નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એન.આર.સી.) છેલ્લા કેટલાક દિવસોથી દેશ માટે ચર્ચાનો વિષય છે, પણ ૧૯ લાખ લોકો, જેમનું નામ છેલ્લા લિસ્ટમાં ન આવ્યું, તેમના માટે તો જાણે તે મૃત્યુનો ઘંટ છે. આસામમાં બાંગ્લાદેશી લોકોની ઘૂસણખોરી અનેક દાયકાઓથી પડતર પડેલો મુદ્દો છે. બહારના લોકોની વધતી જતી સંખ્યા અને પ્રભુત્વ સ્થાનિક લોકો માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. તેમના કહેવા મુજબ તેમનાં કુદરતી સંસાધનો, મર્યાદિત નોકરીની તકો, નાનામોટા ધંધા વગેરેમાં બહારથી આવેલા લોકોએ જોતજોતામાં કબજો જમાવેલ છે. સ્થાનિક મૂળનિવાસી ‘ઓહં’ સમુદાય હવે લઘુમતીમાં છે. તેથી તેમની વર્ષોથી માંગણી રહી છે, કે બહારના લોકોને બહાર કાઢો અને લોકોનો રોષ દિવસે દિવસે વધતો જાય છે.
એન.આર.સી. એટલે, નાગરિકોની નોંધણી કરવા માટેનું એક રજિસ્ટર, અને જેઓ તેમાં તેમની નોંધણી ન કરી શકે તે ‘ભારતનો નાગરિક’ નહીં ગણાય. ભારતના બંધારણમાં નાગરિકત્વની કોઈ વ્યાખ્યા નથી, પણ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ જે લોકો ભારતમાં પાંચ વર્ષથી રહેતા હતા, તેમણે ભારતના નાગરિક માનવામાં આવ્યા. ૧૯૫૫ના નાગરિક્ત્વ ધારા મુજબ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ૧ જુલાઈ, ૧૯૮૭ સુધી જે લોકો ભારતમાં જન્મ્યા તેઓ ભારતના નાગરિક છે. ત્યાર બાદ ૧ જુલાઈ, ૧૯૮૭થી ૩ ડિસેમ્બર ૨૦૦૪ સુધી જેઓ ભારતમાં જન્મ્યા અને તેમના એક કોઈ વાલી ભારતીય નાગરિક હોય, તો તેઓને ભારતના નાગરિક ગણવામાં આવશે. વર્ષ ૨૦૦૪ બાદ જેઓનો જન્મ થયેલ છે, તેમનાં બંને વાલીઓ નાગરિક હોય અથવા એક વાલી ભારતના નાગરિક હોય અને બીજા ગેરકાયદેસર રીતે આવેલ ન હોય, તો તેઓને પણ ભારતના નાગરિક માનવામાં આવશે. પણ આસામ માટે આ કટ ઑફ ડેટ ૨૫ માર્ચ, ૧૯૭૧ છે. આસામની પ્રક્રિયા માટે લોકોએ નીચે મુજબનાં ડૉક્મેન્ટ્સ રજૂ કરવાનાં હતાં.
• ૧૯૫૧માં NRCમાં નોંધણી
• ૨૪ માર્ચ, ૧૯૭૧ના રોજ અથવા પહેલા મતદાર તરીકેની નોંધણી
• જમીનના દસ્તાવેજો
• નાગરિક હોવાનો દાખલો
• કાયમી રહેવાસીનો દાખલો
• રેફ્યુજી તરીકેનો દાખલો
• પાસપોર્ટ
• એલ.આઈ.સી.
• સરકાર દ્વારા અપાયેલ લાઇસન્સ
• સરકારી કર્મચારી હોવાનો દાખલો
• બૅંક એકાઉન્ટ, પોસ્ટ-ઑફિસમાં ઍકાઉન્ટ
• જન્મનું પ્રમાણપત્ર
• બૉર્ડ યુનિવર્સિટી
• કોર્ટનો રેકૉર્ડ
જો ઉપરનાં ડૉક્યુમૅન્ટ્ અરજદારના પોતાના ન હોય અને તેમના પરિવાર જનમાંથી કોઈનાં હોય, તો તેમણે વધારાનો નીચે મુજબનો કોઈ પણ ડૉક્યુમૅન્ટ રજૂ કરવાનો રહેશે કે જેથી કરીને તેઓ ઉપરના દસ્તાવેજ ધરાવતી વ્યક્તિ સાથે તેમનો સંબંધ પ્રસ્થાપિત કરી શકે.
• જન્મનો દાખલો
• જમીનનો દસ્તાવેજ
• બૉર્ડ/યુનિવર્સિટીનું પ્રમાણપત્ર
• બૅંક/એલ.આઇ.સી./પોસ્ટ-ઑફિસમાં ખાતું
• લગ્નનો પંચાયતનો દાખલો
• મતદારયાદી
• રાશનકાર્ડ
આસામમાં જે પ્રક્રિયા ચાલી તેમાં ૩૦ લાખ ઉપરાંત લોકો ઉપર્યુક્ત કોઈ ડૉક્યુમૅન્ટ રજૂ કરી શક્યા નહીં. અને તેઓ ‘ઘૂસણખોરો’ અથવા ગેરકાયદેસર રીતે આવેલ વ્યક્તિઓ ગણાયા.
૮ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ લોકસભાએ નાગરિકત્વધારામાં સુધારો કર્યો કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલ હિન્દુ, શીખ, બુદ્ધ, ક્રિશ્ચિયન, પારસી, જૈન આ લઘુમતી કોમના લોકોને ગેરકાયદેસર રીતે આવેલા તરીકે ગણવામાં નહીં આવે અને તેઓ નાગરિક બની શકે છે.
પરિણામે મુસ્લિમ વગરના બધાને નાગરિક બનવાનો એક મોકો મળ્યો અને લગભગ ૧૯ લાખ ઉપરાંત મુસ્લિમ લોકો ‘બાંગ્લાદેશી’ તરીકે જાહેર કરાયા. આ લોકોમાં ઘણા બિહાર અને પશ્ચિમ બંગાળના’ પણ છે. અને હવે તેમનું ભારતીય તરીકેનું અસ્તિત્વ મટી ગયું. તેમને સાંભળવાની, તેમની વાત રજૂ કરવા માટેની કોઈ તક કે મોકો સરકારે આપ્યો નથી. જે મોકો આપ્યો તે એક ધર્મને બાદ કરીને આપ્યો, એટલે તદ્દન ગેરન્યાયીક છે. હવે આ ૧૯ લાખ લોકો ભારતીય નાગરિક નથી, મતદાર નથી, નોકરી માટે હકદાર નથી. જમીનમિલકત વસાવી શકવાના નથી. તેમના નાગરિક તરીકેના અને કદાચ માનવ તરીકેના પણ કોઈ હક્ક રહ્યા નથી.
ગૃહમંત્રી તેમણે બાંગ્લાદેશ મોકલવાની જાહેરાત કરી ચૂક્યા છે, પણ ભારત સરકારે બાંગ્લાદેશ સરકાર સાથે સત્તાવાર રીતે કોઈ વાતચીત શરૂ કર્યાના કોઈ સમાચાર નથી. પરંતુ ‘ડિટેન્શન કૅમ્પ’ બનાવવા માટેનું કેન્દ્ર સરકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાખો લોકો આવા ડિટેન્શન કૅમ્પોમાં રહેશે. તેમાં નાનાં બાળકો, સગર્ભા મહિલાઓ, કિશોરીઓની સલામતી, અન્ન સુરક્ષાની સ્થિતિ શું હશે. તેની કલ્પના પણ નહીં કરી શકે.
આસામના લોકોને બહારના લોકો માટે ગુસ્સો હતો, છે, પણ તેમાં મુસ્લિમ ધર્મ તરીકે જુદા પાડીને તેમને આવી રીતે ખદેડવાની માંગ ન હતી. સરકારે બહારના લોકો પ્રત્યેની દ્વેષની લાગણીનો ફાયદો ઉઠાવી એક કાંકરે ઘણાં બધાં પક્ષીઓ માર્યાં તેમ કહી શકાય.
પડતર પ્રશ્નનો હલ લાવ્યા, હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સપનાં તરફ ડગલું માંડ્યું અન્ય રાજ્યોમાં રહેતાં મુસ્લિમ સમાજમાં ભયની લાગણી ફેલાવી મુસ્લિમ પ્રત્યેની નફરતની ભાવનાને ખાતર નાખ્યું અને હિન્દુ બહુમતીના દિલમાંથી હાલમાં ચાલતી બેરોજગારી, મોંઘવારી જેવા સળગતા મુદ્દાઓને ભૂંસી નાખ્યા.
સરકાર માટે એન.આર.સી. અને સી.એ.બી. બહુવિધ ફાયદાઓથી ભરપૂર એક યોજના છે, અને આવનારા દિવસોમાં રાજ્યોની ચૂંટણીઓમાં તેનો ઉપયોગ અન્ય રાજ્યોમાં પણ કરાશે. ગુજરાતમાં વિચરતા સમુદાયના ડફેર ઉપરાંત મિયાણાં, સંધિ, જુમ્મા, રાજા જેવા અનેક ધર્મે મુસ્લિમ કોમ છે. વિચરતા અને વિમુક્ત સમુદાયોના લાખો લોકો પાસે ઉપર કહ્યા મુજબનો એક પણ ડૉક્યુમૅન્ટ નથી. તેઓ ગામથી દૂર સરકારી ખરાબાની જમીનમાં અથવા દરિયાકિનારે ઝૂંપડામાં રહે છે. હાલમાં સરકારની આવાસ, રાશન, પેન્શન, આંગણવાડી જેવી પાયાની સેવાઓ, કાર્યક્રમોથી પણ આ લોકો વંચિત છે. તેઓ ક્યાંક મીઠું પકવે છે, ખેતરખેપું કરે છે અથવા દરિયો ખેડે છે. તેઓની પાસે ક્યાંથી જમીનના દસ્તાવેજો, પાસપોર્ટ, લાઇસન્સ હોવાનાં? આધારકાર્ડ અથવા મતદારકાર્ડ પણ માન્ય નથી. અત્યાર સુધી મતદારો બનાવીને તેમનો વોટિંગ માટે ફાયદો પક્ષોએ ઉઠાવ્યો, પણ મતદારકાર્ડ તેમણે નાગરિક્ત્વ આપી શકવાનું નથી.
એન.આર.સી. લાગુ કરવાની આ પ્રક્રિયા અમાનવીય અને ગેરબંધારણીય હોવા છતાં તેની સામે દેશ કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ વિરોધ થયો નહીં. બજાર તરીકે ભારત સાથેના સંબંધો હાલ કોઈ બગાડવા માંગતા નથી. ડિટેન્શન-કૅમ્પમાં લાખો લોકો હોય તો તે પણ કંપનીઓ માટે બજાર છે. તેને ધર્મ, લાગતો નથી, કોઈનું નાગરિકત્વ મટી જાય તેનાથી ફરક પડતો નથી. મૂડી ને જમીનો જોઈએ, સસ્તા મજૂરો જોઈએ, પાણી જોઈએ, જે આજની સરકાર તેમને આપવા તૈયાર છે.
તેવા સંજોગોમાં ભારતના નાગરિકો આ અંગે સરકારને સવાલ કરે તેવી અપેક્ષા છે. તે તેમને ગમશે નહીં. જે બોલશે તે મુસ્લિમોના પક્ષવાળા, એટલે પાકિસ્તાનના મસીહા, એટલે દેશદ્રોહી આવાં સમીકરણો લગાડી અનેક અવાજ દબાવવામાં આવશે. ઘૂસણખોરી એક સમસ્યા છે પણ તેને રોકવા સરકારે અપનાવેલો ઉપાય મુસ્લિમ કોમને ખતમ કરવાનો કારસો છે.
E-mail : jogpankti@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 06 તેમ જ 05
![]()


એટલું જ નહીં, ઉંધું, આપણે વગર સમજ્યે ઇચ્છાઓ કર્યા જ કરીએ છીએ. આપણી દરેક પળ ઈચ્છાથી ઓતપ્રોત હોય છે. જાણે આપણે ઇચ્છા નામની માટીનાં પૂતળાં છીએ. પણ આ હકીકતને કારણે જ અનેક મુસીબતો સરજાય છે. એટલા માટે કે ત્યારે આપણે ઇચ઼્છા પાછળના હેતુને અભરાઇએ મેલી દીધો હોય છે. ઘણી વાર આપણે ઇચ્છા પ્રમાણેનું વર્તન કરવામાં પાછા પડ્યા હોઇએ છીએ. ઇચ્છા સજ્જતા સાહસ તત્પરતા માગી લે છે. ઇચ્છાનાં જોખમો ઉઠાવવાં પડે છે. એવી બધી આપણી તૈયારી નથી હોતી. કહે, પ્રેમ કરું છું, પણ કહે, મૅરેજ હમણાં નહીં. કહે, મૅરેજ કરીએ, પણ બાળકો હમણાં નહીં …