દેશમાં બંધારણના અમલ થયે હવે સિત્તેર વર્ષ પૂરાં થશે. સિત્તેર વરસ તો વડીલની ઉમ્મર કહેવાય !
પરંતુ દુખદ અને ચિંતાજનક વાત એ છે કે બંધારણમાં દર્શાવાયેલા, સૌ કોઈના હક્ક-અધિકાર તરીકે સ્વીકૃત બનેલાં સમાનતા, બંધુતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યની રોજેરોજ ધજ્જિયા ઊડતી આપણા દેશમાં દેખાય છે.
એકાંતરે દિવસે બનતી કેટલીક ઘટનાઓ જોતાં હજીયે આપણે સામંતી સમાજમાં, રાજાશાહીમાં જીવતા હોઈએ એવું અનુભવી રહ્યા છીએ.
આપણા બંધારણે આપેલા હક્ક મુજબ દરેક પુખ્ત વયની વ્યક્તિ પોતાને મનપસંદ સાથી પસંદ કરી શકે છે અને અરસપરસની સમ્મતિથી લગ્ન કરી સંસાર માંડી શકે છે.
પણ હજીયે જાણે કે લગ્ન એ બે વ્યક્તિઓની અંગત બાબત ન રહેતા, બે પરિવારોનો મામલો અને ખાસ તો જ્ઞાતિ-સમુદાયનો મામલો જ બની રહ્યો છે. અને જ્યારે જ્ઞાતિ-જાતિપ્રથાનો અજગર ભરડો પરિવારોને ભીંસી રહ્યો હોય, ત્યારે બે વ્યક્તિઓની, ખાસ કરીને બે યુવાનહૈયાઓની પસંદગીની, વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત ન રહેતા પરિવારને પરિવાર પર હાવી થયેલી જ્ઞાતિ-જાતિ અને તેની સાથે ચાલ્યા આવતા ધર્મની પકડ જ લગ્ન જોડાં નક્કી કરવાનું કામ કરી રહી છે.
રાજાશાહીના સમયમાં યુવાપ્રેમીઓ લૈલા-મજનુને ભેગા નહીં થવા દેવા માટે મજનુને પથ્થરો મારી મારીને મારી નંખાય છે, એવી ઘટનાઓ હજી ય આજના સમયમાં બની રહી છે.
હમણાં જ આપણા ગુજરાતમાં એક આવી જ દર્દભરી વાત બની. ઊર્મિલા ઝાલા નામની 22 વર્ષની યુવતી અને 24 વર્ષના હરેશ સોલંકીએ પોતાની પસંદગીથી લગ્ન ગયા વર્ષે કરી લીધાં. પણ ઉચ્ચ જ્ઞાતિના ગૌરવની વાત બનાવી દીકરીના પરિવારજનોએ આ લગ્ન ના સ્વીકાર્યા. અને એક યા બીજા કૌટુંબિક બહાને દીકરીના બાપ અને ભાઈએ પોતાના ઘરમાં જ ઊર્મિલાને પતિ હરેશથી અલગ પાડી ગોંધી રાખી.

હરેશ સોલંકીને ધમકીઓ મળતી રહી એટલે એણે પોલીસ પ્રોટેક્શન માટે માંગણીઓ કર્યા કરી. સમય જતાં પત્ની ગર્ભવતી છે એવું જાણતા તેને પોતાના ઘરે લાવવા તેણે મથામણો કર્યા કરી અને પોલીસના કહેવાથી જ, મુશ્કેલીમાં મૂકાયેલી મહિલાઓને મદદ માટે ચાલતી 181 અભયમ સેવાની વાનમાં જ બેસીને પત્નીના ગામમાં ગયો. જ્યાં એ સરકારી વાન પર જ, જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ હતી, ઊર્મિલાના પરિવારજનો ને જ્ઞાતિજનોએ હુમલો કર્યો. ઊર્મિલાના ભાઈએ જ હરેશની જીભ કાપી નાંખી અને બાપે ને અન્ય જ્ઞાતિજનોનાં ટોળાંએ તેને ચપ્પા-છરીઓથી રહેંસી નાખ્યો.
દલિત પરિવારનો એક માત્ર કમાનારો અને ડ્રાઈવર તરીકે વ્યવસાય કરતા આ હરેશનો વાંક શું ? એણે કયું ગેરબંધારણીય કામ કર્યું ? માત્ર દલિત હોવું એ જ ગુનો ?
સવાલ તો એ જ થાય છે કે પોતાના લોહીથી જ પેદા થયેલી, પરિવારમાં જ ઊછરેલી સગી દીકરીનાં તેની ઇચ્છાથી જ થયેલા લગ્નને ખુશી ખુશી સ્વીકારવાને બદલે તેના પેટમાં 'દલિત'-અસ્પૃશ્યનું બાળક જીવી રહ્યું છે એવી હીન ભાવનાથી અને ઊંચી જ્ઞાતિના અહમ્ને પોષીને દીકરીના આખા ય ભવિષ્યને તહસ નહસ કરી નાંખવું અને ખાસ તો દીકરીનાં ખુદના આનંદ-ખુશી એ બધાંયની ક્રૂર હત્યા કરી નાંખવી અને એ પણ કોઈ ગુના વગર એ તે કેવો જાતે ઊભો કરેલો ન્યાય ?
આ પાશવી ઘટના ગુજરાતનાં કોઈ અંતરિયાળ ગામની ઘટના નથી. ગુજરાતના મુખ્ય અમદાવાદ જિલ્લામાં માંડલથી વાહન દ્વારા માત્ર પંદર મિનિટમાં પહોંચી જવાય એવાં વનમોર ગામની છે. ગામમાં આ જઘન્ય હત્યા રોકવા કોઈ આગળ ન આવ્યું પણ હત્યાના બે દિવસમાં તો આ ઘટનાને બિરદાવનારા ને હત્યારાઓની હિમ્મત ને ગૌરવ આપી ઈનામ જાહેર કરનારા સોશ્યલ મીડિયામાં છવાઈ ગયા !
પોલીસ પાંચ દિવસે આઠ હત્યારાઓને પકડી શકી છે. આ લખાય છે ત્યાં સુધી છૂપાવી રખાયેલી ઊર્મિલા સુધી પોલીસ પહોંચી શકી છે એવા સમાચાર છે. એ સમાચાર મુજબ ઊર્મિલાએ જણાવ્યું છે કે તે ગર્ભવતી નથી. શંકાસ્પદ ઘટનાઓ બની રહી છે …
અને રાજ્યના પાટનગરમાં વિધાનસભાનું સત્ર ચાલુ છે અને ત્યાં આ ઘોર ગેરબંધારણીય હત્યાકાંડ વિશે કોઈનાં પેટનું પાણી હલ્યું નથી એ ય હકીકત !
આવી જ એક બીજી ઘટના પણ સુખી સંપન્ન બે યુવા પ્રેમીઓની અત્યારે ટીવી, સોશ્યલ મીડિયા અને છાપાંઓમાં ચમકી રહી છે. ઉત્તર પ્રદેશના ભા.જ.પ.ના એક બ્રાહ્મણ ધારાસભ્યની દીકરી સાક્ષી મિશ્રાએ એક દલિત યુવાન સાથે લગ્ન કર્યા છે. અને તેણે સોશ્યલ મીડિયા દ્વારા વીડિયો વહેતો કર્યો કે તેના પિતાજી વગદાર વ્યક્તિ છે અને તે અમારાં લગ્નની વિરુદ્ધમાં છે એટલે અમને મારી નાખવા અમારી પાછળ પરિચિત લોકોને છોડ્યા છે. આ વીડિયોથી દેશભરમાં હોહા મચી. ટીવી ચેનલોનેએ આ યુગલના ઈન્ટરવ્યુ અને ધારાસભ્ય પિતાની મુલાકાતો પણ પ્રસારિત કરવા માંડી.
'આજતક' ઉપરના એક લાઈવ પ્રોગ્રામ દરમિયાન સોશ્યલ મીડિયા પર થતી કોમેન્ટોમાં મેં જોયું કે મોટાભાગના લોકો આ યુગલની હિમ્મત અને સંઘર્ષને બિરદાવવાને બદલે ટીવીનાં એન્કરને ગાળો દેવામાં પડેલા હતા કે "તમારી દીકરી આવું કરે તો તમને ખબર પડે !" “મા-બાપ, પરિવારની ઈજ્જત જાહેરમાં ધૂળધાણી આ છોકરી કરી રહી છે.."
આ પ્રકારની કોમેન્ટો વધારે જોવા મળી.
આ યુગલે પોતાનાં રક્ષણ -સંરક્ષણ માટે હાઈકોર્ટ માં અરજી કરી છે.
દીકરીનાં ધારાસભ્ય બાપ બહુ ઠંડા કલેજે ટીવી ચેનલોને 'સરકારી' જવાબ આપે છે કે 'મારી દીકરી પુખ્તવયની છે અને તેને જેની સાથે લગ્ન કરવા હોય તે એનો અધિકાર છે.'
પણ આ એક રાજકારણી બાપ જે બંધારણનાં શપથ સાથે લોક પ્રતિનિધિ તરીકે કાર્યરત છે તે આવાં લગ્નને, પોતાની દીકરીની પસંદગીને હસતા મોઢે સ્વીકારતા તો નથી જ. બંધારણની વાત કરે છે પણ સમાજમાં અને તે પણ એક નેતા તરીકે આંતરજ્ઞાતિય લગ્નને ઉમળકાથી વધાવી લેવાની વાત તો નથી કરતા પરંતુ એવાં ભયભીત યુગલોને કાનૂની સંરક્ષણ ને પોલીસ રક્ષણ પૂરું પાડવાની તેમની પહેલી ફરજ છે તેવી વાતની તેમની પાસેથી અપેક્ષા રહે છે.
પરંતુ દીકરી જ ખુદ કહે છે કે મારા પિતાજી જ અમને મરાવી નાખવા અમારી પાછળ પડ્યા છે. જાહેરમાં કોઈ પોતાનો જીવ બચાવવા અપીલ કરે છે ત્યારે પોલીસ તંત્ર, ન્યાય તંત્ર, સામાજિક ન્યાય વિભાગ, મહિલા આયોગ, માનવ અધિકાર આયોગ અને રાજકીય નેતાઓ ચૂપચાપ આ બધું જોયા કરે ત્યારે થાય કે આવી લોકશાહીને શું કરવાની ?
આવી ઘટનાઓ રોજેરોજ વર્ષોથી બનતી રહી છે. તે ઘટતી નથી. વર્ણવ્યવસ્થાને લઈ દલિતો ને પદદલિતો પર જુલમો વધતા જ રહ્યા છે.
મને યાદ આવે છે 1978ની સાલ. ઈસરો દ્વારા શરૂ થયેલા પીજ ગ્રામીણ ટીવી પ્રસારણ માટેના કાર્યક્રમો નિર્માણ કરવામાં હું સંકળાયેલો હતો. એ સમયમાં મને સમાચાર મળ્યા કે ભાવનગર જિલ્લામાં આવેલા ઝાંઝમેર ગામમાં કરસન નામના દલિત યુવાનને ગામના લોકોએ પથ્થરો મારી મારી ને મારી નાંખ્યો.
કમુ અને કરસન પ્રેમીઓ. કમુ કોળી પટેલ અને કરસન દલિત સમાજમાંથી હતો. બન્નેએ લગ્ન કરી લીધાં. કમુના પરિવારજનો સામે પડતાં ગામ છોડીને ભાગવું પડ્યું. કરસનનાં સગાંવહાલાંઓને ત્યાં સતત ચાર પાંચ મહિના ભટકતાં રહેવું પડ્યું. છેવટે પરગામમાં સ્થાયી થવાનાં ઈરાદા સાથે કરસન જ્યારે પોતાના ગામમાં ઘરે વાસણ, લોટ, કપડાં જેવી ચીજવસ્તુઓ લેવા આવ્યો તો કહેવાતાં ગામના ઉજળિયાત લોકોએ કમુનાં પરિવારજનોની સાથે રહી પથ્થરો મારી મારીને મોતને ઘાટ ઊતારી દીધો. આ આખીયે વીગતે સમજવા અને ટીવી માટે વીડિયો રેકોર્ડિંગ કરવા ટીમ સાથે ઝાંઝમેર જઈ રહ્યો હતો ને ભાવનગર પહોંચતા પહેલાં જ અમારી જીપને ભારે એક્સિડન્ટ થયો અને અમે એ જીપ લઈને ઝાંઝમેર જઈ શકીએ એમ ન હતાં.
ભાવનગર પહોંચી જાણ્યું કે દરિયા કિનારે અંતરિયાળ આવેલા ઝાંઝમેર જવા, રસ્તાઓ ખરાબ હોવાથી કોઈ ટેક્સીવાળા તૈયાર ન હતા. અમે કલેકટરને મળ્યા, પોલીસ અધિકારીને મળ્યા. બધાએ આખીયે ઘટના વિશે ઠંડો પ્રતિસાદ આપ્યો અને ગામમાં સંપૂર્ણ શાંતિ છે. ત્યાં જીપ સિવાય કોઈ વાહન જઈ શકે એમ નથી અને હવે ત્યાં જવાનો કોઈ મતલબ નથી. ત્યાં બન્ને પરિવારોમાંથી કોઈ નથી. તમે કોને મળશો ? ગામમાં ખૂબ કાદવ કીચડ છે એવી સરકારી વાતો કરી એ જમાનામાં અમને હતાશ કરી નાખ્યાં.
છેવટે અમને ખણખોદ કરતાં ખબર પડી કે કરસનની પત્ની કમુ મહિલા રીમાન્ડ હોમમાં છે અને તે સગીર છે કે પુખ્તવયની તેની તપાસ બાકી છે એવું અમને કહેવામાં આવ્યું.
અમે શોધખોળ કરી ચૂપચાપ ઝપાટાભેર કમુ પાસે પહોંચી ગયા. અને સંસ્થાના અધિકારી બહેનને લેખિત ખાતરી આપી કે કમુ સગીર પુરવાર થશે તો અમે ઈન્ટરવ્યુ ટેલિકાસ્ટ નહીં કરીએ અને ઝડપથી મેં એકાદ કલાકની તેની સાથેની વાતચીત રેકોર્ડ કરી લીધી.
હજી એ તેજસ્વી કમુની નિર્દોષ આંખો ક્યારેક માનસપટમાં છવાઈ જાય છે. એણે પોતે જ વાતચીતના આરંભે મને કહેવા માંડ્યું : '… હું ઊગમણી દિશામાં રહું અને કરશન આથમણી દિશામાં રહેતો હતો …'
અહીં મુદ્દાની વાત એ છે કે પરિવારજનો, જ્ઞાતિજનો, ગ્રામજનો હોય કે પછી સરકારી જિલ્લા કલેકટર કે જિલ્લા પોલીસ અધિકારી કે કહેવાતા સામાજિક કાર્યકરો.. આ બધાં જ્ઞાતિવાદ, જ્ઞાતિ ગૌરવ અને વર્ણવ્યવસ્થાના ઊંચનીચના માપદંડોને સ્વીકારી ને જ જિંદંગી જીવી રહ્યા છે.
અને એટલે આવાં પ્રેમીઓને સ્વીકારવા તેઓ તૈયાર નથી. તેમના પરિવારના, જ્ઞાતિ-જાતિના અભિમાનને જાણે કે તેનાથી ધક્કો પહોંચે છે. તેમની ઈજ્જત, જ્ઞાતિમોભો ખતમ થઈ જાય છે એવી માન્યતાઓ ખૂબ ઊંડે ઉતરેલી છે.
અને સાથે સાથે સવાલ એ છે કે આવી ઘટનાઓ ઘટવાને બદલે કેમ વધુ ને વધુ બનતી રહે છે ? ખાસ કરીને આપણા ગુજરાતમાં જ આર.ટી.આઇ.ના જવાબમાં મળેલા આંકડા દર્શાવે છે કે ગયા 2018ના વર્ષમાં દલિતો પર જુલમ અત્યાચારના 1545 જેટલા ગુના નોંધાયા જેમાં 22 હત્યા,81 ગંભીર રીતે જખમી કરનારા હુમલા, 104 બળાત્કાર, 7 લૂંટફાટ અને અન્ય પ્રકારના દમનના ગુના નોંધાયા છે.
આપણે લોકશાહીના પાયા મજબૂત થાય એવું બંધારણ સ્વીકાર્યું પણ લોકશાહીને આપણે ચૂંટણીઓ પૂરતી જ મર્યાદિત કરી નાંખી અને બંધારણમાં અસ્પૃશ્યતાને કલંક ગણ્યું ને તેને ગુનો ગણ્યો પણ વર્ણવ્યવસ્થાને તોડવાનો કે તેને નાબૂદ કરવા માટેના કોઈ કાયદા કે પ્રયત્નો પણ કર્યા નહીં.
પણ તેનાથી સાવ ઊંધું જ્ઞાતિઓને, જ્ઞાતિ-જાતિના મંડળો-સંગઠનોને મજબૂત કરવાનું કામ જ આપણે સાત-સાત દાયકા લગી લાગલગાટ કરતા રહેવાનું રાખ્યું. ચૂંટણી જીતવા તો જે તે વિસ્તારની જ્ઞાતિ-જાતિઓનાં સંગઠનો અને તેના આગેવાનોને ચૂંટણીના રાજકારણમાં વિશેષ મહત્ત્વ અપાતું રહ્યું અને ચૂંટણીનું અગત્યનું ગણિત જ નાણાંની સાથે સાથે વર્ણો બની ગયા.
અને જ્યારથી ધર્મ આધારિત રાજકારણને વેગ મળવા માંડ્યો, ધર્મ અને રાજકારણના સંબંધો ઘનિષ્ઠ બનવા માંડ્યા તેમ આ જેના પાયામાં ધર્મ છે, તે આ જ્ઞાતિ-જાતિના સંગઠનો વધુ તાકાતવાન બનાવવા રાજકીય પક્ષોએ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું.
અને લોકોમાં પણ એ વાત દૃઢ થઈ કે ચૂંટણીમાં જે જ્ઞાતિજન જીતે એ જ્ઞાતિવાળાઓને ફાયદો મળે, એમનો અવાજ બધે સંભળાય.
વાસ્તવિકતા જોઈએ તો ફાયદાની વાત સામાન્ય જનતાને લઈને તો ભ્રામક છે. પરંતુ જ્યારે સામાન્ય જનતા પાસે કોઈ સંપત્તિ કે સત્તા ન હોય, ત્યારે તેના માટે જન્મથી મળેલું આ 'જ્ઞાતિગૌરવ' જ મોટી મૂડી બની જાય છે.
આમ જ્ઞાતિઓ દેશમાં મજબૂત બની રહી છે અને પોતાની જ્ઞાતિનું મહત્ત્વ ક્યાં પુરવાર કરવાનું ?
તો એ માટે વર્ણવ્યવસ્થાના સહારે પોતાનાથી કહેવાતી નીચી જાતિઓ પર પોતાના જ્ઞાતિ અભિમાનથી, પોતાના વર્ચસ્વને સિદ્ધ કરવા દમન કરવું અને એ રીતે વર્ણવ્યવસ્થામાં ઠેઠ ચોથા ક્રમે આવતા શુદ્ર-દલિતો પર જુલમો વધતાં જાય છે.
જ્યાં જ્યાં દલિતો આર્થિક રીતે થોડાઘણા સુખી થયા છે, ત્યાં ઈર્ષાથી તેમને દબાવવા પ્રયત્નો થાય છે અને જ્યાં દલિતો ગરીબ છે, જમીનવિહોણા મજૂર છે તેમને કાયમ ગુલામ રાખવા તેમના પર જુલમો – અત્યાચાર કહેવાતી ઊંચી જ્ઞાતિઓ કરતી રહી છે.
રાજકારણીઓ પણ જ્ઞાતિ આગેવાનો છે યા તેમના ભરોસે પોતાનું ગણિત ચલાવે છે. અને લોકો જ્ઞાતિમાં વિખરાયેલા રહે અને તેમનામાં એકતા ઊભી ન થાય એ સત્તાધીશો અને ઉદ્યોગપતિઓના હિતમાં જ છે.
એટલે આવી જોરજૂલમ, દમનની ઘટનાઓ વખતે તેમનું મૌન, સિફતભરી ચૂપકીદી સ્વાભાવિક છે.
સામાજિક વિકાસ જ્યારે સમાજનો અટકે છે ત્યારે તર્ક, જ્ઞાન, માહિતી, વિજ્ઞાન, સંસ્કૃતિથી લોકો વિમુખ થાય છે અને એ જ જૂનવાણી રીતરિવાજો, વિધિવિધાનો, માન્યતાઓના અંધારામાં અટવાયા કરે છે.
પ્રગટ : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”; 17 જુલાઈ 2019
![]()


There are both merits and demerits of living in the same city, same country all your life. Merits being that you can be deeply rooted and connected to a particular place, its people, and you have the ability to feel that place better than others. Demerits that you lack exposure of what there is in the world outside, how do different cultures survive, and co-exist. At least this is what I used to think when I left India in 2018 for my Masters in London.