Opinion Magazine
Number of visits: 9685001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 5

દીપક મહેતા|Opinion - Opinion|11 August 2019

 

સનકાદિક નારદ સ્તુતિ કરતા
તે ભાષા તાવ આદ્ય તરુ,
વાગીશ્વર વાણી રચતા, કર
બાજે ડમ ડમ ડમ ડમરુ.

ભૈરવનાથ સદાશિવ શંકર
મહંત સદ્ગુરુ આદ્ય સ્મરું,
મંદિર જેનું દિગંત નિરંતર
બાજે ડમ ડમ ડમ ડમરુ.

નિનુભાઈ મઝુમદારે રચેલી શિવ સ્તુતિના શબ્દો આજે કેમ એકાએક યાદ આવી ગયા? ના. એકાએક યાદ નથી આવ્યા. ગયે અઠવાડિયે આપણે બાણગંગાના ઐતિહાસિક તળાવની મુલાકાત લીધેલી. એ તળાવ પાસે જઈએ અને તેની સાવ નજીક આવેલા વાલકેશ્વરના મંદિરની મુલાકાત ન લઈએ એવું બને? અને એમાં પાછો ચાલી રહ્યો છે પવિત્ર શ્રાવણ મહિનો. શ્રાવણમાં શિવદર્શનનો મહિમા અનેરો છે. તો જઈએ વાલકેશ્વર.

ગયે અઠવાડિયે જેની વાત કરી હતી તે બાણગંગાના તળાવની નજીક આવેલું છે આ મંદિર. દંતકથા તો આ મંદિરને શ્રી રામ સાથે જોડે છે. રાવણ સીતાનું હરણ કરી ગયો તે પછી તેમને છોડાવવા રામ અને લક્ષ્મણ લંકા જવા નીકળી પડ્યા. રસ્તામાં મુંબઈ નજીકની એક ટેકરી (આજનું મલબાર હિલ) પર રોકાયા. થોડે દૂર, દરિયા કિનારે કેટલાક ઋષિઓ તપ કરી રહ્યા હતા. તેમને રામના આગમનના સમાચાર મળ્યા. એટલે તે બધા રામનાં દર્શન કરવા ગયા. આ ઋષિઓમાંના એક હતા મહર્ષિ ગૌતમ, સપ્તર્ષીઓમાંના એક ઋષિ. પણ બધા ઋષિઓએ જઈને જોયું તો શ્રી રામ તો ઉદાસ થઈને બેઠા હતા. ઋષિઓએ તેમની ઉદાસીનું કારણ પૂછ્યું. રામે તેમને સીતાહરણની વાત જણાવી, અને પૂછ્યું: હે મહાન ઋષિઓ, મારે સીતાજીને પાછાં મેળવવાં હોય, કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ તે કૃપા કરી જણાવો. પોતાના ધારેલા કામમાં સફળતા મેળવવી હોય તો શિવની ઉપાસના કરવાની સલાહ ઋષિઓએ આપી. ગૌતમ ઋષિએ કહ્યું કે લક્ષ્મણજીને શિવલિંગ લાવવા કાશી મોકલો. અને પછી એ શિવલિંગની પંચામૃત પૂજા કરો. તેથી શિવલિંગ લાવવા રામે લક્ષ્મણને મોકલ્યા. પછી ગૌતમ ઋષિએ વિદાય માટે રામની અનુજ્ઞા માગી. પણ રામ કહે કે ના, હમણાં નહિ, લક્ષ્મણ લિંગ લાવે પછી પૂજા કરાવીને જ આપ સિધાવજો. કારણ આપના કરતાં વધુ સારી રીતે આવી પૂજા બીજું કોણ કરાવી શકે?  પણ ગૌતમ ઋષિ કહે કે લક્ષ્મણને પાછા આવતાં તો  વાર લાગશે. ત્યાં સુધી હું રોકાઈ શકું એમ નથી. તમે એક કામ કરો. અહીંની વાલુકા (રેતી) પવિત્ર છે. તમારે હાથે એ વાલુકાનું શિવલિંગ બનાવી તેની પૂજા કરો. રામે ઋષિ આજ્ઞા પ્રમાણે કર્યું. ગૌતમ ઋષિ અને બીજા ઋષિઓની મદદથી રામે એ લિંગમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. કહે છે કે આ પૂજાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને રામ સામે પ્રગટ થયા અને આશીર્વાદ આપતાં કહ્યું કે બહુ જલદી તમારા કામમાં તમને સફળતા મળશે. થોડા વખત પછી લક્ષ્મણ પણ કાશીથી  લિંગ લઈને આવી પહોંચ્યા.

પછીથી એ જગ્યાએ જે મંદિર બંધાયું તે વાલકેશ્વરનું મંદિર. મૂળ મંદિર ઈ.સ. ૧૧૨૭માં ગૌડ સારસ્વત બ્રાહ્મણ લક્ષ્મણ પ્રભુએ બંધાવેલું એમ મનાય છે. એ વખતે મુંબઈ અને તેની આસપાસના પ્રદેશ પર શીલાહાર વંશના રાજાઓની આણ પ્રવર્તતી હતી. શીલાહાર રાજાના દરબારમાંના એક મંત્રી તે આ લક્ષ્મણ પ્રભુ. પણ કાળક્રમે મુંબઈ પર પોર્ટુગીઝ શાસકોની આણ ફરી વળી. કહે છે કે એ વખતે મૂળ વાલુકાનું લિંગ જાતે દરિયામાં કૂદી પડ્યું જેથી પોર્ટુગીઝો તેને ભ્રષ્ટ ન કરે. આજે જ્યાં રાજભવન આવેલું છે તેની નજીક એ જગ્યા આવેલી હતી એમ કહેવાય છે. કેટલાક માછીમારો તો આ ચોક્કસ જગ્યાની પોતાને જાણ હોવાનો દાવો કરે છે. દર વર્ષે મહાશિવરાત્રિને દિવસે એ લોકો ત્યાં જઈ પોતાના રિવાજ પ્રમાણે પૂજા કરે છે. જે બીક હતી તે સાચી પડી. પોર્ટુગીઝ લોકોએ મુંબઈનાં ઘણાં પ્રાચીન ધર્મસ્થળોનો નાશ કર્યો. તેમાનું એક તે વાલકેશ્વરનું મંદિર. પછી પોર્ટુગીઝ શાસન ગયું, અને અંગ્રેજોની હકુમત આવી. પણ સ્થાનિક ધર્મોની બાબતમાં પોર્ટુગીઝો કરતાં અંગ્રેજ થોડા ઉદાર. તેમના સમયમાં ઈ.સ. ૧૭૧૧માં વાલકેશ્વરનું મંદિર રામજી કામાઠીએ ફરી બંધાવ્યું. એ મંદિર પથ્થરનું બનેલું હતું. તેમાં બારીક કોતરણી કરવામાં આવી હતી. ઉપર ગોળ ઘુમ્મટ હતો અને લાલ નળિયાવાળું છાપરું હતું. પણ ૧૯૫૦ના અરસામાં તેની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટનું હાલનું મંદિર બંધાયું. આજના મંદિરમાં ૫૦ x ૨૫ ફૂટનો સભામંડપ આવેલો છે. તેનું ગર્ભગૃહ ૨૪ x ૨૪ ફૂટનું છે. ફરસ પર આરસની લાદીઓ જડેલી છે. મંદિરના પ્રવેશદ્વારની સામે પથ્થરનો નંદી બિરાજે છે. ગર્ભદ્વાર ચાંદીના પતરાંથી મઢેલું છે. અ દ્વાર તથા ફરસ પરની આરસની લાદીઓ વસનજી દેવજી ભાટિયા નામના એક શ્રીમંત વેપારીએ ભેટ આપ્યાં હતાં. ગભારામાંનું શિવલિંગ લગભગ પોણો ફૂટ ઊંચું છે. રેતીની ગુણીઓ એક ઉપર એક ગોઠવી હોય તેવો ભાસ તેને જોતાં થાય છે.

વાલકેશ્વરનું મંદિર અને બાણગંગા

આ મંદિર સાથે બીજી એક દંતકથા પણ સંકળાયેલી છે. તેનું બંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન એક મજૂરનું ધ્યાન ગયું કે એક જગ્યાએ જમીનમાંથી લોહી નીકળી રહ્યું છે. એ જગ્યાએ વધુ ખોદકામ કરતાં અંદરથી શિવલિંગ નીકળી આવ્યું. એ લિંગની પછીથી મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદિરના શિવલિંગ પાસે ગણેશજીની આરસની પ્રતિમા છે જેની ઊંચાઈ લગભગ દોઢ ફૂટ છે. મૂર્તિને માથે મુગટ છે. ઈ.સ. ૧૯૦૦માં પ્રગટ થયેલા અંગ્રેજી પુસ્તક ‘ધ હિંદુ ટેમ્પલ્સ ઓફ બોમ્બે’માં કે. રઘુનાથજી નોંધે છે કે દર વર્ષે આખા શ્રાવણ મહિના દરમ્યાન મંદિરમાં ઉત્સવનું વાતાવરણ હોય છે. કાર્તકી પૂનમને દિવસે અને મહાશિવરાત્રીને દિવસે અહીં મેળો ભરાય છે. ઢોલ-નગારાં સાથે ઠાઠમાઠથી પાલખી નીકળે છે. અલબત્ત, આજે આ બધું ઓછું થઇ ગયું છે. પણ હજીએ શ્રાવણ મહિના દરમ્યાન અહીં દર્શન કરવા આવનારાઓની સંખ્યામાં ઘણો મોટો વધારો થાય છે.

બાબુલનાથનું મંદિર

વાલ્કેશ્વર મંદિરમાં શિવજીનાં દર્શન કરી મલબાર ટેકરીનો ઢાળ ઊતરીને નીચી આવીએ એટલે આવે બાબુલનાથનું મંદિર. આ મંદિર એક નાનકડી ટેકરી પર આવેલું છે એટલે પહેલાં પગથિયાં ચડીને ઉપર જવું પડતું. પણ હવે ઉપર જવા માટે લિફ્ટની સગવડ થઇ છે. મુંબઈનાં જૂનાં મંદિરોમાંનું આ એક છે. કહે છે કે રાજા બિમ્બદેવ કે ભીમદેવે ૧૨મી સદીમાં મૂળ મંદિર બંધાવેલું. પણ પછી વખત જતાં એ મંદિર દટાઈ ગયું અને તેથી ભૂલાઈ ગયું. ઈ.સ. ૧૭૦૦ અને ૧૭૮૦ની વચ્ચે અસલની મૂર્તિઓ ફરી મળી આવી હતી અને ૧૭૮૦માં નવું મંદિર બંધાયું હતું. મળી આવેલી મૂર્તિઓમાં મૂળ શિવલિંગ ઉપરાંત ગણેશ, હનુમાન, પાર્વતીની મૂર્તિઓનો સમાવેશ થતો હતો. આ ચારેની સ્થાપના મંદિરમાં કરવામાં આવી છે. પણ આ  ચાર ઉપરાંત પાંચમી મૂર્તિ પણ મળી આવી હતી, પણ તે ભગ્નાવસ્થામાં હતી. અને ભગ્ન મૂર્તિની પ્રતિષ્ઠા કરાય નહિ એટલે તેને દરિયામાં પધરાવી દીધી હતી. આ મંદિર બંધાયું ત્યારે એ જગ્યા પારસીઓના તાબામાં હતી. અને તેમણે મંદિરનો વિરોધ કર્યો હતો. છેવટે ૧૮૦૬માં આ મામલો અદાલતમાં ગયો હતો. વડોદરાના મલ્હારરાવ ગાયકવાડ (જેઓ વાલકેશ્વર વિસ્તારમાં રહેતા હતા) અને બીજા કેટલાકે મુંબઈની રેકોર્ડર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. (૧૭૯૮માં સ્થપાયેલી આ રેકોર્ડર કોર્ટ તે આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી કોર્ટ) આ દાવાનો ચુકાદો ૧૮૦૮ના ઓગસ્ટની બીજી તારીખે મંદિરની તરફેણમાં આવ્યો હતો. તે અંગેની ટૂંકી નોંધ આરસ પર કોતરાવીને મંદિરની ભીંત પર મૂકવામાં આવી છે. આ ચુકાદા પછી મંદિરની લોકપ્રિયતા સતત વધતી રહી. નવું મંદિર બંધાવવા માટે ફંડફાળો એકઠો કરવામાં આવ્યો. લાખો રૂપિયા ફાળામાં મળ્યા. ૧૮૩૬માં મંદિરનો વિસ્તાર કરવાનું કામ શરૂ થયું. અને ૧૮૪૦માં નવું ભવ્ય મંદિર તૈયાર થયું. પણ ૧૮૮૦માં ફરી મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો. તે વખતના બાહોશ વકીલ ભાઈશંકર નાનાભાઈએ પુષ્કળ મહેનત અને મદદ કરી. ૧૮૮૩ના ઓક્ટોબરની ૮મી તારીખે આવેલા ચુકાદા પ્રમાણે આ જગ્યા અને તેના પરનું મંદિર ખાનગી માલિકીનાં નહિ પણ સાર્વજનિક ઉપયોગ માટેનાં છે એમ ઠરાવવામાં આવ્યું અને તેના સંચાલન માટે ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા. તેમનાં નામ: વલ્લભદાસ વાલજી, મૂળજી જેઠાવાળા, ચતુર્ભુજ મોરારજી, દામોદર તાપીદાસ, રાજારામ બાલમુકુન્દદાસ, અને ભટ્ટ વાલજી જીવરાજ. ત્યારથી આ મંદિરનું સંચાલન વખતોવખત નીમાતું ટ્રસ્ટીમંડળ કરે છે. બાબુલનાથ મંદિર વિષે બીજી લોકવાયકા પણ પ્રચલિત છે. પણ બીજાં ઘણા મંદિરો માટે પણ લગભગ તેવી જ લોકવાયકા જોવા મળે છે એટલે એ વિષે વાત નહિ કરીએ.

બાણગંગા તળાવ, વાલકેશ્વરનું મંદિર અને બાબુલનાથનું મંદિર, આ ત્રણે સાથે મલબાર હિલનું નામ સંકળાયેલું છે. આ ટેકરીને આ નામ કોણે અને ક્યારે આપ્યું તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. પણ મોટે ભાગે અંગ્રેજોએ આ નામ આપ્યું હતું. મલબાર કિનારાના ખલાસીઓ અને ચાંચિયાઓ અવારનવાર આ ટેકરીની મુલાકાતે આવતા હતા એટલે તેમણે એવું નામ આપ્યું હશે.

જોન ફ્રાયર અને તેનું પુસ્તક

ઈ.સ ૧૬૬૮માં જોન ફ્રાયર નામનો એક મુસાફર હિન્દુસ્તાન આવ્યો હતો અને તેણે ૧૬૭૩માં મલબાર હિલની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમ્યાન લખેલા પત્રો પછીથી પુસ્તક રૂપે પ્રગટ થયા હતા. ‘અ ન્યૂ એકાઉન્ટ ઓફ ઇસ્ટ ઇન્ડિયા એન્ડ પર્શિયા’ નામે ઈ.સ. ૧૬૯૮માં પ્રગટ થયેલા આ પુસ્તકમાં આપણને પહેલી વાર મલબાર હિલનું ટૂંકુ વર્ણન મળે છે. ફ્રાયર કહે છે કે આ ટેકરી ખડકાળ અને ઝાડઝાંખરાથી ભરેલી છે. વાલકેશ્વરના મંદિર અને બાણગંગાના તળાવના ખંડિયેર પોતે જોયા હોવાનો ઉલ્લેખ પણ તેણે કર્યો છે. જોન ફ્રાયરનો જન્મ આશરે ૧૬૫૦માં. ૧૬૬૪માં તે મેટ્રિક થયો હતો તેના પરથી તેની આ જન્મ સાલનું અનુમાન કરવામાં આવે છે. વ્યવસાયે ડોક્ટર. ૧૬૭૨માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ‘સર્જન’ તરીકે તેની નિમણૂક થઇ. ૧૬૭૩ના જૂનની ૨૬મી તારીખે તે મછલીપટ્ટમ પહોંચ્યો. ત્યાંથી મદ્રાસ (હાલનું ચેન્નાઈ) થઈને તે મુંબઈ પહોંચ્યો. આઠ વર્ષ હિન્દુસ્તાનમાં રહ્યા પછી ૧૬૮૨ના ઓગસ્ટમાં તે સ્વદેશ પાછો ફર્યો. તેનું અવસાન ૧૭૩૩ના માર્ચની ૩૧મી તારીખે લંડનમાં તેના ઘરે થયું. આજે સત્તા અને ધનનું કેન્દ્ર ગણાતો મલબાર હિલનો વિસ્તાર ૧૯મી સદીની પહેલી પચ્ચીસી સુધી તદ્દન ઉજ્જડ, વસ્તી વગરનો હતો. માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન (૧૭૯૭-૧૮૫૯) ૧૮૧૯માં મુંબઈના ગવર્નર બન્યા અને તેમણે મલબાર હિલ પર પહેલવહેલો બંગલો બંધાવ્યો. ત્યારથી મલબાર હિલના વિકાસે પાછું વાળીને જોયું નથી.

મલબાર હિલ પરથી મુંબઈ – ૧૯મી સદીનું દૃશ્ય

અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે ૧૮૬૩ના જૂન મહિનાની ૨૮મી તારીખે મલબાર હિલની મુલાકાત લીધી હતી અને એ ટેકરી (જેને તે મલબાર હિલ નહિ, પણ ચોપાટીની ટેકરી કહે છે) પરથી જે દેખાવ જોયો હતો તેનું વર્ણન કરતું કાવ્ય લખ્યું હતું. એ કાવ્યની થોડીક પંક્તિઓ જોઈએ:

ચડીને ઊંચે બેસતાં, વદતાં મોઢે હાસ,
પામ્યો હું આનંદ બહુ, જોતાં ચારે પાસ.
ખાડીના ઘોડા સહુ, ઘુઘુઘૂ કરતા જેહ,
એકેક પાછળ ચાલતા, લાંબી હારે તેહ.
વાદળથી ઢંકાયલું ઝાંખું બહુ આકાશ,
ઠંડો વાયુ આવતો, જરા જરા લઇ વાસ.
ધોળો કાંઠો વાંકડો, કોટ કુલાબો ઠેઠ,
ઇમારતો પથ્થર ચૂને શોભે છે સહુ શ્રેષ્ઠ. 
ડાબી પાસ દૂર જાઉં તો, ખીચોખીચ દેખાય,
તાડ ખજૂરી મ્હાડ ને, ઝાડ બીજાં સોહાય.
પાસે નીચે જોઉં તો, ચાર તણો શો બ્હાર,
વિધવિધ લીલા રંગની, શોભાનો નહિ પાર. 

એવી જ વિધવિધ અને બહુરંગી શોભા છે આ મુંબઈ નગરીની પણ. એના એક નવા રંગ વિષે હવે પછી વાત.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 ઑગસ્ટ 2019

Loading

નાનાભાઈનાં મોટાં કામ

દીપક મહેતા|Opinion - Opinion|11 August 2019

કાળચક્રની ફેરીએ

શિયાળાની એક સાંજ, ઈ.સ. ૧૮૫૧ના વર્ષની. મુંબઈના કોટ વિસ્તારમાં આવેલી પારસી છોકરીઓ માટેની નિશાળનો ૧૯ વર્ષની ઉંમરનો એક પારસી શિક્ષક. સાંજે નોકરીએથી છૂટીને ચાલતો ઘરે જઈ રહ્યો છે. ધોબી તળાવ પાસે રસ્તાને કિનારે એક મુસલમાન ફેરિયો બેઠો છે. ચોપડીઓ વેચી રહ્યો છે. યુવાન ઊભો રહી જાય છે. વાંકો વળી એક ચોપડી ઉપાડે છે. એનું નામ છે મોલ્સવર્થ અને કેન્ડી કૃત અંગ્રેજી-મરાઠી શબ્દકોશ. યુવાન ભાવ પૂછે છે. ફેરિયો: ત્રણ રૂપિયા. યુવાન નિસાસો મૂકે છે. છોકરીઓ માટેની નિશાળમાં મહિને ૧૮ રૂપિયાનો પગાર મળતો હતો. એક ચોપડી પાછળ ત્રણ રૂપિયા ખરચવાનું પોસાય નહિ. ભારે હૈયે આગળ ચાલે છે.

સાત-આઠ વર્ષની ઉંમરે મા-બાપ બન્ને ગુમાવેલાં. પૂનાનું બાપીકું ઘર છોડી ભાઈ-બહેન સાથે મુંબઈ આવી મોસાળમાં રહેતો હતો એ યુવાન. મામાઓની પણ ટૂંકી આવક. છતાં બધાં ભાણજાંને પાંખમાં લીધેલાં. ચોપડી માટે મામા પાસે ત્રણ રૂપિયા માગવા કઈ રીતે. ન છૂટકે જુઠ્ઠું બોલે છે: “નોકરીએ આવતાં-જતાં રસ્તામાં બહુ ઠંડી લાગે છે. એટલે એક જૂનો ડગલો ખરીદવો છે. તે માટે ત્રણ રૂપિયાની જરૂર છે.” જરા કચવાતે મને, પણ મામા ત્રણ રૂપિયા આપે છે. અને બીજે દિવસે સાંજે ફેરિયા પાસેથી મોલ્સવર્થ અને કેન્ડીનો અંગ્રેજી-મરાઠી શબ્દકોશ ખરીદીને યુવાન ઘરે આવે છે. રસ ગળે ને કટકા પડે એવી કોઈ નવલકથા હાથમાં આવી હોય તેમ ફૂરસદનો બધો સમય આપી એ કોશનો શબ્દેશબ્દ વાંચી લે છે. અને મનોમન નક્કી કરે છે કે મરાઠી ભાષા માટે જે કામ બે અંગ્રેજોએ કર્યું તે મારી ગુજરાતી ભાષા માટે હું કરીશ, આવો જ અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ બનાવીશ.

એ યુવાનનું નામ નાનાભાઈ રૂસ્તમજી રાણીના. નામ ભલે નાનાભાઈ, પણ ૬૮ વર્ષની જિંદગીમાં ઘણાં મોટાં કામ કરી ગયા. નાનાભાઈના બાપનાં બપાઈનું નામ હતું રાણીબાઈ. તેમના વંશજો પહેલાં ‘રાણીબાઈના’ અને પછીથી ‘રાણીના’ તરીકે ઓળખાયા. રૂસ્તમજી પૂનામાં કોમેસેરિયેટ ખાતાના કોન્ટ્રેકટર તરીકે કામ કરતા. પણ નાનાભાઈનો જન્મ મુંબઈના મોસાળના ઘરે થયેલો, ૧૮૩૨ના મે મહિનાની ૩૧મી તારીખે. શરૂઆતનું શિક્ષણ પૂનામાં. ખાધેપીધે સુખી કુટુંબ, એટલે દીકરાને લાડકોડમાં ઉછેરતા. પણ પછી પહેલાં માતા ડોસીબાઈનું અને પછી પિતા રુસ્તમજીનું અણધાર્યું અવસાન થયું. છેવટનાં વર્ષોમાં રુસ્તમજીને ધંધામાં ભારે ખોટ આવેલી એટલે કુટુંબ પૈસેટકે પાયમાલ થઇ ગયેલું. ત્રણ ભાઈ-બહેન મુંબઈ મોસાળમાં રહેવા આવ્યાં.

મુંબઈમાં થોડો વખત મોહનલાલ ચીમનલાલ મહેતાની દેશી નિશાળમાં ભણ્યા. પછી નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં, પછી એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં. ભણવામાં તેજસ્વી હતા એટલે ‘ઇનામો’ મેળવી ઘણુંખરું ‘ફ્રી સ્કોલર’ તરીકે ભણ્યા. ત્યાં દાદાભાઈ નવરોજી, અરદેશર ફરામજી મૂસ, કાવસજી મહેતા વગેરે એમના શિક્ષકો. દાદાભાઈએ પારસીઓમાં સમાજ સુધારો કરવા માટેની શરૂ કરેલી ચળવળમાં નાનાભાઈ જોડાયા. ૧૮૪૮ના જૂનની ૧૩મી તારીખે સ્થપાયેલી સ્ટુડન્ટસ્ લિટરરી એન્ડ સાયન્ટિફિક સોસાયટીમાં જોડાયા. આ સોસાયટીએ જ ૧૮૪૯ના ઓક્ટોબરની ૨૧મી તારીખથી છોકરીઓ માટેની બે મરાઠી અને ચાર ગુજરાતી નિશાળો મુંબઈના કોટ, ધોબી તળાવ, બહાર કોટ, અને મઝગાવમાં શરૂ કરી. તેમાંની પારસી છોકરીઓ માટેની સ્કૂલમાં જ નાનાભાઈની પહેલી નોકરી.

૧૮૫૪માં કુંવરબાઈ સાથે લગ્ન થયા પછી ઘર ખર્ચ વધ્યો. એટલે મહિને વીસ રૂપિયાના પગારે નેટિવ જનરલ લાઈબ્રેરીમાં લાઈબ્રેરિયન તરીકે જોડાયા. ત્યાંના કામના ભાગરૂપે ‘પુસ્તક પ્રસિદ્ધ’ નામના છાપખાનાના તથા ‘સત્ય દીપક’ નામના સામયિકના માલિક નવરોજજી ફરામજીના પરિચયમાં આવ્યા. તેમણે નાનાભાઈને મહિને બે રૂપિયાના પગારે ‘સત્ય દીપક’ના પાર્ટ ટાઈમ અધિપતિ (તંત્રી) નીમ્યા. આ પ્રેસ અને પત્રના સંપર્કને પરિણામે નાનાભાઈના જીવનને નવો જ વળાંક મળ્યો. અવારનવાર છાપખાનામાં જવાનું થતાં એક છાપખાનું કાઢવાનો કીડો તેવણના મનમાં ચવડી આયો. પણ ખાલી ખિસ્સે છાપખાનું કઈ રીતે કાઢવું? પોતાના ચાર મિત્રો અરદેશર ફરામજી મૂસ, જહાંગીર વાચ્છા, કાવસજી મહેતા અને પેસ્તનજી શાપુરજી માસ્ટરને ગળે વાત ઉતારી. નવરોજજી ફરામજીને પણ સાથે લીધા. અને ૧૮૫૭માં યુનિયન પ્રેસ શરૂ કર્યું. અલબત્ત, શરૂઆતમાં નાનાભાઈએ તેમાં પોતાની મૂડી રોકી નહોતી (હોય તો રોકે ને?) એટલે મહિને ૩૦ રૂપિયાના પગારે તેના મેનેજર બન્યા. વખત જતાં એક ભાગીદાર બન્યા, અને છેવટે તેના એકમાત્ર માલિક બન્યા. ધોબી તળાવ નજીક શરૂ થયેલું પ્રેસ પછીથી હોર્નિમેન સર્કલ પાસે ખસેડાયું, જ્યાં આજે પણ તે ચાલુ છે.

નાનાભાઈ અને કવિ નર્મદ મિત્રો હતા અને નર્મદનાં કેટલાંક પુસ્તકો નાનાભાઈએ યુનિયન પ્રેસમાં છાપેલાં. નર્મદનું સામયિક ‘ડાંડિયો’ પણ ઘણા વખત સુધી ત્યાં જ છપાતું. નર્મદની આત્મકથા ‘મારી હકીકત’ની પોતાની સંશોધિત આવૃત્તિમાં રમેશ મ. શુક્લે નર્મદના કેટલાક પત્રો પણ છાપ્યા છે, તેમાં નાનાભાઈ પરના બે પત્રો પણ છે. તો બીજી બાજુ સુધારક અને પત્રકાર કરસનદાસ મૂળજી પણ નાનાભાઈના મિત્ર. તેમનું સામયિક ‘સત્યપ્રકાશ’ પણ નાનાભાઈના પ્રેસમાં જ છપાતું. અને તેને લીધે નાનાભાઈએ અદાલતમાં આરોપી તરીકે હાજર થવું પડ્યું હતું. જદુનાથજી મહારાજ અંગેના કેટલાક લેખો ‘સત્યપ્રકાશ’માં છપાયા ત્યારે એ મહારાજે ‘સત્યપ્રકાશ’ના તંત્રી કરસનદાસ મૂળજી અને મુદ્રક નાનાભાઈ રાણીના ઉપર માનહાનિ(લાયબલ)નો કેસ માંડી પચાસ હજાર રૂપિયા જેટલી રકમ (જે એ વખતે ઘણી મોટી ગણાય) વળતર તરીકે માગી હતી. ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે ઓળખાતા આ કેસે એ વખતે દેશમાં અને દેશની બહાર પણ સારી એવી ચકચાર જગાડી હતી. જદુનાથ મહારાજે કેસમાંથી નાનાભાઈને ખસેડવા મહેનત કરી. કહેવડાવ્યું કે તમે તો પારસી છો. અમારા હિન્દુઓના ઝગડામાં નાહકના શું કામ પડો છો? મને મળીને મૌખિક માફી માગી લો તો પ્રતિવાદીઓમાંથી તમારું નામ કાઢી નાખીએ. નાનાભાઈએ જવાબમાં કહેવડાવ્યું: “તમારા ધરમ અંગે મને ઝાઝી ખબર નથી. પણ મિત્રનો દ્રોહ કરવાનું મારો ધરમ તો મને નથી શીખવતો.” આ ખટલામાં છેવટ સુધી નાનાભાઈ કરસનદાસની સાથે ઊભા રહ્યા અને છેવટે કેસ જીત્યા.

ચાલો, હવે મુંબઈના ગ્રાન્ટ રોડ પર જરા ખુલ્લી હવામાં લટાર મારીએ. ૧૮૫૩ના ઓક્ટોબર મહિનાની ૨૯મી તારીખ, વાર શનિ. મુંબઈ શહેરમાં ત્યારે નહોતી વીજળીની સગવડ કે નહોતી સ્થપાઈ યુનિવર્સિટી ઓફ બોમ્બે. એટલે જ્ઞાનનું અજવાળું પણ ઝાઝું નહિ. બે-ત્રણ અખબારોને બાદ કરતાં પ્રચાર માટેનાં ઝાઝાં સાધનો નહિ. અને છતાં એ સાંજે ગ્રાન્ટ રોડ પર લોકોની સારી એવી ભીડ જામી હતી. બધા જઈ રહ્યા હતા નાના શંકરશેઠે બંધાવેલા થિયેટર તરફ. કારણ ત્યાં ભજવાવાનું હતું એક ગુજરાતી નાટક. મુંબઈમાં આવું અગાઉ ક્યારે ય બન્યું નહોતું. એ વખતે ભજવાતાં અંગ્રેજી નાટકો જોઇને દાદાભાઈ નવરોજીને વિચાર આવ્યો કે ગુજરાતીમાં પણ નાટક કેમ ન ભજવાય? એટલે થોડાક મિત્રો સાથે મળીને ‘પારસી નાટક મંડળી’ શરૂ કરી. આ મંડળીએ તે દિવસે સાંજે ‘રૂસતમ અને શોરાબ’નો નાટક તથા ‘ધનજી ગરક’નો ફારસ ભજવ્યો હતો. આ પહેલવહેલા ગુજરાતી નાટકમાં જે પારસી પુરુષોએ અભિનય કર્યો હતો તેમનાં નામ ‘બોમ્બે કુરિયર’ના ૩૧ ઓક્ટોબર, ૧૮૫૩ના અંકમાં છપાયાં હતાં. તેમાંનું એક નામ છે નાનાભાઈ રૂસ્તમજી રાણીના.

વારુ, નાનાભાઈએ ઘણાં મોટાં કામ કર્યાં એ કબૂલ, પણ એ બધાં કરવામાં પેલી અંગ્રેજી-ગુજરાતી શબ્દકોશ બનાવવાની વાત ભૂલાઈ ગઈ? ના સાહેબ. ત્રણ-ચાર વર્ષમાં કોશ તૈયાર થઇ જશે એમ નાનાભાઈ શરૂઆતમાં માનતા હતા. પણ એ કામ તેમના જીવનના અંત સુધી ચાલ્યું અને પછી તેમના દીકરા રૂસ્તમે એ અધૂરું રહેલું કામ પૂરું કર્યું. પણ સૌથી પહેલાં જ્યારે આવો કોશ બનાવવા અંગે મિત્ર અરદેશર ફરામજી મૂસને તેમણે વાત કરી ત્યારે પહેલાં તો તેમણે એ વાત હસી કાઢી: ગુજરાતી ભાષાનો કોશ, અને તે એક પારસીને હાથે! પણ નાનાભાઈ ‘ના’ સાંભળવા માગતા નહોતા.

પોતે તૈયાર કરેલા કોશનાં થોડાં પાનાં સાથે ફરી મૂસને મળ્યા. તે વખતે જહાંગીર વાચ્છા પણ ત્યાં હાજર હતા. તેમણે તથા મૂસે ફરી નાનાભાઈને સમજાવ્યા. નાનાભાઈ કહે કે પહેલાં મારું લખાણ વાંચો તો ખરા. પછી નક્કી કરજો કે આ કામ મારાથી થઇ શકે તેમ છે કે નહિ. વાચ્છા પીગળ્યા. વાંચ્યું. પ્રભાવિત થયા. મૂસને પણ કહ્યું કે આ વાતમાં માલ છે. એટલે ત્રણે પહોંચ્યા ડોસાભાઈ ફરામજી કરાકા પાસે. તેઓ પણ કામ જોઈ ખુશ થયા અને આર્થિક મદદ માટે સોહરાબજી જમશેદજી જીજીભાઈને ભલામણ કરી. પહેલાં સો પાનાં છપાવવાનો ખર્ચ આપવા સોહરાબજી તૈયાર થયા એટલે નાનાભાઈ ગયા અમેરિકન મિશન પ્રેસ પાસે. સોહરાબજીએ આપેલી પૂરેપૂરી રકમ હાથમાં મૂકીને કહ્યું કે મારો આ કોશ છાપવાનું શરૂ કરો. પ્રેસવાળા કહે કે પણ પછીનાં પાનાં છાપવાનું ખર્ચ કોણ આપશે? નાનાભાઈ કહે: પહેલો ભાગ છપાઈ જાય પછી તેની બધી જ નકલ તમારા તાબામાં રહેશે. તમે જ તે વેચશો. ખર્ચની બધી રકમ વળી જાય પછી જ બાકી વધેલી નકલ તમે મને આપજો. અને એ પ્રેસે કામ હાથમાં લીધું. રાણીનાના અંગ્રેજી-ગુજરાતી કોશનો પહેલો ભાગ એ રીતે છપાઈને ૧૮૫૭ના ઓગસ્ટની પહેલી તારીખે પ્રગટ થયો. નાનાભાઈએ દૂરંદેશી વાપરીને પહેલેથી જ શબ્દકોશના કામમાં દીકરાને સાથે રાખેલો. અથાગ મહેનત પછી નાનાભાઈ પોતાની હયાતી દરમ્યાન કોશના બાર ભાગ પ્રસિદ્ધ કરી શક્યા. તેમના અવસાન પછી તેરમો અને છેલ્લો ભાગ તેમના દીકરા રૂસ્તમજીએ તૈયાર કરી પ્રગટ કર્યો. એકાદ અઠવાડિયાની ટૂંકી માંદગી પછી ઈ.સ. ૧૯૦૦ના જાન્યુઆરીની દસમી તારીખે ૬૮ વર્ષની ઉંમરે નાનાભાઈ બેહસ્તનશીન થયા.

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “શબ્દસૃષ્ટિ”, ઑગસ્ટ 2019             

Loading

ગૂંચવાડાભર્યા કાશ્મીરનો ઉકેલ શું હવે આવી ગયો સમજવો ?

રમેશ ઓઝા|Opinion - Opinion|10 August 2019

જૂનાગઢ પાકિસ્તાનથી ઘણું છેટે હતું, પાકિસ્તાન ધારે તો પણ જૂનાગઢના નવાબને લશ્કરી મદદ કરી શકે એમ નહોતું, વળતી ૯૮ ટકા વસ્તી હિંદુઓની હતી એટલે જ્યારે ભીંસ વધવા લાગી ત્યારે જૂનાગઢનો નવાબ પાકિસ્તાન નાસી ગયો. પરંતુ એ પહેલાં પાકિસ્તાનના ઈશારે ગુગલી ફેંકતો ગયો કે રાજવીની ઈચ્છા સર્વોપરી કે પછી પ્રજાની બહુમતી અને પાકિસ્તાન સાથેનું પાડોશીપણું?

ભારતે ક્યારે ય વિચાર્યું પણ નહોતું કે જમ્મુ અને કાશ્મીરનો રાજા તેના રાજ્યને પાકિસ્તાનમાં જોડાવા સામે પ્રતિકાર કરશે. આગળ કહ્યું એમ માર્ગદર્શિકા મુજબ સ્વાભાવિક ક્રમે કાશ્મીર પાકિસ્તાનને જવું જોઈતું હતું. રાજાનાં વલણને કારણે જમ્મુ અને કાશ્મીર મેળવવાની ભારતને તક સાંપડી હતી; પરંતુ એને માટે જમ્મુ અને કાશ્મીરનો રાજા વહેલાસર ભારતમાં જોડાઈ જાય, શેખ અબ્દુલ્લાને સત્તા સોંપી દે, લોકતંત્ર માટે દરવાજો ખોલી આપે એ જરૂરી હતું. એમ જો બને તો શેખ અબ્દુલ્લાને ભારતની તરફેણમાં રહેવા માટે સમજાવી શકાય. આ બાજુ શેખ અબ્દુલ્લાની પહેલી પસંદગી લોકતાંત્રિક સ્વતંત્ર કાશ્મીરની હતી. એ જો શક્ય ન બને તો બીજી પસંદગી સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં રહેવાની હતી. પાકિસ્તાનમાં જોડાવામાં તેમની ખાસ રુચિ નહોતી, કારણ કે શેખ સાહેબ મૂળભૂત રીતે સેક્યુલર ડેમોક્રેટિક હતા. આમ ભારતને અનાયાસ તક મળી હતી જો રાજા ભારતની તરફેણમાં ઝડપથી નિર્ણય લે તો.

પણ રાજા સમજ્યો નહીં તે સમજ્યો જ નહીં! એ માણસ પાકિસ્તાનની પડોશમાં, મુસ્લિમ બહુમતીવાળી રિયાસતમાં, નેપાળ જેવું હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગતો હતો અને એ પણ આધુનિક યુગમાં રાજાશાહી સાથે. આવું વિચારનાર અને આવું વિચારવા માટે પ્રેરનારાઓને શેખચલ્લી ન કહેવાય તો બીજું શું કહેવાય? સરદાર પટેલે અને કૉન્ગ્રેસના બીજા નેતાઓએ રાજાને ભારતમાં જોડાઈ જવા લાખ સમજાવ્યો પણ તે માન્યો જ નહીં.

૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ રાજાએ પાકિસ્તાન સાથે જૈસે થેની સંધી કરી. મહમ્મદઅલી ઝીણાએ મહારાજાને ખાતરી આપી કે પાકિસ્તાન મહારાજાના નિર્ણય લેવાના અધિકારને માન્ય રાખે છે. તે ભારતમાં જોડાવા સહિત કોઈ પણ બાજુએ નિર્ણય લઈ શકે છે. તેમને ખાતરી હતી કે રાજા આઝાદીની તરફેણમાં નિર્ણય લેવા માગે છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના રાજા સાથે કરાર કર્યો કે મહારાજા જ્યાં સુધી નિર્ણય નહીં લે ત્યાં સુધી પાકિસ્તાન જૈસે થે વાળી સ્થિતિ જાળવી રાખશે. કાશ્મીર જતા રસ્તાઓ બંધ કરવામાં નહીં આવે અને પુરવઠો ખોરવવામાં નહીં આવે.

પાકિસ્તાન સાથે જૈસે થેની સંધી કર્યા પછી મહારાજાનો દીવાન દિલ્હી આવ્યો હતો અને ભારત સરકાર સાથે પણ જૈસે થે સંધી કરવાની સરદાર પટેલ પાસે ઇચ્છા વ્યક્ત કરી હતી. સરદાર એટલા ગુસ્સામાં હતા કે તેમણે દીવાનને બેસવા માટે પણ નહોતું કહ્યું. સરદારે તાડૂકીને કહ્યું હતું કે, ‘તમે શું એમ માનો છો કે પાકિસ્તાન સંધીની શરતો પાળશે? પાકિસ્તાન વિશ્વાસઘાત કરે અને પછી બહુ વધારે મોડું થાય એ પહેલાં મહારાજાએ નિર્ણય લઈ લેવો જોઈએ. જાવ, જઈને મહારાજાને સમજાવો અને કહો કે ભારતને જૈસે થે સંધી કરવામાં કોઈ રસ નથી.’

થોડા જ દિવસમાં એ જ બન્યું જેની ચેતવણી સરદારે આપી હતી. પાકિસ્તાને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો રોકી દીધો. એ જમાનામાં જમ્મુ અને કાશ્મીર જવા માટેના રસ્તા પશ્ચિમ પંજાબમાંથી પસાર થતા હતા. ઉપર નોર્થન કાશ્મીર (ગિલગીટ અને બાલ્તિસ્તાન)માં સૈનિકોએ બળવો કર્યો. પાકિસ્તાને પઠાણોના વેશમાં લશ્કરને કાશ્મીરની પ્રજાને કાશ્મીર મુક્ત કરવા મોકલ્યું જે રીતે ભારતે મોટી સંખ્યામાં લોકોને આરઝી હકૂમત માટે જૂનાગઢ મોકલ્યા હતા. બધું જ સમાંતરે થઈ રહ્યું હતું. ફરક એ હતો કે આરઝી હકૂમતમાં સૈનિકો નહોતા, જ્યારે પઠાણોના આક્રમણમાં પઠાણો સાથે સૈનિકો પણ હતા.

હવે જમ્મુ અને કાશ્મીરનો રાજા ઘેરાઈ ગયો હતો. સરદારે કહ્યું હતું એમ ઘણું મોડું થઈ ગયું હતું. જો કાશ્મીર પર કૂચ કરનારાઓ રસ્તામાં લૂંટફાટ કરવામાં રોકાયા ન હોત તો શ્રીનગર પણ હાથમાંથી ગયું હોત. અંકુશ રેખા શ્રીનગરથી માત્ર ૧૨ કિલોમીટર દૂર છે. પઠાણો અને પાકિસ્તાની સૈનિકો શ્રીનગર પહોંચે એ પહેલાં રાજાએ ભારતમાં જોડાવાની તૈયારી બતાવી. એ પહેલાં રાજા પાકિસ્તાની સૈનિકોના હાથમાં ન આવે એ માટે તેને શ્રીનગરથી જમ્મુમાં ખસેડવામાં આવ્યો. ૨૬મી ઓક્ટોબર ૧૯૪૭ના રોજ મહારાજાએ ભારતમાં જોડાવાના ખતપત્ર પર સહી કરી. તરત જ મહારાજાની ભારતમાં જોડાવાની વિનંતી માન્ય રાખવામાં આવી અને કાશ્મીરમાં લશ્કર મોકલવામાં આવ્યું.

જમ્મુ અને કાશ્મીરનો ૬૦ ટકા હિસ્સો જો ભારત પાસે રહ્યો છે અથવા ૪૦ ટકા હિસ્સો ભારતે ગુમાવ્યો છે તો તેની પાછળનો આ ઇતિહાસ છે. જો મહારાજાએ નેપાળ જેવા રાજાશાહીવાળા, સ્વતંત્ર હિંદુરાષ્ટ્રનાં સપનાં ન જોયાં હોત, અને મહારાજાએ વહેલાસર ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો હોત તો આજે ઇતિહાસ જુદો હોત. શેખ અબ્દુલા તો અનુકૂળ હતા અને પ્રજાનું દિલ જીતી શકાયું હોત. અકસ્માત હાથ લાગેલી લોટરી આખે આખી હાથમાં ન આવી અને ઉપરથી સાવ નિર્દોષ પ્રજાને સહન કરવાનું આવ્યું એ માટે રાજા અને તેમના સલાહકાર શેખચલ્લીઓ જવાબદાર છે.

મહારાજાએ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ કર્યું તો ખરું, પરંતુ એ સંપૂર્ણ નહોતું. વિલીનીકરણની નિર્ધારિત કરેલી જોગવાઈ મુજબ ભારતમાં જોડાનાર રાજવીએ પહેલાં સંરક્ષણ, વિદેશ વ્યાપાર અને સંદેશ વ્યવહારની સત્તા ભારત સરકારને સોંપી દેવાની હતી. એ પછી વાસ્તવિક સત્તા પ્રજા પરિષદના લોકોના પસંદ કરેલા પ્રતિનિધિને આપવાની હતી અને રાજવીએ અત્યારના ગવર્નર તરીકે કામ કરવાનું હતું. જમ્મુ અને કાશ્મીરની બાબતમાં એક સમસ્યા હતી. રિયાસતમાં શાસકની ઇચ્છા સર્વોપરી નથી, પણ પ્રજાની છે એ બતાવવા માટે જૂનાગઢમાં લોકમત લેવામાં આવ્યો હતો. હવે જમ્મુ અને કાશ્મીરની બાબતમાં ભારત લોકમતને કઈ રીતે તેને અવગણી શકે? જૂનાગઢમાં એકલો લોકમત પર્યાપ્ત હતો, જયારે કશ્મીરમાં રાજાની ઇચ્છા સાથે લોકમત પણ લેવો જરૂરી હતો. પાકિસ્તાને આક્રમણ કરવાને કારણે અને જમ્મુ અને કાશ્મીરનો ૪૦ ટકા હિસ્સો કબજે કર્યો હોવાને કારણે લોકમત ઘોંચમાં પડ્યો.

આ બાજુ ભારતનું બંધારણ ઘડાઈ ચૂક્યું હતું જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઊભો હતો. છેલ્લે બંધારણમાં આમેજ કરવામાં આવેલ આર્ટીકલ ૩૭૦ એના ઉકેલરૂપે હતો. જમ્મુ અને કાશ્મીર સંરક્ષણ, સંદેશ વ્યવહાર અને વિદેશ વ્યાપાર સિવાયની બધી સત્તા ભોગવે છે. સુજ્ઞ વાચકને એટલું તો સમજાઈ ગયું હશે કે આર્ટીકલ ૩૭૦ કાશ્મીરીઓને કરવામાં આવેલા લાડનું પરિણામ નથી, પણ જરૂરિયાતનું પરિણામ છે. એક રીતે આર્ટીકલ ૩૭૦ જમ્મુ અને કાશ્મીરને ભારત સાથે જોડે છે. બંધારણ ઘડનારાઓ બેવકૂફ નહોતા.

કાશ્મીરની સમસ્યા મુખ્યત્વે મહારાજા અને તેના સલાહકારોએ પેદા કરી હતી અને કિંમત ત્યાંની પ્રજા ચૂકવે છે. આજે પણ ત્યાંની નિર્દોષ પ્રજાનો છૂટકારો નથી થયો.

બીજો મુદ્દો છે સભ્યતાનો અને લોકતંત્રનો. મનમાની કરીને જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરવું, કાશ્મીરને કેન્દ્રશાસિત રાજ્ય જાહેર કરવું, અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે એટલે રાજ્યના રાજ્યપાલને રાજ્યનો પ્રતિનિધિ ગણવો અને તેની ભલામણ મુજબ આર્ટીકલ ૩૭૦નો અંત લાવવો એ સભ્યતા છે? આ લોકતંત્ર છે કે તાનાશાહી? ત્રણ સંભાવના અને એક વાસ્તવિકતા નજરે પડી રહ્યા છે.

૧. કાશ્મીર ભારત માટે બંગલાદેશ બની શકે છે.

૨. કેન્દ્ર સરકારે જે રીતે સમવાય ઢાંચા (ફેડરલ ઇન્ડિયા) પર કુઠારાઘાત કર્યો છે એ જોતાં ઈશાન ભારતમાં, પંજાબમાં અને તામિલનાડુમાં સમસ્યા પેદા થઈ શકે છે.

૩. ચીન અશાંતિનો લાભ લઈ શકે છે. અને વાસ્તવિકતા એ કે ભારત લોકતંત્ર ગુમાવી રહ્યું છે.

જો તમારી અંદર માણસ બેઠો હોય તો આજે તમારા દિલમાં વગર ગુને યાતના ભોગવતા નિર્દોષ કાશ્મીરીઓ માટે ઊંડી સહાનુભૂતિ હોવી જોઈએ અને જો તમારી અંદર હિંદુ રાષ્ટ્રવાદી બેઠો હોય તો કાંઈ અપેક્ષા રાખવાપણું રહેતું જ નથી!

કોણ બેઠો છે?  

07 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑગસ્ટ 2019

Loading

...102030...2,7572,7582,7592,760...2,7702,7802,790...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved