Opinion Magazine
Number of visits: 9664534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાળકને ‘બેટા’ કહેવાની સજા હત્યા?

રમેશ સવાણી|Opinion - Opinion|24 May 2025

રમેશ સવાણી

નાની એવી બાબતમાં દલિતની હત્યા કરવી એટલે જાણે કોઈ જંતુને પગ તળે કચડી નાખવું ! આ સ્થિતિ સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રમાં જેવી સામંતશાહી માનસિકતા છે એટલી દક્ષિણ ગુજરાતમાં નથી. ભૂતકાળમાં, 1989માં, ઉત્તર ગુજરાતના સાંબરડામાંથી ગઢવીઓના ત્રાસથી દલિતોએ હિજરત કરી હતી. 

15 મે 2025ના રોજ, અમરેલીના સાવરકુંડલા રોડ પર ઝાખરિયા ગામે એક દુકાન પર એક બાળક ચીજવસ્તુ વેચતો હતો. ત્યાં એક દલિત યુવક નરેશ રાઠોડ નમકીન લેવા ગયો. નમકીનનું પેકેટ ઉપર હતું જ્યાં બાળકનો હાથ પહોંચતો ન હતો. એટલે નરેશે કહ્યું કે “બેટા, રહેવા દે. હું નમકીનનું પેકેટ લઈ લઉં છું !” દરમિયાન બાળકના પિતા ચોથાભાઈ ભરવાડ આવતા “મારા છોકરાને બેટા કેમ કીધો?” તેમ કહીને ઝઘડો કર્યો. નરેશ સાથે બીજા ત્રણ દલિત યુવકો હતા તેમણે પણ નાની વાતમાં ઝઘડો ન કરવા કહ્યું. દરમિયાન ચોથાભાઈએ ફોન કરી બીજાને બોલાવ્યા, તેમણે લાકડી, કુહાડીથી ચારેય દલિત યુવકોને ઢોરમાર માર્યો. નિલેશભાઈને માથાના પાછલા ભાગે કુહાડીનો ઘા માર્યો. 

નિલેશભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થતા પ્રથમ અમરેલી હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 22 મે 2025ના રોજ તેણે દમ તોડ્યો હતો અને મારામારી હત્યામાં પરિણમી હતી.

અમરેલી રૂરલ પોલીસે આરોપી ચોથાભાઈ ભરવાડ, વિજયભાઈ ટોટા, ભાવેશભાઈ મુંધવા, જતીનભાઈ મુંધવા સહિત 15 સામે BNS કલમ-103 (હત્યા) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી પાંચ આરોપીને એરેસ્ટ કરેલ છે. 

‘જૂથબળ’ની એક ઘટના 15 મે 2025ના રોજ સુરત બારડોલી રોડ પર પલસાણા તાલુકાના કારેલી ગામમાં બની હતી. ગ્રામપંચાયતના આદિવાસી સભ્ય હસમુખભાઈ ઢોડિયાએ રહેણાંક વિસ્તારમાં ટ્રેક્ટર થોડું ધીમે ચલાવવા માલધારી યુવકને કહ્યું. ત્યાં તો માલધારીઓનું આખું ટોળું આવી ગયું. અને હસમુખભાઈને એમના ઘરના લોકોની નજર સામે ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દીધા. નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં પોલીસ પણ કંઈ ન કરી શકી. ગામની મહિલા સંરપચે આક્રમક બની લાખોના ખર્ચે બનેલા RCC રોડ પરનું દબાણ દૂર કરાવ્યું. આરોપીઓ પકડાય અને હસમુખભાઈના પરિવારને ન્યાય મળે તે માટે વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણા પર બેસવું પડ્યું હતું. ‘જૂથબળ’ને કાયદાથી નિયંત્રિત કરવું પડે અને તે સરકાર જ કરી શકે. પરંતુ સરકાર પણ ગરીબોને માણસ ગણતી નથી ! 

આ નિલેશભાઈને ખબર ન હતી કે માનવીય સંવેદના વ્યક્ત કરવાની પણ તેમને છૂટ નથી, કેમ કે દલિતોને; ઉપલા વર્ણના / OBC વર્ગના લોકો માણસ ગણતા જ નથી ! આ કરુણ અને શરમજનક ઘટના સૂચવે છે કે સૌરાષ્ટ્રમાં ઉપલા વર્ણમાં અને OBC જ્ઞાતિઓમાં; દલિતો પ્રત્યે કેટલી નફરત છે? વિચારજો : નાના બાળકને ‘બેટા’ કહેવાની સજા નિલેશભાઈ રાઠોડને મળી; તેની જગ્યાએ ઉપલા વર્ણની કોઈ વ્યક્તિએ ‘બેટા’ શબ્દનો પ્રયોગ કર્યો હોત તો તેના માથામાં ચોથાભાઈ ભરવાડે કુહાડી મારી હોત?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈઝરાયલના વિપક્ષી નેતા ગોલાન દેશદ્રોહી કહેવાય? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|24 May 2025

યાઇર ગોલાન

ઈઝરાયલ અને ગાઝા પટ્ટીના હમાસ વચ્ચેનું યુદ્ધ આશરે પોણા બે વર્ષથી ચાલે છે અને તેમાં ગાઝા પક્ષે ૬૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં હોવાનું કહેવાય છે. નાનામોટા યુદ્ધવિરામ થયા છતાં યુદ્ધ ચાલુ રહ્યું છે. 

તેવા સમયે ઇઝરાયલના વિપક્ષી નેતા યાઇર ગોલાન દ્વારા એક જબરદસ્ત નિવેદન હમણાં જ યુદ્ધમાં ગાઝામાં બાળકોનાં થઈ રહેલાં મોતના સંદર્ભમાં અપાયું છે. તેમણે દેશના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની સરકાર પર આરોપ મૂકતાં એમ કહ્યું કે ઈઝરાયલ ગાઝામાં બાળકોને “એક શોખ” તરીકે મારી રહ્યું છે. તેમણે રેશેટ બેટ રેડિયોને હમણાં એમ કહ્યું કે, “કોઈ શાણું રાષ્ટ્ર નાગરિકો સામે લડે નહીં, બાળકોને એક શોખ તરીકે મારે નહીં અને વસ્તીને હાંકી કાઢવાનું લક્ષ્યાંક રાખે નહીં.”

એમણે અહીં પોતાના નિવેદનમાં “ઇઝરાયલ” કહ્યું છે, “નેતન્યાહૂ સરકાર” નહીં. એટલે કે આખા ઈઝરાયલ નામના દેશની, એટલે કે, ઈઝરાયલના તમામ લોકોની તેમણે ટીકા કરી! 

આ ઈઝરાયલના વિપક્ષી નેતા દ્વારા સરકારની ચાલુ યુદ્ધે ભાગ્યે જ કરવામાં આવેલી સખતમાં સખત ટીકા કહેવાય. નેતન્યાહૂની સરકારને બાળકોને મારી નાખવાનો જાણે કે “શોખ” છે એવા મતલબનું વિધાન તેમણે કર્યું કહેવાય! 

સામે નેતાન્યાહૂએ તેનો જવાબ રાબેતા મુજબ આવી રીતે આપ્યો : “આપણા હિરો, આપણા સૈનિકો પોતાની જિંદગી જોખમમાં મૂકીને ઇઝરાયલનું રક્ષણ કરી રહ્યા છે અને ગોલાન તેમના પર યુદ્ધના ગુનાનો આરોપ મૂકે છે.”

નોંધનીય બાબત એ છે કે ઇઝરાયલના વડા પ્રધાને તેમને અર્બન નક્સલ કે દેશદ્રોહી કહીને નવાજ્યા નહીં. યાઈર ગોલાન જુદા જુદા રાજકીય પક્ષોના નેતા અને ઈઝરાયલની સંસદના સભ્ય રહી ચૂક્યા છે એટલું જ નહીં પણ ઈઝરાયલના અનામત લશ્કરના મેજર જનરલ પણ છે. તેમને ચાલી રહેલા યુદ્ધ વિશે જે અંગત રીતે લાગ્યું તે કહ્યું. તે કદાચ તેમના પક્ષનું મંતવ્ય ન પણ હોય. સત્તાધારી પક્ષે પણ તેમને દેશદ્રોહી કહ્યું હોવાનું હજુ સુધી જાણમાં આવ્યું નથી. 

બેન્જામિન નેતાન્યાહૂએ પણ પોતાના જવાબમાં ગોલાનને દેશદ્રોહી તો નથી જ કહ્યા. સરકારની કે સરકાર જે યુદ્ધ કરે છે તેની ટીકા કરવાનો સૌ નાગરિકોને અને રાજકીય નેતાઓને માનવ અધિકાર કોઈ પણ લોકશાહી દેશમાં હોય જ એટલું ઇઝરાયલના નેતાઓ અને નાગરિકો સમજતા હોય એમ લાગે છે. 

જો એવો અધિકાર ન હોય એવો રાજકીય સ્વભાવ ઊભો થતો જતો હોય તો તો એમ સમજવું પડે કે લોકશાહીમાં ઊણપ ઊભી થઈ રહી છે, અથવા એમ કહેવાય કે લોકશાહી નામશેષ થઈ ગઈ છે. વર્તમાન સરકારની ટીકા એ દેશની દેશદ્રોહ કક્ષાની ટીકા થઈ જતી નથી, એમ સમજવાની સામાન્ય બુદ્ધિ, એટલે કે કોમન સેન્સ, નાગરિકો અને રાજકીય નેતાઓમાં હોવી લોકશાહીમાં આવશ્યક ગણાય.

સરકારની પ્રશંસા કે નેતાની ભક્તિ એ જ દેશપ્રેમ છે એવું સમજીએ તો એ ખરો દેશદ્રોહ કહેવાય. 

તા.૨૩-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઓપરેશન સિંદૂર પછીના ખતરનાક આંતરિક આફ્ટરશૉક્સ 

નેહા શાહ|Opinion - Opinion|23 May 2025

નેહા શાહ

કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ ઓપરેશન સિંદૂરના ચહેરા બનીને ઉભર્યાં, જ્યારે યુદ્ધના ચાર દિવસ દરમ્યાન તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ભારતનો પક્ષ રજૂ કર્યો. એક હિંદુ અને એક મુસલમાન મહિલા અધિકારી જોડે સ્ટેજ પર આવીને દેશ અને દુનિયાને એક સ્પષ્ટ સંદેશો આપ્યો કે આપત્તિના સમયે ભારતનો દરેક નાગરિક એક બીજા સાથે ખભેખભા મેળવીને ઊભો છે. આઝાદીના સમયે ‘ભારત’ની જે કલ્પના આપણા પૂર્વજોએ કરી હતી એની જ એક છબી આપણી સામે રજૂ થઇ, જે માટે ગૌરવની લાગણી થઇ. 

યુદ્ધ વિરામ જાહેર થયું નથી અને ‘વૈવિધ્યમાં એકતા’ અને ‘નારી શક્તિ’ની જે છબી ઓપરેશન સિંદૂર દરમ્યાન ઊભી થઇ હતી એને તોડતી હરકતો શરૂ થઇ ગઈ! મધ્ય પ્રદેશના ભા.જ.પ.ના વિધાયક વિજય શાહ એક જાહેર કાર્યક્રમમાં કર્નલ સોફિયા કુરેશીને ‘આતંકવાદીની બહેન’ કહી બેઠા! વિધાયકશ્રીની ટીપ્પણી એ ભારતીય સેનાના એક સન્માનીય અધિકારીની ઓળખ એક ઝાટકે એમની ધાર્મિક ઓળખ પૂરતી સીમિત કરી દીધી! ભાષાના અણછાજતા પ્રયોગમાં  લૈંગિક દ્વેષ તો હતો જ. આ અંગે વિવાદ ઊભો થયો અને મધ્ય પ્રદેશ હાઇકોર્ટે આ વાતની નોંધ લઈને પોલીસને એમની સામે પગલાં લેવા આદેશ કર્યો, ત્યારે એમની સામે એફ.આઈ.આર. દાખલ થઇ. સુપ્રીમ કોર્ટે પણ ટીપ્પણી કરી અને વિજય શાહની માફીનો સ્વીકાર કર્યો નહિ. હાલમાં કોર્ટના આદેશથી ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની સ્થાપના થઇ છે. અહીં નોંધવા જેવો મુદ્દો એ છે કે જે પણ કાંઈ પગલાં લેવાયાં એ કોર્ટના આદેશથી લેવાયાં – સરકાર દ્વારા તેમના વિધાયક સામે કે ભા.જ.પ. દ્વારા પક્ષના સભ્ય સામે શિસ્તના કોઈ પગલાં લેવાયાં નથી, કે નથી એમની પાસે કોઈ સ્પષ્ટતાની માંગણી કરવામાં આવી. મહિલા આયોગે પણ માત્ર મહિલા અધિકારી વિરુદ્ધની ટિપ્પણી સામે ખેદ વ્યક્ત કર્યો. વિજય શાહ અત્યારે પોતાની પેરવી માટેના પ્રયત્નોમાં મુક્ત પણે પ્રયત્નો કરી રહ્યા છે.  

બીજા કેસમાં પોલીસ અને ન્યાયતંત્રએ ગજબની સ્ફૂર્તિ બતાવી. અશોકા યુનિવર્સિટીના પ્રાધ્યાપકની ફેસબૂક પર ઓપરેશન સિંદૂર અંગે લખાયેલી એક બૌદ્ધિક, અને વિચક્ષણ પોસ્ટ જેનો સાર હતો કે – “ભારતે પહેલી વાર પાકિસ્તાનની સરકાર અને આતંકવાદ બંને વચ્ચેનો ભેદ વ્યૂહાત્મક રીતે તોડી પાડ્યો એટલે હવે પાકિસ્તાન આતંકની પાછળ છુપાઈ નહિ શકે …. કર્નલ સોફિયા કુરેશીને જમણેરી વિચારધારા વાળા પણ બિરદાવી રહ્યાં છે એ જોઇને આનંદ થાય છે, પણ તેમણે નફરતની રાજનીતિને કારણે થતા મોબ લીન્ચિંગ અને બુલડોઝર જસ્ટિસની સામે પણ બોલવું પડશે. નહીંતર, બે મહિલા અધિકારીઓએ ઊભી કરેલી ભારતની છબી એક દંભ બનીને રહી જશે.” આ પોસ્ટની સામે બે ફરિયાદ થઇ. એક સોનીપાત જિલ્લાના જથેરી ગામના સરપંચ અને ભા.જ.પ.ના યુવા મોરચાના સભ્ય યોગેશ જથેરીએ કરી, જેમને આ લખાણ  કોમી સંવાદિતાને જોખમમાં મૂકી, વૈમનસ્ય પેદા કરનારું અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વને જોખમમાં મુકનાર  કૃત્ય લાગ્યું. બીજી ફરિયાદ હરિયાણા રાજ્યના મહિલા આયોગનાં અધ્યક્ષ રેણુ ભાટિયાએ કરી, જેમને આ લખાણમાં થયેલ મહિલા અધિકારીની છબીનો ઉલ્લેખ મહિલાના શીલના અપમાન સમાન લાગ્યો! બંને ફરિયાદના પગલે એફ.આઈ.આર. નોંધાઈ, ધરપકડ થઇ અને આ લખાઈ રહ્યું છે, ત્યારે સોનેપત જિલ્લા અદાલતે એમને ૨૭ મે સુધી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાના હુકમ પણ આપી દીધા! પ્રાધ્યાપકનું નામ છે અલી ખાન મહમૂદાબાદ, જે અશોકા યુનિવર્સિટીના રાજ્ય શાસ્ત્ર વિભાગના વડા છે. તેઓ મુક્ત વિચારસરણી માટે, પ્રેમ અને શાંતિની વાત માટે અને યુદ્ધ વિરોધી પોતાના મંતવ્ય માટે જાણીતા છે. તેમના વિદ્યાર્થીઓ અને સહ-પ્રાધ્યાપકો તેમના ટેકામાં જાહેરમાં આવ્યા છે, અને તેમને પોલીસની હેરાનગતિથી બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. એમની એ પોસ્ટ હજુ ફેસબૂક પર છે. દરેક વાચકને એ વાંચવા માટે વિનંતી છે જેથી તમે જાતે નક્કી કરી શકો એ એમાં વાંધાજનક કશું છે કે નહિ. ઓપરેશન સિંદૂર અંગેનું નાનકડું અને સચોટ વિશ્લેષણ છે. એની સાથે સંમત થવું કે નહિ એ વ્યક્તિગત અભિપ્રાય છે, પણ એમના લખાણમાં લેશમાત્ર રાષ્ટ્ર વિરોધી કે  સ્ત્રી વિરોધી સુર નથી. કે નથી સરકાર વિરોધી કોઈ ટીપ્પણી. ભાષા પણ અટપટી નથી કે જેને કારણે ગેરસમજ ઊભી થાય. તેમ છતાં એમની વિરુદ્ધ રાષ્ટ્ર દ્રોહના તેમ જ મહિલાનું અપમાન કરવાના આરોપ છે! જો પ્રો. મહમૂદાબાદની ટીપ્પણી દેશદ્રોહ ગણાય તો પોતાનો આગવો અભિપ્રાય ધરાવનાર દરેક ભારતીય નાગરિકને દેશદ્રોહી ગણાવી શકવાની શક્યતા છે! 

હરિયાણા મહિલા આયોગે મહિલા અધિકારીને જાણે પવિત્ર દરજ્જો આપી કોઈ પણ જાહેર ચર્ચામાં એનો ઉલ્લેખ માત્ર જાણે વર્જિત ગણી લીધો. લઘુમતી કોમના બૌદ્ધિકો સામે નિશાન સાધવાનો અભિગમ લઘુમતી વિરોધી તો છે જ પણ સાથે સાથે લોકશાહી વિરોધી અને મહિલા વિરોધી પણ છે. પહેલગામ ત્રાસદી વિરુદ્ધ ભારતની લઘુમતી કોમમાંથી અવાજ ઉઠ્યો છે. આ સમય છે લઘુમતી કોમના ઉદારમત વાદીઓને બોલવા દઈ એમને સાંભળવાનો. નહિ કે એમને કારણ વગર રંજાડવાનો. એ સૂરને દાબી દઈશું તો ધાર્મિક કટ્ટરવાદ સામે વૈકલ્પિક વિચાર ક્યાંથી ઊગશે?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...276277278279...290300310...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved