Opinion Magazine
Number of visits: 9576787
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વચ્છતા અંગેનો ખર્ચઃ એક મૂડીરોકાણ

અનિલ વાઘેલા|Opinion - Opinion|26 September 2019

સ્વચ્છતા શબ્દ લેટિન ભાષાનો ‘Sanitas’ પરથી ઊતરી આવ્યો, જેનો અર્થ ‘આરોગ્ય’ થાય છે. તેના પરથી ‘Sanitation’ શબ્દ બન્યો. સ્વચ્છતા જ આરોગ્ય અને પર્યાવરણના કેન્દ્રમાં રહેલી બાબત છે, તેથી વ્યક્તિગત બાબત પણ તેની સાથે જોડાયેલ છે. વ્યક્તિ પોતે જો ખૂબ જ જવાબદારી સાથે સ્વચ્છતાને પોતાના જીવન સાથે જોડી દેશે, તો ભારતમાં સ્વચ્છતાને લગતા પ્રશ્નો આપોઆપ દૂર થઈ જશે.

સ્વચ્છતાનાં ક્ષેત્રો અને ખર્ચઃ

૧. પર્યાવરણ અને ખર્ચઃ

સ્વચ્છતા સાથે પર્યાવરણનો સીધો સંબંધ રહેલો છે. આજે વૈશ્વિક સમસ્યા પર્યાવરણની છે. જલાવરણ, વાતાવરણ, મૃદાવરણ, જીવાવરણ જેવાં સ્વરૂપો પર જોખમો ઊભાં થયાં છે. આજે આ પર્યાવરણનાં સ્વરૂપો પર ગંભીરતાપૂર્વક પગલાં લેવા જરૂરી બન્યાં છે.

ખાસ કરીને અણુપ્રયોગો પાછળ થતો ખર્ચ બચાવવો, રાસાયણિક ઉદ્યોગો પર અંકુશ મૂકવા. વાહનવ્યવહારો પર ટેક્‌નોલૉજીનો ઉપયોગ, જંગલોનું સંરક્ષણ, પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ, પ્રદૂષિત પાણીનો પુનઃ ઉપયોગ, લોકજાગૃતિ માટેના પ્રયાસો વગેરે બાબતો પાછળ થતો ખર્ચ ખરેખર ખર્ચ નથી, કારણ કે આપણને આ ખર્ચથી કાયમી ધોરણે તેનાં સારાં પરિણામો મળ્યાં કરશે. જો પર્યાવરણ પાછળ ખર્ચ થશે, તો પર્યાવરણથી થતા લાભો સમગ્ર સૃષ્ટિને બચાવી શકશે. મનુષ્યજીવનને વધુ બહેતર કરી શકાશે. પર્યાવરણ-જાળવણીનું ખર્ચ દૂઝણી ગાય સમાન છે, તેથી સરકાર કે વ્યક્તિ જો ખર્ચ કરશે, તો કાયમી ટકાઉ લાભો મળતા રહેશે અને આ રીતે તે એક ડહાપણપૂર્વકનું મૂડીરોકાણ સાબિત થશે.

૨. આરોગ્યઃ

સ્વચ્છતા સાથે આરોગ્યનો પ્રત્યક્ષ સંબંધ રહેલો છે. આરોગ્ય વ્યક્તિગત અને સામુદાયિક હોય છે. જેટલી સ્વચ્છતા એટલું જ આરોગ્ય સારું. પરંતુ આરોગ્યના કેન્દ્રમાં સ્વચ્છતા જરૂરી છે. જેટલો ખર્ચ આરોગ્ય સારુ કરવા (વ્યક્તિગત કે સામુદાયિક) કરવામાં આવે છે, તેના કરતાં સ્વચ્છતા પાછળ ખર્ચ કરવામાં આવે, તો આરોગ્યના પ્રશ્નો દૂર થઈ જાય. ગ્રામ-નગરસફાઈ, શાળા-કૉલેજ સફાઈ, ઉકરડા પર પ્રતિબંધ, આરોગ્ય શિક્ષણ, જંતુનાશક દવાનો ઉપયોગ, રોગચાળા- માંદગી, હૉસ્પિટલ, જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો જેવી જગ્યાઓમાં સ્વચ્છતા જળવાય અને જાગૃતિ અને સભાનતા કેળવાય, તે માટે થતો ખર્ચ ખરેખર મૂડીરોકાણ બની જાય છે. જેમ વ્યક્તિ પોતાના મકાનમાં અને આસપાસમાં સ્વચ્છતા જાળવે છે, તેથી તેઓનું આરોગ્ય જળવાય અને તેની પાછળના ખર્ચને બચાવી શકે છે તેમ જ પોતાના માટે સમુદાયની પણ સ્વચ્છતા રાખે, તો આરોગ્યની પાછળ ખર્ચ કરવા કરતાં સ્વચ્છતાની પાછળ ખર્ચ એ મૂડી રોકાણ બની રહેશે. પરિણામે વ્યક્તિગત અને સામુદાયિક રીતે આરોગ્યની પાછળના ખર્ચ બચી શકશે અને કાયમી ધોરણે તેનાં સારાં પરિણામો મેળવી શકાશે.

૩. શિક્ષણઃ

શિક્ષણ એક એવું માધ્યમ છે કે જેનાથી પરિવર્તનો લાવી શકાય છે. જો સ્વચ્છતા અંગે જાગૃતિ કે સભાનતા લાવવી હશે, તો શિક્ષણને પ્રબળ બનાવવું પડશે. સ્વચ્છતા અંગેનું સામાજિકીકરણ શિક્ષણથી આપી શકાય. બાળકોને શાળાના માધ્યમથી સ્વચ્છતાના શિક્ષણ પર ભાર મૂકવામાં આવે, તો તેના જીવનનો એક ભાગ બની જાય. પ્રાથમિક શાળાથી શરૂ કરી ઉચ્ચ  શિક્ષણના તબક્કે સ્વચ્છતાને અભ્યાસક્રમનો એક ભાગ બનાવી દેવામાં આવે. વિવિધ સેમિનાર, વ્યાખ્યાનો, અભિયાનો, કાર્યશિબિર યોજવી જેવા પ્રયત્નો કરવા તેમ જ આ ક્ષેત્રે કામ કરનારાને પ્રોત્સાહિત કરવા.

આ સ્વચ્છતાના શિક્ષણ માટે, તેની જાગૃતિ માટે પ્રોત્સાહન આપવું, તે માટે ખર્ચ થતો હોય છે. આ વ્યક્તિગત વિવિધ એન.જી.ઓ., સરકાર, ઉદ્યોગો સી.એસ.આર. દ્વારા ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્વચ્છતાના શિક્ષણ પાછળનું ખર્ચ મર્યાદિત છે. જો આ ખર્ચ પૂરતાં પ્રમાણમાં કરવામાં આવે, તો એ મૂડીરોકાણ સાબિત થઈ શકે. સ્વચ્છતાના સામાજિકીકરણમાં શિક્ષણનો બહુમૂલ્ય ફાળો છે, માટે પ્રાથમિક શાળાથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ સુધી આ વિષય અભ્યાસક્રમનો ભાગ બનાવી દેવામાં આવે, તો બહુ ઓછા ખર્ચમાં મૂડીરોકાણ બની જશે તેમ જ સ્વચ્છતાના શિક્ષણ માટેના પ્રોત્સાહનથી પણ ઉત્સાહ વધશે, જે કાયમી ધોરણે લોકોમાં સભાનતા લાવી શકશે. અન્ય પ્રયત્નો કરતાં સ્વચ્છતાનું શિક્ષણ વધુ પ્રભાવી મૂડીરોકાણ બની જશે, જે કાયમી રીતે સારાં પરિણામો આપી શકે.

૪. સરકાર અને ખર્ચઃ

ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા છેલ્લા દસકામાં સ્વચ્છતા પ્રત્યે હકારાત્મક અભિગમ જોવા મળતો થયો છે તેમ જ તેની સ્વચ્છતા પાછળ ફરજો પણ છે. બંને સરકારો સ્વચ્છતા પ્રત્યે કાર્યક્રમો, યોજનાઓ, મિશનો, અનુદાન-જાગૃતિ અંગેના પ્રયાસો, પુરસ્કારો, પ્રોત્સાહનો, શૌચાલયો બનાવવાં વગેરે બાબતો પ્રત્યે પ્રયત્નશીલ છે, જે રીતે નિર્મળ ગ્રામયોજના, સ્વર્ણિમ ગ્રામ, સંપૂર્ણ સ્વચ્છતા, આંગણવાડી, પાણી પુરવઠા, ગટરયોજના, શૌચાલય યોજના, નિર્મળ ગ્રામ પુરસ્કાર, વિવિધ સ્પર્ધાઓ, કાર્યક્રમો, પ્રદર્શનો, સમૂહ-માધ્યમોનો ઉપયોગ વગેરે પાછળ ખર્ચ કરીને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ લાવવાના પ્રયાસો થાય છે. ખર્ચ તો થાય છે, પરંતુ ભારતની અતિ વસ્તી અને તેની મર્યાદિત સભાનતાના લીધે આ ખર્ચના સારાં અને ઝડપી પરિણામો લાવી શકાતાં નથી, આથી સરકારે વધુ ખર્ચ કરી તે ખર્ચ પાછળની તકેદારી અને ગંભીરતા લાવવી, તે બાબત જ હકીકતમાં મૂડીરોકાણ બનશે. માત્ર ખર્ચ નહીં, પરંતુ સરકાર દ્વારા ખર્ચ સાચા અર્થમાં મૂડીરોકાણ બની જાય એ મહત્ત્વનું છે. માત્ર ખર્ચ કરવાની જ જવાબદારી ગણવાના બદલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિગત જવાબદારી બનશે, તો સમગ્ર ભારતમાં કાયમી ટકાઉ મૂડીરોકાણ બની રહેશે.

૫. ગંદા વસવાટોઃ

સ્વચ્છતાનો સીધો સંબંધ ગંદા વસવાટ સાથે છે. આપણાં મહાનગરોની મોટી સમસ્યા ગંદા વસવાટો છે. આવા વસવાટોમાં પ્રાથમિક સુવિધાઓ-સવલતો હોતી નથી, જેમ કે પીવાનું પાણી, લાઇટ, રોડ, શૌચાલય, બાથરૂમ વગેરે તેમ જ આવા વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીઓ, ગંદા પાણીનાં તળાવ, ઉકરડા હોય છે, આથી શહેરોમાં અસ્વચ્છતા અને આરોગ્યના પ્રશ્નો ઉદ્‌ભવે, શહેરોનું પર્યાવરણ અને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. જો આવા વિસ્તારોમાં ખર્ચ કરી આવી પરિસ્થિતિઓ દૂર કરવામાં આવે અને કાયમી ધોરણે આ વસવાટો દૂર થાય, ત્યાંના લોકોની દારુણ સ્થિતિ દૂર કરી નવી વ્યવસ્થા કરવામાં આવે તો તેની પાછળ કરેલું ખર્ચ વાસ્તવમાં ખર્ચ ન રહેતા પર્યાવરણ અને લોકોની તકેદારીમાં અને જીવનશૈલીમાં રોકાણ બની રહે છે અને કાયમી ધોરણે શહેરોમાં કલંક સમાન સમસ્યાને દૂર કરી શકાય.

૬. સ્વચ્છતા – બાળકલ્યાણઃ

આજે વિશ્વના દેશો ભાવિ પેઢીના કલ્યાણ માટે સભાન બન્યા છે. કારણ કે આ ભાવિ પેઢી આવતી કાલનાં નાગરિકો છે અને તેના દ્વારા દેશની પ્રગતિ અને વિકાસ થઈ શકશે. ભારતના સંદર્ભમાં જોઈએ તો સરકાર દ્વારા બાળકલ્યાણના કાર્યક્રમો દ્વારા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પાછળ બાળકના જન્મ પહેલાં, જન્મ દરમિયાન, જન્મ બાદ અને બાળક કિશોરાવસ્થામાં પહોંચે, ત્યાં સુધી તેની તંદુરસ્તી, સ્વચ્છતા, રોગપ્રતિકારાત્મક દવાઓ, રસીકરણ અને સ્વસ્થ ઉછેર પાછળ અનેક ગણો ખર્ચ કરે છે. દેશની નવી પેઢી તંદુરસ્ત હશે, તો દેશનો વિકાસ વધુ હશે. આવી બાબતને ધ્યાનમાં રાખી માત્ર સરકાર જ નહીં, પણ કુટુંબીજનો પણ સભાન હોય છે અને તેની પાછળ આયોજન, યોજનાઓ અને બાળ કલ્યાણ કાર્યક્રમો કરવામાં આવે છે. કુટુંબ નિયોજન-કાર્યક્રમો અને ગર્ભ ધારણ કરેલા મહિલાના સ્વાસ્થ્ય અને તંદુરસ્ત બાળક જન્મે તે માટે ખર્ચ કરવામાં આવે છે. તે નવી પેઢીમાં એક પ્રકારનું રોકાણ છે અને આવું રોકાણ એ કુટુંબ- સમાજ અને દેશના વિકાસમાં, પ્રગતિમાં ઊગી નીકળે છે, આથી આવું ખર્ચ ભવિષ્ય માટે રોકાણ બની રહે છે.

૭. સ્વચ્છતા – કામદારો અને ખર્ચઃ

ઉદ્યોગો અને કામદારો સાથે સ્વચ્છતા સીધી રીતે જોડાયેલી છે. આથી જ ઈ.સ. ૧૯૪૮ના ઇન્ડસ્ટ્રિયલ ઍક્ટમાં કામદારોનાં સ્વાસ્થ્ય માટે કેટલાક નિયમો ઉદ્યોગો માટે ફરજિયાત બનાવ્યા છે. જેમ કે કામદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, બાથરૂમ, કૅન્ટીન, ગટર યોજના, શુદ્ધ હવા પૂરતો પ્રકાશ, યાંત્રિક સંરક્ષણ-સલામતી, સ્વચ્છતા, સુરક્ષા, કાર્યસંતોષ વગેરે બાબતો ઉદ્યોગોના ઉત્પાદન સાથે સંકળાયેલી બાબતો છે. સરકારી કે ખાનગી ઉદ્યોગો આ બધી બાબતો અંગે કાળજી લે, તો તેનાથી ઉત્પાદન વધશે અને કામદારોનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી બની રહેશે અને કાર્યસંતોષ વધશે, જે ઉદ્યોગોના નફાને વધારશે. આ બધી બાબતોની કાળજી લેવામાં ઉદ્યોગોના માલિકોને ખર્ચ કરવો પડે અને આ ખર્ચ હકીકતમાં મૂડીરોકાણ જ બની રહે છે, કારણ કે આ ખર્ચથી કામદારો ઉદ્યોગોનો નફો રળી આપે છે. તેની સલામતી અને ભવિષ્યની સુરક્ષાનું ખર્ચ પરિણામે રોકાણ બની રહે છે.

૮. સ્વચ્છતા – સમુદાયો અને ખર્ચઃ

આથી જ ભારતમાં આજે સ્વચ્છતા માટેની જે જાગૃતિ અને સભાનતા વધી છે, તેને સમગ્ર પ્રજાજનોએ આવકારી છે. લોકજુવાળ અને જીવનશૈલીમાં સ્વચ્છતાને આવકારી એ વિશ્વમાં નોંધનીય બાબત બની છે. ભારતના ઇતિહાસમાં આ સભાનતા અંગે વિશ્વએ નોંધ લીધી છે.

[શામળદાસ આટ્‌ર્સ કૉલેજ, ભાવનગર]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 13 − 15

Loading

શિક્ષક એટલે માણસ

‘અમલતાશ’|Opinion - Opinion|26 September 2019

પાટલી છોડીને બહાર

રમાનો પરિવાર શહેરમાં આવીને વસતા વસી તો ગયો પણ મુસીબતોનો તો ઢગલો જ વળી ગયો. સાવ નાનકડું ઘોલકા જેવડું રસોડું, અંધારિયું નવાણિયું અને પાંચ બત્તી ચાલે ત્યારે મોંસૂઝણું થાય તેવો ઓરડો ! તેમાં વળી મહામહેનત, લાગવગ, ભગવાનની બાધાઆખડી અને સાત પેઢીના વડીલોના આશીર્વાદે એક શાળામાં શિક્ષિકાની નોકરી મળી. અને શાળાયે કેવી ! ભગવાન શ્રીકૃષ્ણે પારાવાર કૃપા કરીને પોતાના બાલસખા સુદામાને નવો બંગલો બનાવી આપ્યો તે પછી તેની ખાલી પડેલી ફટેહાલ ઝૂંપડી જેવી જગ્યાએ શાળા ચાલતી. રમાને શરૂમાં તો બહુ ઓછું આવ્યું. આ બાજુ ગુરુ જેવી શાળા અને પેલી બાજુ ગોવિંદના સ્થાને ઘર બેમાંથી કોના પાયે પડવું ?

પણ જ્યારે વર્ગમાં પ્રવેશતી, ત્યારે કોણ જાણે ક્યાંથી ચૈતન્યના ફુવારા છૂટતા. આવી શાળામાં બાળકો પણ કેવાં ?! દુનિયાથી ડઘાયેલાં, ડરેલાં, સંકોચાયેલાં – ક્યારેક માત્ર ગંદાં અને બહુધા ગોબરાં ! રમા તો ભણાવતી વખતે પોતાનામાં મસ્ત થઈને, પાયથાગોરસના પ્રમેયમાં ડૂબકીઓ મારતી-મારતી ભણાવતી. વર્ગ અને ઘર બધું જ ભૂલી જતી. છતાં તેને થયું કે વાત જામતી નથી. વિદ્યાર્થીઓનો પ્રતિભાવ પણ ભાગ્યે જ સાંપડતો.

એક દિવસ, રિસેસ પડી જવા છતાં તે ભણાવતી રહી. અચાનક તેને ખ્યાલ આવ્યો કે છોકરાં ભૂખ્યાં થયા હશે. ઝટપટ સંકેલો કરીને તે બહાર તો નીકળી પણ તેની નજર ત્રીજી હરોળના ખૂણામાં બેઠેલી આશા ઉપર પડી. ઘણાં છોકરાં, ડબ્બા ખોલીને ખાવામાં હતાં પણ આશા માથું નીચું કરીને બેસી જ રહી હતી. ‘હશે કાંઈક’ એમ કરીને તેણે મન તો વાળ્યું પણ ગમેતેમ – આશાનો એ નિષ્પ્રાણ અને ચેતનહીન ચહેરો તેને છોડતો જ નહોતો. આમ ને આમ એક અઠવાડિયું વીત્યું. તે દરમિયાન તેણે કોઈ ના જાણે તેમ આશાની જાસૂસી જ કરી નાંખી. જે ચિત્ર ઊપસ્યું તે ગ્લાનિભર્યું હતું. તેના પિતા દારૂડિયા અને જુગારી હતા. મા ઘરકામના ઢસરડા કરતી. ઘરમાં હાલ્લાં ઓછાં અને કુસ્તી વધારે ! રમાએ નોંધ્યું કે આશા તો ખરે હાડકાંનો માળો બની ગઈ હતી. રમાએ મનોમન નિર્ણય કરી લીધો.

‘આશા, બેટા જરા આવ તો,’ વર્ગ છોડીને જતાં જતાં તેણે આશાને સાથે લીધી. નિશાળમાં એક ખૂણામાં તેને લઈ જઈ ખાસ્સું માખણ ચોપડેલી ચાર સ્લાઇસ બ્રેડનું પડીકું તેણે આશાને આપ્યું અને કંઈ જ બોલ્યા વગર ઝડપથી કૉમનરૂમમાં જતી રહી. અને પછી તો રમાનો આ નિત્યક્રમ થઈ ગયો.

એક દિવસ તેણે આ રીતે આશાને નાસ્તો આપ્યો અને ધીરેથી સરકી જવા જતી હતી, ત્યાં જ કલ્પનાબહેન, મંજુલાબહેન, હેતલબહેન અને દેસાઈસાહેબે તેને રોકી. ‘રમાબહેન, હજુ તો તમે આ સ્કૂલમાં નવા-નવા આવ્યાં છો અને આવી ચાલાકી !’ ગંભીરભાવે દેસાઈસાહેબ બોલ્યા. રમાને કાંઈ રમજ ન પડી; પણ તેની મૂંઝવણ દૂર કરતા મંજૂલાબહેન બોલ્યાં, ‘આમ તે કાંઈ હોય, બધું પુણ્ય તમે એકલાં જ લઈ જશો તો અમે શું કરીશું !’

સ્કૂલના હેડમિસ્ટ્રેસ કલ્પનાબહેન બોલ્યાં, ‘બહેન તમે ખૂબ સારું કર્યું. અમારી આંખો ખૂલી ગઈ. તમે રિસેસ વખતે રોજ અહીં ખૂણામાં જતાં તેથી અમે જાસૂસી કરી. પછી પેલી આશાને પણ પૂછ્યું તો ખબર પડી કે તમે તેના જેવાં છોકરાંને નાસ્તો કરાવો છો. બહેન, હવેથી તમે એકલાં નથી. અમે બધાં સ્વૈચ્છિક રીતે અમારા પગારોના દસ-દસ ટકા તમને આપીશું. નિશાળનાં છોકરાંને નાસ્તો કરાવવાની વ્યવસ્થા તમારે સંભાળવાની.’

‘બહેન, મને આ દિશા ચીંધનારા તો મારા પ્રોફેસર પટેલસાહેબ છે. આશાની સ્થિતિની મેં તેમને વાત કરી હતી. તેમણે કહ્યું કે “ખાનગી નિશાળોમાં ગરીબનાં બાળકો પ્રવેશ તો મેળવે, પણ તેમને માટે મધ્યાહ્ન ભોજન યોજના હોતી નથી. ‘રમા, આપણે થોડું ઓછું કમાયાં’તાં એમ કરીને પણ આવા  છોકરાંની આંતરડી ઠારજે બેટા, ગીતામાં કહ્યું છે ને, “પોતા માટે જે રાંધે તે પાપી પાપ ખાય છે.” અને વળી “શરીરમ્‌ આદ્યં ખલુ ધર્મસાધનમ્‌,” જો શરીરને પોષણ જ નહીં મળે તો સમાજમાંથી ધર્મ, વિદ્યા, જ્ઞાન કે સંસ્કાર રઝળતાં થઈ જશે.’ “એટલે, હું કાંઈ વિશેષ નથી કરતી – માત્ર ગુરુનું ઋણ ચૂકવું છું.”

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 23 

Loading

પાટલીની પેલે પાર

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|26 September 2019

સાંસ્કૃતિક – નૈતિક અધઃપતનથી આપણી શાળા કૉલેજો કેવી રીતે બાકાત રહી શકવાની? આ પ્રશ્ન આપણી સામે સૌથી મોટો પડકાર છે. અલબત્ત, તેની સામે આપણું ધ્યાન પણ ક્યાં છે?

મોબાઈલ, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયા વગેરે આપણા વિદ્યાર્થીઓને કોરી રહ્યા છે. પણ એ તરફ આપણે ભાગ્યે જ શિક્ષણની ભૂમિકાને સ્વીકારીએ છીએ.

મારા પરિચયમાં આવેલી અને હાલમાં એસ.વાય.બી.એ.માં અમદાવાદની એક કૉલેજમાં ભણતી સોનલ છેલ્લા કેટલાક દિવસથી ગૂમ થઈ ગઈ છે. સોનલ, ધોરણ-૯માં ભણતી હતી ત્યારથી હું એને ઓળખું છું. હું કેટલીક છોકરીઓને એક નાટક શીખવાડતી હતી, ત્યારે તેની સાથે પહેલો પરિચય થયો હતો. મૂળે ગામડાની છોકરી. અમદાવાદમાં હૉસ્ટેલમાં રહીને ભણીને તે કોલેજ સુધી પહોંચી. જ્યાં સુધી શાળામાં હોય ત્યાં સુધી થોડા ઘણા નીતિનિયમો વિદ્યાર્થીઓમાં રહેતા હોય. કોલેજમાં પ્રવેશ થાય એટલે નીતિ-નિયમોનો છેદ ઊડી જાય. કૉલેજમાં વર્ગો ચાલે નહીં. એટલે વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓની હાજરી કૉલેજ કરતા રિવરફ્રન્ટ પર વધુ દેખાય ! સોનલ સાથે ખરેખર શું બન્યું છે, એ તો ખબર નથી. માત્ર અંદાજ લગાવી શકાય! ગુજરાત સરકારે બધાને હાથમાં ટેબલેટ પકડાવી દીધા છે. અને JIOએ બધાને મફતમાં ઇન્ટરનેટ આપી દીધું છે. સોનલ, સીધીસાદી ગામડામાંથી આવેલી છોકરી, શહેરની ઝાકઝમાળમાં, કેળવણીના અભાવમાં કેવી રીતે ફસાઇ ગઈ હશે ?

કૉલેજોની બહાર ઘણા અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવીને બેસતાં હોય છે! જેમનું કામ જ હોય છે છોકરીઓને ફસાવવાનું. અને છોકરીઓ પણ ખોટા આકર્ષણમાં ફસાઈ જાય છે. સોનલ સાથે પણ લગભગ આવું જ કંઈક બન્યું છે. ફેસબુક અને વોટ્‌સએપ પર જે રીતે સોનલના ‘અતિ મોડર્ન’ ફોટા, સ્ટેટસ જોવામાં આવતા હતા, તેનાથી બધું જ સમજી શકાય. એની ઉંમર માંડ ૧૮-૧૯ વર્ષ ! પ્રેમ-લાગણીની પરિપક્વતા શું હોય, કેમ કરીને સોનલ જેવી છોકરીઓને સમજાય?

‘મળેલા જીવ’ કે ‘સરસ્વતીચંદ્ર’ આપણા અભ્યાસક્રમમાં હોય તો કંઈકેય લાગણીના સંબંધો સમજી શકાય. પણ એવું તો બન્યું નથી. સોનલ જેવી અનેક વિદ્યાર્થિનીઓ આ રીતે ખોટા સંબંધોમાં ફસાઈને ભણવાનું છોડી દે છે. એમાં વધારો થઈ રહ્યો છે, મોબાઈલ ઈન્ટરનેટના વિવેકહીન ઉપયોગથી. મને કાયમ એમ થાય કે સરકારે ટેબલેટ આપવાના બદલે અભ્યાસક્રમને લગતાં પુસ્તકો આપવાનો નિર્ણય શા માટે ના લીધો ? સોનલ જેવી અનેક વિદ્યાર્થિનીઓ ‘વર્ચ્યુઅલ વર્લ્ડ’માં પોતાનું ભણતર, કારકિર્દી અને ક્યારેક જીવન પણ ગુમાવી બેસે છે. ઉપરાંત શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે એક સ્વસ્થ – નિકટનો સંબંધ કેળવાય કે જ્યાં શિક્ષક વિદ્યાર્થીને જીવનના પ્રશ્નો વિષે માર્ગદર્શન આપી શકે, એવો સમય પણ સેમેસ્ટર પદ્ધતિમાં નથી મળતો. શિક્ષક-વિદ્યાર્થીનો સંબંધ પણ માત્ર પરીક્ષાનું સાહિત્ય મેળવવા પૂરતો સીમિત છે. સોનલનાં મમ્મી-પપ્પા નથી. ઘરડાં દાદી સાથે રહેતી હતી. દાદીના મન પર શું વીતતું હશે એ તો એ જ જાણે!

છેલ્લે એક વાત કહું. અમદાવાદ શહેરની એક જાણીતી કૉલેજમાં ‘સોશ્યલ મીડિયાનો ઉપયોગ અને વિદ્યાર્થિનીઓની સલામતી’ વિશે મારે વાત કરવાની હતી. મેં મને આવડે એવી રીતે, ‘હંમેશાં ચેતતા રહેવું’, એવી ભલામણ સાથે મારી વાત પૂરી કરી. ત્યાં જ એક વિદ્યાર્થિનીએ હાથ ઉપર કરીને કહ્યું કે મારે કંઈક બોલવું છે. એ વિદ્યાર્થિનીએ જાહેરમાં માઈક પર આવીને, પોતાના અધ્યાપકો અને સહાધ્યાયીઓની હાજરીમાં કહ્યું કે,“મારો પુરુષ મિત્ર ફેસબુક થકી જ બન્યો છે. અને વક્તવ્યમાં વક્તાએ, જે કોઈ સાવધાની રાખવાની વાત કરી એવી કોઈ બાબત મને મારા મિત્રમાં દેખાતી નથી”. આ સાંભળીને હું તો ખૂબ જ આઘાત પામી ગઈ હતી.

આપણે ક્યાં આવીને ઊભાં છીએ? પડતાં નૈતિક મૂલ્યોને બચાવવાની જવાબદારી શું શિક્ષણની નથી? સોનલ જેવી કેટલી વિદ્યાર્થિનીઓને આપણે ગુમાવીશું?

e.mail : vaghelarimmi@gmail.com

ઑલ ઇન્ડિયા ડી.એસ.ઓ.

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 24 

Loading

...102030...2,6742,6752,6762,677...2,6802,6902,700...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved