ખરીદા. કૌનસા ફેકલ્ટી ઇન્સ્ટિટ્યુટ છોડકર અપના અલગ ઇન્સ્ટિટ્યુટ ખોલ રહા હૈ. બસ, યહી સબ બિગ બોસ ચલતા રહતા હૈ.”

શિક્ષણમાં ચાલી રહેલી આટલી મોટી રમતને એક રિક્સાવાળાના મુખે કેટલી સરસ રીતે કહેવાઈ છે. આ રીતે કુલ પાંચ એપિસોડની આ સીરિઝની આ પ્રથમ સિઝન છે. આ સિઝનના પ્રથમ એપિસોડમાં જ કોટા શહેરનો એક ઓવરવ્યૂ દર્શકને મળે છે. વાર્તા આનાથી આગળ વધે છે ત્યારે પિતા-પુત્ર એક અન્ય પ્રોડોજી ઇન્સ્ટિટ્યુટના વહિવટકાર પાસે એડમિશન માટે જાય છે અને ત્યાં વૈભવ પાંડેને એડમિશન મળે છે. અહીંયા પણ જે સૌથી અગત્યનું એક કેરેક્ટર પ્રવેશે છે અને તે છે જીતુભૈયા. આ જીતુભૈયાની ઓળખ છે કોટાના નંબર વન ફિઝિક્સ ટીચર તરીકેની. તેઓની વિશેષતા એ છે કે તે ફિઝિક્સ હિંદીમાં સરળ રીતે વિદ્યાર્થીઓને સમજાવી શકે છે. આ કેરેક્ટરનો આરંભથી જ ચાર્મ વર્તાય છે અને તે વૈભવ પાંડેને જે શિખામણ આપે છે, તે પણ દરેક વિદ્યાર્થીએ ગાંઠે બાંધવા જેવી છે : “તુમ જૈસો કી ફીસ સે રેન્કર્સ કો સુવિધા મિલતી હૈ. ઔર મેરે જૈસો કા ઘર ચલતા હૈ. ઔર તુમ જૈસે જો ચલે આતે હૈ ના કોટા, નાઈન્થ મેં પોકોમન, ટેન્થ મેં પબજી, ઇલેવન્થ મેં કોટા. ક્યોં? બાજુવાલેં શર્માજી પૂછેંગે તો બતાયેંગે કી કોટા મેં આઈ.આઈ.ટી., નીટ કી તૈયારી કર રહે હૈ. કુલ લગતા હૈ. ફેશન હૈ. યે જો અખબારોં મેં ઇશ્તહાર દેખકર, હોર્ડિંગ દેખકર, હન્ડ્રેન્ડ પર્સેન્ટ સિલેક્ટેટ ગેરન્ટી, હમ ભી બોલતે હૈ હન્ડ્રેન્ડ પર્સન્ટ સિલેક્શન ગેરન્ટી. યે દેખકર જો તુમ ચલે આતે હો ના. પર યહાં કોઈ ગેરન્ટી નહીં હૈ.”

આવા તો અનેક સંવાદ છે જે શિક્ષણ આપતી આવી ઇન્સ્ટિટ્યુટની મર્યાદાઓ આપણે સામે મૂકે છે. પણ બીજા એપિસોડમાં જે સૌથી અગત્યનું છે તે જીતુભૈયાના ક્લાસ છે, જે વિદ્યાર્થીઓને મજાથી ફિઝિક્સ તો શિખવાડે છે, પણ સાથે સાથે કોટામાં કેવી રીતે રહેવું, કેવી રીતે કોટામાં પ્રશ્નોનો સામનો કરવો તે પણ ખૂબ સરળતાથી પોતાના જ દાખલા આપીને શિખવાડે છે. એક વખત પછી તો એવું થઈ આવે કે જીવનના આરંભના જ તબક્કે જો જીતુભૈયા જેવાં શિક્ષક મળી જાય તો કેટલા ય વિદ્યાર્થીઓનો બેડો પાર થઈ જાય!

જીવનમાં કેટલાંક પ્રશ્નો એવાં આવતાં હોય છે તેનું કોઈ સોલ્યુશન નથી અને વિદ્યાર્થીકાળમાં તો આવાં પ્રશ્નો આવે છે ત્યારે તેના સામે ટકવાનું ઓર પડકારભર્યું હોય છે. પણ તેનું ય સોલ્યુશન અહીંયા આપ્યું છે. જે વિદ્યાર્થીઓ મેસમાં જમતાં હશે તેઓને ખ્યાલ હશે કે મેસમાં જમવું પણ એક પડકાર છે. તે માટે ઇન્સ્ટિટ્યુટનો એક બંદો વૈભવ પાંડે અને તેની મંડળીને સલાહ આપે છે કે : “દાલ, સબજી, રોટી બનાની પડતી હૈ, તો ગલતી કા સ્કોપ હૈ, ઔર સ્કોપ દીયા તો મેસવાલે ગલતી કરેંગે હી. ઇસિલિએ વો ખાઓ જો યે નહીં બનાતે, જૈસે સલાડ, અચાર, પાપડ, દહી ચીની.” આવા નાના ફન્ડાથી વૈભવ પાંડે કોટામાં સેટ થાય છે અને ‘આઈ.આઈ.ટી.’માં તૈયારી કરવા માટે પૂરી રીતે તૈયાર થાય છે. આ સીરિઝનું કેન્દ્રિય પાસું શિક્ષણ હોવા છતાં તેનું મજાનું પાસું દોસ્તી પણ બને છે.

હવે થોડું કોટાના શિક્ષણ વિશે જાણીએ તો અહીંયા ચાળીસથી વધુ મોટી કોચિંગ ક્લાસ આવેલી છે, જ્યાં વર્ષે દહાડે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છે. ઇવન, શહેરનું અર્થતંત્ર પણ આ એજ્યુકેશનલ એક્ટિવિટીથી જ ઊભું છે અને આ ઇન્ડસ્ટ્રીનું અંદાજિત વાર્ષિક ટર્નઓવર 1,500 કરોડનું છે. કોટા આજે શિક્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે પણ તેની શરૂઆત વિનોદકુમાર બંસલ નામની વ્યક્તિથી થઈ હતી, જેમણે પછીથી બંસલ ક્લાસિસ પ્રાઈવેટ લિમિટેડ નિર્માણ કર્યાં. આ ક્લાસિસની અનેક ફેકલ્ટીઝ આજે કોટામાં પોતાની ઇન્સ્ટિટ્યુટ ધરાવે છે. વિદ્યાર્થીની વાત આવે ત્યાં કારકિર્દીની પણ વાત આવે, અને જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાનું હોય ત્યારે તેનું માનસિક દબાણ વિદ્યાર્થી પર વિશેષ અનુભવાય છે. અને એટલે જ કોટાનું જે ગંભીર પાસું છૂટી જાય છે તે એ કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો મુજબ અહીંયા 2014માં 45 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી અને 2015માં પણ આ આંકડો 17નો હતો. આમ, કારકિર્દીના લ્હાયમાં અનેક વિદ્યાર્થીઓ આ શહેરમાં આવીને જીવનનો અંત પણ લાવે છે. આ ઉપરાંત, અનેક  પ્રાઈવેટ શાળાથી પણ કોટામાં જ્યાં-ત્યાં વિદ્યાર્થીઓ નજરે ચઢે છે.

કોટા ફેક્ટરીની આ પ્રથમ સિઝનમાં આવેલાં પાંચ એપિસોડમાં વૈભવ પાંડેનો અભ્યાસ ચાલે છે, દોસ્તો બને છે, તેને રોમાન્સ પણ થાય છે અને તે જીવનનાં પાઠ પણ શીખે છે. આમ જીવનના બધા જ રંગ પરોવીને આ સીરિઝ મસ્ટ વોચ સીરિઝમાં સ્થાન પામે છે.  

e.mail : kirankapure@gmail.com

(સૌજન્ય : ‘ઇન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’ – “ગુજરાતમિત્ર”, 19 મે 2019)

Loading

માઉન્ટ એવરેસ્ટઃ અહીં પણ ‘ટ્રાફિક જામ’ મોતનું કારણ બની રહ્યો છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 June 2019

માઉન્ટ એવરેસ્ટ જોખમી બનવાનાં કારણો હિમશીલાની ટોચની ભ્રમણા જેવાં છે, ધાર્યા કરતાં કંઇક ગણાં મોટા અને કાતિલ

એક સમય હતો જ્યારે શહેરના ઘોંઘાટ અને ટ્રાફિકથી કંટાળીએ ત્યારે આપણને એમ થતું કે પહાડોમાં જતાં રહેવું જોઇએ. ત્યાં પરમ શાંતિનો અનુભવ પણ થાય અને કુદરતનો વૈભવ અને શક્તિ બંન્નેનો અનુભવ થાય. હવે એવા દિવસો આવ્યા છે કે માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિક જામ થવા માંડ્યો છે અને અકસ્માતમાં જીવ ગુમવાનારાઓનું પ્રમાણ ત્યાં પણ વધી ગયું છે. આ વર્ષે પવર્તારોહણની મોસમમાં એવરેસ્ટ પર ગયેલા ૧૧ જણા, જેમાં ત્રણ ભારતીય છે તે મોતને ભેટ્યા છે. આમ તો એવરેસ્ટ હંમેશાં કપરાં ચઢાણોનો એસિડ ટેસ્ટ રહ્યો છે, પણ સમયાંતરે ત્યાં સંજોગો વધુને વધુ વસમાં બની રહ્યાં છે. છેલ્લા અઠવાડિયામાં એવરેસ્ટ સર કરવા હારબંધ ઊભેલા પર્વતારોહકોની તસવીર બહુ પ્રચલિત બની છે. એ તસવીર એ વાતનો પુરાવો છે કે એવરેસ્ટ પર ટ્રાફિક ‘જામ’ થવા માંડ્યો છે અને ત્યાં હજારો ફૂટની ઊંચાઇએ પણ માણસ જાતે પોતાનું પોત પ્રકાશવામાં કંઇ બાકી નથી રાખ્યું. માઉન્ટ એવરેસ્ટ વધારે જોખમી બની રહ્યો છે તેનાં કારણો ઉપરછલ્લાં નહીં પણ ઘણાં ઊંડા છે, બિલકુલ દરિયામાં દેખાતી હિમશીલા જેવાં અને માટે જ એ સમજવાં જરૂરી છે.

પહેલી વાત તો એ કે, ૨૯ હજાર ફૂટની ઊંચાઇએ પહોંચતો માઉન્ટ એવરેસ્ટ ચઢવો હોય તો તમારી ગમે એટલી તૈયારી હોય કે પછી ત્યાં મોસમ બહેતર હોય, એ કોઇ કાચા-પોચાનો ખેલ નથી. એવરેસ્ટ પર ચઢવું એક ગંભીર ફોકસ માંગી લે તેવી બાબત છે, હવે સમસ્યા એ છે કે જે લોકોને પર્વતારોહણનો પૂરતો અનુભવ નથી તેવાં પણ એવરેસ્ટ પર ચઢાણ માંડે છે. ગાડરિયો પ્રવાહ એ એવરેસ્ટ પર ભેગી થયેલી ભીડનું સૌથી મોટું કારણ છે. એવરેસ્ટને ‘સર’ કરવાની ભૂખ મોતનું આમંત્રણ બની રહી છે. એવરેસ્ટ પર જનારાનો મૃત્યુ આંક ૧૯૨૨થી માંડીને આજ સુધીમાં ૩૦૭ છે પણ આઘાતની વાત એ છે કે આ વર્ષે ૧૧ જણા ત્યાં મોતનાં મ્હોમાં ધકેલાઇ ગયા. એવરેસ્ટ પર પરિસ્થિતિ સરળ નથી હોવાની પરંતુ ત્યાં ભેગી થનારી ભીડ આ પરિસ્થિતિને વધારે આકરી બનાવે છે.  શેરપા તેન્ઝિંગ નોરગે એ ૧૯૫૩માં એડમન્ડ હિલેરી સાથે શેરપા તરીકે એવરેસ્ટની ટોચ સુધી સફર ખેડી હતી. તેન્ઝિંગના પુત્ર જેમલિંગે એક અંગ્રેજી ન્યુઝ પોર્ટલ પર એવરેસ્ટ, પર્વતારોહક, સરકારી વલણ તથા દિવસે દિવસે વધુ અઘરાં બની રહેલા એવરેસ્ટની ડરામણી હકીકત જણાવી છે.

તેમના મતે આજકાલ હવે પર્વતારોહકોને ટોચ પર પહોંચતા પહેલાં માટે બે-ત્રણ કલાક સુધી લાઇનમાં ઊભા રહીને પ્રતિક્ષા કરવી પડે છે. કપરાં વાતાવરણમાં આટલી વાર ઊભા રહેવાનું થાય એટલે શરીરની ઊર્જા ખર્ચાય તે સ્વાભાવિક છે વળી શરીરની ગરમી જાળવવા ઉપરાંત પર્વતારોહક  ઑક્સિજનનાં બાટલાનો બોજ પોતાની જિંદગી ધબકતી રાખવા ખભે લઇને ઊભો હોય. હોલ્ડિંગ રોપ્સ ઝાલીને આટલા બધાં લોકો ઊભા હોય અને તાકડે જ જો સેફટી રોપ જ તૂટી જાય તો એક સાથે બધાં જ પડી જાય, જેને કારણે ઇજા અને મૃત્યુ બંન્ને થવાની શક્યતા રહે છે. બહુ જ સાદી અને સૌને સમજાય એવી હકીકત એ છે કે આટલી ઊંચાઇ પર આ રીતે લાંબા કલાકો ઊભા રહેવું શરીરને હાનિ પહોંચાડે છે. એવરેસ્ટની ટોચ પર પહોંચનારા ત્યાં રાતવાસો નથી કરતાં. ઉપર પહોંચી ત્યાં થોડી ક્ષણો માણી અને પછી નીચે ઉતરવા માંડે છે કારણકે શરીર એટલી ઊંચાઇ લાંબા કલાકો આમ પણ ન ખેંચી શકે. 

એક સમય હતો કે નેપાળની સરકાર એવરેસ્ટની ટોચ પર પહોંચવા માટેનાં માત્ર વીસ પરવાના આપતી. એ સિત્તેરના દાયકાની વાત હતી અને આજે આ પરવાનાનો આંકડો ૩૮૦ કરતાં પણ વધારે છે. જે રીતે લોકોને આડેધડ પરવાના અપાય છે તે સરકારની ટુરિઝમને પગલે આવક પેદા કરવાની મહેચ્છા દર્શાવે છે. દરેક વ્યક્તિ દીઠ પરવાનો આપવા માટે ૧૧,૦૦૦ અમેરિકી ડૉલર્સ સરકારને ચુકવવાનાં રહે છે. આ તો એક ખર્ચો છે પણ આ ઉપરાંત શેરપા ભાડે કરવાથી માંડીને, ટુર ઑપરેટર્સનાં સમીકરણો વગેરેને પગલે પર્વતારોહકો એવરેસ્ટની ટોચ પર જવા માટે ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ ડૉલર્સ ખર્ચે છે. વળી દરેક પર્વતારોહક સાથે એક શેરપા હોવાનો એટલે કે જો ૩૮૦ જણાંને પરવાના મળે તો કૂલ ૭૬૦ જણા એવરેસ્ટ તરફ પ્રયાણ કરે.

વળી મોસમનાં હાલને ધ્યાનમાં લઇએ તો ય એક સમયે, એક સાથે લગભગ ૨૦૦ કે ૨૫૦ જણાં કાં તો ચઢાણ કરતાં હોય અથવા તો ઊતરતા હોય. ૧૯૯૯ની સાલથી દર વર્ષે એવરેસ્ટ સુધી જનારાની સંખ્યા ૩૫૦ની આસપાસ રહી છે. આ આંકડા પર કોઇપણ જાતનો પ્રતિબંધ કે નિયંત્રણ મુકવાનું સરકારે હજી સુધી વિચાર્યું નથી. વધતી જતી જનસંખ્યાનો પ્રભાવ જાણે એવરેસ્ટ પર પણ પડી રહ્યો છે. ૨૨મી મેનો દિવસ પર્વતારોહકો માટે શરૂ સારા મોસમનાં સમાચારથી થયો. જે રીતે પર્વતારોહકોનાં ટોળાં ટોચને ‘સર’ કરવા સાબદા થયાં અને ‘ટ્રાફિક’ જામ થઇ ગયો. એક પણ ગ્રૂપ લિડરને એવો વિચાર ન આવ્યો કે પોતાના સમિટને લઇને આગળ વધવા માટે એ કોઇ બીજો દિવસ પણ પસંદ કરી શકે.  કુંતલ જોઇશેર નામના એક પર્વતારોહકે આપેલી જાણકારી અનુસાર એવરેસ્ટ ‘સર’ કરવા નિકળી પડેલાઓમાંથી કેટલાક તો સાવ નવા નિશાળિયા હતા, તેઓ પોતાનાં બુટની દોરી સુદ્ધાં જાતે નહોતાં બાંધી શકતા.

વધુ ઊંચાઇ પર ધાર્યા કરતાં વધારે કલાકો જ્યારે ‘રાહ’ જોઇને રહેવું પડે ત્યારે માણસનું શરીર જવાબ આપી દે તેવું થવાની સંભાવનાઓ વધી જ જાય. એવરેસ્ટ પર ૨૬,૦૦૦ ફૂટ પછીનો જે પ્રદેશ છે તેને ‘ડેથ ઝોન’ તરીકે જ ઓળખવામાં આવે છે જ્યાં માણસનું અસ્તિત્વ હોવું જ ન જોઇએ. માત્ર ગણતરીના કલાકો જ ત્યાં ગાળી શકાય પછી ગમે તેટલી ઑક્સિજન બૉટલ્સ હોય તો પણ. એક હદ પછી માણસનું શરીર મંદ પડવા માંડે. એક્યુટ માઉન્ટેન સિકનેસને કારણે ઊબકા આવવા, ચક્કર આવવા, થાક લાગવો જેવી સ્થિતિ ખડી થાય છે. વળી જ્યારે એવરેસ્ટ પર ‘ટ્રાફિક’ જામ થયો હોય એટલે એ પરિસ્થિતિમાંથી પોતાની જાતને બહાર કાઢીને વધુ સુરક્ષિત સ્થળે ખસી જવાનું પણ મુશ્કેલ જ હોય. ઊંચાઇ પર હવા પાતળી હોવાને કારણે મગજની આસપાસ રહેલા મેમ્બ્રેન્સ તથા ફેફસાં ગળવા લાગે છે – લીક થવા માંડે છે જેને કારણે શરીરમાં રહેલું પ્રવાહી જ્યાં ન જવું જોઇએ ત્યાં પણ પહોંચી જાય છે.

ફેફસાંમાં પ્રવાહી ભરાવા માંડે પછી ઑક્સિજન મેળવવું બહુ અઘરું થઇ જાય અને એમાં પણ વ્યક્તિ એવાં સ્થળે હોય જ્યાં ઑક્સિજન ઓછો છે. ફેફસાંની આ સ્થિતિને હાઇ-અલ્ટિટ્યુડ-પલ્મનરી-એડેમા કહે છે. મગજમાં પ્રવાહી ભરાવાની સ્થિતિને હાઇ-અલ્ટિટ્યુડ-સેરેબ્રલ-એડેમા કહે છે જે પરિસ્થિતિને વધારે ગંભીર બનાવે છે. આવા સંજોગોમાં માણસ સંતુલનની શક્તિ ગુમાવી બેસે છે, તેને માટે કો-ઑર્ડિનેશન કરવાનું પણ મુશ્કેલ થઇ જાય છે. ચઢાણ વખતે શરદી, થાક, ડિહાઇડ્રેશનના સંજોગોમાં આ બન્ને શારીરિક જોખમો ખડાં થઇ શકે છે. વળી અનુભવને અભાવે પર્વતારોહક શરીરની આ પરિસ્થિતિ સમજ્યા વિના પોતાની સફર ચાલુ રાખે તો પછી તેના જાનને ચોક્કસ જોખમ ખડું થાય. એવરેસ્ટની ટોચ પર પહોંચવામાં ગતિ બહુ અગત્યનું કામ કરે છે. ઝડપથી ઊપર પહોંચી, સમિટને ટેગ કરીને તરત નીચેની સફર શરૂ કરવામાં જ સાર છે. પર્વતારોહણ એક સિરિયસ એક્ટીવિટી છે, ઊંચાઇ પર તમે માત્ર ટકી રહ્યા છો – જીવી નથી રહ્યાં તે હકીકત સમજવી જરૂરી છે. ટોચ પર વધારે સમય પસાર કરવામાં તમારી પાછળ રાહ જોઇ રહેલાં લોકો આ ઊંચાઇ પર બહુ લાંબો સમય ટકવા માટે સક્ષમ નથી એનો ખ્યાલ રાખવો જ રહ્યો.

વળી જ્યાં એક સમયે વર્ષે ૨૦ જણ જતાં હોય ત્યાં જનારાની સંખ્યા ૭૦૦થી વધુ થાય એટલે ત્યાં થતી ગંદકી અંગે તો માત્ર કલ્પના જ કરવી રહી.

એવરેસ્ટની ટોચે પહોંચવા ભેગી થયેલી ભીડ, પાંચ જ દિવસની ‘ઑલ ક્લિયર’ પ્રકારની મોસમ, અણઘડ-બિનઅનુભવી પર્વતારોહકો અને ટૂર ઑપરેટર્સ વચ્ચેની સ્પર્ધા માત્ર માણસોનાં નહીં પણ પ્રકૃતિનાં આ જોખમી પણ અભૂતપૂર્વ ચમત્કારનાં કહેવાય તેવા એવરેસ્ટનાં મોતનું કારણ બની રહ્યાં  છે.

બાય ધી વેઃ

‘વધુ’ની એષણા પર્યાવરણ અને માણસ બન્નેનાં જીવ લઇ રહી છે. ત્યાં પહોંચી જનારાઓ વાતાવરણ પ્રત્યે લગીરેક સંવેદના નથી ધરાવતા. આ વર્ષે નેપાળી સરકારે જ્યારે એવરેસ્ટનું સ્વચ્છતા અભિયાન પૂરું કર્યું ત્યારે તેમણે દાયકાઓથી એવરેસ્ટની ટોચ પર ભેગો થયેલો કચરો દૂર કર્યો અને આ કચરાનું વજન ૧૧ ટન થયું. એવરેસ્ટની ટોચ પર જવામાં રહેલો રોમાંચ હવે ડેસ્ટિનેશન પર પાડેલી સેલ્ફીઓ પૂરતો સિમિત થઇ રહ્યો હોય એવું લાગે છે. જેમલિંગે પોતાની વાતમાં ખેદ વ્યક્ત કર્યો છે કે સાચા પર્વતારોહકો ઘટી રહ્યાં છે કારણ કે એવાં લોકો સુદ્ધાં એવરેસ્ટ ‘સર’ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે જે ઊંચાઇ પર હિટરની માંગણી સુદ્ધાં કરે છે. આ જ દર્શાવે છે કે એવરેસ્ટ ‘સર’ કરવો સાહસનો સંતોષ નહીં પણ દેખાડાની હોડ બની ચૂકેલી બાબત છે.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જૂન 2019

Loading

...102030...2,7742,7752,7762,777...2,7802,7902,800...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved