Opinion Magazine
Number of visits: 9684293
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અત્યારના ભારતમાં બહુ જ જરૂરી એવો ભગતસિંહનો દીર્ઘ નિબંધ : ‘મૈં નાસ્તિક ક્યોં હૂં?’

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|27 September 2019

‘એક સર્વશક્તિમાન પરમાત્માની વાત, જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું, દિગ્દર્શન અને સંચાલન કર્યું, એ માત્ર બકવાસ છે.’

‘ખૂબ વિચાર કર્યા પછી મેં  નિશ્ચય કર્યો કે કોઈ પણ રીતે ઈશ્વરની પ્રાર્થના અને તેના પર વિશ્વાસ હું નહીં કરી શકું.’

‘મને પૂરો વિશ્વાસ છે કે એક ચૈતન્ય પરમ આત્મા જે પ્રકૃતિની ગતિનું દિગ્દર્શન અને સંચાલન કરે  છે – તેનું કોઈ અસ્તિત્વ નથી.’

ઉપર્યુક્ત અવતરણો ક્રાન્તિવીર ભગતસિંહના દીર્ઘ નિબંધ ‘મૈં નાસ્તિક ક્યોં હૂં?’માંથી લેવામાં આવ્યા છે. ભોળા દેશપ્રેમીઓ અને ઝનૂની રાષ્ટ્રવાદીઓને આ શબ્દો ભગતસિંહના છે એવું માનવાનું ગમશે નહીં.  તેમને  મન ભગતસિંહ એટલે  એક હાથમાં પિસ્તોલ અને બીજામાં બૉમ્બ લઈને ‘વંદે માતરમ્‌’નો ઘોષ કરતો અંગ્રેજોના કર્દનકાળ. સામ્રાજ્યવાદી અંગ્રેજો સામે ભગતસિંહનો ભારોભાર વિરોધ નિર્વિવાદ છે. પણ ધ્યાનમાં રહે કે એની બિલકુલ સમાંતરે, આ આદર્શવાદી ક્રાન્તિકારીનો મૂડીવાદ, શોષણ, કોમવાદ, આભડછેટ, વર્ગભેદ સામેનો વિરોધ લેશમાત્ર ઓછો નહીં, બલકે થોડોક વધારે પણ હતો. એ વિરોધ તેમનાં લખાણોનાં સવાત્રણસો પાનાંના ‘સંપૂર્ણ દસ્તાવેજ’ નામના સર્વસંગ્રહમાં અસંદિગ્ધ રીતે વ્યક્ત થાય છે. આ પુસ્તકમાંથી વિશાળ વાચન, મૌલિક ચિંતન અને તીવ્ર આરતથી ઓપતી તેમની ચિંતનસૃષ્ટિનાં દર્શન થાય છે. આ સૃષ્ટિમાં સામ્રાજ્યવાદી સત્તાની પકડમાંથી છૂટકારો એ તો એવી આઝાદીની શરૂઆત હતી જેની સાર્થકતા સમાનતામૂલક સમાજરચનામાં હોય. આવા સમાજના પાયામાં રૅશનલ વૈજ્ઞાનિક સેક્યુલર અભિગમ જરૂરી છે તે વાત પણ ભગતસિંહનાં લખાણોમાં ડોકાતી રહે છે. તેની સંપૂર્ણ ખીલેલી અભિવ્યક્તિ ‘મૈં નાસ્તિક ક્યોં હૂં?’ નિબંધમાં છે. આ નિબંધનાં સહુ પહેલાં પ્રકાશનને બરાબર આજે, એટલે કે 27 સપ્ટેમ્બરે, 88 વર્ષ પૂરાં થાય છે. આ નિબંધ પહેલી વાર,  ભગતસિંહનાં પ્રારંભિક  પ્રેરણાસ્થાન એવા લાલા લજપરાયે સ્થાપેલાં, ‘ધ પીપલ’ નામના અખબારમાં 1931માં છપાયો હતો. ભગતસિંહે આ નિબંધ લાહોરની જેલમાં 5-6 ઑક્ટોબર 1930 દરમિયાન લખ્યો. તેમાં તેમણે એક સંદર્ભમાં :

‘હું જાણું છું કે જે ક્ષણે ફાંસીનો ગાળિયો મારા ગળા પર પડશે અને મારા પગ નીચેનું પાટિયું ખસી જશે,તે ક્ષણ પૂર્ણવિરામ હશે ….’

નાસ્તિકતાના પરના નિબંધના છેલ્લેથી બીજા ફકરામાં સમાપનના સૂરે ભગતસિંહ લખે છે :

‘… આ મારી વિચારવાની રીત છે જેણે મને નાસ્તિક બનાવ્યો છે …. મેં એ નાસ્તિકો વિશે વાંચ્યું છે જેમણે બધી મુશ્કેલીઓનો બહાદુરીથી સામનો કર્યો. તેથી હું પણ એક મરદની જેમ ફાંસીના ફંદાની અંતિમ ક્ષણ સુધી ઉન્નત મસ્તક રાખીને ઊભો રહેવા માગું છું.’

ભગતસિંહે આ લખ્યું અને તેના બીજા કે ત્રીજા દિવસે એટલે કે સાતમી ઑક્ટોબરે તેમને, સુખદેવને અને રાજગુરુને ફાંસીની સજા ફરમાવવામાં આવી. એ પણ નોંધાયું છે કે 23 માર્ચ 1931ના દિવસે ફાંસીના થોડાક કલાક પહેલાં પણ જેલર ચત્તાર સિંહે ભગતસિંહને ઇશ્વરને યાદ કરી લેવાની વિનંતી કરી હતી જે આ અવિચળ ક્રાન્તિકારીએ ઠુકરાવી હતી. આ અંગે જગમોહન સિંગ અને ચમનલાલ સંપાદિત ‘ભગત સિંહ ઔર ઉનકે સાથીયોં કે દસ્તાવેજ’માં દિદાર સિંહે લખ્યું છે કે ભગતસિંહે જેલરને કહ્યું હતું :

‘અત્યારે મારો અંત હાથવેંતમાં હોય ત્યારે હું ભગવાનને યાદ કરું તો લોકો કહેશે કે ભગતસિંહ કાયર હતો. એણે આખી જિંદગી ભગવાનને યાદ ન કર્યા અને જ્યારે હવે મોતનો સામનો કરવાનો આવ્યો ત્યારે એ એકાએક પાછી પાની કરે છે. એટલે હું આખી જિંદગી જે રીતે જીવ્યો છું તે જ રીતે મારી આખરી પળો વીતાવું એ વધુ સારું છે.’

પદ્ધતિસરની દલીલો સાથેના પંદરેક પાનાંના આ નિબંધનો સહુથી ઉત્તેજક હિસ્સો ભગતસિંહે આસ્તિકોની માન્યતાઓને પ્રશ્નો પૂછીને તે માન્યતાઓના કરેલાં ખંડનનો છે. ભગતસિંહ એ મતલબનો સવાલ કરે છે કે જેમાં ‘એક પણ વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ ન હોય’ તેવી ‘દુ:ખો અને સંતાપોથી ભરેલી’ દુનિયાની રચના ‘સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને સર્વજ્ઞાની’ ઈશ્વરે શા માટે કરી ? આનો જવાબ આસ્તિકોની માન્યતા મુજબ ‘મનોરંજન’ અથવા વધુ જાણીતો શબ્દ વાપરીને કહીએ તો ક્રિડા એવો હોય છે. ભગતસિંહ આ મનોરંજનને ‘હૃદયહીન, નિર્દયી, દુષ્ટ’ રોમન રાજાએ રોમ નગરને બાળીને મેળવેલા મનોરંજન સાથે અથવા ‘હજારો પ્રાણ’ લઈને ચંગીઝખાને મેળવેલાં મનોરંજન સાથે સરખાવે છે. તે પૂછે છે ‘એ ચેતન પરમ આત્મા … અને નીરોમાં શો ફેર ?’

ત્યાર બાદ ઈશ્વરે વિશ્વનાં કરેલાં સર્જન વિશે પ્રવર્તતી પુરાણકથાઓને અભિપ્રેત રાખીને ધર્મસંસ્થાઓને નામ દઈને પૂછે છે :

‘તમે મુસલમાનો અને ખ્રિસ્તીઓ ! … એ સર્વશક્તિશાળીએ વિશ્વની ઉત્પત્તિ માટે છ દિવસ શા માટે પરિશ્રમ કર્યો અને દરેક દિવસે એ શા માટે કહે છે કે બધું ઠીક છે ? આજે એને બોલાવો … તેને આજની પરિસ્થિતિનું અધ્યયન કરવા દો. અમે જોઈશું કે શું એ કહેવાની હિંમત કરશે કે બધું ઠીક છે ?’

પછી તે કહે છે કે ભગવાનને જેલની કોટડીઓમાં, ઝૂંપડીઓમાં, ચાલીઓમાં તરફડતા લાખ્ખો મનુષ્યો અને ‘પૂજીવાદી રાક્ષસો’ દ્વારા શોષાતા મજૂરો, ‘માનવીનાં હાડકાંઓ પર રચાયેલા’ રાજાઓનાં  મહેલો બતાવીને પૂછવું જોઈએ ‘બધું ઠીક છે’, શા માટે? ક્યાંથી?’

આગળ વધતાં ભગતસિંહ લખે છે : ‘અને તમે હિન્દુઓ, તમે કહો છો કે આજે જેઓ દુ:ખ ભોગવી રહ્યા છે તેઓ પૂર્વજન્મના પાપી છે … પરંતુ આપણે વિશ્લેષણ કરવું જોઈએ કે આ વાતો ક્યાં સુધી ટકે છે.’ હવે ભગતસિંહ પાપ/ગુનો અને દંડ/સજાની છણાવટ કરે છે. ન્યાયશાસ્ત્ર સજા પાછળ પ્રતિશોધ, ભય અને સુધારો એવા ત્રણ હેતુઓ ગણાવે છે. એમાંથી ‘બધા પ્રગતિશીલ વિચારકો’ પહેલાં બે હેતુઓનો અસ્વીકાર કરે છે. દુનિયામાં સજાનું ધ્યેય ‘ગુનેગારને એક અત્યંત યોગ્ય અને શાંતિપ્રિય નાગરિકના રૂપમાં સમાજને પાછો આપવાનું છે’. ભગતસિંહ કહે છે કે હિન્દુ માન્યતા મુજબ ઇશ્વર સજા તરીકે માણસોને ‘ગાય, બિલાડી, વૃક્ષ, જડીબુટ્ટી કે પ્રાણી’ બનાવે છે. ભગતસિંહ લખે છે : ‘તમે આવી 84 લાખ સજાઓ ગણાવો છો. હું પૂછું છું કે મનુષ્ય પર આની સુધારક રૂપમાં શી અસર છે ?તમે આવી કેટલી વ્યક્તિઓને મળ્યા છો જે કહી શકે કે તેઓ પાપ કરવાથી પૂર્વ જન્મમાં ગધેડાના રૂપે જન્મ્યા હતા ?’

દંડના ખ્યાલની છણાવટ કરતાં ભગતસિંહ પૂછે છે : ‘શું તમને ખબર છે કે દુનિયામાં ગરીબ હોવું એ મોટામાં મોટું પાપ, એક શાપ, એક દંડ છે.’ એ સૂચવે છે કે ઈશ્વરે આપેલો ગરીબીનો દંડ માણસને કાં તો વધારે ને વધારે ગુના કરવા પ્રેરે અથવા તો તેને ગરીબ અને અભણ રાખે. ભગતસિંહ દલિત કોમોના નામ આપે છે કે જે ગરીબ છે અને અભણ છે. તેમને ‘દંભી અને અભિમાની બ્રાહ્મણોએ જાણીજોઈને અજ્ઞાની રાખ્યા’, તેમને ‘વેદોના કેટલાંક વાક્યો સાંભળી લેવાથી કાનમાં ઓગાળેલા સીસાની ધારની સજા ભોગવવી પડી?’ પૂર્વજન્મનાં પાપ  દંડસિદ્ધાન્તની ચર્ચા બાદ ભગતસિંહ તારણ કાઢે છે  :

‘આ સિદ્ધાન્ત વિશેષાધિકારયુક્ત લોકોની શોધ છે. તેઓ પોતાની હાથ કરેલી શક્તિ, મિલકત અને ઉચ્ચતાને આ સિદ્ધાન્તના આધાર પર સાચા અને યોગ્ય ઠેરવે છે … ધર્મના ઉપદેશકો અને સત્તાના સ્વામીઓના ગઠબંધનથી જ જેલ, ફાંસીઘર, ચાબૂકો અને આ સિદ્ધાન્તો સર્જાય છે.’

ભગતસિંહનો વધુ એક સવાલ છે : ‘સર્વશક્તિશાળી ઈશ્વર કોઈ વ્યક્તિને તે પાપ કરે છે એ વખતે જ કેમ રોકતો નથી ?’ તેઓ એ મતલબના સવાલો પણ કરે છે કે ઇશ્વર રાજાઓના મનમાં દુનિયાને યુદ્ધમાંથી, અંગ્રેજોના મનમાં ભારતને ગુલામીમાંથી અને પૂંજીપતિઓનાં મનમાંથી દુનિયાને મૂડીવાદમાંથી મુક્ત કરવાની ભાવના કેમ ભરી દેતો નથી ? 

ઇશ્વર ક્યાં ય નથી અને તો લોકો તેનામાં કેમ વિશ્વાસ કરવા લાગ્યા ? એ પ્રશ્નનો ભગતસિંહનો જવાબ ‘સૂક્ષ્મ અને સ્પષ્ટ’ છે : ‘જે રીતે તેઓ ભૂત-પ્રેત અને દુષ્ટ આત્માઓમાં વિશ્વાસ કરવા લાગ્યા તેમ’. આગળ જતા તે સમજાવે છે કે ઈશ્વરનો માણસને બેવડો ઉપયોગ છે – ધાકમાં રાખનાર તરીકે અને મદદગાર તરીકે. ‘પીડાથી ઘેરાયેલા માણસને ઈશ્વરની કલ્પના ઉપયોગી બને છે’ ત્રણેક હજાર શબ્દોના નિબંધના છેલ્લેથી ત્રીજા ફકરાને અંતે કરેલા આ વિધાનને મળતી આવતી વાત તેમણે પહેલાં વધારે શબ્દોમાં પણ કરી છે: ‘શ્રદ્ધા દુ:ખોને હળવા બનાવે છે … ઈશ્વર દ્વારા મનુષ્યને ઘણું આશ્વાસન અને એક આધાર મળે છે’.

ભગતસિંહે નિબંધના શરૂઆતના હિસ્સામાં તેમની નાસ્તિકતા એ એમના અહંકારમાંથી આવી છે એવા વ્યાપક આરોપનો પ્રતિતીજનક દલીલો સાથે જવાબ આપ્યો છે. પછી એ કહે છે કે ઇશ્વરના ઇન્કારનું એમનું કારણ અહંકાર નહીં પણ ‘વિવેકશક્તિ’ છે. આ નિબંધનું ચાલક બળ તે  ભગતસિંહના વિવેકવાદ અર્થાત્‌ બુદ્ધિવાદ કે રૅશનાલિઝમ છે. એ લખે છે : ‘… હું માનું છું કે થોડીક પણ વિવેકશક્તિ ધરાવનાર કોઈ પણ માનવી પોતાના વાતાવરણને તર્કયુક્ત રીતે સમજવાની ઇચ્છા રાખતો હોય છે.’ આ ક્ષમતા તેમને બતાવે છે કે ઈશ્વર અને તેને આનુષાંગિક ધર્મને લગતી વિવિધ માન્યતાઓ આપણા પૂર્વજોએ નવરાશના વખતમાં વિશ્વનાં રહસ્યોને સમજવા માટે કરેલા પ્રયાસનું ફળ છે અને ભેદભાવોનું કારણ પણ એ જ છે. ભગતસિંહ નોંધે છે કે વિશ્વની ઉત્પત્તિ વિશેની તેમની પોતાની સમજ ડાર્વિનના ‘જીવની ઉત્પત્તિ’ ગ્રંથમાંથી આવી છે. અપંગ બાળકનો જન્મ એ પૂર્વ જન્મનાં કરેલાં કર્મોનું ફળ નથી પણ માતાપિતાના અણસમજનું પરિણામ છે એવું જીવવિજ્ઞાનનાં સંશોધકોએ સમજાવ્યું છે એમ તેઓ જણાવે છે. ભગતસિંહ કહે છે :

‘વિકાસ માટે ઊભા થયેલા દરેક માણસે રૂઢિગત શ્રદ્ધાના દરેક પાસાની ટીકા તથા તેના પર અવિશ્વાસ કરવો પડશે અને તેને પડકારવા પડશે.’ આ પહેલાં એ કહી ચૂક્યા છે : ટીકા અને સ્વતંત્ર વિચાર બંને ક્રાન્તિકારી માટે અનિવાર્ય ગુણ છે.’ 

નિબંધમાં ભગતસિંહે નાસ્તિકતા તરફ વળવાની પોતાની પ્રક્રિયા સમજાવી છે. ‘રૂઢિચુસ્ત આર્યસમાજી’ દાદાના પ્રભાવમાં ઉછરેલ ભગત શાળાજીવન સુધીના તબક્કામાં સવાર-સાંજ પ્રાર્થના ઉપરાંત વધારાના કલાકોમાં ગાયત્રી મંત્ર’ કરનાર ‘પૂરો ભક્ત’ હતો. બદલાવ આવવા લાગ્યો તે અસહકારના આંદોલન દરમિયાન રાષ્ટ્રીય કૉલેજમાં અભ્યાસના વર્ષોમાં. અહીં આવીને ધાર્મિક સમસ્યાઓ અંગેની વિચારણા અને ‘તેમની ટીકાટિપ્પણી’ શરૂ કરી. પરંતુ હજુ ભગત ‘કાપ્યા વગરના સજાવેલા લાંબા વાળ’ રાખનારો આસ્તિક હતો. ‘ઈશ્વરનાં અસ્તિત્વમાં દૃઢ નિષ્ઠા હતી’, પણ ‘શીખ કે બીજા ધર્મોની પૌરાણિકતા અને સિદ્ધાન્તોમાં વિશ્વાસ બેઠો ન હતો’. ક્રાન્તિકારી પક્ષમાં જોડાયા પછી ખબર પડી કે ઘણાં સભ્યો કે સમકાલીન ક્રાન્તિકારીઓ પણ ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા. ચળવળ માટે સમય-સંજોગો એવા આવ્યા કે તેમને ‘પાર્ટીનું અસ્તિત્વ જ અસંભવ જેવું લાગવા માંડ્યું’. ભગતસિંહને થયું કે ‘હું જ મારા ક્રાન્તિકારી કાર્યક્રમની નિરર્થકતા વિશે નિશ્ચિત બની જઈશ’ એટલે ‘અધ્યયન’ શરૂ કર્યું. માર્ક્સ, લેનિન, ટ્રૉટ્સ્કી, બાકુનિન વાંચ્યા. ‘યથાર્થવાદ’ આધાર બન્યો. ‘1926ના અંત સુધીમાં મને એ વાતનો વિશ્વાસ થઈ ગયો કે એક સર્વશક્તિમાન પરમેશ્વરની વાત, જેણે બ્રહ્માંડનું સર્જન, સંચાલન અને દિગ્દર્શન કર્યું એ માત્ર બકવાસ છે.’ 1927માં લાહોરની જેલમાં તેમના પર સાથી ક્રાન્તિકારીઓની માહિતી આપવા તો દબાણ આવતું જ હતું પણ સાથે ઈશ્વરને ભજવા માટે પણ તેમને સમજાવવામાં આવતા. આ કસોટીના કાળને તે નાસ્તિકતા થકી જ પાર કરી ગયા હતા. ભગતસિંહ આ સંદર્ભમાં લખે છે કે ‘ઈશ્વરમાં વિશ્વાસ રાખનાર હિન્દુ મૃત્યુ પછી રાજા થવાની આશા રાખી શકે છે. એક મુસલમાન કે ખિસ્તી સ્વર્ગમાં ફેલાયેલી સમૃદ્ધિના આનંદની, ઇનામની કલ્પના રાખી શકે.’ પણ ઈશ્વરમાં ન માનનારને આવી કોઈ આશા રાખી શકે નહીં. એમાંના એ પોતે પણ એક છે. એટલે એ કહે છે : ‘કોઈ પણ સ્વાર્થ વગર, આ લોક  કે પરલોકમાં કોઈ ઇનામ મેળવવાની ઇચ્છા વગર મેં અનાસક્ત ભાવથી મારા જીવનને સ્વતંત્રતાના ધ્યેય પર સમર્પિત કર્યું છે.’ તેઓ આગળ લખે છે :

‘ જે દિવસે આપણને આ વિચારો ધરાવતાં ઘણાં બધાં પુરુષો અને સ્ત્રીઓ મળશે કે જેઓ પોતાનું જીવન માનવોની સેવામાં અને પીડિત માનવતાના ઉદ્ધારમાં સમર્પિત કરશે તે દિવસ મુક્તિના શુભ આરંભનો દિવસ હશે.’ 

ભગતસિંહ માટે ઈશ્વર નથી, જે કંઈ છે તે માનવતા જ છે.

આસ્તિકતાને નામે અંધશ્રદ્ધા, ધર્મના નામે ધતિંગ, અપાર કર્મકાંડ, સંસાધનોના પ્રચંડ બગાડ કરતા ધાર્મિક ઉત્સવોના ઘોડાપુરમાં ભારતના સાધનસંપન્ન લોકો જ નહીં પણ શાસકો પણ વહી રહ્યા છે, વંચિતોને વહેવડાવી રહ્યા છે. એવા કાળમાં  શહીદે આઝમ ભગતસિંહનો ‘મૈં નાસ્તિક ક્યોં હૂં?’  નિબંધ ઘરેઘરે પહોંચે તે જરૂરી છે. આ વર્ષે 28 સપ્ટેમ્બરે ભગતસિંહની જન્મજયંતી અને સર્વપિતૃ અમાવાસ્યા એક જ દિવસે આવી છે એ એક સખત વિરોધાભાસી યોગાનુયોગ છે. આવા દિવસો થકી સમાજમાં ફેલાતો અંધકાર ભગતસિંહના આ નિબંધ થકી દૂર થાય અને જ્ઞાન-વિજ્ઞાનનો પ્રકાશ પ્રકટે એવી શુભેચ્છા સહુ નાગરિકોએ એકબીજાને આપવી જોઈએ.  

[1,686 શબ્દો]                 

***** 

26  સપ્ટેમ્બર 2019

e.mail : sanjaysbhave@yahoo.com

[“નવગુજરાત સમય”, શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત] 

Loading

સ્વચ્છતા અંગેનો ખર્ચઃ એક મૂડીરોકાણ

અનિલ વાઘેલા|Opinion - Opinion|26 September 2019

સ્વચ્છતા શબ્દ લેટિન ભાષાનો ‘Sanitas’ પરથી ઊતરી આવ્યો, જેનો અર્થ ‘આરોગ્ય’ થાય છે. તેના પરથી ‘Sanitation’ શબ્દ બન્યો. સ્વચ્છતા જ આરોગ્ય અને પર્યાવરણના કેન્દ્રમાં રહેલી બાબત છે, તેથી વ્યક્તિગત બાબત પણ તેની સાથે જોડાયેલ છે. વ્યક્તિ પોતે જો ખૂબ જ જવાબદારી સાથે સ્વચ્છતાને પોતાના જીવન સાથે જોડી દેશે, તો ભારતમાં સ્વચ્છતાને લગતા પ્રશ્નો આપોઆપ દૂર થઈ જશે.

સ્વચ્છતાનાં ક્ષેત્રો અને ખર્ચઃ

૧. પર્યાવરણ અને ખર્ચઃ

સ્વચ્છતા સાથે પર્યાવરણનો સીધો સંબંધ રહેલો છે. આજે વૈશ્વિક સમસ્યા પર્યાવરણની છે. જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ, જીવાવરણ જેવાં સ્વરૂપો પર જોખમો ઊભાં થયાં છે. આજે આ પર્યાવરણનાં સ્વરૂપો પર ગંભીરતાપૂર્વક પગલાં લેવા જરૂરી બન્યાં છે.

ખાસ કરીને અણુપ્રયોગો પાછળ થતો ખર્ચ બચાવવો, રાસાયણિક ઉદ્યોગો પર અંકુશ મૂકવા. વાહનવ્યવહારો પર ટેક્‌નોલૉજીનો ઉપયોગ, જંગલોનું સંરક્ષણ, પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ, પ્રદૂષિત પાણીનો પુનઃ ઉપયોગ, લોકજાગૃતિ માટેના પ્રયાસો વગેરે બાબતો પાછળ થતો ખર્ચ ખરેખર ખર્ચ નથી, કારણ કે આપણને આ ખર્ચથી કાયમી ધોરણે તેનાં સારાં પરિણામો મળ્યાં કરશે. જો પર્યાવરણ પાછળ ખર્ચ થશે, તો પર્યાવરણથી થતા લાભો સમગ્ર સૃષ્ટિને બચાવી શકશે. મનુષ્યજીવનને વધુ બહેતર કરી શકાશે. પર્યાવરણ-જાળવણીનું ખર્ચ દૂઝણી ગાય સમાન છે, તેથી સરકાર કે વ્યક્તિ જો ખર્ચ કરશે, તો કાયમી ટકાઉ લાભો મળતા રહેશે અને આ રીતે તે એક ડહાપણપૂર્વકનું મૂડીરોકાણ સાબિત થશે.

૨. આરોગ્યઃ

સ્વચ્છતા સાથે આરોગ્યનો પ્રત્યક્ષ સંબંધ રહેલો છે. આરોગ્ય વ્યક્તિગત અને સામુદાયિક હોય છે. જેટલી સ્વચ્છતા એટલું જ આરોગ્ય સારું. પરંતુ આરોગ્યના કેન્દ્રમાં સ્વચ્છતા જરૂરી છે. જેટલો ખર્ચ આરોગ્ય સારુ કરવા (વ્યક્તિગત કે સામુદાયિક) કરવામાં આવે છે, તેના કરતાં સ્વચ્છતા પાછળ ખર્ચ કરવામાં આવે, તો આરોગ્યના પ્રશ્નો દૂર થઈ જાય. ગ્રામ-નગરસફાઈ, શાળા-કૉલેજ સફાઈ, ઉકરડા પર પ્રતિબંધ, આરોગ્ય શિક્ષણ, જંતુનાશક દવાનો ઉપયોગ, રોગચાળા- માંદગી, હૉસ્પિટલ, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો જેવી જગ્યાઓમાં સ્વચ્છતા જળવાય અને જાગૃતિ અને સભાનતા કેળવાય, તે માટે થતો ખર્ચ ખરેખર મૂડીરોકાણ બની જાય છે. જેમ વ્યક્તિ પોતાના મકાનમાં અને આસપાસમાં સ્વચ્છતા જાળવે છે, તેથી તેઓનું આરોગ્ય જળવાય અને તેની પાછળના ખર્ચને બચાવી શકે છે તેમ જ પોતાના માટે સમુદાયની પણ સ્વચ્છતા રાખે, તો આરોગ્યની પાછળ ખર્ચ કરવા કરતાં સ્વચ્છતાની પાછળ ખર્ચ એ મૂડી રોકાણ બની રહેશે. પરિણામે વ્યક્તિગત અને સામુદાયિક રીતે આરોગ્યની પાછળના ખર્ચ બચી શકશે અને કાયમી ધોરણે તેનાં સારાં પરિણામો મેળવી શકાશે.

૩. શિક્ષણઃ

શિક્ષણ એક એવું માધ્યમ છે કે જેનાથી પરિવર્તનો લાવી શકાય છે. જો સ્વચ્છતા અંગે જાગૃતિ કે સભાનતા લાવવી હશે, તો શિક્ષણને પ્રબળ બનાવવું પડશે. સ્વચ્છતા અંગેનું સામાજિકીકરણ શિક્ષણથી આપી શકાય. બાળકોને શાળાના માધ્યમથી સ્વચ્છતાના શિક્ષણ પર ભાર મૂકવામાં આવે, તો તેના જીવનનો એક ભાગ બની જાય. પ્રાથમિક શાળાથી શરૂ કરી ઉચ્ચ  શિક્ષણના તબક્કે સ્વચ્છતાને અભ્યાસક્રમનો એક ભાગ બનાવી દેવામાં આવે. વિવિધ સેમિનાર, વ્યાખ્યાનો, અભિયાનો, કાર્યશિબિર યોજવી જેવા પ્રયત્નો કરવા તેમ જ આ ક્ષેત્રે કામ કરનારાને પ્રોત્સાહિત કરવા.

આ સ્વચ્છતાના શિક્ષણ માટે, તેની જાગૃતિ માટે પ્રોત્સાહન આપવું, તે માટે ખર્ચ થતો હોય છે. આ વ્યક્તિગત વિવિધ એન.જી.ઓ., સરકાર, ઉદ્યોગો સી.એસ.આર. દ્વારા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્વચ્છતાના શિક્ષણ પાછળનું ખર્ચ મર્યાદિત છે. જો આ ખર્ચ પૂરતાં પ્રમાણમાં કરવામાં આવે, તો એ મૂડીરોકાણ સાબિત થઈ શકે. સ્વચ્છતાના સામાજિકીકરણમાં શિક્ષણનો બહુમૂલ્ય ફાળો છે, માટે પ્રાથમિક શાળાથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ સુધી આ વિષય અભ્યાસક્રમનો ભાગ બનાવી દેવામાં આવે, તો બહુ ઓછા ખર્ચમાં મૂડીરોકાણ બની જશે તેમ જ સ્વચ્છતાના શિક્ષણ માટેના પ્રોત્સાહનથી પણ ઉત્સાહ વધશે, જે કાયમી ધોરણે લોકોમાં સભાનતા લાવી શકશે. અન્ય પ્રયત્નો કરતાં સ્વચ્છતાનું શિક્ષણ વધુ પ્રભાવી મૂડીરોકાણ બની જશે, જે કાયમી રીતે સારાં પરિણામો આપી શકે.

૪. સરકાર અને ખર્ચઃ

ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા છેલ્લા દસકામાં સ્વચ્છતા પ્રત્યે હકારાત્મક અભિગમ જોવા મળતો થયો છે તેમ જ તેની સ્વચ્છતા પાછળ ફરજો પણ છે. બંને સરકારો સ્વચ્છતા પ્રત્યે કાર્યક્રમો, યોજનાઓ, મિશનો, અનુદાન-જાગૃતિ અંગેના પ્રયાસો, પુરસ્કારો, પ્રોત્સાહનો, શૌચાલયો બનાવવાં વગેરે બાબતો પ્રત્યે પ્રયત્નશીલ છે, જે રીતે નિર્મળ ગ્રામયોજના, સ્વર્ણિમ ગ્રામ, સંપૂર્ણ સ્વચ્છતા, આંગણવાડી, પાણી પુરવઠા, ગટરયોજના, શૌચાલય યોજના, નિર્મળ ગ્રામ પુરસ્કાર, વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, પ્રદર્શનો, સમૂહ-માધ્યમોનો ઉપયોગ વગેરે પાછળ ખર્ચ કરીને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ લાવવાના પ્રયાસો થાય છે. ખર્ચ તો થાય છે, પરંતુ ભારતની અતિ વસ્તી અને તેની મર્યાદિત સભાનતાના લીધે આ ખર્ચના સારાં અને ઝડપી પરિણામો લાવી શકાતાં નથી, આથી સરકારે વધુ ખર્ચ કરી તે ખર્ચ પાછળની તકેદારી અને ગંભીરતા લાવવી, તે બાબત જ હકીકતમાં મૂડીરોકાણ બનશે. માત્ર ખર્ચ નહીં, પરંતુ સરકાર દ્વારા ખર્ચ સાચા અર્થમાં મૂડીરોકાણ બની જાય એ મહત્ત્વનું છે. માત્ર ખર્ચ કરવાની જ જવાબદારી ગણવાના બદલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિગત જવાબદારી બનશે, તો સમગ્ર ભારતમાં કાયમી ટકાઉ મૂડીરોકાણ બની રહેશે.

૫. ગંદા વસવાટોઃ

સ્વચ્છતાનો સીધો સંબંધ ગંદા વસવાટ સાથે છે. આપણાં મહાનગરોની મોટી સમસ્યા ગંદા વસવાટો છે. આવા વસવાટોમાં પ્રાથમિક સુવિધાઓ-સવલતો હોતી નથી, જેમ કે પીવાનું પાણી, લાઇટ, રોડ, શૌચાલય, બાથરૂમ વગેરે તેમ જ આવા વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીઓ, ગંદા પાણીનાં તળાવ, ઉકરડા હોય છે, આથી શહેરોમાં અસ્વચ્છતા અને આરોગ્યના પ્રશ્નો ઉદ્‌ભવે, શહેરોનું પર્યાવરણ અને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. જો આવા વિસ્તારોમાં ખર્ચ કરી આવી પરિસ્થિતિઓ દૂર કરવામાં આવે અને કાયમી ધોરણે આ વસવાટો દૂર થાય, ત્યાંના લોકોની દારુણ સ્થિતિ દૂર કરી નવી વ્યવસ્થા કરવામાં આવે તો તેની પાછળ કરેલું ખર્ચ વાસ્તવમાં ખર્ચ ન રહેતા પર્યાવરણ અને લોકોની તકેદારીમાં અને જીવનશૈલીમાં રોકાણ બની રહે છે અને કાયમી ધોરણે શહેરોમાં કલંક સમાન સમસ્યાને દૂર કરી શકાય.

૬. સ્વચ્છતા – બાળકલ્યાણઃ

આજે વિશ્વના દેશો ભાવિ પેઢીના કલ્યાણ માટે સભાન બન્યા છે. કારણ કે આ ભાવિ પેઢી આવતી કાલનાં નાગરિકો છે અને તેના દ્વારા દેશની પ્રગતિ અને વિકાસ થઈ શકશે. ભારતના સંદર્ભમાં જોઈએ તો સરકાર દ્વારા બાળકલ્યાણના કાર્યક્રમો દ્વારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પાછળ બાળકના જન્મ પહેલાં, જન્મ દરમિયાન, જન્મ બાદ અને બાળક કિશોરાવસ્થામાં પહોંચે, ત્યાં સુધી તેની તંદુરસ્તી, સ્વચ્છતા, રોગપ્રતિકારાત્મક દવાઓ, રસીકરણ અને સ્વસ્થ ઉછેર પાછળ અનેક ગણો ખર્ચ કરે છે. દેશની નવી પેઢી તંદુરસ્ત હશે, તો દેશનો વિકાસ વધુ હશે. આવી બાબતને ધ્યાનમાં રાખી માત્ર સરકાર જ નહીં, પણ કુટુંબીજનો પણ સભાન હોય છે અને તેની પાછળ આયોજન, યોજનાઓ અને બાળ કલ્યાણ કાર્યક્રમો કરવામાં આવે છે. કુટુંબ નિયોજન-કાર્યક્રમો અને ગર્ભ ધારણ કરેલા મહિલાના સ્વાસ્થ્ય અને તંદુરસ્ત બાળક જન્મે તે માટે ખર્ચ કરવામાં આવે છે. તે નવી પેઢીમાં એક પ્રકારનું રોકાણ છે અને આવું રોકાણ એ કુટુંબ- સમાજ અને દેશના વિકાસમાં, પ્રગતિમાં ઊગી નીકળે છે, આથી આવું ખર્ચ ભવિષ્ય માટે રોકાણ બની રહે છે.

૭. સ્વચ્છતા – કામદારો અને ખર્ચઃ

ઉદ્યોગો અને કામદારો સાથે સ્વચ્છતા સીધી રીતે જોડાયેલી છે. આથી જ ઈ.સ. ૧૯૪૮ના ઇન્ડસ્ટ્રિયલ ઍક્ટમાં કામદારોનાં સ્વાસ્થ્ય માટે કેટલાક નિયમો ઉદ્યોગો માટે ફરજિયાત બનાવ્યા છે. જેમ કે કામદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, બાથરૂમ, કૅન્ટીન, ગટર યોજના, શુદ્ધ હવા પૂરતો પ્રકાશ, યાંત્રિક સંરક્ષણ-સલામતી, સ્વચ્છતા, સુરક્ષા, કાર્યસંતોષ વગેરે બાબતો ઉદ્યોગોના ઉત્પાદન સાથે સંકળાયેલી બાબતો છે. સરકારી કે ખાનગી ઉદ્યોગો આ બધી બાબતો અંગે કાળજી લે, તો તેનાથી ઉત્પાદન વધશે અને કામદારોનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી બની રહેશે અને કાર્યસંતોષ વધશે, જે ઉદ્યોગોના નફાને વધારશે. આ બધી બાબતોની કાળજી લેવામાં ઉદ્યોગોના માલિકોને ખર્ચ કરવો પડે અને આ ખર્ચ હકીકતમાં મૂડીરોકાણ જ બની રહે છે, કારણ કે આ ખર્ચથી કામદારો ઉદ્યોગોનો નફો રળી આપે છે. તેની સલામતી અને ભવિષ્યની સુરક્ષાનું ખર્ચ પરિણામે રોકાણ બની રહે છે.

૮. સ્વચ્છતા – સમુદાયો અને ખર્ચઃ

આથી જ ભારતમાં આજે સ્વચ્છતા માટેની જે જાગૃતિ અને સભાનતા વધી છે, તેને સમગ્ર પ્રજાજનોએ આવકારી છે. લોકજુવાળ અને જીવનશૈલીમાં સ્વચ્છતાને આવકારી એ વિશ્વમાં નોંધનીય બાબત બની છે. ભારતના ઇતિહાસમાં આ સભાનતા અંગે વિશ્વએ નોંધ લીધી છે.

[શામળદાસ આટ્‌ર્સ કૉલેજ, ભાવનગર]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 13 − 15

Loading

શિક્ષક એટલે માણસ

‘અમલતાશ’|Opinion - Opinion|26 September 2019

પાટલી છોડીને બહાર

રમાનો પરિવાર શહેરમાં આવીને વસતા વસી તો ગયો પણ મુસીબતોનો તો ઢગલો જ વળી ગયો. સાવ નાનકડું ઘોલકા જેવડું રસોડું, અંધારિયું નવાણિયું અને પાંચ બત્તી ચાલે ત્યારે મોંસૂઝણું થાય તેવો ઓરડો ! તેમાં વળી મહામહેનત, લાગવગ, ભગવાનની બાધાઆખડી અને સાત પેઢીના વડીલોના આશીર્વાદે એક શાળામાં શિક્ષિકાની નોકરી મળી. અને શાળાયે કેવી ! ભગવાન શ્રીકૃષ્ણે પારાવાર કૃપા કરીને પોતાના બાલસખા સુદામાને નવો બંગલો બનાવી આપ્યો તે પછી તેની ખાલી પડેલી ફટેહાલ ઝૂંપડી જેવી જગ્યાએ શાળા ચાલતી. રમાને શરૂમાં તો બહુ ઓછું આવ્યું. આ બાજુ ગુરુ જેવી શાળા અને પેલી બાજુ ગોવિંદના સ્થાને ઘર બેમાંથી કોના પાયે પડવું ?

પણ જ્યારે વર્ગમાં પ્રવેશતી, ત્યારે કોણ જાણે ક્યાંથી ચૈતન્યના ફુવારા છૂટતા. આવી શાળામાં બાળકો પણ કેવાં ?! દુનિયાથી ડઘાયેલાં, ડરેલાં, સંકોચાયેલાં – ક્યારેક માત્ર ગંદાં અને બહુધા ગોબરાં ! રમા તો ભણાવતી વખતે પોતાનામાં મસ્ત થઈને, પાયથાગોરસના પ્રમેયમાં ડૂબકીઓ મારતી-મારતી ભણાવતી. વર્ગ અને ઘર બધું જ ભૂલી જતી. છતાં તેને થયું કે વાત જામતી નથી. વિદ્યાર્થીઓનો પ્રતિભાવ પણ ભાગ્યે જ સાંપડતો.

એક દિવસ, રિસેસ પડી જવા છતાં તે ભણાવતી રહી. અચાનક તેને ખ્યાલ આવ્યો કે છોકરાં ભૂખ્યાં થયા હશે. ઝટપટ સંકેલો કરીને તે બહાર તો નીકળી પણ તેની નજર ત્રીજી હરોળના ખૂણામાં બેઠેલી આશા ઉપર પડી. ઘણાં છોકરાં, ડબ્બા ખોલીને ખાવામાં હતાં પણ આશા માથું નીચું કરીને બેસી જ રહી હતી. ‘હશે કાંઈક’ એમ કરીને તેણે મન તો વાળ્યું પણ ગમેતેમ – આશાનો એ નિષ્પ્રાણ અને ચેતનહીન ચહેરો તેને છોડતો જ નહોતો. આમ ને આમ એક અઠવાડિયું વીત્યું. તે દરમિયાન તેણે કોઈ ના જાણે તેમ આશાની જાસૂસી જ કરી નાંખી. જે ચિત્ર ઊપસ્યું તે ગ્લાનિભર્યું હતું. તેના પિતા દારૂડિયા અને જુગારી હતા. મા ઘરકામના ઢસરડા કરતી. ઘરમાં હાલ્લાં ઓછાં અને કુસ્તી વધારે ! રમાએ નોંધ્યું કે આશા તો ખરે હાડકાંનો માળો બની ગઈ હતી. રમાએ મનોમન નિર્ણય કરી લીધો.

‘આશા, બેટા જરા આવ તો,’ વર્ગ છોડીને જતાં જતાં તેણે આશાને સાથે લીધી. નિશાળમાં એક ખૂણામાં તેને લઈ જઈ ખાસ્સું માખણ ચોપડેલી ચાર સ્લાઇસ બ્રેડનું પડીકું તેણે આશાને આપ્યું અને કંઈ જ બોલ્યા વગર ઝડપથી કૉમનરૂમમાં જતી રહી. અને પછી તો રમાનો આ નિત્યક્રમ થઈ ગયો.

એક દિવસ તેણે આ રીતે આશાને નાસ્તો આપ્યો અને ધીરેથી સરકી જવા જતી હતી, ત્યાં જ કલ્પનાબહેન, મંજુલાબહેન, હેતલબહેન અને દેસાઈસાહેબે તેને રોકી. ‘રમાબહેન, હજુ તો તમે આ સ્કૂલમાં નવા-નવા આવ્યાં છો અને આવી ચાલાકી !’ ગંભીરભાવે દેસાઈસાહેબ બોલ્યા. રમાને કાંઈ રમજ ન પડી; પણ તેની મૂંઝવણ દૂર કરતા મંજૂલાબહેન બોલ્યાં, ‘આમ તે કાંઈ હોય, બધું પુણ્ય તમે એકલાં જ લઈ જશો તો અમે શું કરીશું !’

સ્કૂલના હેડમિસ્ટ્રેસ કલ્પનાબહેન બોલ્યાં, ‘બહેન તમે ખૂબ સારું કર્યું. અમારી આંખો ખૂલી ગઈ. તમે રિસેસ વખતે રોજ અહીં ખૂણામાં જતાં તેથી અમે જાસૂસી કરી. પછી પેલી આશાને પણ પૂછ્યું તો ખબર પડી કે તમે તેના જેવાં છોકરાંને નાસ્તો કરાવો છો. બહેન, હવેથી તમે એકલાં નથી. અમે બધાં સ્વૈચ્છિક રીતે અમારા પગારોના દસ-દસ ટકા તમને આપીશું. નિશાળનાં છોકરાંને નાસ્તો કરાવવાની વ્યવસ્થા તમારે સંભાળવાની.’

‘બહેન, મને આ દિશા ચીંધનારા તો મારા પ્રોફેસર પટેલસાહેબ છે. આશાની સ્થિતિની મેં તેમને વાત કરી હતી. તેમણે કહ્યું કે “ખાનગી નિશાળોમાં ગરીબનાં બાળકો પ્રવેશ તો મેળવે, પણ તેમને માટે મધ્યાહ્ન ભોજન યોજના હોતી નથી. ‘રમા, આપણે થોડું ઓછું કમાયાં’તાં એમ કરીને પણ આવા  છોકરાંની આંતરડી ઠારજે બેટા, ગીતામાં કહ્યું છે ને, “પોતા માટે જે રાંધે તે પાપી પાપ ખાય છે.” અને વળી “શરીરમ્‌ આદ્યં ખલુ ધર્મસાધનમ્‌,” જો શરીરને પોષણ જ નહીં મળે તો સમાજમાંથી ધર્મ, વિદ્યા, જ્ઞાન કે સંસ્કાર રઝળતાં થઈ જશે.’ “એટલે, હું કાંઈ વિશેષ નથી કરતી – માત્ર ગુરુનું ઋણ ચૂકવું છું.”

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 23 

Loading

...102030...2,7112,7122,7132,714...2,7202,7302,740...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved