Opinion Magazine
Number of visits: 9576735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘પડદા પાછળનું ગુજરાત’

રમણ વાઘેલા|Samantar Gujarat - Samantar|16 September 2019

આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો અને સાંપ્રદાયિક દંગા અંગે ટીકાટિપ્પણ અને મોટા પાયે ચર્ચા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતાં ભારતની છબી ખાસ્સી એવી ખરડાઈ હતી, તેમ છતાં ગુજરાતમાં આ દુર્ઘટના ઘટી એ પ્રદેશની ભાષામાં પુસ્તક અનુદિત થતાં ખાસ્સો એવો વખત વીતી ગયો. એના કારણમાં જઈએ તો આ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવા કોઈ તૈયાર થયું નહોતું, તો વળી કોઈ પ્રકાશકે આ પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત કરવા હિંમત દાખવી નહોતી, કહો કે તૈયારી દર્શાવી ન હતી. ખેર, ‘દેર આયે, દુરસ્ત આયે’ એ ન્યાયે દુર્ઘટના ઘટ્યાનાં ૧૭ વર્ષ બાદ પુસ્તક ગુજરાતીમાં પ્રગટ થાય છે, એ સાયેશ કમ નથી.

આ અનુદિત પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય આપતાં કહી શકાય કે ગોધરા રેલવે-સ્ટેશન પરની દુર્ઘટના પછી ગુજરાતનાં અનેક શહેરો-વિસ્તારો-ભાગોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળવાનું મુખ્ય કારણ સરકારના પોલીસતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાનાં પાલનમાં દાખવવામાં આવેલ ગંભીર પ્રકારની બેદરકારી હતું. આ પુસ્તકમાં બે જૂથો વચ્ચેનાં કોમી તોફાનો અને તે પછી પોલીસની સરિયામ બેદરકારી પર ઢાંકપિછોડો કરવા અને નિર્મમ હત્યાકાંડના અપરાધીઓને બચાવવા માટે કરવામાં આવેલ સરકારના આયોજનબદ્ધ (!) પ્રયત્નોનો લેખકે એક પોલીસ – અધિકારીની હેસિયતથી પર્દાફાશ કર્યો છે. કોમી રમખાણો દરમિયાન ઉચ્ચ પોલીસ – અધિકારીની રૂએ લેખકે રજૂ કરેલા અહેવાલો અને તે પછી કોમી તોફાનોની તપાસ કરવા સારુ સરકારે નિયુક્ત કરેલાં તસાસપંચ સમક્ષ એમણે રાજકારણીઓ, પોલીસતંત્ર અને નોકરશાહોની નિમ્ન કક્ષાની ભૂમિકાનો કરેલો પર્દાફાશ આ પુસ્તકની મુખ્ય બાબતો છે. સર્વોચ્ચ અદાલતના આદેશથી રચાયેલ ખાસ તપાસ(એસ.આઈ.ટી.)ની કામગીરીને લેખકે બહુ જ નજીકથી અને બારીકાઈથી નિહાળી અને અંતે લેખક એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે એસ.આઈ.ટી.એ ગુનેગારોને તેમનાં અમાનુષી દુષ્કૃત્યો બદલ સજા કરવાને બદલે ગુનેગારોના બચાવપક્ષે રહીને વકીલ તરીકેની ભૂમિકા ભજવી હોય, એવી છાપ પડે છે. ગુજરાતનાં કોમી રમખાણો અને તે પછીની શાસકોની નોકરશાહોની ઉદ્દંડ રીતિ-નીતિનું નજરે જોનાર સાક્ષી તરીકે લેખકે આ પુસ્તક પોતાના અંતરાત્માના બોજને હળવો કરવા માટે લખ્યું છે.

લેખક પ્રાક્કથનમાં જણાવે છે કે, ‘એક પોલીસ-અધિકારી અને નાગરિક તરીકે મેં જે કાંઈ અનુભવ્યું, ફેબ્રુઆરી ૨૦૦૨ દરમિયાન ગોધરામાં ઘટેલી ઘટના બાદ સિલસિલાબંધ વિષમ પ્રસંગોના સાક્ષી બનવાનું થયું, તે સઘળું આ પુસ્તકમાં કશું ય ગોપનીય રાખ્યા વિના વર્ણવાયું છે.’ પ્રાક્કથનમાં લેખક આગળ નોંધે છે કે “રાજકારણીઓએ ગુજરાતને હિન્દુત્વની પ્રયોગશાળા તરીકે પસંદ કરી હિન્દુત્વના જુદાજુદા ચહેરાને રાજકીય સ્વરૂપ આપ્યું. ગોધરામાં ટ્રેન સળગાવી મૂકવાની ઘટના પછી રાજ્ય સરકારે લઘુમતી વિરોધી તોફાનોને છૂટો દોર ન આપતાં, કાબૂમાં લીધાં હોય, તો સંઘપરિવાર (સાચા અર્થમાં) હિંદુ હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શક્યો હોત! … લઘુમતી વિરોધી હિંસાનાં હૃદયદ્રાવક દૃશ્યો એક વ્યક્તિ તરીકે અને ફરજના ભાગ રૂપે પણ જોઈને મેં નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર સાચી માહિતી ઉપર ઢાંકપિછોડો કરી રહી છે તથા ભા.જ.પ.ની રાહત-છાવણીના સંચાલકો દ્વારા આચરવામાં આવેલ હિંસા બાદ ઊભી થયેલી અંધાધૂંધી તથા હિંસક બનાવો સરવાળે તો હિંદુ કોમનું સ્વયંસ્ફુરિત અસંગઠિત પ્રત્યાઘાતી પગલું હોઈ, એનો પર્દાફાશ કરવો જોઈએ. ગોધરાના આ રક્તરંજિત બનાવ બાદ ઇન્ટેલિજન્સ વિભાગના અધિક ડી.જી.પી. તરીકે એપ્રિલ ૨૦૦૨માં મને આ કામગીરી સોંપાઈ તેને હું દૈવી નિયોગશક્તિ સમાન ગણું છું, તેણે મને વહીવટી સત્તાધીશોને ખુલ્લા પાડવાની તક આપી.”

આ પુસ્તકમાં કુલ ૧૭ પ્રકરણો અને બે પરિશિષ્ટ મૂકવામાં આવેલાં છે. પ્રત્યેક પ્રકરણના પ્રારંભમાં વિવિધ ધર્મગ્રંથોનાં અવતરણ મૂકવામાં આવેલ છે, જેમાં ભગવદ્‌ગીતા, ચારેય વેદ, તિરુક્કુરલ (તિરુવલ્લુવર રચિત), કુરાન, બાઇબલ, ધમ્મપદ, નીતિસાર, નીતિશતક વગેરેના પ્રકરણનાં વિષયને અનુરૂપ અવતરણોનો સમાવેશ થાય છે. સત્ય, ન્યાયપ્રિયતા, સદાચાર, સદ્‌વિચાર, સત્યનો અસત્ય પર વિજય, રાજાનાં કર્તવ્યો, ન્યાયાધીશોની સત્ય અને ન્યાયપરાયણતા એવાં ઉદાત્ત લક્ષણોને અવતરણોમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

પ્રારંભના પ્રકરણમાં લેખકે એ બાબતની જિકર કરી છે કે જ્યારે જ્યારે સામૂહિક ગુનાઓના ગુનેગારોને રાજકારણીઓ અને સરકારી અધિકારીઓનો સહયોગ મળે છે, ત્યારે જાહેરશિસ્તમાં વિપેક્ષ વાસ્તવિક બની જાય છે. દિલ્હીમાં ૧૯૮૪માં નરસંહાર અને ગુજરાતમાં ૨૦૦૨માં થયેલ દુષ્કર્મો સહિતના નરસંહારનો સંદર્ભ આપી એ વાતને પ્રતિપાદિત કરી છે કે પોલીસ સહિત અમલદારશાહી, ઐયાશી વહીવટકર્તાઓ દ્વારા રાજકારણીઓની ચાપલૂસી, માન-અકરામ મેળવવા માટે અને કારકિર્દીમાં પદોન્નતિ મેળવવા માટે કાનૂની પ્રતિબદ્ધતાનો છડેચોક ભંગ જેવી બાબતો સાવ સામાન્ય બની ગઈ છે. ૧૯૭૦ સુધી રાજનૈતિક લાભ અને ચૂંટણીજંગમાં વિજય પ્રાપ્ત કરવા સારુ ના તો ધનબળ કે ના તો બાહુબળની કોઈ ભૂમિકા હતી, ના તો સામાજિક-આર્થિક ક્ષેત્રે વિઘટનકારી શક્તિઓનો કોઈ હસ્તક્ષેપ હતો. ત્યારના નેતાઓ બલિદાન, સેવા, દેશભક્તિ અને સમર્પણની ભાવનાવાળા હતા, જેના કારણે મોટા ભાગના નેતાઓ અને કાર્યકરોને સાચું માર્ગદર્શન મળતું હતું, પરંતુ ૧૯૭૫ની કટોકટી બાદ પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ. સાંપ્રત રાજકારણની વાત કરીએ તો કશું કહેવાપણું જ રહ્યું નથી!

રાજકારણીઓએ અને પોલીસે પ્રિવેન્ટિવ ડિટેન્શન કાયદાનો પોતાના હિતમાં દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું, પરિણામે ‘દુશ્મનો’ વિરુદ્ધ ગુનાઓના બનાવટી દસ્તાવેજો ઊભા કરનાર અમલદારશાહી અને પોલીસો નિમણૂક-પદોન્નતિ અને નિવૃત્તિ બાદ મલાઈદાર જગ્યાઓ જેવા લાભ મેળવી શક્યા હતા. સરવાળે આ પ્રકરણમાં ૨૦૦૨માં ગુજરાતનાં રમખાણોની પશ્ચાદ્‌ભૂમિકા સહિત લેખકે ક્રમબદ્ધ ઘટનાઓ આલેખી સંઘ, ભા.જ.પે. અને સરકારની દોંગાઈ દર્શાવી છે. ‘વ્યથા અને નિરાશાભર્યા દિવસો’એ શીર્ષક હેઠળના પ્રકરણમાં લેખકે ભારત સરકારના ગૃહમંત્રાલય હેઠળના આઈ.બી.માં ૧૩ વર્ષ દરમિયાન ફરજો બજાવ્યા બાદ ૨૦૦૦માં ગુજરાત આવી પોલીસતંત્રમાં વ્યાપેલ સડો-બદીઓ જોઈ એટલી વ્યથા અને નિરાશા અનુભવે છે કે ભ્રષ્ટાચાર, ભાઈ-ભત્રીજાવાદ, ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને રાજનૈતિક હસ્તક્ષેપે તંત્ર પર એવી તો પકડ જમાવી દીધી છે કે ન્યાય અને નૈતિક મૂલ્યોનો સદંતર હ્રાસ થઈ ચૂક્યો છે. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨માં હથિયારધારી એકમના વધારાના પોલીસ મહાનિર્દેશકની રૂએ ફરજો બજાવતી વખતે એસ.આર.પી.ના પોલીસ-કમાન્ડરને લેખિત સૂચના પાઠવ્યા છતાં નરોડા પાટિયા પાસે સૈજપુર-બોઘામાં આવેલ એસ.આર.પી. કૅમ્પમાં આશરો મેળવવા ઇચ્છતા લઘુમતી કોમના ૫૦૦ લોકોને કંપની-કમાન્ડર (આઈ.પી.એસ.) લઘુમતી કોમનો હોવા છતાં આશરો મળતો નથી, પરિણામે ૯૬ લોકો લઘુમતી કોમના આક્રોશનો શિકાર બની જાન ગુમાવી દે છે. આ આખાયે પ્રકરણમાં માનવતાની મશાલચી તરીકે લેખકે પરિતાપ વેઠવાનો વારો આવ્યો. વાચકના હૃદયને કંપાવી મૂકે છે!

આ તબક્કે એ બાબત ખાસ નોંધવી રહી કે તત્કાલીન મુખ્યમંત્રીએ ગોધરાથી પરત આવ્યા બાદ ૨૭ ફેબ્રુઆરીએ પોતાના સરકારી નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી, જે બેઠકમાં તત્કાલીન મુખ્યમંત્રીએ અધિકારીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે “સામાન્ય રીતે સાંપ્રદાયિક તોફાનોમાં પોલીસ હંમેશાં લગભગ પ્રમાણસર રીતે હિન્દુઓ અને મુસલમાનો વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ હવે એમ બનશે નહીં. હિંદુઓને બેરોકટોક પોતાનો આક્રોશ-ગુસ્સો પ્રગટ કરવા દેવો જોઈએ.” આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ, ગૃહવિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ મહાનિર્દેશક સહિત અમદાવાદ પોલીસ-કમિશનર હાજર હોવા છતાં, આ બધા અધિકારીઓમાંથી કોઈએ પણ તત્કાલીન મુખ્યમંત્રીના આ ગેરકાયદેસર હુકમ સામે વિરોધ નોંધાવ્યો નહીં. તત્કાલીન પોલીસ મહાનિર્દેશકે લેખક સમક્ષ ખેદ વ્યક્ત કરતાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તત્કાલીન મુખ્યમંત્રીના આ મૌખિક હુકમોને કારણે હિંસક સાંપ્રદાયિક તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં અડચણ પેદા થઈ રહી હતી.

‘ઈશ્વરદત્ત અવસર’ પ્રકરણમાં લેખકને ૯ એપ્રિલ, ૨૦૦૨માં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના વડાનો હવાલો સોંપવામાં આવતાં, લેખક ૨૪ એપ્રિલ, ૨૦૦૨ના રોજ ‘અમદાવાદમાં વર્તમાન સાંપ્રદાયિક પરિસ્થિતિ બાબતે એક વિશ્લેષણાત્મક અહેવાલ’ સરકારમાં રજૂ કરે છે, જેમાં તેઓને સાંપ્રદાયિક પરિસ્થિતિનાં અલગ અલગ જે ખતરનાક ચિત્રો જોવા મળે છે, તે પરત્વે એટલે કે સ્ફોટક સ્થિતિ પર નિયંત્રણ લાવવા કયાં પગલાં ભરવાં જોઈએ – તેની વિગતો નોંધાયેલી જોવા મળે છે. પરંતુ સખેદ કહેવું જોઈએ કે લેખકનાં સૂચનોનો અમલ કરવાની વાત તો દૂર રહી, પણ તેના પર ધ્યાન આપવાનું સુધ્ધાં સરકારે જરૂરી ગણ્યું નહીં. રાષ્ટ્રીય માનવ-અધિકાર આયોગ તથા અન્ય માનવ-અધિકારની જિકર કરતા કાર્યકર્તાઓએ હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરી, તે પછી સુપ્રીમ કોર્ટે પોતાના જુદા-જુદા આદેશો દ્વારા ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના સુચારુ સંચાલન માટે જુદા-જુદા આદેશો આપ્યા. જેમાં બિલ્કીસ બાનો સામૂહિક બળાત્કાર પ્રકરણની તપાસ સી.બી.આઈ.ને સોંપવાનો, બેસ્ટ બૅકરી પ્રકરણ તથા બિલ્કીસબાનો પ્રકરણની સુનાવણી મહારાષ્ટ્રમાં તબદીલ કરવાનો, તોફાનો સાથે સંકળાયેલી ૨,૦૦૦ જેટલી બાબતોની પુનઃતપાસ કરવાનો, નરોડા પાટિયા-ગુલબર્ગ સોસાયટી-સરદારપુરા-એવી નવ મુખ્ય ઘટનાઓ સારું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવાનો, ફેઇક એન્કાઉન્ટરની તપાસ સી.બી.આઈ.ને સોંપવાનો-એવા હુકમોનો સમાવેશ થાય છે.

સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકેનો હવાલો મળતાં લેખક આશાઓ અનુભવે છે : ‘મેં આ જવાબદારીને ઈશ્વરકૃપા ગણી, કારણ કે એણે મને એવી તક પૂરી પાડી કે જેથી સરકાર અને સ્થાનિક રાજકારણીઓનાં આયોજન અને લઘુમતી વિરોધી હિંસાના કારોબાર અંગેનાં સત્યોનો પર્દાફાશ કરી શકું!’

૯ ઑગસ્ટ, ૨૦૦૨ના રોજ તે સમયના ચૂંટણી-કમિશનર જે.એમ. લિંગદોહ રાજ્યની પરિસ્થિતિનો ક્યાસ કાઢવા ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ, મહેસૂલ તથા ગૃહવિભાગના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહે છે, ત્યારે જે.એમ. લિંગદોહ રાજ્ય સરકારના અહેવાલનો સ્વીકાર નહીં કરતાં ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે લેખકના અહેવાલનો સ્વીકાર કરી, રાજ્ય સરકારની રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી તાબડતોડ કરવાની મંશાને નકારી દે છે. એક તબક્કે રાજ્યના તત્કાલીન મુખ્ય સચિવ સુબ્બારાવ ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકેના લેખકના અહેવાલનું પિષ્ટપેષણ કરી, અહેવાલને નકારવાનો પ્રયાસ કરે છે, ત્યારે જે.એમ. લિંગદોહ મુખ્ય સચિવને ધમકાવતાં પ્રશ્ન કરે છે કે ‘શું આપ અધિક-પોલીસ મહાનિર્દેશક (ગુપ્ત બાબતો) શ્રીકુમારના દુભાષિયા છો ?’ શું તેમને અનુવાદકની જરૂર છે?’ ‘દુષ્પ્રચાર પર સત્યનો વિજય’ શીર્ષક હેઠળના પ્રકરણ-૪માં રાજ્ય સરકારના દુષ્પ્રચાર સામે કાર્યનિષ્ઠ અને સત્યપથના પ્રવાસી એવા લેખકનો વિજય થાય છે, અથથી ઇતિ અહીં વાંચવા-સમજવા મળે છે.

સત્યના પક્ષે રહેનાર અધિકારી એવા લેખકને સરકારની ખફગીનો ડગલે ને પગલે ભોગ બનવું પડે છે. અને સરકાર સામે કાનૂની સંઘર્ષમાં ઊતરવું પડે છે. આમ છતાં શ્રીકુમાર કહે છે કે ‘જ્યારે સરકારે મને હેરાન કરવામાં પાછીપાની કરીને જોયું નથી, ત્યારે મેં ક્યારે ય એવી લાગણી અનુભવી નથી કે હું સમાજથી વિખૂટો પડી ગયો છું. એની સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે સમાજના ઉચ્ચ વર્ગો તરફથી ક્યારે ય પણ મોદીસરકારની વિરુદ્ધના મારા વલણનું સમર્થન કરવામાં આવ્યું હોય!’ પ્રકરણ-૫નો મુખ્ય મુદ્દો ઘણાં બધાં ઉત્પીડન અને કાનૂની સંઘર્ષની ભીતરનો આ છે.

પ્રકરણ-૬ ‘ન્યાયપંચની ઉદાસીનતા’માં લેખકે સરકારે ૨૦૦૨નાં તોફાનો સંબંધે નિયુક્ત કરેલાં ન્યાયપંચોની ઉદાસીનતા કહો કે દોંગાઈને ખુલ્લી પાડી છે. જસ્ટિસ નાણાવટીપંચ સમક્ષ લેખકે ઉચ્ચ અધિકારી તરીકે રજૂ કરેલા અહેવાલો, સોગંદનામાની સાથાસોથ સરકારપક્ષેથી ઉચ્ચાધિકારીઓ તરફથી રજૂ થયેલ સોગંધનામાઓમાં સત્યથી વેગળી બાબતોની રજૂઆતો-વગેરેની વાચકની આંખ ઉઘાડી નાખે એવી હકીકતો આ પ્રકરણમાં વાંચવા મળે છે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કે જે સુપ્રીમ કોર્ટના આદેશો બાદ રચવામાં આવેલી, તેની કામગીરી કયા પ્રકારની હતી, તેની તપસીલ ‘સત્ય પર ઢાંકપિછોડો કરવાની પેરવી’માં લેખકે રજૂ કરી છે. ક્યારેક એવું લાગે કે ખાસ તપાસદળે સત્યાન્વેષણની કાર્યવાહી કરવાની છે કે પછી રાજ્ય સરકારની આડોડાઈનો બચાવ કરવાનો છે? એસ.આઈ.ટી.ના વડા ડૉ. રાઘવન ગુજરાતના સામૂહિક હત્યાકાંડ માટે જવાબદાર લોકોને આ ષડ્‌યંત્રમાંથી મુક્તિ અને નિર્દોષ હોવાનાં પ્રમાણપત્ર આપવામાં આજ સુધી સફળ રહ્યા છે.’ આ વિધાન વાંચ્યા પછી વાચકે આપમેળે નિષ્કર્ષ પર આવવાનું રહે છે!

લઘુમતી કોમ પ્રત્યેના પૂર્વગ્રહને કારણે તથા ભા.જ.પ. અને તેની ભગિની સંસ્થાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે કારણે તત્કાલીન મુખ્યમંત્રીથી માંડી રાજ્યના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજતા મુખ્યસચિવ તરફથી જેનો અમલ કાયદેસર થઈ શકે નહીં, તેવા આદેશોનું પાલન નહીં કરવા માટે લેખક એક ઉચ્ચાધિકારી તરીકે માનવ-અધિકારના હિમાયતી તરીકે અડગ અને અડીખમ રહ્યા, એ ફરજપરસ્તી અને કાર્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. ‘આદેશોના અવગણના પ્રકરણમાં સમયાંતરે સરકાર તરફથી થતી પેરવીઓને નિષ્ફળ બનાવવામાં, નિયમાનુસાર કાર્યવાહી કરવામાં પડતી અડચણોની પરવા કર્યા વિના ફરજનિષ્ઠ અધિકારી તરીકે માનવતાના પ્રહરી બની રહેવાની લેખકની ધખના કેન્દ્રસ્થાને રહેલી છે.

સંક્ષિપ્તમાં કહીએ તો ૨૦૦૨માં રમખાણોની ભીતરમાં રાજ્ય સરકાર અને શાસકોની લઘુમતી કોમ પ્રત્યેની મંશાને પાર પાડવા સારું કયા-કયા પ્રકારના માનવતાવિરોધી હથકંડા અપનાવવામાં આવ્યા, તેનો આબેહૂબ ચિતાર ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ સ્વરૂપે હિંમતપૂર્વક લેખક તરફથી આલેખવામાં આવ્યો છે, તેની સજ્જડ પ્રતીતિ પુસ્તકના પાને-પાને અનુભવવા મળે છે. આ પુસ્તક પ્રગટ નહોતું થયું અને લેખકનો પરિચય પણ નહોતો થયો, એ પૂર્વે ફરજના ભાગ રૂપે ૨૦૦૨ની ઘટનાની હકીકત  જાણવાની તાલાવેલી સાથે સચિવશ્રી કક્ષાની તત્કાલીન અધિકારી કે જેઓ પુસ્તકપ્રેમી હોવા ઉપરાંત સૌજન્યશીલ સ્વભાવ ધરાવતા હતા – તેઓને મેં પ્રશ્ન પૂછ્યો કે, ‘૨૦૦૨માંના ગુજરાતના બનાવો સમયે આપ ગૃહવિભાગમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા, તેમ છતાં આપની નિગેહબાની પોલીસતંત્ર રાજ્યમાં શાંતિ સ્થાપવામાં કેમ નિષ્ફળ નીવડ્યું?’ એ અધિકારીનો જવાબ ડિપ્લોમેટિક હતો, ‘આ બાબતે હું કશું કહી શકું નહીં.’ મારી આગળ મૌન રહ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.

આટલી નાનકડી વ્યક્તિગત કેફિયતને બાજુ પર મૂકીએ તો ‘નિરીક્ષક’ વિચારપત્રના તંત્રી, વિચારક અને કર્મશીલ પ્રકાશ ન. શાહે ‘સાચના સિપાહીની સોબતમાં’ – એ શીર્ષક હેઠળ જે પ્રસ્તાવના લખી છે, તેમાં આખાયે પુસ્તકનો સાર અને નિર્ભય પોલીસ અધિકારીની છબી સુવાંગપણે નીપજી આવે છે. આશ્ચર્યની બાબત એ છે કે ગુજરાતમાં ૨૦૦૨માં રમખાણો વખતે માનવતાના પ્રહરી બની રહેનાર આ લેખકની રાજ્યબહાર અને દેશબહાર પુરસ્કાર અને સન્માનથી કદર થઈ છે, પણ ઘરઆંગણે ‘ઘરકી મૂર્ગી દાલ બરાબર’ જેવી સ્થિતિ છે.

‘સતનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ – એ પ્રચલિત પંક્તિ સાથે શ્રીકુમાર સાહેબને સલામ અને મારી કલમને વિરામ!

પ્લૉટ ૬૫૨/૨, સિદ્ધા ર્થપાર્ક, સેક્ટર ૮, ગાંધીનગર-૩૮૨ ૦૦૭

————————————-

આ પુસ્તક ક્રૉસવર્ડ બુકસ્ટૉલ, એસ.જી. રોડ, અમદાવાદ તથા સેક્યુલર લોકશાહી આંદોલન, નર્મદ-મેઘાણી લાઇબ્રેરી, નટરાજ રેલવે-ક્રૉસિંગ, મીઠાખળી, અમદાવાદ પાસેથી પ્રાપ્ત થઈ શકશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 08-10

Loading

એક મુસલમાનની કૅઝ્‌યુઅલ ડાયરી

એ.ટી. સિંધી|Opinion - Opinion|16 September 2019

તા : ૨૩-૦૪-૨૦૧૯

ભારતદેશની ૧૭મી લોકસભા માટેની ચૂંટણી-પ્રક્રિયાના ત્રીજા તબક્કાના મતદાનનો દિવસ.

સ્થળ : વિકાસમાં ગુજરાતમાં પછાત ગણાતા એક સંસદીય વિસ્તારના નાના શહેરમાં મુસ્લિમ વસ્તીવાળો રહેણાક વિસ્તાર.

સમય : સવારના અગિયાર વાગ્યાની આસપાસનો. આ મહોલ્લામાં કાયમી ધોરણે લારી લઈને શાકભાજી વેચવા આવતાં સીતાબહેન સાથે મહોલ્લાવાસી મુમતાઝબહેનનો સંવાદ :

સીતા : ’કેમ મુમતાઝબુન વોટિંગ કરી આયાં ?’

મુમતાઝ : ’હા, જોને એટલે જ મોડું થયું … તું તો બાઈ ક્યારની મહોલ્લામાં આવી છે, તું વોટ કરવા નથી ગઈ !?’

સીતા : ’બસ એક-બે ઘરાકો પતાવીને હુંયે પાછી જવાની … અમારું તો ઘર દૂર … દાડો માથેથી ઊતરે પછી જ જવાહે …પણ તમે કુને આલ્યો ?’

મુમતાઝ : ’જેને આલ્યો એને ખરો, પણ બાઈ પહેલાંની જેમ તોફાનો ના થાય ને કાયમી શાંતિ રે તો બસ !’

સીતા : ’બુન, હું ય એ જ કું શું ! અમારી વાડમાં પણ બધાં ઇમ જ કેસે કે મોદી ની આવે તો ફેર પાછાં તોફાનો ને કડફ્‌યું … ને – ધંધા બંધ થઈ જાઇ હે … ધંધો નો કરીએ તો શું ખાઈએ ? … અમારે તાં તો બધા ઇમ જ કેસે કે એ આવી જાય તો બસ !… શાંતિ તો રે !’

મુમતાઝ : ’અમે ય એ જ કહીએ છીએ … બીજું બધું તો ઠીક પણ તોફાનોથી તોબા ! … અલ્લા બચાવે !’

સાંજના સમાચાર :  દેશની જેમ ગુજરાતમાં પણ’ શાંતિપૂર્વક’ મ … ત .. દા … ન.

*  *  *

તા : ૨૪-૦૪-’૧૯થી ...

મતદાન પછીના દિવસોમાં મસ્જિદોમાં મૌલવી, ઇમામો, નમાઝીઓ વગેરે પ્રાર્થના સાથે દુઆ કરે છે :

’હે ખુદા, તાઃ૨૩-૦૫-૨૦૧૯ના રોજ મુલ્કની હુકૂમત માટે ફેંસલો થશે. ઓ ખુદા, અમને મુન્સીફ (ન્યાય કરનાર) હાકેમની નવાજીશ કરશો. આમીન.’

’અમે મુજલીમ (પીડિત) છીએ, જાલીમ હુકમરાનોથી અમારો પીછો છોડાવ … અને ચોતરફ અમન-ઈમાનનો માહોલ સર્જાય એવી પરિસ્થિતિઓનું સર્જન કર. આમીન.’

’હે ખુદા … છેવટે તો સૌ ઇન્સાનો તારા બંદા છે … સૌનાં દિલ તારા કબજામાં છે … આગામી રમજાનમાસની બરકતથી તું સૌમાં પ્રેમ, હમદર્દી અને સદ્દભાવનું સિંચન કરી આપ. આમીન.’

*  *  *

તા : ૦૫-૦૫-૨૦૧૯

રમજાન માસનો ચાંદ, ઊગે છે … લોકો ચંદ્ર જોઈને … રોજાઓનો આરંભ કરે છે…ને આવનાર ઈદના ઇન્તજારમાં રાત-દિવસ ઇબાદતના જામ પીને ગમ ભૂલે છે. એમના ખયાલોમાં લોકતંત્રનાં બરકતી પરિણામોની આશાઓ પણ ઝૂલે છે…!

તા : ૧૬-૦૫-૨૦૧૯

વિચારપત્ર ’નિરીક્ષક’નો નિયમિત અંક મળ્યો છે. જાવેદ અખ્તર, ભરત મહેતા ને સંપાદક પ્ર.ન. શાહને વાંચીને એટલું સમજાયું કે ’પક્ષો વચ્ચેની નહીં પણ ’ભારત’ માટેની લડાઈ આ છે.’

તા : ૧૯-૦૫-૨૦૧૯

… ની સાંજે Exit Pollનાં વાદળો ઊમટી આવે છે.

તા : ૨૦-૦૫-૨૦૧૯

… ની સવારે ૫ઃ૦૦ વાગ્યે મિયાં સિદ્દીક મને મસ્જિદમાં મળે છે. ઉંમર વરસ પાંત્રીસેક.

’સાહેબ, અસ્સલામુઅલયકુમ’

’વઅલયકુમસ્સલામ, બોલો કેમ છો?’

’ખેરિયતમાં છું, પણ ગઈ રાત્રે અમારા પડોશની ઓરતોમાં ચર્ચા થતી હતી કે …. બધું વ્યવસ્થિત ને ઠેકાણે કરી લો … મહત્ત્વના ડૉક્યુમૅન્ટ્‌સની કૉપીઓ પણ કઢાવી લો … સાચવવા જેવું હોય એ બધું જ સુરક્ષિત ઠેકાણે રાખો … તા : ૨૩ મે,૨૦૧૯ આવી જ ગઈ છે !’

ખૂબ જ ગભરાઈ ગયેલા સિદ્દીકભાઈની આંખમાં નૂર ડૂસકાં ભરતું હોય તેવું લાગ્યું !

સિદ્દીકભાઈને પામી ગયા પછી એમને ખભે હાથ મૂકી એમને ભયમુક્ત કરવા મારે ખાસ્સી દલીલોનો સહારો લેવો પડ્યો. અંતે એમણે પૂછ્યું :

’સાહેબ,જયપુર જાઉં કે નહીં ?… તા. ૨૩મીનું રિઝર્વેશન છે,’

’કેમ?’

’ખરીદી કરવા … ઈદ આવે છે … નાનો વેપારી છું … કંઈક નવો માલ લઈ આવું તો તહેવારટાણે કમાણી થાય.’

’તે, જાઓને!’

’પણ, ટ્રેનમાં?’

’શું?’

’કહે છે કે હવે તો ગમે તે બહાને ગાડીઓમાં પણ તૂટી પડે છે … મારકૂટવાળી બ્રિગેડ … જાવેદને માથે ટોપી હતી ને એટલે જ ગાડીમાંથી બહાર ફેંકી દીધો હતોને.’

(તારીખ ૨૩મીએ પરિણામો આવે તે પહેલાં જ સિદ્દીકભાઈના વેપારની ગાડી પાટા પરથી ખડી પડી હોય તેમ લાગ્યું.)

*  *  *

તા : ૨૨-૦૫-૨૦૧૯

’હલ્લો, કવિ કિશોર કેમ છો ?…..

‘ઘણા દિવસો પછી ..!’

’દોસ્ત, તારે રમજાન છેને, રોજા મુબારક! …. કેવા દિવસો હતા … તમારા મુસ્લિમ મહોલ્લાના નાકે જ અમારું ઘર હતું. હવે તો જોને આ હાઈવે હાઉસિંગ સોસાયટીમાં તો કૅલેન્ડર જોઈએ ત્યારે જ ખબર પડે કે રમજાન માસની શરૂઆત થઈ ને હવે ઈદ આવશે ! .. ખૈર, કેમ છે?’

’તારો જો ફોન આવે તો હંમેશાં ઈદ જ છે ને … બાકી શું ચાલે છે? …. Exit Pollsનાં તારણો જોયાં કે નહીં?

’ઓ! બાપ’ રે! …. શું થવા બેઠું છે … આ બધું ..?’ ’જા .. દુ.’

’ચોક્કસપણે … જાદુ-નાટક … કીમિયાગીરી … દાદાગીરી … પ્રપંચ … જે કહો તે … રાહુલ ના જ પહોંચી શકે મદારીઓને. સીધો પડે. કેવો દમામ પાથર્યો છે. ભલભલા લપેટાઈ ગયા આ જાળમાં. છોડ યાર, ઢાળ હોય ત્યાં કોઈ સરળતાથી ઢળે તો કંઈ આપણે મુગ્ધપ્રેમીઓની જેમ તાળીઓ વગાડવાની ના હોય. મૂલ્યાંકન કરવાનું હોય!’

’પણ, આણે તો જબરું કર્યું!’

’હા, પણ આપણે અંજાઈ જઈશું તો ! ભારતનો ખયાલ જ ખતમ થઈ ગયો જાણો.’

’દોસ્ત, ભારતની બ્યુટી કોણ ખતમ કરી શકે?’

’મિત્ર, આપણે તો ’ઉમરાવજાન’, ’મુગલેઆઝમ’ ને વળી ’નવરંગ’ના રસિક મર્મીઓ. હમણાં ક્યાંક છાપામાં વાંચવામાં આવ્યું કે દિગ્દર્શક, નિર્માતા મુઝફ્‌ફરઅલીએ કહ્યું કે કવિતા જેવા ભારતદેશનો લય તૂટવાની શરૂઆત લગભગ બાબરી શહાદતથી થઈ જ ગઈ છે … કાવ્યાત્મક સંસ્કૃતિના આત્મા ઉપર કેવો જુલમ! ….. દુર્ભાગ્યે આપણે સાક્ષી થવાનું આવ્યું છે ..!’

’તા : ૧૬/૦૫ – નો ’નયામાર્ગ’ પાક્ષિકનો અંક જોયો?….. ઈંદુભાઈની સૂઝ પણ કમાલ છે, તા : ૧૮મી મે, જેમની જન્મતિથિ છે, એવા પૂરા કદના મુસ્લિમ ગુજરાતી કવિ મર્હૂમ આદિલ મન્સૂરી સાહેબની સુંદર ગઝલના બે શેર ૧૬/૫ના ‘નયામાર્ગ’માંથી વાંચીએ :

’વાંસળી પડઘાય આખા ગામમાં,

કૃષ્ણ એવું  શું છે  તારા  નામમાં !?’

’રોમરોમે મોરપીંછું ફરફરે,

કેવો જાદુ છે આ તારા નામમાં !’

… ને વળી સામે મારા ટેબલ પર ’ગુજરાત સમાચાર’ની ’શતદલ’ પૂર્તિમાં ડૉ. પ્રવીણ દરજીની કૉલમનો લેખ : ’મન તડપત હરિદર્શન કો’, કવિ શકીલ બદાયુની, ગાયક

: મહંમદ રફી, સંગીત : નૌશાદ … સુંદર લેખ!’

(એક સાથે આ બધુંયે ખંખેરી નાખવાના ઉપક્રમને એ લોકો હવે ’નયા ભારત’ કહેવા લાગ્યા છે. છી …  છી … કાલે વળી નવું શું કહેશે !? કહેવા દો … દર્દ કા હદ સે બઢ જાના દવા હો જાતા હૈ …)

*  *  *

તાઃ ૨૩, ૨૪, ૨૫, ૨૬ … સુધી ઊની-ઊની આંધી ચાલી … હા, સાંજે સેન્ટ્રલ હૉલમાં આગામી વડાપ્રધાનના પ્રવચન પછી કંઈક ઠંડક તો પ્રસરી પણ મૂંઝવણે કેડો ના મૂક્યો … નસ્તર મૂકતાં પહેલાં રસાયણ છાંટવામાં આવે છે એવું કંઈક … જે હોય તે!?…..’નવું ભારત’ કે Post Truth?

*  *  *

તા : ૨૭-૦૫-૨૦૧૯, માહે રમજાન પૂર્ણ થવામાં દિવસો દશ જ બાકી છે. બંદગી ને જિંદગી વચ્ચે મેળ સાધવા મથતો મુસ્લિમ સમાજ મસ્જિદોમાં હકડેઠઠ ઇબાદતોમાં મશરૂફ છે. ચૂંટણી-પરિણામોપૂર્વે કંઈક આશાસ્પદ ભાવથી દુઆ ગુજારતા બંદાઓ હવે ખામોશીથી સોશિયલ મીડિયા પર આશાના અંતિમ ઇલાજો શેર કરે છે :

‘શક્ય છે કે જે વસ્તુ તમને ના પસંદ હોય તે

તમારા માટે સારી હોય, અને જેને તમે પસંદ

કરતા હો છો, તે તમારા માટે નુકસાનકારક હોય.

અલ્લાહ (ગેબની વાતો) જાણે છે, તમે નથી જાણતા!’ (કુઑન : પારહ : ૨,સૂરએ-બકરહ)

‘હકૂમતોં કે આને સે ઔર જાને સે કુછ ફર્ક નહિ પડતા … અસલ મેં મકસદ પર નજર રહેની ચાહિયે … નજર હંમેશાં અલ્લાહ કી જાત પર રખેં … હાલાત બદલતે હૈ .. હમારે અલ્લાહ નહીં બદલતેપ. ઔર હાલાતકો અલ્લાહ હી બદલતે હૈ …’

(ચૂંટણી-પરિણામોના પ્રતિભાવમાં સૂફી પરંપરાના મૌલાના સલાહુદ્દીન સૈફીસાહેબની ટિપ્પણી)

*  *  *

તા : ૨૭-૦૫-૨૦૧૯ (ટી.વી. દૃશ્ય)

સ્થળ : શાંતિવન, દિલ્હી ક્યારે ય હતી નહીં, તેવી બોઝિલ શાંતિ વચ્ચે નેહરુ-ગાંધી પરિવારના સભ્યો પુણ્યતિથિ નિમિત્તે પંડિતજીને અંજલિ અર્પણ કરી રહ્યા છે.

(યાદ આવી ગઈ મને મારા વતનના ગામની ૧૯૬૪ની બળબળતી બપોર. ત્રણ-સાડા ત્રણ. દૂર મોટે ગામેથી સમાચારપત્રની થોકડી લઈ અમારા નાના ગામે થળમાં હાંફીને સાઈકલ પર આવતા ફેરિયાની વાટ જોવામાં મિત્રો સાથે ગોંદરે પસાર કરેલી ધગધગતી ક્ષણો … ને પછી છૂટા પૈસા આપી છાપું લઈ … દોડી ગયા હતા બાપા … દાદાની પાસે. વડીલો આશક હતા પંડિતજીના … અમે પણ રડ્યા હતા ચિતા પર મુકાયેલા પંડિતજીના મૃતદેહની તસવીર જોઈને!)

*  *  *

તા : ૨૮-૦૫-૨૦૧૯

વી. ડી. સાવરકર હા, જી વીર-સાવરકરની જન્મતિથિ. વરસે-વરસે જરા હટકે ઊજવાતી જાય છે. ક્યાંક-ક્યાંક કિશોર-કિશોરીઓમાં ખંજરો વહેંચવાનાં સમાચાર પણ વાંચ્યા.

*  *  *

તા : ૩૦-૦૫-૨૦૧૯

સ્થળ : નીચે ધરતી પર … દિલ્હીનું રાષ્ટ્રપતિભવન … નવા પ્રધાનમંડળની સોગંદવિધિનો સમારોહ : … મેં ઈશ્વર કો સાક્ષી માનકર શપથ … (કિન્તુ સૌગંધ ખાતે હૈં રામ કી … ઘર મે ઘૂસ ઘૂસ કે … અબ કી બાર …)

સ્થળ : ઉપર પરલોકે. ૧૫૦મી જન્મજયંતી ઉજવણીના શીર્ષકવાળી ટપાલ વાંચ્યા વિના જ મહાદેવભાઈ દેસાઈને સુપુર્દ કરી નેહરુ, સરદાર ને મૌલાના આઝાદથી આંખો મિલાવ્યા વગર ગાંધીજી કંઈક આવું બોલે છે :

’આપણે થોડી વધુ ધીરજ રાખી શક્યા હોત તો !’ વળી, નિસાસા સાથે, ’કાશ, ઝીણાના સવાલો વિશે … પૂરતું !!!’ …અને ત્યાં જ સરહદના ગાંધીનો ક્યાંકથી પોકેપોકે રડવાનો અવાજ સૌને વિહ્‌વળ કરી મૂકે છે. સૌ એમને સાંત્વના આપવાનું વિચારે છે, ત્યાં જ … વળી, દૂ … ર … દૂ … ર … થી (કદાચ સ્વર્ગ-નરકને જોડતા પુલ પરથી) વીર સાવરકર અને કાયદેઆઝમ ઝીણાના સંવાદ સંભળાય છે :

વીર સાવરકર : મિલાવો હાથ!

કાયદે આઝમ : હાથ! હાથ તો એ દિવસે કપાઈ ગયા. જે દિવસે વરુઓ વચ્ચે ધ્રૂજતા હૃદયે ને કાંપતા કલેજે મારે સહી કરવી પડી … નૉન-સૅન્સ !

વીર સાવરકર : દ્વિ-રાષ્ટ્ર, દ્વિ-રાષ્ટ્ર જોયું ! એક ઘા ને બે કટકા. પછી બ્રિટિશરોએ લીધા લટકા.

કાયદે આઝમ : અરે, ત્યાં સુધી તો ઠીક હતું, પણ વીર નીચે પૃથ્વી પર જો … વંદેમાતરમ્‌ને કે પાકિસ્તાન પયંમ્બાબાદ પૂરતું ચલાવી લેવાય ને કંઈક ચાલી પણ ગયું. પરંતુ … આ નવ્ય-સંસ્થાનવાદીઓ હજુ ય ક્યાં કેડો મૂકે છે ..!?

વીર સાવરકર : હું ને તમે તો દ્વિ-રાષ્ટ્રનું હુ … તુ. .. તુ … તુ … રમ્યા, પણ આ શું ! બૉટલોમાંથી નીકળેલા જીન જેવા ટ્રમ્પ, નેતાન્યાહુ ને વળી સત્તાલોલુપ ગલ્ફના મોહાંધ અરબી સુલતાનો સાથે આપણા નેતાઓની આંધળી સાંઠગાંઠ નવ્ય રાષ્ટ્રવાદના નામે ઉપખંડના હજુ કેટલા કટકા કરાવી નાંખશે, એની ચિંતા આપણને પરલોકે પણ ચેન લેવા દે એમ નથી. ચાલો, ગાંધીની માફી માંગીને પ્રાયશ્ચિત કરીએ.

હે, રામ …!                     

E-mail : atsindhimaulik@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 10-12

Loading

ગુજરાતમાં નારીચેતના અને વંચિત મહિલાઓનો પડકાર

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|16 September 2019

ગુજરાતમાં નારી ચેતના અને વંચિત મહિલાઓને પડકાર : લેખિકા – શીરીન મહેતા : પ્રકાશક – સુજાતા શાહ, માનદ્દ મંત્રી, દર્શક ઇતિહાસનિધિ : પ્રથમ આવૃત્તિ – 2019 : પ્રાપ્તિ સ્થાન – રંગદ્વાર પ્રકાશન

નમીએ જ પ્રભુ હું કરું, ધરજો ધ્યાન તમે,
દુઃખ અબળાનું કળજગ વિનવીએ હમે.
જ્ઞાતિ ડૂબી બાળલગ્નમાં, નથી સ્વપ્નસુખ,
નાદાન કંથોને જોઈ મુજ સહિયરો પામે દુઃખ,
નાના નાવલિયા સાથે મળે નહીં કોઈ દિન મન,
વ્યભિચાર બહુ આચરે સોંપી તન,મન, ધન.
જોઈ દુષ્ટ આ રિવાજોને, મન બહુ મૂંઝાય,
કોણ કાપે એ રિવાજોને, જેથી સુખ બહુ થાય.
વેરી માબાપ થાય છે, હણી પુત્રીનું સુખ,
સોંપે કસાઈઘેર પુત્રીને, જેથી અંતે થાય દુઃખ.
નાના નાવલિયાને નિહાળી-નિહાળી ઊઠે મનમાં લ્હાય,
ઝૂરી-ઝૂરી મુજ સહિયરો તાવે નિજ કાય,
હાય, દશા શું આવી બેઠી, અનાવિલ જ્ઞાતિ પરે
દુષ્ટ રિવાજો જ્ઞાતિના, શું થશે નાશ ખરે?

(‘બાળલગ્ન અબળાનું દુઃખ’, ૨।૧૧।૧૮૯૬ઃ અંકઃ ૨, પાનું : ૧૮૩) ‘અનાવિલ હિતેચ્છુ'ના અંકમાં તારા દેસાઈએ લખેલી આ કવિતા મને શીરીન મહેતાના પુસ્તકમાં સાંપડી. આમ તો આ પુસ્તકમાં ઠેરઠેર સ્ત્રીઓ અને પુરુષો રચિત કાવ્યો અને અવતરણો છે, જે સામ્પ્રત વાસ્તવિકતા પર વેધક પ્રકાશ પાડે છે.

૧૮૯૬થી ૨૦૧૯ સુધીનાં ૧૨૩ વર્ષમાં, ઉપલી જ્ઞાતિમાં બાળલગ્ન પ્રથા રહી નથી, બાળવિધવા અને અનૌરસ સંતાનો કે તેમના પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. અનાથાશ્રમોની જગ્યા આશ્રમશાળાઓ, બાળકો માટેની હૉસ્ટેલ વગેરેએ લઈ લીધી છે. દેશ આઝાદ થઈ ગયો અને આજનો નારો છે, ‘મેરા દેશ બદલ રહા હૈ’. નારીગૃહો હજી છે, બાળલગ્ન પ્રતિબંધક ખાતું હજી જિલ્લે-જિલ્લે છે! ગર્ભપાતનો છોછ નથી એટલે અનાથાશ્રમોની જરૂર નથી. છતાં હજી ‘બેટી બચાવો અને બેટી પઢાવો’, ‘કન્યાકેળવણી, રથ’ અને ‘કુંવરબાઈનું મામેરું’ જેવી યોજનાઓની જરૂર છે. આવી અનેક વિરોધાભાસી પરિસ્થિતિની કડવી વાસ્તવિકતાને સમાંતર આધુનિક અને અનુઆધુનિક પ્રવાહો સંદર્ભે શિરીન મહેતા પોતાનાં સાતસો સત્તાવીસ પાનાંના દળદાર પુસ્તકમાં વૈદિક યુગ, મધ્યકાલીન યુગ, બ્રિટિશ યુગ, સ્વતંત્રતા-આંદોલન સાથે ગાંધી યુગ અને વર્તમાન સ્થિતિની સ્ત્રીકેન્દ્રિત સમીક્ષા કરે છે.

તેઓ ઇતિહાસકાર છે. સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, આર્થિક, કાયદાકીય પરિસ્થિતિને એમણે સ્ત્રીઓના વિશાળ વર્ગસમૂહને ધ્યાનમાં રાખી મૂલવી છે. એમની ચર્ચાનું મુખ્ય કેન્દ્ર ગુજરાતનો ઇતિહાસ છે. સમગ્ર પુસ્તક ધ્યાનપૂર્વક વાંચતાં જે છાપ પડે છે, તે એ કે એમણે સ્ત્રીઓના દરજ્જાને, એમના દરેક સમયના પારિવારિક-સામાજિક પ્રદાનને, આઝાદી- આંદોલનને, નારીવાદી કે નારીમુક્તિ-આંદોલનને વૈશ્વિકથી તૃણમૂળ સુધી પ્રમાણવાનો પ્રયત્ન કર્યો  છે. એમણે આદિવાસી, દલિત, સીદી એવા લોકસમૂહ, આર્યવિભાવના, જ્ઞાતિ, લઘુમતીઓનાં વિવિધ પાસાંને આવરી લઈને પણ ચર્ચા કરી છે. ભાગ એકનાં દસ પ્રકરણોમાં ઇતિહાસનું ખોવાયેલું પાનું’ સ્ત્રી’, પ્રાચીન-મધ્યકાલીન કાળમાં સ્ત્રી, બ્રિટિશરાજમાં સ્ત્રી, નવા યુગની સ્ત્રી પાર્વતીકુંવર અને ડાહીગૌરીનાં દૃષ્ટાંત સાથે, ગુજરાતની સ્ત્રીસંસ્થાઓનો ઉદ્‌ભવ-વિકાસ, સ્ત્રી-સામયિકો : નારીચેતનાનો આવિષ્કાર (૧૮૫૦-૧૯૪૭), પરિશિષ્ટઃ પુનઃ વિવાહ, સાહિત્યમાં સ્ત્રીવિભાવના, કચ્છી-ભાટિયા સ્ત્રી સંદર્ભે મહારાજ લાયબલ કેસનું પુનઃ મૂલ્યાંકન, વિધવા- સમસ્યા, ઊકળતા ચરુ સમાન – પરિશિષ્ટ, પ્રથમ નારીવાદી સાહિત્યનું સર્જન – પંડિતા જમનાબાઈનાં લખાણો, ગાંધીયુગ અને નારીચેતના અને પાંચ પરિશિષ્ટમાં મોટીબહેન કાપડિયા, મીઠુંબહેન પીટીટ, લક્ષ્મીબહેન ડોસાણી, પુષ્પાબહેન મહેતા અને વિદ્યાબહેન નીલકંઠનાં જીવનકવન વિષયક આલેખન કર્યું છે. બીજા ભાગનાં અગિયાર પ્રકરણોમાં સર્વહારા – સબલટર્ન અભ્યાસની વૈચારિક ભૂમિકા, સ્વાશ્રયી બહેનોના સ્ત્રી ઇતિહાસની સમીક્ષા, દલિત મહિલાઓમાં ચેતનાનો ઉદય-વિકાસ, કમલાબહેન ગૂર્જર, દર્શનાબહેન મકવાણાના પ્રદાન વિશે, અનસૂયાબહેન સારાભાઈ – મજૂરનેતા, આદિવાસી નારીસમસ્યા – પડકારો, આદિવાસી સાહિત્યમાં વ્યક્ત થતી સામાજિક ચેતના, સીદીઓ : અનુસૂચિત આદિમ જનજાતિ, કચડાયેલી વંચિત મહિલાઓ અને સંસ્થાઓ : સેવા (અમદાવાદ), સહિયર (વડોદરા), અસ્તિત્વ (વલસાડ) વિશે, આધુનિક સ્ત્રી-આંદોલનો અને કાયદો, સમાપન સહિત સામગ્રી વર્ણવિત છે.

એમની ચર્ચામાં મને આંખે ઊડીને વળગી તે બાબત એ છે કે એમણે આઝાદી-આંદોલનમાં સ્ત્રીઓની ભૂમિકાને જે રીતે તપાસી છે, તે સમજવા જેવી છે. ગાંધીજીના આગમન પહેલાં એક વાતાવરણ તૈયાર થવા માંડ્યું હતું. સત્તરમી અને અઢારમી સદીના સુધારાના ભક્તિ-આંદોલનથી લઈ સામાજિક ક્ષેત્રે જે બદલાવ આવી રહ્યા હતા, સાહિત્ય અને લોકકલામાં એની અસર જે રીતે ઝિલાતી હતી, તેનો એક દાખલો તો ઉપરના કાવ્યમાં જ ઉપસ્યો છે. બ્રિટિશરાજમાં સુધારા અને રૂઢિચુસ્તતાનાં બેવડાં વલણો કેવી રીતે સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિ પર અસર કરતાં હતાં, તેની વિશદ છણાવટ એમણે કરી છે. સામે નર્મદ, ધર્મગુરુઓ, ગાંધીજી કે હિંદુ મહાસભાના કે અન્ય ધર્મના મોભીઓનાં વલણોને પણ સ્પષ્ટ કરી આપ્યાં છે. એક રીતે જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી!

મહારાજ લાયબલ કેસની વિગતો આપી પછી એ કિસ્સામાં સ્ત્રીઓની મનની વાત અને પ્રશ્નો એમણે સ્ત્રીઓની દૃષ્ટિથી ઉઠાવ્યા છે. વિધવા સ્ત્રીઓની સ્થિતિ, કાયદાઓ, સતીપ્રથા, વર અને કન્યાવિક્રય જેવાં સામાજિક દૂષણો સામે સ્ત્રીઓએ જે સંઘર્ષ કર્યો, તેની વાત સુપેરે કરી છે. ‘ગૃહરાજ્ઞી આર્યનારી દેવાંગના’નો પરંપરાગત વિચાર કેવી રીતે સાતત્યમાં રહ્યો, તે તો વારંવાર દર્શાવ્યું છે. તેની સાથે એમ કેમ બનતું રહ્યું, તેનો તર્ક દર્શાવીને સવાલો તો કર્યા જ છે. અનસૂયાબહેન, મૃદુલાબહેન, ચારૂમતીબહેન, પુષ્પાબહેન, જ્યોત્સનાબહેનથી લઈ આજનાં ઇલા ભટ્ટ, ઇલા પાઠક, તૃપ્તિ શાહ, દર્શના મકવાણા અને આ લખનાર (બકુલા) સહિત કાર્યકર્તાઓની પેઢીને એમણે વર્ણવી તો છે, એમનાં કાર્યોની સમીક્ષા પણ કરી છે. કસ્તૂરબાને અક્ષરજ્ઞાન માટે સક્રિય કરનારાં દશેરીબહેનને ભૂલ્યાં નથી. જમનાબહેન સક્કાઈ, બાજીગૌરી, નાનીબહેન, કૃષ્ણાગૌરી રાવલ, જરબાનુ ભરૂચા, શ્રીમતી બદરુદ્દીન લૂકમાની, સૂરજબહેન પટેલ, નર્મદાબહેન ત્રિવેદી, સૂરજબહેન કાપડિયા જેવી બહેનોની પેઢીએ જે શરૂઆત કરેલી એમનો તો એમણે સતત ઉલ્લેખ કર્યો છે. વિદ્યાબહેન, શારદાબહેનની વાત કરતાં પહેલાં એમણે પાર્વતીકુંવર અને એમના પ્રદાનની વાત કરી છે. સ્ત્રી સંસ્થાઓ, સ્ત્રીસામયિકોના સ્થાપકો ઉપરાંત લેખિકાઓ, કવયિત્રીઓએ સમયસમયે જે પ્રદાન કર્યું, તેના વર્ણન સાથે એમના સાંપ્રત સંઘર્ષનો ઉલ્લેખ તો ખરો જ. હરકુંવરબહેન જેવા દાનેશ્વરી સ્ત્રીની વાત તો માનપૂર્વક કરી છે. સુધારાપંથી પુરુષોના નામોલ્લેખો તો હોય જ. નવલરામ, દલપતરામ, કરસનદાસ મૂળજી, નર્મદ, રમણભાઈ નિલકંઠ, સુમંતરાય મહેતા અને અન્ય નામાંકિત પુરુષોના સહકારની વાત પણ અહીં થઈ છે. ૧૮૫૭ થી શરૂ થયેલા સ્ત્રીબોધ, સ્ત્રીમિત્ર (૧૮૬૭), સ્ત્રી-જ્ઞાનદીપક (૧૮૬૭), સ્ત્રી સદ્‌બોધરત્ન (૧૮૮૨), સુંદરીસુબોધ (૧૯૦૩), સ્ત્રી-હિતોપદેશ (૧૯૦૯), વનિતાવિજ્ઞાન (૧૯૦૯), ગુલશન (૧૯૧૩), સરસ્વતી (૧૯૧૫) સુધીનાં સામયિકોમાં સમાવિષ્ટ સ્ત્રીવિષયક મુદ્દાઓ અને એમાં લખનારા વિશે સારો એવો ઉલ્લેખ એમણે કર્યો છે. ગાંધીના આગમન પછી સમાજસુધારા અને સ્ત્રીવિષયક મુદ્દાઓની સમાંતર સ્વતંત્રતાની પ્રાથમિકતા અને સ્ત્રીઓનો સહભાગ કેવી રીતે અગત્યનો બન્યો, એની છણાવટ પણ એમણે સ્પષ્ટ રીતે કરી છે. રુક્માબાઈ, ફૂલમણિથી લઈ વર્તમાનકાળના મથુરા, ગુનતાબહેન, ભંવરીદેવીના કેસની વાત લખી કાયદાકીય બદલાવ છતાં કડવી વાસ્તવિકતાઓનો નિર્દેશ એમણે સમયાનુસાર કર્યો છે.

આ ઐતિહાસિક પરિપાટી સમજીએ છીએ, ત્યારે મારા મનમાં આજની પરિસ્થિતિના સંદર્ભે કેટલાક પ્રશ્નો અવશ્ય ઊઠે છે. આજનાં સ્ત્રીલક્ષી સામયિકો  કયું અને કેવું સાહિત્ય પ્રકાશિત કરે છે સ્ત્રી-સંસ્થાઓનાં સામયિકો જેમ કે ‘અનસૂયા’, ‘નવ્યઉજાસ’, ‘ચિનગારી’, ‘જ્યોતિસંઘ પત્રિકા’ વગેરે સંસ્થાઓ પૂરતાં મર્યાદિત લાગે છતાં એમનું પ્રદાન નોંધવું જોઈએ. ‘નારીમુક્તિ’ જેવું સામયિક એમની નજરબહાર કેમ ગયું તે સવાલ મનમાં થયાં. જો કે એવું પણ બન્યું છે કે ત્રણચાર પત્રિકા જેવાં નારીવાદી સામયિકો શરૂ થયાં ને તરત બંધ પડ્યાં કે ‘સહિયારી ઊર્જા’ જેવાં તો શરૂ જ ન થયાં તે ય સાચું છે!

તો બાકીનાં લોકપ્રિય સ્ત્રીસામયિકોમાં પ્રગટ થતી વાચનસામગ્રીનું મૂલ્યાંકન પણ જરૂરી છે. જાણ્યેઅજાણ્યે પણ “ગૃહલક્ષ્મી આર્યનારી દેવાંગના”ની એકવિધ, પરંપરાગત, બીબાંઢાળ છબી દૃઢ થાય તેવો સિનારિયો છે. સ્ત્રીઓની સમસ્યાઓ તો આજે પણ છે જ, આપણે એકસાથે ત્રણચાર સદીમાં જીવીએ છીએ. વર્ગ, વર્ણ, જાતિ, લિંગભેદ તો છે જ. આઝાદ ભારતમાં સમાન  બંધારણીય અધિકારો પ્રાપ્ત કરનાર સ્ત્રીઓને એ મેળવી આપનાર બાબાસાહેબ આંબેડકર વિશે શીરીનબહેને તટસ્થતાથી પ્રશંસાપૂર્વક લખ્યું છે. મનુસ્મૃતિને જાહેરમાં બાળવાની હિમાયત કરનાર બાબાસહેબને સ્પીકર હનુમંતૈયા અને કૉંગ્રેસ પ્રમુખ પટ્ટાભિ સીતારામૈયા ૧૯૫૧માં બંધારણના ઘડવૈયા તરીકે ‘આધુનિક મનુ’ કહે છે, તે વિરોધાભાસ પણ અહીં દર્શાવ્યો છે. (પાનું : ૫૬૯) આટલા સમાન બંધારણીય હક્કો પછી પણ જે નથી મળી શક્યું, તેની છણાવટ કરતાં એમણે સરકારનાં ધાકરા મંડળોથી લઈ સખીમંડળો સુધીનાં કાર્યકાળમાં વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે.

મધ્યમવર્ગની, ઉચ્ચવર્ગની, શિક્ષિત, શહેરી સ્ત્રીઓની સમાંતર જ ગ્રામીણ, અશિક્ષિત, આર્થિક રીતે સંઘર્ષ કરતી, શ્રમજીવી સ્ત્રીઓની સમસ્યાઓમાં કયો અને કેવો ફરક છે, ખરેખર ફરક છે કે કેમ, લોકોમાં તે વિશે કેવા ભ્રામક ખ્યાલ છે, કોણ વધારે સક્ષમ કે અક્ષમ, તેની છણાવટ ખૂબ જ તર્કસંગત દલીલ દાખલા સાથે એમણે કરી છે. આદિવાસી, શ્રમજીવી સ્ત્રીઓ વધારે સ્વતંત્ર કે મુક્ત અને જેમ સ્ત્રી વધારે સલામત તેમ તેના  પર બંધન વધારે એવી ભ્રમણાઓનો એમણે અહીં પર્દાફાશ કર્યો છે. હજી આજે પણ સ્ત્રી-ભ્રૂણહત્યા, બળાત્કાર, સ્ત્રીઓ પર વિવિધ પ્રકારની હિંસા, દહેજપ્રથા જેવાં દૂષણો છે. દ્રૌપદીના સમયખંડથી ચોટલાખત સુધીના સમયપ્રવાહથી આપણે આગળ નીકળી ચૂક્યા હોઈએ તો પણ ગરીબી અને એનાં વિષચક્ર અને પરિણામોનો ઉકેલ લાવી શક્યાં નથી, તેથી અવિરત સંઘર્ષ તો છે જ. ગુજરાતમાં શ્રમજીવી/ મજૂર-આંદોલન અને ગાંધીવિચારના પરિપાકરૂપ મજૂરમહાજન-સંબંધોની ફળદ્રુપ પરિપાટી છતાં પંચાણું ટકા અસંગઠિત ક્ષેત્રે કાર્યરત બહેનો માટે ‘સેવા’ જેવી સંસ્થાની મથામણ આજ પર્યંત યથાવત્‌ છે. અહીં એક વાત ઉમેરવાનું મન થાય છે કે ઇલાબહેન ભટ્ટે ‘શ્રમશક્તિ’નો જે અહેવાલ ગુજરાતીમાં પ્રકાશિત કરેલો, તેનું સંપાદન ડૉ. નીરા દેસાઈએ કરેલું. એ પુસ્તકનાં સંચારમાધ્યમો પ્રકરણનો અનુવાદ મારા ભાગે આવેલો એટલે ઇલાબહેન અને સાથીદારોની એ સમયની મહેનત વિશે મને પૂરો ખ્યાલ છે.

હજી પણ સ્ત્રીઓ માટે એક ડગલું આગળ અને બે પાછળ જેવી સ્થિતિ છે. પોતપોતાનાં ક્ષેત્રમાં આગળ છે, તો ક્યાંક સાથે Malebacklashનો ભોગ પણ બની રહી છે. માનવવિકાસ સૂચક આંકડાઓ પણ હજી પ્રોત્સાહક સ્થિતિ દર્શાવતા નથી. શીરીનબહેન એનો પણ ઉલ્લેખ કરે છે. એમણે દરેક વર્ગની સ્ત્રીઓની કેફિયત, કબૂલાત, અભિવ્યક્તિને આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. તેઓ નીવડેલાં ઇતિહાસકાર છે, એટલે ઝીણવટપૂર્વક નોંધો પણ મૂકી છે. જાતમુલાકાત પણ લીધી છે. પુસ્તક સાતસોથી વધારે પાનાંનું હોવા છતાં હજી વર્તમાન પ્રવાહોના વિશ્લેષણને અવકાશ હતો. રાજકીય સ્તરે નીતિવિષયક મામલે, ખાસ કરીને પંચાયતીરાજમાં સ્ત્રીઓનાં પ્રદાન, સંઘર્ષ અને સિદ્ધિની રસપ્રદ માહિતી આપી શકાત. સીદી-મુસ્લિમ, દલિત, આદિવાસી સ્ત્રીઓની વાતો થઈ છે, છતાં વર્તમાન પરિસ્થિતિમાં એમના સંઘર્ષની વાતો હજી હાંસિયામાં રહી જાય છે. ઓછી વસતી છે, સંપન્ન કોમ હોવા છતાં હાલમાં જ પારસીઓની આંતરજ્ઞાતીય લગ્ન કરતી દીકરીઓના પોતાના જન્મે પારસી હોવાના અધિકાર બાબતે સુપ્રીમ કોર્ટ સુધીના સંઘર્ષની નોંધ લઈ શકાઈ હોત. મૂળ વલસાડની અને હાલ મુંબઈની ગુલરૂખ ગુપ્તાએ લગ્ન પછી પોતાની પારસી ઓળખ માટે કરેલો કેસ હજી આજે પણ સ્ત્રીઓની ઓળખની કટોકટીના મુદ્દા પર બરાબર પ્રકાશ પાડે છે.

શીરીનબહેને સ્ત્રીઓની સામૂહિક ઓળખ – Collective Identityના મુદ્દાની ચર્ચા પુસ્તકમાં સુપેરે કરી છે, આ બાબત ખાસ કરીને તમામ સ્ત્રીઓ એકત્રિત થાઓની ભાવનાને ઉજાગર કરે છે, છતાં મારો અનુભવ એવો છે કે હજી સ્ત્રીઓની સામૂહિક ઓળખ માટે, એમની સમસ્યાઓના ઉકેલ માટેની દડમજલ સરળ નથી. જેમ કે આઝાદી પહેલાં સ્ત્રીઓના દરજ્જાને સ્પર્શતી સામાજિક બાબતે સુધારાનો અવકાશ હતો, તે આઝાદી આંદોલનની પ્રાથમિકતામાં હાંસિયામાં ગયો. સ્ત્રીઓ આંદોલનમાં ઘણી સક્રિય થઈ છતાં નીતિવિષયક બાબતે એમની ભૂમિકા કંઈક અંશે સીમિત પણ રહી ને ફરીથી તેઓ ઘર – પરિવાર – સમાજ અને આર્થિક રીતે પગભર થવાના સંઘર્ષમાં ગૂંચવાતી રહી! વર્ગ, વર્ણજાતિવિષયક સમાનતા બાબતે એવું વલણ જોવા મળે કે પહેલી પ્રાથમિકતા દલિત, આદિવાસી, લઘુમતીના મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની, સમાનતા સિદ્ધ કરવાની આવશ્યકતા છે, તે સામૂહિક સંઘર્ષ પતે એટલે સામાજિક, પારિવારિક અંતર્ગત સમાનતાનો પ્રશ્ન ઉકેલાઈ જશે એવું જે-તે વર્ગની સ્ત્રીઓને સમજાવાય છે અને સ્ત્રીઓ તે સ્વીકારે છે !

ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં પુરુષો અને સ્ત્રીઓની જે માનસિકતાનું Conditioning થયું છે અને થઈ રહ્યું છે, તે બધી સ્ત્રીઓ એક રહોની વિભાવનાને કેટલી ન્યાયમૂલક બનાવશે, તે તો સવાલ જ છે! એક બાજુ સ્ત્રીઓની મુક્તિની ઝંખના બળવત્તર બની રહી છે, તો બીજી બાજુ એના પર પાબંદીની સાંકળ પણ મજબૂત બની રહી છે. પરિવાર બચાવવા માટે સ્ત્રીને જવાબદાર બનાવવાની વાતમાં ‘સ્ત્રી બચે તો પરિવાર બચે’ની વિભાવના ભુલાઈ જાય છે, તે રીતે સદ્‌ગુણી સ્ત્રીનો મોટો ગુણ સહનશીલતા હોય છે, એ પરિપાટીમાં રાચતા સમાજમાં આજની સ્ત્રીઓમાં સહનશીલતા ઘટી રહી છે, એટલે પરિવાર તૂટે છે, તેવી ભ્રમણાઓ ફેલાતી રહી છે, તે સ્ત્રીઓનાં દરજ્જા, સ્થાન, સમસ્યાના ઉકેલ માટે બાધક પણ છે. એક બાજુ વૈશ્વિકીકરણ અને બીજી બાજુ સાંસ્કૃતિકીકરણની સમાંતર થતી પ્રક્રિયામાં સ્ત્રીઓનાં અસ્તિત્વ, વ્યક્તિત્વ અને સહઅસ્તિત્વનો મુદ્દો જટિલ બની રહ્યો છે. આજના માહોલમાં આ સવાલોના જવાબો શોધવાની પણ જરૂર વધી રહી છે. આ પુસ્તક છેલ્લી બેત્રણ સદીની સામાજિક ગતિવિધિઓ સમજી એ સવાલોના જવાબ શોધવા માટે માર્ગદર્શક બને એવી આશા. એક મર્યાદા દેખાતી રહી, તે એ કે અમુક મુદ્દા, ઘટના અને વ્યક્તિઓનાં નામોનું પુનરાવર્તન ચાળીને ટાળી શકાયું હોત.

દર્શક ઇતિહાસ નિધિએ આ પુસ્તકને પ્રકાશિત કર્યું છે અને હસમુખભાઈ શાહ, ત્રિદીપ સુહૃદે એને આવકાર્યું છે. હસમુખભાઈના મંતવ્ય સાથે સંમત થવાય એવું છે કે આ પુસ્તકને ગુજરાતની યુનિવર્સિટીઓ પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારે. પોતાના નિવૃત્તિકાળમાં સતત કાર્યશીલ રહી આ પ્રકારનાં પુસ્તક માટે નિસબત રાખનાર આદરણીય શીરીનબહેનને વંદન. વર્તમાન પ્રવાહોને લક્ષ્યમાં લઈ આજની સ્ત્રીઓના સર્વસમાવેશક પ્રદાનની નોંધ પણ ઇતિહાસ લેશે, તેવી આશા અસ્થાને નથી, કારણ કે સ્ત્રી ઇતિહાસની એક પરિપાટી બની ચૂકી છે.

e.mail : bakula.ghaswala@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 13-15

છબિ સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલા

Loading

...102030...2,6822,6832,6842,685...2,6902,7002,710...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved