Opinion Magazine
Number of visits: 9576796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રકાશ ન. શાહ : માતબર મુલાકાતો સ્વરૂપે વ્યક્તિવિશેષના જીવનસર્જનનું અંતરંગ આલેખન

બકુલા દેસાઈ - ઘાસવાલા|Opinion - Opinion|11 August 2019

સાર્થક સંવાદ શ્રેણી : * ઉર્વીશ કોઠારી *

પ્રકાશભાઈ મારા માટે અજાણ્યા નથી. એમને નીમુકાકી, ઈલાબહેન – સારાબહેન અને ‘અવાજ’, “નિરીક્ષક”, “દિવ્ય ભાસ્કર”, નયનાબહેન, મનીષા, અનસૂયાભાભી અને હવે ઉર્વીશ કોઠારીના આ પુસ્તકની નજરે જોઈ, વાંચીને કે સાંભળીને સમજવાનો પ્રયાસ કર્યો છે, જેની અહીં પ્રસ્તુતિ.

પહેલી વાર એમને અનાયાસે વલસાડમાં મળવાનું બનેલું. મને એવું ફોમ છે કે આવકારના રાજેન્દ્ર આચાર્યે એમનું વક્તવ્ય રાખેલું. એમણે વલસાડમાં ઘાસવાલા બહેનની તપાસ કરી એટલે રાજેન્દ્રભાઈએ વલસાડમાં સહજપણે લોકો મને ઓળખે તેથી માની લીધું કે તેઓ મને યાદ કરે છે, પરંતુ તેઓ મને નહીં, મારા કાકીજી નીમુબહેનને યાદ કરતા હતા. પરંતુ અમારે ઓળખાણ થઈ ગઈ. પછી મેં નીમુકાકીને વાત કરી કે “નિરીક્ષક”વાળા પ્રકાશભાઈ તમને યાદ કરતા હતા એટલે કાકી કહે કે હેં પ્રકાશ આવેલો? એ તો અમારો બાળપણનો પડોશી. આમ પ્રકાશભાઈ વધારે જાણીતા બન્યા.

ઈલાબહેન સાથે અમે ઘણી ચર્ચા કરતાં એટલે “નિરીક્ષક” તો વાતમાં આવે જ. એ સમયે મને પ્રકાશભાઈના સંઘ સાથેના ભૂતકાળના સંબંધોની ખબર ન હતી જેટલી ઉર્વિશના વાર્તાલાપથી ખબર પડી. મેં તો ત્યારે જ ઈલાબહેનને એવું કહી પાડેલું કે તમે સ્થાપિત હિતોની સામે એટલે કે સરકાર સામે ભલે સ્ત્રીઓના મુદ્દા પર મનમાં આવે તે બોલો કે લખો પણ યાદ રાખજો કે પ્રકાશ શાહનો વાળ વાંકો નહીં થાય પણ આપણી બાય ન બોલાય જાય! ઈલાબહેન કહેતાં કે એ તો અતિ વિશ્વસનીય વ્યક્તિ છે. ઈલાબહેન ગયાં પછી સારાબહેન પણ ખૂબ માનપૂર્વક એમને અવાજના સહ્યદય મિત્ર તરીકે યાદ કરે. આ અરસામાં મને પણ “નિરીક્ષક”માં લખવાનો મોકો મળતો રહ્યો એટલે પ્રકાશ શાહ પર વિશ્વાસ વધ્યો, બાકી પુરુષો માટે મારી સામાન્ય છાપ એવી કે તેઓ વિચારણીય બાબતે સ્ત્રીઓને ખાસ ગણે નહીં! આટલા પ્રલંબ વાર્તાલાપમાં એ મુદ્દો મને દેખાયો પણ ખરો. નયનાબહેન, સુવર્ણા અને મંદાબહેન અલપઝલપ દેખાયાં બાકી તો સ્ત્રીઓ ગેરહાજર! જરૂર લાગી ત્યાં સૂચેતાબહેન કે ઇન્દિરાજી આવ્યાં ખરાં પણ નોંધનીય રીતે નહીં! ગુજરાતના રાજકારણ અને જાહેરજીવનમાં કદાચ સ્ત્રીઓ ઓછી એટલે પણ હોય.

વાત તો નયનાબહેનને કરવી જોઈએ. આમ તો હું એમને મળી છું ને ફોન પર વાત કરી છે પણ એ સંબંધ ગાઢ ન કહેવાય તો પણ મને એટલી છાપ તો પડેલી કે નયનાબહેન પ્રકાશભાઈ માટે વધારે સમર્પિત અને નિસબત રાખે. આ પુસ્તકમાંથી પસાર થતાં એ છાપ ખાતરીમાં બદલાઈ ગઈ. પ્રકાશભાઈ માટે મને વાર્તાલાપને અંતે એવી છાપ પડી કે આ નરસિંહ મહેતાના અવતાર સાથે નયનાબહેને સંસાર માંડવાનું પસંદ કેમ કર્યું હશે? મારી સમજ મુજબ પ્રકાશભાઈ ભલું થયું ભાગી જંજાળની માનસિકતા ધરાવે, જો કે સુખે ભજીશું શ્રી ગોપાળ ન કરે તે સો ટકા સાચું. હરિને કરવું હોય તે કરે તેમાં ન માને પણ હાથમાંથી સરી જતી રેતીની જેમ બધું સરી જાય કે જાતે સેરવી મૂકે તો તેની તકેદારી ન રાખે એટલા નિસ્પૃહી તો ખરા.

પત્રકારત્વ, ચિંતન, રાજકારણ અને સમાજકારણમાં સંકલન એવી એવી અનેક ભૂમિકા ભજવીને અત્યારે તેઓ જ્યાં છે ત્યાં એમને કઈ રીતે જોવા? તેઓ તો કહે છે કે મને રસિકજણ તરીકેની ઓળખ ગમે, પરંતુ એક વાત નક્કી છે કે તેઓ પોતાને માને એટલા રસિક નથી બલકે ગંભીર રીતે વિચારનાર, આગળ જોનાર, સાંપ્રત પરિસ્થિતિને તટસ્થતાથી મૂલવનાર ચિંતક છે. ઉર્વીશે એમની સાથે દેશ અને ગુજરાતના રાજકારણની અનેક મહત્ત્વની ઘટનાઓ અને તે સાથે સંકળાયેલી વ્યક્તિઓ વિશે નિખાલસ અને પારદર્શક વાતો કરી છે. નવનિર્માણ, કટોકટી, જેલવાસ, નાગરિક ચળવળો, રાષ્ટ્રીય નેતાઓ સાથે સંબંધો, પત્રકારત્વ આ વિષયે એમનો અનુભવ વ્યાપક અને સમૃદ્ધ રહ્યો તે તો અહીં સમજાય છે. જે.પી., મોરારજીકાકા, ગોએન્કાજી, જયંતિ દલાલ, બી.કે. મજૂમદાર, નગીનદાસ પારેખ, મનુભાઈ જેવા અનેક મહાનુભાવો સાથેના સંભારણા રોચક છે.

સરેરાશ છાપ જે ઊભી થાય તે એ કે પ્રકાશભાઈના સંબંધો બધા સાથે એટલે કે બિનસાંપ્રદાયીક વલણ રાખનાર, સર્વોદય, જનસંઘ, કૉન્ગ્રેસ એમ સૌ સાથે પણ એ કંઠી બાંધનાર નહીં એટલે એ સૌના અને કોઈના નહીં. પત્રકારત્વ કે જાહેરજીવન બન્ને ક્ષેત્રે એમને સહજ રીતે રાજકારણ રમનારાનો સામનો કરવાનો આવે પણ આ ભાઈ તો ત્યાંથી રસ્તો આપીને ખસી જાય એટલે હાંસિયામાં રહે અને એમને એવું રહેવાનું ગમતું હોય તેવી છાપ ઊભી થાય. અત્યારના ગુજરાતને જોઈએ તો મને તો એવું લાગે છે કે હવે તો હાંસિયો પણ રહ્યો નથી! જો કે રાજકારણ મારો વિષય નથી એટલે એમાં મારી છાપ વિશે વાત કરવી નથી. હકીકતમાં ઉર્વીશનો ઝોક પત્રકારત્વ અને જાહેરજીવનમાં સંતુલન અને એમની નિજી ગતિવિધિ વિશે વધારે રહ્યો છે. નરેન્દ્રભાઈ વિશે એક પ્રકરણના શીર્ષકમાં ઉલ્લેખ છે પરંતુ વિશદ ચર્ચા નથી. આ બાબતે કટોકટી, નવનિર્માણ, જેલવાસ, સંઘ પરિવાર, સર્વોદય વગેરે સંબંધિત મુદ્દે એમની સાથે વર્તમાન સમયની તુલનાત્મક ચર્ચા થઈ શકે પરંતુ એવું બને કે તેમાં મારા જેવી ગૃહિણીનું મંતવ્ય પસંદ ન પડે! (તે સમયે હું ગૃહિણી જ હતી.) નવનિર્માણ અને કટોકટી સમયનો ખ્યાલ વલસાડમાં અમને અમૂલકાકાકાને લીધે ખરો એટલે મનમાં કોઈને પણ માટે એ જ વિચાર આવે કે કાબે અર્જુન લૂંટિયો, વહી ધનુષ, વહી બાણ ….. અને બીજું વાક્ય એ જ ઊગે કે હાથના કર્યા હૈયે વાગ્યા! એમાં વધારે કાંઈ લખવું બોલવું નથી.

અમારાં ઘરમાં વાચકોની સંખ્યા સારી. એક દિવસ મારાં જેઠાણી અનસૂયાભાભી મને કહે કે બકુ, તું આ પ્ર.ન.શા ને ઓળખે કે? મેં કહ્યું કે હા, પણ મારા કરતાં વધારે નીમુકાકી ઓળખે. એટલે એ કહે કે મારે તો એમને એક સંદેશો પહોંચાડવો છે કે એઓ કઈ ગુજરાતીમાં લખે છે તે સ્પષ્ટ કરે! હું એમનું ગુજરાતી સમજી શકતી નથી! જો કે મને ખાતરી હતી કે એમાં બદલાવ આવવાનો નથી એટલે મેં વધારે મહેનત કરી એમને સલાહ આપેલી નહીં. ઉર્વીશે એમની લેખનશૈલી વિશે પુસ્તકમાં ચર્ચા કરી છે એટલે જવાબ મળી જાય છે. આ દરમ્યાન જ “નિરીક્ષક”નો તાજો અંક મળ્યો. જશવંતભાઈ, ડંકેશભાઈ, પ્રશાંત દયાળના લેખો વાંચી એક છાપ પડે જ કે પ્રકાશભાઈ ટીકાટીપ્પણ કે પ્રશંસાને ખેલદિલીથી લે એમાં મીનમેખ ફેર નહીં. એમના પરનું તહોમતનામું, પુસ્તકમાં ઉર્વીશે સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા, ગુણવંતભાઈ વિશે કરેલ પ્રશ્નો કે નુકતેચીની સાથે અમુક રીતે સંમત થવાય તેવું છે. “નિરીક્ષક”માં ગુણવંતભાઈ વિશે ટીકાટીપ્પણની તેઓ એટલી ફાળવણી કરતા કે આપણને અતિરેક લાગે. એક વાર રમેશભાઈ આચાર્ય ( ગુણવંતભાઈના ખાસ મિત્ર) મને કહે કે આ વખતે “નિરીક્ષક”માં ગુણવંતભાઈ વિશે જે છપાયું છે તે માટે તું કંઈક લખ. (અત્યારે મને તે વિગતો યાદ નથી.) મેં એમને કહેલું તે યાદ છે કે ગુણવંતભાઈએ કે આપણે બોધર કરવાની શું જરૂર છે? હવે ગુણવંતભાઈ આ બધાંથી પર રહે તે જ સારું કારણ કે એમનો વાચક વર્ગ તો હવે અસંખ્ય થઈ ગયો છે. તમે જોજો કે ટૂંક સમયમાં બધું બંધ થઈ જશે. યોગાનુયોગે ધીમે ધીમે બંધ થયું પણ ખરું. જશવંતભાઈ, આવું જ નરેન્દ્રમોક્ષ માટે પણ થશે તેની મને ખાતરી છે કારણ કે અમુક લોકોની સામાન્ય વ્યક્તિઓ સુધી એટલી પહોંચ થઈ જાય છે કે પછી તેઓ ટીકાટીપ્પણથી પર થઈ જાય છે.

આ નાનકડું પુસ્તક અને “નિરીક્ષક”નો ૧/૮/૨૦૧૯નો અંક સાચા અર્થમાં પ્રકાશોત્સવને ન્યાય આપે છે. બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી નથી પરંતુ એ તો વાચકના નીરક્ષીર વિવેક પર છોડવાનું વલણ છે એવું મને સમજાયું. હું પણ ડંકેશભાઈની જેમ આશા રાખીશ કે એમના કેટલાક સમજાય તેવા ઉત્તમ લેખોનો સંચય પ્રકાશિત થાય.

વાંચવા જેવું અને નવી રીતે લખાયેલું વ્યક્તિ ચરિત્ર.

વલસાડ

પ્રકાશ ન. શાહ – માતબર મુલાકાતો સ્વરૂપે વ્યક્તિવિશેષના જીવનસર્જનનું અંતરંગ આલેખન : સાર્થક પ્રકાશન : કિંમત :₹ ૧૫૦ : મુખ્ય વિક્રેતા : બુક શેલ્ફ, ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ- ૩૮૦ ૦૦૯

Loading

આ છે ભારતની મૂળ મહાનતા !

રમેશ ઓઝા|Opinion - Opinion|11 August 2019

કોઈ વિચાર, ધર્મવચન કે મસીહાનાં વચનો ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન તરીકે આપવામાં આવે અને અને તે સ્વાભાવિક ક્રમે ધીરે ધીરે વિકસે એમાં જમીન-આસમાનનો ફરક છે. પશ્ચિમથી ઊલટું ભારતીય દર્શન આ રીતે સ્વાભાવિક ક્રમે વિકસ્યું છે. પ્રારંભમાં આ જગતનાં સ્વરૂપોને ભય અને વિસ્મય સાથે જોવામાં આવ્યાં હતાં. એ પછી તેનાં રહસ્યોને પકડવાની જહેમત શરૂ થઈ હતી. એ જહેમત વ્યષ્ટિ, સમષ્ટિ, જીવ, શિવ, જગત અને મોક્ષ સુધી પહોંચી હતી. એમાંથી જીવનની સાર્થકતાના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જીવનની સાર્થકતાની શોધમાંથી વિવિધ માર્ગો શોધવામાં આવ્યા હતા અને જૂના માર્ગોમાં સંશોધન થયાં હતાં. આ બધું જ દાર્શનિક ઉત્ક્રાંતિ થતી હોય એમ સ્વાભાવિક ક્રમે થતું હતું. ભારત આ બાબતમાં ભાગ્યશાળી દેશ છે.

ભારતનો વિચારયજ્ઞ કોઈ પ્રકારની પૂર્વ-યોજના વિના સ્વાભાવિક ક્રમે આગળ વધતો હતો એટલે તેમાં સુધારા અને સંશોધન માટે અવકાશ હતો. અનાગ્રહ ભારતીય વિચાર પરંપરાનું સ્વભાવ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ બન્ને છે. મહાવીરને લાગ્યું કે અમૂલ્ય માનવી જીવન મળ્યું છે તો તેને પખાળીને શુદ્ધ કરવામાં આવે એમાં જ મુક્તિ રહેલી છે. બુદ્ધને લાગ્યું કે બહુ આત્યાંતિક થયા વિના વચલા માર્ગે ચાલીને વિવેકપૂર્વક તૃષ્ણાઓનો ત્યાગ કરવામાં આવે એમાં જ દુઃખમુક્તિ છે અને દુઃખોથી મુક્તિ એ જ નિર્વાણ. આમ કર્મકાંડ, જ્ઞાન, ધ્યાન, ઉપાસના, ભક્તિ, કૃપા, પુરુષાર્થ વગેરે અનેક માર્ગ એક સાથે પરસ્પર પરસ્પર પૂરક અને પરસ્પર વિરોધમાં અજમાવવામાં આવતા હતા. આને કારણે પશ્ચિમમાં ધર્મની અંદર અને ધર્મોની વચ્ચે જેવાં યુદ્ધ થયાં છે અને ધર્મને નામે હિંસા થઈ છે એવી આપણે ત્યાં થઈ નથી.

કોયડો માત્ર નાસ્તિકો અર્થાત્‌ ભૌતિકવાદીઓ વિશેનો છે. જેને લોકાયત દર્શન તરીકે ઓળખાવામાં આવે છે એ ચાર્વાક આજીવક વગેરેનું નાસ્તિક દર્શન મળતું નથી. તેમનો એક પણ ગ્રંથ હાથ નથી લાગ્યો. તેમના વિશેની જે કાંઈ જાણકારી મળે છે એ તેમના વિરોધીઓએ ચર્ચા કરતી વખતે પૂર્વપક્ષ તરીકે ટાંકેલાં કથનો છે. ચાર્વાક શું કહે છે એમ કહીને ચાર્વાકનું વચન ટાંકવામાં આવે અને એ પછી તેનું ખંડન કરવામાં આવે. આપણે ત્યાં આ ખંડન-મંડનની પરંપરા બહુ જૂની છે. આવી ચર્ચામાં ટાંકવામાં આવેલું અવતરણ સંદર્ભ બહારનું પણ હોઈ શકે છે અને અનુકૂળ આવે એ રીતે સગવડ મુજબનું પણ હોય શકે છે. દાખલા તરીકે ઉધારી કરીને પણ ઘી પીવું જોઈએ એવું પૂર્વપક્ષ તરીકે ચાવાર્કના મોંમાં મૂકેલું વાક્ય આવું સંદર્ભ તોડેલું કથન છે. આ લખનારના મનમાં એ વિષે કોઈ શંકા નથી. લોકાયતો અવલંબનમુક્ત નાસ્તિક હતા, નીતિરહિત નહોતા. તેમને એટલી જાણ હતી કે સમાજને નીતિ આધારિત વ્યવસ્થાની જરૂર પડતી હોય છે. અન્યથા અરાજકતા સર્જાય જે પોતે દુઃખનું કારણ બને અને અને બીજા બધા દાર્શનિકોની જેમ ચાર્વાકો પણ સુખ શોધતા હતા. એ સિવાય અવતરણ એ અવતરણ છે સંપૂર્ણ ગ્રંથ એ સંપૂર્ણ ગ્રંથ છે.

શા માટે લોકાયત દર્શન સળંગ મળતું નથી? એક અભિપ્રાય એવો છે કે કૃપા વેચનારાઓને એ પરવડતું નહોતું એટલે તેમણે લોકાયતોને હેરાન કર્યા અને એ રીતે તેમની પરંપરાને ખતમ કરી નાખી હતી. લોકાયત દર્શન મુજબ આત્મા અમર નથી અને જીવન પૂરું થયે જીવ (આત્મા) અને જગતનો આપણા પૂરતો અંત આવે છે. જો એમ હોય તો માનવીને જીવન ઉજાળવા માટે પણ કોઈ ખાસ કારણ રહેતું નથી. આ કારણે જૈનોને અને બૌદ્ધોને પણ લોકાયતો માટે કોઈ સહાનુભૂતિ નહોતી. બીજો અભિપ્રાય એવો છે કે માણસને ધર્મ અને ઈશ્વરના અવલંબન વિના ચાલતું નથી. પોતાના બળે, ડર્યા વિના, નીતિમય જીવન વ્યતીત કરવું એ પડકાર છે જેનો સામાન્ય માણસ સામનો કરી શકતો નથી. આને કારણે લોકાયત દર્શનને અનુસરનારાઓની સંખ્યા ઘટતી ગઈ હતી અને સરવાળે તેમની દાર્શનિક પરંપરા લુપ્ત થઈ ગઈ હતી. આ સિવાય બુદ્ધે આટાપાટા વિનાનું લોકસુલભ દર્શન આપ્યું હતું એ પણ લોકાયત દર્શનના અંતનું કારણ હોઈ શકે છે.

ચોક્કસ વિચારધારાના અનુસરનારાઓના અભાવમાં એ વિચારધારા ગ્રંથ સમેત લુપ્ત થઈ ગઈ હોય એ શક્ય છે અને એવું લોકાયત સિવાયની બીજી વિચારધારાઓની બાબતે પણ બન્યું છે એવો બચાવ કરવામાં આવે છે. આ શક્ય છે. પણ જો હેરાન કરીને લોકાયત ગ્રંથોનો અને પરંપરાનો નાશ કરવામાં આવ્યો હોય તો એ ભારતીય દાર્શનિક ઉદ્યાનમાં કલંકરૂપ ઘટના કહેવાય. વાસ્તવમાં શું બન્યું હતું એ આપણે જાણતા નથી.

આગળ કહ્યું એમ સૃષ્ટિના સ્વરૂપ વિશેની ભય અને વિસ્મય સાથે માનવ-મસ્તિષ્કમાંથી ઋચાઓ ઊતરી ત્યારથી જે ખોજ શરૂ થઈ એ કર્મકાંડ, જ્ઞાન, ધ્યાન, ઉપાસના, ભક્તિ, કૃપા, પુરુષાર્થ વગેરે અનેક સ્વરૂપોમાં વિકસતી ગઈ. એમાંથી આગ્રહભેદે સંપ્રદાયો અને પેટા સંપ્રદાયો વિકસતા ગયા. શિવની સાથે શક્તિની ઉપાસના વિકસી. તંત્રની ધારા પણ ઘણી જૂની છે. એક વાત નોંધવી જોઈએ કે આ બધા જ સંપ્રદાયોના સગડ વેદો અને ઉપનિષદો જેવા પ્રાચીન ગ્રંથોમાં મળે છે. સંપ્રદાયનું સ્વરૂપ તો જે તે અનુબંધ વિશેના આગ્રહભેદના કારણે પાછળથી વિકસ્યું હતું.

આ બધી જ શાખા-પ્રશાખાઓનો પરિચય કરાવવામાં આવે તો આ લેખમાળા બે વરસ સુધી લંબાવવી પડે એટલી આપણે ત્યાં શાખા-પ્રશાખાઓ છે. પણ આટલી શાખા-પ્રશાખાઓ વિકસી શકી એ પોતે જ એક મોંઘેરું સત્ય કહી જાય છે કે આપણે ત્યાં નોખા પડવું એ ગુનો નથી. જૂદી ભાષામાં બોલવું એ ગુનો નથી. નકારવું એ ગુનો નથી. ચીલો ચાતરવાની આટલી આઝાદી જગતમાં કોઈ બીજી સભ્યતાઓમાં મળતી નથી. આનું કારણ પ્રારંભમાં જ કહ્યું એમ કોઈ વિચાર, ધર્મવચન કે મસીહાનાં વચનો ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન તરીકે આપાવામાં આવ્યાં નથી. ભારતીય દર્શન સ્વાભાવિક ક્રમે વિકસ્યું છે એટલે એમાં નદી, ઝરણાં, વોકળા એમ બધું જ છે. આ બધા સનાતન ધર્મની મહાનદીની સાથે સાથે, સમાંતરે, રસ્તો કાપીને, વિરુદ્ધ જઇને, એકબીજામાં સમાવીને એમ દરેક સ્વરૂપમાં વહ્યા કરે છે. કોઈ ટોકતું નથી કે કોઈ રોકતું નથી. વિચાર અને વલણોનો આવો બગીચો જગતમાં ક્યાં જોવા મળે છે?

વિચાર અને વલણની બહુવિધતા સમજવા માટે અહીં આપવામાં આવેલી વિગતો જોઈ જાઓ. વૈષ્ણવ સંપ્રદાયના ૧૯ મત અથવા સંપ્રદાય છે અને તેના પેટા સંપ્રદાય જુદા. શૈવ સંપ્રદાયના પાંચ મુખ્ય મત અથવા સંપ્રદાય છે અને પેટા સંપ્રદાય જુદા. આ ઉપરાંત શાક્ત સંપ્રદાય, શાંકરમત અથવા દશનામી સંપ્રદાય, યોગીમત અથવા નાથ સંપ્રદાય, કબીરપંથ, રામસ્નેહી સંપ્રદાય, નાનકપંથ અથવા શીખ ધર્મ, ઉદાસીન પંથ, આર્યસમાજ અને તંત્રોપાસના વગેરે બીજા ડઝન સંપ્રદાય અને એ દરેકના પાછા એટલા જ પેટા સંપ્રદાય.  

જે દેશમાં સેંકડોની સંખ્યામાં સંપ્રદાય અને પેટા સંપ્રદાય વિકસી શકે અને જેનું સહજ સહઅસ્તિત્વ શક્ય બને એને બગીચો ન કહેવાય તો બીજી શું કહેવાય? કેટલી સહિષ્ણુતા હશે ભારતીય પ્રજામાં તેનો વિચાર કરી જુઓ!

નોંધ : ભારતમાં વિકસેલા સંપ્રદાય અને પેટા સંપ્રદાય અને તેના તત્ત્વજ્ઞાન તેમ જ ઉપાસના પદ્ધતિ વિષે વાચકો વધુ જાણવા માગતા હોય તો હિંદીમાં પ્રકાશિત બે ગ્રંથ વાંચવાની ભલામણ કરું છું. − વાચસ્પતિ ગૈરોલા લિખિત ‘ભારતીય ધર્મ શાખાએં ઔર ઉનકા ઇતિહાસ’ અને ડૉ. ચન્દ્ર પ્રકાશ સિંહ લિખિત ‘ વેદ એવં વિભિન્ન સંપ્રદાય’.  

06 જુલાઈ 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 11 ઑગસ્ટ 2019

Loading

ચલ મન મુંબઈ નગરી — 5

દીપક મહેતા|Opinion - Opinion|11 August 2019

 

સનકાદિક નારદ સ્તુતિ કરતા
તે ભાષા તાવ આદ્ય તરુ,
વાગીશ્વર વાણી રચતા, કર
બાજે ડમ ડમ ડમ ડમરુ.

ભૈરવનાથ સદાશિવ શંકર
મહંત સદ્ગુરુ આદ્ય સ્મરું,
મંદિર જેનું દિગંત નિરંતર
બાજે ડમ ડમ ડમ ડમરુ.

નિનુભાઈ મઝુમદારે રચેલી શિવ સ્તુતિના શબ્દો આજે કેમ એકાએક યાદ આવી ગયા? ના. એકાએક યાદ નથી આવ્યા. ગયે અઠવાડિયે આપણે બાણગંગાના ઐતિહાસિક તળાવની મુલાકાત લીધેલી. એ તળાવ પાસે જઈએ અને તેની સાવ નજીક આવેલા વાલકેશ્વરના મંદિરની મુલાકાત ન લઈએ એવું બને? અને એમાં પાછો ચાલી રહ્યો છે પવિત્ર શ્રાવણ મહિનો. શ્રાવણમાં શિવદર્શનનો મહિમા અનેરો છે. તો જઈએ વાલકેશ્વર.

ગયે અઠવાડિયે જેની વાત કરી હતી તે બાણગંગાના તળાવની નજીક આવેલું છે આ મંદિર. દંતકથા તો આ મંદિરને શ્રી રામ સાથે જોડે છે. રાવણ સીતાનું હરણ કરી ગયો તે પછી તેમને છોડાવવા રામ અને લક્ષ્મણ લંકા જવા નીકળી પડ્યા. રસ્તામાં મુંબઈ નજીકની એક ટેકરી (આજનું મલબાર હિલ) પર રોકાયા. થોડે દૂર, દરિયા કિનારે કેટલાક ઋષિઓ તપ કરી રહ્યા હતા. તેમને રામના આગમનના સમાચાર મળ્યા. એટલે તે બધા રામનાં દર્શન કરવા ગયા. આ ઋષિઓમાંના એક હતા મહર્ષિ ગૌતમ, સપ્તર્ષીઓમાંના એક ઋષિ. પણ બધા ઋષિઓએ જઈને જોયું તો શ્રી રામ તો ઉદાસ થઈને બેઠા હતા. ઋષિઓએ તેમની ઉદાસીનું કારણ પૂછ્યું. રામે તેમને સીતાહરણની વાત જણાવી, અને પૂછ્યું: હે મહાન ઋષિઓ, મારે સીતાજીને પાછાં મેળવવાં હોય, કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું જોઈએ તે કૃપા કરી જણાવો. પોતાના ધારેલા કામમાં સફળતા મેળવવી હોય તો શિવની ઉપાસના કરવાની સલાહ ઋષિઓએ આપી. ગૌતમ ઋષિએ કહ્યું કે લક્ષ્મણજીને શિવલિંગ લાવવા કાશી મોકલો. અને પછી એ શિવલિંગની પંચામૃત પૂજા કરો. તેથી શિવલિંગ લાવવા રામે લક્ષ્મણને મોકલ્યા. પછી ગૌતમ ઋષિએ વિદાય માટે રામની અનુજ્ઞા માગી. પણ રામ કહે કે ના, હમણાં નહિ, લક્ષ્મણ લિંગ લાવે પછી પૂજા કરાવીને જ આપ સિધાવજો. કારણ આપના કરતાં વધુ સારી રીતે આવી પૂજા બીજું કોણ કરાવી શકે?  પણ ગૌતમ ઋષિ કહે કે લક્ષ્મણને પાછા આવતાં તો  વાર લાગશે. ત્યાં સુધી હું રોકાઈ શકું એમ નથી. તમે એક કામ કરો. અહીંની વાલુકા (રેતી) પવિત્ર છે. તમારે હાથે એ વાલુકાનું શિવલિંગ બનાવી તેની પૂજા કરો. રામે ઋષિ આજ્ઞા પ્રમાણે કર્યું. ગૌતમ ઋષિ અને બીજા ઋષિઓની મદદથી રામે એ લિંગમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. કહે છે કે આ પૂજાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને રામ સામે પ્રગટ થયા અને આશીર્વાદ આપતાં કહ્યું કે બહુ જલદી તમારા કામમાં તમને સફળતા મળશે. થોડા વખત પછી લક્ષ્મણ પણ કાશીથી  લિંગ લઈને આવી પહોંચ્યા.

પછીથી એ જગ્યાએ જે મંદિર બંધાયું તે વાલકેશ્વરનું મંદિર. મૂળ મંદિર ઈ.સ. ૧૧૨૭માં ગૌડ સારસ્વત બ્રાહ્મણ લક્ષ્મણ પ્રભુએ બંધાવેલું એમ મનાય છે. એ વખતે મુંબઈ અને તેની આસપાસના પ્રદેશ પર શીલાહાર વંશના રાજાઓની આણ પ્રવર્તતી હતી. શીલાહાર રાજાના દરબારમાંના એક મંત્રી તે આ લક્ષ્મણ પ્રભુ. પણ કાળક્રમે મુંબઈ પર પોર્ટુગીઝ શાસકોની આણ ફરી વળી. કહે છે કે એ વખતે મૂળ વાલુકાનું લિંગ જાતે દરિયામાં કૂદી પડ્યું જેથી પોર્ટુગીઝો તેને ભ્રષ્ટ ન કરે. આજે જ્યાં રાજભવન આવેલું છે તેની નજીક એ જગ્યા આવેલી હતી એમ કહેવાય છે. કેટલાક માછીમારો તો આ ચોક્કસ જગ્યાની પોતાને જાણ હોવાનો દાવો કરે છે. દર વર્ષે મહાશિવરાત્રિને દિવસે એ લોકો ત્યાં જઈ પોતાના રિવાજ પ્રમાણે પૂજા કરે છે. જે બીક હતી તે સાચી પડી. પોર્ટુગીઝ લોકોએ મુંબઈનાં ઘણાં પ્રાચીન ધર્મસ્થળોનો નાશ કર્યો. તેમાનું એક તે વાલકેશ્વરનું મંદિર. પછી પોર્ટુગીઝ શાસન ગયું, અને અંગ્રેજોની હકુમત આવી. પણ સ્થાનિક ધર્મોની બાબતમાં પોર્ટુગીઝો કરતાં અંગ્રેજ થોડા ઉદાર. તેમના સમયમાં ઈ.સ. ૧૭૧૧માં વાલકેશ્વરનું મંદિર રામજી કામાઠીએ ફરી બંધાવ્યું. એ મંદિર પથ્થરનું બનેલું હતું. તેમાં બારીક કોતરણી કરવામાં આવી હતી. ઉપર ગોળ ઘુમ્મટ હતો અને લાલ નળિયાવાળું છાપરું હતું. પણ ૧૯૫૦ના અરસામાં તેની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટનું હાલનું મંદિર બંધાયું. આજના મંદિરમાં ૫૦ x ૨૫ ફૂટનો સભામંડપ આવેલો છે. તેનું ગર્ભગૃહ ૨૪ x ૨૪ ફૂટનું છે. ફરસ પર આરસની લાદીઓ જડેલી છે. મંદિરના પ્રવેશદ્વારની સામે પથ્થરનો નંદી બિરાજે છે. ગર્ભદ્વાર ચાંદીના પતરાંથી મઢેલું છે. અ દ્વાર તથા ફરસ પરની આરસની લાદીઓ વસનજી દેવજી ભાટિયા નામના એક શ્રીમંત વેપારીએ ભેટ આપ્યાં હતાં. ગભારામાંનું શિવલિંગ લગભગ પોણો ફૂટ ઊંચું છે. રેતીની ગુણીઓ એક ઉપર એક ગોઠવી હોય તેવો ભાસ તેને જોતાં થાય છે.

વાલકેશ્વરનું મંદિર અને બાણગંગા

આ મંદિર સાથે બીજી એક દંતકથા પણ સંકળાયેલી છે. તેનું બંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન એક મજૂરનું ધ્યાન ગયું કે એક જગ્યાએ જમીનમાંથી લોહી નીકળી રહ્યું છે. એ જગ્યાએ વધુ ખોદકામ કરતાં અંદરથી શિવલિંગ નીકળી આવ્યું. એ લિંગની પછીથી મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદિરના શિવલિંગ પાસે ગણેશજીની આરસની પ્રતિમા છે જેની ઊંચાઈ લગભગ દોઢ ફૂટ છે. મૂર્તિને માથે મુગટ છે. ઈ.સ. ૧૯૦૦માં પ્રગટ થયેલા અંગ્રેજી પુસ્તક ‘ધ હિંદુ ટેમ્પલ્સ ઓફ બોમ્બે’માં કે. રઘુનાથજી નોંધે છે કે દર વર્ષે આખા શ્રાવણ મહિના દરમ્યાન મંદિરમાં ઉત્સવનું વાતાવરણ હોય છે. કાર્તકી પૂનમને દિવસે અને મહાશિવરાત્રીને દિવસે અહીં મેળો ભરાય છે. ઢોલ-નગારાં સાથે ઠાઠમાઠથી પાલખી નીકળે છે. અલબત્ત, આજે આ બધું ઓછું થઇ ગયું છે. પણ હજીએ શ્રાવણ મહિના દરમ્યાન અહીં દર્શન કરવા આવનારાઓની સંખ્યામાં ઘણો મોટો વધારો થાય છે.

બાબુલનાથનું મંદિર

વાલ્કેશ્વર મંદિરમાં શિવજીનાં દર્શન કરી મલબાર ટેકરીનો ઢાળ ઊતરીને નીચી આવીએ એટલે આવે બાબુલનાથનું મંદિર. આ મંદિર એક નાનકડી ટેકરી પર આવેલું છે એટલે પહેલાં પગથિયાં ચડીને ઉપર જવું પડતું. પણ હવે ઉપર જવા માટે લિફ્ટની સગવડ થઇ છે. મુંબઈનાં જૂનાં મંદિરોમાંનું આ એક છે. કહે છે કે રાજા બિમ્બદેવ કે ભીમદેવે ૧૨મી સદીમાં મૂળ મંદિર બંધાવેલું. પણ પછી વખત જતાં એ મંદિર દટાઈ ગયું અને તેથી ભૂલાઈ ગયું. ઈ.સ. ૧૭૦૦ અને ૧૭૮૦ની વચ્ચે અસલની મૂર્તિઓ ફરી મળી આવી હતી અને ૧૭૮૦માં નવું મંદિર બંધાયું હતું. મળી આવેલી મૂર્તિઓમાં મૂળ શિવલિંગ ઉપરાંત ગણેશ, હનુમાન, પાર્વતીની મૂર્તિઓનો સમાવેશ થતો હતો. આ ચારેની સ્થાપના મંદિરમાં કરવામાં આવી છે. પણ આ  ચાર ઉપરાંત પાંચમી મૂર્તિ પણ મળી આવી હતી, પણ તે ભગ્નાવસ્થામાં હતી. અને ભગ્ન મૂર્તિની પ્રતિષ્ઠા કરાય નહિ એટલે તેને દરિયામાં પધરાવી દીધી હતી. આ મંદિર બંધાયું ત્યારે એ જગ્યા પારસીઓના તાબામાં હતી. અને તેમણે મંદિરનો વિરોધ કર્યો હતો. છેવટે ૧૮૦૬માં આ મામલો અદાલતમાં ગયો હતો. વડોદરાના મલ્હારરાવ ગાયકવાડ (જેઓ વાલકેશ્વર વિસ્તારમાં રહેતા હતા) અને બીજા કેટલાકે મુંબઈની રેકોર્ડર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. (૧૭૯૮માં સ્થપાયેલી આ રેકોર્ડર કોર્ટ તે આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી કોર્ટ) આ દાવાનો ચુકાદો ૧૮૦૮ના ઓગસ્ટની બીજી તારીખે મંદિરની તરફેણમાં આવ્યો હતો. તે અંગેની ટૂંકી નોંધ આરસ પર કોતરાવીને મંદિરની ભીંત પર મૂકવામાં આવી છે. આ ચુકાદા પછી મંદિરની લોકપ્રિયતા સતત વધતી રહી. નવું મંદિર બંધાવવા માટે ફંડફાળો એકઠો કરવામાં આવ્યો. લાખો રૂપિયા ફાળામાં મળ્યા. ૧૮૩૬માં મંદિરનો વિસ્તાર કરવાનું કામ શરૂ થયું. અને ૧૮૪૦માં નવું ભવ્ય મંદિર તૈયાર થયું. પણ ૧૮૮૦માં ફરી મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો. તે વખતના બાહોશ વકીલ ભાઈશંકર નાનાભાઈએ પુષ્કળ મહેનત અને મદદ કરી. ૧૮૮૩ના ઓક્ટોબરની ૮મી તારીખે આવેલા ચુકાદા પ્રમાણે આ જગ્યા અને તેના પરનું મંદિર ખાનગી માલિકીનાં નહિ પણ સાર્વજનિક ઉપયોગ માટેનાં છે એમ ઠરાવવામાં આવ્યું અને તેના સંચાલન માટે ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા. તેમનાં નામ: વલ્લભદાસ વાલજી, મૂળજી જેઠાવાળા, ચતુર્ભુજ મોરારજી, દામોદર તાપીદાસ, રાજારામ બાલમુકુન્દદાસ, અને ભટ્ટ વાલજી જીવરાજ. ત્યારથી આ મંદિરનું સંચાલન વખતોવખત નીમાતું ટ્રસ્ટીમંડળ કરે છે. બાબુલનાથ મંદિર વિષે બીજી લોકવાયકા પણ પ્રચલિત છે. પણ બીજાં ઘણા મંદિરો માટે પણ લગભગ તેવી જ લોકવાયકા જોવા મળે છે એટલે એ વિષે વાત નહિ કરીએ.

બાણગંગા તળાવ, વાલકેશ્વરનું મંદિર અને બાબુલનાથનું મંદિર, આ ત્રણે સાથે મલબાર હિલનું નામ સંકળાયેલું છે. આ ટેકરીને આ નામ કોણે અને ક્યારે આપ્યું તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. પણ મોટે ભાગે અંગ્રેજોએ આ નામ આપ્યું હતું. મલબાર કિનારાના ખલાસીઓ અને ચાંચિયાઓ અવારનવાર આ ટેકરીની મુલાકાતે આવતા હતા એટલે તેમણે એવું નામ આપ્યું હશે.

જોન ફ્રાયર અને તેનું પુસ્તક

ઈ.સ ૧૬૬૮માં જોન ફ્રાયર નામનો એક મુસાફર હિન્દુસ્તાન આવ્યો હતો અને તેણે ૧૬૭૩માં મલબાર હિલની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમ્યાન લખેલા પત્રો પછીથી પુસ્તક રૂપે પ્રગટ થયા હતા. ‘અ ન્યૂ એકાઉન્ટ ઓફ ઇસ્ટ ઇન્ડિયા એન્ડ પર્શિયા’ નામે ઈ.સ. ૧૬૯૮માં પ્રગટ થયેલા આ પુસ્તકમાં આપણને પહેલી વાર મલબાર હિલનું ટૂંકુ વર્ણન મળે છે. ફ્રાયર કહે છે કે આ ટેકરી ખડકાળ અને ઝાડઝાંખરાથી ભરેલી છે. વાલકેશ્વરના મંદિર અને બાણગંગાના તળાવના ખંડિયેર પોતે જોયા હોવાનો ઉલ્લેખ પણ તેણે કર્યો છે. જોન ફ્રાયરનો જન્મ આશરે ૧૬૫૦માં. ૧૬૬૪માં તે મેટ્રિક થયો હતો તેના પરથી તેની આ જન્મ સાલનું અનુમાન કરવામાં આવે છે. વ્યવસાયે ડોક્ટર. ૧૬૭૨માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ‘સર્જન’ તરીકે તેની નિમણૂક થઇ. ૧૬૭૩ના જૂનની ૨૬મી તારીખે તે મછલીપટ્ટમ પહોંચ્યો. ત્યાંથી મદ્રાસ (હાલનું ચેન્નાઈ) થઈને તે મુંબઈ પહોંચ્યો. આઠ વર્ષ હિન્દુસ્તાનમાં રહ્યા પછી ૧૬૮૨ના ઓગસ્ટમાં તે સ્વદેશ પાછો ફર્યો. તેનું અવસાન ૧૭૩૩ના માર્ચની ૩૧મી તારીખે લંડનમાં તેના ઘરે થયું. આજે સત્તા અને ધનનું કેન્દ્ર ગણાતો મલબાર હિલનો વિસ્તાર ૧૯મી સદીની પહેલી પચ્ચીસી સુધી તદ્દન ઉજ્જડ, વસ્તી વગરનો હતો. માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન (૧૭૯૭-૧૮૫૯) ૧૮૧૯માં મુંબઈના ગવર્નર બન્યા અને તેમણે મલબાર હિલ પર પહેલવહેલો બંગલો બંધાવ્યો. ત્યારથી મલબાર હિલના વિકાસે પાછું વાળીને જોયું નથી.

મલબાર હિલ પરથી મુંબઈ – ૧૯મી સદીનું દૃશ્ય

અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદે ૧૮૬૩ના જૂન મહિનાની ૨૮મી તારીખે મલબાર હિલની મુલાકાત લીધી હતી અને એ ટેકરી (જેને તે મલબાર હિલ નહિ, પણ ચોપાટીની ટેકરી કહે છે) પરથી જે દેખાવ જોયો હતો તેનું વર્ણન કરતું કાવ્ય લખ્યું હતું. એ કાવ્યની થોડીક પંક્તિઓ જોઈએ:

ચડીને ઊંચે બેસતાં, વદતાં મોઢે હાસ,
પામ્યો હું આનંદ બહુ, જોતાં ચારે પાસ.
ખાડીના ઘોડા સહુ, ઘુઘુઘૂ કરતા જેહ,
એકેક પાછળ ચાલતા, લાંબી હારે તેહ.
વાદળથી ઢંકાયલું ઝાંખું બહુ આકાશ,
ઠંડો વાયુ આવતો, જરા જરા લઇ વાસ.
ધોળો કાંઠો વાંકડો, કોટ કુલાબો ઠેઠ,
ઇમારતો પથ્થર ચૂને શોભે છે સહુ શ્રેષ્ઠ. 
ડાબી પાસ દૂર જાઉં તો, ખીચોખીચ દેખાય,
તાડ ખજૂરી મ્હાડ ને, ઝાડ બીજાં સોહાય.
પાસે નીચે જોઉં તો, ચાર તણો શો બ્હાર,
વિધવિધ લીલા રંગની, શોભાનો નહિ પાર. 

એવી જ વિધવિધ અને બહુરંગી શોભા છે આ મુંબઈ નગરીની પણ. એના એક નવા રંગ વિષે હવે પછી વાત.

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 ઑગસ્ટ 2019

Loading

...102030...2,7172,7182,7192,720...2,7302,7402,750...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved