Opinion Magazine
Number of visits: 9576796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રકાશ ન. શાહ એટલે જાહેર જીવનનાં મૂલ્યો માટે સમુલ્લાસ નિસબત અને ‘નિરીક્ષક’ થકી નુક્તેચીની

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|19 July 2019

ગુજરાતનાં જાહેર જીવનના ગયા પાંચેક દાયકાના આલેખમાં પ્રકાશભાઈ ઠેકઠેકાણે આંતરિક સ્વસ્થતા – પ્રસન્નતા છલકાવતાં હાસ્ય સાથે ઠેકઠેકાણે હાજરાહજૂર મળે …

આવતી કાલે સાંજે ‘પ્રકાશોત્સવ’ નામના સરસ અર્થપૂર્ણ નામવાળા કાર્યક્રમ થકી અગ્રણી સમાજચિંતક અને પત્રકાર પ્રકાશ ન. શાહનું નાગરિક અભિવાદન કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંગે સામયિકોમાં આપવામાં આવેલી નોંધ કહે છે: ‘સાહિત્ય-રાજકારણ-અર્થકારણ-ઇતિહાસ-સમાજકારણ-પત્રકારત્વ-લોકઆંદોલનો જેવાં અનેક ક્ષેત્રોમાં ઊંડી સમજ અને જીવંત રસ ધરાવતાં આપણા સમયનાં જૂજ વ્યક્તિત્વોમાં પ્રકાશભાઈ મોખરે છે. કટોકટી દરમિયાન,  તેના પહેલાં અને પછીનાં રાજકારણમાં આચાર્ય કૃપાલાણી અને જયપ્રકાશ નારાયણ જેવાં વ્યક્તિત્વો સાથે પ્રકાશભાઈ નજદીકી સંપર્કમાં આવ્યા. તેમની સાથે અને તેમના માટે પણ કામ કર્યું. છેક યુવાનીથી સારા પગારની કાયમી નોકરીની પરવા રાખ્યા વિના, તે જાહેરજીવન અને લોકઘડતરને સમર્પિત રહ્યા છે. ‘જનસત્તા’ – ‘લોકસત્તા’થી માંડીને ‘દિવ્ય ભાસ્કર’ સુધીનાં માધ્યમોમાં તેમનું સંપાદન અને કૉલમકારી મુખ્ય ધારામાં વિશિષ્ટ ભાત પાડનારાં નીવડ્યાં. તેમનાં તંત્રીપદ હેઠળનું ‘નિરીક્ષક’ ધબકતું વિચારપત્ર બની રહ્યું છે. એંશીમાં વર્ષના આરે હોવા છતાં, જાહેરજીવનમાં તેમની સક્રિયતા અને પ્રસન્નતાનો સ્થાયી ભાવ નમૂનેદાર છે.’  

ગુજરાત વિદ્યાપીઠનાં હીરક મહોત્સવ સભાગૃહમાં સાંજે સાડા પાંચે યોજાનાર આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ પર એક મૉક-કોર્ટ મુકદ્દમો ચલાવશે, તેમને કૃતજ્ઞતાનિધિ અર્પણ કરવામાં આવશે અને તેમનાં વિશેનું એક પુસ્તક પ્રકટ કરવામાં આવશે. કાર્યક્રમના નિ:સ્વાર્થ આયોજક ‘સાર્થક પ્રકાશન’નું આ આકર્ષક, જુદા ઘાટનું અને બહુ મહત્ત્વનું પુસ્તક અનોખા પત્રકાર-સંશોધક ઉર્વીશ કોઠારીએ પોતે પ્રકાશભાઈની લાંબી મુલાકાતો લઈને તેને આધારે તૈયાર કર્યું છે. તેમાં પ્રકાશભાઈનાં આખા ય પ્રબુદ્ધ જીવનનો દીર્ઘ, નિખાલસ અને અંતરંગ આલેખ મળે છે. તેમાં પરિશિષ્ટ રૂપે પ્રકાશભાઈએ ખુદ તૈયાર કરી આપેલો સ્વપરિચય એટલે મળે છે. આ દીર્ઘ પરિચય પહેલવારકો છે અને તે પુસ્તકમાં જ વાંચવો જરૂરી છે. અત્યાર સુધી પોતાની કારકિર્દી કે સિદ્ધિઓ વિશે ભાગ્યે જ કશું કહેનારા (અથવા સ્વયંપ્રકાશિત પ્રકાશભાઈને એવી કોઈ જરૂરિયાત ઊભી જ ન થઈ હોય !) પ્રકાશભાઈનો કદાચ એક માત્ર સત્તાવાર છપાયેલો પરિચય તેમણે લખેલી એક પરિચય પુસ્તિકામાંથી મળે છે.

બાય ધ વે, ગુજરાતી સાહિત્ય પરિષદના આઠ વર્ષ માટે મંત્રી અને એક મુદ્દત માટે ઉપપ્રમુખ રહી ચૂકેલા પ્રકાશભાઈનાં નામે ત્રણ જ પુસ્તકો, ખરેખર તો પુસ્તિકાઓ  બોલે છે, અને તે પણ સાહિત્યના વિષયો પર નથી. તે આચાર્ય કૃપાલાણી, જયપ્રકાશ નારાયણ અને વસંત-રજબ વિશે છે, અને દુર્લભ છે. એક બેઠકે સજળ આંખે લખાયેલી વસંત-રજબ પરની પુસ્તિકાને આખરે આપવામાં આવેલો પ્રકાશભાઈનો ઔપચારિક પરિચય આ મુજબનો છે : ‘પ્રકાશ નવીનચન્દ્ર શાહનો જન્મ એમનાં મોસાળ માણસા મુકામે તા. 12-9-1940ના રોજ થયો હતો. વિદ્યાર્થીકાળથી જ તેઓ યુવા આંદોલન અને જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા રહ્યા છે. રાજ્યશાસ્ત્રના વિષયમાં એમ.એ.ની પદવી મેળવ્યા પછી 1965થી 1971નાં વર્ષોમાં એમણે અમદાવાદની શ્રી હ.કા. આર્ટસ કૉલેજમાં એ વિષય શીખવ્યો હતો. એ જ ગાળામાં તેઓ ‘વિશ્વમાનવ’ માસિકનાં સંપાદન સાથે તેમ જ ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનની પ્રવૃત્તિઓ સાથે સક્રિયપણે સંકળાયા હતા. 1971થી તેઓ સરદાર પટેલ યુનિવર્સિટી સંયોજિત જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના સંપાદક મંડળમાં કાર્યરત હતા. એ દરમિયાન જયપ્રકાશ નારાયણનાં સંપૂર્ણ ક્રાન્તિ આંદોલનમાં સક્રિય થતાં ગુજરાતમાં જનતા મોરચાના સહમંત્રી બન્યા હતા તેમ જ કટોકટી દરમિયાન દસ માસ લગી ‘મિસા’ કાનૂન હેઠળ જેલમાં રહ્યા હતા. કટોકટી ઊઠી ગયા પછી તેમણે અખબારી જૂથ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના ગુજરાતી દૈનિક ‘જનસત્તા’માં 1978થી 1990નાં વર્ષોમાં સહાયક તંત્રીથી માંડીને નિવાસી તંત્રી લગીની જવાબદારી નિભાવી હતી. પ્રકાશભાઈ ગુજરાત લોકસમિતિથી માંડીને ગુજરાતી સાહિત્ય પરિષદ સહિતની વિવિધ સામાજિક-સાંસ્કૃતિક-નગરિક સંસ્થાઓ સાથે સક્રિયપણે સંકળાયેલા રહ્યા છે. 1993થી તેઓ સેક્યુલર લોકશાહી આંદોલન (મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસી) સાથે સ્થાપક-સંયોજકને નાતે જોડાયેલા છે. 1992થી ગુજરાતનાં વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રીની તેમ જ 2003થી થોડાંક વર્ષ તેઓ દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ના સંપાદકીય સલાહકાર હતા અને અત્યારે તેના કૉલમિસ્ટ છે.’

દુનિયાના વૈચારિક વિમર્શમાં ‘પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ’ નામની એક વિભાવના છે. પોતાની બુદ્ધિપ્રતિભા, પોતે મેળવેલાં વિદ્યાકીય જ્ઞાનનો અને વ્યાવસાયિક કૌશલ્યોને જાહેરજીવનનાં હિત માટે લાંબા ગાળા માટે કામે લગાડનાર સ્ત્રી-પુરુષો પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલના વર્ગમાં આવે છે. આ પ્રકારના સમાજ અગ્રણીઓ સાફ રાજકીય સમજ સાથે પણ પ્રજાકીય માર્ગે, રૅશનલ માનવતાવાદી અને કરુણાપૂર્ણ સમાનતાવાદી અભિગમથી નિરપેક્ષ ભાવે કાર્યરત હોય છે. ધર્મસત્તા, રાજ્યસત્તા અને અર્થસત્તા સાથે તેમનો નીડર સંઘર્ષ અનિવાર્ય હોય છે. વ્યવહારુ જીવનવ્યવસ્થાઓ અને સમાજની કદરબૂજની રીતમાં તેઓ ક્યારેક બંધબેસતા હોતા નથી. આ બધી બાબતોનાં પરિણામો જાહેર જીવનના બૌદ્ધિકો દેખીતી રીતે સહજભાવે દેખાડા વિના ભોગવે છે. દેશ અને દુનિયાના આ પ્રકારના પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સની નક્ષત્રમાળા પર નજર કરતા સમજાય છે કે ઘરાઆંગણે પ્રકાશભાઈ એમાંના એક છે. નિસબત ધરાવતા બૌદ્ધિક તરીકેના તેમના સહયોગનું એક મુખ્ય માધ્યમ છે ‘નિરીક્ષક’ પખવાડિક. ‘નયા માર્ગ’ અને ‘ભૂમિપુત્ર’ની જેમ લગભગ દરેક ક્ષેત્રને લગતાં કદર અને નિસબતના ભાવ સાથેના લખાણો તો તેમાં આવે જ છે. પણ સહુથી મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ વાજબી વિરોધને વ્યક્ત કરવા માટેનો અસાધારણ લોકશાહી ઢબનો મંચ પણ ‘નિરીક્ષકે’ પૂરો પાડ્યો છે. લોકવિરોધી, વિકાસ-વિરોધી નીતિરીતિ, એકાધિકારવાદ, પિતૃસત્તા, વર્ણવ્યવસ્થા, શિક્ષણનું વેપારીકરણ જેવાં દૂષણોની સામેના તમામ પ્રકારના તેજાબી લખાણોને ‘નિરીક્ષક’માં મળ્યું છે તેવું સ્થાન બહુ ઓછી જગ્યાએ મળ્યું છે. તેમાં ય ગયાં પચીસેક વર્ષનાં કોમવાદી રાજકારણનું ‘નિરીક્ષક’ બિનપક્ષીય રીતે પ્રખર અને મુખર ટીકાકાર રહ્યું છે. વ્યક્તિગત રીતે પ્રકાશભાઈની પ્રતિબદ્ધતા એવી છે કે તે રાજકીય સામેલગીરીના ભાગ રૂપે સુધરાઈની ચૂંટણી તો લડ્યા જ છે. પણ હંમેશાં મોટા ભાગના વિરોધ કાર્યક્રમોમાં શબ્દશ: રસ્તા પર આવતા રહ્યા છે. તેમની હાજરીથી વિરોધ-પ્રદર્શનોને મોટું બળ મળે છે.

‘વિદ્યાધન: સર્વ ધન: પ્રધાનમ્‌’ એ ઉક્તિ પ્રકાશભાઈ માટે સાર્થક છે એ કહેવામાં એ યાદ રાખવું ઘટે કે તેમણે અનેકાનેક મહાન પુસ્તકોનાં સતત સેવનથી મેળવેલી વિદ્યા એ ‘યા વિદ્યા સા વિમુક્તયેત’ પ્રકારની છે. તેમનો ઝગઝોરી દેનારો વિદ્યાવિહાર ગયાં સાતેક વર્ષમાં વિવિધ ઉપક્રમો હેઠળ તેમણે આપેલી વ્યાખ્યાનમાળાઓના ચાળીસેક વ્યાખ્યાનોમાંથી મળે છે. તેમના સંદર્ભપ્રચૂર લેખોમાંથી પણ તેમનાં કોશ-સમ જ્ઞાનની ઝલક મળે છે. તે લેખોમાં દુર્બોધતા છે, પણ સાથે નવનવોન્મેષશાલિની ભાષા પણ છે.

હમણાં એક લેખમાં પ્રકાશભાઈએ પશ્ચિમના પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ્સ નોઆમ ચૉમ્સ્કી અને યુર્ગેન હાબરમાસ વિશે લખ્યું કે ‘શાસન તેમ જ કૉર્પોરેટ પરિબળોના વકરતા સત્તાવાદ સામે લોકશાહી છેડેથી પ્રજાસૂય બાલાશ જાણવામાં એમનો જોટો નથી.’ હાબરમાસ-પ્રણિત પબ્લિક સ્ફિઅર કહેતાં ‘ચાચર ચોક’ – ‘પ્રજાના પોતાના પરિસર, પ્રભાવક્ષેત્ર’માં પ્રકાશભાઈ સતત રહ્યા છે, તેના અંધારાં ઉલેચવા મથતા રહ્યા છે. ચૉમ્સ્કીએ ‘ધ રૅડિકલ ઇન્ટેલેક્ચ્યુઅલ’ નામનાં વ્યાખ્યાનમાં કહ્યું છે : ‘ધેર ઇઝ નો શૉર્ટેજ ઑફ ટાસ્ક્સ ફૉર ધોઝ હુ ચૂઝ ધ વોકેશન ઓફ ક્રિટિકલ ઇન્ટેલેક્ચ્યુઅલ, વૉટએવર ધ સ્ટેશન ઑફ લાઇફ’. − એ પ્રકાશભાઈની સક્રિયતાને તંતોતંત લાગુ પડે છે.

ચૉમ્સ્કી અને હાબરમાસને ‘નેવું નાબાદ’ કહીને પ્રકાશભાઈએ ખુશી વ્યક્ત કરી છે. એંશીએ આબાદ પ્રકાશભાઈ પણ નેવું નાબાદ તો હશે જ !  

*********

18 જુલાઈ 2019

પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 19 જુલાઈ 2019

Loading

‘ગાંધી : મહાપદના યાત્રી’ વિશે

દક્ષા વિ. પટ્ટણી|Gandhiana|19 July 2019

[ગાંધી : મહાપદના યાત્રી : જયન્ત પંડ્યા, પ્રકાશક – સંસ્કૃતિ, ૭૦૮, સાંકડી શેરી, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૭, પૃ. ૧૦૮, કિં. રૂ. ૬૦/-]

શ્રી જયન્તભાઈ પંડ્યા આપણા ચિંતનાત્મક સાહિત્યના સર્જક અને અનુવાદક તરીકે વિશેષ નોંધપાત્ર રહ્યા છે. તેમણે કરેલા મેઘદૂત અને ઇલિયડના પદ્યાનુવાદને બાદ કરતાં એમણે આપેલા લેખસંગ્રહો, શૂમાખર જેવા જગતવિચારકની કૃતિનો અનુવાદ અને એમણે લખેલાં ચરિત્રો એ મુખ્યત્વે વિચારપ્રધાન સાહિત્યનું સર્જન છે અને તેમાંયે ગાંધીવિચારને સમજવા-સમજાવવાનું જેમાં વિશેષ લક્ષ્ય છે તેવાં પુસ્તકોમાં ગાંધીજી, મહાદેવભાઈ અને મીરાંબહેન વિશેનાં એમનાં પુસ્તકો અને ‘ગાંધી – સવાસો’ પછી ‘ગાંધી : મહાપદના યાત્રી’ એ પણ ગાંધીવિચારને એક ચોક્કસ અભિગમથી આલેખતું ચરિત્રાત્મક પુસ્તક છે. આમ ચરિત્રસાહિત્ય અને તે પણ વૈચારિક ભૂમિકાને સ્પષ્ટ કરતું સાહિત્ય એ જયન્તભાઈના સાહિત્યસર્જનનું પ્રધાન અંગ છે. પ્રકૃત્તિથી અને પ્રવૃત્તિથી એમનો નાતો સદાયે વૈચારિક જગત સાથે રહ્યો છે.

‘ગાંધી : મહાપદના યાત્રી’ એ ગાંધીજીના જીવન વિષે લખાયેલું પુસ્તક હોવા છતાં એ ગાંધીજીનું સંપૂર્ણ ચરિત્ર નથી. લેખકનો એ પ્રયાસ પણ નથી. તેનો અભિગમ અને સર્જનપ્રક્રિયા બન્નેનો સ્પષ્ટ ખ્યાલ તેમણે નિવેદનમાં આપી દીધો છે.

ઈ.સ. ૧૯૯૭માં લોકભારતી સણોસરામાં આપેલાં વ્યાખ્યાનોનું આ સંવર્ધિત રૂપ છે. એટલે સ્વાભાવિક રીતે જ તેનો પૂર્વભાગ એ વ્યાખ્યાનની સહજ સરળ અભિવ્યક્તિ રૂપે લખાયો છે, પરંતુ એને જ્યારે લેખિત સ્વરૂપ અપાય છે ત્યારે તેમાં કેટલાક આધારો, અવતરણો, નોંધો મૂકી શકાય જેથી ગ્રંથ પ્રમાણભૂત બને. (જયન્તભાઈએ તે કર્યું છે) આથી જયન્તભાઈનું આ પુસ્તક લોકભારતીમાં આપેલાં વ્યાખ્યાનો અને લખાણનું મિશ્રણ છે અને એથી કદાચ વિશેષ ઉપયોગી બને છે.

આ ચરિત્ર-ગ્રંથ નથી. લેખકે ધાર્યું હોત તો ચરિત્ર લખી શકત એટલી દૃષ્ટિ અને સૂઝ તેમની પાસે છે તેનો પરિચય લેખકે પોતાના અંગ્રેજી (ગાંધીજી એન્ડ હિઝ ડિસાઇપલ્સ) અને ગુજરાતી (ગાંધી – સવાસો) બન્ને પુસ્તકોથી કરાવ્યો છે પણ ગાંધીજીનું ચરિત્ર જ હિમાલય જેવું ભવ્ય છે કે તેને બાથ ભીડવા કરતાં કોઈ પણ દૃષ્ટિકોણથી તેને નિહાળવું અને આલેખવું એ કલાકારને વધુ પસંદ પડે, અનુકૂળ પડે.

જયન્તભાઈએ આપેલ આ વ્યાખ્યાનોનો વિષય છે ગાંધીજીને મહાત્મા બનાવનારાં પરિબળો. લેખકને મોહ નથી બધાં જ પરિબળોની વિગત આલેખવાનો. શ્રોતાઓને રસ પડે, સમજાય અને વાતાવરણમાં સહજ રીતે પ્રગટ થાય તેવાં કેટલાંક પરિબળોનો તેમણે ઉલ્લેખ કર્યો છે જે વ્યાખ્યાનની સરળ શૈલીમાં ઉપયોગી છે પણ અભિવ્યક્તિની શાસ્ત્રીયતા તેમણે છોડી નથી.

પુસ્તક પાંચ પ્રકરણમાં લખાયેલું છે. પહેલું જ પ્રકરણ હરિનો મારગ – ગાંધીજીના મૃત્યુના આઘાતની વિશ્વવ્યાપી સંવેદનાને પ્રગટ કરે છે અને ગાંધીજીના આ વૈશ્વિક વ્યક્તિત્વને પામવા માટે લેખક આપણને ગાંધીજીના સમગ્ર જીવનમાંથી પસાર કરે છે, પરંતુ એમનું લક્ષ્ય સ્પષ્ટ છે – ગાંધી મહાપદના યાત્રી બન્યા છે તે માર્ગ દર્શાવવાનું. એ સિવાયની બધી જ વિગતો એમણે છોડી દીધી છે એટલે ક્ષેત્રની સ્પષ્ટ રેખાઓ દોરી આપીને એ જ દિશામાં ગતિ કરી છે.

ગાંધીજીના આ આન્તરવિકાસની ગાથાને એમણે ત્રણ વિભાગમાં આલેખી છે. પહેલો વિભાગ તે આત્મકથામાં નિરૂપાયેલ જીવનવિકાસ, બીજો દક્ષિણ આફ્રિકાનો ઘડતરકાળ અને ત્રીજો ઈ.સ. ૧૯૧૫માં હિન્દુસ્તાન આવ્યા પછી ગાંધીજીએ કરેલ કાર્યોમાંથી પ્રગટતા તેમના વિરાટ વ્યક્તિત્વનો. ગાંધીજીના મૃત્યુથી સર્જાતી શૂન્યાવકાશની સંવેદનાથી પુસ્તકનો પ્રારંભ કરી અંતે ગાંધી શાશ્વત સત્યના, પરમસત્યના યાત્રી હતા જેના વિચારોનો પ્રકાશ હજારો વર્ષ પછી પણ સમગ્ર વિશ્વને શાંતિ અને શ્રદ્ધા આપતો રહેશે એવી શ્રદ્ધા અને પરિતૃપ્તિ સાથે પુસ્તક પૂરું થાય છે.

જગતના કોઈ પણ મહાપુરુષ કરતાં ગાંધીજીની વિશેષતા એ છે કે એ તદ્દન સામાન્ય માણસમાંથી પોતે સભાનપણે પોતાની જાતને ઘડીને અસામાન્ય બન્યા. આત્માથી મહાત્મા સુધીની આ યાત્રા અથવા કહો કે સાધનાની રૂપરેખા એ આ પુસ્તકનો વિષય છે. લૂઈ ફિશરે ગાંધીજીના જીવન વિષે સરસ અને સાચું કહ્યું છે. “જાતે ઘડાવાની કળા” અલબત્ત આ પુસ્તકમાં તો જાતે ઘડવા પર પણ બહુ ભાર મુકાયો નથી. જે પરિબળોથી તેમનું ઘડતર થયું તેનાં દૃષ્ટાંતો આત્મકથા અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાંથી મૂક્યાં છે પણ એ મૂકતી વખતે લેખકની જે દૃષ્ટિ છે તે ધ્યાન ખેંચે તેવી છે. દા.ત. ગાંધીજી વિલાયતમાં અભ્યાસ કરવા માટે ગયા ત્યાં સભ્ય થવાની ઘેલછામાં ગાંધીજીએ જે જે પ્રયોગો કર્યા અને પછી છોડ્યા તે અત્યંત ટૂંકમાં દર્શાવી લેખક લખે છે : “એક પોષાકની ટાપટીપ બાદ કરતાં અન્ય કળાઓનો લોભ જતો કર્યો.” આ નિરીક્ષણ બહુ સૂચક છે.

પહેલાં ૨૨ પાનાંમાં આત્મકથાના પ્રસંગોનું આલેખન છે જેમાં ગાંધીજીના જીવનને ઘડનાર અનુકૂળ અને પ્રતિકૂળ પરિબળોનું વર્ણન છે. એ પ્રત્યેકમાંથી ગાંધીજી શું શીખે છે જે એમને મહાપદની યાત્રાએ લઈ જાય છે તેનું આલેખન છે પણ અત્યંત સીમિત છે. એ વિભાગ પૂરો કરતાં લેખક જે કહે છે તેમાં એમનું દૃષ્ટિબિંદુ કેટલું સ્પષ્ટ છે ! તેનો હજુ સામાન્ય માણસોને ખ્યાલ નથી. ઈ.સ. ૧૮૯૩માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા નીકળે છે ત્યાં પહેલા ખંડની સાધનાનું વર્ણન પૂરું કરતાં લેખક લખે છે –

“ઈ.સ. ૧૮૯૩ના એપ્રિલ માસમાં નવા મુલકની સફરે નીકળેલા ચોવીસ વર્ષના આ યુવાન બૅરિસ્ટરે જીવનની વિદ્યાપીઠ પાસે શીખી શકાય તેટલું શીખી લેવામાં આળસ કરી ન હતી. એ શિક્ષણ વર્ગખંડોમાં નહીં પણ વર્ગની બહાર પ્રકૃતિ, પુરુષ અને પરિવેશ પાસેથી મળેલું અને તેના સાર રૂપે જે સત્ય ગાંધીજીને લાધ્યું તે હતું ‘આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિ માત્રનો સમાવેશ સત્યમાં છે.’”

ગાંધીજીએ આપેલ આ સારરૂપ તત્ત્વને પકડીને લેખક આપણને સત્યની શોધ તરફ લઈ જાય છે. આમ પહેલું પ્રકરણ એ આન્તર ઘડતરનું છે અને બીજામાં એ વ્યક્તિગત સાધનામાંથી વિસ્તરી સામાજિક જીવન સાથે સંકળાય છે તેનું આલેખન છે.

બીજા પ્રકરણનું નામ છે ‘વૈષ્ણવજન’. લેખકે દક્ષિણ આફ્રિકાની અનેક અદ્ભુત ઘટનાઓ અને ઘડતરની પણ અનેક વાતો જતી કરી છે. એમનું લક્ષ્ય છે વૈષ્ણવજન તરીકેના ગુણો ગાંધીજીના જીવનમાંથી ક્યાં અને કેવી રીતે પ્રગટ્યા તે દર્શાવવાનું, આથી, અત્યંત સંયમપૂર્વક એમણે અનેક આકર્ષક પ્રસંગો જતા કર્યા છે એ એમની વિશેષતા છે, પરંતુ ગાંધીજીના આધ્યાત્મિક વિકાસની અત્યંત ઊંચી ભૂમિકાને આલેખતા પ્રસંગોને લેખક કેમ ચૂકી ગયા હશે ? તેવો પ્રશ્ન સહેજે ઊભો થયા વિના રહેતો નથી.

દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ઈ.સ. ૧૯૧૫માં હિન્દુસ્તાન આવ્યા તે દર્શાવતાં લેખક કહે છે : “ઇતિહાસનાં પાનાંમાં અવતરતું સ્વચ્છ વ્યક્તિત્વ …” ગાંધીજીનું ઐતિહાસિક સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું છે. એમનું પારદર્શક વ્યક્તિત્વ જગતે નિહાળી લીધું છે. એ સિદ્ધિનું તેમાં સૂચન છે.

ત્રીજો ખંડ છે ‘વડવાનલમાં ટકેલું ગુલાબ’. આ ખંડમાં હિન્દુસ્તાનમાં આવ્યા પછી ગાંધીજીએ કરેલ વિવિધ સત્યાગ્રહોની વાત છે પણ લેખકનું જે તારણ છે તે છે : “સત્યાગ્રહોએ ગાંધીની આકૃતિને નખશિખ કંડારનારા ટાંકણાનું કામ કર્યું હતું.” અને પછી લખે છે : “ગાંધીને ઘડનારાં પરિબળોના કેન્દ્રસ્થાને ઘડવૈયા રૂપે ઊભેલા છે સ્વયમેવ ગાંધી.” અહીં એમનો વિચાર લૂઈ ફિશરના વિચાર સાથે એક થાય છે અને દર્શન સ્પષ્ટ થાય છે.

ઈ.સ. ૧૯૧૬ના બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગાંધીજીએ આપેલા વ્યાખ્યાનથી ૧૯૨૨માં અમદાવાદના સર્કિટ હાઉસમાં ચાલેલા કેસની ભવ્યતાને લેખકે આલેખી છે. ધીમે ધીમે વિરાટ થતું વ્યક્તિત્વ ખડું થાય છે.

ઈ.સ. ૧૯૩૧માં ગાંધી-અર્વિન સમજૂતી થયા પછી; ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજા માફ કરાવવા ગાંધી વાઇસરૉયને મળે છે તે અંગેની વિગત આપીને લેખકે ઘણા યુવાનોના મનમાં ગાંધીજી વિશે ચાલતી ગેરસમજને દૂર કરી સાચી માહિતી આપી છે. આ પ્રકરણમાં લેખકે પ્રમાણભૂત માહિતી આપવા મોટાભાગે ‘અક્ષરદેહ’માંથી અવતરણોનો આશ્રય લીધો છે જે એમને કહેવાની વાતને પુષ્ટ કરે છે.

૧૯૪૪થી ’૪૮ સુધીનો સમય જે ગાંધીજીના જીવનનો મહાભિનિષ્ક્ર્મણનો કાળ, જેમાં ગાંધીની કરુણા, એમની વેદના અને એમની આધ્યાત્મિકતા પરાકાષ્ઠાએ પહોંચે છે. તેની અહિંસાનાં અપૂર્વ પરિણામો જગત નિહાળે છે અને છતાં ગાંધીની કલ્પનાનું ચિત્ર ભૂંસાતું જાય છે તેનું આલેખન ‘પ્રેમપંથ પાળકની જ્વાળા’ એ શીર્ષક નીચે કર્યું છે.

જગતના મહાન સાહિત્યકારોએ કહ્યું છે કે જેણે જેણે માનવજાતને પ્રેમ કર્યો છે તેને માટે પાવકની જ્વાળા અનિવાર્યપણે આવે છે. પ્રોમિથિયસ બાઉન્ડની કવિતાની જાણે યાદ આપે એવી આ ઘટના છે.

ઘેરી કરુણતા, નિષ્ફળતા, વેદના, આઘાતો અને એ બધાંમાંથી મુક્ત થઈ અન્તરાત્માના અવાજને અનુસરતો, સત્યની વાટે એકલો જતો આ પ્રકાશ, વ્યક્તિ મટી વિચાર બની જતા ગાંધી, તેનું કરુણ-ભવ્ય દર્શન છે અને છેલ્લે ‘પ્રભુ પરમ સત્યે તું લઈ જા’ એ પ્રકરણમાં ગાંધીજીના જીવનમાં સ્થૂળ સત્યના પાલનથી વિકાસ થતાં થતાં પરમ સત્ય સુધી એ પહોંચ્યા એનું આલેખન છે. વિચારના આ વિકાસમાં ‘ઈશ્વર સત્ય છે, પ્રેમ છે’ એ અનુભવથી માંડી ‘સત્ય એ જ ઈશ્વર છે’ એ દર્શન સુધી પહોંચ્યા તેનું આલેખન છે. ઉપરાંત ગાંધીજી વિષેની કેટલીક ગેરસમજોને સ્પષ્ટ કરતી વિગતો છે જે અભ્યાસીને ઉપયોગી બને તેવી છે.

વ્યાખ્યાનમાંથી પુસ્તક બનેલ આ કૃતિમાં વાતચીતની સાહજિકતા છે તો ગ્રંથની ક્રમબદ્ધ આલેખનપદ્ધતિ પણ છે. પ્રસંગોની રોચકતા છે તેમ વિગતોના આધારો પણ છે. કેટલીક જગ્યાએ આધારો ટાંક્યા પછી તેના અનુસંધાને કરેલ નોંધમાં વિગતદોષ છે તે નિવારી શકાઈ હોત. કેટલીક સરતચૂક જે અત્યંત મહત્ત્વની છે – દા.ત. પાના નં. ૮૮ પર રાષ્ટ્રપિતા નામ વિશેની વિગતે ચર્ચા છે, પરંતુ ગાંધીજીને રાષ્ટ્રપિતા એવું સંબોધન આપનાર સુભાષચંદ્ર બોઝ હતા અને હિંસાને માર્ગે જઈ ગાંધીજીથી છૂટા પડ્યા પછી પણ એમનો એ આદર જીવનભર હતો એ વાતનો ઉલ્લેખ થયો હોત તો ઘણું સારું હતું.

એકંદરે ગાંધીજીના આન્તરવિકાસને આલેખતું – આત્માથી મહાત્મા સુધીની વિકાસયાત્રાનું આ પુસ્તક તેની સહજ સરળ અભિવ્યક્તિ, પ્રમાણભૂત આધારો, સ્પષ્ટ જીવનદૃષ્ટિ અને ગાંધીજીના ઊંડાણભર્યા અભ્યાસથી આસ્વાદ્ય બન્યું છે. ગુજરાતીમાં ગાંધીજી વિશે લખાયેલાં અભ્યાસપૂર્ણ પુસ્તકોમાં તેનું મહત્ત્વનું સ્થાન રહેશે.

[‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પ્રકાશન]

Loading

વાત કવિના બૌદ્ધિક અભિગમની

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 July 2019

ગામથી શબ્દ લઈને નીકળેલા ‘જાહેરજીવનના કવિ’ ઉમાશંકર જોશી (ઈ.સ. ૧૯૧૧ – ૧૯૮૮) આજીવન શબ્દનો વિસારો વેઠયા વિના અનેક ઊંચા આસને બિરાજ્યા હતા. દેશની સાંપ્રત સ્થિતિમાં ૨૧મી જુલાઈની ઉમાશંકર જયંતીએ તેમના શબ્દ અને જીવનની યાદ સ્વાભાવિક છે.

માંડ સત્તર વરસની ઉંમરથી લખવા માંડેલા ઉમાશંકરે એક વાર એ મતલબનું લખેલું કે કોઈ પુસ્તકને પાઠયપુસ્તક તરીકે ભણવાની વાત પુસ્તકનો સ્વાદ બગાડવા પૂરતી હોય છે, પરંતુ વિદ્યાર્થી ઉમાશંકરને કોલેજના બીજા વરસમાં ખુદનો કાવ્યસંગ્રહ ભણવાનો આવેલો ! આવાં તો કંઈક કૌતુકો આ કવિની જિંદગીમાં જોવા મળે છે. બંધારણ મુજબ વડાપ્રધાન માટે અનામત રખાયેલી રવીન્દ્રનાથની વિશ્વભારતીના આચાર્ય તરીકેની તેમની નિયુક્તિ એક અપવાદ હતો. તેઓ ૧૯૭૦થી ૧૯૭૬ સુધી રાજ્યસભાના રાષ્ટ્રપ્રમુખ નિયુક્ત સભ્ય હતા. તે દરમિયાન ૧૯૭૨ની લોકસભા ચૂંટણીમાં તેમનું નામ અમદાવાદની લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર તરીકે સૂચવાયું હતું. જો કે તેમના બદલે અન્યને ટિકિટ મળી તો ગેરસમજ ટાળવા ખુદ વડાંપ્રધાન ઇંદિરા ગાંધીએ ઉમાશંકરભાઈને પત્ર લખી સ્પષ્ટતા કરી હતી. ઇંદિરા ગાંધીએ લખેલું કે રાજકારણની ધાંધલ ધમાલમાં એક કવિને ખેંચવા અંગેના ડહાપણ વિશે શંકા થતાં તેમને ઉમેદવાર બનાવાયા નહોતા. ઉમાશંકરભાઈ રાજકારણના વિકલ્પે જાહેર બાબતો – પબ્લિક એફ્ર્સ શબ્દ પ્રયોજતા હતા. એટલું જ નહીં તેમના માટે કવિતા, રાજકારણ અને ધર્મ એકંદરે જુદાં નહોતાં . ૧૯૫૬માં પદ્મશ્રી અને ૧૯૭૨માં પદ્મવિભૂષણના ખિતાબો સ્વીકારવાનો તેમણે ઈક્નાર કર્યો હતો. તો સાંસદ તરીકે મળતું પેન્શન પણ લીધું નહોતું.

બચપણમાં આર્થિક અભાવોનો જાતઅનુભવ કરી ચૂકેલા ઉમાશંકર જોશી આરંભે ‘ઓછા વિદ્યાપોષણ’ ઉપર ઉછરેલા. બામણા અને ઈડર પછી એ વધુ ભણવા અમદાવાદ આવેલા. અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયની સમૃદ્ધ વાચનસામગ્રીથી તે ઘડાયા, આઝાદીની લડતમાં ખેંચાયા. શબ્દના અતૂટ નાતા સાથે તે જાહેરજીવનમાં રહ્યા અને ‘મથામણોની ન મણા હજો મને’ ગાતા આ કવિએ ૧૯૮૪માં પ્રગટ ‘સર્જકની આંતરકથા’માં લખ્યું હતું, ‘ઉત્સાહ હજુ શિખાઉનો છે.’

‘ચેતના ઉપર સર્વોપરી કૃતિની કલામયતા’ એમ સ્વીકારતાં છતાં એ સાહિત્યને જીવન સંદર્ભથી છેટું માનતા નથી. તેમણે લખ્યું છે, ‘હું હજી સમજી શકતો નથી કે શા માટે માણસ કવિતામાં પોતાના જમાનાનો નિર્દેશ કરી ન શકે.’ ( થોડુંક અંગત, પૃષ્ઠ-૧૦૩). કાકાસાહેબ કાલેલકરે બહુ આરંભમાં જ ઉમાશંકરની આ સમજ પારખીને કહેલું કે ‘તું કવિ છે પણ તારો અભિગમ બૌદ્ધિક છે.’ કવિ ઉમાશંકરનો આ બૌદ્ધિક અભિગમ એમના ૧૯૬૮ના ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખીય વક્તવ્યમાં જોવા મળે છે. સૌ સર્જક સાહિત્યકાર-કલાકાર માટે ‘કવિ’ શબ્દ જ પ્રયોજતા ઉમાશંકર એલિયટને ટાંકતા કહે છે, ‘કોઈ કૃતિ એ કાવ્ય છે કે કેમ એ કાવ્યકલાના ધોરણે નક્કી થાય, પણ એ કાવ્યકૃતિ મહાન છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં જ નક્કી કરવાનું રહે.’ શુદ્ધ કવિતાને અશક્ય આદર્શ લેખાવીને તેમણે આ જ ભાષણમાં કહ્યું હતું,

“બીજી લલિતકલાઓમાં શુદ્ધ કલા સિદ્ધ કરવાનું સંભવિત હશે તેટલું કાવ્યકળામાં નથી. કવિનું માધ્યમ શબ્દ એ સામાજિક નીપજ હોઈ એના અર્થ-અંશમાં સમાજને અનેક બિંદુએ સ્પર્શતો સંદર્ભ પ્રવેશે છે.”(પરિષદ પ્રમુખોનાં ભાષણો, પૃષ્ઠ-૪૫૯)

દેશનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ પુરસ્કાર ઉમાશંકર જોશીને મળ્યું હતું. ૧૯૬૮માં તે સ્વીકારતી વેળા તેમણે કહ્યું હતું, “ એટલું જરૂર કહી શકું કે કવિ તરીકે વિકસવું હોય એણે ઉત્તરોત્તર વધુ ને વધુ બહોળા સમાજ સંદર્ભમાં ઓતપ્રોત થતા રહેવાનું હોય છે.” ૧૯૮૫માં તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ફેલો તરીકે વરાયા ત્યારે આપેલા પ્રતિભાવમાં તેઓ કહે છે, “મારે એ સ્વીકારવું જોઈએ કે જાહેરજીવનના પ્રશ્નોમાં હું વારંવાર અને નજીકથી સામેલ ન થયો હોત તો મારા માટે લેખક બનવું શક્ય ન હતું.”

સામાજિક નિસબત અને જાહેરજીવનના સવાલો તેમના લેખન-સર્જનમાં અવિનાભાવે જોડાયેલા હતા. “ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મકણી ન લાધશે” એ અમર કાવ્યના આ સર્જક કવિનું કહેવું હતું કે, “વળી જનતાના જીવનમાં તો ખૂણેખૂણે કવિતા ઉભરાય છે, જ્યારે શબ્દસ્થ કવિતા, જનતાના નીચલા થરો સુધી પહોંચતાં હજી ડરતી, અચકાતી હોય એવું જણાય છે.” ભૂખ્યાજનોના જઠરાગ્નિના માર્ક્સવાદી ઉદ્ગારને તેઓ “કાંઈક વહેલો, આપણી ભાષાઓ માટે” ગણે છે. “રામજી! કાં રોટલા મોંઘા? લોહીમાંસ આટલાં સોંઘાં?” એવી ઉમાશંકરની કાવ્યપંક્તિ અભાવની પીડા અને આક્રોશ વ્યક્ત કરે છે. ‘સાપના ભારા’ના એકાંકીઓ અને થોડી વાર્તાઓ સર્જક ઉમાશંકરની સામાજિક નિસબતની ગવાહી રૂપ છે.

સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક માટે તેમણે ૧૯૪૭થી ૧૯૮૪નાં ૩૮ વરસ ‘સંસ્કૃતિ’ સામયિક ચલાવ્યું.

તેમાં લખાતી તેમની ‘સમયના રંગ’ની નોંધો (જે પછી ‘સમયરંગ, ‘શેષ સમયરંગ’ અને ‘વિશ્વરંગ’ રૂપે ગ્રંથસ્થ છે) એક કવિના બૌદ્ધિક અભિગમને અને જાહેર અગત્યની બાબતો પરના તેમના અભિપ્રાયોને વ્યક્ત કરે છે. તેમના અનેક વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. જાન્યુઆરી ૧૯૪૯ના ‘સંસ્કૃતિ’માં તેમણે લખ્યું હતું, “પ્રજાજીવનને સરકારની આજુબાજુ એટલે કે સત્તાની આસપાસ રાસ લેતું કરી મૂકીશું તો તે જેવીતેવી આપત્તિ નહીં હોય. પ્રજાજીવનના કેન્દ્રમાં સત્તાનું તત્ત્વ હોય અને જો એ ધનિકોનું કિં-કર બની રહે તો એ પરિસ્થિતિ ભારે બેચેન કરનારી થઈ પડે.” તો ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું ?”ના પ્રત્યુત્તરમાં એમણે જે લખેલું તે ગાંધીના સાર્ધશતાબ્દી વરસે પણ એટલું જ સાચું છે કે, “આ આખું વરસ એ નામ (ગાંધીનું) ઉચ્ચારવું નહીં.”

સામાજિક ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા ઉમાશંકર જોશીની પહેલી પ્રાથમિકતા હતાં. ‘આર્થિક-સામાજિક અન્યાયોને ઝડપથી દૂર કરવાની લોકશાહીની અશક્તિને’ તેઓ ‘અનૈતિક’ ગણાવે છે અને ‘લોકશાહી સ્વાતંત્ર્યના માળખામાં સામાજિક ન્યાય હાંસલ કરવો એ પ્રજાસત્તાક હિંદનું ધ્યેય છે.” એમ સ્પષ્ટપણે કહે છે. નવોદિતો જોગ સલાહના તેમના બોલ છે કે, “હું જ્યારે ખીલતો લેખક હતો ત્યારે કોઈની સલાહ સાંભળતો નહીં. કોઈની સલાહથી અબાધિત રીતે સર્જક આવેગ પ્રફુલ્લિત થઈ રહેવો જોઈએ.” અને “હું નનૈયો ભણાવનાર (ડોન્ટ્સ આપનાર) કોણ? કોઈના નનૈયાને માન આપીશ નહીં, માંહ્યલાને બોલવા દેજે.” લેખકમાત્રને સાચું કર્તવ્ય ચીંધતા તેમણે કહ્યું હતું, “હા, લેખકે જેમાં ભાગ ભજવવાનો છે તે આ છેઃ સમાજનું માનુષીકરણ. લેખકો પરિવર્તનના સાધકો છે, હૃદયપરિવર્તનના.”

ઉમાશંકરની આ વાણી ન માત્ર કાળજે ધરીએ તેને અમલી પણ કરીએ.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 17 જુલાઈ 2019

Loading

...102030...2,7382,7392,7402,741...2,7502,7602,770...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved